આ છે રસોનો રસથાળ (આરોગ્ય અને ઔષધ ) …

આ છે રસોનો રસથાળ (આરોગ્ય અને ઔષધ)  …

આયુર્વેદ : વૈદ્ય મનુભાઈ ગૌદાની …

 

 

 
masala

 

 

આયુર્વેદના  મતે દ્રવ્ય બે પ્રકારનાં ગણાય છે. એક આહાર દ્રવ્ય અને બીજું ઔષધ દ્રવ્ય. આમાં નિત્ય લેવાતું હોવાથી શરીર તથા શરીર ક્રિયાનો વિશેષ સંબંધ આહાર દ્રવ્યો સાથે છે. આહાર દ્રવ્યોનો ઔષધ દ્રવ્યથી તફાવત એ છે કે, આહાર દ્રવ્યોમાં રસની પ્રધાનતા હોય છે. જ્યારે ઔષધ દ્રવ્યોમાં વીર્યની (અહીં વીર્ય એ આયુર્વેદીય પારિભાષિક શબ્દ છે. જેનો અર્થ સ્વભાવ પણ કરી શકાય છે. ઔષધ દ્રવ્યોનો સ્વભાવ અથવા વીર્ય ઉષ્ણ અથવા શીત એમ બેમાંથી કોઈ પણ એક હોય છે). આહાર દ્રવ્યોનો રસની સાથે વિશેષ સંબંધ હોવાથી શરીર પર આહાર રસોની અસરનું જ્ઞાાન ખૂબ જરૂરી હોવાથી અહીં આહાર રસો વિશે આયુર્વેદીય મતે સંક્ષિપ્ત નિરૂપણ કરું છું. આધુનિક ચિકિત્સકો (નવ્ય વિજ્ઞાાન) મૂળ ચાર રસો જ માને છે. મધુર, કડવો, ખાટો અને ખારો, પરંતુ અહીં હું આયુર્વેદીય મતના છ રસો વિશે જ જણાવું છું.

 

(૧) મધુરઃ ગોળ, ખાંડ, દ્રાક્ષ, મધ વગેરે.

(૨) ખાટોઃ આમલી, લીંબુ, કરમદા, કાચી કેરી વગેરે.

(૩) ખારો : સમુદ્રનું મીઠું, સિંધાલુણ, સંચળ વગેરે.

(૪) તીખોઃ મરી, મરચાં, સૂંઠ, લીંડીપીપર વગેરે.

(૫) કડવોઃ લીમડો, કરિયાતું, કડુ, કારેલાં વગેરે.

(૬) તુરોઃ હરડે, બાવળ, સોપારી વગેરે.

 

જગત અગ્નિષોમીય હોવાને લીધે આ છ રસોને પણ બે વર્ગોમાં વિભાજિત કરવામાં આવ્યા છે. આગ્નેય એટલે ઉષ્ણ અને સૌમ્ય એટલે શીત. તીખો, ખાટો અને ખારો આ ત્રણ રસ આગ્નેય અથવા ઉષ્ણ અને મધુર-ગળ્યો, કડવો અને તૂરો, આ ત્રણ રસ સૌમ્ય એટલે શીત ગણાય છે. આગ્નેય રસો ઉષ્ણ હોય છે, તેથી મૂર્છા અને વિદાહ (બળતરા) ઉત્પન્ન કરે છે. આથી તેને વિદાહી પણ કહે છે. આથી ઊલટું સૌમ્ય રસો શીત હોય છે, તેથી મૂર્છા અને વિદાહ (બળતરા)શામક હોય છે, તેથી તેને અવિદાહી કહેવામાં આવે છે.

 

 

રસોનાં લક્ષણ …

 

રસોનાં લક્ષણ નિર્ધારિત કરવામાં આવે છે, જે આ પ્રમાણે છે.

મધુર રસ : સ્નેહ, તર્પણ, આહ્લાદક, કફ કરનાર વગેરે.

 

ખાટો રસ : દાંત અંબાડનાર, મુખ રસોનો સ્રાવ કરાવનાર, મુખની શુદ્ધિ કરનાર, ખાવામાં રુચિ ઉત્પન્ન કરનાર, નેત્રનું સંકોચન કરનાર, મુખ અને કંઠમાં દાહ કરનાર, રોમાંચકારી તથા હૃદયને બળ આપનાર છે.

 

ખારો રસ : તરલ, વિલયન થનાર, કલેદન કરનાર, માર્દવ કરનાર, રુચિ ઉત્પન્ન કરનાર, મોઢું, તાળવું, ગળું, છાતી, કપાળ વગેરેમાં બળતરા કરાવનાર ગણાવાય છે.

 

તીખો રસ : જીભનો ઉદ્વેજક, બળતરા સાથે મુખ, નાક અને નેત્રમાંથી સ્રાવ કરાવનાર તથા માથું દુખાડનાર ગણાવાય છે.

 

કડવો રસ : તરત જ જીભના અન્ય આસ્વાદોનો નાશ કરનાર, સ્વયં અપ્રિય હોવા છતાં રુચિ વધારનાર, કંઠની, દાંતની શુદ્ધિ કરનાર, મુખશોષકર વગેરે.

 

તુરો રસ : જીભ અને મુખનું સ્થંભન કરનાર, જડતા લાવનારો મુખશોષક, હૃદયરોગ કરનાર, કફનાશક અને ગૌરવ કરનાર છે.

 

ધાતુ કર્મ …

 

 

આપણાં શરીરમાં રસ, રક્ત, માંસ, મેદ, અસ્તિ, મજ્જા અને શુક્ર એમ સાત ધાતુઓ રહેલી હોય છે. આ છએ રસોનો ધાતુઓ ઉપર પ્રભાવ પડે છે, તે જોઈએ.

 

(૧) મધુર : મધુર રસ શરીરની સાતે ધાતુઓને વધારે છે તથા ધાતુઓનો સાર ભાગ ઓજ (કેટલાકના મતે હોર્મોન્સ)ની વૃદ્ધિ કરનાર હોવાથી બળ આપનાર, જીવન ટકાવનાર, આયુષ્ય વધારનાર તથા ધાવણ વધારનાર ગણાય છે.

 

(૨) ખાટો : નાગાર્જુન નામના વિદ્વાને અમ્લ રસને શરીરનું વજન વધારનાર, બળ આપનાર, વાજીકરણ તથા જીવનીય કહ્યો છે, પરંતુ ચરક મર્હિષએ વજન વધારનાર અને બળ આપનાર કહ્યો છે.

 

(૩) ખારો : ધાતુઓ રસ, રક્ત, માંસ, મેદાદિનો નાશ કરનાર, બળનાશક અને શિથિલતા લાવનાર છે.

 

(૪) તીખો : ધાતુઓનો નાશ કરનાર, ધાતુઓને ખોતરીને બહાર કાઢનાર તથા કામશક્તિ ક્ષીણ કરનાર છે.

 

(૫) કડવો : મેદ, ચરબી, વીર્ય, મજ્જા એવં લસિકાનું શોષણ કરનાર છે.

 

(૬) તૂરો : બધી ધાતુઓનું શોષણ કરનારો અને ખળભળાવી દેનારો છે.

 

 

સૌજન્ય : સંદેશ દૈનિક

 

 

ફળોમાં ઉત્તમ ખાટીમીઠી દ્રાક્ષના ગવાય …
 

 
GRAPES.2
 

 

મોંમા પાણી આવે તેવી મનમોહક ખટમીઠી દ્રાક્ષ હવે સર્વત્ર મળે છે. સરખામણીમાં સોંઘી પણ મળે છે. તમને જાણીને આનંદ થશે કે દ્રાક્ષને આયુર્વેદે ‘ફલોત્તમ’ કહીને બધાં ફળમાં સર્વોત્તમ કહી છે. રોજિંદા આહારમાં હંમેશા લીલી કે સુકી દ્રાક્ષ ખાવાનું પણ ‘અષ્ટાંગ હૃદય’માં કહેવામાં આવેલું છે.

 
કુદરતે માનવજીવનની રક્ષા અને ઉપકારરૂપે અનેક ભેટો આપી છે. બદલાતી ૠતુઓ મુજબ જાત-જાતનાં ફળોનો રસથાળ ઉભરાય છે. જેના ગુણકર્મો અને ગુણધર્મો જેતે ૠતુમાં થતા રોગો સાથે સંબંધિત હોવાનું અનુમાન કરી શકાય. અનેક જાતનાં ફળોમાંથી ઘણાંને અમુક જ ફળો ભાવે તેવું બની શકે. પરંતુ દ્રાક્ષ એક એવું ફળ છે જે મોટાભાગે બધાને ભાવતું જ હોય છે. બાળકથી માંડીને વૃદ્ધસ્ત્રી- પુરૂષ, અમીર-ગરીબ તમામ વર્ગના લોકોને દ્રાક્ષ અતિપ્રિય અને સુલભ પણ છે. કુદરતી મેવામાં ગણાતી આ દ્રાક્ષ, કાજુ, બદામ જેવા સૂકા મેવા કરતા પ્રમાણમાં સસ્તી હોવાથી તે બધાનાં નસીબની મર્યાદામાં આવી શકે છે. બાકી અમુક વર્ષો બાદ તો એવું બનશે કે કાજુ-બદામ કે અંજીર જેવા મેવાનો ભાવ પૂછીશું તો યે પૈસા આપવા પડશે. ટૂંકમાં મોંઘવારીની અતિ ઝડપી સવારી જે રીતે આગળ વધે છે તે રીતે જોતા અમુક સમયબાદ આજે આપણે સરળતાથી જોઇ, ખાઇ શકીએ છીએ. તેમાનું ઘણું બઘું ભવિષ્યમાં માત્ર જોઇ જ શકીશું. દ્રાક્ષની આવી સ્થિતિ આવે તે પહેલાં ખાઇ લેવાની તક મેળવી લેવા જેવી છે. દ્રાક્ષની મીઠાશની બાબતમાં વઘુ જણાવવાની એટલા માટે જરૂર નથી રહેતી કે અન્ય મીઠી (ગળી) વસ્તુને દ્રાક્ષની ઉપમા આપી તેની મીઠાશ દર્શાવવામાં આવે છે.

 
યુરોપ અને અમેરિકામાં દ્રાક્ષનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. દુનિયાભરમાં સૌથી વઘુ દ્રાક્ષ ફ્રાંસના દક્ષિણ ભાગમાં થાય છે. ત્યાં વિશાળ, લીલાછમ બગીચાઓ જોવા મળે છે. ભારતમાં દ્રાક્ષનું વાવેતર પંજાબ, હરિયાણા અને મહારાષ્ટ્રમાં ઘણા સમયથી થતું રહ્યું છે. પૂના, સતારા, નાસિક અને ખાનદેશ તેનો મુખ્ય પ્રદેશ મનાય છે. હવે ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ છૂટક છૂટક દ્રાક્ષનું વાવેતર થાય છે. તેમાં ખેડા જિલ્લો મુખ્ય છે. દ્રાક્ષનું વાવેતર સારી કમાણી આપી શકે છે. તેના વેલા બે-ત્રણ વર્ષે ફળવા લાગે છે. જોકે વર્તમાન જગતની સંશોધન પદ્ધતિઓ અને વૈજ્ઞાનિક અભિગમથી આ ગાળો ઘટી શક્યો હોવાનું જોવા મળ્યું છે. ફેબુ્રઆરી અને માર્ચમાં લીલી દ્રાક્ષ-કાળી દ્રાક્ષ પુષ્કળ જોવા મળે છે. અને લોકો તેને મન અને પેટ ભરીને માણતા પણ જોવા મળે છે.

 
દ્રાક્ષની ઘણી જાતો છે. બેદાણા, મુનક્કા, કિસમીસ એ દ્રાક્ષની મુખ્ય જાતો છે. આ નામો સૂકી દ્રાક્ષ માટેના છે. લીલી દ્રાક્ષ એ સર્વસામાન્ય અને સુપાચ્ય જાત છે. કાળી દ્રાક્ષ, લાલ દ્રાક્ષ અને ધોળી દ્રાક્ષ તેવા પણ પ્રકારો જોવા મળે છે. તેમાંથી ધોળી દ્રાક્ષ વઘુ મીઠી અને મોંઘી હોય છે અને તે અપ્રાપ્ય કે સામાન્ય માણસોને ઓછી જોવા મળતી જાત છે. કાળી દ્રાક્ષ બધી જ પ્રકૃત્તિવાળા લોકોને, સર્વ રોગોમાં લાભપ્રદ અને ગુણકારી ગણાય છે. કાળી દ્રાક્ષમાંથી અનેક જાતની દવાઓ બનાવી શકાય છે. બે દાણા નામની જાત કંઇક અંશે ધોળી હોય છે અને તેમાં બી હોતા નથી. કિસમિસ બે દાણા જેવી જ પરંતુ પ્રમાણમાં નાની હોય છે. ભારત જેવા ગરમીવાળા દેશના લોકોની તરસ અને ભૂખનું શમન કરવામાં દ્રાક્ષ અમૃતનું કાર્ય કરે છે. વ્યાપકપણે જોવા અને ખાવા મળતી લીલી (તાજી) દ્રાક્ષ કંઇક અંશે કફકારક ગણાય છે. પરંતુ મીઠું અથવા સંધિવ સાથે ખાવાથી કફ થવાનો ભય રહેતો નથી. દ્રાક્ષ બધાને ખાવી ગમે છે. માંદા-સાજા અને સગર્ભા તથા પ્રસૂતા પણ દ્રાક્ષનું સેવન કરી શકે છે.
 

 
દ્રાક્ષના ગુણઃ …
 

 
આયુર્વેદના ગ્રંથોમાં દ્રાક્ષની જાતો અને ગુણોનું ઠીકઠીક વર્ણન જોવા મળ્યું છે. દરેક ક્ષેત્રમાં થયેલી વૈજ્ઞાનિક ક્રાંતિ અને સાધન-સવલતોની ઉપ લબ્ધિઓના કારણે અનેક નવા સમીકરણો અને ઉત્પાદનો સર્જાયા છે. વનસ્પતિ ફળફળાદિ વગેરેના બિયારણોમાં પણ ઘણા પરિવર્તનો આવ્યા છે તેથી તેના ફળની ગુણવત્તા પર શું અસરો થઇ તે જોવું અને જાણવું એ અનુસંધાનનો વિષય છે. શાસ્ત્રીય મત મુજબ દ્રાક્ષ સારક ગુણવાળી, સ્વર (અવાજ)ને સારો કરનારી, મીઠા રસવાળી ને ચીકાશયુક્ત શીતળ ગુણ યુક્ત છે તે ઉત્તમ પથ્ય છે. તેથી કોઇપણ સ્થિતિમાં તે યુગોથી અપાતી આવી છે. તાવ, ક્ષય વગેરે રોગોમાં આવેલી અશક્તિમાં દ્રાક્ષ અને તેની બનાવટો અમૃત સમાન ફાયદાકારક છે. દ્રાક્ષ શીતવર્ય, રસ તથા વિપાકમાં મઘુર, પાછળથી સહેજ તૂરી, હર્ષદાયક, રોચક, તર્પણ (તૃપ્તિ કરનાર), વાયુનું અનુલોમન કરનાર, સ્નિગ્ધ, આંખોને હિતકર, કંઠ્ય તથા શ્રમહર છે. દ્રાક્ષ, તરસ, દાહ, તાવ, શ્વાસ, રક્તપિત, ક્ષત, ક્ષય, વાયુપ્રકોપ, પિતપ્રકોપ, ઉદાવર્ત, સ્વરભેદ, મહાભય, મોઢાની કડવાશ, મૂળશોખ, ઉધરસ, ઉલ્ટી, ભ્રમ, શોષ અને મૂત્રાવરોધનો નાશ કરનારી છે. શરીરને તુરંત શક્તિ અને તાજગી તથા તૃપ્તિ દ્રાક્ષથી મળે છે. હોજરી અને આંતરડામાં કે શરીરમાં અન્યત્ર થયેલા ચાંદાને (અમુક સ્થિતિએ હોય ત્યાં સુધી) દ્રાક્ષ રૂઝવી શકે છે. ત્વચા અને લોહીના રોગોને મટાડે છે. લોહીમાં રહેલી ખોટી ગરમી તથા વિકૃતિ દૂર કરી લોહીને સ્વસ્થ, નીરોગી અને શરીરને તાકાતવાન તથા સક્ષમ બનાવે છે.

 
યુનાની વૈદ્યોના મત મુજબ દ્રાક્ષ કફને પાતળો કરીને બહાર કાઢનાર મુખ્ય દવા છે. તે ઉપરાંત સ્ત્રીઓના માસિક ધર્મને તે નિયમિત કરે છે, કબજીયાત દૂર કરે છે. લોહી તથા માંસને વધારે છે. ખાટી-મીઠી અને દીપન-પાચનનું કામ કરતી દ્રાક્ષ ફેંફસા, યકૃત તથા મૂત્રાશયના રોગો અને જીર્ણજવરમાં લાભદાયક છે. દ્રાક્ષના બી શીતળ, કામોત્તેજક અને ગ્રાહી છે. તેના પાન હરસને મટાડે છે. દ્રાક્ષના વેલાની ડાળીઓ મૂત્રાશય, અંડકોષના સોજામાં ફાયદાકારક છે. તેના વેલાની ભસ્મ મૂત્રાશયની પથરીને ઓગાળીને કાઢવામાં મદદરૂપ થાય છે તેમ જ સાંધાની પીડા મટાડનાર તથા અર્શ – મસાના ભરાવા કે સોજાને માટે હિતકારી છે. આઘુનિક વિજ્ઞાનના મત મુજબ દ્રાક્ષમાં વિટામીન એ, બી અને સી તથા લોહતત્વ રહેલું છે. અન્ય પૌષ્ટિક દ્રવ્યોની સાથે-સાથે તેમાં પોટેશિયમ, સેલ્યુલોઝ, શર્કરા તથા કાર્બનિક અમ્લ હોવાથી તે કબજીયાત દૂર કરે છે. દ્રાક્ષના રસનું સેવન યકૃતને બળ આપે છે. દ્રાક્ષમાં શર્કરા અને કાર્બોહાઇડ્રેટ વિપુલ પ્રમાણમાં હોવાથી તેની પૌષ્ટિકતા અન્ય ફળોની સરખામણીએ ચઢિયાતી છે. વૈજ્ઞાનિકોમાં તે બાબતે થોડો વિખવાદ છે. અમુક નિષ્ણાતો દ્રાક્ષનાં પોષણમૂલ્યને ઊચું નથી ગણતા. પરંતુ તે મુદ્દો અત્રે અગત્યનો નથી.

 
જૂની કબજીયાતના દર્દીઓ માટે દ્રાક્ષનું સેવન એક ઉત્તમ ઔષધનું કાર્ય કરે છે. નિયમિતરૂપે દ્રાક્ષ ખાવાથી પાચક રસોના આલ્પતર સ્ત્રાવ યથાર્થ રીતે ઝરવાથી પાચન પણ સારી રીતે થાય છે અને કબજીયાત દૂર થાય છે. આજ કારણે ગુદાભંશ કે મસાના દર્દીઓને પણ દ્રાક્ષથી ફાયદો કે રાહત રહે છે. મસાએ કબજીયાતનું મુખ્ય પરિણામ છે. કબજીયાત ન રહે તો મસાનું દર્દ સહન થઇ શકે તેવું મર્યાદિત રહે છે. પરંતુ કબજીયાતની સ્થિતિમાં તે ભયંકર વેદનાનું છે, પરંતુ કબજીયાતનું નિવારણ થઇ જાય તો તેનો દુઃખાવો ઓછો કે નગણ્ય સ્થિતિમાં આવી જવાથી તેને કઢાવવાનું મોકૂફ રહી શકે છે. કદાચિત બંધ પણ રાખી શકાય છે. પિત્ત એ ગરમીયુક્ત શારીરિક દોષ છે. જે લોકોને પિત્તપ્રકોપ થયો હોય તેમણે દ્રાક્ષ ખાવાથી શરીરમાં થતી બળતરા મટે છે. ઊલ્ટી થતી હોય તો બંધ થાય છે. શરીરની નબળાઇ વઘુ હોય, વજન વધતું ન હોય, ચામડી શુષ્ક બની ગઇ હોય, આંખોમાં ઝાંખપ લાગતી હોય અને બળતરા રહેતી હોય તો દ્રાક્ષ ખાવાથી એ બધી ફરિયાદો દૂર થાય છે. દ્રાક્ષમાં રહેલ વિટામીન ‘સી’ના લીધે ચામડીના રોગો તથા સ્કર્વી જેવા રોગો સામે રક્ષણ મળે છે. મનોવૈચિત્ય શ્વાસ જેવા ફેંફસાના રોગોની સ્થિતિમાં અન્ય જે કંઇ દવા ચાલુ હોય તે ચાલુ રાખી સાથે સાથે દ્રાક્ષ કે તેની અન્ય કોઇપણ બનાવટોનું સેવન કરાવવું જોઇએ. અહીં દ્રાક્ષ ઔષધહારનું કાર્ય કરશે.

 
બધા ફળોમાં શ્રેષ્ઠ ગણાવાયેલી દ્રાક્ષ અમુક સ્થિતિમાં ન ખાવાની પણ સૂચના ઘણા શાસ્ત્રકારોએ આપેલી છે. જે લોકોને કફ, શરદી સળેખમ લાંબા સમયથી રહેતા હોય તેમણે દ્રાક્ષનો ઉપયોગ ન કરવો કે વિચારપૂર્વક મર્યાદિત માત્રામાં કરવો તેવી સલાહ છે. કેમકે દ્રાક્ષ સ્વભાવતઃ ઠંડી છે. તેથી જેને ઠંડી વસ્તુ માફક જ ન આવતી હોય તેમણે આવી બાબતે પોતાની શરીર પ્રકૃતિ અને જીવનપદ્ધતિ મુજબ મર્યાદિત પ્રમાણમાં દ્રાક્ષનો ઉપયોગ કરવો જોઇએ. આ ઉપરાંત ખાટી અને કાચી દ્રાક્ષ ન ખાવાનું પણ વિધાન છે. એકલી ખાવાની પણ સલાહ નથી કેમ કે તે સારક અને મૂત્રલ ગુણ ધરાવે છે તેથી અન્ય નિયમિત ખોરાકની સાથે-સાથે લેવાથી વજન વધારી શકે છે. પરંતુ માત્ર તે જ લેવાથી શરીરને કૃશ કરે છે. ધોયા વિનાની દ્રાક્ષ ન ખાવી. બને તો ગરમ પાણીથી ધોયા પછી જ તેનો ઉપયોગ કરવો જોઇએ. જેથી કચરો અને જંતુઓ તથા તેના ઉપર છાંટેલી દવાઓના અંશો નીકળી જાય.
 

 
ઔષધરૂપે દ્રાક્ષ …
 

 
એક તોલો સૂંઠ, એક તોલો મરી, એક તોલો પીપર અને એક તોલો સંધિવ લઇ તેને ખાંડી તેનું કપડાથી ગાળેલુ ચૂર્ણ તૈયાર કરવું, પછી ચાલીસ તોલા કાળી દ્રાક્ષ (બી કાઢેલી) સાથે મેળવી ચટણીની માફક પીસીને બરણીમાં ભરી લેવું. આ તૈયાર થયેલ ચાટણને ‘પંચામૃત ચાટણ’ કહેવાય છે. આ ચાટણ અડધા તોલાથી બે તોલા જેટલું સવાર-સાંજ ચાટવાથી અરૂચિ, વાયુ, મંદાગ્નિ, કબજીયાત શૂળ, મોળ કફ વગેરે મટે છે.

 
ધોળી (બી વિનાની) દ્રાક્ષ તોલા લઇ તેને લીંબુના રસમાં વાટી તેમાં એટલું જ પાણી મેળવી એકરસ કરી વસ્ત્રથી તેનો રસ ગાળી લેવો. પછી તેમાં પાકા દાડમના દાણાનો ચાળીસ તોલા રસ મેળવવો. પછી તેમાં એંસી તોલા સાકર નાંખી ચાસણી કરીને શરબત બનાવવું. આ શરબત બે-અઢી તોલા પીવાથી રૂચિ પેદા થાય છે, પિત શમે છે અને મંદાગ્નિ મટે છે. કાળી દ્રાક્ષ રાત્રે પલાળી રાખવી. સવારે મસળી તેને ગાળીને તેમાં જીરાની ભૂકી અને સાકર નાંખીને પીવાથી શરીરની બળતરા મટે છે. એસિડિટી એ વર્તમાન સમાજનો વ્યાપક વ્યાધિ છે. આમ તો તે આઘુનિકતાની દોડાદોડની આડપેદાશ છે તેવું કહી શકાય. તેમાં પાછા જીભના અમર્યાદિત સ્વાદની ઝંખના તેને વધારવામાં મદદ કરે છે.

 
દ્રાક્ષ અને વરિયાળી બબ્બે તોલા લઇ રાત્રે અડધા રતલ પાણીમાં ભીંજવી રાખવું. સવારે મસળીને ગાળી લેવું અને તેમાં એક તોલો સાકર નાખી પીવું. આવું થોડા દિવસ નિયમિત રીતે કરવાથી અમ્લપિત્ત- ખાટા ઓડકાર, ખાટી ઉલ્ટી, મોંના ચાંદા, છાતીની બળતરા તથા પેટનું ભારેપણુ વગેરે લક્ષણો શમી જાય છે. કબજીયાતના કાયમી દર્દીઓ જાતજાતની દવાઓના અખતરા કરતા રહે છે. તેમાં દવાના નામ બદલાયા કરે છે. રોગી અને રોગ જેના તે જ રહે છે. પરંતુ ત્રણ-ચાર તોલા કાળી દ્રાક્ષને રાત્રે ઠંડા પાણીમાં પલાળી રાખી સવારે મસળી-ગાળીને પીવાથી લાંબા ગાળે કાયમી ફાયદો કરે છે. આયુર્વેદિક ઉપચારો એ એક-બે દિવસની રમત નથી તેનું અનુશીલન જરૂરી છે. બે દિવસ લઇને ‘‘આમાં મજા ન આવી’’ તેવું નિવેદન કરવાવાળા માટે અન્ય શાસ્ત્રીય કે શાસ્ત્ર બહારના થીગડાં મારવા એ જ ઉપાય છે. હવે બજારમાં મળતી દ્રાક્ષને ઘરમાં લાવશો અને આરોગ્ય જાળવશો તો આ લેખ વાંચ્યો સાર્થક ગણાશે.

