આજની સૌથી મોટી સમસ્યા: અપસેટ રહેવું  …

આજની સૌથી મોટી સમસ્યા: અપસેટ રહેવું  …

 

 

દરેક વ્યક્તિને કોઈ ને કોઈ વાત ડિસ્ટર્બ કરે છે. અપસેટ રહેવું એ આજની સૌથી મોટી સમસ્યા છે. બધાના ચહેરા પર ન કળી શકાય એવો ભાર જોવા મળે છે. આપણે બધા જ કોઈ ને કોઈ બોજ સાથે લઈને ફરીએ છીએ. કોઈને સફળતાની ચિંતા છે તો કોઈને સંબંધોની સાર્થકતાની. શું થશે? એ પ્રશ્નના દબાણ હેઠળ બધા એવા દબાઈ ગયા છે કે કોઈ જ અને કંઈ જ ‘નેચરલ’ લાગતું નથી. દુનિયાની દરેક ફિલોસોફી જિંદગી વિશે એક જ વાત કરે છે કે જિંદગીને માણવી હોય તો વર્તમાનમાં જીવો. અત્યારે જે ક્ષણ છે તેને એન્જોય કરો. આ વાત બધા જાણે છે, પણ કેટલા લોકો ખરેખર વર્તમાનમાં જીવતા હોય છે? આપણાં ટેન્શન્સ આપણા ઉપર એટલા બધા હાવી થઈ જાય છે કે વર્તમાન આપણા હાથમાંથી સરકી જાય છે. આપણે કાં તો ભૂતકાળમાં ધકેલાઈ જઇએ છીએ અથવા ભવિષ્યમાં સરી પડીએ છીએ. એક માણસ સંત પાસે ગયો. તેણે સંતને કહ્યું કે મને એક અજાણ્યો ભય લાગે છે. કંઈક બૂરું થવાનું છે એવો ડર મને લાગ્યા રાખે છે. આનાથી બચવા માટે મારે શું કરવું?સંતે કહ્યું કે તારા પડછાયા સાથે રમત રમવાનું છોડી દે. સંતે ઉમેર્યું કે દરેક માણસ પડછાયામાં જીવે છે. પડછાયો નાનો થાય તો ગભરાઈ જાય છે અને પડછાયો મોટો થાય તો હરખાઈ જાય છે. તમે તમારું મૂલ્ય પડછાયાને જોઇને ન આંકો, કારણ કે પડછાયો તો સમય મુજબ બદલાઈ જાય છે. જે બદલે છે એ સમય છે. તમે તો એના એ જ છો. માણસો દુઃખી એટલે છે કે જે નથી એમાં એ જીવતાં હોય છે. કલ્પના અને સપનાં સારી વાત છે પણ તેમાં તમે એટલા ન ખોવાઈ જાવ કે હકીકતને ન જીવી શકો. 

 

માણસ કઈ વાતે સૌથી વધુ ડિસ્ટર્બ થાય છે ?

 

એક જ્યોતિષી અને મનોચિકિત્સક સાથે આ વિષય પર વાત થઈ. જ્યોતિષીએ પૂછયું કે કયા પ્રશ્નો અને કઈ મૂંઝવણ લઈને લોકો તમારી પાસે આવે છે? જ્યોતિષીએ કહ્યું કે સૌથી વધુ સવાલો રિલેશનશિપના છે. સંબંધો ગુમાવવાનો ભય લોકોને સૌથી વધુ છે.બધાને સંબંધો એટલી જડતાથી પકડી રાખવા છે કે સાથેની વ્યક્તિ ગૂંગળાઈ જાય. કોઈ એ સમજવા જ તૈયાર નથી કે કોઈને વશમાં રાખી તમે પ્રેમ મેળવી ન શકો. જે સંબંધો માણસને જીવવા જોઈએ એ જ તેને ડિસ્ટર્બ કરે છે. કોઈને પત્ની સાથે ફાવતું નથી, કોઈને પતિ હેરાન કરે છે, બધા ક્યાંકથી પ્રેમ મેળવવા ફાંફાં મારે છે, કોઈનેદીકરીના સંબંધ મંજૂર નથી, કોઈનાથી દીકરાનું વર્તન સહન નથી થતું, આડા, ઊભા, વાંકા અને ત્રાંસા સંબંધોમાં બધા જીવે છે અને હતાશ છે. મોટાભાગના લોકો અસમંજસમાં જ જીવે છે. ડિપ્રેશનમાં હોય તો ખબર પડે કે માણસ ડિસ્ટર્બ અને હતાશ છે પણ અત્યારના માણસની તકલીફ એ છે કે અત્યારનો માણસ નથી સો ટકા ડિપ્રેશનમાં કે નથી સો ટકા મજામાં. એ દુઃખ અને સુખમાં, આનંદ અને હતાશામાં એવો ઝૂલતો રહે છે કે એ થાકીને લોથપોથ થઈ જાય છે. બધા એવું બોલે છે કે જે થવું હોય એ થાય પણ જે થાય છે એ સહન કરી શકતા નથી. માણસ પોતે જ મુક્ત થઈ શકતો નથી. એવો ઘેરાયેલો રહે છે કે પોતાની હાલતમાં જ ગૂંગળાતો રહે છે. ક્યાંય મજા નથી આવતી, મૂડ બરાબર નથી, કોઈ વાતમાં આનંદ આવતો નથી. વિચારો પીછો છોડતાં નથી. ડર વધુ ને વધુ ભયાનક થતો જાય છે. દિવસે ચેન નથી પડતું અને રાતે ઊંઘ નથી આવતી, દરેક વ્યક્તિ આવી કોઈ ને કોઈ મૂંઝવણ અનુભવે છે. આજે જો કોઈ વાતનો દુકાળ હોય તો એ હળવાશનો છે. ભૂતકાળને પકડી ન રાખો. અને ભવિષ્યને પકડવા બાચકાં ન ભરો. તો જ અત્યારના સમય સાથે જીવી શકશો. 

 

તમારા સંબંધોમાં વિશ્વાસ રાખો. સંબંધોમાં ન ફાવે ત્યારે માણસ સંબંધ બહુ આસાનીથી છોડી દે છે. જોકે છોડી દીધા પછી પણ એ છૂટી શકતો નથી. બ્રેકઅપ થયા પછી પણ પોતાનો પ્રેમી કે પ્રેમિકા શું કરે છે? કોની સાથે ફરે છે? મજા કરે છે કે દુઃખી છે? એનું ધ્યાન રાખતા ફરીએ છીએ. ડિવોર્સ થયા પછી પણ જુદી થયેલી વ્યક્તિ દુઃખી થાય એવા પેંતરા રચીએ છીએ. સાથે રહીને દુઃખ આપવા કરતાં ઘણાં લોકો છૂટા પડીને વધુ દુઃખ આપે છે. જે છૂટી ગયું છે એને છોડી દો. છૂટા પડીને કોઈ સુખી થાય એ પણ આપણાથી જોવાતું નથી. આવા દુઃખ માટે આપણે જ કારણભૂતહોઈએ છીએ. કોઈનું સારું ઇચ્છવાને બદલે એને શાપ દેવાનું આપણને વધુ ફાવે છે. માણસ સૌથી વધુ દુઃખી એટલે છે કે એને કોઈને દુઃખી કરવા હોય છે. બતાવી દેવું હોય છે. પરચો આપવો હોય છે અને આ બધાના કારણે જ પોતે દુઃખી રહે છે. આપણેજિંદગીનાં દુઃખોને ડિલીટ કર્યા પછી પણ એને રિસાયકલ બિનમાં સાચવી રાખીએ છીએ. ડિલીટ ફોર એવર કરતાં જ નથી. દુઃખનું સૌથી મોટું કારણ એ છે કે શું પકડી રાખવું અને શું છોડી દેવું તેનો સાચો નિર્ણય આપણે લઈ શકતાં નથી.

  

હવે મનોચિકિત્સક સાથે થયેલી વાત. તેમણે કહ્યું કે માણસ પોતાના વિશે લોકો અને ખાસ કરીને તેના નજીકના માણસો શું બોલે છે તે જાણી સૌથી વધુ ડિસ્ટર્બ થાય છે. માણસ સતત એ વાત ઉપર જ નજર રાખતો ફરે છે કે કોણ તેના વિશે શું વાત કરે છે. જે માણસની વાતને કોઈ ગંભીરતાથી ન લેતું હોય તેવી વાતને માણસ એટલી બધી ગંભીરતાથી લઈ લે છે કે એમાંથી બહાર જ નીકળી નથી શકતાં. ઓફિસના પાંચ માણસ સારું બોલતાં હોય પણ જો એક માણસ ખરાબ બોલે તો આપણને એ એકની જ વાત ખટક્યા રાખે છે. જે માણસ માત્ર વાત, અફવા કે ગોસિપથી ડિસ્ટર્બ થતો હોય તેને હેરાન કરવો સૌથી વધુ સરળ છે. તમારી દુઃખતી રગ જો બધાને ખબર હોય તો પછી લોકો એ જ રગ વારેવારે દબાવ્યા રાખશે. તમે ઉંહકારામાંથી બહાર જ નહીં આવો. સ્પોર્ટ્સમાં એક વણલખ્યો નિયમ એ છે કે તમારે જો જીતવું હોય તો તમારા હરીફને કોઈ ને કોઈ વાતે ડિસ્ટર્બ કરી દો, એમાં પણ જો એ કોઈ ખોટી વાતથી ડિસ્ટર્બ થઈ જતો હોય તો તમારે વધુ કંઇ કરવાની જરૂર જ નથી. એનામાં તો સમજ જેવું કંઈ છે જ નહીં, તેને તો બેઝિક રૂલ્સની જ ખબર પડતી નથી, એ તો માત્ર દેખાડો કરે છે. બાકી તેનામાં એટલી ડેપ્થ નથી, બીજા પાસે કામ કરાવીને એ જશ ખાટી જાય છે, આવી વાતથી માંડીને અંગત વાતો વિશે લોકો વાતો કરતાં રહે છે. એનો ભૂતકાળ તમને ખબર છે? એણે તો આવું કર્યું હતું, એના ઘરમાં એને કોઈ સાથે બનતું નથી. બોસની ચમચાગીરી કરીને એ માણસ અહીં સુધી પહોંચ્યો છે. સફળ માણસ વિશે આવી વાતો કરનારાની એક મોટી ફોજ હોય છે. આવી વાતો તરફ ધ્યાન આપીએ એટલે આપણે જ્યાં ધ્યાન આપવું જોઈએ ત્યાંથી ધ્યાન ચૂકી જવાય છે. તમારા વિશે કોણ કેવી વાતો કરે છે તેની પરવા ન કરો. તમારે જે કરવાનું છે એ કરતાં રહો. જો કે બહુ ઓછા લોકો આવું કરી શકે છે. આપણે ઓફિસમાં જ જાસૂસ રાખીએ છીએ કે શું ચાલે છે તેની જાણ મને કરતો રહેજે. બધે નજર તો રાખવી જ પડે. આવી વાતોમાં આપણે આપણો કેટલો સમય અને શક્તિ વેડફતાં હોઈએ છીએ? કોણ શું કરે છે એ નહીં પણ તમારે શું કરવાનું છે એના ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરો.

