નવી ભોજન પ્રથા …

“નવી ભોજન પ્રથા” …

 

 New Bhojan Pratha.1

 

 

મિત્રો આપ સૌ જાણો છો કે ‘દાદીમા ની પોટલી’ પર આરોગ્ય સંબંધિત જાગૃતિ – કાળજી કેળવાય તે બાબત હંમેશાં આપ સર્વે માટે વિશેષ ધ્યાન આપવામાં આવેલ છે, અને -અહીં બ્લોગ પર સતત યોગ્ય માર્ગદર્શન મળી રહે તેવી અમારી નમ્ર કોશિશ રહી છે.

 

 

આજે  આપ સર્વેની જાણકારી માટે  ‘પ્રાકૃતિક ભોજન પ્રથા’  અને તેની સમજણ આપવા માટે – ‘નવી ભોજન પ્રથા’….  અંગેની શ્રેણી ની શરૂઆત ‘દાદીમા ની પોટલી’ પર કરવાની અમોએ નમ્ર કોશિશ કરેલ છે.    ભોજન પ્રથા તો આપણે સમજ્યા, પરંતુ આ ‘નવી ભોજન પ્રથા !!!! ‘ …એ વળી કઈ નવી બલા અમો લઈને આવ્યા છીએ ? તેવો પ્રશ્ન તો કદાચ આપના મનમાં થશે જ !!!   હકીકતમાં, આ કોઈ નવી બલા નથી તેમજ તમારે કોઈ ખર્ચ કરવાની અહીં કોઈ વાત આવતી નથી.  

 

છેલ્લા સત્તર વર્ષ કે તેથી વધુ સમયથી પોતાની જાત પર તેમજ તેના પરિવારે  આ ‘નવી ભોજન પ્રથા’ અપનાવેલ છે., એટલુજ નહિ  અગણિત લોકો દ્વારા આજસુધીમાં અપનાવવામાં આવેલ છે અને અસાધ્ય વ્યાધિમાં અકલ્પનીય ફાયદો પણ આ પ્રથા અપનાવ્યા બાદ મેળવ્યો હોય તેવા અગણિત ઉદાહરણ અમારી પાસે છે.   જે અંગે આપણે આગળ ઉપર વિશેષ વાતચીત પણ કરીશું.

 

‘નવી ભોજ પ્રથા’ નાં પ્રણેતા શ્રી બાલુભાઈ વી ચૌહાણ -સાહેબ (અમરેલી-ગુજરાત) જી.ઈ.બી નાં -. રીટાયર્ડ સુપ્રિ. એન્જિનિયર છે. તેમને તેમના કાર્યમાં તેમના ધર્મ તેમજ કર્મ સાથી -સહધર્મિણી- આદરણીય  બેન શ્રીમતિ સરોજબેન  દ્વારા  તેમના આ સેવાકીય યજ્ઞમાં પૂરેપૂરી સહમતી સાથે – સતત સાથ અને સહકાર મળેલ છે; એટલુજ નહીં  આ સેવાયજ્ઞમાં, ચૌહાણ દંપતિ તેમજ તેમના પરિવાર સાથે અનેક સાથીઓના સાથ અને સહકાર દ્વારા સતત આ સેવાયજ્ઞ નો પ્રચાર અને પ્રસાર લોકજાગૃતિ  માટે કરવામાં આવે છે.

 

 

‘દાદીમા ની પોટલી’ નાં વાંચક મિત્રો માટે પોતાની વ્યસ્તતા માંથી  અલગથી વિશેષ સમય ફાળવી અને ‘નવી ભોજન પ્રથા’ નાં લેખ મોકલવા માટે સહમતિ આપવા બદલ અમો શ્રી બાલુભાઈ ચૌહાણ સાહેબ (અમરેલી-ગુજરાત) તેમજ તેમના પત્ની શ્રીમતી સરોજબેન ચૌહાણ  ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

આજે “નવી ભોજન પ્રથા” વિશે અમો વિશેષ કશું કહેવા માંગતા નથી, સાહિત્ય જગતના આદરણીય  સાહિત્યકાર – કવિ – લેખક શ્રી સૌરભભાઈ શાહ – ની કલમે થોડી પ્રાસ્તાવિક વાત સૌ પ્રથમ આપણે આજે સમજીશું અને જાણીશું. ‘નવી ભોજન પ્રથા’ અંગેની જાણકારી માટેના પ્રાસ્તાવિક લેખ બદલ અમો શ્રી સૌરભ શાહ નાં અંતરપૂર્વક આભારી છીએ.

 

 

તો ચાલો આજે જાણીએ “નવી ભોજન પ્રથા’ વિશે …

 

 

“નવી ભોજન પ્રથા” …

 

 

ગાંધીજી, ભમગરા, ચૌહાણ અને રમણલાલ એન્જિનિયર …

 

ગુજરાતીઓ આહારમાં જેટલા બેદરકાર છે એટલા જ આપણી પ્રજામાં આહાર પ્રત્યે જાગૃતિ ફેલાવનારા વિચારકો પણ છે. કુદરતી ઉપચારશાસ્ત્રી ડૉ. મહેરવાન ભમગરા એમાંના એક છે. ડૉ. ભમગરા કહે છે કે ‘ગાંધીજીનું કથન છે કે દવા વિના કોઈ પણ દર્દ દૂર ન થઈ શકે, એ માન્યતા એક વહેમ છે.’ ડૉ. ભમગરા પોતે માને છે અને એમણે એક પ્રવચનમાં આ કહ્યું પણ છે: ‘ઍલોપથીની તો કદાચ સો ટકા દવાઓ લાંબે ગાળે એના ઉપયોગ કરનારને હાનિકારક પુરવાર થાય છે. ડૉ. મેયલરના મશહૂર પુસ્તક ‘સાઈડ ઈફેક્ટ્સ ઑફ ડ્રગ્સ’ના ગ્રંથો ૭૦ વર્ષથી દર વર્ષે પ્રકાશિત થતાં રહે છે, જેમાં વર્ષ-પ્રતિવર્ષ જૂની કે નવી દવાઓની આડઅસરોની યાદી હંમેશ લાંબી થતી જાય છે. ડૉક્ટરી અભ્યાસક્રમમાં દવાઓની સારી અને તાત્કાલિક અસરો બાબત વિદ્યાર્થીઓને વધુ જાણકારી અપાય છે, પરંતુ એની આડઅસરો બાબત ખાસ કોઈ ચેતવણી અપાતી નથી.’

 

ભમગરાસાહેબને અફસોસ છે કે ઊણોદરીનું વ્રત જૈનો પણ ભૂલી ગયા છે, હકીકતમાં તો એ જૈન કે જૈનેતર કોઈના પણ માટે ઉત્તમ વ્રત છે. ભૂખ કરતાં સહેજ ઓછું ખાવું, સંયમથી ખાવું એટલે ઊણોદરી વ્રત. આને બદલે આપણે પોતે જમતી વખતે ઠાંસીને ખાઈએ છીએ અને મહેમાનગતિના નામે મહેમાનોને પણ અત્યાહાર કરાવીએ છીએ.

 

ગાંધીજીએ કહ્યું હતું, ‘આપણે સહુએ આહાર મર્યાદિત જ લેવો જોઈએ. ક્યારેક ઉપવાસ પણ કરતાં રહેવું જોઈએ. મારા જેટલો ફળાહાર કદાચ કોઈએ નહીં કર્યો હોય. છ વર્ષ સુધી હું કેવળ તાજાં યા સુક્કાં ફળ ઉપર જ જીવ્યો છું. સ્વસ્થ રહેવા આપણા આહારમાં તાજાં ફળ અને શાકભાજી જ વધુ પ્રમાણમાં હોવાં જોઈએ.’

