નૂરજહાં …

નૂરજહાં  …


રજનીકુમાર પંડ્યા આપણી ગુજરાતી ભાષાના શ્રેઠ સાહિત્યકારોમાંના એક છે. જેમનું સર્જન હંમેશા વાસ્તવલક્ષી, સર્જનાત્મક છતાં સત્યનિષ્ઠ અને જીવનનાં ઉચ્ચ મૂલ્યોને પ્રસ્થાપિત કરતું રહ્યું છે. સત્ય ઘટનામૂલક સર્જનો અને લેખન એ એમની વિશેષતા રહી છે.  આથી જ તેમનાં પુસ્તકોની હંમેશા જબરજસ્ત માંગ રહી છે.
તેમનાં યાશોદાયી સર્જન પૈકી એક સર્જન ‘આપકી પરછાઈયાં’ નું  એક પાત્ર ‘નૂરજહાં’ … ‘ ની જીવન ઝરમર ‘દાદીમા ની પોટલી’  પર મૂકવા માટે સહમતી આપવા બદલ લેખક શ્રી રજનીકુમાર પંડ્યા ના અમો  અંતરપૂર્વકથી આભારી છીએ  …  
‘દાદીમા ની પોટલી’ પર આજથી શરૂ થતી નવી કેટેગરી   ‘ગીતગુંજન’ આપ સર્વેને જરૂર પસંદ આવશે, જેમાં અમો સદાબહાર જૂની ફિલ્મના  (૧૯૬૦ -૧૯૭૦ પહેલાના ) ગીતો તેમજ  સદા બહાર  કલાકાર ની જીવન ઝરમર  આપવા કોશિશ કરીશું. તમારી પસંદગીના ગીતો ની ફરમાઈશ કોમેન્ટ્સ બોક્ષ પર જરૂરથી મૂકી શકો છો જે પૂરી કરવા અમો જરૂરથી શક્ય કોશિશ કરીશું.  બસ, હવે એક જ અનુરોધ કે તમારા અમૂલ્ય અભિપ્રાય પોસ્ટ અંગે તેમજ કેટેગરી અંગેના કોમેન્ટ્સ બોક્ષમાં આપશો કે આમારો આ નાનકડો નમ્ર પ્રયાસ પસંદ આવ્યો કે નહિ ? ઉપરોક્ત વિભાગ શરૂ કરવામાં મુખ્યત્વે પૂર્વી મલકાણ – મોદી, લેખક શ્રી રજનીકુમાર  પંડ્યા,  લેખક શ્રી અશોક દવે,  શ્રી હેંમત જાની, શ્રી કરીટ મેહતા તેમજ અન્ય નામી અનામી મિત્રોના  સહકાર સાથે માર્ગદર્શન અમોને મળી રહ્યા છે. જેમનો અત્રે અમો અંતરપૂર્વકથી આભાર માનીએ છીએ. …
(હિંદી ફિલ્મસંગીતના સુવર્ણયુગના ગાયક-ગાયિકાઓમાં જેમનું નામ પ્રથમ પંક્તિમાં મૂકવું પડે તેવાં એક બેનમૂનઅભિનેત્રી-ગાયિકા હતાં નૂરજહાં. દેશના વિભાજન પછી એ પાકિસ્તાન ચાલ્યાં ગયાં અને ત્યાં પણ ખાસ્સી ખ્યાતિ અર્જિત કરી. તેમના વિષેની અનેક વિવાદાસ્પદ વાતો છતાં એક ઉત્કૃષ્ટ કલાકાર તરીકેના તેમના પ્રત્યેના આદરમાં લેશમાત્ર ઓછપ લાવ્યા સિવાય અહિં એક એવી સૂચક સત્ય ઘટના લખી રહ્યો છું કે જેમાં એ બતાવવાનો ઉદ્દેશ છે કે તેમના કલાકાર તરીકેના અશોભિતા નાઝ-નખરાને એક ગુજરાતી ફિલ્મ નિર્માતા, સનરાઇઝ પિક્ચર્સના અધિષ્ઠાતા વી.એમ.વ્યાસ શી રીતે નાથી શક્યા.)
