ગઝલ અને ગીત …(ચંદ્રેશ મકવાણા – (નારાજ)

મારી સમજણના છેડા પર જેની પક્કડ ભારી છે,
મોડે મોડે જાણ થઇ એ માણસ ધંધાદારી છે.
– ચંદ્રેશ મકવાણા (નારાજ)
અમદાવાદના રહેવાસી શ્રી ચંદ્રેશ મકવાણા ., અત્યારની પેઢીના તરોતાઝા કવિ તેમજ ગઝલકાર છે. તેઓ ગુજરાતીમાં  કાવ્ય – ગીત અને ગઝલ લખે છે. આજે તેમની બે રચના પ્રસ્તુત છે.  પ્રથમ ગીત  આંતરખોજનો વિષય છે – પથદર્શક છે, અને  ગઝલમાં જ્યાં તેઓ કલમની ધારેથી શબ્દને રસ્તો કરી આપે છે તો, જ્યારે તેમની બંને રચના  ખૂબ સુંદર અને મનનીય થઈ છે. પ્રસ્તુત રચના  શ્રી ભાવેશભાઈ ભટ્ટ દ્વારા ‘દાદીમા ની પોટલીને’ પાઠવવા બદલ શ્રી ચંદ્રેશભાઈનો તેમજ ભાવેશભાઈ ભટ્ટ નો ખૂબ આભાર.

 

ગીત : ૧
વૃક્ષ નથી વૈરાગી
એણે એની એક સળી પણ ઈચ્છાથી ક્યાં ત્યાગી?
જેમ ખૂટ્યા પાણી સરવરથી,
જેમ સૂકાયા ઝરણાં,
જેમ ભભૂકતી લૂ લાગ્યાથી
બળ્યા સુંવાણા તરણા.
એમ બરોબર એમ જ એને ઠેશ સમયની લાગી.
વૃક્ષ નથી વૈરાગી.
તડકા – છાંયા અંદર હો કે બ્હાર
બધુંયે સરખું,
શાને કાજે શોક કરું હું
શાને કાજે હરખું.
મૌસમની છે માયા સઘળી જોયું તળ લગ તાગી.
વૃક્ષ નથી વૈરાગી.

 

 

ગઝલ : ૧ટૂંકી ટચરક વાત કબીરા,
લાંબી પડશે રાત કબીરા.

 

અવસર કેવળ એક જ દિ’નો,
વચ્ચે મહિના સાત કબીરા.

 

ખુલ્લમખુલ્લી પીઠ મળી છે,
મારે તેની લાત કબીરા.

 

એક મૂરખને મીંઢો  ગણવા,
ભેગી થઇ છે નાત કબીરા.

 

જીવ હજી તો ઝભ્ભામાં છે,
ફાટી ગઈ છે જાત કબીરા.

 

-ચંદ્રેશ મકવાણા (નારાજ)