(૧) પાંચ (૫) મું શિક્ષાપત્ર ભાગ – ૨ … (ગત પોસ્ટથી ચાલુ) અને (૨) રાધા -કાનાના રાસની રમઝટ માણો …

પાંચ (૫)મું શિક્ષાપત્ર…( ભાગ.. ૨ )…

 

આજે દુર્ગાષ્ટમી નીમિતે  સૌ વાંચક મિત્રો તેમજ ભાવીક્જ્નોને  ‘દાદીમા ની પોટલી’ તરફથી  શુભકામના સાથે શુભેચ્છાઓ  પાઠવીએ છીએ.

 

પાંચમા શિક્ષાપત્રમાં શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે વિરહ ભાવના વગર પ્રભુની નજીક જવું એ પુષ્ટિજીવોને માટે અશક્ય છે. પરંતુ જીવોમાં વિરહ ભાવના કેવી રીતે ઉદ્દીપ્ત થાય? ...(ગત પોસ્ટથી ચાલુ…. વધુ આગળ જાણીએ …) (ઉત્તરાર્ધ)…

 


પુષ્ટિમાર્ગમાં શ્રી ઠાકુરજી સ્વયં પૂર્ણ પુરુષોત્તમ રૂપે બિરાજી રહેલા છે. પ.પૂ ૧૦૮ ગો. શ્રી મથુરેશ્વર મહારાજશ્રી કહે છે કે હે પુષ્ટિ પુરુષોત્તમ, હે શ્રી વલ્લભ સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ, હે નિકુંજ નાયક દેવદમન શ્રીનાથજીબાવા આપની અમૃતમયી, આનંદમયી કૃપાથી આપથી આ છૂટો પડી ગયેલો જીવ આપને શરણે પાછો આવ્યો છે. હે પ્રભુ જે જીવનો કોઈ ધર્મ નથી, જે જીવે કોઈ સારા કર્મો કર્યા નથી, જે જીવ અનેક પાપો અને દોષોથી ભરેલો છે, જે જીવ કામ, ક્રોધ જેવા દૂષણોથી ભરેલો છે તેવા જીવ પર કરૂણામય પ્રભુએ આટલી કૃપા કરી કે તેણે મને શરણે લીધો.

 

શ્રી ભાગવતજીમાં કહેલું છે કે જ્યારે જ્યારે જીવોમાં દીનતા પ્રગટે છે ત્યારે ત્યારે જીવને શ્રી હરિ પધારીને તેને સહાય કરે છે. ગાનેન્દ્ર (ગજેન્દ્ર) મોક્ષ, રાસપંચાધ્યાયીમાં વ્રજભકતોની દીનતા, મહાભારતમાં દ્રૌપદીના વસ્ત્રહરણ વખતની દીનતા…..આમ અનેકાનેક ઉદાહરણો આપણાં ધર્મગ્રંથોમાં બતાવ્યાં છે.

 

શ્રી હરિરાય મહાપ્રભુજી કહે કે જીવોની દીનતાથી, અહંકાર જીવોથી દૂર રહે છે, આજ દીનતાથી પ્રભુ જીવોના હૃદયમાં પ્રગટ થઈ પોતાની કૃપાનો સાનંદાનુભવ કરાવે છે. વળી દીનતા એ જીવોના તાપાનુભાવનું પણ પ્રતિક છે, જે પુષ્ટિ જીવોને વિપ્રયોગનું દાન કરે છે. શ્રી વલ્લભ કુલ આચાર્ય બાલકો કહે છે કે જ્યારે જ્યારે જીવોને વિપ્રયોગાત્મક તાપાત્મક ભાવ થાય ત્યારે તેમણે શ્રી સ્વામીનિજી, શ્રી ઠાકુરજી, વ્રજભકતો, શ્રી યમુનાજી અને શ્રી વલ્લભનાં ચરણારવિંદનો આશ્રય લેવો.

 

પુષ્ટિ માર્ગનાં આ પાંચ તત્વોનો આશ્રય લેતી વખતે તેમનાંમાં દ્રઢ વિશ્વાસ અને શ્રધ્ધા સદૈવ રહે તે હેતુથી વૈષ્ણવોએ પુષ્ટિ ભગવદીય અને વૈષ્ણવોનાં સત્સંગ દ્વારા પુષ્ટિગ્રંથોનું સતત અવલોકન, સ્મરણ, શ્રવણ, ચિંતન, મનન, પાદસેવન અને સેવાનો આધાર લેવો. કારણ કે આજ તત્વો છે જેનાં દ્વારા પુષ્ટિ જીવોને પ્રભુ કૃપા રૂપી અમૃત મળે છે, અને જો જીવોથી આમાનું કશું જ ન બને તો તેમણે અષ્ટાક્ષર મંત્રનો સદાયે જાપ કરતાં રહેવુકારણ કે આ અષ્ટાક્ષર મંત્રથી જીવના સર્વે કાર્યો સિધ્ધ થાય છે.

 

પુષ્ટિમાર્ગમાં જેટલી દીનતા અને પ્રભુ પ્રત્યેની આર્તિ હોય તેટલું કાર્ય વધુ ઝડપથી સિધ્ધ થાય છે. શ્રી હરિરાય મહાપ્રભુજી ત્યાં સુધી કહે છે કે લૌકિક હોય કે અલૌકિક, કોઈપણ સંજોગોમાં પુષ્ટિજીવે શ્રી વલ્લભનાં ચરણારવિંદનું સ્મરણ કરતાં અષ્ટાક્ષર મંત્રનું રટણ કરવું જોઈએ. કારણ કે અષ્ટાક્ષર મંત્ર એ જીવોના સંસાર સાગરની એ નાવ છે અને શ્રી વલ્લભનાં ચરણારવિંદ એ આ સંસાર સાગરનાં ખેવૈયા છે જેઓ જીવને આ સંસાર સાગર પાર કરાવે છે.

ઇતિ પાંચમું  શિક્ષાપત્ર સમાપ્ત:

લેખક સંકલનવ્રજનિશ શાહ BOYDS-MDU S A

[email protected]
[email protected]

 

ઇ મીડિયા સંલેખ પ્રાપ્તિ પૂર્વી મોદી મલકાણ.યુ એસ એ..

નોંધ:- વાંચકો અને વૈષ્ણવોને વિનંતી કરવામાં આવે છે કે જો આપને કોઈપણ બાબત સમજમાં ન આવે તો આપ અમને e mail દ્વારા પૂછી શકો છો.

 

પુષ્ટિ વિશેષ : મૂળ પોસ્ટ ના અંતમાં આપને હંમેશા એક પુષ્ટિ પદ -અથવા કોઈ  વિશેષ જાણકારી માણવા મળે તેવી અમારી નમ્ર કોશિશ રહેશે… 

 

બ્લોગ લીંક:  http://das.desais.net ‘દાદીમા ની પોટલી’
email: [email protected]

 

આજે દુર્ગાષ્ટમી, નવરાત્રીના નવલા નોરતા દરમ્યાન રાસ-ગરબાનો લાહવો તો માણવો રહ્યો ને, આજે મા રાધા અને કાના ના  રાસ ચાલો માણીએ… રાસ ની સુંદર રમજટ…માણો …

 

(૨) બીજો ગણ થઈને રાધા ભટકે છે આજ, આટલો સંદેશો મારા કાનુડાને કહેજો … (આ ઉપરાંત બીજા અનેક રાસ  ની રમઝટ નીચે  આપેલ પ્લેયરની લીંકમાં માણો   …. )

પુષ્ટિમાર્ગીય સાહિત્ય અને તેની વિશેષ જાણકારી આપવા  માટે અમારી આ નમ્ર કોશિશમાં આપના તરફથી કોઈ જ સૂચન હોય તો વિના સંકોચ બ્લોગ પોસ્ટ પર અથવા સાથે દર્શાવેલ ‘દાદીમા ની પોટલી’ નાં ઈ મેઈલ દ્વારા અમોને જાણ કરી શકો છો. આપના પ્રતિભાવ અને સૂચન નું સદા અમારા બ્લોગ પર સ્વાગત છે.

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વ્રજનીશભાઈ શાહ  તેમજ પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ ) ના અંતરપૂર્વકથી આભારી છીએ. …‘દાદીમા ની પોટલી’

(૧) પાંચ (૫) મું શિક્ષાપત્ર…( ભાગ.. ૧ ) … અને (૨) પૂજન ચલી રી સાંઝી …

પાંચ (૫) મું શિક્ષાપત્ર…( ભાગ.. ૧ )…

 

પાંચમું શિક્ષાપત્ર શરૂ કરતાં પહેલા ચોથા શિક્ષાપત્રનું ટૂંકમાં વિવેચન કરી લઈએ. ચોથા શિક્ષાપત્રમાં પ્રભુનાં અપ્રાકૃત ધર્મો દર્શાવેલા છે. જેમાં પ્રભુનાં પ્રાકૃત મર્યાદા સ્વરૂપ અને અપ્રાકૃત પુષ્ટિ સ્વરૂપ વિષે જણાવેલ છે. પાંચમા શિક્ષાપત્રમાં શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે વિરહ ભાવના વગર પ્રભુની નજીક જવું એ પુષ્ટિજીવોને માટે અશક્ય છે. પરંતુ જીવોમાં વિરહ ભાવના કેવી રીતે ઉદ્દીપ્ત થાય?

શ્રી મહાપ્રભુજી કહે છે કે વિરહ ભાવના ઉદ્દીપ્ત કરતાં પહેલા જીવોએ પ્રેમ કરવો જોઈએ. પ્રેમનું સ્વરૂપ આસક્તિ અને આસક્તિ એ વ્યસનમાં જ્યારે ફેરવાઇ જાય ત્યારે જીવોમાં વિરહ ભાવના પ્રગટ થાય છે. શ્રી ગુંસાઈજી પ્રભુચરણ કહે છે કે પ્રેમનું સ્વરૂપ સદાયે અલૌકિક હોવું જોઈએ. તે અલૌકિક પ્રેમ અને સ્નેહને જીવોમાં પ્રસ્થાપિત કરતાં પહેલા જીવોમાં પોતાનાં પ્રેમ પ્રત્યે શ્રધ્ધા, વિશ્વાસ અને નિષ્ઠા હોવા જોઈએ. આજ શ્રધ્ધા, વિશ્વાસ અને નિષ્ઠા જીવોનાં દ્રઢ પગલાં પ્રેમ તરફ લઈ જાય છે. પ્રેમ કોના પ્રત્યે હોવો જોઈએ?

 

શ્રી વલ્લભકુલ બાલકો કહે છે કે અલૌકિક પ્રેમને અલૌકિક તત્વોમાં સ્થાપિત કરવો જોઈએ. આવા તત્વોમાં આપણાં ગુરૂ અને ગુરૂ સ્વરૂપ શ્રી પ્રભુ છે જેમાં પ્રેમને સ્થાપિત કરવાથી જીવોનું કલ્યાણ થાય છે. આ અલૌકિક પ્રેમને કારણે જ આપણાં પર ગુરૂ કૃપા ઉતરે છે જેનાં કારણે આપણને પ્રભુની પ્રાપ્તિ થાય છે. વિરહ અને સ્નેહનાં બે સ્વરૂપ પુષ્ટિમાર્ગમાં છે. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી પણ અગ્નિસ્વરૂપ છે પરંતુ શ્રી ઠાકુરજી અને શ્રી સ્વામીનિજીનું એ વિરહ સ્વરૂપ છે. એજ રીતે શ્રી ગુંસાઈજી પ્રભુચરણ એ શ્રી પ્રભુનું અને શ્રી સ્વામીનિજીનું સ્નેહ સ્વરૂપ છે.

