ગઝલ …(ભાવેશ ભટ્ટ)

ગઝલ : ૧ (ભાવેશ ભટ્ટ)

 

દુઃખ નથી એનું કે વિરામ નથી,
કામ  કહેવાય  એવું કામ નથી.

 

એટલે  શોધતો  નથી હું મને,
મારી ઉપર કોઈ ઇનામ નથી.

 

તારે સંબંધ બાંધવો છે ? બોલ !
કોઈ  મારી અટક કે  નામ નથી.

 

એક   બાબતમાં   હુંય   ઈશ્વર    છું,
આમ છું પણ ખરો અને આમ નથી.

 

માળીના  હાથમાં  હતી  કાતર,
બાગમાં  તોય  દોડધામ  નથી.

 

 

ગઝલ :૨

તારા વિશે વિચારવું તો રોજનું  થયું,
ખુદનું ગળું દબાવવું તો રોજનું થયું.

 

ગભરાઈ જાવ છો તમે રજકણના ભારથી?
રણને   ખભે   ઉપાડવું  તો  રોજનું   થયું.

 

લાગી છે આગ ચોતરફ તારા અભાવની,
એનાથી  ઘર   બચાવવું તો રોજનું  થયું.

 

તારું કશુંક આપવું તેહવાર  જેવું  છે,
મારું બધું જ માંગવું તો રોજનું થયું.

 

* ભાવેશ ભટ્ટ *
કવીસંપર્ક: બી-6, ચીત્રકુટ એપાટર્મેન્ટસ-2, દેવાશીષ સ્કૂલની સામે, બોડકદેવ
અમદાવાદ-380 054 ઈ-મેઈલઃ [email protected]
મોબાઈલ 92274 50244

 

 

 

 

ગઝલ – ગીત …(ભાવેશ ભટ્ટ)

વૃક્ષના ફતવા … (ભાવેશ ભટ્ટ)

ગઝલ : ૧
વૃક્ષના ફતવા બધા માની  લીધા,
મેં બધાં પંખીને સમજાવી લીધાં.

 

રહી ગયું હોવાપણું બસ નામનું,
તેં સૂરજમાંથી કિરણ કાઢી લીધા.

 

બસ હવે પાછાં જવું છે ઘર તરફ,
હું પડીકા દ્રશ્યનાં વાળી લીધાં.

 

એ ઉઝરડાઓથી  કંટાળી  ગયો,
તો હવાના નાખ બધા કાપી લીધા.

 

છાંયડા – તડકાને જ્યાં ભેગા કર્યાં,
સૌ રહસ્યો શ્વાસનાં  જાણી લીધાં.

 

ગીત : ૧

 

અમે તો સુખ-દુઃખના બંધાણી,
દરિયો ઉલેચવાને અમને મળી હથેળી કાણી.

 

સ્મિત અજાણ્યા, પારકાં આંસુ, વેશ બદલતા શ્વાસ,
રોજ ઠારતા, રોજ સળગતો, જન્મારાનો ભાસ;
રોજ રોજ કરવાની જ્યાં ત્યાં ‘હોવા’ ની ઊઘરાણી,
અમે તો સુખ-દુઃખના બંધાણી.

 

માથા ઉપર ‘ઢગલાબાજી’ કાયમ રમતું કોક,
તડકા ઊતરે છાંયા ઊતરે, હાથમાં મોટી થોક;
સમજી લો કે ગયા જીવથી રમત ગયા જો જાણી.
અમે તો સુખ-દુઃખના બંધાણી.

 

* ભાવેશ ભટ્ટ *
કવીસંપર્ક: બી-6, ચીત્રકુટ એપાટર્મેન્ટસ-2, દેવાશીષ સ્કૂલની સામે, બોડકદેવ
અમદાવાદ-380 054 ઈ-મેઈલઃ [email protected]
મોબાઈલ 92274 50244

 

ગઝલ …(- ભાવેશ ભટ્ટ -)

ગઝલ …(- ભાવેશ ભટ્ટ -)

 

(૧)
થઈ રહ્યું છે શું કશું જાણે જ નહીં ?
તો પછી આવો ખુદા ચાલે જ નહીં !

.

મેં કહ્યું આકાશની સોબત ન કર,
પણ અગાશી વાતને માને જ નહીં.

 

વૃક્ષની હું વારતા વાંચું અને,
વારતામાં પંખી આવે જ નહીં.

