કોકમ સાલન …(જ્યુશ)

કોકમ સાલન …
(૪ વ્યક્તિઓ માટે)
સાભાર :તસ્વીર વેબ જગત …
સામગ્રી :
કાળા કોકમ – ૫0 ગ્રામ
લીલા મરચા ૨ થી ૩
કોકોનટ મિલ્ક ૧ કેન
પાણી ૨ ગ્લાસ
મીઠું સ્વાદ અનુસાર

રીત:
સૌ પ્રથમ કોકોનટ મિલ્કની અંદર કોકમ ૨ થી ૩ કલાક પલાળી રાખવા. ૨ કલાક બાદ કોકમ, કોકોનટ મિલ્ક, લીલા મરચા અને મીઠું મિક્સ કરી બ્લેનડરમાં કોકમ એકદમ મિક્સ થઈ જાય ત્યારે આ સાલન બીજા વાસણમાં કાઢી લઇ ઉપરથી ૨ ગ્લાસ પાણી નાખી થોડું પાતળું પ્રવાહી બનાવી લેવું. આ સાલન તૈયાર છે તેને આપ રૂમ ટેમ્પરેચરમાં પણ પી શકો છો અને ચિલ્ડ કરીને પણ પી શકો છો. વળી કોકોનટ મિલ્ક અને મરચાનો સાથ હોવાથી સ્વાદની સાથે સુગંધ પણ આપે છે આ પીણું ઉનાળામાં જલજીરાની ગરજ સારે છે. આ એક ખાસ પીણું છે કારણ કે કોકમ ઠંડુ હોવાથી તે પિત્તનું શમન કરે છે આથી આ પેય ઉનાળા માટે શ્રેષ્ઠ બની રહે છે.
નોંધ:
૧) કોકમની જાત પર આધાર રહે છે જો વેટ કોકમ હોય તો કરી તૈયાર થવામાં વધુ સમય લાગતો નથી પણ સૂકા કોકમને પલળવામાં વાર લાગે છે.
૨) મરચાની તીખાશ ધ્યાનમાં રાખી મરચા લેવા.
૩) ફેટ ફ્રી કોકોનટ મિલ્ક પણ ઉપયોગમાં લઈ શકાય છે.
સાભાર :રસ પરિમલમાંથી
પૂર્વી મલકાણ મોદી

પિયુસ …(જ્યુસ)

પિયુસ …(જ્યુસ)

 ૨ કપ પાઈનેપલ જ્યુસ
૧/૨ કપ મેંગો રસ
૧ કપ દાડમનો જ્યુસ
૩ ચમચી લીંબુનો રસ
નોંધ: ૧ ચમચી લીંબુનો રસ મિક્સ કરવા માટે ઉપયોગમાં લેવો અને બાકીનો રસ સર્વિંગ માટે ઉપયોગમાં લેવો.
૧ ચમચી આદુનો રસ
૧/૪ કપ હેવી ક્રીમ
ખાંડનું બૂરું
રીત
બધી જ સામગ્રી એકઠી કરી મિક્સ કરી લેવી અને ચિલ્ડ-ઠંડું  કરવા મૂકવું. લાંબો કાચનો ગ્લાસ લઈ તેની કિનારી પર થોડું લીંબુનો રસ લગાવી ખાંડના બુરા પર ગ્લાસ ઊંધો મુકી ફ્રોસ્ટેડ કરવો. ત્યાર બાદ ગ્લાસ સીધો કરી લાઇટરથી ખાંડના બુરા પર પળ ૨ પળ માટે અગ્નિથી ગરમ કરવું બૂરું બળવું ન જોઈએ પણ કથ્થાઇ રંગનું થઈ જાય તેનો ખ્યાલ રાખવો ત્યાર બાદ ચિલ્ડ થઈ ગયેલા પિયુસ ને ગ્લાસમાં ભરી સર્વ કરવું.
રસ પરિમલમાંથી… સાભાર : પૂર્વી મલકાણ મોદી

ગુલાબ શરબત …

ગુલાબ શરબત …

 

આ ઉનાળાની સીઝનમાં શરીર અને દિલો દિમાગને ઠંડક પહોંચે તેવું કાંઇક બનાવીએ તો કેમ રહે ? ગરમીમાં ગુલાબનું શરબત દિલ –દિમાગ અને શરીર ને ઠંડક પહોંચાડે છે. આ સીઝનમાં ગુલાબના ફૂલો પણ બઝારમાં બહૂજ મળે છે.  તો ચાલો આજે આપને ગુલાબનું શરબત બનાવીશું.

આજ સમય છે ગુલકંદ અને ગુલાબનું શરબત બનાવવાનો. શરબત બનાવવા કે ગુલકંદ બનાવવા દેશી ગુલાબના ફૂલો ઇંગ્લિશ ગુલાબના ફૂલો કરતાં વધુ ઉત્તમ રહે છે. અને સાથે સાથે કિંમતમાં પણ સાવ સસ્તા હોય છે. ફૂલ બઝારમાં લગભગ ૧૦૦ ગુલાબ ૧૫-૨૦ રૂપિયામાં  મળી શકે છે.

સામગ્રી :

૩૦-૪૦ નંગ લાલ ગુલાબની પાંખડી (પાંચ કપ)

૧ નંગ લાલ બીટ

૨૦-૨૫ નંગ તુલસીના પાન

૨૦-૨૫ નંગ ફૂદીનાના પાન

૧ ટે.સ્પૂન લીલી કોથમીર બારીક સમારેલ

૫-૬ નંગ નાની એલચી

૧ કી.ગ્રા. ખાંડ (પાંચ કપ)

૪ નંગ લીંબુ

રીત :

ગુલાબની પાંદડીઓ ને બે વખત પાણીથી ધોઈ અને સાફ કરવી અને ચારણીમાં રાખવી જેથી વધારાનું પાણી નીકળી જાય. ત્યારબાદ, પાંદાડીને એક સૂતરના (સુતરાવ) સાફ કાપડ પર પાથરવી/ ગોઠવવી. અને બીજા કપડાથી પાંદડી પરનું  પાણી જે દેખાય છે તે લૂછીને સાફ /કોરી ફરવી.

 

એક કપ પાણી ગરમ કરવું. થોડું ગરમ થાય એટલે ગુલાબની પાંદડીઓને મિક્સરમાં નાખી તેમા ગરમ પાણી નાખી અને પીસી લેવી.

મિક્સરમાં પીસેલી પાંદડીઓના રસને ગરણીમાં/ચારણીમાં નાખી અને એક વાસણમાં ભેગો કરવો.

બીટ ને ધોઈ, છાલ ઉતારી અને ટૂકડામાં સમારવુ. કોથમીર, ફૂદીનો અને તુલસીના પાનાને ધોઈ સાફ કરી અને બધાને ભેગા કરીને બારીક પીસી લેવા. પીસેલું મિશ્રણ અને એક કપ પાણી એક વાસણમાં ભેગુ કરી અને તે વાસણને ગરમ કરવા મૂકવું. ઉફાળો આવ્યા બાદ, ધીમો તાપ કરી અને ૩-૪ મિનિટ સુધી ગરમ કરવા દેવું. ત્યારબાદ, તાપ બંધ કરી દેવો અને આ મિશ્રણને ઠંડુ પાડવા દેવું. ઠંડું પડી ગયા બાદ, ચારણીમાં રસને ગાળી અને એક વાસણમાં ભેગો કરવો.

૬૦૦ ગ્રામ ખાંડ (લગભગ ૩-કપ) એક વાસણમાં નાખી અને તેમાં ૨૦૦ ગ્રામ (૧-કપ) પાણી નાખવું. ખાંડ ઓગળી ગયા બાદ, ૧-૨ મિનિટ આ પાણી ગરમ કરવું અને ત્યારબાદ, તાપ/ગેસ  બંધ કરી દેવો.

બાકી વધેલી ખાંડમાં એલચી ફોલી અને તેના દાણા મિક્સ કરી અને ખાંડને પીસી લેવી.

લીંબુનો રસ એક વાટકીમાં કાઢીને અલગ રાખવો.

ખાંડની ચાસણીમાં ગુલાબની પાંદડીનો રસ, બીટ વગેરે મિશ્રણનો રસ અને લીંબુનો રસ મિક્સ કરવો. દળેલી (પીસેલી) ખાંડ પણ આ મિશ્રણમાં નાંખી મિક્સ કરવી. બધીજ વસ્તુને સારી રીતે હલાવીને મિક્સ કરવી. શરબતને ૪-૫ કલાક ઢાંકીને રાખી દેવું. જેથી બધાજ સ્વાદ એક રસ થઇ અને સુગંધ આવશે.

ગુલાબના શરબત માટેનું સીરપ / Concentrated Rose Sharbat  તૈયાર છે. જેને એક કાચની બોટલમાં ભરી લેવું.

જ્યારે પણ શરબત બનાવવાની ઈચ્છા થાય ત્યારે ૧ ગ્લાસ પાણીમાં (ઠંડા પાણીમાં) ૨ મોટા ચમચા  ગુલાબનું સીરપ નાંખવું અને મિક્સ કરવું. શરબત વધુ ઠંડુ કરવા બરફના ૧-૨ ટૂકડા પણ નાંખવા.

ગુલાબનું શરબત બહુજ સ્વાદિષ્ટ બશે. જે ઉનાળામાં મેહમાનોને પીવડાવો અને પીઓ.

આ ગુલાબનું શરબત /સીરપને ફ્રીઝમાં ૧૫ દિવસ સુધી રાખીને ઉપયોગમાં લઇ શકાય છે.

સુજાવ  :

૧. તમે તમારી પસંદગી અનુસાર કોથમીર, ફૂદીનો, તુલસીના પાનમાંથી કોઈપણ વસ્તુને આમાંથી દૂર કરી શકો છો. તેમજ દાડમનો રસ વિગેરે ઉમેરી પણ શકો છો.

૨.  બજારમાં મળતા શરબતમાં કલર અને સુગંધ માટે એસેન્સ મેળવવામાં આવતું હોય છે અને તેની સાચવણી માટે તેમાં પ્રિઝર્વેટિવ –સોડીયમ બેન્જોઈટ નો ઉપયોગ કરવામાં આવતો હોય, તે વધુ સમય ટકે છે. જેમાં આપણે બનાવેલ શરબતની જેમ પ્રાકૃતિક રસની માત્રા બહુ જ ઓછી હોય છે.

બ્લોગ લીંક: http://das.desais.net

કેશર-પિસ્તા-મલાઈ કૂલ્ફી …(આઈસ્ક્રીમ)

કેશર-પિસ્તા-મલાઈ કૂલ્ફી ..( આઈસ્ક્રીમ) …

 

ઉનાળાની સિઝન હોય, અને ઠંડા પીણાં અને આઈસ્ક્રીમ કોને પસંદ ના હોય ? બચપણમાં આપણે કૂલ્ફી ખાતાં, તો ચાલે આજે આપણે કેશર-પીસ્તા- મલાઈ  કૂલ્ફી બનાવી આપણું બચપણ ફરી યાદ કરીએ અને આપણાં બાળકોને પણ તેનો સ્વાદ ચખાડીએ.

આઈસ્ક્રીમ હંમેશાં થોડો નરમ હોય છે, જ્યારે કૂલ્ફી થોડી સખ્ત હોય છે. તેને એરટાઈટ / હવાચૂસ્ત વાસણમાં જમાવવાની આવશ્યકતા નથી હોતી. તેને કાચની નાની વાટકીમાં, કે માટીના નાના વાસણમાં, ગ્લાસમાં  કે બજારમાં તેના મોલ્ડ મળતા હોય છે તેમાં જમાવી શકાય છે.

સામાન્ય રીતે કૂલ્ફી દૂધને ઘટ કરીને  (દૂધ ઉકાળીને ઘટ કરવું) બનાવાતી હોય છે. આમાં દૂધને એટલું ઉકાળવામાં આવે છે કે તે ઉકાળીને અડધાથી થોડું ઓછું થઈ જાય છે. જ્યારે આજકાલ કૂલ્ફી ઘરમા કન્ડેન્સડ મિલ્ક અથવા દૂધના પાઉડરનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી હોય છે. પરંતુ આમાં કૂલ્ફિનો સ્વાદ આવતો નથી. કૂલ્ફિના સ્વાદમાં દૂધની કણી /રેસા આવવા જોઈએ. એટલે કે રબડીની જેમ મોઢામાં દાણા દાણા જેવું લાગવું જોઈએ.

આપણે કેશર-પીસ્તા કૂલ્ફીમાં પીસ્તાની જગ્યાએ બદામનો ઉપયોગ પણ કરી શકીએ છીએ અને કેશર-બદામ કૂલ્ફી બનાવી સહાય, અથવા કાફ્ત કેશારનો ઉપયોગ કરીને કેશર કૂલ્ફી પણ બનાવી શકાય છે.કેશર નાખવાથી દૂધનો કલર આછો પીળો થઇ જશે. બજારમાં મળતી કૂલ્ફીમાં પીળા કલરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જેથી તે ઘટ પીળો કલર દેખાય છે. ઘરમાં બનાવેલ કૂલ્ફિનો કલર વધુ ઘટ પીળો નહિ લાગે.

 

સામગ્રી :

૧-૧/૪ લીટર મલાઈ વાળું દૂધ

૪ નંગ બ્રેડ સ્લાઈઝ

૧ ટે.સ્પૂન પીસ્તા

૨૦-૨૫  ડાળખી કેશર

૧૦૦ ગ્રામ ખાંડ (૧/૨ – કપ)

૪-૫ નંગ નાની એલચી (એલચી ફોલીને દાણા વાટી ભૂકો કરી લેવો)

 

રીત:

એક ભારે તળિયાવાળા વાસણમાં દૂધને ગરમ કરવા મૂકવું. પેહલો ઉફાળો આવે કે તૂરત તેમાંથી ૧-વાટકી દૂધ અલગથી બહાર કાઢી લેવું અને ત્યારબાદ, ધીમા તાપે બાકી રહેલાં દૂધને ચમચાની મદદ લઇ અને દૂધને હલાવતાં રહેવું અને ઉકાળવું. દૂધ અઠધુ કે તેનાથી ઓછું થઇ જાય ત્યાં સુધી ચમચાથી હલાવતાં રહેવું અને ઉકાળવું. દૂધને સતત હલાવવાથી વાસણમાં નીચે ચોંટી નહિ જાય કે દાજ નહિ લાગે/બેશે.  દૂધ ગરમ થઇ ગયા બાદ, ગેસ પરથી નીચે ઉતારી લેવું અને ઠંડું થવાં દેવું.

પિસ્તાને બારીક સમારવા (કતરી) અને એલચીને ફોલીને તેના દાણાને વાટી અને ભૂકો તૈયાર કરવો. બ્રેડની સ્લાઈઝ્ની ચારેબાજુથી કિનારી કાપી લેવી. અગાઉ જે ૧-કપ દૂધ અલગ કરી રાખેલ તેને ગરમ કરવા મૂકવું અને તેમાં કેશર અને ખાંડ મિક્સ કરવા. કિનારી કાપેલ બ્રેડની બધીજ સ્લાઈઝ પણ તેમાં નાંખવી અને મિક્સ કરવી. બ્રેડ નાખ્યા બાદ દૂધ ગરમ કરવું નહિ તે ધ્યાનમાં રહે.

 

બઝારમાં બે પ્રકારના પીસ્તા મળે છે. એક મીઠાવાળ કે જે આપણે ફોલીને ખાય છીએ. અને બીજાં ફોલેલા પણ મીઠાવાળા  નથી હોતા. આપણે ફોલેલા પિસ્તાનો ઉપયોગ કરવાનો છે.

હવે અગાઉ ઘટ કરેલ દૂધમાં, બ્રેડ, ખાંડ અને કેશર વાળું દૂધ મિક્સ કરવું અને સાથે સાથે તેમાં સમારેલા પિસ્તા પણ મિક્સ કરવા. થોડા સમારેલ પિસ્તા અલગ રાખવા. બધું જ દૂધ ચમચાની મદદરથી ખૂબજ હલાવી અને મિક્સ કરવું.

બસ, કેશર-પીસ્તા કૂલ્ફી બનાવવા માટે દૂધ તૈયાર છે. આ દૂધને આઈસ્ક્રીમના (કૂલ્ફીના) મોલ્ડમાં કે ઘરમાં ઉપલબ્ધ નાની વાટકીમાં નાંખી અને ફ્રીઝરમાં જમાવવા મૂકવી. લગભગ ૨ થી ૨-૧/૨ કલાકમાં કૂલ્ફી જામીને તૈયાર થઇ જશે.

 

કૂલ્ફી જામી ગયા બાદ, તેને ફ્રીઝરમાંથી બહાર પાંચ મિનટ રાખવી. અને ત્યારબાદ, તેની ઉપર થોડાક પિસ્તા છાંટી અને ખાવી અને ખવડાવવી.

નાના છોકારાને કૂલ્ફી ગ્લાસમાં જમાવી અને આપવી અને વચ્ચે સ્ટિક/સળી ખોંસી દેવી અને તે ના હોય તો ચમચી ઊલટી ખોંસી ને જમાવવા મૂકવી.

 

 

સુજાવ :

૧.    બજારમાંથી તૈયાર રાબડીનો ઉપયોગ કરો તો બ્રેડ નાંખવી જરૂરી નથી.

૨.    બ્રેડ નાખવાથી કૂલ્ફિનો સ્વાદ અલગ જ આવશે.

૩.    દૂધનો પહેલો ઉફાળો આવ્યા બાદ, તાપ ધીમો કરી અને દૂધને ઘટ કરવું અને ચમચાની મદદથી દૂધ સતત હલાવતાં રહેવું.

૪.    આપણે દૂધ મલાઈ વાળું હોય મલાઈનો ઉપયોગ અલગથી કરતાં નથી.

૫.    બ્રેડની કિનારી જે આપણે દૂર કરેલ, તેને વઘારી કે તળીને ચાટ મસાલો નાંખી ખાવાના ઉપયોગમાં લઇ શકાય છે.

 

 

બ્લોગ લીંક: http://das.desais.net

કાળી દ્રાક્ષનો જ્યુસ…

કાળી દ્રાક્ષનો જ્યુસ …

 


સામગ્રી :

(૧) કાળી દ્રાક્ષ

(૨) લીમ્કા / સ્પ્રાઇટ

(૩)ખાંડનું સીરપ

(૪) વેનીલા આઈસ્ક્રીમ

બનાવવાની રીત :

સૌપ્રથમ, કાળી દ્રાક્ષને સાફ કરીને (ચોખા પાણીથી) મીક્ષરમાં હલાવી, તેનો જ્યુસ, ગરણીમા ગાળી લેવો.

ત્યારબાદ, અડધા ગ્લાસ દ્રાક્ષના જ્યુસમાં, ૨ ચમચા ખાંડનું સીરપ નાખવું.

ત્યારબાદ, તેમાં લીમ્કા / સ્પ્રાઇટ થી બાકીનો ગ્લાસ પોણો થાય ત્યાં સુધી ભરી લેવો.

ત્યારબાદ, તેમાં એક સ્કૂપ વેનીલા આઈસ્ક્રીમ નાખીને તે પીવાના ઉપયોગમાં લેવો.

જ્યુસ હમેશ તાઝો જ પીવો.

વધુ ઠંડું કરવા માટે બરફ નો ભુક્કો ઉપયોગમાં લઈ શકાઈ.

 

બ્લોગ લીંક: http://das.desais.net