સમોસા …

સમોસા …

 

સમોસા ઉત્તર ભારતનું વ્યંજન છે, પરંતુ હવે તે પુરા ભારતમાં જ નહિ પરંતુ દુનિયાના દરેક દેશમાં સૌના માનીતા અને પ્રિય છે. અગાઉ આપણે મગની દાળના (મીની) સમોસા કેમ બને તે જોયું; આજે આપણે બટેટા-લીલા વટાણાના સમોસા બનાવીશું.

સમોસાના લોટ (પળ માટેની ) માટેની સામગ્રી:

સામગ્રી:

૩૦૦ ગ્રામ મેંદો

૭૫ ગ્રામ ઘી

૧/૪ નાની ચમચી બેકિંગ પાઉડર ( સમોસાના પળ ને બિસ્કીટ જેવું બનાવવા ૨૫૦ ગ્રામ લોટ માટેનું માપ)

મીઠું સ્વાદાનુસાર

સમોસામાં ભરવા માટેનું પૂરણ બનાવવાની સામગ્રી:

સામગ્રી:

૬૦૦ ગ્રામ બટેટા

૧/૨ કપ લીલા વટાણા ( જો તમને પસંદ હોય તો જ)

૧૨-૧૫ નંગ કાજુ

૨૫-૩૦ નંગ કિસમિસ ( જો તમને પસંદ હોય તો જ )

૨-૩ નંગ લીલા મરચા ( મરચાને જીણા સમારી લેવા)

૨”-ઈંચનો આદુનો ટૂકડો ( આદુને છીણી લેવું)

૧ ટે.સ્પૂન લીલી કોથમીર

૨ નાની ચમચી ધાણા નો પાઉડર

૧/૪ નાની ચમચી ગરમ મસાલો

૧/૪ નાની ચમચી આમચૂર પાઉડર

મીઠું સ્વાદાનુસાર

તેલ-તળવા માટે જરૂરિયાત મુજબનું

રીત:

સૌ પ્રથમ બટેટાને બાફવા મૂકી દેવા. મેંદામાં તેલ/ઘી નું મોણ, અને મીઠું નાંખી અને સારી રીતે તેને મિક્સ કરી દેવું. અને તે લોટને નવસેકા (હુંફાળા) પાણીથી બાંધવો. લોટ (કણક) થોડો કઠણ રહે તેમ બાંધવો. અને ત્યારબાદ, ૩૦ મિનિટ સુધી તેને ઢાંકી અને એક સાઈડ પર રાખી દેવો. ( લોટમાં /(કણક માં ) -ઘી નાખવાથી સમોસાના પળ ઉપર બબલ્સ નહિ થાય.)

બાફેલા બટેટાની છાલ ઉતારી અને તેને મોટા કટકામાં સમારવા.

ત્યારબાદ, એક કડાઈમાં એક ચમચો તેલ મૂકવું અને કડાઈને ગેસ ઉપર ગરમ કરવા રાખવી. તેલ ગરમ થાય એટલે તેમાં ઘાના પાઉડર, લીલા સમારેલા મરચાં અને છીણેલું આદુ નાંખી અને સાંતળવું અને ત્યારબાદ, સમારેલા બટેટા અને વટાણા પણ નાંખવા. ત્યારબાદ, ગરમ મસાલો, મીઠું સ્વાદાનુસાર, અને આમચૂર પાઉડર તેમાં નાંખવો. અને એક ચમચાથી હલાવી બધાંને મિક્સ કરવું. જ્યારે બરોબર મસાલો બટેટા ઉપર ચડી જાય (મિક્સ થઇ જાય) એટલે ગેસ બંધ કરી દેવો અને કડાઈ નીચે ઉતારી લેવી.

પૂરણ ઠંડું થઇ ગયાબાદ, કાજુ-કિસમિસ તેમાં મિક્સ કરી દેવા. આમ, સમોસાનું પૂરણ તૈયાર થઇ જશે.

હવે જે લોટ બાંધેલ છે તેના લગભગ ૧૦ સરખા લુઆ-ગોળા (ભાગ) કરવા. અને એક ગોળા ને લગભગ ૮”-ઈંચ જેવી પૂરી બને તેમ વેલણથી વણવો. વણેલો લોટ થોડો મોટો હોવો જરૂરી.

 

આ વણેલા લોટના એક સરખા બે ભાગ ચપ્પૂથી કરવા. અને એક ભાગને કોણ આકારમાં બનાવી તેના છેડા પાણીથી ચિપકાવવા. પાણી લગાડી અને થોડું પ્રેસ કરવાથી ચિપકી જશે.

 

જે ત્રિકોણ આકારમાં કોણ બનાવેલ છે તેમાં બટેટાનું પૂરણ (માવો) ભરવું. અને ત્યારબાદ, ઉપરના ખૂલ્લા ભાગને પણ કવરની જેમ બંધ કરી અને પાણી થી ચિપકાવવો.

 

આમ, ધીરે ધીરે બધાજ સમોસા ભરી અને તૈયાર કરવાં.

સમોસાને ત્યારબાદ, તળવા માટે એક કડાઈમાં જરૂરી તેલ લેવું અને કડાઈને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકવી. તળ ગરમ થાય એટલે એકી સાથે ૪-૫ સમોસા તળવા માટે કડાઈમાં મૂકવા. ( કડાઈના માપને ધ્યાનમાં રાખી અને સમોસા એકીસાથે તળવા મૂકવા )

સમોસા ખાસ ધ્યાન રહે કે મધ્યમ (ધીમા) તાપે/આંચે ગેસ પર તળવા અને જ્યાં સુધી બ્રાઉન કલર થાય નહિ ત્યાં સુધી તેને તળવા. બંને સાઈડ ને ફેરવતા રેહવી.

સમોસા તળાઈ ગયાબાદ, એક પ્લેટ પર પેપર નેપકીન રાખી અને તેની ઉપર સમોસા તળાઈ ગયેલા રાખવા.

આમ ધીરે ધીરે બધાજ સમોસા તળી લેવા.

 

સમોસા લીલી કોથમીરની ચટણી અથવા મીઠી ચટણી સાથે પીરસવા.

ટીપ્સ:

(૧)  બેકિંગ પાઉડર ખૂલ્લો રહી ગયેલ હોય કે જુનો હોય તો તેનો ઉપયોગ કરશો નહિ તે કદી કામમાં નહિ આવે. બકિંગ પાઉડર હંમેશાં ઉપયોગ કરી લીધાબાદ, એરટાઈટ સાધનમાં જ પેક કરીને રાખવો.

(૨) સમોસાના પળમાં બબ્લસ થતા હોય તો લોટમાં તેલને બદલે ઘી નું મોણ નાંખી અને લોટ બાંધવો. અને લોટ ને હંમેશ કઠણ બાંધવો.

અન્ય રીત :

કાંદાના સમોસા ની રીત :-

આજ રીતે કાંદાના સમોસા પણ બહુ જ સરસ બને છે.

જાડા પૌવામાં ૫ થી ૬ કાંદાને બારીક સમારીને મિક્સ કરવા તેમાં લીંબુંનો રસ, સ્વાદ પ્રમાણે મીઠું, બારીક સમારેલા લીલા મરચાં, થોડું લાલ મરચું, કોથમરી, આખું જીરૂ, નાખી મિક્સ કરી લગભગ ૨ થી ૩ કલાક ઢાંકીને રાખવું.(પૌવામાં પાણી બિલકુલ નાખવું નહિ )પડ બનાવવા માટે ૧ વાટકી ઘઉં ના લોટ માં ૧/૨ વાટકી મેંદો, ૧/૪ વાટકી ચોખાનો લોટ લેવો તેમાં ૧ ચમચી લીંબું નો રસ, સ્વાદ પ્રમાણે મીઠું, ૧ ચમચી જીરૂ નાખવું, ૨ ચમચી ગરમ તેલ નાખવું અને ગરમ પાણીથી લોટ બાંધી ગોળ વણી કાચા પડ બનાવી શકાય અથવા રોટલી બનાવી કાચીપાકી શેકી પાકા પડ પણ બનાવી શકાય.પાકા પડ બનાવવાનો ફાયદો એ છે કે સમોસા જલ્દીથી થઈ જાય છે.

નોંધ: ઉપરોક્ત રીત અમોને અમારા બ્લોગના પાઠક  શ્રીમતી પૂર્વીબેન મલકાણ -મોદી (યુ.એસ.એ.) તરફથી મળેલ છે જેનો સાભાર સ્વીકાર કરી અત્રે આપ પાઠક મિત્રો માટે અહીં પ્રસ્તુત કરેલ છે. જે માટે અમો પૂર્વીબેન ના  આભારી છીએ.)