 

 

સૌજન્ય : સંદેશ દૈનિક

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

રસોઈ ટિપ્સ તેમજ અન્ય ટિપ્સ …

રસોઈ ટિપ્સ    / આરોગ્ય ટિપ્સ / હોમકેર ટિપ્સ / સોંદર્ય ટિપ્સ / જીવન ટિપ્સ  …

 

 

 

[ક] રસોઈ ટિપ્સ  ….

 

[૧] લીલા ચણા અથવા વટાણા બાફતી વખતે તેમાં ખાંડ નાખવાથી તેનો લીલો રંગ યથાવત રહે છે.

[૨] રોટલી માટે લોટ ગૂંદતી વખતે બે ચમચી દૂધ, ઘી કે મલાઈ મેળવી દેવાથી રોટલી એકદમ પાતળી બનશે.

[૩] ભીંડાનું શાક બનાવતી વખતે તેમાં એક ચમચી દહીં નાખવાથી તેની ચીકાશ ઓછી થશે.

[૪] મેળવણ ન હોય તો ગરમ દૂધમાં લીંબુ નાખવાથી પણ દહીં જમાવી શકાય છે.

[૫] ભાત બનાવતી વખતે તેમાં લીંબુના રસના ટીપાં નાખવાથી ભાત એકદમ સફેદ રંગનો બનશે. અને તેમાં એક ચમચી તેલ કે ઘી નાખવાથી દાણા અલગ-અલગ રહેશે.

[૬] ફલાવરનું શાક બનાવતી વખતે એમાં બે ચમચી દૂધ ઉમેરવાથી ફલાવર ચડી ગયા પછી પણ સફેદ રહે છે.

[૭] પૂરીનો લોટ પાણીથી બાંધવાને બદલે દહીંથી બાંધવાથી પૂરી પોચી થશે.

[૮] મીઠા સક્કરપારા બનાવવાના મેંદામાં થોડું મીઠું ભેળવવાથી સક્કરપારા સ્વાદિષ્ટ લાગશે.

[૯] ચણા પલાળતાં ભૂલી ગયા હોવ તો તેને બાફતી વખતે તેની સાથે કાચા પપૈયાના બે-ચાર ટૂકડા મૂકી દો તો ચણા જલ્દી બફાશે.

[૧૦] બિસ્કિટ પર દૂધ લગાવી ધીમા તાપે ઓવનમાં રાખવાથી બિસ્કિટ કડક, તાજા અને કરકરા થશે.

[૧૧] વેફરને છૂટી કરવા કેળાં-બટાટાની કાતરી પર મીઠાના પાણીનો છંટકાવ કરવો અને પછી તળવી.

[૧૨] દાળ-ઢોકળી બનાવતી વખતે ઢોકળીને કાચી-પાકી શેકીને દાળમાં નાખવાથી તે ચોંટશે નહિ.

[૧૩] પાણીપૂરીની પૂરી બનાવતી વખતે ઝીણા રવામાં પીવાનો સોડા લોટ બાંધવા માટે લેવાથી પૂરી ફૂલશે.

[૧૪] ઈડલીનું ખીરું જો વધારે પડતું પાતળું થઈ ગયું હોય તો તેમાં શેકેલો રવો નાખવાથી જાડું બનશે અને ખીરાથી ઈડલી મુલાયમ પણ બને છે.  અથવા સૂકા પૌવા નાખવાથી તે ઘટ થઇ જશે.

[૧૫] સાબુદાણાને બનાવતા પહેલાં એને દૂધમાં પલાળીને મૂકવાથી એ એકદમ ફૂલેલાં બનશે.

 

 

 
[ખ]  આરોગ્ય ટિપ્સ …

 

[૧] વરિયાળી સાથે આદું અથવા જીરાનું સેવન કરવાથી પેટની બળતરા તથા પાચન ક્રિયામાં લાભ થાય છે.

[૨] હાલતા દાંત અટકાવવા મોંમાં તલના તેલના કોગળા ભરી રાખવાથી ચાર-છ મહિનાના પ્રયોગ બાદ દાંત બરાબર ચોંટી જાય છે.

[૩] ઘઉંના લોટમાં શક્કરિયાંનો લોટ મેળવીને રોટલી ખાવામાં આવે તો થોડા દિવસોમાં જ શરીરનું વજન વધવા લાગે છે.

[૪] શેરડીના રસમાં આદુંનો રસ નાખી પીવાથી કફ થતો નથી અને કફની તકલીફ મટે છે.

[૫] એક ગ્લાસ ઠંડા પાણીમાં થોડો લીંબુનો રસ મેળવી પ્રાત:કાળે પીવાથી કબજિયાતમાં ખૂબ જ ફાયદો થાય છે.

[૬] ખોરાક પચતો ન હોય તેમણે જીરું શેકીને સંતરાના રસમાં ભેળવી પીવું જોઈએ. પેટનો ગેસ તથા અપચો દૂર થશે.

[૭] ત્રણ ચમચી નાળિયેરના તેલમાં કપૂર મેળવીને રાત્રે વાળના મૂળમાં ઘસીને સવારે વાળ ધોવાથી જૂ-લીખ સાફ થઈ જાય છે.

[૮] નાળિયેરના પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી પથરીની તકલીફમાં રાહત થાય છે.

[૯] રાત્રે ભારે ખોરાક લીધા પછી છાસમાં જીરું, લીમડો અને આદુનો ઘીમાં વઘાર કરીને પીવાથી ફાયદો થશે.

[૧૦] ઊલટી થતી હોય કે ઊબકા આવતા હોય તો તુલસીના રસમાં એલચીનો પાઉડર મિક્સ કરીને પીવાથી રાહત થશે.

[૧૧] સંધિવામાં આવતા સોજા પર અજમાનું તેલ લગાવવાથી ફાયદો થાય છે.

[૧૨] મેથીના દાણાનો પાઉડર પાણીમાં ભેળવી સવાર-સાંજ તે પાણી પીવાથી ડાયાબિટીસ તેમજ બ્લડપ્રેશરમાં ફાયદો થાય છે.

[૧૩] હાઈબ્લડપ્રેશરના દર્દી માટે પપૈયું ફાયદાકારક હોય છે. તેને રોજ ભૂખ્યા પેટે ચાવીને ખાવું.

[૧૪] એક ચમચી તુલસીનો રસ અને બીલીના ફૂલની સાથે એક ચમચી મઘ ઉમેરી દિવસમાં બે વખત લેવાથી તાવમાં રાહત થાય છે.

[૧૫] જે વ્યક્તિને ખાસ ઉનાળામાં ગરમી નીકળતી હોય તેમણે કારેલાનો રસ જીરું પાવડર નાખીને એક ચમચી પીવો.

 

 

 
[ગ] હોમકેર ટિપ્સ …

 

[૧] દૂધ ગરમ કરતાં પહેલાં તપેલીમાં થોડું પાણી રેડવાથી દૂધ ઉભરાશે નહિ. આ ઉપરાંત તપેલીમાં ચમચો રાખવાથી પણ દૂધ જલદી ઉભરાતું નથી.

[૨] ફ્રિજમાં જીવાત થઈ ગઈ હોય તો એક લીંબુ સમારીને ફ્રીજમાં મુકી દો. બીજે દિવસે જીવાત આપમેળે દૂર થઈ જશે.

[૩] આદુને ફૂલના કૂંડામાં કે બગીચામાં માટી નીચે દબાવી રાખવાથી તાજું રહેશે.

[૪] મલાઈમાંથી ઘી બનાવતી વખતે તેમાં થોડા મીઠા લીમડાંના પાન નાખવાથી ઘીમાં સુગંધ આવશે.

[૫] કાચના વાસણને ટૂથપેસ્ટ લગાવી બ્રશથી ઘસીને સાફ કરવાથી ચમક વધારે આવે છે.

[૬] અરીસાને ચોખ્ખો કરવા માટે તેની પર શેવિંગ ક્રીમ લગાવી થોડીવાર રહેવા દેવું. પછી ભીના મલમલના કપડાથી લૂછી કોરા કપડાથી લૂછવું.

[૭] વાસણમાંથી બળેલા ડાઘ દૂર કરવા માટે કાંદાના બે ટુકડા નાખી થોડું પાણી નાખીને ઉકાળો. થોડીવાર બાદ તેને સાફ કરો. ડાઘ તરત નીકળી જશે.

[૮] ખીલીને ગરમ પાણીમાં બોળીને દીવાલમાં લગાવવાથી પ્લાસ્ટર તૂટતું નથી.

[૯] બેટરીના સેલ કે મીણબત્તીને ફ્રિજમાં રાખવાથી એ લાંબો સમય ચાલે છે.

[૧૦] પંખા અને લોખંડની બારીઓ કે ગ્રિલ પર જાળાં ન જામે એ માટે એને કેરોસીનથી સાફ કરવી.

 

 

[ચ]   સોંદર્ય ટિપ્સ …

 

[૧] કાંદાનો રસ અને મધ સમાન માત્રામાં ભેળવી વાળમાં લગાડી વાળ ધોવાથી વાળ ખરતા અટકે છે.

[૨] ત્વચા પર ડાઘ અને ધબ્બા હોય તો સરસિયાના તેલમાં ચપટી મીઠું નાખીને એનાથી માલિશ કરો. ડાઘા જરૂર ઓછા થશે.

[૩] એક મુઠ્ઠી જેટલી અગરબત્તીની રાખમાં ખાટું દહીં ભેળવો. તેને ચહેરા પર લગાવી પંદર મિનિટ પછી ધોઈ નાખો. એથી ચહેરા પરની દૂર કરેલી રૂવાંટી ઝડપથી નહીં ઉગે.

[૪] દૂધીનો રસ અને નાળિયેરનું તેલ મિક્સ કરી એનાથી માથામાં સારી રીતે માલિશ કરો. વાળની ચમક વધી જશે.

[૫] ચહેરા પરની રૂંવાટી દૂર કરવા માટે ત્રણ ચમચી રવામાં થોડોક ઘઉંનો લોટ, થોડોક ચણાનો લોટ તથા દૂધ મિક્સ કરીને લગાવો. સૂકાઈ જાય એટલે એને વાળની ઊલટી દિશામાં હળવેથી ઘસો. પછી ધોઈ નાખો.

[૬] લીમડાની લીંબોડીને છાસમાં વાટી તેને ખીલ પર લગાવવાથી ખીલ દૂર થાય છે. અને ચહેરાની ત્વચા મુલાયમ બને છે.

[૭] જાયફળ વાટીને ચહેરા પર લગાડવાથી કરચલીઓ દૂર થાય છે.

[૮] ચહેરા તથા ગરદન પરની કાળાશ દૂર કરવા માટે ફુદીનાના પાન વાટીને તેનો અર્ક કાઢીને રૂ વડે ચહેરા તથા ગરદન પર લગાવી 20 મિનિટ પછી ચહેરો ધોઈ નાખવો.

[૯] કાંદા શેકી તેની પેસ્ટ બનાવી એડી પર લગાડવાથી એડી પરના ચીરા મહિનામાં મટી જશે.

[૧૦] તુવેરની દાળને પાણીમાં રાતના પલાળી દેવી. સવારે તેને ઝીણી વાટી લેવી. આ મિશ્રણથી વાળ ધોવાથી વાળ ખરતા અટકાવી શકાય છે.

 

 

 
[છ]   વસ્તુ જાળવણી ટિપ્સ …

 

[1] ચાંદીના વાસણોને કાળા થતા બચાવવા માટે ચાંદીનાં વાસણોની સાથે કપૂરની ગોળી રાખવી.

[2] સ્વેટરને ધોતા પહેલાં મીઠાના પાણીમાં પલાળવાથી ઊન ચોંટવાનો ભય રહેતો નથી.

[3] આમલીને લાંબો સમય તાજી રાખવા એક કપ પાણીમાં હિંગ અને મીઠું નાખી ઘોળ તૈયાર કરી આમલી પર છાંટવો અને એને ત્રણ-ચાર દિવસ સુકાવવી.

[4] અથાણાંને ફૂગથી બચાવવા માટે રૂને સરકામાં બોળીને જે બરણીમાં અથાણું ભરવાનું હોય એને સારી રીતે લૂછી નાખો. પછી અથાણું ભરવાથી ફૂગ નહીં લાગે.

[5] લીમડાના છોડમાં ખાટી છાશ કે વપરાયેલી ચાની ભૂકી નાખવાથી છોડ મોટો અને તાજો રહે છે.

[6] વધારે પ્રમાણમાં લીંબુ ખરીદી લીધાં હોય તો બગડી જવાની બીક ન રાખશો. લીંબુને મીઠાની બરણીમાં રાખી મૂકવાથી લાંબા સમય સુધી તાજાં રાખી શકાશે.

[7] સાડી પર તેલના ડાઘ પડ્યા હોય તો, એ જગ્યા પર કોઈ પણ ટેલકમ પાઉડર સારી રીતે રગડીને સાડીને બે-ત્રણ કલાક સુધી તાપમાં મૂકો પછી ધોઈ લો.

[8] નવા ચંપલને રાત્રે ઘી કે તેલ લગાડી રાખવાથી એ સુંવાળાં રહેશે અને નડશે નહિ.

[9] રાઈના પાણી વડે બોટલ ધોવાથી બોટલમાંની વાસ દૂર થાય છે.

[10] માઈક્રોવેવ ઓવનની સફાઈ કરવા માટે સફેદ દંતમંજન પાઉડર ઓવનમાં ભભરાવી કોરા કપડાંથી લૂછી સાફ કરવાથી ઓવન ચમકી ઊઠશે.

 

 

 
[જ]  સામન્ય જ્ઞાન  ટિપ્સ …

 

[1] દરવાજાના મિજાગરા પર તેલ નાખવા કરતાં પેન્સિલ ઘસો. એનાથી મિજાગરા અવાજ નહીં કરે અને કાટ પણ નહીં લાગે.

[2] કપડાં ધોતી વખતે શર્ટના કોલર પર પડેલા જિદ્દી ડાઘને દૂર કરવા માટે સાબુની જગ્યાએ શેમ્પુનો ઉપયોગ કરો.

[3] પુસ્તકોના કબાટમાં લીમડાના પાન રાખવાથી જીવડાં અને ઊઘઈ લાગવાની શક્યતા નથી રહેતી. થોડા-થોડા સમયે પાન બદલતા રહેવું.

[4] ચાની વપરાયેલી ભૂકીને સૂકવીને બારીનાં કાચ સાફ કરવાથી કાચ ચમકે છે.

[5] કાચના ગ્લાસ ચકચકિત કરવા પાણીમાં થોડી ગળી મિક્સ કરીને એનાથી ધોવા અને પછી સ્વચ્છ પાણીથી ધોઈ નાખવા.

 

 

[ઝ]   જીવન ટિપ્સ …

 

[1] તમારે જીવવું હોય તો ચાલવું જોઈએ, તમારે લાંબું જીવવું હોય તો દોડવું જોઈએ.

[2] સૂરજ જ્યારે આથમવાની તૈયારીમાં હોય ત્યાર સુધીમાં તમે કસરત ન કરી હોય, તો માનજો કે દિવસ ફોગટ ગયો.

[3] થાક લાગે તેના જેવી ઊંઘની ગોળીની શોધ હજી થઈ નથી.

[4] હાથ ચલાવવાથી અન્નની કોઠીઓ ભરાઈ જાય છે અને જીભ ચલાવવાથી ખાલી થાય છે.

[5] શરીર પિયાનો જેવું છે અને આનંદ એનું મધુર સંગીત છે. વાદ્ય બરાબર હોય તો જ સંગીત બરાબર વાગે છે.

 

 

 

સાભાર : સૌજન્ય – પૂર્વી મોદી મલકાણ (યુએસએ)

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પરના આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

નોંધ : અનિવાર્ય સંજોગવસાત, હવે પછી આજથી બે થી ત્રણ દિવસ સુધી અમો બ્લોગ પર નવી પોસ્ટ મૂકી શકીશું નહી, નિયમિત રીતે દર રવિવારે માણતા ‘પુષ્ટિપ્રસાદ’ ની પોસ્ટ, હવે પછી નેક્સ્ટ વીકમાં માણી શકશો. અમારા કારણે આપને જો કોઈ તકલીફ પડેલ હોય, તો તે બદલ અમો દિલગીર છીએ. બ્લોગ ની મુલાકાત લેતા રેહશો. સહકારની અપેક્ષા સહ … આભાર ! ‘દાદીમા ની પોટલી’

કેસર : વિશ્વભરનો સૌથી કિંમતી તેજાનો (હેલ્થ ન્યુટ્રિશન) …

કેસર : વિશ્વભરનો સૌથી કિંમતી તેજાનો (હેલ્થ ન્યુટ્રિશન) …

હેલ્થ ન્યૂટ્રિશન – શ્રુતિ

 

 

 

safron

 

 

કેસરનો છોડ અને ફૂલો કોમળ હોવા છતાં તે શિયાળાની માઇનસ દસ ડિગ્રી સેન્ટિગ્રેડ જેટલી ઠંડી સહન કરી શકે છે. બરફની ચાદરનો ટૂંકો ગાળો પણ સહી શકે છે. કાશ્મીર કે જ્યાં ૧૦૦૦થી ૧૫૦૦ મિ.મી. જેટલો વરસાદ પડે છે તેના જેવું ભેજવાળું વાતાવરણ ના હોય તો કેસરના છોડને પાણી આપવાની જરૂર પડે છે. કેસર ઉગાડાતા ગ્રિસ અને સ્પેનમાં પ્રમાણમાં ઓછો વરસાદ થાય છે. કેસરના છોડની વૃદ્ધિમાં યોગ્ય સમયનું હવામાન ખૂબ મહત્ત્વનું છે.

 

 

સુગંધિત મસાલા તરીકે વપરાતું કેસર એ બારમાસી છોડ છે. તેના પર જાંબલી રંગના ફૂલો આવે છે. આ ફૂલોની વિશિષ્ટતા એ છે કે તે પાનખર ઋતુમાં આવે છે અને ૫-૬ પાંખડી ધરાવતા હોય છે. આ ફૂલો બીજ આપતા નથી તેથી કેસરના સંવર્ધન માટે મનુષ્યના પ્રયત્નોની જરૂર પડે છે. છોડના કંદને જમીનમાંથી ખોદી કાઢીને તેને તોડીને ફરી વાવવામાં આવે છે.એક કંદ એક ઋતુ જેટલું જીવે છે. આ કંદ નાના બદામી રંગના ગોળાકાર હોય છે. તેનો પરિઘ સાડા ચાર સેન્ટિમીટર જેટલો હોય છે. તેમાં સમાંતર રેસના અનેક ગાઢા પડ હોય છે.

 

 

અંગ્રેજી  ‘સેફ્રોન’  શબ્દ લેટિન શબ્દ ‘સેફ્રાનમ’  પરથી આવ્યો છે. ઉત્તર-પશ્ચિમ ઇરાનની પ્રાચીન જગ્યાઓમાં કેસરના રંગકણોની સૌ પ્રથમ ભાળ મળી હતી. આ સ્થળના ચિત્રોમાં આ રંગો જોવા મળ્યા હતા. પાછળથી સુમેરિયન્સ લોકો પણ દવાઓમાં તેમ જ જડીબુટ્ટીઓમાં કેસરનો ઉપયોગ કરતા હતા. ઇસુ ખ્રિસ્તની પહેલાં દસમી સદીમાં પર્શિયન લોકો કેસરની ખેતી કરતા હતા. પર્શિયાના ડર્બેના, ઇસ્ફાહાન અને ખોરાસાન ક્ષેત્રોમાં કાપડના વણાટમાં, દેવોની પૂજામાં, રંગ, અત્તર, દવાઓ, ઉબટન વગેરેમાં કેસરના તાંતણાનો ઉપયોગ થતો હતો. ઉદાસીને દૂર કરવા માટે ગરમ ઉકાળામાં કેસર ઉમેરીને પીવડાવવામાં આવતું હતું. આપણા દેશમાં તમિલો બે હજારથી વધુ વર્ષોથી કેસરનો ઉપયોગ કરી રહ્યા છે. યુરોપિયનો તેમના સ્થળાંતર સમયે કેસરના કંદ અમેરિકા લાવ્યા હતા. ઇ.સ.૧૭૩૦માં પેન્સિલ્વાનિયા-ડચે પૂરા પૂર્વીય-પેન્સિલ્વાનિયામાં કેસરની ખેતી વિકસાવી હતી. સ્પેન અમેરિકા પાસેથી કેસર ખરીદતું હતું. પેન્સિલ્વાનિયાના લેન્કેસ્ટર-કાઉન્ટીમાં ઉગાડાતા કેસરને કારણે અમેરિકા વર્ષોથી કેસરની ખેતીનું કેન્દ્ર રહ્યું છે.

 

 

કેસરનું સંવર્ધન

 

 

વસંત-ઋતુમાં સુષુપ્તાવસ્થામાં રહ્યા બાદ કેસરનો છોડ પાંચથી અગિયાર જેટલાં ઊભા-સાંકડા લીલાં પાન ઉત્પન્ન કરે છે. આ પાન આશરે ચાલીસ સેન્ટિમીટર સુધી લાંબા હોય છે. પાનખર ઋતુમાં જાંબલી રંગની કળીઓ આવે છે. ઓકટોબરમાં જ્યારે મોટાં ભાગની વનસ્પતિના બીજ આવી ગયા હોય છે ત્યારે ચમકતા જાંબલી રંગના ફૂલો કેસરના છોડ પર આવે છે. તે સમયે છોડની ઊંચાઇ ત્રીસેક સેન્ટિમીટર જેટલી થાય છે. દરેક ફૂલમાં ત્રિપંખી સ્ત્રી-કેસરના તાંતણા દેખાય છે. દરેક પાંખમાં રાતા રંગના સ્ટિગ્મા હોય છે જે લંબાઇમાં ત્રણેક સે.મી. જેટલાં થાય છે. આ તાંતણા એ જ આપણું કેસર.

 

 

કેસરનો છોડ અને ફૂલો કોમળ હોવા છતાં તે શિયાળાની માઇનસ દસ ડિગ્રી સેન્ટિગ્રેડ જેટલી ઠંડી સહન કરી શકે છે. બરફની ચાદરનો ટૂંકો ગાળો પણ સહી શકે છે. કાશ્મીર કે જ્યાં ૧૦૦૦થી ૧૫૦૦ મિ.મી. જેટલો વરસાદ પડે છે તેના જેવું ભેજવાળું વાતાવરણ ના હોય તો કેસરના છોડને પાણી આપવાની જરૂર પડે છે. કેસર ઉગાડાતા ગ્રિસ અને સ્પેનમાં પ્રમાણમાં ઓછો વરસાદ થાય છે. કેસરના છોડની વૃદ્ધિમાં યોગ્ય સમયનું હવામાન ખૂબ મહત્ત્વનું છે. વસંત-ઋતુમાં વરસાદ અને સૂકો ઉનાળો ઉપયોગી છે. આ સમયનો વરસાદ ફૂલોની બહારને ઉત્તેજન આપે છે. ફૂલોની બહારના સમયનો વરસાદ રોગ અને ઓછી ઊપજનું કારણ બને છે. સતત ભીનું અને ગરમ વાતાવરણ તેમ જ સસલા-ઉંદર અને પક્ષીઓ દ્વારા થતું ખોદકામ વગેરે કેસરના છોડને હાનિ પહોંચાડે છે. નીમાટોડ્સ,પાનનો બગાડ અને કંદમાં સડો વધારાના જોખમો છે. કેસરના છોડને છાંયડાવાળી જગ્યા કરતાં સૂર્યના પ્રકાશવાળી જગા વધુ માફક આવે છે તેથી દક્ષિણ તરફ ઢોળાવ ધરાવતી જગ્યાઓ પર કેસરનાં છોડનું વાવેતર કરવામાં આવે છે. મોટાંભાગે જૂન મહિનામાં કંદને ૭ થી ૧૫ સે.મી. જેટલો ઊંડો રોપવામાં આવે છે. માતૃકા કંદને વાવવાથી ઊંચી કક્ષાનું કેસર મળે છે. જો કે તેમાં ફૂલો ઓછા આવે છે. ઇટાલીમાં ખેડૂતો કંદને પંદર સેન્ટિમીટર ઊંડે વાવીને કેસરનો વધુ પાક લણે છે. તેઓ કેસરના છોડ વચ્ચે બે-ત્રણ સે.મી.નું અંતર રાખીને કતારમાં છોડને વાવે છે. એ જ રીતે અન્ય દેશોમાં છોડને વાવવાની આગવી પદ્ધતિઓ જોવા મળે છે.

 

 

ઉનાળા દરમ્યાનની સુષુપ્તાવસ્થા બાદ કંદમાંથી સાંકડા પાનવાળો છોડ બહાર આવે છે. કળીઓ બેસવાની શરૂઆત પાનખરના શરૂઆત આરંભે થાય છે અને પાનખરની મધ્યમાં ફૂલો આવે છે. કેસરના ફૂલોની લણણી વહેલી સવારે કરવી પડે છે કારણ કે ફૂલો જલદી કરમાઇ જાય છે. બધાં જ છોડ એક કે બે સપ્તાહમાં ખીલી જાય છે.

 

 

ગુણવત્તાનું મૂલ્યાંકન અને વર્ગીકરણ

 

 

લેબોરેટરીના પરીક્ષણો દ્વારા કેસરનું મૂલ્યાંકન અને વર્ગીકરણ કરવામાં આવે છે. રંગ, સ્વાદ અને સુગંધના આધારે આ વર્ગીકરણ થાય છે. આઇ.એસ.ઓ. ૩૬૩૨ દ્વારા સ્થાપિત કરાયેલા ધારાધોરણો મુજબ રંગના આધારે ચાર વર્ગો પાડવામાં આવ્યા છે.

 

 

શ્રેષ્ઠ ગુણવત્તાને પ્રથમ ગ્રેડ આપવામાં આવે છે. તેના આધારે તેની કિંમત નક્કી થાય છે. જો કે ઘણાં ઉત્પાદકો અને વેપારીઓ પોતાની રીતે કેસરનું મૂલ્ય નક્કી કરે છે. સ્પેનિશ કેસરની તુલનાએ ઇટાલીનું કેસર વધુ તીવ્ર હોય છે. ઇરાનનું કેસર સૌથી વધુ તીવ્ર હોય છે. આપણાં દેશની સરકારે કેસરની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હોવાને કારણે પશ્ચિમના દેશો ઊંચુ ભારતીય કેસર આયાત કરી શકતા નથી. ન્યૂઝિલેન્ડ, ફ્રાન્સ, સ્વીત્ઝરલેન્ડ, ઇંગ્લેન્ડ,યુ.એસ. અને બીજા કેટલાક દેશો પણ કેસરની ખેતી કરે છે.

 

 

કેસરનો ઉપયોગ

 

 

જાણકારો અને રસિકો કેસરની સુગંધને ધાતુજન્ય સ્વાદવાળા મધ સાથે સરખાવે છે. જેમાં થોડી ઘાસ જેવી સુવાસ પણ હોય. તેનો સ્વાદ પણ મીઠાશભર્યો અને સૂકા ઘાસ જેવો હોય છે. વાનગીમાં કેસર ઉમેરવાથી વાનગીનો રંગ પીળો કે કેસરી બને છે. દક્ષિણ એશિયા, મધ્ય-પૂર્વ અને યુરોપિયન વાનગીઓમાં કેસરનો બહોળો ઉપયોગ થાય છે. આ સિવાય ઠંડા-ગરમ પીણાં, આઇસક્રીમ્સ, પુડીંગ્સ, કસ્ટર્ડ જેવી મીઠાઇઓ તેમજ સુપ્સ, સોસીસ, બિસ્કિટ કેક્સ અને ચોકલેટ-પીપરમીન્ટ વગેરેમાં તે વપરાય છે. ચીન અને ભારતમાં કેસર કાપડ રંગવા તેમજ અત્તર-ઉદ્યોગમાં વપરાય છે.તે જંતુનાશક તરીકે પણ વપરાય છે.

 

 

કેસરમાં ઘા-જખ્મોને રુઝવવાના ગુણો છે. આધુનિક તબીબ-વિજ્ઞાન કેસરને એન્ટિ-મ્યુટાજેનિક, ઇમ્યુન-મોડયુલેટર-એન્ટિ-ડિપ્રેસન્ટ, એન્ટી-ઓક્સિડન્ટ અને સેક્સ-સ્ટીમ્યુલન્ટ ગણાવે છે. અપચો, હાઇ બી.પી. મેનોપોઝલ-પ્રોબ્લેમ્સ,ગેસ્ટ્રો-ઇન્ટેસ્ટાઇન અને ખસ-ખુજલી પર તે અસરકારક છે. બીજાં કેટલાક અભ્યાસો દર્શાવે છે કે કેસર આંખોના સ્વાસ્થ્યને સુધારે છે અને તીવ્ર પ્રકાશ વગેરે સામે રક્ષણ આપે છે. તે કાર્સિનોજીનેસીસને રોકવાનો ગુણ ધરાવતું હોવાથી કેન્સરની સારવારમાં ઉપયોગી છે. કેસરનો રંગ આપણા ધર્મ અને સંસ્કૃતિમાં હિંમત, બલિદાન, રાષ્ટ્રભક્તિ, વૈરાગ વગેરેનું પ્રતીક છે. તે દૃષ્ટિએ પણ કેસર આપણાં માટે મહત્ત્વ ધરાવે છે. મંદિરોમાં ભગવાનની પૂજા-અર્ચના માટે શુદ્ધ કેસરનો ઉપયોગ કરવામાં આવે છે. અંગકાંતિ માટે વપરાતા ઉબટનોમાં લોશનોમાં કેસરનો ઉપયોગ થાય છે.

 

 

કેસરી અથવા ભગવો રંગ આપણાં દેશની સંસ્કૃતિમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે.

 

 

સંદેશનાં સૌજન્યથી.

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો પૂર્વીબેન મલકાણ (યુ.એસ.એ)  ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

પોસ્ટ પરના આપના પ્રતિભાવ નું સ્વાગત છે, જે અમોને પ્રેરણાદાયી અને માર્ગદર્શક બની રહે છે.

ગુલાબ જાંબુ …(રેસિપી) …

ગુલાબ જાંબુ … (રેસિપી) …

સમય: લગભગ ૧ થી ૧ -૧/૨ -કલાક

 

ગુલાબ જાંબુ (હિંદી :गुलाब जामुन, ઉર્દૂ: گلاب جامن, મરાઠી : गुलाबजाम, કન્નડ : ಜಾಮೂನು) એ ભારતીય ઉપમહાદ્વીપના દેશો જેવાકે ભારત,પાકિસ્તાનશ્રીલંકા, [નેપાળ] અને બાંગ્લાદેશ જેવા દેશોની એક લોકપ્રિય મીઠાઈ છે. આને મેંદો, માવો માંથી બનાવવામાં આવે છે. આને ઘી માં તળીને ચાસણીમાં બોળીને બનાવવામાં આવે છે. આમાં એલચી, ગુલાબજળ, કેવડા કે કેસર જેવા દ્રવ્યો ભેળવવામાં આવે છે. આજ કાલ ગુલાબજાંબુ બનાવવાનો લોટ તૈયાર મળે છે, જેને વાપરીને સરળતાથી એ ગુલાબ જાંબુ બનાવવામાં આવે છે.

ગુલાબ જાંબુ નામ પર્શિયન શબ્દ ગુલાબ, “ગુલાબ જળ” પરથી ઉતરી આવ્યું છે કેમકે ચાસણીને ગુલાબ જળથી સુગંધીત કરાતી. અને તે જાંબુ જેવા દેખાતા હોવાથી તેને જાંબુ કહે છે આમ તે બંને શબ્દ મળી ગુલાબ જાંબુ શબ્દ બને છે.

 

ગુલાબ જાંબુનું એ અરેબિક મીઠાઈ લુકમત અલ-કાદી (ન્યાયાધીશનું બટકું) પરથી ઉતરી  આવી છે.  મોગલ શાસન દરમ્યાન તે ભારત આવી હોવાનું મનાય છે. પ્રાય: આમાં ગુલાબ જળની ચાસણી બને છે અને  કેસર અને મધ ની ચાસણી પણ બને છે. ઓટોમન સામ્રાજ્ય દરમ્યાન તુર્કી  દેશોમાં પણ પ્રસિદ્ધ બન્યું.

– સોર્સ :વિકીપીડિયા 

 

ગુલાબ જાંબુ ઉત્તર ભારતની મીઠાઈ છે. ગુલાબ જાંબુ, માવામાં થોડો  મેંદો નાખીને બનાવવામાં આવે છે. પણ ઘણા લોકો માવા ને પનીર નો ઉપયોગ કરીને પણ બનાવે છે. બંને રીતે ગુલાબ જાંબુ સારા જ બને છે. આજે આપણે ગુલાબ જાંબુ માવા અને પનીરનો ઉપયોગ કરી ને બનાવીશું.

 

સામગ્રી :

૨૫૦ ગ્રામ માવો (૧-૧/૪  – કપ)

૧૦૦ ગ્રામ પનીર (૧/૨ – કપ)

૨૦  ગ્રામ મેંદો (રિફાઈન્ડ – ફ્લોર) (૧-ટે.સ્પૂન)

૧૫-૧૬ નંગ કાજૂ (૧ –કાજૂના ૭-૮ ટુકડામાં સમારવું)

૨૫-૩૦ નંગ કિસમિસ

૬૦૦ ગ્રામ ખાંડ (૩-કપ)

૨૫૦ ગ્રામ ઘી (૧-૧/૪ – કપ)

૨-૪ નંગ એલચી ( દાણા ને અલગ કરી નાંખવા) (પસંદ પડે તો જ )

 

રીત :

માવા, પનીર અને મેંદા ને એક મોટા વાસણમાં રાખી ત્યાં સુધી તેને મસળવો અને નરમ અને મુલાયમ બનાવવો અને ગુંથવો.  બસ ગુલાબ જાંબુ બનાવવા માટેનો માવો તૈયાર છે.

ગુલાબ જાંબુને તળતા પહેલાં તેની ચાસણીને  બનાવી તૈયાર કરી લેવી.

 

ચાસણી બનાવવાની રીત :

એક વાસણમાં ખાંડમાં ૩૦૦ ગ્રામ પાણી મિક્સ કરવું (ખાંડથી અડધું પાણી લેવું) અને ગેસ પર ચાસણી બનાવવા ગરમ કરવા મુંકવું.

ચાસણીમાં જ્યારે ઉફાળો આવે, ત્યારબાદ, ૪-૫ મિનિટ સુધી વધુ પાકવા દેવી. ચાસણી એક તાર ની બનાવવાની હોય એક કે બે ટીપાં પાડી અંગુઠા અને આંગળી વચ્ચે મૂકી અને ચેક કરી લેવી કે ફક્ત એક જ તારની હોવી જોઈએ. આમ એક તારની ચાસણી બનાવી દીધા બાદ, ઠંડી પડે એટલે ગાળી લેવી. (ગરણી /ચારણીથી).

 

ગુલાબ જાંબુ બનાવવાની રીત :

આગળ તૈયાર કરેલ માવામાંથી ૧-ચમચી (થોડો માવો) આંગળીની મદદથી કાઢી, અને હથેળીમાં  દાબી ચપટો આકાર દેવો, અને આકારમાં કાજૂ અને કિસમિસ થી ભરવું અને ચારે બાજુથી બંધ કરી ને બંને હાથેથી ગોળ આકાર આપી ગોળો બનાવવો. એલચીના દાણા જો પસંદ હોય તો તે પણ મિક્સ કરી શકાય છે. બસ આજે રીતે બધાજ માવાનો નાના ગોળા ગોળા બનાવવા.

એક કડાઈમાં ઘી નાંખી ગરમ કરવું. બધાજ ગુલાબ જાંબુ તળતા પેહલાં એક ગોળાને કડાઈમાં નાંખી તળી અને ચેક કરી લેવું કે ગોળા તળવા જતાં ફાટી નથી જતો ટે ચેક કરવું. જો ઘીમાં ગોળો ફાટી જતો હોય તો તેમાં થોડો મેંદો ઉમેરવો જરૂરી છે. (માવામાં મિક્સ કરવો)

બસ, ત્યારબાદ, કડાઈના માપ/ સાઈઝ ને ધ્યાનમાં રાખી ૩-૪ કે તેથી વધુ ગોળા કડાઈમાં નાંખી અને તળવા. ગેસની ફ્લેમ ધીમી રાખી અને ચમચા / ઝારાની મદદથી ઘી ઉપર રેડતા જવું અને તળવું. તળેલા ગુલાબ જાંબુ એક પ્લેટમાં અલગ રાખી દેવા. થોડા, ઠંડા થઇ ગયા બાદ બે (૨) મિનિટ બાદ, ચાસણીમાં ડુબાડી દેવા. આજ રીતે બધા જ માવાના ગોળાને તળી અને ચાસણીમાં ડૂબાડવા.

તળેલાં ગુલાબ જાંબુ આ ચાસણીમાં ૮-૧૦ કલાક મીઠાં રસમાં રાખવાથી મીઠાં અને સસ્વાદિષ્ટ જાંબુ રસ પીને બની જશે.

બસ, ગુલાબ જાંબુ તૈયાર છે. જેને ગરમા-ગરમ અથવા ઠંડા પીરસવા.

 

સુજાવ :

૧]     જો ગુલાબ જાંબુ ઘી માં ફાટી જાય તો કે વધુ નરમ લાગે તો માવામાં થોડો મેંદો વધુ મિક્સ કરવો.

૨]     જો તે વધુ કઠણ બની જાય તો માવાના લોટમાં ૧-૧/૨ ટે.સ્પૂન દૂધ મિલાવી અને માવાને સારી રીતે મસળવો.

૩]     વધુ ગરમ ચાસણીમાં ગુલાબ જાંબુ ન નાંખવા.

૪] એલચીનો ઉપયોગ પણ કરી શકાય છે.

 

બ્લોગ લીંક: http://das.desais.net

email: [email protected]

 

ગુલાબ જાંબુની રેસિપી ની પોસ્ટ જો તમને પસંદ આવી હોઈ તો અધિક માસ દરમ્યાન બનવવાની કોશિશ જરૂર ઘેર કરશો., અને આપના અનુભવ બ્લોગ પોસ્ટ પર આવી પ્રતિભાવ / કોમેન્ટ્સ બોક્ષમાં જણાવશો.

સેવ ખમણી … (અમીરી ખમણી) …

સેવ ખમણી … (અમીરી ખમણી) …

 

સેવ ખમણીની તસ્વીર નેટ જગતને આભારી છે.

 

 

તેહવારના દિવસો નજીક હોય, રજાનો માહોલ પણ તે સમયે ઘરમાં હોય, કોઈ એવી વાનગી બનાવી કે જે ખૂબજ સરળ હોય અને ખાવની પણ દરેક ને પસંદ આવે. સેવ ખમણી બનાવવી ખૂબજ સરળ છે. સેવ ખમણી – અમીરી ખમણી એ મૂળ તો સુરતી ચટાકાની વાનગી છે,પરંતુ હાલ અમદાવાદમાં દાસની સેવ ખમણી સુરતનું અંતર ભૂલાવી દે એવી હોય છે એટલે અમદાવાદમાં પણ સેવ ખમણી ઠીક ઠીક લોકપ્રિય થઈ છે. સેવ ખમણી ને અમીરી ખમણી તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તેમાં તેલનું પ્રમાણ ઉપયોગમાં વધુ લેવાતું હોય છે. જે કારણે તે અમીરી ખમણી પણ કહેવાય છે.

સેવ ખમણી બનાવવાની રીત અનેક છે, પરંતુ માર્કેટ/ બજારમાં મળતી સેવ ખમણીની એક સર્વ સામન્ય પદ્ધતિ છે, હા, દરેક બનાવનાર ની હથરોટી પ્રમાણે સ્વાદ / ટેસ્ટ કદાચ અલગ અલગ પામવા મળે. તો ચાલો સેવ ખમણી બનાવવાની સર્વ સામન્ય રીત સાથે અન્ય રીત પણ આપણે આજે જાણીશું અને માણીશું.

રીત નં … ૧

સામગ્રી :

૧-૧/૪ કપ ચણા ની દાળ
૧/૨ કપ તેલ
૧ નાનો ટુકડો આદુ નો
૮-૧૦ નંગ લીલાં મરચાં (જીણા-તીખા)
૧/૪ કપ ખાંડ (૨ – ટે.સ્પૂન ખાંડ)
૧/૪ ટે.સ્પૂન હળદર પાઉડર
૨ ટે.સ્પૂન લીંબુ નો રસ (અથવા ૧ ટે.સ્પૂન લીંબુ ના ફૂલ /સાઈટ્રિક એસિડ)
૧ ટે.સ્પૂન રાઈ અથવા જીરૂ ( પસંદ હોય તે ઉપયોગમાં લઇ શકાય)
૧ પીંચ / ચપટી હિંગ (પસંદ હોય તો જ )
૧/૨ કપ લીલી કોથમીર જીણી સમારેલ
૧૫૦-૨૦૦ ગ્રામ જીણી (નાઈલોન) સેવ ( અથવા મીડીયમ સેવ)
૪-૬ નંગ મીઠા લીમડા ના પાન (કરી પત્તા)

 

રીત:

ચણાની દાળ ને અગાઉથી ૩-૪ કલાક માટે પાણીમાં પલાળીને રાખવી. ત્યારબાદ પાણીમાંથી બહાર કાઢી અને મિક્સરમાં કે વાટવાની પથ્થરની કૂંડીમાં પીસવી. ધ્યાન રહે કે સાવ લીસી / મુલાયમ પીસવાની નથી. પીસતી સમયે જરૂર લાગે તો થોડું પાણી ઉંમેરી શકાય છે.

આદુ – મરચાને પીસી અને તેની પેસ્ટ બનાવી અલગથી રાખી દેવા. તમને પસંદ હોય તો લસણની પણ પેસ્ટ બનાવી અલગ રાખી દેવી. ( ૬-૮ કળી લસણ લઇ અને તેને વાટી લેવું.)

એક નોન સ્ટિક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું. તેમાં રાઈ / જીરૂ જે પસંદ હોય તે નાંખી અને તેને શકવી. (તતડાઈ જાય ત્યાં સુધી) અને શેકાઈ જાય કે તૂરત તેમાં હિંગ નાખવી ૨-૩ સેકન્ડ રાખી મિક્સ કરવું. કરી પત્તા નાંખવા. ત્યારબાદ પીસેલી ચણાની દાળ તેમાં ઉમેરવી અને તેને પાકવા દેવી. જો દાળ વધુ પડતી સૂકી/ ડ્રાઈ થઇ જતી હોય તેવું લાગે તો થોડું થોડું પાણી ઉમેરવું / નાખવું અને તેને પાકવા દેવી. (કોઈ કોઈ લોકો પાણી ને બદલે દૂધનો ઉપયોગ પણ કરતાં હોય છે, ૩-૪ ચમચી દૂધ ૨-૩ વખત થોડા થોડા અંતરે ઉપયોગમાં લઇ શકાય. (લગભગ ૧/૨ કપ જેટલું દૂધ ) ) દાળ પાકી જશે એટલે તેલ છૂટું પડશે. (સામન્ય તેલ,) દાળ કડાઈને ચોંટશે નહિ, કિનારીથી અલગ પડી જશે. ત્યારબાદ, આદુ, મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરવી અને ૩-૪ મિનિટ માટે હલાવતાં રેહવું અને શેકવી.

ત્યારબાદ ખાંડ નાખવી અને પાંચ મિનિટ માટે મિક્સ કરી સતત હલાવવું.ત્યારબાદ મીઠું પ્રમાણસર ઉમેરવું અને લીબુનો રસ નાંખી અને મિક્સ કરવો. અને ૩-૫ મિનિટ અંદાજે શેકવી અને તાપ બંધ કરી દેવો અને કડાઈ ગેસ પરથી નીચે ઉતારી લેવી. લીલી સમારેલી કોથમીર છાંટવી. અને ગરમા ગરમ ખમણી ઉપર સર્વ કરો ત્યારે ન્ઝીલોન સેવ ને છાંટવી. અને સર્વ કરવી.

 

સુજાવ :

૧] રાઈ –જીરૂ ને સાંતળી લીધાં બાદ, આદુ. લસણ અને મરચાની પેસ્ટ નાંખી શકાય છે અને તે સાંતળી લીધાં બાદ, દાળ ને નાખવી.

૨] ખાસ ધ્યાન રહે કે પૂરી ખમણી સાવ ધીમા તાપે શેકવાની છે.

૩] કોઈ કોઈ લોકો પાણી ને બદલે દૂધનો ઉપયોગ પણ કરતાં હોય છે, ૩-૪ ચમચી દૂધ ૨-૩ વખત થોડા થોડા અંતરે ઉપયોગમાં લઇ શકાય. (લગભગ ૧/૪ કપ જેટલું દૂધ ) ) દાળ પાકી જશે એટલે તેલ છૂટું પડશે. સામન્ય તેલ, દાળ કડાઈને ચોંટશે નહિ અલગ પડી જશે. ત્યારબાદ, આદુ, મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરવી અને ૩-૪ મિનિટ માટે હલાવતાં રેહવું અને શેકવી.

૪] ધ્યાન રહે કે ખમણી સર્વ કરો ત્યારે જ ઉપર સેવ છાંટવી, નહિ તો સેવ હવાઈ ને ઢીલી પડી જશે તો ખાવાના ઉપયોગમાં પસંદ નહિ આવે.

૫] સેવ ખમણી ને અમીરી ખમણી પણ કહીએ છીએ, તો તમને પસંદ હોય તો કાજુ અને કીસમીસ નો ઉપયોગ પણ કરી શકાય છે.

૬] સેવ ખમણી સાથે સર્વ કરો ત્યારે લીલાં મરચાં તળી ને આપી શકાય. અથવા લીલી કોથમીર ની ચટણી, કે લસણ ની ચટણી સાથે સર્વ કરી શકાય.

૭] ૧૨૫ ગ્રામ ચણા ની દાળ લઈએ તો તેમાં ૩ ટે.સ્પૂન ખાંડ, ૧ ટે.સ્પૂન લીંબુનો રસ, ૧/૨ કપ દૂધ ઉપયોગમાં લઇ શકાય. (દૂધ નો ઉપયોગ ના કરવો હોય તો પાણી નો ઉપયોગ કરી શકાય છે.) સામન્ય સંજોગમાં પાણીનો ઉપયોગ કરવો.

 

રીત નં. … ૨

સામગ્રી:

૫૦૦ ગ્રામ ચણાની દાળ
૨૦૦ – ૨૫૦ ગ્રામ તેલ
૧/૨ ચમચી રાઈ
૧ ચમચી તલ
૧ ચમચી વાટેલું લસણ
૨ ચમચી વાટેલાં આદુ -મરચાં
૧ ચમચી ખાંડ
૧ લીંબુ
૨૫૦ ગ્રામ ઝીણી (નાઈલોન) સેવ,
૧/૨ કપ કોપરાની છીણ
૧ દાડમ
૪ ચમચી ઝીણી સમારેલી કોથમીર
પ્રમાણસર મીઠું

 

રીત:

ચણાની દાળને છ થી આઠ (૬-૮) કલાક પાણીમાં પલાળીને વાટો. હવે તેને કૂકરમાં વરાળથી બાફીને ચાળણાથી ચાળી નાખો.
એક વાસણમાં વઘાર માટે તેલ, રાઈ, તલ મૂકીને વાટેલું લસણ નાખી વધારો. તેમાં દાળ નાખો. મીઠું, વાટેલા મરચાં, ખાંડ નાખો. થોડું પાણી નાખો. લીંબુ નીચોવો.

 

સાંતળાઈ જાય એટલે નીચે ઉતારી ડીશમાં કાઢી તેની પર ઈચ્છા મુજબ ઝીણી સેવ, કોપરાની છીણ, લાલ દાડમ અને કોથમીર ભભરાવીને પીરસો.

 

 

રીત નં …૩

ઉપરોક્ત બે રીત સિવાય, એક અન્ય રીત છે. કોઈ કોઈ લોકો નાઈલોન ખમણ ઢોકળા પહેલાં બનાવે છે અને ત્યાર બાદ,તે ખમણનો ભૂકો કરી અને તેને વઘારે છે અને તેનો સેવ ખમણી તરીકે ઉપયોગ કરે છે. આવા સમયે ખાસ ધ્યાન રહે કે નાઈલોન ઢોકળા બની ગયાં બાદ, તૂરત જ તેનો ભૂકો ના કરતાં ૩-૪ કલાક માટે ઢોકળા ઠંડા થવા દેવા, અને ત્યારબાદ, તેનો ભૂકો કરી અને ઉપર મુજબ વઘાર કરવો. ગરમા –ગરમ ઢોકળાનો ભૂકો કરશો તો તે ભૂકો છૂટો ના થતાં ચોંટશે અને ખમણી બરોબર નહિ લાગે.

 

ખમણી :

 

સામગ્રી :

(૧) ૩ કપ ચણાની દાળ

(૨) ૧ – કપ ચોખ્ખા

(૩) ૧ કપ અળદની દાળ

(૪) મીઠું

(૫) ખાંડ

(૬) ખાવાનો સોડા

(૭) તેલ

(૮) આદુ -મરચા

(૯) રાય

(૧૦) લસણ

(૧૧) હળદર

(૧૨) નાળિયેરનું ખમણ

(૧૩) કોથમીર

બનાવવાની રીત:

દાળ ને ચોખા ને સવારે પલાળી અને રાત્રે મીક્ષરમાં પીસી પેસ્ટ કારી દેવી.

મિકશીમાંથી પેસ્ટ બહાર કાઢી હલાવી અને બીજે દિવસે સવારે પેસ્ટમાં સ્વાદ અનુસાર મીઠું નાખવું.

ત્યારબાદ તેમાં આદુ -મરચાની પેસ્ટ, ૧ ચમચી હળદર, અને ૧ ચમચી  ખાવાનો સોડા નાખવો અને તે મિક્સ કરી અને થાળીમાં તેલ લગાડી અને ઢોકળાનું ખીરું તેમાં પાથરવું., અને ઢોકળાના ડબ્બામાં થાળી વરાળમાં મુકવી. ૫-૭ મીનીટમાં પાકી જશે., તે પાકી ગયા છે કે નહિ તે ચેક કરવા છરી તેમાં નાખી ચેક કરવું., જો છરીમાં કશું ચોટેલ ન હોય તો તે પાકી ગયા છે.

ત્યારબાદ, થાળી નીચે ઉતારી અને ઢોકળાને તાવિથાથી બહાર કાઢી અને તેનો ભુક્કો કરી એક કળાઈમા વઘાર માટે તેલ, રાય થોડી મૂકી અને તેમાં ખમણ નો ભુક્કો નાખવો., થોડું મિક્સ થઈ ગયાબાદ તેમાં લસણની પેસ્ટ, અને ૨ ચમચી ખાંડ ત્યારબાદ નાખવી., અને મિક્સ કરી તેને નીચે ઉતારી લેવું.

ગાર્નીસિંગ  (સુશોભન):

એક કાચના વાસણમાં / બાઉલમાં ખમણ કાઢી અને તેના ઉપર નાળિયેરનો ભુક્કો, સેવ અને કોથમીર છાંટવા., અને પછી પીરસવું.

કાજુ અને દ્રાક્ષ પણ અંદર નાખી શકો.

સંકલિત …

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
Email: [email protected]

 

 

‘સેવ ખમણી/ અમીરી ખમણી ..’ ની અલગ અલગ રીતની પોસ્ટ પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર જરૂર મૂકશો. આભાર .. ! ‘દાદીમા ની પોટલી’.

કચ્છી દાબેલી …

કચ્છી દાબેલી …

તસ્વીર નેટ જગતને આભારી છે.

મૂળ કચ્છ -માંડવી માં જેનો ઉદ્ભવ સ્થાન છે, તે દાબેલી આજે કચ્છી દાબેલી તરીકી ફક્ત ગુજરાત-કચ્છમાં જ નહિ પરંતુ ભારતના મુખ્યત્વે અનેક શહેર અને રાજ્યોમાં અતિ પ્રચલિત છે. કચ્છમાં માંડવી – ભુજ વિગેરે શહેરમાં તેનો સ્વાદ માણવા જેવો છે. અમારે અહીં લંડન માં પણ ગુજરાતી રેસ્ટોરેન્ટમાં દાબેલી જોવા મળે છે. ચાલો આજે આપણે દાબેલી બનાવવાની રેસિપી જાણીશું અને માણીશું.

 

દાબેલી નો મસાલો …

 

સામગ્રી :

 

૧ નંગ લાલ મરચું
૧ ચમચી ધાણા
૪-૫ નંગ લવિંગ
૧ નંગ તજ નો ટુકડો
૨ ચમચી જીરું
૧/૨ ચમચી મરીનો ભૂકો
૨૫ ગ્રામ તલ નો ભૂકો
૧૦ ગ્રામ વરીયાળી
૧/૨ ટી. સ્પૂન હળદર
૧ ટે.સ્પૂન સૂકા કોપરા. નાળીયેરનું ખમણ
૧ ટી.સ્પૂન ખાંડ
૧/૨ ટી.સ્પૂન આમચૂર પાઉડર
૧ ટી.સ્પૂન તેલ

 

રીત:

એક કડાઈમાં તેલ મૂકી અને ગરમ કરવા મૂકો, તેમાં દાબેલીના મસાલા ની સામગ્રી હળદર, ખાંડ અને આમચૂર પાઉડર સિવાયના બધા મસાલા શેકી લો અને મસાલા ઠંડા પડે એટલે ખાંડ, હળદર, આમચૂર પાઉડર અને મીઠું મિક્સ કરી બધીજ સામગ્રી મિક્સર માં દળીને મસાલો તૈયાર કરી લેવો. અને એક એરટાઈટ ડબ્બીમાં ભરી લેવો.

 

સ્ટફિંગ / પૂરણ માટે ...

 

સામગ્રી :

૧ કપ બાફેલા બટેટા નો છૂંદો ( મેસ કરેલ બટેટા)
૧/૨ ચમચી જીરૂ
૧ પીંચ હિંગ
૨ ટી.સ્પૂન દાબેલી નો મસાલો (ઉપર ના મસાલા માંથી)
૨ ટે.સ્પૂન (ચમચા) ખજૂર આમલી ની ચટણી
૨ ટે.સ્પૂન (ચમચા) તેલ
મીઠું સ્વાદ અનુસાર
૧૨-૧૫ નંગ દાબેલી ના બર્ન – પાઉં (બ્રેડ) (નાના-મિડ્યમ)
બટર અથવા તેલ

 

સર્વ કરવા માટે …

 

૧ કાંદા બારીક સમારેલા
૧/૨ કપ શેકેલા શીંગ દાણા (મસાલા વાળા હોય તો તે ઉપયોગમાં લેવા)
૧/૨ કપ લીલી કોથમીર સમારેલી
૧ કપ નાઈલોન સેવ
૧/૨ કપ દાડમના દાણા
લસણ ની ચટણી
૫-૬ ટે.સ્પૂન ખજૂર – આમલી ની ચટણી
આંબોળીયા ની ચટણી

આંબોળીયા ની ચટણી બનાવવાની રીત અને સામગ્રી :
૧-૨ ચમચી આંબોળીયા પાઉડર
૧ લીંબુ
૨-૪ ચમચી ખાંડ / ગોળ
૧ ચમચી ગરમ મસાલો

બધીજ સામગ્રી મિક્સ કરી અને જરૂરી પાણી ઉમેરી મિક્સ કરવું, અને થોડું ગરમ કરવું. બસ ચટણી તૈયાર થઇ જશે.

દાબેલી નું સ્ટફિંગ બનાવવાની રીત :

એક કડાઈમાં જરૂરી તેલ લઇ અને ગરમ કરવા ગેસ પર મૂકો. ત્યારબાદ, તેમાં જીરૂ નાંખી અને શેકો, જીરૂ શેકાઈ જાય કે તરત હિંગ નાખો, ત્યારબાદ તૈયાર કરેલ દાબેલીનો મસાલો નાખો, (સ્વાદ અનુસાર) બટેટા મેશ કરેલ (છૂંદો) નાંખી અને મિક્સ કરો તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખો અને ત્યારબાદ અડધો કપ પાણી નાંખીને સરખી રીતે મિક્સ કરી થોડો સમય ચડવા દયો. ત્યારબાદ ગેસ બંધ કરી અને પૂરણ /સ્ટફિંગ ને ગેસ પરથી ઉતારી લ્યો. ત્યારબાદ તેમાં ૨ ચમચા ખજૂર – આમલીની ચટણી નાંખી અને સરખી રીતે મિક્સ કરો. બસ દાબેલી નું સ્ટફિંગ તૈયાર છે.

 

સૌ પ્રથમ દાબેલી નું બર્ન / પાઉં હાથમાં લયો અને તને છરીથી વાછેથી કાપ મૂકી અને બે ભાગ કરવાના છે. બંને ભાગને બટર લગાડી અને તવા પર શેકી લો. ત્યારબાદ પાઉંના નીચે તરફના ભાગમાં (બોટમ તરફના) ઉપર ચટણી લગાડો અને તૈયાર કરેલ સ્ટફિંગ ઉપર મૂકો અને સ્પ્રેડ કરવું / પાથરવું. ત્યારબાદ, તેના પર કાંદા (જીણા સમારેલા), મસાલા વાળા શિંગ દાણા, લસણની ચટણી તથા ખૂજ-આમલી ની ચટણી લગાડો અને તેની ઉપર દાડમ ના દાણા, કોથમીર અને ઉપર નાઈલોન સેવ મૂકો અને પાઉંના અન્ય ભાગમા ચટણી લગાડી અને તે ઢાંકી ને બંધ કરો (કવર કરો) અને તેને ફરી તાવા પર થોડું ગરમ કરી અને ગરમા ગરમ દાબેલી સર્વ કરો.

 

લીલી ચટણી – લસણની ચટણી – ટામેટા સોસ -કેચપ સાથે સર્વ કરી શકાય છે.

 

નોંધ: અહીં દર્શાવેલ અલગ અલગ ચટણી ની રેસિપી બ્લોગ પર ચટણીની કેટેગરી પરથી મેળવી શકાશે.

સુજાવ:

સ્ટફિંગ તૈયાર કરો ત્યારે તેમાં દાડમના દાણા પણ મિક્સ કરી શકાય છે, અને ઉપર ગાર્ન્સિંગમાં જ ફક્ત ઉપયોગ કરવા હોય તો તેમ પણ કરી શકાય છે.

આદુ -લીલા મરચાની પેસ્ટ નો પણ ઉપયોગ કરી શકાય છે. અથવા લીલા મરચાં પસંદ હોય તો તેણે બારીક સમારી સ્ત્ફીન્ગમાં ઉપયોગમાં લઇ શકાય છે.

હાલમાં આપણી માર્કેટમાં પણ દાબેલીના મસાલા ના તૈયાર પેકેટ મળે છે, જેનો ઉપયોગ પણ કરી શકાય છે.

 

બ્લોગ લીંક: http://das.desais.net
Email: [email protected]

 

‘કચ્છી દાબેલી’ ની રેસિપી જો આપને પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકવા વિંનતી. આભાર ! ‘દાદીમા ની પોટલી’ …

ઉત્તપમ મસાલો …

ઉત્તપમ મસાલો …

 

સામગ્રી :

૭ – ૮ નંગ આખા સૂકા મરચાં 

૨  ચમચા ચણાની  દાળ 

૧/૪ ચમચી – હિંગ 

મીઠું સ્વાદ અનુસાર

૨ ચમચા – તલ 

૧ ચમચી  –  તેલ  

 

રીત : 

 

૧) તેલ ગરમ કરી તેમાં હિંગ નાખવી.

૨) હિંગ ચણાની દાળ અને મરચાં નાખી ફરી શેકવું.

૩) જ્યારે ચણાની દાળ અને મરચાં શેકાવા આવે ત્યારે તેમાં તલ નાખી ફરી શેકવું.

૪) જ્યારે બધું ફરી શેકાઈ જાય પછી તેને સાઈડમાં કાઢી લેવું.

૫) આ મસાલો ઠંડો થયા પછી તેને મીઠું નાખી વાટી લેવો 

 

નોંધ: આ મસાલાને ખાતી  વખતે તેમાં તેલ અથવા ઘી નાખવાંમાં આવે છે.

 

સાભાર : પૂર્વી મલકાણ મોદી- (યુ એસ એ)

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

આજની ઉત્તપમ મસાલા રેસિપી ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ પૂર્વિબેન ના અમો આભારી છીએ. આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર જરૂર મોકવા વિનંતી…. આભાર !

પનીર કાજૂ પસંદા …

પનીર કાજૂ પસંદા …

 

રજાના દિવસો કે વીક એન્ડ હોય ત્યારે રસોઈ કરવાની દરેક બહેનો ને ઘરમાં તકલીફ હોય છે કે શું ખવડાવું? બાળકોની પસંદગી અને મોટાની પસંદગી બંને ને ધ્યાનમાં રાખી બનાવવું પડે. હવે બાળકોને આપને પૂછીએ કે તમારે શું ખાવું છે અજ્જે ? તો તેઓ કહેશે કે મમ્મી કશુંક સારું બનાવજે. આપને કહીશું કે શું સારું ? નામ આપો. તો તેઓ પાસે જવાબ નહિ હોય. તેઓ કહેશે કે એવું કશુંક બનાવો કે જે મજા આવી જાઈ. આ જવાબ મમ્મીઓ માટે મુશ્કેલી ઉભી કરી દેતો હોય છે.

ચાલો આજે આપણે એક નવી શબ્જી … ‘પનીર કાજૂ પસંદા’ … બનાવીએ જે બાળકોને પણ પસંદ આવશે  અને મોટાને તો આવશે જ !

 

સામગ્રી :

૪૦૦ ગ્રામ પનીરની ચોરસ સ્લાઈઝ
૧૫-૨૦ નંગ કાજૂના નાના ટુકડા
૧ ટે.સ્પૂન ખમણેલું પનીર
૧/૨ ટે. સ્પૂન ખમણેલું નાળિયેર
૧ ટે.સ્પૂન લીલી કોથમીર (સમારેલી)
૬-૭ ટીપાં લાલ ફૂડ કલર (જો પસંદ હોય તો)
૧ ટે.સ્પૂન ગ્રીન ચટણી
તેલ તળવા માટે જરૂરી …

 

ખીરા માટે …

 

સામગ્રી :

 

૧ ટે.સ્પૂન મેંદો
૧ ટે.સ્પૂન કોર્ન ફ્લોર (મકાઈ નો લોટ)
૮-૧૦ ટીપાં રેડ અથવા ઓરેન્જ કલર (ફૂડ કલર)
૧/૨ ટી.સ્પૂન લાલ મરચાનો પાઉડર
મીઠું સ્વાદ અનુસાર ..

 

રીત:

ખીરા માટે ની ઉપરોક્ત બધી જ સામગ્રી મિક્સ કરી થોડું પાણી ઉંમેરી અને મિડ્યમ –ખીરું તૈયાર કરવું.

પનીરની ૫-૬ સ્લાઈઝ બનાવી અને તેની પર પર લીલી ચટણી લગાવો. કાજૂના ટુકડાને તેલમાં તળી અને આછા ગુલાબી થાય એટલે કિચન પેપર નેપકીનમાં કાઢી લેવા અને   લેવા ત્યારબાદ કાજૂના ટુકડા, (સાવ જીણા ટુકડા) ખમણેલું પનીર, અને કોથમીર ..બધીજ સામગ્રી મિક્સ કરો, (અથવા મિક્સરમાં કાજુના ટુકડા ક્રશ પણ કરી શકાય છે) તેમાં રેડ કલર ઉંમેરો અને જે માવો/પૂરણ/ ફીલિંગ્સ તૈયાર થાય તે પનીરની સ્લાઈઝ પર લગાવો. બધીજ સ્લાઈઝ પર વ્યવસ્થિત મસાલો લગાવી આપવો અને ત્યારબાદ, તે સ્લાઈઝ ને ખીરામાં ડૂબાડી અને કડાઈમાં તેલ નાંખી અને તેમાં તળી લો.

 

 

ગ્રેવી માટે …

 

સામગ્રી :

૨ ટે..સ્પૂન તેલ
૧ ટી.સ્પૂન લસણ ની પેસ્ટ (૨-૩ કળી)
૧/૨ ટી.સ્પૂન ગરમ મસાલો
૧ ટી. સ્પૂન લાલ મરચાનો પાઉડર
૧/૨ ટી.સ્પૂન કિચન કિંગ મસાલો
૧ ટે..સ્પૂન કસૂરી મેથી
૧ ટે.સ્પૂન જીણી સમારેલ લીલી કોથમીર
૧ ટી. સ્પૂન ખાંડ
૧ કપ ટામેટા ગ્રેવી
૧ ટે.સ્પૂન ઓનિયન ગ્રેવી (૨ કાંદાની)
૬-૭ ટીપાં રેડ કલર
૧ ટે.સ્પૂન પનીર ખમણેલું
૧ ટી. સ્પૂન ખસખસ ની ગ્રેવી
૨ ટે.સ્પૂન ક્રીમ
મીઠું સ્વાદ અનુસાર ..
અમૂલ બટર

 

રીત:

 

એક કડાઈમાં તેલ લઇ તેમાં લસણની પેસ્ટ અને સાંતળો. ત્યારબાદ ગરમ મસાલો, લાલ મરચાનો પાઉડર, કિચન કિંગ મસાલો, કસૂરી મેથી, નાંખી સાંતળો. મસાલામાંથી તેલ અલગ પડી ને બહાર દેખાવા લાગે ત્યારબાદ, ટામેટાની પ્યૂરી અને કાંદાની ગ્રેવી (પેસ્ટ) ખસખસ પેસ્ટ, ખાંડ અને મીઠું સ્વાદ અનુસાર નાંખી અને ૧/૨ કપ પાણી ઉમેરો. રેડ કલરના થોડા ટીપાં નાંખો.(કલર પસંદ હોય તો જ ઉપયોગ કરવો) ( ગ્રેવી કેટલી પતલી કે ઘાટી રાખવી છે તે મુજબ પાણી ઉમેરવું. ) ત્યારબાદ ખમણેલું પનીર પણ નાખો અને પાકવા દયો. બસ ગ્રેવી તૈયાર છે. ઉપર થોડું ક્રીમ નાખો અને સર્વ કરતી વખતે પનીરના તળેલાં પીસ ગોઠવી તેની ઉપર ગ્રેવી નાંખી અને ઉપર અમૂલ બટર થોડું નાખવું અને પીરસવું.

અથવા …

સુજાવ :

 

બીજી રીત : પનીર ના ૧-૧/૨ ઈંચના ચોરસ ટુકડા કરી અને તેને ઘી / તેલ માં તળી લેવા અને ગોલ્ડન બ્રાઉન ક્લાર થાય ત્યાં સુધી તળવા. તળી લીધાં બાદ તે પનીરના ટુકડાને ગરમ પાણીમાં પાંચ મિનિટ માટે રાખવા અને ત્યારબાદ બહાર કાઢી પાણી ને ટુકડાને બે હાથે પ્રેસ કરી અને કાઢી/ નીચોવી લેવું. આમ કરવાથી પનીર નરમ રહશે. બસ, ત્યારબાદ, ઉપર મુજબ ગ્રેવી બનાવી અને તેમાં આ ટુકડા નાંખવા અને સર્વ કરો ત્યારે માથે થોડું બટર નાંખી અને સર્વ કરવું.

 

સાભાર :રેસિપી સાથે મૂકેલ  તસ્વીર બદલ  નેટ જગતને આભારી છીએ …

 

સાભાર : સૌજન્ય : રીટાબેન અને સીમાબેન છાયા …

 

બ્લોગ લીંક : http://das.desais.net
Email: [email protected]

 

‘દાદીમા ની પોટલી’ પર આજની રેસિપી મોકલવા બદલ અમો રીટાબેન તેમ સીમાબેન છાયા ના અંતરપૂર્વક્થી આભારી છીએ. આપને આજની ઉપરોક્ત રેસિપી પસંદ આવી હોય તો આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર જરૂર મૂકશો, જે સદા અમોને પ્રેરણાદાયી બની રહે છે. … આભાર ! ‘દાદીમા ની પોટલી’

વેજ. કોલ્હાપૂરી …

વેજ. કોલ્હાપૂરી … (વેજીટેબલ કોલ્હાપૂરી)…

 

 

 

સામગ્રી :

 

૬-૭ નંગ કાંદા (ડુંગળી) ના ચોરસ ટુકડા
૬-૭ નંગ કેપ્સીકમ (ગ્રીન પેપર) ના ચોરસ ટુકડા
૬-૭ નંગ ટામેટા ના ચોરસ ટુકડા
૧૧/૨ – કપ બાફેલા શાક ( વટાણા, ગાજર, ફણસી અને ફ્લાવર)
(શાકને મોટા ટૂકડામાં સમારવું)
(બધાજ શાક ને થોડા કડક રહે તેમ બાફવા નરમ ના થઈ જાય તે ધ્યાનમાં રહે.)

૧ ટે.સ્પૂન લસણ વાટેલું (લસણ ની પેસ્ટ)
૩ ટે.સ્પૂન તેલ અથવા બટર
૨ ટે.સ્પૂન કાંદાની ગ્રેવી (Chopped)
૨ ટે.સ્પૂન ટામેટાની ગ્રેવી (Chopped)
૧ ટી.સ્પૂન ગરમ મસાલો /કિચન કિંગ મસાલો (બંને અડધો ભાગ)
૧ ટી.સ્પૂન કસૂરી મેથી
૧/૨ ટી.સ્પૂન લાલ મરચાનો પાઉડર
થોડો રેડ કલર (પસંદ હોય તો જ્ )
૧ ટે. સ્પૂન લીલી કોથમીર
૮-૧૦ નંગ પનીર ના ટુકડા (નાના ચોરસ)
૨ નંગ લાલ સૂકા મરચાં
મીઠું સ્વાદ અનુસાર …

 

રીત:

એક કડાઈમાં તેલ/બટર ગરમ કરવા મૂકો. ત્યારબાદ, સૌ પ્રથમ ૨ નંગ લાલ મરચાને તળી અને તૂરત બહાર કાઢી અલગ રાખો, જેને કારણે તેલ થોડું લાલ થઇ જશે. ત્યારબાદ તેમાં લસણની પેસ્ટ, કાંદા, કેપ્સિકમ અને ટામેટાના ટૂકડા નાંખો અને સાંતળો . ત્યારબાદ, કસૂરી મેથી, બાફેલા શાક તમેજ લાલ મરચું પાઉડર,ગરમ મસાલો અને કિચન કિંગ મસાલો બંને થોડા નાંખવા. અને સાંતળવા. ત્યારબાદ મીઠું સ્વાદ અનુસાર નાખો, અને હવે ૨ ટે.સ્પૂન કાંદા ની ગ્રેવી, અને ૨ ટે.સ્પૂન ટામેટાની ગ્રેવી ઉંમેરો. (નાખો) થોડા ટીપાં રેડ કલર નાખો.(કલર પસંદ હોય તો જ્ નાખવો) ત્યારબાદ બાફેલા શાક ભાજી ઉંમેરો અને પનીર ના ટુકડા નાંખી  મિક્સ કરો. થોડી વખત માટે શાક ને પાકવા દયો. વેજ કોલ્હાપૂરી શબ્જી તૈયાર છે.  ઉપરથી થોડું બટર નાખવાથી સ્વાદ અને સોડમ બંને  અલગ જ આવશે. સર્વ કરતાં પહેલાં લીલી કોથમીર છાંટવી ગાર્નીસ કરવું.

 

વેજ કોલ્હાપૂરી, રોટલી-ચપાટી, નાન કે પરોઠા સાથે પીરસવું. અથવા જીરા રાઈસ કે સાદા રાઈસ સાથે પણ સરસ લાગે છે.

 

સાભાર -સૌજન્ય : સીમા છાયા – રીટાબેન …

 

‘દાદીમા ની પોટલી’ પર વેજ. કોલ્હાપૂરીની રેસીપી મોકલવા બદલ અમો સીમાબેન તેમજ રીટાબેન ના આભારી છીએ …આપને વેજ. કોલ્હાપૂરી ની રેસિપી પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર જરૂર મૂકશો.

 

બ્લોગ લીંક: http://das.desais.net
email:[email protected]

શાહી ભરવાં આલૂ …

શાહી ભરવાં આલૂ …

 

 

(શાહી ભરવાં આલૂ પિક્ચર માટે વેબ જગતનો આભાર …)

 

આજે આપણે (પંજાબી)  રાજસ્થાની રેસિપી ને માણીશું . શાહી ભરવાં આલૂ  લચ્છા પરોઠા કે મિસ્સી રોટી સાથે ઉપયોગમાં લઇ શકાય છે.

 

સામગ્રી :

 

૪ મીડીયમ બટેટા
૩ ટે.સ્પૂન મેંદો
તળવા માટે તેલ

 

(કાચા બટેટા ની છાલ ઉતારી તેમાં ફોર્ક (કાંટા થી) અથવા ચપ્પુથી થોડા થોડા અંતરે .કાણાં પાડવા અને વચ્ચે થી સ્કૂપ કરવા. (હોલ કરવા) ત્યારબાદ મીઠાં નાં પાણીમાં ૧૦ મિનિટ માટે પલાળી રાખવા અને બહાર કાઢી લેવા.)

 

બટેટામાં ભરવા માટેનું સ્ટફિંગ /ફીલીંગ (પૂરણ /માવો) તૈયાર કરવા  …

 

સામગ્રી :

 

૧૦૦ ગ્રામ પનીર
૧ ટે.સ્પૂન તેલ
૧ કાંદો (સમારી લેવો)
૧ લીલું મરચું (સમારી લેવું)
૭-૮ નંગ કાજુ
૮-૧૦ નંગ કીસમીસ
મીઠું સ્વાદ અનુસાર …

 

રીત:

 

એક કડાઈમાં ૨ – ચમચી તેલ નાખવું. ત્યારબાદ તેમાં બારીક સુધારેલા કાંદા, મરચાં અને કાજૂ નાંખી અને સાંતળી લેવા. બ્રાઉન ક્લર પૂરો થવા દેવો. ત્યારબાદ તેમાં ખમણેલું પનીર નાખવું અને ત્યારબાદ કિસમિસ, ચાટ મસાલો, સ્વાદાનુસાર મીઠું નાંખી,. ઉપર સમારેલી લીલી કોથમીર છાંટી અને બધુજ મિક્સ કરી દેવું અને અને તૂરત ગેસ નો તાપ બંધ કરી આપવો. સ્ટફિંગ તૈયાર છે.
(સ્કૂપ કરેલા વધારાના બટેટા ને પણ સાંતડી અને સ્ટફિંગના ઉપયોગમાં લઇ શકાય છે.)

 

ગ્રેવી બનાવવા માટે …

 

સામગ્રી :

 

૨ ટે.સ્પૂન તેલ
૧ નંગ તેજ પતા
૧ ટે.સ્પૂન શાહજીરૂ
૧/૨ સ્પૂન કસૂરી મેથી
૨-૩ નંગ આખા બાદીયાના
૨ ટે.સ્પૂન ક્રીમ (મલાઈ)
૧ કપ દૂધ /(અથવા)
૫૦ -ગ્રામ માવો
મીઠું સ્વાદ અનુસાર ..

 

રીત:

 

એક કડાઈમાં ૨-ટે.સ્પૂન તેલ લો, અને ગેસ પર ગરમ કરો, ત્યારબાદ, તેજ પત્તા, શાહ્જીરૂ, એલચી, એલચા, તાજ-લવિંગ નાખો. સાંતળી લીધાં બાદ, કાંદા લસણ ની પેસ્ટ ઉમેરવી અને એકદમ સાંતળવું. ત્યારબાદ ટામેટા – કાજૂની પ્યુરી ઉમેરો. સ્વાદ અનુસાર મીઠું, ગરમ મસાલો, કસૂરી મેથી, ૨-૩ નંગ આખા બાદીયાના નાખવા અને ૧/૨ ગ્લાસ પાણી નાખો. વ્યવસ્થિત ઉકળે એટલે દૂધ/માવો નાખવો અને ઉકળવા દેવું. ત્યારબાદ ક્રીમ (મલાઈ) નાખવી.

 

કાંદાની પેસ્ટ બનાવવા માટે …

 

૧ મોટો કાંદો (ડુંગળી)

૨ નંગ લવિંગ
૧ ટૂકડો આદુ
૫ કળી લસણ
૨ નંગ એલચી
૧ નંગ તજ નો ટુકડો
૨ નંગ મોટા એલચા

 

રીત:


કાંદા, લસણ, આદુ સાથે આ બધું પીસી લેવું. કાંદા ની પેસ્ટ તૈયાર છે.

 

ટામેટા ની પ્યૂરી બનાવવા માટે ….

 

સામગ્રી :

 

૪ નંગ ટામેટા (ટામેટાને પાણીમાં બાફી લેવી (ઉકાળવા)
૪ ટે.સ્પૂન કાજુ

 

રીત :

ટામેટા અને કાજુને મિક્સરમાં નાંખી અને ક્રસ કરી અને પ્યુરી તૈયાર કરવી.

 

મીઠામાં પલાળેલા બટેટાને કડાઈમાં તેલ નાંખી અને તળી લેવા.  (બટેટાને તળવા ના હોય તો કૂકરમાં તેને બાફી પણ શકાય છે.) ત્યારબાદ,  બટેટામાં (વચ્ચેથી સ્કૂપ કરેલા) તૈયાર કરેલ સ્ટફિંગ ખૂબજ દાબીને વ્યવસ્થિત ભરવું. કે પાન- લોઢીમાં થોડું તેલ મૂકી એક પ્લેટમાં કોરો મેંદો પાથરવો અને સ્ટફિંગ કરેલા બટેટાને નીચેની સપાટીના ભાગથી રગદોળી તેલમાં એક સાઈડ શેલો ફ્રાઈ કરવા. થોડા લાલ થાય એટલે એલ પ્લેટમાં રાખી દેવા.
સર્વ કરવા / પીરસવા માટે …

 

સર્વ કરતી સમયે બટેટા ઉપર ગ્રેવી નાખવી, અને કોથમીર તેમજ જીણા સમારેલા લીલા મરચાં છાંટી અને ગાર્નીસિંગ કરવું. અને ગરમ ગરમ લચ્છા રોટી, પરાઠા કે મિસ્સી રોટી સાથે પીરસવું.

 

 ‘દાદીમા ની પોટલી’  પર ઉપરોક્ત રેસિપી મોકલવા બદલ અમો સીમાબેન ના અંતરપૂર્વકથી આભારી છીએ. આપને ઉપરોક્ત રેસિપી પસંદ આવી હોય તો ઘરે એક વખત કોશિશ જરૂર કરશો, બાળકો પણ આ સબ્જી જરૂર પસંદ કરશે. આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર જરૂર મૂકશો, જે સદા અમોને પ્રેરકબળ પૂરે છે.

 

સાભાર : સૌજન્ય – ..સીમા છાયા…

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]