ગૌચારણ લીલા …

ગૌચારણ લીલા …

ગો એટલે ગાય અને પાલ એટલે પાળનાર અથવા રખેવાળ.જે ગાયોને પાળે છે તે ગોપાલ
આમ તો આ નાનકડાં ચરણ આ પહેલા ઘણીવાર વૃંદાવનમાં આવી ચુક્યા છે પણ આજનો દિવસ કંઇક વિશેષ હતો આજે વિવિધ પંખીઓનો કલરવ થતો હતો, હરણ, નીલગાય, હાથી વગેરે પશુઓ હર્ષિત ધ્વનિ કરી રહ્યાં હતાં. પલ્લવિત અને પુષ્પિત બનેલા વૃક્ષો આજે વ્રજનાં સૌથી નાનકડાં ગૌપ્રતિપાલના દર્શન કરી રહ્યાં હતાં.વૃક્ષોના પર્ણોએ હાથ જોડી ને પોતાના સ્વામીનું સ્વાગત કર્યુ, ને ડાળીઓ પોતાના નાનકડાં પ્રભુના ચરણોની રજને લઇ રહી હતી. કોઇ વૃક્ષો પોતાના પુષ્પો તો કોઇ વૃક્ષો પોતાના ફળો ને પ્રભુચરણમાં સમર્પિત કરી રહ્યાં હતાં, અને આજે ગૌચારણનાં પ્રથમ દિવસે પ્રકૃતિ પાસેથી તેનો પ્રથમ ગુણ બીજાઓને માટે પલ્લવિત, પુષ્પિત અને રસદાયક બનવું એ કર્તવ્યને અને એજ ગુણને માનવે અપનાવવું જોઇએ આ વાત આજે આ નાનકડાં દેખાતો બાળક આત્મસાત કરી રહ્યોં છે. વૃંદાવનની ખિલેલી શોભા ને કુતુહલથી જોતા જોતા અને વૃક્ષમાંથી ચળાઇને આવતા દરેક રવિકિરણો ને જોઇને નાનકડા નંદલાલને જાણે બાબા નંદ પ્રત્યેક કિરણો સાથે કહી રહ્યાં છે કે કે લાલા આજથી તું ગોવાળીયો થયો આપણી ગાયોને ચરાવીને તેને પુષ્ટ કરજે વનમાં લીલુ લીલુ ઘાસ ખવડાવજે, તેને ઝરણાંનું મીઠું જળ પિવડાવજે અને નદીના વહેતા ચોખ્ખા પ્રવાહથી તેને સ્નાન કરાવજે, તેનાં અંગ પરથી માખી અને કે અન્ય પરેશાન કરતા જીવજંતુઓને દુર કરજે. બાબાની વાતો ને ધ્યાનમાં રાખતા સૌ સખાઓ સાથે નંદલાલ પોતાના ગૌધન સાથે ગૌચારણ માટે નીકળ્યાં છે અને ગૌ માટે છ વર્ષના નાનકડા કૃષ્ણ કનૈયા ગોપાલ બન્યાં છે. કાર્તિક સુદ અષ્ટમીનો દિવસ નંદબાબાનાં આર્શીવાદ સાથે હમેંશાને માટે વૃંદાવનના ઇતિહાસમાં કેદ થઇ ગયો. ગૌચારણના મનોરથ દરમ્યાન આપણે પણ ગૌ બનીને ગોપાલનાં શરણે જઇએ છીએ. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્ય અહીં ગૌ નો અર્થ આપણી ઇન્દ્રિયો તરીકે કરે છે આપણી પાંચ કર્મેન્દ્રિય, પાંચ જ્ઞાનેન્દ્રિય અને અગિયારમું આપણું મન તે ઇન્દ્રિયો રૂપી ગૌ ને શ્રીઠાકોરજી ચરાવે છે અને આપણી ઇન્દ્રિયો રૂપી ગૌ ને જો વિવિધ સ્વરૂપે શ્રી શામળીયાસુંદરના દર્શન થઇ જાય તો ખરા અર્થમાં શ્યામસુંદરે આપણી ગાયો ને ચરાવી છે તેમ કહી શકાય.
પૂર્વી મલકાણ મોદી
યુ એસ એ
(૧૦/૧૪/૨૦૧૦)
પૂરક માહિતી :  શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી એ ગોપીભાવને પણ આજ રીતે વર્ણવ્યો છે. જે ગોપીભાવની આપણે વાત કરીએ છીએ  કે જાણીએ છીએ તે હકીકતમાં ગોપીભાવ  ના કહેવાય., ગોપીનો અર્થે ગો નામ ઇન્દ્રિય અને પી એટલેકે તે પી જનાર, તેનું સમન કરનાર, ઉપર જણાવેલ દરેક ઇન્દ્રિય ને પોતામાં સમાવી લેવી તે ગોપી…જેનો  નિર્મળ – શુદ્ધ- પવિત્ર – કામના રહિત ભાવ છે તેવી સ્ત્રી કે પુરુષ નો ભાવ ગોપીભાવ કહેવાય.

ભગવાન શ્રીકૃષ્ણ .. (ભાગ-૧)

ભગવાન શ્રીકૃષ્ણ … (ભાગ-૧)
(શ્રીમતી પૂર્વીબેન મલકાણની કલમે ‘વૃજલીલાનો મૂકસાક્ષી પનઘટ વિશે…’ આપણે આ અગાઉની પોસ્ટમાં જાણેલ આજે ફરી એક વાર તેમની કલમે ‘શ્રી કૃષ્ણ વિશે…’ જાણીએ….)
ત્રેતાયુગમાં રાક્ષસોનો વિનાશ કરવા માટે ભગવાન રામનો અવતાર થયો હતો તો દ્વાપરયુગમાં ભગવાન કૃષ્ણએ પૃથ્વી પર સત્ય અને ધર્મની મર્યાદાના પુનરોત્થાન માટે અવતાર ધારણ કર્યો હતો. દેવકીના ગર્ભમાંથી ઉત્પન્ન થયેલ વસુદેવ પુત્રની લીલાઓ અદ્વૈત હતી. કંસને મારવા માટે જેનો જન્મ થયો હતો, તેને વસુદેવજી કંસના ભયથી શ્રાવણવદ અષ્ટમીની મધ્યરાત્રીએ યમુનાના સામે કાંઠે વસેલા ગોકુલમાં નંદબાબાના ઘરે મૂકી આવ્યાં. પુત્રના રૂપમાં દેવકી નંદન શ્રીકૃષ્ણને મેળવીને યશોદાજીનું જીવન ધન્ય થઈ ગયું અને તે દિવસ પણ ઈતિહાસમાં ભાગ્યશાળી દિવસનું બિરુદ મેળવી ગયો અને દેવકીનંદન યશોદાનંદન બનીને ભક્તજનો, વ્રજવાસીઓ અને વૈષ્ણવોને આનંદિત કરી રહ્યા.
મનમોહન ચાલવા લાગ્યા અને દોડવા લાગ્યા.દોડતા દોડતા સૌ વ્રજવાસીઓને દોડાવવા લાગ્યા. મનમોહનમાંથી નવનીત ચોર અને ચિત્તચોર થઈ ગયા. કારણ કે, તેમને ગોપિઓના ઉલ્લાસિત ભાવ સાર્થક કરવાના હતાં. આ લીલાની સાથે સાથે પોતાના ઘરમાં અને ગોકુળ ગામમાં માખણની ચોરી કરીને ધમાલ મચાવી પરંતુ ગોકુળની ગલીઓમાં કૃષ્ણ આનંદ બનીને ઘેર ઘેરમાં ફરવા લાગ્યા. યશોદામૈયાએ કનૈયાને સાંબેલા સાથે બાંધીને તેમને દામોદર બનાવી દીધા અને દમોદરરાયે યમલાર્જુનનો ઉદ્ધાર કર્યો .પરંતુ કંસના બાળકનૈયાને મારવાના ઘાતકી પ્રયાસો પણ આ પ્રવાહમાં પ્રવાહિત થઈ ગયાં. પૂતના, શકટાસુર, વગેરે રાક્ષસો નિષ્ફળ થઈને પણ કનૈયાના હાથે મોક્ષ પામી ગયાં. પરંતુ ત્યારબાદ ગોકુલમાં રાક્ષસોનો ઉપદ્રવ વધતાં નંદબાબા સહિત કૃષ્ણ તે ગોકુલ છોડીને વૃંદાવન જઈ વસ્યાં.
ગોકુલ, વૃંદાવન, નંદગાવ, ગોવર્ધન, યમુના-પુલિન, વ્રજ-યુવરાજની મધુરિમ ક્રિડા વચ્ચે શ્રીકૃષ્ણ ગૌ પ્રતિપાલ બન્યાં. બીજી તરફ કંસના પ્રયત્નો પણ ચાલતા રહ્યાં. બકાસુર, વત્સાસુર, પ્રલમ્બાસુર, ધેનુકાસુર,અઘાસુર,વ્યોમાસુર, કેશી આદિ આવતા રહ્યાં, અને શ્યામસુન્દર બધા સુર અસુરોનો મોક્ષ કરતાં ગયા.
વૃંદાવનમાં કાળીયા નાગને નાથિયો અને નાગદમન કહેવાયા. ઇન્દ્ર અને બ્રહ્માજીનો ગર્વ પણ ઉતાર્યો . ગોપાલે વ્રજવાસીઓને અન્યાશ્રમમાંથી બહાર કાઢીને શ્રી ગોવર્ધન ગિરિરાજજીનું નવું માહાત્મ્ય બતાવ્યું અને વ્રજવાસીઓ પાસે ગોર્વધન પૂજન કરાવ્યુ. ઇન્દ્ર દેવે વરસાવેલા અતિવર્ષાથી ગિરિરાજને સાત દિવસ સુધી પોતાની ટચલી આંગળીએ ઉપાડીને વ્રજને બચાવી લીધું. કૃષ્ણની શક્તિ પર વારી ગયેલા દેવેન્દ્ર ઇન્દ્રએ સુરભિ ગાયના દૂધ વડે પ્રભુ પર અભિષેક કર્યો અને ગોવિન્દ તરીકેનો સ્વીકાર કર્યો. ઇન્દ્ર જેવા દેવનો ગર્વ ઉતાર્યો તેથી ઇન્દ્ર દમન અને બ્રહ્મા જેવા દેવનો ગર્વ ઉતારીને પ્રભુ દેવદમન બન્યાં.
ભગવાન શ્રીકૃષ્ણ વ્રજમાં કુલ ૧૧વર્ષ, ૫૨(બાવન) દિવસ અને સાત ઘડી રહ્યાં હતાં આ સમયગાળા દરમિયાન તેમણે જે દિવ્ય લીલાઓ કરી, તે વૈષ્ણવ ભક્તજનોના જીવનપથને સાચાર્થને માર્ગે લઈ જાય છે. ગોકુલ વૃંદાવન છોડયા પછી તો
શ્યામ કયારેય વ્રજ પધાર્યા જ નહી. હા એકવાર ઉદ્ધવજીને વ્રજમાં સંદેશો દેવા માટે મોકલ્યા હતાં અને ઉધ્ધ્વજી પણ ત્રણ દિવસ માટે મથુરાવાસી થઈને ગયા હતાં પરંતુ છ માસ બાદ તેઓ વ્રજમાંથી આવ્યા અને આવ્યાં ત્યારે સંપૂર્ણ રીતે વ્રજવાસી થઈને પાછા આવ્યા હતાં.
શ્રીકૃષ્ણચન્દ્ર પૂર્ણપુરૂષોત્તમ લીલાવતાર તરીકે જાણીતા છે. ભગવાન વેદવ્યાસની વાણીએ શ્રીમદ્ ભાગવત ગીતામાં તેમની દિવ્ય લીલાઓને શબ્દો વડે કંડારી. જે આનંદ સારસ્વત યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ વ્રજવાસીઓને આપ્યો હતો તેજ આનંદનું દાન આચાર્યવર શ્રી વલ્લભાચાર્યજીએ સમસ્ત વૈષ્ણવોને દેવદમન શ્રીનાથજી દ્વારા કરાવ્યુ.

પુરુષોત્તમ શ્રીકૃષ્ણ .. ભાગ ..૨ માણવા … અહીં નીચે પોસ્ટના નામ પર  ક્લિક કરશો.

પુરુષોત્તમ શ્રીકૃષ્ણ …(૨) …

 

લેખક:પૂર્વી મલકાણ મોદી… (યુ એસ એ)
“Purvi Malkan”

“માતૃત્વ” …

“માતૃત્વ” …પ્રિય સખી
જય શ્રી કૃષ્ણ !
“बड़ी देर भई नंदलाला तेरी राह तके ब्रिजबाला” આજે આ ગીત સાંભળતા સાંભળતા કેટલાક એવા પ્રસંગો યાદ આવી રહ્યાં છે જેને કારણે હૃદયમાં ઉઠેલી વેદના એ મને મારા મનની વાત કહેવા માટે અને હૃદય ખાલી કરવા માટે આ લખાણ થકી પ્રેરી છે પણ મારી વેદનાનો રસાંશ લેવા માટે તને કહેવું ગમતું નથી પણ તેમ છતાંયે કહીશ કે કેટલીક વેદનાઓ સુખકારી હોય છે માટે આજે મારી સાથે એ સુખકારી વેદના ને પીવા માટે આપણી એજ કૃષ્ણ કેડી પરથી વ્રજની ગલિયનમાં આવીને ભમશે કે? કારણ કે મારૂ માનવું છે કે આપણી વેદનાનું મૂળ પણ ત્યાંજ છે અને તેનો અંત પણ ત્યાં જ છે તો તૈયાર છે ???? વ્રજ ગલિયનની ધૂળમાં ભીંજાવા ને??
ગોકુલની ગલીઓમાં નાનકડાં ગોવિંદ ધૂમ મચાવી રહ્યાં છે. બાળક જ્યારે ઘોડિયામાં હીંચકતું હોય ત્યારે તેને સંભાળવું ઘણું જ આસાન છે પરંતુ ચાલતાં શીખે ત્યારે સંભાળવું ઘણું જ મુશ્કેલ છે. એ દોઢ બે વર્ષના સમય ગાળામાં બાળકને પોતાની આસપાસ રહેલી દુનિયાની તમામ જીવ સજીવ વસ્તુઓનું અસ્તિત્વ પામવા માટે ઉત્સુકતા હોય છે. આપણાં નાનકડા નંદલાલન પણ તેમાંથી બાકાત નથી ભલે ઈશ્વરે પૃથ્વી પર જ્ન્મ લીધો હોય, પણ બાળક બનીને ખેલવાની મહેચ્છા ને સ્વયં ઈશ્વર પણ દૂર કરી શક્યા નથી.
માતા યશોદા નંદનંદનને પ્રાત:કાળે સ્નાન કરાવીને, વસ્ત્રો પહેરાવી આભૂષણ શૃંગાર કરાવે છે અને કહે છે કે લાલન આપણાં
આંગણામાં જ દાઉ ભૈયા સાથે ખેલજો દૂર જશો નહીં અને માતાની વાત ને શીરાની જેમ ગળે ઉતારી નંદનદન માતાને કહે છે કે
હા……મૈયા હું અહીં જ રમીશ હોં…….દાઉભૈયા સાથે………થે…….નંદનંદનની કાલી મીઠી વાત સાંભળીને માતા ખુશ થતાં પોતાના કામમાં વળગતા પણ નજર તો બાલકનૈયા પર જ રહેલી હતી. થોડીવારમાં જ કામમાં મશગુલ થયેલા માતા યશોદાને જોઈને બાલ કનૈયાએ દાઉજી ને કહ્યું કે ચાલો દાઉ ખિરકમાં જઈએ અને નંદનંદન દાઉજી સાથે ગાયોની સાથે ખેલવા માટે ખિરકમાં પધાર્યા. દાઉજી કહે કાન્હા અહીં તો ગોબર, ગૌમુત્ર અને ઘાસનાં ઢગલે ઢગલા છે અહીં ક્યાં રમીશું? કાન્હા કહે કે દાઉ ભૈયા અહીં જ રમીશું અહીં જે રમવાની મજા છે, ભીંજાવાની જે મજા છે તે બીજે ક્યાંય નથી એટલું બોલીને નંદનંદન ખિલ ખિલતા હસતાં હસતાં ખિરકમાં દોડવા લાગ્યાં અને દોડતાં દોડતાં તેમણે દાઉજીને ધક્કો મારીને છાણનાં ઢગલામાં ફેંકી દીધાં અચાનક આવેલા ધક્કા એ પલભર માટે દાઉજીને દિગ્મૂઢ કરી દીધાં પણ બીજી જ ક્ષણે ઊભા થઈને તેમણે પણ કન્હાઇ ને ધક્કો માર્યો અને કન્હાઇ ધબ કરતાં ઘાસનાં ઢગલામાં જઈ પડ્યાં અને તે સાથે બંને કુમારો ખડ ખડ કરીને હસવા લાગ્યાં. ગાયો ઘાસથી ખરડાયેલા ગોવિંદજીનાં શરીર પરના ઘાસનાં તણખલાઓને ચાટવા લાગી. નાનકડા ગોવિંદજીનાં શરીરનાં ચાટતી ગાયોને જોઈને આસપાસ કામ કરી રહેલી ગોપિકાઓ ખિરક તરફ દોડી અને યશોદાનંદન અને રોહિણીનંદન ને ગોદીમાં લઈ તેના તન પરથી ગોબર અને ઘાસ સાફ કરવા લાગી. કામ પડતાં મૂકીને ખિરક તરફ ભાગેલી ગોપિકાઓની ચહેલ પહેલ જોઈને માતા રોહિણી પણ દોડયા અને માતા રોહિણીની સાથે સાથે માતા યશોદા પણ દોડીને આવ્યા અને દાસીઓનાં હાથમાંથી પોતાના ગંદા ગોબર ગણેશ થયેલા બાળકોને લઈને વહાલ કરવા લાગી. માતાઓને આવેલા જોઈને દાસીઓ થોડા પગલાં પાછળ તો ખસી ગઈ, પરંતુ તેમના મુખ ઉપર થોડું ઝંખવાયેલું હાસ્ય ફરી વળ્યું, આંખોમાં ન સમજાય તેવું ઝળહળ થતું પાણી બિંદુઓ બનીને ઝળકી રહ્યું હતું અને હૃદયમાં એક જ ભાવ આવી રહ્યો હતો કે કાશ આ બંને કુમારોને ગોદમાં લેવા મળે, તેમની સાથે રમવા મળે તો કેટલું સારું. પણ રમવાની વાત તો દૂર ગઈ અહીં તો સ્પર્શ કરવા માટે પણ મન તરસવા લાગ્યાં છે. ગોપિકાઓ જ્યારે જ્યારે બાળકોને જોતી ત્યારે તેમને લાગતું કે આ કુમારોને હાથમાં લઈ લઈએ, તેમને ગોદમાં બેસાડીને ખૂબ વહાલ કરીએ પણ ગોપિકાઓની વહાલની સરવાણીઓ સુકાતી રહેતી. દિન પ્રતિદિન ગોપિકાઓ ભગવાનને પ્રાર્થના કરતી રહેતી કે અમારી ગોદમાં પણ નંદનંદન અને રોહિણીનંદન ખેલતા હોય તો કેટલું સારૂ પરંતું ગોપિકાઓની સાથે સાથે ખિરકમાં રહેલી ગાયોની પણ આજ દશા હતી. ગાયોની આંખો અને મન પણ સદાય તરસતા રહેતા. ગાયો પણ પોતાના અવાજમાં અને મૂક આંખો એ ભગવાનને વિનંતી કરતી કે જે લાલનનો હાથ અમારા શરીર પર વહાલથી ફરે છે તેજ લાલનનો સ્પર્શ અમને અમારા વાછરડાં રૂપે મળે તો કેટલું સારૂ. ..
નંદનંદન અને રોહિણી નંદનના પ્રત્યેક દિને મોટા થવાની પ્રત્યેક ક્ષણોમાં ગાયો અને ગોપીઓ પ્રાર્થના કરતી રહેતી કે માતા યશોદા અને માતા રોહિણી જેવું માતૃત્વનું સુખ અમને પણ મળે. શ્રી મહાપ્રભુજી કહે છે કે અંતરથી કરેલી પ્રાર્થના ક્યારેય નિષ્ફળ જતી નથી. ગોકુલની ગોપીઓ અને ગાયોએ કરેલી પ્રાર્થનાને સમય જતાં ભગવાને સાંભળી અને તેમની પ્રાર્થના થકી બ્રહ્માજીને ભગવાનના સ્વરૂપમાં શંકા થઈ તેમણે પૃથ્વી લોક પર આવીને ગોપબાળકો અને વાછરડાંઓને હરી લીધાં અને પોતાની સાથે બ્રહ્મલોકમાં લઈ ગયા શ્રી ઠાકોરજીને ખબર પડી કે બ્રહ્માજીએ પોતાના સખાઓ અને વાછરડાંઓને પોતાનાથી જુદા કર્યા છે ત્યારે તેમણે પોતાના જ સ્વરૂપમાંથી પોતાના અસંખ્ય સખાઓ અને વાછરડાંઓને પ્રગટ કર્યા. સાંજનાં સમયે ગોચારણમાંથી પાછાં ફરતાં કૃષ્ણ કનૈયા, બાલ ગ્વાલ સખાઓ અને વાછરડાંઓને જોઈને આજે ગોકુલની ગલીઓ આશ્ચર્ય ચકિત બની ગઈ રોજ આ રજ કૃષ્ણકનૈયાનાં બે અને દાઉજીનાં બે એમ ચાર ચરણકમળોની છાપને પોતાની ગોદમાં લઈ તેના સ્વાગતની તૈયારીઓ કરતી હતી પણ આજે એ ફક્ત ચાર ચરણકમળ ન હતાં આજે તો એ ચાર ચરણકમળોની સાથે સાથે બીજા પણ અસંખ્ય ચરણકમળો હતાં અને તે ચરણકમળોને જોઈને વ્રજરજને ખાતરી થતી હતી કે આજે પ્રત્યેક ચરણમાં એક એક કૃષ્ણ કનૈયા અને એક એક દાઉજી સમાયેલા છે. જાણે અજાણે આજે ગોકુલની ગલીઓની સાથે સાથે ગોકુલની દરેક માતાઓ પણ આનંદિત બનીને પોતપોતાના બાળકોની રાહ જોઈ રહી હતી. ઘેર પહોંચતા સુધીમાં તો દરેક ગોકુલ ગ્રામ્યનારી પોત પોતાના બાળકો સાથે પોતાની દુનિયામાં સમાઈ પણ ગઈ, જે નંદાલયની દીવાલો ગઇકાલ સુધી અસંખ્ય ગોપિકાઓના નાદથી ગુંજતી હતી તે દીવાલો આજે ખાલી ખમ્મમ રહી ગઈ. જે ગાયોની મૂક આંખોમાં ગઇકાલ સુધી કૃષ્ણ અને દાઉ પડછાયો બનીને ઘૂમતા હતા તેજ આંખોને આજે પોતાના વાછરડાંઓ સિવાય કંઈજ દેખાતું ન હતું . રોજ સવારે જે ઘર આંગણ ગોપ ગોપીઓનો શોરમચોરથી ગાજતો રહેતો હતો તે ઘર આંગણ પણ હવે શાંત થઈને બેસી ગયું હતું.
ગોકુલના ઘેર ઘેરમાં આજે કૃષ્ણ ગ્વાલ બનીને ખેલતા હતા અને દરેક ખિરકમાં કૃષ્ણ વાછરડું બનીને ગાયોની સાથે રમી રહ્યાં હતાં. જે સાંજ પહેલાં મોડે મોડેથી શરૂ થતી હતી તે સાંજ હવે જલ્દીથી ઢળી જતી અને તે ઢળી જતી સાંજનાં સથવારે ગોકુલ ગ્રામ પણ જંપી જતું. નંદાલયમાં બંને માતાઓ વિચારતી રહેતી કે હવે મારા લાલનને જોવા કે રમાડવા કેમ કોઈ આવતું નથી? એક બે વાર તો માતાઓએ ગોપીઓ પાસે મમરો પણ મૂકી જોયો કે શા માટે હવે ગોપિકાઓ નંદાલયમાં આવતી નથી? અને જવાબ મળ્યો કે જે સુખ પહેલા તેમને નંદાલયમાં મળતું હતું તેજ સુખ હવે તેમને પોતાના બાળકોમાં મળે છે, તેથી માતાઓ પોતાના બાળકોને છોડવા તૈયાર થતી નથી.
સખી મારી વેદના અહીં જ છે જ્યારે આપણે પણ માતા બનીએ છીએ ત્યારે ભગવાન ને પ્રાર્થના કરીને કહીયે છીએ કે અમને કૃષ્ણ કનૈયા જેવો પુત્ર આપ, પણ એમ નથી કહેતા કે હે પ્રભુ કૃષ્ણ કનૈયા જ મારી ગોદમાં ખેલે. “કૃષ્ણ કનૈયા જેવો બાળક” અને “કૃષ્ણ કનૈયા” બંનેમાં ઘણો જ ફર્ક છે તે તું જાણે છે? આપણે માતાઓ જ્યારે ભગવાનને પ્રાર્થના કરીએ કે કૃષ્ણ કનૈયા જ અમને બાળક રૂપે જોઈએ છે, ત્યારે પ્રભુ વિચારે કે આમને તો હું જ બાળક રૂપે તેમની ગોદમાં ખેલું તે જોઈએ છે , પણ આપણે કહીએ કે હે પ્રભુ કૃષ્ણ કનૈયા જેવો બાળક અમને જોઈએ છે ત્યારે તે સારૂપ્ય સ્વરૂપ થયું શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે આપણે માતાઓએ પ્રભુનું સારૂપ્ય સ્વરૂપ માંગ્યું હતું તેથી બાળકમાં પ્રભુનું રૂપ હોવાને કારણે બાળક આપણને વહાલું લાગે છે પણ તે આપણું હોવાને કારણે ફક્ત આપણને વહાલું લાગે છે, પરંતુ બીજાઓને એટલું વહાલું લાગતું નથી. પરંતુ જ્યારે માતાઓ કહેશે કે પ્રભુ જ તેમને બાળક સ્વરૂપે જોઈએ ત્યારે તે બાળક બનેલા પ્રભુ દરેકે દરેક માતાઓને વહાલા લાગશે.
પ્રિય સખી અહીં મને શ્રી હરિરાયપ્રભુજીના સમયનો એક બનાવ યાદ આવી ગયો. એકવાર શ્રી હરિરાય મહાપ્રભુજી વસંતપંચમીના દિવસો દરમ્યાન રાજસ્થાનમાં પોતાના કોઈ સેવક રાજાના મહેલે ગયા ત્યાં તેમના મહેલની હવેલીમાં તેમના ઠાકોરજીને જોઈને શ્રી હરિરાય મહાપ્રભુજી હસી પડ્યાં તેમને હસેલા જોઈને રાજાએ પૂછ્યું કે આપ શા માટે હસ્યાં? શ્રી હરિરાય મહાપ્રભુજી કહે કે આ આપના ઠાકોરજી છે ને…… તે તો અમારા ઠાકુરજીના ધોબી છે આ સાંભળીને રાજાને ગુસ્સો આવ્યો કે ગુરૂવર શ્રી હરિરાયજી મારા ઠાકુરજીને ધોબી કહે છે……!!! પણ મહાપુરુષોની સામે ગુસ્સો કેમ કરાય? તેથી રાજાએ કહ્યું કે આપ કહો છો તેની ખાતરી શું છે? શ્રી હરિરાય મહાપ્રભુજી એ કહ્યું કે આજે તમે શ્રી ઠાકુરજીના ખેલેલા વસ્ત્રો તેની પાસે મૂકી દો અને આવતી કાલે જો જો . તે રાત્રિ એ શ્રી હરિરાયમહાપ્રભુજીના ઠાકુરજીના વસંત પંચમીના રંગો વડે ખેલેલા વસ્ત્રોને શ્રી હરિરાય મહાપ્રભુજી એ રાજાની સામે રાજાના ઠાકુરજી સામે મૂક્યા અને હવેલીના દરવાજા પર તારામંગલ કરી દીધાં.
બીજા દિવસે સવારે હવેલીમાં ટેરો ખોલ્યો ત્યારે રાજાએ જોયું કે શ્રી હરિરાયમહાપ્રભુજીના ઠાકુરજીના વસ્ત્રો એકદમ ચોખ્ખા થઈ ગયા છે ત્યારે તેમને ઘણું જ આશ્ચર્ય થયું તેમણે શ્રી હરિરાય મહાપ્રભુજીને તેનું કારણ પૂછ્યું?? શ્રી હરિરાય મહાપ્રભુજી એ કહ્યું કે તમારા ઠાકોરજી એ શ્રી ગુંસાઈજી પ્રભુચરણના સમયમાં ધોબી હતો એકવાર શ્રી ગુંસાઈજી બાવા એ જોયું કે આ ધોબી બધાના કપડાં પછાડી પછાડીને ધુએ છે પણ શ્રી ઠાકુરજીના વસ્ત્રો તે બહુજ પ્રેમથી અને સુંદર રીતિથી મલી મલીને ધુએ છે ત્યારે શ્રી ગુંસાઈજી પ્રભુચરણ ને અત્યંત પ્રસન્નતા થઈ તેમણે ધોબીને પોતાની પાસે કંઈક માંગવા કહ્યું ત્યારે ધોબી એ માંગ્યું કે મને શ્રી ઠાકુરજીના જેવુ રૂપ આપો મને સારૂપ્ય મુક્તિ આપો. શ્રી ગુંસાઈજી પ્રભુચરણની કૃપાથી મળેલ આશીર્વચનોને કારણે એ ધોબીએ સારૂપ્ય સ્વરૂપ લીધું છે (એટ્લે કે શ્રી ઠાકુરજીનું સ્વરૂપ લીધું છે )અને આજે એ આપને ત્યાં શ્રી ઠાકુરજીની જગ્યાએ પૂજાય છે.
એ સખી આપણી પણ આજ દશા છે આપણે જ્યારે માતા બન્યા ત્યારે ઠાકુરજીને એમ નથી કીધું કે પ્રભુ આપ મારે ત્યાં બાળક બનીને આવો પણ એમ કહ્યું છે કે પ્રભુ જેવુ બાળક મારે ત્યાં આવે આમ આપણે પણ ભગવાનની સારૂપ્ય ભક્તિ માંગી છે સખી “માતૃત્વની” નદીએ જઈને આપણે સમજ વગર નદીમાંથી ફક્ત પાણીનું બિંદુ લઈને આવ્યા હોઈએ ત્યારે આપણને આપણી જાત માટે દુ:ખ થાય છે અને હવે મોડે મોડેથી જ્યારે જ્ઞાન થયું છે ત્યારે ઘણું જ મોડું થઈ ગયું છે બસ “માતૃત્વની નદીએ હું ઊભી રહીને તરસી જ રહી ગઈ”, તેજ વેદના રહી ગઈ છે અને એ વેદનાને પરિપૂર્ણ કરવા માટે પણ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી એ કૃપા કરીને આપણને પોતાની કાની થી શ્રી ઠાકુરજી પધરાવી આપ્યાં છે પરંતુ હજુ પણ આપણે માતા યશોદા કે ગોપિકાઓ નથી બની શક્યા અને બની શકીશું કે નહીં તે પણ મને ખબર નથી. તારો વિચાર શું છે તે તું મને કહી શકે છે, કદાચ તારી વેદના પણ મારી જેમ જ હશે તેમ હું માનું છું ચાલ ત્યારે રજા લઉં મારીસાથે વ્રજ ગલીયનની રજમાં ભીંજાવા માટે તારો આભાર. આપણે ફરી મળીશું એજ કૃષ્ણ કેડી પર કોઈક નવા વિષય સાથે નવા વિચાર સાથે____વ્રજની વનરાઈમાં વ્રજનીશની સાથે ફરવા માટે.
સારાંશ-“આપણે ત્યાં પણ જ્યારે બાળક આવવાની તૈયારી હોય ત્યારે આપણાં મોટેરાઓ આપણાં હાથમાં ધર્મ પુસ્તકો આપે છે અને કહે છે કે તારે ત્યાં રામ અને કૃષ્ણ જેવુ બાળક થાય આમ આપણે પ્રભુના જેવી સારૂપ્ય સ્વરૂપની માગણી કરીએ છીએ પણ જ્યારે એમ કહીશું કે પ્રભુ જ મારી ગોદમાં ખેલે ત્યારે પ્રભુને સ્વયં આપણને માતૃત્વનું સુખ દેવા પધારવું જ પડશે અને તે સમયે દરેક માતાઓની ગોદમાં પરમપ્રભુ શ્રી કૃષ્ણ જ બાળક રૂપે ખેલતા હશે અને દરેક માતા યશોદા અને ગોપિકાઓ બની જશે અને ઘર ઘરનું વ્રજ વ્રજનીશની સાથે મહેંકતું હશે.”
સાભાર : પૂર્વી મલકાણ – મોદીનાં જય શ્રી કૃષ્ણ  (યુ એસ એ)
૧૨-૧૦-૨૦૧૦

(૧) પતૌડી …(પાનથી બનેલી વાનગી) –(મહારાષ્ટ્રીયન) … (૨) ટામેટા નો સૂપ …

પતૌડી …(મહારાષ્ટ્રીયન)

બનાવવાનો સમય – ૧ કલાક
(ઍપિટાઈઝર તરીકે હોય તો : ૩ થી ૪ વ્યક્તિ માટે.)


[અમેરિકા નિવાસી પૂર્વીબેન ‘વાનગીઓ અને મસાલાઓ’ ક્ષેત્રે અનેક વર્ષોથી કાર્યરત છે. તેમણે આ ક્ષેત્રે વિશાળ પાયે કામ કર્યું છે.  આ જ વિષયને લઈને તેમનું ‘રસ પરિમલ’નામનું એક પુસ્તક પ્રકાશિત પણ થયું છે, જેમાં વિવિધ નવી વાનગીઓનો સમાવેશ કરવામાં આવેલ છે. આ પુસ્તકમાંથી ‘પતૌડી’ નામની આ વાનગીની રીત ‘દાદીમા ની પોટલી’ … ને મોકલવા માટે તેમના અત્રે આભારી છીએ ……  આ અગાઉ તેઓની  અનેક રહ્ચ્નાઓ પણ અહીં આપણે માણી છે…  ]

 

સામગ્રી :

૫-૬ નંગ બટેટા બાફેલા

૬-૭ નંગ લીલા મરચાં

૧ નંગ આદુનો ટુકડો

૪ -૫ નંગ લસણ ની કળી

૧/૨ વાટકી  લીલી કોથમરી બારીક સમારેલી

બારીક સમારેલા મીઠા લીમડાનાં પાન

૧/૪ – ચમચી હળદર પાઉડર

મીઠું સ્વાદ અનુસાર

આમચૂર પાવડર

રાઈ

જીરું

હિંગ

૧૨-૧૩ નંગ કોબીનાં આખા પાન

૧/૪ – ચમચી તેલ -કોબીનાં પાન માટે

૧/૪ – તેલ મસાલો સાંતળવા માટે

૧/૨ – કપ બારીક સમારેલા કાંદા

૧ મોટી તપેલી ( પાણી ગરમ કરવું અને તેમાં થોડું મીઠું અને તેલ નાખવું.)

લવિંગ અથવા દોરો

રીત :

૧ ) સૌ પ્રથમ બાફેલા બટેટાનો માવો કરવો.

૨ ) બારીક સમારેલા કાંદામાંથી ૧/૨ -(અડધા) કાંદા તેમાં મિકસ કરવા….

૩ ) અને બાકીના ૧/૨ -(અડધા) કાંદાને આદું, મરચાની પેસ્ટ સાથે સાંતળવા

૪ ) લીલા મરચા, આદું અને લસણની પેસ્ટ કરવી

૫ ) ૧/૪ – ચમચી તેલ ગરમ કરવા મુકવું

૬ ) તેલ ગરમ થાય ત્યારે તેમાં રાઈ, જીરું, હિંગ અને હળદર નાખવા

૭ ) હળદર નાખ્યા બાદ તરત જ તેમાં વાટેલાં આદું મરચાની પેસ્ટ નાખવી અને થોડી પળો માટે સાંતળવી

૮ ) બારીક સમારેલા મીઠા લીમડાના પાનની સાથે થોડી કોથમરી પણ તેમાં નાખવી અને બારીક સમારેલા ૧/૨-(અડધા) કાંદા નાખવા અને મિક્સ કરવા અને ફરી થોડી પળો માટે ગેસ પર ચડવા દેવું.

૯ ) બટેટા અને કાંદાના મિશ્રણમાં આ સાંતળેલો મસાલો, મીઠું આમચૂર પાવડર નાખવા

૧૦ ) સ્વાદ મુજબ મીઠું નાખવું થોડી કોથમરી નાખવી અને સરસ રીતે મિક્સ કરવું.

૧૧ ) કોબીનાં આખા પાન કાઢીને તેમાં પાછળના ભાગમાંથી જાડી એવી ડલીનો ભાગ આખું પાન ન તૂટે તે રીતે કાઢી નાખવો. (જે રીતે આળુંના પાતરા બનાવતી વખતે ડલી કાઢી નાખીએ છીએ તે જ રીતે)

૧૨ ) મોટું તપેલું પાણી ગરમ કરવું અને તેમાં થોડું મીઠું અને તેલ નાખવું અને પાણીને ઉકાળવું.

૧૩ ) કોબીનાં પાનને એ ગરમ પાણીમાં નાખવા અને લગભગ ૨૦  સેકન્ડ માટે ગરમ પાણીમાં  ઉકાળી કાઢી લેવા.

૧૪ ) કોબીનાં પ્રત્યેક પાનમાં બટેટાનો થોડો માવો ભરવો અને તે પાન ખૂલે નહીં તે રીતેનો રોલ બનાવીને તેને લોક કરવા માટે લવિંગથી  સીલ કરી દેવું.

૧૫ ) પાન તેલવાળું અને બોઈલ થઈને નરમ પડી ગયું હોઈ ઘણીવાર સીલ કરવા માટે તકલીફ પડે છે આવા સમયે પાનનો રોલ કરી તેને દોરાથી બાંધી દેવો.

રોલને આપ સુપમાં નાખી Bake કરી શકો છો અથવા Appetizer તરીકે પણ પીરસી શકો છો.

મેંદાનો લોટ અને ચોખાનો લોટ લઈ તેમાં મીઠું અને ગ્રીન લીવ્ઝ ઓરેગાનો નાખીને મિશ્રણ બનાવી લેવું. તેમાં રોલ નાખીને તેને બ્રેડ ક્રમ્સમાં રગદોળી તળી લેવા અથવા શેલો ફ્રાય કરી લેવા (કોબીનાં પાન હોવાથી થોડા જ બ્રાઉન થશે )

નોંધ: –

૧ ) ખાતી વખતે દોરો કાઢવાનું ભુલશો નહીં.

૨ ) કાંદાનો ઉપયોગ કરવો હોય તો જ તે બનાવનાર પર આધાર રાખે છે. આ વાનગી તીખી વધુ હોય તો વધારે મજેદાર લાગે છે અને કોઈપણ સમયે ઉપયોગમાં લઈ શકાય છે આ વાનગીની ખાસ બાબત એ છે કે જો તેલ વાપર્યા વગર પણ બનાવવી હોય તો બનાવી શકાય છે તેલ હોય કે ન હોય સામગ્રીમાં પણ પોતાનો સ્વાદ અને સુગંધ જાળવી રાખે છે

૩ ) પાર્ટીમાં આ વાનગી લઈ જશો તો તો ચોક્કસ આપની ટ્રે ખાલી જ પાછી આવવાની. ટી પાર્ટી હોય કે ડ્રિંક પાર્ટી આ વાનગી તેનું આધિપત્ય જમાવી દે છે.

૪ ) બટેટાના આજ માવામાંથી આપ બટેટા વડા પણ બનાવી શકો છો અને તેમ છતાં પુરણ વધી પડે તો આપ આલુ પરોઠા પણ બનાવી શકો છો.અને આલુ પરોઠાથી પણ થાકી ગયા હોવ અને વધુ મજેદાર સાંજ બનાવવી હોય તો આજ પૂરણમાં થોડા લીલા વટાણા બાફીને નાખી દો અને સમોસા અથવા પફ બનાવી લો…… એક સ્વાદ…અનેક  સ્વાદ રૂપ પણ આ બધામાં ખાસ છે અનેરી  મજેદાર … … “પતૌડી….પત્તોથી બનેલી__ પ તૌ  ડી__

(૨) ટામેટા નો સુપ માટેની સામગ્રી :

ટમેટાનો સુપ આપ કેન વાળો પણ લઈ શકો છો અને ઘરે પણ તૈયાર કરી શકો છો.

ટામેટાના  ૬  થી ૭  ટુકડા કરી થોડું ક્રીમ અને પાણી મિક્સ કરી મિક્સીમાં વાટી લેવા

જરૂર પુરતું પાણી નાખવું

મીઠું સ્વાદ મુજબ નાખવું

૧/૨ –  ચમચી ખાંડ

૧/૨ – ચમચી ઘી

૧ – ચમચી આરારૂટનો લોટ (તપકીર  નો લોટ )અથવા કોર્ન સ્ટાર્ચ

૧/૨ – ચમચી જીરું આખું

૧/૪ – ચમચી લાલ મરચાનો પાવડર

રીત :

૧) ટમેટાનો પલ્પ બનાવી લેવો

૨) ઘી ગરમ કરીને તેમાં આખું જીરું નાખવું

૩) આખા જીરા બાદ તેમાં લાલ મરચું નાખવું

૪) ત્યાર બાદ તેમાં ટમેટાનો પલ્પ નાખવો અને ગરમ થવા દેવું.

૫) સ્વાદ મુજબ મીઠું નાખવું

૬) ખાંડ નાખવી

૭) સુપને ઘટ્ટ બનાવવા માટે કોર્ન સ્ટાર્ચ ૧ – ચમચી લઈ પાણીમાં મિકસ કરી ઉમેરવો.

૮) જો ફરાળમાં સુપ વાપરવો હોય તો આરારૂટનો લોટ ૧ -ચમચી મિક્સ કરી દેવો. (ફરાળમાં જે ટામેટાનો ઉપયોગ કરતા હોય તેને માટે)

સાભાર :પૂર્વી મલકાણ મોદી – રસ પરિમલમાંથી

 

બ્લોગ લીંક: http://das.desais.net

“अतिथि देवो भव” …

अतिथि देवो भव” …
આજે ફરી વખત એક નવી કૃતિ શ્રીમતિ પૂર્વિબેન મલકાણ – મોદી (યુ.એસ.એ.) તરફથી ‘દાદીમા ની પોટલી’ મોકલવામાં આવેલ છે, જે બદલ તેમના અમો અત્રે અંતરપૂર્વક ના આભારી છીએ… આતિથ્ય વિષે ખૂબજ સુંદર વાત તેઓશ્રી લઈને આવેલ છે… આપ સર્વે પાઠક મિત્રોને વિનંતિ કે ,અહીં મૂકવામાં આવતી કોઈપણ કૃતિ, રચના કે રસોઈ જો આપને  પસંદ કે નાપસંદ આવે,તો અંગેના આપના પ્રતિભાવ જરૂરથી કોમેન્ટ્સ વિભાગમાં મૂકી આભારી કરશો., આપના કોઈપણ પ્રતિભાવ લેખક  માટે સદા પ્રોત્સાહનરૂપ બની  રહે છે.)એક સમય હતો કે ઘર આંગણે અતિથિ આવે તો તેનો યથાશક્તિ આવકારો અપાતો તેથી આપણા સાહિત્યોમાં અતિથિને ભગવન કહીને સંબોધિત કરેલ છે પરંતુ અતિથિ કોને કહેવાય? ઉપનિષદમાં કહ્યું છે કે જે મનુષ્ય રાત્રી રોકાણ અર્થે બીજાના ઘરે નિવાસ કરે છે અથવા નિશ્ચિત દિવસ, તિથિ અને સમય આપ્યા વગર આંગણિયે આવીને ઊભો રહે તેને અતિથિ કહેવામાં આવે છે. આપણી સંસ્કૃતિમાં માતા-પિતા અને ગુરૂ પછી ચોથું સ્થાન અતિથિને આપવામાં આવ્યું છે તેથી આપણે માતપિતા અને ગુરુની જેમ “अतिथि देवो भव” કહીને અતિથિ રૂપી વૈષ્ણવોને આવકારીએ છીએ .આપણા સાહિત્યોએ અતિથિના આદર-સત્કારની વાત કરતાં કહ્યું છે કે, “अतिथिम् अभ्यागतम् पूज्यते यथाविधिः “ અર્થાત્ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે અતિથિ રૂપી વૈષ્ણવોની પૂજા કરવી. અતિથિ વૈષ્ણવ ઘરે આવે ત્યારે તેને પ્રિય થાય તેવા વચનોથી સન્માનિત કરી મીઠો આવકાર આપવો જોઈએ., તેમના પગ પાણી વડે ધોઈ કોમળ વસ્ત્ર વડે કોરા કરી તેમને બેસવા માટે આસન, પીવા માટે ઠંડુ જળ અને ભોજન માટે અન્ન પ્રસાદ ગ્રહણ કરાવી, તેમને મનુહાર કરીને પ્રસન્ન કરવા જોઈએ. શાસ્ત્રોમાં જણાવેલ છે કે જે મનુષ્ય અતિથિનું પ્રસન્નતાપૂર્વક સ્વાગત કરે છે તેના ઘરે શ્રીમન નારાયણ લક્ષ્મીજી સહીત નિવાસ કરે છે. અતિથિના આદર-સત્કારની વાત કરતાં મનુસ્મૃતિમાં કહેવામાં આવ્યું છે કે, અતિથિ અચાનક કોઈ એવા સમયે આવી જાય કે જ્યારે ઘરમાં કંઈ જ ન હોય ત્યારે પણ પ્રેમપૂર્વક બોલીને તેનું સ્વાગત કરવું જોઈએ. અતિથિ સત્કારના ઘણા ઉદાહરણો આપણા સાહિત્યોમાં જોવા મળે છે. ઓગણપચાસ દિવસના ઉપવાસ કરનાર રંતિદેવે પોતાના હાથમાં રહેલ ભોજનનો થાળ ભૂખ્યા અતિથિ, શુદ્ર તથા શ્વાનને સરખા ભાગે વહેંચીને આપી દીધો હતો અને પીવા માટેનું જે પાણી વધ્યું હતું તે પણ એક તરસથી પીડાતા ચાંડાલને આપી દીધું હતું. જૂનાગઢ પાસેના બિલખા ગામમાં રહેતા વૈષ્ણવ શેઠ સગાળશાનું એવું વ્રત હતું કે દરરોજ આંગણે આવેલા એક સંત-સાધુ અને વૈષ્ણવને ભોજન કરાવીને જ પોતે જમે અને જે દિવસે કોઈ વૈષ્ણવ સંત ન આવ્યા હોય તે દિવસે શેઠ અને શેઠાણી ભૂખ્યાં રહે. આપણા પુષ્ટિ માર્ગમાં પણ ઉત્તમ આતિથ્ય સત્કારના અસંખ્ય ઉદાહરણ જોવા મળે છે. પ.પૂ૧૦૮ ગો શ્રી ,મથુરેશશ્વરલાલજી મહારાજ કહે છે કે આ સંસારમાં જો કંઈ સારૂં કરવા જેવું હોય તો આ પાંચ વસ્તુ છે. (૧) સંતો, ભગવદીય, અને વૈષ્ણવોનો સદા સત્સંગ કરવો , (૨) હરિનું ભજન કરી શ્રી હરિ સાથે એકત્વ સાધિ લેવું , (૩) જીવ માત્ર પર દયા અને કરૂણા રાખવી, (૪) પ્રત્યેક વૈષ્ણવોમાં સદ્ભાવના રાખવી અને, (૫) શ્રી વલ્લભ અને શ્રી વલ્લભ કુલ પર દ્રઢ વિશ્વાસ રાખવો. મનુસ્મૃતિમાં કહેવામાં આવ્યું છે કે, “वैश्नवअतिथि प्रियः सुगृहस्थों विशिष्यते” અર્થાત્  જેમને અતિથિરૂપી વૈષ્ણવો પ્રિય છે તેવા ગૃહસ્થોનો વિશેષ મહિમા હોય છે. પ્રિય સખી તેથી આપણાં સંતો કહે છે કે તમારે ભગવાન સાક્ષાત જોવા હોય તો અતિથિઓમાં જુઓ અને ઘરે આવેલા કોઈપણ વૈષ્ણવમાં પ્રભુનું કયુ સ્વરૂપ પધારે છે તે કેમ કહી શકાય પરંતુ શ્રી વિઠ્ઠલનાથજી પ્રભુચરણ કહે છે કે જે વૈષ્ણવોને પોતાના ઘરે પધારેલા વૈષ્ણવોમાં શ્રી ઠાકુરજી દેખાઈ જાય છે ત્યારે તેમને શ્રી હરિની પ્રાપ્તિ પણ થઈ જાય છે.
ઉપરોક્ત લેખ આ સાથે બતાવેલ સાઈટ  પર  પણ  માણી શકશો… … pushti prasad. com
સાભાર : પૂર્વી મલકાણ – મોદી (યુ એસ એ)

કયાંથી લાવું ?? …

કયાંથી લાવું ?? …

radhakrishna

૧) મન કેરી વૃંદાવનની ગલીઓમાં આમતેમ ભટકું છું
પણ ગોપીઑ કેરી રસભાવના ક્યાંથી લાવું?
-દ્વારમાંથી નંદભવનમાં જવા માટે અધિરી બનતી જાઉં છું
પણ દ્વારમાંથી અંદર જવાનો માર્ગ ક્યાંથી લાવું?
-મા, મૈયા ને અમ્મા બનીને લાડીલાને લાડ લડાવું છું
પણ તોયે માતા યશોદા કેરું વહાલ ક્યાંથી લાવું?
-નરો, ચતુરા ને પાથો સાથે દેવદમનની નિત્ય વાતો કરતી રહું છું
પણ તેમની જેમ દેવદમનને આંખોથી પીવાનો મહાવરો ક્યાંથી લાવું?
૨) મન કેરી વૃંદાવનની ગલીઓમાં આમતેમ ભટકું છું
પણ ગોપીઑ કેરી રસભાવના ક્યાંથી લાવું?
રોજ યમુના તટ કેરા પનઘટ પર પાણીડા ભરવા જાઉં છું
પણ ગોપીઑ કેરી મટુકીઑ ક્યાંથી લાવું?
-કુમુદિની બનીને રોજે યમુના જલમાં ખીલતી રહું છું
પણ રાધાજીની વેણીમાં ગૂંથાવાને કનૈયાનો હસ્ત ક્યાંથી લાવું?
-અષ્ટ સખાઓ સાથે રહીને નિતનિત નવા પદ ગાતી રહું છું
પણ ઠાકુરજીને રીઝવવા માટે સુંદર ભાવ ક્યાંથી લાવું?
૩) મન કેરી વૃંદાવનની ગલીઓમાં આમતેમ ભટકું છું
પણ ગોપીઑ કેરી રસભાવના ક્યાંથી લાવું?
-સખાઓ અને સખીઓ સાથે હોળીના રંગોએ રમતી જાઉં છું
પણ રંગીલા વનમાળીજી સાથેના રંગોથી રંગાયેલું હૃદય ક્યાંથી લાવું ?
મારા પ્રમાણેની ઉત્તમ ને સર્વોત્તમ સેવા શ્રી હરિની કરું છું
પણ શ્રી વિઠ્ઠલ પર વ્હાલ ઢોળવાને શ્રી વલ્લભ કેરું વાત્સલ્ય
ક્યાંથી લાવું?
-શ્રી ગોવર્ધનરાયજીના ચરણોમાં બેસી સેવકત્વ સ્વીકારું છું
પણ તોયે શ્રી ગિરિરાજજી તણી દૈન્યતા ક્યાંથી લાવું?
-કુંજ નિકુંજોમાં શ્યામસુંદરને શોધવા માટે ફરતી રહું છું
પણ શ્યામસુંદરને શોધવા માટેની તત્પરતા ક્યાંથી લાવું?
૪) મન કેરી વૃંદાવનની ગલીઓમાં આમતેમ ભટકું છું
પણ ગોપીઑ કેરી રસભાવના ક્યાંથી લાવું?
સાભાર : પૂર્વી મલકાણ – મોદી  – (યુ.એસ.એ.)

પ્રિય …(રચના) …

પ્રિય … (રચના) …

(આજે ઘણા સમય બાદ ફરી આપણે શ્રીમતી પૂર્વી મલકાણ – મોદી -(યુ.એસ.એ.) દ્વારા મોકલેલ એક સુંદર રચના … પ્રિય … અહીં આજે બ્લોગ પોસ્ટ પર માણીશું., આ અગાઉ આપણે તેમના દ્વારા મોકલેલ લેખ – રચના  તેમજ  રસોઈ ની સુંદર રેસિપીઓ પણ જાણેલ અને  માણેલ. તેઓશ્રી અમેરિકામાં હાલ રહે  છે અને ત્યાં ‘પુષ્ટિપ્રસાદ’ પુષ્ટીય માર્ગ (વૈષ્ણવ સંપ્રદાય) ના સામયિકમાં અવિરત પોતાના લેખ આપે છે. આ ઉપરાંત તેઓ વૈષ્ણવ પરિવાર તેમજ સતસંગ સામાયિક માટે પણ લેખ લખે છે. ….. અમારી વિનંતીને માન આપી તેઓશ્રી એ આજરોજ મોકલેલ તેમની રચના બદલ અત્રે અમે તેમના  અંતરપૂર્વક ના આભારી છીએ…)

પ્રિય …

priye

પ્રિયને ખોઈ પ્રિયમાં ખોવાણી
ખુદને ખોઈ ખુદમાં ખોવાણી
સમીપની સાથે સમીપમાં રહીને
સંગ કેરા સંગના વૈભવ કેરા રસ્તામાં
નાની નાની કેડીઑ મળતી ચાલી
સુંદર શા સાથને માણતી ચાલી
પ્રેમની આહટને સાંભળતી ને સંભાળાવતી ચાલી
કોણ કહે છે કે આ રસ્તો અકારો છે
પ્રિયનો હાથ પકડીને ચાલો તો આગળ આકાશ છે.
-પૂર્વી મલકાણ – મોદી-  (યુ.એસ.એ.)