  

જો તમે ડિસ્ટર્બ થશો તો બધા જ તમને ડિસ્ટર્બ કરશે. ઘણા લોકો પોતાના વિશે જ વાતો જાણી ખુલાસાઓ કરવામાંથીનવરાં પડતા નથી. તમે રસ્તો ચૂકી જાવ એવા સતત પ્રયત્ન થવાના જ છે. તમે માત્ર તમારા માર્ગને જ પકડી રાખો. તો કંઈ વાંધો આવતો નથી. તમે એ વિચાર કરો કે કઈ વાત તમને સૌથી વધુ ડિસ્ટર્બ કરે છે? એ વાત ખરેખર ડિસ્ટર્બ થવા જેવી છે ખરી?તમે જે વાતથી ડિસ્ટર્બ થાવ છો તેમાં જ પડયા રહેવાથી સરવાળે કોઈ ફાયદો થવાનો છે કે કંઈ પરિણામ આવવાનું છે? જો ના તો એને છોડી દો. નકામી વાતો અને ખોટી ચિંતા અને ઉપાધિઓમાંથી જ આપણે બહાર નીકળવાનું હોય છે. એવા વિચારોને જ ટાળો જે તમને ડિસ્ટર્બ કરે છે. કંઈ જ ખરાબ નથી થવાનું પણ પહેલાં તમે કંઈક ખરાબ થશે એવા ડરમાંથી બહાર તો નીકળો. તમારી જાતને હળવી કરી દો તો જ જિંદગી જીવવા જેવી લાગશે.

 

 

સાભાર : – કૃષ્ણકાંત ઉનડકટ

 

 

જીવનમાં હળવાશ કયારે અનુભવાય? …

 

જીવનમાં જે કંઈ બની રહ્યુ છે અને બનશે તે આપણા હિતમાં જ હશે, આવો દઢ નિશ્ચય. * સરળતા અને શુધ્ધિનો નિત્ય સથવારો. * ઈચ્છાઓનો મહેલ ન રચવાની આદત. * જરૂરિયાતવાળી વસ્તુ ખપપુરતી રાખવાની આદત. * નિયમિતતા અને સુધડતાવાળુ દેનિક જીવન. * ચોખ્ખો વ્યવહાર.

 

સૌજન્ય : પૂર્વી મલકાણ (યુ એસ એ) 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલી પુન:પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો શ્રી વિજયભાઈ ધારીઆ (શિકાગો) નાં અંતરપૂર્વકથી આભારી છીએ. આ ઉપરાંત શ્રી કૃષ્ણકાંત ઉનડકટ નાં પણ અંતરપૂર્વકથી આભારી છીએ. જેમના દરેક લેખ ખૂબજ મનનીય અને સૂચક – જીવનમાં કશુક જાણવા લાયક રજૂઆત સાથેના હોય છે.

 

આજની પોસ્ટ આપને પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

નોંધ : મિત્રો, બ્લોગ પોસ્ટ પર મૂકેલ દરેક પોસ્ટ બે દિવસ માટે રહેશે. દર બીજે દિવસે નવી પોસ્ટ મૂકવા અમો નમ્ર કોશિશ કરીશું અને જેની જાણ આપને મેઈલ દ્વારા  કરતાં રહેશું.  જે કોઈ મિત્રોને મેઈલ દ્વારા દરેક પોસ્ટની જાણકારી નિયમિત મેળવવી હોય, તેઓ તેમના મેઈલ દ્વારા અમોને રિક્વેસ્ટ મોકલી શકે છે  અને મેઈલીંગ લીસ્ટમાં તેમના મેઈલ આઈ ડી ની નોંધણી કરાવી  શકે છે.  સહકાર બદલ આભાર.

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

ઝડપથી બદલાઈ રહેલા સમયમાં સુખી જીવન જીવવાની કલા …

ઝડપથી બદલાઈ રહેલા સમયમાં સુખી જીવન જીવવાની કલા …

– મોહમ્મદ માંકડ

 

 

happy life

(મોહમ્મદ માંકડ ના એક લેખમાંથી ટૂંકાવીને )

 

જિંદગી એવી છે કે વર્ષો વીતવા સાથે મિત્રો અને સગાંવહાલાંઓનો સાથ છૂટતો જાય છે. દુનિયામાંથી ઘણી પરિચિત વ્યક્તિઓ વિદાય લેતી જાય છે. માણસ એકલો પડતો જાય છે. જિંદગી વધુ ને વધુ સાંકડી થતી જાય છે. અને આ પરિસ્થિતિને ખાળી શકાય, રોકી શકાય એવી શક્યતા દેખાતી નથી. એટલે ગમે કે ન ગમે, માણસે જ પરિસ્થિતિને અનુકૂળ થવાનું શીખવું પડે એમ છે. હવેનો માણસ જીવનની શરૂઆતમાં જ જો વિશાળ અને પહોળો પાયો નહીં બનાવી શકે તો એના ઉપર ચણાયેલી ઈમારત ખખડી જશે અને એને સાથ નહીં આપે. માણસ પોતાની જીવવાની રીતભાતમાં જેટલો ફેરફાર કરી શકશે એટલો જ એ વધુ સુખી થઈ શકશે. જિંદગીની શરૂઆતમાં તો યુવાહોય, દોડધામ હોય, કોલાહલ હોય, ધન અને કીર્તિ કમાઈ લેવામાં મન રોકાયેલું હોય, પણ ઉત્તરાવસ્થામાં પિરામિડ ઊલટો થઈ જાય છે. અને ઊલટો પિરામીડ સમતુલા જાળવી નથી શકતો ત્યારે માણસ દુઃખીદુઃખી થઈ જાય છે. વૃદ્ધાવસ્થા અને એકલતાના દુઃખમાં રાહત મેળવવાનો એક જ રસ્તો છે. ઈશ્વરે માણસને જે પાંચ ઈન્દ્રિયો આપી છે એ પાંચેય ઈન્દ્રિયોનો વધુમાં વધુ વિકાસ કરવો, સમતોલ વિકાસ કરવો. તમે યુવાન હો, પ્રૌઢ વયના હો કે વૃદ્ધાવસ્થાના આરે પહોંચ્યા હો, તમારું જીવન આ ખાસ વાત પર ધ્યાન આપીને ગોઠવજો, જેથી તમારી જિંદગી ક્યારેય તમારા માટે બોજારૂપ ન બની જાય.

 

કેટલાક લોકોને એમની યુવાનીમાં ખાવાપીવાનો, ફિલ્મ જોવાનો કે માત્ર રેડિયો-ટીવીનો જ શોખ હોય છે. બીજી કોઈ બાબતોમાંથી સુખ મેળવવાના એમના પ્રયત્નો જ હોતા નથી. મારા એક મિત્ર એક સંબંધીની ખબર કાઢવા ગયા હતા. મેં પૂછ્યું :

 

‘કેમ છે તબિયત ?’

 

‘ઠીક છે.’ એમણે કહ્યું, ‘આમ તો તબિયત સારી છે. પણ હવે વૃદ્ધાવસ્થા છે અને આટલી જિંદગી સુધી એમણે માત્ર એક જ વાતમાં રસ લીધો છે – ખાવાપીવામાં. એમની સ્વાદેન્દ્રિય સિવાય બીજી કોઈ ઈન્દ્રિયોનો વિકાસ થયો નથી. પૈસા કમાવા અને સારુંસારું ખાવું – બસ, એ રીતે જ એમની જિંદગી વીતી છે. ખાવાનો શોખ હજી એમને એટલો જ છે, પણ હવે જીભ અને પેટ એકબીજાની વિરુદ્ધ થઈ ગયાં છે. તળેલો ભારે ખોરાક ખાય એટલે પેટમાં ટકતો નથી.’ વૃદ્ધાવસ્થા કષ્ટદાયક તો છે જ, કારણ કે એમાં પરાવલંબન છે. આમ છતાં જો તમે તમારી પાંચે ઈન્દ્રિયોનો પૂરતો વિકાસ કર્યો હશે તો જિંદગીનો આનંદ મેળવવાની તમારી ક્ષમતા વધશે. બહારની સૃષ્ટિમાં રૂપ, રંગ, ધ્વનિ, સુગંધ, મીઠાશનો અખૂટ ખજાનો પડ્યો છે, પરંતુ એ માણવા માટે આપણે આપણા મનને સજ્જ કરવું પડે છે.

 

કોઈ કહેશે, અમે ક્યાં લેખક-કવિ, ચિત્રકાર કે સંગીતકાર છીએ કે અમને ઝરણાના સંગીતમાં, સૂર્યાસ્તના રંગોમાં કે તારા-ભરેલી રાતોમાં રસ પડે ? ભલે રસ ન પડે, રસ લેવાની જરૂર છે. માણસને બધી બાબતોમાં સહેલાઈથી રસ પડતો નથી, પણ ઓછા દુઃખી થવા માટે માણસે આનંદ મેળવવાની ક્ષમતાનો પાયો મોટો કરવો જરૂરી છે. રસ લેવાની ક્ષમતા વારસામાં મળતી નથી, એ કેળવવી પડે છે. એ વાત સાચી છે કે જીવનને ટકાવી રાખવા માટે તો રોટીની-પૈસાની જરૂર હોય છે, પરંતુ જીવનને ધબકતું રાખવા માટે ચિત્રકલા, સંગીત, સાહિત્યરસ કેળવવાની જરૂર છે. દરેક માણસ, લેખક, કલાકાર કે સંગીતકાર થઈ શકતો નથી, પરંતુ સારો વાચક, કલામર્મજ્ઞ અને સંગીતને સમજી-માણી શકે એવો તો જરૂર બની શકે છે. માણસ આ રીતે આનંદ મેળવવાની ક્ષમતા વધારે છે. એના જીવનમાં ખાલીપો ઓછો આવે છે. એની જિંદગી કાયમ ભરીભરી રહે છે.

 

આપણને આપણી ઈન્દ્રિયના વિકાસની ક્ષમતાનો બહુ ઓછો ખ્યાલ હોય છે. આપણને પ્રશ્ન થાય છે કે ઈન્દ્રિયનો વિકાસ કેટલો કરી શકાય ? માણસ જ્યારે એકાદ ઈન્દ્રિય ગુમાવી દે છે ત્યારે એને બીજી ઈન્દ્રિયની ક્ષમતાની અને શક્તિની ખબર પડે છે. આંધળો માણસ માત્ર પગરવ સાંભળીને આવનારની ઓળખાણ આપી શકે છે. આંખનું કામ એના કાન કરે છે. દેખતા માણસને ભાગ્યે જ ચાલનારની ચાલની કે એના અવાજની ખબર હોય છે. એ રીતે અંધ માણસમાં સ્પર્શની શક્તિ પણ ખૂબ જ ખીલેલી હોય છે. બધા માટે આટલો વિકાસ શક્ય નથી હોતો, પણ બધી ઈન્દ્રિયોનો શક્ય એટલો વધુ વિકાસ સાધવાની કોશિશ દરેકે કરવી જોઈએ. વિભાજિત કુટુંબની એકલતામાં સફળતાપૂર્વક જીવવાની બધી તૈયારી માણસે કરી રાખવી જોઈએ. હવેનાં વર્ષોમાં એ રોટી, કપડાં, મકાન જેવી જ અગત્યની બની રહેવાની છે.

