૧.] અહંકાર અવરોધે … ૨.] સાંભળતો રહું સઘળે ઠામ… ૩.] પ્રસાદ એટલે?..

૧.] અહંકાર અવરોધે …

 

 

 

આપણા માર્ગમાં પ્રભુની કૃપા અને ભક્તનો સ્નેહ એ બે જ મુખ્ય તત્વો છે. આપણું વરણ થયું છે તેથી આપણે આ માર્ગમાં આવ્યા છીએ અને પ્રભુ કૃપા કરીને આપણી સેવા સ્વીકારે છે. જીવનું કોઈ સામર્થ્ય  નથી, પુન્યાદીક જેવો કોઈ અધિકાર અહિં અસ્તિત્વમાં નથી.

મારી અલ્પ મતિ પ્રમાણે આ વાતનો અર્થ એટલો જ સમજાય છે કે ‘હું ભગવદીય વૈષ્ણવ છું’ ‘હું શ્રી ઠાકોરજીની સરસ સેવા કરું છું’ ‘મારી સેવા જેવી સેવા બીજા કોઈ ન કરી શકે’ જેવા ઉચ્ચારણો તો શું તેવો ખ્યાલ પણ સુક્ષ્મ અહંકારરૂપ ગણાય.

આપણે તો સદા પ્રભુના ઋણી રહી આપે આપેલા આ અવસરનો આનંદ લૂંટાય તેટલો લૂંટવાનો છે. સદા લીલાના રસમાં અને ભક્તિની મસ્તીમાં મસ્ત રહેવાનું છે. મળ્યું છે તેને માણી લેવાનું છે. લૌકિક ભૂલી અલૌકિક સાધવાનું છે.

આપણો પ્રવાસ પથ આનંદનો છે, દીનતાનો છે. જો ભૂલે ચુકે પણ જરા જેટલો પણ અહંકાર મનમાં ઘુસી જશે તો તે પ્રીતમની પ્રાપ્તિમાં અત્યંત અવરોધક બનશે. સતત જાગૃતિ જ આપણને બચાવશે.

 સાભાર : સૌજન્ય :
© Mahesh Shah2012
-મહેશ શાહ, જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો, વડોદરા. 9426346364

 

૨.] સાંભળતો રહું સઘળે ઠામ …

પ્રાથમિક શાળામાં ભણેલા તે ‘હે ભગવાન, તારું નામ સાંભળતો રહું સઘળે ઠામ’ કવિતા યાદ છે? મને આખી કવિતા તો યાદ નથી પણ આ પહેલી જ લીટી આજે અચાનક યાદ આવી ગઈ. તે ગણગણતા મને એક વિચાર આવ્યો, એક સંશય થયો.

નામ લેવાથી આપણી ભક્તિ વધે, પ્રભુમાં પ્રીતિ વધે અને મર્યાદા માર્ગની રીતે વિચારીએ તો પુણ્ય મળે, પાપ કપાય. આમ જ છે તો પણ કવિ નામ લેવાને બદલે સાંભળવાને શા માટે મહત્વ આપે છે?

મને લાગે છે કે કવિનો અભિપ્રાય એવો છે કે આપણને અત્ર તત્ર સર્વત્ર પ્રભુ જ સંભળાવા જોઈએ, દેખાવા જોઈએ. કોઈ આપણને લૌકિકની વાત કરવા આવે તેમાં પણ આપણને પ્રભુની વાત, પ્રભુની લીલા જણાય, પતિ/પત્નીમાં, માત-પિતામાં, બાળકોમાં, સાસુ/વહુમાં અરે, વિરોધીમાં પણ પ્રભુનું દર્શન થવું જોઈએ. ‘જ્યાં જોઉં ત્યાં મને શ્રીજી બાવા દેખાય’ ચરિતાર્થ કરી શકીએ તો આપણા માટે સમગ્ર વિશ્વ મંગલમય બની જાય. પ્રભુની વિભુતીરૂપ જ બની જાય. કેવી

કેવી અદભુત ભાવના! આવો આપણે પણ બધે પ્રભુને નીરખવાની આજથી જ શરૂઆત કરીએ!

 

 સાભાર : સૌજન્ય :
© Mahesh Shah2012
-મહેશ શાહ, જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો, વડોદરા. 9426346364

 

 

૩.]  પ્રસાદ એટલે? …


આપણો માર્ગ ભાવનાનો માર્ગ છે. અહિં નેહના નીર તન મનને ભીંજવતા રહે છે.  ભગવદીયો પ્રભુની સેવામાં ઉપયોગી દરેક પદાર્થ, દરેક સામગ્રી, દરેક સાધનને માથે ચડાવતા હોય છે. પ્રભુના મંદિરની સફાઈમાં વપરાતી બુહારી અને પોંછો પણ પગમાં આવે તો અપરાધભાવ અનુભવાય છે. આથી જ પ્રભુના પ્રસાદને આપણે મહાપ્રસાદ કહીએ છીએ.

હમણાં એક ભગવદીયની વાતથી ધન્યતા અનુભવાઈ. ગમતાનો કરીએ ગુલાલ એ ન્યાયે આપ સૌની પાસે પણ તે વાત કહેવી છે. તેમણે કહ્યું કે પ્રસાદ એ તો ‘પ્રભુના સાક્ષાત દર્શન’ નું ટૂંકું રૂપ છે.

વાહ!  કેવી સરસ વાત છે!  પ્રસાદમાં પણ પ્રભુનું દર્શન થાય, પ્રભુ કેટલા પ્રેમથી આરોગ્યા હશે? ક્યા ક્યા સખાઓ સાથે હશે? શ્રી સ્વામિનીજી પણ સાથે બિરાજ્યા હશે? એવી અનેક ભાવના થાય અને તે રીતે પ્રભુનું સ્મરણ, અવગાહન, અપ્રત્યક્ષ દર્શન થઇ જાય. વાહ! ક્યા બાત હે!

હવે જ્યારે પણ આપણા હાથમાં પ્રસાદ પધારે ત્યારે ત્યારે તેમાં ‘પ્રભુના સાક્ષાત દર્શન’ કરતાં રહીએ.

 

 સાભાર : સૌજન્ય :
© Mahesh Shah2012
-મહેશ શાહ, જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો, વડોદરા. 9426346364

 

 

નોંધ :

જે મિત્રોને સિસ્ટમમાં ગુજરાતી ભાષા લખવામાં તકલીફ પડે છે  કે પ્રતિભાવ/કોમેન્ટ્સ ગુજરાતીમાં લખવામાં તકલીફ પડે છે તેઓ માટે ખા નીચે જણાવેલ લીંક ખૂબજ ઉપયોગી છે, ઉપરોક્ત લીંક ઓપન કરી અને સિસ્ટમમાં ડાઉનલોડ કરી સાઈટમાં આપેલ સૂચના મુજબ ઇન્સ્ટોલ કરવાથી ફક્ત ૨થી ૫ મીનીટમાં જ તમારું કાર્ય પૂરું થઇ જશે અને તમે સિલેક્ટ કરેલ ભાષા જેમકે ગુજરાતી, હિન્દી કે તેમાં દર્શાવેલ કોઇપણ ભાષાનો સિસ્ટમમાં કોઈપણ જગ્યાએ લખવા માટે આસાનીથી ઉપયોગ  કરી શકશો.  ઇન્સ્ટોલ કરવાની કોશિશ કર્યા બાદ જો કોઈ તકલીફ પડે તો અમારા ઈ મેઈલ એડ્રેસ પર જાણ કરશો.  અને પસંદ આવે તો, પ્રતિભાવ દ્વારા જાણ કરશો અને અન્યને પણ શીખવશો. … આભાર !

 

ગુજરાતી ભાષા લખવા માટે નીચે જણાવેલ સાઈટ લીંક ઓપન કરશો.

Fonts: Google IME Guj font. Free down loadable from: http://www.google.com/inputtools/windows/index.html

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

શ્રી મહેશભાઈ શાહ (વડોદરા)નો આ અગાઉ આપણે પરિચય અહીં બ્લોગ પર તેમની પોસ્ટ દ્વારા મેળવેલ., આજે ફરી નાની પણ મહત્વની ત્રણ વાત આપણા માટે લઈને બ્લોગ પર આવ્યા છે. ‘દાદીમા ની પોટલી’ પર આવી સુંદર કૃતિઓ મોકલવા બદલ અમો શ્રી મહેશભાઈ શાહનાં અંતરપૂર્વકથી આભારી છીએ.

આજની પોસ્ટ પસંદ આવી હોય તો આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો. .. આભાર ! ‘દાદીમા ની પોટલી’.

કરુણાનું ન્યોછાવર …

કરુણાનું ન્યોછાવર …

 

 

 

‘દાદીમા ની પોટલી’ નાં કારવાંમાં શ્રી મહેશભાઈ શાહ, (બરોડા) એક વધુ સ્નેહી- વડીલ મિત્રનો સાથ સાંપડ્યો છે., જેમનો અમોને ટૂંકો જ પરિચય મળ્યો છે, જે આપ સમક્ષ આપતાં અમોને ખુશી છે.

પરિચય:શ્રીમહેશભાઈ હરિલાલ શાહ, પિતા ચુસ્ત વૈષ્ણવ હતા. પ્રભુ પ્રેમ વારસામાં મળ્યો. જ. તા. ૧૬-૧૧-૧૯૪૬ વતન વેરાવળ, સૌરાષ્ટ્ર. હાલ : બરોડા. અભ્યાસ : B. Sc.; LL.B. CAIIB ., બેન્કમાંથી ચીફ મેનેજર તરીકે સન ૨૦૦૧મા રીટાયર થયા. હાલ પ્રવૃત્તિ: લેખન, વાંચન. જેઓ નિશુલ્ક મેરેજ બ્યુરો ‘જયશ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો’ ફક્ત સમાજમાં એક સેવાનું કાર્ય થાય તે માટે ચલાવે છે. શ્રી મહેશભાઈ દ્વારા મોકલવામાં આવતી દરેક કૃતિમાં વિશેષ કશુંક  જાણવા અને માણવા મળશે તેવી અમારી સમજ છે.

આજનો લેખ ‘કરુણાનું ન્યોછાવર’ … ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી મહેશભાઈનાં અન્ત્ર્પૂર્વ્ક્થી આભારી છીએ.

 

કરુણાનું ન્યોછાવર …

 

યમુના મૈયાના ૪૧ પદ વિશેષ જાણીતા છે તે પૈકીનું ૨૧ મું પદ શ્રી સુરદાસજી વિરચિત છે. એ પદમાં એક કડી આ મુજબ છે: સ્વાતિ જલ-બુંદ જબ પરત હૈ જાહીમેં, તાહીમેં હોત તેસો જુ વાનો. આજે પ્રસ્તુત છે તે અંગે થોડી વાત.

સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે જ્યાં તર્કની સીમા પુરી થાય છે ત્યાંથી શ્રધ્ધાની શરૂઆત થાય છે. આપણી શ્રધ્ધાભરી માન્યતા કહે છે કે સ્વાતિ નક્ષત્રમાં વરસેલું મેઘ બિંદુ વિશિષ્ટ હોય છે. ચાતક પક્ષી માત્ર તેનાથી જ પોતાની તૃષા-તૃપ્તિ કરે છે. જો તે સીપમાં પડે તો મોતી બનશે, વાંસમાં જશે તો વંશલોચન બનશે, સર્પના મોમાં જશે તો હળાહળ ઝેર બનશે તેથી જ અષ્ટ સખા સુરદાસજી કહે છે કે “ પરત હૈ જાહીમેં, તાહીમેં હોત તેસો જુ વાનો ”

શું આ બધું આકસ્મિક જ થતું હશે? કયું બિંદુ ક્યાં પડે તે અનિશ્ચિત હોય કે તેની ઉપર કોઈનું નિયંત્રણ હશે? એક આસ્તિક માનવ તરીકે, એક વૈષ્ણવ તરીકે આપણને આમાં બીજું કાંઇ ભાસે છે?

આપણે પણ બિંદુ સૃષ્ટિ જ છીએ. ચોરાસી લાખ યોની પૈકી માનવ યોનીમાં આવવા મળ્યું છે.  તેમાં પણ પરમ પુનિત પાવક પુષ્ટિ માર્ગમાં વૃત્તિ, મતિ અને ગતિ થયાં છે. આ અનુકુળતાઓ યોગાનુયોગ હોઈ જ ન શકે. આપણું સામર્થ્ય  નથી, યોગ્યતા તો નથી જ નથી, આપણા પ્રભુ પાપ પુણ્યનો હિસાબ કરીને જીવની ગતિ નક્કી નથી કરતા. આ બધું આપણને મળ્યું છે તે માત્ર અને માત્ર પ્રભુની કૃપાના કારણે જ છે. આપણા માર્ગમાં વરણ જ પ્રધાન છે અને તેથી નંદનંદનની અસીમ કૃપા અને શ્રી વલ્લભની કરુણાનું આ પરિણામ છે.

પ્રભુએ વરણ કરી વિશેષ કૃપા કરી છે એ થઇ સિક્કાની એક બાજુ. બીજી બાજુ શું હોઈ શકે? તમને શું લાગે છે ?  સ્વાભાવિક રીતે વિશેષ કૃપાની કૃતજ્ઞતા ગણો તો તેમ, અણમોલ લાભનું નગણ્ય ન્યોછાવર ગણો તો તેમ, આપણી પણ કંઇક ફરજ બને છે. આપણે કાનાની કલ્પનાતીત કરુણાને કૃતજ્ઞતાથી ઉજવવાની છે, ઉમંગ-ઉત્સાહથી ઉજાળવાની છે.

કોઈ કહેશે આપણે તો પામર જીવો છીએ, કાનાની કરુણાની કિંમત કરનારા આપણે કોણ ?   એ બધી આપણા ગજા બહારની વાત છે, આપણે કરી પણ શું શકીએ ?   ના, એમ પાણીમાં બેસી જવાનું ન ચાલે. આપણે વિશેષ કૃપા પામ્યા છીએ તેથી આપણું પરમ કર્તવ્ય છે કે કરુણાની અકલ્પ્ય કિંમત સમજીએ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા કંઇક કરીએ.

આપણે શ્રી આચાર્યજીની આજ્ઞા અનુસાર આપણું સર્વસ્વ સમર્પી, હરિ, ગુરુ, વૈષ્ણવનો દૃઢ આશ્રય રાખી, પ્રભુની તનુ-વિત્તજા સેવા કરતાં કરતાં માનસીનું ફળ પામવા સતત પ્રયત્નશીલ રહીને તેમ કરી શકીએ. જો મન હોય તો માળવે જવાય. આપણે દૃઢ નિર્ણય કરીએ તો પ્રભુની કૃપાથી વલ્લભ કુળનું માર્ગદર્શન, ભગવદીયોનો સત્સંગ જેવી અનેક અનુકુળતાઓ આપોઆપ આવી મળવાની છે. આપણા માર્ગનું વિપુલ સાહિત્ય પણ હાજર છે જ.

હવે રાહ નથી જોવી. આવો આજથી જ બલ્કે અત્યારથી જ મક્કમ મનોબળ સાથે શરૂઆત કરી જ દઈએ. સારી શરૂઆત કરીશું તો સિદ્ધિ જરૂર મળશે જ. હા, આરંભે શુરા ન થઈએ તો !   જો આપણે આવું કરી શકીશું તો આ બિંદુ પુષ્ટિ-સીપમાં પડી મોતી બન્યું તે કરુણા એળે નહીં જાય.

© Mahesh Shah2012

સાભાર : -મહેશ શાહ,
જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો, વડોદરા. 9426346364

બ્લોગ લીંક: ‘http://das.desais.net –
email: [email protected]

 

આજની પોસ્ટ ‘કરુણાનું ન્યોછાવર’ … જો આપને પસંદ આવી હોઈ, તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો. આપના પ્રતિભાવ સદા અમોને માર્ગદર્શકરૂપ – પ્રેરણાદાયી બની રહે છે તેમજ લેખકશ્રી ની કલમને બળ પૂરે છે. આભાર …! ‘દાદીમા ની પોટલી’.