નહીં જી, વ્યાસ સાહેબ, મૈં આજ શૂટીંગ પે નહીં આ સકતી’ એમ કહીને નૂરજહાંએ આળસ મરડી અને સનરાઈઝ પિક્ચર્સના માલિક વી.એમ. વ્યાસ સામે શરારતી સ્મિત કર્યું. કર્યું નહી પણ ’ફેંક્યું’ એમ કહીએ તો પણ ચાલે. કારણકે વી.એમ.વ્યાસ અહીં એની અદાઓ જોવા અને સ્મિત ઝીલવા નહોતા આવ્યા. મોટર લઈને એને તેડવા આવ્યા હતા. સ્ટુડિયોમાં જબરજસ્ત સેટ લગાવીને બેઠા હતા. મીટર ચડતું હતું. સવારની બપોર અને બપોરની સાંજ થવા આવી હતી, ટેલિફોન પર ટેલિફોન કર્યા, પણ હિરોઈન નૂરજહાંનો અને એના ખાવિંદ ડાયરેક્ટર શૌકતહુસેનનો પત્તો નહોતો.
મેડમ,’ વ્યાસ આજીજીપૂર્વક બોલ્યા : ’બસ અબ દો તીન દિન કી તો બાત હૈ – ફિર પિક્ચર પૂરી હો જાયેગી. મહેરબાની કરકે આ જાઈએ ના? આપ લોગોં કો બસ અભી તીન-ચાર ઘંટેમેં હી ફારીગ કિયે દેતે હૈ. જ્યાદા કામ નહિં હૈ’
આવડા લાંબા વાક્યનો કંઈક જવાબ તો હોય જ. હકારમાં જ હશે ને? વી.એમ. વ્યાસ જરા દયામણી નજરે એ હકારને ઝીલવા બે પળ એમ ને એમ બેઠા રહ્યા. પણ નૂરજહાં એમની સામે બોલતી નજરે, બોલ્યા વગર, કંઈક બોલવા માગતી હોય એમ બેઠી રહી. નજર ટગર ટગર, જામેલા ઉનાળા જેવી.
ક્યા તકલીફ હૈ આપકો?’ બોલતી વખતે વી.એમ. વ્યાસને કોઈ પોતાના ખિસ્સામાં હાથ નાખતું હોય એવી લાગણી થતી હતી. છતાં ફરી પૂછ્યું : ‘આખીર બાત ક્યા હૈ?’
કુછ નહીં.’ નૂરજહાં ગાતી હતી એવા જ મીઠા અવાજે બોલી : ‘બાત ક્યા હોગી? તબિયત ઠીક નહીં.’
સામે માખણ ચોપડેલી અર્ધી ખાધેલી બ્રેડ, અર્ધીએંઠી આમલેટ, કોફીનો કપ, ચહેરા ઉપરની રમતિયાળ તાજગી, લાલમલાલ પગે ઠેલાતો સોફા-હીંચકો તો પછી ’તબિયત ઠીક નહીં’ એટલે શું ? વ્યાસના મગજમાં ઝાંઝ ચડી ગઈ.
એટલામાં જ શૌકતહુસેન પણ ઉપરથી નીચે આવ્યા. પગે ચમચમતી મોજડી અને હાથમાં પાંચસો પંચાવન સિગારેટનો ડબ્બો. વી.એમ.વ્યાસને જોઈને ચહેરા ઉપર કેટલી બધી ખુશી દોડી આવી ! ‘અરે વ્યાસજી, આપ ? મૈં તો આપકે સેટ પર આ હી રહા થા.’
લેકિન નૂરજહાંજી નહીં આ રહીં.’ વ્યાસસાહેબ બોલ્યા અને નિશ્વાસ નાખ્યો.
ખૂબ જ તમીઝદાર લહેકાથી શૌકતહુસેને ‘હાં….આ….આ.’ કહ્યું, ને પછી પિકદાનીમાં પિચકારી મારીને બોલ્યા : ‘સુબ્હાસે ઈનકી તબિયત કુછ ઠીક નહી ચલ રહી.’ પછી એ નૂરજહાં તરફ મોં કરીને અને વ્યાસ તરફ પીઠ કરીને બોલ્યા: ‘અબ ઠીક હો તો ચલી આઓ ના ડાર્લિંગ ! વ્યાસજી કાં ક્યૂં નુકસાન કરવાતી હો ?’
નુકસાન તો વ્યાસજી હમારા કરવાતે હૈં.’ નૂરજહાં એકદમ સ્વસ્થ થઈને શૌકતહુસેને સૂચવેલી માનસિક સીડી ચડી ગઈ. ‘દેખીયેના, ઈનકી પિક્ચર કે લીયે હમને દૂસરી પિક્ચરેં છોડ દીં. ઔર વો હૈ કિ અપની શેડ્યુલ બઢાતે હી જાતે હૈં.’
