રસોઈ ટિપ્સ તેમજ અન્ય ટિપ્સ …

રસોઈ ટિપ્સ    / આરોગ્ય ટિપ્સ / હોમકેર ટિપ્સ / સોંદર્ય ટિપ્સ / જીવન ટિપ્સ  …

 

 

 

[ક] રસોઈ ટિપ્સ  ….

 

[૧] લીલા ચણા અથવા વટાણા બાફતી વખતે તેમાં ખાંડ નાખવાથી તેનો લીલો રંગ યથાવત રહે છે.

[૨] રોટલી માટે લોટ ગૂંદતી વખતે બે ચમચી દૂધ, ઘી કે મલાઈ મેળવી દેવાથી રોટલી એકદમ પાતળી બનશે.

[૩] ભીંડાનું શાક બનાવતી વખતે તેમાં એક ચમચી દહીં નાખવાથી તેની ચીકાશ ઓછી થશે.

[૪] મેળવણ ન હોય તો ગરમ દૂધમાં લીંબુ નાખવાથી પણ દહીં જમાવી શકાય છે.

[૫] ભાત બનાવતી વખતે તેમાં લીંબુના રસના ટીપાં નાખવાથી ભાત એકદમ સફેદ રંગનો બનશે. અને તેમાં એક ચમચી તેલ કે ઘી નાખવાથી દાણા અલગ-અલગ રહેશે.

[૬] ફલાવરનું શાક બનાવતી વખતે એમાં બે ચમચી દૂધ ઉમેરવાથી ફલાવર ચડી ગયા પછી પણ સફેદ રહે છે.

[૭] પૂરીનો લોટ પાણીથી બાંધવાને બદલે દહીંથી બાંધવાથી પૂરી પોચી થશે.

[૮] મીઠા સક્કરપારા બનાવવાના મેંદામાં થોડું મીઠું ભેળવવાથી સક્કરપારા સ્વાદિષ્ટ લાગશે.

[૯] ચણા પલાળતાં ભૂલી ગયા હોવ તો તેને બાફતી વખતે તેની સાથે કાચા પપૈયાના બે-ચાર ટૂકડા મૂકી દો તો ચણા જલ્દી બફાશે.

[૧૦] બિસ્કિટ પર દૂધ લગાવી ધીમા તાપે ઓવનમાં રાખવાથી બિસ્કિટ કડક, તાજા અને કરકરા થશે.

[૧૧] વેફરને છૂટી કરવા કેળાં-બટાટાની કાતરી પર મીઠાના પાણીનો છંટકાવ કરવો અને પછી તળવી.

[૧૨] દાળ-ઢોકળી બનાવતી વખતે ઢોકળીને કાચી-પાકી શેકીને દાળમાં નાખવાથી તે ચોંટશે નહિ.

[૧૩] પાણીપૂરીની પૂરી બનાવતી વખતે ઝીણા રવામાં પીવાનો સોડા લોટ બાંધવા માટે લેવાથી પૂરી ફૂલશે.

[૧૪] ઈડલીનું ખીરું જો વધારે પડતું પાતળું થઈ ગયું હોય તો તેમાં શેકેલો રવો નાખવાથી જાડું બનશે અને ખીરાથી ઈડલી મુલાયમ પણ બને છે.  અથવા સૂકા પૌવા નાખવાથી તે ઘટ થઇ જશે.

[૧૫] સાબુદાણાને બનાવતા પહેલાં એને દૂધમાં પલાળીને મૂકવાથી એ એકદમ ફૂલેલાં બનશે.

 

 

 
[ખ]  આરોગ્ય ટિપ્સ …

 

[૧] વરિયાળી સાથે આદું અથવા જીરાનું સેવન કરવાથી પેટની બળતરા તથા પાચન ક્રિયામાં લાભ થાય છે.

[૨] હાલતા દાંત અટકાવવા મોંમાં તલના તેલના કોગળા ભરી રાખવાથી ચાર-છ મહિનાના પ્રયોગ બાદ દાંત બરાબર ચોંટી જાય છે.

[૩] ઘઉંના લોટમાં શક્કરિયાંનો લોટ મેળવીને રોટલી ખાવામાં આવે તો થોડા દિવસોમાં જ શરીરનું વજન વધવા લાગે છે.

[૪] શેરડીના રસમાં આદુંનો રસ નાખી પીવાથી કફ થતો નથી અને કફની તકલીફ મટે છે.

[૫] એક ગ્લાસ ઠંડા પાણીમાં થોડો લીંબુનો રસ મેળવી પ્રાત:કાળે પીવાથી કબજિયાતમાં ખૂબ જ ફાયદો થાય છે.

[૬] ખોરાક પચતો ન હોય તેમણે જીરું શેકીને સંતરાના રસમાં ભેળવી પીવું જોઈએ. પેટનો ગેસ તથા અપચો દૂર થશે.

[૭] ત્રણ ચમચી નાળિયેરના તેલમાં કપૂર મેળવીને રાત્રે વાળના મૂળમાં ઘસીને સવારે વાળ ધોવાથી જૂ-લીખ સાફ થઈ જાય છે.

[૮] નાળિયેરના પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી પથરીની તકલીફમાં રાહત થાય છે.

[૯] રાત્રે ભારે ખોરાક લીધા પછી છાસમાં જીરું, લીમડો અને આદુનો ઘીમાં વઘાર કરીને પીવાથી ફાયદો થશે.

[૧૦] ઊલટી થતી હોય કે ઊબકા આવતા હોય તો તુલસીના રસમાં એલચીનો પાઉડર મિક્સ કરીને પીવાથી રાહત થશે.

[૧૧] સંધિવામાં આવતા સોજા પર અજમાનું તેલ લગાવવાથી ફાયદો થાય છે.

[૧૨] મેથીના દાણાનો પાઉડર પાણીમાં ભેળવી સવાર-સાંજ તે પાણી પીવાથી ડાયાબિટીસ તેમજ બ્લડપ્રેશરમાં ફાયદો થાય છે.

[૧૩] હાઈબ્લડપ્રેશરના દર્દી માટે પપૈયું ફાયદાકારક હોય છે. તેને રોજ ભૂખ્યા પેટે ચાવીને ખાવું.

[૧૪] એક ચમચી તુલસીનો રસ અને બીલીના ફૂલની સાથે એક ચમચી મઘ ઉમેરી દિવસમાં બે વખત લેવાથી તાવમાં રાહત થાય છે.

[૧૫] જે વ્યક્તિને ખાસ ઉનાળામાં ગરમી નીકળતી હોય તેમણે કારેલાનો રસ જીરું પાવડર નાખીને એક ચમચી પીવો.

 

 

 
[ગ] હોમકેર ટિપ્સ …

 

[૧] દૂધ ગરમ કરતાં પહેલાં તપેલીમાં થોડું પાણી રેડવાથી દૂધ ઉભરાશે નહિ. આ ઉપરાંત તપેલીમાં ચમચો રાખવાથી પણ દૂધ જલદી ઉભરાતું નથી.

[૨] ફ્રિજમાં જીવાત થઈ ગઈ હોય તો એક લીંબુ સમારીને ફ્રીજમાં મુકી દો. બીજે દિવસે જીવાત આપમેળે દૂર થઈ જશે.

[૩] આદુને ફૂલના કૂંડામાં કે બગીચામાં માટી નીચે દબાવી રાખવાથી તાજું રહેશે.

[૪] મલાઈમાંથી ઘી બનાવતી વખતે તેમાં થોડા મીઠા લીમડાંના પાન નાખવાથી ઘીમાં સુગંધ આવશે.

[૫] કાચના વાસણને ટૂથપેસ્ટ લગાવી બ્રશથી ઘસીને સાફ કરવાથી ચમક વધારે આવે છે.

[૬] અરીસાને ચોખ્ખો કરવા માટે તેની પર શેવિંગ ક્રીમ લગાવી થોડીવાર રહેવા દેવું. પછી ભીના મલમલના કપડાથી લૂછી કોરા કપડાથી લૂછવું.

[૭] વાસણમાંથી બળેલા ડાઘ દૂર કરવા માટે કાંદાના બે ટુકડા નાખી થોડું પાણી નાખીને ઉકાળો. થોડીવાર બાદ તેને સાફ કરો. ડાઘ તરત નીકળી જશે.

[૮] ખીલીને ગરમ પાણીમાં બોળીને દીવાલમાં લગાવવાથી પ્લાસ્ટર તૂટતું નથી.

[૯] બેટરીના સેલ કે મીણબત્તીને ફ્રિજમાં રાખવાથી એ લાંબો સમય ચાલે છે.

[૧૦] પંખા અને લોખંડની બારીઓ કે ગ્રિલ પર જાળાં ન જામે એ માટે એને કેરોસીનથી સાફ કરવી.

 

 

[ચ]   સોંદર્ય ટિપ્સ …

 

[૧] કાંદાનો રસ અને મધ સમાન માત્રામાં ભેળવી વાળમાં લગાડી વાળ ધોવાથી વાળ ખરતા અટકે છે.

[૨] ત્વચા પર ડાઘ અને ધબ્બા હોય તો સરસિયાના તેલમાં ચપટી મીઠું નાખીને એનાથી માલિશ કરો. ડાઘા જરૂર ઓછા થશે.

[૩] એક મુઠ્ઠી જેટલી અગરબત્તીની રાખમાં ખાટું દહીં ભેળવો. તેને ચહેરા પર લગાવી પંદર મિનિટ પછી ધોઈ નાખો. એથી ચહેરા પરની દૂર કરેલી રૂવાંટી ઝડપથી નહીં ઉગે.

[૪] દૂધીનો રસ અને નાળિયેરનું તેલ મિક્સ કરી એનાથી માથામાં સારી રીતે માલિશ કરો. વાળની ચમક વધી જશે.

[૫] ચહેરા પરની રૂંવાટી દૂર કરવા માટે ત્રણ ચમચી રવામાં થોડોક ઘઉંનો લોટ, થોડોક ચણાનો લોટ તથા દૂધ મિક્સ કરીને લગાવો. સૂકાઈ જાય એટલે એને વાળની ઊલટી દિશામાં હળવેથી ઘસો. પછી ધોઈ નાખો.

[૬] લીમડાની લીંબોડીને છાસમાં વાટી તેને ખીલ પર લગાવવાથી ખીલ દૂર થાય છે. અને ચહેરાની ત્વચા મુલાયમ બને છે.

[૭] જાયફળ વાટીને ચહેરા પર લગાડવાથી કરચલીઓ દૂર થાય છે.

[૮] ચહેરા તથા ગરદન પરની કાળાશ દૂર કરવા માટે ફુદીનાના પાન વાટીને તેનો અર્ક કાઢીને રૂ વડે ચહેરા તથા ગરદન પર લગાવી 20 મિનિટ પછી ચહેરો ધોઈ નાખવો.

[૯] કાંદા શેકી તેની પેસ્ટ બનાવી એડી પર લગાડવાથી એડી પરના ચીરા મહિનામાં મટી જશે.

[૧૦] તુવેરની દાળને પાણીમાં રાતના પલાળી દેવી. સવારે તેને ઝીણી વાટી લેવી. આ મિશ્રણથી વાળ ધોવાથી વાળ ખરતા અટકાવી શકાય છે.

