કોણ પરખે ? …(રચના)

કોણ પરખે ? …(રચના)

કોઇ પરખી શકે પરમેશ્વર ને, એતો માનવ ની તો મજાલ નથી
પણ ભાવ ધરી ને ભક્તિ કરે, તો દામોદર જી દુર નથી…
લંકેશ વિંધાણો વેદી હતો, દસ શિશ ચડાવ્યા શંકર ને
નિજ ભક્ત ને ભ્રાત ની લાત પડી, આમાં વૈદેહી ની વાત નથી…
હણવા હરણાકંસ રાક્ષસ ને, અવતાર ધર્યો સ્થંભ ફાડી ને
એતો પાપ વધ્યંતું પૃથ્વી ઉપર, પ્રહલાદ પર બસ ઉપકાર નથી…
શબરી સુગ્રીવ ને કેવટ ની, આરદ અવધેશે ઉરમાં ધરી
પ્રભૂ ચૌદ વરસ વનમાં વિચર્યા, આમાં કૈકેઇ નું કૌભાંડ નથી…
આવે જ્યાં યાદ યશોદાની, નયનો ના નીર ના રોકી શકે
ગીતા નો ગાનારો ગોવિંદો,   મોહન માયા થી દુર નથી..
સુરદાસ સુદામા નરસૈંયો, તુજ નામ થકી ભવ પાર થયા
તેં ઝહેર મીરાં ના પી જાણ્યા, “કેદાર” શું તારો દાસ નથી…
રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ  કચ્છ.
www.kedarsinhjim.blogspot.com

મોરલી વાળા …(રચના)

મોરલી વાળા … (પ્રાર્થના)

 

.

આવો હવે મોરલી વાળા, સંભવામી વચન વાળા
ભૂમી ભારત ઉગારો,     આવો ગિરિધારી આવો…
રાવણ તે’દિ એક જનમ્યો’તો, ગઢ લંકા મોજાર
આજ ઠામો ઠામ રાજ રાવણ ના, કોઇ ન તારણ હાર
વિભીષણ એક ન ભાળું,   જામ્યું બધે પાપ નું જાળું..
પેટમાં પોઢીને સાંભળેલી શિવે, રામ લક્ષમણ ની વાત
આજ ન જીજાબાઇ જણાતી, નથી શૂરો કોઇ તાત
ભીડૂં જે ભોમ ની ભાંગે,   જાગે રણશિંગા વાગે…
આજ ભામાશા ભાળ ન લેતો, લડે રાણાજી કેમ
ધનવાનો ધન ઉપર બેઠા, ભોરિંગ કાળા જેમ
લૂંટે છે ગરીબ ની મુડી,   રાખે નીતિ કુડી કુડી…
હોટલ ક્લબમાં ચડે હિલોળે, ડીસ્કો દેતાં થાપ
નાટક ચેટક નખરા જોતાં, આજના મા ને બાપ
તમાકુની ફાકીયું ફાકે, આમાં-શિવાજી ક્યાંથી પાકે..
આજ જુવાની ચડી હિલોળે, અવળો છે ઉતપાત
નારી દેખી નર સીટીઓ મારે, દુર્યોધન ના ભ્રાત
સીતાની શોધ શું થાતી, લાજું જ્યાં રોજ લુંટાતી..
લીલા પીળાં લુગડા પહેરે, નહીં પુરૂષ પહેચાન
લટક મટક ચાલ ચાલેને, નચાવે નેણ કમાન
આંખે આંજે કાજળ કાળું, રાખે વાળ જાણે જાળુ..
શરીર જુવો તો સાગ ની સોટી, વળી છે વાંકી કેડ
ખેતર વચ્ચે ચાડિયો ચોંટ્યો, એવો લાગે છે મેળ
ભૂમિ ભારત ની લાજે, ભાળી નિજ બાળ ને આજે..
ખૂરસી માટે ખેલ મંડાણો, કરતા નાગા નાચ
પૈસા ખાતર પંડ ને વેચે, એવા રહ્યા છે સાચ
ભારત ની  ભોમકા માથે, આવ્યા સૌ બાથં બાથે..
સંત દુભાતા શામળો આવે, રાખે ભક્ત ની લાજ
આજ મુનિજન એવા હશે ક્યાં, રીઝાવી લે મહારાજ
ઊતારે રામ ને હેઠો,   જુવે છે ત્યાં બેઠો બેઠો..
જન્મ ધર્યો જ્યાં જાદવરાયે, રામ લીધો અવતાર
આજ ભુમિ એ ભીડે પડી છે, આવે લાજ અપાર
રહે શું માતમ તારૂં,  લાગે તને કલંક કાળું..
સુણી અરજ સરકાર પધારો, આણો પાપ નો અંત
વણશિંગા આ રાક્ષસ મારી, સ્થાપીદો સઘડે સંત
ગીતાના ગાન વિચારો, પધારો શ્યામ પધારો..
અંત આવ્યો અમ ધીરજ કેરો, સંકટ સહ્યાં ન જાય
આગ લાગી અમ હૈયે હરજી, એકજ છે ઉપાય
કાંતો અવતાર ધરાવો, નહિંતો ના પ્રભૂ કહાવો…
દીન “કેદાર”ના દીન દયાળુ, શાને કરો ઉપહાસ
પ્રલય પાળે જગ બેઠું છે, નહિં ઉગરવા આશ
પછી અવતાર જો થાશે, તો-તારા કોણ ગુણલા ગાશે…
આવો હવે મોરલી વાળા, સંભવામી વચન વાળા
ભૂમી ભારત ઉગારો,     આવો ગિરિધારી આવો…