 

અમુક ઉંમર પછી સમય કોની પાસેથી શું ઝૂંટવી લેશે એ કોઈ કહી શકતું નથી. મોટી ઉંમરે કવિ મિલ્ટનની આંખો ચાલી ગઈ હતી અને સંગીતકાર બિથોવનની શ્રવણેન્દ્રિય ચાલી ગઈ હતી. મિલ્ટને આંખો ગુમાવી દીધા પછી મહાકાવ્યનું સર્જન કર્યું હતું અને બહેરા થઈ ગયેલા સંગીતકાર બિથોવને એની સૌથી ઉત્તમ સિમ્ફોનીનું સર્જન કર્યું હતું. ઉંમર વીતવા સાથે સાંભળવાની શક્તિ ઓછી થતી જાય કે આંખોમાં ઝાંખપ આવે, કાનમાં બહેરાશ આવી જાય એ એક સ્વાભાવિક બાબત છે, પણ મનમાં જો બધી ઈન્દ્રિયોએ મોકલેલી સ્મૃતિઓ પડેલી હશે તો માણસ મિલ્ટન કે બિથોવનની માફક છેલ્લે સુધી કાર્યક્ષમ રહી શકશે. જિંદગીમાં અનેક નાનીમોટી બાબતોમાં જો તમે રસ લીધો હશે તો તમારે કોઈ એકાદ ક્ષેત્રમાં પીછેહઠ કરવાનું બનશે કે કોઈ એકાદ ક્ષેત્રમાં તમને નિષ્ફળતા મળશે તોપણ તમે જિંદગી હારી નહીં જાઓ, બલકે બદલાતા જતા સમયના પ્રવાહમાં ચોક્કસ ગોઠવાઈ જશો. તમને ક્યારેય એકલું નહીં લાગે કે જિંદગી તમારા માટે ક્યારેય બોજારૂપ નહીં બની જાય.

 

બર્ટ્રાન્ડ રસેલનું આ વાક્ય યાદ રાખવા જેવું છે: ‘The happy man is the man, who has wide interests.’

 

 
સૌજન્ય : વિજય ધારીઆ (શિકાગો)

 
 

 

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
[email protected]

W.:   http://pareejat.wordpress.com

 

 

આજની પોસ્ટ  આ અગાઉ અનેક બ્લોગ પર સ્થાન પામેલ છે.    ‘દાદીમા ની પોટલી’ પર આજની પોસ્ટ મોકલી પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો  સુશ્રી  પૂર્વી મોદી મલકાણ (યુએસએ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

;

“મોરલી કે રાધા ?” …

“મોરલી કે રાધા ?” …

 

 

 

radha-krishna

 

 
અર્જુન પૂછી બેઠો કૃષ્ણને,

 
“વધુ વહાલુ શું છે તમને – મોરલી કે રાધા ?”

 

જવાબમા શ્રી કૃષ્ણ બોલ્યા,

 

“મોરલી મારો રાગ છે ને રાધા મારો સાદ છે.

મોરલી મારો સુર છે ને રાધા મારૂ રૂપ છે.

મોરલી તો મારી સાથી છે ને રાધા મારી રાણી છે.

છાયો છે મોરલી ને પડછાયો છે રાધા.

મોરલી મારો હક છે તો રાધા મારો અધિકાર છે.

જેમ મોરલી વિનાનો કૃષ્ણ અધુરો તેમ રાધા વિનાનો શ્યામ અધુરો.

એટલે મોરલી કરતા મને રાધા વધારે વહાલી છે કારણ કે

મોરલી હું છું એટલે તેને તરછોડીશ તો દુ:ખ મને જ થશે.

પરંતુ રાધા મારો પ્રેમ છે એટલે તેને તરછોડીશ

તો દુનિયા આખીને દુખ લાગશે.

તેથી ગોકુળ મુક્યા પછી મેં મોરલી નથી વગાડી

કારણ કે પછી મને રાધા ક્યાંય મળી નથી.”

 

 

[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[

 

 

એક પુરુષે કહેલા ઉત્તમ વાક્યો:

 

૧) જ્યારે હું જન્મયો ત્યારે એક સ્ત્રીએ મને છાતી સરસો ચાંપ્યો હતો…

તે મારી મા હતી.

 

૨) બાળક તરીકે હું મોટો થતો હતો ત્યારે મારી સાથે રમવા અને મારી સંભાળ લેવા એક સ્ત્રી હતી…

તે મારી બહેન હતી.

 

૩) હું શાળાએ જવા લાગ્યો. મને શીખવામાં મદદ કરવા માટે એક  સ્ત્રી હતી…

તે મારી શિક્ષીકા હતી.

 

૪) મારે સતત કોઇનુ સાનિધ્ય, સથવારો અને પ્રેમની જરુર હતી,   ત્યારે પણ એક સ્ત્રી મોજુદ હતી…

તે મારી પત્ની હતી.

 

૫) જ્યારે હું રુક્ષ બન્યો ત્યારે મને પીગળાવવા એક સ્ત્રી હતી…

તે મારી પુત્રી હતી.

 

૬) જ્યારે હું મૃત્યુ પામીશ ત્યારે મને સમાવી લેવા એક સ્ત્રી હશે…

તે મારી માતૃભૂમિ હશે.

 

 

જો તમે એક પુરૂષ હો તો દરેક સ્ત્રીની ઇજ્જત કરો !

જો તમે એક સ્ત્રી હો તો સ્ત્રી હોવાનું ગૌરવ અનુભવો.

 

તમારી નાનકડી લાડ્લી દીકરી તમારો હાથ થોડા સમય માટે જ પકડી શક્શે…પરંતુ તમારું હૈયું આખી જીંદગી ભરેલું રાખશે.

 

“આ દીકરીઓનું સપ્તાહ છે”

 

જો તમારે દીકરી હોય જે આસ પાસ હોવા માત્રથી તમારું જીવન જીવવા લાયક બનાવી દેતી હોય અને તેને તમે તમારા શ્વાસથી પણ વધુ ચાહતા હો …

 

તમારી દીકરી માટે તમને અપાર ગૌરવ હોય, તો આ થોડા

વાક્યોની નકલ કરી પ્રેમાળ પુત્રીના મા-બાપ હોવાનું ગૌરવ

ધરાવતા હોય તેમને તુરંત મોક્લી આપો!

 

 

– અજ્ઞાત

 

 
સૌજન્ય : વિજય ધરીઆ (શિકાગો)
 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વિજયભાઈ ધારીઆ (શિકાગો) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

 

આજની પોસ્ટ જો આપને પસંદ આવી હોય તો  આપના અમૂલ્ય પ્રતિભાવ પોસ્ટ સાથેના કોમેન્ટ્સ બોક્ષમાં મૂકશો., જે અમોને પ્રેરણાદાયી અને માર્ગદર્શક બની રહે છે. .

 

 

You can  contact /follow us on :

twitter a/c : @dadimanipotli

 

facebook at : dadimanipotli

જીવનમાં પાપ કરતો રહ્યો …

 જીવનમાં પાપ કરતો રહ્યો …

 

jivan-ghadtar[1]

 

જીવનમાં પાપ કરતો રહ્યો …

 

આખી જીન્દગી હું વારંવાર એક પાપ કરતો રહ્યો,
ધૂળ મારા પર હતી ને હું અરીસો સાફ કરતો રહ્યો.

કેવી અજીબ વાત બની ગઈ જીવનમાં મારી સાથે,
ભૂલ મારી હતીને એ દોસ્ત હું તને માફ કરતો રહ્યો.

 

ન્યાય દેવાવાળો મારી ઉપર બેઠો છે એ ભૂલીને,
હું ન્યાયાલય ખોલીને બધાનો ઇન્સાફ કરતો રહ્યો.

જે મારી વિરુદ્ધ હતા એમને મનાવવાના પ્રયત્નોમાં,
જે મારી સાથે હતા એમને મારી ખિલાફ કરતો રહ્યો.

 

ખુદ મારા વિષે તો રતીભારનુય જાણતો નહોતો,
ને ખુદાના અસ્તિત્વ વિષે વાદવિવાદ કરતો રહ્યો.

જીવન આખું કેવળ હવામાં કિલ્લાઓજ બાંધ્યા,
ને જે આંખ સામે હતું એ બધું બરબાદ કરતો રહ્યો.

 

ખુદ મનેજ સમજવામાં હું જબરી થાપ ખાઈ ગયો,
ત્યાગના બહાને વરસોના વરસો પ્રમાદ કરતો રહ્યો.

વર્તમાનમાં શું થઇ રહ્યું છે એનું ધ્યાન ના રહ્યું,
ભવિષ્યમાં શું થશે એ વિષે બહુ સંતાપ કરતો રહ્યો.

 

બીજાઓને પણ કૈક કહેવું છે એ સમજ્યા વગર,
ખુદની સાથેજ આખુ જીવન વાર્તાલાપ કરતો રહ્યો.

મારી કવિતાઓ ખુદ મનેજ કહી સંભળાવીને,
હું ખુશ થઈને વાહ જનાબ, વાહ જનાબ કરતો રહ્યો.

 

 

~મૃગાંક શાહ

 

સાભાર : મૃગાંક શાહ 

 

સૌજન્ય : વિજય ધારીઆ (શિકાગો)

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

આટલી જાતના હોય છે માણસો ….

આટલી જાતના હોય છે માણસો  … !!!!  (આનંદબ્રહ્મ) …

 

people

 

આટલી જાતના હોય છે માણસો, વાંચતા વાંચતા હસી પડશો….!!!!

 

 

અવળચંડા, અકલમઠા, અદેખા, અકર્મી, આપડાયા, ઓસિયાળા, ઉતાવળા, આઘાપાસિયા, એકલપંડા, ઓટીવાળ, કજીયાખોર, કદરૂપા, કરમહીણા, કવાજી, કસબી, કપટી,કપાતર, કકળાટીયા, કામી, કાળમુખા,કાવતરાખોર, કાણગારા, કાંડાબળિયા, કમજાત, કાબા, કબાડા, અધકચરા, અજડ, આળસું, અટકચાળિયા, ખટપટિયા, ખુંધા, ખાવધરા, ખટહવાદિયા, ખૂટલ, ખેલાડી, ખેલદિલ, ખોચરા, ખુવાર, ગરજુડા, ગપસપિયા, ગપ્પીદાસ, ગણતરીબાજ, ગળેપડું, ગંદા, ગંજેરી, ગાંડા, ગોલા, ગોબરા, ગમાર, ગુણગ્રહી, ગભરુ, ગુલાટમાર, ગાલાવેલિયા, જ્ઞાની, ઘરરખા, ઘરમુલા, ઘમંડી, ઘરઘૂસલા, ઘરફાળુ, ઘેલહાગરા, ઘોંઘાટિયા, ઘૂસણખોર, ચતુર, ચહકેલ, ચબરાક, ચોવટિયા, ચાપલા, ચાગલા, ચીકણા, છકેલ છોકરમતીયા, છેલબટાવ, છીંછરા, જબરા, જોરાવર, જબરવસીલા, જોશીલા, જીણા, ઠરેલ, ઠાવકા, ઠંડા, ડંફાસિયા, ડાકુ, ડરપોક, ડંખીલા, ડફોળ, તમોગુણી, તરંગી, તુકાબાજ, દયાળુ, દરિયાદિલ, દાતાર, દાણચોર, દુ:ખીયા, દિલદગડા, દોરંગા, દોઢડાયા, ધંધાદારી, ધમાલીયા, ધોકાપંથી, ધાળપાડું, ધુતારા, ધર્મનિષ્ઠ, ધૂળધોયા, ધિરજવાન, નવરા, નગુણા, નખોદીયા, નમાલા, નિડર, નિશ્વાર્થી, નિજાનંદી, નિષ્ઠુર, નિર્ણય, નિર્મોહી, પરોપકારી, પરિશ્રમી, પરાધીન, પહોંચેલા, પંચાતિયા, પાણિયારા, પાંગળા, પુરષાર્થી, પોચા, પોપલા, પ્રેમાળ, પાગલ, ફરતિયાળ, ફોસી, ફતનદિવાળીયા, ફાકાળ, ફાલતુ, ફુલણસિંહ, ફાટેલ, બહાદુર, બગભગત,બટકબોલો, બચરવાળ, બહુરંગા, બેદરકાર, બિચારા, બોતડા, બાયલા, બિકણા, બોલકણા, બળવાખોર, બુદ્ધિશાળી, ભડવીર, ભૂલકણા, ભલા, ભદ્રિક, ભારાળી, ભાંગફોડિયા, ભૂંડા, ભોળા, ભમરાળા, મરણિયા, મસ્તીખોર, મફતીયા, મનમોજી, મતલબી, મિંઢા, મિઠાબોલા, મિંજરા, મારફાડિયા, માયાળુ, માખણીયા, મારકણા, મુરખા, મરદ, રમુજી, રમતીયાળ, રસિક, રાજકારણી, રજવાડી, રિસાડવા, રોનકી, રોતી, રૂડા, રેઢલ, રેઢીયાળ, સુધરેલા, સમજદાર, શંકાશિલ, શાણા, સુરવીર, સરમાળ, સંતોષી, સગવડીયા, સાહસિક, સુમ, સુખીયા, સ્વચ્છ,સંસ્કારી, સાધક, સાચાબોલા, સરળ, સ્વાર્થી, હરામખોર, હડકાયા, હલકટ, હરખધેલા, હેતાવળા, હરખપદુડા, હાજરજવાબી, હોશિયાર, હસમુખા, લૂચા, લફંગા, લોભીયા, લાલચૂ, લાગવગીયા, લબાડ,લાખેશ્રી, લંપટ, લૂણહરામી, વેવલા, વિવેકી, વહેમીલા, વાયડા, વંઠેલ, વાતડાયા, વેરાગી, વાતુડિયા, વેપારી, વિકરાળ અને વેધૂ…….:)

 

સંકલિત :

સૌજન્ય : વિજય ધારીઆ (શિકાગો)

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પરના પ્રતિભાવ બ્લોગ પર આવકાર્ય છે.