 

 

 
[છ]   વસ્તુ જાળવણી ટિપ્સ …

 

[1] ચાંદીના વાસણોને કાળા થતા બચાવવા માટે ચાંદીનાં વાસણોની સાથે કપૂરની ગોળી રાખવી.

[2] સ્વેટરને ધોતા પહેલાં મીઠાના પાણીમાં પલાળવાથી ઊન ચોંટવાનો ભય રહેતો નથી.

[3] આમલીને લાંબો સમય તાજી રાખવા એક કપ પાણીમાં હિંગ અને મીઠું નાખી ઘોળ તૈયાર કરી આમલી પર છાંટવો અને એને ત્રણ-ચાર દિવસ સુકાવવી.

[4] અથાણાંને ફૂગથી બચાવવા માટે રૂને સરકામાં બોળીને જે બરણીમાં અથાણું ભરવાનું હોય એને સારી રીતે લૂછી નાખો. પછી અથાણું ભરવાથી ફૂગ નહીં લાગે.

[5] લીમડાના છોડમાં ખાટી છાશ કે વપરાયેલી ચાની ભૂકી નાખવાથી છોડ મોટો અને તાજો રહે છે.

[6] વધારે પ્રમાણમાં લીંબુ ખરીદી લીધાં હોય તો બગડી જવાની બીક ન રાખશો. લીંબુને મીઠાની બરણીમાં રાખી મૂકવાથી લાંબા સમય સુધી તાજાં રાખી શકાશે.

[7] સાડી પર તેલના ડાઘ પડ્યા હોય તો, એ જગ્યા પર કોઈ પણ ટેલકમ પાઉડર સારી રીતે રગડીને સાડીને બે-ત્રણ કલાક સુધી તાપમાં મૂકો પછી ધોઈ લો.

[8] નવા ચંપલને રાત્રે ઘી કે તેલ લગાડી રાખવાથી એ સુંવાળાં રહેશે અને નડશે નહિ.

[9] રાઈના પાણી વડે બોટલ ધોવાથી બોટલમાંની વાસ દૂર થાય છે.

[10] માઈક્રોવેવ ઓવનની સફાઈ કરવા માટે સફેદ દંતમંજન પાઉડર ઓવનમાં ભભરાવી કોરા કપડાંથી લૂછી સાફ કરવાથી ઓવન ચમકી ઊઠશે.

 

 

 
[જ]  સામન્ય જ્ઞાન  ટિપ્સ …

 

[1] દરવાજાના મિજાગરા પર તેલ નાખવા કરતાં પેન્સિલ ઘસો. એનાથી મિજાગરા અવાજ નહીં કરે અને કાટ પણ નહીં લાગે.

[2] કપડાં ધોતી વખતે શર્ટના કોલર પર પડેલા જિદ્દી ડાઘને દૂર કરવા માટે સાબુની જગ્યાએ શેમ્પુનો ઉપયોગ કરો.

[3] પુસ્તકોના કબાટમાં લીમડાના પાન રાખવાથી જીવડાં અને ઊઘઈ લાગવાની શક્યતા નથી રહેતી. થોડા-થોડા સમયે પાન બદલતા રહેવું.

[4] ચાની વપરાયેલી ભૂકીને સૂકવીને બારીનાં કાચ સાફ કરવાથી કાચ ચમકે છે.

[5] કાચના ગ્લાસ ચકચકિત કરવા પાણીમાં થોડી ગળી મિક્સ કરીને એનાથી ધોવા અને પછી સ્વચ્છ પાણીથી ધોઈ નાખવા.

 

 

[ઝ]   જીવન ટિપ્સ …

 

[1] તમારે જીવવું હોય તો ચાલવું જોઈએ, તમારે લાંબું જીવવું હોય તો દોડવું જોઈએ.

[2] સૂરજ જ્યારે આથમવાની તૈયારીમાં હોય ત્યાર સુધીમાં તમે કસરત ન કરી હોય, તો માનજો કે દિવસ ફોગટ ગયો.

[3] થાક લાગે તેના જેવી ઊંઘની ગોળીની શોધ હજી થઈ નથી.

[4] હાથ ચલાવવાથી અન્નની કોઠીઓ ભરાઈ જાય છે અને જીભ ચલાવવાથી ખાલી થાય છે.

[5] શરીર પિયાનો જેવું છે અને આનંદ એનું મધુર સંગીત છે. વાદ્ય બરાબર હોય તો જ સંગીત બરાબર વાગે છે.

 

 

 

સાભાર : સૌજન્ય – પૂર્વી મોદી મલકાણ (યુએસએ)

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

નોંધ : અનિવાર્ય સંજોગવસાત, હવે પછી આજથી બે થી ત્રણ દિવસ સુધી અમો બ્લોગ પર નવી પોસ્ટ મૂકી શકીશું નહી, નિયમિત રીતે દર રવિવારે માણતા ‘પુષ્ટિપ્રસાદ’ ની પોસ્ટ, હવે પછી નેક્સ્ટ વીકમાં માણી શકશો. અમારા કારણે આપને જો કોઈ તકલીફ પડેલ હોય, તો તે બદલ અમો દિલગીર છીએ. બ્લોગ ની મુલાકાત લેતા રેહશો. સહકારની અપેક્ષા સહ … આભાર ! ‘દાદીમા ની પોટલી’

કેસર : વિશ્વભરનો સૌથી કિંમતી તેજાનો (હેલ્થ ન્યુટ્રિશન) …

કેસર : વિશ્વભરનો સૌથી કિંમતી તેજાનો (હેલ્થ ન્યુટ્રિશન) …

હેલ્થ ન્યૂટ્રિશન – શ્રુતિ

 

 

 

safron

 

 

કેસરનો છોડ અને ફૂલો કોમળ હોવા છતાં તે શિયાળાની માઇનસ દસ ડિગ્રી સેન્ટિગ્રેડ જેટલી ઠંડી સહન કરી શકે છે. બરફની ચાદરનો ટૂંકો ગાળો પણ સહી શકે છે. કાશ્મીર કે જ્યાં ૧૦૦૦થી ૧૫૦૦ મિ.મી. જેટલો વરસાદ પડે છે તેના જેવું ભેજવાળું વાતાવરણ ના હોય તો કેસરના છોડને પાણી આપવાની જરૂર પડે છે. કેસર ઉગાડાતા ગ્રિસ અને સ્પેનમાં પ્રમાણમાં ઓછો વરસાદ થાય છે. કેસરના છોડની વૃદ્ધિમાં યોગ્ય સમયનું હવામાન ખૂબ મહત્ત્વનું છે.

 

 

સુગંધિત મસાલા તરીકે વપરાતું કેસર એ બારમાસી છોડ છે. તેના પર જાંબલી રંગના ફૂલો આવે છે. આ ફૂલોની વિશિષ્ટતા એ છે કે તે પાનખર ઋતુમાં આવે છે અને ૫-૬ પાંખડી ધરાવતા હોય છે. આ ફૂલો બીજ આપતા નથી તેથી કેસરના સંવર્ધન માટે મનુષ્યના પ્રયત્નોની જરૂર પડે છે. છોડના કંદને જમીનમાંથી ખોદી કાઢીને તેને તોડીને ફરી વાવવામાં આવે છે.એક કંદ એક ઋતુ જેટલું જીવે છે. આ કંદ નાના બદામી રંગના ગોળાકાર હોય છે. તેનો પરિઘ સાડા ચાર સેન્ટિમીટર જેટલો હોય છે. તેમાં સમાંતર રેસના અનેક ગાઢા પડ હોય છે.

 

 

અંગ્રેજી  ‘સેફ્રોન’  શબ્દ લેટિન શબ્દ ‘સેફ્રાનમ’  પરથી આવ્યો છે. ઉત્તર-પશ્ચિમ ઇરાનની પ્રાચીન જગ્યાઓમાં કેસરના રંગકણોની સૌ પ્રથમ ભાળ મળી હતી. આ સ્થળના ચિત્રોમાં આ રંગો જોવા મળ્યા હતા. પાછળથી સુમેરિયન્સ લોકો પણ દવાઓમાં તેમ જ જડીબુટ્ટીઓમાં કેસરનો ઉપયોગ કરતા હતા. ઇસુ ખ્રિસ્તની પહેલાં દસમી સદીમાં પર્શિયન લોકો કેસરની ખેતી કરતા હતા. પર્શિયાના ડર્બેના, ઇસ્ફાહાન અને ખોરાસાન ક્ષેત્રોમાં કાપડના વણાટમાં, દેવોની પૂજામાં, રંગ, અત્તર, દવાઓ, ઉબટન વગેરેમાં કેસરના તાંતણાનો ઉપયોગ થતો હતો. ઉદાસીને દૂર કરવા માટે ગરમ ઉકાળામાં કેસર ઉમેરીને પીવડાવવામાં આવતું હતું. આપણા દેશમાં તમિલો બે હજારથી વધુ વર્ષોથી કેસરનો ઉપયોગ કરી રહ્યા છે. યુરોપિયનો તેમના સ્થળાંતર સમયે કેસરના કંદ અમેરિકા લાવ્યા હતા. ઇ.સ.૧૭૩૦માં પેન્સિલ્વાનિયા-ડચે પૂરા પૂર્વીય-પેન્સિલ્વાનિયામાં કેસરની ખેતી વિકસાવી હતી. સ્પેન અમેરિકા પાસેથી કેસર ખરીદતું હતું. પેન્સિલ્વાનિયાના લેન્કેસ્ટર-કાઉન્ટીમાં ઉગાડાતા કેસરને કારણે અમેરિકા વર્ષોથી કેસરની ખેતીનું કેન્દ્ર રહ્યું છે.

 

 

કેસરનું સંવર્ધન

 

 

વસંત-ઋતુમાં સુષુપ્તાવસ્થામાં રહ્યા બાદ કેસરનો છોડ પાંચથી અગિયાર જેટલાં ઊભા-સાંકડા લીલાં પાન ઉત્પન્ન કરે છે. આ પાન આશરે ચાલીસ સેન્ટિમીટર સુધી લાંબા હોય છે. પાનખર ઋતુમાં જાંબલી રંગની કળીઓ આવે છે. ઓકટોબરમાં જ્યારે મોટાં ભાગની વનસ્પતિના બીજ આવી ગયા હોય છે ત્યારે ચમકતા જાંબલી રંગના ફૂલો કેસરના છોડ પર આવે છે. તે સમયે છોડની ઊંચાઇ ત્રીસેક સેન્ટિમીટર જેટલી થાય છે. દરેક ફૂલમાં ત્રિપંખી સ્ત્રી-કેસરના તાંતણા દેખાય છે. દરેક પાંખમાં રાતા રંગના સ્ટિગ્મા હોય છે જે લંબાઇમાં ત્રણેક સે.મી. જેટલાં થાય છે. આ તાંતણા એ જ આપણું કેસર.

