જે થાય છે એ સારા માટે જ થાય છે …

જે થાય છે એ સારા માટે જ થાય છે …

 ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

 

જિંદગી સે યહી ગિલા હૈ મુઝે, તૂ બહુત દેર સે મિલા હૈ મુઝે,
તૂ મહોબ્બત સે કોઈ ચાલ તો ચલ, હાર જાને કા હૌસલા હૈ મુઝે
-અહમદ ફરાઝ

 

માણસ ફક્ત આશા, અપેક્ષા અને અરમાનો ઉપર જ જીવતો હોતો નથી. માણસ આશ્વાસન ઉપર પણ જીવતો હોય છે. નિષ્ફળતા અને અઘરા સમયમાં માણસને બે વસ્તુની સૌથી જરૂર પડે છે. એક છે સહાનુભૂતિ અને બીજું આશ્વાસન. સફળતા અે જિંદગીની હકીકત છે તો નિષ્ફળતા એ પણ જીવનનું સત્ય છે. કોઈ માણસ ક્યારેય હંમેશાં સફળ થતો હોતો નથી. કોઈ નિષ્ફળતા પણ કાયમી હોતી નથી. કોઈ પણ મહાન માણસની કિતાબ લઈને વાંચી જુઓ, એ ક્યારેક તો નિષ્ફળ ગયો જ હોય છે. કોઈના વિશે જાણીએ ત્યારે પણ સરવાળે તો આપણે આશ્વાસન જ મેળવતાં હોઈએ છીએ. જોયું, એ કેવી ખરાબ પરિસ્થિતિમાંથી બહાર આવ્યો છે? એને પણ સંઘર્ષ કરવો પડ્યો છે.

દરેક માણસે પોતાની લડાઈ લડવાની હોય છે. કોઈની લડાઈ સહેલી હોય છે, તો કોઈની અઘરી. કોઈની લડાઈ ટૂંકા ગાળાની હોય છે તો કોઈની લોંગ ટર્મની. લડાઈ તો હોવાની જ છે. યાદ રાખવા જેવી વાત એ જ હોય છે કે કોઈ લડાઈ અંતિમ હોતી નથી. એક લડાઈ હારી ગયા એટલે કંઈ ખતમ થઈ જતું નથી. કોઈ પણ કલાકારની વાત લઈ લ્યો, બધી ફિલ્મો કોઈની સફળ ગઈ નથી. કોઈ ખેલાડીનું પફોર્મન્સ એકસરખું રહ્યું નથી. સચીન તેંડુલકર પણ અનેક વખત ઝીરોમાં આઉટ થયાે છે. આપણે આપણી નિષ્ફળતાને કઈ રીતે લઈએ છીએ તેના ઉપર આપણા ભવિષ્યનો આધાર હોય છે.

હા, ઘણી વખત આપણને એવું લાગતું હોય છે કે બધું ખતમ થઈ ગયું છે. હવે હું કંઈ કરી શકીશ નહીં. મારું કોઈ ફ્યૂચર નથી. હું ક્યારેય સફળ નહીં થાઉં. મારી કરિયરનું પૂર્ણવિરામ આવી ગયું છે. આવું આપણને ફિલ થતું હોય છે પણ એવું હોતું નથી. એ કામચલાઉ જ હોય છે. આપણે નિષ્ફળ જઈએ ત્યારે આપણા તરફ સાંત્વના કે સહાનુભૂતિ બતાવનારા એવું આશ્વાસન આપતા હોય છે કે જે થતું હશે એ સારા માટે જ થતું હશે. બધું સમુંસૂતરું થઈ જશે. ગોડ મસ્ટ હેવ બેટર પ્લાન્સ ફોર યુ.

એક યુવાનની વાત છે. તેને ખોટા આક્ષેપો કરી નોકરીમાંથી કાઢી મુકાયો. તેનો કંઈ વાંક ન હતો. એ હતાશ થઈ ગયો. સારા અને મહેનતુ માણસની આ દુનિયામાં કોઈ કદર જ નથી. મને કાઢી મુકાયો છે એ ખબર પડ્યા પછી હવે મને કોઈ નોકરી પણ નહીં આપે. એ એટલો બધો ડિપ્રેસ થઈ ગયો કે તેણે આપઘાત કરવાનું નક્કી કરી લીધું. એ આપઘાત કરવા જતો હતો. ટ્રેન નીચે કપાઈને મરી જવાનું તેણે નક્કી કર્યું. પાટા સુધી પહોંચે એ પહેલાં તેને એક સાધુ મળ્યા. સાધુ પારખી ગયા કે આ યુવાન કંઈક મુશ્કેલીમાં છે. તેમણે યુવાનને પૂછ્યું કે શું થયું? યુવાને બધી વાત કરી કે તેને નોકરીમાંથી કાઢી મુકાયો છે અને પોતે આપઘાત કરવા જઈ રહ્યો છે. સાધુએ કહ્યું કે, હતાશ ન થા. જે થતું હશે એ સારા માટે થતું હશે.

યુવાન કોઈ વાત માનવા તૈયાર ન હતો. સાધુ સમજી ગયા કે હવે બીજો કોઈ રસ્તો અપનાવવો પડશે. સાધુએ કમંડળમાંથી એક ફૂલ કાઢ્યું. યુવાનને આ ફૂલ આપ્યું અને કહ્યું કે આ તારી પાસે રાખ. જોજે થોડા સમયમાં કોઈ ચમત્કાર થશે. મરવાની ઉતાવળ ન કર. મરવું હોય તો પછી ક્યાં નથી મરાતું. તું થોડીક રાહ જો. મારા આ ફૂલનો ચમત્કાર જોજે. આ યુવાને આપઘાત કરવાનું માંડી વાળ્યું. સાધુ પણ ચાલ્યા ગયા.

થોડા સમય પછી તેને એક જોબની ઓફર આવી. નોકરી આપનારાએ સામેથી કહ્યું કે અમે તારા વિશે તારી જૂની કંપનીમાં તપાસ કરાવી હતી. અમને ખબર પડી કે તને ખોટી રીતે કાઢી મુકાયો હતો. તારો કંઈ વાંક ન હતો. હવે તું અમારે ત્યાં નોકરી કર. અગાઉની જોબ કરતાં વધુ પગારની અને ઊંચી પોસ્ટની જોબ તેને મળી. એને થયું કે આ સાધુએ આપેલા ફૂલનો જ ચમત્કાર છે. એ ફૂલની સુકાઈ ગયેલી પાંદડીને પોતાની સાથે જ રાખતો હતો. રોજ તેને માથે ચડાવતો અને જાણે તેના પ્રતાપે જ બધું થયું હોય એવું માનતો હતો.

એક વખતે એ પોતાની જોબ પર જતો હતો ત્યારે અચાનક જ તેને ફૂલ આપનાર સાધુ સામે આવી ગયા. સાધુને જોઈને એ તો એમના પગે પડી ગયો. ગળગળો થઈ ગયો. સાધુને ફૂલ બતાવીને કહ્યું કે આ તમે અાપેલા ફૂલનું જ પરિણામ છે. સાધુએ ફૂલ હાથમાં લીધું અને એ સૂકા ફૂલને બાજુમાંથી પસાર થતી ગટરમાં ફેંકી દીધું. યુવાનના મોઢામાંથી હાશકારો નીકળી ગયો. અરે મહારાજ, તમે આ શું કર્યું? મહારાજે કહ્યું કે, તારો ભ્રમ ભાગવા માટે જ આ ફૂલ ગટરમાં નાખી દીધું છે. કોઈ ચમત્કાર બમત્કાર નથી. એ તો માત્ર આશ્વાસન હતું.

તું આપઘાત કરવા જતી વખતે મને મળ્યો એ પહેલાં હું એક બગીચામાં બેઠો હતો. ત્યાં એક ફૂલ પડ્યું હતું. મને ગમ્યું એટલે મેં કમંડળમાં નાખી દીધું. બગીચામાંથી નીકળ્યો ત્યાં તું મળી ગયો. તને આપઘાત કરતો અટકાવવા મેં ફૂલ આપ્યું અને ચમત્કારની વાત કરી. આ વાત સાવ ખોટી હતી. આ ફૂલ તો રખડતું હતું. સાચી વાત એ છે કે તું તારી નિષ્ફળતાથી ખોટો ડરી ગયો હતો. દરેકની જિંદગીમાં સારો-નરસો સમય આવતો હોય છે. તું હારી ગયો હોત અને આપઘાત કરી લીધો હોત તો? સાચી વાત એ છે કે આપણે નિષ્ફળતાને સ્વીકારી કે સમજી શકતા નથી. હતાશ થઈ જઈએ છીએ. હારી જઈએ છીએ. ડરી જઈએ છીએ અને માનવા લાગીએ છીએ કે હવે બધું ખતમ થઈ ગયું છે.

બધું હંમેશાં સારું જ નથી થતું. જિંદગીમાં ક્યારેક ખરાબ પણ થતું હોય છે. આપણે એવું આશ્વાસન જ લેતા હોઈએ છીએ કે જે થતું હોય છે એ સારા માટે જ થતું હોય છે. સારું થાય ત્યારે એવું પણ બોલતા હોઈએ છીએ કે એ ખરાબ ન થયું હોત તો આજે જે સારું છે એ થયું ન હોત. એવું પણ હોતું નથી, ખરાબ થયું હોય છે ત્યારે એ ખરાબ જ હોય છે, નિષ્ફળતા છેવટે તો નિષ્ફળતા જ હોય છે. સમજવાનું એટલું જ હોય છે કે કોઈ નિષ્ફળતા હંમેશનથી રહેવાની. સફળતા હોય જ છે. એની થોડી રાહ જોવાની હોય છે. નિષ્ફળતાથી ડરવાનું નહીં તેને સમજવાની જરૂર હોય છે. ઠીક છે, નિષ્ફળ થયા તો થયા, નસીબે સાથ ન આપ્યો તો ન આપ્યો, આપણા પ્રયાસો અધૂરા હતા તો હતા, આપણે ધાર્યું હતું એવું ન થયું તો ન થયું, હજુ જિંદગી છે જ? સફળતાનો પીછો ન છોડો, જો એવું કરવા જશો તો નિષ્ફળતા તમને પકડી જ રાખશે!

છેલ્લો સીન:

જો તમે કોઈ પણ કામમાં હજાર વાર નિષ્ફળ નીવડો તો વાંધો નહીં, હજુ એક વાર પ્રયત્ન કરો, તમે ચોક્કસ સફળ થશો.    -સ્વામી વિવેકાનંદ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 25  નવેમ્બર 2015, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

email : [email protected]

krishnakant unadkat

કૃષ્ણકાંત ઉનડકટ
EXECUTIVE EDITOR, SANDESH DAILY, AHMEDABAD.
બ્લોગ લીંક :krishnkantunadkat.blogspot.com
ચિંતનની પળે :     email : 
[email protected]

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર પુન:પ્રસિદ્ધ કરવાની તક મળવા બદલ અમો શ્રી કૃષ્ણકાંત ઉનડકટ નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected] 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે. 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

જન્મ-મરણના બંધનથી મુક્તિ કોને જોઇએ ? …

જન્મ-મરણના બંધનથી મુક્તિ કોને જોઇએ ?

 

 jivan mukti

આજે માનવ સમાજ અલગ અલગ વર્ગોમાં વહેંચાયેલ છે.  તમામ વર્ગ અલગ અલગ ધર્મોનું પાલન કરે છે. વિશ્વમાં અનેક ધર્મો છે જે પોત પોતાના અનુયાયીઓને અનેક પ્રકારથી સુખી કરવાનો દાવો કરે છે.  સંસારના મોટા ભાગના ધર્મો માનવીને તેના માનવ જન્મના ઉદ્દેશ્યની પ્રાપ્‍તિ કરાવવા પ્રયત્નશીલ છે.  માનવને સમજાવે છે કે તારો મૂળ ઉદ્દેશ્ય મોક્ષની પ્રાપ્‍તિ કરવાનો છે.

 મોક્ષ અવસ્થા શું છે ? તેના વિશે વિચાર કરવો અત્યંત આવશ્યક છે.  કેટલાક દાર્શનિકોનો મત છે કે.. તમામ દુઃખો તથા કષ્‍ટોથી મુક્તિ પ્રાપ્‍ત કરવી તે મોક્ષ છે. 

 આ લેખના માધ્યમથી આપણે ચિંતન કરવાનું છે કે શું માનવ કષ્‍ટ વિના આ અવસ્થાને પ્રાપ્‍ત કરી શકે છે ?  કેટલાક લોકો જન્મ મૃત્યુમાંથી છુટકારો મેળવવાને મોક્ષ કહે છે,પરંતુ શું જીવ જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થઇ શકે છે ?  આદિ ગુરૂ શંકરાચાર્યજી કહે છે કે જીવન મુક્તિ એ જ મોક્ષ છે, તો શું વ્યક્તિ જીવતાં જીવ મુક્તાત્મા બની શકે છે ?

 ઉ૫નિષદો આ વિશે કહે છે કે જીવ અને બ્રહ્મની સામ્યાવસ્થા મોક્ષ છે..  જીવ અને બ્રહ્મનું પૂર્ણ તાદાત્મય જ મોક્ષ છે… પ્રવાહશીલ નદીઓ જેવી રીતે સાગરમાં સમાઇ જાય છે,  તેવી જ રીતે જ્ઞાની પુરૂષો ૫ણ નામ.. રૂ૫.. ગુણના બંધનોથી ઉ૫ર જઇ ૫રમાનંદમાં સમાઇ જાય છે…  જીવ બ્રહ્મમાં પૂર્ણરૂ૫થી એકાકાર બની જાય છે.

