શ્રી હરિરાયજી કૃત …શ્રી વલ્લભ સાખી … (ભાગ-૨૦) ….

શ્રી હરિરાયજી કૃત …શ્રી વલ્લભ સાખી  … (૯૬- ૧૦૦) …

-મહેશ શાહ, વડોદરા

 

 [ભાગ -૨૦]

 

 

 
hariraiji.1
 

 

 
શ્રી વલ્લભ રતન અનમોલ હૈ, ચુપ કર દીજે તાલ |
ગ્રાહક મિલે તબ ખોલિયે, કૂંચી શબ્દ રસાલ ||૯૬||
 

 
શ્રી વલ્લભ રત્નસ્વરૂપ છે, જેનો મોલ ન થઇ શકે તેવું અમૂલ્ય રત્ન છે. શ્રી સર્વોત્તમ સ્તોત્રના સાતમા શ્લોકમાં ‘કૃપાનિધિ’ નામ બિરાજે છે. આપ કૃપાના ભંડાર તો છે જ ભક્તો માટે અનન્ય નિધિ સમાન પણ છે. તેવી જ રીતે ૩૨મા શ્લોકમાં શ્રી વિઠ્ઠલનાથજી આપને ભૂમિના (સૌ)ભાગ્ય સ્વરૂપ અને ત્રણે લોકના આભુષણરૂપ કહે છે. આ નામોનો ત્રિવેણી સંગમ કરવાથી  આપણને સમજાય છે કે ધરતીના સૌભાગ્યે ત્રણે લોકને અલંકૃત કરવા અનમોલ નિધિ સ્વરૂપ શ્રી વલ્લભ પ્રગટ્યા છે.

 
આવા આપણા શ્રી વલ્લભની ગુઢ લીલાઓ સમજી શકવાનું સૌનું ગજું નથી.  એટલું જ નહીં આપ પોતાના હૃદયની વાત (આશય) માત્ર પોતાના અનન્ય ભક્તોને જ જતાવે છે. તેથી જ તો શ્રી ગુસાંઈજી આપને  ‘સર્વાજ્ઞાતલીલા’(સ. સ્તો. શ્લોક ૨૭) અને ‘અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશય’ (શ્લો. ૨૩) કહે છે.

 
આવા અનમોલ રતનને હૃદયમાં ભંડારીને તાળું મારી દેવું જોઈએ. આપની ગુઢ લીલાઓ જેની તેની પાસે વર્ણવવા જેવી સામાન્ય નથી. કુપાત્રે દાન ન કરાય. કહે છે કે સિંહણનું દૂધ સોનાના વાસણમાં જ ઝીલી શકાય. પુષ્ટિ જીવ, ભક્ત હૃદય વૈષ્ણવ મળે અને સાચાજીજ્ઞાષુહોય તો જ આ રહસ્યની વાત કરી શકાય.

 
પ્રભુ કૃપાથી આપણને શ્રી વલ્લભના સાચા સ્વરૂપનો અનુભવ થયો હોય અને હૃદય રસબસતું હોય તો પણ શ્રી વલ્લભના નામ મુજબ હૃદયમાં છલોછલલહેરાતાં ‘આનંદ’ અને ‘પરમાનંદ’ શુષ્ક હૃદયની અનધિકૃત વ્યક્તિ સમક્ષ રંચક પણ છલી ન જાય તેની કાળજી રાખવી.

 
આનાથી ઉલટું સાચો ગ્રાહક (ગ્રહણ શક્તિ ધરાવતો હોય તે) મળે ત્યારે આ તાળું રસાળ શબ્દોની ચાવીથી ખોલી નાખવું જોઈએ. અધિકારી ભક્ત મળે ત્યારે ભાવનું ગોપન ન કરતાં તેને સરળતાથી વહેવા દેવો જોઈએ જેથી બન્નેનાં હૃદયમાં ભાવની ભરતી આવે. બંનેના અંતર ભાવથી ભીંજાય.
 

 
સબકોં પ્રિય સબકોં સુખદ, હરિ આદિક સબ ધામ |
વ્રજલીલા સબ સ્ફૂરત હૈ, શ્રી વલ્લભ સુમરત નામ ||૯૭||
 

 
શ્રી વલ્લભનું નામ સ્મરણ કરવાથી અગણિત પ્રાપ્તિઓ થાય છે. ભક્તોના સૌ સંતાપ હરનારા શ્રી હરિ મળે છે. શ્રી વલ્લભનું પણ એક નામ ‘સ્મૃતિમાત્રાર્તિ નાશન:’ (સ. સ્તો. શ્લોક ૭) એટલે કે સ્મરણ કરવાથી જ આર્તિનો નાશ/હરણ  કરનારા છે. તે રીતે આપ પણ ‘હરિ’ થયા.

 
સૌને સુખકારી અને તેથી જ સૌને મનગમતા, સૌને વહાલા લાગતા અન્ય ધામ પણ મળી જાય છે.  ધામ એટલે કાયમી કે અંતિમ રહેઠાણ, રેલ્વેની ભાષામાં કહીએ તો ટર્મિનસ.  પ્રભુનું સ્થાન. પૂરી, બદરીકેદાર, રામેશ્વર, દ્વારકા એ ચાર પણ ધામ કહેવાય છે.  સ. સ્તો. શ્લોક ૧૨માં બિરાજતા નામ પ્રમાણે શ્રી વલ્લભ નીખીલેષ્ટદ: (નીખીલ+ઇષ્ટ +દ:= સર્વ ઇષ્ટના આપનારા) હોઈ તેમના સ્મરણથી આ સર્વ ‘ધામ’ની પ્રાપ્તિ થાય છે.

 
શ્રી ગુસાંઈજી સ.સ્તો.ના૧૭મા શ્લોકમાં કહે  છે તેમ વલ્લભનું તાત્પર્ય, ધ્યેયકે  હેતુ રાસલીલા જ છે.આગળ ૨૫મા શ્લોકમાં કહે છે કે શ્રી વલ્લભ ‘પ્રતિક્ષણ નિકુંજસ્થલીલા રસસુ પૂરિત:’ એટલે કે સતત પ્રભુની નિકુંજ લીલાના રસથી ભરપૂર છે એટલે જ જેમ ભીના કપડાનો સંપર્ક કોરા કપડાને પણ ભીંજવી દે છે તેમ આપ સૌ શરીરધારીઓને, સર્વ મનુષ્યોને લીલાના રસમાં ભીંજવે છે (સ. સ્તો. શ્લોક ૨૭). આપના સંપર્કથી ભક્તનું શુષ્ક હૃદય પણ પ્રભુના પ્રેમથી આર્દ્ર થાય છે.

 
પ્રેમ, ભાવના કે ભક્તિથી ભીંજાયેલા ભક્તના હૃદયમાં પ્રભુની નિત્ય લીલાની સ્ફૂરણા થાય છે. વ્રજ ભક્તોને જે આનંદ મળ્યો હતો, જે જે લીલાઓનો લાભ મળ્યો હતો તે સર્વ આપણા હૃદયમાં સ્ફૂરે છે. અષ્ટ સખાને અનુભવ થતો હતો તેથી જ સટીક વર્ણન સાથે સુંદર કીર્તનની રચના કરી શક્યા.

 
નામ સ્મરણમાં ખુબ જ શક્તિ છે. શ્રદ્ધાપૂર્વક વલ્લભના નામ સ્મરણથી તેમની કૃપા થશે આ ઇષ્ટ સિધ્ધિઓ મળશે. વલ્લભની કૃપાથી જ આ શક્ય બને.
 

 
ચાર વેદ કે પઠન તેં, જીત્યો જાય ના કોઈ |
પુષ્ટિમાર્ગ સિધ્ધાંત તેં વિજય જગત મેં હોઈ ||૯૮||
 

 
સમગ્ર વિશ્વના જ્ઞાનનો સ્રોત વેદ છે. આપણી માન્યતા મુજબ તે પ્રભુની વાણી છે. વેદ વેદાંતનો પાર પામનારા બહુ જૂજ હોય છે. વિદ્વાનો વચ્ચે થતી શાસ્ત્ર ચર્ચામાં આવા પારંગત લોકો જ જીત હાંસલ કરી શકે છે. શાસ્ત્રાર્થમાં વેદ વચનને પ્રમાણ તરીકે, આખરી સિધ્ધાંત તરીકે સ્વીકારવામાં આવે છે. સ્વાભાવિક રીતે, જે કોઈ ચાર વેદ ભણી લે તે અન્ય વિદ્વાનો ઉપર જીત મેળવી શકે તેમના જ્ઞાનને કારણે શાસ્ત્રાર્થમાં તેમની જીત નિશ્ચિત બની જાય છે.

 
વેદની ભાષા ગૂઢ છે. તેનો ખરો અર્થ સમજવાનું અને તેથી પણ વિશેષ વિશ્લેષણ, સંધાન અને અનુસંધાન સાથે તેનો હેતુ સમજાવવાનું કામ અત્યંત અઘરૂં છે. આ કારણથી જ વેદના જ્ઞાતાઓનું સ્થાન વિદ્વન મંડળમાં ઉચ્ચ રહે છે.

 
આપણા શ્રી વલ્લભે આપણા માર્ગના સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું છે. ‘અણુભાષ્ય’ની રચના કરી, ‘શ્રી ભાગવાતાર્થ પ્રકરણ’ ગ્રંથમાં વેદરૂપી કલ્પવૃક્ષના મિષ્ટ ફળ રૂપી  ભાગવતજીના શાસ્ત્ર, પ્રકરણ, સ્કંધ અને અધ્યાય એમ ચાર પ્રકારે અર્થઘટન કર્યું તો શ્રી સુબોધીનીજીમાં વાક્ય, પદ અને અક્ષરનું રહસ્ય ઉજાગર કર્યું. આથી જ શ્રી ગુસાંઈજી મહારાજે સ.સ્તો.માં (શ્લો. ૮) શ્રીમદ્ ભાગવતના ગુઢાર્થને પ્રકાશિત કરનારા કહ્યા છે. તે ઉપરાંત અનેક ગ્રંથોની રચના દ્વારા પરમ પાવક પુનીત પુષ્ટિ માર્ગનો સુંદર અને જગ હિતકારી સિધ્ધાંત પ્રસ્થાપિત કર્યો છે. દૈવી જીવોના ઉદ્ધારના(સ.સ્તો.શ્લોક: ૭) પ્રયત્નોનાં ભાગરૂપે જગતમાં સૌથી અલગ, સૌથી નિરાળો (પૃથક), વિશિષ્ટ શરણ માર્ગ (સ.સ્તો.શ્લોક: ૨૫) એવો શુદ્ધાદ્વૈત પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો છે.

 
સ્વાભાવિક પણે, આવા આ પુષ્ટિ માર્ગના સમગ્ર વેદ પુરાણો, ગીતાજી અને ભાગવતજીના નીચોડ રૂપ સિદ્ધાંતોને સમજનારા સૌ કોઈ આધ્યાત્મિક ક્ષેત્રે અનુપમ હોવાના અને અન્ય માર્ગીઓની સાથે સૈધાંતિક ચર્ચામાં તેઓ નિર્વિવાદ રીતે  વિજયી બનવાના. રાણા વ્યાસ, મુકુન્દદાસ જેવા ભગવદીય વૈષ્ણવો આના ભવ્ય ઉદાહરણો છે.
 

 
વૃન્દાવન કી માધુરી, નિત્ય નિત્ય નૌતન રંગ |
કૃષ્ણદાસ ક્યોં પાઈયે, બિનુ રસિકનસંગ ||૯૯||
 

 
શ્રી હરિરાયજી વ્રજના ચાહક છે, તેમને વ્રજ અત્યંત વહાલું છે. આ સાખીઓ તો છે શ્રી વલ્લભની તેમ છતાં તેમાં વારંવાર તેમણે વ્રજના વધામણાં લીધા છે. છેલ્લે છેલ્લે પણ વૃન્દાવનને યાદ કરે છે.

 
ભક્તો માટે  તો ‘વનરાવન છે રૂડું’, વૃંદાના વનમાં વાગતી વ્હાલાની વાંસળી વસમી છતાં તેની સુર માધુરી વહાલી લાગે છે. કાનાના અધરામૃતથી મધ મીઠી થયેલી સ્વર લહરીઓ અને આ પરમ પુનીત ભૂમિની મધુરી માયા ક્ષણે ક્ષણે નવીન રૂપ ધારણ કરે છે. દરેક રંગ અનુપમ છે, દરેક રંગ અનોખો છે, દરેક રંગ અનુઠો છે. કેમ ન હોય ?  તે સર્વનું અનુસંધાન મારા વહાલાની અનંત, અલગારી, અવનવી અલૌકિક લીલાઓ સાથે છે. પ્રભુ સાથે જેનું અનુસંધાન હોય તે વ્યક્તિ કે તે સ્થાન અનોખું જ હોવાના.

 
વૃંદાવનની માધુરી મોહનથી જ છે. પ્રભુની અવનવી લીલાઓનું  માધુર્ય માણવા માટે માણસનું મન રસિક હોવું જોઈએ.એટલું જ નહીં તેને સમજવા અને  માણવા, તેના રસાસ્વાદ માટે સુયોગ્ય સંગી હોવો જોઈએ. પ્રભુની લીલાઓ અને તેમાં પ્રગટ થતા શૃંગાર રસની રસવર્ષામાં ભીંજાવા સથવારો જરૂરી છે.  વળી રસ વહેંચવાથી વધે છે. આ રસનો આસ્વાદ રસિક જનની કૃપાથી  મળે. તે રસનો લ્હાવો લેવા સાચા રસિક જનનો સંગાથ જરૂરી છે. રસિક જન સિવાય તેના રસનો સાચો મર્મ કોણ સમજાવી શકે ?  પ્રભુ  કૃપાથી કૃષ્ણનાં સાચા દાસનો સંગ થઇ જાય તો જ એ પામી શકાય છે. બીજી રીતે જોઈએ તો ભગવદ્ ભક્ત ન મળે તો આ રસ એકલા એકલા પામીએ જ શા માટે ?  એકલા એકલા આ રસનો આલ્હાદક આસ્વાદ માણી પણ ન શકીએ, તે ફિક્કો લાગે. એકલ પેટા કે સ્વાર્થી ન થઈએ, ‘ગમતાનો કરીએ ગુલાલ’ ન્યાયે અન્ય રસિક જનોને સાથે રાખીને જ તેની મજા લઈએ.
 

 
જો ગાવે સીખેં સુને મન વચ કર્મ સમેત |
‘રસીકરાય’  સુમરો સદા, મન વાંછિત ફલ દેત ||૧૦૦|| 
 

 
ગ્રંથની સમાપ્તિમાં શ્રી હરિરાયજી આ શ્રી વલ્લભ સાખીનીફલશ્રુતિ જણાવે છે.

 
આ સો સાખીઓમાં શ્રી વલ્લભના ગુણાનુવાદ તો છે જ સાથે પુષ્ટિ માર્ગના અન્ય મહત્વપૂર્ણ તત્વોની પણ વિગતે વાત છે. આ સાખીઓ ગાવાથી અથવા સાંભળવાથી આપણા સંપ્રદાયનું  જ્ઞાન આંખ અથવા કાનથી હૃદયમાં ઉતરે છે. વિશેષ તો તેનો અભ્યાસ કરવાથી (શિખવાથી) માર્ગના રહસ્યનો પાર પામી શકાય છે. આ જ સાચી રીત છે. તેનો અભ્યાસ કરીએ, સમજીએ અને પછી આત્મસાત કરીએ તો જ સાર તત્વ સુધી પહોંચી શકીએ. સમજ્યા વગર માત્ર શુક પાઠ કરવાથી કોઈ જ ફાયદો થતો નથી. શ્રી વલ્લભનું માહત્મ્ય સારી રીતે સમજીએ તો આપણી શ્રદ્ધા દ્રઢ બને અને આપણી ઉપર પણ કૃપાવર્ષા થશે જ અને આ વિશિષ્ટ (પૃથક) શરણ માર્ગે પ્રગતિ કરી શકીશું.

 
આ સિદ્ધાંતો સમજી તેનો મન, કર્મ અને વચનથી અમલ કરવો જરૂરી છે. આપણું મન તેને સ્વીકારે અને તે પછી આપણી વાણીમાં શ્રી વલ્લભની વાત આવે તેમના ગુણ ગાન કરીએ અને મેળવેલા જ્ઞાનનો ઉપયોગ આપણા જીવનમાં, આપણા વર્તનમાં, આપણા કર્મોમાં કરી શકીએ.આજની ભાષામાં કહેવું હોય તો synchronization અથવા સામંજસ્ય સાધીએ અને પછી જ અમલમાં મુકીએ તો જ ઈચ્છિત પરિણામ મેળવી શકીએ.

 
શ્રી હરિરાયજીની છાપ ‘રસિક’ છે. તેઓ કહે છે કે રસિકના રાય એવા શ્રી વલ્લભનું સતત સ્મરણ કરતા રહો  તેઓ આપણા સર્વ મનોરથો સિદ્ધ કરશે જ.

 
આપણે પણ એ મંગલ ભાવના સહ ૨૦ માસથી ચાલતા સત્સંગને વિરામ આપીએ. સૌ વૈષ્ણવોને મહેશના સદૈન્ય ભગવદ સ્મરણો અને આપને ત્યાં બિરાજતા શ્રી ઠાકોરજીના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ.
 

 

@@@***@@@

 

 

વિદાય વેળાએ:

 
હરિ, ગુરૂ, વૈષ્ણવની કૃપાના બળે આજે આ યજ્ઞની પૂર્ણાહુતિ થાય છે. ઘણા વૈષ્ણવોના પ્રતિભાવ રૂપી આશીર્વાદ મળ્યા છે તે મારું અહોભાગ્ય સમજું છું. ભગવદીય શ્રી સુરદાસજીએ કહ્યું હતું તેમ શ્રી વલ્લભ અને શ્રી ઠાકોરજી બંને એક જ છે (દ્વિવિધ આંધરો) તેથી આ લેખમાળા બંને સ્વરૂપોને સમર્પિત છે.

 
મનોરથ એવો છે કે આ ગ્રંથસ્થ થાય અને વૈષ્ણવોના ઘરમાં પહોંચે બલ્કે ભાવી પેઢી માટે સચવાય. હરિ ઈચ્છા હશે તો કોઈને પ્રેરણા થશે. આપણે તો નિમિતમાત્ર.

 
શ્રી અશોકભાઈ અને ‘દાદીમા’ પરિવારનો આ પ્રસિદ્ધ કરવા માટે અને  સૌ વૈષ્ણવોનો સુંદર પ્રોત્સાહક પ્રતિભાવો માટે અંતરના ઊંડાણેથી આભાર.

 

 

પ્રભુએ ધાર્યું તો ‘દાદીમા’ ના માધ્યમે મળતા રહીશું.

 

 

 

© Mahesh Shah 2013

 

 
mahesh shah.1

મહેશ શાહ
જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો,
વડોદરા

મો.૯૪૨૬૩૪૬૩૬૪/૨૩૩૦૦૮૩

 

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 
  શ્રી હરિરાયજી કૃત્ત શ્રી વલ્લભસાખી નું છેલ્લા ૨૦ મહિનાથી નિયમિતપણે‘દાદીમા ની પોટલી’ પર રસપાન કરાવવા બદલ અમો શ્રી મહેશભાઈ શાહ (વડોદરા) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.  અને સાથે સાથે આશા રાખીએ છીએ કે બહુજ નજીકના ભવિષ્યમાં ફરી  કોઈ એક નવી શ્રેણી સાથે ભગવદ નામ સ્મરણ નો લાભ તેમના તરફથી આપણને મળી રહેશે. પરમકૃપાળુ શ્રી ઠાકોરજીની તેમની તેમજ તેમના પરિવાર પર સદા મહેર રહે તેજ અભ્યર્થના.  સૌ વૈષ્ણવજન ને જય શ્રીકૃષ્ણ! 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

શ્રી હરિરાયજી કૃત …શ્રી વલ્લભ સાખી … (ભાગ -૧૯) …

શ્રી હરિરાયજી કૃત …શ્રી વલ્લભ સાખી  … (૯૧- ૯૫) …

-મહેશ શાહ, વડોદરા

 

 [ભાગ -૧૯]

 

 

saptanidhi

 

 

કેકી, શુક, પિક દ્રુમ ચઢેં, ગુંજત હૈ બહુ ભાય |
રાસ કેલિ કે આગમન, પ્રમુદિત મંગલ ગાય ||૯૧||

 

આની પહેલાંની (૯૦મી) સાખીમાં વ્રજની વનસ્પતિનું વર્ણન કર્યું.   હવે દેવી દેવતાઓ, ઋષિ મુનીઓ, લીલાના સાથીઓ  જેઓ પક્ષી રૂપે વ્રજમાં રહે છે  તેમના પ્રતિનિધિરૂપ ત્રણ પક્ષીઓની વાત કરે છે.

 

કોયલ (કેકી), પોપટ અને બપૈયો એ ત્રણે મીઠા કંઠના માલિક છે.  કોકિલ રંગે કાળો  છતાં તેનો ટહુકો અત્યંત મીઠો હોય છે.  વસંતના વધામણાં આ ટહુકાથી જ થાય છે.  પોપટના કંઠની મીઠાશને કારણે જ કદાચ તેને શ્રીમદ્ ભાગવતના પ્રથમ કથાકાર શુકદેવજીનું નામ મળ્યું હશે.  બપૈયો પણ કોયલ વર્ગનું જ પ્રાણી છે.  પેલી વેલીઓ જેમ પ્રભુની લીલાના દર્શનના મોહે વૃક્ષો ઉપર ઉંચે ચડે છે તેમ જ આ મધુરભાષી (અને અન્ય) પક્ષીઓ પણ લીલાના દર્શનની આશામાં વૃક્ષો ઉપર ચડી મધુર ગુંજારવ કરી રહ્યા છે. વ્રજમાં વાસ મળ્યો છે એટલે, પ્રભુના દર્શનથી આનંદીત છે એટલે અથવા તો પ્રભુની રાસ લીલાનો આનંદ ઉઠાવવાનો છે તેના અત્યંત ઉત્સાહથી બહુ જ ગુંજારવ કરી રહ્યા છે.  આ ‘બહુ’ શબ્દથી શ્રી હરિરાયજી આ મીઠા ટહુકામાં રહેલા ઉરના ઉમંગની અભિવ્યક્તિના ઉંડાણનો અંદાજ આપે છે.  શા માટે આનંદનો અતિરેક ન હોય ?   આ લીલાના દર્શન માટે તો આંખો જન્મો જન્મથી પ્યાસી છે.

 

આ દિવ્ય પક્ષીઓને આગમના એંધાણ મળી ગયા છે તેથી પ્રભુના રાસની આલબેલ સમાન મધુર મંગલ ગુંજન કરી રહ્યા છે. તેમને ખબર છે કે પ્રભુ ગોપીઓના મનોરથ પૂર્ણ કરવા માટે અને  તેમના કામ જવરને શાંત કરવા હેતુ શ્રુંગારમય ક્રીડાથી ભૂમિને ભાવવિભોર કરવા માટે રાસલીલા કરવાના છે.  આ લીલાથી કામદેવનો પરાભવ અને પ્રભુનો  વિજય થવાનો છે તેથી પણ આપના ભક્ત એવા આ દૈવી પક્ષીઓ ખુબ આનંદિત છે,  ખુશ છે. આ આનંદની અભિવ્યક્તિ રૂપે અત્યંત પ્રમોદમાં આવીને મંગલ ગીતો ગાઈ રહ્યા છે.

 

ગોપીઓપી જગતમેં, ચલીકે ઉલટી રીત |
તિનકે પદ વંદન કિયે, બઢત કૃષ્ણસોં પ્રીત||૯૨||

 

યુગો પહેલાં ગોપાલકોની વસાહતની અભણ, અબુધ, અનેરી અબળાઓની, પ્રેમ લક્ષણા ભક્તિની પ્રણાલીકાના પ્રણેતા એવા ગોપીજનોની ગરવી ગુણ ગાથા ગજબ છે.   આજના મુક્ત આચારના યુગમાં  પણ જે સ્વીકાર્ય ન ગણાય તેવી કરણી તે યુગમાં આચરી બતાવનાર તે માનુનીઓની મનના માનેલાને મેળવવાની ‘મર્દાનગી’ માન્યામાં આવે તેવી નથી.   આ પ્રેમ પરવશ ગોપીઓ અર્ધી રાત્રે ઘર છોડીને વસ્ત્રો આભૂષણો કે શૃંગારના ઠેકાણા વગર જંગલમાં દોડી આવી ત્યારે ખુદ પ્રભુએ  ‘આવી ભયંકર રાત્રીમાં કેમ આવ્યા છો ?   સારી સ્ત્રીઓએ પોતાના કુટુંબને છોડીને બહાર ન ફરવું જોઈએ’   કહી વાર્યા  છતાં પાછી વળી ન હતી.   આથી જ પ્રેરાઈને મીરાંએ  ‘પ્રેમ દીવાની’ નું  બિરૂદ આપ્યું હશે.

 

સામાજિક બંધનોને ગણકાર્યા વગર ગોપીઓએ ગોપાલ કૃષ્ણને ભરપૂર સ્નેહ કર્યો હતો.  સમાજે મર્યાદાના અને મલાજાના નિયમો ઘડ્યા છે, જેને સીધી કે સુયોગ્ય રીત ગણી છે તેનાથી વિપરીત વર્તન કર્યું, ઉલટી ચાલ ચાલી  આથી જ અહીં કહ્યું છે કે ગોપીઓ ઉલટી રીત અપનાવીને જ ઓપી ઉઠી હતી.   તે સમયે તો બ્રહ્માંડમાં તેમનો જય જયકાર થયો જ હતો આજે પણ ભક્તિ અને સમર્પણના આદર્શ તરીકે ગોપીજનોનું નામ પ્રેમ અને આદરથી લેવાય છે.  આજે પણ જગત તેમને પ્રેમની ધ્વજા કહી સન્માને  છે.

 

ભક્તિમાર્ગના દરેક પથિકનો મનોરથ હોય છે કે તે ગોપીજનોની જેમ  પૂર્ણ શરણાગતિ અને સમર્પણ સાથે આગળ વધે.  ભીના કપડાં સાથે કોરૂં કપડું રાખીએ તો તે પણ ભીંજાય છે પ્રેમ રસથી તરબતર આ ભગવદ ભક્ત વૃજાંગનાઓ પણ શુષ્ક હૃદયના ભક્તને પ્રેમરસથી તરબતર કરે છે.  ગોપીઓ અન્ય જીવો માટે પણ પ્રભુની પ્રાપ્તિના પથદર્શક બને છે.   તેમના પુનિત પાદયુગ્મમાં પ્રણામથી પ્રસન્ન થાય તો તેઓ પોતાના પ્રિયતમ પ્રતિ આપણને દોરી જાય અને આપણે પ્રભુ-પ્રીતિની પૂર્ણતા પામી શકીએ.

 

ઠકુરાની ઘાટ સુહાવાનો, છોંકર પરમ અનૂપ |
દામોદરદાસ સેવા કરે, જો લલીતા રસ રૂપ ||૯૩||

 

શ્રીહરિરાયજીને ભાવ સમાધિમાં જે દર્શન થાય છે તેનું આપણા લાભાર્થે વર્ણન કરી રહ્યા છે.   શ્રી યમુનાજીના જે ઘાટ ઉપર વલ્લભને શ્રી યમુનાજીનાં દર્શન થયા હતા અને જ્યાં શ્રી યમુનાષ્ટકની રચના થઇ હતી તે ગોવિંદ ઘાટ ઉપર શ્રી વલ્લભ  બિરાજ્યા છે.  આ પરમ પવિત્ર ઘાટ અત્યંત રમણીય છે. અલૌકિક શોભાથી સોહામણો છે.  અહીં જ પ્રભુની અનેક લીલાઓ આજે પણ થતી રહે છે.  લીલાના શ્રમથી શ્રમિત શ્રી ઠાકોરજી અને સખીઓ શ્રી યમુનાજીમાં સ્નાન કરી તાજગી પામે છે અને શ્રી યમુનાજીને શ્રમ-જલાણુથી લાભાન્વિત કરે છે.

 

૮૯મી સાખીમાં પણ ગોવિંદ ઘાટની વાત કરતાં આપણે જોયું હતું કે આ ઘાટ ઉપર શોભી રહેલું  છોંકર વૃક્ષ સાક્ષાત  બ્રહ્મ સ્વરૂપ છે.   શાસ્ત્રોમાંશમી (છોંકર) વૃક્ષનો મહિમા વર્ણવાયો છે.  આ વૃક્ષ સારસ્વત કલ્પમાં પણ પ્રભુની અનેક લીલાનું સાક્ષી અને સહાયક બન્યું હતું.  તે અનૂપ એટલે કે જેને કોઈ ઉપમા આપી ન શકાય તેવું અનુઠું, અનેરૂં, અલૌકિક અને અનુપમ છે.

 

આ ઘાટ ઉપર જ પુષ્ટિ માર્ગનો પ્રાદુર્ભાવ થયો છે,  અહીં જ પરમ ઉધ્ધારક ગદ્ય મંત્ર પ્રાપ્ત કરી શ્રી વલ્લભ ચિંતામુક્ત બન્યા હતા.  આ એજ પાવન સ્થાન છે  જ્યાં શ્રી યમુનાષ્ટક અને શ્રી મધુરાષ્ટકની રચના થઇ છે.  અહીં જ  દામોદરદાસ  હરસાનીજી બ્રહ્મ સંબંધ પ્રાપ્ત કરીને પ્રથમ વૈષ્ણવ બન્યા હતા.

 

આ ઘાટ ઉપર શ્રી વલ્લભ બિરાજી રહ્યા છે.  સમર્પિત સેવક, પ્રથમ વૈષ્ણવ, નિત્યલીલામાં રસિકલલીતા સખી સ્વરૂપ, મહાપ્રભુજીની ઊંઘમાં ખલેલ ન પડે તે માટે શ્રીજી બાવાને પણ  નજીક આવવાની ના પાડી દીધી  હતી એવા સમર્પિત  અંતરંગ ભક્ત દામોદરદાસ જેઓ શ્રી વલ્લભના સમગ્ર જીવન કાળમાં સતત સાથે રહ્યા હતા તેઓ સેવામાં છે.

 

આવો આપણે પણ માનસીમાં ત્યાં પહોંચી ધન્ય બનીએ.

 

કૃષ્ણદાસ નંદદાસ જૂ, સૂર સુ પરમાનંદ |
કુંભનચત્રભુજદાસ  જૂ, છીતસ્વામી ગોવિંદ ||૯૪||

 

શ્રીજીબાવા અને શ્રી વલ્લભના પ્રાગટ્ય સાથે લીલાનો સમગ્ર પરિકર પણ ભૂતલ પર પ્રગટ થયો છે. લીલાના અંતરંગ આઠ સખાઓ પણ પ્રભુના સુખાર્થે અહીં આવ્યા  છે.   આ અષ્ટ સખાઓનાં મંગલકારી નામ અહીં ગણાવાયા છે.  આ આઠ પૈકી શ્રી વલ્લભેચારને શરણે લીધા અને શ્રી વિઠ્ઠલેશે પણ ચારને શ્રીજીની  સેવામાં જોડ્યા.  આ સૌને લીલાના સાક્ષાત દર્શન થતા હતા.  શ્રીજી તે સૌને સ્વાનુભાવ જણાવતા.

 

સુરદાસજી જન્મથી જ ચર્મચક્ષુ રહિત હતા પણ પ્રભુ કૃપાથી તેમના અંતર ચક્ષુઓના પડળ ખુલેલા હતા તેથી  શ્રીનાથજીના જેવા શૃંગાર હોય તેવા જ પદ તે  ક્ષણે બનાવી કીર્તન સેવા કરતા હતા.  સવાલક્ષ પદની રચના કરવાનો તેમનો મનોરથ અપૂર્ણ હતો તો બાકીના પદ પ્રભુએ ‘સુર-શ્યામ’  છાપથી રચી તે પૂર્ણ કર્યો હતો.

 

શ્રી વલ્લભના સેવકો કૃષ્ણદાસ, પરમાનંદદાસ અને કુંભનદાસજી પણ પરમ ભગવદીય હતા. કૃષ્ણદાસ આપણા ગુજરાતના પટેલ હતા.   અધીકારીજી તરીકે પણ સુંદર વહીવટ કર્યો હતો.   કુંભનદાસજીને  ઘોડો બનાવી ઠાકોરજી ખેલતા હતા.  તેમણે અકબર બાદશાહને પણ સંભળાવી દીધું  હતું કે  ‘જાકો મુખ દેખત દુ:ખ ઉપજે તાકો કરનો પડ્યો પરનામ’.

 

ગુસાંઈજીના સેવકો શ્રી નંદદાસજી, ચત્રભુજદાસજી, ગોવિંદદાસજી અને છીતસ્વામી  પણ સમર્થ કવિત્વ સભર ભગવદીયો હતા.  છીતસ્વામી તો  ગુસાંઈજીની પરીક્ષા લેવા ખોટો રૂપિયો અને પાણી વગરનું નાળીયેર લઈને આવ્યા હતા ત્યાં જ ચમત્કારથી અભિભૂત થઇ સેવક બન્યા હતા.

 

આ સૌએ પ્રભુની લીલાના તેમને થયેલા અનુભવોના વર્ણનની રસ લહાણ પણ કરી છે એટલું જ નહીં ભક્તિભાવ ભર્યા સંગીતમય પદોની ભેટ આપી છે.  તેમના પદોથી  સમૃદ્ધ  હવેલી સંગીતે  અન્યમાર્ગી સંગીતમર્મજ્ઞ અને ભક્ત હૃદયોને પણ ધન્ય બનાવ્યા  છે.  આ પદોએ હિન્દી કાવ્ય સાહિત્યને પણ સમૃદ્ધ કર્યું છે.

 

આવો, આપણે પણ આ મહાનુભાવોને ભાવપૂર્વક સ્મરીને ધન્ય  થઈએ.

 

શ્રીરાધા માધો પરમ ધન, શુક અરુ વ્યાસ લિયો ઘૂંટ |
યહ ધન ખર્ચેઘટત નહીં, ચોર લેત ના લૂંટ||૯૫||

 

શ્રી રાધા સહચરી અને તેમના પ્રીતમ એવા માધવ એ યુગલ સ્વરૂપ પરમ ધન છે, અણમોલ નિધિ છે. લૂંટી લેવા જેવો ખજાનો છે. આ નિધિની સાચી સમજ આપણને શ્રીમદ્ભાગવતમાંથી મળે છે. વ્યાસજી હતાશ,  નિરાશ અને ઉદાસ  હતા ત્યારે નારદજીએ તેમને સંક્ષિપ્ત ભાગવત સંભળાવ્યું  હતું અને તેનાથી કૃતાર્થ થયેલા વેદ વ્યાસે પોતાના સુંદરત્તમ સર્જન એવું આ પુરાણ રચ્યું.   કલ્પતરૂ સમાન વેદ વૃક્ષના પાકેલા રસાળફળ સમાન આ પુરાણ છે.  વેદ અને પુરાણોનો આધ્યાત્મિક રસ તેમાં ઘૂંટી ઘૂંટીને,  ઠાંસી ઠાંસીને ભર્યો છે.   જિજ્ઞાસુને અહીં ભક્તિમાર્ગનું વિસ્તૃત વર્ણન અને માર્મિક માર્ગદર્શન મળી રહે છે.  જેમ દવાને ઘૂંટીએ તેમ તેમ તેની શક્તિ વધે છે તેવી રીતે  જ ભક્તિ રસને પણ ઘૂંટવાથી તે વધુ ઘટ્ટ બને છે. ભાગવતજીમાં શબ્દે શબ્દે આવો ઘટ્ટ રસપ્રાપ્ત થાય છે.  વ્યાસજીએ રચના કરી અને તેમના અલગારી પુત્ર શુકદેવજીએ આ અમૃતનું પ્રથમ પાન ઋષીપુત્રના શાપથી જેને વૈરાગ્ય આવ્યો હતો   તેવા પરીક્ષિતને  કરાવીને તેમનું મૃત્યુ મંગલમય બનાવી દીધું.

 

પ્રભુને પામ્યા પછી કશું જ પ્રાપ્ત કરવાનું બાકી નથી રહેતું.   ભૌતિક સંપતિની પ્રાપ્તિ પછી પણ તે વપરાઇ જવાનો, ચોર દ્વારા ચોરાઈ જવાનો, લૂંટારાઓ પાસે લૂંટાઈ જવાવાનો  કે રાજ્ય દ્વારા હરિ લેવાવાનો ડર સતત રહ્યા કરે છે.  અંતે તો અસંતોષ કે અધુરપની લાગણી જ શેષ રહે છે.   જ્યારે આ નિધિ પ્રાપ્ત થયા પછી પૂર્ણ સંતોષ અને પરમ શાંતિ અનુભવાય છે.  જગતના પદાર્થોથી વૈરાગ્ય અનુભવાય છે.  તે વાપરીએ તો પણ વધ્યા જ કરે છે.  હરિ ભક્તોમાં તેને વહેંચી દઈએ કે લૂંટાવી દઈએ તો પણ અનેકગણી વૃદ્ધિ થાય છે.  ઉપરજે  અષ્ટસખાઓની વાત કરી તેમણે પણ પોતાને પ્રાપ્ત સ્વાનુભવના ખજાનાને પોતાની રચનાઓ દ્વારા લૂંટાવ્યો જ છે.

 

આ નિધિ પ્રાપ્ત થયો છે તે સૌભાગ્યમદ સાથે આપણે આજના આ સ્વલ્પ સત્સંગનું સમાપન કરીએ.

 

 

(ક્રમશ:) 

 

 

 

© Mahesh Shah 2013

 

 
mahesh shah.1

મહેશ શાહ
જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો,
વડોદરા

મો.૯૪૨૬૩૪૬૩૬૪/૨૩૩૦૦૮૩

 

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

શ્રી હરિરાયજી કૃત …શ્રી વલ્લભ સાખી … [ભાગ-૧૮] …

શ્રી હરિરાયજી કૃત …શ્રી વલ્લભ સાખી  … (૮૬-૯૦) …

-મહેશ શાહ, વડોદરા

 

 [ભાગ -૧૮]

 

 

 krishna lila
 

 

માટ લિયે માખન લિયે, નૂપુર બાજે પાય |
નૃત્યન નટવર લાલ જુ, મુદિત યશોદા માય ||૮૬||

 

 
 krishna bal lila
 

 

માખણ ભરેલી માટલી સાથે સોહામણા શ્રી નટવરપ્રભુ ભક્તોનામનને મોહી રહ્યા છે. બાળ સહજ હલન ચલનથી પ્રભુએ ચરણોમાં ધારણ કરેલા નૂપુરનો ઘંટડીઓનો નિરાળો નાદ મધુર ધ્વની રેલાઇ રહ્યો છે. નુપુરનો આ કર્ણપ્રિય નાદભક્તોના મનને મોહી લે છે.  નવનીતનો સ્વાદમધુરતો નૂપુરનોનાદ મંજુલ, આપણે તો બસ શ્રીઆચાર્યજી વિરચિત મધુરાષ્ટકમ્ સ્તોત્રની ‘અખિલમ્મધુરમ્’  ઉપમાઓ જ યાદ કરવાની !

 

પ્રભુને માખણ અત્યંત પ્રિય છે.  ભક્તો પણ માખણ જેવા મુલાયમ અને દુનિયાના રંગ ચડ્યા વગરના શુભ્રહૃદય હોય છે.  તેઓ તો તદ્દન સરળ, કપટ રહિત, ભોળા અને દુન્યવી દુષણોથી જોજનો દુર હોય છે. પ્રભુને આવા માખણ જેવા મૃદુહૃદયવાળા ભક્તો જપ્રિય લાગે છે.  ભક્તો પ્રત્યે આપ તેવા જ મધુર, તેવા જ મુલાયમ, સદા દયાળુ અને કૃપાવંત છે.

 

પ્રભુને નટવર કહ્યા છે.  નટ શબ્દના અનેક અર્થ છે. ઉંચે બાંધેલા દોરડા ઉપર સંતુલન જાળવી ખેલ કરનાર, નાટકનો સુત્રધાર, અભિનેતા અને નૃત્યકાર તે સૌ નટ કહેવાય છે.  પ્રભુ નટવર નાગર છે. સંતુલનની વાત કરીએ તો સુર-અસુર, શ્રેય-પ્રેય, પાપ-પુણ્ય, સજ્જન-દુર્જન જેવા અનેક સંતુલનો પ્રભુ જાળવે છે.  ભૌતિક વિશ્વનું અદ્ભુત સંતુલન અને સચોટ સંચાલન પ્રભુની માયાથી જ છે ને ?  સુત્રધાર તરીકે આ વિશ્વ રંગમંચનું સંચાલન પણ આપ જ કરી રહ્યા છે.  આપ તો અભિનય સમ્રાટ છે.   નૃત્ય નૃપ છે. આપનું નૃત્ય ભુવન મોહક છે.

 

પોતાના લાલના મનોહારી નૃત્યથી માતા યશોદા અત્યંત આનંદિત થાય છે.  માતાને મન તો પોતાના બાળકની દરેક મુદ્રા મોહક હોય છે જ્યારે આ તો નટવર વપુનું નૃત્ય !  તેનાથી માતા યશોદાનું રોમ રોમ પુલકિત થાય છે, આનંદથી ઝૂમી ઊઠે છે.  અંતરમાં આનંદના લોઢ ઉછળે છે.

 

આ સ્વરૂપ હાલ દોશીવાડાની પોળ, અમદાવાદમાં બિરાજે છે.

 

 

શ્રીગિરિધર ગોવિંદ જૂ, બાલકૃષ્ણ ગોકુલેશ |
રઘુપતિ યદુપતિ ઘનશ્યામજૂ, પ્રકટે બ્રહ્મ વિશેષ ||૮૭||

 

 

શ્રી ગુસાંઈજીના સાતે લાલજી માનવ દેહધારી છેઅને આપણાં ચર્મ ચક્ષુઓની મર્યાદા છે તેથી તેમના બાહ્ય દર્શનથી તેમના સાચા સ્વરૂપો સમજાતા નથી તેથી આ સાખી દ્વારા તેમના સાચા સ્વરૂપોનો અહીં ખ્યાલ અપાયો છે.

 

ભગવાને ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય એ છ ભગધારણ કરેલા છે.  આ બધા જ ગુણધર્મો શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીમાં પણ વિદ્યમાન છે.  શ્રી સર્વોત્તમ સ્તોત્રના ૨૨ મા શ્લોકમાં આપનું ‘સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમાહ્ત્મ્ય:’  નામ બિરાજે છે.  તે પ્રમાણે આચાર્યજીના સર્વ ગુણધર્મો, સર્વ ઐશ્વર્યો, સર્વ ભગ, વલ્લભ કુળમાં આજે પણ સ્થાપિત છે.  શ્રી ગુસાંઈજીના સાતે લાલજીમાં પણ આ સર્વ ગુણો હતા જ.   તેમ છતાં અમુક ભગ વિશેષ(પ્રસ્ફૂટ) રૂપે રહેલા છે તેનું વર્ણન અહીં કરાયું છે.

 

પ્રભુના છ ધર્મો તેને ધારણ કરનાર ધર્મી સહીત વલ્લભ કુળમાં જ બિરાજમાન છે.  દરેક લાલજી બધા જ ધર્મો ધરાવે છે પણ એક એક જરા વિશેષરૂપે prominently જોવા મળે છે. તે પ્રમાણે પ્રથમ લાલજી શ્રી ગિરિધરજી વિશેષત: ધર્મી સ્વરૂપ છે.  બીજા લાલજી શ્રી ગોવિંદરાયજી માં મુખ્યત્વે પ્રભુના‘ઐશ્વર્ય’ સ્વરૂપનું દર્શન થાય છે. ત્રીજા લાલજી શ્રી બાલકૃષ્ણજી માં ‘વીર્ય’ગુણ સવિશેષ રહેલો દેખાય છે. ચોથા લાલજી, માલા તિલકના રક્ષણહાર શ્રી ગોકુલનાથજી માં ‘યશ’ સ્વરૂપ ઉડીને આંખે વળગે છે. આપનો યશ આજે પણ એવો જ છે. પંચમ લાલજી શ્રી રઘુનાથજી માં પ્રભુના છ ભગમાંથી ‘શ્રી’નું પ્રાધાન્ય છે. છઠ્ઠા લાલજી શ્રી યદુનાથજી માં ‘જ્ઞાન’ ગુણધર્મ વિશેષપણે છે. સાતમા લાલજી શ્રી ઘનશ્યામજી  ‘વૈરાગ્ય’ને ધારણ કરે છે.  અંતે શ્રી હરિરાયજી રહસ્યની વાત કહે છે.  ‘આ સર્વ પ્રકટ બ્રહ્મ સ્વરૂપ છે.’ તેમને લૌકિક નજરે નીરખવા નહીં.  આ સર્વ સ્વરૂપોદૈવી જીવોના ઉધ્ધારાર્થે ભૂતલ પર પધાર્યા છે.  આજે પણ તેમ જ છે.

 

 

પરમ સુખદ અભિરામ હૈ,  શ્રીગોકુલ સુખધામ |
ઘુટરુવન ખેલત ફિરત, શ્રીકમલ નયન  ઘનશ્યામ ||૮૮||

 

 

શ્રી ગોકુલ પ્રભુનું ક્રીડાધામ છે. ૭૭ મી સાખીમાં પણ શ્રી હરિરાયજીએ ગોકુળના ગુણ ગાયા છે. અહીં ફરી બીજા સંદર્ભથી ગોકુલના મહિમાનું મંડન કરે છે. અભિરામ એક સંસ્કૃત શબ્દ છે.  અભિરામ એટલે ઉલ્લાસ, ઉમંગ, ઉત્સાહ, આનંદ, પ્રમોદ, હર્ષ જેવી મનની અનેક ભાવ-સ્થિતિઓ. આવા આ સુંદર શબ્દને પણ શ્રી હરિરાયજી ‘પરમસુખદ’થી શણગારે છે.  એટલું જ નહીં, વિશેષમાંશ્રી ગોકુલને સુખધામ પણ કહે છે.

 

ગો એટલે ગાયો અને અને તેનું ધામ એટલે ગોકુલ.  વિદ્વાનો તો ‘ગો’ નો અર્થ આપણી ઇન્દ્રિયો એવો પણ કરે છે.  એ અર્થમાં જોઈએ તો પ્રભુનું દર્શન આપણી સર્વ ઇન્દ્રીયો માટે ‘અભિરામ’ છે. પ્રત્યેકઇ ન્દ્રિય પ્રભુના દર્શનથી પુલકિત થાય છે, સંતુષ્ટ અને પુષ્ટથાય છે.  શા માટે ન થાય ?  પ્રભુના સ્વરૂપમાં દરેક ઇન્દ્રિયને પોતાના ધર્મ પ્રમાણેની, પોતાના રસ પ્રમાણેની, પોતાના સ્વભાવ પ્રમાણેની મનભાવન પ્રાપ્તિ થઇ જાય છે તેથી પ્રભુનું દર્શન અભિરામ છે.  આવા અભિરામ દર્શન જ્યાં થાય છે તે શ્રીમદ ગોકુલ સુખનું ધામ એટલે કે કાયમી નિવાસસ્થાન (હેડ ક્વાર્ટર) છે.

 

આ  ‘સુખધામ’ ગોકુલમાં બાળલીલાના મિષે પ્રભુ ઘૂંટણીયાભેર ચાલી ભક્તોના મન મોહી રહ્યા છે. આપની નિત્ય લીલા ભક્તોને સદા સુખ આપે છે.  પ્રભુના સુંદર સ્વરૂપના વર્ણનમાં ‘કમલ નયન’ અને ‘ઘનશ્યામ’ શબ્દો છે. પ્રભુના નયન કમળની પાંખડી જેવા મોટા અને નિર્મળ છે. હિંદુ ધર્મમાં કમળનું સ્થાન મહત્વનું છે. કમળની સાથે શાશ્વતદિવ્યતા અને પવિત્રતાના ભાવો જોડાયેલા છે.  કમળની ઉત્પત્તિ કીચડમાં થાય છે અને પ્રભુ પણ જ્યારે ધર્મ તકલીફમાં હોય, અધર્મ જોરમાં હોય (યદા યદા હી…) ત્યારે જ અવતાર લે છે. પ્રભુના નયન પણ કમળની જેમ જ નિર્લેપ રહે છે.  કૃપાથી છલોછલ ભરેલા પ્રભુનો વર્ણ પણજળથી ભરેલા વાદળ જેવો ઘનશ્યામ છે.

 

 

ગોવિંદ ઘાટ સુહાવનો, છોંકર પરમ અનૂપ |
બૈઠક વલ્લભ દેવ કી, નિજ્જનકોફલ રૂપ ||૮૯||

 

 

હવે વાત પુષ્ટિ માર્ગના ઉદગમ સ્થાન સમા સોહામણા ગોવિંદ ઘાટની. આ ઘાટ ઉપરનું છોંકર વૃક્ષ પરમ અનૂપ છે, તેને કોઈની ઉપમા આપી શકાય તેમ નથી, અનન્ય છે, બ્રહ્માંડમાં તેની સમાન કાંઈ જ નથી, કોઈ જ નથી.

 

અહીં શ્રી યમુનાજીએ શ્રાવણ સુદ ત્રીજે (ઠકુરાણી ત્રીજે) શ્રી વલ્લભને લીલા સમયના શ્રીગોવીંદ ઘાટ અને શ્રી ઠકુરાણી ઘાટ બતાવ્યાં હતાં. તે જ સમયે એવી પણ આજ્ઞા કરી હતી કે શ્રી વલ્લભ જે વૃક્ષ નીચે ઉભા છે તે છોંકરનું વૃક્ષ બ્રહ્મ સ્વરૂપ છે. એ પ્રસંગે જ શ્રી યમુનાષ્ટકની રચના થઇ હતી.

 

શ્રી વલ્લભના સર્વ બેઠકજીઓમાં સૌથી અહમ, સૌથી મહત્વના બેઠકજી એટલે શ્રીગોવીંદ ઘાટના બેઠકજી જ્યાં સાક્ષાત પરબ્રહ્મે દૈવી જીવોના ઉદ્ધારનું અવતાર કાર્ય પૂર્ણ કરવા વ્યાકુળ મહાપ્રભુજીને ગદ્યમંત્રનું દાન કરી વચન આપ્યું કે તમે શરણે લીધેલા જીવોને હું છોડીશ નહીં.  અહીં જ પુષ્ટિ માર્ગનો પ્રાદુર્ભાવ થયો ગણાય.  તે વખતે પ્રગટ થયેલ સ્વરૂપ શ્રી ગોકુલ ચન્દ્રમાજીનું સ્વરૂપ છે.  તે સ્વરૂપના દર્શનથી અભિભૂત થઇ આ ચાર્યશ્રીએ મધુરાષ્ટકમ સ્તોત્રની રચના કરી પ્રભુના મનોહારી સ્વરૂપનું કાવ્યમય વર્ણન કર્યું હતું. આ એજ પાવન સ્થાન છે જ્યાં દામોદરદાસ હરસાનીજી બ્રહ્મ સંબંધ પ્રાપ્ત કરીને પ્રથમ વૈષ્ણવ બન્યા હતા.

 

આ ઘાટ ઉપર બિરાજમાન શ્રી બેઠકજી આપણા સંપ્રદાયનું પરમ પવિત્ર ધામ છે.  પ્રભુની લીલાના અંતરંગ જીવો જે લીલાના ભાગ રૂપે કે અન્ય કારણવશાત પૃથ્વી ઉપર આવ્યા છે તેવા નિજ જન માટે પરમ ફળ સમાન છે.  આપણેશ્રી ઠાકોરજીના નિજ અર્થાત પોતાના છીએ એ સૌભાગ્ય મદ આપતી વાત છે.  આપણા માર્ગમાં સેવા જ સાધન અને ફળરૂપ મનાય છે.  તે સેવા પ્રાપ્ત કરવાના પહેલાં પગથીયા જેવા બ્રહ્મસંબંધનું આ જન્મસ્થાન હોઈ તેને અહીં ‘ફલરૂપ’ ગણાવ્યું છે.

 

 

બેલિ લતા બહુભાંત કી  દ્રુમન રહી લપટાય |
માનોં નાયક નાયકા મિલી, માન તજિ આય||૯૦||

 

 

ગોવિંદ ઘાટ ઉપર અને વ્રજમાં સર્વત્ર પથરાયેલી વિવિધ વનસ્પતિઓ પણ દિવ્ય છે. તેમાં પણ શ્રી હરિરાયજીને યુગલ સ્વરૂપના  દર્શન થાય છે.  આપ વર્ણન કરે છે કે વ્રજમાં અનેક જાતના વેલા અને વનસ્પતિ આવેલા છે.  રસખાને તો પોતાના પદમાં એવી ઈચ્છા જ જાહેર કરી છે કે વ્રજમાં વનસ્પતિ રૂપે પણ અવતાર મળે પણ અનેક દેવી દેવતાઓ, વેદનીઅનેક ઋચાઓ, ઋષિ મુનીઓ તો વ્રજમાં વનસ્પતિ રૂપે પહોંચી જ ગયા છે. તેઓને ભય હશે કે અન્ય સ્વરૂપે પ્રભુની લીલાનાં દર્શન નહીં થાય  તેથી વનસ્પતિ રૂપે આવ્યા છે.  અમુક જીવો રામાવતાર વખતે મોહિત થયા હતા અને પ્રભુનો મર્યાદા પુરુષોત્તમ અવતાર હતો તેથી પ્રભુએ કૃષ્ણાવતારમાં મનોકામના પૂર્ણ કરવાની આશા આપેલી તેથી વ્રજમાં આવી પહોંચ્યા હતા.  આ સૌને પ્રભુની લીલાના દર્શનનો લહાવો લેવો હતો.  આવી આ દિવ્ય સ્વરૂપાવેલીઓ વૃક્ષોના થડને વીંટળાઈને તેની ટોચે પહોંચવા કોશિશ કરી રહી છે જેથી ઊંચાઈને કારણે દૂર સુધી લીલાના દર્શનનો લાભ મળે, લીલાના અમૃતનું આકંઠ પાન કરાય.

 

હરિરાયજી મહાપ્રભુ તો પ્રભુને વ્યાપક વિશ્વમાં જોઈ શકતા હતા. તેને દિવ્ય દ્રષ્ટિ કહીએ કે ભક્ત હૃદયની ભાવના કહીએ તેઓને અત્ર તત્ર સર્વત્ર પ્રભુ જ દેખાતા હતા.  તેથી આપને એવું લાગે છે કે જાણે કે (વ્રજના) નાયક પાસે નાયિકા માન તજીને આવી પહોંચ્યા છે અને બંને પરસ્પર આલિંગનમાં શોભી રહ્યા છે, યુગલ સ્વરૂપ બિરાજી રહ્યું છે.  જેમ વેલી વીંટળાયા પછી વૃક્ષ સાથે એકાકાર થઇ જાય છે અને બંનેને અલગ કરવા મુશ્કેલ કાર્ય છે તેમ જખાસ તો નાયિકામાન તજીને આવ્યા પછીનું મિલન હોઈ લાગણીની તીવ્રતા અધિક હોય તે સમજી શકાય છે.  એકમેકમાં ઓતપ્રોત થયેલા  પ્રિયા પ્રિતમના પાવનદર્શનથી મન હર્યુંભર્યું થઇ જાય છે.

 

આ યુગલ સ્વરૂપને સ્મરી, ભાવ પૂર્વક વંદી  આપણે આજના આ  સ્વલ્પ સત્સંગનું સમાપન કરીએ.
 

 

(ક્રમશ:) \

 

 

© Mahesh Shah 2013

 

 
mahesh shah.1

મહેશ શાહ
જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો,
વડોદરા

મો.૯૪૨૬૩૪૬૩૬૪/૨૩૩૦૦૮૩

 

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

                                                                          .

શ્રી હરિરાયજી કૃત …શ્રી વલ્લભ સાખી … [ભાગ-૧૭] …

શ્રી હરિરાયજી કૃત …શ્રી વલ્લભ સાખી  … (૮૧-૮૫) …

-મહેશ શાહ, વડોદરા

 

 [ભાગ -૧૭]

 krishna-radha

 

ધન્ય ધન્ય શ્રીગિરિરાજ જૂ, હરિદાસન મેં રાય |
સાનિધ્ય સેવા કરત હૈ, બલિ મોહન જિય ભાય ||૮૧||

 

વ્રજ મંડળની નિધિઓ અને સંપદાઓના ગુણગાનમાં હવે શ્રી હરિરાયજી શ્રી હરિદાસવર્ય ગિરિરાજની વાત કરે છે. ગિરિરાજજી શ્રી હરિના  મહાન ભક્ત છે. સારસ્વત કલ્પમાં પ્રભુએ ખુબ જ ઉચ્ચ સન્માન આપ્યું અપાવ્યું હતું. તેમના મિષે અન્નકૂટ પણ આરોગ્યો હતો. ગિરિરાજજીએ ઇન્દ્રના માનભંગના  ઉત્તમ કાર્યમાં દેવદમન પ્રભુના સહયોગી રહી વ્રજના લોકો અને પશુઓનું મેઘ તાંડવથી રક્ષણ કરવામાં હાથવગા સાધનરૂપે સહાયકારી ભૂમિકા સુપેરે નિભાવી હતી.

 

શ્રી ગિરિરાજની કંદરાઓમાં અનેક નિકુંજ બિરાજે છે. તેમાં શ્રી ઠાકોરજી સખાઓ અને વ્રજાંગનાઓ સાથે અનેક ક્રીડાઓ અને લીલાઓ કરતા જ રહે છે.  પ્રભુને લીલામાં સાનુકુળતા રહે તે માટે ગિરિરાજજી પ્રભુના સુકોમળ ચરણારવિંદ માટે માખણ જેવું મુલાયમ સ્વરૂપ ધારણ કરી લે છે, જેથી પ્રભુને પરિશ્રમ ન પડે.

 

આપની ટોચ ઉપર પ્રભુ બિરાજે છે તેથી અનેક સેવકો પ્રભુ સેવાર્થે શ્રી ગિરિરાજ ઉપર આવતા જતા રહે છે. સુજ્ઞ વૈષ્ણવો હરિદાસવર્યની આજ્ઞા લઈને ક્ષમા પ્રાર્થના સાથે જ પગ ધરે છે પણ પ્રભુના પરમ ભક્ત એવા શ્રીગોવર્ધન માટે તો આટ આટલા ભક્તો પ્રભુ સેવા માટે પોતાનું ઉર ખૂંદીને જાય તે ઘટના જ  મહા સૌભાગ્ય બની જાય છે. પ્રભુની સેવામાં સાધનરૂપ થવાનો હરખ હરિદાસના હૈયામાં હિલોળા લેતો રહે છે.

 

આવા શ્રી ગિરિરાજ  સૌ હરિભક્તોમાં શિરમોર ગણાય છે એટલે જ અહીં ‘હરિદાસનમેં રાય’ કહી વડાઈ કરવામાં આવી છે. પ્રભુના પરમ દાસરૂપ શ્રી ગિરિરાયજીનું મહાત્મ્ય અનેરૂં છે. પ્રભુના ભક્તોમાં આપનું સ્થાન મુઠી ઊંચેરૂં છે.

 

આવા પરમ ભક્ત શ્રી ગિરિરાયજી સાનિધ્યમાં રહી બંને ભાઈઓની સુંદર સેવા કરે છે. સેવા પણ કેવી? આપની સેવાથી શ્રી ઠાકોરજી અને  દાઉ ભૈયા અત્યંત પ્રસન્ન થાય છે અને શ્રી ગિરિરાજ  બંને સ્વરૂપોના મનના માનીતા બની ગયા છે.  બંનેના હૈયાના હાર બની ગયા છે.

 

કોટી કટત અઘ રટત તેં, મિટત સકલ જંજાલ |
પ્રકટ ભયે કલિકાલમેં, દેવ દમન નંદલાલ  ||૮૨||

 

વ્રજ મંડળની વાત થતી હોય અને વ્રજાધિપની વાત ન થાય તે કેમ ચાલે ? આ કળિયુગમાં દૈવીજીવોના ઉધ્ધારાર્થે અધમ ઓધારણ દેવ દમન પ્રગટ થયા છે. ચંપારણ્યમાં શ્રી વલ્લભ અને વ્રજમાં શ્રીજી બાવા સાથે સાથે જ પ્રગટ્યા છે જેથી લીલામાંથી વિછરેલા જીવો આ કળિકાળની જટીલ ઝંઝાળમાં ફસાઈને પોતાનો માર્ગ ભૂલીને ભટકી ન જાય.

 

દેવ દમન રૂપે સાક્ષાત શ્રી યશોદોત્સંગલાલિત નંદલાલ પ્રભુ પ્રગટ થયા છે. તેમના પ્રાગટ્યથી જ સમગ્ર શુભ અવસરો અને પાવન પરિબળો મજબૂત બન્યા છે. જીવને પ્રભુ પ્રાપ્તિમાં બાધક થઇ શકે તેવા કરોડો દોષ, સંચિત પાપ આપના દર્શનથી, આપની સેવાથી, આપના નામ સ્મરણથી કપાઈ જાય છે. ‘પાપ દૂર થઇ જાય છે’ તેવું નથી કહયું પણ ‘તે કપાઈ જાય છે’ એવું કહયું છે મતલબ કે પાપ નાશ પામે છે અને ફરી ક્યારે ય નડતર રૂપ નથી થઇ શકતા.

 

પુષ્ટિ ભક્તને એક વાતની હંમેશા તમન્ના રહે છે કે પ્રભુ પાસે પરિશુદ્ધ અને પરમ પવિત્ર ચીજ જ સમર્પિત કરવી. તેથી જ તે પોતે પણ પાપ રહિત થઇ, પ્રભુને લાયક પવિત્ર બની પછી જ પ્રભુ સમક્ષ જવા માંગે છે. એ વિચારે છે કે ‘મારા પ્રભુ પાસે મારા પાપોનું પોટલું લઈને કેવી રીતે જાઉં?’ આ જ તો છે મર્યાદા અને પુષ્ટિનો તફાવત. મર્યાદામાં ભક્ત ઈચ્છે છે કે પાપનો નાશ થાય જેથી સ્વર્ગ મળે જ્યારે પુષ્ટિ ભક્તને તો વૈકુંઠ કરતા પણ વ્રજ વહાલું (સવિશેષ તો વ્રજરાજ વહાલા) છે પણ પ્રભુ પાસે મલિન રૂપે નથી જવું તે માટે પાપના નાશની અભિલાષા રાખે છે !

 

આ પાપના નિર્મૂલનથી પ્રભુને પ્રાપ્ત કરવામાં સરળતા થઇ જાય છે અને ભક્ત માયાજાળથી મુક્ત રહી પોતાનંફ સમગ્ર ધ્યાન પ્રભુમાં પૂર્ણ રૂપે પરોવી શકે છે.

 

પ્રૌઢ ભાવ ગિરિવરધરણ, શ્રી નવનીત દયાલ |
શ્રી મથુરાનાથ નિકુંજપતિ, શ્રી વિઠ્ઠલેશ સુખ સાલ ||૮૩||

 

હવે શ્રી હરિરાયજી સર્વ સ્વરૂપોના ભાવ ઉજાગર કરે  છે. શ્રીનાથજીમાં પ્રૌઢ ભાવ રહેલો છે. નિકુંજ નાયક આપના સ્વરૂપમાં સઘળી લીલા સમાવિષ્ટ છે. આપ રસનાયક છે વ્રજાંગનાઓના મનોરથ પૂરક છે.

 

દ્વિતીય સ્વરૂપ શ્રી નવનીતપ્રીયજીનું છે. આપને નવનીત અતિ પ્રિય છે, માખણ જેવા જ મુલાયમ હૃદયના સ્વામી  આ સ્વરૂપ દયાનિધિ છે, દયાના સાગર છે.

 

પ્રથમ નિધિ શ્રી મથુરાધીશજીને નીકુંજપતિ કહ્યા છે.  આ ચતુર્ભુજ સ્વરૂપ પરમ ભગવદીય શ્રી પદ્મનાભદાસજીના સેવ્ય સ્વરૂપ હતા. મથુરાનો અર્થ અહીં ‘જેનું મંથન થાય છે તે મથુરા’  અર્થાત ભક્તોના હૃદય તેવો થાય છે. આ સ્વરૂપ મથુરા લીલા સાથે સંબંધિત નથી, વ્રજલીલા સાથે સંકળાયેલું પુષ્ટિમાર્ગિય સ્વરૂપ છે. આ સ્વરૂપનું પ્રાગટ્ય શ્રી યમુનાજીના તટે ખુબ જ ઊંચા તાડ જેવા સ્વરૂપે થયું હતું. આચાર્યજીએ વિનંતી કરી કે કળીયુગના પામર જીવો આપના આ વિરાટ સ્વરૂપની સેવા નહીં કરી શકે, આપ નાનું સ્વરૂપ ધારણ કરો. તેથી ૨૦ ઇંચનું લઘુ સ્વરૂપ ધારણ કરી શ્રી મહાપ્રભુજીની ગોદમાં બિરાજ્યા. તે સ્વરૂપ પદ્મનાભદાસજીની વિનંતીથી તેમની ઉપર પધરાવી આપ્યું. તેમણે આજીવન સેવા કરી છેવટે શ્રી ગુસાંઈજીના ગૃહે પધરાવ્યું. ભક્તોના હૃદયના અધિશ  એવા આ સ્વરૂપની સેવા શ્રી ગુસાંઈજીના પ્રથમ લાલજી શ્રી ગિરિધરજીને સોંપાઈ હતી.

 

દ્વિતીય નિધિ શ્રી વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ કોઈ વિરક્ત શ્રી આચાર્યજીને ત્યાં આપના દ્વિતીય લાલ શ્રી વિઠ્ઠલનાથજીના પ્રાગટ્ય દિને જ પધરાવી ગયા હતા. વિઠ્ઠલનો અર્થ થાય છે  અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઇ જનારા. આ મનોહારી સ્વરૂપ ત્રણ ઇંચનું  છે.  કટીથી નીચે ગૌર અને ઉપર શ્યામ સ્વરૂપ છે. બે ભુજાઓ કટી ઉપર છે, અન્ય બે ભૂજાઓમાં સછીદ્ર શંખ અને કમળ ધારણ કર્યા છે. નૂપુર માત્ર એક ચરણમાં ધારણ કર્યું છે. સાથે જ યમુનાજીના સ્વરૂપના શ્યામ સ્વામિનીજી બિરાજે છે.

 

શ્રીદ્વારકેશ તદ્ ભાવમેં, શ્રી ગોકુલેશ વ્રજ ભૂપ |
અદભુત ગોકુલચંદ્રમા, મન્મથમોહન રૂપ ||૮૪||

 

તૃતીય નિધિ શ્રી દ્વારકાધીશ પ્રભુનું મનોહારી શ્યામ સ્વરૂપ ૨૦ ઇંચનું  છે. જમણી બાજુ ઉપલા શ્રી હસ્તમાં ગદા અને નીચલા હસ્તમાં પદ્મ છે. ડાબી બાજુએ ઉપર ચક્ર અને નીચે શંખ બિરાજે છે. ચોરસ પીઠીકાની બંને બાજુએ બબ્બે વ્રજભક્તો છે. આ સ્વરૂપનું પ્રાગટ્ય સૃષ્ટિના પ્રારંભે બ્રહ્માજીની વિનંતીથી થયું હતું. આ સ્વરૂપની સેવા કર્દમ ઋષિ, તેમના પત્ની દેવહુતિ, ભગવાન કપિલદેવજી દ્વારા પણ થઇ હતી. તે પછી લાંબા સમય સુધી બિંદુ સરોવરના જળમાં બિરાજ્યું જ્યાંથી દેવ શર્મા નામના એક વિપ્રે બહાર કાઢી સેવા કરી. પછીથી તે સ્વરૂપની  રાજા અંબરીશે, ત્યાર બાદ વસિષ્ઠ ઋષિ અને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના માતાશ્રી કૌશલ્યાએ સેવા કરી. કલિ યુગમાં પુષ્ટિમાર્ગમાં દામોદરદાસ સંભરવાલાએ સેવા કરી. તેમના બાદ શ્રી મહાપ્રભુજી પાસે પધાર્યું. આ સ્વરૂપ ગુસાંઈજીના ત્રીજા લાલજી શ્રી બાલકૃષ્ણલાલજીના ગૃહે પધાર્યું.

 

ઇન્દ્ર માનભંગ લીલા પછી ઇન્દ્રની વિનંતીથી સ્વર્ગમાં પધારી સેવા અંગીકાર કરી તે સ્વરૂપ ચતુર્થ નિધિ ગાયોના અને ઇન્દ્રિયોના કુળના (સમૂહના) નાથ શ્રી ગોકુળનાથજીનું છે. તે શ્રી આચાર્યજીના શ્વસુર પક્ષના વડવાઓને શ્રી રામચન્દ્રજીએ યજ્ઞની દક્ષિણા સ્વરૂપે આપ્યું હતું. ત્રણેક ઈંચની ઉંચાઈનું આ ગૌર ચતુર્ભુજ સ્વરૂપ કમળ પર ઠાડું છે. બે ભુજાથી વેણુ વાદન કરે છે, ઉપરના જમણા હાથે ગિરિવર ધારણ કર્યો છે, ડાબા નીચેના હાથમાં શંખ છે. બંને બાજુ એક એક શ્રી સ્વામિનીજી બિરાજે છે. આ સ્વરૂપ ચતુર્થ લાલજી શ્રી ગોકુલનાથજીના ગૃહે પધાર્યું.

 

પંચમ નિધિ શ્રી ગોકુલચંદ્રમાજીનું સ્વરૂપ અદ્ભુત છે. મહાવનના ક્ષત્રાણી વૈષ્ણવને શ્રી યમુનાજીમાંથી ચાર સ્વરૂપો પ્રાપ્ત થયા તેમાંથી આ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીએ નારાયણદાસ બ્રહ્મચારીને પધરાવી આપ્યું હતું. એકાદ ફૂટની ઉંચાઈના આ લલિત ત્રિભંગી ઠાડા સ્વરૂપની બે ભુજામાં વેણુંજી ધારણ કરેલાં છે.  મધુર વેણુનાદથી આપ કામદેવને પણ મોહ પમાડે છે.

 

ઝુલત પલના મોદ મેં, શ્રીબાલકૃષ્ણ રસ રાસ |
તારે શકટ રસ બસ કિયે, વ્રજ યુવતિન કરી હાસ ||૮૫||

 

ષષ્ઠ નિધિ સ્વરૂપ ગૌર વર્ણના શ્રી બાલકૃષ્ણજીનું સ્વરૂપ અત્યંત નાનું છે. જમણા શ્રી હસ્તમાં માખણનો ગોળો છે, ડાબો શ્રી હસ્ત જમીન પર ટેકવેલો છે, જમણો ચરણ ઘુંટણમાંથી ઉંચો છે અને ડાબો ચરણ પાછળ વાળેલો છે. અંજનયુક્ત નેત્ર સોહામણા છે. પ્રભુની ત્રણ માસની વયનું આ બાળ સ્વરૂપ છે. શ્રી નવનીતપ્રિયજીના સ્વરૂપ જેવું જ આ સ્વરૂપ લાગે છે.

 

પ્રભુએ પોતાના કોમળ ચરણોના પ્રહારથી શકટ એટલે કે ગાડું ઊંધું પાડી શકટાસુરનો ઉધ્ધાર કર્યો હતો તે લીલાનું આ સ્વરૂપ છે. શ્રી હરિરાયજી કહે છે કે આ સુંદર સ્વરૂપ પલનામાં અત્યંત આનંદપૂર્વક ઝૂલે છે. રસનીધી આ સ્વરૂપને ‘રસ રાસ’ એટલે કે ‘રસનો પુંજ/ઢગ’ કહયું છે.

 

શ્રી મહાપ્રભુજી એક વખત નિત્ય ક્રમ મુજબ યમુના સ્નાન માટે ગયા હતા ત્યારે આપના યજ્ઞોપવીતને પોતાના હાથમાં પકડીને આ સ્વયંસિદ્ધ સ્વરૂપ પ્રગટ થયેલું છે. આ સ્વરૂપ પ્રથમથી શ્રી વલ્લભ કુળમાં જ બિરાજ્યું છે. શ્રી ગુસાંઈજી નાના હતા ત્યારે આચાર્યજીએ સેવા કરવા માટે તેમને આ સ્વરૂપ આપ્યું હતું. તે સ્વરૂપ સાથે વાતો કરતા, રમતો રમતા એ તો ઠીક બાલ સહજ હુંસા તુંસી પણ કરતા હતા. આ સ્વરૂપની સેવા શ્રી ગુસાંઈજીએ પોતાના છઠ્ઠા લાલ શ્રી યદુનાથજીને સોંપી હતી.

 

આ સ્વરૂપ અત્યંત મોહક છે, મનોહારી છે. સંમોહક મંદ હાસ્યથી  વ્રજ યુવતીઓને વિવશ કરી દે  છે. આપના મનમોહક હાસ્યથી વ્રજાંગનાઓ રસ તરબોળ થઇ જાય છે અથવા કહો કે આપના રસથી પ્રભુને વશ (બસ) થઇ જાય છે. શા માટે ન થાય? આપનું હાસ્ય તો ત્રિભુવન મોહક છે. બ્રહ્મા અને સદાશિવ જેવાને અને અન્ય દેવી દેવતાઓને પણ મોહમાં નાખી દે છે.  જ્યારે આ વ્રજની ગ્વાલીનો તો બિચારી કોમલ કાળજાની અબળાઓ, તેઓ તો રસ-પાશના મનગમતા બંધનમાં  બંધાવાની જ !

 

આ સૌ દિવ્ય નિધિ સ્વરૂપોને સ્મરી, માનસીમાં દંડવત કરી  આપણે આજના આ  સ્વલ્પ સત્સંગનું સમાપન કરીએ.

 

 

(ક્રમશ:) 

 

© Mahesh Shah 2013

 

 
mahesh shah.1

મહેશ શાહ
જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો,
વડોદરા

મો.૯૪૨૬૩૪૬૩૬૪/૨૩૩૦૦૮૩

 

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

શ્રી હરિરાયજી કૃત …શ્રી વલ્લભ સાખી … [૧૬] …

શ્રી હરિરાયજી કૃત …શ્રી વલ્લભ સાખી  …(૭૬-૮૦) …

-મહેશ શાહ, વડોદરા

 

 [ભાગ -૧૬]

 

 

yamunaji darshan

 

 

 

શ્રી યમુનાજી સોં નેહ કરી, યહી નેમ તૂ લેહ |

શ્રી વલ્લભ કે દાસ બિનુ, ઔરન સોં તજી સ્નેહ || ૭૬||

 

 
             શ્રી હરિરાયજી વ્રજ મંડળના ગુણગાન કરી રહ્યા છે. તેમાં આગળ શ્રી યમુનાજીનું પુનિત સ્મરણ કરે છે. યમુનાષ્ટકમાં શ્રી આચાર્યજીએ શ્રી યમુનાજીના દિવ્ય સૌન્દર્ય અને માહાત્મ્યનું દર્શન કરાવ્યું છે.  તેમાં જ સ્વયં શ્રી વલ્લભે ભારપૂર્વક કહયું છે કે ભક્તોદ્ધારક અને  કૃપા સાગર યમુના મૈયાની કૃપા થાય તો સર્વ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય, જીવના સર્વ દોષનો નાશ થઇ જાય, યમ યાતનામાંથી મુક્તિ મળે, પ્રભુમાં પ્રીતિ ઉપજે, દિવ્ય દેહ (તનુનવત્વ) મળે અને તેના થકી પ્રભુનો સાક્ષાત્કાર થાય તદઉપરાંત   સ્વભાવ ઉપર વિજય પણ પ્રાપ્ત થાય. આ બધું મળે તેથી આપોઆપ જ સ્વયં પ્રભુની પ્રસન્નતા મળે છે. શ્રી હરિરાયજી કહે છે કે આવા અષ્ટ સિદ્ધિ અને નવ નિધિના દાતા યમુનાજી સાથે નેહ કરીને તમે તેમની આડીથી એક નિયમ લો. શ્રી યમુનાજીને સાક્ષી રાખીને, તેમને યાદ કરીને આ ‘પણ’ લેવાનું આપશ્રી  કહે છે. આમ કરવાથી આપણા મનની દ્રઢતા વધે છે, આપણી પ્રતિજ્ઞા પવિત્ર બને છે અને પ્રતિજ્ઞા પાલનની દિવ્ય શક્તિ મળે છે.

 
શ્રી હરિરાયચરણ એક સુંદર નિયમ લેવાની આપણને આજ્ઞા કરે છે.  આપ કહે છે કે શ્રી વલ્લભના દાસ સિવાય બીજે બધેથી સ્નેહ અને લાગણીના બંધનો તોડી નાખો. એક માત્ર શ્રી વલ્લભના દાસ સાથે સ્નેહ કરો, તેમનો જ સત્સંગ કરો, તેમને જ પ્રસન્ન કરો. આપણા માર્ગમાં શ્રી હરિ, ગુરૂ, વૈષ્ણવને એક સમાન ગણ્યા છે. ભગવદીય પ્રસન્ન થાય તો પ્રભુ પણ કૃપા કરે છે. તેથી જ પ્રભુને પ્રાપ્ત કરવા હોય તો કાચબો જેમ તેના અંગો સંકોરી લે છે તેમ જગતના સર્વ સ્થાનોમાંના કે લોકોમાંના સ્નેહને સંકોરી લઇ વૈષ્ણવોમાં કેન્દ્રિત કરવો જોઈએ. ભગવદીયોના સત્સંગથી આપણા મનની મતિ અને ગતિ પ્રભુ પ્રત્યે થાય છે. તેમની કૃપાથી પ્રભુનો સાક્ષાત્કાર થાય  છે.
 

 

મન પંછી તન પાંખ કર, ઉડ જાવો વહ દેશ |

શ્રી ગોકુલ ગામ સુહાવનો, જહાં ગોકુલચંદ્ર નરેશ ||૭૭||

 

 
              મનને પક્ષી અને શરીરને પાંખની ઉપમા આપતાં આપ કહે છે કે મનથી જ નહીં સદેહે વ્રજ દેશમાં પહોંચી જાઓ કારણ કે ત્યાં એક અત્યંત સુંદર શોભાયમાન ગામ શ્રી ગોકુળ આવેલું છે.

 
યમુનાજીના પવિત્ર તટે આવેલું ગોકુળ શ્રી ઠાકોરજીની પ્રિય લીલાસ્થલી છે. પ્રભુએ ત્યાં અનેક લીલાઓ કરી છે. વ્રજ ભક્તોને અનેક દાન આપ્યાં છે. પૂતનાથી શરૂ કરી અનેક અસુરોનો વધ કર્યો છે. ચીર હરણ લીલા પણ અહીં જ થઇ હતી. ગોપીજનોએ કાત્યાયની વ્રત પણ ગોકુલની પાવન ભૂમિ ઉપર કર્યું હતું. પ્રભુએ વિષધર કાલીય નાગને નાથી યમુનાના નીરને નિર્મળ પણ અહીં જ કર્યાં હતા. આ ભૂમિના કણ કણમાં કૃષ્ણ વસે છે, વૃક્ષે વૃક્ષે વેણુધર વિલસે છે.

 
પુષ્ટિ માર્ગિય વૈષ્ણવો માટે તો ગોકુલનું અદકેરૂં મહત્વ છે. આ પવિત્ર ભૂમિ ઉપર જ યમુનાજીના કિનારે પ્રભુએ સાક્ષાત પ્રકટ થઇ દૈવી જીવોના ઉદ્ધારની શ્રી મહાપ્રભુજીની ચિંતા દુર કરી હતી. અહીં જ પ્રભુએ શ્રાવણ માસની અગ્યારસે બ્રહ્મ સંબંધ મંત્રનું દાન કરીને વચન આપ્યું હતું કે આપના થકી આ મંત્ર દ્વારા સમર્પણ કરનાર જીવના બધા દોષ નિવૃત્ત થશે અને તેને હું ક્યારે ય છોડીશ નહીં. અહીં જ શ્રી દામોરદાસ હરસાની પ્રથમ વૈષ્ણવ બન્યા હતા. આમ ગોકુલ પુષ્ટિ માર્ગનું જન્મ સ્થાન છે. સમ્પ્રદાયનું પરમ પવિત્ર સર્વોચ્ચ તીર્થસ્થાન છે.

 
ગોકુલ તો સુંદર છે જ પણ ત્યાં જવાનું  તેથી પણ અગત્યનું કારણ શ્રી હરિરાયજી આપે છે. તેઓ કહે છે કે ત્યાં નંદનંદન શ્રી ગોકુલેશ રાજ કરે છે, અહર્નિશ નિત્ય લીલા કરે છે. ત્યાં જવાથી પ્રભુના સાનિધ્યનો લાભ મળી શકશે. પ્રભુના ચરણ કમળોથી ઉડતી ધૂલી તમારા તન મનને પાવન કરશે. પ્રભુ કૃપા કરે તો લીલાનો સ્વાનુભવ થશે. તેથી વિશેષ જોઈએ પણ શું?

મનિન ખચિત દોઉ કૂલ હૈ, સીઢી સુભગ નગ હીર |

શ્રીયમુનાજી હરિ ભામતી, ધરે સુભગ વપુ નીર ||૭૮||

 

 
વ્રજભુમિની શોભાનું વર્ણન સકલ સિદ્ધિના દાતા એવા જગત જનની શ્રી યમુનાજીની વાત વગર અધુરું જ ગણાય. શ્રી યમુનાજીની અલૌકિક અને અવર્ણનીય શોભાની વાત કરતાં શ્રી હરિરાયજી કહે છે કે બન્ને કિનારા સુંદર મણિઓથી જડેલા છે. શ્રી નંદદાસજીએ  તેમના પદમાં ગાયું છે તેમ શ્રીયમુનાજી ભક્તો ઉપર કૃપા  કરવા માટે પોતાનું નિજ ધામ છોડીને ભૂતલ ઉપર પધાર્યા છે. આપના પ્રિય ભક્તોને ગોલોક જેવા દિવ્ય સ્વરૂપનું દર્શન  અહીં પણ થાય છે. હરિરાયજીને યમુનાજીની કૃપાથી દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઇ છે એટલે જ મણિ જડિત કિનારાના દર્શન થાય છે અને તેથી આપ વર્ણન કરે છે કે શ્રીયમુનાજીના કિનારા મણિઓથી  જડિત છે વળી આપના ઘાટના  પગથિયાં સુભગ એટલે કે સોહામણા હીરાઓથી શોભે છે. આપણા ચર્મ ચક્ષુઓના નસીબમાં એ દિવ્ય દર્શનનો આલ્હાદ નથી.  આપણે તો આ શબ્દોના સહારે જ એ અવર્ણનીય શોભાની કલ્પના કરવાની. ભાવના કરીએ કે આપણને પણ ક્યારેક તેવા દિવ્ય દર્શન થશે.

 
શ્રી મહાપ્રભુજીએ શ્રી યમુનાષ્ટકમાં યમુનાજીના તરંગોને આપની ભુજાઓની ઉપમા આપી છે એટલું જ નહીં વાલુકા (રેતી)ના કણોને મોતી સમાન ગણાવ્યા છે. ટૂંકમાં યમુનાજી અલૌકિક હીરા, મોતી અને મણિઓથી સુશોભિત છે. શા માટે ન હોય? આપ તો  હરિના  મનભાવન ચતુર્થ પ્રિયા છે. પ્રભુને અત્યંત વહાલાં છે. સુર-અસુર આપને પૂજે છે, શિવ અને બ્રહ્મા  સહીત સૌ દેવો આપની સ્તુતિ કરે છે. આવા શ્રી યમુનાજીનું જલ સ્વરૂપ આપનું આધિભૌક્તિક સ્વરૂપ છે જે  પણ અત્યત શોભામણું છે. તેના પય પાનથી પણ અઘ એટલે કે પાપ દુર થાય છે અને યમ યાતનાથી મુક્તિ મળે છે. ફળની આશાએ સેવતા ભક્તોને આ સ્વરૂપ પ્રિય લાગે છે.  પુષ્ટિ ભક્તોને તો મુકુન્દ પ્રભુમાં પ્રીતિ વધારનારૂં આધિદૈવિક સ્વરૂપ જ વધુ પ્યારૂં લાગે છે.

 

 

ઉભય કૂલ નિજ ખંભ હી, તરંગ જુ સીઢી માન |

શ્રી યમુના જગત વૈકુંઠ કી, પ્રકટ નીસેની જાન ||૭૯||

 

 
                મણિથી  મઢેલા  કાંઠાઓ અને હીરા જડિત ઘાટની ઉપમા આપી પછી શ્રી હરિરાયજી શ્રી યમુનાજીને ભૂતલ ઉપર વૈકુંઠની પ્રત્યક્ષ નિસરણી સમાન ગણાવતા કહે છે કે આપના બે કાંઠા આ દિવ્ય નિસરણીના બે સ્તંભ છે અને આપના પ્રવાહમાં ઉઠતા તરંગો તે સીડીના પગથીયાં છે. જેના સહારે વૈકુંઠની પ્રાપ્તિ થઇ શકે છે. આ જ વાત શ્રી છીતસ્વામી એમના એક પદમાં ગાય છે, “દોઉં કૂલ ખંભ, તરંગ સીઢી; શ્રી યમુના જગત બૈકુંઠ  નિશ્રેની”

 
શ્રી યમુનાજીનું આ વૈકુંઠની નિસરણીનું સ્વરૂપ જગતના લોકોને વિશેષ લોભાવે છે. શ્રી યમુનાજીનું આધ્યાત્મિક સ્વરૂપ મુક્તિ દાયક છે. યમરાજાના  બહેન શ્રી યમુનાજીના ભક્તોને યમ યાતના સહન કરવાની રહેતી નથી. આપ મુક્તિ દાતા મુકુન્દ પ્રભુની પ્રીતિ પ્રાપ્ત કરાવે છે. મર્યાદા ભક્તોને શ્રી યમુનાજીની કૃપાથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. મર્યાદા ભક્ત હંમેશા પાપ-પુણ્યના વિચારમાં રહે છે. તેની ચિંતા પોતાની ‘ગતિ’ વિષે હોય છે. તે સદા પ્રયત્નશીલ હોય છે કે પાપ કપાય અને પુણ્ય વધે. તેને માટે અનેક ઉપાયો પણ કરતો હોય છે તેથી   શ્રી યમુના સ્નાન અને પાનથી અઘ દુર ભાગે છે તે વાત તેને મનભાવન બની રહે છે. તેને તો સ્વર્ગમાં જઈ પુણ્યના વળતર રૂપે  વિવિધ સુખો ભોગવવા છે અથવા  મુક્તિ પ્રાપ્ત કરી પ્રભુ જેવું સ્વરૂપ પ્રાપ્ત કરવું છે કે પછી પ્રભુના શ્રી અંગમાં સમાઈ જવું છે.

 
સાયુજ્ય હોય કે સ્વારૂપ્ય પુષ્ટિ ભક્તોને મુક્તિની લગાર પણ પરવા નથી. તેઓ તો ‘વ્રજ વહાલું રે, વૈકુંઠ નહીં આવું’ના મતવાલા છે. આપણી મહેચ્છા તો તનુનવત્વ પ્રાપ્ત કરી પ્રભુની સેવા કરવાની રહે છે. લીલામાં સ્થાન પ્રાપ્ત થાય, ત્યાં પ્રભુની સુખાકારી માટે, પ્રભુની પ્રસન્નતા માટે  યત્કીન્ચિત પણ મનભરીને સેવા કરી શકીએ તેથી ન્યૂન કોઈ મનોરથ મનભાવન નથી.

 

 

રતન ખચિત કંચન મહા, શ્રી વૃન્દાવનકી ભૂમિ |

કલ્પવૃક્ષ સે દ્રુમ રહે, ફળ ફૂલન કરિ ઝૂમી ||૮૦|| 

 

 
વ્રજ ભૂમિના એક એક અંગની શોભા વખાણતા હવે શ્રી હરિરાયજી વૃન્દાવનના મહિમાનું ગાન કરે છે. ગોકુળમાં એક પછી એક ઉપદ્રવ થતા ગયા તેથી પ્રભુની પ્રેરણાથી જ ગોકુળવાસીઓએ વૃન્દાવન સ્થળાંતર કર્યું હતું. પોતાના લાડલા કાનુડાને આપત્તિઓથી બચાવવા વ્રજવાસીઓએ ગોકુળ ત્યાગી આખેઆખું નવું ગામ વૃંદાવન વસાવ્યું. પ્રભુ માટે ગમે તે કરવાની, ગમે તે હદ સુધી જવાની આ પુષ્ટિ પરંપરા છે. આ કાર્ય માત્ર પ્રભુની ઈચ્છાથી જ બન્યું હોય તે આપણે સમજી શકીએ છીએ. આમ આ પ્રભુની ઈચ્છાથી વસેલું સ્થાન છે એટલે આપને પ્રિય પણ હોવાનું જ. વળી અહીં પ્રભુને પ્રિય એવા તુલસીનું વન છે.

 
આ વૃંદાવનની ભૂમિ સુવર્ણમય છે, સોને મઢેલી છે.  તેમાં વિવિધ રત્નો જડેલા છે. આ અમુલ્ય દૈવી આભાવાળા દિવ્ય રત્નો પવિત્ર વૃંદાવનની કંચનવર્ણી ધરતીની શોભા અનેક ગણી વધારી રહ્યા છે. સમગ્ર દ્રશ્ય ઇન્દ્રાપુરી જેવું દેખાય છે. પ્રભુની લીલાઓની સાનુકુળતા માટે પૃથ્વી ઉપર ઉતરી આવેલ પવિત્ર ગોલોક સમાન સમગ્ર વ્રજભૂમિ ભવ્ય, પવિત્ર અને પાવક છે તેમાં પણ  વૃંદાવનનું સ્થાન વિશિષ્ટ છે કારણ કે તેની શોભા અનુપમ, અનેરી અને અનુઠી છે. તે પ્રભુની પ્રિય રમણસ્થલી છે.

 
આ હિરણ્યમય ભૂમિ ઉપરના વૃક્ષો પણ સામાન્ય ન જ હોય. અહીંનું દરેક વૃક્ષ કલ્પવૃક્ષથી પણ અધિક છે.  આપણે જાણીએ છીએ કે દૈવી કલ્પવૃક્ષ મનોવાંચ્છીત પદાર્થો ઉપલબ્ધ કરાવે છે. તે તો ભૌતિક મનોરથો પૂર્ણ કરે છે જ્યારે આ વૃક્ષોના પાંદડે પાંદડે વેણુધારી શ્રી કૃષ્ણ બિરાજતા હોઈ અલૌકિક મનોકામનાઓ પણ પૂર્ણ કરી શકવાને સમર્થ છે. વ્રજના વૃક્ષો તો તપ કરતા મુનિવરો છે કલ્પવૃક્ષની તેની પાસે શી વિસાત?

 
આ વૃક્ષોને પ્રભુની લીલાના દર્શન થતા રહે છે, તે સૌભાગ્યના આનંદથી તરબત્તર થઇ  સુંદર ફૂલ અને ફળોથી ઝૂમી રહ્યા છે.

 
આ કલ્પવૃક્ષોના માધ્યમે ઠાકોરજી આપણા દિવ્ય મનોરથો સિદ્ધ કરે તેવી  આશા સાથે  જ આપણે આ સ્વલ્પ સત્સંગનું સમાપન કરીએ.

  


 
(ક્રમશ:) 

 

© Mahesh Shah 2013

 

 
mahesh shah.1

મહેશ શાહ
જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો,
વડોદરા

મો.૯૪૨૬૩૪૬૩૬૪/૨૩૩૦૦૮૩

 

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત શ્રી વલ્લભ સાખી … (ભાગ-૧૫) ….

મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત …  શ્રી વલ્લભ સાખી … (૭૧-૭૫) …
-મહેશ શાહ, વડોદરા …

 

[ભાગ -૧૫]

 

 
<strongshri vallabh
 

 

શ્રી વૃંદાવન કે દરસ તેં, ભયે જીવ અનુકૂલ |

ભવસાગર અથાહ જલ, ઉત્તરન કો યહ તૂલ |૭૧||

 

 
ગોકુળ-વૃંદાવનના, કહો કે શ્રી વ્રજ મંડળના મહિમા મંડનના પ્રારંભે  શ્રી હરિરાયજી વૃંદાવન વિષે કહે છે કે આ ધામના દર્શન માત્રથી જીવને અનેક અનુકૂળતાઓ થઇ જાય છે અથવા કહો કે જીવ પોતે અનુકૂલન સાધી શકે છે.

 
અનુકૂળતા કે અનુકૂલનની વાત કરીએ તો પ્રભુ પ્રાપ્તિ માટે અનેક અનુકૂલતાઓ જરૂરી છે. જેમાં કાલ, દેશ, દ્રવ્ય, તીર્થ, મંત્ર જેવા સાધનોની અનુકૂળતા પણ આવી જાય. આચાર્યશ્રીએ શ્રી કૃષ્ણાશ્રય ગ્રંથમાં આજ્ઞા કરી છે તે મુજબ અત્યારે આ બધા દુષિત છે, નિરર્થક છે. તેથી તેઓ પ્રભુ પ્રાપ્તિમાં અનુકૂલન કરાવવા સમર્થ નથી. અહીં જ પ્રભુને પ્રિય એવા વૃંદાવનની સહાય મળે છે કારણ કે આ ભૂમિ વ્રજ ચોરાસી કોષની ભૂમિ છે. જે પૃથ્વી ઉપર બિરાજતું ગોલોક છે. આ ભૂમિ પ્રભુની રમણ સ્થળી છે.
 

 
shriji vallabh
 

 
વૃંદાવન, નામ પ્રમાણે પ્રભુને પ્રિય એવા તુલસીનું વન છે. આપણા સંપ્રદાયમાં પ્રભુને કોઇ પણ સામગ્રી સમર્પિત કરતા પહેલાં તેને તુલસી પત્રથી પવિત્ર કરવાની પ્રણાલી છે. તેવી જ રીતે જીવ પોતે પણ પ્રભુ પ્રાપ્તિ પહેલાં વૃંદાવનના દર્શન કરે તો સમર્પણ માટે અનેક અનુકૂળતાઓ ઉભી થઇ જાય છે.

 
પ્રભુ જ્યારે જીવ ઉપર કૃપા કરવાનું મન કરે છે ત્યારે તેને  વૃંદાવનના દર્શન થાય છે અને તે દર્શનથી જીવનું અને સંજોગોનું સર્વ અનુકૂલન આપોઆપ થઇ જાય છે. પ્રભુની પ્રાપ્તિનો માર્ગ પ્રશસ્ત થાય છે.

 
આ ભવસાગરમાં પાર ન પામી શકાય, પાર ન ઉતારી શકાય તેવું અથાગ જળ છે. તેની પાર ઉતરવા માટે પ્રભુકૃપા અત્યંત આવશ્યક છે. આચાર્યશ્રીની તો આજ્ઞા છે  જ છે કે અશક્ય કે સુશક્ય દરેક પરિસ્થિતિમાં  શ્રી હરિનું શરણ એ જ ઉત્તમ ઉપાય છે.  વૃંદાવનના દર્શનથી થતી અનુકૂળતાને કારણે જીવ કૃષ્ણાશ્રય પામીને ભવસાગરની કઠીન સફર આસાન બનાવી શકે છે.

 

   શ્રીવૃંદાવન બાનિક બન્યો, કુંજ કુંજ અલિ કેલિ |

અરુઝિ શ્યામ તમાલ સોં, માનોં કંચન વેલિ ||૭૨||

 

 
વૃંદાવનના આધ્યાત્મિક મહત્વનું વર્ણન કર્યા પછી આ સાખીમાં શ્રી હરિરાયજી તે દિવ્ય ભૂમિની ભૌતિક શોભા વર્ણવે છે. અનેક કુંજથી વૃંદાવન શોભે છે. આ દરેક કુંજમાં આવેલા ફળ ફૂલોથી આચ્છાદિત અનેક વૃક્ષો અને વેલીઓ છે. આ પુષ્પોનો પરાગ પામવાના લોભે ભમરાઓ આનંદથી મસ્ત બની ગુંજારવ કરે છે. ગોપીગીતના માધ્યમે આપણે મધુકર અને સ્વયં શ્રી ઠાકોરજીના વર્ણની સામ્યતાથી પરિચિત તો છીએ જ. મધુકર પણ રસનો ભોક્તા છે પ્રભુ પણ અલૌકિક શુદ્ધ રસના પ્રેમી છે. અહીં કદાચ શ્રી હરિરાયજીએ ભમરાના મિષે  કુંજ કુંજમાં પ્રભુએ કરેલી કેલીની અપરોક્ષ વાત કરી હોય તે પણ શક્ય છે.  વૃંદાવનની દરેક કુંજમાં પ્રભુની લીલાની ગુંજ છે. અહીં પ્રભુ સખાઓ સાથે રમ્યા છે, ગોપીઓ સાથે રાસ પણ કર્યો છે. અહીં નંદનંદને અનેક લીલાઓ કરી છે. વૃંદાવનની આ દરેક કુંજ શ્રી ઠાકોરજીની આવી પાવક, પુનિત પ્રવૃત્તિઓથી ધન્ય બની છે.

 
આ વનમાં અને આ કુંજમાં આવેલા તમાલ વૃક્ષો પણ શ્યામ રંગના જ છે જેનાથી વૃંદાવન શોભે છે. આ વૃક્ષો શ્રી ઠાકોરજીને પણ પ્રિય છે. તેની ઉપર વીંટળાઈને સુંદર વેલીઓ પ્રભુની લીલાઓના દર્શન કાજે ઉપર ને ઉપર ચડી રહી છે.  ભક્ત જ્યારે આ દર્શન કરે ત્યારે તેના મનોચક્ષુ સામે દિવ્ય દ્રશ્યો ખડા થાય  છે. તેને શબ્દ દેહ આપતાં શ્રી હરિરાયજી કહે છે કે આ વેલીઓ શુદ્ધ સોનાની છે. આમ તો સમગ્ર વ્રજ મંડળ સુવર્ણ અને રત્ન જડિત છે પણ તે સ્વરૂપે  માત્ર દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરનારા બડભાગી વિરલાઓને  જ દેખાય છે. વ્રજના સાચા સ્વરૂપને ઓળખીને જ રસખાનજીએ માનવ દેહે કે વનસ્પતિ રૂપે પણ  તેમાં જન્મ લેવાની મહેચ્છા વ્યક્ત કરી હતી. એટલે જ ભક્તો ગાય છે કે ‘વ્રજ વહાલું રે વૈકુંઠ નહીં આવું.’

 

શ્રી વૃન્દાવન કે વૃક્ષ કો, મરમ ન જાને કોય |

એક પાત કે સુમરિકે, આપ ચતુર્ભુજ હોય ||૭૩||

 

 
વ્રજ અને શ્રી વૃંદાવન ધામનું યશોગાન આગળ વધારતા શ્રી હરિરાયજી મહાપ્રભુ કહે છે કે આ ભૂમિનો તો શું અહીંના વૃક્ષોનો પ્રતાપ પણ અનેરો છે. શ્રીમદ્ ભાગવતજીમાં કહયું છે કે વ્રજના વૃક્ષો તેની લતાઓ અને અન્ય જડ તેમજ ચેતન પદાર્થો અને પ્રાણીઓ સર્વ દિવ્ય છે. કોઈ શાપિત દેવ કે ગંધર્વ છે, કોઈ અધુરૂં તપ પૂર્ણ કરવા આવેલા ઋષિ મુનીઓ છે તો કોઈ તપના ફળ સ્વરૂપે વ્રજમાં પધાર્યા છે, વેદની ઋચાઓ પણ કોઈને કોઈ રૂપે બિરાજે છે, રામાવતારમાં મર્યાદા પુરુષોત્તમ પ્રભુને પ્રાપ્ત ન કરી શકનાર આત્માઓ પણ કૃષ્ણાવતારમાં અધુરી એષણાઓની સંતૃપ્તિની આશાએ વ્રજમાં વસ્યા  છે.

 
નારદ મુનિના કહેવાથી તીર્થ રાજ પ્રયાગે ગોલોકમાં જઈ ફરિયાદ કરી કે બધા તીર્થો મને ભજે છે પણ વ્રજના તીર્થો મારી ઉપેક્ષા કરે છે ત્યારે પ્રભુએ તેમને જ્ઞાન આપ્યું હતું કે વ્રજ તો મારી પોતાની ભૂમિ ગોલોક ધામ સમકક્ષ છે, મારૂં પોતાનું ધામ છે તેથી તમારે તેની પૂજા કરવાની હોય.

 
અહીં શ્રી મહાપ્રભુજીના સેવક શ્રી પ્રભુદાસ જલોટા કે જેમણે દહીંના બદલે એક ગોવાલણને મુક્તિ લખી આપી હતી તેમનો પ્રસંગ યાદ કરવા જેવો છે. એક વાર આચાર્યશ્રીએ પ્રભુદાસજીને રાજભોગનો પ્રસાદ લેવા કહયું તો તેઓએ કહયું કે મારે તો હજી સ્નાનાદિ બાકી છે. ત્યારે શ્રી મહાપ્રભુજીએ સ્વમુખે પોતાના આ પરમ સેવકને કહયું કે  ‘વ્રજમાં વૃક્ષે વૃક્ષે વેણુધારી વસે છે અને પત્રે પત્રે ચતુર્ભુજ સ્વરૂપે સાક્ષાત શ્રી ઠાકોરજી બિરાજે છે. અહીં અહર્નિશ પુષ્ટિ લીલાના દર્શન થાય છે. આ દિવ્ય ભૂમિ છે. અહીં સામાન્ય આચારનું બંધન નથી. તમે સુખેથી પ્રસાદ ગ્રહણ કરો.’

 
આવી આ દિવ્ય ભૂમિનો કે તેનાં વૃક્ષોનો મર્મ એટલે કે ભેદ કે રહસ્ય કોઈ જાણી ન શકે તે નિશંક છે.

 

કોટિ પાપ છિનમેં ટરે, લેહી વૃંદાવન નામ |

તીન લોક પર ગાજિયે, સુખનિધિ ગોકુલ ગામ ||૭૪||

 

 
તુલસીના લૌકીકમાં પણ અનેક ગુણ ગવાય છે. કેન્સર જેવી અસાધ્ય બીમારીમાં પણ તેની અસરકારકતા વિષે સંશોધન થઇ રહ્યા છે. આવા વૃંદાના વનનો અલૌકિક પ્રભાવ ગાતા અહીં કહેવાયું છે કે તેના નામમાં એવી શક્તિ છે કે તેના નામ સ્મરણથી જ કરોડો પાપ ક્ષણ માત્રમાં ટળી જાય છે. આપણે ઉપર જોયું કે પ્રભુને પ્યારા વૃંદાવનનું કેવું અને કેટલું મહત્વ છે. તે ભૂમિ જ પવિત્ર છે, તે સ્થાન જ પાવક છે એટલું જ નહીં આ વિશિષ્ટ વૃંદાવનનું નામ પણ પાપને ટાળનારૂં છે, પાપ મોચક છે.

 
જીવ તો સ્વભાવથી જ દૃષ્ટ છે તેથી તેના કર્મો  થકી અનેક પાપ એકઠા થતા રહે છે. વળી ગત અનેક જન્મોના સંચિત કર્મો અને પાપની ગઠરી તો સાથે છે જ. આ જન્મ જન્માંતરના પાપનો બોજ પ્રભુ પ્રાપ્તિમાં બાધક બની શકે છે. જીવ પણ મનોમન એવું ઈચ્છતો રહે છે કે પ્રભુ સમક્ષ પાપ રહિત થઈને, નિર્મલ થઈને જવું. પ્રભુ તો ઉત્તમોત્તમના ભોગી છે, પાપથી મલિન જીવ તેમની પાસે કેવી રીતે જવાનું મન કરે? પાપ જનિત મલિનતાનો નાશ થઇ જાય તો  હળવા ફૂલ થઇ પ્રભુ સમક્ષ ઉપસ્થિત થવાની દરેક જીવની મહેચ્છા રહે છે. આમ વૃંદાવનનું નામ સ્મરણ જીવને નિર્મલતા આપી તેને પ્રભુને લાયક બનાવે છે.

 
વૃંદાવન તો વિશિષ્ટ છે જ ગોકુલ પણ ગરવું છે. આમ જુઓ તો ‘ગોલોક’ અને ‘ગોકુલ’માં અક્ષરો સમાન જ છે માત્ર નજીવો ક્રમ ફેર છે. પવિત્ર ગૌ માતાના સમુહોથી તેનું આવું નામ પ્રસિદ્ધ છે. આ ગોકુલ સુખનો ભંડાર છે. સર્વ સુખ અહીં નિહિત છે. કેમ ન હોય? ગોકુલ તો પ્રભુની બાળ લીલાનું ધામ છે!

 
આથી જ વરદાયી વૃંદાવનનું અને પ્રભુને પ્યારા ગોકુલનું નામ ત્રણે લોકમાં ગાજે છે.

 

નંદનંદન શિર રાજહીં, બરસાનોં વૃષભાન |

દોઉ મિલ ક્રીડા કરત હૈ,  ઇત ગોપી ઉત કાન્હ ||૭૫||

 

 
ગોકુલ વૃન્દાવનમાં નંદના દુલારા શ્રી કૃષ્ણચંદ્રનું રાજ છે તો બરસાનામાં વૃષભાન નંદીની શ્રી સ્વામિનીજી બિરાજમાન છે. બરસાનામાં આજે પણ રાધે રાધેનો નાદ ગુંજે છે. પૃથ્વી ઉપરના ગોલોક સ્વરૂપ વ્રજમાં પ્રિયા પ્રીતમના ધામ ભલે અલગ છે પણ આપ બંને તો એક છે. દો તન એક પ્રાણ. બંને સ્વરૂપ એક બીજાના પૂરક છે એકના અભાવે બીજું અધૂરૂં  છે, અપૂર્ણ છે.

 
આ યુગલ સ્વરૂપ ગોકુલ, વૃંદાવન, બરસાના સહીત સમગ્ર વ્રજમાં નિરંતર ક્રીડા કરે છે.આ નિત્ય લીલા આજે પણ થઇ રહી છે. બંને સ્વરૂપ મળીને અનેક અલૌકિક ક્રીડાઓ કરે છે. પરસ્પર અનેક ખેલ, અનેક લીલાઓ કરે છે. આ લીલાઓ અને અટખેલીઓમાં અનેક ગોપીજનો સાથ આપી યુગલ સ્વરૂપના આનંદમાં ઉમેરો  તો કરે જ છે પોતે પણ આ અલૌકિક આનંદ પામી ધન્ય બને છે. યુગ પ્રભાવે અને આપણી યોગ્યતાને અભાવે આપણા ચર્મ ચક્ષુઓને આ દિવ્ય દ્રશ્યો જોવા મળે નહીં તે સાવ જુદી જ વાત છે.

 
મહારાસના  વર્ણનમાં છે તેમ પ્રભુ એકમાંથી અનેક થઇ (એકોહં બહુસ્યામ્) દરેક ગોપીની સાથે સ્વતંત્ર ક્રીડા કરે છે. દરેકને લાગે છે કે શ્રી ઠાકોરજી માત્ર તેની સાથે જ ખેલે છે. એટલે જ્યાં જુઓ ત્યાં (ઈત-ઉત) કાન્હ ગોપીના દર્શન થઇ રહ્યા છે.  પ્રભુકૃપાએ શ્રી હરિરાયજીને આવા દિવ્ય દર્શન થાય છે તેથી તેઓ ગાય છે કે અહીં ગોપી છે તો ત્યાં કાન કુંવર છે.  સ્વામિ અને સ્વામીનીના સથવારાની આ દિવ્ય લીલા છે અને બડભાગીઓને જ તેના દર્શન થાય છે. એવા મહાનુભાવોને પ્રાપ્ત થયેલા અમૃત પાનમાંથી પ્રસાદી રૂપે કે જુઠણ રૂપે રંચક પણ એમની અનુભવ વાણીથી આપણને મળી જાય તો તે જ આપણો જમણવાર! આપણો છપ્પન ભોગ! તેનાથી જ આપણે ધન્યતાનો આનંદ ઉત્સવ મનાવવાનો રહે.

 
આવા દિવ્ય દ્રશ્યોની મંગલમય આશા સાથે  જ આપણે સ્વલ્પ સત્સંગનું સમાપન કરીએ.   

 

                                                                                                                                                                                                                

નોંધ: આ કોલમના લેખક શ્રી મહેશભાઈ શાહ (બરોડા) બીમાર થઇ ગયા હતા.  તેઓશ્રી ને   ૩ દિવસ ICU અને ત્રણ દિવસ હોસ્પીટલમાં રહેવું પડ્યું.  તેઓશ્રીના શબ્દોમાં કહીએ તો, હરિ ગુરૂ વૈષ્ણવની કૃપાના બળે પાછો આવ્યો છું. ત્યાર બાદ પણ નબળાઈ  વિ. કારણે લેખ મોકલવામાં મોડું થયું છે ; વિલંબ માટે તેઓશ્રી તરફથી ક્ષમાપ્રાર્થી છે.

 

‘દાદીમા ની પોટલી’ નાં પાઠક વર્ગ તેમજ બ્લોગ પરિવાર તરફથી અમો લેખક શ્રી મહેશભાઈ ને શુભકામના સાથે શુભેચ્છાઓ પાઠવીએ છીએ.   તેઓની તંદુરસ્તી જળવાઈ રહે અને તેઓશ્રી સ્વસ્થતા પૂર્વવત પ્રાપ્ત કરે તેવી શુભકામના સાથે પ્રમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના..

 
(ક્રમશ:) 

 

© Mahesh Shah 2013

 

 
mahesh shah.1

મહેશ શાહ
જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો,
વડોદરા

મો.૯૪૨૬૩૪૬૩૬૪/૨૩૩૦૦૮૩

 

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત … શ્રી વલ્લભ સાખી … (ભાગ-૧૪) …

મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત …  શ્રી વલ્લભ સાખી … (૬૬-૭૦) …
-મહેશ શાહ, વડોદરા …

 

[ભાગ -૧૪]

 

 krishna-radha

શ્રીવલ્લભ કુલ બાલક સબેં, સબ હી એક સ્વરૂપ |
છોટો બડો ના જાનિયેં, સબ હી અગ્નિ સ્વરૂપ ||૬૬|| 

 shriji poster.1

 

 

શ્રી વલ્લભ પોતે શ્રી ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ (સર્વોત્તમ સ્તો. શ્લોક ૭) દિવ્ય અવતારી સમર્થ પુરૂષ હતા. આપે આપનું પૂર્ણ (અશેષ) માહ્ત્મ્ય નિજ વંશમાં (શ્રી વલ્લભ કુળના સર્વ બાલકોમાં) સ્થાપિત(સ.સ્તો. શ્લો.૨૨) કર્યું છે. આથી એ સિદ્ધ થાય છે કે આ સર્વ બાલકો શ્રી વલ્લભના જ પ્રતિબિંબ રૂપ અને તેમની જેટલા જ પ્રતાપી છે. આ સર્વ બાલકોની કૃતિ અને આકૃતિ જુદી જુદી ભાસે છે પણ સૌ એક જ સ્વરૂપ (શ્રી વલ્લભ સ્વરૂપ) છે. કોઈ એક બીજાથી જુદા નથી અને નરસી મહેતાએ કહયું છે કે ‘નામ રૂપ જૂજવાં અંતે તો હેમનું હેમ હોયે’ તેમ સૌ શ્રી વલ્લભ સમાન છે. શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે વૈષ્ણવે તેઓમાં નાન-મોટાઈના ભેદ રાખવા ન જોઈએ. આ બધા સ્વરૂપ શ્રી વલ્લભના જ ગુણો ધરાવે છે એટલે સ.સ્તો.ના ૧૧મા શ્લોકમાં દર્શાવ્યું છે તેમ આસુરી જીવોને મોહ પમાડવા પ્રાકૃત માણસો જેવું વર્તન કરતા હોય છે પણ શ્રી વલ્લભ અલૌકિક અગ્નિ સ્વરૂપ, વૈશ્વાનર છે (સ. સ્તો.શ્લો.૧૨) તેથી આપના સૌ વંશજો પણ અલૌકિક અગ્નિ સ્વરૂપ છે. તેમનામાં કોઈ ભેદ ન કરીએ.

 
આ મહત્વની વાત છે. આ સત્ય સમજી લઈને આપણે સૌ ગૌસ્વામી બાલકોમાં શ્રી વલ્લભના દર્શન કરવા જોઈએ. કોઈને ઉમર, અભ્યાસ કે અન્ય કારણે કોઈને નાના કે મોટા ગણવાની ભૂલ ન કરવી જોઈએ. તેવી જ રીતે તેઓના ઘરની વાત બાબતે પણ વિવાદમાં ન પડીએ. સૌ શ્રી વલ્લભના મૂર્તિમંત સ્વરૂપ છે તો પછી પ્રથમ ઘર શું અને સપ્તમ ઘર શું? એક માત્ર શ્રી વલ્લભ આપણા ગુરૂ છે અને એક જ ગુરૂઘરના આપણે સૌ સેવકો છીએ. જે તે ઘરની પ્રણાલિકા જરૂર પાળીએ પણ અંતે તો સૌ સમાન છે તે વાત ક્યારેય વિસરીએ નહીં.

 

મન નગ તાકો દીજીયે, જો પ્રેમ પારખી હોય |
નાતર રહીયે મૌન ગહિ, વૃથા ન જીવન ખોય ||૬૭|| 

 

૨૯મી સાખીમાં કહેલી વાત શ્રી હરિરાયજીએ અહીં અલ્પ ફેરફાર સાથે ફરી કહી છે. તેથી આપણે સમજી શકીએ કે આ મુદ્દો કેટલો અગત્યનો હશે. આપણે જાણીએ છીએ કે મન જ આપણા બંધન અને મુક્તિનું કારણ છે. તેથી મન પવિત્ર રાખીએ, તેને પ્રભુમય રાખીએ, દોષમુક્ત રાખવા પૂરી કાળજી રાખીએ તો જ આપણા માનવ જન્મ અને વૈષ્ણવતા સાર્થક થાય. શ્રી હરિરાયજી મનને મણી કહી એવી આજ્ઞા કરે છે કે આ અણમોલ મણીનું જતન કરવું જરૂરી છે. હીરાનું મોલ કરવા ઝવેરીને જ કહેવાય. કહે છે ને કે ‘ગધેડાની ડોકે હીરો ન બંધાય’. તેવી જ રીતે આપણા મનનો મરકત મણી માત્ર એવી વ્યક્તિને જ સોંપીએ જે પોતે પ્રભુ પ્રેમી હોય, આપણા મનની પવિત્ર ભાવનાઓને, આપણા પ્રભુ પ્રેમને સમજી શકે, પારખી શકે, આપણા શ્રેયનો વિચાર કરી શકે. તાદ્રશીજનોનો સંગ કરીને આપણી ભક્તિને, આપણા સમર્પણને, આપણી શરણાગતિની ભાવનાને સુદ્રઢ કરીએ અને પ્રભુ પ્રાપ્તિના માર્ગે આગળ વધીએ. જેની તેની પાસે એટલે કે અનધિકારીની પાસે મનની કિતાબ ન ખોલીએ.

 
મેનેજમેન્ટમાં પણ કહેવાય છે કે ‘When in doubt, don’t’ અર્થાત જ્યાં ખાતરી ન હોય ત્યાં મનના પડળ ખોલવાની ચેષ્ટા ન કરીએ. અધૂરા પાત્ર પાસે થતી મનની વાત આપણી આધ્યાત્મિક પ્રગતિમાં બાધારૂપ થઇ શકે છે. જો કોઈ યોગ્ય પાત્ર ન મળે તો મનની વાત મનમાં જ સંગોપિત રાખવી સૌથી હિતકર છે, સર્વશ્રેષ્ઠ ઉપાય છે. ‘ન બોલ્યામાં નવ ગુણ’નો સિધ્ધાંત સ્વીકારી મૌન રહીએ. આ જ કારણસર કદાચ મૌનને પરમ ભૂષણરૂપ ગણ્યું હશે. મનની વાત ખોટી જગ્યાએ કહી દેવાથી આપણા શ્રેયની હાનિ થઇ શકે છે, પ્રભુએ આપણને મનુષ્ય યોનીમાં મોકલ્યા, વૈષ્ણવ બનાવ્યા તે શુભ હેતુ નિરર્થક થઇ જાય અને આપણું જીવન વેડફાઈ જાય.

 

 મન પંછી તન ઉડી લગો, વસો વાસના માંહિ |

પ્રેમ બાજકી ઝપટીમેં, જબ લગ આયો નાહીં ||૬૮||

 

આપણા મનને પક્ષી સાથે સરખાવીને એક સરસ વાત કહી છે. જેમ કોઈ નાનું પક્ષી બંધન કે નિયમનના અભાવે મુક્ત પણે મન ફાવે ત્યાં ગગનમાં વિહાર કરતું હોય છે, તેમ જ આપણું મન વિવિધ લૌકિક એષણાઓ અને વિષયોમાં યથેચ્છ રીતે ભટકતું રહે છે. એક મળે તો બીજાની ઈચ્છા કરે, બીજું પણ મળી જાય તો વળી ત્રીજાની કામના કરે. જેમ જેમ અગ્નિમાં ઘી નાખતા જઈએ તેમ તેમ આગ વધુ મોટી થતી જાય તેવી જ રીતે મનની લાલસા પણ દરેક પ્રાપ્તિ પછી વધતી જ રહે છે. ગમે તેટલી ઈચ્છાઓ પૂર્ણ થાય તો પણ મન સદા તરસ્યું જ રહે છે. શ્રી હરિરાયજી કહે છે કે હાલત એવી થઇ જાય છે કે જાણે મન આપણું શરીર(તન) છોડી વાસનામાં જ વસી જાય છે. સામાન્ય રીતે મનમાં વાસનાનો વાસ હોય પણ અહીં તો વાસનાનો અતિરેક હોઈ પાત્રમાં ઘીને બદલે ઘીમાં પાત્રની જેમ મન જ વાસનામાં વસી જાય છે એવું કહી દર્શાવ્યું છે કે તન મનમાં વાસના પૂર્ણતયા વ્યાપી જાય છે અને જીવમાં આસુરાવેશ થઇ જાય છે, પ્રભુ પ્રાપ્તિમાં અંતરાય આવે છે.

 
આ ઉપમા આગળ વધારતા આપ આજ્ઞા કરે છે કે જ્યારે નાના પક્ષી ઉપર બાજ પક્ષીનું નિયમન આવે ત્યારે તેનું અનિયંત્રિત ઉડ્યન બંધ થઇ જાય છે. તેવી જ રીતે જ્યારે દૈવી જીવને બાજ રૂપી પ્રેમનો પરિચય થાય છે, પ્રેમ લહરીનો સ્પર્શ થાય છે ત્યારે તેની વાસનાઓ વિસરાઈ જાય છે, કામનાઓ કરમાઇ જાય છે. જ્યારે તેનું મન આ પ્રેમરોગની ઝપટમાં આવે છે ત્યારે તેની દશા અને દિશા જ ફરી જાય છે. પ્રેમ સુધાનું પાન કર્યા પછી સંસાર અસાર લાગે છે. તે પ્રભુના પ્રેમ પંથે પ્રગતી કરવા લાગે છે.

શ્રી વલ્લભ મનકો ભામતો, મો મન રહ્યો સમાય |
જ્યોં મેંહદી કે પાતમેં, લાલી લખી ન જાય ||૬૯||

વલ્લભ શબ્દનો એક અર્થ પ્રિય અથવા વહાલા થાય છે. શ્રી હરિરાયજી કહે છે કે શ્રી વલ્લભ મારા મનને પ્રિય (ભાવે) છે. મારા મન વિશ્વમાં પ્રિયંકર અને પ્રિયતમ એક માત્ર શ્રી વલ્લભ જ છે. તેઓ મારા સમગ્ર મનમાં વ્યાપ્ત છે. મનનો કોઈ પણ ખુણો શ્રી વલ્લભ વગરનો નથી. મારા મન મંદિરમાં એક જ મૂરત બિરાજે છે અને તે મારા પ્રિય શ્રી વલ્લભની છે. અહીં શ્રી હરિરાયજીએ સમાય શબ્દનો પ્રયોગ કર્યો છે. સમાયનો અર્થ એવો પણ થાય કે મનમાં રહેલા છે, સમાયેલા છે, નિહિત એટલે ગુપ્ત રીતે રહેલા છે. લાગણીઓ ઉભરાઈને બહાર દેખાતી નથી. સૌ કોઈને ખ્યાલ આવતો નથી. આપણા માર્ગમાં આપણે ગોપીજનોના ભાવથી પ્રભુને સેવીએ છીએ અને તેથી આપણા પ્રેમનું સંગોપન કરતા હોઈએ છીએ. જેમ ગોપીજનો પોતાના કૃષ્ણ પ્રેમને દુનિયાની નજરથી છુપાવતા તેવી રીતે જ આપણે પણ આપણો શ્રી વલ્લભ પ્રત્યેનો પ્રેમ છુપાવીને રહીએ.

 
મનમાં શ્રી વલ્લભ રહેલા છે છતાં દેખાતા નથી તે વાત સમજાવવા શ્રી હરિરાયજી મેંદીનું ઉદાહરણ આપે છે. આપણે જાણીએ છીએ તેમ મેંદીના લીલા પાનને વાટીને હાથમાં લગાવીએ ત્યારે સુંદર લાલ રંગ ખીલી ઉઠે છે. આનો અર્થ એ કે મેંદીના લીલા પાનમાં લાલાશ વ્યાપ્ત છે, સમાયેલી છે પણ તેમાં આ લાલાશ ક્યારેય દેખાતી નથી. વાટીએ ત્યારે પણ લીલાશ ભર્યો જ રંગ હોય છે પણ તેનો રંગ ચડે ત્યારે તે લાલ હોય છે. જેમ મેંદીના પાનના કણ કણમાં અંતર્નિહિત રહેલો લાલ રંગ નજરે ચડતો નથી તેવી જ રીતે ભક્તના હૃદયમાં રહેલો શ્રી વલ્લભનો પ્રેમ સૌ કોઈની નજરે ચડતો નથી. મર્યાદામાં હનુમાનજીએ પોતાની છાતી ચીરીને પોતાના ઇષ્ટ સ્વરૂપના દર્શન કરાવ્યા હતા તેમ જ સાચા ભક્તના હૃદયમાં શ્રી વલ્લભ વસેલા છે.

 

શ્રી વલ્લભ વિઠ્ઠલ રૂપકો, કો કરી શકે વિચાર |
ગૂઢ ભાવ યહ સ્વામિની, પ્રકટ કૃષ્ણ અવતાર ||૭૦||

 

વેદ પણ પરબ્રહ્મનો વિચાર કરવામાં સમર્થ નથી તેથી ‘નેતિ નેતિ’ પુકારે છે. એવી જ રીતે શ્રી વલ્લભ અને તેમના આત્મજ શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાંઈજીના સ્વરૂપ એક જ છે તેને સમજવાનું કે જાણવાનું તો શું તેના વિષે વિચારવાનું પણ કોઈના વશમાં નથી.

 
શ્રી વલ્લભનું રૂપ અને તેમનું સાચું અલૌકિક સ્વરૂપ શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં સુપેરે દર્શાવાયું છે. તેમાંથી થોડા નામ યાદ કરીએ (તે નામ જે શ્લોકમાં છે તેનો નંબર કૌંસમાં છે.) શ્રી કૃષ્ણાસ્યમ (૭) એટલે કે શ્રી કૃષ્ણના શ્રી મુખારવિંદ રૂપ, વાકપતિ(૧૯) એટલે કે વાણીના અથવા દેવી સરસ્વતીના પતિ. આપ શ્રી કૃષ્ણના મુખારવિંદ રૂપ હોવાના કારણે પણ વાણીના પતિ છે. વિબુધેશ્વર (૧૯) વિબુધના બે અર્થ થાય છે. એક તો સાક્ષર અને બીજો દેવતાઓ. શ્રી વલ્લભ આ બંનેના ઈશ્વર છે. સ.સ્તો.ના ૩૨મા શ્લોકના પાંચેય નામ આપશ્રીના સ્વરૂપનું વર્ણન કરે છે. અપ્રાકૃતાખિલાકલ્પભૂષિત: એટલે કે આપ અલૌકિક આભુષણોથી શોભે છે એટલું જ નહીં ત્રિલોક્ના પણ ભૂષણરૂપ છે. આ ભૂમિના ભાગ્યરૂપ છે. વળી આપમાં સહજ સુંદરતા રહેલી છે અને આપનું સ્મિત પણ સહજ છે. આપમાં સત્વ, રજસ કે તમસ એ ત્રણમાંથી કોઈ ગુણ રહેલા નથી આપ ગુણોથી પર છે તેથી ત્રિગુણાતીત(૩૦) નામ બિરાજે છે. આપ ભક્તિમાર્ગરૂપી કમળ માટે સૂર્ય સમાન છે.

 
એક ભાવ એવો પણ છે આપ શ્રી સ્વામિનીજી સ્વરૂપ છે. આ ગૂઢ ભાવ છે અને તેનો વિશેષ વિસ્તાર કરાયો નથી. તે સમજવાની વાત છે. આપનું પ્રાગટ્ય સ્વામીની ઈચ્છાથી અને સ્વામીના કાર્યાર્થે થયેલું છે. એવી જ રીતે જેમ ત્રેતાયુગમાં પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ શ્રી યશોદોત્સંગલાલિત પૃથ્વી ઉપર પધાર્યા હતા તેવી જ રીતે કળીયુગમાં શ્રી વલ્લભરૂપે પ્રગટ થયા છે. તેથી પ્રગટ કૃષ્ણ અવતાર કહીને શ્રી હરિરાયજી બિરદાવે છે.

 
આવા શ્રી વલ્લભ આપણા ગુરૂ છે તે સૌભાગ્યમદ સાથે સ્વલ્પ સત્સંગનું સમાપન કરીએ.

 
(ક્રમશ:) 

 

© Mahesh Shah 2013

 

 
mahesh shah.1

મહેશ શાહ
જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો,
વડોદરા

મો.૯૪૨૬૩૪૬૩૬૪/૨૩૩૦૦૮૩

 

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત … શ્રી વલ્લભ સાખી … (ભાગ-૧૩) …

મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત …  શ્રી વલ્લભ સાખી … (૬૧-૬૫) …
-મહેશ શાહ, વડોદરા …

 

[ભાગ -૧૩]

 

શ્રી વલ્લભ પર રુચિ નહીં, ના વૈષ્ણવ સોં સ્નેહ |

તાકો જન્મ વૃથા જુ ત્યોં, જ્યોં ફાગુનકો મેહ ||૬૧||

 

આપણા માર્ગમાં શ્રી હરિ, ગુરૂ, અને વૈષ્ણવનું સમાન મહત્વ મનાયું છે.   શ્રી ઠાકોરજી જેવું કોઈથી ન આપી શકાય તેવું અદેય દાન આપનારા શ્રી વલ્લભ જેવા દાની ન હોત તો આવી અનમોલ નિધિ આપણને પ્રાપ્ત જ ન થાત એટલે આ ત્રણમાં પ્રથમ (first among equals ?) સ્થાન તો શ્રી વલ્લભને જ આપવું રહે. શ્રી ઠાકોરજી વલ્લભના હૃદયમાં સતત રમણ કરે છે તો વલ્લભના હૃદયમાં વૈષ્ણવો પ્રત્યેની કરૂણા અને અનુકંપાનો સમુદ્ર લહેરાઈ રહ્યો છે.

 

KRISHNA WITH COWS

 

vallabh sakhi

 

 

દૈવી જીવોના ઉદ્ધાર માટે પ્રગટેલા વૈશ્વાનર સ્વરૂપ શ્રી વલ્લભે વેદ, ઉપનિષદ, શ્રીમદ ભાગવત, ગીતાજી અને અન્ય ગ્રંથો તેમજ જ્ઞાનનું દોહન કરી આપણા હિતાર્થે આ માર્ગ પ્રગટ કર્યો છે.  જો તેમની ઉપર પ્રેમ ન હોય કે તેઓ જેમને માટે સતત ચિંતિત રહે છે તેવા વૈષ્ણવો આપણને વહાલા ન લાગે, પ્રેમ માર્ગના પથિક છીએ પણ સહ પથિકો માટે જ પ્રેમ ન હોય તો એવું થયું કે પરમ ફળ પામવું તો છે પણ તેના  વૃક્ષને આપણા માટે રોપનાર શ્રી વલ્લભને અને તેમના પ્રિય વૈષ્ણવોને ચાહવા નથી !  આપણને આ પાવક પુષ્ટિ પંથ મળી ગયો, શ્રી ઠાકોરજી જેવી નિધિ પ્રાપ્ત થઇ ગઈ છે પછી તેના દાનીને ભૂલવાનું કેટલા અંશે વ્યાજબી ગણાય ? લૌકિકમાં પણ ‘ગરજ સરી એટલે વૈદ્ય વેરી’ યોગ્ય નથી ગણાતું.

 

આવા સ્વાર્થી માનસના કૃતઘ્ન માણસને માનવ દેહ મળ્યો, પ્રભુ કૃપાએ વૈષ્ણવ બન્યો તે સર્વ નિરર્થક ગણાય. એનો લૌકિક જન્મ અને  સંપ્રદાય દીક્ષાનો જન્મ બંને અર્થ હીન ગણાય. આ પૃથ્વી પર માત્ર ભાર વધારવા અને પોતાના જન્મ મરણના ફેરામાં એક સંખ્યાનો ઉમેરો કરવા પુરતી જ તેમના જન્મની ઉપયોગીતા રહી જાય છે. તેમનું આયખું ફાગણ માસમાં પડી વાસંતી માહોલને બગાડનાર વરસાદ કે માવઠાં  જેવું ગણાય.‍‌

 

મો મેં તિલભર ગુન નહીં, તુમ હો ગુનન કે જહાજ |

રીઝ બૂઝ ચિત્ત રાખીયો, બાંહ ગહે કી લાજ  ||૬૨||

 

પુષ્ટિમાર્ગમાં દૈન્યને અત્યંત મહત્વ અપાયું છે. ૪૨મી સાખીમાં જેનો ઉલ્લેખ છે તેવા આધ્યાત્મિક પ્રગતિમાં અવરોધક પરિબળો સામે વિજય પ્રાપ્ત કરવો હોય તો દૈન્ય સૌથી કારગર શસ્ત્ર છે. આપણે આપણી ત્રુટીઓ, આપણી નબળાઈઓ, આપણી મર્યાદાઓ જાણી, સમજી, માપી તેનું સતત ધ્યાન રાખવું જોઈએ અને તેના નિર્મૂલન અથવા કમ સે કમ ઘટાડા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. સહૃદય પ્રયત્નોને  પ્રભુકૃપાનું  બળ જરૂર મળી રહે છે.  અહીં  જીવની પ્રભુ સાથે સરખામણી છે, અંશની અંશી સાથે સરખામણી છે એટલે શ્રી હરિરાયજી પોતાના ગુણોને એક તલ કરતાં પણ ઓછા ગણાવે છે  સામે પક્ષે પ્રભુને ગુણોના જહાજ સમાન ગણાવે છે.  તે સમયમાં મોટા જથ્થામાં માલ સામાનની હેરફેર માટે વહાણ જ હતા તેથી આવી ઉપમા આપી હશે. બીજી રીતે વિચારીએ તો વહાણ એક વાહક છે ક્યારેક તો ભક્તિનું વહાણ મારા હૃદયના બંદરે નાંગરશે અને તે જે ઈશ્વરીય ગુણોનું વહન કરે છે તેમાંથી મને પણ લાભ મળશે તેવી આશા પણ સમાયેલી લાગે છે.

 

મર્યાદામાં  ભક્ત રઈદાસે ગાયું કે “પ્રભુજી તુમ ચંદન હમ પાની”  મીરાંબાઈએ પણ અનેક પદોમાં પ્રભુ સમક્ષ દૈન્ય નિવેદિત કર્યું જ છે ને ? રજકણ સૂરજ બનવાનું સમણું જોઈ જ ન શકે.  દૈન્ય/શરણાગતિ એ ભક્તિનું પહેલું ચરણ છે.  અહીં પ્રાર્થના છે કે મારા  ગુણ તલ જેટલા છે  પણ આપ મારા ઉપર પ્રસન્ન થઇને આપના ચિત્તમાં સ્થાન આપજો કદાચ વિનંતી એવી પણ છે કે આપ સદા પ્રસન્નતા પૂર્વક મારા ચિત્તમાં બીરાજજો. આપે બાંહ ગ્રહી છે તો લાજ રાખજો.  જો પ્રભુ એક વાર બાંહ પકડ્યા પછી ભક્તના યોગક્ષેમની સંભાળ ન લે તો આપનું બિરુદ જાય. તે વાત એક ભક્ત તરીકે શ્રી હરિરાયજીને સ્વીકાર્ય નથી.  તેથી પણ આવી પ્રાર્થના કરી છે.

 

તીન દેવ કે ભજન તેં, સિદ્ધ હોત નહીં કામ |

ત્રિમાયા કો પ્રલય કર, મિલવે હરિ નામ ||૬૩||

 

શ્રી હરિના મિલનનો રસ્તો દર્શાવતાં આપશ્રી આજ્ઞા કરે છે કે, આડા અવળા રસ્તાઓ અને ખોટા અવલંબનો છોડીને સાચો રાજમાર્ગ પકડીએ તો જ કાર્યસિદ્ધિ  થાય. અર્થાત ત્રિદેવના સેવનથી આ કામમાં સિદ્ધિ પ્રાપ્ત થશે નહીં.

 

ત્રિદેવ એટલે પ્રભુએ રચેલી ગુણાત્મક સૃષ્ટિના નિયમન માટે પોતાના અંશરૂપે પ્રગટ કરેલા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ.  અનુક્રમે સત્વ, રજસ અને તમોગુણની સૃષ્ટિનું આ ત્રણે દેવતાઓ પ્રભુના અભિપ્રાય મુજબ સર્જન, સંચાલન અને વિનાશ કરતા રહે છે.  તેથી આ અંશાત્મક દેવોની ભક્તિથી ક્યારેય તેમના અધિપતિ એવા પરબ્રહ્મ પરમાત્મા સચ્ચિદાનંદ શ્રી કૃષ્ણને પ્રાપ્ત ન કરી શકાય. જીવ પોતાની વૃત્તિ અનુસાર જે તે દેવને ભજે છે અને તેને જ અંતિમ લક્ષ્ય અને ઉત્તમ ઉપલબ્ધિ માની લે છે.  આ દેવો પોતાની રીતે પોતાના સ્વબળે તેમને ભાજનારાને  થોડા લાભ આપે છે પણ પરમની પ્રાપ્તિ કરાવવાનું તેમની શક્તિમાં નથી.

 

આ સૃષ્ટિના  સર્જનહારે લોકોને પોતાની માયાના બંધનથી જકડી રાખ્યા છે.  સૃષ્ટિના હેતુઓ પૂર્ણ થાય તે માટે તે જરૂરી પણ છે. આ માયા પણ પ્રભુની દાસી છે અને તે પણ ત્રણ પ્રકારની છે.  માયા સાત્વિકી હોય કે તામસી તે જીવ અને પ્રભુ વચ્ચે આવરણ છે.  બંધન એ બંધન જ છે તે ફૂલોની દોરી હોય કે લોખંડની સાંકળ જીવની અધ્યાત્મિક પ્રગતી અશક્ય બનાવે છે.  એ માયાથી બચીએ, તેના મોહપાશમાંથી છૂટીએ તો જ હરિ મિલનનો માર્ગ પ્રશસ્ત થાય.

 

આપણા શ્રી વલ્લભ માયાવાદ રૂપી રૂમાં અગ્નિ રૂપ છે.   (માયાવાદાખ્યાતૂલાગ્ની: ) જેમ અગ્નિથી  રૂ બળી જાય છે તેવી જ રીતે શ્રી મહાપ્રભુજીના પ્રતાપથી સર્વ માયાનો નાશ થાય છે અને શ્રી હરિ મળે છે.  આ જ તો આપનો અવતાર-હેતુ  છે.  માયાના આવરણથી બચીને જ આપણે  પ્રભુની લીલામાં સ્થાન પામી શકીએ છીએ.

 

સુમરત જાય કલેશ મિટે, શ્રી વલ્લભ નિજ નામ |

લીલા લહર સમુદ્રમેં, ભીંજો આઠોં યામ ||૬૪||

 

શ્રી વલ્લભનું નામ પરમ પાવક છે, સર્વ પ્રકારના આવરણનો નાશ કરનારૂં છે. આધિભૌક્તિક,આધિદૈવિક, આધ્યાત્મિક એમ સઘળાં  કલેશને મિટાવનારૂં છે. આપના નામના સ્મરણ માત્રથી જ  ભક્તોની સર્વ આર્તિ નાશ પામે છે.  (સ્મૃતિમાત્રાર્તિ નાશન: શ્રી સર્વોત્તમ સ્તોત્ર શ્લોક ૭).   ભક્તને કલેશ દુર કરવામાં એટલો રસ નથી તે તો તેને પણ પ્રભુની પ્રસાદી તરીકે માથે ચડાવે છે પણ અનાયાસે દુર થતા હોય તો (શ્રી વિવેક ધૈર્યાશ્રાયમાં આચાર્યશ્રીએ આજ્ઞા કરી છે તે અનુસાર) તેને પકડી રાખવાનો, સહન કરવાનો આગ્રહ પણ નથી.   લૌકિક કે અન્ય કલેશ ભગવદ્ સેવામાં નડતરરૂપ હોય તો ભક્ત તેના નાશ માટે જરૂર તત્પર રહે છે. પોતાના પ્રભુથી દુર રાખે તે સઘળું ભક્તને બાધક લાગે છે.   આ સર્વ બાધક પણ  માત્ર  શ્રી વલ્લભના નામ સ્મરણથી દુર થઇ જાય છે.

 

શ્રી વલ્લભના લીલાના સ્વરૂપને કારણે આપ ‘રાસૈલીલૈક તાત્પર્ય:’ (રાસલીલા એ જ એક માત્ર જેમનું  ધ્યેય/તાત્પર્ય છે તેવા -શ્લો. ૧૭) હોઈ કૃપા કરીને ભક્તને પણ લીલા રસનું દાન કરે છે.  શ્રી વલ્લભ પોતે દરેક ક્ષણે (અહર્નિશ) નિકુંજ નાયકપ્રભુની લીલાના રસથી ભરેલા (રસમગ્ન) હોઈ (પ્રતિક્ષણનિકુંજસ્થલીલા રસસુપૂરિત: -શ્લો. ૨૫) લીલાઓના અમૃત રસમાં સર્વને ભીંજવે છે. (લીલામૃતરસાર્દ્રાદ્રીકૃતાખીલશરીરભૃત્ત-શ્લો. ૨૯).   ‘શ્રી વલ્લભ’ ‘શ્રી વલ્લભ’ કહેવાથી આઠે પ્રહર લીલાનો અનુભવ રહે છે. જગત વિસરાઈ જાય છે અને મન પ્રભુના પ્રેમામૃત્તની મસ્તીમાં મહાલે છે.  જો લીલા રસમાં ભીંજાયેલા જ રહીએ, શ્રી યુગલ સ્વરૂપનું સતત સાનિધ્ય જ રહે તો બીજું શું જોઈએ ?   આવી કૃપા કરવાનું સામર્થ્ય એક અને એક માત્ર શ્રી વલ્લભમાં જ છે. નિત્ય લીલામાં સ્થાન જોઈતું હોય, પ્રિયા પ્રિતમના રસના દર્શન કરવા હોય તો શ્રી વલ્લભના શરણે જવું જોઈએ. કળીયુગમાં નામ સ્મરણનું ઘણું મહત્વ છે તેથી આપનું નામ રટતા રહેવું જોઈએ.

 

તિનકે પદ યુગલ કમલ કી, ચરણ રેનુ સુખદાય |

હિયમેં ધારન કિયે તેં, સબ ચિંતા મિટ જાય ||૬૫||

 

કમળ સમાન આપના બંને ચરણની રજ જગત હિતકારી, જગત સુખદાયી છે. ચરણમાં વસતા અનેક જીવો અવર્ણનીય સુખાનુભવ પામે છે.  શ્રી વલ્લભ સ્વયં મૂર્તિમંત આનંદ સ્વરૂપ છે, પરબ્રહ્મ પરમાત્માના સત, ચિત્ત અને આનંદ આપમાં પણ પૂર્ણરૂપે સમાયેલા છે. આથી જ આપના ચરણ કમળની રજ સદા સેવ્ય છે, ભક્તોને પરમ સુખ આપનારી છે.

 

આજ ભાવથી મંગલાચરણ (ચિતાસંતા…)માં કહયું છે કે આપણા શ્રી આચાર્યજીના ચરણ કમળની રજ સર્વ ચિંતાઓને હરનારી છે. આ યુગલ ચરણોને શ્રધ્ધાથી અને ભાવપૂર્વક હૃદયમાં ધારણ કરીએ તો આપણી ત્રિવિધ ચિંતાઓનો નાશ થાય છે. આપણી સાંસારિક ઉપાધિઓ સેવામાં ચિત્ત સ્થિર થવા ન દેતી હોય તો તે, આધ્યાત્મિક પંથે આવતા અવરોધો હોય તો તે કે અન્ય ચિન્તાઓનું સંપૂર્ણ નિર્મૂલન થાય છે. આમ થવાથી ભક્ત પ્રભુ સેવામાં વિશેષ ધ્યાન આપી (ચેતસ્ત પ્રવણં) પ્રભુને સ્નેહ અને સમર્પણથી વશ કરી શકે છે.

 

આચાર્યશ્રીના આવા મંગલ ચરણ કમળ આપણા હૃદયમાં ક્યારે વસે તેવી આર્તિ સાથે આજે અહીં જ વિરમીએ.

(ક્રમશ: )

 

 

 

© Mahesh Shah 2013

 

 
mahesh shah.1

મહેશ શાહ
જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો,
વડોદરા

મો.૯૪૨૬૩૪૬૩૬૪/૨૩૩૦૦૮૩

 

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત … શ્રી વલ્લભ સાખી …[ભાગ -૧૨] …

મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત …  શ્રી વલ્લભ સાખી … (૫૯-૬૦) …
-મહેશ શાહ, વડોદરા …

 

[ભાગ -૧૨]

 

 sakhi.12 vallabh

vallabh sakhi

 

 

શ્રી વલ્લભ વર કો છાંડિકે, ભજે જો ભૈરવ ભૂત |
અંત ફજેતી હોયગી, જ્યોં ગણિકાકો પૂત ||૫૯||

 

આગળની (૫૮ મી) સાખીમાં શ્રી વલ્લભને ભજનારાના સૌભાગ્યની અને તેમને મળનારા ફળની વાત કરી. શ્રી વલ્લભવરને છોડીને અન્ય દેવી દેવતાઓને ભજે તેની શી દશા થાય છે તેની વાત આ સાખીમાં કરાઈ છે.

આચાર્યશ્રીએ સિધ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં સ્પષ્ટ પ્રતિપાદિત કર્યું છે કે परं ब्रह्म तु कृष्णो हि અર્થાત શ્રી કૃષ્ણ જ પરબ્રહ્મ સ્વરૂપ છે. તેનાથી અધિક કશું જ નથી. તેવી જ રીતે શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ગુસાંઈજીએ ‘કૃષ્ણાસ્યમ:’ નામથી શ્રી વલ્લભનું સ્વરૂપ આપણને સમજાવ્યું છે. શ્રી વલ્લભ ત્રિલોકના આભુષણ રૂપ (સર્વોત્તમ સ્તોત્ર શ્લો.૩૨) છે.  શ્રી વલ્લ્ભાષ્ટ્કમાં પણ કહ્યું કે, ‘વસ્તુત: કૃષ્ણ એવ’ શ્રીમહાપ્રભુજીનું આવું સ્વરૂપ જાણીને સર્વદા તેમનો આશ્રય કરવો.

 

આવા સમર્થ આપણા નિધિને છોડીને આપણે અન્યાશ્રય કરવાનો વિચાર પણ કરીએ તો તે આપણી પોતાની ગ્રીવા એટલે કે ગરદનને આપણા જ હાથે કાપવા જેવી વાત છે. આપણે એ પણ જાણીએ છીએ કે શ્રી વલ્લભ અને તેમની કૃપાથી પ્રાપ્ત થયેલા આપણા શ્રી ઠાકોરજી અનમોલ નિધિ છે. તેનાથી ચડિયાતું  કે શ્રેષ્ઠ તો જવા દો તેની  બરોબરીનું પણ કશું જ નથી.

 

શ્રી વલ્લભ અને શ્રી ઠાકોરજીનો અનન્ય આશ્રય એ આપણો ધ્રુવતારક છે. તેમનામાં દ્રઢ શ્રદ્ધા અને પૂર્ણ વિશ્વાસ એજ આપણા વહાણના સઢનું ચાલક બળ છે. તેમાં જો જરાક પણ ચૂક થશે તો પથ ભ્રષ્ટ થઇ જવાશે, દિશાહીન થઇ જશું અને સંસાર સાગરમાં ગોથાં ખાતા રહીશું. આપણી પાસે પારસમણી હોય તો પણ આપણે સુવર્ણ શોધવા બીજે જઈએ કે દીવો લઈને સૂર્ય શોધવા નીકળીએ તેવી આ વાત છે.

 

અહીં શ્રી હરીરાયજી ‘શ્રી વલ્લભ વરને છોડીને ભૈરવ અથવા ભૂતને ભજીએ’ એમ કહી સરસ રીતે અન્યાશ્રયની વાત કરે છે. અન્ય દેવને ભજવા તે ભૈરવને કે ભૂત-પલીતને ભજવા જેવી વાત છે.  શ્રી કૃષ્ણ નિર્ગુણ, નિર્મળ  છે. અન્ય દેવો ત્રિગુણાત્મક છે. કોઈ સત્વગુણાત્મક છે તો વળી કોઈ  રજોગુણ કે તમોગુણને ધારણ કરનારા છે. તમોગુણી દેવી દેવતાઓને ભજનારા તાંત્રિકો અને વામમાર્ગી લોકો વસ્તુત: ભૂત પ્રેતના જ ભક્તો બનીને રહી જાય છે. આથી જ પુષ્ટિનો રાજમાર્ગ છોડી પથભ્રષ્ટ થનારા લોકોને ભૈરવ-ભૂતને ભજનારા કહ્યા છે.

 

શ્રી હરિરાયજી કહે છે કે આવા લોકો અંતે તો પસ્તાવાના જ છે. મુખ્ય ધારાથી દૂર જનારાઓના આલોક-પરલોકની હાનિ થાય ઉપરથી લોકોની હાંસીને પાત્ર બને. એટલે સાચું શ્રેય  એમાં જ છે કે આપણો પંથ ક્યારેય છાંડીયે નહીં. ભગવાને શ્રી ગીતાજીમાં પણ એવી જ આજ્ઞા કરી છે કે સ્વધર્મે નિધન થાય તે ભલું પણ પરધર્મથી સદા ડરતાં રહેવું.

 

આપણો ધર્મ છોડી અન્ય પંથ અપનાવીએ તો બાવાના બેય બગડે ન આપણા ધર્મમાં રહીએ ન અન્ય ધર્મમાં ફાવીએ. આપણી હાલત અનાથ વ્યક્તિ જેવી થઇ જાય. આ વાત સમજાવવા શ્રી હરિરાયજી કહે છે કે આપણી દશા ગણિકાના પુત્ર જેવી થાય. ગણિકાના પુત્રને પિતાનું નામ પ્રાપ્ત થતું નથી. પિતાનું નામ ન હોવાથી અનૌરસ કહેવાય છે, અપમાનિત થાય છે, સામાજિક સ્વીકૃત્તિ મળતી નથી તેથી સમાજમાં તેનું અપમાન જ થતું રહે છે. તેવી જ રીતે અનેક દેવી દેવતાઓ વચ્ચે ભટકતો ભક્ત પણ આધ્યાત્મિક અનૌરસ જ ગણાય.  ભટકી ગયેલો ભક્ત પણ તેનું કોઈ ધણી ધોરી ન હોવાથી ધણી વગરનો, નધણિયાતો બની જાય છે. પતંગનો દોરો કપાઈ જાય તે પછી પતંગની  ગતિ અને દિશા અનિયંત્રિત થઇ જાય છે અને અંતે આકાશે ઉડવાને બદલે ભોંય ભેગી થઇ જાય છે તેવી જ રીતે પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ અને તેમના મુખારવિંદ સ્વરૂપ શ્રી વલ્લભના  શરણરૂપી રાજમાર્ગ  છોડી અન્ય માર્ગે જનાર આવા ભક્તો પણ દિશાહિન થઇ અવગતીમાં અટવાઈને અંતે આધ્યાત્મિક અવનતિ પામે છે.

 

વૈષ્ણવ જન કી ઝોંપડી ભલી, ઔર દેવકો ગામ |
આગ લગો વા મેંડમેં, જહાં ન વલ્લભ નામ  ||૬૦||

 

ભૌતિક સુખ સુવિધાનો કે ઐશ્વર્યનો અભાવ શ્રી હરિરાયજી ઝૂંપડી શબ્દથી દર્શાવે છે. શ્રી હરિરાયજી કહે છે કે સગવડ સભર સદન નહીં પણ સાચા વૈષ્ણવનો જ્યાં વાસ હોય તેવી ઝૂંપડી ભલી છે, વધુ શ્રેયસ્કર છે, વધુ પાવન અને વધુ પાવક છે. આવી જગ્યાએ જવું કે રહેવું આપણા માટે સારૂં છે કારણ કે વૈષ્ણવનું ઘર નંદાલય સમાન છે. ત્યાં શ્રી કૃષ્ણચંદ્ર સાક્ષાત બિરાજે છે, ખેલે છે, લીલા કરે છે.

 

ભગવાન શ્રીકૃષ્ણે પણ દુર્યોધનના મહેલ અને તેના મેવા મીઠાઈ કરતાં સાચા ભક્ત વિદુરની ભાજીને પ્રેમથી સ્વીકારી હતી. ઠાકોરજી પણ જેટલા પ્રેમથી શેઠ પુરુષોત્તમદાસના સ્વાદિષ્ટ વ્યંજનો આરોગતા હતા તેટલા જ પ્રેમથી પદ્મનાભદાસના છોલે આરોગતા હતા. આમ મહત્વ સુખ સુવિધા કે વૈભવનું નહીં ભાવનાનું છે. ભાવનાની વાત કરીએ તો આપણા માર્ગમાં આપણે ગોપીજનોના ભાવની ભાવના કરીએ છીએ. જે પ્રેમલક્ષણા ભક્તિનું ચરમ બિંદુ છે. પ્રેમનું શિખર એટલે ગોપી, પ્રેમનો ઉદધી એટલે ગોપી, નિર્વ્યાજ પ્રેમ, અપેક્ષા રહિત પ્રેમ, અસીમિત પ્રેમ, અક્ષુણ્ણ પ્રેમ એટલે ગોપી એટલે જ આપણે ગોપીને પ્રેમની ધ્વજા કહીએ છીએ.  આવી ભાવનાથી ભરપુર ઝૂંપડી સ્વર્ગથી પણ સુંદર છે.

 

ગામ શબ્દ અહિં સુખ, સુવિધા અને સમૃદ્ધિના પર્યાય તરીકે પ્રયોજાયો છે. આવા ગામોમાં કે મહેલોમાં અન્ય દેવી દેવતાનું પૂજન-અર્ચન થતું હોય તો ત્યાં રહેવું જ શા માટે ?  અન્ય દેવતાઓ પરબ્રહ્મ પરમાત્માના અંશાવતાર છે, તેમના આજ્ઞાકારી સેવકો છે. તેથી પરમ તત્વને છોડી તેમને ભજવામાં, અન્યાશ્રય કરવામાં સમજદારીનો અભાવ રહેલો છે. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથનો આધાર લઈએ તો તેમ કહી શકીએ કે શુદ્ધ પુષ્ટિ જીવ અન્ય દેવ પ્રતિ આકર્ષાય જ નહીં. તેની રતિ, પ્રીતિ, મતિ, ગતિ અને વૃત્તિ સર્વ એક શ્રી નંદનંદનમાં જ સમાહિત થયેલા હોય છે. ફરીથી વાત તે જ બિન્દુ પર આવીને અટકે છે. અનન્ય ભક્તિ, દ્રઢ વિશ્વાસ અને અન્યાશ્રયનો ત્યાગ પાવન પંથ છે. તેને છોડીએ નહીં કે તેનાથી દૂર જઈએ નહીં. ચીલો ચાતરીએ નહીં

 

એવી મેંડ કે મર્યાદા જેમાં આપણા શ્રી વલ્લભનું સ્થાન ન હોય તે આપણા માટે સ્વીકાર્ય નથી. શ્રી વલ્લભે દોરી આપેલી મેંડ આપણા માટે પરમ પવિત્ર બંધન કે પ્રાણથી પણ પ્યારી મર્યાદા છે. અંગ્રેજીમાં કહીએ તો sacrosanct છે. તેનું  ઉલ્લંઘન તો ઠીક તેની અવગણના પણ આપણે કરતા નથી. મર્યાદા માર્ગમાં પણ સીતાજીના ઉદાહરણથી લક્ષ્મણ રેખાનું માન રાખવાની પ્રણાલિકા છે.

 

શ્રી વલ્લભ તો વાક્-પતિ છે, પ્રભુના મુખારવિંદ રૂપ છે તેથી તેમની વાણીમાં સનાતન સિદ્ધાંતો સમાયેલા છે. તે મર્યાદા કે તે મેંડનું પાલન થવું જ જોઈએ. તેનાથી અલગ મેંડ હોય, જ્યાં શ્રી વલ્લભના સિદ્ધાંતોની વાત ન હોય તેવી મેંડનો પરિત્યાગ એ જ આપણા હિતની, આપણા સ્વાર્થની વાત છે. આથી જ શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે આવી મર્યાદા, આવી પ્રણાલી, આવો માર્ગ કે જેમાં શ્રી વલ્લભ ન હોય તે ભલે આગથી નાશ પામે.

 

આવી આગ પરમ પાવક જ્વાળા બની આપણું ભલું જ કરશે તેવી શ્રદ્ધા સાથે અહીં જ વિરમીએ. જય શ્રીકૃષ્ણ.    (ક્રમશ: )

 

 

© Mahesh Shah 2013

મહેશ શાહ, જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો, વડોદરા ૯૪૨૬૩૪૬૩૬૪/૨૩૩૦૦૮૩

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત … શ્રી વલ્લભ સાખી … (૧૨) …

મહાપ્રભુ શ્રી હરિરાયજી કૃત …  શ્રી વલ્લભ સાખી … (૫૯-૬૦) …
-મહેશ શાહ, વડોદરા …

[ભાગ -૧૨]

 

vallabh sakhi

 

shriji vallbhacharya 

 

શ્રી વલ્લભ વર કો છાંડિકે, ભજે જો ભૈરવ ભૂત |
અંત ફજેતી હોયગી, જ્યોં ગણિકાકો પૂત ||૫૯||

 

 
આગળની (૫૮ મી) સાખીમાં શ્રી વલ્લભને ભજનારાના સૌભાગ્યની અને તેમને મળનારા ફળની વાત કરી. શ્રી વલ્લભવરને છોડીને અન્ય દેવી દેવતાઓને ભજે તેની શી દશા થાય છે તેની વાત આ સાખીમાં કરાઈ છે.

 

આચાર્યશ્રીએ સિધ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં સ્પષ્ટ પ્રતિપાદિત કર્યું છે કે परं ब्रह्म तु कृष्णो हि અર્થાત શ્રી કૃષ્ણ જ પરબ્રહ્મ સ્વરૂપ છે. તેનાથી અધિક કશું જ નથી. તેવી જ રીતે શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ગુસાંઈજીએ ‘કૃષ્ણાસ્યમ:’ નામથી શ્રી વલ્લભનું સ્વરૂપ આપણને સમજાવ્યું છે. શ્રી વલ્લભ ત્રિલોકના આભુષણ રૂપ (સર્વોત્તમ સ્તોત્ર શ્લો.૩૨) છે.  શ્રી વલ્લ્ભાષ્ટ્કમાં પણ કહ્યું કે, ‘વસ્તુત: કૃષ્ણ એવ’ શ્રીમહાપ્રભુજીનું આવું સ્વરૂપ જાણીને સર્વદા તેમનો આશ્રય કરવો.

 

આવા સમર્થ આપણા નિધિને છોડીને આપણે અન્યાશ્રય કરવાનો વિચાર પણ કરીએ તો તે આપણી પોતાની ગ્રીવા એટલે કે ગરદનને આપણા જ હાથે કાપવા જેવી વાત છે. આપણે એ પણ જાણીએ છીએ કે શ્રી વલ્લભ અને તેમની કૃપાથી પ્રાપ્ત થયેલા આપણા શ્રી ઠાકોરજી અનમોલ નિધિ છે. તેનાથી ચડિયાતું  કે શ્રેષ્ઠ તો જવા દો તેની  બરોબરીનું પણ કશું જ નથી.

 

શ્રી વલ્લભ અને શ્રી ઠાકોરજીનો અનન્ય આશ્રય એ આપણો ધ્રુવતારક છે. તેમનામાં દ્રઢ શ્રદ્ધા અને પૂર્ણ વિશ્વાસ એજ આપણા વહાણના સઢનું ચાલક બળ છે. તેમાં જો જરાક પણ ચૂક થશે તો પથ ભ્રષ્ટ થઇ જવાશે, દિશાહીન થઇ જશું અને સંસાર સાગરમાં ગોથાં ખાતા રહીશું. આપણી પાસે પારસમણી હોય તો પણ આપણે સુવર્ણ શોધવા બીજે જઈએ કે દીવો લઈને સૂર્ય શોધવા નીકળીએ તેવી આ વાત છે.

 

અહીં શ્રી હરીરાયજી ‘શ્રી વલ્લભ વરને છોડીને ભૈરવ અથવા ભૂતને ભજીએ’ એમ કહી સરસ રીતે અન્યાશ્રયની વાત કરે છે. અન્ય દેવને ભજવા તે ભૈરવને કે ભૂત-પલીતને ભજવા જેવી વાત છે.  શ્રી કૃષ્ણ નિર્ગુણ, નિર્મળ  છે. અન્ય દેવો ત્રિગુણાત્મક છે. કોઈ સત્વગુણાત્મક છે તો વળી કોઈ  રજોગુણ કે તમોગુણને ધારણ કરનારા છે. તમોગુણી દેવી દેવતાઓને ભજનારા તાંત્રિકો અને વામમાર્ગી લોકો વસ્તુત: ભૂત પ્રેતના જ ભક્તો બનીને રહી જાય છે. આથી જ પુષ્ટિનો રાજમાર્ગ છોડી પથભ્રષ્ટ થનારા લોકોને ભૈરવ-ભૂતને ભજનારા કહ્યા છે.

 

શ્રી હરિરાયજી કહે છે કે આવા લોકો અંતે તો પસ્તાવાના જ છે. મુખ્ય ધારાથી દૂર જનારાઓના આલોક-પરલોકની હાનિ થાય ઉપરથી લોકોની હાંસીને પાત્ર બને. એટલે સાચું શ્રેય  એમાં જ છે કે આપણો પંથ ક્યારેય છાંડીયે નહીં. ભગવાને શ્રી ગીતાજીમાં પણ એવી જ આજ્ઞા કરી છે કે સ્વધર્મે નિધન થાય તે ભલું પણ પરધર્મથી સદા ડરતાં રહેવું.

 

આપણો ધર્મ છોડી અન્ય પંથ અપનાવીએ તો બાવાના બેય બગડે ન આપણા ધર્મમાં રહીએ ન અન્ય ધર્મમાં ફાવીએ. આપણી હાલત અનાથ વ્યક્તિ જેવી થઇ જાય. આ વાત સમજાવવા શ્રી હરિરાયજી કહે છે કે આપણી દશા ગણિકાના પુત્ર જેવી થાય. ગણિકાના પુત્રને પિતાનું નામ પ્રાપ્ત થતું નથી. પિતાનું નામ ન હોવાથી અનૌરસ કહેવાય છે, અપમાનિત થાય છે, સામાજિક સ્વીકૃત્તિ મળતી નથી તેથી સમાજમાં તેનું અપમાન જ થતું રહે છે. તેવી જ રીતે અનેક દેવી દેવતાઓ વચ્ચે ભટકતો ભક્ત પણ આધ્યાત્મિક અનૌરસ જ ગણાય.  ભટકી ગયેલો ભક્ત પણ તેનું કોઈ ધણી ધોરી ન હોવાથી ધણી વગરનો, નધણિયાતો બની જાય છે. પતંગનો દોરો કપાઈ જાય તે પછી પતંગની  ગતિ અને દિશા અનિયંત્રિત થઇ જાય છે અને અંતે આકાશે ઉડવાને બદલે ભોંય ભેગી થઇ જાય છે તેવી જ રીતે પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ અને તેમના મુખારવિંદ સ્વરૂપ શ્રી વલ્લભના  શરણરૂપી રાજમાર્ગ  છોડી અન્ય માર્ગે જનાર આવા ભક્તો પણ દિશાહિન થઇ અવગતીમાં અટવાઈને અંતે આધ્યાત્મિક અવનતિ પામે છે.

 
વૈષ્ણવ જન કી ઝોંપડી ભલી, ઔર દેવકો ગામ |
આગ લગો વા મેંડમેં, જહાં ન વલ્લભ નામ  ||૬૦||
 

 
ભૌતિક સુખ સુવિધાનો કે ઐશ્વર્યનો અભાવ શ્રી હરિરાયજી ઝૂંપડી શબ્દથી દર્શાવે છે. શ્રી હરિરાયજી કહે છે કે સગવડ સભર સદન નહીં પણ સાચા વૈષ્ણવનો જ્યાં વાસ હોય તેવી ઝૂંપડી ભલી છે, વધુ શ્રેયસ્કર છે, વધુ પાવન અને વધુ પાવક છે. આવી જગ્યાએ જવું કે રહેવું આપણા માટે સારૂં છે કારણ કે વૈષ્ણવનું ઘર નંદાલય સમાન છે. ત્યાં શ્રી કૃષ્ણચંદ્ર સાક્ષાત બિરાજે છે, ખેલે છે, લીલા કરે છે.

 

ભગવાન શ્રીકૃષ્ણે પણ દુર્યોધનના મહેલ અને તેના મેવા મીઠાઈ કરતાં સાચા ભક્ત વિદુરની ભાજીને પ્રેમથી સ્વીકારી હતી. ઠાકોરજી પણ જેટલા પ્રેમથી શેઠ પુરુષોત્તમદાસના સ્વાદિષ્ટ વ્યંજનો આરોગતા હતા તેટલા જ પ્રેમથી પદ્મનાભદાસના છોલે આરોગતા હતા. આમ મહત્વ સુખ સુવિધા કે વૈભવનું નહીં ભાવનાનું છે. ભાવનાની વાત કરીએ તો આપણા માર્ગમાં આપણે ગોપીજનોના ભાવની ભાવના કરીએ છીએ. જે પ્રેમલક્ષણા ભક્તિનું ચરમ બિંદુ છે. પ્રેમનું શિખર એટલે ગોપી, પ્રેમનો ઉદધી એટલે ગોપી, નિર્વ્યાજ પ્રેમ, અપેક્ષા રહિત પ્રેમ, અસીમિત પ્રેમ, અક્ષુણ્ણ પ્રેમ એટલે ગોપી એટલે જ આપણે ગોપીને પ્રેમની ધ્વજા કહીએ છીએ.  આવી ભાવનાથી ભરપુર ઝૂંપડી સ્વર્ગથી પણ સુંદર છે.

 

ગામ શબ્દ અહિં સુખ, સુવિધા અને સમૃદ્ધિના પર્યાય તરીકે પ્રયોજાયો છે. આવા ગામોમાં કે મહેલોમાં અન્ય દેવી દેવતાનું પૂજન-અર્ચન થતું હોય તો ત્યાં રહેવું જ શા માટે? અન્ય દેવતાઓ પરબ્રહ્મ પરમાત્માના અંશાવતાર છે, તેમના આજ્ઞાકારી સેવકો છે. તેથી પરમ તત્વને છોડી તેમને ભજવામાં, અન્યાશ્રય કરવામાં સમજદારીનો અભાવ રહેલો છે. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથનો આધાર લઈએ તો તેમ કહી શકીએ કે શુદ્ધ પુષ્ટિ જીવ અન્ય દેવ પ્રતિ આકર્ષાય જ નહીં. તેની રતિ, પ્રીતિ, મતિ, ગતિ અને વૃત્તિ સર્વ એક શ્રી નંદનંદનમાં જ સમાહિત થયેલા હોય છે. ફરીથી વાત તે જ બિન્દુ પર આવીને અટકે છે. અનન્ય ભક્તિ, દ્રઢ વિશ્વાસ અને અન્યાશ્રયનો ત્યાગ પાવન પંથ છે. તેને છોડીએ નહીં કે તેનાથી દૂર જઈએ નહીં. ચીલો ચાતરીએ નહીં

 

એવી મેંડ કે મર્યાદા જેમાં આપણા શ્રી વલ્લભનું સ્થાન ન હોય તે આપણા માટે સ્વીકાર્ય નથી. શ્રી વલ્લભે દોરી આપેલી મેંડ આપણા માટે પરમ પવિત્ર બંધન કે પ્રાણથી પણ પ્યારી મર્યાદા છે. અંગ્રેજીમાં કહીએ તો sacrosanct છે. તેનું  ઉલ્લંઘન તો ઠીક તેની અવગણના પણ આપણે કરતા નથી. મર્યાદા માર્ગમાં પણ સીતાજીના ઉદાહરણથી લક્ષ્મણ રેખાનું માન રાખવાની પ્રણાલિકા છે.

 

શ્રી વલ્લભ તો વાક્-પતિ છે, પ્રભુના મુખારવિંદ રૂપ છે તેથી તેમની વાણીમાં સનાતન સિદ્ધાંતો સમાયેલા છે. તે મર્યાદા કે તે મેંડનું પાલન થવું જ જોઈએ. તેનાથી અલગ મેંડ હોય, જ્યાં શ્રી વલ્લભના સિદ્ધાંતોની વાત ન હોય તેવી મેંડનો પરિત્યાગ એ જ આપણા હિતની, આપણા સ્વાર્થની વાત છે. આથી જ શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે આવી મર્યાદા, આવી પ્રણાલી, આવો માર્ગ કે જેમાં શ્રી વલ્લભ ન હોય તે ભલે આગથી નાશ પામે.

 

 

આવી આગ પરમ પાવક જ્વાળા બની આપણું ભલું જ કરશે તેવી શ્રદ્ધા સાથે અહીં જ વિરમીએ. જય શ્રીકૃષ્ણ.    (ક્રમશ: )

© Mahesh Shah 2013

મહેશ શાહ, જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો, વડોદરા ૯૪૨૬૩૪૬૩૬૪/૨૩૩૦૦૮૩

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.