 

 

કેસરનો છોડ અને ફૂલો કોમળ હોવા છતાં તે શિયાળાની માઇનસ દસ ડિગ્રી સેન્ટિગ્રેડ જેટલી ઠંડી સહન કરી શકે છે. બરફની ચાદરનો ટૂંકો ગાળો પણ સહી શકે છે. કાશ્મીર કે જ્યાં ૧૦૦૦થી ૧૫૦૦ મિ.મી. જેટલો વરસાદ પડે છે તેના જેવું ભેજવાળું વાતાવરણ ના હોય તો કેસરના છોડને પાણી આપવાની જરૂર પડે છે. કેસર ઉગાડાતા ગ્રિસ અને સ્પેનમાં પ્રમાણમાં ઓછો વરસાદ થાય છે. કેસરના છોડની વૃદ્ધિમાં યોગ્ય સમયનું હવામાન ખૂબ મહત્ત્વનું છે. વસંત-ઋતુમાં વરસાદ અને સૂકો ઉનાળો ઉપયોગી છે. આ સમયનો વરસાદ ફૂલોની બહારને ઉત્તેજન આપે છે. ફૂલોની બહારના સમયનો વરસાદ રોગ અને ઓછી ઊપજનું કારણ બને છે. સતત ભીનું અને ગરમ વાતાવરણ તેમ જ સસલા-ઉંદર અને પક્ષીઓ દ્વારા થતું ખોદકામ વગેરે કેસરના છોડને હાનિ પહોંચાડે છે. નીમાટોડ્સ,પાનનો બગાડ અને કંદમાં સડો વધારાના જોખમો છે. કેસરના છોડને છાંયડાવાળી જગ્યા કરતાં સૂર્યના પ્રકાશવાળી જગા વધુ માફક આવે છે તેથી દક્ષિણ તરફ ઢોળાવ ધરાવતી જગ્યાઓ પર કેસરનાં છોડનું વાવેતર કરવામાં આવે છે. મોટાંભાગે જૂન મહિનામાં કંદને ૭ થી ૧૫ સે.મી. જેટલો ઊંડો રોપવામાં આવે છે. માતૃકા કંદને વાવવાથી ઊંચી કક્ષાનું કેસર મળે છે. જો કે તેમાં ફૂલો ઓછા આવે છે. ઇટાલીમાં ખેડૂતો કંદને પંદર સેન્ટિમીટર ઊંડે વાવીને કેસરનો વધુ પાક લણે છે. તેઓ કેસરના છોડ વચ્ચે બે-ત્રણ સે.મી.નું અંતર રાખીને કતારમાં છોડને વાવે છે. એ જ રીતે અન્ય દેશોમાં છોડને વાવવાની આગવી પદ્ધતિઓ જોવા મળે છે.

 

 

ઉનાળા દરમ્યાનની સુષુપ્તાવસ્થા બાદ કંદમાંથી સાંકડા પાનવાળો છોડ બહાર આવે છે. કળીઓ બેસવાની શરૂઆત પાનખરના શરૂઆત આરંભે થાય છે અને પાનખરની મધ્યમાં ફૂલો આવે છે. કેસરના ફૂલોની લણણી વહેલી સવારે કરવી પડે છે કારણ કે ફૂલો જલદી કરમાઇ જાય છે. બધાં જ છોડ એક કે બે સપ્તાહમાં ખીલી જાય છે.

 

 

ગુણવત્તાનું મૂલ્યાંકન અને વર્ગીકરણ

 

 

લેબોરેટરીના પરીક્ષણો દ્વારા કેસરનું મૂલ્યાંકન અને વર્ગીકરણ કરવામાં આવે છે. રંગ, સ્વાદ અને સુગંધના આધારે આ વર્ગીકરણ થાય છે. આઇ.એસ.ઓ. ૩૬૩૨ દ્વારા સ્થાપિત કરાયેલા ધારાધોરણો મુજબ રંગના આધારે ચાર વર્ગો પાડવામાં આવ્યા છે.

 

 

શ્રેષ્ઠ ગુણવત્તાને પ્રથમ ગ્રેડ આપવામાં આવે છે. તેના આધારે તેની કિંમત નક્કી થાય છે. જો કે ઘણાં ઉત્પાદકો અને વેપારીઓ પોતાની રીતે કેસરનું મૂલ્ય નક્કી કરે છે. સ્પેનિશ કેસરની તુલનાએ ઇટાલીનું કેસર વધુ તીવ્ર હોય છે. ઇરાનનું કેસર સૌથી વધુ તીવ્ર હોય છે. આપણાં દેશની સરકારે કેસરની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હોવાને કારણે પશ્ચિમના દેશો ઊંચુ ભારતીય કેસર આયાત કરી શકતા નથી. ન્યૂઝિલેન્ડ, ફ્રાન્સ, સ્વીત્ઝરલેન્ડ, ઇંગ્લેન્ડ,યુ.એસ. અને બીજા કેટલાક દેશો પણ કેસરની ખેતી કરે છે.

 

 

કેસરનો ઉપયોગ

 

 

જાણકારો અને રસિકો કેસરની સુગંધને ધાતુજન્ય સ્વાદવાળા મધ સાથે સરખાવે છે. જેમાં થોડી ઘાસ જેવી સુવાસ પણ હોય. તેનો સ્વાદ પણ મીઠાશભર્યો અને સૂકા ઘાસ જેવો હોય છે. વાનગીમાં કેસર ઉમેરવાથી વાનગીનો રંગ પીળો કે કેસરી બને છે. દક્ષિણ એશિયા, મધ્ય-પૂર્વ અને યુરોપિયન વાનગીઓમાં કેસરનો બહોળો ઉપયોગ થાય છે. આ સિવાય ઠંડા-ગરમ પીણાં, આઇસક્રીમ્સ, પુડીંગ્સ, કસ્ટર્ડ જેવી મીઠાઇઓ તેમજ સુપ્સ, સોસીસ, બિસ્કિટ કેક્સ અને ચોકલેટ-પીપરમીન્ટ વગેરેમાં તે વપરાય છે. ચીન અને ભારતમાં કેસર કાપડ રંગવા તેમજ અત્તર-ઉદ્યોગમાં વપરાય છે.તે જંતુનાશક તરીકે પણ વપરાય છે.

 

 

કેસરમાં ઘા-જખ્મોને રુઝવવાના ગુણો છે. આધુનિક તબીબ-વિજ્ઞાન કેસરને એન્ટિ-મ્યુટાજેનિક, ઇમ્યુન-મોડયુલેટર-એન્ટિ-ડિપ્રેસન્ટ, એન્ટી-ઓક્સિડન્ટ અને સેક્સ-સ્ટીમ્યુલન્ટ ગણાવે છે. અપચો, હાઇ બી.પી. મેનોપોઝલ-પ્રોબ્લેમ્સ,ગેસ્ટ્રો-ઇન્ટેસ્ટાઇન અને ખસ-ખુજલી પર તે અસરકારક છે. બીજાં કેટલાક અભ્યાસો દર્શાવે છે કે કેસર આંખોના સ્વાસ્થ્યને સુધારે છે અને તીવ્ર પ્રકાશ વગેરે સામે રક્ષણ આપે છે. તે કાર્સિનોજીનેસીસને રોકવાનો ગુણ ધરાવતું હોવાથી કેન્સરની સારવારમાં ઉપયોગી છે. કેસરનો રંગ આપણા ધર્મ અને સંસ્કૃતિમાં હિંમત, બલિદાન, રાષ્ટ્રભક્તિ, વૈરાગ વગેરેનું પ્રતીક છે. તે દૃષ્ટિએ પણ કેસર આપણાં માટે મહત્ત્વ ધરાવે છે. મંદિરોમાં ભગવાનની પૂજા-અર્ચના માટે શુદ્ધ કેસરનો ઉપયોગ કરવામાં આવે છે. અંગકાંતિ માટે વપરાતા ઉબટનોમાં લોશનોમાં કેસરનો ઉપયોગ થાય છે.

 

 

કેસરી અથવા ભગવો રંગ આપણાં દેશની સંસ્કૃતિમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે.

 

 

સંદેશનાં સૌજન્યથી.

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો પૂર્વીબેન મલકાણ (યુ.એસ.એ)  ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

પોસ્ટ પરના આપના પ્રતિભાવ નું સ્વાગત છે, જે અમોને પ્રેરણાદાયી અને માર્ગદર્શક બની રહે છે.

ઉત્તપમ મસાલો …

ઉત્તપમ મસાલો …

 

સામગ્રી :

૭ – ૮ નંગ આખા સૂકા મરચાં 

૨  ચમચા ચણાની  દાળ 

૧/૪ ચમચી – હિંગ 

મીઠું સ્વાદ અનુસાર

૨ ચમચા – તલ 

૧ ચમચી  –  તેલ  

 

રીત : 

 

૧) તેલ ગરમ કરી તેમાં હિંગ નાખવી.

૨) હિંગ ચણાની દાળ અને મરચાં નાખી ફરી શેકવું.

૩) જ્યારે ચણાની દાળ અને મરચાં શેકાવા આવે ત્યારે તેમાં તલ નાખી ફરી શેકવું.

૪) જ્યારે બધું ફરી શેકાઈ જાય પછી તેને સાઈડમાં કાઢી લેવું.

૫) આ મસાલો ઠંડો થયા પછી તેને મીઠું નાખી વાટી લેવો 

 

નોંધ: આ મસાલાને ખાતી  વખતે તેમાં તેલ અથવા ઘી નાખવાંમાં આવે છે.

 

સાભાર : પૂર્વી મલકાણ મોદી- (યુ એસ એ)

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

આજની ઉત્તપમ મસાલા રેસિપી ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ પૂર્વિબેન ના અમો આભારી છીએ. આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર જરૂર મોકવા વિનંતી…. આભાર !

હર્બલ ચાનો મસાલો …

હર્બલ ચાનો મસાલો …

 

 

સામન્ય સંજોગમાં મોટાભાગના લોકો ને ‘ચા’ પીવાની આદત સવારે હોય જ  છે., અને આપણામાં એક લોક વાયકા  પણ છે, કે જેની સવારની ‘ચા’ બગડી તેનો પૂરો  દિવસ બગડ્યો.  દરરોજ ઉપયોગીમા આવતી ‘ચા’ જો લહેજતદાર બની જાય તો આપણી ખુશી જ વધુ હોય છે.  તો ચાલો આજે આપણે ‘ચા’ માટે  ઉપયોગી મસાલો અને તે પણ ‘હર્બલ’ ચા મસાલો કઈ રીતે બનાવી શકાય તે જાતે શીખીએ… ‘દાદીમા ની પોટલી’ પર હર્બલ ચા મસાલા ની પોસ્ટ મોકલવા બદલ અમો પૂર્વી મોદી- મલકાણ યુ.એસ.એ. ના અંતરપૂર્વકથી આભારી છીએ..

 

હર્બલ ચા નો મસાલો ….

 

સામગ્રી :

 

૧ ચમચો – કાળા મરીનો પાવડર 

૨ ચમચા – સૂંઠનો પાવડર 

૩ ચમચા – એલચીનો પાવડર 

૧ ચમચો – તજ પાવડર

૨ ચમચા – સુકાયેલી તુલસીના પાનનો પાવડર 

 

૧ ચમચો – સુકાયેલા કરી લિવ્સ અથવા મીઠા લીમડાના પાનનો પાવડર 

૨ ચમચા – સુકાયેલા ફુદીનાના પાનનો પાવડર 

૧/૨ ચમચો – પીપરી મૂળનો પાવડર 

૧/૪ ચમચો – જાયફળ પાવડર 

 

રીત :

 

આ તમામ પાવડરને મિક્સ કરી ઉપયોગમાં લેવું

નોંધ: સામાન્ય રીતે મરી, સૂંઠ, તજ, એલચીના પાવડરને મિક્સ કરી ચા માટે ઉપયોગમાં લેવાય છે.,  પરંતુ કરી લિવ્સ, તુલસી, ફુદીના, જાયફળ અને પીપરીમૂળનું મિક્ષણ ચાના મસાલાને એક અનોખો રંગ દઈ જાય છે.  વળી તુલસી, ફૂદીનો અને કરીલિવ્સ એ ત્રણેય હર્બ પણ છે તેથી તેની સુગંધ સાથેનો આ મસાલો આપની ચાના ગુણતત્વોને વધારી દે છે.

