સુવિચારોનું વૃંદાવન ….૭ (ડૉ. સુરેશ દલાલ)

સુવિચારોનું વૃંદાવન …. ૭ 

-ડૉ. સુરેશ દલાલ

 ઈચ્છા, આશા, અપેક્ષા, મનોરથ, કોડ, મહત્વકાંક્ષા –આ બધાં પુરુષાર્થ વિના જીવનકોશના નહીં પણ

જોડણીકોશના નિર્જીવ અને અર્થહીન શબ્દો છે.

***

કાગળ તો સૌ પાસે પહેલી વાર કોરો જ આવે છે, પણ માણસ એમાં રાગદ્વેષના હાંસિયા દોરતો હોય છે.

જે માણસ હાંસિયા નથી દોરતો એ કદીય હાંસીપાત્ર નથી થતો.

***

બગાસું એ કંટાળાનું જાહેરનામું છે.

***

બિચારો પુરુષ, સંયુક્ત કુટુંબ હોય અને એ પત્નીનો પક્ષ લે તો એ ઘાઘરાઘેલો ગણાય અને માબાપનો પક્ષ લે

તો માવડિયો ગણાય.

***

પૈસાની જરૂરિયાત જીવનમાં છે જ; પણ એટલી હદે નહીં કે આખું જીવન બિનજરૂરી થઈ જાય.

***

ઘરમાં રહેવાનો કંટાળો આવે અને બહાર જવાનો થાક લાગે એને વૃધ્ધાવસ્થા કહેવાય.

***

સુખ એ ચુંબન જેવું છે. જ્યારે કોઈને આપો છો ત્યારે જ એની પરાકાષ્ઠા અનુભવો છો.

***

મહોલ્લાના મવાલીની જેમ લડતાં કે શેરીના કૂતરાની જેમ ભસતાં દંપતીઓને બાળક પર આની શી અસર

થશે એનો કેમ વિચાર નહીં આવતો હોય ?

***

જેને કશું જોઈતું જ ન હોય એને તમે છેતરી કેમ શકો ?

***

મનુષ્યનો અને આયુષ્યનો શબ્દમાં જેટલો પ્રાસ મળે છે એટલો જીવનમાં મળતો નથી.

 

***

– ડૉ. સુરેશ દલાલ

સાભાર સૌજન્ય પ્રાપ્તિ : વિજયભાઈ ધારિયા (શિકાગો – યુ એસ એ)
બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

આજની પોસ્ટ પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો. … ‘દાદીમા ની પોટલી’

અખંડ સૌભાગ્યવતી જઠરદેવી …

અખંડ સૌભાગ્યવતી જઠરદેવી …

 

થોડા સમયનાં વિરામ બાદ, ફરી આજે એક નવી પોસ્ટ ‘અખંડ સૌભાગ્યવતી જઠરદેવી’ …. સંકલન કરી ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો વિજયભાઈ ધારીઆ (શિકાગો) ના અંતરપૂર્વકથી આભારી છીએ ….

 

 

‘રીડર્સ ડાયજેસ્ટ‘માં લેખ વાંચ્યાનું યાદ છેઃ ‘Six ways of Murdering Your Husband.’ વિગતો યાદ નથી આવતી, પરંતુ એના આધારે ભારતીય સ્ત્રી પતિને પ્રેમપુર્વક કઈ રીતે વહેલો ખતમ કરી શકે તે અંગે પાંચ સૂચનો આ રહ્યાઃ

 

· પતિને વારંવાર આગ્રહ કરીને વધારે ખવડાવતા રહેવું.

 

· તેલમાં લથપથ એવું શાક પીરસવું.

 

· રસોઈમાં મીઠું ઉદારતાપૂર્વક ઉમેરવાનું ન ભૂલવું અને ઘી છૂટથી પીરસવું, ફળ ન ખવાય તો ચાલે પણ ફરસાણના ડબ્બા તો હાજર રાખવા.

· પોતે ચાલવું નહીં અને પતિને ચાલવા દેવો નહીં. (પૈડા એ જ પગ)

 

· પાર્ટીમાં જવાની અને કૅલરીસમૃદ્ધ પંજાબી વાનગીઓ ઝાપટવાની એક પણ તક છોડવી નહીં.

માણસની અખંડ સૌભાગ્યવતી જઠરદેવીને વાચા ફૂટે તો !

 

જીવનભર એ બિચારી ધણીના નિર્દય અત્યાચારો સહન કરતી જ રહે છે. પચાસ વર્ષની ઉંમર થાય તોય માણસ ક્યારેક પોતાના જ શરિરથી અપરિચત રહી જાય છે. શરીર પણ પ્રેમ ઝંખે છે અને માવજતની અપેક્ષા રાખે છે.

 

આયુર્વેદના જાણકારો પથ્ય અપથ્ય વચ્ચેના વિવેકને પથ્યાપથ્યવિવેક કહે છે. બધું બધાંને નથી ફાવતું. શરીરને પોતીકા ગમા–અણગમા હોય છે. પચાસ–સાઠની ઉંમર થાય ત્યાં સુધીમાં તો શરીર સાથેની મૈત્રી પાકી થઈ જવી જોઈએ. આવું ન બને તેમાં શરીરનું અપમાન છે. વારંવાર અપમાન થાય ત્યારે શરીરને ખોટું લાગે છે. ખોટું લાગે ત્યારે શરીર રિસાઈ પણ જાય છે. શરીરની રિબામણ અને રિસામણ વધી પડે ત્યારે એ શરીરનો માલિક કહે છેઃ‘આજે કંઈ સારું નથી લાગતું.’ શરીર લગભગ ભારતીય નારીની માફક વેઠાય તેટલું વેઠે છે. વાત વધી પડે, પીડાનો કોઈ અંત ન દેખાય ત્યારે એ ભાંગી પડે છે અને આપઘાત પણ કરે છે. જઠરદેવી પતિવ્રતા હોય છે. ધણી મરી જાય તે સાથે એ પણ બળી મરે છે. મહાસતી જઠરદેવી નો જય હો.

 

 

‘વિરાટને હિંડોળે’માંથી સાભાર ગુણવંત શાહ

 

સંકલન: વિજયભાઈ ધારીઆ (શિકાગો)

 

બ્લોક લીંક: http://das.desais.net
email: [email protected]

 

‘અખંડ સૌભાગ્યવતી જઠરદેવી’  … પોસ્ટ આપને પસંદ આવી હોય તો, આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર જરૂર મૂકી આભારી કરશો. રક્ષા બંધન પર્વે નિમિત્તે  સૌ વાંચક મિત્રો તેમજ તેમના પરિવારને ‘દાદીમા ની પોટલી’ તરફથી શુભકામના સાથે શુભેચ્છાઓ પાઠવીએ છીએ …

જીવન ઉપયોગી ટીપ્સ …

જીવન ઉપયોગી ટીપ્સ …

 

 

[ક] જાળવણી ટિપ્સ …

 

[1] ચાંદીના વાસણોને કાળા થતા બચાવવા માટે ચાંદીનાં વાસણોની સાથે કપૂરની ગોળી રાખવી.

[2] સ્વેટરને ધોતા પહેલાં મીઠાના પાણીમાં પલાળવાથી ઊન ચોંટવાનો ભય રહેતો નથી.

[3] આમલીને લાંબો સમય તાજી રાખવા એક કપ પાણીમાં હિંગ અને મીઠું નાખી ઘોળ તૈયાર કરી આમલી પર છાંટવો અને એને ત્રણ-ચાર દિવસ સુકાવવી.

[4] અથાણાંને ફૂગથી બચાવવા માટે રૂને સરકામાં બોળીને જે બરણીમાં અથાણું ભરવાનું હોય એને સારી રીતે લૂછી નાખો. પછી અથાણું ભરવાથી ફૂગ નહીં લાગે.

[5] લીમડાના છોડમાં ખાટી છાશ કે વપરાયેલી ચાની ભૂકી નાખવાથી છોડ મોટો અને તાજો રહે છે.

[6] વધારે પ્રમાણમાં લીંબુ ખરીદી લીધાં હોય તો બગડી જવાની બીક ન રાખશો. લીંબુને મીઠાની બરણીમાં રાખી મૂકવાથી લાંબા સમય સુધી તાજાં રાખી શકાશે.

[7] સાડી પર તેલના ડાઘ પડ્યા હોય તો, એ જગ્યા પર કોઈ પણ ટેલકમ પાઉડર સારી રીતે રગડીને સાડીને બે-ત્રણ કલાક સુધી તાપમાં મૂકો પછી ધોઈ લો.

[8] નવા ચંપલને રાત્રે ઘી કે તેલ લગાડી રાખવાથી એ સુંવાળાં રહેશે અને નડશે નહિ.

[9] રાઈના પાણી વડે બોટલ ધોવાથી બોટલમાંની વાસ દૂર થાય છે.

[10] માઈક્રોવેવ ઓવનની સફાઈ કરવા માટે સફેદ દંતમંજન પાઉડર ઓવનમાં ભભરાવી કોરા કપડાંથી લૂછી સાફ કરવાથી ઓવન ચમકી ઊઠશે.

 

[ખ] સ્પેશ્યલ ટિપ્સ …

 

[1] દરવાજાના મિજાગરા પર તેલ નાખવા કરતાં પેન્સિલ ઘસો. એનાથી મિજાગરા અવાજ નહીં કરે અને કાટ પણ નહીં લાગે.

[2] કપડાં ધોતી વખતે શર્ટના કોલર પર પડેલા જિદ્દી ડાઘને દૂર કરવા માટે સાબુની જગ્યાએ શેમ્પુનો ઉપયોગ કરો.

[3] પુસ્તકોના કબાટમાં લીમડાના પાન રાખવાથી જીવડાં અને ઊઘઈ લાગવાની શક્યતા નથી રહેતી. થોડા-થોડા સમયે પાન બદલતા રહેવું.

[4] ચાની વપરાયેલી ભૂકીને સૂકવીને બારીનાં કાચ સાફ કરવાથી કાચ ચમકે છે.

[5] કાચના ગ્લાસ ચકચકિત કરવા પાણીમાં થોડી ગળી મિક્સ કરીને એનાથી ધોવા અને પછી સ્વચ્છ પાણીથી ધોઈ નાખવા.

 

[ગ] જીવન ટિપ્સ …

 

[1] તમારે જીવવું હોય તો ચાલવું જોઈએ, તમારે લાંબું જીવવું હોય તો દોડવું જોઈએ.

[2] સૂરજ જ્યારે આથમવાની તૈયારીમાં હોય ત્યાર સુધીમાં તમે કસરત ન કરી હોય, તો માનજો કે દિવસ ફોગટ ગયો.

[3] થાક લાગે તેના જેવી ઊંઘની ગોળીની શોધ હજી થઈ નથી.

[4] હાથ ચલાવવાથી અન્નની કોઠીઓ ભરાઈ જાય છે અને જીભ ચલાવવાથી ખાલી થાય છે.

[5] શરીર પિયાનો જેવું છે અને આનંદ એનું મધુર સંગીત છે. વાદ્ય બરાબર હોય તો જ સંગીત બરાબર વાગે છે.

સાભાર : સંકલિત : વિજયભાઈ ધારીઆ (શિકાગો)

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

જીવન ઉપયોગી ટીપ્સ ની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો વિજયભાઈ ધારીઆ ના આભારી છીએ. આજની જીવન ઉપયોગી ટીપ્સ ની પોસ્ટ જો આપને પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો.

ગાંઠીયા પુરાણ …

ગાંઠીયા પુરાણ …

 

 

 

મને સતત એવું લાગ્યા કરે કે, અમારું કાઠિયાવાડ એ માત્ર કાઠિયાવાડ નથી,
એનું બીજું નામ ‘ગાંઠિયાવાડ’ પણ હોવું જોઈએ.

 

ચણાના લોટને અમે લોકો સિમેન્ટ અને સોના કરતાં પણ વધુ મૂલ્યવાન ગણીએ છીએ.

વણેલા અને ફાફડા ગાંઠિયાનો જે મહિમા સૌરાષ્ટ્રની પ્રજાને છે એ કદાચ વિશ્વની કોઈ પ્રજાને નહીં હોય.


અમારે કલાકારોને મન તો ચા અમારી કુળદેવી અને ગાંઠિયા અમારા શૂરાપૂરા.
સાંજ પડયે દોઢ કરોડના ચા-ગાંઠિયા ફાકી જતા અમે બધાય કોઈ પણ ડખાનું સમાધાન
ચા-ગાંઠિયાથી કરીએ છીએ ને વળી કોઈ ચા-ગાંઠિયાનો વિવેક ન કરે તો ડખો પણ કરીએ છીએ.


ડાયરા માં હું કાયમ કહું કે:

 

“ભડકે ઇ ભેંસ નહીં
બેહે ઇ ઘોડો નહીં

ગાંગરે નહીં ઇ ગાય નહીં
જાગે નહીં ઇ કૂતરો નહીં

હસે નહીં ઇ માણાહ નહીં, ને
ગાંઠિયા નખાય ઇ ગુજરાતી નહીં.”

 

મારા ગામમાં ચંદુ નામે એક ભુક્કા કાઢી નાખે એવો ગાંઠિયાવાળો વસે છે.
રોજ રાત્રે અમારા જેવા કેટલાય નિશાચરો અને ભ્રમણ નક્ષત્રમાં જન્મેલા
અતૃપ્ત જીવોની ભૂખને ચંદુના ગાંઠિયાથી મોક્ષ મળે છે.
ઐશ્વર્યાના પોસ્ટર પાસેથી નીકળો અને જેમ એને ટીકી ટીકીને જોવી જ પડે
એવી જ મોહકતા ચંદુના ગાંઠિયામાં છે. એની રેંકડી પાસેથી નીકળો એટલે
ગાંઠિયા ખાવા જ પડે. આ મારી ચેલેન્જ છે અને અનુભવ પણ.

અમારા ઘણાં બધા ઉપવાસ અને એકટાણાં ચંદુની રેંકડી ઉપર શહીદ થયાના દાખલા છે.
વળી ચંદુના ગાંઠિયારથનું નામ ખૂબ મોડર્ન છે, ‘રિલાયન્સ ગાંઠિયા સેન્ટર.’
અને આ ટાઈટલ નીચે ઘાસલેટના ડબ્બા જેવડા અક્ષરે લખ્યું છે કે,
“અમારી બીજી કોઈ શાખા નથી.”

એક રાતે દોઢેક વાગ્યે હું ઝરમર વરસાદમાં મનમાં દોઢસો ગાંઠિયાનો સંકલ્પ કરી ચંદુના રથ ઉપર પહોંચ્યો.

 

ગાંઠિયા બાંધી દીધા પછી ચંદુએ એક અઘરો સવાલ મને પૂછી નાખ્યો કે,

“સાહેબ, અટાણે તમને કોણે મોકલ્યા?”

હું ગળગળો થઈ ગયો. મેં કહ્યું, “ચંદુ, મારી બા તો મને રાતે દસ વાગ્યા પછી બહાર નીકળવાની ના પાડે છે.

તું વિચાર અટાણે મને કોણે ધક્કો માર્યો હશે?

ઘરવાળી સિવાય કોઈની હિંમત છે કે મારી ઉપર આવી સરમુખત્યારશાહી ભોગવે?

 

મેં આટલો ઉત્તર વાળ્યો ત્યાં તો ચંદુની ઘોલરમરચાં જેવી આંખમાં આંસુડાં તગતગવાં માંડયાં.

ગાંઠિયાનો જારો પડતો મૂકીને ઇ મને બાથ ભરી ગ્યો કે’ સાહેબ,
તમે તો મારી દુ:ખતી રગ ઉપર પગ મૂકી દીધો.

હું રોજ રાત્રે દસ વાગ્યે રેંકડી લઈને આવું છું ને
સવારે પાંચ વાગ્યા સુધી આખા ગોંડલ હાટું ગાંઠિયા વણું છું.

મનેય શું મારી બા મોકલતી હશે ?

પછી તો અમે બેય સમદુખિયા એટલું રડયા કે અમારા ગાંઠિયા પલળી ગયા.

 

ગાંઠિયાનો મહિમા અપરંપરા છે. મારા તો એપેન્ડિક્ષના ઓપરેશન વખતે આંતરડાંમાંથી
ડોક્ટરે અડધો કિલો ચણાનો લોટ કાઢયાનુ દાખલા છે.


મારી દૃષ્ટિએ કોમવાદી બનવું એના કરતાં ગાંઠિયાવાદી કે હાસ્યવાદી બનવું સારું.

 

નેસ્ટ્રોડેમસની જેમ મારી આગાહી છે કે,
ગુજરાતમાં ગાંઠિયા જ્યાં સુધી તળાતાં રહેશે ત્યાંસુધી ખવાતાં રહેશે.

 

હું આપું ગામડાં બે-ચાર, દિલ ને મોજ આવે છે,
કે ચંદુ તું વણેલા ગાંઠિયા એવા બનાવે છે.
છે દુર્લભ દેવતાઓને તીખા મરચાં, તીખી ચટણી,
ને કોઈ પુણ્યશાળી આત્મા ભજિયાંને પામે છે.

 

સૌજન્ય : સંકલન … વિજય ધારીઆ ..(શિકાગો) ..

 

આપને ગાંઠીયાપુરાણ  ની આ હળવી – વ્યંગથી ભરેલ કાઠીયાવાડ ની ઓળખ આપતી  પોસ્ટ પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ જરૂર કોમેન્ટ્સ બોક્સ દ્વારા અમોને જણાવશો, આપના પ્રતિભાવનું બ્લોગ પોસ્ટ પર સ્વાગત છે.  ફાફડા ગાંઠીયા ઘરે બનાવવા ઈચ્છા રાખતા હો તો તેની રેસિપી પણ આવતા વીકે અહીં બ્લોગ પર જાણીશું … તો બ્લોગ સતત આ વીક જોવાનું ભૂલશો નહી…  આભાર !

બ્લોગ લીંક: http://daas.desais.net
email: [email protected]

સુવિચારોનું વૃંદાવન ..(૫)

સુવિચારોનું વૃંદાવન ..(૫)…

ડૉ.ગુણવંત શાહ …

 

આજની પોસ્ટ શ્રી વિજયભાઈ ધારીઆ (શિકાગો) દ્વારા ‘દાદીમા ની પોટલી’ પર મોકલવામાં આવી છે, જે માટે અમો વિજયભાઈ ના અંતરપૂર્વક્થી આભારી છીએ … આપને પોસ્ટ પસંદ આવી કે નહિ જે આપની કોમેન્ટ્સ દ્વારા બ્લોગ પોસ્ટ પર અથવા ફેશબુક ના કોમેન્ટ્સ બોક્ષ દ્વારા જરૂર જણાવશો… આપના દરેક પ્રતિભાવ સદા અમોને આવકાર્ય રહેશે …આભાર !

 

 

શબ્દકોશમાં જ જોડણીદોષ હોય પછી માણસ જાય ક્યાં ?

***

સાડી અને બ્લાઉઝ મૅચ થાય પરંતુ પતિ અને પત્નીનું શું ?

***

મૂળે કુંભકર્ણ અને વળી ક્લોરોફોર્મ સૂંઘીને સૂઈ ગયો !

***

પરાયા મિત્ર કરતાં પોતીકો દુશ્મન સારો.

***

ડુક્કરના સ્વર્ગનું મનોહર શિખર એટલે ઉકરડો.

***

ક્યાંક ચોરી થાય અને લોકોને પહેલો વહેમ ચોકીદાર પર પડે છે.

***

માણસના સદગુણોનો ખરો પરિચય એના પ્રામાણિક દુશ્મનને હોય છે;

એના દુર્ગુણોનો ખ્યાલ સાચા મિત્રને હોય છે.

***

વ્યક્તિત્વ જ્યારે પુષ્પત્વની દીક્ષા પામે ત્યારે પ્રેમની સુગંધ પ્રગટે છે.

***

કાળચક્રને ગીઅર હોતું નથી; બ્રેક હોતી નથી; એક્સલરેટર હોતું નથી

અને રીવર્સ ગીઅરનો તો પશ્ન જ નથી.

***

કોઈની પ્રાયવસીમાં ગંદુ ડોકિયું કરનાર પોતાની ભીતર ડોકિયું કરવાનું ચૂકી જાય છે.

***

યુવક–યુવતી વચ્ચેનો પ્રેમ સુંદર હોય છે પરંતુ વૃધ્ધ અને વૃધ્ધા વચ્ચેનો પ્રેમ ભવ્ય હોય છે.

***

કેટલીક પત્નીઓ પતિ કરતાંય મંગળસૂત્રને વધારે સાચવે છે.

***

હું જ્યારે કોઈ અત્યંત સુંદર પુસ્તક વાંચું ત્યારે મારા અજ્ઞાનથી પ્રભાવિત થઈ જાઉં છું.

 

– ડૉ. ગુણવંત શાહ

(૨)

પુસ્તકો માટેનું કંઈક આવું ગાંડપણ છે. સારા પુસ્તકો વાંચવાથી જીવનને જોવાની દ્રષ્ટિ(outlook) વિશાળ થાય છે. મનને શાંતિ મળે છે. પુસ્તકો જેવા કોઈ ભી સરખા રસ ધરાવતી બે અજાણી વ્યક્તિ વચ્ચે મૈત્રિ થાય એ પણ ઈશ્વરની કૃપા જ કહેવાય. આને લગતું એક quote વાંચવામાં આવ્યું હતું એ અહિં તમારા માટે ટાંકુ છું :

 

કોઈ અજાણી વ્યક્તિ સાથે ઓળખાણ થાય ત્યારે સાધારણ રીતે આપણે તેને (મનમાં) શૂન્ય માર્ક આપીએ છીએ અને જેમ જેમ તેનામાં આપણો વિશ્વાસ વધતો જાય તેમ તેમ તેના માર્ક વધારતા જઈએ છીએ.

 

આ પધ્ધતિમાં છેતરાવાની શક્યતા ઓછી હશે પરંતુ આપણી આ સાવચેતીમાં એક મુદ્દો ભૂલાઈ જાય છે કે જો દરેક વખતે આપણે પરિક્ષા લીધા કરીશું તો અને જો સામેની વ્યક્તિમાં દૈવત હશે તો તેને અપમાન લાગશે અને એ આપણને તજી દેશે. ધીમે ધીમે આપણી આજુબાજુ મૂર્ખાઓ અને હા માં હા પુરાવનારા ‘ચમચાઓ’ જ રહેશે.

 

સામેની વ્યક્તિને શુન્યને બદલે પાસ માર્ક આપી સંબંધ સ્થપાવા દઈશું તો તેમાં છેતરાવાની શક્યતા વધારે છે પરંતુ એનું જમા પાસુ એ છે કે સંબંધ વધારવા લાયક વ્યક્તિઓને ગુમાવી દેવાની શક્યતા ઓછી છે અને સાચા અને પાણીદાર મિત્રો મેળવવાની તકો ઉભી થાય છે.

 

હંમેશા અવિશ્વાસની નજરે જોનારને કોઈ મિત્રો રહેતા નથી એટલું જ નહી પરંતુ છેવટે તે આત્મવિશ્વાસ પણ ગુમાવી બેસે છે.

…….

 

જે પુસ્તક આપણે વાંચીએ તે જો

ખોપરી પર અફળાતા હથોડાની માફક

આપણને જગાડી મૂકવાનું ન હોય

તો પછી

આપણે તે શા માટે વાંચવું જોઈએ ?

પુસ્તક તો બરફ ભાંગવાની હથોડી જેવું જોઈએ

જે આપણી ભીતર

થીજી ગયેલા દરિયાને ભેદી શકે.

-Franz Kafka

 

Franz Kafka (1883 – 3 June 1924) was a culturally influential German language author of short stories and novels. Contemporary critics and academics, including Vladimir Nabokov regard Kafka as one of the best writers of the 20th Century. The term “Kafkaesque” has become part of the English language.

 …….

“I always felt that the great high privilege, relief and comfort of friendship was that one had to explain nothing.”

– Katherine Mansfield

સંકલિત …

સાભાર -સંકલન પ્રાપ્તિ : વિજયભાઈ ધારીઆ …

 

બ્લોગ લીંક :http://das.desais.net

email: [email protected]

સુવિચારોનું વૃંદાવન … (૪) …

સુવિચારોનું વૃંદાવન  … (૪) …

-વાડીલાલ ડગલી…

 

 

આજે આપણે શ્રીયુત વાડીલાલ ડગલી … દ્વારા અભિવ્યક્ત કરેલ વિચારોનું ચિંતન કરીશું … આપને જો આ પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના પ્રતિભાવ કોમેન્ટ્સ બોક્ષમાં મૂકી આભારી કરશો … આપ સર્વે મિત્રોનો આપનું ચિંતન અભિવ્યક્ત કરવા આપના જ બ્લોગ પર સ્વાગત છે …

 

 

કામ એ જીવન છે; કામ ટાળવાની બધી પ્રક્રિયા જીવનને કરમાવી નાખે છે.
જ્યાં જીવન કરમાય ત્યાં અંતરાત્મા કેવી રીતે ખીલી  ઉઠે ?

*

બધું કામ પોતે કરે એવો આગ્રહ રાખનાર અવ્યવસ્થા અને માનસિક યાતનાને નોતરે છે.
આવી વ્યક્તિ ચોવીસ કલાકના સવા ચોવીસ કલાક કરી શક્તી નથી અને બીજાને સોંપી શક્તી નથી.

*

આપણા વિશે થોડો ઓછો ઊંચો અભિપ્રાય રાખવો.
આપણા સિવાય દુનિયા આગળ ચાલી શકે છે એ વિશે જરાયે ભ્રમ ન રાખવો.

*

સરમુખત્યારશાહી કરતાં લોકશાહીમાં આગેવાનોને ભૂલનો ડર વધુ રહેતો હોય છે.
પણ જો ભૂલના ડરથી હાથ ભાંગી જાય તો લોકશાહી અળખામણી થઈ જાય.

*

જે ભૂલો કરે છે એ જ કામ કરે છે. મડદાં કદી કશી ભૂલ કરતાં નથી.
કામ નહીં કરવાથી જેટલું નુકશાન થાય છે એટલું ભૂલથી કદી થતું નથી.

*

એક નિયમ એવો જોઈએ કે જે કામ કરવા માટે આપણને વેતન મળે છે, એને સૌથી પહેલું કરવું જોઈએ.
ફાજલ સમયમાં બિનધંધાદારી કામ કરીએ ત્યારે એવો નિયમ કરી શકાય કે
જે ન કરવાથી બીજાને નુકશાન થાય એ કામ સૌથી પહેલું કરવું જોઈએ.

*

કામ વિશે એક વિચારવા જેવી વાત એ છે કે
જ્યારે આપણે બધા લોકો માટે ભલા થવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે કોઈનું ભલું કરી શક્તા નથી.

*

આપણે આપણી બધી જ શક્તિ એક ચોક્કસ મર્યાદિત કામમાં જ કેન્દ્રિત કરવી જોઈએ.
કામ માત્ર સમયસર થાય એટલું જ પૂરતું નથી, કામ સારું ન થાય તોપણ કામ ટાળ્યા જેટલો જ થાક ચડે છે.

*

સમય અને શરીરની મર્યાદા સમજ્યા વિના આપણે જ્યારે અનેક કામ હાથમાં લઈએ છીએ
ત્યારે જિંદગી વંટોળિયાના પાંદડાં જેવી થઈ જાય છે.

જ્યાં કામ ફેંકે ત્યાં આપણે પડીએ છીએ.
જે કામને નથી નાથી શક્તો તે નથી કોઈ કામ કરી શક્તો કે નથી સારી રીતે જીવી શક્તો.

*

– વાડીલાલ ડગલી
સાભાર : સંકલન સૌજન્ય : વિજયભાઈ ધારીઆ (શિકાગો -યુ એસ એ)
બ્લોગલીંક:http://das.desais.net
e mail: [email protected]

ઉદાસી આ … (ગઝલ)

ઉદાસી આ …


આજે  આપણે ભગવતીકુમાર શર્મા રચિત  એક ગઝલ માણીશું … આ ગઝલ ભગવતીકુમાર શર્માના કાવ્યવિશેષ ‘તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે’ માંથી સાભાર મેળવેલ છે …  આજની આ પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો વિજયભાઈ ધારીઆ (શિકાગો) ના અત્રે અંતરપૂર્વકથી આભારી છીએ … આશા છે કે આપ સર્વેને આ ગઝલ જરૂર પસંદ આવશે ! આપના પ્રતિભાવ કોમેન્ટ બોક્ષ દ્વારા જરૂર આપશો …

 

ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે;
તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે.

 

મને ઉંબરે એકલો છોડી દઈને
હવે ખુદ પ્રતીક્ષા ઝરૂખે ચઢી છે.

 

અનુભવ છે દરીયાના તોફાનનો પણ
આ રેતીમાં હોડી ખરાબે ચઢી છે.

 

લખ્યું’તું કદી નામ મારું તમે જ્યાં
મધુમાલતી એ જ ભીંતે ચઢી છે !

 

ઝરી જાય જળ કે મળે જળસમાધી;
જુઓ, પાંપણો કૂવાકાંઠે ચઢી છે !

 

ઘણા રૂપ લઈ લઈને જન્મે છે સીતા;
હવે લાગણી પણ ચિતાએ ચઢી છે !

 

જરા ગણગણી લઉં તમારી સભામાં;
ભુલાયેલ પંક્તિઓ હોઠે ચઢી છે.

-ભગવતીકુમાર શર્મા …


 

ભગવતીકુમાર શર્માના કાવ્યવિશેષ … ‘તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે’  માંથી સાભાર ….
સૌજન્ય : વિજયભાઈ ધારિયા (શિકાગો – યુ એસ એ) 
બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

સુવિચારોનું વૃંદાવન … (૨)

સુવિચારોનું વૃંદાવન  …  (૨) (ડૉ. ગુણવંત શાહ)

 


મિત્રો થોડા દિવસથી ટેકનીકલ કારણસર બ્લોગ સાઈટમાં થોડી તકલીફ આવેલ જે યોગ્ય કરવા માટે કોશિશ ચાલુ છે અને હાલ મહદ અંશે પ્રોબેલ્મ ફિક્સ કરી આપેલ છે, તમોને બે દીવસ દરમ્યાન પડેલ તકલીફ બદલ દિલગીર છીએ… થોડા સમયમાં પૂર્વવત થઇ જશે તેવી આશા છે.  આપનો સાથ અને સહકાર હંમેશની માફક મળી રહે તેવી આશા સાથે …
આજે ‘દાદીમાના સુવિચારોનું વૃંદાવન’ માં ડૉ. ગુણવંત શાહ દ્વારા અભિવ્યક્ત કરવામાં આવેલ વિચારોના ચિંતન  અને  મનન કરીશું. જો આપ પણ આપના વિચારોનું ચિંતન અભિવ્યક્ત  કરવા ઈચ્છાતા હો, તો જરૂર બ્લોગ પર આવો અને આપના  વિચારોની અભિવ્યક્તિ   આ વૃંદાવન માં જરૂર કરશો  … દરેક મિત્રોનું ‘સુવિચારો ના વૃંદાવન’ માં પોતાના વિચારોને  અભિવ્યક્તિ કરવા માટે સ્વાગત છે ... ‘દાદીમા ની પોટલી’ પર આ સુવિચારો સંકલન કરીને મોકલવા બદલ અમો વિજયભાઈ ધારીઆ – (શિકાગો ) ના અંતરપૂર્વકથી આભારી છીએ...


કોઈ પણ પ્રજાની અસ્મિતા માતૃભાષાના ધાવણ વગર ન જળવાઈ શકે.
ગુજરાતી ભાષા બકરી બેં જેવી સ્થિતિમાં હોય તો ગુજરાતીઓ કદી સિંહ જેવા ગૌરવશાળી ન બની શકે.
માણસ એની ભાષા થકી પ્રગટ થતો હોય છે.
*
સમજણ વગરની સ્માર્ટનેસ કોમ્પ્રેસર વગરના એરકન્ડિશનર જેવી કે પછી રીફિલ વગરની રૂપાળી બોલપેન જેવી છે.
*
લક્ષ્મી તો ઝરણાની માફક અહીં વહી આવે ત્યારે જ શોભે.
એ જ્યારે ઘોડાપૂરની માફક પ્રવેશે ત્યારે લાંબે ગાળે ઘરને ઉજ્જડ કરે છે અને માત્ર મકાન રહી જાય છે.
*
સંવાદિતા ઘરની શોભા છે; સમજણ ઘરની સલામતી છે; હેત ઘરનો ઓચ્છવ છે; બાળકો ઘરનો સ્વાદ છે; પરિતોષ ઘરની સુવિધા છે અને ગ્રહિણી તો સાક્ષાત્ ઘર જ છે.
*
વર્ગમાં જઈને મનગમતો વિષય ભણાવવાનો પણ એક નશો હોય છે.
આવો નશો ન ચડતો હોય એવા માણસે શિક્ષક થવાનું ટાળવું જોઈએ.
*
બાલીશ(childish) હોવાનો સંબંધ અપરિપક્વ નાદાનિયત સાથે હોય છે
જ્યારે બાળસહજ(childlike) હોવાનો સંબંધ પરિપક્વ માસૂમિયત સાથે હોય છે.
*
જે ધર્માંધ છે તે બીજું બધું હોઈ શકે, ખુદાનો બંદો તો ન જ હોઈ શકે.
*
જીવનમાં એકાદ વ્યક્તિ દૂર રહ્યારહ્યા આપણી સ્વસ્થતાને સળી કરતી રહે છે.
આપણા જીવનમાં એકાદ ઈર્ષ્યાવિશેષ કે દ્વેષવિશેષ ગમે તે રીતે ગોઠવાઈ જાય છે.
કર્ણને માટે અર્જુન ઈર્ષ્યાવિશેષ ગણાય. શિશુપાલ માટે કૃષ્ણ દ્વેષવિશેષ હતા.
*
ઊંઘની ગોળી શોધાઈ પછી અનિદ્રા વધી છે અને એસ્પિરીન શોધાઈ પછી માથાનો દુખાવો વધ્યો છે.
*
પુસ્તકના સહવાસથી જ જો પંડિત થવાતું હોત તો ઊધઈને પંડિત કહેવી પડે.


– ડૉ. ગુણવંત શાહ
સાભાર: સંકલન /પ્રાપ્તિ : વિજયભાઈ ધારીઆ  (શિકાગો)
બ્લોગ લીંક: http://das.desais.net
email :[email protected]

જીવ – વિચાર …

જીવ – વિચાર  …
અગાઉ   શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ … વિશે આપણે બ્લોગ પર અહીં  જાણ્યું અને માણ્યું  અને  આપ સર્વે મિત્રોએ લેખને  પસંદ કર્યો અને અમોને બ્લોગ પોસ્ટ પર સુંદર પ્રતિભાવ પણ તે અંગે મળ્યાં. વેદ, ઉપનિષદ ગીતા અને શ્રીમદ્ ભાગવત ના અર્થોનો સાચો પ્રકાશ શ્રી મહાપ્રભુજીએ પ્રકટ કર્યો છે. આ ચારેય પ્રમાણેના સમન્વય  રૂપે રજુ કરેલ સિદ્ધાંત  ‘‘શુદ્ધાદ્વૈત’’ બ્રહ્મવાદના  જીવ એ ત્રણેયનું એકજ સ્વરૂપ છે. બ્રહ્મ શુદ્ધ છે. બ્રહ્મમાંથી જીવ અને જગત ઉત્પન્ન થયાં છે. પુષ્ટિ માર્ગમાં પ્રભુજી માને છે કે જીવ ઈશ્વર સ્વરૂપ નથી પરંતુ ઈશ્વરનો એક અંશ છે. સંસારમાં હું કરૂં છું એ મમતા છે સંસાર ભલે મિથ્યા હોય બઘુ પ્રભુની ઈચ્છાથી થાય છે. જીવનું પોતાનું કશું નથી બઘું ભગવાનનું છે. ….આ જીવ  એટલે શું  ?  …. આ જીવ આવ્યો ક્યાંથી ? એ શાનો બનેલો છે ? આ બધા પ્રશ્નો ના ઉત્તર જાણવા આજની પોસ્ટ માણીશું…
આજની આ સુંદર પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વિજયભાઈ ધારીઆ  (શિકાગો) ના અંતરપૂર્વકથી આભારી છીએ..  આશા રાખીએ છીએ કે આપ સર્વેને આ પોસ્ટ પસંદ આવી હશે, આપના અમૂલ્ય પ્રતિભાવ/કોમેન્ટ્સ પોસ્ટ પર જરૂર મૂકી આભારી કરશો, જે અમોને સદા પ્રેરકબળ પૂરું પાડે છે અને લેખક શ્રીની કલમ ને પણ બળ પૂરું પાડે છે…

આપણને કોઈ પૂછે કે તમે કોણ છો ? જવાબમાં આપણે આપણું નામ આપીએ છીએ. આપણું નામ આપણા શરીરની ઓળખ છે. પરંતુ આપણું શરીર તો નાશવંત છે. એક દિવસ મૃત્યુ પામી, જડ બની જાય છે. ત્યારે આપણને પ્રશ્ન થાય કે આપણા શરીરમાં એવું કયું તત્વ હતું કે જેના કારણે આપણું શરીર ચેતનવંતુ–જીવંત હતું ?
શાસ્ત્રોએ એનો જવાબ આપ્યો : શરીરમાં જે ચેતનતત્વ છે, તે શરીરને જીવતું રાખે છે. તેથી તેને ‘જીવ’ કહે છે. તેનું બીજું નામ ‘આત્મા’ છે. ગુજરાતીમાં આપણે તેને ‘પ્રાણ’ કહીએ છીએ. એમાં ચેતન છે, તેથી તેને ‘ચૈતન્ય’ પણ કહેવાય. આ ‘જીવ’ તત્વ કેવળ મનુષ્યોમાં જ નથી. પ્રાણીમાત્રમાં છે. અમીબા જેવાં અનેક સુક્ષ્મમાં સુક્ષ્મ જંતુઓથી લઈ હાથી જેવા મહાકાય પ્રાણીઓ સુધીનાં જંતુઓ, પશુઓ, પક્ષીઓ, વૃક્ષો, મનુષ્યો એ સૌમાં આ ‘જીવ’ રહેલો છે. તેથી જગતમાં બે સૃષ્ટિ જોવા મળે છે: (૧) જડસૃષ્ટિ અને (૨) જીવસૃષ્ટિ.
આપણને બીજો પ્રશ્ન થશે – આ જીવ આવ્યો ક્યાંથી ? એ શાનો બનેલો છે ?
શાસ્ત્રો કહે છે – બ્રહ્મને રમણ માટે એકમાંથી અનેક બનવાની ઈચ્છા થઈ. આથી બ્રહ્મે પોતાનામાંથી અક્ષરબ્રહ્મ પ્રકટ કર્યું એ વાત આપણે આગળ જોઈ ગયા. બ્રહ્મની ઈચ્છાથી આ અક્ષરબ્રહ્મમાંથી અસંખ્ય જીવો પ્રકટ થયા તે સમજાવવા વેદોએ સુંદર ઉદાહરણ આપ્યું છે. આપણે સગડી સળગાવીએ, ત્યારે તેમાં તણખીયા કોલસા આવી જાય. ત્યારે, સગડીમાંથી અનાયાસ અસંખ્ય તણખા ઊડે છે. આ તણખા શરૂઆતમાં અગ્નિની સળગતી લાલચોળ ચિનગારીઓ હોય છે. ક્ષણેક અગ્નિ ઝબકી, બુઝાઈ જાય છે. પાછળ રહી જાય છે કોલસાના ઝીણા અંશ. એવી રીતે જ્યારે અક્ષરબ્રહ્મમાંથી જીવો જ્યારે છૂટા પડ્યા, ત્યારે એ જીવમાં અક્ષરબ્રહ્મના ત્રણે ગુણ ધર્મો હતા – સત્ (જડત્વ), ચિત્ (ચેતન તત્વ) અને આનંદ. પરંતુ તણખાની જેમ છૂટા પડતાંની સાથે જ, ક્ષણવારમાં એમાંનુ ‘આનંદ’ તત્વ તિરોભાવ પામે છે (છુપાઈ જાય છે–નાશ નથી થતો), પાછળ રહી જાય છે કોલસાના કણ જેવો સત્ અને ચિત્ નો એક સુક્ષ્મ અંશ, જેને આપણે ‘જીવ’ કહીએ છીએ. આમ  ‘જીવ’ તત્વ અક્ષરબ્રહ્મમાંથી બ્રહ્મના રમણ માટે પ્રકટ થયું છે. તે ‘સત્’ અને ‘ચિત્’ તત્વનો બનેલો છે. તેમાંથી ‘આનંદ’ તત્વ લુપ્ત થયું છે. પાંચ, દસ, વીસ પૈસાના સિક્કા રૂપિયાના જ નાના ભાગ છે, પણ તેમને રૂપિયો ન કહેવાય. રૂપિયાના પાંચ પૈસાના વીસ સિક્કા આવે. પાંચ પૈસાનો સિક્કો રૂપિયાનો એક અંશ છે. રૂપિયો તેનો અંશી છે. તેમ બ્રહ્મ અંશી છે, જીવ તેમનો એક સુક્ષ્મ અંશ છે. આ વાત ગીતાજીમાં સરસ રીતે સમજાવી છે.
બ્રહ્મ જ જગતરૂપ બન્યો હોવા છતાં જેમ એની બ્રહ્મરૂપતા દેખાતી નથી તેમ જીવરૂપે પણ બ્રહ્મ જ બન્યો હોવાથી જીવ એ બ્રહ્માત્મક છે તથા બ્રહ્મનો જ અંશ છે. તેમ છતાં જીવની બ્રહ્મરૂપતા અનુભવાતી નથી. આમ થવાનું કારણ એ જ છે કે જીવમાં બ્રહ્મના માત્ર સત્–ચિત્ ધર્મો પ્રકટ છે જ્યારે આનંદ ધર્મ છુપાઈને રહે છે. આ કારણે જીવની બ્રહ્મરૂપતા કે બ્રહ્માત્મક્તા અનુભવાતી નથી. બ્રહ્મના આનંદ ધર્મના તિરોહિત થઈ (છુપાઈ) જવાથી જ એને શરીર મળે છે. આ જ કારણે એને હું અને મારું, સુખ અને દુ:ખનો અનુભવ થાય છે. આજ વાતને જો સરળતાથી સમજવી હોય તો આ રીતે સમજી શકાય.
રાજાના દરબારમાં કાર્ય કરતાં કર્મચારીને જ્યાં સુધી રાજા પોતાના દરબારમાં રાખે ત્યાં સુધી એને દરબારી વેશભુષા, સન્માન વગેરે મળે છે. પરંતુ જો રાજા એની પદવી ખૂંચવી લે તો એને સન્માન વગેરે મળતું નથી. પદવી ઝુંટવાઈ જવાને કારણે એ નિસ્તેજ, નિર્બળ, અસંતુષ્ટ દેખાવા લાગે છે. પરંતુ ફરી જો રાજા પ્રસન્ન થાય અને દરબારમાં સ્થાન આપે તો પહેલાની માફક જ એ દરબારી થઈ જાય છે. આ જ પ્રમાણે સૃષ્ટિ કરવાની ઈચ્છા થતાં; જેમ અગ્નિમાંથી તણખા બહાર નિકળે છે તેમ અક્ષરબ્રહ્મમાંથી અસંખ્ય જીવો છૂટા પડે છે. અગ્નિમાંથી નિકળતા તણખામાં જેમ થોડીવાર સુધી અગ્નિનો ચમકારો દેખાય છે તેમ અક્ષરબ્રહ્મમાંથી છૂટા પડેલા જીવ–અંશોમાં પણ બ્રહ્મનો આનંદ ધર્મ પ્રકટ જ હોય છે. ભગવાન જ્યારે પોતાનામાંથી છૂટા પડેલા અંશ–જીવમાંથી આનંદ ધર્મને છુપાવી લે છે ત્યારે રાજા દ્વારા પદભ્રષ્ટ થયેલો દરબારી જેમ નિસ્તેજ, નિર્બળ, પરાધિન, દુ:ખી દેખાવા લાગે છે તેમ જીવ પરાધિન–હીન, અસમર્થ–દુ:ખી, દેહ વગેરેમાં અહંતા–મમતાવાળો, અજ્ઞાની, ભ્રમિત, વિષયોમાં આસક્ત બની જાય છે. પરંતુ જ્યારે પરમાત્મા જીવ પર કૃપા કરે છે ત્યારે તે પોતાના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરે છે.
જીવમાંથી આનંદ તત્વ લુપ્ત થવાથી જીવમાં શો ફેરફાર થયો ? જીવ કેવો બની ગયો એનો શાસ્ત્રો જવાબ આપે છે – બ્રહ્મ આનંદમય છે. જેમ અગ્નિમાં પ્રકાશ અને ગરમી આપવાના ગુણ છે, તેમ આનંદમય હોવાથી બ્રહ્મમાં, આપણે આગળ જોઈ ગયા તેમ, છ દિવ્ય ગુણો છે (૧) ઐશ્વર્ય (૨) વીર્ય (૩) યશ (૪) શ્રી (૫) જ્ઞાન અને (૬) વૈરાગ્ય.
(૧) એશ્વર્ય જતાં   દીનતા–અશક્તિ અને પરાધિનતા આવ્યાં. જીવ અશક્ત, બિચારો, ગરીબડો, બાપડો થઈ ગયો.
(૨) વીર્ય જતાં  તેનામાં ઘણા દુ:ખો આવ્યાં. જીવના નશીબમાંથી સુખ ગયું અને દુ:ખો સહન કરવાનું આવ્યું.
(૩) યશ જતાં જીવમાં સર્વ પ્રકારની હીનતા–તુચ્છતા આવી.
(૪) શ્રી જતાં જીવને જન્મ–મરણની આપત્તિઓ આવી. કરેલાં કર્મ પ્રમાણે જન્મો લેવા પડ્યાં. તે મુક્ત હતો, તેને જન્મ–મરણના બંધન આવ્યાં.
(૫) જ્ઞાન જતાં તેનામાં અહંકાર આવ્યો. જ્ઞાનને લઈને તેનામાં વિપરીત જ્ઞાન આવ્યું. તે બ્રહ્મને ભૂલી ગયો. તે પોતાના મૂળ સ્વરૂપને પણ ભૂલી ગયો.
(૬) વૈરાગ્ય જતાં તેને જુદી જદી ઈન્દ્રીયોના વિષયોમાં આસક્તિ થઈ. તેણે સંયમ ગુમાવ્યો. તેનો બુદ્ધિનાશ થતાં સર્વનાશ થયો.
આમ થતાં જીવ અશક્ત, અસહાય, અનાથ બની ગયો. માણસની સ્મૃતિનો નાશ થાય, ત્યારે માણસનું બધું જ્ઞાન નાશ પામે. તે અજ્ઞાની બની જાય. જીવની પણ આવી જ સ્થિતિ થઈ. જીવ પોતાના સ્વરૂપને ભૂલી ગયો કે પોતે બ્રહ્મનો અંશ છે. બ્રહ્મમાંથી છૂટો પડ્યો છે. બ્રહ્મનો આનંદ અંશ તેનામાંથી લુપ્ત થયો છે. તેણે તે આનંદ અંશ પાછો મેળવવા કાર્ય કરવાનું છે. આવું જ્ઞાન–આવી વિદ્યા જીવસ્થિતિમાં લુપ્ત થાય છે. જીવ પોતાના વિષે ખોટા ખ્યાલ બાંધતો જાય છે. તેને અવિદ્યા કહેવામાં આવે છે.
જીવની ત્રણ અવસ્થા :
જીવની ત્રણ અવસ્થા હોય છે.
(૧) શુધ્ધ
(૨) બધ્ધ અને
(૩) મુક્ત
(૧) શુધ્ધ : બ્રહ્મથી છૂટા પડ્યા પછી જીવમાં આનંદ અંશના તિરોધાન પછી જ્યાં સુધી જીવ સાથે ‘અવિદ્યા’નો સંબંધ નથી થતો ત્યાં સુધીની અવસ્થામાં જીવને ‘શુધ્ધજીવ’ કહેવામાં આવે છે.
(૨) બધ્ધ : અવિદ્યાનો સંબંધ થવાથી જીવ અહંતા–મમતા(હું, મારું–તારું)વાળો બને છે અને જન્મ–મરણના બંધનમાં બંધાય છે. આ અવસ્થામાં જીવને ‘બધ્ધ’ કે ‘સંસારી’ કહેવામાં આવે છે.
(૩) મુક્ત : જ્યારે જીવ સત્સંગ વગેરે દ્વારા પોતાનું જ્ઞાન દૂર કરી, પ્રભુના ધામની પ્રાપ્તિ વગેરે રૂપ મુક્તિ મેળવે છે ત્યારે જીવને ‘મુક્ત’ કહેવામાં આવે છે.
આ અવિદ્યાથી જીવને પાંચ પ્રકારના ખોટા ખ્યાલ મગજમાં દ્રઢ થાય છે. તેનેપંચપર્વા અવિદ્યા કહેવામાં આવે છે. તે આ પ્રમાણે છે :
(૧) દેહાધ્યાસ – આ દેહ (શરીર) મારું છે. તે જ આત્મા છે. તેના માટે જ જીવવાનું છે. દેહાધ્યાસ એટલે દેહ (શરીર)માં મારાપણાની ભાવના.
(૨) ઈન્દ્રીયાધ્યાસ – શરીરમાં પાંચ કર્મેન્દ્રિયો (વાક્ – વાણી, પાણિ – હાથ, પાદ – પગ, પાયુ – ગુદા અને ઉપસ્થ – શિશ્ન) અને પાંચ જ્ઞાનેન્દ્રિયો (ક્ષોત્ર – કાન, ત્વક્ – ચામડી, ચક્ષુ – આંખ, રસના – જીભ અને ઘ્રાણ – નાક) છે. આ બધી ઈન્દ્રિયોથી વિષયાનંદ ભોગવવાની ઈચ્છા કરવી અને ઈન્દ્રિયોના સુખમાં રચ્યાપચ્યા રહેવું. ઈન્દ્રિયાધ્યાસ એટલે ઈન્દ્રિયોમાં મારાપણાની ભાવના.
(૩) પ્રાણાધ્યાસ – શરીરમાં વિવિધ પ્રકારના વાયુ રહેલા છે તે વાયુ પાંચ પ્રકારના છે. તેને લઈને શરીરના અવયવોનું હલનચલન સમતોલ રહે છે અને શરીર સ્વસ્થ–તંદુરસ્ત રહે છે. પ્રાણાધ્યાસ એટલે આ પ્રાણમાં મારાપણાની ભાવના રાખવી.
(૪) અંત:કરણાધ્યાસ – અંત:કરણ એટલે શરીરની અંદરનું તંત્ર. જેમાં ચાર તત્વો છે: (૧) મન, (૨) બુધ્ધિ, (૩) ચિત્ અને (૪) અહંકાર. મનમાં ઈચ્છાઓ જાગે છે. ચિત્ કઈ ઈચ્છા સંતોષવી તેનો સંકલ્પ–વિકલ્પ કરે છે. બુધ્ધિ આખરી નિર્ણય લે છે. અહંકાર આ નિર્ણયનો અમલ ઈન્દ્રિયો પાસે કરાવે છે. આમ, બાહ્ય ઈન્દ્રિયોને કામ કરતી રાખવાનું કાર્ય અંત:કરણ કરે છે. અંત:કરણાધ્યાસ એટલે આ અંત:કરણમાં મારાપણાની ભાવના રાખવી.
(૫) સ્વરૂપ વિસ્મૃતિ – આમ જીવ જ્યારે આ શરીરમાં મારાપણાની ભાવના રાખી, પોતે શરીરનો સ્વામી બની, શરીરના મોહમાં રચ્યોપચ્યો બને છે, ત્યારે તે પોતાના સ્વરૂપને અને કર્તવ્યને ભૂલી જઈ, સંસારના મોહમાં ફસાઈ જાય છે. પરિણામે જન્મ–મરણના ફેરામાં અટવાઈ જાય છે. આથી તે બ્રહ્મને પામી શક્તો નથી. આવો જીવ દીન હીન, પાપી, અજ્ઞાની બની જાય છે.
છતાં જીવના સ્વરૂપ વિશે એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. જીવ નિત્ય છે, નાશવંત નથી. તેનો કોઈ પ્રકારે નાશ થતો નથી. તેને અગ્નિ બાળી શક્તો નથી, શસ્ત્ર છેદી શક્તાં નથી. તેનો કોઈ પ્રકારે નાશ થતો નથી. જેમ માણસ જૂનાં વસ્ત્ર ઉતારી, નવા વસ્ત્ર પહેરે છે, તેમ જીવ શરીર બદલે છે. મૃત્યુ થતાં શરીર નાશ પામે છે, જીવ નાશ પામતો નથી, તે બીજો દેહ ધારણ કરે છે.
જીવ ચાર પૈકી એક પ્રકારે આ જગતમાં દેહ ધારણ કરે છે :
(૧) જરાયુજ – માતાના ગર્ભના ઓળમાં વીંટળાઈ જન્મ લેતાં મનુષ્યો અને પશુઓની યોનિ      જરાયુજ કહેવાય છે.
(૨) અંડજ – માતાના ગર્ભમાંથી ઈંડાં રૂપે બહાર આવી, પછી એ ઈંડાંમાંથી બચ્ચા રૂપે નીકળતાં પક્ષીઓ અને સર્પો અંડજ કહેવાય છે.
(૩) સ્વેદજ – પસીનામાંથી જન્મ લેતાં જંતુઓ જૂ–માંકડ–ચાંચડ વગેરે સ્વેદજ કહેવાય છે.
(૪) ઉદ્ભિજ્જ – જે જમીન ફોડી અંકુરરૂપે બહાર આવે, તે વનસ્પતિ ઉદ્ભિજ્જ કહેવાય છે.
આમ ચાર પ્રકારે જીવ જગતમાં વિવિધ યોનિઓમાં જન્મ લે છે. શાસ્ત્રો આ યોનિઓની સંખ્યા ચોર્યાસી લાખની બતાવે છે. જીવ એના કર્મ પ્રમાણે આ યોનિઓમાં ભટકતો રહે છે. આ સર્વ યોનિઓમાં મનુષ્ય યોનિને શ્રેષ્ઠ કહેવામાં આવી છે. મનુષ્ય યોનિમાં જ જીવાત્મા ધર્માચરણ કરી, પ્રભુની પ્રાપ્તિ કરી શકે છે; પોતાના તેમજ પ્રભુના સ્વરૂપને સમજી શકે છે, ધર્મના સિધ્ધાંતો જાણી શકે છે અને તે મુજબ જીવન જીવી શકે છે.
જીવના પ્રકારો :
આપણે સમજ્યા કે ભગવાને આ સમગ્ર જડ–જીવાત્મક જગતને પોતાની ક્રીડા માટે બનાવ્યું છે. ક્રીડામાં વિવિધતા જોઈએ માટે ભગવાને જીવોને અલગઅલગ સ્વભાવોવાળા બનાવ્યા છે. મુખ્યત્વે જીવોના ત્રણ પ્રકાર છે :
(૧) પ્રવાહીજીવ
(૨) મર્યાદાજીવ અને
(૩) પુષ્ટિજીવ
પ્રવાહીજીવ પ્રવાહમાર્ગમાં રુચિવાળા થઈ તે માર્ગનું અનુસરણ કરે છે. મર્યાદાજીવ મર્યાદામાર્ગમાં રુચિવાળા થઈ તે માર્ગનું અનુસરણ કરે છે. જ્યારે પુષ્ટિજીવ પુષ્ટિમાર્ગમાં રુચિવાળા થઈ તે માર્ગનું અનુસરણ કરે છે.
અહીં એક પ્રશ્ન થશે – જો બધી મનુષ્યયોનિમાં ધર્માચરણ શક્ય છે, તો બધા મનુષ્યો કેમ ધર્મના માર્ગે ચાલતા જોવામાં નથી આવતા ?
ગીતાજીમાં શ્રીકૃષ્ણે આનો જવાબ આપ્યો – મનુષ્યસૃષ્ટિ મૂળભૂત બે વિભાગમાં વહેંચાયેલી છે :
(૧) દેવી સ્વભાવવાળી અને (૨) આસુરી સ્વભાવવાળી.
જુદા જુદા સ્વભાવવાળા લોકોના મૂળ સ્વભાવને જેમ તેઓના બાહ્ય આચરણથી પારખી શકાય છે. તેમ જીવોના મૂળ – પ્રભુદ્વારા નિર્મિત – સ્વભાવને તેમની રુચિ તથા આચરણથી, સામાન્ય રીતે, પારખી શકાય છે. કયા સ્વભાવના જીવો કેવી રુચિ તથા કયા પ્રકારનું આચરણ કરવાવાળા હોય છે તેનું સવિસ્તર વિવેચન ગીતા, ભાગવત વગેરે શાસ્ત્રોમાં મળી રહે છે.
જેમાં દેવોના ગુણો છે, જેઓ ધર્મના માર્ગે જીવનારા છે, જેઓ ઈશ્વરને મેળવવા મથે છે તે બધા ‘દૈવી’ કહેવાય.
જેમનામાં દાનવો જેવો સ્વભાવ છે, જે પોતાના સ્વાર્થ માટે બીજાને પીડા પહોંચાડનારા છે, જે સંસારના સુખોમાં જ રચ્યાપચ્યા રહેનારા છે તે બધા ‘આસુરી’કહેવાય.
શ્રીવલ્લભાચાર્યજીએ આ મનુષ્ય–જીવોની ઉત્પત્તિ, સ્વભાવ, ક્રિયા અને ફળને ધ્યાનમાં રાખી તેમને મુખ્ય ત્રણ વિભાગમાં વહેંચ્યા :
(૧) પ્રવાહી જીવો – બ્રહ્મના મનમાંથી આ જીવો પ્રકટ થયા છે. તેઓ સંસાર–સાગરના પ્રવાહમાં વહેતા રહે છે, તેથી તેમને ‘પ્રવાહી’ જીવો કહેવામાં આવે છે. તેમનો સ્વભાવ દુનિયાના ભોગ ભોગવવાનો હોય છે. તે માટે જ તેઓ બધાં કાર્ય કરે છે. તેનાથી તેમને વિષયાનંદનું ક્ષણીક સુખ મળે છે, પણ મોક્ષ મળતો નથી. ક્રોધ, લાલચ, અભિમાન, જ્ઞાન, ઈર્ષ્યા, અપવિત્રતા, વિલાસિતા, પરપીડા, ક્રૂરતા વગેરે લક્ષણો પ્રવાહીજીવમાં સામાન્ય રીતે જોવા મળે છે.
(૨) મર્યાદાજીવો – બ્રહ્મના મુખારવિંદની વાણીમાંથી ઉત્પન્ન થયા છે. પ્રભુની વાણીરૂપી શાસ્ત્રોની આજ્ઞા પ્રમાણે ચાલતાં, શાસ્ત્રોની મર્યાદામાં રહેનારા છે, તેથી તેઓ ‘મર્યાદા’ જીવો કહેવાય છે. તેમનો સ્વભાવ શાસ્ત્રે બતાવ્યા મુજબ જ્ઞાન, કર્મ, યોગ, ઉપાસના કે ભક્તિના માર્ગે ચાલવાનો હોય છે. તેઓને લૌકિક કે પારલૌકિક બાબતોમાં રુચિ હોતી નથી. દાન, દયા, તપ, પવિત્રતા, પ્રસન્નતા વગેરે ગુણોવાળા હોય છે. ખાસ કરીને, મોક્ષ મેળવવા માટે શાસ્ત્રમાં વર્ણિત કર્મ–જ્ઞાન–ઉપાસના માર્ગોમાં રુચિવાળા હોય છે. તેઓ યજ્ઞ, તપ, સ્વાધ્યાય, તીર્થાટન, દાન, યોગ, ભક્તિ વગેરે કર્મો કરનારા હોય છે. તેમનાં કર્મો પ્રમાણે તેમને લૌકિક સુખ, સ્વર્ગ વગેરેથી લઈને અક્ષરબ્રહ્મમાં મોક્ષ સુધીના ફળ મળે છે.
(૩) પુષ્ટિજીવો – બ્રહ્મના શ્રીઅંગમાંથી ઉત્પન્ન થયા છે. પ્રભુની સૌથી વિશેષ્ કૃપા (પુષ્ટિ) તેમના પર હોવાથી તેઓ ‘પુષ્ટિ’જીવો કહેવાય છે. પુષ્ટિજીવોને લૌકિક–પારલૌકિક કે મુક્તિમાં રુચિ હોતી નથી. મુક્તિ મેળવવા કરતાં પણ પ્રિય તેઓને શ્રીકૃષ્ણની સેવા લાગે છે. શ્રીકૃષ્ણની સેવામાં રુચિ હોવાને કારણે તેઓની નિષ્ઠા પણ શ્રીકૃષ્ણસેવામાં હોય છે. તેમનો સ્વભાવ પ્રભુને પોતાના સ્વામી ગણવાનો અને પોતાને પ્રભુના દાસ ગણવાનો તથા પ્રભુને નિ:સ્વાર્થ ભાવે – કોઈ બદલાની આશા વિના શુદ્ધ સ્નેહ કરવાનો છે. તેઓ પૃથ્વી પર પ્રભુની સેવા કરવા જ જન્મ્યા છે. ભગવદ્સેવા તેમનું મુખ્ય કાર્ય છે. તેમને નિત્યલીલામાં અલૌકિક દેહથી સાક્ષાત્ સેવા પ્રાપ્ત થાય તે ફળ છે.
પુષ્ટિ અને મર્યાદા જીવો દૈવી જીવો છે. પ્રવાહી જીવો આસુરી જીવો છે.
પુષ્ટિજીવોના પણ ચાર પેટા પ્રકાર છે.
(૧) શુદ્ધ–પુષ્ટિ જીવો – તેમને પ્રેમલક્ષણા ભક્તિ સિદ્ધ થઈ છે. તેમનું પ્રમાણ અતિ અલ્પ હોય છે.
(૨) પુષ્ટિ–પુષ્ટિ જીવો – ભગવાનના અભિપ્રાયને જાણનારા, સર્વજ્ઞ હોય છે.
(૩) પુષ્ટિ–મર્યાદા જીવો – ભગવાનના ધર્મને જાણનારા હોય છે.
(૪) પુષ્ટિ–પ્રવાહી જીવો – થોડો ઘણો ભગવદધર્મ જાણી ટહેલ કરે છે. બધા પુષ્ટિજીવો અધિકાર પ્રમાણે સેવા કરનારા હોય છે.
આમ ત્રણ મુખ્ય પ્રકારમાં ન આવતા જીવોને ‘ચર્ષણી’ જીવો કહેવામાં આવે છે, જે જુદા જુદા માર્ગોમાં ભટકતાં રહે છે. ક્યાંય ઠરીઠામ થતા નથી.
ઉપર જણાવેલ લક્ષણો, સામાન્ય રીતે, તે તે જીવોમાં જોવા મળે છે. કોઈક વખતે સંગ વગેરેને કારણે પ્રવાહીજીવોમાં મર્યાદા કે પુષ્ટિજીવોના લક્ષણો જોવા મળતા હોય છે. આ જ પ્રમાણે ક્યારેક પુષ્ટિ કે મર્યાદા જીવોમાં પણ પ્રવાહીજીવોના લક્ષણો જોવા મળતા હોય છે. સંગ વગેરેને કારણે એક–બીજામાં જોવા મળતા એક–બીજાના લક્ષણોને ‘આવેશ’ કહેવામાં આવે છે. પુષ્ટિજીવમાં કદાચ પ્રવાહી આવેશ આવી જાય તો તેટલા માત્રથી એનો મૂળ સ્વભાવ બદલાતો નથી. તે જ પ્રમાણે જો પ્રવાહીજીવમાં પણ પુષ્ટિ કે મર્યાદા આવેશ ક્યારેક આવી જાય તો તેટલા માત્રથી પ્રવાહીજીવ મર્યાદા કે પુષ્ટિ જીવ બની જતો નથી.
આમ ત્રણ પ્રકારના જીવોના સ્વભાવ–કૃતિ–ફળ વગેરેને નોખા નોખા જાણવાથી આપણા અનેક શંશયો નિવૃત થાય છે.
આ રીતે જીવનો વિચાર કરતાં આપણે આપણા આત્મસ્વરૂપને સમજ્યાં.
હવે પછી, જે જગતમાં આપણે જન્મ્યા છીએ, તેના સ્વરૂપનો વિચાર કરીશું.
– ગો. શરદ અનિરૂધ્ધલાલજી(માંડવી–હાલોલ)ના ‘પુષ્ટિપ્રવેશ–૧’ અને ગો.વા. રમેશભાઈ વિ. પરિખ લિખિત લેખમાંથી સંકલિત.
વિશેષવાંચન માટેના ગ્રંથો :
ષોડશગ્રથાંન્તર્ગત પુષ્ટિપ્રવાહમર્યાદા.
શ્રીગુસાંઈજીરચિત ભક્તિહંસ.
શ્રીલાલૂભટ્ટજીકૃત પ્રમેયરત્નાર્ણવમાંના નવ પૈકીનો જીવવિવેક.
સંકલન  : સાભાર : વિજયભાઈ ધારીઆ  –(શિકાગો)
બ્લોગ લીંક: http://das.desais.net

જાત સમજ્યા તો જગત સમજ્યા …

જાત સમજ્યા તો જગત સમજ્યા
(આજે આપણી સમક્ષ એક ખૂબજ સુંદર વાત …. ‘જાત સમજ્યા તો જગત સમજ્યા ..’ (લેખક.. વાડીલાલ ડગલી) ને સંકલન  કરીને   ‘દાદીમા ની પોટલી’  ...પર વિજયભાઈ ધારીઆ.. (શિકાગો) દ્વારા મોકલવામાં આવી છે, જે બદલ અમો તેમના અંતરપૂર્વકથી આભારી છીએ., આપને આ લેખ પસંદ આવે તો જરૂર આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પરના કોમેન્ટ્સ બોક્ષ દ્વારા અમોને આપશો.  આપના પ્રતિભાવ સદા અમોને આવકાર્ય  રહેશે.)આ લેખકનું નિબંધ ક્ષેત્રે વિશેષ પ્રદાન છે. ‘શિયાળાની સવારનો તડકો’ (૧૯૭૫) ના છત્રીસ અંગત નિબંધોમાં એમણે જાતજાતના દેશવિદેશના અનુભવો ખપમાં લઈ આત્મીયતાના સંસ્પર્શ સાથે વિચારતરેહો નિપજાવી છે. મનની ઉઘાડી બારીનું એમાં સ્પષ્ટ પ્રતિબિંબ ઝિલાયું છે. એમાં ઠીકઠીક આત્મકથાત્મક સામગ્રી પણ પડેલી છે. પોતાના અને જગતના નિરીક્ષણની સતત સભાનતા છતાં ભાષાની રોજિંદી લહેકોને કારણે એમના નિબંધોમાં તાજગી છે. ‘રંકનું આયોજન’ (૧૯૮૦)માં આર્થિક શાસ્ત્રીય નિબંધો છે. જટિલ આર્થિક સમસ્યાઓને એમાં સરલ રીતે રજૂ કરાયેલી છે. ‘કવિતા ભણી’ (૧૯૮૨)માં એમણે સાહિત્યિક નિબંધો આપ્યા છે. સાહિત્યની નેમ મનુષ્ય ભણી છે એવા સમુદાર દ્રષ્ટિકોણ સામે એમણે શાસ્ત્રીય કે વિદગ્ધ બન્યા વગર ઉષ્માપૂર્ણ અને રુચિપૂર્ણ વિવેચન અને કાવ્યાસ્વાદો આપ્યાં છે. ‘થોડા નોખા જીવ’ (૧૯૮૫)માં સંગ્રહાયેલા ચરિત્રનિબંધોમાં પંડિત સુખલાલજી, સ્વામી આનંદ, એચ. એમ. પટેલથી માંડીને ચર્ચિલ, સોલ્ઝેનિત્સિન, ચાર્લી ચેપ્લીન વગેરેના માર્મિક આલેખો છે. આ સર્વમાં ચરિત્રનાયક પરત્વેની પ્રીતિ સર્વસામાન્ય રીતે ઉપર તરી આવે છે.
નિબંધસંગ્રહ ‘શિયાળાની સવારનો તડકો’ને સુરતની નર્મદ સાહિત્ય સભા તરફથી ૧૯૭૫–૧૯૭૯ના ગાળા દરમ્યાન પ્રગટ થયેલા સર્વોત્તમ નિબંધસંગ્રહ તરીકે ‘નર્મદચંદ્રક’ પ્રદાન કરવામાં આવ્યો તે પ્રસંગે એપ્રિલ ૧૫, ૧૯૮૪ના  રોજ  સુરતમાં વાડીલાલ ડગલીએ  કરેલું  નિવેદન.


જાત સમજ્યા તો જગત સમજ્યા …
નર્મદ સાહિત્ય સભા તરફથી મને જ્યારે પત્ર મળ્યો કે મારા નિબંધસંગ્રહ ‘શિયાળાની સવારનો તડકો’ને નર્મદચંદ્રક આપવાનો નિર્ણય થયો છે ત્યારે મને સાહિત્યિક સ્વીકૃતિ મળ્યાનો આનંદ થયો. દુન્યવી સ્વીકૃતિનો આનંદ કેફી છે જ્યારે સાહિત્યિક સ્વીકૃતિનો આનંદ મધ જેવો નિર્દોષ છે. નિર્દોષ આનંદ એ જિંદગીનું અપૂર્વ સૌભાગ્ય છે. આપે આમ મારી જિંદગીમાં એક અનન્ય આનંદકણ ઉમેર્યો છે તે માટે આપ સૌનો હું ૠણી છું.
એ એક સુભગ યોગાનુયોગ થયો કે જેમના નામ સાથે આ ચંદ્રક સંકળાયેલો છે તેમના જન્મની દોઢ શતાબ્દીની ઉજવણી સમયે આ ચંદ્રક એનાયત થયાની જાહેરાત થઈ. મને એ વાતનો વિશેષ આનંદ છે કે મારા નિબંધસંગ્રહને ગુજરાતી નિબંધના પિતા ગણાયેલા નર્મદનું નામ ધરાવતો ચંદ્રક પ્રાપ્ત થાય છે. હું નર્મદ જેવો કલમવીર નથી, પણ સ્થૂળ દ્રષ્ટિએ કહું તો, હું કલમ ઉપર જ જીવ્યો છું. લખવા સિવાય બીજો કોઈ વ્યવસાય મેં કર્યો નથી. એટલે કલમનો મારા પર મોટો ઉપકાર છે. આ કારણે પણ નર્મદચંદ્રકનું મૂલ્ય મારા માટે મોટું છે.
ઘણુંખરું હું અંગ્રજીમાં લખું છું પણ આજથી વીસેક વર્ષ પહેલાં કવિ શ્રી હરિન્દ્ર દવેએ ટકોર કરી : ‘આ તમે અંગ્રજીમાં લખો છો તે મોટા ભાગનું પત્રકારત્વ છે; પણ જો તમે ગુજરાતીમાં લખો તો ક્યારેક તે સાહિત્ય થઈ બેસશે.’ એ વખતે હરિન્દ્ર ‘સમર્પણ’ પાક્ષિકના સંપાદક હતા. તેમણે મારી પાસે ગુજરાતીમાં કાંઈક માંગ્યું અને મેં એક અંગત નિબંધ તેમને આપ્યો. પછી દર પખવાડિયે આ નિબંધો લખાતા ગયા.
ગુજરાતીમાં અંગત નિબંધો લખવા એવો વિચાર મને પહેલાં છેક ૧૯૪૯માં આવેલો. તે વખતે હું અમેરિકામાં યુનિવર્સિટી ઓફ કેલિફૉર્નિયામાં ભણતો હતો. આંતરરાષ્ટ્રીય કાયદાનો પણ હું અભ્યાસ કરતો. અમારા પ્રોફેસર હાન્સ કેલ્સન હતા. એ યહૂદિ હતા અને નાઝી દળોના ઓસ્ટ્રીયા પરના આક્રમણ પછી તે અમેરિકા ગયા. ફ્રૉઈડ અને આઈન્સ્ટાઈનના એ અંગત મિત્ર હતા. આંતરરાષ્ટ્રીય કાયદાના તે મહાપંડિત હતા. એમનો સ્વભાવ બાળક અને ૠષિના મિશ્રણ જેવો. હું એમને મળું ત્યારે ગાંધીજી વિષે સવાલો પૂછે.
એકવાર તેમણે મને કહ્યું કે યુરોપે પણ ગાંધી જેવો માણસ પેદા કર્યો છે. તેમણે મને સોળમી સદીના ફ્રેન્ચ નિબંધકાર માઈકલ મૉન્તેઈન (૧૫૩૩–૧૫૯૨)ના નિબંધો વાંચવા આપ્યા. મૉન્તેઈનના નિબંધો યુરોપીય સાહિત્યનું એક શિખર ગણાય છે તેનું મહત્વ મને સમજાવા માંડ્યું. આ નિબંધોમાં મૉન્તેઈન કેવળ પોતાની જાત વિષે વાચક સાથે વાત કરે છે. તેમણે આમ તો અનેક વિષયો ઉપર પોતાના વિચારો વ્યક્ત કર્યા છે, પણ આ વિચારોનું માધ્યમ જાતપરિક્ષણ છે. ‘હું શું જાણું છું?’ એ મૉન્તેઈનના નિબંધોનું ચાલક બળ હતું. માણસ માટે દોષમાં પડવું સહજ છે અને આ દોષને સમજવા માટે ઉપયોગી થાય તેટલું જ જ્ઞાન માણસના જીવન માટે પ્રસ્તુત છે. તેમણે નિબંધોના ત્રણ પુસ્તકો લખ્યાં પણ એ એક જ પુસ્તકના ત્રણ ભાગ હતા. તેમના જીવનના છેલ્લા નિબંધોમાં એવું તારણ કાઢ્યું કે જીવન એ સુંદર ચીજ છે. દુનિયાના બીજા માણસો સાથે તમારે શાંતિ અને ગૌરવથી જીવવું હોય તો તમારે સૌથી પહેલાં તમારો પોતાનો સ્વભાવ કેવો છે તે શોધવું જોઈએ.
નાટક, ઉર્મિકાવ્ય, નવલિકા કે નવલકથા કોણે શરૂ કરી એ વિષે કોઈ સંદિગ્ધતા નથી. ૧૫૭૧ના માર્ચ મહિનામાં મૉન્તેઈન જીવનની જંજાળોમાંથી નિવૃત થઈ એમના મહાલયની એક વિશાળ લાઈબ્રેરીમાં જઈ બેઠા અને પોતાની જાત સાથે જાત વિષે મૌન વાર્તાલાપ શરૂ કર્યો તે મહિનામાં નિબંધનું ગર્ભાધાન થયું. બરાબર નવ વર્ષ પછી ૧૫૮૦માં જ્યારે તેમના નિબંધો પ્રસિદ્ધ થયા ત્યારે નિબંધનો જન્મ થયો. આમ આજથી ૪૦૦ વરસ પહેલાં ફ્રેન્ચ ભાષામાં મૉન્તેઈને પ્રથમ નિબંધ લખ્યો. અને ખૂબીની વાત એ છે કે મૉન્તેઈન પછી અનેક પ્રતિભાશાળી નિબંધકારો થઈ ગયા પણ કોઈ તેમના પેંગડામાં પગ ઘાલી શક્યા નથી.
મૉન્તેઈનની નિબંધ લખવાની શૈલી એકસાથે વિદ્વતાભરી અને સ્વૈરવિહારી છે. વર્જિલની કવિતા ટાંકતા ટાંકતા એ પોતે ક્યારે જમે છે, કેવી રીતે સૂએ છે,  એમને કેમ કોઈ વસ્તુ બહુ યાદ રહેતી નથી, વગેરે અનેક વાતો તમને એ એવી રીતે કહે કે તમને એમ લાગે કે તમારી પોતાની જાત આમાં છતી થઈ રહી છે. મૉન્તેઈને એક નિબંધમાં કહ્યું છે કે સત્ય અને સ્વતંત્રતાની શોધ માટે નમ્રતા વિષેની સામાન્ય સમજણને એક બાજુ મૂકી દેવી જોઈએ. આથી જ તેમણે આ વિખ્યાત વિધાન કર્યું :
‘હું જ્યારે કંઈ કહું છું ત્યારે મારા વિષે નહિ પણ કેવળ મારા વિષે જ કહેતો હોઉં છું : જ્યારે બીજી કોઈ વસ્તુ વિષે લખતો હોઉં છું ત્યારે હું આડોઅવળો ચાલ્યો જાઉં છું અને જે વિષય ઉપર વાત કરતો હોઉં છું તે વિષય બાજુએ રહી જાય છે. મને કંઈ મારી જાત પ્રત્યે એટલો બધો પ્રેમ નથી, કે મને મારી જાત પ્રત્યે એટલી બધી આસક્તિ નથી, કે હું મારી પોતાની જાતને અળગી કરીને કોઈ વૃક્ષ કે કોઈ પાડોશીની જેમ જોઈ ન શકું. આપણું પોતાનું ખરું મુલ્ય વ્યક્ત ન કરવું કે હોય તે કરતાં વધારે કહેવું તે બન્ને ક્ષતિ છે.’
મૉન્તેઈન વિષે એમ કહેવાય છે કે તે આધુનિક યુગનો પહેલો મોટો ‘અદનો આદમી’ હતો. એમણે પોતાની નાનપ જે રીતે છતી કરી તેમાં તેમની મોટાઈ હતી. પોતાની સુગ્રથિત જાતનો તેમણે તાગ મેળવ્યો અને એ રીતે મનુષ્યસ્વભાવના સત્યને એ પામ્યા. આ અનુભવને કારણે મૉન્તેઈનને એમ લાગ્યું કે મનુષ્યજીવનમાં ઉંડાણ અને આનંદ બન્ને છે.
મૉન્તેઈનના નિબંધોના વિષયો ભારે વિવિધતાવાળા છે. હું થોડાં શીર્ષકો આપીશ : ‘મોત ન આવે ત્યાં સુધી કોણ સુખી છે તે નક્કી ન કરશો’, ‘આળસુ’, ‘બાળકોનું શિક્ષણ’, ‘મૈત્રી’, ‘પુસ્તકો’, ‘આપણા કૃત્યોની અતાર્કિકતા’, ‘ઘોડાઘાડીઓ’ અને ‘તમારી ઈચ્છાશક્તિ નાથવા વિષે.’
૧૯૪૯–૫૦માં, એટલે આજથી ૩૫ વર્ષ પહેલાં, આ નિબંધો મેં વાંચ્યા ત્યારે મારું મન આનંદથી છલકાઈ ગયું. પ્રો. કેલ્સને મૉન્તેઈનને ગાંધીજી સાથે સરખાવ્યા તેમાં મને બહુ અતિશયોક્તિ ન લાગી. ફેર એટલો હતો કે ગાંધીજી વિચારવીર અને કર્મવીર હતા. મૉન્તેઈન કેવળ વિચારવીર હતા. પણ આ બન્નેમાં એક સમાન તત્વ હતું : જાત સમજવાની તાલાવેલી. મૉન્તેઈનના નિબંધો મેં વાંચ્યા પછી એક તારણ કાઢ્યું : જાત સમજ્યા તો જગત સમજ્યા.
હું અમેરિકા ભણવા ગયો તે પહેલાં મેં કવિતા અને એકાંકી નાટકો લખ્યાં હતાં. અમેરિકામાં મૉન્તેઈનને મળ્યા પછી નિબંધે મારા ચિત્તનો કબજો લીધો. મનમાં થયું કે હવે ગુજરાતીમાં લખું તો મૉન્તેઈન જેવા અંગત નિબંધો લખું. આ માટે સૌથી પહેલો પ્રયત્ન ‘ગણવેશની આરતી’ નામનો નિબંધ લખીને કર્યો. લશ્કરપૂજા વિરૂદ્ધનો આ નિબંધ ‘સંસ્કૃતિ’માં પ્રગટ થયો, જેમાં શરૂઆતમાં અંગત નિબંધનું તત્વ હતું. પછી એ દલીલગદ્ય (પોલેમિક) બની ગયું. આ નિબંધે ઠીકઠીક ચર્ચા જગાવી. થોડાં વર્ષ પછી ૧૯૬૨માં ભારત પરનું ચીનનું આક્રમણ આવ્યું. મેં મારી ટોપી બદલી. લશ્કર માટે નાણાં કેમ એકઠાં કરવાં તે વિષે લેખો લખવા માંડ્યા. આ કારણે આ પ્રમાણમાં પ્રસિદ્ધ નિબંધને ‘શિયાળાની સવારનો તડકો’માં મેં સામેલ કરવાનું પ્રમાણિક માન્યું નહિ. આ પછી બે–ત્રણ નિબંધો લખ્યા પણ અંગત નિબંધની શરૂઆત, મને સ્મરણ છે ત્યાં સુધી, ‘જ્યાં ઊભા ત્યાં આશ્રમ’થી થઈ. ‘સમર્પણ’માં આ નિબંધો દર પખવાડિયે પ્રગટ થતા તેની પાછળ ભાઈ હરિન્દ્રનો તકાદો અને વાચકોનો ઉમળકાભર્યો પ્રતિભાવ હતા.
આ નિબંધો હું લખતો હતો ત્યારે મારા મનમાં એક વિચાર સતત રહેતો હતો : આપણે અંદર છીએ એવા બહાર દેખાઈએ તો કેવું સારું ! બાહ્ય પરિસ્થિતિ પણ આ નિબંધોનું ચાલક બળ હતું. નીતિનાં અને વ્યવહારના જુદાં કાટલાંને કારણે સ્વતંત્ર ભારતના સમાજમાં દંભનું એટલું મોટું ધુમ્મસ ફેલાયું હતું કે સીધી લીટીએ જીવવા માટે કોઈ માર્ગ જ દેખાય નહિ. કોઈ સમાજ કેવળ આત્યંતિક વિચારથી આગળ ન વધી શકે. ગાંધીજીના ઉપકાર ગણાય નહિ તેટલા, પણ તેમના સત્તાધારી અનુયાયીઓએ તેમના બાહ્ય વિચારો છાતીસરસા ચાંપ્યા અને તે વિચારો પાછળના આત્માને ઓલવી નાખ્યો ત્યારે મારી દ્રષ્ટિએ ગાંધીજીને ફરી વાર ત્રણ ગોળી વાગી. મને સમાજ કરતાં મારી પોતાની માનસિક તબિયતની વધારે ચિંતા હતી. હું જ જો અપ્રમાણિકતાના પૂરમાં તણાવા માંડુ તો દેશ નક્કી ખાડે જશે. જેવો હું તેવો  હિન્દુસ્તાન. ‘ત્યાગની ટોપી’, ‘મોંઘી સાદગી’ અને ‘હું મહાત્મા ગાંધી છું’ નિબંધોમાં મેં આ વિચાર શબ્દબદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે.
મને એક અચંબો થયા કરે છે કે આનંદને આપણી સંસ્કૃતિ કેમ એક અજુગતી પ્રવૃત્તિ ગણે છે ? નિર્દોષ આનંદ, નાના વ્યસનો અને થોડી આળસ એ કંઈ ગુનો નથી. પણ આપણે એમ માનીએ છીએ કે માણસ ધર્મગ્રંથનું કોઈ પાનું છે. આ એક ખોટી માન્યતા અને દંભપોષક માન્યતા છે. નિરૂપદ્રવી આનંદ જેવું કોઈ પ્રસ્તુત સત્ય નથી. જીવન કેવળ નિયમ પ્રમાણે ચાલે તે પણ સત્ય નથી. ‘શિયાળાની સવારનો તડકો’માં મેં આ વાત આમ કહી છે : ‘આ દુનિયા મારા–તમારા જેવા જાત સાથે બાથોડિયાં ભરતા એકાદ ડગલું આગળ વધતા બે ડગલાં પાછળ જતા અને ફરી પાછી બાંયો ચડાવી આગળ ચાલવા માંડતા નિર્બળ માણસોની બનેલી છે તેથી જ તે રસભરી બની છે.’
મને કોઈ વિચારે આકર્ષ્યો હોય તો તે લિબરલ સ્પિરિટે. આનો અનુવાદ મેં ‘મનની ઉઘાડી બારી’ કર્યો છે. મનની ઉદારતા પણ લિબરલ સ્પિરિટનો પર્યાય છે. જેમની પાસે રહીને હું વિચાર કરતાં શીખ્યો અને જેમને મેં આ નિબંધસંગ્રહ અર્પણ કર્યો છે તે પંડિત સુખલાલજી કહેતા કે ક્રિયાકાંડ વગેરે ધર્મનો બાહ્ય દેહ છે જ્યારે વિવેક અને ઉદારતા જેવા સદગુણો ધર્મનો આત્મા છે.
એમના કહેવાનો દ્રષ્ટિએ સાર આટલો છે : ધર્મ એટલે ઉદારતા. મૉન્તેઈને તેમના એક નિબંધમાં કહ્યું છે કે ‘અતિ ઉગ્ર ચર્ચા દરમિયાન પણ પોતાની અતાર્કિક દલીલ છોડી દેવી, પોતાની ભૂલ જાહેર રીતે સુધારવી ને પોતાનું મન બદલવું તે અનન્ય, વીર્યવાન તત્વજ્ઞાનીને શોભે તેવા ગુણો છે.’ મનની બારી ઉઘાડી કેમ રાખવી તે મારા નિબંધોની સતત શોધ છે.
આ નિબંધોની ભાષા વિષે ઠીકઠીક ચર્ચા થઈ છે. જ્યારે કૉલેજના અધ્યાપકોને મળું છું ત્યારે પણ આની ભાષા વિષે સવાલ પૂછાય છે. હું ભાષા વિષે વાત કરું છું ત્યારે એક આનુષંગિક હકીકતનો નિર્દેષ કરવો જોઈએ. અંગ્રેજી લખાણ હું સેક્રેટરીને લખાવતો હોઉં છું, ગુજરાતી કવિતા પોતે લખું છું પણ ગદ્ય વિષે મારું ગુજરાતીના સમર્થ નિબંધકાર કાકાસાહેબ જેવું છે.
કાકાસાહેબ એમના નિબંધો લખાવતા. હું પહેલાં શબ્દોનો ઉચ્ચાર કરું છું પછી તે લખાય છે. આમા ફાયદા ને ગેરફાયદા બન્ને છે. પણ એક ફાયદો એ છે કે ગદ્ય બોલચાલની ભાષાની નજીક રહે છે. મારું સ્વપ્ન એવું ગદ્ય લખવાનું છે કે જેમાં બોલચાલની ભાષાનો વેગ અને તાજગી હોય. બોલચાલની ભાષાનો બીજો ફાયદો એ છે કે તમે ભાષામાં બહુ કૃત્રિમ થઈ શક્તા નથી. મનમાં જે આવે તે હોઠ પર આવે હોઠ પર આવે તે લખાતું જાય. આમાં ક્યારેક શબ્દો ગુલાટિયાં ખાઈ જાય પણ સાથે સાથે એમની પારદર્શકતા તીવ્ર બને. વળી આમાં  ફાયદો એ પણ છે કે જોઈતો શબ્દ શોધવા માટે લખાવતી વખતે તમે થોડા શ્વાસ લઈ શકો. જ્યારે પોતે લખીએ ત્યારે ચેકચાક છેકછાક કરીને જોઈતા શબ્દ ભણી જવાય છે પણ લખાવતી વખતે ચિત્તનાં જળ થોડી વાર પણ સ્થિર રાખીએ તો ક્યારેક જોઈતો શબ્દ સપાટી પર આવી જાય છે.
હું બીજી ભાષા તરીકે ફ્રેન્ચ ભણ્યો, સંસ્કૃતનું મારું જ્ઞાન બિલકુલ નહિ, હજુ પણ કેટલીય વાર સંસ્કૃતના અર્થ સમજવા માટે શબ્દકોષ જોવો પડે તેવી મારી સ્થિતિ છે. અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષા સાથેના પરિચયને કારણે મારા ગુજરાતી ગદ્યમાં એ ભાષાઓની કેટલીક લાક્ષણિકતાઓ આવી હોય એવો મને અંદેશો છે. જ્યારે સંસ્કૃતના લાઘવ અને માધુર્યનો આ ગદ્યને લાભ મળ્યો નથી. પણ મારે કહેવું જોઈએ કે હું ઉગ્ર ગુજરાતીપ્રેમી છું. મારી ગુજરાતી ભાષા કેવળ ગુજરાતી પ્રજાની બોલચાલ, રીતરિવાજ, સંસ્કાર અને સ્વભાવનું પ્રતિબિંબ બને એ જોવાનો મારો મનસૂબો છે. સંસ્કૃત, અંગ્રેજી કે બીજી કોઈ ભાષાની શૈલી અને શબ્દો ગુજરાતી ભાષાના લોહીમાં સહજ રીતે ભળી જાય તે મારે માટે અખાદ્ય છે. મારી આ વૃત્તિને કારણે હું એવી ગુજરાતી ભાષા લખવા પ્રયત્ન કરતો હોઉં છું જે ગુજરાતી પ્રજાના લોહીના ધબકાર સાથે બરાબર તાલ મેળવતી હોય. આ નિબંધસંગ્રહ વાંચી આપણી ભાષાના એક સારા વિવેચક શ્રી ભૃગુરાય અંજારિયાએ મને જણાવ્યું કે ‘આ નિબંધોમાં મને ગુજરાતી ભાષા વાંચવા મળે છે.’
નિબંધોની ભાષા વિષે મારે એક બીજી વાત પણ નોંધવી જોઈએ. પદ્યના લયની જેમ ગદ્યનો પણ લય હોવો જોઈએ એમ હું માનું છું. ગદ્યનો લય એટલે શું ? ગદ્યનો લય એટલે વાક્યરચનાની ચડઉતરની સંવાદિતા. આમ તો ગદ્યખંડમાં વાક્યોની ચડઉતર ન હોય તો ગદ્ય વાંચતાં બગાસા આવે. એટલે સાધારણ કક્ષાના ગદ્યમાં પણ વાક્યોની ચડઉતર હોય છે. પણ આ ચડઉતર શબ્દપસંદગી કરતાંય વિશેષ શબ્દસમુહના વૈવિધ્ય અને ગોઠવણીને કારણે કળામય બને છે. ગદ્ય લખાવતા હોઈએ ત્યારે શબ્દોનો સ્વર કાનને સંભળાય છે એટલે વાક્યોનો લય અનાયાસે પકડાય છે. લખાણમાં વાગ્મિતા આવે તો તે પણ આથી પકડાઈ જાય છે. એવી દલીલ થઈ છે કે લખાવવા માંડો એટલે લખાણમાં ભાષણખોરોની વાગ્મિતા આવી જાય. પણ જો લખાવનાર વિચાર, શબ્દ અને સંવાદિતા એ ત્રણેયને લક્ષમાં લે તો આમાંથી બચી જવાય.
મારો એક વિચાર એવો હતો કે વ્યક્તવ્યમાં હું નિબંધ વિષે વાત કરું. પણ જે નિબંધસંગ્રહ સાથે હું સંકળાયેલો છું તેની જીવનકથા ન કહું તો વર વિનાનો વરઘોડો કાઢ્યો કહેવાય. પણ અંતમાં નિબંધ વિષે એકાદ–બે વિચાર મૂકવાની ઈચ્છા થાય છે. તમે અર્થશાસ્ત્રથી માંડી વૈદક પર નિબંધો લખી શકો. નિબંધ એ મુક્ત સાહિત્યપ્રકાર છે. તમારે કંઈ કહેવું હોય અને તમે કોઈ બંધન વિના અનૌપચારિક રીતે લખો તો તે નિબંધ કહેવાય. નિબંધ આમ બે મનુષ્યો વચ્ચેની વાતનો પ્રકાર છે. નિબંધ લખનાર અને વાંચનાર એ બેની ગોષ્ઠિ એ નિબંધનો સંસાર છે. સામો માણસ તમારી આ ગોષ્ઠિમાં સામે બેઠો નથી. તમે કલ્પી લો કે તમે એક માણસ સાથે વાત કરી રહ્યા છો.
પણ અંગત નિબંધ ત્રિવેણી જેવો છે. તમે પોતે, તમારા અંદરની જાત અને સામો માણસ – એ ત્રણે જાણે કે કોઈ રેડિયો સ્ટેશન પરથી ચર્ચા કરી રહ્યા છે. અંગત નિબંધની કસોટી એટલી જ છે કે તે ઓછામાં ઓછો અપ્રમાણિક હોવો જોઈએ. નિબંધ લેખક મનમાં આવ્યું તે પણ વાચકને કહે અને પોતાની જાત જે કહે તે પણ વાચકને કહી દે. વિષયો તો ખીંટી છે. અંગત નિબંધકાર આ ખીંટી ઉપર પોતાની જાતને લટકાવે છે. અંગત નિબંધ એક રીતે જોઈએ તો કોઈ પાદરી સમક્ષ એક ખ્રિસ્તી ભક્ત કબુલાતનામું કરે તેવું એક નિવેદન છે. પણ અહીં હાર્દમાં કોઈ ધર્મ નહિ પણ અંતરાત્મા છે. અંતરાત્માને આપણે જેટલી ધીરજ અને વીરતાથી સાંભળીએ તેટલા પ્રમાણમાં આપણી આત્મખોજ સફળ થાય.
સાભાર સૌજન્ય : વિજયભાઈ ધારિયા (શિકાગો – યુ એસ એ )
બ્લોગ લીંક: http://das.desais.net