એક અનોખો પરીવાર …

એક અનોખો પરીવાર …
–આશા વીરેન્દ્ર

  

 

       – રાકેશનો બાયોડેટા કોઈ માગે તો આ રહ્યો – 

 

        નામ : રાકેશ પ્રકાશભાઈ દવે

       માતા : હયાત નથી,

       પીતા : હયાત નથી,

       અભ્યાસ : એમ.ઈ. (મીકે.એન્જી.)

        નોકરી/ધંધો : મશીનના સ્પેરપાર્ટ  બનાવતી કંપનીમાં સુપરવાઈઝ.

        ભાઈ : નથી,

        બહેન : નથી.

        માતા-પીતા નથી એના કરતાંય મોટું દુ:ખ રાકેશ માટે ભાઈ-બેન નથી એ હતું. એને હમ્મેશાં લાગતું કે, જો મારે ભાઈ-ભાંડુ હોત તો હું આજે છું એનાથી ઘણો જુદો હોત. મારાં સુખ-દુઃખ, મારો આનંદ, મારી હતાશા બધું, બધું જ હું એની સાથે વહેંચી શકત. જો વધુ નહીં તો એક જ ભાઈ કે બહેન હોત તો ! આ એના અંતરની તીવ્ર ઝંખના હતી. પણ એ આ જન્મમાં સંતોષાય એવી કોઈ શક્યતા નહોતી.

 

અકસ્માતમાં મા-બાપ બંને ચાલી નીકળ્યાં એ પછી મામાએ હાથ ઝાલ્યો તો ખરો; પણ માત્ર લોકલાજને ખાતર; અંતરના ઉમળકાથી નહીં. છતાંય મામા-મામીને ટેકેટેકે અને માતા-પીતા જે સંપત્તી મુકી ગયાં હતાં એને આધારે, એ મીકેનીકલ એન્જીનીયર બની ગયો એ કંઈ નાનીસુની વાત નહોતી. જીન્દગીની ગાડી બરાબર પાટે ચઢી ગઈ હતી. એક નામાંકીત કંપનીમાં સુપરવાઈઝરની મોભાદાર નોકરી પણ મળી ગઈ.  હવે મામા-મામી પર ભારરુપ ક્યાં સુધી રહેવાનું !

 

‘મામા, એક વાત કહું ? ખરાબ ન લગાડશો !’

 

‘કહેને દીકરા ! તારી કોઈ વાતનું આજ સુધી ખરાબ લગાડ્યું છે ?’

 

‘મામા, મેં… એટલે કે, મેં છે ને, એક નાનકડો ફ્લેટ જોયો છે. હવે હું ત્યાં રહેવા જાઉં ? વચ્ચે વચ્ચે અહીં આવતો-જતો રહીશ, પણ…’

 

મામા-મામીએ થોડી આનાકાની પછી સમ્મતી આપી. રાકેશ ‘પેરેડાઈઝ સોસાયટી’માં રહેવા આવી ગયો. હવે લોકો એને પરણીને થાળે પડવાની સલાહ આપતા અને સારાં ઠેકાણાંય બતાવતાં. પણ કોણ જાણે કેમ, રાકેશને એવી ઈચ્છા જાગતી જ નહીં કે એણે પરણી જવું જોઈએ. પત્ની અને સંતાન કરતાં ભાઈ-બહેન માટેની એની ઝંખના બળવત્તર હતી.

 

‘રાકેશ, નાઉ યુ ડીઝર્વ અ કાર. કંપની લોન આપવા તૈયાર છે. તને મનગમતી કાર લઈ લે.’  એક દીવસ કંપનીના મેનેજરે એને બોલાવીને કહ્યું. કંપની અને બેંક પાસેથી લોન લઈને કાર લેવાનું અંતે એણે નક્કી જ કરી નાખ્યું. સરસ મજાની, ચેરી રેડ કલરની, લેટેસ્ટ મોડેલની કારમાં બેસીને ઘર તરફ જતાં એના દીલમાં કંઈક અનોખી લાગણી ઉભરાવા લાગી. અત્યારે, આ ક્ષણે એને પોતાનાં મા-બાપ તીવ્રપણે યાદ આવવા લાગ્યાં. નથી મમ્મી-પપ્પા, નથી ભાઈ-ભાડું કે જે આજે મારી કાર જોઈને હરખાય. અંતે તો આ બધાં ભૌતીક સુખ કોને માટે ?

 

‘આજ કી તાજા ખબર, આજ કી તાજા ખબર, કલ સુબહ દસ બજે અન્ના હજારેજી અપને ઉપવાસ સમાપ્ત કરેંગે….’ સીગ્નલ પાસે પેપર વેચી રહેલા કીશોરના અવાજથી એના વીચારને બ્રેક લાગી.

 

પેલા છોકરાએ સાવ નજીક આવી, ગાડીના દરવાજા પર હાથ મુકીને પુછ્યું, ‘સાહેબ, પેપર ?’

 

‘હાથ નહીં લગાડ, નવી નક્કોર ગાડી છે. ચાલ, દુર ખસ.’ રાકેશે ગુસ્સાથી પેલા છોકરાને ઝાટકી નાખ્યો.

 

ગ્રીન સીગ્નલ મળતાં એણે ગાડી સ્ટાર્ટ કરી. સોસાયટી નજીક પહોંચતાં પહોંચતાં એણે દીલથી ઈચ્છ્યું કે, એની ગાડી જોવા કોઈક તો બારીમાંથી ડોકીયું કરે ! પણ અફસોસ ! એની ગાડી જોવા કોઈ નવરું નહોતું. એને ઘરે જવાનું મન જ ન થયું. ‘ચાલ, ગાડીમાં થોડું રખડી આવું’ એવું વીચારીને એ આવ્યો હતો એ જ રસ્તે ફરીથી નીકળી પડ્યો. સીગ્નલ પાસે પહોંચીને જોયું તો પેલો છોકરો હજી છાપાં વેચી રહ્યો હતો. યુ ટર્ન લઈ એણે ગાડી એની પાસે લીધી. એણે તરત જ ગાડી ઓળખી લીધી. એક નારાજગીભરી નજર રાકેશ તરફ નાખી એ બીજી દીશામાં જોવા લાગ્યો. રાકેશ ગાડીમાંથી ઉતર્યો. પેલા છોકરાને ખભે હાથ મુકીને એણે પુછ્યું, ‘દોસ્ત, તારું નામ શું ?’

 

‘ચંદુ’. ખભા પર મુકાયેલો રાકેશનો હાથ એણે હળવેથી ખસેડ્યો.

 

‘મારાથી નારાજ છે ? હું તને સૉરી કહું તો તારો ગુસ્સો ઓછો થાય ?’

 

‘ના’. એણે ચોખ્ખો જવાબ આપ્યો.

 

‘ને જો આ નવી ગાડીમાં ફરવા લઈ જાઉં તો તું મને માફ કરે ?’ છોકરો આનંદ અને આશ્ચર્યથી ઉછળી પડ્યો.

 

‘સાચ્ચે જ ! તમે ગાડીમાં લઈ જશો ? મારો દોસ્ત બીટ્ટુ અને માધુરીને પણ બોલાવું ? અમારામાંથી કોઈ આજ સુધી ગાડીમાં નથી બેઠું.’

 

‘ભલે, બોલાવ તારા દોસ્તોને; પણ તમારાં મા–બાપને કહીને આવજો.’

 

ચંદુ દોડવા જતો હતો તે અટકી ગયો. ‘અમારાં કોઈનાં મા–બાપ નથી. અમારું કોઈ નથી.’ એનો જવાબ સાંભળીને રાકેશના હૈયામાં ઉથલ–પાથલ થઈ ગઈ. ત્રણે છોકરાંઓએ આખે રસ્તે ખુબ ગપ્પાં માર્યાં, મોજમાં આવીને ગીત પણ ગાયું —

 childrens in a car

‘ચક્કે પે ચક્કા, ચક્કે પે ગાડી, ગાડીમેં નીકલી અપની સવારી.’

 

રાકેશે પુછ્યું, ‘માધુરી નામ બહુ સરસ છે, કોણે પાડ્યું ?

 

‘અરે સાહેબ, એ તો માધુરીની ફીલ્મના પોસ્ટરની નીચેની ફુટપાથ પર એને કોઈ મુકી ગયેલું એટલે બધા એને માધુરી કહેવા લાગ્યા.’ બીટ્ટુએ જવાબ આપ્યો.

 

એક ફાસ્ટ ફુડ સેન્ટર પાસે ગાડી ઉભી રાખી રાકેશે બધા માટે સેન્ડવીચ પેક કરાવી અને આઈસ્ક્રીમના કોન લઈ આવ્યો. ખાતાં ખાતાં બીટ્ટુથી ગાડીના કાચ પર આઈસ્ક્રીમ લાગી ગયો અને નાનકડી માધુરીથી પાછલી સીટ પર સૉસ ઢોળાઈ ગયો. ચંદુ બંનેને ખીજાવા લાગ્યો; પણ રાકેશે કહ્યું, ‘વાંધો નહીં,  એ તો સાફ થઈ જશે.’

 

છોકરાંઓને સીગ્નલ પાસે મુક્યાં ત્યારે એણે એમને ફરી પાછા આ રીતે લઈ જવાનો વાયદો કર્યો.

 

એને લાગ્યું કે, આજે એણે પરીવાર સાથે નવી ગાડી લીધાના આનંદની વહેંચણી કરી. તેને અનોખો રોમાંચ અનુભવાયો.

 

 

(અર્જુન કે. બોઝની અંગ્રેજી વાર્તાને આધારે)                                                      –આશા વીરેન્દ્ર

 

 

 

‘હરીશ્ચન્દ્ર’ બહેનોના નીધન બાદ, વડોદરાથી પ્રકાશીત થતા પાક્ષીક ‘ભુમીપુત્ર’ના છેલ્લા પાન પર આવતી વાર્તાઓ, હવેથી બહેન આશા વીરેન્દ્ર લખે છે. તે અંતર્ગત પ્રકાશીત થઈ ચુકેલી વાર્તાઓમાંથી પસંદ કરેલી ચાળીસ વાર્તાઓનો પહેલો વાર્તાસંગ્રહ ‘તર્પણ’ : (પ્રકાશક : પારુલ દાંડીકર, યજ્ઞ પ્રકાશન, હીંગળાજ માતાની વાડીમાં, હુઝરાતપાગા, વડોદરા–390 001 ફોન : 0265-243 7957 પાનાં : 108, મુલ્ય રુપીયા–60), મે 2013માં પ્રકાશીત થયો. તેમાંથી પાન 53 પરથી લેખીકાબહેનની પરવાનગીથી આ વાર્તા સાભાર..

સર્જક–સમ્પર્ક :

બી–401, દેવદર્શન, હાલર, વલસાડ– 396 001

ફોન : 02632-251 719 મોબાઈલ : 94285 41137

ઈ–મેઈલ : [email protected]

lllll

‘સન્ડે ઈ–મહેફીલ’વર્ષ : નવમું – અંક : 278 – September, 08

‘ઉંઝાજોડણી’માં અક્ષરાંકન : ઉત્તમ ગજ્જર [email protected]

@@@@@

Pop-Up Dictionary Application – Live !

AppFest – 2013 Winning App Now Available on Google Play Store !

Arnion Technologies announces the launch of awaited Gujaratilexicon ‘Pop Up Dictionary’ – A Handy Language Tool for Android Users !

Pop-Up Dictionary is an Offline Application containing English to Gujarati and Gujarati to English dictionaries. Application will assist users to find meanings On The Go !

 

: Effective Features :

1. Inbuilt Search Box

2. Auto Suggest & List View Meaning

3. Find Meaning Of Any Editable Word In Device

4. Copy Word & Get The Meaning

Download Application from :

https://play.google.com/store/apps/details?id=com.arnion.glpopup

 

Gujaratilexicon’s Other Mobile Applications :

Gujaratilexicon is inspired to continue vision of modernizing and spreading Gujarati Language through adoption of latest technology. Gujaratilexicon Team is looking forward to cater Techno-Language projects to the Gujarati Lovers in the year ahead.

 

Download Gujaratilexicon Various Mobile Applications From Below Link :

Android – https://play.google.com/store/search?q=gujaratilexicon

Blackberry http://appworld.blackberry.com/webstore/search/gujaratilexicon/?

iPhone – dictiohttps://itunes.apple.com/us/app/gujaratilexicon-nary/id663856148?mt=8

&&&

More than 2,39,00,000 Gujarati Language lovers have visited
http://www.gujaratilexicon.com

More than 22,00,000 have visited Digital Bhagwadgomandal
http://www.bhagwadgomandal.com

More than 5,20,000 have visited Lokkosh
http://lokkosh.gujaratilexicon.com

@@@@@@@@@

 

 

બ્લોગ લીંક  : http://das.desais.net
email : [email protected]

 

 

uttam gajjar photo

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર પુન: પ્રસિદ્ધ માટે અનુમતિ આપવા બદલ અમો શ્રી ઉત્તમભાઈ ગજ્જર નાં અંતરપૂર્વકથી આભારી છીએ …

ઉંઝા જોડણીના આ સમર્થ પ્રચારકના સન્માન તરીકે તેમની જીવનઝાંખી અહીં ઉંઝા જોડણીમાં આપેલી છે.

નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરશો.  (સાભાર : શ્રી સુરેશભાઈ જાની)

http://sureshbjani.wordpress.com/2007/06/28/uttam_gajjar/

 

આશા છે કે આજની પોસ્ટ આપને પસંદ આવશે, આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો …

ચલતીકા નામ ગાડી …

ચલતીકા નામ ગાડી … 

– હરનીશ જાની …

 

 

wheel chair

 

હું અમેરીકાથી ભારત જવાનો હતો ત્યારે મારા મીત્ર રામુનો અમદાવાદથી ફોન આવ્યો :  ‘તારે આરામથી આવવું હોય તો ઍરપોર્ટ પર વ્હીલ ચેર બુક કરાવી દેજે. પછી જલસા જ જલસા. અમારે ત્યાં તો બધા અમેરીકા જાય છે ત્યારે એ રીતે જ જાય છે. અમને તો ટ્રાવેલ એજન્ટ જ વ્હીલ ચેરની સલાહ આપે છે.’

 

હવે વ્હીલ ચેરની આ સગવડ દર્દીઓ માટે વરસો પહેલાં અમેરીકાની કોઈ ઍરલાઈન્સે દાખલ કરી અને તે વીકસી અમદાવાદમાં. આ વીકસવાનું કારણ ન હાલી–ચાલી શકતા વડીલો  નહીં; પરંતુ લગ્નના પાર્ટી પ્લૉટમાં ડીનર લેવા માટે ધક્કામુક્કી કરતા સશકત વડીલોને આભારી છે. માંદગીને કારણે કે કોઈ બીજા કારણસર, ન ચાલી શકતા પ્રવાસીઓ માટે આ  સગવડ બધી ઍરલાઈન્સવાળા રાખે છે; કે જેથી એવા પ્રવાસીઓનું, ઍરપોર્ટ પર પરીવહન થઈ શકે. તે લોકોને વી. આઈ. પી. ટ્રીટમેંટ પણ આપે છે. ટીકીટ કાઉન્ટરથી  બોર્ડીંગ ગેટ સુધી ઍરપોર્ટના જ કર્મચારી તે વ્હીલ ચેરને ધક્કો મારીને લઈ જાય. અને બીજા પેસેન્જરો કરતા એમને પ્લેનમાં પહેલાં બેસવા દે.

 

અમે ભારત આવ્યાં, ફર્યાં અને અમદાવાદ ઍરપોર્ટથી અમેરીકા પાછાં ફરતાં હતાં ત્યારે મને રામુ યાદ આવ્યો : કારણ હતું વ્હીલ ચેર. અમદાવાદના ઍરપોર્ટની ડીપાર્ચર લોંજમાં બોર્ડીંગની એનાઉન્સમેંટ થઈ કે પહેલાં બાળકો સાથે મુસાફરી કરતી સ્ત્રીઓ ગેટ પર આવે. કોઈ સ્ત્રી આવે કે ન આવે તે પહેલાં તો પંદર–વીસ વ્હીલ ચેર દરવાજા પાસે ધસી આવી ! મેં ધ્યાનથી જોયું તો બે ત્રણને બાદ કરતાં બાકીનાં બધાં મને તો તંદુરસ્ત જ લાગ્યાં. જે લોકો માંદા જેવા હતા તેમને જોતાં લાગે કે આ લોકો આ બાવીસ કલાકની મુસાફરી પુરી કરી શકશે ખરા !

 

સામાન્ય રીતે બાળકો સાથે મુસાફરી કરતી સ્ત્રીઓને પહેલો પ્રવેશ મળે છે અને પછી વ્હીલ ચેરવાળાઓને. પરંતુ સ્ત્રીઓના પહેલાં આ વ્હીલ ચેરવાળા ધસી ગયા ! બાળકો ભાડે નથી મળતા; નહીં તો એ વ્હીલ ચેરવાળાઓ વ્હીલ ચેર કરતાં બાળકોને લઈને જ આવે ! હવે આ વ્હીલ ચેરમાં બેઠા પછી એમને મહારાજા હોવાનો નશો ચઢે છે. પોતાનો સામાન લઈને ઉભેલા બીજા મુસાફરો તેમને તુચ્છ લાગે છે અને પોતે અંબાડીમાં બેઠા છે એવું તેમને લાગે છે.

 

સામાન્ય રીતે ઍરપોર્ટના માણસો વ્હીલ ચેરને ધક્કો મારતા હોય છે. પરંતુ પોતાની માંદગીનું રહસ્ય છતું ન થાય તે માટે પોતાના સગાંસ્નેહીને પોતાની વ્હીલ ચેર હવાલે કરશે.  તે વ્હીલ ચેરને ધક્કા મારનારની પણ વાત ન્યારી છે. તેમને કુરુક્ષેત્રમાં અર્જુનનો રથ હાંકનાર શ્રી કૃષ્ણનો ખુમાર ચઢશે અને એ પોતાનો રથ આગળ લઈ જવા મથશે.

 

મેં જોયું કે એક તંદુરસ્ત વડીલની વ્હીલ ચેરને એક બહેન ધક્કો મારતાં હતાં. કદાચ તે તેમનાં પત્ની હતાં.  તેમને બીજા બધા રથની આગળ શ્રી કૃષ્ણની જેમ પોતાનો રથ લઈ જતાં નહોતું ફાવતું. તો પેલા વડીલ ઉભા થઈને પોતાની વ્હીલ ચેરને વાંકીચુંકી ખેંચીને, બે ત્રણ જણને કુદાવીને, આગળ લઈ ગયા અને પછી પોતાની ચેરમાં પાછા બેસી ગયા ! ત્યાર બાદ પેલાં બહેનને પોતાના રથનો હવાલો આપ્યો. મને લાગ્યું કે એ વડીલ અમદાવાદની પોળોમાં જરુર ડ્રાઈવીંગ કરતા હશે; જ્યાં કાયદાપાલન એ ગુનો ગણાય છે.

 

આમાંના ઘણા વડીલો કે જેમને અગાઉ વ્હીલ ચેરનો અનુભવ હતો તે શાંતીથી બેઠા હતા. આમાં ખોટા વડીલોને વધુ ઉતાવળ હતી. એમને એમ હશે કે પ્લેન એમને લીધા વીના જતું રહેશે તો ? પ્લેનમાં બધા ઉતારુઓની સીટના નંબર હોય છે. પ્લેન કોઈને પણ પડતાં મુકીને  ઉડવાનું નથી. છતાં અંદર બેસવાની ઉતાવળ શાને માટે કરતા હશે ? ઈચ્છીત સ્થળે પહોંચ્યા પછી પ્લેન બધા ઉતારુને ઉતાર્યા સીવાય કોઈને લઈને પાછું ઉડી જવાનું નથી; છતાં ઉતરતી વખતે પણ એટલી જ ધક્કામુક્કી !

 

ભારતમાં બાળકને જન્મતામાં જ આપણી વીશીષ્ટ સંસ્કૃતીનો પરીચય થઈ જાય છે કે ભારતમાં  Survival of the fittestનો જંગલનો કાયદો ચાલે છે. ગબ્બરસીંહ યહ કેહ ગયા : ‘જો સ્લો હુઆ; વો રેહ ગયા !’

એક વખતે પ્લેને ટેક ઓફ લીધો કે મેં જોયું તો પ્લેનમાં ચમત્કાર થયો ! બધાં વ્હીલ  ચેરવાળા વડીલ ભાઈબહેનો (કાકાઓ અને કાકીઓ) કોઈ પણ ભગવાનની બાધા સીવાય ચાલતાં થઈ ગયાં ! અરે, પ્લેનમાં પ્રવેશતાં પહેલાં જ બધાંએ ચાલવું પડે ! એટલે ઘણા તો ચેરમાંથી હજી ઉઠે તે પહેલાં પત્નીઓએ અત્યાર સુધી ઉંચકી રાખેલો સામાન, પેલા વ્હીલ ચેરવાળા દર્દીઓને પકડાવી દીધો ! એમની બાદશાહીનો અહીં અંત હતો. ઉતરતી વખતે દેખા જાયેગા ! બાથરુમ જવા માટે પણ જો વ્હીલ ચેર મળતી હોત તો તેઓ પ્લેનમાં પણ તે વાપરતા હોત.

 

હવે અમેરીકાના કોઈ પણ ઍરપોર્ટ પર ઉતરીએ ત્યારે કંઈ પંદર–વીસ વ્હીલ ચેર તો એક સાથે હાજર હોય નહીં ! એટલે વ્હીલ ચેરની રાહ જોયા સીવાય પોતાનાં દીકરાદીકરીને મળવા ઉત્સુક વડીલો ચાલવા તો શું – દોડવા જ માંડશે ! પહેલાંના સમયમાં અમેરીકા આવતી ફ્લાઈટમાં એકે વ્હીલ ચેર દેખાતી નહોતી. કારણ કે ત્યારે મોટા ભાગના અમેરીકન યુનીવર્સીટીમાં ભણવા આવતા સ્ટુડન્ટ્સ હતા. પછી એંસીના દાયકામાં સ્ટ્રોલર સાથેની નાનાં બાળકોવાળી સ્ત્રીઓ વધી ગઈ. પેલા સ્ટુડન્ટ્સ દેશ જઈને પરણી આવ્યા એનું આ પરીણામ ! પરંતુ તે માતાઓ  પોતાના સ્ટ્રોલર્સની રેસ નહોતી લગાવતી. વ્હીલ ચેર એક લક્ઝરી છે; જ્યારે બાળકો લક્ઝરીમાં ન ગણાય. એટલે જો એમનાં બાળકોની કોઈ સંભાળ રાખે તો માતાઓ પણ વ્હીલ ચેરમાં ગોઠવાઈ જવાનું પસંદ કરે !

 

હવે તો આ વ્હીલ ચેરનું કલ્ચર એકલું ઍરલાઈન્સ પુરતું મર્યાદીત રહ્યું નથી. હવે તો વોલમાર્ટમાં પણ જાડા અમેરીકનોને આકર્ષવા બાસ્કેટવાળી વ્હીલ ચેર રાખે છે, જેથી તેઓ તેમના પાકીટનો ભાર ઓછો કરી શકે. અમેરીકામાં સરકાર જરુરીયાતવાળા સીનીયર સીટીઝન્સને બધી સવલત મફત આપે છે. આ સવલતમાં વ્હીલ ચેર પણ ગણાય. એને માટે ડૉક્ટરનું સર્ટીફીકેટ રજુ કરવાનું. માત્ર સર્ટીફીકેટ જ રજુ કરવાનું; તેને માટે પગનો આર્થરાઈટીસ જેવો કોઈ રોગ હોવો જરુરી નથી. આપણાં સીનીયરોને રોગ ભલે ન હોય; પરંતુ ડૉકટર મીત્ર તો હોય જ ને ! હવે તો મોટરાઈઝ્ડ વ્હીલ ચેર મળે છે, જે ૧૫–૧૬ કીલોમીટરની સ્પીડે દોડી શકે છે. એટલે સીનીયરો ઘર નજીકના સ્થળોએ જવા તે વાપરે. દુધ લેવા કે દવા લેવામાં, મંદીરે દર્શન માટે એ વ્હીલ ચેર ખાસ્સી કામ લાગે છે. અમારા એક મુરબ્બી તો ઘર નજીકના પાર્કમાં મોર્નીંગ વૉક લેવા જવા માટે પણ વાપરે છે.  હા, શરત એટલી કે તમારે ફુટપાથ પર દોડાવવાની. અમેરીકામાં ફુટપાથ પર કોઈનાં ઘર નથી હોતાં કે કોઈ સુતું નથી હોતું. એટલે ચાલે, મારા ભાઈ ! અમેરીકામાં બધાં જાહેર સ્થળો પર પગથીયાંની સાથે સાથે વ્હીલ ચેર જઈ શકે એવા રૅમ્પ ફરજીયાત બનાવવા પડે છે.

થોડા વખત પહેલાં, હું ટ્રેન્ટન રેલવે સ્ટેશને મારા દીકરાને મુકવા જતો હતો. રાતનો સમય હતો. એક સીનીયર પોતાની વ્હીલ ચેરમાં, ફુટપાથ પર ન રહેતાં, રોડ પર ઉતરી આવ્યા હતા. મારું તેમના પર ધ્યાન નહોતું. મારી કાર એમનાથી માંડ એકાદ ફુટ દુરથી પસાર થઈ. અને હું રેડ લાઈટ પર થોભ્યો ત્યાં તો એ સજ્જન હાંફળાંફાફળાં દોડતાં મારી કાર પાસે આવ્યા. મારી કારની બંધ બારી પર ધબ્બા મારવા લાગ્યા. મને થયું કે મારી કારે તેમને હડફટમાં ન લીધા તેનો આનંદ વ્યકત કરતા હશે. પછી બુમ પાડીને કહ્યું, ‘‘ડુ યુ વોન્ટ ટુ કીલ મી ?’ મેં તેમને ઠંડા પાડ્યા અને સલાહ આપી કે વ્હીલ ચેરની પાછળ રેડ લાઈટ રાખો જેથી મારા જેવા સીનીયરને પણ દેખાય કે આગળ વ્હીલ ચેરમાં સીનીયર બેઠા છે.

 

મને લાગે છે કે અમેરીકામાં રસ્તાઓ ઉપર બાઈસીકલ લેનની જોડે જોડે વ્હીલ ચેર લેઈન પણ બનાવવી પડશે હવે તો !

 

 

–હરનીશ જાની

લખ્યા તારીખ : June 20, 2013

 

 

(ખાસ ‘સન્ડે ઈ–મહેફીલ’ માટે સ્નેહથી આ લેખ લખી મોકલવા બદલ હરનીશભાઈનો ખુબ આભાર..ઉત્તમ ગજ્જર..)

 

 

સર્જક–સમ્પર્ક:

Harnish Jani,

4 – Pleasant Drive, Yardville, NJ – 08620 – USA

Email : [email protected]  Phone : 609-585-0861.

@@@

‘સન્ડે ઈ–મહેફીલ’વર્ષ : નવમું – અંક : 276 – August 11, 2013

‘ઉંઝાજોડણી’માં અક્ષરાંકન : ઉત્તમ ગજ્જર [email protected]

@@@@@

More than 2,32,00,000 Gujarati Language lovers have visited
http://www.gujaratilexicon.com
More than 21,20,000 have visited Digital Bhagwadgomandal
http://www.bhagwadgomandal.com
More than 5,10,000 have visited Lokkosh
http://lokkosh.gujaratilexicon.com

 

 

બ્લોગ લીંક  : http://das.desais.net
email : [email protected]

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર પુન: પ્રસિદ્ધ માટે અનુમતિ આપવા બદલ અમો શ્રી ઉત્તમભાઈ ગજ્જર નાં અંતરપૂર્વકથી આભારી છીએ …

આજની પોસ્ટ આપને પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો …

ડાયાબીટીસમાં દવા વગર ચાલે ? તમે શું માનો છો ? …

તમને ડાયાબીટીસ હોય કે ન હોય, આ જરુર વાંચો …
–લતા હીરાણી

 

blood sugar

 

 

ડાયાબીટીસમાં દવા વગર ચાલે ? તમે શું માનો છો ? તમારો જવાબ હા હોય કે ના, આ લેખ જરુર વાંચો.
ક્યાંક વાંચેલું કે ‘આપણે જે ખાઈએ છીએ એમાંથી એક ભાગ આપણા પોષણ માટે છે, બાકીના બે ભાગ પર ડૉકટરો જીવે છે.’ આપણને જ્યારે પણ કંઈ તકલીફ થાય ને ડૉકટર પાસે જવાનું થાય. ત્યાં મોટે ભાગે આવો જ સંવાદ થાય :

‘‘ચીન્તા ન કરો, આ દવા સવાર, બપોર, સાંજ લેજો. સારું થઈ જશે.’’
‘‘અને ખાવા-પીવામાં ?’’ ‘‘સાદો ખોરાક લેવાનો. નોર્મલ જે ખાતા હો એ ખાવાનું. વાંધો નથી.’’

 

આ ખોરાક ગરમ પડે કે આનાથી વાયુ થાય કે આ ચીજ ઠંડી પડે અથવા તો આ વીરુદ્ધ–આહાર થાય એટલે ન ખવાય એવી પરેજી જે આયુર્વેદ બતાવે છે, એ બાબતને એલોપથી સાથે એટલો નાતો નથી. વધુમાં વધુ સાદો ખોરાક, હળવો ખોરાક લેવો અને ભારે ખોરાક ન ખાવો એટલી સુચના હોઈ શકે. એ સાયન્સ જુદું જ છે.

 

અલબત્ત, એલોપથી વીજ્ઞાને માનવજાતની જે સેવા કરી છે એ અમુલ્ય છે. એ નીર્વીવાદ છે કે બાળમરણનું પ્રમાણ ઘણું ઘટ્યું છે, સુવાવડમાં મૃત્યુ પામતી સ્ત્રીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. માનવીનું સરેરાશ આયુષ્ય વધ્યું છે અને અમુક સમસ્યાઓનો તો ઑપરેશન જ ઈલાજ છે, તરત પરીણામ આપવાની બાબતમાં કે રોગ પર ઝડપથી કાબુ લેવાની બાબતમાં ઍલોપથીનો કોઈ વીકલ્પ નથી અને આ બધી મહામુલી સીદ્ધીઓ છે. પણ ઍલોપથી એ મુળે શરીર સાથે કામ પાર પાડનારું વીજ્ઞાન, રોગનાં લક્ષણો અને એના ઉપચારની આસપાસ ઘુમતું વીજ્ઞાન. હવે આ શાખાના નીષ્ણાતો પણ માનતા થયા છે કે રોગ થવાનું મુળ કારણ મોટે ભાગે મન તથા અયોગ્ય આહારવીહાર છે. એટલે એનું નીયંત્રણ એ પહેલો ઉપચાર, પછી દવા.

 

 

નેચરોપથી એટલે કે નૈસર્ગીક–કુદરતી ઉપચારનો આ પાયો છે. યોગ્ય આહાર કે ઉપવાસ દ્વારા શરીરમાં જમા થયેલા કચરાનો નીકાલ એટલે કે શરીરશુદ્ધી અને કસરતો–વ્યાયામ, યોગ, પ્રાણાયામ, પ્રાર્થના, હકારાત્મક વીચારો અને પુરતા આરામ દ્વારા માનસીક શાંતી પ્રાપ્ત કરવાનો અને તાણ દુર કરવાનો પ્રયાસ. એ પછી જે તે બગડેલા અવયવને ઠીક કરવા માટે પણ કુદરતી તત્ત્વો માટી, જળ, વરાળ, શેક વગેરેનો ઉપયોગ.

 

 

લગભગ સાત-આઠ વર્ષ પહેલાં હું વલ્લભ વીદ્યાનગરના નીસર્ગોપચાર કેન્દ્રમાં મારા આર્થરાઈટીસની તકલીફ માટે ગયેલી અને મને ઘણો ફાયદો થયેલો. એ પછી નક્કી કર્યું હતું કે દર વરસે દસેક દીવસ આ સારવાર લેવી. ભલે તકલીફ ન હોય તો પણ શરીર–શુદ્ધી થાય એટલે નવી સ્ફુર્તી મળે એ ફાયદો તો ખરો જ. જેમ આપણે વાહનને સારું રાખવા એની નીયમીત સર્વીસ કરાવીએ છીએ એમ જ શરીરની અંદરના અવયવો અને એની કામગીરીને સારી રાખવા માટે આ ઉપચાર અત્યંત જરુરી છે. આવા કેન્દ્રોમાં ઘણા લોકો આ ડીટૉક્સીફીકેશન માટે આવતા હોય છે. પણ એ પછી તો ઘણાં બધાં વરસે ફરી જવાનું ગોઠવી શકાયું. આ વખતે નવી જગ્યાનો અનુભવ લેવો એમ વીચારી વડોદરાના ગોત્રી વીસ્તારમાં આવેલ વીનોબા આશ્રમ – નિસર્ગોપચાર કેન્દ્ર, વડોદરા (ફોન: 0265-237 1880)માં જવાનું નક્કી કર્યું.

 

 

મારો આશય આ વખતે મુખ્યત્વે ડીટૉક્સીફીકેશનનો અને હવે ડાયાબીટીસ પાળવાનો આવ્યો છે તો એમાં કંઈક સુધારો થાય એ હતો.

 

 

વેબસાઈટ ( http://naturecureashram.org/ ) પરથી વીનોબા આશ્રમનું લીલાં વૃક્ષો, હરીયાળી લોન અને ખરે જ આશ્રમ જેવું સૌંદર્ય ધરાવતું સ્થળ ઘણું આકર્ષક લાગ્યું. ફોન અને સંપર્કો દ્વારા વધારે માહીતી મેળવી. આ પ્રકારની ઉપચાર પદ્ધતીનો મને અગાઉનો જાતઅનુભવ હતો એટલે એ વીશે કશી અવઢવ નહોતી.

 

 

શહેરથી થોડે દુર કેન્દ્રના રમ્ય, પ્રાકૃતીક વાતાવરણમાં દાખલ થતાંવેંત શાંતી અનુભવાતી હતી. રહેવાના રુમોની સગવડ ઘણી સારી હતી. ડૉ. કમલેશભાઈ સાથેના લાંબા કન્સલ્ટીંગથી શરુઆત થઈ. પછીથી ડૉ. ભરતભાઈ શાહને પણ હું મળી. દર્દી સાથેની વાતચીતમાં ઉંડા ઉતરી સમસ્યાના મુળ સુધી જવાની ખાંખત અને વીષય અંગેની એમની પુરી દક્ષતા મેં અનુભવ્યાં. પહેલા દીવસથી માંડીને રોજ રાઉન્ડમાં આવતા ડૉ. કમલેશભાઈની સારવાર અંગેની તમામ બાબતોની સજ્જતા ઉપરાંત અત્યંત સૌજન્યપુર્ણ અને સ્નેહપુર્ણ વ્યવહાર એ ઉપચારનો જ એક ભાગ હતા. આમ પહેલા દીવસના કન્સલ્ટીંગ પછી સવારના ઉપચાર સાથે મારા સારવારના કાર્યક્રમની શરુઆત થઈ. મારા માટે જે મહત્ત્વની વાત હતી એ મારો ડાયાબીટીસ.

 

 

નીસર્ગોપચાર કેન્દ્રમાં આહાર અત્યંત મહત્વની બાબત છે. પહેલે દીવસે બપોરે ઘી વગરની પાતળી બે રોટલી, તેલમસાલા વગરનું શાક, સલાડ અને ચટણી હતાં. એ વાત ખાસ નોંધપાત્ર છે કે શાકમાં તદ્દન ઓછા તલના તેલમાં જીરાથી વઘાર, મસાલામાં આદુ, મીઠું, હળદર, ધાણાજીરુ અને જરુરી હોય ત્યાં ઓર્ગેનીક ગોળ, વળી કુકરમાં બાફીને જ બનાવેલું, છતાંય ઘણું સ્વાદીષ્ટ લાગે છે. અગાઉ વલ્લભ વીદ્યાનગરના નીસર્ગોપચાર કેન્દ્રનો પણ મારો આવો જ અનુભવ હતો. પછીથી ઘરે આવીને ઘણો સમય એ જ રીતે શાક બનાવતી. પણ વળી ફરી ક્યારે મુળ પદ્ધતી પર આવી ગઈ, તે રામ જાણે !! મુળ તો એ શાક જોવામાં જરા ફીક્કું લાગે અને કોઈ મહેમાન આવે ત્યારે એમને ભાવશે કે નહીં એ ચીન્તામાં આપણી મુળ રીતે રાંધવાનું બને. અંતે અલગ અલગ બનાવવાનું બંધ થતું જાય અને એમ ધીમે ધીમે ‘ઠેરના ઠેર’ થઈ જવાય.

 

 

હા, તો વાત ભોજનની ચાલતી હતી. બે દીવસ લંચમાં આવો આહાર અને રોજ સાંજે માત્ર ફળાહાર શરુ થઈ ગયો. સવારમાં ઉકાળો અને બપોરે ચાર વાગે ઉકાળો અથવા દુધીનો રસ એ ખરું. માત્ર બે દીવસ એક ટાઈમ અનાજ ખાધું અને પછીથી છ દીવસ હું બન્ને ટંક ફળાહાર (અન્ન બન્ધ !)પર રહી. જવાના છેલ્લા બે દીવસ લંચમાં રાંધેલો ખોરાક (ત્યાં અપાય છે એ જ); પણ સાંજે તો ફળાહાર જ.. ફળોમાં મુખ્યત્ત્વે તરબુચ અને સાથે કેળાં, ચીકુ, કેરી વગેરે રહેતું. આમ દસ દીવસમાં પહેલાંના બે દીવસ અને છેલ્લા બે દીવસ લંચમાં જ અનાજ ખાધું. બાકી બધા ટંક ફળો પર રહી.

 

 

બીજી અગત્યની વાત કે મારી બધી દવાઓ બીજા દીવસથી બંધ કરી હતી. જ્યાં રોગ બહુ જુનો અને એક્યુટ હોય છે ત્યાં દવા ચાલુ પણ રખાય છે. મારે ડાયાબીટીસની તકલીફ એક વરસ જુની હતી અને દવાના ઓછા ડોઝથી સુગરનું પ્રમાણ બરાબર જળવાઈ રહેતું હતું એટલે મારા સંબંધે, મારી સંમતીથી દવા બંધ કરવાનો નીર્ણય લઈ શકાયો. જોખમ કોઈ લેવાનું નહોતું. સતત પરીક્ષણ ચાલુ હતું. રોજ સવારમાં અને જમ્યા પછીની સુગર ચેક થતી હતી.

 

 

આ થઈ આહારની વાત. આ ઉપરાંત સારવારમાં સવારમાં દોઢેક કલાક યોગ અને પછીથી કટીસ્નાન, માલીશ, એનીમા, વમન, એક્યુપ્રેશર, સ્ટીમ–બાથ, શીરોધારા જેવા ઉપચારો થતાં. જમ્યા પછી માટીપટ્ટી, ખાસ ડાયાબીટીસ પેક જેમાં કમરની નીચે બરફની થેલી અને પેટ ઉપર ગરમ પાણીની થેલી રાખવામાં આવે. સાંજે ઘુંટણ અને કમરની કસરતો અને વીશેષ યોગાભ્યાસ. આ મેં લીધેલા ઉપચારો હતા. સાંજના ભોજન પછી રાત્રીપ્રાર્થના. આ અમારો દૈનીક કાર્યક્રમ હતો.

 

 

એકાંતરે દીવસે આખા શરીરે થતો મસાજ અને કટીસ્નાન તન-મનને અત્યંત રાહત અને હળવાશ આપતાં. ઘરે પણ એ કરી જ શકાય. એવું જ આખા શરીરે માટીલેપનું અને બપોરે લેવાતી માટીપટ્ટીનું. ચારેક દીવસ એનીમા અપાયો અને બેથી ત્રણ વાર વમન ઉપચાર થયો. વલ્લભ વીદ્યાનગરના કેન્દ્રમાં આ ઉપરાંત ‘કોલન’ ઉપચાર પણ હતો, જેમાં મશીન દ્વારા આંતરડાંની સંપુર્ણ સફાઈ થાય છે. આપણને ભલે લાગે કે આપણું પેટ સાફ છે; પણ આંતરડાંમાં જુનો મળ રહેતો જ હોય છે, જે ઘણી તકલીફોનું મુળ કારણ હોય છે. એનીમા અને કોલનથી આંતરડાંની સંપુર્ણ સફાઈ થાય છે. એ વખતે મેં ત્યાં વાંચ્યુ હતું કે કોલન પદ્ધતીથી નાના બાળકના આંતરડાં જેટલાં સાફ હોય એટલી અને એવી સફાઈ થાય છે.

 

 

અદભુત હતું શીરોધારા ! માથું ઢળતું રહે એમ સુવડાવી, એક લીટર તલનું તેલ એક કાણાંવાળા પાત્રમાં ભરીને, કપાળ પર ડાબેથી જમણે રેડાતું રહે અને તેલની ધારા કપાળ અને વાળને પલાળતી નીચે રાખેલા વાસણમાં પડે. આ પ્રયોગ ત્રણ દીવસ રોજ લગભગ અડધો કલાક ચાલે પણ એટલો સમય ગજબની શાંતી અને આરામ લાગે એ અનુભવે જ સમજાય. વાળને પછી નીચોવવા જ પડે અને માથા પર ત્રણ દીવસ જાડું કપડું બાંધી રાખવું પડે એ ખરું. આ મેં લીધેલા ઉપચારો.

 

 

ખુદ મને પણ વીશ્વાસ નહોતો પણ જે અનુભવ્યું અને થયું એની વાત હવે કરીશ.

 

 

ડાયાબીટીસના દર્દીને ભુખ વધુ લાગે અને એનાથી ભુખ્યા ન રહેવાય. મને કહેવામાં આવ્યું હતું કે એક બે દીવસ સવારમાં તમને ઉકાળાની સાથે નાસ્તામાં મમરા અપાશે. જરુર લાગે તો ખાજો. અને એવી જ રીતે બન્ને ટાઈમના ખાણાં સીવાય પણ ભુખ લાગે તો માત્ર ફળ લેજો.
મારા આશ્ચર્ય વચ્ચે ત્રીજા દીવસથી મને સવારના મમરાની જરુર રહી નહીં અને મેં ના પાડી દીધી. પછીથી સવારે માત્ર ઉકાળો લીધો. દીવસના ભાગે પણ મને જે કંઈ આહાર અપાતો એ સીવાય ભુખ નહોતી લાગતી. એટલો ખોરાક પુરતો થઈ પડતો. એકાદ દીવસ ભુખ લાગેલી ત્યારે એકાદ ફળ લીધું હતું; પણ એ અપવાદ રુપે જ. બાકી બે ટાઈમ માત્ર ફળો પર આરામથી રહી શકાતું હતું અને કોઈ જ અશક્તી કે થાકની ફરીયાદ વગર !! ઘરે તો સવારની કસરતો, પ્રાણાયામ પતે એટલે ક્યારે પેટમાં કંઈક નાખું એ સીવાય કશું સુઝે નહીં. બે ટાઈમ વ્યવસ્થીત જમવા છતાં; આડીઅવળી ભુખ તો લાગ્યા જ કરે ! એ અહીં ગાયબ થઈ ગઈ !!

 

 

અને એથીયે મોટા આશ્ચર્યની વાત હવે આવે છે કે : બીલકુલ દવા વગર, બન્ને ટાઈમ મારું સુગર લેવલ એકદમ નોર્મલ આવતું હતું ! ન ઓછું, ન વધારે !! આ બહુ મોટી ઉપલબ્ધી હતી !!! કોઈ દલીલ કરી શકે કે ખોરાક જ એટલો ઓછો અને એવો લેવાય તો સુગર ક્યાંથી વધારે આવે ? સાવ સાચી વાત છે; પણ જો એટલા અને એવા ખોરાકથી સારી રીતે જીવી શકાતું હોય, કામકાજ કરી શકાતું હોય, તો પછી બીલકુલ દવા વગર સુગર પર આટલું નીયંત્રણ મેળવી શકાય એ બહુ મોટી વાત ન ગણાય ?

 

 

અહીં આવી ત્યારે નીશ્ચય કરીને આવી હતી કે પુરા મનથી સારવાર લેવી છે. રવીવારે રજા હોય, બપોર પછી કોઈ ટ્રીટમેંટ ન હોય; પણ મનથી નક્કી જ કર્યું હતું કે કૅમ્પસની બહાર નથી નીકળવું. જે તે સ્થળના વાઈબ્રેશન્સ માનસીક શાંતી પર ઘણી અસર કરતાં હોય છે અને સાજા થવા માટે શરીર અને મન બન્નેનો સુયોગ હોય તો જ પરીણામ જલદી અને વળી સારું જ મળે ને ?

 

 

આ દસ દીવસના નીસર્ગોપચાર કાર્યક્રમે મને સાબીત કરી આપ્યું કે મારો આહાર આ પ્રમાણે રાખી શકું અને રોજીન્દા જીવનમાં મારી માનસીક શાંતી પણ પ્રમાણમાં સારી રીતે જાળવી શકું તો હું ચોક્કસ દવા વગર મારા ડાયાબીટીસ સાથે કામ પાર પાડી શકું.

 

 

કોઈ જરુર એમ દલીલ કરી શકે કે ખાવાપીવાના આટલાં નીયંત્રણો પાળવા કરતાં એક ગોળી લઈ લેવી સારી. દલીલમાં વજુદ પણ છે; કેમ કે રોજબરોજની જીન્દગીમાં, નજર સામે આટઆટલા સ્વાદીષ્ટ વ્યંજનોની બહાર છલકાતી હોય ત્યારે જીભના ચટાકા અને સ્વાદ પર કાબુ રાખવો એ ખુબ અઘરી બાબત છે; પરંતુ સામે બીજી વાત એ પણ છે કે એલોપથીની એક પણ દવા આડઅસર વગરની નથી હોતી. ડૉકટર કહે છે, મલ્ટીવીટામીન્સ પણ નહિ. આ દવાઓ રોગને નાથે છે, તો સાથે સાથે બીજા હાનીકારક દ્રવ્યો પણ શરીરમાં છોડે છે, જે લાંબે ગાળે બીજી સમસ્યાઓને જન્મ આપે છે, એટલે કયો વીકલ્પ પસંદ કરવો એ આપણે વીચારવાનું છે.

 

 

બીજી વાત તણાવભર્યા જીવનની. એ સાચું છે કે રોજીન્દા જીવનમાં તાણ વગરની જીન્દગી અઘરી છે; પણ અશક્ય નથી. નીયમીત યોગ, પ્રાણાયામ, ધ્યાન અને એ પ્રકારની માનસીક સજ્જતાથી એ જરુર પામી શકાય છે. બહારની ઉથલપાથલો વચ્ચે જીવવા છતાં; એને મન સુધી બહુ ન પહોંચવા દેવાની કળા એટલી અઘરી નથી. એક સંકલ્પની અને એ વીશેની જાગૃતીની જ જરુર હોય છે.

 

 

નીસર્ગોપચારના મારા અનુભવ દરમીયાન ડૉ. ભરતભાઈ, ડૉ. કમલેશભાઈ, ડૉ. નયનાબહેન, ડૉ. શ્રુતીબહેન, ડૉ. નીમેષભાઈ, ડૉ. ચાંદનીબહેન, હેમાબહેન, શાલીનીતાઈ, કલાબહેન અને બીજા અનેક કર્મચારીઓનો હસમુખ ચહેરો અને મીઠો, સ્વાગત અને સહકારપુર્ણ સાથ – એણેય મનને ઘણું દુરસ્ત કર્યું છે. સ્વાતી, અનીતા, ફાલ્ગુની જેવાં મીત્રો બન્યાં એ જુદું. સંપુર્ણ સારવાર એ આનું નામ – એવી કંઈક સમજ મને આ વીનોબા આશ્રમમાં મળી છે ગાંધીજી અને વીનોબાજીનાં નામ અને સીદ્ધાંતો સાથે જોડાયેલી આ સંસ્થાએ મને એક નવો જ અનુભવ આપ્યો.

 
અને સાથેસાથે એય ચોખવટ કરી લઉં કે આ વીષયમાં મારી જાણકારી એક સામાન્ય માનવી જેટલી છે. અનુભવો મારા પોતાના છે એટલે આમાં જે કંઈ ખુટતું લાગે કે બરાબર ન લાગે એને મારી જ મર્યાદા ગણવી.

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : da[email protected]

 

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ બ્લોગ પર આવકાર્ય છે.

 

 

લતા હીરાણી સમ્પર્ક :

A/83 ગોયલ પાર્ક એપાર્ટમેંટ, લાડ સોસાયટી સામે, વસ્ત્રાપુર, અમદાવાદ 380 015 ફોન : (R) 079- 2675 0563 Mobile : 99784 88855 eMail – [email protected]
Blog : http://readsetu.wordpress.com/

 

 

લેખીકાબહેનનો આ અનુભવલેખ ‘જનકલ્યાણ’ના સપ્ટેમ્બર 2011ના અંકમાં પ્રકાશીત થયો હતો જે હજીયે લતાબહેનના બ્લોગ પર નીચેની લીંક http://readsetu.wordpress.com/2010/07/09/તમને-ડાયાબિટિસ-છે-તો-આ-જરૂ-2/પર ક્લીક કરતાં જ જોઈ શકાશે..

 

અક્ષરાંકન : ઉત્તમ ગજ્જર.. [email protected]
February 25, 2012

 

 

 ‘દાદીમા ની પોટલી’ પર  ઉપરોક્ત  લેખ મોકલવા બદલ અમો શ્રી ઉત્તમભાઈ ગજ્જર નાં અંતરપૂર્વકથી આભારી છીએ ….

સમાજને સમરસ કરવા …

સમાજને સમરસ કરવા …

–જગદીશ શાહ

 

marraige
બ્લોગ લીંક :  http://layastaro.com/?p=3041

 

 

આજથી ૫૦–૬૦ વરસ અગાઉ અને કદાચ હજીયે ક્યાંક ઉંડાણનાં ગામડાંઓમાં રુઢીચુસ્ત અને પોતાને ધાર્મીક માનનારા લોકો પોતાની જ્ઞાતી સીવાય રોટી–વ્યવહાર રાખતા નથી. પણ તેવી અલ્પ સંખ્યાને બાદ કરીએ તો, આજે ગામડાં અને તેની સાથે જોડાયેલી એવી રુઢીગત માન્યતાઓ તુટી રહી છે. આજે શહેરો ફાલી રહ્યાં છે. શહેરોમાં મીશ્ર વસતી હોય છે. અમુક જ્ઞાતીની જ પોળો, શેરીઓ અને સોસાયટીઓ હવે ઘટતી જાય છે. એક જ વીસ્તારમાં વીવીધ જ્ઞાતીઓના લોકો હળી–મળીને રહે છે. બ્રાહ્મણ–રજપુત–વાણીયા–પટેલ–દલીત વર્ગ બધા સાથે મળીને રહે છે. જમવામાં હૉટેલો–લારીઓ–ખુમચાવાળાઓ ને મોટી રેસ્ટોરાંમાં કોણે રાંધ્યું તેવી જાતની પુછપરછ હવે કોઈ કરતું નથી. આડોશ–પાડોશમાંયે વાટકી–વ્યવહાર ચાલે છે. તેમાંયે નાતજાતનો છોછ નીકળી ગયો છે.

 

જેમ રોટી–વ્યવહારમાં લોકો ઉદાર થયા છે તેમ બેટી–વ્યવહારમાં ઉદારતા અપનાવવાની જરુર છે. હજી લગ્ન માટે લોકો પોતાની જ્ઞાતી શોધે છે. એક જમાનામાં વ્યવસાયોની એકતાથી જ્ઞાતીઓ બંધાઈ હતી. જ્ઞાતીના લોકોની આવક, રહેણીકરણીની બાબતમાં સરખાપણું હોય તો લગ્નજીવન સુચારુ ચાલે. પણ હવે બ્રાહ્મણ જ ભણે–ભણાવે, તેવું રહ્યું નથી આજે તો બધી જ્ઞાતીના લોકો શીક્ષક તરીકે બ્રાહ્મણકાર્ય કરે છે. પોલીસ અને સેનામાં માત્ર ક્ષત્રીયો જ હોય તેવું બનતું નથી. વેપાર પણ વાણીયા જ કરે તેવું હોતું નથી અને નોકરી (શુદ્રકાર્ય !) અમુક જ જ્ઞાતી કરે તેવું નથી રહ્યું. તમામ જ્ઞાતીના લોકો તમામ નોકરીઓમાં જોવા મળે છે.

 

આ પરીસ્થીતીમાં નોકરી પ્રમાણે આવક અને રહેણીકરણીની સમાનતા દેખાય છે. આ સંજોગોમાં વર–વધુની પસંદગી માટે જુની જ્ઞાતીપ્રથાને વળગી રહેવામાં ડહાપણ નથી. બે–ત્રણ પેઢીથી શીક્ષણકાર્ય કરનાર બ્રાહ્મણ હોય કે દલીત, તેમની વચ્ચે લગ્નવ્યવહારનો બાધ ન હોવો જોઈએ. લુહાર (પંચાલ–મીસ્ત્રી), સુથાર વગેરે વ્યવસાયી ગણાતી જાતીઓના લોકો આજે શીક્ષણમાં, વ્યાપારમાં, નોકરીઓમાં રોકાયેલા હોય છે. આવે વખતે અટક–જાતી ન જોતાં વ્યવસાય, આવક અને રહેણીકરણીની સમાનતા જોઈને લગ્નસમ્બન્ધો થવા જોઈએ. આજે વાણીયા–બ્રાહ્મણની પેટા જ્ઞાતીઓનાં બંધનો તુટી ગયાં છે. સમસ્ત બ્રાહ્મણ સમાજ કે સમસ્ત વણીક સમાજ (જૈન સુધ્ધાં) વચ્ચે લગ્નમેળાઓ યોજાય છે. સમાજ થોડો આગળ વધ્યો છે; પણ હજી વધારે આગળ વધવાની જરુર છે. સમસ્ત હીન્દુ જાતીના લગ્ન–મેળાવડા થવા જોઈએ.

 

અત્યારે એક જ જ્ઞાતીમાં લગ્ન કર્યા પછી પતી–પત્ની વચ્ચે વીચાર અને સમજનો ફેર હોય તો કુંડળી જોયા પછી, ચોઘડીયાં અને મુહુર્તો જોઈને જન્માક્ષર મેળવ્યા પછીયે કાયમ એકમેક માટે અસંતોષ, ખટરાગ જણાય છે. તેમાંથી એકની વીચારસરણી પ્રગતીશીલ હોય. આદર્શવાદી હોય અને બીજા પાત્રને પદ–પૈસામાં જ રસ હોય, સંસાર–વ્યવહારમાં જ રસ હોય તો જીન્દગી ઝેર જેવી બની જતી જણાય છે. વીચારમાં ભેદ તો હોય; પણ સાથે સામાના વીચારને સાંભળવા–સમજવાની તૈયારી હોય તોયે ગનીમત છે. પણ (કોઈ એક પાત્ર)વગર સમજ્યે વીરોધ જ કર્યા કરતું હોય તો પસ્તાવાનો પાર રહેતો નથી. સામાજીક દબાણને કારણે છુટાછેડા લેતાં ડરે છે; પણ જીવતાં દોઝખમાં સબડે છે. તેના કરતાં છુટાં થઈ જતાં હોય તો સુખી થાય. પણ બે–ચાર બાળકો થઈ ગયાં હોય તો પછી જીન્દગી વેંઢાર્યે જ છુટકો થાય છે ને જન્મારો એળે જાય છે.

 

વીવીધ ધર્મો વચ્ચેય આજે લગ્નસમ્બન્ધો વધી રહ્યા છે. હીંદુ અને જૈન વચ્ચે તો કોઈ ભેદ નથી રહ્યો. દલીતોમાં હીંદુ–બૌદ્ધ–ખ્રીસ્તીના ભેદો ભુંસાતા જાય છે. તેમની વચ્ચે લગ્નસંબંધો થઈ રહ્યા છે. આ આવકારદાયક પરીવર્તન છે.

 

આગળ જતાં હીંદુ, મુસ્લીમ, યહુદી વચ્ચેય સંબંધો વધશે એવી અપેક્ષા રાખી ચીત્તને વીશાળ કરવું જોઈએ. એક વ્યવસાયમાં હોય તેવાં કુટુમ્બો નાત–જાત–ધર્મને કોરાણે મુકી સમાન સંસ્કાર, સમાન રહેણીકરણી, સમાન ખાણી–પીણી જોઈને લગ્નસંબંધોથી જોડાય તેમાં દેશની અને માનવજાતીની એકતાનું દર્શન કરવા જેટલા ઉદાર રહેવું જોઈએ.

 

આ પરીવર્તનમાં પહેલ કરનારને પ્રારંભમાં થોડો સામાજીક વીરોધ સહન કરવો પડે તેમ બને; પણ જે ગતીથી સમાજ વીકાસ કરી રહ્યો છે તે જોતાં આ ફેરફાર થઈને જ રહેવાનો છે. આજે અપવાદ સ્વરુપ થોડાક કીસ્સા બને છે; તેથી રુઢીચુસ્ત સમાજમાં ખળભળાટ થાય છે. પણ આગળ જતાં આ ફેરફાર સર્વમાન્ય થઈને જ રહેશે.

 

●♦●

 

જન્મ અને મૃત્યુનું સ્થાન અને સમયપત્રક માણસના હાથમાં નથી. માણસના હાથમાં સોળ સંસ્કારો છે, તે પૈકી યજ્ઞોપવીત–વીવાહ–લગ્ન–વાસ્તુ વગેરેમાં લોકો મુહુર્ત અને ચોઘડીયાં જુએ છે. જન્મ કાળી ચૌદસે અને અમાસે તથા મરણ તહેવારને દીવસે લાભ–શુભ–અમૃત ચોઘડીયામાં પણ થાય છે ! આ અંગે ઉંડો વીચાર કરતા લાગે છે કે, આ મુહુર્ત, ચોઘડીયાં, વ્યતીપાત, કુંડળી વગેરે જોવા–મેળવવાની પ્રથા તજવા જેવી છે. લગ્ન અને બેસણાં જેવા પ્રસંગોમાં આવનારાની અનુકુળતા જોઈ સ્થળ, દીવસ, સમય નક્કી કરવાં જોઈએ. અલબત્ત, બેસણાની ચીલાચાલુ રીત પણ વીચારણા માગી લે છે. ખરખરો કરનારે સફેદ કપડામાં આવીને, મળીને, થોડી વાર બેસીને જવાનો રીવાજ બદલવા જેવો છે. સૌ મૃત વ્યક્તી વીશે પોતાની ભાવના પ્રગટ કરી શકે તે માટે શ્રદ્ધાંજલીસભામાં પ્રવચનો તેમ જ લેખન દ્વારા પોતાની ભાવના વ્યક્ત કરવાનો ફેરફાર કરવા જેવો છે. વળી મરનારના શોખ મુજબ પહોંચતા લોકો, ખાણી–પીણી, સંગીત વગેરેનું પણ આયોજન કરે તો પ્રસંગને અને મૃત વ્યક્તીને અનુરુપ સાચી શ્રદ્ધાંજલી બને.

 

(લેખકે એ‘નમુનેદાર બેસણા’નો અદ્ભુત પ્રસંગ આલેખ્યો છે. તે વાંચી એમ થાય કે બેસણાં આવાં થતાં હોય તો કેવું સારું ! તે વાંચવા નીચેની લીંક પર ક્લીક કરી ૯૪મી ‘સ.મ.’ની પીડીએફ ડાઉનલોડ કરવા વીનંતી..ઉ.મ..)

 

http://gujaratilexicon.com/magazine/sundayemahefil/

94 Namunedar Besnu Jagdish Shah 25-03-2007

 

લગ્નોમાં ફટાકડા, બેંડ–વાજાં, લાઉડસ્પીકર, ડી.જે. વગેરેને કારણે અન્ય લોકોને ખલેલ પડે, પર્યાવરણ દુષીત થાય તેવી પ્રવૃત્તીઓ ટાળે તે જ સુધારક અને સમાજ–હીતેચ્છુ છે તેવું ગણાવું જોઈએ. લેવડ–દેવડ, પૈઠણ, દહેજ વગેરે રીવાજો પછાતપણામાં ગણાવા જોઈએ.

–જગદીશ શાહ

 

 

બ્લોગ લીંક : http://das.desais.net

email : [email protected]

 

(તાજેતરમાં પ્રગટ થયેલી લેખકની આત્મકથા ‘શ્રેયાર્થીની સંઘર્ષકથા’ (પ્રકાશક : વડોદરા જીલ્લા સર્વોદય મંડળ, વીનોબા આશ્રમ, ગોત્રી, વડોદરા–390 021 : પ્રથમ આવૃત્તી : જુન 2012, મુલ્ય : 50 રુપીયા, પાન સંખ્યા : 152, આર્ટ પેપર સંખ્યા : 16)માંથી લેખકના સૌજન્યથી સાભાર..ઉત્તમ ગજ્જર..)

 

બ્લોગ પોસ્ટ પરના પ્રતિભાવ બ્લોગ પર આવકાર્ય છે.

 

લેખકસમ્પર્ક:

જગદીશ શાહ, વીનોબા આશ્રમ, ગોત્રી, વડોદરા–390 021 ફોન : 0265-237 0489 મોબાઈલ : 98243 26037 ઈ–¬મેઈલ : [email protected]

 

પોતાના જીવનભરનાં સમ્પર્કો, સંઘર્ષો, અનુભવ, સમાજચીંતનના અર્ક રુપે લખાયેલાં અને પુસ્તકને અંતે આપેલાં આ બે પાનાં એમનાં જીવનચીંતનનો પરીચય કરાવે છે.. આખા પુસ્તકની પીડીએફ મારી પાસે છે. મંગાવશો તો અચુક મોકલીશ..ઉ.મ..

 

●♦●

 

‘સન્ડે ઈ–મહેફીલ’ – વર્ષઃ આઠમું – અંકઃ 257 – November 18, 2012

‘ઉંઝાજોડણી’માં અક્ષરાંકનઃ ઉત્તમ ગજ્જર – [email protected]

 

@@@@@@@@@

અટૅક

અટૅક …
– દીનેશ પાંચાલ

 

ગુણવંતભાઈએ સતત ત્રીસ વરસ સુધી સરકારી નોકરી કરેલી. નોકરીમાંથી એ બે વાર સસ્પેન્ડ પણ થયેલા. દીકરો એમને કહેતો, ‘પીતાજી, તમે છાસવારે અનીતી સામે યુદ્ધે ચઢો છો. પણ કેટલીક વાતો ચલાવી લેવી પડે. તમે કળીયુગમાં હરીશ્ચન્દ્ર બનવાની કોશીશ કરો છો તેથી અમે મુશ્કેલીમાં મુકાઈએ છીએ !’ ગુણવંતભાઈને ગુસ્સો આવ્યો, ‘મારે કારણે તમારે માથે શી મુશ્કેલી આવી ?’ દીકરો જવાબ આપવા જતો હતો ત્યાં ગંગાબાઈએ ઉંચા સાદે કહ્યું, ‘તું તારી રુમમાં જા. આપણે કોઈ ચર્ચા નથી કરવી !’ પણ દીકરો જતાં જતાં સંભળાવતો ગયો – ‘પીતાજી, ઘણી વાર તમે નાના છોકરા જેવો બફાટ કરી બેસો છો. કોઈ મોં પર કહેતું નથી; પણ મહોલ્લામાં બધા તમને ‘ગુણવંત ગાંડો’ કહે છે. સાંભળીએ ત્યારે દુ:ખ થાય છે. ગુણવંતભાઈએ કહ્યું, ‘દુ:ખ લગાડવાની શી જરુર છે, હું છું જ ગાંડો!’
●♦●

 

ગુણવંતભાઈ ગંગાબાને ઘણી વાર કહેતાં – ‘ગંગા, બહુ જીવાઈ ગયું. મને નેવ્યાંશી થયાં. તું પંચ્યાશીની થઈ. હવે તેડું આવે તો સંસાર સમેટી લઈએ. હવે જેટલું વધારે જીવીશું તેટલાં દુ:ખી થઈશું ! મારો સ્વભાવ હું બદલી શકતો નથી. મારાથી ખોટું સહન થતું નથી અને સત્ય છુપાવાતું નથી !’

 

‘પણ ચુપ તો રહી શકાયને ?’ ગંગાબા વચ્ચે જ ઉકળી ઉઠતાં. વર્ષોથી ભેગો થયેલો રોષ એમના અવાજમાં ધસી આવતો. જો કે મોટા ઝઘડા ખાસ થતા નહીં. ગંગાબાએ ગુણંવતભાઈને તેમની તમામ કમજોરીઓ સહીત સ્વીકારી લીધા હતા. ગરીબ ગુણવંતનું ઘર માંડવામાં ગંગાબાને બહુ તકલીફ પડી હતી. ગુણંવતભાઈમાં વ્યવહારુતા, સમજદારી, દુનીયાદારી – જે કહો તે, પહેલેથી જ ઓછાં. દીલમાં જે ઉગે તે મોઢામોઢ કહી દે. એક ઘા ને બે કટકા કરી નાખે. જીવનની મુળ ગરીબીમાં એ બધાંનો ઉમેરો થતો એટલે સરવાળો મોટો થતો. એક દીવસ ગુવતંભાઈનો કોઈ જુનો મીત્ર ઘર પુછતો આવી ચઢ્યો. આવતાં જ એણે કહ્યું, ‘અલ્યા, તું આટલા વર્ષથી ગામમાં રહે છે. તને કોઈ ઓળખતું નથી ? મેં કેટલાય જણને પુછ્યું – ‘ગુણવંતલાલનું ઘર કયું ? પણ કોઈને ઝટ ખ્યાલ ન આવ્યો !’

 

‘તેં ખોટું પુછ્યું. ‘ગુણવંત ગાંડાનું ઘર કયું’ એમ પુછ્યું હોત તો તરત બતાવી દીધું હોત. અહીં બધા મને ગુણવંત ગાંડાના નામથી ઓળખે છે !’ શબ્દો સાંભળી એ માણસ ચમકીને જોઈ રહ્યો. એને સમજાયું નહી કે ગુણવંતભાઈ ગંભીરપણે કહે છે કે મજાક કરે છે ? દીકરો એ સંવાદ સાંભળી ગયો. પેલા મીત્રના ગયા પછી ગુણવંતભાઈને તેણે ઝાટક્યા – ‘પીતાજી, એવું બોલાય ? તમારી નહીં તો અમારી ઈજ્જતનો તો ખ્યાલ કરો !’

 

એક દીવસ દીકરાનો કૉલેજકાળનો જુનો મીત્ર પધાર્યો. રાત્રે એ બન્ને ઉપલી અગાસીના હીંચકે બેસીને વાતો કરતા હતા. દીકરાએ મીત્ર આગળ હૈયાવરાળ ઠાલવી – ‘યાર, બધું સુખ છે, પણ પીતાજી બહુ પ્રોબ્લેમ ઉભા કરે છે !’ મીત્રે કહ્યું – ‘નહીં યાર, તારા ફાધર ખરેખર ઈમાનદાર માણસ છે. આજે સમાજમાં હળહળતાં જુઠાણાં અને તરેહ તરેહની બેઈમાની ચાલે છે ત્યારે આવા પ્રામાણીક માણસોને તો સમાજે એવૉર્ડ આપવો જોઈએ!’

 

‘તું શો બકવાસ કરે છે યાર ? બેવકુફીઓ માટે તો વળી ઍવૉડૅ અપાતો હશે ? તને એક તાજો કીસ્સો કહું. સાંભળ. બે દીવસની વાત છે. એ બજારમાં જવા નીકળ્યા. બસ ચુકી ગયા એટલે કોક છોકરાના સ્કુટર પર બેસીને બજારમાં આવ્યા. સ્કુટર પરથી ઉતરીને એમણે છોકરાને પુછ્યું – ‘તારી ઉંમર બહુ નાની લાગે છે. તારું લાઈસન્સ ખરું કે ?’ પેલાએ ભોળાભાવે કહ્યું – ‘ઉંમર ઓછી છે એથી હજી લાઈસન્સ કઢાવ્યું નથી.’ બસ થઈ રહ્યું ! પીતાજીએ તેને પંદર મીનીટ ભાષણ આપ્યું. પછી ઘસડીને નજીક ઉભેલા ટ્રાફીક પોલીસ પાસે લઈ ગયા અને છોકરા વતી પોતે દંડની રકમ પોલીસને આપતાં કહ્યું – ‘આ છોકરા પાસે લાઈસન્સ નથી. એનો કાયદેસર જે દંડ થતો હોત તે લઈ લો !’ આવતાં આવતાં ટ્રાફીક પોલીસને પણ કહેતા આવ્યા – ‘તમે ડ્યુટી પર છો; છતાં બેલ્ટ, યુનીફોર્મ, બીલ્લો વગેરે કંઈ જ પહેર્યું નથી એ ખોટું કહેવાય!’ ટ્રાફીક પોલીસ મને ઓળખતો હતો એથી પપ્પાને જવા દીધા. નહીંતર ચોકીમાં બેસાડી દીધા હોત !

 

‘હજી આગળ સાંભળ. એક દીવસ રેશનકાર્ડ માટે સરકારી ઑફીસમાં ગયા. ત્યાં બધાં જોડે લડી આવ્યા, ‘તમે રીસેસમાં જાઓ છો ત્યારે બધી લાઈટો ચાલુ રાખીને જાઓ છો. તમારા ઘરની લાઈટ આમ ચાલુ રાખો છો ? તમારી નીષ્કાળજીને કારણે સરકારે લાઈટનો ખોટો ખર્ચ વેઠવો પડે છે !’ એ ઑફીસમાં મહોલ્લાનો એક માણસ સર્વીસ કરે છે. તેણે બાજી સંભાળી લીધી. આવું સતત થયા કરે છે. પીતાજી બહાર નીકળે અને ઘરમાં સૌના જીવ ઉંચા થઈ જાય છે. ગઈકાલે નગરપાલીકાના પ્રમુખને રુબરુ મળીને ખખડાવી આવ્યા. કહે – ‘ઘણી વાર તમારા માણસો સ્ટ્રીટલાઈટ બંધ કરવાનું ભુલી જાય છે. દસ–અગીયાર વાગ્યા સુધી લાઈટો બળતી રહે છે. તમારી લાપરવાહીને કારણે શહેરના લોકેને માથે ખોટો ખર્ચ ચઢે છે.’

 

‘અરે ! એક વાર તો પોલીસચોકીમાં જઈને ઈન્સ્પેક્ટરને મોઢામોઢ કહી આવેલા – ‘ફલાણા પીઠામાં જઈને તમારા પોલીસો દારુ પીએ છે અને હપતા પણ ઉઘરાવે છે. તેની સામે તમે કેમ કોઈ પગલાં ભરતાં નથી ?’ લે સાંભળ, હવે કંઈ કહેવું છે તારે ? તું ઍવૉડૅ આપવાની વાત કરે છે; પણ ઍવૉડૅ તો અમને આપવો જોઈએ – સહનશક્તીનો ઍવૉડૅ ! દર ત્રીજે દીવસે એ કોઈ તોફાન ઉભું કરે છે. એમની ઈમાનદારીનો દંડ અમારે ભોગવવો પડે છે !’
મીત્ર શું બોલે…? એ પણ સાંભળીને ચુપ થઈ ગયો.
●♦●

 

મૈયતમાં જે કોઈ આવતું તેના મુખેથી એક જ પ્રશ્ન નીકળતો હતો – ‘ગુણવતંભાઈને શું થયું હતું? બીલકુલ સાજાનરવા હતા. ગઈકાલે તો એમની જોડે કલાક વાત કરી. એકાએક શું થઈ ગયું…?’ દીકરો કહેતો હતો – ‘પીતાજીને રોગ તો કોઈ જ ન હતો, પણ ઉંમરને કારણે થોડા ઢીલા થઈ ગયા હતા. બે દીવસ પર અમે નવા બંગલામાં જવાની તૈયારી કરતા હતા ત્યારે એમણે કહેલું – ‘અમને તમે અહીં જ રહેવા દો…’ પણ મેં એમની ૯૦મી વર્ષગાંઠ નીમીત્તે એ ચાળીસ લાખનો બંગલો એમને ભેટ આપ્યો હતો. પીતાજીએ બહુ ગરીબી વેઠી હતી. અમે ગામડાના ઘરમાં મોટા થયા હતા. પીતાજી આ સુખનો અટૅક ન જીરવી શક્યા !’ ગંગાબા સ્ત્રીઓના ટોળા વચ્ચે કહેતાં હતાં – ‘બહેન, કોણ અમરપટો લખાવીને આવ્યું છે? તબીયત તો છેલ્લે સુધી સારી હતી, પણ વર્ષો પહેલાં એક જ્યોતીષીએ કહેલું તે સાચું પડ્યું. નેવું પુરાં થઈને એકાણુમું બેસશે એટલે તમે…’ ગંગાબાની આંખમાંથી આંસુઓ ટપકતાં હતાં, પણ કોણ જાણે કેમ, એમનાં શબ્દોનો આંસુ સાથે મેળ ખાતો નહોતો. એ બોલતાં કંઈક જુદું હતાં અને રડતાં કંઈક જુદું હતાં.

 

એકાદ મહીનાથી ઘરમાં ઝઘડો ચાલતો હતો. દીકરાએ કડકાઈપુર્વક કહી દીધું હતું – ‘આખી જીંદગી તમારી બેવકુફી સહન કરીને દુ:ખી થતા રહ્યા. હવે આ મામલામાં હું તમારી કોઈ વાત સાંભળવાનો નથી. બા, તું સમજાવ બાપુજીને.’

 

થયેલું એવું કે જગમોહન અમેરીકા ગયો અને બીજા અઠવાડીયે જ ત્યાં એક એક્સીડન્ટમાં માર્યો ગયો. ગુણંવતભાઈ ભાંગી પડ્યા, પણ ખરી મુશ્કેલી તો જગમોહનના મર્યા પછી ઉભી થઈ. એ અમેરીકા ગયો તેન થોડાક દીવસો પહેલાં ગુણવંતભાઈ અને જગમોહન બન્ને મીત્રો ખરીદી કરવા નીકળ્યા હતા. જગમોહનની નજર લોટરીના સ્ટોલ પર પડી. એણે એક ટીકીટ ખરીદીને ગુણવંતને આપતાં કહ્યું, ‘ગુણવંત, મારી આ ટીકીટ તું સાચવજે અને ઈનામ લાગે તો મને જાણ કરજે. હું લેવા આવીશ. એ બહાને આપણે મળીશું. તું પણ એકાદ ટીકીટ લઈ લે… મને તો આમેય અમેરીકાની લોટરી લાગી છે. કદાચ તારું પણ કીસ્મત ચમકી જાય…!’

 

ગુણવંતભાઈએ પણ એક ટીકીટ ખરીદી. ગુણવંતભાઈના સ્વભાવમાં પહેલેથી જ ચીવટાઈ હતી. એમણે ટીકીટને તીજોરીમાં મુકતાં પહેલાં જગમોહનની ટીકીટ પર તેનું નામ લખી દીધું હતું, જેથી ઈનામ લાગે તો કોને ઈનામ મળ્યું છે તેનો ખ્યાલ આવી શકે. લોટરીનો ડ્રો થયો. જગમોહનની ટીકીટ પર ૫૦ લાખનું ઈનામ લાગ્યું. ગુણવંતભાઈનું કહેવું હતું કે કાયદેસર એ પૈસા જગમોહનના જ કહેવાય. આપણો એના પર કોઈ હક નથી…!’ દીકરો કહેતો હતો – ‘જગમોહનકાકાને ભગવાને બેસુમાર દોલત આપી છે. આ પચાસ લાખ ભગવાને આપણને આપ્યા છે. વળી હવે તો જગમોજનકાકા હયાત પણ નથી. તેમના દીકરાઓ અમેરીકામાં અબજોપતી બનીને બેઠા છે. પીતાજી, લક્ષ્મી ચાંલ્લો કરવા આવી છે ત્યારે તમે ઈમાનદારીની આડમાં કોઈ મુર્ખામી ના કરશો…!’

 

દીકરા આગળ ગુણવંતભાઈનું ન ચાલ્યું. ગંગાબા પણ દીકરાની તરફેણમાં રહ્યાં. ગુણવંતભાઈએ દીકરા જોડે બોલવાનું છોડી દીધું હતું, પણ એમનો આત્મા કકળતો હતો. જાણે એ દીકરાને કરગરીને કહેતા હતાં – ‘મરેલા બાપનું દેવુ દીકરાએ ચુકવવું પડે એવી કાયદામાં જોગવાઈ છે. એ ન્યાયે મરેલા બાપને ઈનામ મળ્યું હોત તેનો હક પણ દીકરાનો જ ગણાય. એ પચાસ લાખની એકેએક પાઈ જગમોહનના દીકરાની જ ગણાય… આપણી નહીં…!’

 

દીકરાએ નવા બંગલામાં પુજા કરાવી ત્યારે ગુણવંતભાઈ માંદા પડી ગયા હતા એથી જઈ ના શક્યા, પણ છેલ્લે-છેલ્લે એમણે ગંગાબાને ભીની આંખે વીનંતી કરી હતી – ‘ગંગા, આપણે એ બંગલામાં નથી જવું. આપણે આ ઘરમાં જીંદગી વીતાવી છે. અહીં જ મારી આંખ મીંચાય એમ હું ઈચ્છું છું!’ ગંગાબાએ એમને સમજાવ્યું – ‘તમે જીંદગીભર તમારા મનનું કરતાં રહ્યાં. દીકરાએ સુંદર બંગલો બનાવ્યો છે તો એનું મન રાખવા થોડા દીવસ ત્યાં રહીએ. પછી પાછાં આવતાં રહીશું. હું દીકરાને સમજાવીશ…!’

 

દીકરાએ ગુણવંતભાઈ માટે મોંઘી કફની ખરીદી હતી. દીકરાવહુએ સ્વહસ્તે એ કફની તેમણે પહેરાવી. વહુએ મજાક કરી – ‘બાપુજી તમે આ કફનીમાં વરરાજા જેવા લાગો છો…!’ દીકરો હરખથી બોલ્યો – ‘પીતાજી મારા તરફથી આ બંગલો તમને ભેટમાં આપું છું…!’
ગુણવંતભાઈ કારમાંથી ઉતર્યા અને બંગલામાં પહેલે પગથીયે પગ મુક્યો ન મુક્યો ને ઢળી પડ્યા.
●♦●

 

સ્મશાને એક જ વાત ચર્ચાતી હતી. ગુણવંતભાઈ ભગવાનના માણસ હતા. એમની જીવનભરની પ્રામાણીકતા રંગ લાવી. દીકરાને ભગવાને એવી બરકત આપી કે તેણે બાપને ચાળીસ લાખનો બંગલો ભેટમાં આપ્યો. જો કે સૌને એક વાતનું આશ્ચર્ય થયું હતું. એમને નખમાંય રોગ નહોતો. અચાનક આ અટૅક કેમ આવ્યો ? ગંગાબાના દીલમાં જ્યોતીષીના શબ્દો ઘુમરાઈ રહ્યા હતા : ‘અંતે તમે કોઈ અસાધ્ય રોગમાં અટૅકથી મરશો !’ ઈમાનદારી ગુણવંતભાઈનો અસાધ્ય રોગ હતો. ગંગાબા સીવાય મહોલ્લાના કોઈ માણસને જાણ થઈ ન શકી કે ગુણવંતભાઈને ‘હૃદયરોગ’નો નહીં; ‘ઈમાનદારીનો અટૅક’ આવ્યો હતો…!

 

 

–દીનેશ પાંચાલ

 

બ્લોગ લીંક : http://das.desias.net
email : [email protected]

 

 

”દાદીમા ની પોટલી’ પર આજની પોસ્ટ નો લેખ પ્રસિદ્ધ કરવા મોકલવા બદલ અમો શ્રી ઉત્તમભાઈ ગજ્જર નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

 

આપના બ્લોગ પોસ્ટ પરના પ્રતિભાવ બ્લોગ પર આવકાર્ય છે.

 

(કેવળ વાર્તાઓ(લેખો, કવીતા, ગઝલો કશું નહીં)ને જ સ્થાન આપનારા, ગયે વરસે જ શરુ થયેલા, ‘આવતીકાલના વાર્તાકારનું આજનું માસીક’, ‘મમતા’(સમ્પાદક : મધુ રાય(અમેરીકા)[email protected] , તંત્રી, મુદ્રક, પ્રકાશક : એ.વી. ઠાકરભારતમાં વાર્ષીક લવાજમ : રુપીયા–200, અમેરીકામાં વાર્ષીક લવાજમ : $ –30, સરનામું: ‘મમતા’ કાર્યાલય, 977/2 –સેક્ટર 7–સી, ગાંધીનગર–382 007, ફોન – 079-2323 3601 મોબાઈલ– 97127 50565 ઈ–મેલ : [email protected] )ના એપ્રીલ 2012ના છઠ્ઠા અંકમાંથી લેખકશ્રીની અને સમ્પાદકશ્રીની પરવાનગીથી સાભાર…)

લેખક–સમ્પર્ક :
શ્રી. દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી-396 445 ફોન: 02637 242 098 સેલફોન: 94281 60508

@@@

સન્ડે ઈ–મહેફીલ’વર્ષઃ આઠમુંઅંકઃ 254October 07, 2012
‘ઉંઝાજોડણી’માં અક્ષરાંકનઃ ઉત્તમ ગજ્જર [email protected]

 

@@@

તમે શીખ્યા કે ?

બ્લોગમાં, ફેસબુકમાં, સ્કાઈપમાં, ચેટીંગમાં, મેઈલમાં કે વર્ડમાં આમ જ, કર્સર અહીં જ મુકી, ફટાફટ ગુજરાતીમાં લખતાં તમને ફાવ્યું કે ? જો હજી ક્યાંક બીજે લખી, તેની કૉપી કરી, અહીં પેસ્ટ કરવાની ઝંઝટથી થાક્યા હો તો http://lakhe-gujarat.weebly.com/ ની મુલાકાત લો.
તે માટેની સઘળી સામગ્રી ત્યાં મુકેલી જ છે. સુચવ્યા મુજબ કરો ને સ્ક્રીન પર ગુજરાતીમાં લખવા સક્ષમ બનો.. કશી પણ ગુંચ આવે તો અમને મેઈલ લખો.. તમે લખતા ન શીખી જાઓ ત્યાં સુધી અમે તમારી સાથે રહીશું.. [email protected] ..Surat..

 

@@@

More than 1,64,50,000 Gujarati Language lovers have visited
http://www.gujaratilexicon.com/
More than 14,61,000 have visited Digital Bhagwadgomandal
http://www.bhagwadgomandal.com/
More than 3,45,000 have visited Lokkosh
http://lokkosh.gujaratilexicon.com/

 

@@@@@@@@@

વારંવાર ડોકટરને ત્યાં જવામાં શરમ નથી આવતી ? …

વારંવાર ડોકટરને ત્યાં જવામાં શરમ નથી આવતી ? …
– ડૉ.ગુણવંત શાહ

 

 

 

આવતાં દસ–પંદર વર્ષો બાદ ઘણાં ઘરોમાં એક વીચીત્ર દૃશ્ય જોવા મળશે. આરોગ્ય જાળવીને જીવતો પંચોતેર વર્ષનો બાપ, વ્યસનોને કારણે ખખડી ગયેલા પચાસેક વર્ષના પુત્રની ખબર કાઢવા હૉસ્પીટલ જશે. ધુમ્રપાન, ગુટખા અને શરાબને કારણે યુવાનને ‘પ્રમોશન’ મળે છે. એ જલદી ઘરડો થાય છે અને વળી જલદી ઉપર પહોંચી જાય છે. આવા યુવાનની ચાકરી એનો તંદુરસ્ત પીતા કરશે.

 

 

 

આરોગ્યમય જીવનનું રહસ્ય સમજાય તે માટે ડૉક્ટર હોવાનું ફરજીયાત નથી. કેટલાક ડૉક્ટરો એવી રીતે જીવે છે, જેમાં એમની મૅડીકલ સમજણનું ઘોર અપમાન થતું હોય છે. ઘણાખરા ડૉક્ટરો દરદીઓને દવા આપે છે; આરોગ્યની દીક્ષા નથી આપતા. કેટલાક ડૉક્ટરો દરદીને બદલે દવા બનાવનારી કંપનીને વફાદાર હોય છે. હૃદયરોગનો હુમલો થાય ત્યારે માણસનું માથું શરમથી ઝુકી જવું જોઈએ. હું એવું તે કેવું જીવ્યો કે મારું હૃદય મારાથી હારી બેઠું ? પ્રત્યેક હૃદયને સ્વમાન હોય છે. માલીક હદ વટાવે અને ખાવાપીવામાં કે હરવા ફરવામાં ભયંકર બેદરકારી બતાવે ત્યારે હૃદય બળવો પોકારે છે.

 

હૃદયરોગ મફતમાં નથી મળતો. એને માટે વર્ષો સુધી તૈયારી કરવી પડે. હૃદયરોગ એટલે અપમાનીત હૃદયનો હાહાકાર ! રોગ એટલે જીવનલય તુટે તેની શરીરે ખાધેલી ચાડી. ડૉક્ટર ન હોય તેવા સમજુ માણસને કેટલી બાબત જડે છે : ‘સમજનેવાલે સમજ ગયે હૈ, ના સમજે વો અનાડી હૈ.’

 

 

 

પહેલી વાત તો એ કે તંદુરસ્ત રહેવા માટે વ્યાયામ અત્યંત જરૂરી છે. આજનો કહેવાતો એક્ટીવ માણસ પણ વાસ્તવમાં બેઠાડુ હોય છે. ટી.વી. પર ક્રીકેટ મેચ જોનાર એક સાથે કેટલા કલાકો છાણના પોદળાની માફક બેઠેલો રહ્યો ! પ્રત્યેક ઓવરને અંતે એ પોદળો ઉભો થઈને હળવા હલનચલન દ્વારા શરીરને છુટું કરી શકે. ઓફીસની ખુરશીમાં કલાકો સુધી બેસી રહેનાર કર્મચારી, લગભગ પોટલું બનીને ચરબી એકઠી કરતો રહે છે. કેટલીય ગૃહીણીઓ લગભગ પીપ જેવી બનીને મજુરણને દબડાવતી રહે છે. હાડકું નમાવવું જ ન પડે તેવી દીનચર્યા અને ઘરચર્યા બ્લડપ્રેશરને આમંત્રણ આપે છે. કોઈ ખેતમજુરને ડાયાબીટીસ થતો નથી. ડાયાબીટીસ કાયમ સુખસગવડથી શોભતું, માલદાર ઘર શોધે છે. મોટરગાડી અને સ્કુટરના પૈંડાએ આપણી પાસેથી પગનું ગૌરવ છીનવી લીધું છે. બાળકો પણ સાઈકલને બદલે મૉપેડ દોડાવતાં થયાં. નાની વયે હૃદયરોગ થાય તેની તૈયારીઓ થઈ રહી છે. ઘણાખરા રોગોના મુળમાં પગનો ગૌરવભંગ રહેલો છે.

 

 

 

માણસ જે ખાવું જોઈએ તે નથી ખાતો અને જે પીવું જોઈએ તે નથી પીતો. એને કયારે ખાવું અને કેટલું ખાવું તેનું ભાન નથી. લગ્નના રીસેપ્શન વખતે પાંચસાત જાતની મીઠાઈઓ હોય છે અને તળેલી વાનગીઓની ભીડ હોય છે. પંજાબી વાનગીઓની ફેશન ગુજરાતીઓમાં શરુ થઈ છે. બુફેના ટેબલ પર કેલરીના રાફડા ! બીજે દીવસે પેટ બગડે છે. ફાડાની લાપસી આઉટ ઓફ ફેશન ગણાય છે. માણસ જો ખાવાનું અડધું કરી નાખે અને ચાવવાનું બમણું કરી નાખે, તો મૅડીકલ સ્ટોરની ઘરાકી ઘટી જાય. સેમ્યુઅલ બટલર જો જીવતો થઈને સામે મળે તો દરદીને જરુર પુછે : ‘વારંવાર ડૉકટરને ત્યાં જવામાં તમને શરમ નથી આવતી?’ માણસનું શરીર કોથળા જેવું શા માટે હોય ? એ તો સ્વયંસંચાલીત તંત્રને ધારણ કરતું સાયબરનેટીક્સ છે અને પરમચેતનાનું મંગલમંદીર છે. શરીર પ્રત્યે બેદરકાર રહેવું એ તો અધાર્મીક બાબત ગણાય; કારણ કે શરીરને આપણે ત્યાં ‘ધર્મસાધનમ્’ ગણ્યું છે !

 

 

 

ઉંઘનો અનાદર રોગને નોતરે છે. ઉંઘની ગોળીઓ લેવા કરતાં થાકવાની તસ્દી લેવી સારી.

 

 

 

દીવસમાં એકાદ વખત માણસે હાંફવું પડે એવું કોઈ કામ કરવું જોઈએ. ઝડપથી ચાલવામાં કે ધીમેથી દોડવામાં ફેફસાંનો સંકોચ વીસ્તાર પામે છે. ઈરાદાપુર્વક ઉંડા શ્વાસ લેવામાં પૈસા બેસતા નથી. રાત્રે પથારીમાં પડતી વખતે થાકનું નામનીશાન ન હોય ત્યારે ઉંઘ કાલાવાલા કરાવે છે. આંખને થાક ન લાગે તેવા આશયથી ઘણા લોકો વાંચવાનું પણ ટાળે છે. અમથા ઉજાગરા કરવામાં ઉંઘનું અપમાન થાય છે. મોડા ઉઠવામાં સુર્યનું અપમાન થાય છે. રાતે મોડા સુવામાં અંધારાનું અપમાન થાય છે. જીવનનો લય સુર્ય સાથે જોડાયેલો છે. પક્ષીઓ સુર્યની આમન્યા રાખે છે. માણસો નથી રાખતા. ઉંઘ અને રોગમુકતી વચ્ચે કલ્પી ન શકાય તેવો અનુબંધ છે. થાકવૈભવ વગર ઉંઘવૈભવ ન મળે અને ઉંઘવૈભવ વગર તાજગીવૈભવ ન મળે. વાસી ચહેરો લઈને ફરવામાં જીવનનું અપમાન થાય છે.

 

 

 

રોગનાં મુળીયાં મનના પ્રદેશમાં રહેલાં જણાય છે. હરામની કમાણી રોગની આમંત્રણપત્રીકા બની રહે છે, –એવું કોણ માનશે ? નાની મોટી છેતરપીંડી કરનાર માણસ રોગની શક્યતા વધારે છે, એવું કોણ માનશે ? નીખાલસ મનના માણસનું મન નીરોગી હોવાની સંભાવના (પ્રોબેબીલીટી) વધે છે. મનના મેલની શરીરમાં ટ્રાન્સફર થાય ત્યારે લોકો રોગી શરીરને જુએ છે; મનને સમજવાનું ચુકી જાય છે. ક્રીકેટનો સ્કોર ગણનારો કે ફુટબોલની રમતના ગોલ ગણનારો કદી પોતાની જાતને પુછતો નથી કે હું આજે કેટલીવાર ખાલી ખાલી જુઠું બોલ્યો ? પ્રત્યેક નાનું જુઠ માણસની ભીતરમાં એક પ્રકારનો માઈક્રો–લય તોડે છે. હરામની કમાણી કરનાર પણ અંદરથી બધું સમજે છે. માંહ્યલો એને અનુમતી આપતો નથી. ફેન્ચ વીચારક એલેક્સી ડૅરલ આવા લોકોને ચેતવે છે અને કહે છે: ‘ભગવાન તો તને માફ કરશે, પણ તારી નર્વસ સીસ્ટમ તને માફ નહીં કરે.’ માણસનું વ્યકતીત્વ મનોશારીરીક છે.

 

 

 

હું બહુ નાનો માણસ છું; પણ એક આગાહી કરું છું. ભવીષ્યમાં એક થેરપી જાણીતી થશે, જેને ‘પ્રામાણીકતા–ઉપચાર પદ્ધતી’ કહેવામાં આવશે. પ્રામાણીકપણે જીવનારો સીધી લીટીનો આદમી નીરામય અને લાંબા આયુષ્યની શકયતા વધારે છે. આપણી પરંપરામાં આયુર્વેદને ઉપવેદનો દરજ્જો મળ્યો, જેમાં આયુષ્યની માવજતનું રહસ્ય પ્રગટ થયું. આયુષ્ય પ્રત્યેની બેદરકારી સ્વસ્થ આદમીનું લક્ષણ નથી. દ્વેષ રોગજનક છેં. ઈર્ષ્યા રોગજનેતા છે. દગાબાજી કરનાર પોતાના મન પર બહુ મોટું દબાણ વેઠે છે. એ દબાણ શરીરને અસર કરે છે. એનું મજ્જાતંત્ર (નર્વસ સીસ્ટમ) બળવો પોકારે છે. આપણા પર કોઈ ભરોસો મુકીને બેઠું હોય અને આપણે શરમ નેવે મુકીને વર્તીએ ત્યારે આપણું સમગ્ર વ્યક્તીત્વ હચમચી ઉઠે છે. આવું બને ત્યારે શરીર લથડે છે. તન, મન અને માંહ્યલા વચ્ચેનો સુમેળ હોય ત્યારે રોગનું સ્વમાન હણાય છે; એ આપણને છોડીને ચાલી નીકળે છે, અથવા આવવાનું ટાળે છે. શરીરના વ્યાપારો સ્થુળ હોય છે, મનના વ્યાપારો સુક્ષ્મ હોય છે અને માંહ્યલાનું શાસન તો અતીસુક્ષ્મ હોય છે. દગાબાજીથી મોટું કોઈ પાપ નથી. પાપ તેને કહેવાય જે જીવન ખોરવી નાખે. મનમાં હોય તે કહી દેવામાં થોડુંક નુકસાન થાય છે. મેલું મન શરીરમાં મેલ દાખલ કરે તેને રોગ કહે છે.

 

 

 

થોડાક સમય પર હું અકથ્ય મનોયાતનામાંથી પસાર થયો. પહેલી અસર મારી ચામડી પર પડી. બીજી અસર વાળ પર પડી, ત્રીજી અસર પાચનક્રીયા પર પડી અને ચોથી અસર મારી ઉંઘ પર પડી. ખલેલમુક્ત મન વગર ખલેલમુક્ત શરીર શકય જ નથી. દીનચર્યા આપણી સ્વપ્નચર્યા (ઉંઘ) ની  ગુણવત્તા નકકી કરતી હોય છે. આત્મવંચના પણ આત્મહત્યાનો જ એક પ્રકાર છે. મંથરાનું મન મેલું હતું તેથી એને કુબ્જા કહી છે. કુબ્જા રામાયણમાં પણ મળે અને મહાભારતમાં પણ મળે. મહાભારતની કુબ્જા કૃષ્ણને શરણે ગઈ તેથી ધન્ય થઈ. એ કંસની દાસી હતી; પણ એનું મુખ કૃષ્ણ ભણી હતું. કૈકેયીની દાસી અને કંસની દાસી વચ્ચેનો તફાવત સ્પષ્ટ છે. આપણે કોને અનુસરવું તે આપણા હાથમાં છે.

 

 

 

: પાઘડીનો વળ છેડે :

 

 

મારા હાથમાં અત્યારે જોનાથન ગ્રીન દ્વારા સંપાદીત સુંદર સુવાકયોનું પુસ્તક ‘ધ પેન ડીક્શનરી ઓફ કૉન્ટેમ્પરરી કવોટેશન્સ’ છે. એમાં મહાત્મા ગાંધી, નેહરુ અને ઈંદીરા ગાંધીનાં અવતરણો પણ છે. મારા ગામ રાંદેરના દોડવીર ઝીણાભાઈ નાવીકનું એક વીધાન આવા આંતરરાષ્ટ્રીય સ્તરના પુસ્તકમાં વાંચવા મળ્યું. અમારા ઝીણાકાકાનું વીધાન આ પ્રમાણે છે:

 

 

 

‘તમારે જીવવું હોય તો ચાલવું જોઈએ;
તમારે લાંબું જીવવું હોય તો દોડવું જોઈએ.’

 

 

–ગુણવંત શાહ

સંપર્ક : ‘ટહુકો’–૧૩૯–વીનાયક સોસાયટી, જે.પી. રોડ, વડોદરા–૩૯૦ ૦૨૦

 

 

સૌજન્ય : ઉત્તમભાઈ ગજ્જર …

 

@@@

‘સન્ડે ઈ–મહેફીલ’ – વર્ષઃ ત્રીજું – અંકઃ 146 – March 23, 2008
‘ઉંઝાજોડણી’માં પુનરક્ષરાંકનઃ ઉત્તમ ગજ્જર – [email protected]

 

@@@@@@@@@

146.UNICODE-Sharam_Nathi_ Aavti-Gunvant_Shah-‘SeM’-23-03-2008-FINAL

 

 

બ્લોગ લીંક  : http://das.desais.net
email : [email protected]

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી ઉત્તમભાઈ ગજ્જર નાં અંતરપૂર્વકથી આભારી છીએ …

આજની પોસ્ટ આપને પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો …