એપલ એન ગ્રીન ચીલી સેન્ડવિચ …

એપલ એન ગ્રીન ચીલી સેન્ડવિચ  …
આજે  ફરી એક નવી રેસિપી ‘એપલ એન ગ્રીન ચીલી સેન્ડવિચ’ … સાથે પૂર્વિબેન આવ્યા છે.  ‘દાદીમા ની પોટલી’ પર આ રેસિપી મોકલવા બદલ અમો પૂર્વી  મલકાણ મોદી (યુ એસ એ ) ના  અંતરપૂર્વકથી આભારી છીએ.  પૂર્વિબેન હંમેશા આપ મિત્રો માટે કશુક નવું આપવાની હામભરીને  બેઠા છે અને તેમના સાથ -સહકાર અને મેહનત ના ફળસ્વરૂપ આપણે અનેક સારા લેખક મિત્રોને બ્લોગ પર લાવી શક્યા છે અને સારી પોસ્ટ માણી શક્યા છે. હજુ પણ નવા મિત્રોના સાથ તેઓ દ્વારા આપણે મેળવતાં રહીશું અને નવી નવી પોસ્ટ માણતા રહીશું…
બસ આપે એક જ કામ કરવાનું છે કે બ્લોગ પોસ્ટ માણ્યા બાદ આપના અમૂલ્ય પ્રતિભાવ/કોમેન્ટ્સ બ્લોગ પોસ્ટ પર મૂકવાનું ભૂલશો નહિ, તમારા પ્રતિભાવ અમોને સદા માર્ગદર્શકરૂપ બની રહે  છે સાથે સાથે  લેખક શ્રી ની કલમને પણ જરૂરી બળ પૂરૂ પાળે છે…


સૌને વિચારતા કરી મૂકે તેવી આ અનુપમ સ્વાદ વાળી સેન્ડવિચ તમારી ટી પાર્ટીનો સ્વાદ ન બને તો જ નવાઈ એપ્પલ એન ગ્રીન ચીલી સેન્ડવિચ
એપ્પલ એન ગ્રીન ચીલી સેન્ડવિચ …

 

સામગ્રી :
ગ્રીન ચીલી બારીક સમારેલી (થાઇ ચીલી અથવા લવિંગિયા મરચા)
એપ્પલ છાલ કાઢી બારીક સમારેલા
પેપર જેક ચીઝ ૨ ચમચા
દહીંનો મસ્કો (પાણી વગરનું દહીં)
કાંદા ૧ કપ બારીક સમારેલા
બ્રેડ સ્લાઇઝ
મરી
મીઠું સ્વાદ અનુસાર
માર્ગરિન ૧ ચમચો

રીત:

૧) સૌ પ્રથમ બારીક સમારેલી બધી જ સામગ્રી મિક્સ કરવી
૨) પેપરજેક ચિઝને ખમણી દહીંના મસ્કામાં મિક્સ કરવી
૩) મરી અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરવું
૪) ટોસ્ટર ઓવનમાં થોડું માર્ગરિન નાખી થોડું ગરમ કરવું
૫) બે બ્રેડની સ્લાઇઝ વચ્ચે આ મિશ્રણ મૂકી તેને ગરમ ટોસ્ટરમાં શેકવા મૂકવા
૬) શેકાયા બાદ બહાર કાઢી મસાલા ચા સાથે પીરસવા


આ સેન્ડવિચમાં એપ્પલ અને ગ્રીન ચીલી તથા દહીંના મસ્કા સાથે ચીઝ નો અવનવો સુમેળ છે વળી ટી પાર્ટીમાં આ નવતર સ્વાદ કોઈને ન ભાવે કે  ન પસંદ આવે  તેવું બને જ નહીં.   વળી પુરણ ની તમામ વસ્તુઓ તમને નવો સ્વાદ અને સુગંધ તો આપે જ છે પણ ખાનારા તમને પૂછશે કે શું તમે પનીરની સેન્ડવિચ બનાવી છે?
ત્યારે તેમને  શું જવાબ આપવો તે તમારે વિચારવાનું છે. …….રસ પરિમલમાંથી
સાભાર : પૂર્વી મલકાણ મોદી (યુ એસ એ)
બ્લોગ લીંક:http://das.desais.net

દાલ બાટી … (Dal Batti) …

દાલ બાટી … (Dal Batti) …

 

દાલ બાટી (Dal Batti) રાજસ્થાન નું  સ્થાનિક અને લોકપ્રિય વ્યંજન છે. જેટલી આ ડીશ રાજસ્થાનમાં પ્રચલિત છે અને ત્યાંના  લોકો પસંદ  કરે છે, એવી જ એક ડીશ, દાલ બાફલા (Dal Bafla)ઇન્દોર – માળવા ના વિસ્તારમાં પ્રચલિત છે. તેને ત્યાંના લોકો ખૂબજ પસંદ કરે છે. બન્ને ડીશ ખૂબજ સ્વાદિષ્ટ બને છે. તો આજે આપણે દાલ બાટી ની રેસિપી અહીં  જાણીશું અને માણીશું   … તમને આ ડીશ પસંદ આવે તો જરૂર તમારા પ્રતિભાવ કોમેન્ટ્સ બોક્ષમાં મૂકશો.


બાટી બનાવવા માટે … (for Batti or dumpling) …


સામગ્રી :


૪૦૦ ગ્રામ ઘઉંનો લોટ (૪-કપ)

૧૦૦ ગ્રામ સુજી / રવો   (૧-કપ)

૧૦૦ ગ્રામ ઘી (૧/૨ – કપ)

૧ પીંચ બેકિંગ પાઉડર  અથવા સોડા (જો તમે પસંદ કરતા હોય તો )

૧/૨ નાની ચમચી અજમો

૧ નાની ચમચી મીઠું (સ્વાદાનુસાર)

 

રીત:


ઘઉં ના લોટ અને રવાને એક વાસણમાં મિક્સ કરવો.  તેમાં ૩ ટે.સ્પૂન ઘી, બેકિંગ પાઉડર, અજમો અને મીઠું પણ ઉમેરવું (નાખવું) અને બધુજ મિક્સ કરવું.  નવશેકા પાણી ની મદદથી રોટલીના (કણક) લોટ કરતા થોડો કઠણ (સખ્ત) લોટને બાંધવો (ગૂંથવો).  લોટને ૨૦ મિનિટ સુધી ઢાંકીને રાખી દેવો.  ૨૦ મિનિટ બાદ લોટ ફૂલીને સેટ થઇ જશે.  ત્યારબાદ હાથમાં તેલ લગાડી અને લોટને લઇ અને મસળવો અને મુલાયમ બનાવવો.  લોટ તૈયાર થઇ જાય એટલે તેમાંથી માધ્યમ કદ અને આકારના ગોળા એકસરખા બનાવવા.

 

(જો તમને પસંદ હોય તો આ ગોળામાં વટાણા, બટેટા, પનીર, માવો વિગેરે નું અલગ અલગ કોઈપણ મિશ્રણ પણ ફિલ /ભરી શકાય છે. જેનો સ્વાદ પ્લેઈન બાટી કરતા વધુ સારો આવે છે.)


બાટી બે (૨) રીત થી બનાવી શકાય  છે.

 

(૧) બાટી ને પાણીમાં ઉકાળી (લોટને બાફીને) બનાવવી.


૧ – લીટર પાણી વાસણમાં ભરી ગેસ પર ગરમ કરવા રાખી દેવું. અને જ્યારે પાણી ઉકાળવા લાગે અને તેમાં ઉફાડો આવે એટલે તૂરત લોટના ગોળા આ ઉકળતા પાણીમાં મૂકી દેવા અને ૧૫ મિનિટ સુધી ઉકળતા પાણીમાં રાખવા.

પાણીમાં બફાઈગયેલા ગોળા ને બહાર કાઢી અને એક દિશમાં અલગથી રાખી દેવા.  હવે આ ગોળાને તંદૂર – કે ઓવનમાં બ્રાઉન થઇ જાય ત્યાં સુધી શેકવા.  શેકાઈ ગયેલ બાટી ને નરમ ઘીમાં બોળી/ડુબાડી અને બહાર કાઢી લેવી અને આ તૈયાર બાટી ને એક કાચના વાટકામાં / કટોરીમાં કે ડીશમાં અલગ રાખવી.

 

(૨)  બાટી ને ગરમ પાણીમાં બાફી કે ઉકાળ્યા વગર બનાવવી.


આ પ્રકારની બાટી, પાણીમાં ઉકાળ્યા વગર પણ બનાવી શકાય છે.  લોટના બનાવેલ ગોળા/ બાટી ને તંદૂર કે ઓવનમાં ગરમ કરવી અને શેકવી. તંદૂરમાં બાટી ને સમય સમય પર પલટાવતાં જવી અને ચારેબાજુ બ્રાઉન કલર આવે તેમ શેકવી.  બાટી શેકાઈને તૈયાર થઇ જશે એટલે તેમાં તિરાડ પડી જશી અને તેનો રંગ બ્રાઉન થઇ જશે. શેકાઈ ગયેલી બાટી તંદૂર કે ઓવનમાંથી બહાર કાઢી લેવી. અને જે વધારાનું નરમ ઘી છે તેમાં બાટી ને ડુબાડી અને બહાર એક ડીશ કે કાચના વાટકામાં કાઢી લેવી. તિરાડમાં ઘી ભરાઈ જવાથી બાટી નો સ્વાદ ખૂબજ મહેક્દાર – અનેરો અલગથી જ આવશે.

 

બન્ને રીતથી બાટી સારી બને છે.  તમો આમાંથી કોઈપણ રીતે બાટી બનાવી શકો છો અને બન્યા પછી બ્લોગ પોસ્ટ પર આવી કોમેન્ટ્સ બોક્ષમા તમારી કોમેન્ટ્સ દ્વારા જણાવશો કે બાટી કેવી બની અને સ્વાદ કેવો લાગ્યો ? તમને કઈ રીત વધુ પસંદ આવી.

 

બાટી ની દાલ  :

 

સામગ્રી :


૧૦૦ ગ્રામ અળદ ની દાળ (૧/૨ – કપ)

૫૦ ગ્રામ મગની દાળ (૧/૪ – કપ)

૫૦ ગ્રામ ચણા ની દાળ ( ૧/૪ –કપ)

 

(નોંધ: કોઈ કોઈ લોકો આ સિવાય મગ છડી દાળ (પીળી દાળ), મગની ફોતરા વાળી દાળ, તુવેર દાળ કે મસૂરની દાળ પણ ઉપયોગમાં લે છે. દાળ તમને પસંદ આવે તેનો ઉપયોગ કરી શકાય છે. સામન્ય ઉપર બતાવી તે જ દાળ ઉપયોગમાં લેવામાં આવે છે.)


૨ ટે.સ્પૂન  -ઘી

૧-૨ પીંચ (ચપટીક) હિંગ

૧ નાની ચમચી જીરૂ

૧/૨ નાની ચમચી હળદર પાઉડર

૧ નાની ચમચી ધાણા નો પાઉડર

૧/૨ નાની ચમચી લાલ મરચાનો પાઉડર

૨-૩ નંગ ટામેટા

૧-૨ નંગ લીલા મરચાં

૨ ઈંચ લંબાઈ નો ૧ ટુકડો આદું

૧/૪ નાની ચમચી ગરમ મસાલો

૧/૨ કપ લીલી સમારેલી કોથમીર

૧ નાની ચમચી મીઠું સ્વાદ અનુસાર

 

(નોંધ: જો તમને પસંદ હોય તો કાંદા-લસણ નો પણ ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત સાબૂત લવિંગ, તજ અને લાલ મરચાં નો પણ વઘારમાં ઉપયોગ કરી શકાય છે. )


રીત:


દાળ ને ધોઈ અને એક કલાક પહેલા પાણીમાં પલાળી ને રાખવી.  પલાળેલી દાળ ને કૂરમાં ડબલ પાણી ( ૨-કપ) નાંખી, મીઠું ઉમેરી અને ગેસ પર બાફવા મૂકવી.  ૧ સિટી કૂકરની થઇ ગયાબાદ, ધીમા તાપ કરવો અને ૨-૩ મિનિટ સુધી પાકવા દેવી. અને ગેસ બંધ કરી દેવો.

 

ટામેટા, લીલા મરચા અને ૧/૨ આદૂના ટુકડા ને  (૧-ઈંચ નો ટુકડો) મિક્સીમાં બારીક પીસી લેવા.

 

એક કડાઈમાં ૨ ટે.સ્પૂન ઘી નાંખી અને ગેસ પર ગરમ કરવું.  હિંગ અને જીરૂ નાંખવા. જીરૂ શેકાઈ ગયાબાદ, હળદર પાઉડર અને ધાણા નો પાઉડર નાખવો.  અને ૨-૩ વખત ચમચાની મદદ વડે હલાવી અને મિક્સ કરવું.  ત્યારબાદ, પીસેલા ટામેટા, મરચાં અને આદૂની પેસ્ટ અને લાલ મરચાનો પાઉડર નાખવો.  અને વધારાના આદૂના ટુકડાને કટકા ના સ્વરૂપમાં  સમારી અને અંદર નાંખી દેવું.

 

આ મસાલાને ત્યાં શેકવા દેવો કે તેમાંથી તેલ છૂટી ને સપાટી પર ના દેખાવા લાગે. ત્યારબાદ આ મસાલા ને કૂકરમાં બાફેલી દાળ સાથે મિક્સ કરવો અને જરૂરીયાત મુજબનું પાણી ઉમેરી અને દાળ ને પકાવવા દેવી. (પાણી દાળ કેટલી પતલી કે ઘટ રાખવી છે તે  મુજબ ઉમેરવું)  ઉફાડો દાળમાં આવે એટલે તેમાં ગરમ મસાલો અને અડધી સમારેલી કોથમીર નાંખી અને મિક્સ કરવી.

 

બસ દાળ તૈયાર થઇ ગઈ છે.  દાળ ને  એક  કાચના વાસણમાં અલગ કાઢી અને તેની ઉપર બાકી રહેલી સમારેલી કોથમીર છાંટવી અને ઘી પણ ઉપર નાખવું.

 

દાલ બાટી તૈયાર છે. જે ગરમા ગરમ પીરસવી અને ખાવાના ઉપયોગમાં લેવી.સુજાવ :

૧] જેમની પાસે તંદૂર કે ઓવન ની સગવડતા નથી, તેઓ એ  પાણીમાં બાફેલી બાટી ને એક કડાઈમાં ઘી લઇ અને કડાઈ ગેસ પર ગરમ કરવા મૂકવું અને બાટી તેમાં તળવી. બ્રાઉન કલર થાય એટલે બાટી ને એક દિશમાં અલગથી કાઢી લેવી.

બાટી ઉપલા /કડા પર પકાવી શકાય છે.

૨]  ઓવનમાં બાટી કોઈ કોઈ સમયે કડક / કઠણ  થઇ જાય છે.  કારણકે ઓવનમાં જરૂરી તાપ તેને મળતો નથી હોતો.  ઓવનમાં બનાવતી સમયે બાતનો લોટ થોડો નરમ/ઢીલો રાખવો.  ઓવન ને ૪૦૦ડી. સે.ગ્રે. (૩૫૦ F)  પર રાખવું અને પ્રીહિટ રાખ્યા બાદ ૨૦ મિનિટ અથવા જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલર ના થાઈ ત્યાં સુધી શેકવી. દર- ૪-૫ મીનીટે બાટી ચેક કરતા જવી અને તેની સાઈડ/બાજુ પલટાવતાં જવી જરૂરી. તમારો અનુભવ પણ ત્યારબાદ અમોને જણાવશો.


જેમની પાસે ઓવન ૨૫૦ ડી.સે. થી વધુ કેપેસિટી નું  ના હોય તેમણે સૌ પહેલા ઓવનને ૨૫૦ સે.ગ્ર. પર ૧૫ મિનિટ માટે પ્રી હિટ કરી લેવું. ત્યારબાદ વચ્ચે ના ખાનમાં ઝારી મૂકી તેના પર બાટી ની ટ્રે રાખવી. અને ૨૦ મિનિટ સુધી બાટી ને શેકવી. દર ૫- મીનીટે બાટી ચેક કરતા જવી અને સાઈડ પલટાવતાં જવી. જ્યાંસુધી ગોલ્ડન બ્રાઉન કલર ના આવે ત્યાં સુધી શેકવી.


માઈક્રોવેવ ઓવનમાં 100 PPWR  પર ૧૫ મિનિટ સેટ કરી અને શેકવી.  ત્યારબાદ બહાર કાઢી ને વધારાની ૫ – મિનિટ ગ્રીલ રેક ગેસ પર રાખી અને વારંવાર સાઈડ પલટાવતા જવી અને ઉપરની સપાટીને શેકવી.


૩]  બાટી ના લોટને જો નરમ રાખશો તો તેમાં જે તિરાડ પડવી જરૂરી છે (શેકાઈ ગયા બાદ) તે નહિ પડે. બાટીમાં  તિરાડ પડવાથી, જ્યારે તેને ઘીમાં ડુબાડીએ છીએ ત્યારે ઘી તેમાં ભરાઈ જાય છે, તે કારણે બાટી નો સ્વાદ અલગ જ આવે છે.  કોઈ સમયે ઘી અંદર જાય તેમાટે બાટી ને હાથ કે ચમચી ની મદદ વડે થોડી ઉપરથી પ્રેસ કરી અને તોડવી જરૂરી છે.


૪] તંદૂર અને ઓવન બને તમારી પાસે જયારે નથી તો એક ભારે તળિયા વાળી કડાઈ કે એલ્યુમીનીયમ નું ઊંડું વાસણ લેવું અને તેમાં અડધી સપાટી સુધી રેતી ભરવી. અને તેને ગેસ પર તેજ આગમાં ગરમ કરવા વાસણને ૧૦ મિનિટ માટે ઢાંકી દેવું  ત્યારબાદ ગેસ નો તાપ મીડીયમ/ મધ્યમ કરવો અને  રેતી પર એક ઝારી ગોઠવવી અને તેની ઉપર બાટી ને રાખી ને શેકવી.  દર  ૫-૫ મીનીટે  બાટી ને પલટાવતાં જવી અને ચેક કરતા રેહવું. તાપ જરૂરીયાત મુજબ વધારી કે ઘટાડી શકાય છે. જ્યાંસુધી ગોલ્ડન બ્રાઉન કલર ના આવે ત્યાં સુધી શેકવી. તાપમાન મેઇન્ટેઇન કરવું ખાસ જરૂરી છે. બાટીને બાફવાની જરૂર પણ નહિ રહે. બાટી ના ગોળાને હાથની મદદ વડે થોડા દાબી દેવા અને ત્યારબાદ તેને શેકવા.


૫]  બાફેલી બાટી ને બાફલા પણ કહેવાય છે. બાફેલી બાટીને ઓવનમાં શેકવાની કોશિશ કરવી.


૬]  બાટી ના લોટ/કણક બાંધવા માટે દહીંનો પણ ઉપયોગ કરી શકાય છે. બેકિંગ પાઉડર ને બદલે સોડા નો ઉપયોગ કરી એકદમ તેજ તાપમાં ઓવનમાં બાટી શેકવાથી તે નરમ અને સારી બની શકે છે.


(નોંધ:  આ રેસિપી સમજવામાં અને બનાવવામાં ઘણીજ સરળ છે, પરંતુ તેની અમૂક મર્યાદા પણ છે. જે પણ સમજવી જરૂરી છે. બાટી ઇલેક્ટ્રિક તંદૂરમાં જ વધુ સારી બને છે. (દિલ્હી સાઈડ પર આવા તંદૂર મળે છે. આ સિવાય ભોપલા પર પણ બાટી બનાવી શકાય છે.) માઈક્રોવેવ ઓવનમાં કે ક્ન્વેસ્ન મોડમાં એટલી સારી બાટી નથી બનતી. બાટી ને શેકવા માટે જરૂરી તાપ ફક્ત તંદૂરમાં જ મળી શકે  અને ઓવનમાં (કદાચ) મળી શકે (પરંતુ માઈક્રોવેવ ઓવનમાં તે જરૂરી તાપ  ના મળે  તેથી શક્ય હોય ત્યાં સુધી તેનો પ્રયોગ કરવો નહિ.) પરંતુ ગભરાવાની જરૂર નથી, આ સાથે થોડા સુજાવ ઉપર જણાવેલ છે, તે મુજબ પ્રયોગ જરૂર કરી શકો છો. અને બનાવ્યા બાદ, કઈ રીતે તમે બનાવી અને કેવી બની ? તમારો અનુભવ  જરૂર કોમેન્ટ્સ બોક્ષમાં બ્લોગ પર આવી જણાવશો. તમારી પાસે કોઈ અન્ય સુજાવ હોય, તો તે પણ આવકાર્ય છે અને અમોને જરૂર જણાવશો. )

બ્લોગ લીંક: http://das.desais.net

પીઝા … (રેસિપી) …

પીઝા …  (રેસિપી) … (હોમ મેડ પીઝા) …

 

પીઝા અનેક પ્રકારના બનાવવામાં આવતા હોય છે અને માર્કેટમાં પણ તૈયાર મળતા હોય છે.  બઝારમાં તૈયાર અડધા (હાફ બેક) તૈયાર (શેકેલા) પીઝા બેઇઝ પર તમોને મન પસંદ ટોપિંગ (લેર) લગાવી અને ઘેર બેક કરી શકાય છે.  માર્કેટમાં પીઝા ના રોટલા પણ તૈયાર મળે છે તેનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય છે.  પરંતુ જાતે ઘરે પીઝા નો લોટ તૈયાર કરી અને ખૂબજ સારા પ્રમાણમાં મોઝરિલા ચીઝ નો ઉપયોગ કરી ને બનાવેલ પીઝા નો સ્વાદ અલગ જ હોય છે.

સામગ્રી :


૨૦૦ ગ્રામ મેંદો (૨-કપ)

૨ ટેબલ સ્પૂન ઓલિવ ઓઈલ

૧ નાની ચમચી ડ્રાઈ એક્ટિવ ઈસ્ટ (પાઉડર)

૧ નાની ચમચી ખાંડ

૧/૨ નાની ચમચી મીઠું  (સ્વાદ અનુસાર)

પીઝા ટોપીંગ્સ  …

 

સામગ્રી :


૪ ટેબલ સ્પૂન પીઝા ટામેટા સોસ

૨ નંગ ટામેટા

૧ નંગ સિમલા મિર્ચ

૫૦ ગ્રામ મોઝારિલા ચીઝ

૧/૪ નાની ચમચી થી થોડું ઓછું કાળા મરી પાઉડર

૧/૨ નાની ચમચી આજિ નો મોટો પાઉડર

૧ ટેબલ સ્પૂન ઓલિવ ઓઈલ

 

પીઝા લોટ (કણક – )તૈયાર કરવા …


રીત:


પીઝા બનાવવા માટે એક્ટિવ ઈસ્ટ પાઉડર મેંદાના લોટમાં મિક્સ કરી તેની કણક – લોટ બાંધી. ગૂંથી અને ૨-૩ કલાક કે તેથી વધુ સમય માટે રાખી શકાય છે.  ફ્રીઝમાં રાખવાથી ૫-૬ દિવસ ઉપયોગમાં લઇ શકાય છે.  ફ્રીઝરમાં પણ રાખી શકાય છે અને જ્યારે ઉપયોગમાં લેવાનો હોય ત્યારે બહાર કાઢી ફ્રોસ્ટ કરી તૂરત ઉપયોગમાં લઇ શકાય છે.

 

પીઝા બનાવવા લોટ ત્યાર કરવો …


પિઝાના નો લોટ તૈયાર કરવા માટે  તાજું કે ડ્રાઈ એક્ટિવ ઈસ્ટ જરૂરી છે.

 

નવ શેકા પાણી લઇ (પાણી વધુ ગરમ ન હોવું જોઈએ) પાણીમાં ૧ ચમચી (ઉપર સુધી ભરવી) ઈસ્ટ પાઉડર નાખવો, અને ખાદ પણ ઉમેરી મિક્સ કરવી અને તે વાસણ ને ઢાંકી ને ૨-૩ મિનિટ માટે રાખી દેવું.

 

મેંદા ને એક વાસણમાં ચારણીમાં ચાળી અને અલગ કરવો.  ત્યારબાદ, તેમાં ઓલિવ ઓઈલ તેમજ મીઠું નાંખીનાને એકદમ હાથેથી મિક્સ કરવું. મેંદાને ઇસ્ટના પાણી દ્વારા હાથથી સરખી રીતે મિક્સ કરી ને લોટ ગૂંથવો  (કણક બાંધવી) .  બાંધેલા લોટને ૫-૭ મિનિટ પલટાવતાં જવો અને મસળવો અને મુલાયમ ચીકનો બનાવવો. હાથમાં થોડું તેલ લગાવી અને આ નરમ –મુલાયમ લોટને લઇ તેની સપાટી તેલ વાળી કરી  અને એક ઊંડા વાસણમાં લોટ રાખી અને વાસણ  કિચન ટાવેલ/નેપકીન થી પૂરું ઢાંકી / વીટી  દેવું અને ગરમ જગ્યા પર ૨-૩ કલાક માટે વાસણ રાખી દેવું.   લોટ ફૂલીને ડબલ જેવો થઇ જશે. પીઝા બનાવવા માટે લોટ તૈયાર છે.

 

પીઝા બનાવો ..


પીઝા બનાવવા માટે તૈયાર કરેલ લોટ લેવો.  લોટનો એક ભાગ લઇ ગોળ લુઆ બનાવી અને તેને થોડા કોરા મેંદાના લોટમાં લપેટી અને પાટલી/ બોર્ડ કે ચકલા પર વેલણ ની મદદથી ૧/૨  સ.મી. જાડાઈ ની સપાટી રહેં તેમ ૧૦” ઈંચ વ્યાસ –ગોળાઈમાં વણવો.  પીઝા માટેનું મોટું બેઇઝ તૈયાર કરવું.

 

ટામેટા ને ધોઈ લેવા. અને તેને પતલી પતલી સ્લાઈઝ્માં સમારવા. સીમલા મિર્ચ ને ધોઈ, તેની ડાળખી તોડી અને તેમાંથી બી કાઢી લેવા અને તેને પણ પતલી પતલી સ્લાઈઝ્માં લંબાઈ માં સમારવા. (ટુકડા કરવા)

 

માઈક્રોવેવ ઓવેન હોય તો કન્ડેન્સ મા રાખવું  અને ઓવેન ને ૨૨૦’ સે.ગ્રે. પર પહેલીથી જ ગરમ કરવા રાખી દેવું.  (પ્રી.હીટેડ)

 

પીઝા બેકિંગ ટ્રે પર થોડો મેંદાનો કોર લોટ નો છંટકાવ કરવો.  ત્યારબાદ, પીઝા ના રોટલાની સપાટી પર પીઝા સોસ નાંખી અને કિનારીથી ૧ સ.મી. દૂર જગ્યા રહે તેમ એક સરખું સપાટી પર લગાવવો.  ટામેટા સોસ પર, ટામેટાની સ્લાઈઝ અને સીમલા મીર્ચ્ની સ્લાઈઝ થોડી જગ્યા રહેં તેમ પાથરવી. તેની ઉપર મોઝરિલા ચીઝના ટુકડા અથવા ખમણેલું / ગ્રેટેડ ચીઝ વચ્ચે વચ્ચે પાથરવું અને તેની ઉપર ફ્રેશ પીસેલા કાળા મરીનો પાઉડર છાંટવો. તેમજ આજી નો મોટો ( પાઉડર ) છાંટવો., અને ત્યારબાદ ઓલિવ ઓઈલ ચારે બાજુ ઉપર થોડું છાંટવું.

પીઝા નું ટોપિંગ તમારી પસંદગી મુજબનું તમે કરી શકો છો. (જેમકે, સ્વીટ કોર્ન, સમારેલા કાંદા, સમારેલા, પાઈનેપલ ના પીસ, મશરૂમ જીણા સમારીને પણ મૂકી શકાય.  ચીઝ ની પણ બે  થી ત્રણ લેર કરી શકાય છે.  ખાસ ધ્યાન રહે કે કે નરમ ગ્રેવી યુક્ત  વસ્તુ ટોપિંગ મા ના મૂકવી, જેને કારણે પીઝા ક્રિસ્પી બેક નહિ થાય.


અગાઉથી ગરમ કરેલા ઓવનમાં પીઝા ટ્રે રાખવી.  ઓવન ૨૦૦’ સે.ગ્રે. પર ૨૦ મિનિટ માટે સેટ કરવું.  બસ ૨૦ મિનિટ બાદ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ પીઝા તૈયાર છે.

 

ગરમા ગરમ પીઝા, પીઝા કટર દ્વારા કાપી અને પીરસવા. તેમજ ખાવાના ઉપયોગમાં લેવા.


(૨) પીઝા સોસ …


પીઝા ટામેટા સોસ સામન્ય રીતે માર્કેટમાં તૈયાર મળે છે.  પરંતુ તેનો ઉપયોગ ન કરવો હોય તો  ઘરમાં બનાવી શકાય છે.

 

પીઝા ટામેટા સોસ બનાવવા માટે ..


સામગ્રી :


૪-૫ નંગ ટામેટા

૧/૪ – નાની ચમચી મીઠું. (સ્વાદ અનુસાર)

૨  -પીંચ (ચપટીક) કળા મરી નો પાઉડર

૬-૭ નંગ તુલસીના પાન

૨  – ટેબલ સ્પૂન ઓલિવ ઓઈલ અથવા માખણ

 

રીત :


ટામેટા ને પાણીથી ધોઈ લેવા, મોટા ટુકડામાં સમારવા અને પીસી લેવા.  નાની કડાઈમાં ઓલિવ ઓઈલ નાંખી ગરમ કરવું. પીસેલા ટામેટા, મીઠું, મરીનો પાઉડર, તુલસીના પાન (પાનને તોડી ને) નાંખવા અને ઘટ થાય ત્યાં સુધી તેને પાકવા દેવું.  પીઝા ટામેટા સોસ તૈયાર છે.

 

સુઝાવ: માઈક્રોવેવ ઓવન હોય તો તેને કન્વેશન મોડમાં રાખવું. અને ઓવન ના હોય તે નોનો સ્ટિક તાવામાં ધીરા તાપે ગેસ પર ગરમ કરીને પણ પીઝા બનાવી શકે છે. ગેસ પર રાખ્યા બાદ વારંવાર ચેક કરતા રહેવું જરૂરી અને ચીઝ મેલ્ટ / પીગળી જાય એટલે ઉતારી લેવા.  સારા અને ક્રિસ્પી પીઝા સામાન્ય રીતે ઓવેનમાં જ થાય.

 

બ્લોગ ની મુલાકાત લેવા અહીં ક્લિક કરશો : http://das.desais.net

વેજ. સ્પ્રીંગ રોલ …

વેજ. સ્પ્રીંગ રોલ (વેજીટેબલ સ્પ્રીંગ રોલ) …

 

 

સવારના નાસ્તામાં અથવા સાંજના હળવા નાસ્તામાં વેજ. સ્પ્રીંગ કેમ ના બનાવીએ ? બાળકોને પણ સ્પ્રીંગ રોલ વધુ પસંદ આવે છે. તો ચાલો આજે આપણે સ્પ્રીંગ રોલ બનાવીશું…

સામગ્રી :

સ્પ્રીંગ રોલ માટે નું પળ / રેપર બનાવવા …

૧૦૦ ગ્રામ મેંદો (૧-કપ)

સ્પ્રીંગ રોલમાં બરવા માટે ના મસાલામાટે ..

સામગ્રી :

૨૦૦ ગ્રામ કોબીચ (૧-કપ બારીક સમારવી)
૧૦૦ ગ્રામ પનીર (૧/૨ – કપ બારીક છીણી લેવું)
૧ નંગ લીલું મરચું (લાંબી સડી માં સમારવું)
૧ નંગ આદુ (મ૧/૨ ઈંચ લંબાઈ નો – જીણું સમારી લેવું )
૧/૪ નાની ચમચી કાળા મરીનો પાઉડર
૧/૪ નાની ચમચી લાલ મરચાનો પાઉડર ( જો તમને તિખાસ પસંદ હોય તો )
૧/૪ નાની ચમચી આજીનો મોટો
૧ નાની ચમચી સોયા સોસ
મીઠું સ્વાદાનુસાર
તેલ જરૂરી સ્પ્રીંગ રોલ તળવા માટે ..

રીત :

એક વાસણમાં મેંદાને ચાળી લેવો. અને પાણી તેમાં ઉમેરી અને ગંઠા કે ગોળી ના રહે તેમ તેનું ધોણ પાતળું બનાવવું. (૧ કપ મેંદા માટે ૧-૧/૨ કપ થી થોડું ઓછું પાણી લેવું) ધોણ બની ગયા બાદ, તેને ઢાંકીને ૧ કલાક માટે અલગ રાખી દેવું. જેથી મેંદો ફૂલી જશે.
જો ઉપરોક્ત મેંદાના ધોણનો તૂરત ઉપયોગ કરવામાં આવશે તો સ્પ્રીંગ રોલનું સ્ટફિંગ જ્યારે તેમાં ભરવામાં આવશે ત્યારે તે રેપર/પડ ને તૂટી/ફાટી જવાની શક્યતા વધુ રહે છે., તેથી તે ના બને તે માટે ૧ કલાક માટે ઢાંકી ને અલગ રાખવું.

હવે સ્પ્રીંગ રોલમાં ભરવા માટેનું સ્ટફિંગ/ પૂરણ તૈયાર કરીએ..

એક કડાઈમાં ૧ ટે. સ્પૂન તેલ નાખી ગરમ કરવું. લીલું મરચું, આડું, સમારેલી કોબીચ અને પાણી તેમાં નાખવું. ૧ મીનીટ માટે તેને પાકવા દેવું, ત્યારબાદ તેમાં કાળા મરીનો પાઉડર, લાલ મરચાનો પાઉડર, આજીનો મોટો, સોયા સોસ અને મીઠું ઉમેરવું. અને બધાને ખૂબજ સારી રીતે મિક્સ કરવું. બસ રોલમાં ભરવા માટેનું પૂરણ / સ્ટફિંગ તૈયાર છે. (ખાસ ધ્યાન રહે કે સ્ત્ફ્નીગની કોબી ૧ મીનીટ થી વધુ પાકવા દેવી નહિ, નહિ તો તેમાંથી પાણી છોત્વા મળશે અને તે રોલ બનવામાં મુશ્કેલી કરશે.)

સ્પ્રીંગ રોલ માટે નું પડ હવે બનાવીએ ..

નોન સ્ટિક તાવી ગરમ કરવા મૂકવી, તવી પર થોડું તેલ નાખી અને પેપર નેપકીન થી તેની પૂરી સરફેસ ઉપર તેલ પસારી દેવું. ત્વિની સપાટી ચિકની એક વખત કરી દેવી, ત્યારબાદ, મેંદાનું ધોણ લઈને તેને ચમચાની મદદ દ્વારા થોડું મિક્સ ફરી કરી અને એક ચમચો તવી ઉપર રેડવો અને પૂડલા કે ઢોસા બનવિએ તેમ તેને પાતળું પાથરવું. ત્યારબાદ, તેનો કલર ચેન્જ થશે એટલ તેની કિનારીમાંથી તે છૂટીને કિનારી ઉપર થશે એટલે તેને બને હાથની મદદ વડે ઊંચકીને એક પ્લેટમાં થોડું સપાટી ઉપર તેલ લગાડી અને તેની ઉપર ગોઠવવું. બસ, સ્પ્રીંગ રોલનું પડ તૈયાર છે. જ્યારે જ્યારે નવું પડ બનાવો ત્યારે સૌ પ્રથમ નોન સ્ટિક ઉપર તેલ વાળો પેપર નેપકીનથી લૂછી અને સપાટી ક્લીયર કરવી અને ત્યારબાદ જ પડ માટે ધોણ પાથરવું. અને પડ ઉખાડી ગયા બાદ પ્લેટ પર રાખીએ ત્યારે પણ પ્લેટ પર તેલ પહેલા લગાડવું અને ત્યારબાદ જ પડ ગોઠવવું.

 

સ્ટફિંગ ભરવું ..

પ્લેટ પર રાખેલ પડ પર બે ચમચા સ્ટફિંગ / પૂરણ મૂકી અને તેને લંબાઈમાં વ્યવસ્થિત ગોઠવવું. બંને સઈદની કિનારીથી થોડું દૂર અને ત્યારબાદ, બંને સાઈડની કિનારીને ઉપાડીને વાળી દેવી અને આગળના ભાગની કિનારી ઉપાડી અને તેને રોલ કરવું.આમે ધીરે ધીરે પૂરો રોલ પેક કરી દેવું. આજ રીતે, બધાજ રોલ બનાવી લેવા. તૈયાર રોલ ને પ્લેટમાં રાખતા જવા. આવી જ રીતે બધા જ રોલ બનાવતા જવા અને પ્લેટમાં રાખવા. (એક કપ મેંદામાં લગભગ ૮ રોલ બનાવી શકાય)

વેજ. સ્પ્રીંગ રોલ ને બે રીતે તૈયાર કરી તૈયાર કરી શકાય ..

૧.] સેલો ફ્રાઈ

૨.] ડીપ ફ્રાઈ

 

સૌ પ્રથમ આપણે થોડા રોલ સેલો ફ્રાઈ કરીએ.. સેલો ફ્રાઈ કરવા માટે નોન સ્ટિક કડાઈમાં એક ચમચો તેલ નાખી અને તેને ગરમ કરી અને તેમાં ૨ નંગ સ્પ્રીંગ રોલ કે તેથી વધુ જો રહી શકે તો તે મૂકી અને તેને આછી બ્રાઉન સપાટી થાય તેમ ફ્રાઈ કરવા અને ફેરવતા જવું અને ચારે બાજુથી આચા બ્રાઉન કલરમાં ફ્રાઈ કરવા. અને તૈયાર થઇ ગયા બાદ એક કાચની પ્લેટમાં તેને અલગથી રાખી દેવા. આમ થોડા સેલો ફ્રાઈ પસંદ હોઈ તો કરવા.

૨.] ડીપ ફ્રાઈ કરવા માટે .. તેજ કડાઈમાં થોડું વધુ તેલ ઉમેરી અને ગરમ થાય એટલે આચા તાપથી ગરમ કરવું, તેલમાં ૨ કે તેથી વધુ સમાઈ શકાય તેટલા સ્પ્રીંગ રોલ મૂકવા અને તેને તળવા. સ્પ્રીંગ રોલ ની સપાટી આછી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી ફેરવતા જવું અને તળવા, અને સપાટી આછી બ્રાઉન થાય એટલે તેને એક પ્લેટમાં અલગથી કાઢીને મૂકી દેવા. આજ રીતે બાકીના બધાજ સ્પ્રીંગ રોલ તળી લેવા અને પ્લેટમાં રાખી દેવા.

 

બસ, સ્પ્રીંગ રોલ તૈયાર છે. જે લીળી  કોથમીરની ચટણી અથવા લાલ ચટણી અને ટામેટા ના સોસ/ કેચપ સાથે પીરસવા અને ખાવ અને મહેમાનો ને પીરસો…

સુજાવ :

સ્પ્રીંગ રોલમાં ભરવાનું પૂરણ માટે તમને પસંદ કોઈપણ શાક –ભાજી ની પસંદગી તમે કરી શકો છો અને તેને જીણા સમારી અને આછા/ થોડા પકવીને ઉપયોગમાં લઇ શકાય છે. આ ઉપરાંત બાફેલા નૂડલ્સ નો પણ ઉપયોગ કરી શકાય છે. જે પણ સ્વાદમાં સારા લાગશે. કાંદા અને લસણ જો પસંદ હોય તો તેનો પણ ઉપયોગ કરી શક્યા છે. આ ઉપરાંત મસાલામાં પણ તમારા સ્વાદ અનુસાર વધ ઘટ કરી શકાય છે.

બ્લોગ લીંક: htpp://das.desais.net

પફ પેસ્ટ્રી …

પફ પેસ્ટ્રી   …

 

ઘરમાં બનાવેલ પફ પેસ્ટ્રી  બહુજ સ્વાદિષ્ટ બને છે. સાંજના સમયે ચા ની સાથે નાસ્તામાં ખાવાથી બહુ જ સારી લાગે છે.

જો તમારા ઘરની આસપાસ પફ પેસ્ટ્રી મળતી હોય તો બજારમાંથી લાવી શકો છો, અથવા આસાનીથી ઘરમાં પફ પેસ્ટ્રી શીટ્સ બનાવી શકો છો, અને જ્યારે ઘરમાં શીટ્સ બનાવો ત્યારે થોડા વધુ શીટ્સ બનાવીને ફ્રીઝરમાં રાખી ફ્રીઝમાં સાચવી શકાય છે, અને જ્યારે જરૂરીયાત જણાય ત્યારે તેનો ઉપયોગ કરી શકાય છે.

ઘરમાં પફ પેસ્ટ્રી શીટ્સ બનાવવાની રેસિપી આ અગાઉ અહીં જ જોઈ ગયા છે, જે  જાણવા માટે અહીં બેક્ડ રેસિપી ની કેટેગરી પર જઈને ફરી તપાસી શકો છો.

આજે આપણે પફ પેસ્ટ્રી બનાવવાની રેસિપી જોઈશું.

સામગ્રી :

  • પફ પેસ્ટ્રી શીટ્સ
  • પફ્માં ભરવા માટે નું મિશ્રણ/પુરણ. (બટેટા-વટાણા, પનીર અથવા સૂકા મેવાનું)

     

રીત:

પફ પેસ્ટ્રી માટે તમને પસંદ હોય તે મિશ્રણ બનાવી શકો છો.

૧.] વટાણા-બટાટાનું મિશ્રણ બનાવવા માટે બાફેલા બટેટા અને લીલા વટાણામાં મીઠું, લીલાં મરચાં, આમચૂર પાઉડર, અને ગરમ મસાલો નાંખી અને થોડા તેલમાં ફ્રાઈ કરી લ્યો /સાંતળી લ્યો. (કાંદા નો શોખ હોય તો તેનો પણ ઉપયોગ કરી શકો છો)

૨.] પનીરનું પૂરણ / મિશ્રણ બનાવવા માટે –પનીરને ટુકડામાં સમારી અને ચાટ મસાલો ચડાવી દેવો અથવા નાના ટુકડા કરી અને ચાટ મસાલો છાંટી અને પેસ્ત્રીમાં ભરી શકાય છે.

૩.] સૂકા મેવા (ડ્રાઈ ફ્રૂટ) ના મિશ્રણ માટે કાજી અને કિસમિસને સમારી અને મિશ્રણ બનાવી અને પેસ્ટ્રીમાં  ભરી શકાય છે.

જો તમારી પફ પેસ્ટ્રી માટેની શીટ્સ ઘરમાં બનાવેલી હોય તો ફ્રીઝમાંથી ૮-૧૦ કલાક પહેલા બહાર કાઢી રાખવા અથવા ફ્રીઝમાંથી બહાર કાઢી તમે તૂરત માઈક્રોવેવમાં ડી ફ્રોસ્ટ પણ કરી ઉપયોગ કરી શકો છો.

પફ પેસ્ટ્રીનાં શીટ્સમાં તમાઓને પસંદ હોય તે મિશ્રણ વટાણા –બટેટા અથવા પનીરનું અથવા ડ્રાઈ ફ્રૂટ્સ નું ભરી અને તેની કિનારી પર પાણી લગાવી અને ચિપકાવી દેવા. બધીજ પેસ્ટ્રીમાં મિશ્રણ ભરી લેવું અને ચિપકાવી પફ તૈયાર કરી લેવા અને બેકિંગ ટ્રેમાં ગોઠવવા.

 

ઓવન ને ૨૩૦’ સે.ગ્રે. ડીગ્રી પર પેહલાથી જ ગરમ કરી રાખવું. (પ્રી હિટ) અને ગરમ થઇ જાય એટલે પફ પેસ્ટ્રી ની ટ્રે ઓવનમાં રાખવી અને ૨૦ મિનિટ માટે ઓવનને સેટ કરવું. ૨૦ મિનિટ બાદ પેસ્ટ્રી ની ટ્રે બહાર કાઢી અને પફ્ને પલટાવી દેવા અને ફરી ઓવનને ૧૦ મિનિટ માટે ૧૬૦’ સે.ગ્રે. ડીગ્રી તાપમાન (ટેમ્પરેચર) પર સેટ કરવું અને પેસ્ટ્રી કરકરી /ક્રિસ્પી બનાવવા ૧૦-૧૨ મિનિટ માટે ઓવનમાં રાખવી અને બ્રાઉન-સોનેરી કલર આવે એટલે બસ, પેસ્ટ્રી તૈયાર છે.


પેસ્ટ્રી વટાણા-બટેટા કે પનીરના મિશ્રણમાંથી બનાવવામાં આવી હોય તો તેનો ઉપયોગ તે દિવસે કે તૂર્ત કરી લેવો. પરંતુ સૂકા મેવા નું પુરણ ભરીને બનાવો તો ૪-૫ દિવસ સુધી ઉપયોગ કરી શકાય છે.

સુજાવ :

૧.] પફ પેસ્ટ્રી ઓવન સિવાય કુકરમાં પણ બનાવી શકાય છે. જે માટે અહીં બ્લોગ પર દાદીમાની રસોઈ વિભાગમાં બેક્ડ રેસિપી  ની કેટેગરીમાં ચોકલેટ કેકની રેસીપી તપાસી લેવી. જેમાં કૂકરમાં કઈ રીતે કેક બને છે તેની વિગત આપેલ છે, બસ તેવીજ રીતે પેસ્ટ્રી બનાવી શકાય. સમય ૨૦ મિનિટ પેહલાં રાખી અને કૂકર ખોલી પેસ્ટ્રી પલટાવી લેવી અને ફરે ૨૦ મિનિટ સમય માટે રાખવી. તાપ ધીમો ના રહે તે ધ્યાન રાખવું.

૨.] માઈક્રોવેવ ઓવનમાં પફ પેસ્ટ્રી બની શકે છે. પરંતુ તે માટે માઈક્રોવેવમાં કન્ડેન્સ્ડ મોડ ની ફેસીલીટી હોવી આવશ્યક છે. સિમ્પલ માઈક્રોવેવમાં પેસ્ટ્રી ના બનાવી શકાય.

૩.]  માઈક્રીવેવ્માં વધુમાં વધુ તાપમાન /ટેમ્પરેચર ૨૨૦’ સે.ગ્રે. હોય છે. તમે આ ટેમ્પરેચર/તાપમાનમાં બનાવી શકો છો. કન્ડેન્સ્ડ મોડના માઈક્રોવેવમાં પ્રી હીટનો સમય પોતે જાતે સેટ કરી લેતાં હોય છે.

૪.] ઓછા તાપમાનમાં પેસ્ટ્રી બનાવવી નહીં.

બ્લોગ લીંક: http://das.desais.net

પફ પેસ્ટ્રી શીટ્સ …

પફ પેસ્ટ્રી શીટ્સ …

 

પફ પેસ્ટ્રી, પફ પેસ્ટ્રી કે પફ બિસ્કીટ વગેરે બનાવવા માટે સૌ પ્રથમ પફ શીટ્સ ની  આપણને જરૂરીયાત રહે છે.

મારી જાણ મુજબ  ભારતના દરેક શહેરમાં આ પ્રકારના પફ શીટ્સ આસાનીથી ઉપલબ્ધ હોતા નથી.  તો ચાલો  આ પફ શીટ્સ આપણે જાતે બનાવતાં શીખીએ.

પફ પેસ્ટ્રી શીટ્સ બનાવવા માટે થોડી મેહનત અને વધારે ધીરજ / ધૈર્યની ખાસ આવશ્યકતા અહીં છે. આ રેસિપીમાં તમારે પફ શીટ્સ બનાવવાના લોટને વારંવાર ફ્રીજમાં રાખવાનો હોય છે અને બહાર કાઢવાનો અને તેને વેલણની મદદ દ્વારા વણવાનો હોય છે અને વળી ફ્રિજમાં રાખવાનો હોય છે.

બસ, એક વખત તે તૈયાર થઇ ગયા બાદ, ફ્રીઝરમાં સ્ટોર કરી અને રાખી દેવાનો હોય છે અને જ્યારે ઉપયોગમાં લેવાનો હોય ત્યારે ફ્રિઝરમાંથી  બહાર કાઢી અને ગરમા ગરમ પફ પેસ્ટ્રી કે પફ બિસ્કીટ માટે ઉપયોગમાં લઇ શકાય છે અને તે બનાવી શકાય છે.

સામગ્રી :

૬૦૦ ગ્રામ મૈંદો (૫-૧/૨ – કપ)

૩૦૦ ગ્રામ માખણ /બટર (૧-૧/૨ – કપ )

૧ નાની ચમચી મીઠું

૧ લીંબુ (પસંદ ના હોય તો ઉપયોગ ના કરો તો પણ ચાલે)

રીત :

મૈંદા ને ચારણી દ્વારા ચાળી અને એક વાસણમાં રાખી દેવો. ૧૦૦  ગ્રામ (૧-કપ) મૈંદો અલગથી રાખી દેવો. બાકીના બચેલા મૈદામાં ૧ – ટે.સ્પૂન ઘી, લીંબુનો રસ અને મીઠું નાંખી પાણીની (આ લોટમાં, લોટ ને બાંધવા/ ગૂંથવા માટે લોટના પ્રમાણ કરતાં અડધાથી ઓછા પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરવો) મદદથી રોટલીના લોટની જેમ નરમ ગુંથવાનો હોય છે. અને લોટ ગુંથાઈ / બંધાઈ ગયા બાદ, ૧/૨ કલાક માટે તેને  એક કપડાથી ઢાંકીને રાખી દેવો. ત્યારબાદ, ફરી લોટને મસળી અને સરખો ગુંથવો.

માખણ/ બટર ને ગરમ કરી અને ઓગાળવું / પીગાળવું. અને ત્યારબાદ પાંચ (૫) મિનિટ માટે ફ્રીઝમાં ઠંડું કરવાં રાખી દેવું જેથી ઠંડું થઇ જાય.

ગુંથેલા લોટને એક મોટા ચોપ બોર્ડ કે રસોડાના પ્લેટફોર્મ પર અલગથી રાખેલ લોટમાંથી થોડો લોટ છાંટી અને એક સરખી જાડાઈમાં લંબચોરસ વેલણની મદદથી વણી લેવો. ત્યારબાદ, ફ્રીઝમાં રાખેલું માખણને બહાર કાઢી અને લોટની બરોબર મધ્યભાગમાં રાખવું. (પાથરવું)

હવે આ લોટને ચારે તરફથી ઊંચકી અને એ રીતે ઘડી કરવી કે માખણ વચ્ચેનું ઢંકાઈ અને બંધ થઇ  જાય. અને ત્યારબાદ, આ માખણ ભરેલા લોટને ફરી વખત કોરો લોટ છાંટી અને વેલણની મદદથી એ રીતે હળવા વજન આપી (હળવા હાથે) અને વણવો કે શક્ય હોય ત્યાં સુધી માખણ બહાર આવે અહીં અને કદાચ આવે તો પણ ઓછામાં ઓછું બહાર આવે. અને જ્યાંથી માખણ કદાચ બહાર આવ્યું હોય તેમ લાગે ત્યાં કોરો લોટ ને છાંટી અને તે ફરી ઢાંકી દેવું. અને ફરી આ લોટને ચારે બાજુ થી ડાબી-જમણી-ઉપર અને નીચેથી વાળી દેવો અને બંધ કરી દેવો.

બસ બંધ કરીને ૧૫ મિનિટ માટે ફરી ફ્રીઝમાં રાખી દેવો, જેથી માખણ લોટના અંદરના પળમાં ચીકીને જામી જાય. આ તમારું પેહલું સ્ટેપ થયું.

૧૫ મિનિટ બાદ, લોટને ફ્રીઝમાંથી ફરી બહાર કાઢી અને ફરી  વખત વેલણની મદદથી જેમ પેહલાં વણ્યો હતો તેમ ફરી વણવો અને ફરી ચારેબાજુથી વાળી અને બંધ કરી દેવો અને

આ રીતે હજુ બે વખત લોટને (Puff Pastry Dough)  ફ્રીઝમાં રાખી કાઢી અને વેલણની મદદથી વાન્વાઓ.અને ફરી ફ્રીઝમાં રાખવાનો રહે છે. આમ કુલ ચાર વખત આ પ્રકિયા કરવાની રહે છે. ચાર વખત પૂરું થઇ જાય, એટલે પફ પેસ્ટ્રી કે પફ બિસ્કીટ બનાવવા માટેનો લોટ (Puff Pastry Dough) તૈયાર છે.

ત્યાર બાદ, આ લોટને ૧/૩ ઈંચની જાડાઈમાં વેલણની મદદ દ્વારા વણવો અને તમારી પસંદગી પ્રમાણે ૨” ઈંચ કે ૪” ઈંચની પહોળાઈમાં તેના ટુકડા, લોટની  લંબાઈમાં કાપી લેવા.

આ કાપેલા ટુકડામાંથી પેસ્ટ્રી બનાવી શકાય છે. અને આ ટુકડાઓને એકઠા કરી અને બે ટુકડા વચ્ચે પોલીથીન રાખી એકી સાથે ભેગા કરીને રાખી શકો છો. બે ટુકડા વચ્ચે ૧૫ મિનિટ માટે ફ્રીઝમાં રાખી દેવો. આ તમારું બીજું સ્ટેપ થયું.

પોલીથીન રાખવાથી જ્યારે ઉપયોગમાં લેવા હોય કોઈ ટુકડાને તો તે આસાનીથી અલગ કરી શકાય છે.બધા જ ટુકડા આરીતે ભેગા કરી એક એર ટાઈટ વાસણમાં રાખી અને વાસણ બંધ કરી ફ્રિઝરમાં રાખી દેવું.

તમારે જ્યારે પફ પેસ્ટ્રી શીટ્સ નો ઉપયોગ કરવો હોય ત્યારે ૪-૫ કલાક પેહલાં ફ્રીઝરમાંથી બહાર કાઢી અને ત્યારબાદ, પફ પેસ્ટ્રી કે પફ બિસ્કિટ બનાવવા માટે ઉપયોગમાં લઇ શકાય છે. અથવા ફ્રિઝરમાંથી ટુકડા બહાર કાઢી માઈક્રોવેવ ઓવનમાં ડી ફ્રોસ્ટ કરી તમે તૂરત પણ પફ પેસ્ટ્રી કે પફ બિસ્કિટ બનાવવા માટે ઉપયોગમાં લઇ શકો છો.

પફ પેસ્ટ્રી શીટ્સમાંથી બનાવવામાં આવતી પફ પેસ્ટ્રી ની  રેસિપી હવે પછીના વીકમાં અહીં આપને જાણવા અને માણવા મળશે. ત્યાં સુધી ચાલો ઘરમાં પફ શીટ્સ તો બાનવી લઈએ…. પફ પેસ્ટ્રી શીટ્સ બનાવવા ઘરમાં બનેલા માખણ નો પણ ઉપયોગ કરી શકો છો. ઘીનો ઉપયોગ ના કરી  શકાય.

બ્લોગ લીંક: http://das.desais.net

પાલક પનીર સેન્ડવીચ …

પાલક પનીર સેન્ડવીચ …

પાલકની સેન્ડવીચ સ્વાદિષ્ટ હોય છે અને સાથે સાથે પુષ્ટિ પણ ખરી. બાળકોને ટીફીન  બોક્ષમાં કે નાસ્તા સમયે આપી શકાય. બધાંને બહુજ પસંદ આવશે.

સામગ્રી :

૮ નંગ બ્રેડ સ્લાઈઝ

૪૦૦ ગ્રામ પાલક (૨-કપ, બારીક સમારી લેવી)

૨ ટે.સ્પૂન માખણ

૧૦૦ ગ્રામ પનીર

૧ ટે.સ્પૂન મકાઈના દાણા  (સ્વીટ કોર્ન)

૧/૨ નાની ચમચી મીઠું (સ્વાદાનુસાર)

૧/૪ નાની ચમચી મરીનો પાઉડર અથવા સફેદ મરચાનો પાઉડર (જે પસંદ હોય )

૧ નાની ચમચી શેકેલા જીરાનો પાઉડર

૨ નાની ચમચી લીંબુનો રસ

રીત :

પાલકના પાનમાંથી ડાંડી હટાવી લેવી અને પાનને પાણીમાં ડૂબાડી દેવા અને (૨) બે વખત પાણીથી સારી રીતે ધોઈને સાફ કરવા. ધોયેલા પાનને ચારણીમાં અથવા થાળીમાં રાખી અને વાસણને ઊભું ત્રાંસુ ગોઠવવું, જેથી પાલકમાં રહેલ વધારાનું પાણી બહાર નીકળી જાય.

હવે આ પાલકના પાનને બારીક સમારી લેવા.

એક કડાઈમાં ૨ નાની ચમચી માખણ નાંખી ગરમ કરવું, માખણમાં સમારેલી પાલકના પાન, સ્વીટ કોર્ન. મીઠું અને કાળા મરીનો પાઉડર નાંખી અને મિક્સ કરવો. પાલકના પાનને ઢાંકી અને ૨-મિનિટ પાકવા દેવા.. ઢાંકણું ખોલી અને પાલકમાંથી નીકળેલું પાણી પૂરું બળી ના જાય ત્યાંસુધી પાલકને પાકવા દેવી. ત્યારબાદ, આગ બંધ કરી દેવી.

આ પાલક ને પનીરના મિશ્રણમાં (શાકમાં) પનીરને છીણીને (ક્રમબલ) નાખવું. ત્યારબાદ, શેકેલું જીરૂ અને લીંબુનો રસ નાંખી દેવો. અને બધીજ વસ્તુને સારી રીતે મિક્સ કરવી. બસ સેન્ડવીચનું મિશ્રણ /શાક તૈયાર છે. આ મિશ્રણના એક સરખા ૪ ભાગમાં વહેંચી દેવું.

બે (૨) બ્રેડની સ્લાઈઝ લેવી તેની અંદરના ભાગમાં ઓઆછું માખણ લગાવું, એક બ્રેડમાં જ્યાં માખણ લગાડેલ છે તેની ઉપર મિશ્રણનો ૧-ભાગ મૂકી અને ટે મિશ્રણ બ્રેડ ઉપર એક સરખું ફેલાવી દેવું. ત્યારબાદ, બીજી માખણ લગાડેલ બ્રેડને તેની ઉપર ઢાંકી અને હાથેથી થોડું દબાવી પેક કરવી. આજ રીતે બીજી સેન્ડવીચ પણ તૈયાર કરવી.

સેન્ડવીચ ટોસ્ટરમાં સેન્ડવીચ રાખી અને ગ્રીલ કરવા મૂકવી. ૩-૪ મિનિટમાં લગભગ સેન્ડવીચ ગ્રીલ થઇ જશે.

સેન્ડવીચ બહાર કાઢી અને પ્લેટમાં ગોઠવવી. આજ રીતે બીજી સેન્ડવીચ, સેન્ડવીચ ટોસ્ટરમાં રાખી, ગ્રીલ કરી કાઢી લેવી અને પ્લેટમાં ગોઠવવી.

પાલક પનીર સેન્ડવીચ (પાલક-કોર્ન-પનીર સેન્ડવીચ તૈયાર છે. ગરમા ગરમ પાલક પનીર સેન્ડવીચ લીલી કોથમીરની ચટણી, અને ટામેટા કેચપ સાથે પીરસવી.

નોંધ :લીલી ચટણીની રેસિપી તેમજ અન્ય ચટણીની  રેસિપી, અહીં બ્લોગ પર ચટણીની કેટેગરીમાંથી જાણી અને માણી શકો છો.

 

બ્લોગ લીંક: http://das.desais.net

ચોકલેટ ક્રીમ નટ્સ કેક …

ચોકલેટ ક્રીમ નટ્સ કેક (ઈંડાના ઉપયોગ વિના) : …

 

તમને પૂછવામાં આવે કે તમે  કઈ કેક પસંદ કરો છો ?  ચોકલેટ કે કર્મી નટ્સ કેક ?

આપણે બંને ના સ્વાદ વાળી ચોકલેટ ક્રીમ નટ્સ કેક ઈંડાનો ઉપયોગ કર્યાં વિના આજે બનાવીશું જેથી સૌને પસંદ આવશે. …

ચોકલેટ કેક બનાવવાની સામગ્રી:

૨૦૦ ગ્રામ મેંદો (૧-કપ)

૧ નાની ચમચી બેકિંગ પાઉડર

૧/૨ નાની ચમચી ખાવાનો સોડા

૧૦૦ ગ્રામ માખણ (૧/૨ – કપ)

૧૦૦ ગ્રામ દળેલી ખાંડ (૧/૨ – કપ)

૧/૪ કપ પીગળેલી ચોકલેટ (ચોકલેટ બાર લઈને પીગાડવો)

૧૦૦ ગ્રામ કન્ડેન્સ્ડ મિલ્ક (૧/૨ – કપ)

૨૦૦ ગ્રામ દૂધ (૧-કપ)

૧/૪ કપ અખરોટ (નાના ટુકડામાં સમારવા)

 

ક્રીમ નટ્સ કેક બનાવાની સામગ્રી : …

૨૦૦ ગ્રામ મેંદો (૧-કપ)

૧ નાની ચમચી બેકિંગ પાઉડર

૧/૨ નાની ચમચી ખાવાનો સોડા

૬૦ ગ્રામ માખણ (૧/૪-કપથી થોડું વધુ)

૨૦૦ ગ્રામ કન્ડેન્સ્ડ મિલ્ક (૧-કપ)

૧૦૦ ગ્રામ દળેલી ખાંડ (૧/૨-કપ)

૧૦૦ ગ્રામ દૂધ (૧/૨-કપ)

૨ ટે.સ્પૂન કિસમિસ (તેની ડાળખી તોડી ને સાફ કરી લેવી)

૨ ટે.સ્પૂન કાજુ (૧-કાજુને  ૫-૬ ટુકડામાં સમારવું)

૧ ટે.સ્પૂન બદામ (૧-બદામને ૫-૬ ટુકડામાં સમારવી)

 

રીત :

ચોકલેટ કેક માટે મિશ્રણ તૈયાર કરવાની રીત …

મેંદામાં બેકિંગ પાઉડર, ખાવાનો સોડા મિક્સ કરી અને તેને બે (૨) વખત ચારણીથી એક  વાસણમાં ચાળી લ્યો. જેથી બેકિંગ પાઉડર અને સોડા મેંદા સાથે બરોબર મિક્સ થઇ જાય.

માખણને થોડું ગરમ કરી પીગાડવું અને એક મોટા વાસણમાં ચોકલેટ અને ખાંડ સાથે મિક્સ કરી અને એક જ દિશામાં તેને ખૂબજ સરખી રીતે હલાવવું / ફેંટવું. ત્યારબાદ, કન્ડેન્સ્ડ મિલ્ક મિક્સ કરી અને તેને પણ એક જ દિશામાં સરખી રીતે હલાવી અને જ્યાં સુધી તે મિક્સ ના થઇ જાય ત્યાં સુધી  ફેંટવું.  દૂધમાંથી અડધું દૂધ અલગ રાખી અને અડધું દૂધ તેમાં નાંખી અને સારી રીતે મિલાવીને મિક્સ કરવું. મેંદો પણ પેહલાં અડધો અને પછી અડધો નાંખી અને મિક્સ કરવો અને ત્યારબાદ બાકી વધેલ દૂધ પણ ઉમેરવું અને મિક્સ કરવું અને એક જ દિશામાં ખૂબજ સારી રીતે હલાવી અને મિક્સ કરવું. બધું જ મિશ્રણ એકરસ થઇ જાય તેમ મિક્સ કરવું.

મિશ્રણમાં અખરોટના ટુકડા નાંખવા અને મિક્સ સારી રીતે હલાવીને કરવા. ચોકલેટનું મિશ્રણ વડાના મિશ્રણ જવું તૈયાર કરવું. બસ, ચોકલેટ કેકનું મિશ્રણ તૈયાર છે.

ત્યારબાદ, ક્રીમ નટ્સ કેકનું મિશ્રણ તૈયાર કરીશું …

 

રીત:

મેંદામાં બેકિંગ પાઉડર તેમજ ખાવાનો સોડા ઉમેરી અને એક વાસણમાં ચારણીથી બે વખત વ્યવસ્થિત ચાળવો જેથી બેકિંગ પાઉડર તેમજ ખાવાનો સોડા સારી રીતે મેંદામાં મિક્સ થઇ જાય.

માખણ ને થોડું ગરમ કરી અને પીગાડવું અને તેમાં ખાંડ ઉમેરી (મિક્સ કરી) અને એક જ દિશામાં સારી રીતે હલાવીને ફેંટવું. ત્યારબાદ, તે મિશ્રણમાં કન્ડેન્સ્ડ મિલ્ક મિક્સ કરવું અને તેને પણ એક જ દિશામાં હલાવતાં રેહવું. ત્યારબાદ, મેંદો મિક્સ કરી અને ખૂબજ સારી રીતે એક જ દિશામાં હલાવતાં રેહવું અને ફેંટવું મિશ્રણ એક રસ થઇ જાય તે જોવું અને તે એક લચકા જેવું નરમ એકરસ થઇ જશે.

મિશ્રણમાં ત્યારબાદ, કાજુ અને કિસમિસ ઉમેરવા અને સરખી રીતે હલાવીને મિશ્રણમાં મિક્સ કરવા.

ત્યારબાદ, કેક બનાવવાના વાસણમાં ગ્રીસિંગ કરવા વાસણના તળિયામાં ઘી લગાડવું અને તેની ઉપર આછો મેંદાનો છટકાવ કરી એક આછી લેર મેંદાની કરવી. આમ કરવાથી  કેક તૈયાર થઇ જશે ત્યારે તે વાસણમાંથી આસાનીથી બહાર કાઢી શકાય છે.

ગ્રીસ કરેલા વાસણમાં સૌ પ્રથમ ચોકલેટનું મિશ્રણ પાથરવું. જ્યારે ચોકલેટનું મિશ્રણ સારી રીતે વાસણમાં ફેલાઈ જાય અને એક સરખી લેર થઇ જાય ત્યારબાદ, તેની ઉપર ક્રીમ-નટ્સનું મિશ્રણ વચ્ચે ધીમી ધારે નાખવું અને વાસણમાં એક સરખું ફેલાઈ જાય તે જોવું.

ઓવનને ૧૮૦’ સેન્ટીગ્રેડ ઉપર પહેલાથી સેટ કરી અને ગરમ રાખવું. (પ્રી હીટેડ) ઓવન ગરમ ૧૮૦’ પર થઇ જતા આપોઆપ બંધ થઇ જશે.ત્યારબાદ કેકના વાસણને ઓવનમાં રાખી અને ૩૦ મિનિટ ના સમયમાં સેટ કરવું અને ત્યારબાદ, ૧૬૦’ ડીગ્રી સેન્ટીગ્રેડ પર સેટ કરી ફરી ૩૦ મિનિટ માટે સેટ કરવું.

કેકને પાકવાનો સમય તેની સાઈઝ ઉપર આધાર રાખે છે. જો કેક નાની હોય તો ઓવનને  ૨૦ – ૨૦  મિનિટ  માટે સેટ કરવું જોઈએ. કારણકે  તે જલ્દી પાકી જાય છે. મોટી કેકને વધુ સમય લાગે છે.


ઓવનમાંથી કેક બહાર કાઢી અને તેને ચપ્પુની ધાર/અણી ખૂપાવીને ચેક કરવું કે મિશ્રણ ચિપકતું નથી ને? જો તે ચપ્પુમાં ચીપકેલ જણાય તો કેક હજુ પાકી ના હોવાથી ૧૦ મિનિટનો સમય વધુ આપી અને સેટ કરવું અને ત્યારબાદ ફરી ચેક કરવું. બસ કેક તૈયાર છે.

આ રીતે બનાવેલ કેક અગાઉ તમે બનાવેલ કેક કરતાં એક અલગ જ ડિજાઇનમાં તૈયાર થશે. મિશ્રણને તમે તમારી ઈચ્છા મુજ્બ ફેરફા કરી શકો છો. તમે ચોકલેટ કેકનું મિશ્રણ પહેલા ને બદલે પેહલાં ક્રીમ નટ્સ કેકનું મિશ્રણ પણ પાથરી અને તેની ઉપર ચોકલેટ કેકનું મિશ્રણ પાથરી શકો છો.  જે તમારી પસંદગી ઉપર નક્કી કરવું.

ચોકલેટ ક્રીમ નટ્સ કેક (ઈંડાના ઉપયોગ વિનાની) તૈયાર છે. કેક ઠંડી પડે એટલે એક વાસણમાં કાઢી લઇ અને તમને પસંદ આવે તે શેપ/આકારમાં કાપી અને કટકા કરવા અને એક વાસણમાં ગોઠવવી. જે દેખાવમાં ખૂબજ સુંદર અને ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ લાગશે. ઉપયોગ ન કરેલી કેકને એક એર ટાઈટ વાસણમાં પેક કરી અને ફ્રીઝમાં રાખી દેવી અને ૭ દિવસ સુધી જ્યારે ઈચ્છા પડે ત્યારે બહાર કાઢી અને ઉપયોગમાં લઇ શકો છો. બસ, સ્વાદિષ્ટ કેક ખાઓ અને અન્યને ખવડાવો.

સુજાવ :

૧]     ઉપરોક્ત કેક જો તમારી પાસે ઓવન ઘરમાં ના હોય તો કુકરમાં પણ બની શકે છે. જેની રેસીપી આગળ અન્ય કેકની પોસ્ટમાં આપેલ છે તે તપાસી લેવી અને તે રીતે બનાવવા કોશીશ કરવી. કુકરમાં ૪૦ મિનિટનો સમય કેક બનતા લાગશે.

૨]     ચોકલેટ ને પીગાડવા માટે ચોકલેટ બાર જે માર્કેટમાંથી લઈને આવ્યા હોય તેને એક વાસણમાં રાખી અને બીજા વાસણમાં ગરમ પાણી  કરી અને ચોકલેટ બાર વાળું વાસણ ગરમ પાણી ઉપર રાખવું. ચોકલેટ બાર ના હોય તો ચોકલેટ પાઉડરનો પણ ઉપયોગ કરી શકો છો. ચોકો પાઉડરનો પણ ઉપયોગ થઇ શકે. આ ઉપરાંત, તમારી પાસે ચોકલેટ સીરપ હોય તો તેનો ઉપયોગ પણ કરી શકાય.

૩]     ફૂલ ફ્રીમ બજારમાં તૈયાર મળે છે, અથવા કાચા દૂધને ઉકાળી અને ફ્રેશ ક્રીમ પણ મેળવી શકાય.

૪]     કેકને માઈક્રોવેવમાં  બનાવી હોય તો માઈક્રોવેવ ક્ન્વેસ્ન મોડ પર રાખવું જરૂરી. અને બાકીની વિગત માઈક્રોવેવ સાથે આવેલ બુક/મેન્યુઅલમાં જોઈ ચેક કરી લેવી.

૫]     અમુલ માખણ તમે વાપરી શકો છો, તે સોલ્ટી / મીઠા વાળું હોય તેનો સ્વાદ અલગથી જ તમને આવશે.

૬]     કેકનું મિશ્રણ વડાના મિશ્રણ જેવું ઘટ રાખવું.

૭]     કન્ડેન્સ્ડ મિલ્કની જગ્યાએ સાદા દૂધનો ઉપયોગ ના કરવો. કારણકે  કન્ડેન્સ્ડ મિલ્ક બાઈન્ડીંગનું  કામ કરે છે અને  ઈંડાની અવેજીમાં તેને ઉપયોગમાં લઈએ છીએ.

૮]     બેકિંગ સોડાની અવેજીમાં બેકિંગ પાઉડરનો ઉપયોગ ના કરવો. તેમાં બેકિંગ સોડામાં રહેલ તત્વ ના હોય, કેક બનવામાં મુશ્કેલી આવી શકે છે.

૯]     કન્ડેન્સ્ડ મિલ્કની જગ્યાએ દૂધના પાઉડરનો ઉપયોગપણ  કરી શકાય છે,  પાઉડરનું  પ્રમાણ ૧/૨ કરી નાખવું. અને ખાંડનું પ્રમાણ થોડું વધારી દેવું.

૧૦]    માઈક્રોવેવમાં પણ કેક બની શકે છે, જે ખૂબજ ઝડપથી ૪-૫ મિનિટમાં કેક તૈયાર થઇ જાય છે, જેની રેસિપી હવે પછી અમે મૂકીશું.

બ્લોગ લીંક: http://das.desais.net


ભરવાં પનીર ટામેટા … (સ્ટફ્ડ)

ભરવાં  (સ્ટફડ)  પનીર ટામેટા …

(૪ વ્યક્તિ માટે)

(સમય -૪૦ મિનિટ)

 

કોઇપણ સ્ટફ્ડ (ભરેલા) શાકનો સ્વાદ જ ખૂબજ અલગ હોય છે. ક્યારેય પણ (સ્ટફ્ડ) ભરેલું શાક બનાવવાની ઈચ્છા થાય તો સ્ટફ્ડ ટામેટાનું શાક બનાવીને જોવું. તે ખૂબજ સ્વાદિષ્ટ બને છે.

સામગ્રી :

૮ – ૧૦ નંગ ટામેટા (મધ્યમ કદના)

૧૦૦ ગ્રામ પનીર

૨ નંગ બાફેલા બટેટા (જો તમને પસંદ હોય તો)

૧ નંગ લીલું મરચું (બારીક સમારી લેવું)

૧ નંગ આદુ ( ૧ ઈંચ આદુનો ટુકડો) છીણી લેવું

૩/૪ નાની ચમચી મીઠું (સ્વાદાનુસાર)

૧/૪ નાની ચમચી લાલ મરચાનો પાઉડર (સ્વાદાનુસાર વધુ ઓછો કરી શકો)

૧/૪ નાની ચમચી ગરમ મસાલો

૧૦ -૧૨ નંગ કાજુ ( ૧ કાજુના ૬-૭ ટુકડા થાય તેમ સમારવા)

૧૫ – ૨૦ નંગ  કિસમિસ  (ડાળખી કાઢી, ધોઈને સાફ કરી લેવી)

૨ ટે.સ્પૂન લીલી કોથમીર (બારીક સમારી લેવી)

૧/૪ નાની ચમચી જીરૂ

૨ ટે.સ્પૂન તેલ

 

રીત :

ટામેટાને ધોઈ અને ઉપરની બાજુએ ચપ્પુથી ચાર તરફ એક ચોરસ કટ લગાવી (ઢાંકણ ની જેમ) અને ઢાંકણાની જેમ કાઢી લેવું.

ઢાંકણા ને અલગથી પ્લેટમાં રાખી અને બાકી રહેલ ટામેટામાંથી અંદરનો પલ્પ અને બી કાઢી લેવા.  પલ્પ કાઢી લીધેલા ટામેટાને તેના પ્લેટમાં અલગ રહેલ ઢાંકણ સાથે અલગથી રાખી દેવું. આજ રીતે બધા જ ટામેટાનો પલ્પ કાઢી અને તેના ઢાંકણા સાથે અલગ રાખવા.

 

બટેટાનો ઉપયોગ કરવા માંગતા હોય તો, બટેટાને બાફી લેવા. તેની છાલ ઉતારી અને તેણે છૂંદી નાંખવા (મેસ કરવા). પનીરને છીણી લેવું. મીઠું, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો અને ૧ ટે.સ્પૂન લીલી કોથમીર મિક્સ કરે દેવી. કાજૂ અને કિસમિસ પણ સાથે મિક્સ કરવા.

એક કડાઈમાં ૧ ટે.સ્પૂન તેલ નાંખી ગરમ કરવું. જીરૂ નાંખી અને બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી સાંતળવું.  લીલાં મરચા, આદુ અને તામેતામાનથી જે પલ્પ નીકળેલ તે પણ તેમાં નાંખી મિક્સ કરવો. પલ્પ ઘટ થાય કે તેમાં પનીર, બટેટા વાળો મસાલો પણ અંદર નાંખી અને મિક્સ કરી દેવો. બસ, ટામેટામાં ભરવા-/સ્ટફ્ડ કરવા માટેનું પુરણ / મિશ્રણ તૈયાર છે.

પલ્પ કાઢેલા ટામેટામાં ઉપર તૈયાર થયેલ મિશ્રણ ભરી અને તેની ઉપર તેનું ઢાંકણું બંધ કરી દેવું.  આમ બધાજ ટામેટાને ભરી અને તેનું ઢાંકણું બંધ કરી અલગ રાખી દેવા.

આ ટામેટાને આપણે અલગ અલગ રીતે પકાવી શકીએ છીએ.

(૧) એક ભારે તળિયાવાળી કડાઈમાં ટામેટા ગોઠવી, ટામેટા ઉપર ૧/૪ ચમચીથી થોડું ઓછું મીઠું  અને ૧ ટે.સ્પૂન તેલ મિક્સ કરી દરેક ટામેટા પર થોડું થોડું લગાડી / ચોપડી દેવું. ટામેટાના વાસણને ઢાંકી દેવું. અને ધીમા તાપે ગેસ પર ૩-૪ મિનિટ પકવવા. ત્યારબાદ સાવધાનીથી ચિપિયાની મદદવડે  ઉલટાવવા (પલટાવવા). નરમ થાય ત્યાં સુધી પાકવા દેવા. બસ ભરેલા ટામેટાનું શાક તૈયાર છે.

(૨) માઈક્રોવેવમાં …

માઈક્રોવેવમાં ઉપયોગમાં લઇ શકાય તેવા કાચના વાસણમાં ટામેટાને ગોઠવવા. ટામેટા ઉપર ૧ ટે.સ્પૂન તેલ અને ૧/૪ નાની ચમચી મીઠું મિક્સ કરી લગાડી  અને વાસણને ઢાંકી દેવું. માઈક્રોવેવમાં પાંચ (૫) મિનિટનો સમય સેટ કરવો. પાંચ મિનિટ પછી માઈક્રોવેવમાં ચેક કરવું. જો ટે નરમ ન થાયાં હોય તો વધારે (૨) બે મિનિટ માટે પકવવા. બસ, હવે તો ટામેટા નરમ થઇ ગયા હશે. (પાકી ગયા હશે) બસ સ્ટફ્ડ ટામેટા તૈયાર છે.

(૩) ઓવનમાં …

ઓવનની ટ્રે ને તેલ લગાવવું. અને તેમાં ટામેટા ગોઠવવા.

ઓવનને ૩૦૦’ સે.ગ્રે. પર સેટ કરી અને (પ્રી હિટ) ગરમ કરવું. ઓવન ગરમ થઇ જાય એટલે ટામેટા ભરેલી ટ્રે ઓવનમાં રાખવી. તેની ઉપર ૧ ટે.સ્પૂન તેલ અને ૧/૪ નાની ચમચી મીઠું મિક્સ કરી અને દરેક ટામેટા ઉપર લગાડવું. ટામેટાને લગભગ ૬ (છ) મિનિટ સુધી બેક કરવા. ટામેટા પાકી જશે એટલે તેમાંથી તોડો રસ નીકળશે.  બસ સ્ટફ્ડ ટામેટા તૈયાર છે. જે રસ ટામેટામાંથી નેકડેલ તેને દરેક ટામેટા સાથે ઉપર નાંખી અને પીરસવા.

બસ, સ્ટફ્ડ ટામેટા નું (ભરેલ ટામેટાનું )  શાક તૈયાર છે.  શાકને સાવધાનીથી એક વાસણમાં કાઢી લેવું. ટામેટાને છીણેલા પનીર અને લીલી કોથમીર ઉપર છાંટી અને ગાર્નીસ / શણગારવા.


સ્ટફ્ડ ટામેટાને પરોઠા – નાન કે રોટલી સાથે પીરસવા અને ખાવા.

 

બ્લોગ લીંક: http://das.desais.net

ચોકલેટ કેક ..(ઈંડાના ઉપયોગ વિના)…

ચોકલેટ કેક ..(ઈંડાના ઉપયોગ વિના) …

ઘણી વખત વીજળીની સમસ્યાને કારણે કે ઓવન ઘરમાં ન હોવાને કારણે કેક ઘરમાં બનાવવી હોય તો પણ કેવી રીતે બનાવવી ? તો આ માટે કુકર નો પ્રયોગ કરવો જરૂરી લાગ્યો. જે મોટેભાગે દરેક ના ઘરમાં હોય જ !

આ ઉપરાંત કેક તો બનાવી છે, પણ પોતાની સંસ્કૃતિને ધ્યાનમાં રાખી ઈંડાની કેક તો નથી બનાવવી કે નથી ખાવી તો પછી શું કરવું? જો કે હવે તો ઈંડા વિનાની કેક પણ માર્કેટમાં મળે છે; પરંતુ તે શું કામ ખાવી જાતે જ ઈંડા વિનાની કેક ઘરમાં કેમ ના બાનવીએ.

તો ચાલો આજે ચોકલેટ કેક ઈંડા ના ઉપયોગ કર્યાં વિના બનાવીએ.

 

સામગ્રી:

૨૦૦ ગ્રામ મેંદો (૧-કપ)

૬૦ ગ્રામ માખણ અથવા ઘી

૧૦૦ ગ્રામ ખાંડ -પીસેલી

૨૦૦ ગ્રામ કન્ડેન્સ્ડ મિલ્ક (અથવા ઘરમાં મલાઈ હોય તો તે પણ લઇ શકાય.)

૫૦ ગ્રામ ચોકલેટ પાઉડર

૧ નાની ચમચી ઇન્સ્ટન્ટ કોફી પાઉડર (જો તમને પસંદ હોય તો જ)

૨૦૦ ગ્રામ દૂધ

૧ નાની ચમચી બેકિંગ પાઉડર

૧/૪ નાની ચમચી મીઠું (જો તમને પસંદ હોય તો)

 

રીત:

સૌ પ્રથમ કેક માટે ઉપયોગમાં લેવાની બધીજ સામગ્રી એક ટેબલ પર અલગથી રાખી દેવી.


કેક જે કૂકરમાં બનાવવાની હોય તે કૂકરમાં સમાય તે વાસણ (ડબ્બો) પણ ઘી લગાડી તેના ઉપર લોટ આછો છાંટી અને અલગ તૈયાર રાખી દેવું.

ત્યારબાદ, કેક માટેના મેંદામાં મીઠું અને બેકિંગ પાઉડર નાંખી તને મિક્સ કરી અને લોટ ને ચારણીથી ચાળી (બે -વખત) લેવો.

ત્યારબાદ એક વાસણમાં ઘી/માખણ અને ખાંડ લઇ અને તેને ફેંટો, (હલાવો) ખાસ ધ્યાન રહે કે જેનાથી તે (મિક્સ કરો) ફેંટો તે એક તરફ જ ચમચો કે સાધન ફેરવવું. લગભગ ૨ થી ૩ મિનિટ બાદ માખણ સફેદ ફીણ જેવું થવાં લાગશે. માખણ અને ખાંડ ને ઝડપથી ફેંટવા.ધીમે ધીમે મિક્સ નહિ કરવું.

ત્યારબાદ ચોકલેટ પાઉડર અને કન્ડેન્સ્ડ મિલ્ક નાંખી અને ફરી એક જ દિશામાં હલાવી અને ફેંટો. લગભગ ૨ થી ૩ મિનિટ ફેંટો.

ત્યારબાદ, તેમાં ચાળેલો મેંદો થોડો થોડો ઉમેરતા જવું અને ધીરે ધીરે મિક્સ કરવું, ખ્યાલ રહે કે મેંદાના ગાંઠા ના પડે. બધો જ મેંદો મિક્સ થઇ ગયા બાદ, ફરી ૨ થી ૩ મિનિટ એકતરફ જ તેને હલાવતાં રેહવું અને ખૂબજ સારી રીતે ફેંટો. અને તેમાં વચ્ચે-વચ્ચે થોડું થોડું દૂધ ઉમેરતા જવું. (નાખતા જવું) આમ કેકનું મિશ્રણ ભજીયાના લોટ જેવું પાતળું રેહવું જરૂરી.

દૂધ ઉમેરી દેશો એટલે મિશ્રણ તૈયાર થઇ જશે. તેમાં તમે કોઈપણ પ્રકારના સૂકામેવા (કિસમિસ, કાજુ, બદામ, અખરોટ) સમારી તમને પસંદ હોય તો નાંખી શકો છો. સૂકો મેવો નાખ્યા બાદ, તેને એકદમ મિક્સ કરી દેવો.

કૂકરમાં કેક બનાવતા હોય ત્યારે ધ્યાન રાખવું કે કૂકરમાં મૂકવાનું વાસણ કૂકરના તળિયાને અડોઅડ (અડીને) ના રહે. તેમ કરવાથી કેક તળિયામાંથી બળી/ દાઝી જશે. તે ના થાય તે માટે કૂકરના તળિયામાં એક વાટકી અથવા રીંગ રાખવી અને તેની ઉપર કેક ના મિશ્રણ નું વાસણ રાખવું.

અથવા કૂકરના તળિયામાં એક વાટકી મીઠું પાથરી દેવું, અને ફૂલ ગેસ ચાલુ કરી અને કૂકારનું ઢાંકણું ૨ થી ૨-૧/૨ મિનિટ સુધી બંધ કરીને ગરમ કરવું. આમ કરવાથી કૂકર કેક બનાવવા માટે યોગ્ય ગરમ થઇ જશે. (પ્રી હીટેડ ઓવન ની જેમ)


ત્યારબાદ, કેકનું મિશ્રણ જે અગાઉ ઘી-લોટ લગાડેલ વાસણ તૈયાર રાખેલ,તેમાં પાથરવું અને પેહલેથી ગરમ રાખેલ કૂકરમાં તે વાસણ રાખી અને કૂકારનું ઢાંકણું બંધ કરી દેવું.


કૂકરના ઢાંકણ બંધ કરો ત્યારે તેમાં સિટી લગાડવાની જરૂર નથી. અને ગેસને મધ્ય તાપ (ધીમો) રાખી અને ૪૦ મિનિટ સુધી કેકને પાકવા દેવી.

લગભગ ૪૦ મિનિટમાં કેક પાકીને તૈયાર થઇ જશે. ૪૦ મિનિટ બાદ ઢાંકણ ખોલીને ચપ્પુની અણી અંદર ખૂપાવીને ને જોવું કે કેક ચોંટે નહિ તો તૈયાર થઇ ગઈ છે તેમ સમજવું.

ત્યારબાદ, કેકને ઠંડી કરવા મૂકવી અને ઠંડી થઇ ગયા બાદ, કિનારે કિનારે ચપ્પુની ધાર ધીરે ધીરે ફેરવીને કેક એક પ્લેટમા બહાર કાઢવી.


આમ કૂકરમાં બનાવેલ કેક તૈયાર થઇ જશે. જે ખાવાના ઉપયોગમાં લઇ શકો છો.

બ્લોગ લીંક: htpp://das.desais.net