 

અમરેલી નિવાસી ગુજરાતી એન્જિનિયર બી. વી. ચૌહાણ ગુજરાતના જ નહીં ભારતનાં અનેક ઠેકાણે ફરીને, પ્રવચનો આપીને અને શિબિરો કરીને શાકભાજી અને ફળના આહારનો પ્રચાર કરે છે. ઘાટકોપરમાં ગિરીશ દોશી દ્વારા ચૌહાણસાહેબની રૂબરૂ મુલાકાત થઈ ત્યારે એમની પાસેથી કાચા આહારની અસરકારકતા વિશે ઘણું જાણવા મળ્યું. એટલું જ નહીં, રાંધ્યા વિનાનો આહાર પણ બે હાથે ખાઈ શકો એટલો સ્વાદિષ્ટ હોઈ શકે તેનો પણ અનુભવ થયો. જોકે, કાચા આહારમાં પણ અત્યાહાર ન કરવો જોઈએ.

 

ચૌહાણસાહેબ દૂધ કે દૂધની કોઈપણ બનાવટ (ઘી, પનીર, માખણ ઈત્યાદિ)નો વિરોધ કરે છે. વિદેશમાં દૂધથી દૂર રહેનારા શાકાહારીઓને વેગન કહેવાય છે. પર્સનલી દૂધ માટેનો વિરોધ મને વાજબી નથી લાગતો. ડેરીનું, કૃત્રિમ રીતે ઉત્પાદન વધારીને વેચાતું દૂધ હાનિકારક જ હોવાનું. પણ જો કોઈને પોતાનાં જ પાળેલાં ગાયભેંસનું શુદ્ધ દૂધ મળી શકતું હોય કે પછી શહેરમાં ઑર્ગેનિક હોવાની ખાતરી આપતું દૂધ મળતું હોય તો તે જરૂર લેવું જોઈએ. ઍનિવે.

 

બી. વી. ચૌહાણે ભોજન પ્રથામાં સરળ પરિવર્તન લાવવા માટેની કેટલીક રેસિપીઝ તૈયાર કરી છે. કાચું ખાવાથી કોઈ પણ પ્રકારના રોગ દૂર થઈ શકે છે એવો એમનો દાવો છે અને અનુભવ છે. આ દાવામાં ક્યાંક અતિશયોક્તિ જરૂર હશે પણ આડેધડ ફાસ્ટફૂડ કે તળેલાં અને વાસી અન્ન ખવાતાં હોય ત્યારે કાચું ખાવાનો પ્રચાર થાય તે જરૂરી છે. કમસેકમ સારાં સલાડ તેમ જ ફણગાવેલાં કઠોળ વગેરે ખાવાની ટેવ પડશે તો પેલા હાનિકારક ખોરાકથી દૂર જવાશે.

 

માત્ર કાચા આહાર પર જ જીવવું અને માત્ર અત્યારે જે પ્રકારનો બજારુ કે ઘરનો પણ અતંદુરસ્ત ખોરાક ખાઈએ છીએ તેના પર જીવવું – આહારમાં કોઈપણ પ્રકારના અંતિમો હાનિકારક છે. સાજા હોઈએ કે માંદા પડીએ ત્યારે ભૂખ ન લાગે તો ન જ ખાવું. ખાવું જ હોય તો પહેલાં ભૂખ લાગે તે માટેનો ઉપચાર કરવો. એ જ રીતે તબિયત નરમગરમ હોય ત્યારે એકાદ ટંક ઉપવાસ કરીને શરીર સાચવી લેવું સારું. પણ લાંબા ઉપવાસોથી લાંબા ગાળે શરીર કંતાઈ જાય છે. ધાર્મિક કારણોસર થતા ઉપવાસો બાબત આપણે કંઈ નથી કહેવું. જેને જે યોગ્ય લાગે તે કરે. પણ ભૂખ્યા રહેવાથી, લાંબો સમય ભૂખ્યા રહેવાથી શરીર પર ગંભીર ખરાબ અસરો પડતી હોય છે.

 

ગુજરાતીઓનાં સદનશીબ  છે કે આપણી પાસે ડૉ. મહેરવાન ભમગરા, બી. વી. ચૌહાણ જેવા બીજા અનેક કુદરતી આરોગ્યશાસ્ત્રીઓ છે. રમણલાલ એન્જિનિયરનું નામ ઘણાને ખ્યાલ હશે. વલ્લભ વિદ્યાનગરના સ્થાપક ભાઈકાકાના તેઓ પુત્ર. ડૉ. ભમગરાના તેઓ સાથી-મિત્ર. રમણલાલ એન્જિનિયરે ‘પોષક ખોરાક મોંઘો નથી’ નામની નાનકડી પુસ્તિકામાં ત્રણ પાયાના સિદ્ધાંત આપ્યા છે:

 

એક, આખો ખોરાક એ અનોખો ખોરાક છે. અર્થાત્ મેંદા કરતાં ઘઉંનો લોટ વધારે સારો. એવી જ રીતે ખાંડ કરતાં ગોળ અને ગોળ કરતાં શેરડીનો રસ વધારે સારો.

 

બીજું, કાચો ખોરાક એ સાચો ખોરાક છે. આપણા ખોરાકમાંથી જે જે ચીજો કાચી ખાઈ શકાય અને સહેલાઈથી પચાવી શકાય તે કદી રાંધીને ન ખાવી. રાંધેલા ખોરાક કરતાં કાચા ખોરાકમાં વધુ સત્ત્વ છે.

 

ત્રીજું, કોરો ખોરાક એ સારો ખોરાક છે. એટલે જે ખોરાક કાચો ન ખાઈ શકાય તેને બાફવાને બદલે ભૂંજીને કે શેકીને ખાવો.

 

રમણલાલ એન્જિનિયરે ભોજન માટેની લાંબી નિયમાવલી પણ તૈયાર કરી છે જેમાંના કેટલાક નિયમો છે:

 

 

૧. સાચી ભૂખ સિવાય ખાવું નહીં.

 

૨. ઉતાવળમાં હોઈએ ત્યારે જમવા બેસવું નહીં. એવા સમયે દૂધ, છાશ, ફળરસ કે રાબથી ચલાવી લેવું. નિરાંતે જમવું, જમ્યા પછી અડધો કલાક આરામ કરીને જ કામે ચઢવું.

 

૩. જમતી વખતે ક્રોધ, ઉતાવળ, ઈર્ષ્યા, મૂંઝવણ, ચિંતા અને બીજાં અનેક ભૂતપલિતોને દૂર કરી પ્રસન્ન ચિત્તે જમવું.

 

૪. થાળીમાં વાનગીઓની સંખ્યા ઓછી રાખવી. એક ભોજનમાં ચારેક વાનગીઓ તો ઘણી થઈ ગઈ.

 

પાંચમો મુદ્દો સૌથી મહત્ત્વનો છે: આહારમાં એકદમ કશો ફેરફાર ન કરવો. જે ફેરફાર જરૂરી હોય તે ધીમે ધીમે કરવો.

 

ઘણી વાર ડાયાટિશિયનને કન્સલટ કરીને રાતોરાત એના કહેવા મુજબનો ડાયેટ અમલમાં મૂકવાના ઉત્સાહમાં અઠવાડિયું-પંદર દિવસ પછી પંક્ચર પડી જાય છે. વ્યાયામનું પણ એવું જ છે, કોઈ પણ બાબતનું એવું છે. એટલે જ જીવનમાં જે કંઈ ફેરફારો કરવા હોય તે રાતોરાત કરી નાખવાના ધખારા નહીં રાખવાના, આહિસ્તા આહિસ્તા.

 

 

સૌજન્ય- સાભાર : ગુડ મોર્નિંગ – સૌરભ શાહ …

 

 

બ્લોગ લીંક: http://das.desais.net‘દાદીમા ની પોટલી’

email: [email protected]

 

 

 

‘નવી ભોજન પ્રથા’ … સ્વાસ્થય અંગેના   લેખ પરના આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો, આપના દરેક પ્રતિભાવ શ્રી બાલુભાઈ ચૌહાણ નાં આ કાર્યમાં બળ પૂરશે., તેમજ અમોને આપના પ્રતિભાવ દ્વારા સ્વાસ્થ્ય અંગેના વધુને વધુ લેખ ભવિષ્યમાં આપવા  માટે પ્રેરણા મળી રહેશે. …. બ્લોગ પોરના આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે…..આભાર ..! ‘દાદીમા ની પોટલી’

 

 

પ્રણેતા :
 
‘નવી ભોજન પ્રથા’
 

સંપર્ક :

 balubhai.photo.1

બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ
SUPERINTENDING ENGINEER(RETIRED)G.E.B.
‘શ્રી રામકુટીર’ કડવા પટેલ કન્યા છાત્રાલય પાસે
ગણેશ સોસાયટી,ચિત્તલ રોડ,
અમરેલી (365601)ગુજરાત, INDIA
ફોન : 02792-226869, મોબાઈલ :+91 9426127255

 

આપ નવી ભોજન પ્રથા અને તેના ઉપચાર વિશે વિશેષ જાણકારી મેળવવા ઈચ્છતા હો તો  શ્રી બાલુભાઈ ચૌહાણ અથવા ‘દાદીમા ની પોટલી’ નાં  અહીં દર્શાવેલ ઈ મેઈલ આઈ.ડી. –    [email protected] -/  [email protected]  દ્વારા મેઈલ મોકલી મેળવી શકો છો.

 

મિત્રો, હવે પછી નો લેખ શ્રી બાલુભાઈ ચૌહાણ સાહેબની કલમે આપ અહીં માણી શકશો…જેમાં આપને ‘નવી ભોજન પ્રથા’ ની ખૂબજ સરળ સમજ સાથે તે અપનાવવાની  રીત, તે અપનાવવાથી થતાં લાભાલાભ -કાર્ય કરણી, તેમજ વિવિધ  રેસીપી ની જાણકારી સાથે  – જે લોકોએ આ પ્રથા અપનાવેલ છે અને તે કારણ સર તેમને  થયેલા અનુભવ તેમજ ફાયદાઓ  ની વિગતો ક્રમશ: સમયાંતરે અહીં નિયમિત રીતે માહિતગાર કરવા નમ્ર કોશિશ કરીશું.  ….આભાર !  ‘દાદીમા ની પોટલી’

દર્દી, દાક્તર અને દવાઓ …

દર્દી, દાક્તર અને દવાઓ …

 

 

હૈદરાબાદના ખૂબ જાણીતા કાર્ડિયોલોજિસ્ટ અને નિઝામ્સ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિસિનના કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટના હેડ ડૉ. ડી. શેષગિરિ રાવની આ સોમવારે ધરપકડ થઈ. શું કામ? હૃદયની બીમારીમાં મૂકવામાં આવતા સ્પ્રિંગ જેવા સ્ટેન્ટના સપ્લાયર પાસેથી રૂપિયા એક લાખ સાઠ હજારની લાંચ લેતાં રંગેહાથ પકડાયા એટલે.

 

રિપોર્ટ્સ કહે છે કે ભારતમાં દર વર્ષે એન્જિયોપ્લાસ્ટી કરતી વખતે અંદાજે કુલ ત્રણ લાખ સ્ટેન્ટ મૂકવામાં આવે છે. આ સ્ટેન્ટ ત્રણ પ્રકારના હોય છે. એક, ૧૯૮૦ના દાયકાના અંત ભાગમાં શોધાયેલા સીધાસાદા મેટલ સ્ટેન્ટ. બે,જેમાંથી દવા ઝર્યા કરે એવા સ્ટેન્ટ. અને તદ્દન આધુનિક ગણાતા એક વર્ષની અંદર આપોઆપ ધમનીમાં ઓગળી જાય એવા બાયોએબ્ઝોર્બેબલ સ્ટેન્ટ. તદ્દન સાદાસીધા મેટલ સ્ટેન્ટને સપ્લાયરો રૂપિયા ૨૦,૦૦૦માં હૉસ્પિટલોને અને ડૉકટરોને વેચે છે. ડૉકટરો પોતાની તમામ ફી ઉપરાંત બિલમાં આ સ્ટેન્ટનો ભાવ રૂપિયા ૩૫,૦૦૦ મૂકે છે.

 

કેટલાય કાર્ડિયોલોજિસ્ટો કબૂલ કરે છે કે એબોટ કે જહૉન્સન ઍન્ડ જહૉન્સન જેવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત જાયન્ટ ફાર્મા કંપનીઓ ભારતમાં ખૂબ જોરશોરથી પોતે બનાવેલાં સ્ટેન્ટ વેચે છે. ઘણા ડૉકટરોને પ્રત્યેક સ્ટેન્ટ મૂકવા માટે ઉત્પાદકો તરફથી આકર્ષક વળતર મળે છે.

 

દર્દી પર એન્જિયોગ્રાફી થતી હોય ત્યારે ડૉકટર મોનિટર પર દર્દીના દીકરા-સગાંઓને સમજાવતા હોય છે કે કઈ નળીમાં કેટલો બ્લોકેજ છે અને તાબડતોબ એન્જિયોગ્રાફી નહીં કરાવો તો ભવિષ્યમાં કેવડું મોટું નુકસાન થઈ શકે એમછે. ડૉકટરો પોતાની મેળે આ પ્રકારનું અલમોસ્ટ બ્લેકમેઈલિંગ કહેવાય એવું વર્તન દર્દી કે સગાંઓ સાથે નથી કરતા હોતા. સ્ટેન્ટ બનાવનારી કંપનીઓના મેન્યુઅલમાં આ રીતરસમો વર્ણવવામાં આવે છે જેનું ડૉકટરો અનુસરણ કરે છે. સમજદાર અને મક્કમ દર્દી કે સગાંઓ સિવાયના મોટા ભાગના કિસ્સાઓમાં ડરીને, લોકલાજને ધ્યાનમાં રાખીને અને કયારેક બીજા કોઈ ઉપાય નથી એવું માનીને ડૉકટરને હા પાડી દેવામાં આવે છે. આ રીતે મુકાતા મોટા ભાગના સ્ટેન્ટ બિનજરૂરી હોય છે એટલું જ નહીં, હાનિકારક પણ હોય છે. કયારેક આવા સ્ટેન્ટને કારણે હાર્ટ ઍટેક કે પક્ષાઘાતનો હુમલો આવી શકે છે.

 

મેડિકલ ક્ષેત્રની ગંગોત્રી દવા બનાવનારી અને વેચનારી ફાર્મા કંપનીઓ છે. વિશ્ર્વમાં કુલ ૬૦૦ બિલિયન ડૉલરનો આ ધંધો છે. પેશન્ટ અને ડૉકટર વચ્ચેનો સંબંધ પવિત્ર છે અને વિશ્ર્વાસ પર ઊભેલો છે. આ વાત ડ્રગ કંપનીઓ સારી રીતે સમજે છે એટલે એમનું સીધું નિશાન ડૉકટરો હોય છે. મોટા ભાગના ડૉકટરો પ્રામાણિક હોવાના. કોઈ ડૉકટર એવું નહીં ઈચ્છે કે પોતે સારવાર માટે જે દવાઓ પ્રિસ્ક્રાઈબ કરે છે એને કારણે દર્દીની તબિયત વધારે બગડે. કયો ડૉકટર એવું ઈચ્છે ?

 

એટલે ડ્રગ કંપનીઓ સૌપ્રથમ ડૉકટરોને જ ઊઠાં ભણાવે છે. બેન ગોલ્ડકેર નામના ડૉકટરે અગાઉ ‘બૅડ સાયન્સ’ નામનું પુસ્તક લખ્યું હતું જે ઈંગ્લેન્ડના નૉન ફિક્શનના ચાર્ટમાં નંબર વન પર પહોંચ્યું હતું અને માત્ર એક જ દેશમાં એની ૪ લાખ નકલો વેચાઈ, ૨૫ ભાષામાં એનો અનુવાદ થયો. આ જ ડૉકટર-લેખકનું લેટેસ્ટ પુસ્તક છે ‘બૅડ ફાર્મા’. હાર્પર કોલિન્સ જેવી પ્રતિષ્ઠિત પ્રકાશન સંસ્થાની ‘ફોર્થ એસ્ટેટ’ નામની ઈમ્પ્રિન્ટ હેઠળ તાજેતરમાં જ પ્રગટ થયું.

 

બેન ગોલ્ડકેરનું કહેવું છે કે દવા બનાવતી કેટલીક કંપનીઓ દવા બજારમાં મૂકતાં પહેલાં એને સરકાર પાસે મંજૂરી માટે લઈ જાય તે પહેલાં સંશોધનના સ્તરે જ ગોબાચારી કરે છે. હાર્વર્ડ અને ટોરન્ટોના ત્રણ રિસર્ચરોએ ૨૦૧૦માં કરેલા અભ્યાસનું તારણ એવું છે કે કુલ ૫૦૦ જેટલા પ્રયોગોમાંથી દવા કંપનીઓએ જે રિસર્ચ માટે નાણાં ખર્ચ્યા હતાં એમાંના ૮૫ ટકા પ્રયોગોનું રિઝલ્ટ પોઝિટિવ હતું, દવા કંપનીઓને અનુકૂળ હતું. અને જે પ્રયોગો માટે દવા કંપનીઓએ નહીં પણ સરકારે નાણાં પૂરાં પાડયાં હતાં એમાંના માત્ર ૫૦ ટકા પ્રયોગોનું રિઝલ્ટ પોઝિટિવ આવ્યું.
એટલે પહેલું પગથિયું દવા કંપનીઓના પ્રયોગોના પરિણામોનું. આ પરિણામો દવા કંપનીઓને અનુકૂળ આવે એવા પ્રયોગો દ્વારા અને એવા સેમ્પલ ડેટા દ્વારા તૈયાર કરવામાં આવે છે. જે પરિણામો નેગેટિવ હોય છે એ પબ્લિક સુધી પહોંચતા જ નથી.

 

ડૉકટરોએ આ પરિણામો મેડિકલ જર્નલ્સમાં તથા દવા કંપનીઓએ પૂરા પાડેલા બ્રોશર્સમાં વાંચ્યા હોય એટલે ઈન ગુડ ફેથ તેઓ પોતાના દર્દીને એ દવા લખી આપે. સંશોધનમાં બહાર આવેલાં દવાનાં જોખમો વિશે ડૉકટરો અજાણ હોય છે કારણ કે એ તારણો દવા કંપનીઓએ દબાવી રાખ્યા હોય છે. હૃદયરોગને લગતી દવાઓ,માનસિક રોગોને લગતી દવાઓ અને ડાયાબિટીસની દવાઓ બાબતે આવું વધારે બનતું હોય છે. આ અને બીજા અનેક રોગોની દવાઓની ભયંકર આડઅસરો વિશે દવા કંપનીઓ ચુપકીદી સેવે છે, ક્યારેક સરકારી નિયંત્રણોને પણ ચાતરી જાય છે.

 

ડૉ. બેન ગોલ્ડકેરના સવા ચારસો પાનાંના પુસ્તકમાં અઢળક વિગતો, દાખલાઓ અને આંકડાઓ છે. એક ઉદાહરણ ડૉકટરે પોતાને લગતું આપ્યું છે.

 

રેબોક્સટાઈન નામની એન્ટિડિપ્રેસન્ટ ગોળીની તેઓ વાત કરે છે. સરકારે અપ્રુવ કરેલી દવા છે. ઈંગ્લેન્ડમાં અને વિશ્ર્વમાં લાખો ગોળીઓ દર વર્ષે પ્રિસ્ક્રાઈબ થાય છે. ડૉ. ગોલ્ડકેરે પોતે આ દવા પરના પ્રયોગોનાં તારણો વાંચ્યાં. જોયું કે અદ્ભુત પરિણામ આપે છે. પેશન્ટ સાથે આ બધું ડિસ્કસ કરીને પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું. પણ ડૉકટરને મૂરખ બનાવવામાં આવ્યા હતા. ૨૫૪ દર્દીઓ પર આ દવાનો અખતરો થયો ત્યારે માત્ર એક જ દર્દી સાજો થયો હતો. મેડિકલ જર્નલ્સમાં એ જ કિસ્સો પ્રચાર પામ્યો હતો. એ પછી આના કરતાં દસગણા દર્દીઓને લઈને કુલ છ વાર પ્રયોગો થયા. દરેકે દરેકમાં જણાયું કે રેબોક્સટાઈનની ગોળી અને કોઈ પણ દવા વિનાની ખોટી ગોળી (પ્લેસેબો) – બેઉ પેશન્ટ માટે એકસરખી જ પુરવાર થતી હતી.

 

 

અને આ છ સંશોધનનાં તારણો કયાંય પ્રગટ કરવામાં આવ્યાં નહોતાં! – સૌરભ શાહ

 

 

નીચેની વિગતો વિપુલ એમ દેસાઈ દ્વારા : (સાભાર)

 

એજ રીતે ગુજરાતના એક શહેરમાં એક ઇન્ટરવેશનલ કાર્ડિયોલોજીસ્ટે એક એન.આર.આઈ.ને સ્ટેન્ટ મૂકી સારા એવા પૈસા લીધા હતા. એ ભાઈ મુંબઈ ગયા ત્યાં છાતીમાં દુઃખાવો થયો એટલે હોસ્પીટલમાં દાખલ થયા. ત્યાં ચેક કરાવતા ખબર પડી કે એને સ્ટેન્ટ મુકવામાં જ નહોતો આવ્યો. ખરી વાત હવે જાણવા જેવી છે.પેલા એન.આર. આઈ. સ્ટેન્ટ મુકનાર ડોક્ટર પાસે મુંબઈથી બધા એક્સરે અને પેપરો લઈને આવ્યા. પેલા ડોક્ટરને તો પરસેવો છૂટી ગયો. પછીની વાત જાણશો તો તમારા છકકા છૂટી જશે. પેલા એન.આર.આઈ. એ આવા ડોક્ટર સામે કેસ કરવાની જગ્યાએ ૮૦ થી ૯૦ લાખ રૂપિયામાં સેટલમેન્ટ કર્યું. એન.આર.આઈ. પણ બધા દુધે ધોયેલા નથી હોતા. આજે આજ ડોક્ટર એન.આર.આઈને આપેલા પૈસા વસુલ કરવા શું નહીં કરે? પેલા પૈસાદાર એન.આર.આઈ શું એ ડોક્ટર જેટલો જ કસુરવાર નથી? આપણે ત્યાં લોકોને એક ભ્રમણા છે કે ભારતમાં જ લોકો ચોરી કરે છે. હાલમાં જ ડીટ્રોઇટમાં ૨૭ ફાર્મસીની દુકાનો ધરાવતા એક ભારતીયને ૧૫ વરસની સજા થઇ તે ઉપરાંત કંઈ કેટલા ડોક્ટરોને ગોટાળા કરવા માટે અમેરિકામાં સજા થઇ છે.

 

 

-0-0-0-0-0-0-0-

સાભાર સૌજન્ય :

સંકલિત :બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ (અમરેલી)
પ્રણેતા : ‘નવી ભોજન પ્રથા’
email : [email protected]

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email :[email protected]
 

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.