ચાલો મા નર્મદાની પરિક્રમાએ  …

ચાલો મા નર્મદાની પરિક્રમાએ  …

  • આત્મકૃષ્ણ મહારાજ

 

 
NARMDA.1
 

 

नर्मद्दा शर्मदा लोके पुरारिपददा मता |

ये सेवन्ते नरा भक्त्याते न यान्ति पुनभॅवन्  ||

(અક્ષર ગીતા – રંગ અવધૂત)

 

 
NARMDA.2
 

 

નર્મદાતટવાસી પૂ. શ્રી રંગ અવધૂત મહારાજે સ્વપ્રણીત ગ્રંથ ‘અક્ષરગીતા’ માં સાચું કહ્યું છે કે મા નર્મદા આ લોકમાં શાંતિ તથા પરલોકમાં શિવલોક દેનારી મનાય છે.  જે મનુષ્યો ભક્તિપૂર્વક તેનું સેવન કરે છે, તેમનો પુનર્જન્મ થતો નથી.

 

મા નર્મદા પરમ મહિમામયી અને સર્વતીર્થ શિરોમણિ છે.  તેના અપૂર્વ મહિમાનું ગાન કરતા પ્રાચીન –અર્વાચીન અનેક ગ્રંથો ઉપલબ્ધ છે.  ઋષિમુનિપ્રણીત અનેક પુરાણોમાંથી સ્કંદ પુરાણ તથા વાયુપુરાણમાં તેના ‘રેવાખંડ’ નામે અલગ વિભાગ્ છે.  આમ તો મા નર્મદાની યશોગાથા શતપથ બ્રાહ્મણ, વશિષ્ઠ સંહિતા, બૃહત સંહિતા, રામાયણ, મહાભારત ઉપરાંત સ્કંદ, વિષ્ણુ, મત્સ્ય, વરાહ, પદ્મ, કૂર્મ, બ્રહ્મ, વાયુ, અગ્નિ, માર્કંડેય, બૃહન્નારદીય, શિવ, વામન, ક્લિક, શ્રીમદ્દ ભાગવત, દેવી આદિ પુરાણોમાં ઓછા-વત્તા પ્રમાણમાં વર્ણવેલી જોવા મળે છે.  નર્મદાની ઉત્પત્તિ વિશે કલ્પભેદથી અનેક કથાઓ પુરાણોમાંથી મળી આવે છે.

 

૧.  પ્રાચીન કથાનુસાર સૃષ્ટિના આરંભે શિવજીએ કરેલા તાંડવ નૃત્યુ સમયે તેમને થયેલા પ્રસ્વેદ – પરસેવામાંથી નર્મદા ઉત્પન્ન થઇ અને તે બ્રહ્મલોકમાં રહેવા માંડી.  પૃથ્વીલોકમાં તે સમયે કોઈ નદી ન હતી.  દેવતાઓએ શિવજીને પ્રાર્થના કરી કે નર્મદાને સર્વલોકના કલ્યાણ માટે પૃથ્વી પર મોકલો.  શિવજીએ સંમતિ આપીને પૂછ્યું :  બ્રહ્મલોક્માંથી પૃથ્વીલોક પર ઘસી રહેલા નર્મદાના વેગીલા પ્રવાહને ઝીલશે કોણ ?  ત્યારે વિન્ધ્યપર્વતના પુત્ર મેકલપર્વતને નર્મદાને ધારણ કરવા તૈયારી બતાવી.  ભગવાન શિવની આજ્ઞાથી નર્મદાએ મેકલપર્વત પર અવતરણ કર્યું.  આથી જ તેનું એક નામ ‘મેકલકન્યા’  તરીકે પ્રસિદ્ધ છે.  આ મેકલ પર્વતને જ ત્રિકુટાચળ, રુક્ષ આદિ કહેવામાં આવે છે.  હાલ પણ નર્મદા ઉત્પત્તિસ્થાન મોકલપર્વત પર સ્થિત અમરકંટકમાં જ છે. 

 

૨.  અન્ય કથા પ્રમાણે વનવાસ સમયે પાંડવો અમરકંટક આવ્યા અને માર્કંડેય આશ્રમમાં મહામુનિનાં દર્શન-વંદન કરી ભગવતી નર્મદાની ઉત્પત્તિ વિશે યુધિષ્ઠિરે પ્રશ્ન પૂછ્યો.  માર્કંડેય ઋષિએ આ વિશે વાયુપુરાણમાં વર્ણવાયેલા શિવજી અને વાયુદેવના સંવાદનું સ્મરણ કરતાં જે કથા વર્ણવી તે આ પ્રમાણે છે.

 

આદિ સત્યયુગમાં ભગવાન શિવે સર્વે પ્રાણીઓથી અર્દશ્ય રહીને ઋક્ષ પર્વત વિન્ધ્યાચલ પર દશહજાર વર્ષ સુધી ઘોર તપસ્યા કરી.  તે સમયે શિવજીના દેહમાંથી શ્વેતરંગનો સ્વેદ નીકળવા માંડ્યો, અને પર્વત પર વહેવા માંડ્યો.  તેમાંથી એક સર્વાંગ સુંદર કન્યા ઉત્પન્ન થઇ.  એ કન્યાએ શિવજીની સામે જ એક પગ પે ઊભા રહી ઘોર તપશ્ચર્યા આદરી.  આ તપથી પ્રસન્ન થયેલા શિવજીએ તેને વરદાન માંગવા કહ્યું.  પરમ તપસ્વિની તે કન્યાએ ભગવાન શંકરને વંદન કરી વરદાન માંગ્યા-

 

 
NARMDA.3
 

 

૧.  પૃથ્વીલોક પર હું અમર થાઉં.

૨.  મારા જલમાં સ્નાન કરનાર જીવોનાં સમસ્ત પાપો નાશ પામે.

૩.  ભારતના ઉત્તરભાગમાં વહેતી ભાગીરથી ગંગાની જેમ હું દક્ષિણ ભાગની પરમ પવિત્ર નદી બનું.

૪.  પૃથ્વીનાં સમસ્ત તીર્થોના સ્નાનનું ફળ મારા જળમાં સ્નાનમાત્રથી જીવોને પ્રાપ્ત થાય.

૫.  મારા દર્શનમાત્રથી પ્રાણી મુક્ત થાય, અને

૬.  મારા જળનો સ્પર્શ થવાથી જ્ કંકર શંકર થાય.

 

 
amarkantak-narmada
 

 

આશુતોષ ભગવાન શંકરે ‘તથાસ્તુ’  કહી ઉપરોક્ત વરદાનો ઉપરાંત એક વધુ વરદાન આપતાં કહ્યું :  તારા ઉત્તરતટે વસતા સત્કર્મશીલ મનુષ્યો મારા લોકને અને દક્ષિણતટે રહેનારા પિતૃલોકને પ્રાપ્ત થશે.  હવે તું વિન્ધ્યાચલ પર પ્રગટ થઇ સમસ્ત લોકનું કલ્યાણ કર.  પછી તે કન્યા વિન્ધ્યપર્વત પર જઈ પ્રગટ થઇ. તેનું પરમ સુંદર સ્વરૂપ તથા ગતિ અદ્દભુત હતાં.  આથી સર્વ દેવો તથા તથા દાનવો મોહ પામ્યા તથા તેની સાથે અલગન કરવા ઉત્સુક થયા.  ભાગવ સન શિવજીને પ્રાર્થના કરતાં તેમણે કહ્યું :  તમારામાં જે શક્તિશાળી હોય તે તેની સાથે લગ્ન કરે.પરંતુ તે પહેલાં તેને શોધી લાવો. અનેક રૂપોમાં અહીં – તહીં ઘડીમાં દેખાતી, ઘડીમાં અર્દશ્ય થઈ જતી તેને કોઈ શોધી શક્યું નહીં.આમ એક હજાર દિવ્ય વર્ષો સુધી ક્રીડા કરવાને કારણે તે કન્યાનું નામ ‘नर्म क्रीडा ददाति ईति नर्मदा’  પડ્યું.  નર્મદાની આ લીલા જોઈને શિવજીએ પાર્વતીને કહ્યું :  ‘આ દેવ –દાનવો મૂએખ છે તેઓ આદિશક્તિને પ્રાપ્ત કરવા ઈચ્છે છે.  શિવજીના કથનથી પ્રસન્ન થયેલી નર્મદા શિવ સન્મુખ પ્રગટ થઇ.  ભગવાન શિવે તેને અનેક વરદાનો આપી સમુદ્રને અપર્ણ કરી.  નર્મદા શીવ્કાન્યા હોવાથી તેના પિતાના નામ સાથે જ તેના નામનો ઉચ્ચાર મહામંત્રની જેમ કરવામાં આવે છે.  નર્મદ હર, નર્મદે હર.

 

 

નર્મદા પરિક્રમા – પદ્ધતિ, પ્રકાર અને અન્ય માહિતી  …

 

 
narmda parikrama
 

 

‘नर्मदायै नम: प्रात: नर्मदायै नमो निशि |

नमस्ते नर्मदे देवी ! त्राहि मां भवसागरात् ||

 

માનવજીવનનું ધ્યેય ઈશ્વરપ્રાપ્તિ અથવા જન્મ-મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મેળવી તે છે.  શાસ્ત્રો અને સંતોએ તે માટે જપ-તપ, યોગ યોગાદિ અનેક સાધનો પ્રબોધ્યાં છે.  ઉપનિષદોમાં તાપને બ્રહ્મ કહેલ છે.  ‘तपो ब्रह्म’.  તપશ્ચર્યાથી સર્વ કાંઈ સિદ્ધ કરી શકાય છે.  મા નર્મદા ભગવાન શિવની દ્રવિભૂત સાક્ષાત્ કૃપા છે.  પ્રાચીનકાળથી તેના ઉભયતટે અનેક દેવી-દેવતાઓ તથા સાધુ-સંતોએ તપ કર્યા છે.  નર્મદાના ઉત્તર અને દક્ષિણતટ પર આવેલાં સમસ્ત તીર્થો આ રીતે તપ:સ્થલીઓ છે.  તપનો સામાન્ય અર્થ છે – સહન કરવું તે.  મનુષ્યજીવનમાં અનુભવાતાં અનેક દ્વન્દ્વો સુખ-દુઃખ, માન-અપમાન, હર્ષ-શોક, હાનિ-લાભ, ઠંડી-ગરમી, ભૂખ – તરસ આદિની ચિંતા કે વિલાપ કર્યા સિવાય મનની સમતા જાળવી આત્મકલ્યાણની ભાવનાથી સહન કરવાં તે તપશ્ચર્યા છે.

 

નર્મદા પરિક્રમા તપશ્ચર્યા છે.  તે કોઈ સાહસયાત્રા નથી કે નથી પર્યટન યા સહેલગાહ.  પરિક્રમા દરમિયાન ડગલે ને પગલે ઉપર દર્શાવેલાં અનેક દ્વન્દ્વોનો સામનો યાત્રિકને કરવો પડે છે.  આ સર્વ સમયે એક માત્ર મા નર્મદાનું અવલંબન જ યાત્રિકના ધ્યેયની સિદ્ધિનું કારક છે.  પરિક્રમા સાધકના જીવન ઘડતરનો અમૂલ્ય અવસર તથા ઈશ્વરાનુભૂતિનું પ્રબળ સાધન છે.  આથી જ પૂ. શ્રી રંગઅવધૂત મહારાજ ઘણીવાર કહેતા કે ‘ભગવાનમાં શ્રદ્ધા ન બેસતી હોય અને છતાં પરમાત્માની ઝાંખી કરવાની લગની લાગી હોય તો નીકળી પાડો પૂર્ણ જિજ્ઞાસાની શ્રદ્ધાવંત હેસિયતથી મા નર્મદાની પરિક્રમાએ;  અને જુઓ શું અનુભવ થાય છે !!’  સાચે જ, પરિક્રમા એક એવો કિમ્યો છે જેનાથી ભૌતિક રીતે દુખી જીવનરૂપી લોઢું આધ્યાત્મિક આનંદનું સુવર્ણ બની જાય છે.

 

પરિક્રમા ઉપાસનાનું એક અંગ છે તથા અનુષ્ઠાનની સમાપ્તિનું પણ સૂચક છે.  મંદિરોમાં આરતી તથા સ્તુતિ-વંદના કરી લીધા પછી પરિક્રમા કરીને પ્રસાદ ગ્રહણ કરવાનો વિધિ છે.  પરિક્રમાથી જન્મજન્માંતરોમાં થયેલાં પાપો નાશ પામે છે.

 

यानि कानि च पापानि जन्मान्तरकृतानि च |

तानि तानि प्रणश्यन्तु प्रदक्षिणा पदे पदे ||

 

ભારત દેશની સમસ્ત નદીઓમાં સાત નદીઓ ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા, સિંધુ અને કાવેરીને પવિત્રમ ગણવામાં આવી છે.  પરંતુ પરિક્રમા માત્ર મા નર્મદાજીની જ કરવામાં આવે છે,  જે તેમની વિશેષ મહત્તાની સૂચક છે.  માતા-પિતા, દેવમંદિર, યજ્ઞભૂમિ, તીર્થક્ષેત્ર, ગ્રામ, નાગર આદિની પરિક્રમાનું શાસ્ત્રોમાં વિધાન છે.  આ સર્વમાં નર્મદા પરિક્રમા સહુથી મોટી અને વિકટ છે.  મનુષ્યની સર્વ પ્રકારની સહનશક્તિની તેમાં કસોટી થાય છે જે એક રીતે તપશ્ચર્યા જ છે.  કહ્યું ઓઅન છે   ‘नर्मदा तटे तप: कुर्यात्’  નર્મદાતટે કરેલું તપ તત્કાળ સિદ્ધ થાય છે કારણ કે આગળ જણાવ્યું તેમ મા નર્મદા સ્વયં સાક્ષાત્ કૃપા છે.  કૃપાનો કિનારો એટલે જ કલ્પવલ્લી.

 

પરિક્રમા અને તેના પ્રકાર :

 

આપણે જેની પરિક્રમા કરવાની હોય તેને આપણા જમણા હાથ તરફ રાખી તેની આજુબાજુ ગોળ-ગોળ ફરવાની ક્રિયાને પરિક્રમા અથવા પ્રદક્ષિણા કહેવાય.  પ્રદક્ષિણા સમાહિત ચિત્તે મંત્રજપ અથવા ભગવાનનું નામ લેતાં-લેતાં ધીમે ધીમે કરવી જોઈએ.  સગર્ભા સ્ત્રી જેમ ગર્ભસ્થ શિશુનું ધ્યન રાખી ઝડપથી ચાલતી કે દોડતી નથી તેમ પરિક્રમામાં પણ અંતર્યામી ઈશ્વરનું સતત સ્મરણ કરતાં સાધારણ ગતિથી ચાલવું જોઈએ.  આમ ઇષ્ટદેવનાં ધ્યાન-ચિંતન સહિત શાંતભાવથી થતી પરિક્રમા જ સાધના છે.

 

પરિક્રમા અનેક રીતે કરી શકાય છે.  પગે ચાલીને, દંડવત્ કરતાં કરતાં, આળોટતાં આળોટતાં અને વાહન દ્વારા.  આ સર્વમાં ખુલ્લા પગે ચાલીને કરવામાં આવતી પરિક્રમા જ શ્રેષ્ઠ છે;  કારણ કે તેમાં બંને તટનાં સમગ્ર તીર્થો-સંગમોમાં યાત્રી જઈ શકે છે અને સ્નાન, દર્શન, પૂજન કરી શકે છે.

 

દંડ્વતી પરિક્રમા કે આળોટતાં આળોટતાં થતી પરિક્રમા વિકટ તપશ્ચર્યા જરૂર છે.  પરંતુ તેમાં મા નર્મદાનું સાંનિધ્ય છોડીને ઉપરના માર્ગે જવું પડતું હોવાથી નિત્ય નર્મદા સ્નાન, તીર્થ દર્શન આદિ થઇ શકતાં નથી.

 

વાહન દ્વારા થતી પરિક્રમામાં પણ માત્ર મુખ્ય મુખ્ય તીર્થોનાં દર્શન આદિ કરી શકાય છે.  વૃદ્ધ, રોગી, અશક્ત જે ચાલીને પરિક્રમા ન કરી શકે તે વાહન પણ કરે તો પરિક્રમા ન કરવા કરતાં ચઢિયાતું જરૂર છે જ.

 

સમય :

 

પતિતપાવની મા નર્મદાના બંને તટ પર અનેક તીર્થો, દેવ મંદિરો, અને નદી સંગમો આવેલાં છે.  પરિક્રમાને ઉપાસના તરીકે સ્વીકારીને સાધક નિષ્ઠાપૂર્વક નિત્ય નર્મદા સ્નાન, દેવપૂજન, જપ-તપ કરતાં પરિક્રમા કરે તે જ સર્વોત્તમ છે.  શાસ્ત્રાનુસાર કેટલા દિવસ ક્યાં તીર્થોમાં નિવાસ કરવો, વર્ષાઋતુના ચાર મહિના કોઈ એક સ્થળે સ્થિર થવું આદિને ધ્યાનમાં રાખી સમગ્ર પરિક્રમા ત્રણ વર્ષ, ત્રણ મહિના અને ત્ર દિવસમાં પૂર્ણ કરવી જોઈએ.

 

પોતાની માન્યતાની પૂર્તિ અર્થે સકામભાવથી પરિક્રમા કરનારા પોતાની અનુકૂળતા મુજબ તેથી ઓછા સમયમાં પણ પરિક્રમા કરી શકે છે.  કવચિત્ કોઈ વીર સાધક પોતાના જપ-તપ અનુષ્ઠાનની સિદ્ધિ અર્થે માત્ર એકસો આઠ દિવસમાં પણ પરિક્રમા કરતા હોય છે.  કોઈ કોઈ સાધક બારવર્ષ પરિક્રમા કરવાનું વ્રત પણ લેતા હોય છે.  તેઓ નર્મદા તટના પ્રસિદ્ધ પવિત્રતમ સ્થાનોની શિદ્ધભૂમિમાં જપ – તપ – ધ્યાન માટે લાંબો સમય નિવાસ કરતાં કરતાં શાંતિથી આગળ વધતા હોય છે.

 

માર્ગ :

 

સામાન્ય રીતે નર્મદાના કિનારે કિનારે જ સાધકે ચાલવાનું છે.  કિનારાનો માર્ગ કવચિત્ એકદમ સરળ અને લીલા ઘાસથી છવાયેલો મખમલી હોય છે, તો કવચિત્ પથ્થરો, કહ્ડકો, કાંકરા – કાંકરીથી ભરપૂર;  અને રેતીનાં લાંબા લાંબા ભાઠાં તો અનેક ઓળંગવા પડે જ.  માર્ગમાં અનેક ઝરણાં તથા નાની મોટી નદીઓ અને નાળાં પાર ઉતારવાનાં હોય છે.  ઊંચા ઊંચા ટેકરાઓની ચઢ=ઉત્તર પણ ખરી જ.  જ્યારે કિનારાનો માર્ગ જંગલ-ઝાડીથી દુર્ગમ બની જાય યા કિનારે ચાલી શકાય તેવી પગદંડી પણ ન હોય ત્યારે ઉપરના માર્ગે આગળ વધવાનું હોય છે.  છતાં આ માર્ગ પણ સરળ તો નથી જ.  જંગલ-ઝાડીમાં ભૂલા પડવાનો સંભવ ખરો જ.  અલબત્ત, મા નર્મદા સર્વ સ્થળે, સર્વ સમયે તેના આશ્ચ્રિતની અચૂક સંભાળ રાખે છે.  એવો પ્રત્યેક પરિક્રમા કરનારનો અનુભવ છે.  માર્ગમાં ગોખરું – કાંટા વગેરેથી તથા નદી-નાળામાં ચીકણા કાદવથી બચીને સાવધાનીપૂર્વક ચાલવાનું હોય છે.  લક્કડકોટનું જંગલ અને શૂલપાણિની ઝાડીની યાત્રા ખરેખર વિકટ છે.  આ સમગ્ર પરિક્રમા કોઈ પણ પ્રકારના વાહનના ઉપયોગ કર્યા સિવાય ખુલ્લા પગે માત્ર ચાલીને જ કરવામાં ખરી કસોટી તથા સાચી તપશ્ચર્યા છે.

 

ધર્મશાળા – સદાવ્રત :

 

નર્મદા પરિક્રમા સેંકડો વર્ષોથી ચાલતી આવી છે ને હજારો વ્યક્તિઓ તે કરતા રહ્યા છે.  તેમની સુવિધા માટે બંને તટનાં અનેક ગામો-નગરોમાં સુખી-દાતા-ગૃહસ્થો તરફથી તથા સંત-સાધુઓના આશ્રમોમાં નિવાસ અને ભિક્ષાનો પ્રબંધ કરવામાં આવેલો છે.  લગભગ પ્રત્યેક સ્થળે મુકામ માટે કાચી યા પાકી ધર્મશાળા બાંધેલી છે.  મધ્યપ્રદેશનાં ગામોમાં કિનારા પર કવચિત્ પાકી ધર્મશાળા જોવા મળે છે.  સામાન્ય રીતે માટી-કરાંઠાની બનાવેલી કુટિ જ હોય છે અથવા ક્યાંક ઉપર પતરાં છાયેલી ઓરડી હોય છે.  તેમાં અન્ય કોઈ સુવિધા – પાણી કે પ્રકાશની હોતી નથી.  જ્યાં તે પણ ન હોય ત્યાં કોઈ મંદિરમાં યા તેના ઓટલા પર અથવા ગામના સરપંચ – પટેલ કે બ્રાહ્મણના ઘેર નિવાસ કરવાનો હોય છે.  જંગલપ્રદેશમાં ભીલોની ટાપરી અથવા ખુલ્લામાં રહેવું પડે.  કવચિત્ નર્મદાતટે રેતીના ભાઠામાં ખુલ્લા આકાશ નીચે પણ પરમાનંદ માણી શકાય.  અલબત્ત, નદી તટે મગર કે પાણી પીવા આવતાં વન્ય પશુઓથી સાવધાન રહેવું પડે.  તદ્દન નિર્જન અને એકાંત સ્થળે નિવાસ કરવો હિતાવહ નથી.

 

જ્યાં સદાવ્રત હોય છે ત્યાંથી ‘નર્મદે હર’ કહી ભિક્ષા માંગતા સામાન્ય રીતે કાચી ભિક્ષાસામગ્રી મળે છે.  મોટે ભાગે ઘઉં, બાજરી, જુવાર કે મકાઈનો લોટ તથા તુવેર, મગ, ચણા કે  મસુરની દાળ તથા મીઠાનો ગાંગડો ને આખાં સૂકા મરચાં મળતાં હોય છે.  કવચિત્ ચોખા, ગોળ પણ મળી શકે.  કિનારાનાં ગામોમાં આવતી દુકાનોમાંથી ચા, ખાંડ, અગરબત્તી, ચણા, ગોળ જેવી વસ્તુઓ પણ અપાય છે.  જે સ્થળે મોટા આશ્રમ કે મંદિર હોય ત્યાં અન્નક્ષેત્રમાંથી ભોજન પણ મળી જાય.  કવચિત્ ગામના કોઈ સદ્દગૃહસ્થ આદરપૂર્વક પોતાના ઘેર લઇ જઈને જમાડે પણ ખરા.  ટૂંકમાં, નર્મદામૈયા ક્યારેય કોઇપણ યાત્રિકને ભૂખ્યો રાખતી નથી.  સ્વયં ભીક્ષા ન રાંધનાર સંન્યાસીને સર્વત્ર તૈયાર ભિક્ષા પણ મળી જાય છે.  મધ્યપ્રદેશમાં નર્મદાતટનાં ગામડાઓની વસ્તી ગરીબ જરૂર છે પણ તેમના હૃદય વિશાળ છે.

 

પરિક્રમાનું સ્વરૂપ :

 

સામાન્ય રીતે નર્મદાતટના કોઈ પણ સ્થળેથી પરિક્રમાનો આરંભ થઇ શકે છે.  મા નર્મદાને જમણા હાથે રાખીને આગળ વધી સમગ્ર પ્રવાહની ચારેબાજુ ગોળ ફરીને જ્યાંથી પરિક્રમા શરૂ કરી હોય ત્યાં આવતાં પરિક્રમા પૂર્ણ થઇ ગણાય.  માર્ગમાં ક્યાંય મા નર્મદાના પ્રવાહનું ઉલ્લંઘન થવું ન જોઈએ.  જો નર્મદાપ્રવાહ ઓળંગી જવાય તો પરિક્રમા ખંડિત થઇ ગણાય.  સામાન્ય રીતે છેક ઉપરના પ્રદેશમાં ખાસ કરીને ભીમકુંડથી અમરકંટક સુધીમાં મા નર્મદાનો પ્રવાહપટ ખીણ થઇ જતો હોવાથી તેને અન્ય નદી યા નાડું સમજી ઓળંગી જવાનો ડર રહે છે માટે તે પ્રદેશમાં સાવધાન રહેવું જરૂરી છે.

 

સકામ પરિક્રમા :

 

કેટલાક માણસો આર્થિક ઉન્નતી, સંતાનપ્રાપ્તિ, રોગમુક્તિ અથવા અન્ય કોઈ કામનાની પૂર્તિ અર્થે પરિક્રમાની માન્યતા રાખતા હોય છે.  કામના પૂર્તિ અર્થે અથવા કામના પૂર્ણ થયા બાદ પરિક્રમા કરવામાં આવે છે.  આ પ્રકારના યાત્રિકો માત્ર પરિક્રમા કરતા હોય છે.  તીર્થોનાં દર્શન, સંગમ સ્નાન કરતાં નથી કે અન્ય વિધિ-નિષેધો પાડતા હોતા નથી.  કવચિત્ રેલ્વે યા મોટર જેવાં વાહનનો ઉપયોગ પણ કરી લેતા હોય છે.  પરિક્રમામાં સકામ યાત્રીઓ વિશેષ હોય છે.

 

નિષ્કામ પરિક્રમા :

 

મા નર્મદાની પ્રસન્નતા અને કૃપાપ્રાપ્તિ અર્થે નિષ્કામ ભાવે પરિક્રમા કરનારાઓમાં મુખ્યત્વે વિતરાગી સાધુઓ, સંન્યાસીઓ અથવા કોઈક સાધક યા સત્પુરુષો હોય છે.  તેઓ મા નર્મદાની સાથે સાથે સમસ્ત તીર્થોની યાત્રા, દર્શન-પૂજન-જપ-તપ આદિ કરતાં હોય છે.  જો કે તેઓની સંખ્યા અલ્પ હોય છે.

 

નર્મદા પરિક્રમાની સામાન્ય પદ્ધતિ એવી હોય છે કે મા નર્મદાના સમગ્ર પ્રવાહની આજુબાજુ ગોળાકારે ફરવું.  દા.ત. અમરકંટકથી પરિક્રમા આરંભ કરી પ્રથમ દક્ષિણતટે ચાલીને રેવા -સાગરસંગમે પહોંચવું.  નવ દ્વારા સાગર પાર કરી ઉત્તરતટનો માર્ગ પકડીને અમરકંટક પહોંચી પરિક્રમા પૂર્ણ કરવી.  જે સ્થાનો પ્રવાહમાં બેટ સ્વરૂપે હોય ત્યાં જઈ શકાય નહિ.  ઓંમકારેશ્વરનું સ્થાન બેટ સ્વરૂપે હોવાથી પરિક્રમા પૂર્ણ થયા પછી ત્યાં જઈને દર્શન-પૂજન આદિ કરતાં પરિક્રમા સંપૂર્ણ થઇ ગણાય.  (પરિક્રમા દરમિયાન ઓમકારેશ્વર મંદિરના દર્શન કરવા જઈ શકાતું નથી.)

 

કેટલાક યાત્રીઓ રેવા-સાગરસંગમેથી પાર ઉતરતા નથી.  જેમ શિવમંદિરમાં પરિક્રમા કરતાં શિવનિર્માલ્ય જલધારાને ઓળંગાય નહિ તેમ મા નર્મદાના પ્રવાહને અહીં રેવા-સાગરસંગમે પણ ન ઓળંગાતાં ત્યાંથી પાછા વળે છે.  આ પરિક્રમા બે રીતે થાય છે. –

 

(૧)    રેવા – સાગરસંગમ ઉત્તરતટેથી પરિક્રમા આરંભી અમરકંટક થઈને દક્ષિણતટે રેવા-સાગરસંગમે પહોંચી પૂર્ણ કરવી.

 

(૨)    અમરકંટકથી પરિક્રમા આરંભી દક્ષિણતટે રેવા-સાગરસંગમે પહોંચી ત્યાંથી પાછા વળી અમરકંટક આવવું.  અહીંથી આગળ વધી ઉત્તરતટે રેવા=સાગરસંગમે પહોંચી, ત્યાંથી વળીને મૂળ આરંભસ્થાન અમરકંટકે આવતાં પરિક્રમા પૂર્ણ થાય.  આમાં બેવડી પરિક્રમા થાય છે.  પરંતુ એક રીતે આ ‘પ્રદક્ષિણા’ ન કહેવાય.  કારણ કે મા નર્મદા સમગ્ર પરિક્રમા દરમ્યાન દક્ષિણ હસ્તે (જમણા હાથે) રહેતા નથી.  રેવા- સાગરસંગમથી પાચા વળતાં મા નર્મદા ડાબા હાથે રહે છે.  કવચિત્ કોઈ અ પ્રકારની પરિક્રમા કરતાં હોય છે ખરા.

મા નર્મદાના એક જ તટ પર સળંગ ન ચાલતાં ક્યારેક સામા તટે પણ જઈને તીર્થદર્શન યા સંગમસ્નાન કરવાની પદ્ધતિથી થતી પરિક્રમા હનુમત્ પરિક્રમા છે.  પરંતુ પરિક્રમાની જે વ્યાખ્યા છે તે અનુસાર આને પરિક્રમા જ ન કહેવાય.

 

પરિક્રમાના મુખ્ય નિયમ મા નર્મદાના પ્રવાહનું ક્યાંયે ઉલ્લંઘન ન કરવું – નું જ તેમાં પાલન થતું નથી.  સહેલાણીઓ આ રીતે યાત્રા કરી શકે છે.  મા નર્મદાના ઉત્તર કે દક્ષિણતટના કોઈ પણ સ્થળેથી પરિક્રમા શરૂ કરી શકાય છે.  પરંતુ ઉદ્ગમસ્થાન અમરકંટક, રેવા-સાગરસંગમ, કટિસ્થાન નેમાવર અને નાભિસ્થાન ઓમકારેશ્વરથી પરિક્રમાનો આરંભ ઉત્તમ માન્યા છે. (કેટલાક માટે નેમાવર નાભિસ્થાન છે.)

 

(નર્મદેહર અન્નક્ષેત્ર, તિલકવાડા આશ્રમવાસી આત્મકૃષ્ણ મહારજની ‘ચાલો મા નર્મદાની પરિક્રમાએ…’ પુસ્તકમાંથી સાભાર.)

 

 

(રાજ. ૦૨-૧૧/(૧૫-૧૯/૪૯૯-૫૦૩)

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 

 બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

મધ્યકાલીન યુગનું સાક્ષી બનેશ્વર. …(ઘર આંગણું …)

મધ્યકાલીન યુગનું સાક્ષી બનેશ્વર. … (ઘર આંગણું…)

 

 

 

 baneshwar

 

બનેશ્વર…….. મધ્યકાલીન યુગનું સાક્ષી એવું બનેશ્વર……………..નિસર્ગને ખોળે વસીને ભાવિકોની રાહ જોતું બનેશ્વર,મહારાષ્ટ્ર સરકારનું હેરિટેજ બનેશ્વર,અભયારણ્ય બનેશ્વર, બર્ડ સેન્ચુરી બનેશ્વર………..આ સિવાય પણ કેટલાયે નામોથી બનેશ્વરને ઓળખી શકાય છે. શહેરી ધામધૂમથી ભરેલા વાતાવરણમાં એક ખૂણો એવો પણ છે જે મધ્યકાલીન સમયમાં થઈ ગયેલા નાના સાહેબ પેશવાનાં સમયની દસ્તક મહોર મારી રહ્યો છે. મુંબઈથી ૨૦૦ કિલોમીટરની દૂરી પર અને પૂનાથી ફક્ત ૩૫ કિલોમીટરની દૂરી પર પુણે –સતારા હાઇવે ઉપર નસરાપુર ગામ આવે છે. આ ગામની ભીતરમાં મોઠા નદીને ખોળે બનેશ્વર લિંગ આવેલ છે. અત્યાર સુધી આ સ્થળ એક નાનકડા ગામનું એક નાનકડું મંદિર તરીકે ઓળખાતું હતું. પરંતુ થોડા સમય પૂર્વે આ સ્થળને મહારાષ્ટ્ર સરકારે મહારાષ્ટ્રનું હેરિટેજ અને બર્ડ સેન્ચુરી તરીકે જાહેર કરેલ છે. આ મંદિર ગામની ભીતર છે તેથી આ મંદિર સુધી પહોંચવા માટે આખા ગામને પસાર કરવું પડે છે, અને ગામનો અંત આવે છે ત્યાં આ મંદિર આવે છે. સામાન્ય રીતે ગામ પૂર્ણ થાય પણ માર્ગનો અંત નથી થતો તે માર્ગ યાત્રિકોને આગળનાં જનજીવન તરફ લઈ જાય છે. પરંતુ અહીં ગામનાં અંત સાથે પૂર્ણ થતો માર્ગ ટુરિસ્ટોને અલભ્ય વનવનસ્પતિનાં વનમાં,રીંછ-વાઘનાં અભયારણ્યમાંઅને વિવિધ પક્ષીઓની રંગબેરંગી દુનિયામાં લઈ જાય છે.

 

બનેશ્વરનો ઇતિહાસ :- આ સ્થળનો ઇતિહાસ ઘણો જ રોચક છે.  કહેવાય છે કે એક સમયે આ સ્થળે સૂર્યનાં કિરણો પણ પ્રવેશી ન શકે તેવા વડનાં વૃક્ષોનું વન હતું. આજે ગામથી મંદિર તરફ જતાં ગાઢ તો નહીં પણ તેમ છતાં અનેક વટવૃક્ષ જોવા મળે છે.  મંદિરની સામે અને મંદિરની પાછળનો ભાગ પણ વટવૃક્ષોથી ઘેરાયેલો છે. મંદિરની ઉત્તર તરફથી અભયારણ્ય તરફ જતાં વન ગાઢું થતું જાય છે. આ મંદિરની સ્થાપના ૧૭૨૯ માં નાના સાહેબ અને તાત્યા ટોપે સાથે રહીને કરેલી હતી. પરંતુ આ મંદિરની નાનકડી સ્થાપના બાદ નાનસાહેબ અને તાત્યા ટોપે અંગ્રેજો સાથેની લડાઈમાં વ્યસ્ત બની ગયાં હતાં. જે સમયે નાના સાહેબ અંગ્રેજો સામે લડવામાં વ્યસ્ત હતાં તે સમયે આ સ્થળે પણ  અનેક યુધ્ધો જોયા, પરંતુ સૌથી મહત્તમ યુધ્ધ ૧૭૩૫ માં અને ૧૭૩૯ માં જોયું. આ યુધ્ધ બાદ થોડા સમય માટે આ સ્થળ વિરાન પડી રહ્યું પરંતુ થોડા સમયની વિરાનગી બાદ ફરીઆ સ્થળ સૂર્યનાં કિરણોમાં ઝળહળિત થવા લાગ્યું.૧૭૩૫ માં આ સ્થળને પોર્ટુગીઝો દ્વારા જીતી લેવાયું હતું. ત્યારબાદપોર્ટુગીઝો પાસેથી ૧૭૩૯ માં ફરી આ સ્થળને પેશવા સરકારનાં સાથી ચિમાજી અપ્પા દ્વારા જીતી લેવાયું ત્યારે પોર્ટુગીઝ ચર્ચ તરફથી ૧૬૮૩માં બનેલો વિશાળ ઘંટ વિજય ચિન્હનાં રૂપમાં ભેંટ સ્વરૂપે દેવામાં આવ્યો. આ ઘંટને ચિમાજીએ મંદિરને અર્પણ કર્યો તે આજે પણ મુખ્ય મંદિરમાં જોવા મળે છે.આ ઘંટ ઉપર ૧૬૮૩ ની સાલ અને ક્રોસનું ચિન્હ જોવા મળે છે. ૧૭૩૯ નાં આ યુધ્ધ પછી આ સ્થળ ઘણા વર્ષો સુધી પેશવાઑ પાસે રહ્યું, પરંતુ તે દરમ્યાન આ સ્થળની તો રક્ષા થઈ પણ મંદિરનું કાર્ય અધૂરું રહી ગયું હતું જે ૧૭૪૯માંનાનાસાહેબનાં પુત્ર બાજીરાવ પેશવાએ પૂર્ણ કરાવ્યું હતું.  તે સમયે બાજીરાવ પેશવાએ ૧૧, ૪૨૬ રૂપિયા, ૮ આના અને ૬ પૈસાનો ખર્ચ કર્યો હતો.

 

 
baneshwar.temple
 

 

મંદિર :- ૨૬૪ વર્ષ જૂના આ આખા મંદિરને કાળા પથ્થરોથી બનાવવામાં આવેલ છે. આ મંદિર ઉપર ભીમાશંકર મંદિરનો ઘણો જ પ્રભાવ છે. બાજીરાવ પેશવાનો એવો મત હતો કે દેવસ્થાનમાં જતી વખતે મસ્તકને દેવનાં ચરણમાં નમાવીને જવું જોઈએ આજ મતને આધારે તેમણે ભીમાશંકર જ્યોતિર્લીંગની જેમ આ મંદિરમાં પણ પ્રવેશ કરવા માટે થોડા પગથિયાં નીચેથી લીધેલા અને મંદિરનો મુખ્ય દરવાજો પણ નીચો રાખેલો તેથી આજે પણ મંદિરમાં પ્રવેશ કરતી વખતે સૌ પ્રથમ મસ્તક નીચું કરવું પડે છે અન્યથા માથા પર પથ્થરોની બનેલી છત લાગી જાય છે. ટૂંકમાં કહેવું હોય તો આ મંદિર જમીનની સમથળમાં નથી પણ જમીન લેવલથી નીચે છે.

 

આ મંદિરમાં ઉત્તરાભિમુખમાં ભગવાન શિવ બિરાજેલ છે અને મંદિરનાં દક્ષિણાભિમુખમાં ભગવાન વિષ્ણુ, ભગવતી લક્ષ્મીજી અને મારુતિનંદનની સ્થાપના થયેલી છે. મંદિરનાં આંગણમાં શિવકુંડ અને ગૌમુખ કુંડ નામના બે કુંડો આવેલા છે. મંદિરનાં ગર્ભગૃહ બિરાજેલ શિવલિંગની નીચેથી શિવગંગા કહેવાતી મોઠા નદીનો એક પ્રવાહ નીકળે છે. આ પ્રવાહ ગૌમુખ કુંડમાં થઈ શિવકુંડમાં આવે છે. પરંતુ કુંડમાં પણ આ પાણી સ્થિર નથી તેથી આ પાણી મંદિરની ભીતરથી વહેતું રહે છે. સતત વહેતા પાણીને કારણે આ બંને કુંડ ખૂબ સ્વચ્છ અને સુંદર છે.

 

 
baneshwar.1
 

 

મંદિરની આસપાસ :- મંદિરની પાછળ મોઠા નદી દ્વારા સુંદર વોટર ફોલ્સ રચાયેલ છે. આ ફોલ્સ સુંદર તો છે પરંતુ પથ્થર ઉપર લીલ ઘણી જ છે તેથી ફોલ્સમાં ઉતારવા માટે ઘણું જ ધ્યાન રાખવું પડે છે. આ ઉપરાંત નાના નાના સુંદર ઝરણાઑ પણ અહીં ઘણા છે તેથી ખાસ કરીને વર્ષાઋતુમાં ટુરિસ્ટો ખાસ કરીને આ ઝરણાઑમાં ન્હાવાની મજા લેવા માટે આવી જાય છે. મંદિરમાંથી બહાર નીકળતા જ અભયારણ્ય શરૂ થઈ જાય છે. આ આખા વનમાં જોવા માટે લગભગ ૨ દિવસ લાગે છે પરંતુ બે દિવસ ન કાઢવા હોય તો પિકનિક તરીકે પણ આ સ્થળ ઉત્તમ છે. હાલમાં જ આ વનપ્રદેશને શાંતિથી જોવા માટે અહીંથી ટ્રેકિંગનો રસ્તો શરૂ કરવામાં આવ્યો છે. રાત્રિના સમયે વોટર ફોલ્સ અને મંદિર સુધી જંગલી જાનવર આવી જાય છે તેથી શિયાળામાં સાંજે ૭.૦૦ વાગ્યા પછી અને ઉનાળામાં સાંજે ૮.૦૦ પછી રસ્તો અને મંદિરના દ્વાર બંધ કરી દેવાય છે. અહીંની બર્ડ સેન્ચુરીમાં Hornbills, Blackbird, Hummingbird, Peacock, Ashy Minivet, BlueSparrow વગેરે જેવા પક્ષીઓ જોવા મળે છે.

 

મંદિરની આસપાસનાં જોવા લાયક સ્થળો :-  બનેશ્વરશિવલિંગ નસરાપુરગામમાં છે,પરંતુનસરાપુર ગામમાં પ્રવેશતા પૂર્વે પુણે સતારા હાઇવે ઉપર તિરુપતિ બાલાજીનું વિશાળ મંદિર આવે છે. જે સાઉથનાં તિરુપતિ બાલાજીની પ્રતિકૃતિ છે. આ ઉપરાંત શિવાજી મહારાજનાં કુળદેવી તુળજા ભવાનીનુંપણ મંદિર આવેલ છે. આ મંદિરની આસપાસ જોવા લાયક સ્થળોમાં કેવળ મંદિરો જ છે પરંતુ ભગવાનમાં અપાર શ્રધ્ધા ધરાવતાં ભક્તોને માટે આ દિવસભરની એક યાત્રા સમાન થઈ જાય છે.

 

ક્યાં રહેશો ? :-  બનેશ્વર હેરિટેજને જોવા માટે અહીં ઘણા ટુરિસ્ટો આવતાં રહે છે. તેથી અહીં લોજ અને ધર્મશાળાની સુંદર વ્યવસ્થા છે. લોજમાં રહેવા માટે પ્રકાશ લોજ ઘણી જ ઉત્તમ છે. અહીં ACNonAC રૂમની સુંદર વ્યવસ્થા કરેલ છે. જમવા માટે પણ ઉત્તમ ભોજનાલયો પણ મળી જાય છે.

 

 
baneshwar.2
 

 

કેવી રીતે જશો – ક્યારે જશો :-  નસરાપુર અને તેની આસપાસનાં મંદિરો જોવા માટે પૂનાથી અનેક ટુરિસ્ટ બસો ઉપડે છે. આ સિવાય મહારાષ્ટ્ર સરકારની MSRTC બસો પણ નિયમિત રીતે મળતી હોય છે. તે ઉપરાંત કેબ અથવા પ્રાઈવેટ વાહન દ્વારા પણ જઈ શકાય છે. મંદિર સુધી વાહન જઈ શકે છે પણ આ મંદિરની મુલાકાત લેવા માટે ઉત્તમ સમય સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચેનો છે. ઉનાળામાં અહીં માથું ફાડી નાખે તેવી ગરમી પડતી હોય છે તેથી ઉનાળાનો સમય ખાસ પસંદ ન કરવો. શ્રાવણ મહિનામાં અહીં પૂજા કરવાનું ઘણું જ મહત્વ છે તેથી આ સમયમાં ઘણા જ યાત્રિકો અહીં આવવાનું પસંદ કરે છે પણ તે સમયમાં અત્યંત ભીડ હોય છે. ઉપરાંત શાંતિથી દર્શન કે પૂજા થતી નથી. પરંતુ વર્ષાઋતુ દરમ્યાન અહીં પ્રકૃતિ નીખરી જાય છે તેથી આ સમયમાં આ સ્થળનું દર્શન મનને ખુશ કરી દે છે.

 

 

પૂર્વી મોદી મલકાણ. યુ એસ એ.
[email protected]

 

CopyRight:-ISBN-10:1500299901 

પાંચમી દિશા ડિસેમ્બર 2013 માં પ્રકાશિત

© Purvi Modi Malkan  2014

  

 

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
[email protected]

W.:   http://pareejat.wordpress.com

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલી પુન:પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો  સુશ્રી  પૂર્વી મોદી મલકાણ (યુએસએ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

શ્રાવણ માસની સૌ મિત્રોને શુભકામનાઓ …!

ૐ નમ: શિવાય ….!

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

નિસર્ગને ખોળે આવેલ કાસ પઠાર … (ઘર આગણું) …

નિસર્ગને ખોળે આવેલ કાસ પઠાર … (ઘર આગણું) …

 

 

KAAS PATHAR

 

 

ભારતમાં વર્ષાઋતુને સૌ કોઈ રંગેચંગે વધાવે છે. વાવણી કર્યા બાદ વરસતો વરસાદ ભરપૂર ધન ધાન્ય ઉગાડે છે. પૂરા વર્ષ દરમ્યાન આ એક માત્ર એવો સમય છે જેમાં કુદરત ચોખ્ખા જળથી નહાઈને સ્વચ્છ થઈ જાય છે.  કુદરતનાં આ સ્નાન બાદ સમગ્ર જીવસૃષ્ટિ આનંદનાં અતિરેકથી છલકાઈ જાય છે,  ત્યારે એક વિચાર હંમેશા આવે છે કે ચાલો પ્રકૃતિથી ન્હાતી કુદરતને નજીકથી નિહાળવા માટે ઘરનાં રૂટિન કાર્યોમાંથી થોડા દિવસ રજા લઈએ.  સામાન્ય રીતે આપણે કુદરત છલકાવતાં વિદેશોની ધરતી પર ફરતાં હોઈએ છીએ ત્યારે આપણને સહેજે પણ ખ્યાલ નથી હોતો કે જેને નજીકથી જોવા માટે આપણે આટલા દૂર આવ્યાં છીએ તેનાં બદલે જો ઘર આગણું બદલ્યું હોત તો આજ પ્રકૃતિનુ એક વિશિષ્ટ રૂપ જોવા મળ્યું હોત.  ચાલો તો આજે આપણે પણ એક એવું જ ઘર આંગણ બદલીએ અને વિશેષ દૂર ન જતાં નજીક જ જઈએ….

 kas pathar.3

વર્ષાઋતુ બાદ સુંદરતા શું છે ?   શું સુંદરતાની કોઈ વ્યાખ્યા છે ખરી કે?  કદાચ આ પ્રશ્નનો ઉત્તર ના જ હશે કારણ કે કહે છે કે જેવી દૃષ્ટિ હોય તેવી જ સૃષ્ટિ દેખાય છે.  પરંતુ તેમ છતાં યે સુંદરતાની કોઈ વ્યાખ્યા આપવી જ હોય તો ભારતની પશ્ચિમી ઘાટ ઉપર આવેલ શિવાજી મહારાજની અતિ પ્રિય એવી સહ્યાદ્રીની પર્વતમાળને આપણે સંપૂર્ણ સુંદરતાનું નામ આપી શકીએ.  વર્ષાઋતુમાં આ સ્થળ રહસ્યમયી વાદળો સાથે ગુફ્તગુ કરતું હોય છે, તે સમયે આ ઘાટની સુંદરતા ઓર નીખરી ઊઠે છે.  વર્ષાનાં આગમન બાદ સહ્યાદ્રી ચારેય બાજુથી રંગોની શોભા, શીતળતા, સુંદરતા અને નિખારતાથી દૃષ્ટિગોચર થાય છે ત્યારે એવું લાગે છે કે હમણાં જ કોઈ દેવકન્યાએ ભૂમિ પર પોતાનાં પ્રથમ પગલાં મૂક્યા છે. લીલીછમ લીલોતરી, જ્યાં જુઓ ત્યાંથી વહેતા સ્વયંભૂ ઝરણાઑ, ફૂલોની ચાદરથી છવાયેલ હરિયાળી ધરતી, વાદળો અને પર્વતની શિખાઓનું મધુરા મિલનનો સ્વાદ લેતી પ્રકૃતિ, અને પ્રકૃતિ સાથે વિવિધ પ્રકારનાં કિટકો, પતંગિયાઓની આંખ મિચોલીનો ખેલ જોઈ કોઈનું મન ન મોહાય તેવું બની જ ન શકે.

 kas pathar.1

નિસર્ગનાં સંપૂર્ણ સૌંદર્ય સાથે છલકાતી સહ્યાદ્રીની આ પર્વતમાળામાં સતારાથી ૨૨ કિલોમીટર અને પુણેથી ૧૩૩ કિલોમીટરની દૂરી પર કાસ પઠાર નામનું પ્રકૃતિ પ્રેમીઓ અને ફોટોગ્રાફી માટે આદર્શ અને ઉત્તમ ટુરિસ્ટ પોઈન્ટ આવેલ છે. કાસ એ માનવસર્જિત તળાવનું નામ છે. આ તળાવ લગભગ ૧૦૦ વર્ષ પહેલા બંધાયેલું તેવી માન્યતા છે અને પઠાર યાને પર્વતમાળાનો હિસ્સો. આમ સહ્યાદ્રીની પર્વતમાળાને નામ અપાયું છે કાસ પઠાર.  આમ તો આ સ્થળ ખૂબ જ સુંદર અને રમણીય છે.  વસંત (માર્ચ-એપ્રિલ) અને વર્ષાઋતુ (સપ્ટે –ઑક્ટો) દરમ્યાન અહીં ૧૬૦ પ્રકારનાં વિવિધ રંગ અને પ્રકૃતિ ધરાવતાં ફૂલ એકસાથે ખીલી ઊઠે છે ત્યારે આ સ્થળ એક અદ્ભુત વન્ડરલેન્ડમાં ફેરવાઇ જાય છે.  પરંતુ વસંત અને ચોમાસાની ઋતુ બંનેમાં ખિલતા આ વાઇલ્ડ ફ્લાવર્સનાં રંગ અને રૂપ જુદાજુદા હોય છે તેથી આ બંને સિઝનમાં ખિલતા ફૂલોને જોવાનો એક જ અલગ લ્હાવો છે.

 

ખાસ કરીને વર્ષાઋતુમાં તો આ ફૂલોનું રૂપ એકદમ અલગ હોય છે. દૂર-સુદૂર સુધી જ્યાં નજર પડે છે ત્યાં સુધી ગુલાબી, પીળા, કેસરી, જાંબલી, બ્લૂ વગેરે વિવિધ રંગોનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળે છે ત્યારે ફૂલોની નગરી પર આવી ગયાં હોવાનો અહેસાસ થાય છે.  આ ફૂલો સિવાય આ પર્વતમાળામાં લગભગ ૧૦૦૦ એકરનાં વિશાળ વિસ્તારમાં જંગલો સહિત ૩૦૦ પ્રકારનાં વન-વનસ્પતિ અને ઓર્કિડ પણ જોવા મળે છે.  અહીં જોવા મળતા અમુક shrubs અને plants માંસભક્ષી અને કીટક ભક્ષી છે. અહીં કાસ લેક ઉપરાંત કોયના ડેમ પણ આવેલો છે.  જેમ જેમ કાસ ઘાટ ચડતાં જઈએ તેમ તેમ વેલીઑમાં રહેલો કોયના ડેમ ચોખ્ખો દેખાવા લાગે છે.  આ સ્થળ મુલાકાત માટે આદર્શ સમય માર્ચ, એપ્રિલ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બરનાં પ્રથમ વીક વચ્ચે હોય છે.  અહીં આવેલ ચંડોલી નેશનલ પાર્ક અને કોયના વાઇલ્ડ લાઈફ સેંચુરીમાં વાઘનું સંવર્ધન થતું હોવાથી આ બંને સ્થળોને “Sahyadri Tiger reserve”તરીકે પ્રસિધ્ધ કરવામાં આવ્યાં છે. આ સ્થળ વનસ્પતિ અભ્યાસોમાં ભવિષ્યના સંશોધન માટે સંભવિત સાઇટ પૂરી પાડે છે, તેથી તાજેતરમાં આ સ્થળને યુનાઇટેડ નેશન્સ સાયન્ટિફિક એજ્યુકેશન ઓર્ગેનાઇઝેશન અર્થાત યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ તરીકે જાહેર કરવામાં આવ્યું છે.

 

કાસ પઠારની નજીક જોવાના અન્ય સ્થળો …

 

કાસ પઠારથી થોડે દૂર સજ્જનગઢ આવેલ છે. ૧૩૪૭ થી ૧૫૨૭ વચ્ચે આ સ્થળનું નામ અશ્વલયા રિશિ હતું જેનું કાળાતરે નામ સજ્જન ગઢ થયું. અહીં શિવાજી મહારાજનાં અનેક કિલ્લાઓમાંનો આ એક કિલ્લો છે. અહીં શિવાજી મહારાજનાં ગુરુ સ્વામી સમર્થ રામદાસજીની સમાધિ આવેલ છે. શિવાજી જયંતિને દિવસે આ કિલ્લાની પરિક્રમા કરવા માટે અનેક લોકો આવે છે. શિવાજી મહારાજ અને સહ્યાદ્રીનાં ઇતિહાસને જાણવાની ઈચ્છા રાખનારા લોકો માટે કાસ પઠાર, સતારા અને સજ્જન ગઢની ટૂર ખૂબ સારી પડે છે. આ ઉપરાંત કોયના ડેમ, ચંડોલી નેશનલ પાર્ક, ટાઇગર પાર્ક વગેરે જોવા જેવા સ્થળો છે. પરંતુ આ પાર્ક સહિત તમામ સ્થળો જોવા માટે ઓછામાં ઓછા ૨ થી ૩ દિવસ હોય તો સુંદર રીતે કુદરતમાં વસેલા આ સ્થળોને માણી શકાય છે.

 

કેવી રીતે પહોંચશો ? … 

 kas pathar.2

સતારા છોડ્યા બાદ કાસ પઠાર સુધી પહોંચવા માટે સુંદર વળાંકો વાળો ઘાટ છે. ઝીકઝાક વળતાં આ રસ્તાઓમાં સ્લો ડ્રાઇવિંગ કરતાં કરતાં રસ્તાની આજુબાજુ રહેલ સુંદરતાનો ઘૂંટ ધીરે ધીરે પીવાનો આનંદ અત્યાધિક આવે છે.  હિમાલયની ફૂલોની વેલી ન જઈ શકતાં લોકોએ આ સ્થળને પણ “ફૂલોની વેલી” નામ આપ્યું છે જે પૂર્ણ રીતે યથાર્થ છે. સ્થાનિક લોકો આ સ્થળને “પર્વતાચે ફૂલ”ને નામે ઓળખે છે. આ સ્થળે પહોંચવા પૂર્વે ઘાટ ઉપર ટોલનાકું છે જ્યાં ટોલભર્યા બાદ અને ટિકિટ લીધા બાદ આગળ વધી શકાય છે.

 

મુંબઈ-પૂનાથી સતારા અને ત્યાંથી કાસ પઠાર સુધી પહોંચવા માટે ટેક્સી, બસ વગેરેની સુવિધા મળી જાય છે. પરંતુ ઘાટ, હરિયાળી, અને ખીલી રહેલી પ્રકૃતિનાં વિવિધ એંગલથી ફોટાઓ લેવા માટે પોતાની કાર હોય વધુ સારું પડે છે.  સતારામાં ફૂડ હોલ્ટ લેવા માટે હાઇવે ઉપર આવેલ Kas Lake, Maharaja વગેરે બે-ત્રણ સારી હોટેલ મળી જાય છે, પરંતુ પ્રોપર સતારામાં સારી હોટેલની કમી છે.  ઉપરાંત અહીં બપોરે ૨.૦૦ વાગ્યા સુધી જ ફૂડ મળે છે બપોરે ૨:૦૦ વાગ્યાથી સાંજનાં ૫-૩૦ સુધી હોટેલ બંધ રહે છે. તદ્પરાંત સતારા છોડયા બાદ કાસ પઠાર સુધીનાં રસ્તાઓ પર ફૂડ કે પાણી મળતું નથી, માટે આ જરૂરિયાતોને સતારાથી જ પૂર્ણ કરી દેવી અથવા પૂર્ણ સ્ટોક લઈને નીકળવું જેથી તકલીફ ન પડે. આ ઉપરાંત ફૂલો ખીલવાની સિઝનનો સમય જાણીને જ નીકળવું જરૂરી છે, અન્યથા ફેરો ફોગટ ગયો હોવાની લાગણી થાય છે.  ઇંગ્લિશમાં Kas plateau અને મરાઠીમાં કાસ પઠાર તરીકે ઓળખાતા આ સ્થળની મુલાકાત લેવા માટે  http://www.kas.ind.in  મારફતે રજીસ્ટર કરાવવું સારું પડે છે.

 

ઇતિહાસ, ફોટોગ્રાફી, કુદરત અને વર્ષાઋતુને માણવાની ઈચ્છા રાખનારાઓ આવતી નવરાત્રિ અને દિવાળીએ સતારા અને કાસ પઠારની ટૂર માટે તૈયારી કરવાનું ન ભૂલશો. All the Best.

 

 

પાંચમી દિશા ડિસેમ્બર 2013 માં પ્રકાશિત

© Purvi Modi Malkan  2014

  

 

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
[email protected]

w.http://pareejat.wordpress.com

 

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલી પુન:પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો  સુશ્રી  પૂર્વી મોદી મલકાણ (યુએસએ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 આજથી પ્રારંભ થતા શ્રાવણ માસની સૌ મિત્રોને શુભકામનાઓ …!

ૐ નમ: શિવાય ….!

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 
twitter a/c : @dadimanipotli

 
facebook at : dadimanipotli