રચયિતા

કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ  કચ્છ.

www.kedarsinhjim.blogspot.com

.

.

જટાળો જોગી …(રચના)

જટાળો જોગી …
અયોધ્યાના રાજા દશરથને ત્યાં કૌશલ્યાની કુખે જ્યારે ભગવાને શ્રી રામ અવતાર લે છે, ત્યારે પુરાણોમાં કહેવાય છે કે પ્રભુના બાળસ્વરૂપના દર્શન માણવા ભગવાન શિવ ને  પણ દરેક દેવોની જેમ ઈચ્છા થઇ, પરંતુ,  અલગારી જોગીના વેશમાં જ્યારે શિવજી મહારાજ, દશરથના દ્વારે આવી મા કૌશલ્યાને વિનતી કરે છે કે તારા બાળકને મારે જોવો છે, તું મને તેની પાસે લઇ જા, પરંતુ માતાએ કહ્યું મહારજ, બાળકના દર્શન સિવાય તમારે જે જોઈએ તે આપું, પણ તે શક્ય નથી. મારો બાળક તમને જોઈને ડરી જાય…..  શું ભગવાન શિવ સરળતાથી .પ્રભુ રામના દર્શન પામી શકે છે ? વિગેર જાણવા રચના જરૂરથી  માણો ….
 

જોગી જટળો હરિના જોષ જુવે છે, સંગમાં ભુશંડી શિવના ચેલા થઇ ફરે છે…

રાજા દશરથ ના ઘરે આનંદ અનેરો, એક છે ઉપાધી આજે બાળ કાં રડે છે…

પરખી શક્યા ના પીડા વૈદ કે હકીમો, લાગે છે લાલાને કોઇની નજરૂં નડે છે..

ગિરિ કૈલાસે થી આવ્યો છે અઘોરી, જાણે છે જંતર જોષી કુંડ્લી કરે છે…

બોલ્યો બાવાજી લાવો લાલો મારી ગોદ માં, ભૂત ને પિશાચો મોટા અમ થી ડરે છે..