પુષ્ટિ માર્ગમાં શિથિલતા ન હોવી જોઈએ, અને વિરહાર્તિજ તેજ હોવી જોઈએ જે શ્રી મહાપ્રભુજીનાં ચરણારવિંદમાં દ્રઢ આશ્રયથી વૈષ્ણવોને પ્રાપ્ત થાય છે. કારણ કે દ્રઢ આશ્રયથી દીનતા અને દીનતાથી ઉત્કંઠા, ઉત્કંઠાથી આસક્તિ, આસક્તિથી વિરહ, વિરહથી આર્તિ અને આર્તિથી વ્યસન વડે પ્રભુ રૂપી ફળની પ્રાપ્તિ થાય છે.

 

સદા વિરહભાવેન ભાવાત્મા ભાવ્યતાં હરિઃ ।
કૃષ્ણો હૃદયદેશસ્થઃ સ્વામિનીનાં કૃપાનિધિઃ ।।

 

શ્રી ગુંસાઈજી પ્રભુચરણ કહે છે કે વૈષ્ણવોએ હંમેશા વિરહભાવથી ભાવાત્મ પ્રભુ,અને શ્રી સ્વામીનિજીનાં હૃદયમાં બિરાજનારા કૃપાનિધિનું સદાયે સ્મરણ કરવું. ભગવાન શ્રી કૃષ્ણનાં ક્રિયાત્મક અને ભાવાત્મક એમ બે સ્વરૂપ છે. મથુરામાં કારાવાસમાં પ્રગટ થયેલું સ્વરૂપ તે ક્રિયાત્મક સ્વરૂપ છે અને મથુરાથી ગોકુળમાં પધારેલું તે ભાવાત્મક સ્વરૂપ છે.

 

સદાસર્વત્મભાવના સેવ્યો ભગવાન ગોકુલેશ્વરઃ ।
સ્મર્તવ્યો ગોપિકાવૃંદૈઃ ક્રિડન્વૃંદાવને સ્થિતઃ ।।

 

શ્રી ગુંસાઈજી પ્રભુચરણ આજ્ઞા કરતાં વૈષ્ણવોને કહે છે કે જે કૃષ્ણ પ્રભુ વૃંદાવનમાં બિરાજીને વ્રજભક્તોના યુથમાં રમણ કરી રહ્યાં છે તે પ્રભુની બાલભાવથી સેવા કરવી જોઈએ અને કિશોર લીલાનાં ભાવથી તેમનું સ્મરણ અને મનન કરવું જોઈએ. પ્રભુની લીલાને અંતર્ગત જોઈએ તો પ્રભુની બાલલીલા શ્રી નવનીત પ્રિયાજીનાં સ્વરૂપમાં પ્રગટ થયેલી છે અને કિશોરવયની રાસલીલા તે નિકુંજનાયક શ્રી ગોવર્ધનલાલજીના સ્વરૂપમાં પ્રગટ થયેલી છે. જે ભક્તોની ભાવના શુધ્ધ અને પવિત્ર હોય છે તે ભક્તોની સર્વે અલૌકિક મનોચ્છા પ્રભુ પૂર્ણ કરે છે અને પોતાની બાળલીલા કે કિશોરલીલાની સેવા કરવાનું સદભાગ્ય ચોક્કસ આપે છે. પ્રભુ પોતાના ભક્તોની મનોચ્છા જાણીને કેવી રીતે તેમની અભિલાષા પૂર્ણ કરે છે તે સંદર્ભમાં એક પ્રસંગ જોઈએ.

 

ગોકુલમાં માતા યશોદાની ગોદમાં ખેલી રહેલા બાલકૃષ્ણને જોઈ ગોકુલની અન્ય ગોપીઑ અને ગાયોની તરસ વધતી જતી હતી તેઓ પ્રત્યેક પળે પ્રભુને વિનતિ કરતાં હતાં કે યશોદાનંદન અમારી વાત્સલ્યની છાયામાં પણ ખેલે જેથી જેવુ સુખ માતા યશોદાને મળે છે તેવું જ સુખ અમને પણ મળે. પ્રભુએ તેમની વિનંતી સાંભળી અને બ્રહ્માજી દ્વારા સંશયની ક્રિયા કરાવી અને પોતે પોતાના અંશ સ્વરૂપ અનેક સ્વરૂપ પ્રગટ કર્યા અને ગોકુલની પ્રત્યેક ગોપીમાતા અને ગૈયા માતાઓના બાલસ્વરૂપોમાં જઈ તેમને શ્રી હરિની માતા બનવાનું સુખ પ્રદાન કર્યું છે.

 

શ્રી મહાપ્રભુજી કહે છે કે જે સ્વયં બ્રહ્માંડ સ્વરૂપ છે અને જેનાં ચરણાર્વિન્દમાં અસંખ્ય બ્રહ્માંડ વાસી રહેલા છે તેવા કમલ સમાન નેત્રોવાળા, પીળા પીતાંબર ધારણ કરેલા, કમર પર કટિબંધ અને ગળામાં ગુંજામાલા ધારણ કરેલા, બાંસુરી વગાડી રહેલા, ઘુમર ગાયને અઢેલીને જે ટેઢા ચરણાર્વિન્દથી જે ઉભેલા છે તેવા નીલવર્ણી, મુખ પર મધુરા સા હાસ્યને રેલાવીને જે ગોપીજનોનાં હૃદયને પ્રસન્ન કરી રહ્યાં છે તે નીલાંબર પ્રભુને મારા અનેકોનેક પ્રણામ હો. પરંતુ શ્રી હરિરાય મહાપ્રભુ કહે છે કે શ્રી વલ્લભચરણ જેનાં ગુણગાન ગાય છે તે અંતર્યામી પ્રભુનું માહાત્મ્ય એટલું વિશાળ છે જેમાં અનંતોનંત બ્રહ્માંડો પોતપોતાના યુગો સહિત સમાયેલા છે આવા પ્રભુ શ્રી ઠાકુરજીનાં ચરણકમલમાં જ્યારે ભક્તોને રતિ અને વ્યસન થાય ત્યારે તે ભક્તિનો આકાર ધારણ કરે છે, અને જે જીવ ભક્તિનો આકાર ધારણ કરે છે તેને પ્રભુની સેવા રૂપી ફલની પ્રાપ્તિ થાય છે.

 

પ.પૂ ૧૦૮ ગો. શ્રી મથુરેશ્વર મહારાજશ્રી કહે છે કે હે પુષ્ટિ પુરુષોત્તમ, હે શ્રી વલ્લભ સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ, હે નિકુંજ નાયક દેવદમન શ્રીનાથજીબાવા આપની અમૃતમયી, આનંદમયી કૃપાથી આપથી આ છૂટો પડી ગયેલો જીવ આપને શરણે પાછો આવ્યો છે. હે પ્રભુ જે જીવનો કોઈ ધર્મ નથી, જે જીવે કોઈ સારા કર્મો કર્યા નથી, જે જીવ અનેક પાપો અને દોષોથી ભરેલો છે, જે જીવ કામ, ક્રોધ જેવા દૂષણોથી ભરેલો છે તેવા જીવ પર કરૂણામય પ્રભુએ આટલી કૃપા કરી કે તેણે મને શરણે લીધો. શ્રી ભાગવતજીમાં કહેલું છે કે જ્યારે જ્યારે જીવોમાં દીનતા પ્રગટે છે ત્યારે ત્યારે જીવને શ્રી હરિ પધારીને તેણે સહાય કરે છે. ગાનેન્દ્ર મોક્ષ, રાસપંચાધ્યાયીમાં વ્રજભકતોની દીનતા, મહાભારતમાં દ્રૌપદીના વસ્ત્રહરણ વખતની દીનતા…..આમ અનેકાનેક ઉદાહરણો આપણાં ધર્મગ્રંથોમાં બતાવ્યાં છે.

 

શ્રી હરિરાય મહાપ્રભુજી કહે કે જીવોની દીનતાથી અહંકાર જીવોથી દૂર રહે છે, આજ દીનતાથી પ્રભુ જીવોના હૃદયમાં પ્રગટ થઈ પોતાની કૃપાનો સાનંદાનુભવ કરાવે છે. વળી દીનતા એ જીવોના તાપાનુભાવનું પણ પ્રતિક છે જે પુષ્ટિ જીવોને વિપ્રયોગનું દાન કરે છે.

 

શ્રી વલ્લભ કુલ આચાર્ય બાલકો કહે છે કે જ્યારે જ્યારે જીવોને વિપ્રયોગાત્મક તાપાત્મક ભાવ થાય ત્યારે તેમણે શ્રી સ્વામીનિજી, શ્રી ઠાકુરજી, વ્રજભકતો, શ્રી યમુનાજી અને શ્રી વલ્લભનાં ચરણાર્વિન્દનો આશ્રય લેવો. પુષ્ટિ માર્ગનાં આ પાંચ તત્વોનો આશ્રય લેતી વખતે તેમનાંમાં દ્રઢ વિશ્વાસ અને શ્રધ્ધા સદૈવ રહે તે હેતુથી વૈષ્ણવોએ પુષ્ટિ ભગવદીય અને વૈષ્ણવોનાં સત્સંગ દ્વારા પુષ્ટિગ્રંથોનું સતત અવલોકન, સ્મરણ, શ્રવણ, ચિંતન, મનન, પાદસેવન અને સેવાનો આધાર લેવો. કારણ કે આજ તત્વો છે જેનાં દ્વારા પુષ્ટિ જીવોને પ્રભુ કૃપા રૂપી અમૃત મળે છે, અને જો જીવોથી આમાનું કશું જ ન બને તો તેમણે અષ્ટાક્ષર મંત્રનો સદાયે જાપ કરતાં રહેવુકારણ કે આ અષ્ટાક્ષર મંત્રથી જીવના સર્વે કાર્યો સિધ્ધ થાય છે.

 

પુષ્ટિમાર્ગમાં જેટલી દીનતા અને પ્રભુ પ્રત્યેની આર્તિ હોય તેટલું કાર્ય વધુ ઝડપથી સિધ્ધ થાય છે. શ્રી હરિરાય મહાપ્રભુજી ત્યાં સુધી કહે છે કે લૌકિક હોય કે અલૌકિક, કોઈપણ સંજોગોમાં પુષ્ટિજીવે શ્રી વલ્લભનાં ચરણાર્વિન્દનું સ્મરણ કરતાં અષ્ટાક્ષર મંત્રનું રટણ કરવું જોઈએ. કારણ કે અષ્ટાક્ષર મંત્ર એ જીવોના સંસાર સાગરની એ નાવ છે અને શ્રી વલ્લભનાં ચરણાર્વિન્દ એ આ સંસાર સાગરનાં ખેવૈયા છે જેઓ જીવને આ સંસાર સાગર પાર કરાવે છે.

 

ઇતિ પાંચમું  શિક્ષાપત્ર સમાપ્ત:

 

લેખક સંકલનવ્રજનિશ શાહ BOYDS-MDU S A

[email protected]
[email protected]

ઇ મીડિયા સંલેખ પ્રાપ્તિ પૂર્વી મોદી મલકાણ.યુ એસ એ..

 

 

નોંધ:- વાંચકો અને વૈષ્ણવોને વિનંતી કરવામાં આવે છે કે જો આપને કોઈપણ બાબત સમજમાં ન આવે તો આપ અમને e mail દ્વારા પૂછી શકો છો.