સાબિતીની પેલે પાર પ્રતીતિનો પ્રદેશ …

સાબિતીની પેલે પાર પ્રતીતિનો પ્રદેશ …
– ડૉ.ગુણવંત શાહ

 

  ‘દાદીમા ની પોટલી’ પરિવાર તરફથી આજના શુભ પર્વદિન  – વસંતપંચમી ની આપ સર્વેને શુભકામના સાથે શુભેચ્છાઓ પાઠવીએ છીએ… !

 

vision

 

 

આપણા મનમાં કો’ક વિરલ પળે આવા વિચિત્ર પ્રશ્નો ઊઠે છે :

 

• ઉપરઉપરથી દેખાય તે ખરેખર વાસ્તવિક (real) હોય છે ખરું ?

• શું આ ઘનીભૂત ખડક એ વાસ્તવિકતા (reality) છે ?

• ભૂરા આકાશ નીચે લીલું ઘાસ ચરતી પેલી ગાય વાસ્તવિક છે ?

• રસ્તા પર અટવાતાં વાહનો, સ્ત્રીપુરુષો અને દુકાનોમાં જામેલી ભીડ આખરે શું છે ?

• શું વાસ્તવિક્તા દ્રવ્યતા, પદાર્થતા અને વસ્તુતા પૂરતી જ સીમિત છે ?

• મૃત્યુ થાય ત્યારે આખરે શું મરે છે ?

• આપણું અસ્તિત્વ એટલે શું કેવળ શરીરનું અને મનનું જ અસ્તિત્વ ?

• શું આપણું ‘હોવું’ દેહ અને મન ઉપરાંત પણ કોઈ અન્ય બાબત પર આધારિત ખરું ? એ અન્ય બાબત કઈ?

 

 

અધ્યાત્મ (metaphysics)નો સંબંધ અંતિમ વાસ્તવિક્તા(ultimate reality) અંગેના ઉપરોક્ત પ્રશ્નો સાથે રહેલો છે. આવા પ્રશ્નો જ જ્યાં ન ઉઠે એવી દુનિયાની કલ્પના કરવી મુશ્કેલ છે. ઉપરથી દેખાય તે સૃષ્ટિની સપાટીની નીચે ખરેખર શું છે તે જાણવા માટેની જિજ્ઞાસાવાળી થોડીક વ્યક્તિઓ પણ ન હોય એવી દુનિયામાં જીવવા કરતાં તો ખડક બની જવું સારું. આ સૃષ્ટિની અંતિમ વાસ્તવિકતા અંગેની શોધ અધ્યાત્મના ક્ષેત્રમાં સદીઓથી ચાલતી રહી છે. સત્ય શું, વાસ્તવિક શું, ન્યાયી શું, મુલ્યવાન શું અને અર્થપૂર્ણ શું – એવા પ્રશ્નોની હારમાળા જાગૃત વ્યક્તિને કનડે છે. અંતિમ વાસ્તવિકતા અંગે કો’ક પ્રબુદ્ધ ચિત્તમાં જન્મેલી ઊર્ધ્વમૂલ જિજ્ઞાસાને આપણા ૠષિઓએ બ્રહ્મજિજ્ઞાસા કહી. ઉપનિષદના મંત્રો એટલે ૠષિની બ્રહ્મજિજ્ઞાસાનાં અલૌકિક ચેતના–સ્ફુલિંગો. ૠષિની બ્રહ્મજિજ્ઞાસાથી શરુ થતી આ યાત્રા એક પછી એક ઊંચે લઈ જતાં સોપાનો દ્વારા આગળ વધે છે. પ્રથમ તો બ્રહ્મજિજ્ઞાસા પ્રગટ થાય. પછી એ ક્રમશ: બ્રહ્મવિદ્યા, બ્રહ્મજ્ઞાન અને બ્રહ્મનિષ્ઠાના શિખરો વટાવીને અંતે બ્રહ્મલીનતાની ટોચ પર લઈ જાય એમ બનતું હશે. ગીતા કહે છે તેમ : ‘બ્રહ્મભૂત: પ્રસન્નાત્મા ન શોચતિ ન કાંક્ષતિ.’ આ અવસ્થા અશોચ્ય અને નિરીચ્છ પદ સુધી સાધકને લઈ જાય છે.

 

ગણિત, વિજ્ઞાન અને ટૅકનોલોજીના વિકાસ સાથે એક અત્યંત રૂપાળો રોગ માણસને વળગે છે જેનું નામ છે : ‘સાબિતીજ્વર’ આ ત્રણે વિદ્યાક્ષેત્રો સાબિતીની સીમ વટાવીને કશું જ તારણ ન કાઢવામાં માને છે. આવો આગ્રહ સર્વથા યોગ્ય છે. માનવસંસ્કૃતિના વિકાસમાં આવા આગ્રહનો ફાળો ઓછો નથી. જો આવો આગ્રહ ન હોત તો પૃથ્વી હજી સપાટ ગણાતી હોત, સુર્ય પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે એવું જ કહેવાતું હોત અને શીતળાની રસીને બદલે શીતળામાતાની કૃપા પર જ લોકો આધાર રાખતા હોત. જો સાબિતીનો આગ્રહ ન હોત તો હજી આપણે પાષાણયુગમાં જ જીવતા હોત.

 

સાબિતીનો આગ્રહ રોગ ત્યારે જ બને જ્યારે કશુંક સાબિત ન થઈ શકે તે હોઈ જ ન શકે એવી હઠ પકડવામાં આવે. આ સૃષ્ટિમાં એવી તો કેટલીય બાબતો છે જે સાબિત નથી થઈ શકતી અને છતાંય ‘છે.’

 

સાબિતીનો આગ્રહ રોગની કક્ષાએ પહોંચે ત્યારે બે પ્રકારની જડતાનો ઉદય થાય છે :

 

(૧) જે સાબિત થઈ શકે તે જ સત્ય હોઈ શકે; અને

 

(૨) જે સાબિત ન થઈ શકે તે સર્વથા વાહિયાત ગણાય.

 

 

વર્ષો પહેલાં રાજકોટમાં છેલભાઈ નામે એક ફોજદાર થઈ ગયા, એમણે પકડેલો એક ખૂની કોર્ટમાં નિર્દોષ છૂટી ગયો. પાછળથી છેલભાઈ એ માણસને મળ્યા અને પૂછ્યું : ‘‘સાચું કહેજે, તેં ખૂન કરલું કે નહીં ?’’ પેલાએ નિખાલસપણે જણાવ્યું : ‘‘સાહેબ ! મેં ખૂન કરેલું એમાં કોઈ જ શંકા નથી પરંતુ કોર્ટના ચુકાદા પછી હવે મનેય વહેમ પડે છે કે કદાચ મેં ખૂન ન પણ કર્યું હોય !’’

 

વાસ્તવિકતા એ કે માણસે ખૂન કર્યું. કોર્ટમાં એ સાબિત ન થઈ શક્યું તેથી ખૂનીને નિર્દોષ છોડવામાં આવ્યો. પ્રશ્ન થાય કે : જે સાબિત ન થઈ શકે તે હકિકત, હકિકત મટી જાય ખરી ? સાબિતી સત્યની ઓશિયાળી છે; સત્ય સાબિતીનું ઓશિયાળું નથી. આમ કહેવું એમાં સાબિતીનો અનાદર નથી. સત્યના વ્યાપને બાથમાં લેવામાં સાબિતીનું કદ ક્યારેક નાનું પડે છે. બાળક માટે સીવડાવેલું પહેરણ એ મોટો થાય ત્યારે નાનું પડે છે. એવું બને ત્યારે એ પહેરણનો ઉપયોગ ન કરવો એમાં પહેરણનો અનાદર નથી.

 

આ સૃષ્ટિનું સમગ્ર સત્ય સાબિતીમાં સમાઈ શકે તેમ નથી. એ તો પવનને ફુગ્ગામાં પૂરવાની ચેષ્ટા ગણાય. અત્યાર સુધીમાં વિજ્ઞાન દ્વારા જે કાંઈ સાબિત થયું છે તે તો, હજી જે બધું સાબિત થવાનું બાકી છે, તેની સરખામણીમાં સાવ અલ્પ છે. સાબિતી માટેનો આગ્રહ એ ગણિતજ્ઞ, વિજ્ઞાની અને ટૅકનોલોજિસ્ટનો સ્વધર્મ છે. સાબિતી અંગેની અક્ષમ્ય લાપરવાહીને કારણે આપણે ત્યાં અંધશ્રધ્ધા અને વહેમનાં ગંધાતા ખાબોચિયાં સર્જાયાં. ધર્મગુરૂઓએ તો આવા ખાબોચિયાંને ગંગાનો દરજ્જો આપ્યો. અભણ, અબુધ અને ભોટ પ્રજાને છેતરવામાં તથા એનું શોષણ કરવામાં ધર્મગુરૂઓ શાહુકારોને પણ આંબી ગયા.

 

સાબિતીનું કાળજું તર્ક છે. આપણે જોયું કે તર્કને વેદમાં ૠષિ કહ્યો. સાબિતી તર્ક ઉપરાંત જ્ઞાનેન્દ્રિયોએ એકઠી કરેલી દ્રશ્ય–શ્રાવ્ય (audio-visual) સામગ્રી પર આધાર રાખે છે. આમ જે કશુંક તર્કાતીત કે ઈન્દ્રિયાતીત હોય તે સાબિતીની પકડમાંથી છૂટી જાય છે. કર્ણ કુંતીનો પુત્ર હતો. જો આ બાબત સાબિત ન થઈ શકે એવું બને તોય વાસ્તવિકતા બદલાતી નથી. દુનિયાની અદાલતોમાં સાબિતીનો આગ્રહ રખાય એ સર્વથા યોગ્ય છે પરંતુ ઘણીવાર ન્યાયાધિશને લાગે છે કે ગુનાનું સમગ્ર સત્ય એની પહોંચ બહાર છે. એવે વખતે ન્યાયાધિશ ખુલ્લું મન રાખે અને ગુનેગાર જણાતી વ્યક્તિને સજા ન કરે એમાં જ સત્યશોધકની નમ્રતા રહેલી છે. આમ સાબિતી માટેનો આગ્રહ ખોટો નથી પરંતુ જે વ્યાપ સાબિતીની સીમમાં પુરાઈ ન શકે તેમાં તો સાવ ખુલ્લું મન લઈને જ પગરણ માંડી શકાય.

 

ૠષિ બનવાનું આપણે માટે શક્ય ન પણ હોય, તોય ખુલ્લું મન રાખવું એ તો આપણા હાથની વાત છે. અંતિમ સત્ય અંગે અશ્રધ્ધા કે અંધશ્રદ્ધા રાખવાને બદલે આપણે શ્રદ્ધાની મદદ લેવાની છે. અંધશ્રદ્ધા કેવળ ઈશ્વર પર જ હોય એવું નથી. અંધશ્રદ્ધા તો કમ્પ્યુટર પર પણ હોઈ શકે. અધ્યાત્મનો સંબંધ સાબિતીની પેલે પાર આવેલા આત્મપ્રદેશ સાથે છે. આકાશમાં ઊગેલા શરદપૂર્ણિમાના ચંદ્ર તરફ હાથ લંબાવીને આંગળી ચીંધીને ચંદ્ર બતાવવામાં આવે ત્યારે આંગળીને ટેરવે ચંદ્ર નથી હોતો. ચંદ્ર તો ખૂબ દૂર હોય છે. અંતિમ વાસ્તવિકતા સાબિતીની સરહદથી ઘણી દૂર હોય છે. જગતના મહાન વિજ્ઞાનીઓને જે મૂળે અમર્યાદ છે, તેને સમજવામાં સાબિતીની સીમા નડે તેનો ખ્યાલ વહેલો આવે છે. મહાન વિજ્ઞાનીઓની નમ્રતાનું આ જ ખરું રહસ્ય છે. તેઓ ખરેખર જાણે છે કે પોતે કશું નથી જાણતા.

 

અધ્યાત્મના માર્ગે જનારાઓએ ખુલ્લા મનના સત્યશોધક તરીકે જૈન દર્શનમાં પ્રબોધેલા સ્યાદવાદ અને અનેકાંત દ્વારા પ્રજ્ઞાવાન નમ્રતા કેળવવાની છે. સત્યની ચોટલી પકડીને બહાર નથી આણવાનું; સત્યનો પગરવ સાંભળી શકાય તે માટે કાન સરવા કરવાના છે. રુડોલ્ફ કાર્નેપ કહે છે : “Metaphysicians are musicians without musical talent.” અધ્યાત્મવાદીઓ તો સંગીતની નિપુણતા વગરના સંગીતકારો છે. આપણે આગળ વારંવાર ચર્ચી ગયા તેમ આ સૃષ્ટિનો કૉસ્મિક લય પામવો એ જ અધ્યાત્મ. અધ્યાત્મ માર્ગના યાત્રીઓ કૉસ્મિક સંગીતના સૂર સાંભળવા ઝંખે છે.

 

ઉપનિષદોમાં અંતિમ વાસ્તવિકતાનો સંકેત એટલે આત્મા. સ્થૂળતા ખરી પડે. સૂક્ષ્મતા વધતી રહે અને જ્યારે શૂન્યતાની લગોલગ પહોંચી જાય ત્યારે જે વાસ્તવિકતા બચે તે ચેતનાબિંદુને આપણા ૠષિઓએ ‘આત્મા’ તરીકે ઓળખાવ્યું. આ બે મંત્રોમાં ૠષિ આપણને સાબિતીની પેલે પાર આત્મપ્રદેશની મનોયાત્રાએ લઈ જાય છે, કહે છે :

 

જે સર્વ જીવોને
આત્મામાં જ નિહાળે
અને
સર્વ જીવોમાં આત્મા જ ભાળે
તે કોઈને ધીક્કારતો નથી

 

***********************

 

જ્યાં સર્વ જીવો આત્મરૂપ બની ગયા
ત્યાં વળી શોક કેવો અને મોહ કેવો ?
બધું જ એકરૂપ બની ગયું !

 

************************

 

આત્માની સંકલ્પનાની વિસ્તૃત સમીક્ષા ઉપનિષદોમાં બહુ વિસ્તારથી થઈ છે. આ બે મંત્રોમાં આવી તત્વચર્ચા નથી. અહીં તો આત્મભાવ કેળવાય ત્યારે જે જાદુ થાય તેની જ વાત થઈ છે.

 

• જે સીમાયુક્ત છે તેને સાબિત કરી શકાય પરંતુ જે નિ:સીમ છે તેને સાબિત શી રીતે કરવું ?

• વિજ્ઞાન માપની પ્રતીતિ કરાવી શકે; અમાપની નહીં.

• સ્થૂળ હોય તેને પ્રત્યક્ષ બતાવી શકાય પરંતુ જે સૂક્ષ્મ હોય તેનો દાર્શનિક પુરાવો ક્યાંથી લાવવો ? પરમની સૂક્ષ્મતા તો ઈલેક્ટ્રોન–માઈક્રોસ્કોપને પણ નથી ગાંઠતી.

• જે શબ્દોમાં વર્ણવી શકાય તેવું હોય તેને શબ્દ દ્વારા પામી શકાય પરંતુ જે શબ્દાતીત હોય તેનું શું ?

 

 

થોડાંક વર્ષો પર ઐક અનોખો એનસાઈક્લોપીડીયા બહાર પડ્યો જેનું મથાળું છે : “એનસાઈક્લોપીડીયા ઓફ ઈગ્નરન્સ.” આ ગ્રંથમાં જે જે બાબતો હજી વિજ્ઞાનની પકડમાં નથી આવી તે બાબતો પરનાં લખાણો છે. જેમ જેમ સમજ પડતી જશે એમ આ ગ્રંથના પ્રકરણો ઘટતાં જશે અને છેવટે ગ્રંથનું અસ્તિત્વ મટી જશે. પરિચયનો ટાપુ અપરિચયના સાગર વડે ઘેરાયેલો છે. બધું સાબિત નથી થઈ શકતું. જે સાબિત નથી થઈ શકતું તેનો આંધળો સ્વીકાર ન હોય તે જ રીતે આંધળો અસ્વીકાર પણ ન હોય. પરમ સત્યનો પગરવ સાંભળવા માટે કાન સરવા રાખીને પ્રાર્થનામય ચિત્તે પ્રતીક્ષા કરવી એ જ ખરી વાસ્તવીકતા છે. આ પ્રતીક્ષા અપ્રમાદ વગર ફળતી નથી. એ તપશ્ચર્યા અને તિતિક્ષા માંગે છે.

 

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ હેરી ટ્રુમેન કહેતા તેમ, ‘જેઓ ગરમી સહન ન કરી શકે તેમણે રસોડામાં જવાનું ટાળવું જોઈએ.’

 

લેખકના પુસ્તક ‘અસ્તિત્વનો ઉત્સવ ઈશાવાસ્યમ’માંથી સાભાર

 

સૌજન્ય : વિજયભાઈ ધારીઆ (શિકાગો)

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ આવકાર્ય છે.

કોણ ભગવાનને સારી રીતે સમજે છે ? …

કોણ ભગવાનને સારી રીતે સમજે છે ? …

 

 

આસ્તીક લોકો મન્દીરમાં ભગવાનના દર્શને જાય છે. આમાંથી મોટા ભાગના લોકો ભગવાન પાસે સારી નોકરી, બઢતી, પોતાના કે પોતાના દીકરા–દીકરીનાં લગ્ન, ધન્ધા રોજગારમાં પ્રગતી, પરીક્ષામાં ઉંચા ટકાએ પાસ થવા અને સારી લાઈન અને સારી કૉલેજમાં પ્રવેશ વગેરેની માંગણી કરે છે. આ બધી આર્થીક સમૃદ્ધીઓની માંગણી છે. બીજી બાજુ ભગવાન તો ન્યાયકારી છે. કર્મનું ફળ યથાયોગ્ય આપે છે. સહેજ પણ વધારે કે ઓછું નહીં. અહીં પ્રશ્ન એ ઉપસ્થીત થાય છે કે, ભગવાન કર્મ કે પુરુષાર્થ કર્યા વગર ભક્તોની માંગણી પુરી કરે છે ખરા ? આનું સમાધાન મેળવવા માટે ભક્તોએ મન્દીર સાથે ધનીષ્ઠ સમ્બન્ધ ધરાવતી બે વ્યક્તી – પુજારી અને ભીખારીના વ્યવહારનું અવલોકન કરવું જોઈએ. તો જ ભક્તોને સાચી પરીસ્થીતી સમજાશે.

 

પુજારી ભગવાનની આરતી ઉતારી તેની થાળી, ભગવાન પાસે નહીં; પણ ભક્તો સામે–ભક્તો માટે મુકે છે. આવી જ રીતે ભીખારી ભગવાન પાસે નહીં; પણ ભક્તો પાસે માંગે છે. આ બન્ને સારી રીતે સમજે છે કે આપણા પુરુષાર્થનું ફળ ભગવાન પાસે નહીં; પણ ભક્તો પાસેથી પ્રાપ્ત થશે. ટુંકમાં, ભગવાન તો પ્રેરણા આપે છે, પુરુષાર્થ તો આપણે જ કરવાનો છે.

 

ધર્મ: શોષણનું એક નવું ક્ષેત્ર

 

આપણે સમાનતા અને સમાજવાદનો જયઘોષ અવારનવાર સાંભળીએ છીએ; પણ વ્યવહારમાં સમાજ બે વર્ગમાં વીભાજીત છે – એક અતીપૈસાદાર અને બીજો અતીગરીબ વર્ગ. ઝડપી ઔદ્યોગીકરણ, જમીનદારી તથા રાજકીય અને વહીવટી ભ્રષ્ટાચારને કારણે એક વર્ગ પાસે અબજોની સમ્પત્તી એકત્રીત થયેલી છે. જ્યારે બીજો વર્ગ તદ્દન ગરીબ છે, પુરતું બે સમય જમવાનું પણ મળતું નથી. ધનવાન – શોષક વર્ગ ધનમાં આળોટે છે અને ગરીબ – શોષીત વર્ગ ધુળમાં આળોટે છે. ગરીબ વર્ગ ધનીક વર્ગના દાબ–દબાણ અને પોતાની મજબુરીના કારણે શોષક વર્ગને પોતાનો સહયોગ આપે છે; પણ અંદરથી તેઓની ધનવાન પ્રત્યેની નફરત વધતી જાય છે, જે સામ્યવાદી અને નક્સલવાદી વીચારધારાને આમન્ત્રણ આપે છે.

 

આવું જ શોષણનું એક નવું ક્ષેત્ર ‘ધર્મ’ ધીમેધીમે વીકાસ પામી રહ્યું છે. પરમપુજ્યો અને ધર્મધુરન્ધરો એક બાજુ લોકોને સાદું જીવન જીવવાનો તથા જીવનામાં ત્યાગ અને અપરીગ્રહનો અમલ કરવાનો ઉપદેશ આપે છે; તો બીજી બાજુ પોતે સંસ્થા કે ટ્રસ્ટના નામે કરોડો નહીં; અબજોની સમ્પત્તી એકત્ર કરી પોતાના પરીવારના સભ્યો – પુત્ર/પુત્રી, ભત્રીજા/ભત્રીજી, જમાઈ વગેરેને પોતાના વારસદાર પ્રસ્થાપીત કરીને, ‘જાહેરટ્રસ્ટ’ને બુદ્ધીપુર્વક અને ચાલાકીથી ‘પરીવારટ્રસ્ટ’માં પરીવર્તીત કરી દે છે. આ ટ્રસ્ટનો વહીવટ પોતાના પરીવારના વારસદારો જ કરે છે અને તે દ્વારા તેઓ નીર્વીધ્ન ટ્રસ્ટની સમ્પત્તીનો ઉપભોગ પણ કરે છે.

 

ભક્તો પોતાનો ભવ અને પુનર્જન્મ સુધારવા ઈશ્વરના નામે, ધર્મના નામે, સમાજ ઉદ્ધારના નામે, ધર્માચાર્યોની વાતોથી અંજાઈ તેમને તન, મન, અને ધન અર્પણ કરે છે અને ધર્માચાર્યો આમાંથી થોડુંક જ સમાજસેવા માટે વાપરી બાકીનું બધું ટ્રસ્ટમાં જમા કરે છે. આને કારણે ભક્તો ગરીબ થતાં જાય છે અને ધર્મસ્થાનો– ધર્માચાર્યો પૈસાદાર થતાં જાય છે. જ્યારે ભક્તો જાણે છે, સમજે છે કે આ ધર્મની મીઠી–મીઠી વાતો પોતાની પુત્રેષણા, વીત્તેષણા અને લોકેષણા માટે જ કરવામાં આવતી હતી ત્યારે તેઓનો ધર્મ અને ઈશ્વર પ્રત્યેનો વીશ્વાસ ડગી જાય છે, અને તેમના હૃદયમાં નાસ્તીકતાની ધુન સવાર થાય છે જે ઉતારવી કઠીન બને છે.

 

ટુંકમાં, નાસ્તીકતાના પ્રચારમાં ધ.ધુ.ઓ અને પ.પુ.ઓની અતી પુત્રેષણા, શીષ્યોનાં ટોળેટોળાં એકઠાં કરવાની ભાવના, વીત્તેષણા, મઠ, આશ્રમ અને ટ્રસ્ટના નામે કરોડો નહીં; અબજોની સમ્પત્તી એકત્રીત કરી તેનો વહીવટ પોતાના પરીવારમાં જ રાખવો તેવી મલીન મનીષા અને લોકેષણા – ઈશ્વરના સ્થાને પોતાને પ્રસ્થાપીત કરી પોતાની ભગવાનના સ્થાને પુજા કરાવવી, આ જવાબદાર છે.

 

– નાથુભાઈ ડોડીયા

 

લેખ પ્રાપ્તિ -સૌજન્ય  : ફૂલછાબ દૈનિક -રાજકોટ

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ શ્રી વિજયભાઈના અમો અંતરપૂર્વકથી આભારી છીએ.

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવનું સ્વાગત છે., જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે.

અજ્ઞાન અને દુ:ખની સમસ્યા …

અજ્ઞાન અને દુ:ખની સમસ્યા …

 

પ્રસ્તાવ:

 

અજ્ઞાન જીવનની મૂળભૂત સમસ્યા છે. સર્વ સમસ્યાઓનું મૂળ કારણ છે. દુ:ખ જીવનની મુખ્ય વિટંબણા છે. જીવમાત્ર આંતરિક રીતે અજ્ઞાનથી અને બાહ્ય રીતે દુ:ખથી મુક્ત થવા પ્રયત્ન કરે છે. અજ્ઞાન અને તેની દુ:ખસેનાથી મુક્ત થવા જીવ માત્ર આતુર છે.

 

વિચારશીલ માનવના મનમાં એવો સવાલ જરૂર ઉભો થાય છે કે આ અજ્ઞાન અને દુ:ખ જીવનમાં શા માટે? સર્વત્ર જાણે અજ્ઞાન અને દુ:ખનું આધિપત્ય છે. આમ શા માટે ? આ જીવનનું સ્વરૂપ આવું શા માટે કે જેમાં અજ્ઞાન અને દુ:ખ છે ? શું સમગ્ર અસ્તિત્વ, સમગ્ર જીવન અજ્ઞાન અને દુ:ખ વિના હોઈ ન શકે ? અજ્ઞાન અને દુ:ખની એવી કઈ આવશ્યક્તા છે કે તેઓ જીવનનો ભાગ બની ગયા ?

 

આ અસ્તિત્વ, આ જીવન ભગવાનનું સર્જન છે; કોઈ શેતાનનું નહિ. ભગવાન આનંદપૂર્ણ છે અને જ્ઞાનસ્વરૂપ છે એટલું જ નહિ પરંતુ કૃપાળુ પણ છે. સમગ્ર અસ્તિત્વ ભગવાનમાંથી આવ્યું છે, તેમણે પોતાનામાંથી આ સધળાનું સર્જન કર્યું છે. છતાં અહિં અજ્ઞાન અને દુ:ખ શા માટે ? આ સર્જનહારના સર્જનમાં આટલી વિસંવાદિતા કેમ નજરે પડે છે ? આ અજ્ઞાનનો અંધાર–પછેડો શા માટે ? કહેવાય છે કે ભગવાને આ સમગ્ર અસ્તિત્વનું સર્જન આનંદલીલા માટે કર્યું છે. પરંતુ આ આનંદલીલામાં આટલું અજ્ઞાન અને આટલાં દુ:ખ કેમ ? શા માટે ? શા હેતુથી ?

 

સર્જનમાં કશુંયે અહૈતુક નથી. જીવનમાં કશુંયે અનાવશ્યક નથી અને વ્યર્થ પણ નથી. આ અજ્ઞાનનું, આ દુ:ખનું પણ જીવનમાં સ્થાન છે.

 

અજ્ઞાનનું સ્થાન:

 

સર્જનનો પ્રારંભ લીલાના આનંદ માટે થયો છે. લીલા માટે દ્વૈતની આવશ્યક્તા છે. દ્વૈત માટે કોઈક સ્વરૂપનું અજ્ઞાન હોવું આવશ્યક છે. માયાના તરંગથી સર્જનનો પ્રારંભ થાય છે. જે પૂર્ણ છે તે માયાનો આશ્રય કરી, સ્વસંકોચની પ્રક્રિયા દ્વારા આ જીવ–જગત રૂપે પરિણમે છે. માયા અજ્ઞાનરૂપિણી છે તેથી સર્જનના પ્રારંભ માટે અજ્ઞાન તત્વ આવશ્યક થયું. પૂર્ણ અજ્ઞાન ઓઢીને અપૂર્ણનો સ્વાંગ ધારણ કરે છે. આનંદ, અજ્ઞાનના મિશ્રણથી સુખ–દુ:ખનું રૂપ ધારણ કરે છે, આમ સર્જનની પ્રક્રિયા માટે અજ્ઞાન પણ એક આવશ્યક તત્વ તરીકે સ્થાન ધરાવે છે. સર્જન ઉપરાંત લીલા માટે પણ દ્વેતની સંતાકૂકડીની રમત ચાલે છે. કોઈક સ્વરૂપના અજ્ઞાન વિના સંતાકૂકડી રમાય કેવી રીતે ? જો બધાની આંખો ખુલ્લી હોય, બધાં પ્રગટ જ હોય તો સંતાકૂકડીની રમત અશક્ય બની જાય તેથી અજ્ઞાનનું મૂલ્ય છે.

 

હવે એવો પ્રશ્ન પૂછી શકાય કે શું અજ્ઞાન વિના સર્જન શક્ય જ નથી ? અજ્ઞાન સિવાય સર્જન માટે અન્ય કોઈ ઉપાય જ નથી ? અજ્ઞાન વિના લીલા થઈ શકે એવો કોઈ વિકલ્પ જ નથી ? શું અજ્ઞાન અનિવાર્ય છે ? અજ્ઞાનનો આધાર સર્વથા અનિવાર્ય છે, એમ તો ન કહી શકાય. અજ્ઞાન વિના લીલા હોય એવા પણ લોક છે. ગોલોક આદિ ભાવજગતના લોકમાં લીલા છે, આંશિક સ્વરૂપનું એક દિવ્ય દ્વૈત પણ છે અને આવા લોકમાં અજ્ઞાન વિના આ બધું શક્ય બને છે.

 

પરંતુ આપણા આ ભૂર્લોકનું સ્વરૂપ જ એવું છે કે અહીં સર્જન અને લીલા માટે અજ્ઞાન આવશ્યક તત્વ છે. આમ હોવું એ આપણા લોકની લાક્ષણીકતા છે. પરંતુ ભૂર્લોકનું સ્વરૂપ આવું કેમ ? આવો પ્રશ્ન અતિપ્રશ્ન ગણાય છે. જે છે તે આ છે અને તે એવું છે કે આ ભૂર્લોકમા સર્જન અને લીલા માટે અજ્ઞાન આવશ્યક તત્વ છે.

 

દુ:ખનું સ્થાન:

 

અજ્ઞાનનું આવરણ ઓઢીને શિવ જીવ બને છે. પરંતુ જીવને પાછું શિવત્વ સુધી પહોંચવાનું છે અને એ યાત્રા માટે દુ:ખ એક આવશ્યક તત્વ છે. જો દુ:ખ ન હોય તો આપણી વિકાસયાત્રા થાય જ નહિ. દુ:ખ જીવને ઊર્ધ્વગતિ માટે ધક્કો મારે છે. દુ:ખ એટલે વિકાસ માટેની મથામણ. દુ:ખ એમ સૂચવે છે કે તમે જ્યાં છો ત્યાં બરાબર નથી. આગળ વધો. જ્યાં સુધી જીવ પોતાની મૂળ કેન્દ્રસ્થ ચેતના પ્રાપ્ત ન કરે ત્યાં સુધી દુ:ખ તેને ઝંપીને બેસવા દેતું નથી.ત્યાં સુધી દુ:ખ આવશ્યક છે જ અને ત્યાં સુધી દુ:ખનું સંપૂર્ણ નિવારણ શક્ય પણ નથી.

 

તત્વત: જોઈએ તો સુખ અને દુ:ખ આનંદના જ છદ્મ સ્વરૂપો છે. દુ:ખ અને સુખ એ બંને મહાચૈતન્યની આનંદલીલા છે. એની લીલાનું આ વૈચિત્ર્ય છે, એની લીલાનું આ વૈવિધ્ય છે. જેને આપણે સુખદુ:ખ કહીએ છીએ તે તો આપણું અર્થધટન છે એની આનંદલીલાનો એ પણ એક ભાગ છે.

 

કોઈ જીવ એવો સવાલ પૂછે કે ભગવાન પોતાની આનંદલીલા માટે જીવો અજ્ઞાની અને દુ:ખી બને તેવું શા માટે કરે છે ? તેમના આનંદ માટે જીવોને દુ:ખ શા માટે વેઠવું પડે ? આ સવાલ સમજના અભાવમાંથી આવે છે. તત્વત: તો જે છે તે તે જ છે. તે પોતે જ જીવ અને જગત રૂપે આવ્યો છે. તે પોતે જ આ બધું બનીને સુખદુ:ખની લીલા માણે છે. તેથી ભગવાન જીવના ભોગે આનંદલીલા માણે છે એ કહેવાનો અર્થ નથી. જીવ અને જગત, દુ:ખ અને સુખ, જ્ઞાન અને અજ્ઞાન બધાં એનાં જ રૂપો છે.

 

અજ્ઞાન અને દુ:ખ અનિવાર્ય છે ?

 

તૈત્તિરીયોપનિષદના ઋષિનું દર્શન છે:

 

आनन्दाद्दयैव खल्विमानि भूतानि जायन्ते |
आनन्दे जातानि जीवन्ति | आनन्दं प्यन्त्यभिसंवशन्तीति |
–तै. उ. ३-६

 

‘આનંદમાંથી આ સમસ્ત ભૂતો ઉત્પન્ થાય છે. ઉત્પન્ન થયેલાં આનંદથી જ જીવે છે અને આ લોકમાંથી પ્રયાણ કરીને આનંદમાં પ્રવેશ પામે છે.’

 

આત્મા મૂલત: જ્ઞાનસ્વરૂપ અને આનંદસ્વરૂપ છે. તેથી અજ્ઞાન અને દુ:ખ આત્માના શાશ્વત સંગાથી હોઈ શકે નહિ. અજ્ઞાન અને દુ:ખ જીવનના એક તબ્બકે આવશ્યક છે પરંતુ તેઓ સદાસર્વદા અનિવાર્ય નથી. અજ્ઞાન અને દુ:ખમાંથી મુક્તિનો માર્ગ છે જ. અજ્ઞાન અને દુ:ખને જીવનના શાશ્વત સંગાથી તરીકે સ્વીકારી લેવા એ સમજનો અભાવ અને અસ્વસ્થ મનોવલણ છે. જે કોઈ તબક્કે ત્યાજ્ય હોઈ શકે છે. નાના બાળક માટે એક તબક્કે રમકડાં આવશ્યક હોઈ શકે છે. પરંતુ તે બાળક પુખ્તવયનો થતાં તેને માટે રમકડાં ત્યાજ્ય બને છે.

 
સુર્યના પ્રકાશમાં અંધકારનું વિસર્જન થાય છે. અંધકારના વિસર્જનનો આ માર્ગ છે. દુ:ખ અને અજ્ઞાનના વિસર્જનનો પણ માર્ગ છે. એ માર્ગ છે ભાગવત ચેતનામા પાછા ફરવું, અસત્યમાંથી સત્યમાં પાછા ફરવું, અંધકારમાંથી પ્રકાશમાં પાછા ફરવું અને ત્યાં સુધી દોરી જતા પથનું નામ છે–અધ્યાત્મપથ.
અધ્યાત્મપથના અનેક સ્વરૂપોમાંનુ એક સ્વરૂપ છે ભક્તિપથ.

 

 

– ભાણદેવ 

 

 

સંકલન : વિજયભાઈ ધારીઆ (શિકાગો)
સૌજન્ય : પૂર્વીબેન મલકાણ (યુ.એસ.એ)

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો વિજયભાઈ ધારીઆ (શિકાગો) ના અંતરપૂર્વકથી આભારી છીએ …

 

બ્લોગ પોસ્ટ પરના પ્રતેભાવનું સ્વાગત છે, જે અમોને પ્રેરણાદાયી બની રહે છે… !

એલાર્મ કલ્ચર …

એલાર્મ કલ્ચર …

 

જીવનમાં એલાર્મ કલ્ચર ઘૂસી ગયું છે.  જે માણસ સવારે સહજ રીતે ઉઠતો નથી તે રાત્રે સહજ રીતે પથારી ભેગો થાય એ વાતમાં માલ ખરો ?  મળસકે ઊઠવા માટે એલાર્મ મૂકવામાં આવે છે.  આમ જાગૃતિની અત્યંત નાજુક ક્ષણને એલાર્મની ઘંટડીના અવાજમાં દૂધપીતી કરવામાં આવે છે.   માણસે સૂઈ જતાં પહેલાં પણ એલાર્મની ઘંટડી વાગે એવી ગોઠવણ કરવી જોઈએ.

 

ખૂબ busy માણસ પત્નીને પણ એપોઈન્ટમેન્ટ આપે એ અશક્ય નથી.  નિશાળનો ઘંટ, ફૅક્ટરીની સાયરન, ટ્રેનની વ્હિસલ, નાટક શરુ થાય તે પહેલાંની ત્રણ ઘંટડીઓ, નવા બહાર પડેલા શેરના ઈશ્યુની છેલ્લી તારીખ, ટી.વી. પર આવતી સિરિયલનો સમય અને એ વખતે સંભળાતું પરિચિત સંગીત પણ આપણા એલાર્મ કલ્ચરની જ નિપજ ગણાય.

 

 

એલાર્મની ઘંટડી માણસને ‘જગાડે’ છે એવો ભ્રમ ખાસો લોકપ્રિય છે.  બુદ્ધ, મહાવીર, કબીર, નરસિંહ, તુકારામ, મીરાં, રૈદાસ, નાનક અને મન્સૂર એલાર્મની ઘંટડી વગર જાગી ગયેલાં. એવા લોકોને ‘જાગતા નર’ કહ્યા છે.

 

 

– ડૉ. ગુણવંત શાહ

 

સાભાર : સૌજન્ય : વિજય ધારીઆ … (શિકાગો)

 

આજની પોસ્ટ … ‘એલાર્મ કલ્ચર’ … ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો વિજયભાઈ ધારીઆ નાં અંતરપૂર્વકથી આભારી છીએ….  આપને પોસ્ટ પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો.

‘હસરત તો યહ હૈ કિ…’

‘હસરત તો યહ હૈ કિ…’

– ભગવતીકુમાર શર્મા …

 

 

 

મને હાલ ઓગણસિત્તેરમું વર્ષ ચાલે છે. એની વય મારા કરતાં ઓછામાં ઓછાં ત્રીસેક વર્ષ વધારે તો ખરી જ, અર્થાત્ તેની શતાબ્દી ઊજવી શકાય. છેલ્લાં બાસઠ વર્ષથી તો હું તેના પ્રત્યક્ષ, અવિચ્છિન્ન સંબંધમાં છું. તે પહેલાયે તેને વિશેના ગૌરવભર્યા ઉલ્લેખો હું સાંભળતો હતો. જ્યારે હું તેના અડોઅડ સાન્નિધ્યમાં નહોતો ત્યારેય કાંઈ તેનાથી ઝાઝો દૂર નહોતો. તેની ઝલક મને અવારનવાર મળતી. હું સાત વર્ષની વયે પહોંચ્યો તે સાથે તો તેની વિશાળ ગોદમાં એવો સમાયો કે આજનો દિવસ અને કાલની ઘડી! ‘અઠે દ્વારકા’ થયું તે થયું! ન હું તેને, ન તે મને છોડવા માંગે છે.

વર્ષો પહેલાં એક હિન્દી ફિલ્મ જોઈ હતી., ‘શીશમહલ.’ સોહરાબ મોદી તેના દિગ્દર્શક અને મુખ્ય અભિનેતા હતા. તેમની ભૂમિકા તેમાં ગઈ પેણીના ઠાકુરસાહેબની હતી. જે પોતાની ઓસરતી જતી જાહોજલાલીના વિવાદગ્રસ્ત સાક્ષી છે. તેઓ જે વિશાળ હવેલીના મકાનમાં મોટા કુટુંબ સાથે રહે છે તે ‘શીશમહલ’ને નામે ઓળખાય છે. ઠાકુરને એ મકાન પ્રત્યે બેહદ પ્યાર અને લગાવ છે. તેઓ કદી ન છોડવાનો નિર્ધાર કરી બેઠા છે, પણ સંજોગો પ્રતિકૂળ બનતા જાય છે. ‘શીશમહલ’ની હરાજી થાય છે. ભગ્નહ્રદયી ઠાકુરને ‘શીશમહલ’ છોડવાનો વારો આવે છે. સોહરાબ મોદી એક હ્રદયવેધક સંવાદ બોલે છે, જે મને હજી યાદ છે : ‘હસરત તો બહુત થી કિ ઈસ શીશમહલ’ સે મેરી અર્થી યહાં સે નિકલે, લેકિન મજબૂરી આજ મુઝે યહાં સે ઝિન્દા નિકાલ રહી હૈ.’ ‘શીશમહલ’ છોડ્યા પછી ઠાકુર ઝાઝું જીવતા નથી.

હું વીતેલા જમાનાનો ઠાકુર નથી; ઓસરી જાય એવી અને એટલી જાહોજલાલીનો હું માલિક નથી; મારું ઘર ‘શીશમહલ’ નથી, છતાં…ફિલ્મમાંના ઠાકુરને તેના ‘શીશમહલ’ પ્રત્યે જે પ્રેમ અને લગાવ હતા તેના કરતાં મને મારા સદી વટાવી ચૂકેલા ઘર માટે જરાય ઓછા પ્રેમ કે લગાવ નથી. મારા સમગ્ર જીવનમાં સંબંધોના અતૂટ સાતત્યનું સર્વોપરી સ્થાન છે. પત્ની જ્યોતિ સાથેના મારા લગ્ન–સંબંધને હાલ પચાસમું, ‘ગુજરાતમિત્ર’ દૈનિકના તંત્રીવિભાગ સાથેની સંલગ્નતાને ઓગણપચાસમું, કવિ મનહરલાલ ચોકસી સાથેના મૈત્રીસંબંધને પચાસમું અને સાહિત્ય પદાર્થ સાથેના પ્રેમસંબંધને ચોપનમું વર્ષ ચાલે છે ! સંબંધો પરત્વે હું વર્ષો તો નહીં, દાયકાઓનો માણસ છું! મારી જન્મભૂમિ સુરત સાથેનો મારો આશુક–માશુકનો સંબંધ તો સાત દાયકાનો થવા આવ્યો છે! આ જ સ્થિતિ મારા ઘર પ્રત્યેના ભાવસંબંધની છે. લગભગ સીત્તેર વર્ષમાં મેં એક જ ઘરબદલો કર્યો છે. તેનેય હવે તો બાસઠ વર્ષ વીત્યાં છે. ઘર વિશેનું મારું આ સુદીર્ધ સંબંધ–સાતત્ય સઘન ભાવ–સાતત્યમાં પરિણમ્યું છે. તે અનન્ય ઉત્તરોત્તર ઘૂંટાય છે. મારા જન્મ પહેલાં પિતાજીએ આ વિશાળ, ખખડધજ, કોક વટવૃક્ષ જેવું આ મકાન મામૂલી કિંમત છતાં ઉછી–ઉધાર કરીને ખરીદેલું. આજે એની કિંમત લાખોમાં અંકાય છે. એની જર્જરતા અને અગવડોથી કંટાળી એને વેચી નાખવા હું કદીક તૈયાર થઈ જાઉં છું, પણ સોદો પતતો નથી એટલે વધારેમાં વધારે રાહત હું જ અનુભવું છું! પિતાએ તે ખરીદ્યું તે પછી ખાસા સમય સુધી આ ઘર ‘બંગલા’ તરીકે ઓળખાતું જે તેમને માટે ગર્વનો વિષય હતો. આજે એ જ ઘરના પાછલા હિસ્સાને કેટલાક લોકો ‘સુદામાની ઝુંપડી’ કહે છે! ‘બંગલા’ અને ‘ઝુંપડી’ની ઓળખ પરત્વે હું તટસ્થ છું! આ જ ઘરમાં મેં પિતાજીના સામવેદના મંત્રોના ઘોષ વર્ષો સુધી સાંભળ્યા અને પછી એક શિયાળુ બપોરે તેઓ એ જ મંત્રનું રટણ કરતા આ જ ઘરમાંથી અનંતની યાત્રાએ ચાલી નીકળ્યા. આ જ ઘરમાં બાનો ઝીણો, મીઠો કંઠ દીર્ધકાળપર્યન્ત ‘ગઝલમાં ગીતા’ગુંજન કરતો રહ્યો અને પછી એક દિવસ મેં તેની મૃત્યુશૈયા પાસે બેસીને ગીતાપાઠ કર્યો. આ જ ઘરમાંથી મેં મારું ખરું શાળાજીવન શરૂ અને પૂરું કર્યું. ઉચ્ચ અભ્યાસના મારાં સમણાં આ જ ઘરમાં નંદવાયા અને અંતહીન લાગતા ખાલીપામાંથી સર્જાયેલા વિષાદની ભીંસમાં મને તરફડતો આ જ ઘરે જોયો. આ જ ઘરમાં મેં વાંસળીઓ વગાડી, ગીતો ગાયા, સાથિયાઓ પૂર્યા, ચિત્રો દોર્યાં, નાટકના સંવાદો ગોખ્યા, કવિતાનો કહો કે સાહિત્યનો પહેલો શબ્દ મેં આ જ ઘરમાં પાડ્યો અને પછી તો ખર્વ–નિખર્વ શબ્દો પડતા રહ્યા. ‘સાભાર પરત’ની હતાશા અને ‘રચના સ્વિકાર છે’નું પ્રોત્સાહન, સામયિકો, પુસ્તકો, પ્રશંસકોના – આલોચકોના પત્રો, પુરસ્કારના મનીઓર્ડર બધું બદલાતા ટપાલીઓ દ્વારા મને આ ઘરમાં જ મળતું રહ્યું છે. આ જ ઘરમાં ઉમાશંકર જોષીની ગરિમા, હરિન્દ્ર દવેની ઋજુતા, પીતામ્બર પટેલની જિજ્ઞાસા, સુરેશ દલાલની આત્મીયતા, મોરારીબાપુનું સૌજન્ય, સ્વામી સચ્ચીદાનંદજીના આશીર્વાદ, ચંદ્રકાન્ત બક્ષીનું વાર્તાલાપ–કૌશલ, મધુ રાયના હાસ્ય–ઠહાકાઓ, રમેશ પારેખના ગીત–ટહુકા, ગનીભાઈ દહીંવાલાનો ગઝલ–ગુજારવ, ગુણવંત શાહના વિચાર–સ્ફુલિંગ, રઘુવીર ચૌધરીનો સ્નેહ : બધું મેં સભરપણે ઝીલ્યું છે.

આ જ ઘરમાંથી મારા લગ્નની જાને પ્રસ્થાન કર્યું હતું અને ‘સુદામાની ઝૂંપડી’ને નામે ઓળખાતા ઓરડામાં મેં જ્યોતિ સાથે દાંપત્યનો આરંભ કર્યો હતો. મારા પ્રથમ સંતાનના જન્મનો ટેલીગ્રામ મને આ જ ઘરને ઉંબરે મળ્યો હતો અને મારાં બીજાં સંતાનોના આગમન સાથે પણ આ જ ઘર સંકળાયેલું હતું. આ જ આંગણેથી મારા પુત્રનાં લગ્નનો વરઘોડો નીકળ્યો હતો અને મારી બંને પુત્રીઓની લગ્ન પછીની વિદાય એ જ આંગણેથી થઈ હતી. પુત્રવધુનું આગમન પણ આ જ ઘરને દ્વારે થયું હતું. પૌત્ર–પૌત્રી–દોહિત્ર–દોહિત્રી, બધાં આ જ ઘરના બારણેથી ધિંગામસ્તી કરતાં આવે–જાય છે. મિત્રોના ઝુંડના ઝુંડ ભરતીના મોજાંની જેમ આ જ ઘરમાં ઉમટ્યાં છે અને હવે ઓટનો અનુભવ પણ અહિં જ થઈ રહ્યો છે. આ જ ઘરમાં હું પિતાના ધાકથી થર્યો છું. માતાસ્નેહથી ભીંજાયો છું. પત્નીની કાળજીથી સચવાયો છું. આ જ ઘરમાં મેં મરણતોલ માંદગીઓ વેઠી છે અને એ આખું વર્ષ હું અનિદ્રાથી પીડાયો છું. વિષાદ અને ઝુરાપાઓના પ્રલંબ સમયખંડોએ મને આ જ ઘરમાં રંજાડ્યો છે. અહીં જ હું ભોંયસરસો પછડાયો છું અને ફરીથી હામ કેળવી કર્તવ્ય પથે વળ્યો છું. અહીં જ મેં કોડિયે, ખડિયે, ફાનસે અખુટ વાંચ્યું છે અને આંખોનું નખ્ખોદ કાઢ્યું છે ! આ ઘરની અગાસીમાં ચાંદનીના સમુદ્રે મને ભીંજવ્યો છે અને બારણા જેવી બારીમાંથી મેં વરસાદનું વહાલ અને સૂરજનો તાપ ઝીલ્યાં છે. આ ઘરમાં અંધકારની ઉષ્માનો હું અર્થ સમજ્યો છું અને એકાન્તના આશીર્વાદ પામ્યો છું. આ ઘરમાં મને એકસાથે પિતાના પ્રભાવ, માની મમતા, પત્નીની નિસબત અને મારી સકળ હયાતીની અર્થવત્તાના પુંજ જેવું અનુભવાય છે!

આ ઘરના ખૂણેખૂણા, કણેકણ સાથે મારો પ્રગાઢ ભાવસંબંધ છે. એનું લાકડાનું જુનવાણી ફર્નિચર મને મારા જેટલું જ ઐતિહાસિક લાગે છે. ઘરની અવ્યવસ્થામાંની વ્યવસ્થા સાથે મારા હાથના સ્પર્શનો સીધો સંબંધ છે. તસવીરોથી ઢંકાયેલી દીવાલોમાં મને કશું અજુગતું લાગતું નથી. નળની ચકલી ફેરવવા જાઉં છું આને આખો નળ હાથમાં આવી જાય છે! રસોડાની બત્તીની સ્વિચ સમરાવ્યા પછી પણ બગડેલી રહે છે. દાયકાઓ જૂના લાકડાના કબાટનું એક ખાનું એ મારું વૉરડ્રોબ છે અને એમાંથી કફની–પાયજામો લેવા જતાં બધાં જ કપડાં બહાર કૂદી પડે છે! રસોડાની હાલત હમણા સુધી એવી હતી કે ચોમાસામાં છત્રી ઓઢીને રસોઈ કરવી પડે! ઘરમાં એકમાત્ર સારું રાચ તે હીંચકાની ઘૂઘરિયાળી સાંકળો! બકુલ ત્રિપાઠી ક્યારેક એ હિંચકે ઝૂલવા માટે જ સુરત આવે છે! ઠાંસી–ઠાંસીને મેં ઘરમાં જ્યાં–ત્યાં, જેમ–તેમ પુસ્તકો, છાપાં, ચોપાનિયાં, કાગળીયાં ભર્યાં છે. ખરે વખતે હું જ તેમાંનું કાંઈ શોધી શકતો નથી! નવું રચાતું જાય છે, જુનું ઘણું ઊધઈને સ્વાધીન થતું ગયું છે. કેટલું બદલાયું છે આસપાસ! – હું બાળકમાંથી બુઢઢો બની ગયો છું! ચોમેર ઊંચાં ઉંચાં મકાનોઓએ મારા ઘરની વાડી અને અગાસીમાંથી દ્રષ્ટિગોચર થતી હતી તે સુંદરતાને કચડી નાખી છે. બાર ઓરડા, બે અગાસી, એક વાડો અને ત્રણ તુલસીકૂંડા ધરાવતાં આ ઘરમાં હવે અમે બે જ જણ રહીએ છીએ. સુંદર સુવિદ્યાસંપન્ન રો–હાઉસમાં રહેવા ગયેલાં પુત્ર–પુત્રવધૂ–પૌત્રો–પૌત્રી અમને આ ખંડેર જેવું ઘર છોડી એઓની સાથે રહેવા આવવાનું વારંવાર કહે છે; અમે બહાના કાઢી વાતને ઉડાવી દઈએ છીએ, ટાળીએ છીએ, વાત સાચી છે. અહીં અગવડો જ અગવડો છે. ન સારો બાથરૂમ, એક વૉશબેસીન પણ અહીં નથી. જરાક જોરથી પવન વીંઝાય તો કશુંક ઊડી કે પડી જવાનો ધ્રાસકો! ઘરને અડીને જતા રસ્તા પર ટ્રાફિક એટલો કે માંડ રાતે એકથી ચાર સુધી શાંતિ પથરાય! અને હું એ જ ટ્રાફિકસભર રસ્તા પર પડતી બારી પાસે બેસી, સૂરજને અજવાળે, શક્ય એટલી જળકમળવત્ મન:સ્થિતિ, કહો કે સ્થિતપ્રજ્ઞતા કેળવીને, વર્ષોથી, દાયકાઓથી લખતો રહ્યો છું. અસૂર્યલોક અને ‘ઉર્ધ્વમૂલ’ જેવી બૃહત્કાય નવલકથાઓ, સેંકડો વાર્તાઓ – નિબંધો – કવિતાઓ – અત્યારે લખાતી આત્મકથા; સર્વનું લેખન મારા આ ઘરની ટ્રાફિક–કોલાહલથી ખીચોખીચ બારીની સાક્ષીએ!

પણ હું ધ્રાસકા સાથે સમજું છું: આ ઘર સાથેનો મારો સંબંધ હવે ગમે ત્યારે ખૂટી જાય! આ ઘરની વસવાટક્ષમતાનું સિચ્યુએશન પૉઈન્ટ ઘણું ઢૂંકડું છે. અહીં હવે માત્ર સુક્ષ્મ દેહે રહી શકાય તેમ છે, સ્થુળ દેહે નહીં. છતાં મારું પક્ષપાતપૂર્ણ મન હજી આ ઘરમાંથી કંઈક ને કંઈક જમાપાસાં શોધી તેને આગળ કરતું રહે છે: ઘરનો આગલો હિસ્સો તો હજી ખાસ્સો અડીખમ છે; આટલા વિશાળ ઓરડા ફ્લૅટ કે રો–હાઉસમાં ક્યાંથી મળવાના હતા! અને હવા–ઉજાસ તો જુઓ! અગાસીની ઠંડક કાંઈ જેવીતેવી છે? આટલો બધો સામાન કયા એપાર્ટમેન્ટમાં નાખશો? અને જીવનમાં પહેલી વાર અહીં જે આટલી બધી નિર્બાધ સ્વતંત્રતા મળી છે! ભર્યોભર્યો મહોલ્લો! જરાક કાંઈ થાય એટલે બધા દોડી આવે! ઓટલો ઊતરીએ કે બધી સગવડો હાજર!

પેટછૂટી વાત કરું? કોઈ મારા આ ઘરની, તેની અગવડોની, તેના જુનવાણીપણાની નિન્દા કરે છે ત્યારે જાણે મારા બાપ વિશે એલફેલ બોલાતું હોય કે મને મા–સમાણી ગાળ દેવાતી હોય તેવી ઘાયલ લાગણીથી ઘેરાઈ જાઉં છું. આ ઘર, મારા જ્ઞાનવારસા ઉપરાંતની મારી એકમાત્ર પૈતૃક સંપદા. એ જ મારું સરોવર અને એ જ મારો સમુદ્ર. બાપનો કૂવો કહો તો તે હરકત નહીં! આ જ મારા ભાવસંબંધનું એપિસેન્ટર. અહીં જ સંબંધોની વડવાઈઓ મોરી, તેથી જ હું ‘શીશમહલ’ના સોહરાબ મોદી જેવા ડણકતા કંઠે તો નહીં, પણ ધીમા, ધ્રૂજતા, અસ્પષ્ટ સ્વરે મનોમન કહું છું: ‘હસરત તો યહ હૈ કિ…સૂરત, એની બેસન્ટ રોડ, દેસાઈ પોળના ૧૦/૧૭૪૦માંથી મારી અર્થી નીકળે, લેકિન…!’

ઓક્ટોબર, ૨૦૦૨માં પ્રકાશિત થયેલ ડૉ. સુરેશ દલાલ સંપાદિત ‘સંબંધના સરોવર’ પુસ્તકમાંથી સાભાર …

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

આદરણીય ડૉ.સુરેશભાઈ દલાલ આપણી સમક્ષ હાલ નથી પરંતુ શાબ્દિક દેહ સ્વરૂપે તેઓ સતત આપણા વચ્ચે રેહલ છે અને રહેશે. આજનો આ લેખ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો વિજયભાઈ ધારીઆ (શિકાગો) ના અંતરપૂર્વકથી આભારી છીએ. આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો.