પાલક પનીર…

પાલક પનીર …

 

 

પાલક પનીરના શાકમાં, પાલક અને પનીર બન્ને પૌષ્ટિક છે. ખાવામાં પાલક પનીરનું શાક બહુજ સ્વાદિષ્ટ હોય છે અને બનાવવામાં પણ ખૂબજ આસાન /સરળ છે. આ શાક ઘરમાં, નાના – મોટા સૌ પસંદ કરે છે. કોઈ ખાસ પ્રસંગ પર આપણે ઘરમાં બનાવીએ તો બધાં જ પસંદ કરે.  આજે  આપણે પાલક પનીરનું શાક બનાવીશું.

સામગ્રી :

૫૦૦ ગ્રામ પાલક (Spinach)

૧/૨ નાની ચમચી ખાંડ

૨૦૦ ગ્રામ પનીર (પનીરના ૧ ઈંચના ચોરસ ટુકડા કરવા)

૨ ટે.સ્પૂન રિફાઈન્ડ તેલ

૧ Pinch (ચપટીક) હિંગ

૧/૨ નાની ચમચી જીરૂ

૨ નાની ચમચી કસૂરી મેથી (તની ડાળખી તોડી ને સાફ કરી લેવી)

૨-૩ નંગ ટામેટા

૩-૪ નંગ લીલાં મરચાં

૧ નાનો ટુકડો આદુ (૧ ઈંચ લંબાઈનો)

૨ નાની ચાચી બેસન (ચણાનો લોટ)

૨ ટે.સ્પૂન ક્રીમ / મલાઈ (જો તમને પસંદ હોય તો)

મીઠું સ્વાદ અનુસાર

૧/૪ નાની ચમચી ગરમ મસાલો

૨ નાની ચમચી  લીંબુનો રસ

 

રીત  :

 

પાલકની ડાંડી (ડાળખી) તોડી અને પાલકના પાન સારી રીતે પાણીમાં ધોઈ અને એક વાસણમાં રાખવા. તેમાં ૧/૪ કપ પાણી અને ખાંડ નાંખી અને વાસણને ઢાંકીને ગેસ પર ગરમા કરવા મૂકવું. ૫-૬ મિનિટમાં પાલક નરમ થઇ પાકી  જશે. ગેસ તૂરત બંધ કરી દેવો.

 

પનીરને ૧-ઈંચના ચોરસ ટૂકડામાં સમારી લેવું. પનીરનો ઉપયોગ શાકમાં, પનીર ફ્રાઈ/તળીને કે ફ્રાઈ/તળ્યા વગર પણ કરી શકો છો. પનીરને ફ્રાઈ/તળવા માટે નોનસ્ટિક કડાઈમાં થોડું તેલ નાંખી, પનીરના ટૂકડાને બન્ને તરફ  હલકા બ્રાઉન કલરના થાય તેમ તળવા/ફ્રાઈ કરવા.

 

ટામેટાને ધોઈને એના ટુકડા કરવા. લીલાં મરચાની ડાળખીને તોડી લેવી અને મરચા ને ધોઈ લેવા. આદુને ધોઈ, ઉપરથી છીણી અને ૩-૪ ટુકડામાં સમારવું. આ બધાને એકસાથે મિક્સરમાં બારીક પીસી લેવા.

એક કડાઈમાં તેલ નાખી અને ગરમ કરવું. ગરમ તેલમાં હિંગ અને જીરુ નાખવું, જીરૂ શેકાઈ ગયા બાદ, કસૂરીમેથી અને ચણાનો લોટ (બેસન) નાખી તેને થોડો શેકવો,  હવે આ મસાલામાં ટામેટા, આદુ, લીલાં મરચાની પેસ્ટ નાખી અને ૨-(બે)મિનિટ સુધી સાંતળવી /શેકવી. હવે ક્રીમ/મલાઈ નાખી અને મસાલાને ત્યાંસુધી સાંતળવો કે તેલ અંદરથી છૂટું પડીને બહાર સપાટી ઉપર તરવા લાગે (દેખાવા લાગે).

પાલક જે અગાઉ બાફેલ તે, ઠંડી થઇ ગયા બાદ, મિક્સીમાં નાખી અને બારીક પીસી લેવી અને પાલકની પેસ્ટને અગાઉ સાંતળીને તૈયાર કરેલ મસાલા સાથે મિક્સ કરી દેવી. પાલકની ગ્રેવી તમારે કેટલી ઘટ કે પાતળી રાખવી છે તે પ્રમાણે તેમાં પાણી અને મીઠું ઉમેરવા. ઉફાળો આવ્યા બાદ, પનીરના ટુકડા તેમા નાંખી દેવા. ૨(બે) મિનિટ સુધી તેને પાકવા દેવું અને ગેસ બંધ કરી દેવો.