 

પુષ્ટિ વિશેષ : (મૂળ પોસ્ટ ના અંતમાં આપને હંમેશા એક પુષ્ટિ પદ અથવા પુષ્ટિમાર્ગીય વિશે  વિશેષ જાણકારી માણવા મળે તેવી અમારી નમ્ર કોશિશ રહેશે… )

 

૦૫. પૂજન ચલી રી સાંઝી …
રાગ: હમિર …

 

પૂજન ચલી રે સાંઝી, શુભઘરી શુભ દિન શુભ મુહુર્ત રાત
ચંચલ ચપલ ચપલાસી ડોલત, ચંપે જૈસો ગાત ।।૧।।

અપને અપને મંદિર તે નિકસી, દીપ લિએ સબ હાથ
“ધોંધી” કે પ્રભુ તમુ બહુ નાયક , સબ સખિયન કેં સાથ ।।૨।।

પોતાના પ્રભુની ગૃહસેવા દ્વારા પૂજન કરી રહેલા વૈષ્ણવોના હૃદયમાં અને મનમાં જ્યારે પોતાના પ્રભુની ગૃહસેવાને લગતા વિચારો રૂપી દીવો પ્રગટે છે ત્યારે આપણાંમાં શુભ વિચારોનું વાવેતર કરનારા પ્રભુ પોતાની સમસ્ત અલૌકિક લીલા સાથે વૈષ્ણવોનાં હૃદયમાં પ્રગટ થાય છે. આ સમયે ગૃહસેવામાં ઉપયોગી એવા આવતાં અનેક વિચારો કામમાં લેવા કે ન લેવા એ વચ્ચે મન ઝૂલ્યા કરે છે. આવા ઝૂલી રહેલા મનની અંદર રહેલા અનેક વિચારોની અંદર કોઈક એવો સુંદર વિચાર સેવા અંગેનો આવી જાય તો તે વિચાર રાત હોય કે દિવસ ન જોતાં તે જ સમયે તે વિચાર શુભ વિચાર અને તે ઘડી તે શુભ ઘડી બની જાય છે, અને આ શુભ ઘડીમાં આવેલા એ ચપલ વિચાર વડે કરાયેલી ગૃહસેવા તે ચંપાના ફૂલની જેમ મહેંકી ઊઠે છે. ભક્ત કવિ “ધોંધી” કહે છે કે પ્રભુ આવા શુભ મુહુર્તમાં સઘળી સખિજનો સાથે મારા હૃદયનાં આંગણિયામાં આવી પ્રેમપૂર્વક મારા હસ્તે કરાયેલી સેવા સ્વીકારો.

પુષ્ટિ કીર્તન સાહિત્યના આધારે…
લેખક: પૂર્વી મોદી મલકાણ

 

બ્લોગ લીંક:  http://das.desais.net ‘દાદીમા ની પોટલી’
email: [email protected]

 

પુષ્ટિમાર્ગીય સાહિત્ય અને તેની વિશેષ જાણકારી આપવા  માટે અમારી આ નમ્ર કોશિશમાં આપના તરફથી કોઈ જ સૂચન હોય તો વિના સંકોચ બ્લોગ પોસ્ટ પર અથવા સાથે દર્શાવેલ ‘દાદીમા ની પોટલી’ નાં ઈ મેઈલ દ્વારા અમોને જાણ કરી શકો છો. આપના પ્રતિભાવ અને સૂચન નું સદા અમારા બ્લોગ પર સ્વાગત છે.

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વ્રજનીશભાઈ શાહ  તેમજ પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.  આજની પોસ્ટ  આપને પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો, આપના દરેક પ્રતિભાવ અમારા માટે પ્રેરણાદાયી તેમજ માર્ગદર્શકરૂપ બની રહે છે. આભાર …! ‘દાદીમા ની પોટલી’

(૧) ૪ થું શિક્ષાપત્ર… અને (૨) પદ …

૪ થું શિક્ષાપત્ર…

 

 

વિરુધ્ધધર્મશ્રયત્વં સ્વસુખાય વિચારયેત્ ।
શ્રી ભાગવત વાકયેન કૌમારં જહતુ વ્રજે ।।

 

શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી શ્રી સુબોધિનીજીમાં આજ્ઞા કરતાં કહે છે કે પ્રભુનાં પાંચ બહિરરંગ ધર્મો છે. જેમાં પ્રથમ બહિરંગ ધર્મ તે કર્તૃત્વ અને કર્તાપણું છે, બીજો ધર્મ તે સ્વરૂપત્વ છે, ત્રીજો ધર્મ તે સર્વોધ્ધરત્વ છે, ચોથો ધર્મ તે ન્યાયાત્વ છે અને પાંચમો ધર્મ તે વિરુધ્ધાશ્રય છે.

 

સંસારનાં પ્રત્યેક અણું અણુંમાં અણાંશ બનીને રહેતાં અંતર્યામી પ્રભુ પોતાની ઇચ્છાએ જ સર્વ જીવોમાં વસી રહ્યાં છે. શ્રી પ્રભુએ વિરુધ્ધધર્મશ્રયનો અંગીકાર સ્વસુખ માટે જ કર્યો હોવાથી આચાર્યચરણે શ્રી ઠાકુરજીને ઉદ્દેશીને “કૌમારં જહતુ વ્રજે” એમ કહેતાં કહ્યું છે કે શ્રી પ્રભુએ બાલ્ય લીલામાં કુમારવસ્થાની લીલા, કુમારવસ્થાની લીલામાં બાલ્ય લીલા કરી છે. આ રીતે શ્રી ઠાકુરજીની સઘળી લીલાઓ વિરુધ્ધધર્મશ્રય લીલાઑ અનુસાર છે.

 

આ ચોથા શિક્ષાપત્રમાં શ્રી હરિરાય મહાપ્રભુજી આચાર્ય વલ્લભની વાત સમજાવતાં કહે છે કે વિરુધ્ધધર્મશ્રય લીલાઑ એ શ્રી ઠાકુરજીની અલૌકિક ક્રિયાઑ છે જેનાં દ્વારા શ્રી ઠાકુરજી પોતાના ભક્તોને આનંદ આપે છે. શ્રી પ્રભુ એક બાજુ બાલ સ્વરૂપે માતા યશોદાની ગોદમાં બિરાજે છે અને પાલનામાં ઝૂલે છે. એજ બાલ સ્વરૂપે ખેલતા શ્રી પ્રભુ શ્રી સ્વામિનીજીનું આદિ વ્રજાંગનાઑને રસિક ઇન્દ્ર સ્વરૂપે અનેક મનોરથો માટે સંકેત કરે છે.

 

શ્રી ગુંસાઈજીએ એનું સુંદર નિરૂપણ “ પ્રેંખ પર્યન્કશયનમ ચિર વિરહતાપ હરણમ” એ પદમાં કર્યું છે અને કહ્યું છે કે બાલ સ્વરૂપ હોવા છતાં ઠાકુર રસિક શિરોમણી છે. શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે શ્રી પ્રભુ પોતાને જ વશ છે આથી પોતાનું જ ધાર્યું કરે છે. પરંતુ જ્યારે શ્રી પ્રભુ ગોપીજનોના મંડળમાં પધારે છે ત્યારે સદા તેમને વશ રહે છે ત્યારે બધું જ સહજ રૂપે બને છે. પ્રભુને જોઈને એવું નથી લાગતું કે શ્રી પ્રભુ પોતાનું ધાર્યું પરાણે છોડતાં હોય. પ્રભુ માટે બધું જ શક્ય છે અને સહજ છે કારણ કે ગોપીજનોનાં પ્રેમ પાસે પ્રભુ પોતે સરળ બની જાય છે.

 

શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે જેમ પ્રભુનાં પાંચ બહિરરંગો  છે તેમ પુષ્ટિ પ્રભુનાં બે સ્વરૂપ ધર્મો પણ છે જેમાં એક અપ્રાકૃત છે, અને બીજું પ્રાકૃત સ્વરૂપ છે. અપ્રાકૃત સ્વરૂપ જીવોને સદાયે આનંદ આપવાનું કાર્ય કરે છે. કારણ કે પ્રભુની આ સ્વરૂપ સ્વયં આનંદમય છે, તેથી જે આનંદમય હોય તે અન્યોને પણ આનંદ જ આપે. વેદની શ્રુતિઓએ પણ પ્રભુનાં આ આનંદમય સ્વરૂપને અલૌકિક અને અપ્રાકૃત કહ્યું છે. જ્યારે પ્રભુનું પ્રાકૃત સ્વરૂપ તે માયા છે જે સમય અને કાળને અનુસાર પ્રગટ પણ થાય છે અને નષ્ટ પણ થાય છે. જેમાં માયાકૃત ગુણ, કામ,ક્રોધ, મદ, મત્સર વગેરે લાગેલા છે. પ્રાકૃત ગુણ પ્રભુને તો નથી લાગતાં પરંતુ પ્રભુની માયાને ચોક્કસ લાગી શકે છે.

 

વેદની શ્રુતિઓએ કહ્યું છે કે જે જીવો વેદો અને પંચમ વેદ સમાન શ્રીમદ્ ભાગવતજીનાં વચનોને પ્રમાણ તરીકે માન્ય નથી રાખતાં તેવાં જીવને આસુરી જીવ માનવો. આ આસુરી જીવ તે પ્રભુની માયાનું પ્રાકૃત સ્વરૂપ છે. શ્રી હરિરાયજી મહાપ્રભુજી કહે છે કે પ્રભુનાં અપ્રાકૃત ધર્મમાં પ્રભુનું સ્વરૂપ જ્ઞાન, સ્વરૂપ અને નિષ્ઠા રહેલ છે જેનું પુષ્ટિ જીવોએ શરણ લેવું જોઈએ જેથી પુષ્ટિ જીવોમાં લીલા સંબંધી ભૂખનો વ્યાપ્ત થાય અને પ્રભુને પામવાની ઈચ્છા, લગન અને વ્યસનમાં દિનપ્રતિદિન વધારો થતો જાય.

 

શ્રી પ્રભુના બે અંતરંગ ધર્મ છે. પહેલો ધર્મ તે ઐશ્વર્ય છે જેનાં દ્વારા શ્રી પ્રભુ પોતાના સામર્થ્ય દ્વારા પોતાના ભક્તોને પોતાના શ્રી ચરણોમાં આકર્ષે છે. પરંતુ ઐશ્વર્ય ભાવ એ પ્રભુનો મર્યાદિક ભાવ છે. આ મર્યાદિક ભાવમાં પ્રભુને ભૂખ તરસ, ઠંડક વગેરે ધર્મો નથી લાગતાં. આ મંદિરમાં બેસેલો પ્રભુ અમારી રક્ષા કરે છે તેવો ભાવ જેનો છે તેવા મર્યાદિક ભક્તોનાં આ ઐશ્વર્યારૂપ પ્રભુ છે.

 

શ્રી પ્રભુનો બીજો ધર્મ તે માધુર્ય ભાવ. માધુર્ય ભાવ વડે શ્રી ઠાકુરજીએ પોતાના ગોપીજનોને સ્નેહદોર વડે બાંધેલ છે. માધુર્યભાવનાં બે ભાગ છે પ્રથમ માધુર્ય ભાવમાં કિશોર લીલા આવે છે જે દર્શનીય છે અને બીજા માધુર્યભાવમાં વાત્સલ્ય ભાવ આવે છે જેમાં શ્રી ઠાકુરજીની બાલ્ય લીલા આવે છે. માધુર્ય ભાવનાં બંને ભાગમાં કેવળ અને કેવળ ભક્તોનો પોતાના પ્રભુ માટે સ્નેહ છે તે સખાભાવે હોય કે સ્નેહભાવે હોય…..બસ ભક્તો દ્વારા પોતાના પ્રભુનાં જ તત્સુખનો જ વિચાર ભક્તો દ્વારા કરાય છે.

 

જેમ માનવોનાં શારીરિક ગુણધર્મો હોય તેમ પ્રભુનાં ધર્મોનો વિચાર ભક્તજનો દ્વારા કરવામાં આવે છે તેથી પ્રભુ પાસે ભોગનો થાળ અને બંટાજીમાં નેગ ધરાય છે, પ્રભુની તરસ છીપાવવાંનાં હેતુથી જલઝારી મૂકવામાં આવે છે, તાપ દરમ્યાન શીતળતા પ્રદાન કરવા પંખો અને શિયાળે અંગીઠી ધરાવવામાં આવે છે જ્યાં જે ભક્તો પાસે પ્રભુને આવા સ્નેહમાં તણાવવાને માટે મળે છે ત્યાં પ્રભુ પણ પોતાનાં ભક્તો પાસે માંગી માંગીને પોતાનો અધિકાર દર્શાવીને ભક્તજનોને અંગીકૃત કરે છે.

 

આથી જ શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે શ્રી પ્રભુ સર્વવ્યાપક, અને સર્વોપરી છે જે પોતાનાં ભક્તોને માધુર્યભાવ, વાત્સલ્યભાવ, સખાભાવ, દાસ્યભાવ અને સૌથી વિશેષ એવાં સ્નેહભાવ રૂપનાં રસમાં પોતાનાં ભક્તજનોને ડૂબાડી રાખે છે. શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે મર્યાદામાર્ગીય વૈષ્ણવને પોતાની ભક્તિભજનનું ફળ ચોક્કસ મળે છે અને તે મોક્ષનો અધિકારી પણ બને છે પરંતુ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવજનો માટે શ્રી ઠાકુરજીનું તત્સુખ સર્વોપરી અને સર્વસ્વ છે તેથી તે પ્રભુની સેવાથી પ્રભુનાં સ્વરૂપાનંદનો અનુભવ કરે છે તેને માટે પ્રભુ અને પ્રભુ સુખ સિવાયની સમસ્ત ક્રિયાઑ ગૌણ બની જાય છે.

 

શ્રી મહાપ્રભુજી કહે છે કે જગતમાં રહેતો પ્રત્યેક જીવ શ્રી પ્રભુનાં શરણનો દાસ બન્યો હોય કે ન બન્યો હોય તો પણ તે શ્રી પ્રભુનાં પ્રત્યેક ધર્મનો અનુભવ કરી જ શકે છે. પરંતુ પુષ્ટિ વૈષ્ણવોનો એ ધર્મ છે કે તે પોતાનાં પ્રભુનાં સ્વરૂપ અને તેમની ક્રીડાત્મક લીલાઓ વિષે સંદેહ ન રાખતાં વિરુધ્ધધર્માશ્રયનાં ગુણને ઓળખે અને તેમાં દ્રઢ નિષ્ઠા, વિશ્વાસ અને શ્રધ્ધા રાખે જેથી કરીને માર્ગનો ભાવનાત્મક રસ તેમના હૃદયમાં ઉદ્દીપ્ત થાય. કારણ કે આજ ભાવનાત્મક રસથી પુષ્ટિ જીવોમાં દૈન્યતા અને આશ્રયભાવ જાગૃત થાય છે જેનાં વડે પુષ્ટિ જીવોને શ્રી વિઠ્ઠલ અને શ્રી વલ્લભનાં ચરણોમાં શરણારગતિ મળે છે.

 

ઇતિ ચોથું શિક્ષાપત્ર સમાપ્ત:

 

નોંધ:- વાંચકો અને વૈષ્ણવોને વિનંતી કરવામાં આવે છે કે જો આપને કોઈપણ બાબત સમજમાં ન આવે તો આપ અમને e mail દ્વારા પૂછી શકો છો.

 

લેખક સંકલન-વ્રજનિશ શાહ BOYDS-MD-U S A
[email protected]
[email protected]

ઇ મીડિયા સંલેખ પ્રાપ્તિ પૂર્વી મોદી મલકાણ.યુ એસ એ.

 

પુષ્ટિ વિશેષ : (મૂળ પોસ્ટ ના અંતમાં આપને હંમેશા એક પુષ્ટિ પદ અથવા પુષ્ટિમાર્ગીય વિષે, વિશેષ જાણકારી માણવા મળે તેવી અમારી નમ્ર કોશિશ રહેશે… )

 

૩) આજ રાવલ મેં જયજયકાર-
રાગ- રામકલી
રચના – રામદાસજી

 

આજ રાવલ મેં જયજયકાર,
પ્રકટ ભઈ વૃષભાન ગોપ કે શ્રી રાધા અવતાર ।। ૧ ।।

ભૂષન વસન શોભિત અંગ અંગન કંઠ મનોહર હાર
હાટક તન વદનાર્વિન્દ છબિ દુંહુંદિસ ભયો ઉજિયાર ।। ૨ ।।

સબ સખિયન મિલ દ્વારે આઈ ગાવત મંગલ ચાર
નિર્મિત જોરી કુંવર મોહન કી “ રામદાસ” બલિહાર ।। ૩ ।।

 

શ્રી ઠાકોરજીની પ્રિય પ્રાણવલ્લભા શ્રી રાધારાણીનો જન્મ ભાદ્રમાસ, શુક્લ પક્ષ, અષ્ટમીની તિથિને સોમવારે થયો હતો. આ દિવસ રાધાષ્ટમીના નામે ઓળખાય છે. શ્રી રાધાજીના પ્રાગટયના સમયનું વર્ણન શ્રી રામદાસજી કરી રહ્યાં છે.

રાવલ ગામમાં માતા કીર્તિજી અને વૃષભાન ગોપને ત્યાં ત્રણે ભુવનની શોભા વધારનારી લક્ષ્મી સ્વરૂપા કન્યા અવતરીત થઈ. એના પ્રાગટ્યથી આખા રાવલ ગામમાં જય જયકાર થઈ ગયો છે. ગોપ ગોપીઓના વૃંદ વૃષભાનજીને ઘેર તેમની કુંવરીને જોવા માટે મંગલ ગીતો ગાતા ગાતા આવ્યાં છે. વૃષભાનજીને ત્યાં આવીને તેમણે રસમૂર્તિ અને પ્રેમમૂર્તિ એવી કિર્તિકુમારીને જોઈ. લક્ષ્મી સ્વરૂપા તે કુમારીને જોઈ વ્રજવાસીઓ અત્યંત હર્ષિત થયા. શ્રી રાધિકાજીનું શ્રી અંગ સુવર્ણ જેવુ તેજસ્વી છે, તેમનું વદન સરોજીની જેવું સુંદર અને સુકોમળ છે. તેમના શ્રી કંઠમાં રત્નજડિત મનોહર હાર શોભી રહ્યો છે. આપના શ્રી અંગ અને મુખારવિંદની આભા અને ઉજજવળતા એવી છે કે દશે દિશાઓમાં તેનો પ્રકાશ ફેલાઈ રહ્યો છે.

 વ્રજનારીઓએ કિર્તિકુમારીના બલૈયા લીધાં અને વૃષભાનજીને પુત્રીરત્નની અનેક વધાઈ આપી. કુંવરીના પ્રાગટ્યથી વ્રજના બે કુળ ગૌરાન્વિત થઈ રહ્યાં છે. એક તો શ્રી વૃષભાનજીનું કુળ જ્યાં તેનું પ્રાગટ્ય થયું છે અને અને બીજું એ કુળ જેના સ્વામીની સાથે જ્યાં એ કુંવરીને સ્વામીનિજી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. રામદાસજી કહે છે કે મારા નંદનંદન એવા કૃષ્ણકનૈયા, મારા મનમોહન સાથે જેમની જોડી નિર્મિત થઈ છે તેવા શ્રી રાધેરાણી પર હું બલિહારી જાઉં છું.

પુષ્ટિમાર્ગીય કિર્તન સાહિત્યના આધારે …

પૂર્વી મલકાણ મોદીના … જય શ્રી કૃષ્ણ !

 

Blog Link: http://das.desais.net ‘દાદીમા ની પોટલી’
email: [email protected]

 

પુષ્ટિમાર્ગીય સાહિત્ય અને તેની વિશેષ જાણકારી આપવા  માટે અમારી આ નમ્ર કોશિશમાં આપના તરફથી કોઈ જ સૂચન હોય તો વિના સંકોચ બ્લોગ પોસ્ટ પર અથવા સાથે દર્શાવેલ ‘દાદીમા ની પોટલી’ નાં ઈ મેઈલ દ્વારા અમોને જાણ કરી શકો છો. આપના પ્રતિભાવ અને સૂચન નું સદા અમારા બ્લોગ પર સ્વાગત છે.

આજની પોસ્ટ આપને પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો, આપના દરેક પ્રતિભાવ અમારા માટે પ્રેરણાદાયી તેમજ માર્ગદર્શકરૂપ બની રહે છે. આભાર …! ‘દાદીમા ની પોટલી’

૩જું શિક્ષાપત્ર …

૩જું શિક્ષાપત્ર …

 

પ્રથમ શિક્ષાપત્રમાં વૈષ્ણવનું કર્તવ્ય આવે છે, બીજા શિક્ષાપત્રમાં શ્રી કૃષ્ણનું સ્વરૂપ વિષે શ્રી હરિરાય મહાપ્રભુજી બતાવે છે અને ત્રીજા શિક્ષાપત્રમાં શ્રી હરિરાયમહાપ્રભુજી સત્સંગની આજ્ઞા કરતાં કહે છે કે દુઃસંગનો ત્યાગ કરવો, લૌકિક આસક્તિ દૂર કરવા સત્સંગમાં રહેવું.

પરંતુ પ્રશ્ન એ થાય કે દુઃસંગ શું છે?

 

શ્રી મહાપ્રભુજી કહે છે કે માનવજીવ જેના વિચાર વચનથી સંસારમાં ભટકે છે, સરકે છે, તેના સંગ ને, દુઃસંગ અને દુષ્ટ જાણવું.,  તેવા જીવ પોતે પણ માર્ગ ભૂલે છે અને બીજાને પણ માર્ગ ભૂલાવે છે. આવા દુઃસંગીનાં સંગથી જીવોના સત્કર્મો નાશ પામે છે અને જીવ પતનનાં માર્ગે વધી જાય છે.

 

બીજો પ્રશ્ન છે કે સંગ શું છે?

 

શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે જે સંગની કારણે ભગવદ્પ્રાપ્તિ માટે આસક્તિ અને વ્યસન વધે છે તેને જ સત્સંગ જાણવો.

નિધિઃ પ્રાપ્તઃ સુસરંક્ષ્યો દુઃસંગાદિકતઃ સદા ।
ત્યકત્વાડપિ લોક સંકોંચં યથા વવ્યિજર્લાદપિ ।।૧।।

 

જે ભગવદ ભાવરૂપી નિધિસ્વરૂપ પ્રાપ્ત છે, તેની રક્ષા કરવા લોકનાં સંકોચનો ત્યાગ કરીને દુઃસંગથી રક્ષણ કરવું જોઈએ. જેમ જળથી અગ્નિની રક્ષા કરીએ છીએ. ભગવદ્ભાવ અગ્નિ સ્વરૂપ છે અને દુઃસંગજળ સમાન છે. જળનો સ્વભાવ, પ્રકૃતિ, ગુણ અગ્નિનું શમન છે, નાશકર્તા છે.

શ્રી મહાપ્રભુજી કહે છે કે ભગવદ્સેવામાં કોઈ શરમ સંકોચ ન રાખવો જોઈએ. શ્રીજી સેવાનું પ્રત્યેક કાર્ય પોતે જ કરવું જોઈએ. સત્સંગીનાં સંગમાં રહીને આસક્તિ અને દુષ્ટ જનોનાં સંગથી દૂર રહી દુઃસંગીથી દૂર રહેવા પ્રયત્ન કરવો જોઈએ. શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે દુઃસંગીથી અને દુઃસંગથી દૂર રહેવા પ્રયત્ન કરવો પરંતુ જો દૂર ન રહી શકાય તો તે સ્થાનનો પરિત્યાગ કરવો જોઈએ. મન, હૃદય અને ચિત્તને ભગવદ્સેવામાં અને કીર્તનમાં તત્પર રાખવું જોઈએ. હરિશરણની ભાવના નિત્ય મનમાં રાખવી.

 

શ્રી મહાપ્રભુજી વિવેકધૈર્યાશ્રયમાં કહે છે કે જે જન અહંતા-મમતાવાળા સંસારમાં આસક્તિ કરવાની પ્રેરણા કરે તો તેનો સંગ દુઃસંગનો જાણવો. શ્રી વલ્લભ અને વલ્લભકુલનું શરણ જે પુષ્ટિ જીવ સ્વીકારે છે તે જીવો શ્રીજી સેવાનાં અધિકારી છે. શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે જીવોએ સદૈવ વૈષ્ણવોનાં સંગમાં રહેવું જોઈએ જેથી લૌકિક સંસારમાં મન આમતેમ ભટકે નહીં.  શ્રી ગુંસાઈજી પ્રભુચરણ કહે છે કે પુષ્ટિ જીવ જ્યારે વિચારે કે મહાપ્રભુજીનો શરણાર્થી એવો હું જ્યારે મહાપ્રભુજીનાં બીજા શરણાર્થીને મળું છું ત્યારે એ શરણાર્થીસંગી મારો સાચો સંબંધી થયો જે મારા ચિત્ત અને મનને ભગવદ્સેવામાં જોડીને મને અન્ય માર્ગી સંગથી બચાવે છે અને શ્રી વલ્લભ, વિઠ્ઠલનાં ચરણોનો અનુગ્રાહી બનાવે છે. કારણ કે પુષ્ટિ માર્ગમાં તો કેવળ વિઠ્ઠલ, શ્રી વલ્લભ, શ્રી વલ્લભકુલ બાલકો, વૈષ્ણવો રૂપે રહેલા વ્રજભકતો, અને શ્રી વ્રજભૂમિ એ રસાત્મક, અને ફલાત્મક બનીને પુષ્ટિજીવોને પ્રકાશરૂપ પોષણ આપે છે.

 

એવં નિશ્ચત્ય સર્વેષું સ્વીયેષ્વન્યેષુ વાપુનઃ ।
મહત્દુલપ્રસૂતેષુ કર્તવ્યઃ સંગનિર્ણયઃ ।। ૧૦ ।।

 

અર્થાત…. પોતાના કોણ અને પરાયા કોણ, કોનો સંગ રાખવો અને કોનો ત્યાગ કરવો તે નિશ્ચય કરીને સત્ય, સંગત્ય અને સત્સંગીની સાથે ચાલવું. અન્ય લૌકિક, વૈદિક ઉપાધિ રૂપ તત્વો અને સંગોથી દૂર રહેવું જે જીવોની રૂચિ, અને સુરુચિ કેવળ વલ્લભ કુલ અને વલ્લભ રૂપ શ્રી કૃષ્ણમાં હોય તેવા જ જીવો સાથે મન, વચન, પ્રીતિ, કર્મ અને ક્રિયાઓ વડે સત્સંગ કરવો.

જે લૌકિક જીવો પુષ્ટિમાર્ગની પ્રણાલી અને પ્રણાલિકાથી વિરુધ્ધ આચરણ કરે તેને અવૈષ્ણવ જાણવો. શ્રી વલ્લભકુલ બાલકો આજ્ઞા કરતાં કહે છે કે જો પુષ્ટિજીવોને સંગ અને સત્સંગી ન મળે તો પોતાના ગૃહમાં શ્રી ઠાકુરજીની સેવા માટે રહેલ પ્રત્યેક સજીવ અને નિર્જીવને સત્સંગી માનીને તેની સાથે જ સત્સંગ કરવો પરંતુ અસંગી અર્થાત જે લૌકિક જીવ છે તેની સાથે સંગ ન કરવો.

વલ્લભકુલ બાલકોની આ આજ્ઞા સાંભળીને સહેજે આશ્ચર્ય થાય કે સજીવ નિર્જીવ કોણ છે અને તેની સાથે સત્સંગ કેવી રીતે થાય?

આ વાતને સવિસ્તાર સમજાવતાં શ્રી મહાપ્રભુજી કહે છે કે આપણાં માર્ગમાં સેવાપ્રકાર, સેવા પ્રણાલી, પિછવાઈ, વસ્ત્ર, ખંડપાટ, ચરણચોકી, નિજ મંદિર, શાકઘર, દૂધઘર, જલઘર, ડોલતિબારી, તિબારી, રસોઈઘર, ફૂલઘર, ભંડારઘર, સેવકો, કિર્તનીયા, સામગ્રી, વ્રજભૂમિ, ગુલ્મલત્તા, સેવામાં બિરાજતાં ખિલૌના, પશુ પક્ષીઓ, નિકુંજ-ફૂલછોડ આદિને અલૌકિક જાણીને તેમની સાથે જ ભગવત સત્સંગ કરી લેવો.

 

વળી ઘરમાં આપણી સાથે ઘરમાં વસતા બાળકો, વડીલો કે અન્ય સંબંધીઑ અથવા ઘરમાં રહેલા home plants આદિ પણ પુષ્ટિ સંગી જ કહેવાય કારણ કે આપણાં દ્વારા જ્યારે જ્યારે ભગવદસ્મરણ થાય છે અથવા જ્યારે પણ આપણે ભગવદ ગુણગાન કરીએ છીએ ત્યારે તેઓમાં પણ ભગવદભાવ આવે છે અને તેમનાંમાં રહેલ આજ ભગવદભાવ સાથે આપણે સંગ કરવાનો છે, આપણો ભાવ વહેંચવાનો છે પરંતુ જે માર્ગીય નથી તેની સાથે આપણાં ભાવ ને વહેંચવાનો નથી.

 

શ્રી હરિરાય મહાપ્રભુજી ભાવ સાથે આ ત્રીજા શિક્ષાપત્રને પૂર્ણ કરતાં કહે છે કે જે ગૃહમાં શ્રી ઠાકુરજી અને શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી પોતાના પરિકર સહિત બિરાજે છે તેવા ગૃહની સામગ્રીમાં અલૌકિકતાની સુગંધ ફેલાય છે અને સેવા પણ આનંદ સ્વરૂપ થઈ જાય છે.

વ્રજભાષાનાં  સમાવેશ થોડા શબ્દોની  સરળ સમજણ …

જલઘર-જ્યાંથી જળ અર્થાત પાણી ભરવામાં આવે છે તે જ્ગ્યા, પાણિયારું.
શાકઘર-શાક સમારવાની જગ્યા અને શાક જ્યાં મૂકવામાં આવે છે તે જ્ગ્યા.
દૂધઘર-જ્યાં દૂધની સામગ્રી બને છે તે રસોઈગૃહ, રસોડુ.
ગુલ્મલત્તા-ફૂલછોડ.
તિબારી-બેઠક, જ્યાં ઠાકુરજી બિરાજે છે તે ભીતરનું સ્થાન.
ડોલ-ધૂળેટી, હોળીનો તહેવાર.
ખંડપાટ-શ્રીજીનો ભોજનનો થાળ વગેરે મૂકવાનો પાટલો.

ચરણચોકી-જેનાં ઠાકુરજીનાં ચરણારવિન્દ રહે તે પાટલો જેનાં પર સામાન્ય રીતે ખિલૌના આદિ મૂકવામાં આવે છે.

ભંડારઘર-જ્યાં સામગ્રી અર્થાત રસોઈ માટે દાળ,કઠોળ વગેરે રાખવામાં આવે છે તે જગ્યા, કોઠાર.

 

 

નોંધ:વાંચક મિત્રો  અને વૈષ્ણવોને વિનંતી કરવામાં આવે છે કે જો આપને કોઈપણ બાબત સમજમાં ન આવે તો આપ અમને e mail દ્વારા પૂછી શકો છો.

સાભાર : લેખક સંકલન-વ્રજનિશ શાહ BOYDS MD

સંપર્ક:
[email protected]
[email protected]

ઇ મીડિયા સંલેખ પ્રાપ્તિ પૂર્વી મોદી મલકાણ. યુ એસ એ.

 

(૨) સાંઝી ભલી બન આઇ રે ..

રાગ: ખમાય ..

સાંઝી ભલી બન આઇ રે, શ્રી રાધે વૃષભાનલલી
વરન વરન ફૂલન બિનકે
, અપને હાથ બનાઈ રે ।।૧।।

નંદગામતેં સખી ભેખ લૈ, આયે કુંવર કન્હાઇરે
પુરુષોત્તમ પ્રભુ કી છબિ નિરખત
, નયનન સચુપાઈ રે ।।૨।।

 

સેવા જેનું સર્વસ્વ છે તેવા શ્રી રાધિકાજીનું મન પ્રભુની અનેક લીલારૂપી સાંઝીમાં સ્થિર થતાં તેઓ આનંદથી ડોલી રહ્યાં છે. શ્રી રાધિકાજી પ્રભુના સ્વામિની પણ છે અને ભક્ત પણ છે. સ્વામિની બનીને શ્રી રધિકાજી  સદૈવ પ્રભુની પાસે છે પરંતુ આજે પ્રભુના ભક્ત તરીકે શ્રી રાધિકાજી પ્રભુની લીલામાં મગ્ન થઈ રહ્યાં છે. પ્રભુ પણ પોતાના ભક્તોને જાણે છે તેથી જ જ્યારે પોતાના ભક્તોની જ્યારે આવી મનઃસ્થિતિ થાય ત્યારે તે ભક્તોના મનમાં પ્રાદુર્ભાવ પામેલી લીલા મુજબ પ્રભુ પોતાના નિજ પરિકર એવા નંદગામ અને વ્રજભૂમિ સહિત પ્રગટ થઈ ભક્તોને દર્શન આપે છે. બીજા અર્થમાં જોઈએ તો સાંઝીલીલા એ વૈષ્ણવોના ગૃહમાં અને પુષ્ટિમાર્ગમાં રંગોળીની પ્રતિક્રિયા રૂપે આવે છે. જે રંગોળીરૂપી સાંઝીમાં વૈષ્ણવોએ જીવ સ્વરૂપે છે અને શ્રી ઠાકુરજી પોતે શિવ સ્વરૂપે છે અને આ જીવ અને શિવનાં મિલનથી અંકિત થતી સાંઝીમાં પ્રભુના નિજભક્તો, અને અષ્ટછાપ કવિઓ તથા તેમની વાણીથી રંગબેરંગી થતાં આપણાં આંગણાની જેમ આપણું જીવન પણ રંગબેરંગી થઈ જાય અને તે રંગબેરંગી થયેલા જીવનની અંદર પ્રભુ પોતાના નિજ પરિકર સાથે સદાયે રમણ કરે છે.

પુષ્ટિકીર્તન સાહિત્યનાં આધારે…

પૂર્વી મોદી મલકાણનાં જય શ્રી કૃષ્ણ. 

 

Blog Link: http://das.desais.net – ‘દાદીમા ની પોટલી’
email: [email protected]

પુષ્ટિમાર્ગીય સાહિત્ય અને તેની વિશેષ જાણકારી આપવા  માટે અમારી આ નમ્ર કોશિશમાં આપના તરફથી કોઈ જ સૂચન હોય તો વિના સંકોચ બ્લોગ પોસ્ટ પર આપના પ્રતિભાવ દ્વારા અથવા સાથે દર્શાવેલ ‘દાદીમા ની પોટલી’ નાં ઈ મેઈલ દ્વારા અમોને જાણ કરી શકો છો. આપના પ્રતિભાવ અને સૂચન નું સદા અમારા બ્લોગ પર સ્વાગત છે.

આજની પોસ્ટ આપને પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો, આપના દરેક પ્રતિભાવ અમારા માટે પ્રેરણાદાયી તેમજ માર્ગદર્શકરૂપ બની રહે છે. આભાર …! ‘દાદીમા ની પોટલી’

૨ જું શિક્ષાપત્ર …

૨ જું શિક્ષાપત્ર ...

 

પ્રથમ શિક્ષાપત્રમાં શ્રી આચાર્ય ચરણ શ્રી હરિરાયજીએ પુષ્ટિ જીવના કર્તવ્યનું દર્શન કરાવતાં, કર્મની વાત અને વાણીનાં સંયમ વિષે સમજાવ્યું છે. શ્રી વલ્લભ કુલ બાલકો કહે છે કે સેવાનાં માધ્યમથી લીલાભાવના અને ભાવભાવના તે જ રીતે અનોસર દરમ્યાન ભાવભાવના, પરોક્ષ સેવા, સેવા કાર્ય, દૈન્યતા, સત્સંગ અને ફળની આકાંક્ષા માટે પ્રથમ શિક્ષાપત્રનો પંદરમો શ્લોકને સમજવો જોઈએ. “ફલાશયાં ફલ કૃષ્ણ વદનં હ્રદિ ચિત્વતામ।“ અર્થાત કદાચિત જો ફલ મેળવવાની આશા જાગે તો શ્રી ઠાકુરજી જ ફલ સ્વરૂપ છે તેમ મનમાં રાખવું જોઈએ. “ફલમ કૃષ્ણ સદાન્નદો ભક્ત ભાવાત્મકત્વત ” સદા આનંદ રૂપ શ્રી કૃષ્ણ જ ભક્તોના ભાવાત્મક ફલ રૂપ છે, પુષ્ટિ જીવોનું સૌભાગ્ય છે, પ્રાણ રૂપ તત્વ છે.

 

બીજા શિક્ષાપત્રમાં વીસ શ્લોક રહેલા છે. પુષ્ટિમાર્ગમાં ફલરૂપ અને ફલાત્મક પ્રભુ પ્રત્યેની રસરૂપતા છે. શ્રી ઠાકુરજીનું સ્વરૂપ પુષ્ટિજીવોનાં હૃદયમાં દ્રઢ થાય તો જ એ સ્વરૂપનું ભાવાત્મક સ્વરૂપ પુષ્ટિજીવોના હૃદયમાં પ્રગટ થાય છે. બીજા શિક્ષાપત્રનાં ૧૮ શ્લોકમાં શ્રી ઠાકુરજીનાં સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. મથુરામાં વસુદેવજીને ત્યાં પ્રગટ થયેલ સ્વરૂપ એ કેવળ ધર્મ કાર્ય માટે, અસૂરોના મોક્ષની પ્રાપ્તિ માટે, ધર્મરક્ષા માટે અને પૃથ્વી પરથી ભાર ઉતારવા માટે પ્રગટ થયેલું સ્વરૂપ હતું. પરંતુ ગોકુલમાં માતા યશોદાને ત્યાં પ્રગટ થયેલું સ્વરૂપ તે કેવળ અને કેવળ વ્રજભકતો, વ્રજ ભૂમિને આનંદ પ્રદાન કરવા માટે જ પ્રગટ થયેલું હતું. માટે એમ કહી શકાય કે મથુરામાં પ્રગટ થયેલું સ્વરૂપ તે સ્વરૂપાત્મક અને ગોકુલમાં પ્રગટ થયેલું સ્વરૂપ તે રસાત્મક હતું.

 

શ્રી મહાપ્રભુજી કહે છે કે સ્વરૂપાત્મક સ્વરૂપ તે મર્યાદિક જીવોને માટે છે અને રસાત્મક સ્વરૂપ તે પુષ્ટિજીવોને માટે છે. પ્રભુનું સ્વરૂપ તો દરેક કલ્પમાં પ્રગટ થાય છે પરંતુ દરેક કલ્પનાં અવતાર વખતે પ્રભુ કોઈ ને કોઈ ધર્મ ઉત્થાનનાં કાર્ય માટે પ્રગટ થયાં જ છે પરંતુ કેવળ દ્વાપર યુગ અને સારસ્વત યુગમાં જ પ્રભુ પરિપૂર્ણ રીતે પુષ્ટિજીવોને આનંદિત કરવા અને વેદની ઋચાઓને શરણે લેવાં માટે પ્રગટ થયાં છે. તેથી જ સંસારનાં સર્વે સંતો, વિદ્વાનો અને આચાર્યો કહે છે કે જે શ્રી યશોદાજીની ગોદમાં પરમાનંદ સ્વરૂપે બિરાજેલા છે તે જ કૃષ્ણ, શ્રી બાલકૃષ્ણ પુષ્ટિસૃષ્ટિનાં જીવો માટે સેવ્ય છે.

 

બીજા શિક્ષાપત્રનાં ૧૯ માં અને ૨૦ માં શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીની કૃપાથી જ દરેક પુષ્ટિ જીવોનાં ગૃહમાં શ્રી ઠાકુરજી બિરાજે છે માટે ખૂબ સાવધાની અને પ્રેમપૂર્વક શ્રીજીની સેવા કરવી. શ્રી વલ્લભ અને શ્રી વલ્લભકુલ આચાર્ય બાલકોનાં બતાવ્યા પ્રમાણે હૃદયથી, મનથી, લગનથી સેવા કરવાથી પ્રભુમાં આસક્તિ જાગૃત થાય છે. જેમ આ વીસ શ્લોકોનું શિક્ષાપત્ર છે તેજ રીતે શ્રી મહાપ્રભુજી વીસ શ્લોકનું નિરોધ લક્ષણ નામનું ગ્રંથ રચ્યું છે. ભાવ પ્રમાણે પુષ્ટિજીવોનો નિરોધ પ્રભુમાં સિધ્ધ થાય તે હેતુથી શ્રી શિક્ષાપત્રમાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ જણાવેલું છે કે અનોસર દરમ્યાન પણ રસરૂપ શ્રી કૃષ્ણનાં સુંદર સ્વરૂપનું ધ્યાન ધરીને, ચિત્તમાં વિશુધ્ધ ભાવના પ્રગટાવીને શ્રી કોટિ કદર્પ લાવણ્ય યુક્ત શ્રી ઠાકુરજીનાં ચરણારવિંદનું પુષ્ટિ જીવોએ સદાયે ધ્યાન ધરવુ જોઈએ, પ્રભુનું ચિંતન અને મનન કરવું જેથી ચિત્તમાં નિરોધ સિધ્ધ થાય અને સંયોગ, વિયોગ તથા વિપ્રયોગ રસનો અનુભવ થાય.

 

લેખક-વ્રજનીશ શાહ યુ એસ એ. BOYDS MD.
[email protected]
[email protected]

 

ઇ મીડિયા સંલેખ પ્રાપ્તિ પૂર્વી મોદી મલકાણ

 

પુષ્ટિ વિશેષ : આજથી પુષ્ટિ માર્ગની વધુ જાણકારી મળે તે હેતુથી , અમે શિક્ષાપત્રનાં અંતમાં એક વિશિષ્ટ વિભાગ પુષ્ટિ પદ કિર્તન ભાવાર્થ સાથે શરૂ કરી રહ્યાં છીએ જેમાં આપને પ્રત્યેક શિક્ષાપત્રની સાથે આપણાં અષ્ટસખાઓ રચિત કિર્તનોની જાણકારી મળશે. આ કિર્તનોની જાણકારી સાથે  આપને વ્રજભાષા શબ્દો વિષે જાણવા મળે તેવો અમારો પ્રયાસ સદાયે રહેશે.

 

૧) અષ્ટસખા પદ …
રચના –નંદદાસજી

 

कान्ह अटा चढ़ चंग उड़ावत, में अपने आँगनते हेर्यों
लोचन चार भये नन्दनंदन, काम कटाक्ष कीयों मन मेरो
बहुत रही समुझाय सखीरी, अटक न मानत यह मन मेरो
“ नन्ददास “ प्रभु कब मिलोंगे, खेंचत दोर, केंधो मन मेरो

ભાવાર્થ-

શ્રી નંદાલયની બાજુમાં રહેનાર એક ગોપાંગનાને પોતાના ઘરમાંથી એવા દર્શન થયાં કે નંદદુલારા અગાશી પરથી પતંગ ઉડાડી રહ્યાં છે તે જ વખતે નંદલાલાએ પણ નજર ફેરવતા તેમની દૃષ્ટિ સાથે ગોપાંગનાની પણ દૃષ્ટિ મળી. દૃષ્ટિથી દૃષ્ટિ મળતા ગોપાંગનાનું હૃદય નંદકુંવરને મળવા માટે ઝંખવા લાગ્યું અને શ્રી નંદનંદનના સાનિધ્યમાં જવા માટે ગોપાંગનાનો તરફરાટ વધી ગયો. ગોપાંગનાની આ દશા જોઇને તેની સખીએ આશ્વાસન આપતાં કહ્યું કે પ્રિય સખી નંદલાલ પતંગ ઉડાડતી વખતે દોર તો ખેંચી રહ્યાં છે પરંતુ સખી સાથે સાથે તેઓ ગોપીજનોના મન પણ ખેંચી રહ્યાં છે. નંદદાસજીએ શ્રી ઠાકુરજીની આ લીલાના દર્શન તો કર્યા પરંતુ હવે નંદદાસજી પણ પૂછી રહ્યાં છે કે શ્રી ઠાકુરજી મને ક્યારે મળશે, અને ક્યારે તેઓ પતંગના દોરની જેમ મારા મનને પણ પોતાના સાનિધ્યમાં ખેંચશે ?

(પુષ્ટિમાર્ગીય કિર્તન સાહિત્યના આધારે)
 વ્રજભાષાનાં પદમાં સમાવેશ થોડા શબ્દોની  સરળ સમજણ …

अटा-અગાશી

समुझाय-સમજાવી

केंधो—ક્યારે

हेर्यों-દર્શન

अटक-જરાપણ

પૂર્વી મલકાણ મોદીના જય શ્રી કૃષ્ણ.

 

Blog Link: http://das.desais.net ‘દાદીમા ની પોટલી’
email: [email protected]

 

પુષ્ટિમાર્ગીય સાહિત્ય અને તેની વિશેષ જાણકારી આપવા  માટે અમારી આ નમ્ર કોશિશમાં આપના તરફથી કોઈ જ સૂચન હોય તો વિના સંકોચ બ્લોગ પોસ્ટ પર અથવા સાથે દર્શાવેલ ‘દાદીમા ની પોટલી’ નાં ઈ મેઈલ દ્વારા અમોને જાણ કરી શકો છો. આપના પ્રતિભાવ અને સૂચન નું સદા અમારા બ્લોગ પર સ્વાગત છે.

આજની પોસ્ટ આપને પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો, આપના દરેક પ્રતિભાવ અમારા માટે પ્રેરણાદાયી તેમજ માર્ગદર્શકરૂપ બની રહે છે. આભાર …! ‘દાદીમા ની પોટલી’

||૧લું શિક્ષાપત્ર || …

|| ૧લું  શિક્ષાપત્ર || …

 

(પુષ્ટિમાર્ગમાં શ્રી મહાપ્રભુજીએ તેમજ શ્રીવિઠ્ઠલેશ પ્રભુચરણ, શ્રી ગોપીનાથજી, શ્રી ગોકુલેશપ્રભુ, શ્રી હરિરાયજી જેવા મહાપુરૂષોએ એક જ વાત સાદી અને સરળ રીતે સમજાવી છે કે આ માર્ગમાં કૃપા કેવળ ભગવદ ઇચ્છા અર્થાત ઇક્ષા હોય તેમને જ મળે છે. દ્વિતીય સ્થાન આવશે દીક્ષાનું, દીક્ષા એટલે બ્રહ્મસંબંધ – આત્મનિવેદન, ત્યારબાદ શિક્ષા અર્થાત શિક્ષણનો ક્રમ આવે છે શિક્ષા એટલે ગુરુ પાસેથી શિખામણ પ્રાપ્ત કરવી એવો અર્થ થાય છે. આ ત્રણ બાબતો પ્રાપ્ત થાય તો પૂર્ણ પુષ્ટિમાર્ગીય થવાય, પુષ્ટિભક્તની ભક્તિમાં આશ્રયની દઢ ભાવના હોય છે, વિરહનો તીવ્ર તાપ હોય છે અને ત્યારે “હરેરપિ હરિઃ”હરિના પણ હરિની અવસ્થા પ્રાપ્ત થાય છે.

જગદ્ગુરુ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના વંશજ હરિરાય મહાપ્રભુજી દ્વારા વિરધીત શિક્ષાપત્ર એ પુષ્ટિ અણમોલ ગ્રંથરત્ન ગણાય છે અને તેમાં પુષ્ટિમાર્ગનાં સર્વ સિદ્ધાંતોનું સમાયોજિત થયું છે. શ્રીમહાપ્રભુજીની પાંચમી પેઢીએ પ્રગટેલા શ્રીહરિરાયજી રચિત ‘શિક્ષાપત્ર’ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોને પુષ્ટિભક્તિનો સદાચાર શીખવતો ગ્રંથ છે.

પોતાના નાના ભાઈ શ્રી ગોપેશ્વરજીને ઉદ્દેશીને શ્રીહરિરાયજીએ સંસ્કૃતમાં લખેલા એકતાલીસ પત્રો આ ગ્રંથમાં છે. તેના ઉપર શ્રીગોપેશ્વરજીએ વ્રજભાષામાં ટીકા લખી છે. શ્રીહરિરાયજીના સમયથી જ ભગવદ્ મંડળીમાં ગામેગામ આ ગ્રંથનું નિત્ય વાચન થતું આવ્યું છે. તેના વાચન-મનન-શ્રવણ દ્વારા વૈષ્ણવ સમાજ પુષ્ટિભક્તિમય જીવન જીવતો રહ્યો છે. વૈષ્ણવી જીવન જીવવાનો રાજમાર્ગ આ ગ્રંથમાં બતાવવામાં આવ્યો છે. આ ગ્રંથને સરળ ગુજરાતી ભાષામાં સમજવો છે? તો વાંચો આ પુસ્તકમાં એકતાલીસ શિક્ષાપત્રો. )

 

સદોદ્વિગ્નમના: કૃષ્ણદર્શનેકિલષ્ટમાનસઃ ।
લૌકિકં વૈદિકં ચાપિ કાર્ય કુર્વન્નનાસ્થયા ।।૧।।

નિરુદ્રવચનો વાક્યમાવશ્યકમુદાહરન્ ।
મનસા ભાવયેન્નિત્યં લીલાઃ સર્વાં ક્રમાગતાઃ ।।૨।।

 

ભગવદીય જીવે સદા સંસારથી ઉદ્દીગ્ન રહેવું જોઈએ અને ભગવાન શ્રી કૃષ્ણનાં દર્શન માટે મનમાં તાપ કલેશ રાખવો જોઈએ. લૌકિક કાર્ય પણ લોકસંગ્રહ માટે કરવું જોઈએ. ચિત્તને ભગવદ પરાયણ કરવા માટે નિત્યા લીલાઓની ભાવના કરવી જોઈએ. વૃથા વચન ન બોલતાં, જરૂરી હોય તેટલાં જ વચન બોલવા જોઈએ. આચાર્યો બાલકો કહે છે કે શિક્ષાપત્રનો અર્થ સમજાય ત્યારે આપણે પુષ્ટિભક્તિ માર્ગમાં રહેલા સેવાફળને સમજી શકીએ છીએ અન્યથા નહીં. શ્રી મહાપ્રભુજી કહે છે કે “ભાવો ભવનયા સિધ્ધઃ સાધન નાનયાદિષ્યતે” અર્થાત ભાવોની સિધ્ધી ભાવથી થાય છે. શ્રી મહાપ્રભુજી રચિત ગ્રંથોમાં અને શ્રી હરિરાય મહાપ્રભુજી રચિત ગ્રંથોમાં પુષ્ટિજીવો માટે અતિ મધુર એવું નવનીત રહેલું છે.

 

શ્રી હરિરાય મહાપ્રભુજી જણાવે છે કે જો પુષ્ટિ જીવનાં જીવનમાં કોઈપણ પ્રકારનો ઉદ્વેગ હોય તો તે કેવળ શ્રીકૃષ્ણ દર્શન માટે જ હોવો જોઈએ. પરંતુ આપણને પ્રશ્ન થાય કે ઉદ્વેગ એટ્લે શું?  શ્રી હરિરાય મહાપ્રભુજી સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે આ ઉદ્વેગ એ લૌકિક નથી આ ઉદ્વેગ એ અલૌકિક છે જેમાં શ્રી કૃષ્ણ દર્શન, શ્રી કૃષ્ણ પ્રભુને મેળવવાની લગની છે, તાલાવેલી છે, ઉત્કંઠા છે. આપણો આ દેહ અને સંસારમાં રહેલ સમસ્ત લૌકિક જે કંઇ હોય તે સર્વસ્વ નાશવંત છે તો પછી એ નાશવંતનો શોક શો કરવો, અને શાને કરવો? જો લીલાનો દૈવી જીવ હોય તો પ્રભુને જ્યાં સુધી એ જીવને ભૂતલ પર રાખવો હશે ત્યાં સુધી તે રાખશે અને પછી નિત્યલીલામાં ફરી બોલાવી લેશે. આમ પ્રભુનું હતું ને પ્રભુનું પાછું થઈ ગયું તેવી ભાવના હોય તો હર્ષ કે શોકની ભાવના થતી નથી કે થવી ન જોઈએ.

 

શિક્ષાપત્રના પ્રથમ શ્લોકમાં કહે છે કે દર્શન માટે વિરહી નિઃસાધન જીવે ક્રમ પ્રમાણે લીલાની ભાવના કરવી જોઈએ અર્થાત પોતાના મનને ભગવદલીલાની સ્મૂધમાંથી જરા પણ કાઢવું ન જોઈએ. ચોવીસ કલાક દરમ્યાન જે પ્રમાણે પ્રભુની જે કોઈ લીલા હોય તે મુજબ સતત પ્રભુનું ચિંતન, મનન કરવું જોઈએ. જ્યારે પ્રભુ ગૌચારણ માટે પધારે ત્યારે તે મુજબની ભાવના કરવી, કે મારા પ્રભુ ગૌધન લઈને વનમાં પધાર્યા છે, મારા પ્રભુ પ્રત્યેક ગૌ પર પોતાનો હસ્ત ફેરવી રહ્યા છે, મારા પ્રભુ ગૌધન માટે બાંસુરીનાં મીઠા સૂર વહાવી રહ્યાં છે આમ જે સમાનાં દર્શન હોય તે મુજબની ભાવના કરવાથી પ્રભુના ચિત્તમાં જીવોના મનનો નિરોધ થઈ જાય છે જેથી કરીને જીવોનું મન લૌકિકમાં ન રહેતાં અલૌકિકમાં રહે છે. શ્રી હરિરાય મહાપ્રભુજી આજ અવસ્થાને ફલાત્મક સેવા કહે છે કારણ કે પુષ્ટિ જીવોને માટે પ્રભુની સેવા એજ માત્ર ફલસ્વરૂપ છે, ફલાત્મક છે.

નયન વહાવે નીર ને એ નીરને દેખે સહુ કોઈ,
પણ અંતર મારુ વહાવે રોજ અસંખ્ય નીર કેરી નદીઓ પણ જોઉ શકત ના કોઉ
બુંદ તો બરસે નયન કેરી ગલીયનમાં,
પણ મોજા વિશાળ બની ધસતા આ અંતરમાંથી જ્યાં નંદકુંવર કહે અંતરમાં હુ સમાય જાઉં

 

જ્યારે પણ અંતરમાં છુપાયેલા એ નંદનંદન માટે પુષ્ટિજીવોની આંખ ભીની થઈ જાય ત્યારે નંદનંદન કેમ દર્શન ન આપે? શું વિરહ વગર કોઈ ભાવનાનો વિકાસ થાય છે ખરો કે? નંદનંદનનાં જો દર્શન કરતાં આનંદ આવે તો તે મર્યાદીક દર્શન કહેવાય પરંતુ દર્શન કરવા છતાં પણ પ્રભુને મળવાની, ને મળીને પ્રભુને અંતરમાં સમાવવાની જો ઈચ્છા અધૂરી રહે તો ત્યાં સુધી પુષ્ટિ જીવોની તૃષ્ણા પણ અધૂરી જ રહે છે તેમ માનવું. આ અધૂરી તૃષ્ણાવાળા પુષ્ટિ જીવો કેવા હોવા જોઈએ ? આ અધૂરી તૃષ્ણાવાળા પુષ્ટિ જીવોને જ્યારે સમસ્ત લૌકિકમાંથી ચિત્ત કાઢીને પ્રભુમિલનની અને પ્રભુ દર્શનની આર્તતા થવા લાગે, પ્રભુના પ્રેમની સાંકળમાં બંધાઈ જવા માટે મન આકુળવ્યાકુલ થવા લાગે ત્યારે જીવ ખરા અર્થમાં પુષ્ટિ જીવ બને છે. આવા પુષ્ટિ જીવોને તો ધોળ, કીર્તન, વાર્તા તેમજ સેવા સંબંધી કોઈપણ કાર્ય કરતાં કરતાં ભાવાવેશ થવો જોઈએ પ્રભુ માટે આનંદની ઉર્મિ પ્રગટ થવી જોઈએ.

સિધ્ધાંત રહસ્યમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે ભગવદીય ભક્તજનોનાં સંગમાં રહેવાથી જીવોમાં પણ સ્નેહ ઉર્મિ છલકાઈ આવે છે. અને આજ ભગવદીયોની સંગે રહેવાથી પ્રભુના પ્રેમને સમજી શકાય છે જેને કારણે પ્રેમ ,વિરહ, હરી-ગુરૂ-વૈષ્ણવો માટે વિરહ વગેરે ભાવના સમજમાં આવતી જાય છે[[‘. વળી ધર્મ-કર્મને સમજનારા તેમની વાતો કરનારા અનેક લોકો મળી આવશે પરંતુ પ્રભુ પ્રેમમાં મદમસ્ત અને આનંદિત બનીને ફરનારા એવા કેટલા લોકો જોવા મળે? અને કદાચ શોધવા જાઓ તો એકપણ ભક્ત ન મળે એનું કારણ એ છે કે પ્રભુ પ્રેમમાં મસ્ત રહેનાર જીવને વળી કેટલી આંકાંક્ષાઑ અને ક્યાં હોય તેઓ તો બસ પ્રભુપ્રેમમાં અને પ્રભુ વિરહમાં આમ બંને સ્થિતિઓમાં કેવળ અને કેવળ ભગવાનનાં થઈ ને જ ફરી રહ્યાં હોય છે. કારણ કે તેમનું સાચું ધન તો કેવળ શ્રી હરિ છે પ્રભુ છે.

શ્રી હરિરાય પ્રભુચરણે શિક્ષાપત્રનાં આ પ્રથમ શ્લોકમાં આજ વાત સમજાવી છે કે ભક્તજનોનું અમૂલ્ય ધન કેવળ શ્રી હરિ અને શ્રી હરિનું નામ છે. પરંતુ આ ધનની પ્રાપ્તિ વૈષ્ણવજનોને કેવળ પોતાના ગુરૂની કૃપા વડે અને ગુરૂ પરની દ્રઢ શ્રધ્ધા વડે જ પ્રાપ્ત થાય છે.

સર્વથા શુધ્ધભાવનાં સ્વીકૃતાનાં કૃપાલુના |
સર્વ શ્રીવલ્લભાચાર્યપ્રસાદેન ભવિષ્યતિ ।। ૨૪।।

પ્રથમ શિક્ષાપત્રમાં ૨૪ શ્લોક રહેલા છે. દરેક શ્લોક ૩ ખંડથી રજૂ કરેલ છે.

 

 || ઇતિ શ્રીહરિરાયજીકૃતં પ્રથમ  શિક્ષાપત્રં સમ્પૂર્ણમ્ ||

મુલમઃ શ્લોક સંસ્કૃતમાં દર્શાવેલ છે.

શબ્દાર્થઃ સંસ્કૃત શ્લોકોનું સપૂર્ણ ગુજરાતી અનુવાદ- વિવેચન શ્રી હરિરાયજીકૃત ૪૧ શિક્ષાપત્ર અને શ્રી ગોપેશ્વરજી કૃત વ્રજભાષાની ટીકાનો ગુજરાતી અનુવાદ કરવામાં આવશે.

લેખક- : વ્રજનીશ શાહ યુ એસ એ. BOYDS MD

[email protected]
[email protected]

 

સૌજન્ય: ઇ મીડિયા સંલેખ પ્રાપ્તિ પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ)

 

(પૂરક માહિતી)

શ્રી હરિરાયજી મહાપ્રભુજી-શિક્ષા પત્રના સર્જક,

અત્યારે ડાકોરમાં જે શ્રી રણછોડરાયજીનું ભવ્ય મંદિર છે તે શ્રીહરિરાયજી દ્વારા સોમણ સીસાના ગારાના પાયાથી સિદ્ધ થયેલું અને તેમાં વૈદિક અને પુષ્ટિમાર્ગની રીત અનુસાર પાટ બેસાડવામાં આવ્યા હતા તે અદ્યાપિ પર્યંત બિરાજે છે. એમનો પાટોત્સવ દર વર્ષે ધામધૂમથી ઉજવાય છે. એ બધો યશ શ્રીહરિરાયજીને.

શ્રી હરિરાયજીના નામ પછી મહાપ્રભુજી અને શ્રી યમુનાજીના નામ પછી મહારાણીજી એ નામ શ્રી વલ્લભી સૃષ્ટિમાં વપરાય છે, પ્રસિદ્ધ છે, પ્રચલિત છે. એ આ રીતે બોલાય છે શ્રી હરિરાયજી મહાપ્રભુજી, શ્રી યમુનાજી મહારાણીજી.

શ્રી હરિરાયજી મહાપ્રભુજીની સાત બેઠકો ભૂતલ ઉપર બિરાજે છે. તેમાંની એક શ્રીમદ્ ગોકુલમાં, ત્રણ રાજસ્થાનમાં અને ત્રણ બેઠકો ગુજરાતમાં બિરાજે છે.

શ્રીહરિરાય પ્રભુની સાત બેઠકો :

શ્રીહરિરાય મહાપ્રભુનું પ્રાગટ્ય વિક્રમ સં. ૧૬૪૭ માં ભાદરવા વદ પંચમીને શુભ દિવસે શ્રીમદ્ ગોકુળમાં થયું.

 

(૧ ) ગોકુળની બેઠક :

તેઓનું પ્રાગટ્ય થયું ગોકુલમાં, એજ ગામમાં શ્રી ગુસાંઇજીના મંદિરમાં તેઓની બેઠક આવેલી છે. દશ વર્ષના હતા ત્યારથી જ શ્રી હરિરાયજી શ્રી ગોકુલેશ પાસે બિરાજી ભગવદવાર્તાનું શ્રવણ કરતાં. વૈષ્ણવમંડળી સાથે ભગવદવાર્તા કરતા. આપશ્રીના લગ્ન શ્રી સુંદરલતા વહુજી સાથે થયાં. આપને ચાર પુત્રરત્નોની પ્રાપ્તી થઇ. તેઓ પોતાના નાનાભાઈ શ્રી ગોપેશ્વરજી અને તેમનાં વહુજી સાથે ગોકુળમાં બિરાજી શ્રી વિઠ્ઠલનાથજીની સેવા કરતા હતા.

 

(૨) શ્રીનાથદ્વારાની બેઠક :

ધર્માધ મોગલ શાસનના દમનકારી કોરડાથી ત્રાસીને તેઓ શ્રીનાથદ્વારા પધાર્યા. આ બેઠકજી શ્રીવિઠ્ઠલનાથજીના મંદિરમાં બીરાજે છે.

 

(૩) ખિમનોરની બેઠક :

વિક્રમ સં.૧૭૪૫ માં તેઓ ગોકુળ છોડી ખિમનોર પધાર્યા. બે વર્ષ બાદ શ્રીનાથજી અજબકુંવરીનું વરદાન પુરૂં કરવા શ્રીનાથદ્વારા (સિંહાડ) પધારવાના છે એમ જાણી તેઓશ્રી ખિમનોર ગામમાં બીરાજ્યા. અહીં ભાગવત કથામૃતનું રસપાન કરવા દુર દુરથી ભાવિક ભક્તો ઉપસ્થિત થતા. ઉદયપુરના મહારાણાએ ખેડા ગામ તથા ખિમનોર તેઓશ્રીને ભેટ ધર્યા હતાં.

 

(૪) જેસલમેરની બેઠક :

પોતાના પિતાશ્રી કલ્યાણરાયજીના સેવ્ય સ્વરૂપ શ્રી ગિરધરજી હતા. શ્રી ગિરિધરજીના મંદિરમાં તેઓએ શ્રીમદ્ ભાગવત પર પ્રવચન આપ્યું. જેસલમેરના રાજાએ આપશ્રીના જ્ઞાનથી પ્રભાવિત થઇ આપશ્રી પાસેથી બ્રહ્મસંબંધની દીક્ષા લીધી હતી. જેસલમેરમાં આપશ્રીએ સાત વખત શ્રીમદ્ ભાગવતનું પારાયણ કર્યું હતું.

 

(૫) ડાકોરની બેઠક :

ગુજરાતની ભૂમિને શ્રી મહાપ્રભુજીએ ત્રણ વખત અને શ્રી ગુસાંઇજીએ છ વખત પાવન કરી હતી, દૈવી જીવોનો ઉદ્ધાર કરવા શ્રી હરિરાયજી પણ ગુજરાતની ભૂમિને પાવન કરવા પધાર્યા હતા. તેઓ ડાકોર પધાર્યા ત્યારે શ્રી રણછોડરાયજીએ આજ્ઞા કરી કે, “મને પાટ પધરાવી મારી સેવાનો પ્રકાર શરૂ કરો.”અને તે આજ્ઞા પ્રમાણે શ્રી હરિરાયજીએ સેવાનો પ્રકાર ચાલુ કર્યો અને ગોમતી નદીને કિનારે શ્રીમદભાગવતનું પારાયણ કર્યું હતું.

 

(૬) સાવલોની બેઠક :

ગુજરાત પ્રદેશનાં વડોદરા જિલ્લાના સાવલીના તળાવના રમણીય કિનારે આપ બીરાજ્યા હતા, સેવાની ભાવનાનો ગ્રંથ ‘શ્રી સહસ્ત્રીભાવના’ગ્રંથ આપે અહીં જ રચ્યો હતો. આ ગામ પુષ્ટિ સંપ્રદાયી વૈષ્ણવો માટે પવિત્ર તીર્થ સ્થળ બન્યું અને ભવ્ય મંદિરના નિર્માઁણ બાદ શ્રી હરિરાયજીના હસ્તાક્ષરની સેવા પ્રથાનો ક્રમ ચાલુ રાખ્યો છે.

 

(૭) જંબુસરની બેઠક :

ભરૂચ જિલ્લાના જંબુસર ગામના તળાવ કિનારે આપ બિરાજ્યા હતા. પરમ ભગવદીય શ્રી પ્રેમજીભાઈની વિનંતીથી આપે યુગલગીતની કથા કરી. અદભૂત રસવર્ષા કરેલી. શ્રીમદ્ ભાગવતનું પારાયણ પણ કર્યું હતું.

(સંકલિત) 

 

બ્લોગ લીંક :http://das.desais.net
email:[email protected]

 

આ પહેલા આપણે ‘દાદીમા ની પોટલી’ પર ‘પુષ્ટિ પ્રસાદ’ અને ત્યારબાદ ‘શિક્ષા પત્ર’ વિષે પ્રાથમિક જાણકારી અલગ અલગ બે પોસ્ટ દ્વારા મેળવી. હવેથી અઠવાડિયામાં એક દિવસ દર રવિવારે નિયમિત રીતે  વૈષ્ણવ સંપ્રદાયની વાતો આપની સમક્ષ  ‘પુષ્ટિ પ્રસાદ’ શ્રેણી હેઠળ લઇ આવવા અમો નમ્ર કોશિશ કરીશું, જે માટે અમો ‘પુષ્ટિ પ્રસાદ’ સામાયિક ના સંપાદક શ્રી વ્રજનીશભાઈ શાહ (યુ.એસ.એ) ઉપરાંત ઈ મીડયા દ્વારા પોસ્ટ સંલેખ કરી  મોકલનાર  શ્રીમતી પૂર્વીબેન મોદી મલકાણ (યુ એસ એ) તેમજ  આ સેવા યજ્ઞમાં જોડાયેલ દરેક  નામી અનામી વૈષ્ણવ સાથીઓ ના અમો અંતરપૂર્વકથી આભારી છીએ …. આશા છે કે આપને આ ‘પુષ્ટિ પ્રસાદ’ નામે શરૂ કરેલ નવી શ્રુંખલા બ્લોગ પર પસંદ આવશે.. !

આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો. જય શ્રી કૃષ્ણ ! ..’દાદીમા ની પોટલી’

 

(નોંધ: ‘દાદીમા ની પોટલી’ પર વૈષ્ણવ સંપ્રદાય નું સાહિત્ય ‘પુષ્ટિ પ્રસાદ’  કેટેગરી હેઠળ આપ મેળવી શકશો. આ ઉપરાંત,’ શિક્ષાપત્ર’ નાં લેખ ‘શિક્ષાપત્ર’ તેમજ પુષ્ટિ પ્રસાદ’ અલગ અલગ બન્ને કેટેગરી પરથી જાણી શકશો.  જે માટે ખાસ અલગ કેટેગરી ની બ્લોગ પર વ્યવસ્થા કરેલ છે.  આભાર ! )