 

જીંદગીભર એટલે તપતા રહ્યા,
છાયંડાને છાયંડો ફાવે જ નહીં.

 

 

 

(૨)
જીંદગીના શું ખુલાસા થઈ શકે ?
આપણાથી તો તમાશા થઈ શકે !

 

જે  જગતની ખાસ વાતો હોય છે,
કોઈના માટે બગાસાં થઈ શકે.

 

એક ટીપું પણ કરી દે તરબતર,
એક દરીયાથી નીરાશા થઈ શકે !

 

માન કે ના માન પણ સાચું કહું,
આ નદી પવર્તની ભાષા થઈ શકે.

 

હું  અને મારી ગઝલથી શું થાય ?
એકબીજાના દીલાસા થઈ શકે !

 

* ભાવેશ ભટ્ટ *
કવીસંપર્ક: બી-6, ચીત્રકુટ એપાટર્મેન્ટસ-2, દેવાશીષ સ્કૂલની સામે, બોડકદેવ
અમદાવાદ-380 054 ઈ-મેઈલઃ [email protected]
મોબાઈલ 92274 50244

 

લઘુકાવ્યો … ગઝલ ( ભાવેશ ભટ્ટ)

લઘુકાવ્યો …ગઝલ  ( ભાવેશ ભટ્ટ)

લઘુકાવ્યો …
(૧)
રસ્તા પર બેવડ વળી ગયેલા
વૃક્ષને જોઈ બાળકે પૂછ્યું,
‘કેમ  અંગુઠા પકડીને ઉભું છે ?
તેં લેસન નોહતું કર્યું ?
* * *
(૨)
ટીકીટ લીધા વગર,
એક માણસ
ટ્રેઇનના  પાટા પર સુઈ ગયો,
ક્યાં નો ક્યાં પહોંચી ગયો..!
* * *

 

(૩)
કોઈ સારો કોમ્પ્યુટર એન્જીનીયર
ધ્યાનમાં હોય તો કહજો,
જેટલી વાર માણસ ડૉટકૉમ
ઍન્ટર કરું છું;
કોમ્પ્યુટર હેન્ગ થઈ જાય છે…!
* * *
(૪)
બટુ-પૉલીશની થેલી
ખભે લટકાવી
રસ્તા પર ફરતા બાળકની
ખરબચડી નજરમાં
દરેક વસ્તુની ચમક હતી.

 

ગઝલ – – ભાવેશ ભટ્ટ –

છીદ્રવાળું વહાણ છે તો છે,
પાણીને એની જાણ છે તો છે.

 

એ ભલે ફૂલછાબ જેવો છે,
પણ ફૂલોથી અજાણ છે તો છે.

 

કામ બીજું હવે રહ્યું ક્યાં ?
શ્વાસની  ખેંચતાણ છે તો છે.

 

હું  દીવસને નથી મળ્યો  ક્યારેય,
કોઈને ઓળખાણ છે તો છે.

 

જેવું જીવ્યા છીએ લખાયું એવું,
સાવ નબળું લખાણ છે તો છે.

 

* ભાવશે ભટ્ટ  *
♦ કવીસંપર્ક: બી-6, ચીત્રકુટ એપાટર્મેન્ટસ-2, દેવાશીષ સ્કૂલની સામે, બોડકદેવ
અમદાવાદ-380 054 ઈ-મેઈલઃ [email protected]
મોબાઈલ – 92274 50244

ગઝલ …(ભાવેશ ભટ્ટ)

ગઝલ …(ભાવેશ ભટ્ટ)

 

મૂળ  અમદાવાદના રહેવાસી શ્રી ભાવેશ ભટ્ટ., અત્યારની પેઢીના તરોતાઝા ગઝલકાર છે. તેઓ ઉર્દૂ અને ગુજરાતીમાં  કાવ્ય અને ગઝલ લખે છે. આજે તેમની બે ગઝલ પ્રસ્તુત છે.  આ પહેલા અહીં આગળ આપણે તેમની બે ગઝલો માણેલ. છેલ્લા બે વર્ષમાં તેમનો ગઝલ સંગ્ર્રહ (૧) ‘છે તો છે’ અને (૨) ‘વીસ પંચા’ પુસ્તક રૂપે પ્રકાશિત થઇ ગયેલ છે. દાદીમા ની પોટલીને પ્રસ્તુત ગઝલ પાઠવવા બદલ શ્રી ભાવેશભાઈનો ખૂબ આભાર.


(૧)
સૌ મીલન ભડકે બળે તારા વગર,
તું મને કાયમ મળે તારા વગર.

 

મેં  પછી આકાર લઈ લીધો હતો,
કોણ પાછું ઓગળે તારા વગર ?

 

તું નદી છે કે નથી કોને ખબર ?
તોય દરિયો ખળભળે તારા વગર !

 

કોણ આ મારી ભીતરથી નીકળી ?
કોણ આ પાછું વળે તારા વગર ?

 

હું ન ગરજું ન વરસું કૈં જ નહી,
જીદ પકડી વાદળે તારા વગર !

 

ગઝલ …
(૨)

સૌ દીશા મળશે નવી જો તો ખરો,
આ હકીકત ગોઠવી જો તો ખરો.

 

કોઈ પ્રકરણ  ક્યાંક સારું આવાશે,
એક પાનું ફેરવી જો તો ખરો.

 

જીંદગીમાં એક અજવાળું  થશે,
તું અતીતને ઓલવી જો તો ખરો.

 

હર જગા આકાશ જેવી લાગશે,
એક પીંછું સાચવી જો તો ખરો.

 

તું પછી ભગવાનગીરી નહીં કરે,
મારું જીવન ભોગવી જો તો ખરો.

 

રચિયતા – ભાવેશ ભટ્ટ …
* ભાવશે ભટ્ટ  *
♦ કવીસંપર્ક: બી-6, ચીત્રકુટ એપાટર્મેન્ટસ-2, દેવાશીષ સ્કૂલની સામે, બોડકદેવ, અમદાવાદ-380 054
ઈ-મેઈલઃ [email protected]
મોબાઈલ – 92274 50244

ગઝલ –(ભાવેશ ભટ્ટ)

ગઝલ –
મૂળ બોડકદેવ, અમદાવાદના રહેવાસી શ્રી ભાવેશ ભટ્ટ., અત્યારની પેઢીના તરોતાઝા ગઝલકાર છે. તેઓ ઉર્દૂ અને ગુજરાતીમાં  કાવ્ય અને ગઝલ લખે છે. આજે તેમની બે ગઝલ પ્રસ્તુત છે.  આ પહેલા છેલ્લા બે વર્ષમાં તેમનો ગઝલ સંગ્ર્રહ (૧) ‘છે તો છે’ અને (૨) ‘વીસ પંચા’ પુસ્તક રૂપે પ્રકાશિત થઇ ગયેલ છે. પ્રથમ ગઝલમાં જ્યાં તેઓ કલમની ધારેથી શબ્દને રસ્તો કરી આપે છે તો, જ્યારે બીજી ગઝલ આંતરખોજનો વિષય છે – પથદર્શક છે,  બંને ગઝલ ખૂબ સુંદર અને મનનીય થઈ છે. દાદીમા ની પોટલીને પ્રસ્તુત ગઝલ પાઠવવા બદલ શ્રી ભાવેશભાઈનો ખૂબ આભાર.
અશોકકુમાર -‘દાસ’
(૧)

ચીંતા કરવાની મેં  છોડી,
જેવું પાણી એવી હોડી !

 

ટુકડા શોધું અજવાળાના,
કોણે મારી સવાર તોડી ?

 

ચોક્કસ  ઘટના જેવો છું હું,
તું આવે છે વ્હેલી-મોડી.

 

બારી એવા દૃશ્ય બતાવે,
ભીંતો  કરતી દોડા-દોડી.

 

એક જનમની વાત નથી આ,
કાયમની છે માથાફોડી.

 

(૨)

એવા થાકીને ઘર આવ્યા,
પડછાયાને ચક્કર આવ્યા.

 

કેમ સમયજી  ખુશ લાગો છો ?
કોને મારી ટક્કર આવ્યા?

 

કૈંક લખ્યું જ્યાં તારા માટે,
આંસુ જેવા અક્ષર આવ્યા.

 

છેક નદીની વચ્ચે પહોંચ્યા,
આજ કીનારા વટ પર આવ્યા.

 

બસ દુનીયાનાં દ્વારે બેઠા,
બહાર ગયા ના અંદર આવ્યા.

 

* ભાવશે ભટ્ટ  *
♦ કવીસંપર્ક: બી-6, ચીત્રકુટ એપાટર્મેન્ટસ-2, દેવાશીષ સ્કૂલની સામે, બોડકદેવ
અમદાવાદ-380 054 ઈ-મેઈલઃ [email protected]
મોબાઈલ – 92274 50244