પાલક-પનીરનું શાક તૈયાર છે. શાકમાં ગરમ મસાલો અને લીંબુનો રસ નાંખી મિક્સ કરી દેવો.

 

પાલક-પનીરનું શાક એક વાસણમાં કાઢી અને તેની ઉપર એક નાની ચમચી મલાઈ / ક્રીમ નાંખી અને પીરસવું. પાલક પનીર નું શાક ગરમા ગરમ રોટલી કે નાન સાથે પીરસવું અને ખાવું.

 

નોંધ : (૧)  જો તમે કાંદા (ડુંગળી) નો ઉપયોગ કરવા માંગતા હોય તો એક કાંદાને જીણા સમારી, જીરૂ શેકાઈ ગયા બાદ તૂરત જ તેમાં કાંદા નાંખી અને આછા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી સાંતળવા અને ત્યારબાદ, આગળ બતાવ્યા પ્રમાણે પાલક-પનીરનું શાક તૈયાર કરવું.

બ્લોગ લીંક: http://das.desais.net

 

રીંગણ કરી …

રીંગણ  (બૈગન)  કરી … (Brinjal Curry) …

૪-૫ વ્યક્તિઓ માટે

(સમય : ૫૦ મિનિટ)


બી – (seeds) વિનાના રીંગણાને મેરીનેટ કરીને બનાવેલ બૈગન કરી (રીંગણા) ખૂબજ સ્વાદિષ્ટ બને છે. સીંગદાણાની કરીમાં (શાકના રસામાં ) નરમ – મુલાયમ રીંગણા તરતા હોય અને તેનો સ્વાદ જ અનેરો હોય છે. જે સૌને પસંદ આવે.

સામગ્રી :

 

૫૦૦ ગ્રામ બી – વિનાના રીંગણા  (૨ મોટા રીંગણા)

 

રીંગણાને મેરીનેટ કરવા માટે …

સામગ્રી :

૨  ટે.સ્પૂન દહીં

૨ ટે.સ્પૂન ચણાનો લોટ

૧/૨ – નાની ચમચી મીઠું

૧/૪ – નાની ચમચી ગરમ મસાલો

તેલ રીંગણા તળવા માટે..

 

કરી બનાવવા માટે …

સામગ્રી :

૨૫૦ ગ્રામ ટામેટા (૪ નંગ)

૧-૨ નંગ લીલા મરચા

૧ નંગ આદુ (૧ ઈંચ નો ટૂકડો)

૨ ટે.સ્પૂન સિંગદાણા (સેકેલ-ફોતરા ઉતારી લેવા)

૧/૨ – કપ તાજુ દહીં

૨ ટે.સ્પૂન તેલ

Pinch (ચપટીક) હિંગ

૧/૨ – નાની ચમચી જીરું

૧/૨ – નાની ચમચી હળદર પાઉડર

૧-૧/૨ – નાની ચમચી ધાણા પાઉડર

૧/૪ – નાની ચમચી લાલ મરચાનો પાઉડર

૩/૪ – નાની ચમચી મીઠું (સ્વાદાનુસાર)

૧/૪ – નાની ચમચી ગરમ મસાલો

૧ ટે.સ્પૂન લીલી કોથમીર (બારીક સમારેલી)

 

રીત :

 

રીંગણાને પાણીથી ધોઈ, છાલ ઉતારી અને પાણીમાં ડૂબાડીને રાખવા.

રીંગણાને મેરીનેટ કરવા મસાલો તૈયાર કરવો….

એક વાસણમાં ફેંટેલુ દહીં, ચણાનો લોટ, મીઠું અને ગરમ મસાલો કાઢવો અને બધાને મિક્સ કરવું.

રીંગણાના ૧-૧/૨” ઈંચની x ૧-૧/૨” ઈંચની, જાડાઈ અને પહોળાઈમાં ટૂકડા  કરવા. રીંગણાના  ટૂકડાને દહીંના મસાલામાં ખૂબજ સારી રીતે મિક્સ કરવા અને ૨૦ મિનિટ સુધી તેમાં રાખવા. (દહીં સાથેનો મસાલો દરેક ટૂકડામાં વ્યવસ્થિત લાગી જવો જોઈએ.)


૨૦ મિનિટ બાદ, એક કડાઈમાં તેલ નાંખી અને ગેસ પર ગરમ કરવા મૂકવું. અને તેલ ગરમ થાય એટલે આ ટૂકડા એક એક કરી કડાઈમાં નાખી અને એક સાથે કડાઈની સાઈઝ પ્રમાણે ૬-૭ ટૂકડા મધ્યમ તાપ રાખી અને આછા બ્રાઉન કલરના તળવા.  ટૂકડા બરોબર રીતે ચારે બાજુ ફેરવી શકાય તેમ કડાઈમાં જગ્યા રહે તેમ  જોવું. (વધુ ટૂકડા એકી સાથે ન નાખવા) તળાઈ ગયાબાદ, ટૂકડાને એક ડીશમાં અલગથી રાખવા. આમ, બધા જ ટૂકડા ને તળી લેવા.


ટામેટાને ધોઈને મોટા ટૂકડામાં સમારવા. લીલાં મરચાની ડાળખી કાપી અને ધોઈ લેવા, આદુને પણ છીલી અને ધોઈ મોટા ટૂકડામાં સમારવું. સિંગદાણાને શેકી અને તેના ફોતરા કાઢી લેવા. બધી જ વસ્તુને એકી સાથે મિક્સીમાં બારીક પીસી લેવી.

રીંગણાની કરી તૈયાર કરવા… એક કડાઈમાં ૨-ટે.સ્પૂન તેલ નાખી ગરમ કરવુ. તાપ સાવ ધીમો રાખવો. તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ અને જીરું નાંખવું અને શેકવું, ત્યારબાદ, તૂરત હળદર પાઉડર, ધાણાનો પાઉડર અને ટામેટાનો પીસેલો મસાલો અને લાલ મરચાનો પાઉડર નાખવો અને તેલ તેમાંથી છૂટું પડે ત્યાં સુધી મસાલો શેકવો. શેકાઈજાશે તેલ છૂટું પડી અને ઉપર –બહાર આવી જશે.  ત્યારબાદ, તેમાં ફેંટેલુ દહીં નાખવું અને કરી પાકવા દેવી. કરીને ચમચાથી હલાવતાં રેહવું પાકી જશે એટલે તેલ બહાર –ઉપર તરવા લાગશે.

મસાલામાં જેવી કરી ઘટ કે પાતળી રાખવી હોય તેટલાં પ્રમાણમાં (લગભગ ૧-૧/૨ – કપ) પાણી નાખવું અને સ્વાદાનુસાર મીઠું નાંખવું. કરીનો ઉફાળો આવે ત્યાંસુધી તેને હલાવતાં રેહવી અને પાકવા દેવી. ગરમ મસાલો નાંખી અને ૩ -૪ મિનિટ સુધી ઉકાળવી.

રીંગણાના તળેલા ટૂકડા કરીમાં નાંખવા અને ધીમા તાપે ૨ -૩ મિનિટ પાકવા દેવા. બધો જ મસાલો રીંગણામાં ઉતરી જશે. ગેસ બંધ કરી દેવો. લીલી સમારેલી કોથમીર ઉપર છાંટી દેવી, બૈગન કરી તૈયાર છે.


રીંગણ  કરી ને પીરસતી સમયે ફરી કોથમીર છાંટી ને જ પીરસવું અને જે રોટલી, પરાઠા કે ભાત સાથે ખાવાની મજા જ કોઈ અનેરી છે તો ચાલો ખાવાની મોજ લો  અને ખવડાવ જો હો….

નોંધ :

જો તમને કાંદા પસંદ હોય તો, ૧-૨ કાંદા ને નાના નાના ટૂકડામાં સમારી અને જ્યારે જીરું નાંખીને શેકીએ  કે તૂરત ત્યારબાદ, તેલમાં કાંદા નાંખી અને ગુલાબી થાય ત્યાં સુધી સાંતળવા  અને ત્યારબાદ, બાકીની વસ્તુ ક્રમ મુજબ લેવી.

બ્લોગ લીંક: http://das.desais.net

મગની દાળ ની કઢી …(ગુજરાતી)

મગની દાળ ની કઢી …(ગુજરાતી) …

 

ચણાના લોટની કઢી આપણે સૌ બનાવતા હોય છે અને જે આપણે દરેક પસંદ કરતા હોય છે. મગની દાળની કે ચણાની દાળની બનાવેલી કઢી, ચણાના લોટની બનાવેલી કઢી કરતાં એકદમ અલગ જ પ્રકારની સ્વાદિષ્ટ બને છે.

 

સામગ્રી:

 

૩૦૦ ગ્રામ મગની દાળ (પાલીસવાળી) (૧-૧/૨ -કપ)

૪૦૦ ગ્રામ દહીં (૨-કપ)

૧-૨ (Pinch) ચપટીક હિંગ

૧/૨ નાની ચમચી જીરું

૧/૨ નાની ચમચી મેથી

૧/૨ નાની ચમચી હળદર (પાઉડર)

૨-૩ નંગ લીલાં મરચાં

૧/૪ નાની ચમચી લાલ મરચાનો પાઉડર (જો તમે પસંદ કરતાં હોય તો)

૧- ટે.સ્પૂન લીલી કોથમીર (ઝીણી સમારેલી)

તેલ (કઢી તેમજ તેમાં મૂકવા માટેના ભજીયા (મૂઠિયા) તળવા માટે)

 

રીત:

 

મગની દાળ સાફ કરી, ધોઈ અને ૨ થી ૩ કલાક માટે પલાળવી.

પલાળેલી દાળ ત્યારબાદ, પાણીમાંથી બહાર કાઢી અને મિક્સીમાં અથવા કૂંડી -ધોકાથી ઝીણી પીસવી. પીસાયેલી દાળ ને બે ભાગમાં વેહેંચવી.

દાળના એક ભાગમાં દહીં ફેંટીને નાંખવું અને તેને મિક્સ કરવું. સાથે સાથે ૨ (બે) લીટર પાણી નાંખી અને કઢી માટે તૈયાર કરવું.

બીજા ભાગને એક વાસણમાં રાખી તેમાં થોડી લીલી કોથમીર (સમારેલી) નાંખી અને સ્વાદાનુસાર મીઠું, હળદર અને હિંગ (પસંદ હોય તો) નાંખી અને મિક્સ કરવું. જે કઢીમાં નાંખવા માટે ના ભજીયા (મૂઠિયા) નો માવો તૈયાર થશે.


એક કડાઈમાં તેલ લેવું, અને કડાઈ ગેસ પર ગરમ કરવા મૂકવી. ત્યારબાદ, ગરમ તેલમાં દાળના ભજીયા (મૂઠીયા) મૂકવા અને તળવા. કડાઈમાં એક સાથે જેટલા ભજીયા મૂકી શકાય તેટલાં મૂકી અને બ્રાઉન કલર આવે ત્યાં સુધી પલટાવતાં રેહવું અને તળવા. અને તળેલા ભજીયા / (મૂઠીયા) એક પ્લેટમાં અલગથી મૂકવા. આમ બધાજ ભજીયા તળી લેવા.


(ભજીયા સિવાય અન્ય રીતે પણ મૂઠીયા મૂકી શકાય છે.)


અન્ય રીત:

 

સૌ પ્રથમ પલાળેલી દાળને કૂંડી – ધોકાથી ઝીણી/બારીક પીસવી. ત્યારબાદ, જરૂરી મીઠું,હળદર અને હિંગ (જો તમને પસંદ હોય તો) નાખવી, તેમજ તમને પસંદ હોઈ તો તેમાં ઝીણા સમારેલ લીલાં મરચાં અથવા આદુ મરચાની પેસ્ટ પણ સ્વાદાનુસાર નાંખી અને મિક્સ કરી શકાય. પૂરણમાં બરોબર મિક્સ કરી અને તૈયાર કરવું. (ખાસ ધ્યાન રહે કે દાળ પીસતી સમયે દાળમાં પાણી રેહવું ના જોઈએ.)

ત્યારબાદ, કઢી બનાવવા માટે એક કડાઈમાં /વાસણમાં ૨ ચમચા તેલ મૂકવું અને ગેસ પર કડાઈ ધીમા તાપે ગરમ કરવા મૂકવી. તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ, જીરું /(રાય), અને મેથી નાંખી અને સાંતળવી. ત્યારબાદ, તૂરત જ હળદર પાઉડર, લીલાં સમારેલા મરચાં તેમજ લાલ મરચાં નો પાઉડર નાંખવો. આ મસાલામાં આગળ કઢી માટે તૈયાર કરેલ દહીનું (ઘોરવું) મિશ્રણ નાખવું. કઢીના પાણીને સતત ચમચાથી હલાવતાં રેહવું. આમ, તેજ આગમાં (ગેસ) રાખી અને ઉફાળો આવે ત્યાં સુધી પાકવા દેવી.

ઉફાળો આવ્યા બાદ, તેમાં અગાઉ તળેલા મૂઠીયા /ભજીયા નાખવા અને અને સ્વાદાનુસાર મીઠું નાખવું અને ફરી એક ઉફાળો આવવા દેવો અને ત્યાં સુધી પાકવા દેવી. ફરી ઉફાળો આવે ત્યારબાદ, ગેસ ના તાપ ને ધીમો કરી અને ૨૦ મિનિટ સુધી તેને પાકવા દેવી. વચ્ચે વચ્ચે ૨-૩ મિનિટે તેમાં ચમચાથી હલાવતાં રેહવી. પાકી જશે એટલે વાસણના કિનારે મલાઈ ની જેમ ચીપકેલી લાગશે. બસ, ત્યાર બાદ ગેસ બંધ કરી દેવો. મગની દાળની કઢી તૈયાર છે.

અન્ય રીત:

 

અગાઉ જણાવ્યા મુજબ દાળને કૂંડી-ધોકાથી વાટી અને તેમાં સ્વાદ અનુસાર મીઠું, આદુ-મરચાની પેસ્ટ વગેરે નાંખી અને જે પૂરણ તૈયાર કરેલ છે, તેને લઇ અને કઢીનો જ્યારે પેહલો ઉફાળો આવે કે તૂરત જ દાળના હાથેથી કઢીમાં નાના નાના મૂઠિયા મૂકવા. આમ ધીરે ધીરે બધાજ મૂઠીયા મૂકી દેવા. અને કઢી ની સાથે મૂઠીયાને પાકવા દેવા. ખાસ ધ્યાન રહે કે વારંવાર ચમચાથી કઢી હલાવતી સમયે સાવચેતી રાખવી કે મૂઠીયા તૂટીને છૂટા ના પડી જાય. ધીમા તાપે કઢીને પાકવા દેવી.

કઢી પાકી ગયા બાદ, કઢીમાં વઘાર કરવા માટે એક નાના વાટકામાં કે વાઘારીયામાં ૨ (બે) નાની ચમચી તેલ મૂકી અને ગરમ કરવું. ત્યારબાદ, તેમાં ૧/૨ જીરું નાંખવું, જો તમને તીખું પસંદ હોય તો, ૨ -૩ નંગ લીલાં મરચા લંબાઈમાં ચીરી કરી અને સાથે સાથે ૧/૨ ચમચી લાલ મરચું નાંખી અને વઘારનું તેલ કઢી ઉપર નાંખવું. ત્યારબાદ, વધારાની લીલી કોથમીર તેની ઉપર છાંટવી. બસ, મગની દાળ ની કઢી તૈયાર થઈ ગઈ.


ટીપ્સ:

(૧) જો દહીં તાજું અથવા ખાટું ન હોય તો કઢી ખાટી નહિ બંને, આ સમયે કાઢીને ખાટી બનાવવા માટે, એક લીંબુનો રસ કાઢી તેમાં નાંખવાથી કઢી ખાટી અને સ્વાદિષ્ટ બનશે.

(૨)જો તમે ચણાની દાળની કઢી બનાવવા માંગતા હોય તો આજ રીતે મગની દાળની જગ્યાએ ચણાની દાળ નો ઉપયોગ કરવો.

(૩)જો તમે મગની દાળની કે ચણાની દાળની કઢી બનાવવા માંગતા ન હોઈ તો ચણાના લોટની કઢીમા પણ આ જ રીતે ભજીયા કે મુઠીયા મૂકી શકાય.

(૪) મગની દાળના મુઠીયા અન્યરીતે બનાવવા હોય તો મિક્સીમાં ન પીસવું તેને કૂંડી -ધોકા થી વાટવી. જેથી કરી કઠણ ન બનતા નરમ બનશે. અમુક ગૃહણીઓમાં આ કઢી ડબકા કઢી તરીકે પ્રચલિત છે.

(૫) કઢી માં જો તમને પસંદ હોય તો સ્વાદાનુસાર ખાંડ પણ નાંખી શકાય છે જેથી કઢી ગરાસ-ખટાશ વાળાં સ્વાદ વાળી થશે.


 

૬ થી ૭ વ્યક્તિ માટે

સમય: ૧ કલાક

 

બ્લોગ લીંક: htpp://das.desais.net

મલાઈ કોફતા પાલક ગ્રેવી સાથે…

મલાઈ કોફતા પાલક ગ્રેવી સાથે…

 

મલાઈ કોફતા બહુજ સ્વાદિષ્ટ બને છે. અને તેમાં પણ પાલક ગ્રેવીની સાથે ખૂબજ મજેદાર લાગે છે. કોઈ ખાસ પ્રસંગ કે મેહમાન આવે ત્યારે બનાવીએ તો તે સૌથી વધુ પસંદ કરશે.
સામગ્રી :
૨૦૦ ગ્રામ પનીર
૧૦૦ ગ્રામ માવો
૩-૪ બટેટા (બટેટા બાફી લેવા)
૧૫-૧૬ નંગ કિસમિસ
૭-૮ નંગ કાજુ
૧/૨ નાની ચમચી મીઠું (સ્વાદાનુસાર)
૧” ઈંચ નો નાનો ટૂકડો આદુ
૨ ચમચા તપકીર અથવા કોર્ન ફ્લોર(મકાઈ નો લોટ )
તેલ તળવા માટે જરૂરી…
પાલકની ગ્રેવી બનાવવા માટે …
સામગ્રી :
૫૦૦ ગ્રામ ચૂંટેલી (વીણેલી) પાલક( પાન)
૧/૨ નાની ચમચી ખાંડ
૩-૪ નંગ (મધ્યમ આકારના) ટામેટા
૨-૩ નંગ લીલા મરચા
૧ કટકો આદુ
૨ ટે.સ્પૂન તેલ
૧ ચપટીક (Pincvh) હિંગ (જો તમને પસંદ હોય તો)
૨ નાની ચમચી ચણાનો લોટ
૨ નાની ચમચી કસૂરી મેથી (જો તમને પસંદ હોય તો)
૨ ચમચા ક્રીમ-મલાઈ (જો તમને પસંદ હોય તો)
૧ નાની ચમચી મીઠું (સ્વાદાનુસાર)
૧/૪ નાની ચમચી ગરમ મસાલો
૨ નાની ચમચી લીંબુનો રસ (જો ખટાસ પસંદ હોય તો )
રીત:

બટેટાને બાફી અને છાલ ઊતારી લેવી. કિસમિસ ની ડાળખી તોડી અને સાફ કરી ધોઈ લેવી. અને કાજુના ૫-૬ ટુકડા (એક કાજુના) થાય તેમ બધાં કાજુના ટુકડા કરવા.માવા તેમજ પનીર ને કોઈ એક વાસણમાં રાખી દેવું અને તેમાં બાફેલા બટેટા ના કટકા, મીઠું અને કોર્ન ફ્લોર તપકીર નાંખી અને તેનો છૂંદો (મેસ)કરી માવો બનાવવો..
ત્યારબાદ,આદુની પેસ્ટ અથવા છીણેલું આદુ તેમાં નાંખી મિક્સ કરવું. આ મિશ્રણ કોફતા બનાવવા માટેનું તૈયાર થઇ જશે.મીઠું સ્વાદાનુસાર તેમાં જરૂરથી નાખવું.


નોનસ્ટિક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું. બટેટાનાં મિશ્રણનો જે માવો છે તેમાંથી થોડો માવો હાથમાં લઇ અને તેમાં કાજુના ૨-૩ કટકા તેમજ માથે કિસમિસ રાખી અને ગોળ અથવા લંબગોળ કોફતાના આકારમાં બંધ કરી અને એક પ્લેટ ઉપર રાખવા. લગભગ ૧૫-૧૬ ગોળ અથવા લંબ ગોળ આકારમાં કોફતા તૈયાર થશે.
એક કડાઈમાં ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકવું અને તૈયાર થયેલ ગોળાને તેમાં ધીમા (મધ્યમ) તાપે તળવા. કડાઈમાં એક સાથે ૩-૪ ગોળા જ? તળવા મૂકવા અને બ્રાઉન કલરના થાય ત્યાં સુધી ધીમે ધીમે કડાઈમાં ફેરવતા જવું અને તળવા.
તળેલા કોફતા એક પ્લેટ ઉપર કિચન પેપર નેપકીન રાખી અને તેની પર રાખવા. આમ બધાજ કોફતાને તળી લેવા. કોફતા તૈયાર થઈ ગયા બાદ હવે તેની ગ્રેવી બનાવીશું.
પાલક ગ્રેવી (Spinach Gravy):
પાલકની ડાળખી તોડી અને દૂર કરવી અને ફક્ત તેના પાન જ રેહવા દેવા. અને તે પાન ને ખૂબજ સારી રીતે બે વખત પાણીમાં ધોવા અને ત્યારબાદ એક વાસણમાં રાખવા. તેમાં પા કપ (૧/૪-કપ) પાણી તેમજ ખાંડ નાંખી અને ગેસ પર ગરમ કરવા મૂકવી. ગેસ પર વાસણ ગરમ કરતી વખતે ઢાંકી ને રાખવું. ૫-૬ મિનિટમાં પાલક બફાઈ જશે એટલે ગેસ બંધ કરી દેવો.
ટામેટા ને ધોઈ અને તેના કટકા ચપ્પુથી કરવા (ટામેટાને સમારી લેવા) લીલા મરચાની ડાળખી કાઢી લેવી, આદુને છાલ ઊતારી છીણી લેવું, અથવા તેને ધોઈ ને ૩-૪ ટૂકડામાં કાપવું. અને આ બધાને મીક્ષરમાં (મિક્સીમાં) બારીક પીસી લેવા.
એક કડાઈમાં તેલ મૂકી અને તેન ગરમ કરવું, ગરમ તેલમાં હિંગ અને જીરૂ નાખવું અને શેકાવું (સાંતળવું);(ડુંગળી પસંદ હોય તો એક ડુંગળી સમારી અને તે નાંખી અને બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળવી) તે શેકાઈ ગયા બાદ, તેમાં કસૂરી મેથી નાંખવી (કસૂરી મેથી સાફ કરી પછી જ ઉપયોગમાં લેવી) અને સાથે સાથે ચણાનો લોટ પણ નાંખવો અને તેને થોડો શેકવો.
હવે, આ મસાલામાં, ટામેટા, આદુ, લીલાં મરચાં ની બનાવેલી પેસ્ટ નાંખવી અને મસાલાને ૨-૩ મિનિટ હલાવતાં રેહવું અને સાંતળવું. (સેકવું) ત્યારબાદ, ક્રીમ અથવા મલાઈ નાંખવી. અને થોડું પકાવવું. અને આ મસાલાને ત્યાં સુધી પકવવો કે તેમાં ઉપર તેલ છૂટી ને બહાર દેખાઈ.
ઊકાળેલી-બાફેલી પાલકને ઠંડી થઇ ગયાબાદ, મિક્ષરમાં (મિક્સીમાં) નાંખી બારીક એકસરખી પીસી લેવી. અને પાલકની પેસ્ટને આગળ જે મસાલો બનાવ્યો તેની સાથે મિક્સ કરી દેવી. ગ્રેવી તમારે જેટલી ઘટ કે પાતળી રાખવી હોય તે ?પ્રમાણે (મુજબ) પાણી અને મીઠું સ્વાદાનુસાર નાંખી તેને ગરમ કરવી. એક ઉફાળો આવ્યાં બાદ, તેમાં ગરમ મસાલો નાંખવો અને ત્યારબાદ, તેમાં કોફતા નાંખી અને એક મિનિટ સુધી તેને પકવવા દેવા.
મલાઈ કોફતા પાલકની ગ્રેવી સાથે તૈયાર થઇ ગયા. સર્વ કરતી સમયે (પીરસતી સમયે) ગ્રેવી ઉપર થોડું ક્રીમ નાંખી ને આપવા.
જો તમે ડુંગળીનો ઉપયોગ શાકમાં કરવા માંગતા હોય, તો એક ડુંગળી ને જીણી સમારી અને જીરૂ શેકી લીધા બાદ, ડુંગળી નાંખી અને શેકવી અને આછો ગુલાબી/બ્રાઉન કલર થાય ત્યાં સુધી સાંતળવી. ત્યારબાદ, ઉપરોક્ત રીતે મલાઈ કોફતા પાલક ગ્રેવી સાથે બનાવવા.
ગ્રેવી ઘણીજ રીતે તમે બનાવી શકો છો. જેમકે કાજુ ગ્રેવી, ક્રીમ-મલાઈ ગ્રેવી, ખસખસ ટામેટા ગ્રેવી. આમ કોઈપણ ગ્રેવી બનાવી , કોફતા બનાવી તેમાં નાંખવા. તમારી પસંદગીની ગ્રેવી સાથે મલાઈ કોફતા તૈયાર થઇ જશે.
પાંચ વ્યક્તિ માટે
સમય: ૫૦ મિનિટ

શાહી ભરવાં આલુ…

શાહી ભરવાં આલુ …


સામગ્રી :
૧] ૪ મીડીયમ બટાટા
૨] ૩ ટે. સ્પૂન મેંદો
૩] તળવા માટે તેલ

 

બટાટાની અંદર ભરવા માટેના પૂરણ (ફિલિંગ) માટેની સામગ્રી:
૧] ૧૦૦ ગ્રામ. પનીર
૨] ૧ ટે. સ્પૂન તેલ
૩] ૧ ડુંગળી સમારેલી
૪] ૧ લીલું મરચું સમારેલું
૫] ૭-૮ કાજુ
૬] ૮-૧૦ કિસમિસ
૭] મીઠું સ્વાદ અનુસાર

 

ગ્રેવી માટે ની સામગ્રી:
૧] ૨ ટે. સ્પૂન તેલ
૨] ૧ નંગ તેજ પતા
૩] ૧ ટે. સ્પૂન શાહજીરુ
૪] ૧ ટે. સ્પૂન કસુરી મેથી
૫] ૧ ટે. સ્પૂન ગરમ મસાલો
૬] ૪ ટે. સ્પૂન માવો
૭] ૧ કપ દૂધ
૮] મીઠું -સ્વાદ અનુસાર

 

ડુંગળીની પેસ્ટ માટે ની સામગ્રી:
૧] ૧ મોટી ડુંગળી
૨] ૧ કટકો આદુ
૩] બે કળી લસણ
૪] ૨ લવિંગ
૫] ૨ એલચી
૬] ૧ તાજ નો ટૂકડો
૭] ૨ મોટાં એલચા

 

ડુંગળી-લસણ-આદુ સાથે ઉપરોક્ત બધી જ સામગ્રી પીસી લેવી., અને પેસ્ટ તૈયાર કરવી.

ટામેટા ની પ્યુરી માટે ની સામગ્રી :
૧] ૪ ટામેટા (ઉકાળી લેવા)
૨] ૪ ટે. સ્પૂન કાજુ

 

ઉકાળેલા ટામેટા અને કાજુ ને મીક્ષર માં ક્રશ કરવા અને પેસ્ટ બનાવવી

બનાવવા ની રીત:
૪ કાચા બટેટા લઇ, છાલ ઉતારી કાણા પાડી, વચ્ચેથી સ્કૂપ કરવા.(જેથી તેમાં પૂરણ ભરી શકાય.)
ત્યારબાદ મીઠાંવાળા પાણીમાં દસેક મિનિટ પલાળી રાખવા અને ત્યારબાદ, બહાર કાઢી અને તેલમાં બ્રાઉન કલરનાં તળી લેવા.

 

સ્ટફીંગ માટે: (પૂરણ)
બે ચમચી તેલ લો, ત્યારબાદ, ડુંગળી, મરચા અને કાજુ બારીક સુધારી અને સાંતળી લો. એકદમ બ્રાઉન કલરનું થવાં દેવું.ત્યારબાદ, પનીર ખમણી ને નાખવું. અને ત્યારબાદ કિસમિસ, ચાટ મસાલો, મીઠું સ્વાદ અનુસાર અને કોથમીર નાખી તરત જ ગેસ બંધ કરી દો અને હલાવી લો. સ્ટફિંગ તૈયાર છે.

 

ગ્રેવી માટે:
એક કડાઈ/પાન ગેસ પર મુકો અને તેમાં- ૨ ટે.સ્પૂન તેલ લો, અને તેમાં તેજ પત્તા, શાહીજીરું, એલચી, એલચા, અને તાજ-લવિંગ નાખો., ત્યારબાદ, કાંદા, આદુ, લસણ ની પેસ્ટ નાંખી અને એકદમ સાંતળી લો; ત્યારબાદ ટામેટા-કાજુની પ્યુરી ઉમેરો અને તેમાં મીઠું, ગરમ મસાલો, કસુરીમેથી નાખો; અને ઉકળવા દેવું, ઉકળે એટલે ક્રીમ (ફ્રેશ) મલાઈ નાખવું. અને નીચે ઉતારી લો.
તળેલાં બટેટામાં આગળ બનાવેલ સ્ટફિંગ/પૂરણ દબાવીને ભરો. એક પ્લેટમાં કોરા મેંદામાં ભરેલા બટેટા ?નીચેથી મેંદામાં ?રગદોળો અને લોઢીમાં /તાવીમાં થોડું તેલ મૂકી,તેલ માં એક સાઈડ સેકી લેવા; અને થોડા લાલ થાય એટલે લઈ લેવા.
સર્વ કરતી વખતે એક પ્લેટમાં બટાટા લો અને તેની ઉપર ગ્રેવી નાખો અને માથે ઝીણા મરચા -કોથમીર ભભરાવી/છાંટી અને સર્વ કરો.
આ રાજસ્થાની રેસિપી છે, જે લચ્છા કે મિસ્સી રોટી સાથે સામન્ય રીતે ઉપયોગમાં લઇ શકાઈ છે.
રસોડાની આજની ટીપ્સ:
બટેટા બાફતા પેહલાં, લીંબુ વાળા પાણીમાં બોળી ને બાફવાથી બટેટા વધુ સફેદ થશે અને સ્વાદ પણ સારો આવશે.