હરિ હર મળિયા ત્યારે જુગતિ અનેરી, કૌશ્લ્યા નો કુંવર હંસતો જોષીડો રડે છે..

માડી તારો લાલો લાગે જગથી નિરાળો, જગદીશ્વર જેવી જાણે રેખાઓ મળે છે..

“કેદાર” ભુષંડી કેરાં ભાગ્ય શું વખાણુ, હરિ કેરાં મુખથી પડેલાં એઠાં જમે છે..

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ  કચ્છ.
www.kedarsinhjim.blogspot.com

ઘણી ખમ્મા તને ઘળી ખમ્મા… (ગરબો)

ઘણી ખમ્મા તને ઘળી ખમ્મા..

 

મારી માડી ગબ્બર ગોંખ વાળી દયાળી મા, ઘણી ખમ્મા તને ઘળી ખમ્મા..
તારી શોભે છે સિંહ ની સવારી ધજાળી મા,  ઘણી ખમ્મા તને ઘળી ખમ્મા..

અષ્ટ ભુજાળી પાવનકારી, સ્નેહ નિતરતી આંખડી તારી
ભોળાં ભક્તો ની ભિડ ભાંગનારી હેતાળી મા…

સોના મુકુટ શિર શોભે કાન વાળી, હેમ કેરા હાર હૈયે નથડી રૂપાળી
તારી ટીલડી ના તેજે પૂરી અવની અજવાળી મા…

ઓઢી જાણે ચાંદની ચમકે છે ચૂંદડી, ચરણ કમલ ચૂમતી ઘમકે છે ઘૂઘરી
મા ના શોળે શણગાર ની શોભા છે નિરાળી મા….

શંખ ચક્ર ગદા બાણ ખડગ સોહાય છે, એક હાથ પુષ્પ એક ત્રિશુલ ધરાય છે
એક હાથ હિતકારી કરે સૌની રખેવાળી મા…
ચંડિકા રૂપ ધરિ ચંડ મૂંડ માર્યા, કાલિકા રૂપે મા અસુર્રો સંહાર્યા
સકળ દૈત્ય ને સંહારી પત ભક્ત કેરી પાળી મા…
બાલુડાં તારાં કરે કાલાવાલા, ભાવિક ભક્ત તને લાગે વ્હાલા વ્હાલા
લેવા પૂત્ર ને સંભાળી અંબા આવે દોડી દોડી મા…

દીન “કેદાર” ની દેવી દયાળી, ભક્ત કેરો સાદ સુણી આવો મારી માડી
વાસ દાસ દિલ રાખી દેજો પ્રેમથી પલાળી મા…

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ  કચ્છ.
www.kedarsinhjim.blogspot.com

 