અરે તો ક્યા હુઆ…’ શૌકતે નૂરજહાંને કરેલો નાનકડો ઈશારો વી.એમ. વ્યાસે શૌકતની પીઠની આરપાર પણ જોઈ લીધો : ‘વ્યાસજી સનરાઈઝ પિક્ચરવાલે હૈં, કોઈ લલ્લુપંજુ થોડે હી હૈં ? તુમ્હારા નુકસાન કુછ ભી હુઆ તો વો પૂરા કર દેંગે, ક્યૂં વ્યાસજી ? ’ એણે વ્યાસજી તરફ મોં ફેરવીને કહ્યું : ‘ઠીક હૈ ના ? મૈં ઠીક કહેતા હું ના?’
વી.એમ.વ્યાસના મનમાં ચાર-પાંચ ગુજરાતી ગાળો આવી ગઈ, જે એમની આંખમાં અને ચહેરા ઉપર પ્રસરી ગઈ. પણ તરત જ એમને સેટ સાંભર્યો. ફાઈનાન્સર અને એનું વ્યાજ સાંભર્યું. કાંઠે આવેલું વહાણ સાંભર્યું. અને એમના ચહેરા ઉપર પ્રથમ છોભીલાપણું અને પછી મુત્સદ્દીગીરી ભરેલું હાસ્ય છવાઈ ગયું : ‘જી, બિલકુલ ઠીક કહા આપને-કિતના નુકસાન હુઆ આપકા ? કિતના ચાહીએ આપકો ?’
જેમાં રણકાર હોય એવી ‘દવા’ ભારે ગુણ કરે છે. ’નૂરજહાંકી તબિયત’ બે મિનિટમાં ઠીક થઈ ગઈ. ‘અરેરે… હમને આપકો ખામખા પરેશાન કિયા’ બોલતાં બોલતાં તરત તૈયાર થવા અંદરને ઓરડે ગઇ. ફટાફટ આવી અને મોટરમાં બેઠી. શૌકતહુસેન પણ ‘આજકાલ ગરમી ભી જોરોં કી પડતી હૈ.’ બોલતા બોલતા એની બાજુમાં બિરાજ્યા. પણ વી.એમ.વ્યાસ માત્ર એટલું જ બોલ્યા : ‘લોગ કહતે હૈં અભી ઔર ભી કહેર કી ગરમી પડેગી. આપ જરા દેખિયે તો સહી….’
બે-ત્રણ દિવસના શૂંટિગમાં પિક્ચર પૂરું થઈ ગયું.
એ પછી બીજે જ દિવસે વી.એમ.વ્યાસ મુંબઈના એક મશહૂર છેલશંકર વકીલની ઓફિસમાં હતા. એમની વચ્ચેની વાતચીતના થોડાક અંશો :
કોઈ પણ રીતે મારે એ બન્નેને પાઠ ભણાવવો છે. સીધાં કરવાં છે, કારણકે એક વાર ઠરાવેલી રકમ કરતાં દોઢ ગણી-બમણી રકમ એ બન્નેએ મારી પાસેથી છેલ્લી ઘડીએ મારું નાક દબાવીને પડાવી છે. બ્રાહ્મણનો દીકરો છું. શંકર ભગવાનના સોગંદ. એ વખતે જીભ અને જાત પર માંડ કાબૂ રાખીને બોલ્યો નહીં. પણ હવે મારે એમને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેવું છે. ભલે એને માટે મારા ખિસ્સાની છેલ્લામાં છેલ્લી પાઈ ખરચાઈ જાય. એ બન્નેનું સતરાબધ કાઢી નાખવું છે. ’
સતરાબધ કાઢી નાખવું એટલે શું ?’ છેલશંકર વ્યાસ વકીલે હસીને પૂછ્યું.
વી.એમ.વ્યાસને શબ્દકોશ થવું ફાવ્યું નહીં. બોલ્યા : ‘હું કરવા માંગું છું તે. મારે એમને એક વાર પોલીસ ચોકી અને કસ્ટડી દેખાડી દેવી છે.’