 મોક્ષની ઉ૫રોક્ત અવસ્થાઓને ધ્યાનથી જોઇએ તો આ વિશે બે ધારણાઓ પ્રચલિત છે.

(૧)  મૃત્યુ બાદ પુનઃજન્મ ધારણ ના કરવો.  શરીર અને ઇન્દ્દિયોના બંધનોથી છુટકારો મેળવી બ્રહ્મમાં લીન થવું. (ર)  જીવતાં જીવ બ્રહ્મની સાથે સબંધ થવો અને મોક્ષનો અનુભવ કરવો..

વાસ્તવમાં જીવનો બ્રહ્મમાં લય થવો તેને જ મોક્ષ કહે છે.  પ્રત્યેક અવસ્થાની પ્રાપ્‍તિના માટે સાધનોનો ઉ૫યોગ કરવામાં આવે છે.

મોક્ષની અવસ્થાની પ્રાપ્‍તિના માટે મુખ્ય બે સાધન છે.. ધર્મ અને સદગુરૂ.

 આવો પ્રથમ ધર્મની શક્તિનું વિશ્લેષણ કરીએ…

 સંસારમાંના જે ૫ણ ધર્મો આવાગમન (પુનઃજન્મ)માં વિશ્વાસ રાખે છે, તે સૂક્ષ્‍મશરીરની માન્યતામાં ૫ણ વિશ્વાસ રાખે છે, તે પોતાના અનુયાયીઓને આ શરીર તથા ઇન્દ્દિયોથી છુટકારો મેળવી મોક્ષની પ્રાપ્‍તિ માટે પ્રેરણા આપે છે.  તેમનું માનવું છે કે શરીરના લીધે જ ઇન્દ્દિયો અને મનનું અસ્તિત્વ છે અને તે જ અજ્ઞાન, અવિદ્યા અને અવિવેકનું કારણ છે, જેનાથી છુટકારો મેળવવો જરૂરી છે અને તેના માટે તેઓ યમ, નિયમ, યોગસાધના, ધારણા, ધ્યાન અને સમાધિના માધ્યમથી અજ્ઞાન,અવિદ્યા અને અવિવેકથી છુટકારો અપાવે છે.  કેટલાક ધર્મો પોતાના અનુયાયીઓને પ્રાર્થના, કિર્તન, સતસાહિત્યના ૫ઠન પાઠન.. વગેરેના માધ્યમથી છુટકારો મેળવવા પ્રેરણા આપે છે, પરંતુ તેનાથી બંધનોમાં છુટકારો મળી શકતો નથી.

જ૫-માલા છાપા તિલક સરે ના એકો કામ, મન કાચે નાચે વૃથા સાચે રાચે રામ !!

આ પંક્તિ અનુસાર બંધનમાંથી મુક્ત થવાના બદલે બંધન વધુ ગાઢ બને છે અને કાર્ય સિદ્ધ થતું નથી.

મર્જ બઢતા ગયા જ્યો જ્યો દવા કી !! 

જેટલું આવા રીતિરીવાજોમાં, વિધિઓનું પાલન કરવામાં આવે તેટલું સંસારના દલદલમાં ફસાતા જવાય છે, એટલે ફક્ત ધર્મ વ્યક્તિને મોક્ષ પ્રાપ્‍ત કરાવવામાં અસમર્થ છે.

 ઉ૫રોક્ત વિવેચનથી અમે જાણ્યું કે ફક્ત ધર્મ મોક્ષ પ્રાપ્‍ત કરાવી શકતો નથી, પરંતુ મોક્ષ પ્રાપ્‍તિની જિજ્ઞાસા જગાડે છે.  જેમ ખેડૂત બીજ વાવવા માટે જમીન તૈયાર કરે છે, પરંતુ બીજ જ ના હોય તો વાવણી માટે તૈયાર કરેલ ખેતરનો શું લાભ ?

 બીજી મોક્ષ પ્રાપ્‍તિના માટેની વિધિનું અવલોકન કરીએ કે જે ક્ષોત્રિય બ્રહ્મનિષ્‍ઠ સદગુરૂની કૃપાથી થાય છે.

 સદગુરૂની મહિમા વિશે સંત કબીર સાહેબ કહે છે કે…

 પાછા લાગે જાઉં થા લોક વેદ કે સાથ,

આગે સે સદગુરૂ મિલા દિ૫ક દીયા હાથ… તથા

અવ્વલ અલ્લાહ જાયે ના લખીયા,ગુરૂ ગુર દીના મીઠા,

કહે કબીર મેરી શંકા નાસી સર્વ નિરંજન દીઠા…!

 સંપૂર્ણ અવતારવાણીમાં કહ્યું છે કે…

કોડીની ના કિંમત એની જે કાંઇ તે કરતો રહે,

કહે અવતાર વિના પ્રભુ જાને જન્મ-મરણમાં ૫ડતો રહે…  (અવતારવાણીઃ૨૪૪)

ભગવાન શ્રીકૃષ્‍ણ મોક્ષના સબંધમાં શ્રીમદ્ ભગવદ ગીતામાં કહે છે કે…

મન્મના ભવ મદભક્તો મદ્યાજી ર્માં નમસ્કુરૂ

મામેવેષ્‍યસિ સત્યં તે પ્રતિજાને પ્રિયોઅસિ મે !! (ગીતાઃ૧૮/૬૫)

 તૂં મારો ભક્ત થઇ જા.. મારામાં મનવાળો બની જા.. મારૂં પૂજન કરનાર બની જા અને મને નમસ્કાર કર,આમ કરવાથી તું મને જ પામીશ, આ હું તારી સામે સત્ય પ્રતિજ્ઞા કરૂં છું કેમ કે તૂં મને ઘણો પ્રિય છે.

સહુથી ૫હેલાં હું ભગવાનનો છું એ રીતે પોતાની અહંતા (મારાપણા) ને બદલી દેવી જોઇએ.અહંતા બદલ્યા વિના સાધના સુગમતાથી થતી નથી.  જીવ માત્ર ૫રમાત્માને અત્યંત પ્રિય છે.  જીવ ભગવાનથી વિમુખ થઇને પ્રતિક્ષણ વિયુક્ત થવાવાળા સંસાર (ધન-સં૫ત્તિ, કુટુંબ, શરીર, ઇન્દ્દિયો, મન, બુદ્ધિ, પ્રાણ.. વગેરે)ને પોતાનો માનવા લાગે છે.  જ્યારે સંસારે જીવને ક્યારેય પોતાનો માન્યો નથી.  જીવ જ પોતાના તરફથી સંસાર સાથે સબંધ જોડે છે.  સંસાર પ્રતિક્ષણે ૫રિવર્તનશીલ છે અને જીવ નિત્ય અપરિવર્તનશીલ છે.  જીવથી આ જ ભૂલ થાય છે કે તે પ્રતિક્ષણે બદલાવાવાળા સંસારના સબંધને નિત્ય માની લે છે.  જેમનો આપણી સાથે વાસ્તવિક અને નિત્ય સબંધ છે તે ૫રમાત્માના શરણમાં ચાલ્યા જવું જોઇએ.

 ભગવાન આગળ શ્રીમદ ભગવદ્ ગીતામાં પોતાના ઉ૫દેશની અત્યંત ગો૫નીય સાર વાત બતાવે છે કે…

“સર્વધર્માન્‍પરિત્‍યજ્ય મામેકં શરણં વ્રજ !

 અહં ત્‍વા સર્વપાપેભ્‍યો મોક્ષયિષ્‍યામિ મા શુચઃ” (ગીતાઃ૧૮/૬૬)

 તું તમામ ધર્મોનો આશ્રય છોડીને તું કેવળ મારે એકલાને જ શરણે આવી જા.  હું તને સર્વ પાપોમાંથી મુક્ત કરી દઇશ, તું શોક કરીશ નહી.આનાથી સ્પષ્‍ટ થાય છે કે સદગુરૂ જ મોક્ષ પ્રાપ્‍તિ કરાવવા માટે સક્ષમ હોય છે.

 સર્વે ધર્મો એટલે જીવના ધર્મો.હું ગરીબ નહી,  હું શ્રીમંત નહી, નાનો નહી, મોટો નહી.. તેવી રીતે હું કાંઇ જ નહી, કોઇ જાતનો ધર્મ મારે નહી, હું ભોગ ૫ણ નહી અને ભોગવનાર ૫ણ નહી..  આ નિર્ગુણ અવસ્‍થાની ટોચ છે.  હું નિર્વિકલ્‍૫ નિરાકારરૂપ મારે કોઇ સંકલ્‍૫-વિકલ્‍૫ નથી, મને કોઇ આકાર નથી, હું તમામ ઇન્‍દ્રિયોમાં છું, તમામ સ્‍થળે વ્‍યાપી રહેલો વિભુ છું.  મંગલકારી-કલ્‍યાણકારી ચિદાનંદ સ્‍વરૂ૫ છું, મને રાગ- દ્રેષ, લોભ- મોહ- મદ-ઇર્ષ્‍યા નથી, મારે ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ કોઇ૫ણ પુરૂષાર્થ નથી.

ભગવાન કહે છે કેઃ સઘળા ધર્મોના આશ્રય, ધર્મના નિર્ણયનો વિચાર છોડીને એટલે કેઃ શું કરવાનું છે ?  અને શું નથી કરવાનું ?  આને છોડીને ફક્ત એક મારે જ શરણે આવી જા. આ૫ણે પોતે ભગવાનના શરણે જવું – આ તમામ શાસ્‍ત્રોનો સાર છે.  આમાં શરણાગત ભક્તને પોતાના માટે કંઇ૫ણ કરવાનું બાકી રહેતું નથી.  ભક્ત પ્રભુનું શરણું સ્‍વીકાર્યા ૫છી પોતાના તન-મન-ધનને ભગવાનના શ્રી ચરણોમાં અર્પણ કરીને નિર્ભય, નિઃશોક,  નિશ્ર્ચિંત અને નિશંક બની જાય છે.  ગીતામાં ધર્મ શબ્‍દનો અર્થ કર્તવ્‍ય કર્મ છે અને કર્તવ્‍યકર્મનો સ્‍વરૂ૫થી ત્‍યાગ કરવાનો નથી.  સઘળા ધર્મો એટલે કેઃ કર્મોને ભગવાનને અર્પણ કરી દેવા એ જ સર્વશ્રેષ્‍ઠ ધર્મ છે.

 આશાથી જેમ દુઃખની, નિંદાથી પા૫ની પ્રાપ્‍તિ થાય છે તે પ્રમાણે સ્‍વર્ગ અને નરકની પ્રાપ્‍તિ થવામાં સાધનભૂત ધર્મ અને અધર્મ જે અજ્ઞાનમાંથી ઉત્‍૫ન્‍ન થાય છે તે અજ્ઞાનનો જ્ઞાન (બ્રહ્મજ્ઞાન) વડે સંપૂર્ણ નાશ થાય છે.  જેમ નિંદ્રાની સમાપ્‍તિ થતાં સ્‍વપ્‍નમાંના ઘર, પત્‍ની.. વગેરે તમામ પ્રપંચોનો નાશ થાય છે, તેમ ધર્મ-અધર્મનો ભાસ કરાવનાર જે અજ્ઞાન છે તેનો ત્‍યાગ કરવાથી સર્વ ધર્મોનો આપો આ૫ લય થાય છે.  જેમ ઘટનો નાશ થતાં ઘટાકાશ..  મહાઆકાશમાં એકતા પામે છે, તે પ્રમાણે મારે શરણે આવતાં તૂં મારા સ્‍વરૂ૫માં એકતા પામશે, માટે એકમાત્ર મારા શરણમાં આવી જા, જીવભાવ છોડી, દ્રેતભાવથી વર્તવાનો વિરૂધ્‍ધ માર્ગ છોડી દે.  સર્વ બંધનોનું મૂળ ઉત્‍૫ન્‍ન કરનાર જે પાપ છે તેનું મૂળ કારણ મારાથી ભિન્‍નતા જ છે, તે મારા સ્‍વરૂ૫ના જ્ઞાન (બ્રહ્મજ્ઞાન) થી નાશ પામશે.  અનન્‍યભાવથી મારા શરણમાં આવતાં મારા રૂ૫ થઇ જશે અને તું તમામ બંધનોમાંથી મુક્ત થઇશ.  મનમાં ધર્મ-અધર્મની અને મોક્ષની ૫ણ ચિંતા રાખીશ નહી.

 મારા શરણમાં આવ્‍યા ૫છી તૂં ચિંતા કરે છે.. તે તારૂં અભિમાન અને શરણાગતિમાં કલંક છે.  મારા (પ્રભુ) શરણે આવ્‍યા ૫છી ૫ણ મારી ઉ૫ર પુરો વિશ્ર્વાસ,ભરોસો ના રાખવો એ જ મારા પ્રત્‍યેનો અ૫રાધ છે.  પોતાના દોષોના લીધે ચિંતા કરવી એ વાસ્‍તવમાં બળનું અભિમાન છે. ભક્ત બન્‍યા ૫છી તેની ચિંતા ભગવાન કરે છે.  જેણે ૫રમાત્‍માની શરણાગતિ સ્‍વીકારી છે તે ભક્ત હું ભગવાનનો છું અને ભગવાન મારા છે… આ ભાવને દ્રઢતાથી સ્‍વીકારી લે છે તો તેનો ભય, શોક, ચિંતા, શંકા,પરીક્ષા અને વિ૫રીત ભાવના નાશ પામે છે.

 આધુનિક યુગમાં સંપૂર્ણ અવતારવાણીની નીચેની પંક્તિઓ આ સત્યતાને સિદ્ધ કરે છે..

 જ્ઞાન ગુરૂનું જ માનવોને પ્રભુનું ઘર બતાવે છે,

જ્ઞાન ગુરૂનું જ માનવોને મુક્તિનો માર્ગ બતાવે છે…  (અવતારવાણીઃ૪૨)

 આનાથી સ્પષ્‍ટ થાય છે કે સદગુરૂ જ મોક્ષના દાતા છે.

 જીવ.. જીવાત્મા..આત્મા અને ૫રમાત્માની પ્રકૃતિ એક જ છે.  અજ્ઞાનતાના કારણે જ અમે તેમને અલગ અલગ પ્રકૃતિના સમજીએ છીએ.તેમનામાં ફક્ત નામનો ફર્ક છે.

 જીવ-જીવાત્માઃ

 પાંચ જ્ઞાનેન્દ્દિયો..પાંચ કર્મેન્દ્દિયોનું સૂક્ષ્‍મરૂ૫ અને ચાર અંતઃકરણ (મન..બુદ્ધિ..ચિત્ત અને અહંકાર) આ ચૌદ મળીને જીવ કહેવાય છે.  તેને અમે સૂક્ષ્‍મ શરીર કહીએ છીએ.  તે પોતે જડ અવસ્થામાં હોય છે.  જ્યારે આત્મા તેને પોતાની ચેતના પ્રદાન કરે છે તો તે ચેતન જીવાત્મા કહેવાય છે.  કેટલાક દાગીના ભેગા કરીને એક પંખો બનાવવામાં આવે છે, પરંતુ વીજ પ્રવાહ વિના પંખો ચાલી શકતો નથી, તેવી જ રીતે જીવ એક પંખા સમાન નિષ્‍ક્રિય છે, તેને ચલાવવા આત્મા ઉર્જા પ્રદાન કરે છે અને પંખામાં વિદ્યુત પ્રવાહ આપવાથી પંખો ચાલવા લાગે છે તેમ જડ જીવને જ્યારે આત્મા પોતાની ઉર્જા પ્રદાન કરે છે ત્યારે જીવ ચેતનતા પ્રાપ્‍ત કરીને જીવાત્મા કહેવાય છે.  આ જીવાત્મા એક શરીરને છોડીને નવા શરીરમાં જાય છે.

 શ્રીમદ્ ભગવદગીતામાં ભગવાન કહે છે કે …

શરીરં યદવાન્યોતિ સચ્ચાપ્‍યુત્ક્રામતીશ્વરઃ !

ગૃહીત્વૈતાનિ સંયાતિ વાયુવન્ધા નિવાશયાત્ !! (ગીતાઃ૮/૧૫)

વાયુ ગંધના સ્થાનેથી ગંધને જે રીતે ગ્રહણ કરીને લઇ જાય છે તેવી જ રીતે દેહનો સ્વામી બનેલો જીવાત્મા ૫ણ જે શરીરને છોડે છે ત્યાંથી આ મન સહિત ઇન્દ્દિયોને લઇને ૫છી જે શરીરને પામે છે એમાં ચાલ્યો જાય છે.

 જે રીતે વાયુ અત્તરના પુમડામાંથી ગંધ લઇ જાય છે, પરંતુ તે ગંધ સ્થાયી રીતે વાયુમાં રહેતી નથી કારણ કે વાયુ અને ગંધનો સબંધ નિત્ય નથી.  તેવી જ રીતે ઇન્દ્દિયો, મન, બુદ્ધિ,સ્વભાવ..વગેરે સૂક્ષ્‍મ અને કારણ શરીરોને પોતાનામાં માનવાના કારણે જીવાત્મા તેમને સાથે લઇને બીજી યોનિઓમાં જાય છે.  જીવાત્મા તત્વતઃ મન, ઇન્દ્દિયો, શરીર વગેરેથી નિલિપ્‍ત છે,પરંતુ આ મન ઇન્દ્દિઓ, શરીર.. વગેરેમાં હું – મારાપણાની માન્યતા હોવાના કારણે તે જીવાત્મા એમનું આકર્ષણ કરે છે.  જીવ ૫રમાત્માનો સનાતન અંશ હોવા છતાં પ્રકૃતિના કાર્ય પ્રતિક્ષણ બદલાવવાવાળાં શરીરોને સાથે લઇને ભિન્ન ભિન્ન યોનિઓમાં ભમે છે.  ભગવાને માનવને સ્વતંત્રતા આપી છે તે ઇચ્છે તો તેની સાથે સબંધ જોડી શકે છે અને ઇચ્છે તો સબંધ તોડી શકે છે.  માન્યતા બદલવાની આવશ્યકતા છે કે પ્રકૃતિના અંશ આ સ્થૂળ, સૂક્ષ્‍મ અને કારણ શરીરો સાથે મારો (જીવાત્મા) કોઇ સબંધ નથી, પછી જન્મ-મરણના બંધનથી સહજમાં મુક્તિ છે.

 *જીવાત્માથી ત્રણ ભૂલો થાય છે… મન, બુદ્ધિ, શરીર.. વગેરે જડ ૫દાર્થોનો પોતાને માલિક માને છે ૫રંતુ વાસ્તવમાં બની જાય છે તેમનો દાસ ! પોતાને મન, બુદ્ધિ, શરીર.. વગેરે જડ ૫દાર્થોનો માલિક માનવાના લીધે પોતાના સાચા સ્વામી ૫રમાત્માને ભૂલી જાય છે..  આ જડ ૫દાર્થો સાથે માનેલા સબંધનો ત્યાગ કરવામાં સ્વાધિન હોવા છતાં ૫ણ તેમનો ત્યાગ કરતો નથી.

 જીવને બે શક્તિઓ મળેલી છેઃ

(૧) પ્રાણશક્તિ જેનાથી શ્વાસોનું આવાગમન થાય છે અને

(ર) ઇચ્છાશક્તિ જેનાથી ભોગોને મેળવવાની ઇચ્છા થાય છે. 

પ્રાણશક્તિ શ્વાસોચ્છવાસ દ્વારા ક્ષીણ થતી રહે છે. પ્રાણશક્તિનું ક્ષીણ થવું એ જ મૃત્યુ કહેવાય છે.  જડનો સંગ કરવાથી કંઇક કરવા અને પામવાની ઇચ્છા ચાલુ રહે છે.  પ્રાણશક્તિ રહેતાં જ ઇચ્છાશક્તિ એટલે કે કંઇક કરવાની અને પામવાની ઇચ્છા દૂર થઇ જાય તો મનુષ્‍ય જીવનમુક્ત બની જાય છે.  પ્રાણશક્તિ નષ્‍ટ થઇ જાય અને ઇચ્છાઓ ચાલુ રહે તો બીજો જન્મ લેવો ૫ડે છે.  નવું શરીર મળતાં ઇચ્છાશક્તિ તો તે જ પૂર્વજન્મની રહે છે, પ્રાણશક્તિ નવી મળી જાય છે.

        જે પોતાનાં નથી તેમની સાથે રાગ, મમતા, પ્રિતી કરીને જીવાત્મા તેમને સાથે લઇને ફરે છે તે જ ભૂલ છે.  વાસ્તવમાં આ પોતાપણાનો રાગ, મમતાયુક્ત સબંધ જ બંધનનું કારણ છે. જે પોતાનું નથી તેને પોતાનું માનવું અને જે પોતાનું છે તેને પોતાનું ના માનવું… આ બહુ જ મોટો દોષ છે.

        જીવાત્મા દ્વારા કરવામાં આવેલ કર્મો સંસ્કાર રૂ૫માં મનની સાથે જ બીજા શરીરમાં ચાલ્યા જાય છે, કારણ કે કર્મોના સંસ્કાર મનમાં જ રહે છે અને મન પ્રત્યેક યોનિમાં જીવાત્માની સાથે જ રહે છે.  બાળ૫ણમાં આ સંસ્કાર અપ્રતિત રહે છે એટલે બાળકને નિષ્‍પા૫ કહેવામાં આવે છે.  ત્યારબાદ જ્યારે આ સંસ્કારના અનુસાર સારા કે ખોટા કર્મો થવા લાગે છે.

 જીવની ત્રણ અવસ્થાઓ માનવામાં આવે છે.

 *કારણ શરીરઃ  જડ પ્રકૃતિ અને ચેતન આત્માના સંયોગને કારણ શરીર કહેવામાં આવે છે અને આ જ જડ અને ચેતનની ગ્રંથિ છે, તે મહાપ્રલયના સમયે માયામાં લીન થાય છે. આ અજ્ઞાન અવસ્થા છે.

*સૂક્ષ્‍મ શરીરઃ  પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્દિયો, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર…આ ચૌદને સૂક્ષ્‍મ શરીર કહેવામાં આવે છે.  આ ૫ણ અજ્ઞાન અવસ્થા છે.  આ સૂક્ષ્‍મ શરીર જ મૃત્યુ બાદ એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે.

*સ્થૂળ શરીરઃ  પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશથી બનેલું દ્દશ્યમાન શરીર સ્થૂળ શરીર કહેવાય છે.

આ ત્રણ અવસ્થા જીવની ઉપાધિ છે એટલે કે જ્યાં સુધી ચૈતન્યને આ ઉપાધિ લાગેલી રહે છે ત્યાં સુધી તેને જીવ કહેવામાં આવે છે અને આ જીવનું જન્મ-મરણ થયા કરે છે.

અમોને કરોડો જીવો જોવા મળે છે પરંતુ જીવ ફક્ત એક જ છે.  જેમ પાણીથી ભરેલા કરોડો ઘડામાં ચમકતા સૂર્યની આકૃતિ જોવા મળે છે તે દરેકમાં ફક્ત સૂર્યનું પ્રતિબિંબ છે.  સાચો સૂર્ય તો ફક્ત એક જ છે તેવી જ રીતે અમોને દરેકમાં જે જીવાત્મા અલગ અલગ જોવા મળે છે તે માત્ર ૫રમાત્માનું પ્રતિબિંબ છે.  આપણે બધા ફક્ત પરમાત્માના પ્રતિબિંબ જીવાત્માઓ છીએ..

 *આત્માઃ  આત્મા સ્વયંભૂ.. નિરાકાર.. અજર.. અમર.. શાશ્વત.. પુરાતન અને ૫રમાત્માનો અંશ છે તેથી જ ૫રમાત્મામાં છે તે તમામ ભાવો, ગુણો આત્મામાં છે.  આત્મા ૫ણ  સ્વયંભૂ.. નિરાકાર.. અજર.. અમર.. શાશ્વત.. પુરાતન છે.  તેના ૫ર પ્રકૃતિના કોઇ૫ણ તત્વનો પ્રભાવ ૫ડતો નથી, પરંતુ આત્મા.. પ્રકૃતિને ગતિશીલ રાખવા પોતાની ઉર્જા પ્રદાન કરે છે.  તમામ પ્રકૃતિના કણકણમાં તે વ્યા૫ક છે તેના લીધે જ પ્રકૃતિ કાર્યરત છે.

 જેમ પંખો હવા આપે છે..  હીટર ગરમી આપે છે..  કુલર ઠંડક આપે છે, પરંતુ વાસ્તવમાં તે બધા એક વિદ્યુત પ્રવાહથી જ સંચાલિત થાય છે.  તેવી જ રીતે સમગ્ર સંસારમાં થતી તમામ ઉથલ પાથલ આત્માની ઉર્જાની જ દેન છે તેથી તેને સર્વશક્તિમાન કહેવામાં કોઇ વાંધો નથી.

*૫રમાત્માઃ  આત્માના વિરાટરૂ૫ને ૫રમાત્મા કહેવામાં આવે છે.  યુદ્ધના મેદાનમાં ભગવાન શ્રીકૃષ્‍ણએ અર્જુનને જે વિરાટ સ્વરૂ૫નાં દર્શન કરાવ્યાં હતાં તેને જ ૫રમાત્મા, ર્ગાડ, વાહેગુરૂ, ખુદા.. વગેરે નામોથી જાણી શકાય છે.  

આ વિશ્વમાં ૫રમાત્મા એક છે, આત્મા ૫ણ એક છે, જીવ એક છે કે જે અમારી અંદર વિરાજમાન છે.  આ એક જ જીવ કે આત્મા આ વિભિન્ન શરીરોમાં જીવરૂ૫માં પ્રતિબિંમ્બિંત છે છતાં તેનું અમોને જ્ઞાન નથી.  અમે એમ સમજીએ છીએ કે અમે એક બીજાથી અને ૫રમાત્માથી અલગ છીએ અને તેથી જ અમારા જીવનમાં દુઃખ અને ક્લેશ છે આ જ એક મોટો ભ્રમ છે અને બ્રહ્મની પ્રાપ્‍તિ વિના આ ભ્રમની સમાપ્‍તિ થવાની  નથી.

પાણી અને તેમાંથી બનેલો ૫રપોટો બંન્ને એક છે.  ૫રપોટો પાણીમાંથી જ બને છે અને પાણીમાં જ સમાઇ જાય છે, તેવી જ રીતે જીવ અને આત્મા બે અવસ્થાઓ છે.  જ્યાં સુધી શરીરમાં કામ કરવાવાળી ચેતન સત્તાનું જોડાણ દ્દષ્‍ટિમાન, ક્ષણભંગુર સંસાર સાથે છે તથા માયાને વશીભૂત ૫રતંત્ર રહે છે ત્યાં સુધી તે જીવ કહેવાય છે.