હનુમાન જયંતિ …

હનુમાન જયંતિ …
આજે હનુમાન જયંતી, સર્વ ગુણ સંપન્ન,મહા બલવાન, ગ્યાન ગુન સાગર હનુમાનજી રામ ને મલ્યા, રામે અનેક આશિર્વાદો આપ્યા, પણ જ્યારે માતા સિતાજી ને મલ્યા ત્યારેજ તેઓ અસ્ટ સિધ્ધી નવ નિધી કે દાતા બન્યા, અને તેથી જ રામાયણ ના બધ્ધાજ  કાન્ડો માં એ સૂંદર કાન્ડ બન્યો, એજ પ્રસંગ આજે હું મારા ગ્નાન મુજબ રચાયેલા એક ભજન દ્યારા અહિં રજુ કરૂં છું.ભજનો, ગરબા રચુંછું પણ વ્યાકરણ માં ખાસ આવડત ન હોઇ મારા લખાણો પર ધ્યાન ન આપતાં ફક્ત મારી ભાવના સમજશો એવી આશા રાખુંછું. જ્યારે હનુમાનજી માતાજી ને મલ્યા ત્યારે માતજી બધા સમાચાર પુછે છે અને કહેછે-મેં લક્ષમણ રેખા નું ઉલંઘન કર્યું તેથી મારૂં અપહરણ થયું.-મને શંકા હતી કે રાવણ મને ૪૦૦ ગાઉ પર લંકા માં લાવ્યોછે મારો રામ મને કેમ શોધસે,પણ તમે મુદ્રિકા બતવી તેથી એ શંકા ન રહી,મારે હરપલ રામ રટણ નું કવચ છે,તેથી હું તો બરબર છું, પણ મારો રામ કેમ છે ? મારાવિના મારા રામની સેવા કોન કરે છે ?
કહો હનુમંતા
કહો હનુમંતા બોલો બલવંતા, કહો મોહે કથની કૈસે ભગવંતા…
ભાઇ લક્ષમન કી મૈને બાત ન માની, લોપી મૈને રેખા તો હર લાઇ લંકા…
મની મુદ્રિકા તુમને ગિરાઇ,  નાચા મન મોરા તુટ ગઇ શંકા…
નિશ દિન રામ રટન મોરે મન મેં, રોમ રોમ રઘૂવિર જાપ જપંતા…
કૌન કરે સેવા, ચરન કૌન ચાંપે ?   બિન વૈદેહી, કૈસે મોરે કંથા…
કેદ કિયો હનુમો લૌ લીપતાઇ, “કેદાર” કપિ ના જલીયો જલ ગઇ લંકા..
રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ  કચ્છ.
www.kedarsinhjim.blogspot.com

 

ઉમંગ ભર નાચો … (રચના)

ઉમંગ ભર નાચો … (રચના)

.

 

ઊમંગ ભર નાચો …

આવી આજે નવરંગ રાત, ઊમંગ ભર નાચો રે
સરખી સાહેલીઓની સાથ,     રંગ ભર રાચો રે….

વ્રુજ માં રૂડિ વાંસળી વાગી, સૂર મધુર સંભળાણા
ગોપ ગોવાલણ નાદ સુણીને, ભાવ થકી ભરમાણા
નર નારી સૌ ભાન ભુલી ને,    ભૂલ્યા સઘળાં કાજ…

રાખી ચરણ વાંકો વેણું વગાડે, રંગ ભર રાસ રચાવે
અધર કમલ પર ધરિ મુરલીયાં, સૂર મધુર સંભળાવે
મોર મુકુટ પીતાંબર શોભે,      શોભે છે સઘળાં સાજ…

ગોપી નાચે ગૌધન નાચે, નાચે વ્રુજ ની નારી
ગિરિ કૈલાશે ગંગધર નાચે, ભુજંગ નાચે ભારી
જલચર સ્થલચર નભચર નાચે, નાચેછે યમુના આજ…

કાળો કાળો કાનુડો રાધા રૂપાળી, જોડી અનેરિ જાણી
શ્યામ સુંદિર ના દર્શન કરતાં, સુંદિરતા શરમાણી
રંગે રમતાં ગોપી રિસાણી,   રમોને અમ સંગ રાસ…

એક એક રાધા એક એક કાનો, માયા માધવ કિધી
કોઇ ન જાણે ભેદ ભૂધરા નો, પ્રેમે પાગલ કરી દિધી
દીન “કેદાર” નો ક્રિષ્ણ કનૈયો,     રાસે રમતો આજ…

 

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ  કચ્છ.
www.kedarsinhjim.blogspot.com

 

હૃદયમાં રામ રમજો … (રચના)

હૃદયમાં  રામ રમજો  … (રચના)
હ્રદય માં રામ રમજો
રામ હ્રદય માં રમજો મારા, હરિ હ્રદય માં રમજો નાથ…
ભવ સાગર માં જીવ ભટકતો, મારૂં મારૂં કરિ ને મરતો
મોહ માયા થી દૂર હટાવો,   પડ્યો તમારે શરણે નાથ..
માતા તું છે તાતા તું છે,  સકળ જગત નો દાતા તું છે
હું હું કરતો હું હરખાતો,    એ અભીમાન મિટાવો નાથ..
અતિ અભિમાને અંધ બન્યો છું,  ભોગ વિલાસ નો ભક્ત બન્યો છું
સકળ જગત ની માયા ત્યાગી,   તુજ માયા માં લિપટાવો નાથ…
દીન “કેદાર” પર દયા દરસાવો,  નારાયણ તમે નેહ વરસાવો
જપું નિરંતર જાપ તમારાં,    મુજ અધમ ને ઉધ્ધારો નાથ…
રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ  કચ્છ.
www.kedarsinhjim.blogspot.com
.
ભજન …
સ્વર : લતા મંગેશકર
.
(૧) શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન … (ભજન)

.

.
(૨) પાયોજી મૈને રામ રતન ધન પાયો … (ભજન)
.

સપનું …

સપનું …
ચૈત્ર માસની નવરાત્રિ  ચાલુ હોઇ ઇશ્વર ક્રુપા થી શ્રી કેદારસિંહજી  દ્વારા રચાયેલા ગરબાઓ આપને આનંદ આવશે એવી આશા રાખું છું.આ પહેલાં પણ એક બે ગરબા અહિં રજુ કરેલાં જેને સરો પ્રતીસાદ સાંપડેલો….
સપનું …
મને સપનું લાધ્યું સલુણું,  વાગિ જાણે વ્રજ માં વેણું…
નવરાત્રિ ના નવદુર્ગા ચોક માં, ઉઠ્યો આનંદ આજ અનેરો સૌ લોક માં
ઘેલાં બાલુડાં ઘેલાં થઇ વિનવે, અંબા વિનાનું ઊણુ ઊણુ…મને…
સાદ સુણી ને ભક્ત જનોનો, છૂપી શ્ક્યો નહિં નેહ જનનઈ નો
સંગે લઇ ને સરવે સહેલીઓ, આવી અંબા સહે ન મેણૂં…મને…
અંબા અંબિકા અંબાલિકા, ગરબે ઘૂમતી શોભે બાલિકા
ઉમટ્યો આનંદ આજ માના લલાટે, કોમળ હ્રદય કૂણુ કૂણુ…મને…
ધન્ય આ ધરતી ધન્ય નવદુર્ગા ચોક ને, રમતી જ્યાં રાધિકા છોડી રણછોડ ને
દીન “કેદાર”પર દયા દરશાવી, રજની મૂંગી ને વાગે વેણું…મને…
રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ  કચ્છ.
www.kedarsinhjim.blogspot.com

સ્વાંગ …(રચના)

સ્વાંગ …

માનવ તારો સ્વાંગ નથી સમજાતો
એક ભજે છે રામ હૃદયથી, એક ભમે ભરમાતો….
એક કરે નિત શંકર સેવા, ગિરધર ગુણલા ગાતો
પ્રેમે પ્રભુ ના પાય પખાળે, નારાયણ સંગ નાતો…
માત પિતા સુત સંગે મળિ ને, કરતાં વેદ ની વાતો
હરિ હર ને નિત હાર ચડાવે,   હૈયે હરખ ન માતો…
એક ની કરણી વિપરીત જાણી, અવળાં કરે ઉતપાતો
હર ને છાંડી હરામ વસે દિલ, પરધન ધૂતિ ધૂતિ ખાતો…
લખ ચોરાશી ના ફેરા ફરતો,  ત્યારે માનવ થાતો
સમજુ નર ને યાદ એ આવે,  ગાફેલ ગોથાં ખાતો…
ચેત ચેત નર રામ રટી લે,  શીદ ને ફરે અથડાતો
દીન “કેદાર” જો સમજ્યો નહિં તો,  આંટો અવળો થાતો…

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ  કચ્છ.

www.kedarsinhjim.blogspot.com