(૧) કળીઓના રોગ જેવો ભક્તિનો ઘમંડ …અને (૨) અહમ્ … (બોધકથાઓ) …

(૧) કળીઓના રોગ જેવો ભક્તિનો ઘમંડ …

 

 

નારદના ચિત્તમાં એક વાર ઘમંડ જન્મ્યો કે પોતાના કરતાં મોટો ભક્ત કોઈ નથી.  એમનું મન વાંચી ભગવાને કહ્યું : ‘નારદ, અમૂક  જગ્યાએ જાઓ.  ત્યાં એક મહાન ભક્ત વસે છે.  એની ઓળખાણ કરજો.  કારણ, એ મારો સનિષ્ઠ ભક્ત છે.’  નારદ ત્યાં ગયા અને જોયું તો એક ખેડૂ હતો.  એ વહેલો ઊઠતો અને એક જ વાર હરિનું નામ બોલી, હળ લઇ ખેતરે ઉપડી જતું અને આખો દહાડો એ ખેડ કરતો.  રાતે ફરી વાર હરિનામ બોલી એ ઊંઘી જતો.  નારદ મનમાં વિચારવા લાગ્યા : ‘આ ગામડિયો ભગવાનનો મહાન ભક્ત શી રીતે હોઈ શકે ?  હું એને આખો દાહ્ડો સાંસારિક કાર્યોમાં વ્યસ્ત જોઉં છું.  અને એનામાં પવિત્રતાનું કોઈ ચિહન જોવા મળતું નથી.’  પછી નારદજી ભગવાન પાસે પાછા ગયાં અને પોતે કરેલી નવી ઓળખાણ બાબત પોતે જે માનતા હતા તે કહ્યું.  એટલે ભગવાને નારદના હાથમાં તેલ ભરેલો એક પ્યાલો આપી કહ્યું : ‘નારદ આ તેલનો પ્યાલો લઇ આ નગરની પ્રદક્ષિણા કરી લાવો.  પણ તેલનું એક ટીપુંયે ઢોળાઈ નહીં એનું બરોબર ધ્યાન રાખજો.’  નારદે કહ્યા પ્રમાણે કર્યું અને એ પાછા આવ્યા ત્યારે ભગવાને પૂછ્યું : ‘વારુ, નારદ, તમે નાગર ફરતે જતાં હતા ત્યારે તમે મેં કેટલી વાર યાદ કર્યો હતો ?  ‘એક વાર પણ નહીં, પ્રભુ’, નારદે કહ્યું, ‘આ તેલ છલછલતા પ્યાલાનું ધ્યાન રાખવાનું હોય ત્યાં, તમને સ્મરવાનું શી રીતે બને ?’  એટલે ભગવાન બોલ્યા : ‘ આ એક તેલના પ્યાલાએ તમારું ધ્યાન એવું તો બીજે વાળ્યું કે તમે મને સદંતર ભૂલી જ ગયાં.  પણ પેલો ગામડિયો જુઓ.  કુટુંબ અને સંસારનો ભાર વેંઢરતો એ રોજ મને બે વાર સ્મરે છે.’

 

(રા.જ. ૧-૧૧(૪) (૪૪૨) )

 

(૨)  અહમ્ …

એક શિલ્પી હતો. તે પથ્થરમાંથી બેનમુન મુર્તિઓ કંડારતો. તે એટલી સુંદર મુર્તિઓ કંડારતો કે જોનારને એમ લાગે કે આ હમણા જ બોલી ઊઠશે. એક વખત એક પ્રખર જયોતિષી શિલ્પીને મળવા આવ્યો. તેણે શિલ્પીને કહ્યુ કે “પંદર દિવસ પછી તારું મૃત્યુ થવાનું છે.” શિલ્પી મોતથી બચવાનો ઊપાય વિચારવા લાગ્યો. તે મનમાં બોલ્યો, “હું મારી કલાનો ઊપયોગ કરીને યમદુતોને છેતરીશ.”

શિલ્પીએ રાત – દિવસ મહેનત કરીને પોતાના જેવા જ છ પૂતળા કંડાર્યા. પૂતળા એવા આબેહુબ બન્યા કે કોઇ જાણી ન શકે કે આમાં શિલ્પી કોણ હશે ? પંદર દિવસ પુરા થયા શિલ્પીનો મૃત્યુદિન આવી પહાચ્યો. શિલ્પી એક ઓરડામાં છ પૂતળા સુવડાવી દિધા તે પોતે પણ પૂતળાની વચ્ચે સૂઇ ગયો. યમદૂતો શિલ્પીને લેવા આવ્યા. તેમણે ઓરડામાં સાત શિલ્પી જોયા. તેઓ મુંજવણમાં મુકાઇ ગયા. હવે શું કરવું? એક યમદૂત ચાલક હતો તેણે કહ્યું શિલ્પી હોશીયાર છે તેણે એક જ ભૂલ કરી છે. શિલ્પી ઊભો થઇ બોલ્યો, મારા હાથે ભૂલ ન થાય ભૂલ બતાવો યમદૂત કહે આજ ભૂલ કે, તું ઊભો થઇ ગયો.

યમદૂતો શિલ્પીને લઇને ચાલતા થયા.

 

બોધ- માણસનો અહમ‌ તેનો વિનાશ સર્જે છે….

 

 સૌજન્ય : અજ્ઞાત …

 

બ્લોગ લીંક:http://das.desais.net
email: [email protected]

 

આજની પોસ્ટની બોધકથાઓ આપને પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર જરૂર મૂકશો જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે. આભાર … ! દાદીમા ની પોટલી’.

ઉખાણા .. (ભાગ-૪) …

ઉખાણા .. (ભાગ-૪ ) …

 

આજે આપણે ઘણા સમયબાદ, ફરી એક વખત  થોડા કોયડાઓ  – ઉખાણા ને જાણીશું અને માણીશું. ‘દાદીમા ની પોટલી’ પર ઉખાણા ની પોસ્ટ મોકલવા બદલ અમો પૂર્વી મોદી -મલકાણ (યુ.એસ.એ.) ના અંતરપૂર્વકથી આભારી છીએ…  આજના ઉખાણા નો આપનો ઉકેલ/જવાબ બ્લોગ પોસ્ટ પર જરૂર મૂકશો અને આવતીકાલે ફરી અહીં આવી અમારા જવાબ સાથે તમારો જવાબ મેળવશો … તો ચાલો તૈયાર છો  ને! 
આજ ની પોસ્ટ પસંદ આવી હોય  તો જરૂર આપના પ્રતિભાવ આપના જવાબ સાથે બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો,  આપના તરફથી મળેલ દરેક પ્રતિભાવ લેખક ની કલમને સદા બળ પૂરે છે.

 

૧)  સવારે આવીને સાંજે જતો
રાત્રે પાછો ન દેખાતો.                                         

 

૨) મારી છાયા તું જ માં સમાતી,
મોટી થતાં તું હું બની જતી.                                

 

૩) અંધારાને ચીરી આગળ વધતી

જેમ આગળ વધતી તેમ રોશની પાથરતી જતી                        

 

૪) કાળો કલુટો છું તેમ છતાં છે ન્યારી મારી શાન,
શિક્ષક લે છે મારાથી કામ, તેથી દઉં છું સૌને જ્ઞાન.                               

 

૫) આખી રાત જોઈ વર્ષા અનોખી, શહેર આખું સવારે ન્હાયું
પાણી તો ઘણું શુધ્ધ હતું, પણ પી ન શક્યું કોઈ.

 

૬) ઘણા લોકો મને કહે ફળ, તો ઘણા લોકો કહે શાક
ગોળ મટોળ ને લાલમ લાલ છું હું , મને ખાઈને રહો તરોતાજા.

 

૭ ) મને આગ લગાવો તો ગરમ પાણી વહેવા લાગે,
મારી આગ બુઝાવો તો ઠંડી પડી જામી જાઉં.

 

૮) માથા સાથે મારે અનોખો સંગ, ને પથારીમાં છે મારો અનોખો રંગ
બોજ ઉપાડું છું આપનો તોયે આરામથી આપને સુવડાવવાનું મારું કામ.

 

૯) દોડવામાં હું પાક્કો છું, શક્તિનું હું ઉદાહરણ છું
ઘણા રંગોમાં મળી જાઉં છું, મારું નામ બોલો ચતુર સુજાણ.

 

૧૦) બેસી રહે ઘરના ખૂણે એકલું અટુલું, ઘરની બહાર નથી જાતો
તોયે દુનિયાભરની વાતો સંભળાવું, ને સંદેશા તમારા સુધી પહોંચાડતો.

 

૧૧ ) તૂંબડાં જેવુ માથું લઈને, ધમધમ કરતો જાય
સૂપડા જેવા કાન હલાવી ઊભો ઊભો ન્હાય.

 

૧૨) બંનેની છે કાયા સરખી પણ રંગે તો છું જુદેરો
સાથે સાથે ચાલતાં ને સાથે સાથે ઊભા રહેતા, તોયે અમે એક કહેવાતાં.

 

૧૩) રાજા કરે રાજ ને દરજી સીવે કોટ

 

૧૪) રાજા જામે વસાવ્યું નગર

 

૧૫) વાંકા ચૂંકા પાટા,
અને આડી આવી નેર ..

 

૧૬) હું તો છું મા પણ મારા અનેક નામ
મારું છે મન નિર્મળ એવું, વહેતું ચારે કોર.

 

૧૭) મારી શીંગો ને ફૂલનું શાક સ્વાદેથીઓ ખવાય
શરીરના તો સોજા મટાડે, માટે જલ્દી કરો ઉપાય.

 

૧૮) મોટો મોટો પીળો પચરક છે, પણ છે મનમોહક
બગીચાની રોનક વધારતો ને દશેરાએ આવી દરવાજે બંધાતો.

 

૧૯) જાત જાતનાં ને ભાત ભાતનાં રંગે એ સોહાતો
રૂવાબ એનો રાજા જેવો પણ સુગંધે એ સૌને ગમતો.

 

૨૦) આસન ઢાળી બેઠો એ ભૂમિ પર, ખસવાનું નહીં એને નામ
ટાઢ, તડકો વરસાદ, ઠંડી હોય ભલે, પણ કરતો એ વિશ્રામ

 

૨૧) પાણી ભરવા નદી, દરિયે દોડી જાય
સ્થળ, જળ ઉપર ગાગર ઠેલવી હળવા હલકા થાય.

 

૨૨) ધોળા કપડાં પહેરી, મંદિર-મઠમાં વસતાં
દુનિયાથી અળગા રહીને વાત ધરમની કરતાં.

 

૨૩) દરિયા સાથે હાલક ડોલક થાતું, તરંગે એ તરતું
સફેદ એનો સઢ ફૂલે ત્યાં સમીર સાથે સરતું.

 

૨૪) રમતો ભમતો આગળ પાછળ જાય
ફરતાં ફરતાં થીજે ત્યારે, ગું ગું કરતો ગાય.

 

૨૫) તિરંગી સોહાય થાંભલા ઉપર, ઉપર જુઓ તો કેસરીયો સોહે
વચ્ચે શોભે સફેદ ને નીચે લીલુડો લહેરાય.

 

૨૬) વાગે નોબત, વાગે પાવો મીઠો
ઢોલ સાથે પડઘમ વાગે, માટે ગીતો ગાવા આવો.

 

૨૭) છીછરી તલાવડી , ચોબંધ બાંધી પાળ
પાણી વગરના આર બન્યા છે ચાર.

 

૨૮) ઢીંચણ જેટલી ગાય
નીરે એટલું ખાય.

 

૨૯) ખટક્રે ખાટ હીંચોળે કડાં, ઉપર બેઠા બે જણાં
ખાય સોપારી ચાવે પાન, બે જણાં વચ્ચે બાવીસ કાન.

 

૩૦) ઝાકળબિંદુ મારી પૌત્રી ને વરસાદ મારો પુત્ર
ઠંડી મારી વહુ ને વિજળી મારી પત્ની તો હું કોણ છું તે કહો ચતુર નાર.

 

૩૧) એક જનાવર એવું
કે પૂછડે પાણી પીતું …

 

સાભાર : સંકલન : પૂર્વી  મોદી – મલકાણ – (યુ એસ એ)

બ્લોગ લીંક: http://das.desais.net

emai: [email protected] 

( મિત્રો,કોયડાના જવાબ માટે તમે મેહનત કરી કે નહિ તે બ્લોગ પોસ્ટ પર તમારા પ્રતિભાવ ન આવવા થી ખબર ના પડી, પરંતુ ચાલો અમારા જવાબ સાથે તો તમારા જવાબ મેળવી લ્યો…)

કોયડા નો સાચો ઉકેલ :

૧] પડછાયો … ૨] દીકરી … ૩] વાહનોની હેડ લાઈટ … ૪] બ્લેક બોર્ડ … ૫] ઝાકળ … ૬] ટામેટાં

૭] મીણબત્તી … ૮] તકિયો/ ઓશિકા … ૯] ઘોડો … ૧૦] રેડિયો … ૧૧] હાથી … ૧] પડછાયો … ૧૩] રાજકોટ … ૧૪]જામનગર … ૧૫] વાંકાનેર … ૧૬] નદી/સરિતા … ૧૭] સરગવો …૧૮] ગલગોટો … ૧૯] ગુલાબ … ૨૦] ડુંગર /પર્વત … ૨૧] વાદળ … ૨૨] યતી / જૈન … ૨૩] વહાણ … ૨૪] ભમરડો … ૨૫] તિરંગો / આપણો ભારતનો રાષ્ટ્ર ધ્વજ .૨૬] નગારું … ૨૭] ચોપાટ / શતરંજ … ૨૮] ઘંટી … ૨૯] રાવણ – મંદોદરી …૩૦] વાદળ … ૩૧] દીવા ની વાટ

આભાર !

-પૂર્વી મોદી-મલકાણ …(યુ.એસ.એ)

૦૧/૦૭/૨૦૧૨

(૧) રાજા –રાણી … અને (૨) બુદ્ધિ કોના બાપની ??? … (પ્રેરક પ્રસંગો …)

(૧)  રાજા –રાણી …

 

ઘણા દિવસથી બાળ-વિભાગ  વીસરી જવાયો છે, તો આજે નાના -મોટા સૌને પસંદ પડે તેવી  હળવી  પોસ્ટ, બે  વાર્તા ના સ્વરૂપમાં મૂકેલ છે, આશા છે કે આપ સર્વેને આ પોસ્ટ જરૂર પસંદ આવશે … આપના પ્રતિભાવ મૂકવાનું ભુલશો નહિ…

 

એક હતો રાજા. એને ત્રણ રાણીઓ. રાજના નશીબ એવાં કે ત્રણેય તોતડી. રાજાએ ચોથી રાણી પરણવાનો વિચાર કર્યો. સારું ઘર જોઇને રાજાએ વેવિશાળ કર્યું. કોઇએ રાજાની પાસે કન્યાંના વખાણ કરેલાં કે કન્યા તો રૂડીરૂપાળી અને  બહુ મીઠાબોલી છે. રાજાના મનમાં પરણવાનો હરખ માતો ન હતો.

 

રાજા પરણવા ચાલ્યો.  કન્યા તોતડી હતી, પણ કન્યાનાં માબાપ લુચ્ચાં હતાં. તેમણે પહેલેથી જ કન્યાને શીખવી રાખ્યું હતું કે રાજા ગમેતેમ કરે, પણ એકેય શબ્દ બોલવો નહિ.

 

રાજાજી પરણી કરી ઘેર આવ્યા.પછી નવી રાણીને મહેલે ગયા. રાજા તો મનમાં મલકાતા હતા કે નવી રાણી મીઠું મીઠું બોલશે અને મનને રાજી કરશે. પણ રાજા હતો નસીબનો બળિયો !  નવી રાણી તો મૂંગા જ ઊભા રહ્યાં.  રાજાએ ઘણુંય કર્યું, પણ બોલે જ શાનાં?  જાણે હોઠ જ સીવી લીધા ! રાજા મનમાં કહે: “ આ તો ઉલમાંથી ચૂલમાં પડ્યા.  તોતડીને મૂકીને બોલકીને લેવા નીકળ્યા, ત્યાં વળી આ મૂંગું-બોતડું વળગ્યું!”  રાજા ઘણો નિરાશ થઇ ગયો.

 

એકવાર ચોથી રાણી વાડામાં છાણાં લેવા ગઇ, ત્યાં એને મંકોડો કરડ્યો. મંકોડો એવો તો કરડ્યો કે રાણીથી એકદમ બૂમ પડાઇ ગઇ:  “મા !  મને મંતોલે તલ્લી રે તલ્લી !”  રાજા ગોખે બેઠા હતા. તે આ સાંભળી ગયા. તે સમજી ગયા કે ચોથી રાણી પણ તોતડી છે.

 

ચારે રાણીઓ તોતડી છે, તે વાત રાજાએ છાની રાખેલી. કોઇને પોતે જણાવે નહિ.  પરંતુ લવા વજીરને આ બાબતમાં કંઇક વહેમ પડ્યો.  તેણે વાત જાણવા ખાનગીમાં પૂછ્યું:  “રાજાજી ! આપની રાણીઓ તોતડી છે એમ ગામ કહે છે, એ સાચું છે ?”

 

રાજા કહે : ” લવા ! તારું કહેવું સાવ જૂઠું છે. ”

 

લવો કહે : “મને તમે જમવા તેડો તો સાબિત કરી આપું.”

 

પછી રાજાએ તો લવાને પોતાને ત્યાં જમવા બોલવ્યો.  બધી રાણીઓને કહી રાખ્યું કે કોઇએ જરાપણ બોલવું નહિ.  રાજા અને લવો સામસામા જમવા બેઠા. ભાતભાતની રસોઇ બનાવી હતી; એમાં વડીઓ પણ હતી.  લવાએ રાણીઓને બોલાવવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ એકેય રાણી બોલી જ નહિ. છેવટે લવો થાક્યો.  પણ એટલામાં તેને એક યુક્તિ સૂઝી. વડીઓ બહુ જ સુંદર થઇ હતી. વડી ખાતો ખાતો લવો વડીઓનાં ખૂબ વખાણ કરવા લાગ્યો.  જ્યારે બહુ વખાણ થયાં, ત્યારે રાણીઓ મનમાં ને મનમાં ખૂબ ફુલાઇ, આ લાગ જોઇ લવાએ પૂછ્યું :  ” આ વડીઓ કોણે તળી? ”

 

ત્યાં એક રાણી બોલી : ” એ વઇઓ તો મેં તઇયો.(એ વડીઓ તો મેં તળી.) ”

 

રાજાએ ના કહી હતી તેમ છતાં એક રાણીથી બોલી જવાયું, એટલે બીજીએ ડાહી થઇને તેને કહ્યું: “વાયાં’તાં ને બોયાં કેમ? ” (વાર્યા’તાં ને બોલ્યાં કેમ?)

 

ત્રીજીના મનમાં થયું કે આ તો બહુ ખોટું થયું.  રાજાજીએ તો ચોખ્ખી બોલવાની ના પાડી હતી, ને આ બે જણીઓએ તો બોળી માર્યુ  !  તેના મનમાં સહેજ રોષ પણ ભરાયો.  પોતે ઠપકો આપતી ને જરા વધારે ડાહી થતી બોલી :  ” એ તો બોયાં તો બોયાં, પય તમે કેમ બોયાં? ” (એ તો બોલ્યાં તો બોલ્યાં, પણ તમે કેમ બોલ્યાં?) ”

 

ચોથી રાણીના મનમાં થયું કે આ ત્રણે રાણીઓ મૂરખ છે.  રાજાએ ના પાડી હતી છતાં બોલી, અને પ્રધાનજી બધું જાણી ગયા !  પોતાના મનમાં થોડુંએક અભિમાન પણ આવ્યું.  પોતાનો ભેદ વજીરજી જાણી ગયા નથી, એમ સમજી તે હરખાઇ ગઇ અને હરખમાં ને હરખમાં તેનાથી બોલી જવાયું: ” હું તો માયે બોલી બોયીયે નથી ને ચાયીયે નથી ! (હું તો મારે બોલીયે નથી ને ચાલીયે નથી.) ”

 

રાજા અને વજીર બન્ને જણા ખડખડાટ હસી પડ્યા. …

સંકલિત …

 

 

(૨)  બુદ્ધિ કોના બાપની ??? …

 

મુલ્લા નસરુદ્દિનની પડોશમાં એક વાણિયો રહેવા આવ્યો.  બન્નેના ઘરના ચોક વચ્ચે પાંચ ફુટ ઉંચી દિવાલ અને વાણિયાભાઈએ ત્યાં જ ગણેશની મુર્તિ સ્થાપી રોજ મોટે મોટેથી પ્રાર્થના કરે, ” હે! પ્રભુ, તું મને ૧૦૦૦ રુપિયા આપ.  તું ૯૯૯ આપશે તો ય નહી લઊં અને ૧૦૦૧ આપશે તોય નહી લઊં.”
મુલ્લાને થયું આ નવો પડોશી જરા સનકી લાગે છે, બે ચાર દિ’ મા ઠેકાણે આવી જશે. પરંતુ વાણિયાએ તો રોજ આની આજ પ્રાર્થના ચાલુ રાખી એટલે મુલ્લાને થયું કે આ વાણિયાની પરિક્ષા કરવી જોઈએ. ઍટલે બીજા દિવસે જ્યારે સવારે વાણિયાએ પ્રાર્થનાનુ પુનરાવર્તન કર્યું કે મુલ્લાએ એક રુમાલમાં રુપિયા ૯૯૯ ગણીને બરોબર વાણિયાના ખોળામાં પડે તે રીતે નાંખ્યા.
અચાનક ખોળામાં કાંઈક આવીને પડ્યું તેથી વાણિયાએ આંખો ખોલી અને જોયું તો એક પોટલી હતી. જલ્દી જલ્દી વાણિયાએ પોટલી ખોલી અને અંદરના રુપિયા ગણવા માંડ્યા અને તે ૯૯૯ થયા એટલે વાણિયો બોલ્યો,” વાહ રે પ્રભુ, તું પણ ગજબનો હિસાબવાળો છું. રોકડા તો ૯૯૯ આપ્યા અને એક રુપિયો રુમાલનો ગણી પુરા ૧૦૦૦ આપ્યા.”

 

સંકલિત …

 

આપને  ઉપરોક્ત બંને પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના પ્રતિભાવ બ્લોગ પરના કોમેન્ટ્સ બોક્ષ દ્વારા અથવા ફેશબુકના યુઝર ફેશબુક ના કોમેન્ટ્સ બોક્ષ પર મૂકશો… જે સદા અમોને આવાકાર્ય રહેશે …

 

બ્લોગ લીંક: http://das.desais.net

email: [email protected]

ઉખાણા (ભાગ – ૩) …

ઉખાણા (ભાગ – ૩ ) …
આજે ફરી એક વખત પૂર્વિબેન, નાના બાળકો માટે તેમજ યુવાધન સાથે વડીલો માટે એક સુંદર મજાની પોસ્ટ ઉખાણા ભાગ … ૩ લઈને આવ્યા છે.  ઉખાણા ભાગ…૨ ની પોસ્ટ જ્યારે મૂકી હતી ત્યારે અમારા શુભચિંતક વડીલ બ્લોગર નીલાબેન તેમજ અન્ય વાંચક મિત્રોએ એક નિવેદન પણ કરેલ કે ઉખાણા ના જવાબ પોસ્ટ સાથે  તૂરત ના આપશો  અને થોડો સમય અમોને જવાબ આપવા માટે આપશો.  બસ, તે વિચારને સ્વીકારી  અને  આજની પોસ્ટ મૂકેલ છે. આજે કોયડા સાથે જવાબ આપેલ નથી, જવાબ તમારે આપવાના છે.
તો ચાલો બાળકો સાથે બચપણ યાદ કરીએ અને સાવ સરળ કોયડા ના  જવાબ આપવા કોશિશ કરીએ.  જો જો સમય આપ્યો છે તો કોશિશ જરૂર કરશો. સાચો ઉકેલ આપણે અહીં જ બે દિવસ બાદ મેળવીશું, જે મિત્રો પ્રતિભાવ દ્વારા જવાબ આપવા કોશિશ કરશે તેમને તેમના જવાબ  સાચા છે કે ખોટા તે પ્રત્યુત્તર  ઈ મેઈલ  દ્વારા પણ આપીશું. હાઁ પણ કોમેન્ટ્સ સાથે ઈ મેઈલ એડ્રેસ આપવું જરૂરી છે. આવી સુંદર પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો અત્રે પૂર્વિબેન મલકાણ-મોદી (યુએસએ ) ના અંતરપૂર્વકથી આભારી છીએ., અને સાથે સાથે તેમને વિનંતિ પણ કરીશું કે આવી અન્ય પોસ્ટ પણ જરૂર ભવિષ્યમાં આપતા રેહશો.  આપનાં દરેક પ્રતિભાવ લેખકની કલમને સદા બળ પૂરે છે તો પ્રતિભાવ આપવાનું ભૂલશો નહિ….


૧) લીલી માછલીના ઈંડા લીલા પણ,
માછલી કરતાં ઈંડાનું મૂલ્ય વધારે.

 

૨) એ તો ભાઈ તો છે ભારે બીકણ, કાતરી ખાતા પાન
ઉંદરભાઈના મામા એ તો, એને છે લાંબા કાન.

 

૩) નાના શરીરમાં નાની ગાંઠ, જે દિવસભર કરે કામ
પરસ્પર મળીને સંગે રહેતી, આરામનું એને નહીં નામ.

 

૪) એ તો ભાઈ તો ભારે ઊંચા, પણ લાગે છે સાવ બૂચા,
નાની પૂછડી ને ટૂંકા કાન, ને ઊંચી ડોકે ચાવે પાન.

 

૫) કદરૂપી કાયા લઈને જળઘોડો પાણીમાંથી આવે
દોડતો ત્યારે લાગે જાણે પથ્થર કોઇ ગબડાવે.

 

૬) નાનેથી મોટું થાઉં, રંગબેરંગી પાંખો લગાવું
હવાની લહેરોમાં તરતું જાઉં, ફૂલો સંગે વાતો કરતું જાઉં.

 

૭) શ્રી હરિ થી પણ હું હરિયાળો છું
નાના મોટા સૌનો લાડકવાયો છું.

 

૮) વર્ષાઋતુને સહન કરતી, ગરમીને ઘોળી પી જાતી
બધાને આરામ આપતી જાતી, પણ ઠંડીમાં નકામી બની જાતી.

 

૯) બાગબગીચે ગાતી રહેતી, પણ પોતાનું ઘર ક્યારેય ન બનાવતી
કોલસાથી વધુ કાળી છે પણ સૌની મનભાવન છે.

 

૧૦) નાકે નકશે એ નમણું દેખાય, પણ ભરતું લાંબી ફાળ
આંખો એની ચમકીલી ને ઝડપી એની ચાલ.

 

૧૧) ન તો હું સાંભળી શકું, ન તો હું બોલી શકું
આંખ તો મારે છે પણ નહીં તોયે જગ આખાને ભણાવતી જાઉં.

 

૧૨) ટર ટર ટર ટર કરતાં ગાય છે, જાણે પોતાનું ગીત સંભળાવે છે
જ્યારે તેઓ તળાવે તરે છે ત્યારે લાંબી પતવાર બનાવે છે.

 

૧૩) આંધી વર્ષામાં છાતી પહોળી કરી ઠાઠથી હું ઊભો છું,
જીવોની હું રક્ષા કરી , ફળ ફૂલનું દાન આપું છું.

 

૧૪) પાણી તો પોતાનું ઘર, ધીમી જેની ચાલ
ભય જોઈને કોકડું વળતો, બની જાતો ખુદની ઢાલ.

 

૧૫) કાન મોટા ને કાયા નાની, ને કોમળ એના વાળ
કોઈ એને પકડી નાં શકે તેવી છે તેજી એની ચાલ.

 

૧૬) છતથી લઈને ખૂણેખાંચરે મળી જાતી છ પગવાળી નાર
લાળથી વણતું મલમલ જેવુ કપડું જાળીદાર.

 

૧૭) મંદિર, મસ્જિદ ગુરુદ્વારે જે પાતી બહુમાન
પાતળી કાયા હોવા છતાં મહેંક દ્વારા કરે પાન પાન.

 

૧૮) જેવા છો તેવા દેખાશો, માટે મારી અંદર ઝાંકો
જલ્દીથી દઈ દો જવાબ ખુદને ઓછા ન આંકો.

 

૧૯) થાકવાનું ન મારે નામ, રાત દિવસ હું ચાલતી રહેતી
જ્યારે પૂછો ત્યારે સમય બતાવતી, આગળ વધવાનો સંદેશો હું જાતી.

 

૨૦) ખુલ્લા આસમાનમાંથી જનમું છું, લીલા ઘાસ પર સૂઈ જાઉં છું
મોતી જેવી સૂરત મારી વાદળોની પૌત્રી છું.


૨૧) ન ખાય છે ન પીવે છે, બસ અજવાળાને સાથે લઈને ચાલે છે
પણ છાયાને અને અંધારાને જોઈને મરી જાય છે.


૨૨) શાકભાજીમાં હું છું સૌથી કડવો, પણ ગુણ મારા અપાર
રોગોને હું ઝટથી કાપું, મારું નામ બતાવો ચતુર સુજાણ.

 

૨૩) તડકો લાગે તો ઊભો થાતો, છાયોં આવે તો મરી જાતો
જો કોઈ મહેનત કરે તો ફરી પાછો ઊભો થાતો, હવા આપો તો મરી જાતો.

 

૨૪) જો તે જાય તો પાછો ન આવે, પણ જઈ રહ્યો હોય તોય નજર ન આવે
આખી દુનિયામાં ચર્ચા એની એ તો સૌથી બળવાન ગણાતો.

 

૨૫) એક બગીચામાં અનેક ફૂલ, ને તે ફૂલોનો છે એક રાજા
રાજા જ્યારે આવે બગીચામાં ત્યારે નાચતાં ફૂલો આખા.

 

૨૬) ભરી બજારે થેલો લઈને આવ્યો ચોર
બંધ ડબ્બાનું તાળું ખોલી, સામાન સઘળો લઈ જાતો.

 

૨૭) રૂડો ને રૂપાળો ને ગોરો ગોરો માખણ જેવો છું
મા નો તો ભાઈ નહીં પણ બાળકોનો વ્હાલો મામો છું.


૨૮) જેમ જેમ  સેવા કરતો જાઉં છું તેમ તેમ મારું કદ ઘટતું જાય છે
રંગબેરંગી મારો સ્વભાવ હોવા છતાં પાણી સાથે મળી જાઉં છું.


૨૯) સુવાની એ વસ્તુ છે પણ શાકભાજીવાળો વેચે નહીં
ભાવ તો વધારે છે નહી, પણ ભારમાં એ ભારી છે.


૩૦) અડધું છું ફળ ને અડધું છું ફૂલ,
કાળો રંગ મારો છતાં સ્વભાવે મીઠો મધુર છું.


સાભાર : સંકલન .. પૂર્વી મલકાણ મોદી (યુ એસ એ)
બ્લોગ લીંક: http://das.desais.net

 

મિત્રો,  ઉખાણા ભાગ … ૩ નો ઉકેલ જાણી લઈએ…. આપ સર્વે મિત્રોએ પોસ્ટ પસંદ કરી તે બદલ આભાર, થોડી મેહનત અમારા માટે લઇ અને  કોમેન્ટ્સ બોક્ષ પર સાચા -ખોટા જવાબ પણ આપવાની કોશિશ કરી હોત તો વધુ અમોને ખુશી થાત. ઠીક છે ફાસ્ટફૂડ ના સમયમાં અને જિંદગી ની ભાગદોડમાં કદાચ સમય પણ વિચારવાનો મેળવવો મુશ્કેલ બની ગયો હશે ?    હા, બે  પાઠક મિત્રો …  માધવભાઈ અને ઉષાબેન જાની એ જવાબ આપવા માટે કોશિશ કરી તે બદલ તેમના અંતરપૂર્વક્થી આભારી છીએ.  …  સૌ મિત્રો નો  અભાર !

 

ઉખાણા ભાગ ..૩  નો ઉકેલ … (જવાબ)

 

૧]  વટાણા ૨] સસલું ૩] કીડી ૪]  ઊંટ ૫]  હિપોપોટેમસ ૬]  પતંગિયું ૭]  ભગવાન કૃષ્ણ

૮]  છત્રી ૯] કોયલ ૧૦]  હરણ ૧૧]  ચોપડી ૧૨]  દેડકા ૧૩]  વૃક્ષ ૧૪]  કાચબો

૧૫]  સસલું ૧૬]  કરોળિયો ૧૭]  અગરબત્તી ૧૮]  દર્પણ ૧૯]  ઘડિયાળ ૨૦]   ઝાકળ બિંદુ

૨૧]  પડછાયો ૨૨]  કારેલાં ૨૩]  પરસેવો ૨૪]   સમય ૨૫]  ચંદ્ર અને તારા ૨૬] પોસ્ટમેન

૨૭]  ચાંદામામા ૨૮]  સાબુ  ] ૨૯]  ખાટલો ૩૦]  ગુલાબજાંબુ

 

સાભાર સંકલન :  પૂર્વી મલકાણ – મોદી (યુએસએ)

 


શાકભાજી ને ફળોની લોકોક્તિરૂપી જોડકણા … (ભાગ – ૪) …

શાકભાજી ને ફળોની લોકોક્તિરૂપી જોડકણા  … (ભાગ-૪) …
જોડકણા એટ્લે અનેક વિચારોને જોડીને બનાવેલ ગીત . ખાસ કરીને જોડી જોડીને બનાવેલ વાક્યો એ બાળકો માટે ખાસ હોય છે, કારણ કે બાળકોને શીખવવાના હેતુસર, બાળકોને ગમે તેવી બોલી તથા ખાસ કરીને બાળકોને યાદ રહે તેવી નાના નાના વાક્યોની બોલીને જોડીને બનાવવામાં આવેલ વાક્યોને જોડકણા તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ અહીં પ્રશ્ન એ થાય કે જોડકણા અને લોકોક્તિ રૂપી જોડકણા એ બંનેમાં શું ફર્ક હોય ?  ઉક્તિ એટ્લે વાક્ય અને લોક એટ્લે માણસો. સમય, સંજોગ અને ઋતુઓ પ્રમાણે આચાર વિચાર અને આહાર વિષેની જે માન્યતાઓ હોય તેને લોકોક્તિ કહેવાય.  આજે પણ આપણાં સમાજમાં ઘણી જ લોકોક્તિઑ રહેલી છે પરંતુ તે સમયાંતરે ખોવાઈ રહેલી છે, એનું મૂળ કારણ એ છે કે આપણો સમાજ બદલાઈ રહ્યો છે અને બદલાતા સમય સાથે ગુજરાતી ભાષા પણ ખોવાઈ રહી છે તેથી સમાજમાંથી આ લોકોક્તિઓ રૂપી ગ્રામ્ય સંસ્કૃતિ ધીરે ધીરે પોતાનું અસ્તિત્વ ખોઈ રહી છે. અહીં મે આજ લોકોક્તિઓને ફરી યાદ કરી તેને જોડકણાઓના રૂપમાં આપ સુધી પહોંચાડવાની કોશિષ કરી છે. આશા છે કે તે આપ સૌને પસંદ આવશે. લોકોક્તિઑમાં પણ વિવિધતા હોય છે તે લોકોક્તિઓ શા કારણે સમાજમાં પ્રચલિત થઈ તેની અનેક વાર્તાઓ પણ હોય છે આ વાર્તાઓને પણ આપણે ભવિષ્યમાં ક્યારેક ચોક્કસ માણીશું અને એ લોકોક્તિઓનો આનંદ પણ લઈશું, પરંતુ આજે આ બાળકોને માટે બનાવેલા લોકોક્તિ રૂપી જોડકણાઓની મજા માણીએ.
આભાર સહ
પૂર્વી મલકાણ મોદી યુ એસ એ.
આજે ફરી એક વખત પૂર્વિબેન મલકાણ – મોદી (યુ એસ એ ) દ્વારા બાળકો માટે ની સુંદર  રચના / કૃતિ  શાકભાજી ને ફળોની લોકોક્તિરૂપી જોડકણા  …  (ભાગ – ૪) .. ‘દાદીમા ની પોટલી’ પર મોકલવામાં આવી છે. જે માટે અમો તેમના અંતરપૂર્વકથી આભારી છીએ …  ચાલો ત્યારે બાળકો સાથે બાળક થઇ જઈએ અને આપણા બચપણને યાદ કરી આ સુંદર જોડકણા માણીએ … પોસ્ટ આપને તેમજ આપના બાળકોને પસંદ આવી હોય તો જરૂર આપના પ્રતિભાવ કોમેન્ટ્સ બોક્ષ પર  આવી મૂકશો…. આપના પ્રતિભાવ લેખક માટે પ્રેરણાદાયી બની રહે છે અને તેમની કલમ ને બળ પૂરે છે… તમારી પાસે આવા કોઈ જોડકણા – કોયડા કે બાળકોને લાયક ગણિત ગમ્મત  કે અન્ય કોઈ સામગ્રી હોય તો જરૂર અહીં આવી મૂકી શકો છો …(આપની  પોસ્ટ  બ્લોગ પર મૂકવા અમારા ઈમેઈલ આઈડી પર સંપર્ક કરશો. જે નીચે જણાવેલ છે.)

 

૧ ) મગ કહે હું લીલો દાણો, મારે માથે ચાંદું
જો ત્રણ મહિના મને ખાવ તો માણસ ઉઠાડું માંદુ.


૨ ) રાયતાની રાણી ને કચુંબરની મા, શાકની છે સાસુ તેમાં કહેવાય નહિ ના
ચોમાસાની કાકડી ને ભાદરવાની છાશ, તાવને તેડવા મોકલે માટે મૂઠીઓ વાળીને નાસ.


૩ ) સરગવા કેરી શીંગો કે ફૂલનું શાક સ્વાદેથી ખવાય
અંદર બહારના સોજા મટાડે, માટે ખાંતે કરો ઉપાય.


૪ ) પાલક, તાંદળજા ને મેથીની ભાજી
રોજ ખાવ તો તબિયત કરે તાજી.


૫ ) કોથમરી કહે હું તો છું ખૂબ લીલી લીલી
દાળશાકમાં નાખી જુઓ તો રહેશો તમે ખિલી.


૬ ) તૂરિયું કહે હું વાકુંચૂંકું, મારે માથે ધરી
મારા શાકમાં સ્વાદ લાવવા નાખ મીઠું ને મરી.


૭ ) ગલકું, તૂરિયું, કાકડી ને ભાદરવાની છાશ
તાવ સંદેશો મોકલે આજ આવું કે કાલ.


૮ ) કાળી ચૌદશે જે ગલકા ખાય
તે નર નિશ્ચે રાજા થાય.


૯ ) આવ રે વરસાદ ઘેબરિયો પરસાદ
ઊની ઊની રોટલી ને કારેલાનું શાક.


૧૦ )કારતકે કારેલાં ખાય,
મરે નહિ તો માંદો થાય.


૧૧ ) કારેલું કહે હું તો કડવું બહુ, મારે માથે ચોટલી
જો ખાવાની મજા લેવી હોય તો કરો રસ ને રોટલી.


૧૨ )કંકોડું કહે હું ગોળમટોળ, મારા ડિલે કાંટા
ગરીબ બિચારા શું કરે, શ્રીમંતો બહુ ખાતા.


૧૩ )મૂળો કહે હું તો છું સફેદ રંગે, થાઉં જમીન મોઝાર
જો ખાવાની મજા જોઈએ તો, ખાઓ રોજ સવાર.


૧૪ )તાવ કહે હું તૂરિયાંમાં વસુ
પણ ગલકું દેખી ખડખડ હસું.


૧૫ )દૂધી કહે હું તો છું રસવંતી નારી
બારે મહિના ખાવ તો બનાવું શક્તિશાળી.


૧૬ )દૂધી કહે હું લાંબી લીસી, મારી પાસે છે છાલ
વધારે સ્વાદ જો લેવો હોય તો, નાખો ચણાની દાળ.


૧૭ ) મિરચી કહે અનોખા રંગની અનેરી હું, પણ ટોપી પહેરું નાની
તીખી તીખી ભડકા જેવી હું, કોઇની જીભ ના રાખું છાની


૧૮ ) પીળી લીલી લીંબુડી, ફળમાં રાખે રસ
રસ નિચોવી કાઢે તો, કાઢે દાંતનો કસ.


૧૯ )આદુના રસ સાથે મધ મેળવી ખાય તે પરમ ચતુર,
શ્વાસ, સળેખમ ને શરદી, તેનાથી ભાગે છે જરૂર.


૨૦ ) ચણો કહે હું લીલો,પીળો, કાળો ને વળી ખરબચડો
મારી સાથે ગોળ મેળવીને જે ખાય તેને બનાવું ઘોડા જેવો.


૨૧ ) મૂળો, ગાજર, બોર ને મોગરી
જે ખાય રાતે તે ન રહે રાજી.


૨૨ ) જુવાર બાજરીના રોટલા ને મૂળાના પાન
જે ખાય તેને બનાવું નવયુવાન.


૨૩ ) કમળકાકડી સરોવરે ખિલતી ને કોયલ કૂઉ કૂઉ ગાય
તરુવર ડાળે પંખી જાગે, ને સરવર પાળે ન્હાય.


૨૪ ) જમરૂખ સાથે દાડમ લાવો, લાવો દ્રાક્ષ ખાટી
પાર્થુ, મિલી તો ભણવા બેઠા હાથમાં રાખી પાટી.


૨૫ ) ઠળિયો તો ભૈ ખવાય નહિ, ઠળિયો ઊગી જાય
એ જો પેટમાં જઈને પડે તો બોરડી મોટી થાય.


૨૬ ) થડ પકડીને જગલો, જ્યાં હલાવતો નાળિયેરીના ઝાડ
ધબ કરતું પડે ઉપરથી નાળિયેર ને, તૂટે એની ટાલ.


૨૭ ) અંજીર લાવ્યાં, આલુ લાવ્યાં ને કાજુ મીઠા લાવ્યાં,
લીલી કાળી દ્રાક્ષ લાવ્યાં ને, નાનામોટા ને બહુ ભાવ્યાં.સાભાર :પૂર્વી મલકાણ મોદી (યુ એસ એ)
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

પશુ-પક્ષીઓના જોડકણા (ભાગ ..૩) …

પશુ-પક્ષીઓના જોડકણા (ભાગ ..૩) …
મિત્રો આજે ફરી એક વખત  શ્રીમતિ પૂર્વિબેન મલકાણ -મોદી (યુ એસ એ) દ્વારા સંકલિત નિત -નવા જોડકણા બાળકોની બાલસભા માટે ‘દાદીમા ની પોટલી’ પર મોકલવામાં  આવ્યા છે, જે માટે અમો તેમના અંતરપૂર્વકથી આભારી છીએ…. આપના બાળકોને તેમજ આપને  પોસ્ટ પસંદ આવી હોય તો આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકશો. જે  અમોને તેમજ લેખકને સદા આવકાર્ય અને પ્રેરણાદાયક બની રહેશે….  આભાર !૧) ચકલી બોલે ચીં….. ચીં
ટીંપું પાણી પી…..પી.
૨) ચકલી પેલી ચીં…ચીં…કરતી, ઠાઠથી અરીસામાં જોતી ,
ટક ટક કરતી ચાંચો મારી, અક્કલ એની ખોતી.
૩) પોપટ બોલે સીતારામ
અરથનું એને નહીં કામ.
૪) કાગડા કાગડા કા……કા
મોટા અવાજે ગા…..ગા .
૫) કોયલ બોલે આંબાડાળે કૂ…….કૂ……કૂ
હોલો બોલે અગાશી પાળે ઘૂ……ઘૂ……. ઘૂ
૬) કૂકડા કૂકડા કૂકરે કૂક
ગાડી આવી છુક છુક છુક.
૭) શાહમૃગ છે પંખી મોટું, પણ ઊડવાનું ના જાણે,
ફાળ ભરતું ભાગી જાતું, પછી એને પકડવું શાને?
૮) કાળું ધોળું કાબરચીતરું કબૂતરું, લાગે છે બહુ ભોળું
ચણ નાખતાં ચણવા આવે, ઘૂ….ઘૂ…કરતું ટોળું
૯) મોર રૂપાળો કળા કરતો, ટેહૂક ટેહૂક ગાય
છમ્મક છમ્મક નાચે ત્યારે, ઢેલડ રાજી થાય.
૧૦) હંસ તરતો સરવર જળમાં, મોતી ચારો ચરતો
કમળ સાથે વાતો કરતો, હંસલી સાથે ફરતો.
૧૧) હોલો રાણો ભલો ભોળો, પર….ભૂ પર…..ભૂ ગાય,
ટૂંકી ચાંચે દાણા ચરતો, પછી ફર…ર…ર ઊડી જાય.
૧૨) પોપટ બોલે સીતારામ, સમજનું નહિ એને કામ
સમજ્યા વગર બોલી જાતો, પોપટિયું છે એને જ્ઞાન.
૧૩) કોયલ રાણી કેવી શાણી, ઈંડા પોતાના સેવે નહીં
કાગડી કેરા માળામાં જઈને મૂકી આવે તહીં.
૧૪) ઇયળ સાવ નાની સુંવાળી, સળવળ કરતી જાય
અન્નના દાણામાં હરફર કરતી દાણા કોરી ખાય.
૧૫) નાનું શું પતંગિયુ, ને કેવું રંગબેરંગી પતંગિયુ,
ફૂલે ફૂલે ફરતું ને મીઠા મધના પ્યાલા પીતું,
મીઠા મધના પ્યાલા પીતું ને છાનીમાની વાતો કરતું.
૧૬) વન વગડે ને જંગલ મંગલ, સિંહ ભયંકર ડણકે
લાકડી લઈને વનવાસી દોડે, ભેંસ ને ગાય ભડકે.
૧૭ ) કૂતરો મારો શાણો કેવો, અજાણ્યા ને જોઈને ભસતો
ચોકી કરતો ઘરઆંગણે રાત આખી ફરતો.
૧૮) કાંગારુંની પૂછડી એ તો, બનતી એનો ટેકો
પેટ આગળ કોથળી માંહે, બચ્ચાને બેઠેલું જુઓ.
૧૯) જિરાફની તો ડોક લાંબી, ટૂંકા એના કાન
ઊંચા ઊંચા ઝાડો પરથી તોડી ખાતું પાન.
૨૦) જંગલ કેરી ઝાડીમાં તો, ગેંડો મળીયો સામો
જાડો પાડો લાગે જાણે હાથીભાઇનો મામો.
૨૧) રીંછ રૂડું વાળ થરકતું, છુમછુમ કરતું નાચે
મદારીની સોટી જોતાં છાપું લઈને વાંચે.
૨૨) બોલ બંદરિયા હૂ…..પ હૂ…..પ, ઝૂલા ખાને ઝૂ….લ ઝૂ….લ
ઝૂલવું જો ના હોય તો………જાને ભણવા જા તું સ્કૂલ…………
૨૩) ડિલ પર પટ્ટા પીળા કાળા, જાણે લબડે સાપ
શિકાર કરવા વાઘભાઈ તો મારે છે મોટી તરાપ.
૨૪) કાળી કાળી ટીપકીઑ ડિલે, ચળકે કાળો રંગ
ઝાડ ઉપરથી દીપડાભાઈ તો મારે મોટી છલાંગ.
૨૫) કદરૂપી કાયા લઈને હિપો પાણીમાંથી આવે
દોડતો ત્યારે લાગે જાણે પથ્થર કોઇ ગબડાવે.
૨૬) ઊંટભાઈ તો ખૂબ ઊંચા, પણ લાગે છે સાવ બૂચા,
નાની પૂછડી ને ટૂંકા કાન, ને ઊંચી ડોકે ચાવે પાન.
૨૭ ) તૂંબડાં જેવુ માથું લઈને, ધમધમ કરતો જાય
સૂપડા જેવા કાન હલાવી ઊભો ઊભો ન્હાય.
૨૮ ) હોં……ચી હોં……ચી કરતો ગધેડો, લાંબે સાદે ગાય
વારે વારે ડફણા ખાતા અક્કલ એની જાય.
૨૯ ) ગાય રે ગાય, તું મોરી માય, નિત નિત ડુંગરે ચરવા જાય
ચરી ચરીને તરસી થાય, પાણી પીવા તો નદીએ જાય.
૩૦ ) ઉંદર મામા ચૂં….ચૂં
સામે ઊભો હું…… છું.
૩૧ ) બકરી બોલે બેં……બેં
આલો-પાલો લે……લે
૩૨ ) મીની મીની મ્યાંઉ…..મ્યાંઉ
ઓરી આવ તો દૂધ પાઉં.
૩૩ ) સસલાભાઈ તો ભારે બીકણ, કાતરી ખાતા પાન
ઉંદરભાઈના મામા એ તો, એને છે લાંબા કાન.
૩૪ ) ફેણ ચડાવી નાગ ડોલે, બોલે હોલા રાણા
ઝરણા પાસે તરણા ચરતાં, હરણા છાનાંમાનાં.
૩૫ ) બકરી પેલી કાળીધોળી, બેં…….બેં કરતી જાય
સીમ ખેતરે ચરતી ફરતી આલો પાલો વીણી ખાય.
૩૬ ) હરણ નમણું દેખાય પણ, ભરતું લાંબી ફાળ
આંખો એની ચમકીલી ને ઝડપી એની ચાલ.
૩૭ ) અજગર ભારે ભરડો લેતો, ઝાડની ડાળીએ ઝૂકે
તરાપ મારી જીભ લબકારી, શિકાર મોંમાં મૂકે.
૩૮ ) ઐરાવત છે હાથી એવો, સાત સુંઢોવાળો
સુંઢે સુંઢે કમળ ધરતો, ત્યારે લાગે બહુ રૂપાળો.
પૂર્વી મલકાણ મોદી (યુ એસ એ)
બ્લોગ લીંક: ‘દાદીમા ની પોટલી’ … http://das.desais.net

ઉખાણા ભાગ બીજો …

ઉખાણા ભાગ બીજો …


આજે રજાનો દિવસ તો ચાલો દાદા-દાદી  ને બાળકો સાથે  ઘરના વડિલોને પણ પસંદ આવે સાથે સાથે  પોતાનું બચપણ ફરી યાદ કરીએ અને સાથે સાથે  બાળકોને આનંદ સાથે સંસ્કારનું સિંચન થાય તે ઉદેશથી આ સાથે થોડા ઉખાણા આજે ‘દાદીમાની પોટલી’ પર શ્રીમતિ પૂર્વિબેન મલકાણ મોદી  (યુ એસ એ ) તેમજ તેમની સખી કામિની રોહિત મહેતા દ્વારા સંકલન કરી મોકલવામાં આવેલ છે, જે બદલ અમો તેમના અંતરપૂર્વકથી આભારી છીએ… તો ચાલો બાળકો ને બોલાવો  અને તેમની સાથે માણો અને તેમના અને તમારા જવાબ , ઉખાણા ના  બન્ને ભાગના અંતમાં આપેલ જ છે તે સાથે મેળવી લેશો… જો આ પોસ્ટનો પ્રયાસ તમને પસંદ આવ્યો  હોય તો જરૂર તમારા અભિપ્રાય -પ્રતિભાવ કોમેન્ટ્સબોક્ષ  દ્વારા મૂકશો જે સદા અમોને આવકાર્ય છે, સાથે સાથે લેખક ને પણ તેમના કાર્યમાં બળ પૂરશે તેમજ પ્રેરકરૂપ બની રહશે… તો પ્રતિભાવ આપવાનું ભલાઈ ના જાઈ હો …. ! મિત્રો કદાચ તમને સવાલ થશે  કે પેહલો ભાગ નું શું ? હા, અમોને પણ ખ્યાલ છે.. પરંતુ લેખકની મર્યાદા હોય તેમણે પહેલો ભાગ અન્ય સાથે કમિટમેન્ટ કરેલ હોય … આપણે બીજો ભાગ થી શરૂઆત કરીશું….

 

૧) ધેનુ ચરૈયા, બંસી બજૈયા
રાસ રચૈયા, કાલી નથૈયા ….
૨) નારાયણ નારાયણ કરતાં જગ આખામાં ફરતા
વાત કઢાવતા, દેવ દાનવોને લડાવતા …
૩) મોટા થઈને ફરતા, રૂવાબ બતાવતા
હળ ખભે રાખતા, સંકર્ષણ કહેવાતા …
૪) માતા રોહિણી સંગે સહેલી બનતા
મહીં મથવતા, ગોપીઓને ખીજાતા …
૫) કાન્હના બાબા, ગૌધન સાચવતાને
ગોકુળ ગામના મુખીયા કહેવાતા …

 

(જવાબ : ૧] ભગવાન શ્રીકૃષ્ણ ૨] મહર્ષિ નારદજી ૩] બલરામજી ૪] માતા યશોદાજી ૫]નંદબાબા )
પૂર્વી મલકાણ મોદી અને કામિની રોહિત મહેતા

 


ભાગ બીજો … ( દરેક ઉખાણા ના જવાબ સૌથી આખરમાં એક સાથે આપેલ હોય, ત્યાં તમારો જવાબ મેળવી લેશો …)

 

૬) ખિલે એક ફૂલ
થાય અંધારું ડૂલ …
૭) હાથી ઘોડા ફર્યા કરે પણ, પગ એમના ચાલે ના
સવાર પીઠે ઘૂમ્યા કરે, ને ફરવાની મજા લીધા કરે …
૮) પીધા કરે પણ શરમ નથી
ચિતર્યા કરે પણ કલમ નથી …
૯) કાગળની છે કાયા, અક્ષરની છે આંખ
અલકમલકની સહેલ કરાવે, ખૂલે છે જ્યારે પાંખ …
૧૦) પંદર દિવસ વધતો જાય, પંદર દિવસ ઘટતો જાય
સૂરજની તો લઈને સહાય, રાત્રીભર પ્રકાશ પાથરતો જાય …
૧૧) રંગે બહુ રૂપાળો છું
થોડું ખાઉં તો ધરાઇ જાઉં
વધુ ખાઉં તો ફાટી જાઉં …
૧૨) પાણીનું અબૂકલું ઢબૂકલું છું, પાણીમાં જ રહીને ફરું છું
પાણીના તરંગોમાં નાચું છું, પાણીમાં જ તરવું મારૂ કામ છે …
૧૩) અબૂકલું ઢબૂકલું, પવનથી હલકો થઈને આકાશમાં ઊંચે ચઢું છું
મારા અનેક રંગ છે, નાના મોટાઓનો આનંદ મારી સાથે છે …
૧૪) અબૂકલું ઢબૂકલું, લીલું લીલું માટલું
અંદર લાલમ લાલ, કાપીને બહેનીને આપ …
૧૫) લાલ કિલ્લામાં કાળા સિપાઈ
લીલી દીવાલમાં ગયા સમાઈ …
૧૬) આટલીક દડી ને હીરે તે જડી
દિવસે ખોવાણી તે રાત્રે જડી …
૧૭) બહેનીના માથેથી મોતી ભર્યો થાળ વધાવ્યો રે
ગોળ ગોળ થાળ ફરતો જાય, પણ મોતી તેમાંથી એકપણ ન પડે …
૧૮) વડ જેવા પાન ને શેરડી જેવી પેરી
મોગરા જેવા ફૂલ ને આંબા જેવી કેરી …
૧૯) ચાલે છે પણ જીવ નથી, હલે છે પણ પગ નથી
ખવાય છે પણ ખૂટતો નથી, બેઠક છે પણ બાજઠ નથી …
૨૦) ધોળું ખેતરને કાળા ચણા
હાથે વાવ્યાં ને મોં એ લણ્યા …
૨૧) પઢતો પણ પંડિત નહિ, પાંજરે પૂર્યો પણ ચોર નહિ
ચતુર હોય તેઓ ચેતજો, મધુરો પણ મોર નહિ …
૨૨) સૂરજ સામે મન ભરીને જોયા કરે
સુવે ડાળીમાં સાંજ પડે થાકી જઈને …
૨૩) ધોમધખતો તડકો તાતો,
પાંદડીઑ પર ઝીલી
ઘર પાસે કેવો રહેતો ખિલી …
૨૪) તડકો તાતો ચોમેર તપતો રહેતો
જામે ખરો ઉનાળો ત્યારે
પીળો પચરક વનવગડે ખિલતો રહેતો …
૨૫) વનવગડે વસ્તી વગર ઊગી નીકળે,
સફેદ ને જાંબલી રંગે સોહાતો રહેતો
એના ફૂલની માળા પહેરી હનુમાનજી મલકાતા રહેતા …
૨૬) સફેદ ફૂલ ને કેસરી દાંડી વાતાવરણને મહેકાવતા જાય
રાત જતી ને સુવાસ લઈને નવી સવાર આવતી જાય …
૨૭) ધોમધકતા ઉનાળામાં લાલ ચટ્ટાક ખિલતો જાય
જાણે લાલ રંગી ફૂવારો ઉડતો જાય …
૨૮) ઘરના ખૂણે એકલું બેસીને બોલતું જાય
દુનિયાભરની અવનવી વાતોનો ખજાનો
આપણી પાસે ખોલતું જાય. …

 

જવાબ:

૬] દીવો ૭] ચકડોળ (મેરી ગો રાઉન્ડ) ૮] પીંછી ૯] પુસ્તક ૧૦] ચંદ્ર ૧૧] ફૂગ્ગો ૧૨] માછલી

૧૩]પતંગ ૧૪] કલિંગર – (તડબુચ) ૧૫] કલિંગર – (તડબુચ) ૧૬] તારા ૧૭] તારા ૧૮]આંકડો

૧૯]હિંચકો ૨૦] અક્ષર ૨૧] પોપટ ૨૨] સુરજમુખી ૨૩] ગુલમહોર ૨૪] ગરમાળો ૨૫]આંકડો

૨૬] પારીજાત ૨૭] કેસૂડો ૨૮] ટેલિવિઝન – (ટીવી) …

પૂર્વી મલકાણ મોદી  (યુ એસ એ)
‘દાદીમા ની પોટલી’ બ્લોગ ની મૂલાકાત લેવા અહીં આપેલ બ્લોગ લીંક ની જરૂર મુલકાત લેશો…. http://das.desais.net
આભાર !

રંગ રંગ જોડકણા … (ભાગ-૨) …

રંગ રંગ જોડકણા … (ભાગ-૨) …


મારી બાળપણની થોડી યાદોમાં આ જોડકણાઑનો પણ ઘણો ફાળો રહ્યો છે ઉનાળાના વેકેશનમાં બાબા અસંખ્ય જોડકણા અને બાળગીતો શીખવાડતા આજે બાબા તો નથી પણ તેમની પાસેથી શીખેલા આ જોડકણા આજે હૂઁ મારા બાળકોને શીખવાડું છુ ત્યારે તેમની બોલીમાં ક્યાંક ને ક્યાંક મારૂ પણ બચપણ આવી ને સમાઈ જાય છે. આશા રાખું છુ કે આ જોડકણા આપને પણ ગમશે.આપણાં વાચક મિત્રોમાં ઘણા એવા વાંચક વડીલો પણ હશે જેમને પણ આ જોડકણા વાંચીને તેમનું બચપણ યાદ આવી જાય તો અમારી સાથે તમારી યાદોને પણ ચોક્કસ વહેંચજો હોં… આપના પ્રતિભાવ બ્લોગપોસ્ટ પર આવી અને કોમેન્ટ્સ બોક્ષમાં જરૂર મૂકશો. જે કૃતિના લેખકને તેમજ અમોને  સદા પ્રેરકરૂપ બની રહેશે…  ભવિષ્યમાં પણ આવી અન્ય કૃતિઓ બાળવિભાગ માટે બ્લોગ પોસ્ટ પર લાવવા કોશિશ કરીશું …
‘દાદીમા ની પોટલી’ ના બાળવિભાગ માટે આ પોસ્ટ મોકલવા બદલ અમો શ્રીમતિ પૂર્વિબેન મલકાણ મોદી – (યુ એસ એ) ના અત્રે આભારી છીએ …


૧ ) ચાંદો સૂરજ રમતા’તા, રમતાં રમતાં કોડી જડી
કોડીનાં મેં ચીભડા લીધાં, ચીભડે મને બી દીધાં
બી બધાં મેં વાડમાં નાખ્યાં, વાડે મને વેલો આપ્યો
વેલો મેં ગાયને નીર્યો, ગાયે મને દૂધ આપ્યું
દૂધ મેં મોરને પાયું, મોરે મને પીંછું આપ્યું
પીંછું મેં બાદશાહને આપ્યું, બાદશાહે મને ઘોડો આપ્યો
ઘોડો મેં બાવળે બાંધ્યો, બાવળે મને શૂળ આપી
શૂળ મેં ટીંબે ખોસી, ટીંબે મને માટી આપી
માટી મેં કુંભારને આપી, કુંભારે મને ઘડો આપ્યો
ઘડો મેં કૂવાને આપ્યો, કૂવાએ મને પાણી આપ્યું
પાણી મેં છોડને પાયું, છોડે મને ફૂલ આપ્યું
ફૂલ મેં મહાદેવને ચડાવ્યું, મહાદેવે મને ભાઈ આપ્યો
ભાઈ મેં ભાભીને આપ્યો, ભાભીએ મને સિક્કો આપ્યો
સિક્કો મે ભાડભૂંજાને આપ્યો, ભાડભૂંજાએ મને ચણા આપ્યા
ચણા ચણા હું ખાઈ ગયો, ફોતરાં ફોતરાં ભેગા કર્યા
ફોતરાં મેં ઘાંચીને આપ્યાં, ઘાંચીએ મને તેલ આપ્યું
તેલ મેં માથામાં નાખ્યું, માથા એ મને વાળ આપ્યો
વાળ મેં નદીમાં નાખ્યો, નદીએ મને પાણી આપ્યું
પાણી મેં આંબે રેડ્યું, આંબાએ મને કેરી આપી
કેરી કેરી ખાઈ ગયો, ગોટલો …….?…..
એ……મેં ….વાવી દિધો બીજા આંબા ના છોડ માટે ……


૨ ) ભાઈના મામા આવે છે, પેંડા બરફી લાવે છે
પેંડા બરફી મીઠાં, મામાના હેટ દીઠા ..


૩ ) લઈ લો પાટી, દફ્તર પોથી, આજે છે સોમવાર
ડબ્બો નાસ્તાનો ભુલશો મા, આજે છે મંગળવાર
દોડો દોડો ઘંટ વાગ્યો, આજે છે બુધવાર
ગુરુજનને જઇ વંદન કરજો, આજે ગુરુવાર
શુક્કરવારી ચણા ખાજો, આજે શુક્રવાર
જય બજરંગબલી ની બોલજો, આજે શનિવાર
રમતગમત ને હરવફારવા થાવ આજે તૈયાર
રાજા મજા ને સહેલનો દિવસ, આજે રવિવાર ..


૪ ) નદીમાં આવ્યાં પૂર, જશો ના દૂર દૂર
ભરાયાં સઘળે પાણી, જશે તમને તાણી ..


૫ ) ભાઈ બહેનની જોડી, લીધી નાની હોડી
હોડી ચાલી દરિયાપાર, મોતીડાં લાવ્યાં અપાર ..


૬ ) ભાઈલો મારો ડાહ્યો, પાટલે બેસી નાહ્યો
પાટલો ગયો ખસી, ભાઈ પડ્યો હસી ..


૭) માછલી રે માછલી, રંગબેરંગી માછલી
નાની નાની માછલી, મોટી મોટી માછલી
માછલી રે માછલી, નદીના પાણીમાં નાચતી
તળાવમાં ઝંપલાવતી, સાગરમાં એ મ્હાલતી
માછલી રે માછલી, જીવજંતુ ખાતી
મોતી પકાવતી, ઘણાંને બહુ ગમતી ..


૮ ) હાલાં વાલાં ને હલકી, આંગણે વાવો ને ગલકી
ગલકીનાં ફૂલ છે રાતા, ભાઈના મામા છે માતા
માતા થઈને આવ્યાં, આંગલા ટોપી? રે લાવ્યા
ટોપીમાં છે નવી ભાત, ભાઈલો રમે દી’ને રાત ..


૯ ) એકડે એક, પાપડ શેક
પાપડ કાચો, દાખલો સાચો
બગડે બે, રામનામ લે
રામનામ કેવું, સુખ આપે તેવું
ત્રગડે ત્રણ, રોટલી વણ
વાટકા ગણ, ઝટપટ ભણ
ચોગડે ચાર, કરજો વિચાર
કોઠીએ જાર, હિંમત ન હાર
પાંચડે પાંચ, ચકલીની ચાંચ
ચકલી ઊડી, હોડી ડૂબી
છગડે છ, ગણવામાં ઢ
ઢ એટલે ઢગલો, ધોળો ધબ બગલો
સાતડે સાત, સાચી કરો વાત
વાતે થાય વડા, ઘીના ભરાય ઘડા
આઠડે આઠ, વાંચજો પાઠ
પાઠ છે સહેલા, ઊઠજો વહેલા વહેલા
નવડે નવ, માટલીમાં જવ
જવ ગયા પડી, ડોસી ખૂબ રડી
એકડે મીંડે દસ, હવે થયું બસ
મીલી મોડી જાગી,”બસ” ગઈ ભાગી ..


૧૦ ) રાત જતી ને સુવાસ લઈને, આવે નવું પ્રભાત
વાતાવરણને મહેંકાવી દે, એનું નામ તો પારિજાત ! ..


૧૧ ) તડકો તાતો ચોમેર તપતો, જામે ખરો ઉનાળો
વનવગડે પીળો પચરક હોય ત્યાં, ઝૂમે છે ગરમાળો ..


૧૨) વનવગડે ઊગી નીકળે, આછા જાંબલી રંગે
એના ફૂલની માળા સોહે, હનુમાંજીના કંઠે આકડો સોહે ..


૧૩ )ધોમધખંતો તડકો તાતો, પાંદડી પર ઝીલી
ગુલમહોર ઘર પાસે ઊભો, કેવો રહેતો ખીલી ..


૧૪ ) જાત જાત ને ભાતભાતના રંગે સોહે ગુલાબ,
સુગંધ એની સૌને ગમતી, કેવો એનો રૂવાબ રાજા જેવો ..


૧૫ )ધોમધખંતા ઉનાળામાં, કેસૂડો કામણગારો
લાલ લાલ ચટ્ટક ખીલે તે, જાણે રંગ બેરંગી ફૂવારો ..


૧૬ )મોટો મોટો ગલગોટો, પીળો ને વળી મોહક
કોઈ જડે ના ઇનો જોટો, બાગની રોનક કેવી વધારતો ..


સૌજન્ય: પૂર્વી મલકાણ -મોદી (યુ એસ એ)

 

નોંધ : ઘણા પાઠક મિત્રોની માંગણી અને લાગણી ની નોંધ લઇ  ‘રંગ રંગ જોડકણા ‘ ભાગ – ૧  ની લીંક આ સાથે નીચે દર્શાવેલ છે, જેના પર ક્લિક કરવાથી ભાગ -૧ પણ માણી  તમારા પ્રતિભાવ જરૂરથી કોમેન્ટ્સ બોક્ષમાં મૂકી આભારી કરશો …  આભાર !

બ્લોગ પોસ્ટ લીંક :

રંગ રંગ જોડકણા…(ભાગ -૧)


રંગ રંગ જોડકણા…(ભાગ -૧)

રંગ રંગ જોડકણા…(ભાગ-૧) …

(૧) લાડ પિતાનાં, માની મમતા
બહેની કંઠે હાલરડું
તેવું મારું પ્યારું પ્યારું
અજોડ એવું જોડકણું
અડકો દડકો, દહીં દડૂકો
શ્રાવણ ગાજે, પીલુ પાકે
ઊલ મૂલ, ધતૂરાનું ફૂલ
સાકર શેરડી ખજૂર
ધનુષ્ય જેવું વાંકડિયું
સપ્ત રંગે સોહાય
જોવા એનું રૂપ નિરાળું
સહુનાં મન લોભાય
(૨) કારતકમાં ટાઢ આવી
માગશરમાં જામી
પોષ મહિને પતંગ લઈને
ટાઢને ભગાડી
મહા મહિને વસંતપંચમી
ઊડે રંગ ગુલાલ
ફાગણ મહિને હોળી આવી
રંગ ગુલાબી લાલ
ચૈત્ર મહિનો ગરમી લાવ્યો
વેકેશન વૈશાખ
જેઠ મહિને ગિલ્લી દંડા
રમતા લાગે થાક
અષાઢ મહિને આંધી સાથે
વાદળ વરસે ઝાઝાં,
શ્રાવણ મહિને સરોવર છલકે
શાકભાજી છે તાજા
ભાદરવામાં ભીંડા મકાઇ
લોકો હોંશે ખાય
આસો મહિને દિવાળીના
ફટાકડા ફોડાય
(૩) મિયાંજી ફૂસકી, બંદૂક ઠૂસકી
હાથમાં હોકો, લાવ મારો ધોકો
ઘરમાં વાંદો, પૂંછડે બાંડો
દાંતો કરડે, મૂછો મરડે
આમતેમ ઊડે, મિયાંજી કૂદે
ચારે બાજુ દોડાદોડી, બીબી સાથે જીભાજોડી
મિયાં મારે ધોકો, તૂટી ગયો હોકો
વાંદો ગયો છટકી, ફૂટી ગઈ મટકી
ચારે બાજુ પાણી, ઘર આખું ધૂળધાણી
બીબી બોલી ફટ છે પણ વાંદાભાઇનો વટ છે
(૪) શિયાળે ટાઢ, ગોદડાં કાઢ
ટાઢ ટાઢ કરીએ નહીં, ટાઢના માર્યા મરીએ નહીં
ઉનાળે તાપ, પાંખો આપ
ઊની ઊની લૂ વાય, પિન્ટુ નળ નીચે ન્હાય
ચોમાસે પાણી, છત્રી આણી
છત્રી છે રૂડી, કાગડો થઈ ઊડી !
(૫)  વારતા રે વારતા, ભાભા ઢોર ચારતા
ચપટી બોર લાવતા, છોકરાં સમજાવતા
એક છોકરો રિસાયો, કોઠી પાછળ ભીંસાયો
કોઠી પડી આડી, અરર…ર……. માડી !
(૬) એકડે એક, પાપડ શેક
બગડે બે, તાલી દે
ત્રગડે ત્રણ, મણકા ગણ
ચોગડે ચાર, સોટી માર
પાંચડે પાંચ, કાગળ વાંચ
છગડે છ, લડશો ન
સાતડે સાત, સાંભળો વાત
આઠડે આઠ, ભજવો પાઠ
નવડે નવ, કરો કલરવ
દસડે દસ, હવે કરો બસ
(૭) વર્ષા રાણી વર્ષા રાણી
વાદળને એ લાવે તાણી
હસતે મોઢે કરતી લાણી
જ્યાં જુઓ ત્યાં પાણી પાણી
(૮) આવ રે વરસાદ, ઘેબરિયો પરસાદ
ઊની ઊની રોટલી ને
કારેલાનું શાક
આવ રે વરસાદ, નેવલે પાણી
માંદલી છોકરીને
દેડકે તાણી
(૯) છોકરાં રે…..હો રે…….
ગોરો આવ્યો …….શું શું લાવ્યો?
પાન,સોપારી, પાનનાં બીડાં,
ભગરી ભેંસ, ભૂરીયો પાડો
એલચી દડો હંસલો ઘોડો
જેને બહેન વ્હાલા હોય તે
પેલા ઝાડને અડી આવે
(બાળકો ઝડપથી ઝાડ અથવા બીજું નામ બોલાય તેને દોડીને અડકી પાછા આવે અને નામ બદલાતા જાય અને રમત આગળ વધતી જાય.)
સકલન :  પૂર્વી મલકાણ – મોદી (યુ એસ એ )
“Purvi Malkan”

ઘવાયેલું બાળમન …

ઘવાયેલું બાળમન  …


આજે વાર્તા નાની છે માટે જરૂર થી વાંચજો, અતિ સુંદર અને સમજવા જેવી છે..
મિત્રો આ વાર્તા ને વાચો ને સમજો.. પછી લાઇક કરો અથવા કોમેન્ટ આપો…
 

શ્રી. પી. રાજાની અંગ્રેજી વાર્તાને આધારે (‘વીણેલાં ફૂલ’ પુસ્તકમાંથી)

ઘવાયેલું બાળમન  ...

‘ધારો કે ભગવાન તમારા ઉપર પ્રસન્ન થાય. માગ, માગ, માગે તે આપું ! તો તમે તેની પાસે શું માગો ?’ શિક્ષકે વર્ગમાં પૂછ્યું. કોઈકે કંઈક માગ્યું અને કોઈકે કાંઈક. ત્યાં રાજુ ઊભો થઈ બોલ્યો :
‘રિવોલ્વર’
‘રિવોલ્વર ?’
‘હા, રિવોલ્વર – ત્રણ ગોળી ભરેલી.’
‘પણ શા માટે ?’
‘ઘરમાંના ભૂતોને ખતમ કરવા.’
‘ભૂતો ?’
‘હા, મારાં માબાપ. મારા માટે એ ભૂતો જેવાં જ છે. મારી સાથે ન બોલે, ન ચાલે. પણ એમનો ડર લાગે.’
‘તારા પિતાજી શું કરે છે ?’
‘દાક્તર છે. એમનું મોટું દવાખાનું છે. આખો દિવસ ત્યાં જ રહે છે.’
‘અને તારી મા.’
‘સ્કૂલમાં ટીચર છે.’
‘તારાં ભાઈ-બહેન ?’
‘કોઈ ભાઈ-બહેન નથી. હું એકલો છું.’
‘તો એકના એક દીકરાને તો માબાપ ખૂબ લાડ લડાવતાં હશે.’
‘લાડ ? એટલે શું ? મારા બાપ તો સવારે હું ઊઠું તે પહેલાં ઘરમાંથી ચાલ્યા ગયા હોય અને એ રાતે મોડેથી આવે, ત્યારે હું સૂઈ ગયો હોઉં.’

‘અને મા ?’
‘આખો દિવસ તો સ્કૂલમાં હોય અને ઘરે આવે ત્યારે ઢગલો નોટબૂક સાથે લાવી હોય તે તેણે તપાસવાની હોય, રસોઈ કરવાની હોય. એટલે મારા માટે તો તેની પાસે સમય જ ન હોય.’
‘એ બંને આટલું બધું કામ કરે છે, તે તારા માટે જ ને !’
‘મારા માટે ?’
‘હા, તેઓ આટલી બધી મહેનત કરીને પૈસો ભેગો કરે છે, તે તારા માટે જ ને ! એમને બીજું કોણ છે ? તું એમનો એકનો એક દીકરો.’
રાજુ હસ્યો : ‘પૈસો ! પૈસાને શું કરું ?’
‘મોટો થઈને તું રાજાની માફક રહી શકે, રાજકુંવરની માફક ખાઈ-પી શકે.’
‘મને ખબર નથી, પૈસો ખવાતો-પીવાતો હશે ! આજે તો હું પ્રેમ માટે તલસું છું.’
‘તે પ્રેમ વિના તું આટલો મોટો થયો હશે ? માબાપે જ તને પ્રેમથી ઉછેરીને આવડો કર્યો ને !’
‘નાનપણથી જ પ્રેમ એટલે શું, તેની મને ખબર નથી. મારી માએ મને કદી ખોળામાં લીધો નથી કે મારા બાપે કદી મારા માથે વહાલથી હાથ ફેરવ્યો નથી. બંને કામ ઉપર જાય, ત્યારે મને ઘરમાં સાચવવા એક બુઢ્ઢી બાઈ હતી. મોટે ભાગે તો એ ઘોરતી હોય. મને રમકડાં આપી દીધાં હોય. થોડો મોટો થયો ત્યારે એ બુઢ્ઢી ગઈ અને મને સાંભળવા એક પ્રૌઢ ઉંમરની બાઈ આવી. એ બહુ લુચ્ચી હતી. મને મારતી અને મારા માટે આપેલું ખાવાનું પોતે ખાઈ જતી. એના રૂક્ષ વહેવારથી હું ત્રાસી ગયેલો. એક દિવસ ઘરમાંથી પૈસા ને દાગીના લઈને એ નાસી ગઈ. ત્યાર બાદ મારી સંભાળ મારે જ લેવાની આવી.’

‘પછી તો તું મોટો પણ થઈ ગયો હશે ને !’
‘હા, હવે હું નિશાળે જતો થયો. સવારે મા મને સ્કૂલે મૂકી જતી. સાંજે મને સ્કૂલે લેવા આવતી. પણ ઘણી વાર એવું બનતું કે હું નિશાળેથી વહેલો છૂટી જાઉં, અને ત્યારે હું મારી મેળે ઘરે આવી જતો. તો બારણે તાળું હોય. હું ઓટલે ઝોંકા ખાતો ભૂખ્યો-તરસ્યો બેસી રહેતો. તેમાં મા આવીને મને વઢતી. ક્લિનિકે જઈને કેમ ન બેઠો ? ત્યાં બેસીને લેસન કરતો હોય તો ! અને ઘરે આવીનેય એ તો રોજ એના કામમાં ડૂબેલી હોય. ઘરકામ કરતી હોય કે સ્કૂલેથી લાવેલી નોટો તપાસતી હોય. મને કહી દે, લેસન કરવા બેસી જા, તને ખાવા ન બોલાવું ત્યાં સુધી મને ડિસ્ટર્બ કરતો નહીં.’
‘ઠીક, પણ રવિવારે તો બંને ઘરમાં રહેતાં હશે ને ?’
‘હોય કાંઈ ? રવિવાર તો મારા માટે જેલનો દિવસ. રવિવારે પણ બાપનું બપોર સુધી દવાખાનું ચાલે અને ખાઈને થોડો આરામ કરી કલબમાં ચાલ્યા જાય. મા પણ કલબમાં જાય કે એનાં મંડળોમાં જાય. અને છાસવારે બહાર પાર્ટીમાં બંનેને જવાનું હોય. રાતે બહુ મોડેથી આવે, ત્યારે હું ટીવી વગેરે જોઈને થાકી-કંટાળીને સૂઈ ગયો હોઉં.’
‘તારા કોઈ દોસ્તાર નથી ?’
‘અમારી બિલ્ડિંગમાં તો મારી ઉંમરના કોઈ નહીં. અમારી સામે ઝૂંપડપટ્ટીમાં હતા, પણ એમની સાથે રમવાની કે હળવા-ભળવાની મને સખત મનાઈ. કહે, એ લોકો સાથે મળવાથી ખોટાં સંસ્કાર પડે !’
‘ત્યારે, એમ છે. એટલા વાસ્તે તારે રીવોલ્વર જોઈએ છે ? તારું ધ્યાન ન રાખનારને ખતમ કરવા છે ?’
‘હા, રિવોલ્વર – ત્રણ ગોળી સાથેની.’
‘બે તો સમજ્યા. પણ આ ત્રીજી ગોળી કોના માટે ? તારા માટે કે મારા માટે ?’
રાજુ બે ઘડી મૂંગો રહ્યો. એના ચહેરા ઉપર નરી દીનતા છવાયેલી હતી. પછી તેણે ઊંચે આકાશ સામે જોયું અને ધીમે ધીમે એક એક શબ્દ ઉચ્ચારતો એ બોલ્યો : ‘ત્રીજી ગોળી એ અનાથાશ્રમના વ્યવસ્થાપક માટે, જેણે મારાં આજનાં કહેવાતાં માબાપને મને દત્તક લેવાની પરવાનગી આપી.’

સૌજન્ય : અજ્ઞાત  (ફેશબુક -)