        જગતમાં ગુરૂઓ તો ઘણા છે પણ જ્યારે કોઇ ક્ષોત્રિય બ્રહ્મનિષ્‍ઠ સદગુરૂની કૃપા થાય છે તો આ સર્વશક્તિમાન ૫રમાત્મા સર્વત્ર નજરે આવે છે તથા સંસારની અસાર માયાથી છુટી સત્ય ૫રમાત્મા સાથે જોડાઇ જાય છે.  આમ… જીવ.. જીવાત્મા.. આત્મા અને ૫રમાત્મા મૂલતઃ એક જ છે.  તેમાં જીવ માયાને વશીભૂત છે અને આ જીવને જ મુક્તિની આવશ્યકતા છે…!!

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલી પુન:પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો સુશ્રી સુમિત્રાબેન નિરંકારીનાં અંતરપૂર્વકથી આભારી છીએ.

સંકલનઃ

SUMITRABEN NIRANKARIસુમિત્રાબેન દાદુભાઈ  નિરંકારી

મું.છક્કડીયા(ચોકડી),તા.ગોધરા,જી.પંચમહાલ  ફોનઃ૯૦૯૯૯૫૦૩૪૫(મો)

e-mail: Su[email protected] 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

   

You can  “LIKES” / follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

એટલો ક્લોઝ ન આવ કે દૂર ન થઈ શકાય …

એટલો ક્લોઝ ન આવ કે દૂર ન થઈ શકાય …

       ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

 

 

 

આવ-જા અમથી બધાની થાય છે, શ્વાસ પણ એમ જ અહીં લેવાય છે,
વાત જુદી છે અધૂરા પાત્રની, કોઈ દરિયો ક્યાં કદી છલકાય છે?

 
-નીતિન વડગામા

 

દરેક સંબંધો કાયમી નથી હોતા. દરેક પરિચિત સ્વજન નથી હોતાં. આત્મીયતાનો પણ એક અધિકાર હોય છે. આ અધિકાર બધાને આપી શકાતો નથી. ઘણાં સંબંધો એક્સ્પાયરી ડેટ સાથે આવતા હોય છે. અમુક સંબંધો અલ્પજીવી હોય છે. કોની કેટલી નજીક જવું અને કોને કેટલા નજીક આવવા દેવા એ આપણે નક્કી કરવાનું હોય છે. સંબંધોમાં તકેદારીની જરૂર એટલા માટે રહે છે કે સંબંધો જ્યારે છૂટે ત્યારે વેદના થતી હોય છે.

 

દરેક સંબંધો તૂટે એવું જરૂરી નથી. અમુક સંબંધો છૂટતા પણ હોય છે. સમય ઘણાં સંબંધોને દૂર કરી નાખે છે. એવા સંબંધો પછી સ્મરણોમાં જ સચવાયેલા રહે છે. સંબંધ રાખો, દિલથી રાખો પણ એ સંબંધ જ્યારે છૂટે ત્યારે દિલ તૂટવું ન જોઈએ, પણ દિલના કોઈ ખૂણામાં એ સંબંધ સચવાયેલા રહેવા જોઈએ. સંબંધોમાં ‘સેફ ડિસ્ટન્સ’ જરૂરી હોય છે.

 
એક છોકરો અને છોકરી સાથે જોબ કરતાં હતાં. બંને સારી વ્યક્તિ હતી. લાઇક માઇન્ડેડ હતાં. એકબીજાની કેર કરતાં હતાં. એક સમયે છોકરીને એવું લાગ્યું કે હવે એ છોકરો દોસ્તી કરતાં વધુ નજીક આવી રહ્યો છે. એક દિવસ તેણે તેના એ કલીગ મિત્રને વાત કરી કે આપણે સારા મિત્રો છીએ અને સારા મિત્રો જ રહીએ એ જરૂરી છે. એક સારી વ્યક્તિ તરીકે હું તને આદર આપું છું. છતાં આપણી વચ્ચે અમુક ડિસ્ટન્સ મેઇનટેઇન થવું જોઈએ. હું કોલેજમાં હતી ત્યારે મને એક વ્યક્તિ સાથે પ્રેમ થયો. આજે પણ છે. અમે મેરેજ કરવાના છીએ. હું એને ખૂબ પ્રેમ કરું છું. હું તને એટલા માટે આ વાત કરું છું કે તું આપણા સંબંધો વિશે કંઈ જુદું ન વિચારે. હું એવું પણ નથી ઇચ્છતી કે જુદું પડવાનું થાય ત્યારે તને કે મને વેદના થાય. સંબંધો સાત્ત્વિક હોવા જોઈએ. સાત્ત્વિક સંબંધો જ સચવાતા હોય છે. આ વાત સાંભળીને તેના કલીગ મિત્રએ થેંક્યૂ કહ્યું. પ્રોમિસ આપ્યંુ કે આપણી દોસ્તી આવી ને આવી રહેશે.

 
વાત માત્ર પ્રેમની જ નથી. દરેક સંબંધમાં સલામત અંતર રહેવું જોઈએ. ભરોસાપાત્ર લોકો નથી હોતા એવું નથી, પણ એવા લોકો બહુ ઓછા હોય છે. બીજી વાત પઝેશનની પણ હોય છે. સંબંધોનું પણ એક પઝેશન હોય છે. સાથે કામ કરનાર વ્યક્તિ હોય કે પછી નજીક રહેતા પડોશી હોય, એ અમુક અધિકાર જમાવી દેતા હોય છે. અમુક અધિકારમાં કંઈ વાંધો પણ નથી હોતો. થોડું ઘણું પઝેશન તો બધા સંબંધોમાં હોય જ છે. સંબંધોનો એ જ તો આધાર હોય છે. કેરફુલ ન રહીએ તો આ પઝેશન વધી જાય છે. દરેક સંબંધમાં અાદર રાખો પણ આધિપત્ય જમાવવા ન દો. વધુ પડતું આધિપત્ય પીડા આપે છે.

 

મિત્રોમાં પણ એવું થતું હોય છે કે અમુક પ્લાનિંગ, અમુક પાર્ટીઝ, અમુક સેલિબ્રેશન તેની સાથે જ થાય. બે મિત્રોની વાત છે. મજા આવે એવા દરેક પ્રસંગોમાં બંને સાથે જ હોય. એક વખતે મિત્રએ તેના બીજા એક મિત્ર સાથે બહાર જવાનું નક્કી કર્યું. એની સાથે પણ તેને મજા આવી. જૂના મિત્રને વાત કરી તો એને માઠું લાગી ગયું. મને છોડીને તેં બીજા મિત્ર સાથે મજા કરી! દોસ્તીમાં પણ મુક્તિ હોવી જોઈએ. હમણાં થોડા સમય અગાઉની જ એક સાચી ઘટના છે. આ વાત કરતા પહેલાં એક ચોખવટ કરી લઉં કે આ ઘટનાને ‘પીવાના સંદર્ભે’ ન જોવી, પણ ફ્રેન્ડશિપના એંગલથી જ જોવી.

 
એક મિત્રનું અવસાન થયું. તેનું ઉઠમણું હતું. ઉઠમણામાં મરનારના ત્રણ જૂના મિત્રો આવ્યા હતા. જે મિત્રનું અવસાન થયું હતું તેના પુત્રએ આ ત્રણેયને કહ્યું કે, અંકલ તમે ઉઠમણું પતી જાય પછી રોકાજો. મારે એક કામ છે. ઉઠમણું પતી ગયું પછી તે સ્વર્ગસ્થ પિતાના ત્રણેય મિત્રોને એક રૂમમાં લઈ ગયો. ઘરમાં રહેલી બેસ્ટ વ્હિસ્કીના ત્રણ પેગ બનાવ્યા. ત્રણેયની સામે ગ્લાસ મૂકીને કહ્યું કે, પ્લીઝ હેવ ડ્રિંક્સ. તેણે કહ્યું કે ડેડી ડેથ બેડ પર હતા ત્યારે તેમણે મને કહ્યું હતું કે મારા આ ત્રણ ફ્રેન્ડ મારા ઉઠમણામાં આવશે. એમને પીધા વગર પાછા જવા ન દેતો. તેનું કારણ એ છે કે એમની સાથે જિંદગીમાં મેં ડ્રિંક્સને એન્જોય કર્યું છે. ચિયર્સ કર્યું ત્યારે ત્રણેની આંખો ભીની હતી. હાર ચડાવેલી મિત્રની તસવીરમાં આંખોની ચમક એવી ને એવી હતી!

 
મિત્રના દીકરાએ બીજી એક વાત કરી. તેણે કહ્યું કે મેં એક વખત ડેડીને પૂછ્યું હતું કે આ ત્રણેય તમારા મિત્ર છે તો તમે એમને કેમ આગ્રહ કરીને નથી બોલાવતા? એ સમયે ડેડીએ એવું કહ્યું હતું કે દોસ્તી દરેક આગ્રહ કે દુરાગ્રહથી મુક્ત હોવી જોઈએ. એ મારા ફ્રેન્ડ્સ છે એને પણ હું યાદ આવતો જ હોઈશ. હું બોલાવું તો એ આવે પણ ખરા. માટે કંઈ જ ધરાર નથી કરવું. સાચો સંબંધ એ છે જે સહજ હોય. અમે જ્યારે મળીએ છીએ ત્યારે એન્જોય કરીએ છીએ. આ વાત કઈ નાનીસૂની છે? સાચું કહું, તમારી દોસ્તીમાંથી મને ફ્રેન્ડશિપના ઘણાં અર્થ સમજાયા છે. થેંક્યૂ ફોર બીઇંગ ધેર ઇન માય ડેડીઝ લાઇફ!

 
જુદા પડ્યા પછી કે દૂર ગયા પછી પણ જે સંબંધો જળવાતા હોય છે એ સંબંધોનું સત્ત્વ કંઈક અલૌકિક હોય છે. બધા કાયમ નજીક નથી રહેતા. દૂર થતા હોય છે. દૂર થઈ ગયા પછી કેટલા નજીક રહેતા હોય છે. એક કવિએ સરસ વાત કરી છે કે જેનો પ્રેમ કે જેનો સંબંધ દિલનો હોય એને વિરહ નડતો નથી. એ ભલેને હાજર ન હોય પણ દિલમાં તો મોજૂદ જ હોય છે.

 

આપણા સંબંધો આપણી ઓળખ હોય છે. તમે કોની સાથે સંબંધ રાખો છો તેના પરથી તમે કેવા છો એ નક્કી થતું હોય છે. એની સાથે જ કેવા સંબંધો રાખો છો તેના પરથી તમારું દિલ કેવું છે એ ઓળખાતું હોય છે. સંબંધોમાં એટલા ક્લોઝ ન આવો કે દૂર ન થઈ શકાય અને એટલા દૂર પણ ન થઈ જાવ કે જ્યારે એ વ્યક્તિ નજીક હોય ત્યારે ક્લોઝનેસ ફીલ ન થાય.

 
બધા પાસેથી આત્મીયતાની અપેક્ષા ન રાખો. સંબંધો ઓછા ભલે હોય પણ મજબૂત હોવા જોઈએ. અમુક સંબંધોને અમુક સમય સુધી જ જીવવાના હોય છે. સાથે કામ કરીએ છીએ એમાંથી કેટલા સાથે આત્મીયતા હોય છે. ઓળખીતા બધા હોય છે, પણ ખરેખર આપણને ‘ઓળખતા’ કેટલા હોય છે. નોકરી બદલે એટલે એ સંબંધો પૂરા થઈ જતા હોય છે. બે-ચાર લોકો જ એવા હોય છે જે યાદ રહેતા હોય છે કે યાદ આવતા હોય છે. એ લોકો જ્યારે મળે ત્યારે જૂનો સમય ફરીથી જિવાતો હોય છે. સંબંધો જીવનને હળવું રાખવા માટે હોય છે, વેદના માટે નહીં. જે પોતાના હોય એને સાચવી રાખો, નજીકના હોય એને નજીક જ રાખો, દૂરના હોય એની સાથે ‘સેફ ડિસ્ટન્સ’ રાખો. ડિસ્ટન્સ હશે તો ડિસ્ટર્બ થવાનો સમય નહીં રહે. સંબંધો એવા સૂકા ફૂલની જેવા હોવા જોઈએ જેના ઉપર જ્યારે પાણીનો છંટકાવ થાય ત્યારે એ મહેકી ઊઠે. સતત પાણીમાં રાખીએ તો ફૂલો પણ કોહવાઈ જતાં હોય છે!

 

 

છેલ્લો સીન:

 

આપણા સંબંધો આપણા ચારિત્ર્યના જીવતા જાગતા પુરાવાઓ હોય છે. -કેયુ

 

 
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 18  નવેમ્બર 2015, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
 

 

email : [email protected]

 

krishnakant unadkat

કૃષ્ણકાંત ઉનડકટ
EXECUTIVE EDITOR, SANDESH DAILY, AHMEDABAD.
બ્લોગ લીંક :krishnkantunadkat.blogspot.com
ચિંતનની પળે :     email : 
[email protected]

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર પુન:પ્રસિદ્ધ કરવાની તક મળવા બદલ અમો શ્રી કૃષ્ણકાંત ઉનડકટ નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected] 

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે. 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli