સંબંધોની પળોજણ  …

સંબંધોની પળોજણ  …

શ્રી નિરંજન મહેતા (મુંબઈ) …

 

 

 

 relation.1

 

 

જીવનસફરમાં સંબંધોની આવનજાવન ચાલુ રહે છે જેમ સ્ટેશને સ્ટેશને મુસાફરોની ચઢઉતર થાય છે તેમ. આવી આવનજાવનને કારણે જ સંબંધોના બંધન રચાય છે. વળી આ બંધનો કેવા અવનવા અને વિચિત્ર હોય છે ! તેની વિવિધતા તો જુઓ. ફક્ત માનવી માનવીના નહી પણ માનવી અને પશુઓના સંબંધો પણ જાણવાલાયક અને માણવાલાયક હોય છે. કદાચ આપણા પૂર્વજો(!)ના બીજ હજી માનવીમાં ધરબાયેલ હશે એટલે જ આ પશુસ્નેહ તેનામાં જાગૃત છે કે કેમ?

 
પણ અહીં વાત કરવી છે ફક્ત માનવી માનવીના સંબંધોની જેને આપણે જુદા જુદા વિભાગમાં વહેંચી શકીએ – કૌટુંબિક, સામાજીક, આર્થિક, વગેરે.

 
કૌટુંબિક સંબંધો તો અનેક પ્રકારના છે – જન્મજાત અને વ્યાહવારિક. બાળપણથી મરણ સુધી આ સંબંધો જુદા જુદા સ્તરે સ્થપાય છે અને બદલાતી તાસીર પ્રમાણે તે પણ બદલાતા રહે છે જેને કારણે જુના સંબંધો ભૂલાઈ જાય છે અને નવા બંધાતા જાય છે. શાળા–કોલેજ કાળ દરમિયાન બંધાયેલા સંપર્કોમાંથી આગળ જતાં કેટલા નભાવીએ છીએ ? એક, બે કે એક પણ નહી ! જો કે તેમાંથી એક સંબંધ જીંદગીભરનો પણ બની શકે છે અને તે જીંદગી સુધારી (કે બગાડી) શકે છે – લાઈફ પાર્ટનર બનીને. આવા સંબંધોના સરવાળા બાદબાકી એક પૂર્ણ ચર્ચા માંગી શકે છે જે અત્યારે અસ્થાને છે.

 
સંબંધોનુ હોવું એ પણ માનવીના માનસ ઉપર આધારિત છે. વાચાળ અને મિલનસાર સ્વભાવવાળાનો સંબંધોનો વ્યાપ વિપુલ હોય છે જયારે ઓછાબોલા અને સંકુચિત માનસવાળાનું વર્તુળ સિમિત હોય છે અને તેમાંથી કેટલાક તો તેમણે મનેકમને નિભાવવાના હોય છે. આવું સમાન સ્તર અને ભિન્ન ભિન્ન સ્તર વચ્ચેના સંબંધો માટે પણ કહી શકાય. સમાન સ્તરના સંબંધો જે રીતે સચવાય છે તે જુદા જુદા સ્તરના લોકો વચ્ચે તેટલી આસાનીથી નથી જળવાતાં – કદાચ ઉંચા સ્તરનો અહંકાર કે વડાઈ તેને માટે કારણરૂપ બની રહે છે.

 

 

 relation.2

 

બચપણથી લઈને ઘડપણ સુધી આપણે જુદા જુદા પ્રકારના સંબંધો વડે બંધાયેલા હોઈએ છીએ. બાળપણમાં દાદા–દાદી, મા–બાપ, ભાઈ–બહેનથી આરંભાતો સંબંધ આગળ જતાં વિસ્તરે છે અને તેમાં કાકા–કાકી, મામા–મામીના ઉમેરાથી તે વણઝાર લંબાય છે અને તે લાંબા ગાળાનો સાથ બની રહે છે.

 
શાળા, કોલેજમાં નવા મિત્રો, તેના મિત્રો અને તે મિત્રોના મિત્રો – અધધ, માપી ન શકાય એટલું મોટું વર્તુળ રચાય છે પણ તે કેટલો વખત અને કેટલો વિસ્તરિત તે તમારા પર નિર્ભર છે.

 
ત્યાર પછીના તબક્કામાં નોકરી ધંધાના કુંડાળામાં પ્રવેશતા તમે ફાયદાકારક સંબંધોને બાંધવાના અને સાચવવાના ભરપૂર પ્રયાસ કરશો. પરંતુ આ સંબંધ પણ સગવડિયો બની રહે છે કારણ સ્વાર્થની દુનિયામાં કોઈપણ સંબંધ કાયમી બની નથી રહેતો સિવાય કે તે નિસ્વાર્થભાવે બંધાયો હોય અને જળવાયો હોય. પણ આ પણ સામા ઉપર નિર્ભર છે. તમે લાખ પ્રયત્ન કરશો તો પણ સામેથી તેનો પ્રતિભાવ નહીં મળે તો તે તૂટી જશે. તમે વિચારશો કે મારી શું ભૂલ ? પર અબ પછતાયે ક્યા હો જબ ચીડિયા ચુગ ગઈ ખેત !

 

 

 relation

 

સંબંધોમાં નાજુક સંબંધ એટલે જીવનસાથી સાથેનો સંબંધ. તે અનન્ય તો છે જ પણ તે સામાન્ય રીતે સુંવાળો અને ગાઢ પણ હોય છે. પણ સિક્કાની બે બાજુની જેમ કોઈકના માટે તે કાંટાળો બની રહે છે ! તેમ થવાના મુખ્ય કારણ છે સામાજિક, આર્થિક કે અંગત. પહેલાના જમાનામાં આવા સંબંધો વડીલોના ઈશારે થતાં જેમાં સ્વના ગમા અણગમાની કોઈ ગુંજાયેશ ન હતી. પોતાનું પાત્ર દેખાવે, સ્વભાવે કેવું હશે તેનો વિચાર પણ અસ્થાને હતો. તેને કારણે લગ્ન બાદ મનમેળ ન હોય તો પણ વડીલોની અને સમાજની આમન્યાને કારણે પડયું પાનું નીભાવી લેવું પડતું. પણ હવે જમાનો બદલાઈ ગયો છે. વડીલો પણ સમજતાં થઈ ગયા છે અને પોતાના નિર્ણય ઠોકી ન બેસાડતાં પસંદગીની છૂટ આપે છે. આનુ કારણ પાશ્ર્વત્ય રહેણીકરણીનો વ્યાપ, ભણતરનો ફેલાવો વગેરે. સહભણતર તો ભાગ ભજવે છે પણ ત્યારબાદ નોકરીમાં સાથે ગળાતો સમય પણ કારણરૂપ બને છે.

 
પણ રખે માનતા કે આવા સંબંધો હંમેશા મીઠી વીરડી બની રહે છે. સમય જતાં આમાં પણ ખારાશ આવી જાય છે જે માટે બન્ને પાત્ર જવાબદાર ગણી શકાય. આમ થવાના કારણો છે મુખ્યત્વે એકબીજાથી અસંતોષ. તે ઉપસાવવા માટે જવાબદાર છે બન્નેના કુટુંબીજનો, આડોશપાડોશ અને મિત્રો જે અંતે તે ફારગતી સુધી પહોંચી જાય છે. પણ જો બેમાંથી એક પાત્ર સમજદાર હશે અને સમજીને ઉકેલ લાવશે તો આ સંબંધ સચવાઈ જશે તેમાં શક નથી.

 
લગ્નબંધન પછી ફરી એકવાર નવા સંબંધોનો સીલસીલો ચાલુ થઈ જાય છે. સામા પાત્રના માતા–પિતા, અન્ય કુટુંબીજનો, મિત્રો વગેરે સંબંધની જાળને વધારે ફેલાવે છે. હવે આ સંબંધો કેવા ટકે છે અને ક્યાં સુધી તે તો સમય જ કહી શકે પણ એક વાત ચોક્કસ છે કે સ્ત્રીવર્ગ તે વધુ સારી રીતે નીભાવી શકે છે કારણ આદમી અનુકૂળ હોય તેવા સંબંધો સાચવવામાં માને છે જયારે મહિલા મોટેભાગે સંબંધો બગાડવામાં માનતી નથી.

 
લગ્નને કારણે સમય જતાં વળી પાછા સંબંધના સમીકરણો બદલાઈ જાય છે. બાળપણમાંથી વયસ્ક બનેલાના તાણાવાણા નવેસરથી વણાય છે જયારે તે પિતૃત્વ પદ હાંસલ કરે છે. હવે તેના જીવનમાં બાળકો, તેના મિત્રો, શિક્ષકો વગેરે પ્રવેશે છે. પરંતુ જેમ જેમ તેનું બાળક મોટું થતું જાય છે ત્યારે આ પણ કાયમી નથી રહેતા, જાણે તેની જીંદગીના પૂર્વાર્ધનું પુનરાવર્તન ન થતું હોય, ભલે જુદી રીતે.

 
સંબંધોની પળોજણમાં અગાઉના સમયમાં તિરાડો ન હતી અથવા હતી તે બહાર નહોતી આવતી તે હવે એકવીસમી સદીમાં છડેચોક પોકારાય છે. ભલે આજના વડીલે પોતાની યુવાવસ્થામાં પોતાના વડીલોને સાચવી લીધા હોય અને પોતાના વડીલોના ગમા–અણગમાને સાચવી લીધા હોય પણ આજની યુવા પેઢી તેમ નથી કરતી બલકે છડેચોક પોતાના મંતવ્યો અને ભેદભાવોને જાહેર કરે છે. કારણ છે બદલાતી સમાજની તાસીર અને સંયુક્ત કુટુંબની લુપ્ત થતી ભાવના. શા કારણે તે કહેવાની જરૂર છે ? વધતાં જતાં વૃદ્વાશ્રમોની સંખ્યા આનો સબળ પૂરાવો છે.

 
કૌટુંબિક સંબંધોથી આગળ વધીએ તો સંબંધોનું વર્તુળ આડોશપાડોશથી શરૂ થયેલ તે નાત–જાત, શહેર અને દેશ–પરદેશ સુધી વિસ્તરી શકે છે કારણ સદીઓ પહેલા જે દુર્ગમ હતું તે આજે સંચારના નવા નવા સાધનોને કારણે સુગમ થઈ ગયું છે. હવાઈ સાધનોના વિકાસને કારણે અને ઈન્ટરનેટ જેવી સુવિધા તેમ જ ફેસબુક, વોટસેપ, ચેટિંગ વગેરે જેવી હાથવગી તકનીકી શોધોને કારણે હવે સંબંધો બાંધવા અને નિભાવવાનું આસાન થઈ ગયું છે.

 
પણ જેટલા સાધનો તેટલી વધુ પળોજણ. આધુનિક સાધનોનો દુરુપયોગ પણ હવે વધી રહયો છે જે સૌ જાણે છે. સંબંધો વધારવા જો તેનો સમજી વિચારીને ઉપયોગ કરાય તો ઠીક બાકી ન બાંધવા જેવા સંબંધો જો બંધાઈ જાય તો તેના હાલહવાલ કેવા થાય તે પણ લોકો જાણે છે.
 

 

 

 
આજની પોસ્ટ  ‘દાદીમા ની પોટલી’ પર પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો શ્રીનિરંજનભાઈ મહેતા (મુંબઈ) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.
 

 
  લેખકશ્રી નાં સંપર્ક વિગત :

niranjan mehtaNiranjan Mehta
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai-400091.
Tel. 28339258/9819018295

 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 
twitter a/c : @dadimanipotli

 
facebook at : dadimanipotli

પ્રભુતામાં પગલાં માંડતી દીકરીને માનો પત્ર …

પ્રભુતામાં પગલાં માંડતી દીકરીને માનો પત્ર …

– શ્રી નિરંજન મહેતા

 

 

ચિ. સુ.

 

ચિ. સંબોધન વાંચી થોડી નવાઈ લાગી, નહીં?   પણ આજના પવિત્ર દિવસે તું નવી દુનિયામાં પગરણ માંડી રહી છે તેથી ત્યાર બાદ તારૂં સંબોધન હવે ચિ.માંથી અ.સૌ. થઈ જશે જે કારણે હવે પછી આ સંબોધન વપરાશે નહી.

 

bride daughter

 

લગભગ દરેક સ્ત્રીને આ બદલાવ અનુભવવો પડતો હોય છે.  આ નવા ચરણની ખાટી–મીઠી વાતોથી તું અજાણ નથી છતાં એક મા તરીકે મારી ફરજ છે કે તને યોગ્ય સલાહ સૂચન આપું. આમ તો અવારનવાર આ સંદર્ભમાં આપણે ચર્ચા કરી છે એટલે પુનરાવર્તન નહી કરૂં પણ મારી લાગણીઓને કંઈક અંશે વ્યક્ત કરીશ.

 

મા–દીકરીનો સંબંધ અનન્ય હોય છે કારણ દીકરીના ઉછેરમાં બાપ કરતાં માનો ફાળો વધુ હોય છે.  તેથી જ માને દીકરીની વિદાય વધુ વસમી લાગે છે.  પણ દરેક દીકરીએ વિદાય લેવાની હોય છે તે સમજીને મેં આ પળ સહન કરવાની ઘણા વખતથી તૈયારી કરી છે એટલે તું નચિંત રહેજે એમ તો કહીશ પણ તેમ છતાંય તારા વિના થોડો સમય કેમ જશે તે વિચારી નથી શકતી.

 

ખેર, એક વાત કહયાં વગર નથી રહી શકતી.  તેં તારા નામ – સુહાસિનીને યથાર્થ કર્યુ છે તેમ કહું તો તે ખોટું નથી. મેં કાયમ તારા મોં પર મલકાટ જોયો છે. મને ખાત્રી છે કે આ જ તારો ગુણ તું સાસરે નભાવી રાખશે જે તને તારા નવજીવનમાં જીત અપાવશે.  નવા માહોલમાં સમાવેશ કરતાં થોડો વખત લાગશે જ(મારો અનુભવ કહું છું), પણ આ માહોલમાં તારૂં ખુશનુમા વદન તને મુશ્કેલીમાંથી બહાર લાવવામાં મદદરૂપ થઈ પડશે.

 

સાસરે ડગલેને પગલે નવા નવા અનુભવો થતાં રહેશે–કોઈ સારા કોઈ કડવા, પણ મારા માનવા મુજબ ત્યાંના લોકો તને સરળતાથી સમાવી લેશે.  તેમ છતાંય જે પણ થોડી ઘણી તકલીફો આવશે તે તું  હસતે ચહેરે દૂર કરીશ જેથી ત્યાંના વાતાવરણમાં કડવાશ નહીં ફેલાવા દે, ખાસ કરીને નવા જીવનસાથી સાથે, કારણ નવા સંબંધોમાં બાંધછોડ કરવી પડતી હોય છે અને જેની સાથે જીવનભરનો સાથ નીભાવવાનો હોય છે તેને માટે તો તે જરૂરી છે.   તેમાંય સ્ત્રીઓ માટે તો તે અત્યંત જરૂરી છે.

 

ભલે નીરવકુમાર નામ પ્રમાણે નીરવ બની રહે પણ તેમના વિચારો અને તારા વિચારો દર વખતે પૂરેપૂરા મેળ ખાય તેમ ન પણ બને.   આવા સમયે સમજૌતા જેવો અસરકારક ઉપાય કોઈ નથી. સમય વર્તે સાવધાન માની પ્રસંગને અનુરૂપ બની રહેવું એ જ હિતાવહ છે.

 

આમ તો તને માની યાદ આવતી રહેશે પણ મુશ્કેલીમાં તને હું ખાસ યાદ આવીશ જ.  આવે વખતે વિના ખચકાટ ફોન કરવા માટે કહેવાની જરૂર છે?   પણ એક વાત યાદ રાખજે, નાની નાની વાતો માટે આ ઉચિત ઉપાય નથી.   આવા વખતે વિચારવિમર્શ કરી નિવેડો લાવશો તો તે યોગ્ય બની રહેશે, નહી તો તે જીવનરાહમાં અડચણરૂપ બનશે.

 

આગળ નથી લખાતું કારણ આંખમાં ઝળઝળિયા આવા લાગ્યા છે એટલે આટલેથી અટકું છું.

 

 tears of mother

 

લિ. તારી મા અને હવે પછી બનનારી સખી.
 

 

આજની પોસ્ટ  ‘દાદીમા ની પોટલી’ પર પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો શ્રીનિરંજનભાઈ મહેતા (મુંબઈ) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.


  લેખકશ્રી નાં સંપર્ક વિગત :

niranjan mehtaNiranjan Mehta
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai-400091.
Tel. 28339258/9819018295


 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can also contact /follow us on :
 
twitter a/c : @dadimanipotli
 
facebook at : dadimanipotli

‘મૃત્યુ–પતિનું પહેલા કે પત્નીનું ?’ …

‘મૃત્યુ–પતિનું પહેલા કે પત્નીનું ?’   …

– શ્રી નિરંજન મહેતા

 

 

mrutyu.1

 

 

મૃત્યુનું નામ સાંભળતા જ દરેક માનવી એક પળ માટે ખંચકાઈ જાય છે. ભલે તે જાણે છે કે આ જગતમાં પ્રવેશ થાય તે ઘડીએ કોઈએ જલદી તો કોઈએ મોડું પણ જવાનું હરેકનું ગોઠવાયેલું છે. ગમે તેટલું ઈચ્છતો હોય કે તેને ઈચ્છામૃત્યુ મળે પણ તે ધારે છે તેમ નથી થતું કારણ અંતિમ નિર્ણય તો ઉપરવાળાનો જ ખરો ઠરે છે. અપવાદ રૂપ હોય તો ભિ પિતામહ જેવા વીરલા.

 

 

 

mrutyu

 

 

પણ આ લેખ મૃત્યુની ચર્ચા કરવા માટે નથી પણ અન્ય એક સમસ્યા ઉપર વિચાર કરવા લખાયો છે. સમાજમાં નર–નારીના સંબંધો પતિ–પત્નીના રૂપમાં સામાન્ય છે. દરેક એક બીજાની સુખ–શાંતિનો વિચાર કરે છે. સનાતન કાળથી નર પોતાને નારીના  રક્ષકના અને તારણહારના પાત્રમાં જુએ છે. સ્ત્રી પોતાનું જીવન સારી રીતે ભોગવી શકે તે માટે તે સતત પ્રયત્ન કરતો રહે છે.

 

આ તો થઈ પતિ જીવે ત્યાં સુધીની વાત. પરંતુ જયારે તે પત્નીની પહેલા મૃત્યુ પામે છે ત્યારે સંજોગો બદલાઈ જાય છે. આવા સંજોગોમાં એક કરતાં વધુ વિકલ્પો ઊભા થાય છે–કાં તો સ્ત્રીને એકલા રહેવાનું આવે છે યા તો પતિના કુટુંબ સાથે. જો તેને કુટુંબ સાથે રહેવાનુ હોય અને તેને અન્ય લોકો સારી રીતે રાખે તો તે અલગ વાત થઈ. આને કારણે તે પોતાના સંતાનોનો ઉછેર, શિક્ષણ વગેરે સારી રીતે પાર પાડી શકે છે. પણ આનાથી વિપરિત દશામાં પણ અમુક સ્ત્રીઓ મૂકાઈ જાય છે જેમાં પતિના કુટુંબીજનો તેને સારી રીતે નથી રાખતા જેને કારણે તે સ્ત્રીની બાકીની જીંદગી તેમના ગેરવર્તનને કારણે ત્રાસમય થઈ પડે છે.  તેના બાળ્કો જો નાના હોય તો ઉછેરમાં પણ મુશ્કેલી પડે. શું આ માટે સ્ત્રીને ‘અખંડ સૌભાગ્યવતી’નો આર્શીવાદ અપાય છે જેથી તે પહેલા મૃત્યુ પામે અને ત્રાસમાંથી બચી જાય ?

 

 

પરંતુ જે સ્ત્રી એકલી થઈ જાય છે, એટલે કે કોઈ કારણસર પતિના કુટુંબનો સથવારો ન મળે અને બધુ જાત પર આવી પડે ત્યારે તેની કફોડી હાલત થઈ જાય છે તે કહેવું જરૂરી છે ?   ડગલેને પગલે રોજબરોજના જીવનમાં આવતી મુશ્કેલીઓનો તેને એકલે હાથે સામનો કરવો પડે છે અને તે નિરાશાજનક હાલત ભોગવે છે. બહુ ઓછી એવી મહીલાઓ હશે જે મક્કમ મને આ બધુ સહન કરી પોતાની જીંદગી સ્વતંત્ર જીવી શકે છે.

 

કોઈપણ વિકલ્પ હોય પણ આર્થિક પ્રશ્ર્ન મહત્વનો ભાગ ભજવે છે. પતિએ જો અગમચેતી વાપરી સરખી આર્થિક વ્યવસ્થા કરી હશે તો તે વિધવા ગર્વભેર રહી શકશ ેઅને બીજા પર આધાર નહી રાખવો પડે, તેમાંય જો તે ભણેલી અને સમજદાર હશે તો તે સરળતાથી અને ખુમારીથી રહી શકશે.

 

પરંતુ સિક્કાની બીજી બાજુનો વિચાર કરીએ તો જો પત્નીનું મૃત્યુ પહેલા થાય તો પાછળ રહેલા પતિની હાલત કેવી હશે ?

 

એક વિધવા પોતાના જીવનને જે રીતે સંભાળી લે છે તેવું વિધુરના કિસ્સામાં નથી તે હકીકત છે. મોટા ભાગના વિધુરો આવે સમયે ભાંગી પડે છે કારણ જીવનભર જેનો સાથ હતો અને જેના સહારે તે દાંપત્યજીવન ગુજારતો હતો તેના માટે હવે એકલા રહેવાનું અસહય થઈ પડે છે કારણ હવે તેની નાની મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાવાળું હયાત નથી.  ભલે તેના સંતાનોનો સાથ હોય પણ તેમ છતાં તે એકલો પડી જાય છે. પણ જો કોઈ સંતાનનો સાથ ન હોય તો ? તો તેની લાચારીનો વિચાર તમે કરી શકો છો.

 

અહીં એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે.   ભલે તે પોતાને સ્ત્રી કરતાં ઉપરના સ્થાને ગણતો હોય પણ હકીકત તો ઉલટી છે.  જન્મથી મૃત્યુ સુધી તેને એક યા બીજા સ્વરૂપે સ્ત્રી પર આધાર રાખવો પડે છે  જે મા, બહેન, પત્ની કે દીકરીના રૂપે ભાગ ભજવે છે.

 

એક પત્ની પોતાની વાતો પતિને કે અન્યને જેમ કે બહેનપણી, દીકરી કે ક્યારેક પુત્રવધૂ આગળ કરી શકશે પણ પતિ તેમ નથી કરી શકતો કારણ પહેલેથી તેને પોતાની વાત હૈયામાં દબાવી રાખવાની આદત હોય છે.  જયાં સુધી પત્ની હયાત હતી ત્યારે તો ઘણી બધી (પણ બધી તો નહી જ !) વાતો કહેવાની આદત હશે પણ તેના ગયા પછી હવે કોના આગળ દિલ ખોલવું તેની મૂંઝવણ તે અનુભવશે. સંતાનોને ન તો સમય હોય છે, ન તો તેમને પિતાની સમસ્યામાં રસ હોય છે કે સમજાતી નથી.  તો મિત્રગણ હોવા છતાં તેને ચૂપ રહેવું પડે છે.

 

યુવાન વયે એકનું મૃત્યુ થાય તે વાત જુદી છે પણ બેમાંથી એકની પાછલી જીંદગીમાં આમ થાય તો ?

 

પાછલી જીંદગીમાં એકલા પડેલા પતિને ચોવીસ કલાક ઘરમાં રહેવાનું થાય છે કારણકે તે નિવૃત્ત થઈ ગયો હોય છે. અન્ય સભ્યોના વ્યસ્ત જીવનમાં તે દખલરૂપ ન થાય તે માટે તેણે સતત સતર્ક રહેવું પડે છે. રોજની જરૂરિયાતો જેવી કે ચા–નાસ્તો, જમવાનું અને અન્ય જરૂરિયાતો માટે તેણે બીજાની ફૂરસદની ઉપર આધાર રાખવો પડે છે. વળી પત્નીને તેની પસંદગી અને ટેવોની જાણકારી હતી અને તેને તે સાચવી લેતી તેવું અન્યો ન પણ કરે. ત્યારે મન મનાવી રહેવું પડે. માંદગી આવે ત્યારે તો ઓર મુશ્કેલી. પગ દબાવવાનું, માથું દબાવવાનું જેવા કામ કોને કહેવા? પુત્રવધૂને તો ન જ કહેવાય ! આવે સમયે તેને પત્ની ગયાનો શોક વધુ લાગે છે.  એક વિધવા આવા સંજોગોમાં અડીખમ રહી શકે છે અને પોતાની જાતને સંભાળી શકે છે. વળી તે વિના સંકોચે ઘ્રના સભ્યો પાસે સારવારની અપેક્ષા રાખી શકે છે.

 

એવા પણ સંજોગો આવે છે જયાં પુત્રવધૂ મોડર્ન હોય, પોતાનું સ્ટેટસ જાળવવામાં માનતી હોય, જેથી કરી તેને પાર્ટીઓ, મિટિંગો અને અન્ય સામાજીક કાર્યોમાં વધુ રસ હોય. આને કારણે તે સસરાની સંભાળ રાખવાનું ચૂકી જાય. ‘રસોઈ તૈયાર છે અને ટેબલ ઉપર છે. જમી લેજો ‘ યા તો ‘અમે બહાર જવાના છીએ તમે મેનેજ કરી લેજો’ જેવા વાક્યો લગભગ અવારનવાર લાચાર સસરાના કાને પડતાં હશે. આવે સમયે સમજદાર સસરો મૌન ધારણ કરવામાં માને છે કારણ તેને ખબર છે કે ‘ન બોલ્યામાં નવગુણ’ જ સારો વિકલ્પ છે.

 

પણ આ બધું બહારને બદલે ઘરમાં ગોઠવાતું હોય તો? ‘આજે બહેનપણીઓ આવવાની છે તો મહેરબાની કરીને ત્રણથી પાંચ તમારા રૂમમાં રહેજો.’ ભલે પછી ચા માટે રાહ જોવી પડે. વળી આ સમયે ક્યાંય જવાય નહી એટલે નજરકેદ! પણ આને સ્થાને વિધવા સાસુ હોય તો તેને પુત્રવધૂ સારી રીતે ઉપયોગમાં લઈ લેશે.

 

પણ કુટુંબમાં કોઈ દેખભાળ કરવાવાળું ન હોય તો? તો તો એક જ વિકલ્પ છે અને તે વૃદ્ધાશ્રમનો આશરો.

 

જો આવા સંજોગોને પહેલેથી સમજીને તૈયાર રહીશું તો કોઈ મુશ્કેલી નથી આવતી કારણ તેનો સામનો કરવા તૈયાર હોઈ બાકીનું એકલવાયું જીવન સારી રીતે પસાર કરી શકાય છે.

 

આ લખાણનો હેતુ વિધવાનું કે વિધુરનું  એમ બેમાંથી કયું જીવન સારુ તેની ચર્ચા કરવા માટે નહી પણ આવા સંજોગોનો આગળથી વિચાર કર્યો હોય તો તે ફાયદાકારક બની રહે તે જ આશય.

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો શ્રી નિરંજનભાઈ મહેતા (મુંબઈ) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.


  લેખકશ્રી નાં સંપર્ક વિગત :

niranjan mehtaNiranjan Mehta
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai-400091.
Tel. 28339258/9819018295


 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can also contact /follow us on :
twitter a/c : Ashokkumar (das)@dadimanipotli
facebook : dadimanipotli

પ્યાલો … (બોધકથા) …

૧.]  પ્યાલો …  (બોધકથા) …

 

 

glass

 

એક સાંજે ગુરૂજી પોતાના અનુયાયીઓ સમક્ષ હાથમાં એક પ્યાલો લઈ હાજર થયા.  બધા સમજી ગયા કે હમણાં સવાલ આવશે કે મારા હાથમાં રહેલો પ્યાલો અડધો ભરેલો છે કે અડધો ખાલી અને તેનો યોગ્ય જવાબ આપવા સૌ તૈયાર હતાં ત્યાં ગુરૂજીએ જુદો જ સવાલ પૂછયો.

 

ગુરૂજીએ કહયું કે મારા હાથમાં આ પ્યાલો ખાલી છે. જો હું તેને પાંચ મિનિટ પકડી રાખું તો શું થાય?

 

કોઈકે કહયું ખાસ કાંઈ નહી, બીજાએ કહયું આંગળીઓ દુખે.

 

ગુરૂજી હસ્યા અને કહયું જો હું પંદર મિનિટ પકડી રાખું તો? હવે વધુ જવાબ મળ્યા જેનો સૂર હતો કે આંગળા જકડાઈ જાય.

 

હવે પછીનો સવાલ હતો કે જો પ્યાલો અડધો કલાક સુધી પકડી રાખે તો શું થાય. થોડો સમય વિચાર કરી એક બે જણા બોલ્યા કે હાથ અકડાઈ જાય.

 

mun-mind

 

 

હવે વાત સમાપ્ત થઈ એમ સૌ માનતા હતાં ત્યાં એક ઓર સવાલ આવ્યો કે જો આ પ્યાલો એક કલાક પકડી રાખું તો ? હવે કોઈએ જવાબ નહી આપ્યો એટલે ગુરૂજી બોલ્યા લાગે છે કે જવાબ મારે જ આપવો પડશે. જો હું એક કલાક આ પ્યાલો પકડી રાખું તો મારો હાથ ખોટો પડી જાય. આગળ તેઓ બોલ્યા કે આવું આપણા મનનું છે. આપણે ખોટા વિચારો અને નફરતને જેટલા લાંબા સમય સુધી પકડી રાખશું તો આપણું મન પણ ખોટું થઈ જશે અને તેની અસર આપણા વાણી અને વર્તન પર થશે.  એટલે આવાં નકારાત્મક તત્વોને લાંબો સમય ન પકડી રાખતાં ફગાવી દેવાં એ જ સૌના માટે હિતાવહ છે.

 

 

 

૨.]  વચલો …

 

અનિકેત ત્રણ ભાઈઓમાં વચલો. સમજણો થયો ત્યારથી માતા–પિતાની શીખ મુજબ મોટાભાઈની આમન્યા રાખતો થયો હતો. પરંતુ નાનકાના આગમન પહેલાનું તેમનું વહાલ નાનકાના આવ્યા પછી તેના તરફ વળ્યું હતું. આમ બે ભાઈઓની વચ્ચે તે દબાયેલી માં ઉછર્યો હતો.

 

સારા–માઠા પ્રસંગે મોટાની સલાહ લેવાતી, જયારે તેને તો લેવાયેલા નિર્ણયોનું પાલન જ કરવાનું રહેતું. ઘણીવાર તેને થતું કે તેનો અભિપ્રાય પણ લેવાય, પણ તેમ કહેવાની તેની હિંમત ન હતી, કારણ કે નાનપણથી કહેલું કરવાની આદત પડી ગઈ હતી.

 

નાનકાના લગ્ન લેવાયા ત્યારે તેને હતું કે ગ્રહશાંતિની વિધિ તે અને તેની પત્ની મળીને કરે પણ તે કહેવાની હિંમત કરે તે પહેલા નિર્ણય લેવાઈ ગયો કે તે વિધિ મોટો જ કરશે.

 

અને પિતા મર્યા ત્યારે? તે પોતાના પિતાના અગ્નિસંસ્કાર કરવા માંગતો હતો કારણ તે તેના પિતાને બહુ ચાહતો હતો. પરંતુ વડીલોએ તેને ન કરવા દીધા કારણ વચલા પુત્રથી આ ન થઈ શકે તેમ જણાવાયું. કાં મોટો કરે કાં નાનકો. અંતે નાનકાએ આ કામ પાર પાડયું.

 

અનિકેત વિચારતોઃ શું વચલાની કોઈ કિંમત નથી ? તેની લાગણીઓની કોઈને દરકાર નથી ? સારા–માઠા પ્રસંગે આગળ પડતો ભાગ ભજવવાનું તેના ભાગ્યમાં નહી લખાયું હોય ?

 

પણ એક દિવસ ઉપરવાળાએ તે અરમાન પણ પૂરા કરી આપ્યા જયારે તેના દસ વરસના પુત્રના અગ્નિદાહનું કામ તેના હાથે નિર્માયુ !

 સાભાર:

નિરંજન મહેતા

 

સંપર્ક વિગત :

niranjan mehtaNiranjan Mehta
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai-400091.
Tel. 28339258/9819018295

 

લેખકશ્રી નો પરિચય :

શ્રી નિરંજનભાઈને સાહિત્યનો શોખ નાનપણથી અને તેને કારણે ૧૯૬૮–૬૯માં બે વાર્તાઓ લખાઈ અને છપાઈ. પરંતુ ત્યાર બાદ નોકરી અને કૌટુંબિક જવાબદારીઓને કારણે સમય ન મળતા છેક ર૦૦૪માં રિટાયર થયા બાદ ફરી આ સીલસીલો ચાલુ થયો અને છેલ્લા ૧૦ વરસમાં લેખો, નવલિકા, બે–ત્રણ કવિતા, લઘુકથા મળી લગભગ ૬પ રચનાઓ પ્રકાશિત થઈ છે. (અપ્રકાશિત જુદી).

આ બધી રચનાઓ જન્મભૂમિ, મુંબઈ સમાચાર, કુમાર, નવનીત–સમર્પણ, અહા! જિંદગી (જે હવે બંધ થઈ ગયું છે), અભિયાન જેવા સામયિકોમાં પ્રગટ થઈ છે.

આજ રોજ તેમનો આ બીજો લેખ (બોધકથા) મોકલી ‘દાદીમા ની પોટલી’ નાં પાઠક વર્ગ સાથે નિયમિત રીતે જોડાવા બદલ અમો શ્રી નિરંજનભાઈ નાં અંતરપૂર્વકથી આભારી છીએ. આપ સર્વે મિત્રો સમયાંતરે તેમના અન્ય લેખ પણ અહીં માણી શકો તે માટે અમારી સદા નમ્ર કોશિશ રહેશે. આપના પ્રતિભાવ લેખ સાથે જરૂર મૂકશો. 

 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય  છે.

 

 

‘નવી ભોજનપ્રથા’ નાં ચાહક મિત્રો માટે ખાસ :

Navi Bhojan Pratha Shibir :

Dt. : 9-3-2014  – Sunday,  Time : 9 :00 am to 2 : 30 pm

Speaker : Shree B. V. Chauhan

Venu : Shreyas School Manjalpur Naka Baroda

Reg. Fees : 150/-

Contact : 0265-2633894

 

આપ શિબિરમાં જોડાવા ઇચ્છતા હો તો ઉપર દર્શાવેલ નંબર પર જરૂરથી સંપર્ક કરશો.

ઈન્ટરનેટ દેવ ! … (કટાક્ષિકા) …

ઈન્ટરનેટ દેવ …

 

 

મિત્રો, 

 

ઈન્ટરનેટ મહારાજ / દેવની નારાજગીને કારણે ઘણા લાંબા સમયથી અમો આપના સમ્પર્કમાં રહી શકેલ નથી, એટલું જ નહિ, કોઈપણ પ્રકારના લેખ પણ બ્લોગ પર મૂકી શક્યા નથી કે, બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવનો જવાબ પણ આપી શકેલ નથી; તે બદલ અમો અંતરપૂર્વકથી ક્ષમા ચાહીએ છીએ.  આપના આરોગ્ય લક્ષી પ્રશ્નો / પ્રતિભાવના જવાબ ટૂંક સમયમાં જ આપના ઈ મેઈલ આઈ ડી પર મોકલી આપીશું.  સહકાર બદલ આભાર.

આજ રોજ આપની સમક્ષ એક હસ્તસિદ્ધ લેખક શ્રી નિરંજનભાઈ મહેતા (મુંબઈ) નો ઈન્ટરનેટ પરની કટાક્ષિકા ભરેલ એક લેખ દ્વારા ફરી આપના નિયમિત સમ્પર્કમાં રહેવા કોશિશ કરીશું.  આજના લેખ બદલ અમો શ્રી નિરંજનભાઈ મહેતા નાં સહૃદય આભારી છીએ.

જય હો! જય હો! ઈન્ટરનેટ દેવનો!

 

 

internet.1

 

 

આપ ભલે પ્રાચીન દેવ ન હો. ભલે આપનુ સ્થાન ચોર્યાશી કોટી દેવોમાં ન હોય પણ થોડા સમયમાં આપે જે લોકોમાં સ્થાન પ્રાપ્ત કર્યુ છે તે જાણીને આપનો આ સેવક આપને કોટી કોટી વંદન કરે છે.

 

બીજા બધા દેવોનુ સામ્રાજય અમુક વિસ્તાર સુધી જ સિમિત છે. જેમ કે તિરૂપતિ ભગવાન દક્ષિણમાં બીરાજે છે તો કાલકામાતા પૂર્વ ભાગમાં પ્રસ્થાપિત છે. વળી કિસન મહારાજ મહદ અંશે ઉત્તર ભારતમાં વર્ચસ્વ ધરાવે છે.

 

 
internet.2a

 

 
આ તો ભારત દેશની વાત થઈ. પણ પૃથ્વીના અન્ય ખંડોમાં પણ કાંઈક આવો પ્રકાર જોવા મળે છે. મુસ્લીમ દેશોમાં ઈસ્લામ ધર્મ તો યુરોપ અને અમેરિકા ખંડોમાં ખિ્રસ્તી ધર્મનો પ્રભાવ. વળી રશિયા તો કોઈ ભગવાનમાં ન માને!! કોઈ પણનો પ્રભાવ કે ભક્તગણ બધે જોવા નથી મળતા, જયારે આપનો પ્રભાવ અને વિસ્તાર અસિમિત છે. આપ તો સર્વવ્યાપિ છો. જયાં શિક્ષણ અને ટેકનોલોજી પહોંચી ગયા હશે ત્યાં આપના હોવાનુ અનિવાર્ય છે. થોડું ઘણું ભણેલાને આપના ભક્ત બનતા વાર નથી લાગતી. આપને અપનાવવા તેઓ ઉત્સુક હોય છે અને તક મળતાં પોતે તો ભક્ત બને છે પણ સાથે સાથે અન્યોને પણ ઘસડી લાવે છે, જે અન્ય ભગવાનો માટે સહેલું નથી.

 

આપે થોડા જ સમયમાં દુનિયાભરના લોકોમાં જે સ્થાન મેળવ્યું છે તે જોઈને દંડવત પ્રણામ કર્યા વગર નથી રહી શકતો.

 

અન્ય દેવી દેવતાઓના મંદિર કે પૂજાના સ્થાનોનો વિચાર કરતાં લાગે છે કે આપના સ્થાનો તેમના કરતાં વધુ અને ઠેર ઠેર છે. લોકોના ઘરમાં અને કાર્યાલયોમાં તો આપ બીરાજો છો પણ જયાં જયાં સાઈબર કાફે નામના સ્થાન છે ત્યાં ત્યાં આપનો વાસ નક્કી છે. જે લોકો પોતાના ઘરમાં આપની સ્થાપના નથી કરી શકતાં તેઓ આ સ્થાનમાં આવી આપની પૂજા અર્ચના કરે છે, કલાકોના કલાકો સુધી.

 

પુરાતન કાળમાં અસુરો વસતા જે ભગવાનના ભક્તોને હેરાન પરેશાન કરતાં. અર્વાચીન સમયમાં પણ આવા આસુરી તત્વો ધરાવતા લોકોની કમી નથી. તેઓ તમારા નામનો અને સ્થાનનો ગેર ઉપયોગ કરીને આપના ભોળા ભક્તોને ભરમાવે છે અને છેતરીને તેમની ધનદોલત હડપ કરી જાય છે. જો કે આવા આસુરી તત્વોને ડામવા પ્રયત્નો તો થાય છે પણ પેલી કહેવત છે ને કે જયાં લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે!! આવા લોકોની સંખ્યા ઓછી નથી, ભલે તે મારો દેશ હોય કે દુનિયાનો અન્ય દેશ હોય. વળી ફક્ત ધન લૂંટવા નહી પણ અન્ય કુકર્મો માટે પણ આપનો ગેર ઉપયોગ થાય છે. આપ આનાથી અજાણ નથી પણ આપ લાઈલાજ છો, આવાઓને આમ કરતાં અટકાવવા. એટલે તો હવે તમારા ભક્તોએ એવા સેવકો તૈયાર કર્યા છે જે રાત દિવસ આવા કુકર્મીઓને સફળ થતાં અટકાવી શકે. પણ તેમાં હજી પૂરેપૂરી સફળતા નથી મળી. પણ મને ખાત્રી છે કે એક દિવસ એવો આવશે જયારે તમારા નામને બટ્ટો લાગે એવા અસુરો આ દુનિયામાં નહી હોય.

 

પણ આપના ભક્તો જયારે આપનો ઉપયોગ સુકર્મો માટે કરે છે ત્યારે હું રાજી રાજી થઈ જાઉં છું, ખાસ કરીને જયારે શિક્ષણનો પ્રચાર આપના માધ્યમ દ્વારા કરાય છે. તો સંદેશની આપ લે જયારે આપના દ્વારા થાય છે ત્યારે સમયનો બચાવ થતો જોઈ આનંદિત થાઉં છું. આપના જે ભક્તોને આપની ક્ષમતાની જાણ છે અને તેને સારી રીતે વાપરી જાણે છે તેવા ભક્તો સરાહનિય છે.

પ્રભુ, આપના કારણે આજે પર્યાવરણમાં બદલાવ આવી રહયો છે તેની તો શું વાત કરૂં? આપને કારણે કાગળના વપરાશમાં ઘટાડો થઈ રહયો છે અને હજી વધુને વધુ બચાવ થતો રહેશે તેમાં કોઈ શંકા નથી. શું ઓફિસના કામમાં હોય કે અંગત કામમાં સમજદાર લોકો આપની વધુને વધુ સેવા કરે છે અને પર્યાવરણને સુરક્ષિત રાખવાના પ્રયાસમાં પોતાનો ફાળો આપતા રહે છે.

 

આપને કારણે ટપાલખાતાનું કામકાજ ઓછું જરૂર થયું છે પણ તે છતાં તે ક્યાં પોતાનું કામ સમયસર અને પૂરેપૂરૂં કરી શકે છે? તમે ન હોત તો જનતાની શું હાલત થાત? આમ આપ તો અમારા જેવા ભક્તોના ઉદ્ધારક છો!

 

હવે તો નાના ભુલકાં પણ નાની ઉમ્મરમાં આપના ભક્ત બની ન કેવળ જ્ઞાનમાં

વધારો કરે છે પણ સાથે સાથે આનંદ પ્રમોદ માટે પણ આપને યાદ કરે છે. હા, અતિ સર્વત્ર વર્જયતે તે આમને પણ લાગુ પડે છે અને તેને કારણે તેમની આપની વધુ પડતી સેવા તેમના માતાપિતા માટે માથાનો દુખાવો બની રહે છે જેથી કરીને તેઓને તમારા સાંનિધ્યમાંથી દૂર કરવા સામ, દામ, દંડ, ભેદ જેવા ઉપાયો અજમાવવા પડે છે.

 

આપ પ્રસન્ન હો તો આપના ભક્તોને આપની સેવા કરવાથી કેટકેટલા લાભ મળે છે. પૈસાની લેવડ દેવડ, શોખની ચીજો તેમ જ ઘરની જરૂરિયાતની ચીજોને ઘર બેઠાં મેળવવી એ તો હવે રોજિંદુ થઈ ગયું છે અને આને કારણે રાત દિવસ તમારા ભક્તોની ફોજ વધતી જાય છે. આમાં પણ બનાવટ કરવાવાળા અસુરો હોય છે પણ તે અનિવાર્ય છે.

 

આપના તો ગુણગાન ગાઉં એટલા ઓછા છે. આપ થકી આપના ભક્તો દુનિયાભરમાં ખૂણે ખૂણે વસતાં સ્વજનો અને મિત્રોનો સંપર્ક ઘડીના છઠ્ઠા ભાગમાં કરી શકે છે અને પ્રત્યક્ષ વાર્તાલાપ પણ કરી શકે છે. વળી એવાય તમારા ભક્તો છે જે રાત દિવસ તમારી સેવા કરી તેમના ખોવાએલા સ્વજનોને મેળવી લે છે. વાહ દેવા, તમારું સામથ્ર્ય અપરંપાર છે. છે કોઈ અન્ય દેવતામાં આવું સામથ્ર્ય?

 

આપ તો સર્વવ્યાપી અને સર્વજ્ઞાની છો એટલે વધુ કાંઈ ન કહેતા આપને ફરી એકવાર દંડવત કરતાં હું મારી જાતને રોકી નથી શકતો.

 

જય હો ! જય હો!

 સાભાર:

નિરંજન મહેતા

 

સંપર્ક વિગત :

niranjan mehtaNiranjan Mehta
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai-400091.
Tel. 28339258/9819018295

 

લેખકશ્રી નો પરિચય :

શ્રી નિરંજનભાઈને સાહિત્યનો શોખ નાનપણથી અને તેને કારણે ૧૯૬૮–૬૯માં બે વાર્તાઓ લખાઈ અને છપાઈ. પરંતુ ત્યાર બાદ નોકરી અને કૌટુંબિક જવાબદારીઓને કારણે સમય ન મળતા છેક ર૦૦૪માં રિટાયર થયા બાદ ફરી આ સીલસીલો ચાલુ થયો અને છેલ્લા ૧૦ વરસમાં લેખો, નવલિકા, બે–ત્રણ કવિતા, લઘુકથા મળી લગભગ ૬પ રચનાઓ પ્રકાશિત થઈ છે. (અપ્રકાશિત જુદી).

આ બધી રચનાઓ જન્મભૂમિ, મુંબઈ સમાચાર, કુમાર, નવનીત–સમર્પણ, અહા! જિંદગી (જે હવે બંધ થઈ ગયું છે), અભિયાન જેવા સામયિકોમાં પ્રગટ થઈ છે.

આજ રોજ આ પ્રથમ લેખ મોકલી ‘દાદીમા ની પોટલી’ નાં પાઠક વર્ગ સાથે જોડાવા બદલ અમો શ્રી નિરંજનભાઈ નાં અંતરપૂર્વકથી આભારી છીએ. આપ સર્વે મિત્રો સમયાંતરે તેમના અન્ય લેખ પણ અહીં માણી શકો તે માટે અમારી સદા નમ્ર કોશિશ રહેશે. આપના પ્રતિભાવ લેખ સાથે જરૂર મૂકશો. 

 

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય  છે.