બટેટાની ભાખરવડી … (બટેટાના પાત્રા) …

બટેટાની ભાખરવડી …  (બટેટાના પાત્રા) …

 

ગુજરાતમાં બે પ્રકારની ભાખરવડી બનાવવામાં આવે છે.  એક આપણે અહીં ‘દાદીમા ની રસોઈ ‘ ના બ્લોગ પોસ્ટમાં જ આગળ જોઈ ગયા શરૂઆતમાં, મસાલા ભરીને બનાવવામાં આવતી ભાખરવડી અને બીજી રીત છે બટેટા માં મસાલો મિક્સ કરી અને બનાવવા માં આવતી ભાખરવડી.

મસાલો ભરીને બનાવવામાં આવતી ભાખરવડી ૩૦ દિવસ સુધી ઘરમાં ઉપયોગમાં લઇ શકાય છે, પણ બટેટાના મસાલાથી બનાવેલ ભાખરવડી સામાન્ય રીતે જોઈએ તો તરત જ તે દિવસે ઉપયોગમાં લઇ લેવી અથાવા બીજા દિવસ સુધી જ ઉપયોગમાં લઇ શકાય છે. બટેટાના મસાલા દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી ભાખરવડીનું ઉપરનું પળ ક્રિસ્પી –કૂરકુરુ બનાવવું.

બટેટાના મસાલા ની ભાખરવડી માટે લોટ બાંધવા માટેની સામગ્રી …

સામગ્રી :

૧૫૦ ગ્રામ મેંદો (૧-૧/૨ – કપ)

૫૦   ગ્રામ ચણાનો લોટ  (૧/૨ – કપ)

૫૦   ગ્રામ તેલ  (૧/૪ –કપ)

૧/૨ નાની ચમચી મીઠું  (સ્વદાનુસાર)

ભાખરવડી મા ભરવાનું પૂરણ / મિશ્રણ બનાવવા માટે ….

૨૫૦ ગ્રામ બટેટા (૩-૪ નંગ મધ્ય સાઈઝના / આકારના , બાફેલા)

૧ ટે. સ્પૂન તેલ

૧ પીંચ (ચપટીક) હિંગ

૧/૨ નાની ચમચી જીરૂ

૧/૨ નાની ચમચી રાઈ

૧ ટે.સ્પૂન સફેદ તલ

૧/૪ નાની ચમચી હળદર પાઉડર

૧ નાની ચમચી ધાણા પાઉડર

૧/૪ નાની ચમચી લાલ મરચું

૧/૨ નાની ચમચી મીઠું (સ્વાદાનુસાર)

૧/૪ નાની ચમચી ગરમ મસાલો

૧ ટે.સ્પૂન લીલી કોથમીર

રીત :

સૌ પહેલા બટેટાની ભાખરવડી બનાવવા માટે લોટ ગુંથી લેવો જરૂરી હોય..

મેંદા તેમજ ચણા ના લોટને  વાસણ મા ચારણીથી ચાળી અને અલગ રાખવો.

૨-૩ ટે.સ્પૂન મેંદાના લોટને અલગ કાઢી રાખવો. અને ત્યારબાદ, બાકી રહેલાં લોટમાં મીઠું, તેલ નાંખી અને સારી રીતે મિક્સ કરવું. ચણા નો લોટ પણ મિક્સ કરી દેવો.

ત્યારબાદ, થોડું થોડું પાણી ઉમેરતા જવું અને કઠણ પુરી જેવો લોટ ને ગૂંથવો, લોટ ગૂંથાઈ જાઈ એટલે કપડા વડે ૨૦ મિનિટ માટે ઢાંકી દેવો અને સેટ કરવો. લોટ સેટ થઇ ગયા બાદ, બટેટાના માવાનું મિશ્રણ આપણે તૈયાર કરી લઈએ.

બટેટાની ભાખરવડી  સ્ટફિંગ માટે નું મિશ્રણ /પૂરણ …

બાફેલા બટેટાની છાલ ઉતારી અને તેને બારીક સમારી લેવા. ત્યાર બાદ, કડાઈમાં તેલ નાંખી અને ગરમ કરવું. ગરમ તેલમાં જીરૂ અને હિંગ નાંખવી, જીરૂ આછું શેકાઈ જાય કે તૂરત જ રાઈ નાંખવી, ટે શેકાઈ જાય એટલે તલ નાંખવા, તલ ને આચા બ્રાઉન શેકવા. તલ શેકાઈ જાય બાદ, હળદર પાઉડર, ધાણાનો પાઉડર નાંખી અને સાવ સામન્ય શેકાઈ એટલે બટેટા સમારેલા તે  નાંખવા. ત્યારબાદ, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો અને મીઠું નાખવું.

મસાલાની સાથે બટેટાને પણ સાંતળવા અને ખૂબજ સારી રીતે મેશ કરી અને મિક્સ કરવા. બસ પૂરણ તૈયાર છે. પૂરણમાં લીલી કોથમીર બારીક સમારેલી તે પણ  નાંખી અને મિક્સ કરવી.

બટેટાની ભાખરવડી બનાવો …

અગાઉ લોટને ગુંથી તૈયાર રાખેલ છે તેના ત્રણ (૩) ભાગ કરવા. ત્યાર બાદ, એક ભાગને લઈને તેને ફરી મસળી ચપટો કરી અને લુઆ / ગોળા/ ગોયણા  પાડવા, ને ત્યાર બાદ, પાટલી ઉપર એક લુઆ ને રાખી અને અને પાતલી રોટલી ની જેમ  ૮-૧૦ ઈંચ – વ્યાસ -ગોળાઈમાં વણવું.  અને જે લોટ વણાઈ જાય તેની ઉપર ૩-૪ ટે.સ્પૂન બટેટાનું પૂરણ મૂકી અને તેને પૂરા લોટ ઉપર આછું એકસરખું પાથરી દેવું.

એક સરખું પથરાઈ જાઈ ત્યાર બાદ,  તરફની કિનારીથી ઉપાડીને તેને ગોળ રોલ  વિંટવો. અને છેલ્લે એક તરફની કીનાર ને હાથની મદદ વડે દબાવીને ચિપકાવી દેવી.  (મેંદાની લઇ બનવી ને ટે લગાડી અને પણ ચિપકાવી શકાય).

રોલ બની ગયા બાદ, તેને ૧/૨ ઈંચ કે પોણા ઈંચ ની લંબાઈ મા કાપવા, આમ બધા જ લોટના ટૂકડા કપાઈ ગયા બાદ, તેની કિનારી ચેક કરી લેવી અને ખુલી જાય તેમ લાગે તો મેંદાની મદદથી પહેલા ચિપકાવી જેથી તેલમાં તળતી સમયે તેમાંથી છૂટીને માવો તેલમાં અલગ ના થઇ જાય.

બસ, આજ રીતે બધી જ ભાખરવડી તૈયાર કરી લેવી. ભાખરવડી તળવા માટે તૈયાર છે.

ભાખરવડી ને તળવા માટે એક કડાઈમાં તેલ લેવું અને ગરમ કરવાં મૂકવું. તેલ ગરમ થાય એટલે આચા, મધ્યમ ધીમા તાપથી તેને તેલમાં તળવા નાંખવી, કડાઈની સાઈઝ પ્રમાણે ૮-૧૦ નંગ એક સાથે નાંખી શકાય.  ખાસ ધ્યાન  રહે કે તેને ચારે બાજુ થી આછી બ્રાઉન તળવા ની છે. બ્રાઉન ચારે બાજુથી તળાઈ ગયા બાદ, ભાર કાઢી એક  પ્લેટમાં પેપર નેપકીન  રાખી અને તેની ઉપર રાખવી. ધીરે ધીરે આમ બધી જ ભાખરવડી તળી લેવી.

સ્વાદિષ્ટ અને કૂરકૂરા સ્વાદમાં ભાખરવડી તૈયારે છે. ભાખરવડી ને લીલી કોથમીર મરચાની ચટણી, મીઠી ચટણી, ટામેટા કેચપ સાથે ગરમા –ગરમ પીરસવી અને ખાવી.

બ્લોગ લીંક: http://das.desais.net

અમૃતસરી આલુ કુલચા …

અમૃતસરી આલુ કુલચા …

અમૃતસરી કૂલચાને,  સ્ટફ્ડ  કુલચા પણ આપણે કહી શકીએ, હા, પરંતુ આ સ્ટફ્ડ પરોઠા ના કહી શકાય. અમૃતસરી આલુ કુલચા, બટેટા નો માવો/પૂરણ બનાવી અને તેનો ઉપયોગ સ્ટફ્ડ તરીકે કરવામાં આવે છે. અમૃતસરી કુલચા બનાવવા માટે સામન્ય કુલચા બનાવવા માટે જે લોટનો ઉપયોગ કરીએ છીએ તે જ કરવાનો છે અને બનાવવાના છે.  સ્ટફ્ડ આલુ કુલચા બનાવવા માટે સૌપ્રથમ આપણે  તેનો લોટ તૈયાર કરીએ.

સામગ્રી :

૪૦૦ ગ્રામ મેંદો (૩-કપ)

૩ ટે. સ્પૂન દહીં

૧/૩ નાની ચમચી બેકિંગ પાઉડર

૧ નાની ચમચી ખાંડ

૩/૪ ચમચી મીઠું, સ્વાદાનુસાર

૧ નાની ચમચી જીરૂ અથવા અજમા

સ્ટફ્ડ કરવા માટે બટેટાનું મિશ્રણ તૈયાર કરવા માટે …

સામગ્રી :

૩૦૦ ગ્રામ બટેટા (બાફેલા -૪-નંગ)

૧/૨ નાની ચમચી મીઠું સ્વાદ અનુસાર

૧-૨ નંગ લીલા મરચા

૧ નાનો ટુકડો આદુ (૧-ઈંચ નો)

૧/૨ નાની ચમચી આમચૂર પાઉડર

૧/૨  નાની ચમચી લાલ મરચા નો પાઉડર (તિખાસ પસંદ હોય તેમ વધ ઘટ કરી શકાય)

૧ નાની ચમચી ધાણાનો પાઉડર

૧/૪ નાની ચમચી ગરમ મસાલો (જો પસંદ હોય તો જ )

૧ ટે. સ્પૂન લીલી કોથમીર (બારીક સમારેલી)

રીત:

મેંદા ના લોટ ને એક વાસણમાં ચારણીથી ચાળી અને તૈયાર અલગ કરવો. ત્યારબાદ, લોટમાં વચ્ચે જગ્યા હાથની આંગળીઓ દ્વારા કરવી અને તેમાં દહીં, બેકિંગ સોડા અથવા પાઉડર, મીઠું ખાંડ અને ય્ટેલ નાખવું અને બધીજ વસ્તુને સારી રીતે મિક્સ કરવી. અને નવસેકા (આછા ગરમ) પાણીની મદદ દ્વારા નરમ રોટલી ની જેમ લોટ થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને લોટને બાંધવો/ગૂંથવો. લોટને નરમ રાખવાનો છે.

ત્યારબાદ, લોટને વારંવાર હાથમાં લઈને ને નીચે પટકાવી અને મસળવો. આમ પાંચ મિનિટ સુધી કરવું. લોટને એકદમ મુલાય બાંધવો/ગૂંથવો. અને ત્યારબાદ, લોટને ચારે તરફ ટેક આછું લગાડે અને એક ઊંડા વાસણમાં કોરા નેપકીન કે કપડામાં રાખી અને ઢાંકી દેવો અને ટે વાસના ને ગરમ જગ્યામાં કે તડકામાં ૩-૪ કલાક માટે રાખવું. ૪ કલાક બાદ લોટ ફૂલીને ડબલ થઇ જશે.

આ ફૂલી ગયેલ લોટ / કણક ને ફરીથી હાથેથી દબાવી ને ઉપર મૂઠી માટી સતત પલટાવતાં જવું અને એક સરખો ફરી મુલાયમ કરવો.

કૂલ્ચા બનાવા માટે લોટ તૈયાર થઇ જશે.

બટેટાનું પુરણ/મિશ્રણ સ્ટફ્ડ તૈયાર કરીએ…

બટેટાને બાફી અને છાલ ઉતારી લેવી, અને તેને મેશ કરવા બારીક છૂંદો કરવો. (મસળી લેવા) ત્યારબાદ,તેમાં મીઠું, લીલા મરચા, આદુ છીણેલું, ધાણા પાઉડર, આમચૂર પાઉડર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો અને લીલી બારીક સમારેલી કોથમીર, આ બધીજ વસ્તુઓ નાંખી અનેસરખી રીતે મસાલા મિક્સ કરવા. સ્ટફ્ડ માટેનું મિશ્રણ/ માવો તૈયાર છે.

કુલચા બનાવવા ….

કુલાચા માટે બાંધેલ કણક/ લોટના એક સરખા ૮-૧૦ (લોઆ પાડવા) ભાગ તૈયાર કરવા, આજ રીતે બટેટા ના મિશ્રણ ના પણ એટલાજ સરખા ભાગ તૈયાર કરવા.

લોટના પાડેલ ભાગમાંથી એક ભાગ હાથમાં લઇ અને તેને ગોળ કરી અને હાથેથી દબાવી અને કોરા/સૂકા મેંદાના લોટમાં તેને પલટાવી ને પાટલા પર વેલાનની મદદથી તેને વણવું, અને ૩ ઈંચના વ્યાસમાં ગોળ ત્યાર કરવું. ત્યારબાદ, બટેટા ના મિશ્રણ ઓ એક ભાગ તેમાં વચ્ચે મૂકી અને તેને ચારે તરફથી બંધ કરી અને ફરી મેંદાના લોટમાં પલટાવી અને હળવા હાથના વજન દ્વારા ૩-૪ ઈંચ વણવું અને ફરી તે કુલ્ચાને લોટમાં પલટાવી અને ૭-૮ ઈંચ હળવા હાથના વજન દ્વારા ગોળ વણવું. લોટ પૂરો વણી લીધા બાદ, તેની ઉપર ઠડું જીરૂ અથવા અજમો જે પસંદ હોય તે છાંટી અને હળવા હાથે ચિપકાવી દેવું. બસ કુલચા તૈયારે છે,

બટેટા ના સ્ટફ્ડ ફૂલચા ઓવન, તંદૂર અથવાતવા પર રાખી ગેસ પર ગરમ કરવા. તવામાં તેલ/ઘી લગાવી ને જીરૂ વાળો ભાગ પેહલાં ઉપર રાખવો અને શેકવો અને તે થોડો શેકાય જાય એટલે પલટાવી અને તે ભાગ નીચે કરી ફરી ઘી લગાડવું અને બ્રાઉન થાય ત્યાં સુધી બને બાજુએ શેકવા. અને બંને બાજુએ શેકાઈ જાય એટલે એક પ્લેટ પર કિચન નેપકીન પાથરી અને તેની પર મૂકી દેવા, બસ અમજ એક પછી એક બધાજ કુલચા બનાવી લેવા.

સ્ટફ્ડ આલુ કુલચા ગરમા ગરમ, દહીં, છોલે ચણા કે મટર-વટાણા છોલે, ચટણી અથવા અથાણાની સાથે પીરસવા અને ખાવા જોઈએ.

કુલ્ચાને ઓવનમાં બનાવવા માટે …

સૌ પ્રથમ તો ઉપર બતાવ્યા મુજબ કુલચા વણી અને તૈયાર કરી લેવા. ત્યારબાદ, ઓવનની ટ્રે/ ડીશ  ને ઘી/તેલ લગાડે અને ગ્રીશિંગ કરવું (ચીકણી) અને વણેલા કુલચા ને ટ્રેમાં ગોઠવવા, (જો ટ્રે લાંબી હોય તો એક સાથે બે ગોઠવી શકશો.)  જીરાની સપાટી વાળો ભાગ ઉપર રાખવો અને ટ્રેમાં ગોઠવવા. ઓવનને પ્રી હિટ કરી લેવું એટલે કે તેને ૩૦૦ સે.ગ્રે. પર અગાઉથી જ ગરમ કરી રાખવું. ત્યારબાદ કુલચાની ટ્રે  ઓવનમાં રાખવી. બે (૨) મિનિટમાં કુલચા ફૂલી જશે, ત્યારબાદ, કૂલચા ને પલટાવી બીજી તરફની સપાટી પણ બ્રાઉન થાય તેમ શેકવા.

શેકાઈ ગયેલા કુલચાને બહાર કઢી એક પ્લેટમાં પેપર નેપકીન પાથરી અને તેની ઉપર રાખવા. બસ બધાજ કુલચા આ રીતે શેકીને તૈયાર કરી પ્લેટમાં ગોઠવવા.

કુલચા શેકાઈ ગયા બાદ, ગરમા ગરમ, દહીં, છોલે ચણા કે મટર-વટાણા છોલે, ચટણી અથવા અથાણાની સાથે પીરસવા અને ખાવા જોઈએ.

સુજાવ:

૧)     સ્ટફ્ડ પરોઠા અને કુલચા વચ્ચે તફાવત એ છે કે સ્ટફ્ડ પરોઠા ઘઉંના બનાવવામાં આવે છે, અને લોટને સાદી જ રીતે જ તૈયાર કરી અને તેમાં બટેટા ના માવા નું પૂરણ ભરી શેકવામાં આવે છે.

જ્યારે કુલચા મેંદાના લોટના બને છે અને તેમાં બેકિંગ સોડા અથવા બેકિંગ પાઉડર નાખવામાં આવે છે.

૨)     કુલચાનો લોટ ગૂંથાઈ ગયા બાદ, સૂકા –કોરા નેપકીનથી ઢાંકી ગરમ  જગ્યામાં અથવા ધૂપમાં ૩-૪ કલાક માટે રાખવો જરૂરી છે.  અથવા માઈક્રોવેવમાં ૫૦ સે.ગ્રે. પર સેટ કરી અને ૩-૪ મિનિટ ગરમ કરવાથી લોટ ફૂલી જશે.

૩)     કૂલચા નું સ્ટફ્ડ બનાવવા માટે, બાફેલા બટેટા ને મેશ કરી અને ઉપર બતાવ્યા પ્રમાણે ના મસાલા નાંખી અને મિક્સ કરવા અને સ્ટફ્ડ ભરી શકાય છે. અથવા તમને પસંદ હોય તો બે (૨) ચમચી તેલ ગેસ પર ગરમ કરી અને તેને જીરૂ અથવા રાઈમા સાંતળીને પણ સ્ટફ્ડ / પૂરણ બનાવી શકાઈ અને ભરી શકાય.

બ્લોગ લીંક: http://das.desais.net

પાણી પુરી ( ગોલગપા ) …

પાણી પુરી ( ગોલ ગપા ) …

પાણી પુરીને તમે ગોલગપા કહો કે પૂચકા  (કલકત્તા), નામ સાંભળતા જ મોઢામાં પાણી છૂટે. ગોલગપા,પૂચકા જેવા નામથી પણ પાણી પુરીને ઓળખવામાં આવે છે.

હવે તો મોટા સ્ટોર કે મોલની બહાર કે અંદર તમોને પાણી પુરી ખાવા મળી જશે અને સાથે સાથે તે ખાતા બજારનો  નજારો જોતા પાણી પુરી ખાવાનો આનંદ પણ મેળવી શકો છો. પાણી પુરીની પુરી ઘઉંના લોટની અથવા રવો અને ઘઉંના લોટની (બંને સરખા હિસ્સે લેવો) અથવા ફક્ત રવાની પાણી પુરી બનાવી શકો છો.

આજે આપણે અહીં લોટ અને રવાની (સૂજીની) પાણી પુરી બનાવીશું.

હાલ તો રેડી ફૂડ પેકેટનો જમાનો આવી ગયો છે, એટલે આ બધી મેહનત ના કરવી હોય તો પુરી નું પેકેટ બજારમાંથી કે મોલમાંથી તૈયાર લઇ અને ઘેર, બાફેલા બટાકા ને સમારી, ચણા, મીઠી ચટણી તેમજ પાણી બનાવી ને પણ ખાઈ શકાય છે, અને તે પણ ના કરવું હોય તો પાણી, ચણા,પુરી ચટણી પણ તૈયાર મળે છે તે લઈને પણ ખાઈ શકાય છે.

પરંતુ જો તમે ઈચ્છો તો પુરી ઘરમાં બનાવી અને તાજે તાજી પુરી પણ ખાઈ શકો છો. તો ચાલો આજે આપણે ઘરમાં પાણી પુરી બનાવીશું.

પુરી બનાવવા માટેની સામગ્રી :

૧ – કપ ઘઉંનો લોટ અથવા મેંદા નો લોટ (૧-કપ =૨૦૦ ગ્રામ)

૧ કપ રવો (સૂજી)

૧ ટે.સ્પૂન તેલ

૧/૪ નાની ચમચી બેકિંગ પાઉડર

તળવા માટે જરૂરી તેલ

રીત:

લોટ, રવો અને બેકિંગ પાઉડર તેમજ તેલને સરખી રીતે મિક્સ એક વાસણમાં કરી દેવા. પાણીની મદદથી ( સોડા ના પાણીથી પણ બાંધી શકાય છે) ખૂબજ મસળી અને થોડો પુરીના લોટ કરતાં સખત / કકઠણ લોટ બાંધી દેવો/ગૂંથવો. અને લોટને એક કપડું ધનાકી અને ૨૦ મિનિટ સુધી સેટ કરવા અલગ રાખી દેવો.

પાણી પુરી ની પુરી બે રીતે બનાવી શકાય છે.

પહેલી રીત …

ગુંથેલા લોટમાંથી નાના નાના લોઆ/ગોયણા કરી દેવા, અને ત્યારબાદ તણે કપડાથી ધનાકી દેવા (લોટ સૂકાઈ ના જાય તે માટે). ત્યારબાદ, એક  લોઆને લઇ અને તેની પુરી ૨” ઈંચ ના વ્યાસમાં વણવી (ગોળાઈમાં). અને એક પ્લેટમાં રાખી અને કપડાથી ઢાંકી દેવી, આમ બધીજ પુરી વણી લેવી. અને ઢાંકી દેવી.

બીજી રીત …

ગુંથેલા લોટના મોટા લોઆ પાડી લેવા અને તણે કપડાથી ઢાંકી દેવા. ત્યારબાદ એક લોઆ ને લઇ અને તેની ૧૦” થી ૧૨” ના વ્યાસમાં ગોળ વણવું અને ત્યાર બાદ પુરીના માપની એક વાટકી લઇ અને તેમાં ધીરે ધીરે કાપા પાડી દેવા અને કાપા પડી ગયા બાદ, તે પુરી ને કાઢી લેવી અને કપડાથી ઢાંકી દેવી અને વધારાના લોટે લઇ અને બાકી લોટ સાથે ભેળવી/ મિક્સ કરી દેવો. અને ધીરે ધીરે બધી જ પુરી બનાવી લેવી. અને ઢાંકી દેવી.

બસ પુરી તૈયાર થઇ જાય એટલે હવે તળી લઈએ.

૧]  પાણી પૂરીનો લોટ જ ત્યારે ઝારાની મદદથી રા સખત /કઠણ સામન્ય ઓઉરીના લોટ કરતાં બાંધવો.

૨]  જ્યારે તળો ત્યારે ઝારાની મદદથી થોડી દબાવવાથી તે ફૂલશે.

૩]  પુરી તેલમાં નાખ્યા બાદ, ઝારાની મદદથી ગરમ તેલ કડાઈમાંથી પુરી ઉપર રેડવાથી તે બન્ને બાજુ જલ્દી તળાઈ જશે અને ફૂલશે. બ્રાઉન થાય ત્યાં સુધી તળવી.

૪]  પુરી જેવી ફૂલે કે તાપ મધ્યમ થી ધીરો કરવો.

બહુ તેજ તાપથી પુરી તળવાથી પણ પુરી નરમ થઇ જશે. અને ગરમ પુરીને પણ ઢાંકવાથી પણ તે નરમ થઇ જાય છે તેથી તેં ખુલ્લી જ રાખવી.

૫]  રવાની પુરી બનાવવી હોય તો તેમાં થોડું તેલ ઉમેરી લોટ બાંધવો અને ૧ કલાક ઢાંકી ને રાખી દેવો.

એક કડાઈમાં તેલ લઈને ગરમ કરવું, ત્યાર બાદ, ૪ થી ૫ પુરી કડાઈમાં નાંખી ઝારાની મદદથી તોધિ દબાવી અને તેલમાં ડૂબાડવી અને ઝારાની મદદથી ગરમ તેલ પુરી પર રેડતા જવું. જેથી પુરી ફૂલી તરત જશે અને જેવી ફૂલે કે ગેસ નો તાપ ધીમો કરી દેવો અને પુરીને પલટાવવી અને બને સાઈડ બ્રાઉન થઇ જાય એટલે કાઢી લેવી. ત્યારબાદ બીજી પુરી તળવી અને આમ બધીજ પુરી તળી લેવી.

બસ, પાણી પુરી ની તમારી પુરી તૈયાર છે.

હવે પાણી પુરી ખાવા માટે પાણી પણ જોઈએ ને.

પાણી પુરીનું પાણી બનાવવાનો સૌથી સરળ ઉપાય જોઈએ તો જલજીરાનો મસાલો લઇ તેણે પાણીમાં મિક્સ કરવો. અને સારો સ્વાદ બનાવવા લીંબુનો રસ અને મીઠું મિક્સ કરવું. પાણી પુરી ખાવાનું પાણી તૈયાર છે.

બાફેલા બટેટા ની છાલ ઉતારી, તેણે સમરી કે મેસ કરી શેકેલું જીરું અને મીઠું મિક્સ કરી દેવું, અથવા લાલ મરચાનો પાઉડર પસંદ હોય તો પણ મિક્સ કરી શકાય છે.

મીઠી ચટણી બનાવી લેવી, ( અહીં બોલ્ગ પર ચટણી ની કેટેગરીમાં દરેક ચટણીની રેસિપી જાણી શકશો.) અને ખાઈ ને સ્વાદ માણવો કે પાણી પુરી કેવી બની છે.

પરંતુ જો તમે પાણી ઘરમાંજ બનાવા ઈચ્છાતા હો તો તેના માટેની સામગ્રી :

પાણી બનાવવા માટેની …

સામગ્રી :

૧૦૦ ગ્રામ લીલે કોથમીર

૧૦૦ ગ્રામ ફૂદીનો

૪ નાની ચમચી આમલી કે આમ્ચૂરનો પાઉડર અથવા લીંબુનો રસ)

૩-૪ નંગ લીલા મરચા

૧ નંગ આદુ નો  કટકો (૧ ઈંચ નો ટુકડો)

૨ નાની ચમચી લાલ મરચાનો પાઉડર (જો તમને તીખાશ પસંદ હોય તો)

મીઠું સ્વાદઅનુસાર

રીત :

કોથમીર અને ફૂદીના ના પાન ને ચૂંટી અને પાણીમાં ધોઈ ને સાફ કરી લેવા. બધાજ મસાલા અને ફૂદીના અને કોથમીર ને મિક્સ કરી મિક્સીમાં બારીક પીસી લેવા. પીસી લીધેલા મસાલામાં  ૨ લીટર પાણીમાં મિક્સ કરી દેવું. બસ, તમારી જાતે બનાવેલ પાણી તૈયાર છે.

બસ હવે પાણી પુરી ખાઓ અને ખવડાવો.

બ્લોગ લીંક: http://das.desais.net

રસમલાઈ …(બંગાળી મીઠાઈ)

રસમલાઈ …(બંગાળી મીઠાઈ) …

બંગાળી મીઠાઈમાં રસગુલ્લા તો મોટેભાગે સૌને પસંદ પડે તેવી મીઠાઈ છે. અને આપણે  અગાઉ આ મીઠાઈ અહીં માણી. રામનવમી બે દિવસમાં જ  હોય અને આ પૂરો માસ તહેવારોનો હોય, તેહવારમાં અને ખાસ ઉપવાસમાં કામ આવે તેવી  મીઠાઈ, રસમલાઈ બનાવીશું જે રસગુલ્લા કરતાં  પણ  બધા વધુ પસંદ કરશે. કદાચ તમોને તે બનાવવા માટે દેખાવમાં જેટલી કઠીન / અઘરી લાગે છે તેમ નથી. બનાવવાનું ચાલુ કરશો તો ખૂબજ આસાન લાગશે.

કેવી રીતે બનાવશો ?

રસમલાઈ માટે બજારમાં મળતું પનીરનો ઉપયોગ ન કરવો. પરંતુ પનીર ઘરમાં બનાવવાનું પસંદ કરવું. ગાયના દૂધમાંથી પનીર બનાવવું. પનીર ઘરમાં બનાવવું ઘણું સરળ છે. આ અગાઉ પનીરની રેસિપી અલગથી આપેલ છે તેમજ રસગુલ્લામાં પણ તે દર્શાવેલ છે.

રસમલાઈ માટેની સામગ્રી :

૨૫૦ ગ્રામ પનીર

૨૦૦ ગ્રામ ખાંડ (૧ કપ)

૧ લીટર દૂધ

૧૫-૨૦ પાંખડી કેશર (જો તમને પસંદ હોય તો)

૧૫-૧૬ નંગ કાજુ (નાના ટુકડામાં સમારવા)

૧ ટે.સ્પૂન ચારોળી (સાફ કરી લેવી)

૩-૪ નંગ નાની એલચી (ફોલીને દાણાનો ભૂકો કરી લેવો)

રીત:

પનીરને એક થાળી –વાસણમાં લઇ અને મસળી –મસળીને નરમ કરવું. આમ પનીર લોટ બાંધીએ તેવું નરમ થઇ જશે. આ પનીર રસ મલાઈ બનાવવા માટે તૈયાર છે.

આ પનીરમાંથી થોડું થોડું પનીર હાથમાં લઇ તેના ગોળા બનાવી અને  હાથ વડે દબાવી તેને  થેપલી આકાર (ચાપટો આકાર ) આપવો અને થાળીમા અલગથી રાખી દેવા. ૨૫૦ ગ્રામ પનીરમાંથી ૧૨-૧૪ ગોળા બની શકશે.

એક વાસણમાં ૧૦૦ ગ્રામ ખાંડ અડધો (૧/૨ લીટર) લીટર પાણીમાં લઇ અને તેને હલાવવી અને ગેસ પર તેજ આગમાં ગરમ કરવા મૂકવી. જેથી જલ્દી ઉફાળો આવે. જ્યારે પાણી ગરમ થઇ ઉફાળો આવે કે તૂરત રસમલાઈ માટે બનાવેલ ગોળા તેમાં નાંખી ૧૮-૨૦ મિનિટ સુધી પકવવા દેવા. રસ મલાઇના ગોળા પાકવા માટે ગેસની આગ તેજ રાખી પકવવા દેવા.

આ ગોળા પાકીને લગભગ તે ફૂલીને તેનો આકાર ડબલ જેવો થઇ જશે. બસ ગેસ બંધ કરી દેવો. રસ મલાઈ માટેના ગોળા પાકીને તૈયાર થઇ ગયા છે. હવે તેને ઠંડા પાડવા દેવા.

હવે આ રસમલાઈ માટે આપણે દૂધ તૈયાર કરીશું.

દૂધને ઘટ કરવા માટે ગેસ પર ગરમ કરવા રાખી દેવું. ઉફાળો આવે એટલે થોડી થોડી વારે ચમચાની મદદથી દૂધ હલાવતાં રહેવું જેથી નીચે બેસીને ચોંટી ન જાય / દાજ ન બેસે. દૂધમાં કેશર અને કાજૂ, ચારોળી નાંખવા. જ્યારે દૂધની માત્રા ૫૦ – ૬૦ % જેવી થઇ જાય એટલે ગેસ બંધ કરી દેવો. ત્યારબાદ, દૂધમાં ખાંડ અને એલચીનો ભૂકો નાંખી અને હલાવી મિક્સ કરવા. બસ, રસ મલાઈ માટેનું દૂધ તૈયાર છે.

રસ મલાઇના ગોળા ખાંડના (સીરપ) પાણીમાંથી કાઢી બીજા હાથની મદદથી દબાવવા અને વધારાનું પાણી તેમાંથી કાઢી લેવું. આમ, બધા જ ગોળા ખાંડના પાણીમાંથી કાઢી તેને હાથ વડે દબાવી વધારાનું પાણી કાઢી અને પ્લેટમાં રાખી દેવા. બસ હવે આ પનીરના પાકેલા ગોળા ઉપર દૂધ રેડો /નાંખો.

રસ મલાઈ તૈયાર છે, રસ મલાઈને પીરસવા એક કાચની વાટકીમાં કાઢી તેની ઉપર કાજૂ અને પિસ્તાને (કાતરેલા) છાંટી ને શણગારી અને ફ્રીઝમાં રાખવી.

ઠંડી રસ મલાઈ ખાવાના ઉપયોગમાં લેવી. જે ખૂબજ સ્વાદિષ્ટ લાગશે.

બ્લોગ લીંક: http://das.desais.net

રસગુલ્લા …(બંગાળી મીઠાઈ)

રસગુલ્લા …(બંગાળી મીઠાઈ)

 

રસગુલ્લાનું નામ પડતાં કોના મોહમાં પાણી ન છૂટે ? મોટાભાગના લોકો રસગુલ્લા પસંદ કરતા હોય છે.  જે બનાવવા કઠિન લાગે છે, પરંતુ હકીકત તેમ નથી. રસગુલ્લા બનાવવા ઘણા સરળ છે. તો આજે આપણે રસગુલ્લા બનાવીશું.

રસગુલ્લા માટે જે પનીર જોઈએ તે બહાર ડેરીમાંથી શક્ય હોય ત્યાં સુધી ન લેતાં, પનીર ઘરમાં બનાવવું જોઈએ. બહારનું પનીર કઠણ હોય છે, આ ઉપરાંત તે વધુ સમય સુધી ઉપયોગમાં લઇ શકાય તે માટે તેમાં પ્રિઝર્વેટિવ / આરાલોટ ઉમેરવામાં આવતો હોય છે. જ્યારે રસગુલ્લા બનાવવા માટે ફૂલ મલાઈ યુક્ત દૂધનું પનીર હોવું જરૂરી છે. કારણ તે નરમ/મુલાયમ હોય છે. અને ઘરમાં બનાવેલ પનીર બજારમાંથી ખરીદેલ પનીર કરતાં વધુ સ્વાદિષ્ટ હોય છે.

(નોંધ: આ અગાઉ ઘરે પનીર કેમ બનાવવું ?તે દર્શાવતી પોસ્ટ બ્લોગ પર મૂકેલ હોવા છતાં, આપ સર્વેની જાણકારી અને અનુકુળતા માટે પનીર બનાવવાની રીત ફરી અત્રે  દર્શાવેલ છે.)

સામગ્રી :

૧ લીટર દૂધ ક્રીમવાળું

૨ ટે.સ્પૂન લીંબુનો રસ/સિરકો

૧ ટે.સ્પૂન આરાલોટ

૩૦૦ ગ્રામ ખાંડ (૧-૧/૨ કપ)

 

રસગુલ્લા બનવવા માટે મૂખ્ય સામગ્રી પનીર છે, જે ડેરીમાંથી તાજુ પનીર લઇ શકીએ અથવા ઘરમાં પણ બનાવી શકાય.તો આપણે ઘરમાં પનીર બનાવીએ.

 

રીત :

પનીર બનાવવા માટે હંમેશાં ફૂલ ક્રીમ દૂધનો ઉપયોગ કરવો. ભારે તળિયાવાળા વાસણમાં દૂધ ગરમ કરવા મૂકવું. દૂધને સતત હલાવતાં રહેવું જેથી નીચે બેસી ન જાય. જ્યારે દૂધમાં ઉફાળો આવે કે તૂરત લીંબુનો રસ /સિરકો અંદર નાંખી અને દૂધ હલાવતા રહેવુ. દૂધમાં પાણી અને પનીર અલગથી દેખાવા લાગશે. પાણીમાં   પનીર અલગ દેખાવા લાગે કે તૂરત ગેસ બંધ કરી દેવો. અને તે વાસણમા થોડું ઠંડુ પાણી અથવા બરફનો ટૂકડો નાંખી દેવો, જેથી પનીર પાણીથી તૂરત અલગ થઇ જશે.

હવે તે પનીરને એક સાફ/ચોખ્ખા સફેદ કોટનના કપડાનાં ગરણામાં લઇ અને થોડુ ઠંડુ પાણી નાખવું. જેથી લીંબુ નાં રસ/સિરકા ની ખટાશ પનીરમાંથી જે કાંઈ હશે તે નીકળી જશે. અને ત્યારબાદ તેની પોટલી વાળી અને બીજા હાથની મદદથી પોટલીને દબાવવી. જેથી વધારાનું પાણી જો તેમાં રહી ગયું  હશે તો તે નીકળી જશે. બસ રસગુલ્લા કે બંગાળી અન્ય મીઠાઈ બનાવવા માટે પનીર તૈયાર છે.

જો આ પનીરનો ઉપયોગ મીઠાઈને બદલે શાક બનાવવામાં કરવો હોય તો પનીરને કપડામાંથી બહાર ન કાઢતા કપડા સહિત તેની ઉપર કોઈ વજનદાર વસ્તુ મૂકી અને અડધા કલાક સુધી તે વજન તેના પર રાખવું. પનીર અંદર સખત થઇ જશે.

બસ ત્યારબાદ, પનીર કપડામાંથી બહાર કાઢી લેવું.  શાક બનાવવા માટેનું પનીર તૈયાર છે.

ઘરમાં બનાવેલું પનીર બજારમાં મળતા પનીર કરતાં વધુ નરમ/મુલાયમ  અને સ્વાદિષ્ઠ હોય છે.

 

રસગુલ્લા બનાવવાની રીત ..

 

પનીરને એક વાસણમાં કાઢી  લેવું.  આરાલોટ નાંખી અને પનીરને સારી રીતે મસળવું. અને પનીર મસળીને રોટલીનો લોટ બાંધીએ તેમ, નરમ અને સુંવાળુ થઇ જાય ત્યાં સુધી મસળવું .. અને કણક તૈયાર કરવું. જ્યારે તેમ થઇ ગયુ છે તેમ લાગે ત્યારે સમજવું કે પનીર રસગુલ્લા માટે તૈયાર છે.

આ પનીરમાંથી થોડું પનીર હાથમાં લઇ અને તેના ૩/૪ ઈંચ ની જાડાઈમાં (અંદાજે) ગોળા બનાવવા.  અને તેની એક પ્લેટમાં અલગથી રાખવા. આમ બધાજ પનીરના ગોળા બનાવી લેવા. અને ગોળા બની ગયા બાદ તેની ઉપર એક ભીનું કપડું ૧/૨ કલાક માટે ઢાંકી દેવું.

૩૦૦ ગ્રામ ખાંડ, ૧ લીટર પાણીમાં એક વાસણમાં કાઢી અને ગરમ કરવા મૂકવી. જ્યારે પાણી ગરમ થવા લાગે ત્યારે તેમાં પનીરના બનાવેલ ગોળા નાખવા.

ત્યારબાદ, વાસણને ઢાંકી દેવુ. આ પનીરના ગોળા સાથેનુ સીરપ મધ્યમ તાપથી ૨૦ મિનિટ સુધી ગરમ થવા દેવુ. રસગુલ્લા પાકીને ફૂલી જશે. ગેસ બંધ કરી દેવો. અને તેને આ ખાંડના સિરપમા જ ઠંડા થવા દેવા.

 

બસ, રસગુલ્લા તૈયાર છે. ઠંડા થઇ ગયાબાદ, ફ્રીઝમાં રાખી દેવા. અને ઠંડા ઠંડા રસગુલ્લા ખાઓ અને ખવરાવો.

 

નોંધ:

(૧) પનીર હંમેશા તાજા અને ક્રીમવાળા દૂધનું જ ઉપયોગમાં લેવું.

(૨) પનીરમાં પાણી ના રહે તે જોવું. તેને બરોબર નીચવી લેવું.

(૩) પનીરમાં આરાલોટ ને મિક્સ કર્યાં બાદ એ રીતે પનીરને મસળવું / રોટલીના લોટની જેમ ગુથવું જેથી  મુલાયમ થઇ જાય.

 

 

બ્લોગ લીંક: http://das.desais.net

રાજ કચોરી ….(રાજસ્થાની) …

રાજ કચોરી ….  (રાજસ્થાની) …

 

રાજ કચોરીમાં ભરવાનો માવો અનેક સ્વાદોથી ભરેલો હોય છે. જે બનાવવામાં ખૂબજ સરળ અને એક નવું જ સ્વાદિષ્ટ વ્યંજન છે.

કચોરી નું પળ બનાવવા માટે :

 

સામગ્રી:

 

૨૦૦ ગ્રામ રવો (૧-કપ)

૨ ટે. સ્પૂન મેંદો

૧/૨ -નાની ચમચી મીઠું (સ્વાદાનુસાર)

તેલ તળવા માટે જરૂરી…

 

 

કચોરીમાં સ્ટફિંગ ભરવાં માટેનો માવો (પુરણ)

 

સામગ્રી:

 

૨-૩ નંગ બટેટા (બાફેલા) (તેને નાના કટકા મા સમારવા)

૧/૨ -કપ મગ – ચણા (બાફેલા)

૨૦ નંગ મેંદાની નાની પુરી

૧૦ નંગ પાણીપુરી ની પાપડી

૪૦૦ ગ્રામ દહીં (૨-કપ) ફેંટી લેવું

૨ નાની ચમચી શેકેલું જીરું

૧ નાની ચામચી કાળા મરી નો ભૂકો

૧ નાની ચામચી લાલ મરચાનો પાઉડર

૧/૨ – કપ મીઠી ચટણી

૧/૨ – કપ લીલી ચટણી

૧/૨ – કપ મિક્સ ફરસાણ (ચેવડો-સેવ-ગાંઠીયા-બુંદી..વગેરે)

૧/૨ -કપ દાડમના દાણા

૧/૨ -કપ લીલી કોથમીર (બારીક સમારેલી)

 

રીત :

રવો અને મેંદાને એક વાસણમાં કાઢવા અને તેમાં મીઠું અને એક ટે.સ્પૂન તેલ નાંખી અને સારી રીતે મિક્સ કરવું. ત્યારબાદ, જરૂરી પાણી નાંખી અને કઠણ લોટ બાંધવો.

લોટને ૧/૨ કલાક માટે ઢાંકીને અલગથી રાખી દેવો. ત્યારબાદ, તેણે એકદમ મસળીને નરમ બનાવવો. જે કચોરી બનાવવા માટે તૈયાર થઇ જશે.

ભારે તળિયાવાળી એક કડાઈમાં તેલ લઇ અને તેને ગરમ કરવા મૂકવું.

કચોરી માટે લોટ તૈયાર રાખેલ, તેના નાના – નાના ગોળા એકસરખા બનાવવા. એક ગોળાને લઇ અને તેની લગભગ ૩ ઈંચ ની પૂરી વણવી અને તેલમાં તળવી. પૂરીને તેલમાં નાખ્યા બાદ, ઝારાથી થોડી દબાવતાં રેહવું જેથી તે ફૂલીને દડો થશે. પૂરી ફૂલે કે તૂરત તાપ ધીમો કરી દેવો. અને ઓછા તાપે પૂરીને બ્રાઉન કલરની બંને બાજુ થાય તેમ તળવી. તળેલી પૂરીને એક પ્લેટમાં પેપર નેપકીન પાથરી અલગથી ઠંડી કરવા રાખી દેવી.


ધીરે-ધીરે બધીજ પૂરી તળી લેવી. કચોરીની પૂરી તૈયાર છે.,

 

હવે તેમાં ભરવાં માટેની સામગ્રી કે જે આપણી પાસે તૈયાર છે, જે જ્યારે આપણે ખાવા બેસીએ ત્યારે સૌ પ્રથમ પૂરીના પાતળા પળમાં વચ્ચેથી ખાડો કરવો અને તેમાં સૌ પ્રથમ, ૩-૪ નાના પીસ બટેટાના નાખવા, પછી, મગ, અથવા ચણા (જે કઠોળ બનાવેલ હોય તે) , ફરસાણ , ફરસી પૂરીના કટકા, પાણીપુરીની પાપડી પૂરી ને દહીંમા બોળીને નાંખવી. તેની ઉપર શેકેલું જીરું છાંટવું, ત્યારબાદ, મરીનો ભૂકો, લાલ મરચાનો ભૂકો, મીઠી ચટણી, દહીં, લીલી ચટણી, જીણી સેવ, અને સૌથી ઉપર દાડમના દાણા છાંટવા. ત્યારબાદ, ફરી શેકેલું જીરું, દહીં, ચટણી અને લીલી કોથમીર છાંટી અને પીરસવી.


બસ, સ્વાદિષ્ટ રાજ કચોરી તૈયાર થઇ ગઈ, ખાવ અને મઝા કરો.

કચોરીમાં ભરવાની સામગ્રીમાં તમે તમારી રીતે ફેરફાર કરી શકો છો. કોઈપણ સામગ્રી વધુ-ઓછી કરી શકો છો, ધારો કે તમારી પાસે પાપડી નથી તો કચોરીની પૂરી ભાંગી શકાય, કોઈપણ કઠોળ લઇ શકો છો. મગ,મઠ, લીલાં વટાણા, ચણા, સફેદ અથવા કાળા.

પૂરી બનાવવાની ઝંઝટમાં પડવું ના હોય તો તમે પાણીપૂરીની પૂરીનો પણ ઉપયોગ કરે શકો છો. જે પૂરીમાં માવો/ પૂરણ બહુજ ઓછું ભરી શકાશે.

નોંધ: કાંદા અને લસણ પસંદ હોય તો કાંદા જીણા સમારી લેવા અને લસણ ની ચટણી બનાવી ઉપયોગમાં લઇ શકાય છે.

બ્લોગ લીંક: htpp://das.desais.net

મગની દાળ ની કઢી …(ગુજરાતી)

મગની દાળ ની કઢી …(ગુજરાતી) …

 

ચણાના લોટની કઢી આપણે સૌ બનાવતા હોય છે અને જે આપણે દરેક પસંદ કરતા હોય છે. મગની દાળની કે ચણાની દાળની બનાવેલી કઢી, ચણાના લોટની બનાવેલી કઢી કરતાં એકદમ અલગ જ પ્રકારની સ્વાદિષ્ટ બને છે.

 

સામગ્રી:

 

૩૦૦ ગ્રામ મગની દાળ (પાલીસવાળી) (૧-૧/૨ -કપ)

૪૦૦ ગ્રામ દહીં (૨-કપ)

૧-૨ (Pinch) ચપટીક હિંગ

૧/૨ નાની ચમચી જીરું

૧/૨ નાની ચમચી મેથી

૧/૨ નાની ચમચી હળદર (પાઉડર)

૨-૩ નંગ લીલાં મરચાં

૧/૪ નાની ચમચી લાલ મરચાનો પાઉડર (જો તમે પસંદ કરતાં હોય તો)

૧- ટે.સ્પૂન લીલી કોથમીર (ઝીણી સમારેલી)

તેલ (કઢી તેમજ તેમાં મૂકવા માટેના ભજીયા (મૂઠિયા) તળવા માટે)

 

રીત:

 

મગની દાળ સાફ કરી, ધોઈ અને ૨ થી ૩ કલાક માટે પલાળવી.

પલાળેલી દાળ ત્યારબાદ, પાણીમાંથી બહાર કાઢી અને મિક્સીમાં અથવા કૂંડી -ધોકાથી ઝીણી પીસવી. પીસાયેલી દાળ ને બે ભાગમાં વેહેંચવી.

દાળના એક ભાગમાં દહીં ફેંટીને નાંખવું અને તેને મિક્સ કરવું. સાથે સાથે ૨ (બે) લીટર પાણી નાંખી અને કઢી માટે તૈયાર કરવું.

બીજા ભાગને એક વાસણમાં રાખી તેમાં થોડી લીલી કોથમીર (સમારેલી) નાંખી અને સ્વાદાનુસાર મીઠું, હળદર અને હિંગ (પસંદ હોય તો) નાંખી અને મિક્સ કરવું. જે કઢીમાં નાંખવા માટે ના ભજીયા (મૂઠિયા) નો માવો તૈયાર થશે.


એક કડાઈમાં તેલ લેવું, અને કડાઈ ગેસ પર ગરમ કરવા મૂકવી. ત્યારબાદ, ગરમ તેલમાં દાળના ભજીયા (મૂઠીયા) મૂકવા અને તળવા. કડાઈમાં એક સાથે જેટલા ભજીયા મૂકી શકાય તેટલાં મૂકી અને બ્રાઉન કલર આવે ત્યાં સુધી પલટાવતાં રેહવું અને તળવા. અને તળેલા ભજીયા / (મૂઠીયા) એક પ્લેટમાં અલગથી મૂકવા. આમ બધાજ ભજીયા તળી લેવા.


(ભજીયા સિવાય અન્ય રીતે પણ મૂઠીયા મૂકી શકાય છે.)


અન્ય રીત:

 

સૌ પ્રથમ પલાળેલી દાળને કૂંડી – ધોકાથી ઝીણી/બારીક પીસવી. ત્યારબાદ, જરૂરી મીઠું,હળદર અને હિંગ (જો તમને પસંદ હોય તો) નાખવી, તેમજ તમને પસંદ હોઈ તો તેમાં ઝીણા સમારેલ લીલાં મરચાં અથવા આદુ મરચાની પેસ્ટ પણ સ્વાદાનુસાર નાંખી અને મિક્સ કરી શકાય. પૂરણમાં બરોબર મિક્સ કરી અને તૈયાર કરવું. (ખાસ ધ્યાન રહે કે દાળ પીસતી સમયે દાળમાં પાણી રેહવું ના જોઈએ.)

ત્યારબાદ, કઢી બનાવવા માટે એક કડાઈમાં /વાસણમાં ૨ ચમચા તેલ મૂકવું અને ગેસ પર કડાઈ ધીમા તાપે ગરમ કરવા મૂકવી. તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ, જીરું /(રાય), અને મેથી નાંખી અને સાંતળવી. ત્યારબાદ, તૂરત જ હળદર પાઉડર, લીલાં સમારેલા મરચાં તેમજ લાલ મરચાં નો પાઉડર નાંખવો. આ મસાલામાં આગળ કઢી માટે તૈયાર કરેલ દહીનું (ઘોરવું) મિશ્રણ નાખવું. કઢીના પાણીને સતત ચમચાથી હલાવતાં રેહવું. આમ, તેજ આગમાં (ગેસ) રાખી અને ઉફાળો આવે ત્યાં સુધી પાકવા દેવી.

ઉફાળો આવ્યા બાદ, તેમાં અગાઉ તળેલા મૂઠીયા /ભજીયા નાખવા અને અને સ્વાદાનુસાર મીઠું નાખવું અને ફરી એક ઉફાળો આવવા દેવો અને ત્યાં સુધી પાકવા દેવી. ફરી ઉફાળો આવે ત્યારબાદ, ગેસ ના તાપ ને ધીમો કરી અને ૨૦ મિનિટ સુધી તેને પાકવા દેવી. વચ્ચે વચ્ચે ૨-૩ મિનિટે તેમાં ચમચાથી હલાવતાં રેહવી. પાકી જશે એટલે વાસણના કિનારે મલાઈ ની જેમ ચીપકેલી લાગશે. બસ, ત્યાર બાદ ગેસ બંધ કરી દેવો. મગની દાળની કઢી તૈયાર છે.

અન્ય રીત:

 

અગાઉ જણાવ્યા મુજબ દાળને કૂંડી-ધોકાથી વાટી અને તેમાં સ્વાદ અનુસાર મીઠું, આદુ-મરચાની પેસ્ટ વગેરે નાંખી અને જે પૂરણ તૈયાર કરેલ છે, તેને લઇ અને કઢીનો જ્યારે પેહલો ઉફાળો આવે કે તૂરત જ દાળના હાથેથી કઢીમાં નાના નાના મૂઠિયા મૂકવા. આમ ધીરે ધીરે બધાજ મૂઠીયા મૂકી દેવા. અને કઢી ની સાથે મૂઠીયાને પાકવા દેવા. ખાસ ધ્યાન રહે કે વારંવાર ચમચાથી કઢી હલાવતી સમયે સાવચેતી રાખવી કે મૂઠીયા તૂટીને છૂટા ના પડી જાય. ધીમા તાપે કઢીને પાકવા દેવી.

કઢી પાકી ગયા બાદ, કઢીમાં વઘાર કરવા માટે એક નાના વાટકામાં કે વાઘારીયામાં ૨ (બે) નાની ચમચી તેલ મૂકી અને ગરમ કરવું. ત્યારબાદ, તેમાં ૧/૨ જીરું નાંખવું, જો તમને તીખું પસંદ હોય તો, ૨ -૩ નંગ લીલાં મરચા લંબાઈમાં ચીરી કરી અને સાથે સાથે ૧/૨ ચમચી લાલ મરચું નાંખી અને વઘારનું તેલ કઢી ઉપર નાંખવું. ત્યારબાદ, વધારાની લીલી કોથમીર તેની ઉપર છાંટવી. બસ, મગની દાળ ની કઢી તૈયાર થઈ ગઈ.


ટીપ્સ:

(૧) જો દહીં તાજું અથવા ખાટું ન હોય તો કઢી ખાટી નહિ બંને, આ સમયે કાઢીને ખાટી બનાવવા માટે, એક લીંબુનો રસ કાઢી તેમાં નાંખવાથી કઢી ખાટી અને સ્વાદિષ્ટ બનશે.

(૨)જો તમે ચણાની દાળની કઢી બનાવવા માંગતા હોય તો આજ રીતે મગની દાળની જગ્યાએ ચણાની દાળ નો ઉપયોગ કરવો.

(૩)જો તમે મગની દાળની કે ચણાની દાળની કઢી બનાવવા માંગતા ન હોઈ તો ચણાના લોટની કઢીમા પણ આ જ રીતે ભજીયા કે મુઠીયા મૂકી શકાય.

(૪) મગની દાળના મુઠીયા અન્યરીતે બનાવવા હોય તો મિક્સીમાં ન પીસવું તેને કૂંડી -ધોકા થી વાટવી. જેથી કરી કઠણ ન બનતા નરમ બનશે. અમુક ગૃહણીઓમાં આ કઢી ડબકા કઢી તરીકે પ્રચલિત છે.

(૫) કઢી માં જો તમને પસંદ હોય તો સ્વાદાનુસાર ખાંડ પણ નાંખી શકાય છે જેથી કઢી ગરાસ-ખટાશ વાળાં સ્વાદ વાળી થશે.


 

૬ થી ૭ વ્યક્તિ માટે

સમય: ૧ કલાક

 

બ્લોગ લીંક: htpp://das.desais.net

બટેટા -સિંઘોડાના દહીંવડા: (ફરાળી)…

બટેટા -સિંઘોડાના દહીંવડા: (ફરાળી)…

તસ્વીર નેટ જગતને આભારી છે.

 

ફરાળમાં આપણે સામો, રાજગરાની પૂરી, બટેટાની કે સાબુદાણાની વેફર, ખીચડી વગેરે લેતાં હોય છે, જે એક ને એક વસ્તુ ખાવાથી કોઈ કોઈ વખત કંટાળો આવે, કંઈક નવીન પણ જોઈએ ને…તો ચાલો આજે આપણે ફરાળી દહીં વડા બનાવીએ….

જરૂરી સામગ્રી:

૪૦૦ ગ્રામ બટેટા

૫૦ ગ્રામ સિંઘોડા નો લોટ / કૂટી નો લોટ

૧/૨ ચમચી સિંધાલુ /મીઠું સ્વાદાનુસાર

૧ નાની ચમચી મરી નો ભુક્કો

૨ મોટી એલચી ફોતરા કાઢી લેવા

૪૦૦ ગ્રામ દહીં

ઘી / તેલ તળવા માટે

.

રીત:

બટેટા ને ધોઈ અને બાફવા મૂકવા અને બફાઈ ગયા બાદ, ઠંડા પડે એટલે તેની છાલ ઉતારી લેવી; અને ત્યારબાદ તેનો દાબી ને છુંદો કરવો. (બટેટા મેશ કરવા)

બટેટા નાં માવામાં સિંઘોડાનો લોટ, મીઠું-સ્વાદાનુસાર, ૧/૨ ચમચી મરી નો ભુક્કો, એલચી દાણા અને લીલી બારીક સમારેલ કોથમીર જો ફરાળમાં લેતાં/ ખાતાં હોય તો તે તેમાં મિક્સ કરવી અને મસળી-મસળી ને લોટ બંધાતા હોય તેમ બટેટાના માવાને તૈયાર કરવો.

દહીં ને ફેંટી/ઝરણીથી હલાવી લેવું. અને ત્યારબાદ, તેમાં સ્વાદાનુસાર મીઠું, મરીનો ભુક્કો નાખી મિક્સ કરવું.

કોઈ કોઈ દહીં વડા નું દહીં થોડું મીઠું/ગળ્યું બનાવતા હોય છે, તો સ્વાદાનુસાર ખાંડ પણ ઉમેરી શકાય.

એક કડાઈમાં ઘી/તેલ જે અનુકુળ હોય તે ગરમ કરવા મુકવું.

ત્યારબાદ, એક સાફ રૂમાલ કે કપડું લઇ અને તેને પાણીમાં પલાળવું, અને તે ભીનું કપડું એક વાટકી ઉપર ઢાંકવું અને કપડાને નીચેથી પકડવું, જેથી ઢીલું ના રહે.


બટેટાના માવાના ગોળા બનાવાના હોય, સિંઘોડાના લોટની મદદથી ગોળા બનાવવા; અને બનેલ ગોળા ને વાટકી પર બાંધેલ ભીના કપડા પર રાખી અને પાણીની મદદથી તેને ચપટા દબાવવા. પાણીની મદદ લેવાથી બટેટાનો માવો હાથમાં ચોંટશે નહિ. એકસાથે ૪-૫ બની જાય, એટલે તેને ઘી/તેલ માં તળવા કડાઈમાં નાખવા, અને બન્ને બાજુ બ્રાઉન થાય તેમ કડાઈમાં પલટાવતાં જવું અને તળવા.

તળાઈ ગયા બાદ, તેને બહાર કાઢી લેવા અને દહીંમાં ડુબાડવા. આમ બધાજ વડા તૈયાર થઇ ગયા પછી દહીંમાં પલાળવા.

ઉપરોક્ત તળેલા વડા, એમ નેમ- કોરા પણ ખાઈ શકાય. જે પણ ખાવામાં સારા લાગે.

આમ, ફરાળી દહીંવડા તૈયાર થઇ જશે. દહીં ઠંડુ કરીને પણ વડા સાથે ખાઈ શકાય.

દહીં વડા પર ખજૂર- આમલી ની ચટણી  છાંટી  અને સર્વ કરવા.

બ્લોગ લીંક: http://das.desais.net