 

પૂર્વી મોદી – મલકાણ  – યુ એસ એ. 

 

આપને હર્બલ ચા ના મસાલા ની પોસ્ટ પસંદ આવી હોય તો જરૂર આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકશો, જે સદા અમોને પ્રેરણાદાયી બંને રહે છે અને લેખક ની કલમને બળ પૂરે છે.  આભાર … !

‘દાદીમા ની પોટલી’

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]

વિશેષ નોંધ :

તુલસી, ફૂદીનો અને કરીલિવ્સ એ ત્રણેય હર્બની પણ ચા બને છે. આ ત્રણ સાથે અમુક વસ્તુઓ add કરીએ તો કાવો બને જે વિન્ટરમાં પીવાય. આ કાવા ઉપર જ હાલમાં હું છું. કોઈપણ સ્વરૂપમાં હર્બ હોય પરંતુ ફાયદો તો મળે જ છે. આ ત્રણ વસ્તુઓને ચા સાથે મેળવી with or without મિલ્ક લઈ શકાય છે. હવે કાવા માટે જોઈએ. આ ત્રણ વસ્તુઓનાં સિવાય એમાં બીજી અમુક વસ્તુઓ add કરી છે.

ફૂદીનો ૫-૬
કરીલિવ્સ -૫-૬
તુલસી ૫-૬
નાગરવેલનાં પાન ૨-૩
આખા સૂકા ધાણા 2 સૂપ સ્પૂન,
સૂંઠ ૧/૨ ચમચી
તજ ૧ ટુકડો
લવિંગ ૧ -૨
વરિયાળી ૧ ચમચી
એલચી ૧
આખું જીરું ૧ ચમચી
સુવા દાણા ૧ ચમચી
મરી ૨-૩ દાણા
મેથી દાણા ૧ ચમચી

આ વસ્તુઓને પાણીમાં ઉકાળવી અને તે પાણી પીવા માટે લેવું. પાણી ખલાસ થાય ત્યારે આજ પલળેલી સામગ્રીમાં વધુ પાણી નાખી રાખી મૂકવું અને ફરીથી ગરમ કરી તેનો ઉપયોગ કરવો. આ પલળેલી સામગ્રીઓ ૩-૪ દિવસ ચાલે છે. આ તમામ હર્બનો તમામ રસ નીકળે ત્યાં સુધી આ સામગ્રીમાં પાણી નાખી ગરમ કરી આ કાવાનો ઉપયોગ કરવો. આ કાવાથી થતાં ફાયદાઑ.
(સ્વ અનુભવ)

પેટમાં રહેલો વાયુ દૂર થઈ જાય છે અને ડ્રાય કફ રહેતો હોય તો તે દૂર થાય છે. આ કાવાનો ઉપયોગ લગભગ ૬ મહિના કર્યા બાદ આ જૂનો કફ દૂર થઈ ગયો. આ ઉપરાંત આ કાવો લેવાથી પિનટ, ખજૂર અને ગાજરની પણ એલર્જી જે મને હતી તે આજે હવે દૂર થઈ ગઈ છે.

પૂર્વી મોદી મલકાણ (યુ એસ એ)

સ્વાદ અને સુગંધના રાજા ભારતીય મરીમસાલા …

સ્વાદ અને સુગંધના રાજા ભારતીય મરીમસાલા …

 

આજ ની પોસ્ટ દ્વારા  આપણે રસોડામાં વપરાતા મસાલા ની ઓળખ મેળવીશું, ઉપરોક્ત પોસ્ટ  ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો પૂર્વીબેન મલકાણ – મોદી (યુ.એસ.એ.) ના  અંતરપૂર્વકથી આભારી છીએ …

 

 

 

ભારતીય વાનગીઓની લાક્ષણિકતા જાળવી રાખવા વિવિધ પ્રકારના મસાલાનો ખૂબ ઉપયોગ કરવામાં આવે છે. સ્વાદ વધારનાર આ મસાલાઓએ ઔષધિ તરીકે પણ પોતાનું સ્થાન આયુર્વેદમાં દ્રઢ કર્યું છે. રોજેરોજ આપણી રસોઈને રૂચિકર બનાવનાર આ મસાલાઓ તરફ એક નજર કરીએ.

 

ખસખસ …

 

ખસખસ એ અફીણના છોડના બીજ હોવાથી તેને ડ્રગ્ઝ તરીકે ઓળખવામાં આવે છે. ખસખસ સફેદ અને કાળા રંગ એમ બંને રંગોની હોય છે, પરંતુ ભારતીય રસોઈમાં મોટાભાગે સફેદ ખસખસ વધુ વપરાય છે. તદ્પરાંત ખસખસનાં આ ઝીણાં દાણાનું ગરમ મસાલામાં પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. ખસખસ વાનગીના સ્વાદમાં અને સુગંધમાં વધારો કરે છે. ખસખસનો ગુણ શીતળતા આપવાનું છે તેથી તે તીખા ગુણવાળા ગરમ મસાલાની અસરને સંતુલિત કરે છે.

 

આદું …

 

પ્રાચીન સમયથી આપણાં દેશમાં સર્વત્ર આદુંનો ઉપયોગ થતો આવ્યો છે. આદું એ આ છોડનું મૂળ છે. તાજું આદું આદુંઅને સુકવેલ આદુ સૂંઠકહેવાય છે. તેની તીખાશને કારણે આ મસાલો વાનગીઓ ઉપરાંત દવા તરીકે પણ વપરાય છે. આદુંમાં ગરમી લાવવાનો ગુણ હોવાથી ઠંડીની ઋતુમાં તેનો વપરાશ વધુ કરવામાં આવે છે.  

 

લસણ …

 

આ ઔષધિનું મૂળ વતન મધ્ય એશિયા છે. પ્રાચીન સમયથી લસણ ઈજિપ્ત, આફ્રિકા, યુરોપ અને ભારતમાં વપરાતું આવ્યું છે. લસણને જો કાચું ખાવામાં આવે તો તેમાંથી અણગમતી તીવ્ર વાસ આવે છે. પરંતુ કાચું લસણ અનેક રોગોને મટાડવા સક્ષમ હોવાથી જો સવારે નરણે કોઠે ખાવામાં આવે તો તે વધુ સારું રહે છે આથી આયુર્વેદે લસણને તેની ઔષધિમાં મહત્વનું સ્થાન આપ્યું છે.

 

જાયફળ …

 

આ ફળ મૂળ ઇન્ડોનેશિયાનું વતની છે. જાયફળનાં વૃક્ષ ખૂબ ઊંચા હોય છે. આ વૃક્ષોની ઊંચાઈ ૭૦ ફૂટ કે તેનાથી વધારે ઊંચા હોય છે. જ્યારે આ વૃક્ષ યુવાન થઇ દસથી વધારે વર્ષનું થાય છે ત્યારે તેના પર લીંબુ જેટલા કદનાં લીલા રંગનાં ફળો આવે છે. ફળમાં રહેલું અંદરનું મોટું બીજ કે ગોટલી તે જાયફળ અને તેની છાલ જાવંત્રીતરીકે ઓળખાય છે. જાયફળની સુગંધને કારણે મસાલા, મીઠાઈ, દૂધપાક-બાસુંદી, કસ્ટર્ડ, બ્રેડ અને કેકમાં વપરાય છે. જાયફળમાં થોડા ઘણા અંશે કેફિન પણ રહેલું છે જેને કારણે જાયફળનો વધુ પડતો ઉપયોગ નશો પણ કરાવે છે અને તેનાથી વધુ નીંદર પણ આવે છે.

 

મેથી …

 

મેથીનાં કૂણાં પાંદડા અને સુકાયેલા પાંદડાનો ઉપયોગ રસોઈમાં વિવિધ રીતે કરવામાં આવે છે. જેમાં લીલા પાંદડાને ભાજી અને સૂકા પાંદડાને કસૂરી મેથી તરીકે ઓળખવામાં આવે છે. મેથીના દાણાનો ઉપયોગ મસાલામાં વપરાય છે. ખાસ કરીને વઘારમાં મેથીના દાણાની સોડમ રસોઈને એક અવનવો સ્વાદ દઈ જાય છે. આયુર્વેદ ઔષધીય દૃષ્ટિએ જોઈએ તો મેથી વાયુની તકલીફ અને શરીરના દુઃખાવામાં ઉપયોગી હોવાથી ખાસ કરીને પ્રસૂતા સ્ત્રીઓને વિવિધ સ્વરૂપે મેથી ખવડાવવામાં આવે છે. 

 

આમલી …

 

આમલીના વૃક્ષો મોટાં અને ઊંચા હોય છે. આમલીના બીજયુક્ત કાતરા ઝૂમખામાં થાય છે. આ કાતરા કાચા લીલા હોય ત્યારે ફળ તરીકે બાળકો અને સ્ત્રીઓ ખાસ કરીને પસંદ કરે છે. પરંતુ જ્યારે આ કાતરા પાકા થઈ કથ્થાઇ રંગ પકડે છે ત્યારે તે આંબલી તરીકે મસાલામાં એક મહત્વનું સ્થાન પ્રાપ્ત કરી લે છે. આમલીના ઝાડના પાન, છાલ, ગર, બીજ વગેરે તમામ ભાગો કે એક કે બીજી રીતે ઉપયોગી છે. આમલીનો ગર રસોઈમાં ખટાશ લાવવા વપરાય છે. આમલી પિત્તજનક હોવાને કારણે પિત્ત અને વાયુ પ્રકૃતિ ધરાવનારે આમલીના બદલે લીંબુ કે કોકમનો ઉપયોગ વધુ કરવો જોઈએ કારણ કે લીંબુ અને કોકમ આંબલી જેટલાં પિત્તવાયુ ઉત્પન્ન નથી કરતાં. આમલીના બીજ કચૂકાને શેકીને ખાઈ શકાય છે. ઉનાળાની ગરમીથી બચવા માટે ગોળ અને આંબલીનું પાણી શરબત તરીકે ઉપયોગમાં લેવાય છે જે શરીરને ઠંડક પહુંચાડે છે.

 

કોકમ …

 

ભારતના ગોવા કોંકણ પ્રાંતમાં કોકમના વૃક્ષો મોટા પ્રમાણમાં ઊગે છે તેથી કોકમનો ઉપયોગ ગોવાનીઝ અને કોંકણી ખાનપાનમાં સૌથી મહત્વનું ઘટકતત્વ છે. દાળ શાકમાં થોડો ખાટો મીઠો સ્વાદ લાવનાર કોકમએ એક પ્રકારના ફળ પ્લમની છાલનો ભાગ છે. આ પ્લમને ઘણા લોકો મેંગોસ્ટીમ તરીકે પણ ઓળખે છે. તાજા કોકમની છાલને છૂટી પાડીને મીઠામાં આથીને થોડા ઘણા અંશે સૂકવવામાં આવે છે, તે ભીના કોકમ કહેવાય છે અને કોકમ ને સંપૂર્ણ રીતે તડકામાં સૂકવીને સૂકા કોકમ બનાવવામાં આવે છે. આમલીની જેમ વાનગીઓમાં ખાટો સ્વાદ લાવનાર કોકમમાં પણ થોડા ઘણા અંશે પિત્તજનક અંશ રહેલો છે પરંતુ તેમ છતાંયે આયુર્વેદમાં કોકમનું એક અલગ સ્થાન રહેલું છે. કોકમનું શરબત, પાણી, અને કઢી એક સ્વાસ્થ્યવર્ધક પાચક પીણું છે. કોંકણમાં નાળિયેરના દૂધ સાથે કોકમની બનાવેલી કોકમ સાલમ કરી ખૂબ પ્રખ્યાત છે.

 

ગરમ મસાલો …

 

ગરમ મસાલો એ ભારત અને દક્ષિણ એશિયામાં વપરાતા અનેક મસાલાઓનું મિશ્રણ છે. મસાલાઓમાં મસાલો તે ગરમ મસાલો પરંતુ ગરમ મસાલો આ નામ મસાલાઓની તીવ્રતા દર્શાવે છે. પરંતુ આ મસાલો તે ગરમ છે કે મસાલો ખાનારની પ્રકૃતિને ગરમ પડે છે તે સંદર્ભમાં થતો નથી. પરંતુ આ મસાલાઓના મિશ્રણમાં રહેલા અમુક મસાલાઓના ગુણ ગરમ હોવાથી તેને ગરમ મસાલા તરીકે ઓળખવામાં આવે છે. આ મસાલો સૂકા લાલ મરચાં, તમાલ પત્ર, કાળા મરી, વિંગ, નાગકેસર, શાહજીરું, કથ્થાઇ જીરું, તજ, મોટા એલચા, લીલી એલચી, જાયફળ, જાવંત્રી, બાદિયાન ફૂલ (એટ્લે કે સ્ટાર અનિસ સિડસ )અને આખા ધાણા ને મિકસ કરી શેકીને આ મસાલાને બારીક પાવડર રૂપે બનાવવામાં આવે છે. અન્ય મસાલાઓ સાથે આ મસાલાનો ઉપયોગ એ વાનગીને અનેરો સ્વાદ અને સુગંધ દઈ જાય છે.

 

પાઉંભાજીનો મસાલો …

 

પાંઉભાજીને સ્વાદિષ્ટ બનાવવામાં આવતો આ મસાલો અન્ય એક પ્રકારે ગરમ મસાલાનો જ એક પ્રકાર છે. જે આખા ધાણા, આખું જીરું, સૂકા મરચાં, આમચૂર પાવડર, એલચી, મરી, તજ, લવિંગ વગેરેના મિશ્રણથી બનાવવામાં આવે છે. આ મસાલાનો ઉપયોગ પાઉંભાજી ઉપરાંત નાળિયેરનાં દૂધ સાથે મિકસ કરીને અન્ય પ્રકારની કરી બનાવવામાં આવે છે.

 

જીરું …

 

વરિયાળી જેવા દેખાતા જીરુંના બીજ તેમ જ જીરા પાવડરનો મસાલા તરીકે બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. ગુણમાં તીખું, ગરમ, તીક્ષ્ણ, રૂચિકારક જીરું પુષ્પીય વર્ગની વનસ્પતિ છે. આખા જીરુનો વઘાર એ તમામ ભારતીય વાનગીઓને રૂચિકર અને સ્વાદિષ્ટ બનાવી જાય છે. ખું જીરાને શેકીને બનાવેલ પાવડર એ મસાલિયાનાં ડબ્બામાં મહત્વનું સ્થાન રાખે છે.

 

તજ …

 

રસોઈમાં, મીઠાઈમાં અને, ચોકલેટસમાં તજ એ એક એવું હર્બ છે જે પોતાના સ્વાદ સાથે પોતાની તીક્ષ્ણ સુગંધ પણ છોડી જાય છે. આ મસાલાનો ગુણ તીખો છે તજ એ મૂળ તો તેના વૃક્ષના થડનો એક ભાગ છે. તજ બે રંગ અને બે પ્રકારમાં જોવા મળે છે. જેમાં કથ્થાઇ રંગનાં સીધા સપાટ તજની ગુણવતા વધુ હોય છે અને ગોળ વળેલા ભૂંગળી જેવા દેખાતા લાલ તજ ગુણવતામાં ઉતરતા હોય છે, પરંતુ તજ આખા હોય કે તજનો પાવડર હોય કોઈપણ સ્વરૂપે તજનું સ્થાન રસોડામાં મહત્વનું છે.

 

સાભાર : પૂર્વી મલકાણ – મોદી  (યુ.એસ.એ)

 

મિત્રો, આપને ઉપરોક્ત પોસ્ટ પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો.  આપના દરેક પ્રતિભાવ અમોને પ્રેરણાદાયી બની રહે છે. … આભાર !

 

બ્લોગ લીંક: http://das.desais.net
email:[email protected]

મસાલામાં થતી ભેળસેળ …(રસોડાની ટીપ્સ) … (૪)

મસાલામાં થતી ભેળસેળ …(રસોડાની ટીપ્સ) ….


માર્કેટ વોચ : મરચું, હળદર અને ધાણાજીરૂમાં મોટા પાયે મીલાવટ : ફૂડ કલર, લાકડાનો છોલ, એસેંસ, ચોખાનો લોટ, વિ. ભેળવવાથી ખતરનાક પરિણામ

મસાલા એ રસોઇની સોડમ સાથે સ્વાદને પણ નિખારે છે. તેના વગર પ૬ પકવાન બેસ્વાદ છે. જો કે સ્વાદના રસિયાઓને કદાચ એ ખબર નહીં હોય કે, તેઓ ભેળસેળિયા મસાલાથી શણગારેલી વાનગીઓ પેટમાં પધરાવે છે. હા, મરચાથી લઇ ધાણાજીરૂ, હળદળ સહિતના મસાલામાં બેફામ ભેળસેળ થાય છે. હાલ મસાલાની સીઝન પૂરબહાર ખીલી છે. બાર મહિનાનો સ્ટોક કરી લેવા માટે ગૃહિણીઓએ મસાલાની ખરીદી શરૂ કરી લીધી છે ત્યારે ક્યા મસાલામાં કેવી અને કઇ રીતે ભેળસેળ થાય છે તે જાણી લેવુ જરૂરી છે. હળદર, મરચામાં અને ધાણાજીરૂમાં થોડી-વધુ માત્રામાં કલરની ભેળસેળ થાય છે. મરચામાં સૌથી વધુ ભેળસેળ થાય. ઓઇલ સોલ્યુશન કલરથી ભેળસેળને અસ્સલ દેખાડવાનો પ્રયાસ થાય છે. આ પ્રકારના કલરનું મિશ્રણ આરોગ્ય માટે ખતરનાક સાબિત થાય છે. કેન્સર પણ થઇ શકે છે.

મરચામાં નરી આંખે પણ ન દેખાય એવી રીતે ભેળસેળ કરવામાં આવે છે. જો કે હવે ભેળસેળની ટ્રીક બદલાવવામાં આવી છે. અગાઉ મરચામાં વેર મિશ્રણ થતો હતો. મહદઅંશે લાકડાના છોલનો પણ ઉપયોગ થતો હતો. અન્ય ખાદ્ય પદાર્થ નાખી ઓઇલ સોલ્યુશન કલર નાખી લાલ ચટાક બનાવી નાખવામાં આવતુ હતું. હવે આ રીત આઉટ ઓફ ડેઇટ થઇ ગઇ છે. ભેળસેળ પારખી પણ ન શકાય એવી કરામત કરવામાં આવે છે. ‘કવોલિટી મિશ્રણ’ એ આ નવી ટ્રીક છે. સારી બ્રાન્ડના મરચામાં લોકલ-ચાલુ મરચાની ભૂકી મિશ્રણ કરી નાખવામાં આવે છે. આ ઉપરાંત મરચાના ડીટીયા, સડેલા મરચાને દળીને સારી બ્રાન્ડમાં ભેળસેળ કરી નાખવામા આવે છે.

મરચાની જેમ હળદરમાં પણ મોટાપાયે ભેળસેળ કરવામાં આવે છે. મસાલાબજારના જ એક વેપારીને વિશ્વાસમાં લઇ તેની પાસેથી મેળવાયેલી માહિતીમાં ભેળસેળની આખી પ્રક્રિયા જાણવા મળી હતી. હળદરને દળી નાખવામા આવ્યા બાદ તેમાં માપસર ચોખાનો લોટ ભેળવી દેવામાં આવે છે. બાદમાં તેમા ફૂડ કલર મિશ્રણ કરી નાખવામાં આવે છે. હળદરની સુગંધ વધારવા માટે એસન્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે. પીડાશ પકડવા માટે ઇન્ડસ્ટ્રીયલ કલર નાખવામા આવે છે.

બજારમાં વેચાતુ લાલચટક મરચામાં લાકડીના વહેરનો ઉપયોગ કરવામા આવતો હોય છે જયારે હળદરમાં મકાઈના લોટ તેની તથા તેની સાથે બેસનનો ઉમેરો કરવામા આવે છે મરચામાં જેમ લાકડાના વહેરની ભેળસેળ કરવામા આવે છે તેવી જ રીતે ધાણામાં પણ લાકડાના વહેરનો અધિકત્તમ ઉપયોગ કરવામાં આવે છે. ગરમ મસાલામાં કરવામા આવતી ભેળસેળમાં જીરૂ અને રાઈ કુરિયા પણ બાકાત નથી જીરૂ માં વરીયાળી  તથા તેની સાથે શંખજીરૂ ની મિલાવટ કરવામા આવે છે. જેથી કુરિયામા હલકી નિમ્ન કક્ષાની હળદરનો સમાવેશ થાય છે અને ગરમ મસાલામાં સૌથી વધારે રાઈનીની ભેળસેળ થતી હોય છે.


મસાલાના પ્રકાર …

· આખા મસાલાઃ રાઈ, મેથી, જીરૂ, કલોંજી, કાળામરી, અજમો, વરિયાળી

· પાઉડર મસાલાઃ મરચું, હળદર, ધાણાજીરૂ, હિંગ, સૂંઠ, આમચૂર પાઉડર

· ગરમ મસાલાઃ કાળામરી, તજ, લવિંગ, જાવંત્રી, એલચી, જાયફળ, ખસખસ, કેસર

· પૌષ્ટિક મસાલાઃ મગફળી, તલ, શ્રીફળ, ગુંદર, કોપરું, ખજૂર, લસણ, ડુંગળી

· લીલા મસાલાઃ આદુ, લસણ, કોથમીર, ફુદીનો, લીલી ડુંગળી, આમલી, લીલા મરચાં

· મેવા મસાલાઃ બદામ, અખરોટ, કાજુ, ચારોળી, અંજીર, જરદાળુ, ખારેક, પિસ્તા

· મસાલાના પૂરકઃ ખાંડ, મીઠુ, આમચૂર, ગોળ

 

મસાલાની જાળવણી …


· લાલ મરચું :

મરચું બારેમાસ સચવાઈ રહે તે માટે સારી જાતનું મરચું ખરીદી તેના ડીંટાં તોડીને તડકે સૂકવી નાખવું. હવે જયારે પણ મરચાં દળાવો ત્યારે તેમાં પ્રમાણસર મીઠું અને થોડુંક તેલ ભેળવી દેવું. મરચું દળાવી કે ખંડાવી લીધા બાદ તેને ચાળવું. હવે ગરમ કરેલા તેલને ઠંડું કરી મરચાંના ભૂકામાં નાંખવું અને મીઠું પણ ભેળવવું. બસ આ મરચાને હવાચુસ્ત બરણીમાં ભરી લેવું.

· હળદર :

આ પણ સારી જાતની ખરીદીને તેને ચારથી પાંચ વખત પાણીમાં ધોઈ નાખવી. હવે તાપમાં હળદરની બરાબર સુકવણી કરવી. ત્યારબાદ દળીને ડબ્બામાં ભરવી. હળદરની સાચવણી માટે કેટલીક ગૃહિણીઓ તેલ નાંખે છે. તો કેટલીક હીંગના ટુકડા પણ નાંખે છે. જેથી તેમાં કવોલિટી જળવાઈ રહે અને જીવાત ના પડે.

· ધાણાજીરૂ :

ધાણી અને જીરૂ  ખરીદીને તેને અલગ અલગ શેકવા. ૧ કિલો ધાણામાં રપ૦ ગ્રામ જીરૂ  ભેળવવું. તમે ૧ કિલો ધાણાજીરૂમાં રપ ગ્રામ તજ, લવિંગ, એલચીનો ભૂકો પણ નાંખી શકો છો. ટેસ્ટ અને સ્મેલ સારા લાગશે.

· અન્ય મસાલા :

બાકીના મસાલા પણ સારી જાતના ખરીદીને તેને બરાબર સાફ કરીને સાફ બરણીમાં ભરી લેવા. જરૂર પૂરતા રોજિંદી બરણીમાં જુદા રાખવા જેથી વારંવાર ખોલવાથી તેની સ્મેલ પર અસર ઓછી પડે.

· નાની પણ અગત્યની વાત કે બરણીમાંથી મસાલા કાઢતી વખતે ચમચાનો ઉપયોગ કરવો. ચમચો કે હાથ ભીના ના હોય તેનું વિશેષ ધ્યાન રાખવું.

 

મસાલામાં થતી ભેળસેળ …


જીરૂમાં કરામતી ભેળસેળ …

ધાણાજીરૂ તેની સુંગધથી જ ઓળખાઇ જાય છે. આમછતાં એવી કરામતથી ભેળસેળ કરવામા આવે છે કે, ગમેએવો પારખુ હોય તો પણ થાપ ખાઇ જ જાય! ધાણાજીરૂમાં કેવી રીતે ભેળસેળ કરવામા આવે છે એ પણ સામે આવી ગયુ છે. ધાણામાં ખાખરાના સુકાયેલા પાંદડાને એકદમ બારીક ભૂક્કો કરવામા આવે છે. ધાણાના ડાખરા પણ દળી નાખવામા આવે છે બાદમાં ધાણાજીરૂના મિશ્રણમાં તે ભેળવી દેવામાં આવે છે. ધાણાની સુગંધને બરકરાર રાખવા માટે આમાં પણ એસન્સ નાખવામા આવે છે.


· લાલ મરચું:

લાલ મરચામાં મરચાનાં બીનો પાઉડર, મરચાનાં ડીંટાંનો પાઉડર, મગફળીનાં ફોતરાં, લાકડાનો વહેર, લાલ રંગની ભેળસેળ કરાય છે.

· હળદરઃ

પીળો રંગ, અનાજનો લોટ, ટેલકમ પાઉડર, ઈંટનો ચૂરો, લાકડાનો બારીક ભૂકો

· ધાણાજીરૂ :

લાકડાનો રંગીન વહેર, ઘોડાની લાદનો પાઉડર, પીળો રંગ

· હીંગઃ

ચણાનો લોટ અને રંગેલો ગુંદર

· કાળામરી :

પપૈયાનાં સૂકાં બી

· તજઃ

કેશિયા વૃક્ષની છાલને રંગીને પીપરમેન્ટનો લૂક આપી થતી ભેળસેળ

· લવિંગઃ

કોઈ પણ પ્રકારની ભેળસેળ થઈ ના શકે પણ તેનો અર્ક દૂર કરવામાં આવે તો લવિંગ કરમાયેલા અને તીખાશ વિનાના લાગે છે.

· એલચીઃ

ભેળસેળ નથી થતી પણ લીલી એલચીમાંથી અર્ક ખેંચી લેવાય છે.

· કેસરઃ

મકાઈના રેસાને સૂકવીને અને રંગીને સુગંધયુક્ત કરી ભેળવાય છે. વળી ફૂલના પુંકેસર પણ ભેળવી શકાય.

 

ભેળસેળ કેવી રીતે પારખી શકાય?

હળદર મરચુ અને ધાણાજીરૂમાં થયેલી ભેળસેળ આમ તો લેબોરેટરી ટેસ્ટમાં પણ ક્યારેક છટકી જાય છે. હળદરના પાઉડરને હથેળીમાં લઇ તેમા એકાદ ટીપુ પાણી નાંખી આંગળીથી મસળી બાદમાં હાથ સાબુથી ધોઇ નાખવો. હાથ ધોવા છતાં પીળાશ રહી ગઇ હોય તો ભેળસેળ રહિત અથવા તો ઓછા પ્રમાણમાં ભેળસેળ થઇ હોવાનું માની શકાય. જ્યારે મરચાની ભૂક્કી એક ચપટી ભરી મોંમા મુક્તાની સાથે જ વધુ પડતી તીખાશ લાગે તો સમજી લેવુ કે તેમાં ડીટિયાનો ભૂક્કો કરીને ભેળસેળ થયેલી છે. આ ઉપરાંત પાણી ભરેલા ગ્લાસમાં મરચાની ભૂક્કી નાંખવામા આવે અને ઉપરના ભાગે પાણી લાલ થઇ જાય તો કલરની ભેળસેળ હોવાનું પકડી શકાય.

કઈ રીતે ઓળખશો મિલાવટ? …


· લાલ મરચું : ..

એક કાચના ગ્લાસમાં પાણી ભરીને મરચું નાંખવું. શુદ્ધ લાલ મરચું હશે તો ગ્લાસના તળિયે બેસી જશે. જ્યારે ભેળસેળવાળું  મરચું  પાણીમાં તરતું રહેશે. જો તેમાં લાલ રંગની ભેળસેળ હશે તો પાણીમાં રંગ ઓગળશે નહી. જ્યારે લાકડાના વહેરનું મિશ્રણ તો પાણીમાં તરવા જ લાગશે.

· હળદર : …

કાચના ગ્લાસમાં પાણી ભરી હળદર નાંખવી. ભેળસેળવાળી હળદર પાણીને પીળું બનાવે છે. તેમાં લોટની ભેળસેળ જાણવા આયોડિન નાંખવું. બસ તરત જ ભૂરો રંગ થઈ જાય તો ભેળસેળ સમજવી. ઉપરાંત બીજી રીત એ છે કે તેમાં મીઠું અને હાઈડ્રોક્લોરિક એસિડનાં ટીપાં નાંખવાથી પર્પલ કલર આવશે. જો તેમાં પાણી નાંખ્યા બાદ રંગ ઊડી જાય તો તેમાં ભેળસેળ નથી એમ સમજવું અને રંગ ટકી રહે તો ભેળસેળ કરાઈ છે તેમ સમજવું. જ્યારે લાકડાનો વહેર તો પાણીમાં તરશે.

· ધાણાજીરૂ : …

કાચના ગ્લાસમાં પાણી ભરી નાંખીને તેમાં એક ચમચી ધાણાજીરું નાંખવું. કોઈ પણ પ્રકારની ભેળસેળ હશે તો રંગ વિનાનું થઈને પાણીમાં તરવા લાગશે. થોડુંક ધાણાજીરું ટેસ્ટ કરી લેવાથી લાકડાના વહેરનું મિશ્રણ હશે તો અલગ જ ટેસ્ટ આવશે.

· હીંગ : …

શુદ્ધ હીંગની શુદ્ધતા જાણવા માટે અંગારા ઉપર નાંખવાથી સ્મેલ આવશે. શુદ્ધ હીંગની સ્મેલ વધુ હશે. જ્યારે પાણીમાં હીંગ નાખવાથી શુદ્ધ હશે તો તરત ઓગળી જશે અને સફેદ પ્રવાહી થશે.

· કાળામરી : …

ભેળસેળ વિનાના કાળામરી પાણી ભરેલા કાચના ગ્લાસમાં તરવા લાગશે. જો કાળામરીમાં અલગ તરી આવતા દાણા ચાખી જોવાથી ટેસ્ટમાં જુદા લાગે તો ભેળસેળ સમજવી.

· તજ : …

આનો ટેસ્ટ તીખો હોવાનો એટલે ચાખી જોવા, કેમ કે નકલી તજમાં મીઠાશ વધુ હોય છે. પાણીમાં તો તજનો રંગ અને ટેસ્ટ બદલાઈ જાય છે. એટલે ચાવીને જ પરખ કરવી.

· એલચી : …

પાણીમાં નાંખતા જ કલર છૂટે તો સમજવું કે નકલી એલચી છે.

· કેસર : …

પાણીમાં કેસર નાંખવાથી તરત જ ઓગળી રંગીન અને સુગંધિત પાણીમાં ફેરવાય છે. કેસરમાં તેજાબ નાખતા રંગ ભૂરો, તપખીરી, જાંબલી કે કાળો બની જાય તો કેસર સારું સમજવું. વળી જીભે મૂકતા જ કેસર રંગવિહીન બની કડવું લાગે છે.

.

સંકલિત લેખ …

રસોડાની ટીપ્સ … (૩)

રસોડાની ટીપ્સ  …

 


 

૧.    લીંબુ સુકાઈ ગયેલ હોય કે બહુ કઠણ –સખત હોય તો તે ગરમ પાણીમાં રાખવાથી તેમાંથી ખૂબ સરળતાથી વધુ રસ નીકળી શકે છે.

૨.    મહિનામાં એક વખત મિક્સર – ગ્રાઈન્ડરમાં મીઠું નાંખી અને તે ચલાવી લેવું. જેથી બ્લેડની ધાર તેજ થશે.

૩.    નૂડલ્સને બાફી લીધા બાદ તેમાં ઠંડું પાણી નાખવામાં આવે તો નૂડલ્સ આપસમાં એકબીજાને ચોંટી /ચિપકી નહિ જાય.

૪.    નૂડલ્સણે બાફતી સમયે તેમાં ૨ ચમચી તેલ નાંખવાથી નૂડલ્સ એક બીજાં સાથે ચિપકી નહિ જાય.

૫.    પનીરને બ્લોટિંગ પેપરમાં લપેટીને ફ્રીઝમાં રાખવાથી તે લાંબો સમય સુધી તાજું રહે છે.

૬.    મેથીમાંથી કડવાશ દૂર/ઓછી કરવા, તેમાં મીઠું નાખી અને થોડો સમય અલગ રાખી દેવાથી કડવાશ ઓછી થઇ જશે.

૭.    એક નાની ચમચી ખાંડ ણે કથાઈ કલર/રંગ થાય ત્યાં સુધી ગરમ કરી અને કેકના મિશ્રણમાં ભેળવી દેવાથી કેકનો રંગ સારો આવશે.

૮.    બટેટાના સ્ટફ્ડ પરોઠા બનાવો ત્યારે તેના માવામાં થોડી કસૂરી મેથી નાંખવાથી તેનો સ્વાદ જ કંઈક અલગથી આવશે અને જે બધા તેણે વધુ પસંદ કરશે.

૯.    ફ્લાવરને બાફવાથી તેના રંગમાં ફેરફાર થઇ જાય છે., ટ ન થવાં દેવું હોય તો ફલાવરના શાકમાં એક ચમચી દૂધ અથવા સિરકો નાંખવાથી તમે જોઈ શકશો કે ફલાવરના રંગમાં કોઇ જ ફેરફાર ન થતા મૂળ રંગ જળવાઈ રહેશે.

૧૦.   રોટલીનો લોટ કે પરોઠાનો લોટ બાંધતી વખતે પાણી સાથે થોડું દૂધ પણ ઉમેરવું. તેનાથી રોટલી અથવા પરોઠાનો સ્વાદ બદલાઈ જશે.

૧૧.   તૂવેરદાળ બાફવા મૂકો ત્યારે તેમાં થોડી હળદર અને સિંગતેલ થોડું નાંખવાથી  (થોડા ટીપા) દાળ ઝડપથી બફાઈ જશે. (પાકી જશે) અને તેનો સ્વાદ પણ અલગ આવશે.

૧૨.   બદામને ૧૫-૨૦ મિનિટ ગરમ પાણીમાં રાખવાથી તેની છાલ આસાનીથી ઉતરી શકશે.

૧૩.   ખાંડના ડબ્બામાં ૫-૬ લવિંગ રાખવાથી તેમાં કીડી ક્યારેય નહિ ચડે/ આવે.

૧૪.   બિસ્કીટના ડબ્બામાં નીચે બ્લોટિંગ પેપર પાથરીને બિસ્કીટ રાખવામાં આવે તો બિસ્કીટ જલ્દી ખરાબ (બગડશે નહિ) નહિ થાય.

૧૫.   સફરજન કાપી અને મીઠાવાળા પાણીમાં રાખવાથી તે જલ્દી કાળા નહિ પડે.

૧૬.   સફરજન કાપેલ હોય તો તેની ઉપર લીંબુનો રસ લગાડવાથી તે કાળા નહિ પડે.

૧૭.   ચામડી દાઝી જાય તો તેની ઉપર કેળાને મેસ કરીને (કેળાને છૂંદીને)દાઝ્યા ઉપર લગાડવાથી ઠંડક થશે.

૧૮.   રસોડાની દરેક  ખૂણામાં બોરિક પાઉડર છાંટી રાખવાથી વાંદા રસોડામાં નહિ આવે.

૧૯.   મરચાના પાઉડરના ડબ્બામાં હિંગ થોડી રાખવાથી મરચું બગડશે નહિ.

૨૦.   લસણ ફોલવા થોડું ગરમ કરવાથી તે આસાનીથી / સરળતાથી ફોલી શકાશે.

૨૧.   લીલાં મરચાની ડાળખી તોડીને મરચા ફ્રીઝમાં રાખશો તો તે જલ્દી ખરાબ નહિ થાય.

૨૨.   લીલાં વટાણાને વધુ સમય તાજા રાખવા હોય તો પ્લાસ્ટીકની થેલીમાં બંધ કરીને ફ્રીઝરમાં રાખવાથી તે વધુ સમય તાઝા રહેશે.

૨૩.   પરંતુ અન્ય એક રીત છે. સૌ પ્રથમ વટાણાને ફોલીને બે વખત પાણીમાં ધોઈ વધારાનું પાણી કાઢી અને એક વાસણમાં વટાણા ડૂબી શકે તેટલું પાણી લઇ અને ગરમ કરવા મૂકવું અને ઉફાળો આવ્યા બાદ વટાણા તેમાં નાંખી અને ૨ મિનિટ માટે તે વાસણ ઢાંકી દેવું અને સમય થઇ ગયા બાદ ગેસ બંધ કરી દેવો. ત્યાર બાદ, જો તેનું વધારાનું પાણી કાઢી અને ઠંડા પાણીમાં રાખી અને ઠંડા કરવા. ઠંડા થઇ ગયા બાદ, ચારણીમાં રાખી અને વધારાનું પાણી કાઢી લેવું.

 

અને પોલીથીન બેગમાં /પ્લાસ્ટીકની કોથળીમાં જરૂરીયાત મુજબ અલગ અલગ પેક કરી અને ફ્રીઝરમાં રાખવા. પ્લાસ્ટિક બેગ પર ટેપ અથવા રબ્બર બેન્ડ મારી અને બંધ કરવી. આમ કરવાથી  તેનો કલર લાંબો સમય સુધી જળવાઈ રહેશે અને જ્યારે ઉપયોગ કરશો ત્યારે તેનો સ્વાદ પણ જળવાઈ રહેશે.

 

વટાણાની જેમ બ્રોકલી અને બીન્સની  પણ આજ રીતે જાળવણી કરી શકો છો.

 

બ્લોગ લીંક: http://das.desais.net

રસોડાની ટીપ્સ … (૨)

રસોડાની ટીપ્સ :…


૧] કારેલાને ચીરી મીઠું લગાડવાથી તેની કળવાશ ઓછી થઈ જશે.

૨] બટેટાના છીલ્કા/છાલ કાઢી અને તેમાં કાંટાથી (Fork) કાણાં પાડી અને મીઠાંવાળા પાણીમાં બોળી ઉપયોગ કરવાથી દમ આલું સારા બનશે.

૩] સુક્કા આદુની છાલ ઉતારવી હોઇતો થોડી વખત (અડધો કલાક ) ઠંડા પાણીમાં રાખવાથી ચાલ ઉતરી જશે.

૪] લસણને થોડું ગરમ કરવાથી તેની છાલ સહેલાઈથી ઉતરી જશે.

૫] ખાંડમાં કીડી ન આવે તે માટે તેની બરણીમાં લવિંગ ૪-૫ રાખવા.

૬] તાવિમાંથી (તવી) ડુંગળીની સુગંધ કાઢવી હોઇ તો કાચું બટાકુ (બટેટા) કાપી તાવીમાં લગાડવું.

૭] રોટલીના લોટમાં દહીં નાખવાથી રોટલીનો સ્વાદ સારો આવશે અને રોટલી નરમ બનશે.

૮] ભીંડા બનાવતી સમયે તેમાં એક ચમચો દહીં નાખવાથી ભીંડા ચોંટશે નહિ.

૯] કસુરી મેથીનો વારંવાર ઉપયોગ ન કરવો હોઇતો, મેથીની ભાજીને પેનમાં થોડી ગરમ કરી, ઠંડી કરી ઉપયોગ કારી શકાય.

૧૦] ઈન્સ્ટન્ટ ઢોકળા બનાવવા સુઝી થોડી નાખવાથી ઢોકળા પોચા બનશે.

૧૧] કોથમીર તાઝી રાખવા તેના મૂળિયા પાણીના ગ્લાસમાં બોળી રાખવાથી તે તાઝી રેહશે.

૧૨] સંભારની દાળ બનાવી હોઇતો, તુવેરની દાળ અને ચણાની દાળ સાથે મીઠું અને હળદર નાખીને બાફવી.

૧૩] અથાણું બનાવતી સમયે તેલ ગરમ કારી નાખવું.

૧૪] બેસન / ચણાના લોટના ઢોકળા બનાવવા માટે Fruit salt નો ઉપયોગ કરવાથી ઢોકળા સારા બનશે

૧૫] કેકમાં Nuts નાખતા પેહલા તેને મેંદામાં બોળી નાખવાથી, તે કેકમાં અલગ અલગ રેહશે, ભેગી નહિ થઈ જાય.

રસોડું તમારો ડૉકટર..(૩)

રસોડું તમારો ડૉકટર …

 

 


તમારા રસોડામાં ઘણી બધી એવી વસ્તુઓ હોય છે કે જેનો ઔષધીનાં રૂપે પ્રયોગ કરી તમે રોગમુક્ત થઈ શકો છો. તેજપાન (તજ), આંબોળીયા, જાયફળ, ચારોળી, મીઠું, રાઈ, કલૌંજી, નાની-મોટી ઈલાયચી, હીંગ, ખસખસ વગેરે મસાલા ફકત ખાદ્ય પદાર્થોનાં સ્વાદને જ નથી વધારતાં, બલ્કે આપણા સ્વાસ્થ્યની રક્ષા પણ કરે છે. જો તમે આના ઔષધીય ગુણોનો જાણી લો તો પછી તમે આનો ઉપયોગ વધુ સારી રીતે કરી શકશો.

  

[૧] રઈ (રાય): 

 

ભોજન સારી રીતે પચતું ન હોય તો અને ભૂખ સારી રીતે ન લાગતી હોય તો ચપટી રઈને શાકમાં નાંખી ખાતા રહેવાથી ભૂખ લાગવા માંડે છે. અને ખાવાનું પચે છે. કારણકે રઈ કબજીયાત દૂર કરે છે. અને પાચક ગુણોથી ભરપૂર હોય છે. શરદી થાય તો રઈને મધમાં મેળવી સૂંઘો. આનાથી શરદી દૂર થઈ જાય છે. કફ દોષથી ઉત્પન્ન શ્વાસ રોગમાં અડધો માસો રાઈને ૧૦-ગ્રામ ઘી અને ૫=ગ્રામ મધમાં મેળવી સવારે – સાંજે થોડા દિવસ ચાટવાથી આરામ મળે છે. આનાથી શ્વાસ રોગનું શમન થાય છે.

 

કોઈ કારણસર ગર્ભમાં જ બાળક મરી ગયું હોય તો મૃત ગર્ભને સરળતાથી બહાર કાઢવા માટે રઈનો ૩ માસો લોટ અને શેકેલી હીંગ લગભગ ચાર રતી  જેટલી થોડી કાંજીમાં પીસી ગર્ભવતીને પિવડાવો. આનાથી મૃત ગર્ભ સ્વાભાવિક રૂપે બહાર નિકળી જાય છે.

 

બગલમાં ગાંઠ થઈ હોય તો તે જલ્દી પાકીને ફૂટતી નથી. અને અસહ્ય વેદના થાય છે. ગાંઠને જલદી પકવી ફૂટે તે માટે ગોળ, ગુગળ અને રઈને મેળવી પીસી ગરમ કરીને ચોંટાડી દો. ગાંઠ પાકી ગઈ હોય તો રઈ, લસણને વાટી પોટલી બનાવો. અને ગાંઠ પર એરંડીયાનું તેલ અથવા ઘી લગાવી પોટલી બાંધી દો. આનાથી ગાંઠ જલ્દી ફૂટી સુકાઈ જાય છે. શરીરનાં કોઈ પણ ભાગ પર ગાંઠ થઈ હોય અને તે દિન પ્રતિદિન વધી રહી હોય તો તેનાં પર રઈ અને કાળાં મરીનાં ચૂરણને ઘીમાં મેળવી લેપ કરો. આનાથી ગાંઠ વધતી રોકાય છે.

 

જે બાળકો રાત્રે પથારીમાં પેશાબ કરે છે. તેમને ૩-માસો રઈનું ચૂરણ જમ્યા પછી ઠંડા પાણી સાથે આપો. દાંતમાં દુખાવો હોય તો રઈને ગરમ પાણીમાં મેળવી કોગળા કરવા આનાથી દાંતનું દરદ મટી જાય છે. 

 

[૨] કલૌંજી :

 

શરીરનાં કોઈપણ ભાગમાં મસો હોય અને તેનાથી તમને નુકશાન થઈ રહ્યું હોય અથવા ખરાબ લાગતું હોય અથવા ખંજવાળ હોય તો સિરકામાં કલૌંજી ચૂરણ મેળવી મસા પર લગાવો. થોડા દિવસનાં પ્રયોગથી મસા કપાઈ જાય છે. ગુર્દા અને મૂત્રાશયની પથરીથી તમે દુ:ખભર્યું જીવન જીવી રહ્યાં હોય તો કલૌંજીને પાણીમાં પીસી મધમાં મેળવી પી જાવ. થોડા દિવસનાં પ્રયોગથી પથરી નિકળી જાય છે.

 

શિયાળાની ઋતુ ગયા પછી ગરમ ઉનનાં કપડાને જ્યારે તમે કબાટમાં મુકો ત્યારે કલૌંજીનાં કેટલાંક દાણા પણ કપડાની ગડીમાં નાખી દો. આનાથી તેમાં કીડા લાગતાં નથી. એડકી આવવાની બીમારી હોય તો ત્રણ ગ્રામ કલૌંજી ચૂરણ મધમાં મેળવી ચાટો. આનાથી એડકી આવવી બંધ થઈ જાય છે.

 

વાળ ખરવાની અથવા તૂટવાની ફરિયાદ હોય તો કલૌંજીને વાટી વાળનાં મૂળમાં ઘસો અને એકાદ કલાક પછી વાળ ધોઈ નાંખો. આ પ્રયોગ થોડા મહિના સુધી કરવાથી વાળનું ખરવું રોકાઈ જાય છે અને તે ફરીથી વધી લાંબા થઈ જાય છે.

 

કૂતરૂ કરડ્યું હોય તો કલૌંજીનો હલવો બનાવી ખાવાથી કૂતરાનું ઝહેર નષ્ટ થઈ જાય છે. આ હલવાને ખાવાથી પેટનો વાયુ, પેટનાં કીડા, પેટનો આફરો અને કફ રોગ શાંત થઈ જાય છે.

 

 

[૩] નાની ઈલાયચી :

 

પેશાબ ખુલીને ન થઈ રહ્યો હોય તથા મૂત્રમાર્ગમાં બળતરા થતી હોય તો નાની ઈલાયચીનાં દાણા વાટી દૂધની સાથે પીવું જોઈએ. આનાથી પેશાબ ખુલીને થાય છે અને બળતરા શાંત થાય છે. ભોજન પચતું ન હોય તો નાની ઈલાયચીનાં બીજ, સૂંઠ, લવિંગ અને જીરૂ આ બધાને સમમાત્રામાં લઈ ઝીણું વાટી ચૂરણ જેવું કરી જમ્યા પછી 2 ગ્રામની માત્રા ખાવી. આનાથી ભોજન પચી જાય છે.

 

પેટમાં દુખતું હોય તો બે નાની ઈલાયચી વાટી મધ સાથે ચાટો આનાથી પેટ દરદ ઠીક થઈ જાય છે. દૂધ વધારે પીવાને કારણે અથવા કેળા વધુ ખાવાને કારણે અજીર્ણ થયું હોય તો નાની ઈલાયચીનાં દાણા ખાવાથી આરામ થઈ જાય છે.

 

[૪] મોટી ઈલાયચી :

 

મોટી ઈલાયચીનાં દાણાનાં ચૂરણને સાકર સાથે ચૂસવાથી વાત, કફ અને પિત્ત તેમજ ખાંસીમાં તરત જ આરામ મળે છે. મોટી ઈલાયચીને થોડું બાળી વાટી લો. ઉલ્ટી રોકવા માટે આ ઉત્તમ ઉપાય છે. આ ચૂરણને ત્રણચાર કલાકની અંદર બે-ત્રણ વાર ચાટવાથી ઉલ્ટી રોકાઈ જાય છે. મોટી ઈલાયચીનાં છોતરાને કૂટી ૧૨૫ ગ્રામ પાણીમાં ઉકાળી પીવાથી એડકીઓ બંધ થઈ જાય છે.

 

 

[૫] ખસખસ :

 

બે ચમચી ખસખસ સાંજે પાણીમાં પલાળી દો. સવારે આને વાટી સાકર મેળવો. અને પાણીમાં ઘોળી પી જાવ. આનાથી મગજની ગરમી શાંત થાય છે. ખસખસની ખીર ખાવાથી શક્તિ વધે છે. બે ચમચી ખસખસ પાણીમાં નાખી પીસી લો. અને ચર્તુર્થાંસ કપ દહીં મેળવી ૬ – ૬ કલાકે દરરોજ ત્રણવાર સેવન કરવાથી ઝાડા અને મરડો મટી જાય છે.

 

 

ડૉ. ઉમા સરાફ [યોગ સંદેશ સામાયિક (હરિદ્વાર, ઉત્તરાંચલ)માંથી સાભાર)

 
બ્લોગ લીંક:http://das.desais.net
email: [email protected]
બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

મીઠું -રસોડું તમારો ડૉકટર..(૨)

મીઠું-રસોડું તમારો ડૉકટર …

 

 

તમારા રસોડામાં ઘણી બધી એવી વસ્તુઓ હોય છે કે જેનો ઔષધીનાં રૂપે પ્રયોગ કરી તમે રોગમુક્ત થઈ શકો છો. તેજપાન (તજ), આંબોળીયા, જાયફળ, ચારોળી, મીઠું, રાઈ, કલૌંજી, નાની-મોટી ઈલાયચી, હીંગ, ખસખસ વગેરે મસાલા ફકત ખાદ્ય પદાર્થોનાં સ્વાદને જ નથી વધારતાં, બલ્કે આપણા સ્વાસ્થ્યની રક્ષા પણ કરે છે. જો તમે આના ઔષધીય ગુણોનો જાણી લો તો પછી તમે આનો ઉપયોગ વધુ સારી રીતે કરી શકશો.

 

 

[૧] મીઠું :

 

 

રસોડામાં રાખેલું મીઠું એક વૈદ્ય છે. ઝીણું વાટેલા મીઠું ને ગાયની છાશમાં ૩ ગ્રામ નાંખો, અને પી જાઓ. આ રીતે કરવાથી આઠ દિવસમાં જ પેટનાં કીડા મરી જાય છે.

 

મીઠું મેળવેલા પાણીથી સ્નાન કરવાથી ત્વચાની ખંજવાળથી મુક્તિ મળે છે. ૬૦ ગ્રામ મીઠુંને ૧૦ કિલો પાણીમાં નાંખી ઉકાળો અને આ પાણીથી દરરોજ સ્નાન કરો. આઠ દિવસ સુધી આ પાણીથી નહાવાથી ખંજવાળનું નામનિશાન પણ રહેતું નથી.

 

હાથ અને બાહો કડક થઈ ગયા હોય તો હાથ અને બાહોને ભીના કરી એક મુઠ્ઠી મીઠું લઈ ગોળાકારમાં માલિશ કરો આનાથી ત્વચા કોમળ અને સુંદર બને છે. ગરમ પાણીમાં મીઠું મેળવી આ પાણીથી ત્વચા અને પગ ધુઓ. આનાં નિયમિત પ્રયોગથી ત્વચાનું સુકાપણું, હાથ પગનાં વાઢિયા દૂર થાય છે. આ પ્રયોગ અઠવાડિયામાં બે વાર અવશ્ય કરવો. ત્વચા હંમેશા જવાન અને કોમળ રહે છે.

 

ખીલ મટતાં ન હોય તો ગરમ પાણીમાં દોઢ ચમચી મીઠું નાંખવું. અને આ પાણીથી સવારે-સાંજે આખા ચહેરાને ધુઓ. આનાથી ખીલ ધીમે ધીમે મટી જશે. આ પ્રયોગ કરતી વખતે આંખો બંધ રાખવી અને મોં ધોયા પછી ત્વચાને નરમ ટુવાલથી ધીરે ધીરે લૂછો.

 

માથાનાં દુખાવા માટે મીઠું ઉત્તમ દવા છે. એક ચપટી મીઠું જીભ પર રાખો. અને ૧૦ મિનિટ પછી એક ગ્લાસ ઠંડુ પાણી પી લો. આનાથી માથાનો દુ:ખાવો તરત જ દૂર થાય છે. માંસપેશીઓનાં દરદમાં મીઠાને તેલમાં શેકી દર્દવાળા સ્થાને માલિશ કરવી તથા એક કપ હુંફાળા પાણીમાં ચપટી મીઠું મેળવી પીવું. આનાથી માંસપેશીઓનું દરદ મટી જાય છે. મીઠું ઝેરનાશક પણ છે. વિંછી, ઝેરીલી માખી અને મધમાખી કરડે ત્યારે તે સ્થાને થોડું પાણી લગાવી તેનાં પર મીઠું ઘસવું આનાથી દરદ અને બળતરા બંધ થઈ જાય છે. અને સોજો પણ દૂર થઈ જાય છે.

 

ગળામાં દુખાવો તથા સોજો થાય તો ગરમ પાણીમાં મીઠું મેળવી કોગળા કરવા આખા દિવસમાં ત્રણ ચારવાર આ પાણીથી કોગળા કરવાથી જલદી આરામ થઈ જાય છે.

 

રાત્રે સુતા પહેલાં નિયમિત રૂપે મીઠું મેળવેલા ગરમ પાણીમાં દસ મિનિટ સુધી પગ નાંખો અને પછી ટુવાલથી લૂછી પથારીમાં સૂઈ જાવ. આમ કરવાથી અનિંદ્રાની ફરિયાદ દૂર થઈ ઊંડી ઊંઘ આવે છે. તે ઉપરાંત પગનો થાક પણ દૂર થાઈ સારી ઊંઘ આવે છે. દાદર-ખસ માટે મીઠું ઉત્તમ ઔષધી છે. દર કલાકે મીઠુંને પાણીમાં ઘોળી દાદર પર લગાવવાથી અઠવાડિયામાં જ દાદર નષ્ટ થઈ જાય છે.

 

બીમારીથી ઉઠ્યા પછી વ્યક્તિએ ગરમ પાણીમાં મીઠું નાંખી દરરોજ નહાવું જોઈએ. આમ કરવાથી રોગી વ્યક્તિને તરત જ શારીરિક શક્તિ મળે છે. દિવસમાં ત્રણચાર વાર મીઠાવાળું પાણી એક અઠવાડિયા સુધી થોડું થોડું પીવાથી, વાત કરતાં કરતાં લાળ ટપકવાની ફરિયાદ દૂર થાય છે.

 

ઝેરને બિનઅસરકારક કરવા માટે ગાયનાં ઘીમાં મીઠું મેળવી ખાવું જોઈએ. આધાશીશીનાં દર્દમાં અડધી ચમચી મીઠું અને અડધી ચમચી મધ મેળવી ચાટવાથી તરત આરામ મળે છે

 

 

ડૉ. ઉમા સરાફ [યોગ સંદેશ સામાયિક (હરિદ્વાર, ઉત્તરાંચલ)માંથી સાભાર)

 
 

 
બ્લોગ લીંક:http://das.desais.net
email: [email protected]
 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.