વકીલ સજ્જન હતા. એમનું કામ કોઈને આરોપમાંથી છોડાવવાનું હતું, સપડાવવાનું નહીં. પણ વી.એમ. વ્યાસની પીડા એમને પણ સ્પર્શી ગઈ. એમના મગજમાં પડેલા ચાણક્યના નીતિશાસ્ત્રનાં પુસ્તકો અને કાયદાનાં પુસ્તકો એક જ પૂંઠામાં બંધાઈ ગયાં. એમણે પૂછ્યું :’શૌકતહુસેન તમારા પિક્ચરના ડાયરેક્ટર હતા. તમે એમને ક્યારેક આઉટડોર શૂટિંગ માટે મોકલતા ખરા ?’
અનેક વાર.’
શૂટિંગ માટેની પ્રોપર્ટી એમને સોંપતા ખરા ?’
અનેક વાર.’
તો પછી…’
તો પછી’….ના પાલનમાં વી.એમ. વ્યાસે પોલીસમાં ફરિયાદ કરી. ‘મારો શૂટિંગનો સામાન શૌકતહુસેન અને નૂરજહાં ઘેર ઉઠાવી ગયાં છે. મુદ્દામાલ એમને ત્યાં હાજર છે. ઝડતી કરો-કબજે કરો…પકડો…’
બ્રિટિશ સરકારની 1943-44 ની સાલની પોલી પોલીસ પાસે એ કામ કરાવવું મુશ્કેલ નહોતું. માખણ ચોપડેલી અર્ધી બ્રેડ, એંઠી આમલેટ, કોફીના કપ, ચહેરા ઉપરની રમતિયાળ તાજગી, શૌકત અને નૂરજહાં બન્નેના પગે ઠેલાતો સોફાવાળો હીંચકો…એવી જ બીજા એક શનિવારની મોડી સાંજે ફરી વાર વી.એમ. વ્યાસ એમણે ત્યાં આવી ચડ્યા – નહીં, ‘ચડી આવ્યા’ કારણકે સાથે વજનદાર બૂટવાળા માણસો સાથે હતા. ધડબટાટી થઇ ગઇ-થોડો વિરોધ,થોડી દલિલો અને પછી વી.એમ.વ્યાસ એ ઘરમાં રહેલી એક એક ચીજને સનરાઈઝ પિક્ટર્સની માલિકીની ગણાવવા લાગ્યા. આ સોફા, પલંગ, ટેબલ, ખુરશી, કબાટ, ટિપાઈ, બધું જ સનરાઈઝનું છે. બેચાર ચીજ સિવાય બધું જ જપ્ત કરો. ’ અને ખરેખર પોલી પોલિસ કામે લાગી ગઈ. બહાર ઊભેલો ખટારો ભરાવા માંડ્યો. ફિલ્મના વીંખાતા જતા સેટ જેવું ઘર થઈ ગયું. એક બટકબોલો કોસ્ટેંબલ ખૂણામાં પડેલી શૌકતની અને નૂરજહાંની મોજડીઓ જોઈ ને બોલ્યો: આ? આ કોની છે ? જો સનરાઈઝની હોય તો નાખો એને પણ ખટારામાં…. ’
નૂરજહાં અને શૌકત દયામણી નજરે વ્યાસજી સામે તાકી રહ્યાં. ચહેરાનો રંગ ઊડી ગયો. ભીખ માગતાં હોય એમ બોલ્યાં : ‘યે તો હમારી હૈ ભાઈસાહેબ.’ વ્યાસજી દાન કરતા હોય એમ બોલ્યા : ’ઠીક હૈ, રહને દો.’
પગપાળા ચાલતાં એ બન્નેને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યાં. પંચનામાં થયાં. નિવેદનો લેવાયાં. સામેની જાડા સળિયાવાળી લોક-અપ બતાવવામાં આવી; પણ અહીં ફરી વ્યાસજીને દયા આવી ગઈ. એમણે જ કોઈ ઓળખીતાને ખાનગીમાં ટેલિફોન કર્યો. જામીન થવા માટે એ આવે ત્યાં સુધી પોલીસ-ચોકીમાં બન્નેને ચા પાઈ.
શનિવારની રાત પડી ગઈ હતી. જામીન મંજૂર કરાવવા માટે મેજિસ્ટ્રેટને શોધવા માટે થોડું ભટકવું પડ્યું. નૂરજહાં અને શૌકતે એ રઝળપાટ નિમિત્તે સારું એવું મુંબઈ-દર્શન કર્યું. વી.એમ.વ્યાસ એમની સાથે જ હતા. સ્ટુડિયો પાસેથી પસાર થતાં એમનાથી સહસા જ બોલાઈ ગયું : ‘બડે કહેરકી ગરમી પડતી હૈ, નહીં શૌકતસાહેબ ?’ શૌકતસાહેબને બાજુ પર થૂકવાનું મન થયું, પણ મોંમાં પાન સુકાઈ ગયું હતું, એટલે પિચકારી મારવાની મજા નહોતી આવતી.
બધું પતી ગયા પછી વી.એમ. વ્યાસ ફરી વકીલને મળ્યા. વકીલે ફરી એમની ગરમીને માપી જોઈ. થોડો ઉકળાટ તો હજીય હતો જ. ફરીથી એમણે ચાણક્યની આચારસંહિતા અને કાયદાનાં પુસ્તકોને એક પૂંઠામાં બાંધી દીધાં અને કહ્યું : ‘હવે એમ કરો કે….’
એમ કરો’ ના જવાબમાં કંઈક એવું ખાનગીમાં બન્યું કે કોર્ટના મુદ્દામાલના ઓરડામાં આવેલ નૂરજહાં-શૌકતહુસેનના સામાનની એક એક ચીજ પર સનરાઈઝ પિક્ચર્સના સિક્કા લાગી ગયા. એમાં મોજડીઓ નહોતી, નહીં તો એના ઉપર પણ સનરાઈઝ પિક્ચર્સનો થપ્પો લાગી જાત.
કોઈએ નૂરજહાંને કહ્યું કે વકીલના ક્લાર્ક રસિકલાલે આ બધી કાર્રવાઈમાં મુખ્ય ભાગ ભજવ્યો છે. નૂરજહાંએ એને એક વાર કોર્ટમાં જોયો ને આંચકો ખાઈ ગઈ :
આ જુવાનિયો ક્લાર્ક ! એની આ હિંમત ?’
વી.એમ. વ્યાસ તો હવે સળગતા સૂર્ય જેવા થઈ ગયા હતા. એમની સામે આંખ તો માંડી શકાય એમ હતું જ નહીં. વકીલની આસપાસ કાયદાનો કિલ્લો હતો, પણ આ ક્લાર્કને જો ઝપટમાં લઈ શકાય તો!
એક દિવસ વકીલની કાર આગળ એ યુવાન ક્લાર્ક મદદનીશ રસિકલાલ ઊભો હતો. નૂરજહાં ત્યાંથી પહેલાં તો પસાર થઈ અને થોડે આગળ જઈ સહસા જ પાછી વળી : ‘અબે કૌન હૈ તૂ ?’ અને પછી ચીસ જેવા અવાજે સૌને સંભળાય તેમ બોલી : ‘હમકો આંખ મારતા હૈં ? મવાલીગીરી કરતા હૈ ?’
રસિકલાલ ચોંકી ગયા અને પછી સ્તબ્ધ બની ગયા. પણ પછી તરત જ નૂરજહાંની આખી ચાલ એમની સમજમાં આવી ગઈ. નૂરજહાંના હોઠેથી મીઠાં ગીતો એણે અનેકવાર સાંભળ્યા હતાં. આજે પહેલી જ વાર ગાળો પણ સાંભળી. પળભરમાં બિલખાના એ કાઠિયાવાડી યુવાનનો ગુસ્સો બળબળતી બપોર જેવો થઈ ગયો. એ આગળ વધ્યો અને ગાળો આપ્યે જતી નૂરજહાંને એણે ડાબા હાથનો એક જોરદાર તમાચો ઝીંકી દીધો : ‘મુઝકો ખામખાં ગાલિયાં દેતી હૈ ? જબાન સંભાલ, નહીં તો એક ઔર…. ’
એકાએક સામેની બીજી મોટરમાંથી નૂરજહાંને પ્રથમ છેલશંકર વકીલ ઊતરતા દેખાયા, પછી ત્રીજા નેત્રવાળા વી.એમ.વ્યાસ પણ દેખાયા. શૌકતહુસેન ક્યાંક પાન ખાવા રોકાયા હશે, તે એક મિનિટ પછી કળાયા.
અરે અરે….ક્યાં કરતી હો ડાર્લિંગ ?’ એમણે નૂરજહાંનો હાથ પકડીને પાનગ્રસ્ત અવાજે ધીરેથી કહ્યું ‘કિસકો ડાંટતી હો? વો તો વી એમ વ્યાસ કે વકીલ વ્યાસસાહબ કા ક્લાર્ક હૈ ઔર ઇસકા નામ ભી વ્યાસ હી હૈ. જરા સમજો તો સહી.યે તીનોં વ્યાસ મિલકે સત્યાનાસ કર સકતે હૈં. અબ દૂસરા કેઈસ ભી કરવાઓગી ક્યા ?’
છેલ્લા વાક્યે નૂરજહાંની આંખમાંથી ઉનાળો પૂરો થઈ ગયો. ચોમાસું બેસી ગયું!

(નોંધ-આ વાત લેખકને (રજનીકુમાર પંડ્યાને ) ખુદ રસિકલાલ વ્યાસે કરી હતી અને એને મુંબઇમાં પ્રિન્સેસ સ્ટ્રીટ નજીક જાંબુલવાડીમાં રહેતા વકીલ-પત્રકાર છેલશંકર વ્યાસે સમર્થન આપ્યું હતું. તેમણે તેમને આ કેસના કાગળો પણ બતાવ્યા હતા. તેઓ રજનીકુમાર ના પિતાના નાનેરા મિત્ર હતા. એક જમાનામાં ‘મુંબઇ સમાચાર’ની તેમની નિર્ભિક કટાર “ઉઘાડે છોગે” અત્યંત લોકપ્રિય થઇ હતી જે આગળ જતાં શ્રી જેહાન દારુવાલાએ સંભાળી હતી.એ પછી નૂરજહાંએ તેનો બદલો લેવાનો પ્રયત્ન કર્યો પણ તેમાં તે સફળ થયાં કે નહિં તેની રસપ્રદ વાત હવે પછી. અલબત્ત, અત્યારે આ પાત્રોમાંથી કોઇ હયાત નથી.)
ચાલો તો,નૂરજહાં ના સૂરીલા કંઠે ગયેલા  બે ગીત પણ માણીએ …
(૧) નૂરજહાં ના સૂરીલા કંઠે .. ફિલ્મ ‘અનમોલ ઘડી ‘..(૧૯૪૬) નું એક યાદગાર ગીત .. ‘અવાજ દે કહાઁ હૈ’ ..
(પાકિસ્તાનથી ૩૧ વર્ષ બાદ પરત ફરેલ ત્યારે બી બી સી -લંડનના લાઈવ પ્રોગામમાં (૧૯૮૧) દિલીપકુમાર – શબાના આઝમી વગેરેની  ઉપસ્થિતિમાં તેમણે ગાયેલ ગીત ) નૂરજહાં ૨૩ ડિસેમ્બર ૨૦૦૦ના રોજ જન્નતનશીન થયા. તેઓ ગયા, પણ આસમંતમાં હજી તેમના શબ્દો સંભળાય છે, ‘આવાઝ દે કહાં હૈ…’

.

(૨) જવાં હૈ મોહબ્બત, હસીન હે જમાના … (ફિલ્મ અનમોલ ઘડી – ૧૯૪૬)

.

.

સાભાર લેખક : શ્રી રજનીકુમાર પંડ્યા … (અમદાવાદ)
લેખક વિશે બે શબ્દ :
જૂના ફિલમ સંગીત અને તેના કલાકારોને જાતે મળીને તેમના જીવનની અંતરંગ વાતો આલેખતું તેમનું  એક મોટું પુસ્તક ગુજરાતીમા “આપકી પરછાઇયા” છે. તેનુ હિંદી તેમ જ અંગ્રેજીમાં સંસ્કરણ પણ થયું છે, “કુમાર” માં ૧૯૩૧  થી ૧૯૪૧ સુધીના હિંદી ફિલ્મોના ઇતિહાસને ૮૦ પ્રકરણોમાં તેમણે આલેખ્યા છે અને તેમનું પુસ્તક હાલ પ્રેસમાં છે. તેને માટે તેમને ‘કુમાર સુવર્ણચંદ્રક “મળેલો.
તેઓ  આમ તો ગુજરાતી સાહિત્યકાર છે, પણ તેમના  રસનો ખાસ વિષય જૂની (૧૯૭૦ સુધીની) હિંદી ફિલ્મો અને તેનું સંગીત છે, તેમના બ્લોગ ની પણ મુલકાત લેશો. અને .. આપના પ્રતિભાવ લેખક શ્રી ના બ્લોગ પર પણ મૂકી શકો છો. જે લેખક શ્રી ની કલમ ને સદા બળ પૂરું પાડશે…
સંપર્ક: રજનીકુમાર પંડ્યા … બ્લૉગ લીંક : http://zabkar9.blogspot.com
‘દાદીમા ની પોટલી’ – બ્લોગ લીંક : http://das.desais.net