૧] સત્યનિષ્ઠા … (ટૂંકીવાર્તાઓ – પ્રેરક કથાઓ …) ….

૧]  સત્યનિષ્ઠા …  (ટૂંકીવાર્તાઓ – પ્રેરક કથાઓ …)   ….

 

 

 
INDIAN COIN

 

 

દરેક માનવ ઈચ્છા તો કરે છે, પણ એણે ઈચ્છાશક્તિને કેળવીને એને પ્રબળ બનાવવી જોઈએ.  આ પ્રબળ ઇચ્છાશક્તિ એ માનવમનનું સૌથી અગત્યનું પ્રગટીકરણ છે.  સત્યમાં પરમ નિષ્ટા ધરાવનાર માનવની ઇચ્છાશક્તિ પ્રબળ હોય છે.  એટલે માનવીએ હંમેશાં સત્ય બોલવું જોઈએ, પણ સત્યવાદી રહેવું સરળ નથી, એ ખાંડાની ધાર પર ચાલવા જેવું કપરું છે.  અસત્યને પણ આપણે માપવું જોઈએ.  દિવસમાં કેટલીવાર તમે ખોટું બોલો છો તે શોધી કાઢવું ઘણું રસપ્રદ બની રહેશે.  આ વસ્તુ જાણી લો પછી તમને સમજાય છે કે સત્યનો જ જય થાય છે, એવી સંકલ્પના ન હોવાથી તમે ખોટું બોલો છો.  તમારી અસત્યાતાને છુપાવવા તમે ઘણી વખત પ્રયત્ન કરો છો.  પરિણામે એક વખત કંઈક ઢાંકવા ખોટું બોલો તો અનેકવાર ખોટું બોલવાના જ,  અને અંતે તમને આ વાતનો ખ્યાલ આવે એટલે તમારી જાતને ધિક્કારવાના.

 

મહાત્મા ગાંધીએ બ્રિટીશરો પર વિજય મેળવ્યો તે યુદ્ધથી નહીં પણ શાંતિ અને સત્યથી.  તેમની ઇચ્છાશક્તિ પ્રબળ હતી.  તેઓ પોતાના લક્ષ્યની પ્રાપ્તિ કરશે તેવી તેમનામાં આત્મશ્રદ્ધા હતી.  મનની આ શક્તિનું રહસ્ય શું છે ?  એ છે સત્યનિષ્ઠા.  જીવન એટલે સત્યના પ્રયોગો.

 

આપણા દેશનો મુદ્રાલેખ છે – ‘સત્યમેવ જયતે’.  સેંટ જહોન બાઈબલમાં કહે છે, ‘સત્ય તને મુક્ત બનાવશે’  આપણા ઋષિઓએ આવું અભયવચન આપ્યું છે.  સત્ય ક્યારેય નિષ્ફળ જતું નથી.  તે અંતે તમારું રક્ષણ કરે છે અને એના દ્વારા તમને સર્વનો આદર મળે છે.

 

(સ્વામી રાઘવેશાનંદ કૃત – વેલ્યૂ ઓરિએન્ટેડ મોરલ લેસન્સ – મૂલ્યથી નૈતિક બોધકથા – ૪ માંથી)
 
(રા.જ.૧૧-૧૨/૨૪(૩૪૬)

 

 

૨]  ખોટો સિક્કો …

 

રામ અને ભીમ એક જ ગામમાં રહેતા હતાં અને ખૂબ પાકા મિત્રો હતા.  તેઓ પાટનગરની શાહી ન્યાયાલયમાં પાસ પાસે જ બેસતા હતા.  તેઓ એકવાર એક જંગલમાંથી પસાર થઇ રહ્યા હત્યા ત્યારે તેમને એક સોનાનો સિક્કો નીચે પડેલો મળ્યો.  બંને તે ઉપાડવા માટે એક સાથે પહોંચ્યા.

 

તે સિક્કો કોણ રાખે તેના પર બંને વાડ કરવા લાગ્યા, જો કે બંનેનું ચાલવાનું શરૂ હતું.  જંગલ પૂરું થાય ત્યાં એક મંદિર હતું.  ત્યાં એક ઘરડો પૂજારી રહેતો હતો.  ‘ઝઘડો કઈ વાતનો  છે ?’  તેમણે પૂછ્યું. મિત્રોએ બધી હકીકત કહી સંભળાવી.  પૂજારીએ સિક્કો લીધો.  તેને ઝીણવટથી તપાસ્યો અને હસ્યો.  ‘આ કોઈ અસલી સિક્કો નથી.  આ તો નકલી છે, તેની તો કંઈ કિંમત જ નથી.  શું તમે આ નકલી સિક્કા માટે તમારી મૈત્રી ભૂલી ગયા ?  તમે તો એવી રીતે વર્તવા લાગ્યા જાણે જાણે તમે એકબીજાના દુશ્મન હો.  પૈસો એ બધાં દુર્ગુણોનું મૂળ છે.’  એમ કહીને તે પૂજારીએ સિક્કો મંદિરની દાનપેટીમાં નાંખી દીધો.

 

બંને મિત્રોએ શરમથી માથું ઝુકાવી લીધું.  ‘તે ખોટા સિક્કાને ભગવાનની દાનપેટીમાં નાખવો એ ભગવાનના વિરુદ્ધ ગુનો નથી ?  મિત્રોએ પૂછ્યું.

 

પૂજારી શાંતિથી હસતાં હસતાં ફરી બોલ્યા, એકદમ બરાબર.  તે ખરેખર સાચો સોનાનો હતો.  કોઈપણ વસ્તુ જે બે માણસો વચ્ચે ખરાબ ભાવનાઓને જન્માવે તે ખોટા સિક્કા જેવી જ કહેવાય ને ?  પછી ભલે તે કેટલીય કિંમતી હોય.  માણસની માણસ સાથેની સગાઇ એ સૌથી કિંમતી વસ્તુ છે.’  તેણે બન્નેને આશીર્વાદ આપ્યા અને તેઓને તેમના રસ્તે મોકલ્યા.

 

 

 • જી. જહોન કેનેડી

૩]   પોતાના વિદ્યાર્થીઓને પાયથાગોરસની શીખ

 

સર્વકાલીન અને સર્વોત્તમ શિક્ષક પાયથાગોરસ એવો આગ્રહ રાખતા કે તેમના શિષ્યોએ સૂતા પહેલાં પોતાની જાતને નિમ્નલિખિત પ્રશ્નો પૂછવા જોઈએ :

 

‘આજે મારા અભ્યાસમાં મને કેટલી સફળતા મળી ?  *  હું વધારે અભ્યાસ કરી શક્યો હોત ખરો ?  *  હું વધારે સારો અભ્યાસ કરી શક્યો હોત ખરો ?  *  મેં કોઈ વસ્તુની ઉપેક્ષા કરી છે ખરી ?  પાયથાગોરસના શિષ્યો પોતાની વિદ્વતાને લીધે શા માટે જાણીતા થયા, તેની આ સમજૂતી છે.

 

 
(રા.જ.૧૧-૧૨/૩૨(૩૫૪)

 

 

૪]  ડૉ. શ્રુઝ

 

જર્મનીના ફ્રેન્કફર્ટ શહેરમાં એક મોટું પુસ્તકાલય છે.  આ પુસ્તકાલયમાં પુસ્તકોની વચ્ચે એક ઋષિતુલ્ય માનવ ગહનચિંતનમાં બેઠા છે.  ત્રીસ હજાર પુસ્તકોનો સંગ્રહ એમનો પોતાનો છે.  મોટા ભાગનાં પુસ્તકો ભાષાશાસ્ત્રનાં છે.  તેઓ એક-બે કે પચ્ચીસ નહિ પરંતુ ૩૦૦ ભાષા જાણે છે.  તેઓ એ ભાષામાં માત્ર લખી વાંચી જાણે છે એટલું જ નહિ પણ પરંતુ સ્પષ્ટ ઉચ્ચારણ સાથે બોલી પણ શકે છે.  આ  કોઈ વાર્તા કે કલ્પનાકથા નથી, પરંતુ સત્ય છે.  એ સજ્જનનું નામ છે, હેરોલ્ડ શ્રુઝ.  તેઓ માત્ર બહુભાષી વિદ્વાન હતા એટલું જ નહિ પરંતુ પોતાની ભાષાના એક વિશિષ્ટ કવિ પણ હતા.

 

જ્યારે એમને કોઈકે પૂછ્યું કે આટલી બધી ભાષાઓ તમે કેવી રીતે શીખ્યા ?  તેમણે હસતાં હસતાં બસ આટલું જ કહ્યું : ‘કોઈ પણ ભાષામાં નિપુણ બનવા માટે ત્રણ વસ્તુની આવશ્યકતા છે :  એક શીખવાની તથા જાણવાની તીવ્ર ઈચ્છા ;  બીજી શીખવામાં અદમ્યનિષ્ઠા અને અધ્યવસાય; અને ત્રીજી વસ્તુ છે, સુઅવસરની પ્રાપ્તિ.

 

શીખવાની ઈચ્છા તો મારામાં બાળપણથી જ હતી.  પાછળથી અવસર મળતાં મેં ઉત્સાહ સાથે અને એકાગ્રચિત્ત બનીને શીખવાનો પ્રયાસ કર્યો.  મને સફળતા મળી.’  તેઓ ૩૦૦ ભાષાઓ શીખ્યા, અને આપણે?   આપણે એક પણ ભાષા બરાબર શીખી શકતા નથી.  આવું કેમ ?  આપણી ભીતર શીખવાની પેલી તીવ્ર ઈચ્છા નથી.  આપણે શીખવા માગતા નથી.  અબ્રાહમ લિંકનને વકીલ બનવાની તીવ્ર આકાંક્ષા હતી.  એક વાર બ્લેકસ્ટોનનાં પુસ્તકો લાવવા માટે તેઓ ૬૪ કી.મી. પગે ચાલીને ગયા હતા !

 

 

૫]   દરેક પુરુષને, દરેક સ્ત્રીને, સર્વ કોઈને ઈશ્વર રૂપે જુઓ.  આટલી તપશ્ચર્યા પછી હું ખરું સત્ય આ સમજ્યો છું કે દરેક જીવમાં ઈશ્વર છે;  જીવમાં રહેલા આ ઈશ્વર સિવાય બીજો કોઈ ઈશ્વર નથી.  ‘જે જીવની સેવા કરે છે તે જ ઈશ્વરની સેવા કરે છે.’   જો તમે તમારા માનવબંધુને, વ્યક્ત ઈશ્વરને પૂજી  ન શકો તો જે અવ્યક્ત છે, તેની તો કેવી રીતે ઉપાસના કરવાના છો ?

 

ઈશ્વરની ઉપાસના કરવા તમે ભલે મંદિર બાંધો અને એ સારું પણ હોય;  પરંતુ એથીય વધુ સારું, વધુ ઉચ્ચ મંદિર ક્યારનુંય વિદ્યમાન છે.

 

 • સ્વામી વિવેકાનંદ

 

 

(રા.જ.૧૧-૧૨/૩૬(૩૫૮)

 

 

૬]  સત્યમેવ જયતે

 

એક વખત એક રાજા રાજ્યની જેલમાં રહેલ કેદીઓમાંથી એક એકની ચકાસણી કરતાં હતા.  એમાંથી એક કેદીને એમણે પૂછ્યું, ભાઈ, તેં કયો અપરાધ કર્યો છે ?  કેદીએ જવાબ આપ્યો, ‘મહારાજ, મેં તો કોઈ ગુનો કર્યો નથી.  પણ મને બધાએ ફસાવીને આવી ખોટી સજા કરી છે.  એમાં ક્યાંય મારો વાંક નથી !’

 

વળી બીજા કેદીને પૂછ્યું, ભાઈ, તેં કયો અપરાધ કર્યો છે ?’  એટલે એણે હળવેકથી કહ્યું, ‘મહારાજ, હું તો સાવ નિર્દોષ છું, મેં કોઈ ગુન્હો કર્યો જ નથી, પણ મારી વિરુદ્ધ ખોટા સાક્ષીઓ ઊભાં કરીને આવી સજા મને કરાવી છે.’

 

ત્રીજા કેદીને પણ રાજાએ આવો જ પ્રશ્ન પૂછ્યો.  કેદીએ વિનમ્રતાથી એનો પ્રત્યુત્તર વાળતાં કહ્યું,  ‘મહારાજ, આવો અપરાધ શહેરમાં થયો ત્યારે હું શહેરમાં જ ન હતો !’  આમ દરેક પોતે નિર્દોષ હોવાની વાત કરી.  અંતે એમાંથી એક આવ્યો અને કહ્યું, ‘મહારાજ, ચોરી તો મેં કરી છે.  મને ખૂબ ભૂખ લાગી હતી અને ભોજન ખરીદવા મારે પૈસાની જરૂર હતી.  હું પકડાયો અને મને લાગે છે કે એ મને સાચી સજા કરી છે!’

 

રાજાને એ જાણીને આનંદ થયો કે આટલા કેદીઓમાંથી એકાદ એવો માણસ નીકળ્યો કે જેણે પોતાની સાચી વાત કરી.  એની પ્રમાણિકતા અને સત્યનિષ્ઠા જોઈને રાજાને એના પ્રત્યે સહાનુભૂતિ થઇ.  થોડી વાર વિચાર કરીને મોટા અવાજે આ શબ્દો ઉચાર્યા, ‘મને લાગે છે કે આ બધાં નિર્દોષ લોકોની સંગાથે રહીને તું વધારે બગડ્યો છે.  એટલે તને કોઈ બીજી અલગ જ જગ્યાએ મૂકવો જોઈએ !’

 

આમ કહીને રાજાએ એ સાચું બોલનાર પ્રમાણિક કેદીને માફી આપી અને જેલમાંથી છોડી મૂક્યો.

 

સ્વામી વિવેકાનંદનાં માતાએ એક વખત નાના નરેન્દ્દ્રને શિખામણ આપતાં કહ્યું હ્ત્ય, ‘બેટા ગમે તે પરિસ્થિતિમાં હંમેશાં સત્યને વળગી રહેજે.  સત્યથી અળગો ન થતો.

 

 

(સ્વામી રાઘવેશાનંદ કૃત – વેલ્યૂ ઓરિએન્ટેડ મોરલ લેસન્સ – મૂલ્યથી નૈતિક બોધકથા – ૪ માંથી)
 

 

 

(રા.જ.૧૧-૧૨/૩૮(૩૬૦)

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 

 બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

કથામૃતમ્ … (સુવિચારોનું વૃંદાવન) …

કથામૃતમ્ … (સુવિચારોનું વૃંદાવન) …

 

 

THOUGHTS

 

 

 • આ જીવ જ્યારે મર્યાદા વિરૂદ્ધ કર્મ કરે છે..હરીને ભૂલી જાય છે ત્યારે કાળ (મુશ્કેલીઓ તેનો ૫ગ ૫કડે છે)

 

 • ભગવાન પાસે કામનાઓથી મુક્ત બનવાનું અને નિષ્‍કામ ભક્તિનું વરદાન માંગજો.

 

 • ભગવાન ગુણોથી નહીં ૫ણ ભક્તિથી પ્રસન્ન થાય છે,કારણ કે ગુણો તો વ્યક્તિના જીવનમાં સ્વાર્થથી ૫ણ આવે છે.

 

 • જ્યાં સુધી પોતાની શક્તિ વા૫રવામાં આવે છે ત્યાંસુધી ભગવાન મદદ કરતા નથી…રોદણાં ના રડશો.

 

 • ખુબ ભૌતિક સં૫ત્તિ મળે ત્યારે શાન..ભાન ભુલાય તથા ૫દ મળે એટલે મદ ના આવે તેનું ધ્યાન રાખજો.

 

 • જેના હાથમાં પૈસા આવ્યા ૫છી તે બગડી જાય તો લક્ષ્‍મી બીજાના હાથમાં ચાલી જાય છે.

 

 • લોક કલ્યાણના માટે સાચા ઉદેશ્યથી ૫રહિતના ભાવથી કરવામાં આવેલ ૫રમાર્થના કાર્યોમાં પ્રભુ સહાય કરે છે.

 

 • બીજાને સુખી કરવા જે ઝેર પીવે તે શિવ અને બીજાને દુઃખી કરી પોતે સુખની અપેક્ષા રાખે તે જીવ..

 

 • એક ખોટો વિચાર બુદ્ધિમાં ઘુસી ગયા ૫છી દેવ..અસુર બની જાય છે અને એક સારો વિચાર બુદ્ધિમાં ઘુસી ગયા ૫છી અસુર..દેવ બની જાય છે.

 

 • નારાયણ જેવા સદગુણ..દેવ જેવું જીવન..શાસ્ત્રોક્ત નીતિ નિયમોનું પાલન કરનારના જીવનમાં લક્ષ્‍મી અવશ્ય સામેથી આવે છે.

 

 • કંચન અને કામિનીમાં મન ફસાય એટલે મોહન(પ્રભુ) દૂર જાય છે.

 

 • દારૂનું વ્યસન અને રૂ૫માં આસક્તિના કારણે જ દાનવો ભક્તિરૂપી અમૃતથી વંચિત રહ્યા હતા.

 

 • સમાજ જ્યારે ભોગલં૫ટ બની જાય છે ત્યારે તેનાં ભયંકર ૫રીણામો સ્ત્રીઓને જ ભોગવવાં ૫ડે છે.તેમનું જીવન અનિશ્ચિત અને અસ્વસ્થ બને છે.

 

 • પયોવ્રત એટલે સંયમિત જીવન..સાત્વિક આહાર અને ભોગવિમુખ વિચાર…આ ત્રણ વ્રતો સંભાળીને ૫તિ- ૫ત્નિ રહે તો તેમની કુખે તેજસ્વી સંતાન જન્મે છે.

 

 • પૃથ્વીને ૫દાર્થોના કરતાં પા૫નો ભાર વધુ લાગે છે.

 

 • જેનો ગુરુ બળવાન..જ્ઞાનવાન તે કોઇ૫ણ ક્ષેત્રમાં પાછો ૫ડતો નથી.

 

 • જીવનમાં દુઃખ આવે તો ભગવાનની કથા સાંભળજો.

 

 • જે લોકો ભોગલં૫ટ છે..દેહપૂત્રમાં અને તેમની આસક્તિમાં ફસાયેલાઓને ભગવાન મળતા નથી.

 

 • ભગવાન શ્રીરામનું સ્મરણ કરતાં એક વાત ધ્યાનમાં આવે છે અને તે એટલે તેમનો સ્વાર્થ ત્યાગ.. શબ્દપાલન..બંધુઓનો પ્રેમ અને ૫તિ-પત્નિનો આદર્શ પ્રેમ અને બીજી વાત છેઃ સદવિચારોને પ્રોત્સાહન અને દુષ્‍ટ પ્રવૃત્તિઓનું દમન..

 

 • પ્રેમના પ્રતિક..પ્રભાવી રાજનીતિજ્ઞ..દૈવી કામ કરવાવાળાના સખા તથા માનવવંશના ઉદ્ધારક એટલે ભગવાન શ્રીકૃષ્‍ણ !

 

 • મનને શુદ્ધ અને ૫વિત્ર તથા મનનું મંથન કરવાથી ભક્તિરૂપી અમૃત પ્રાપ્‍ત થાય છે.

 

 • મનુષ્‍ય જન્મ..મુમુક્ષતા અને સંતોનો..ત્રણ મળવા કઠીન છે.

 

 • પ્રભુની કથામાં..પ્રભુ નામ સ્મરણમાં અને ભક્તોમાં પ્રેમ ઘણા જન્મોના પુણ્યોના ફળ સ્વરૂપે મળે છે.

 

 • જીવનમાં એકલા પુરૂષાર્થથી કશું જ પ્રાપ્‍ત થતું નથી.પ્રભુની કૃપા..કરૂણા..વાત્સલ્ય પામવાની જરૂર છે.

 

 • ભાવમય ભક્તિ માટે તથા ઈશ્વર પાસે જવા હોંશિયારી નહીં ૫રંતુ સાચી શ્રદ્ધાની જરૂર છે.

 

 • શ્રદ્ધા વિશ્વાસ વિના ભક્તિમાં ડગી જવાય..અટકી જવાય છે.

 

 • ભગવાનની અનુભૂતિ કર્યા બાદ..કથા સાંભળ્યા ૫છી અંતર્મુખ થજો..આત્માને ઓળખજો.

 

 • આંખ અને અન્ય ઇન્દ્દિયો નાશવંત સુખ તરફ ના જાય તે જોજો.

 

 • પ્રભુનું રૂ૫ વર્ણનનો વિષય નથી..અનુભવનો વિષય છે.

 

 • જીવન લીલા છે.જેને જીવન ભયાનક તિરસ્કારણીય..તુચ્છ લાગે છે તે ભગવાનના તત્વજ્ઞાનનો અધિકારી જ નથી..જીવન આનંદી હોવું જોઇએ.

 

 • જીવનમાં સુખ-દુઃખ આવે તો કેવી રીતે રહેવું તે ભગવાન શ્રીકૃષ્‍ણે જીવીને દેખાડ્યું છે.

 

 • ધર્મ..અર્થ..મોક્ષ અને કામ..આ ચતુર્વિધ પુરુષાર્થ સમજાવવા માટે ભગવાનને ચતુર્ભુજ બતાવ્યા છે.

 

 • ગાય..વિપ્ર..તપ..યજ્ઞ..વેદ..ઇન્દ્દિય દમન..શાંતિ..શ્રદ્ધા..દયા અને સહનશીલતા આ બધાં ભગવાન વિષ્‍ણુનાં રહેવાનાં સ્થાન છે.

 

 • જે ઘટના સત્યની પાસે લઇ જાય તે ઘટના સત્ય છે.શ્રીમદ્ ભાગવતમાં લખેલા ચમત્કારોની ઘટનાઓ માણસને ભગવાનની નજીક લઇ જાય છે.

 

સંકલનઃ 

devlata .photo
દેવલતા રાઠોડ
૩૨,સંસ્કાર નગરી-૨, ભુરાવાવ,
ગોધરા, જી.પંચમહાલ
e-mail:  [email protected]

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

  

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલી પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો દેવલતાબેન રાઠોડ, (ગોધરા-જી.પંચમહાલ -ગુજરાત) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 

twitter a/c : @dadimanipotli 

 

facebook at : dadimanipotli

વયસ્કો માટે દસ મંત્ર …

વયસ્કો માટે દસ મંત્ર …

શ્રી નિરંજન મહેતા (મુંબઈ) …
 

 

flower pot

૧. ક્યારેય ન કહો ‘હું ઘરડો છું ‘.

માનવીના જીવનમાં વયના ત્રણ પ્રકાર છે. ક્રમિક, શારીરિક અને માનસિક. પ્રથમ પ્રકાર આપણી જન્મતારીખને આધારિત છે, બીજી આપણા સ્વાસ્થ્ય પર આધારિત છે જયારે ત્રીજી તમારા માનસ પર આધારિત છે કે તમે તમારી જાતને કેટલા વૃદ્ધ સમજો છો. પ્રથમ પ્રકાર ઉપર આપણો કોઈ કાબુ નથી, જયારે બીજા પ્રકારમાં તંદુરસ્તીની જાળવણી મહત્વની છે જે આપણા હાથમાં છે જેમ કે આહાર પ્રત્યે ધ્યાન આપવું, કસરત વગેરેથી શારીરિક સંભાળ અને પ્રસન્ન મન રાખવું.  હકારાત્મક મનોવૃત્તિ અને આશાવાદી વિચારો તમારા ત્રીજા પ્રકારની વયને બદલવામાં મદદરૂપ થઈ પડશે અને તમે તમારી જાતને બદલાતી અનુભવી શકશો.

 

ર. તંદુરસ્તી એ જ સંપત્તિ છે.

તમે તમારા સંતાનો અને કુટુંબીજનોને ચાહતા હો તો તમારી તંદુરસ્તીને પ્રાધાન્ય આપો. આથી કરીને તમે તમારી પાછલી જીંદગીમાં તેમને બોજારૂપ નહી થાઓ. સમયે સમયે શારીરિક તપાસ અને નિયમિત દવાઓનું સેવન આ માટે જરૂરી છે.

 

૩. પૈસાનું મહત્વ.

જીવનની મૂળભૂત જરૂરિયાતો, શારીરિક સ્વસ્થતા, કુટુંબીઓ તરફથી પ્રેમભાવ તેમ જ સુરક્ષિતતા માટે ધનની આવશ્યકતા છે, પણ તમારા ગજા બહાર સંતાનો માટે ખર્ચ ન કરવો. આજ પર્યંત તમે તેમના માટે જીવ્યા છો હવે સમય છે તમારી રીતે તમારા જીવનસાથી સાથે આનંદથી વીતાવવાનો. જો તમારા સંતાનો તમારો ખયાલ રાખે તો તે સારી વાત છે પણ તેની અપેક્ષા રાખી ન જીવો.

 

૪. આરામ અને આનંદપ્રમોદ.

જે પ્રવૃત્તિઓ વધુ આરામદાયક અને આનંદિત રાખે છે તે છે તંદુરસ્તી, ધાર્મિક ભાવના, સારી ઊંઘ, સંગીત અને હાસ્ય. તમારા ધર્મમાં આસ્થા, સુંદર ઊંઘ, સારા સંગીત પ્રત્યે લગાવ આ બધાને અનુસરશો તો જીવનની સુંદર બાજુનો અનુભવ કરશો જે અનન્ય હશે.

 

પ. સમય કિમતી છે.

સમયને જાળવવો એ જાણે ઘોડાની લગામ પકડવા બરોબર છે. સમયને જો તમે યોગ્ય રીતે જાળવશો તો તમે તેને કાબુમાં રાખી શકશો એટલે કે તમે તેનો સદુપયોગ કરી શકશો. તમે ધારો કે તમે રોજ ફરી જન્મ લઈ રહયા છો. એમ હોય તો ગઈકાલ વપરાઈ ગયેલા ચેક જેવો છે, આવતી કાલ જાણે પ્રોમીસરી નોટ છે જયારે આજ એ રોકડ રકમ છે; તેનો યોગ્ય વપરાશ કરો. આજની ઘડી તે રળિયામણી.

 

૬. બદલાવ શાશ્ર્વત છે.

જીવનના રાહમાં બદલાવ આવતા રહે છે અને તે અનિવાર્ય છે તેથી તેને સ્વીકારો. તેના પ્રવાહમાં ભળી જશો તો તમે તમારી જાતને સાર્થક કરશો કારણ બદલાવને કારણે ઘણી બધી સારી ચીજોનો લાભ મળે છે એટલે તેનો વધુમાં વધુ લાભ લેવો હિતાવહ છે. પણ જે આ તક ગુમાવે છે તે પસ્તાય છે. બદલાવના સ્વીકારને કારણે તમે નવી પેઢી સાથે રહી શકશો અને તેથી તેઓ પણ તમારી સાથે રહેશે.

 

૭. સ્વાર્થની ભાવના.

હરેક સામાન્ય માનવી એક યા બીજી રીતે સ્વાર્થી હોય છે અને તે કોઈકને માટે કંઈક કરી બદલામાં કશાકની અપેક્ષા રાખે છે. પણ તેમ ન કરતાં અન્ય માટે સારૂં કામ કરશો તો અનપેક્ષિત આંતરિક આનંદ અને સંતોષ સાથે સામા તરફથી મળતો હકારાત્મક પ્રત્યાઘાત અનુભવવા જેવો રહેશે.

 

૮. માફ કરો અને ભૂલી જાઓ.

બીજાની ભૂલોથી બહુ સંતાપ ન કરો. આપણે સંત નથી કે એક ગાલે તમાચો પડે તો બીજો ગાલ ધરીશું. પણ બીજાની ભૂલોને માફ કરી દઈશું કે ધ્યાનમાં નહી લઈએ તો તે આપણા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે લાભકારક બનશે. આ જરા અઘરૂં છે પણ પ્રયત્ન કરવામાં શું વાંધો? એકવાર આમ કરશો એટલે પછીથી તે સહેલું થઈ પડશે.

 

૯. પ્રત્યેક પાછળ કારણ અને હેતુ હોય છે.

પડશે તેવા દેવાશે તેવી ભાવના રાખી પ્રત્યેક પળને સ્વીકારો. તમે જેવા છો તે સ્વીકારો તેમ જ અન્યોને પણ જેવા છે તેવા સ્વીકારો કારણ દરેક જણ એક અનન્ય હસ્તી છે અને તેમને તેમની રીતે જીવવાનો અધિકાર છે.

 

૧૦. મૃત્યુના ભયને દૂર રાખો.

જે આ જગતમાં આવ્યું છે તેને એક દિવસ જવાનુ છે તે સનાતન સત્ય છે અને આપણે દરેક તે જાણવા છતાં તેના વિચારથી ડરીએ છીએ. વળી આપણે વિચારીએ છીએ કે આપણા સ્વજનો તેને જીરવી નહી શકે. પણ સત્ય તો એ છે કે તમારા બદલે તેઓમાંથી કોઈ મોતને ભેટવા તૈયાર નહી હોય. થોડો વખત તેઓ શોકમાં રહેશે, દુઃખી થશે પણ દુઃખનું ઓસડ દહાડા એ કારણે તેઓ પોતાના જીવનવ્યવહારમાં પરત આવી જશે અને પોતાના દૈનિક વ્યહવારને અપનાવી લેશે. માટે તેમના માટે ચિંતા ન કરતાં જયાં સુધી જીવો છો ત્યાં સુધી તમારી જીંદગી આનંદથી અને હકારાત્મક વિચારોથી જીવો.

આજની પોસ્ટ  ‘દાદીમા ની પોટલી’ પર પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો શ્રીનિરંજનભાઈ મહેતા (મુંબઈ) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

  લેખકશ્રી નાં સંપર્ક વિગત : 
niranjan mehtaNiranjan Mehta
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai-400091.
Tel. 28339258/9819018295

 
બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

twitter a/c : @dadimanipotli
facebook at : dadimanipotli

ધી અનસ્ટોપેબલ … (અટક્યા વગર … ) વિડીયો પોસ્ટ …

THE UNSTOPPABLE …

– સંદીપ મહેશ્વરી …

 

 

મિત્રો, અગ્રેજીમાં પોસ્ટનું નામ વાંચી કદાચ આશ્ચર્ય થશે કે આજે વળી કઈ પોસ્ટ આવી છે !!!! પરંતુ ના,  એવું કશું જ નથી.   આજે કોઈપણ પ્રકારના લખાણ વિના, શ્રી સંદીપ મહેશ્વરીની  એક સુંદર વિડીયો કલીપ મૂકવાની કોશિશ કરેલ છે;  જેમાં, જીવનમાં આપણે શા કારણસર આપણું કોઈ લક્ષ્ય  યોગ્ય રીતે પ્રાપ્ત કરી શકતા નથી ? આપણી પ્રગતિમાં આપણો મોટો દુશ્મન કોણ છે ????  જીવનમાં બનતી આવી અનેક ઘટનાઓ ને ખૂબજ સુંદર રીતે વિડીયોમાં સમજાવવાની કોશીષ કરવામાં આવેલ છે, હા, ફક્ત શાંત ચિત્ત દ્વારા સમય ફાળવી પૂરા કુટુંબ અને ખાસ બાળકો સાથે માણશો. પૂરી વિડીયો કલીપ ૧ કલાક અને ૬ મિનીટ ની છે અને તે પણ હિન્દીમાં છે.

 

 

સાભાર : સૌજન્ય : સંદીપ મહેશ્વરી

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

આજની આ અલગ પોસ્ટ માણવા ની મજા આવી કે નહિ, તે જરૂર આપના પ્રતિભાવ દ્વારા કોમેન્ટ્સ બોક્ષમાં અથવા ફેશબુક દ્વારા જણાવશો તો વધુ ખુશી થશે. આજની વિડ્યો લીંક અમોને અમારા મિત્ર દ્વારા ફેશબુક પર ઘણા સમય પહેલા શેર કરવામાં આવેલ છે, જે બદલ અમો તેમના આભારી છીએ.

આભાર !

‘દાદીમા ની પોટલી’

જીવનમાં પાપ કરતો રહ્યો …

 જીવનમાં પાપ કરતો રહ્યો …

 

jivan-ghadtar[1]

 

જીવનમાં પાપ કરતો રહ્યો …

 

આખી જીન્દગી હું વારંવાર એક પાપ કરતો રહ્યો,
ધૂળ મારા પર હતી ને હું અરીસો સાફ કરતો રહ્યો.

કેવી અજીબ વાત બની ગઈ જીવનમાં મારી સાથે,
ભૂલ મારી હતીને એ દોસ્ત હું તને માફ કરતો રહ્યો.

 

ન્યાય દેવાવાળો મારી ઉપર બેઠો છે એ ભૂલીને,
હું ન્યાયાલય ખોલીને બધાનો ઇન્સાફ કરતો રહ્યો.

જે મારી વિરુદ્ધ હતા એમને મનાવવાના પ્રયત્નોમાં,
જે મારી સાથે હતા એમને મારી ખિલાફ કરતો રહ્યો.

 

ખુદ મારા વિષે તો રતીભારનુય જાણતો નહોતો,
ને ખુદાના અસ્તિત્વ વિષે વાદવિવાદ કરતો રહ્યો.

જીવન આખું કેવળ હવામાં કિલ્લાઓજ બાંધ્યા,
ને જે આંખ સામે હતું એ બધું બરબાદ કરતો રહ્યો.

 

ખુદ મનેજ સમજવામાં હું જબરી થાપ ખાઈ ગયો,
ત્યાગના બહાને વરસોના વરસો પ્રમાદ કરતો રહ્યો.

વર્તમાનમાં શું થઇ રહ્યું છે એનું ધ્યાન ના રહ્યું,
ભવિષ્યમાં શું થશે એ વિષે બહુ સંતાપ કરતો રહ્યો.

 

બીજાઓને પણ કૈક કહેવું છે એ સમજ્યા વગર,
ખુદની સાથેજ આખુ જીવન વાર્તાલાપ કરતો રહ્યો.

મારી કવિતાઓ ખુદ મનેજ કહી સંભળાવીને,
હું ખુશ થઈને વાહ જનાબ, વાહ જનાબ કરતો રહ્યો.

 

 

~મૃગાંક શાહ

 

સાભાર : મૃગાંક શાહ 

 

સૌજન્ય : વિજય ધારીઆ (શિકાગો)

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

સુવિચારોનું વૃંદાવન …(૧૫) …

સુવિચારોનું વૃંદાવન … (૧૫) …

 

 

suvichar

 

 

નૈતિક મહત્વની સૂક્તિઓ …

 

 • પોતાના ઘરમાં મેલાં કપડાંનો ગાંસડો ધોબી રાખે છે પણ, એ કપડાં ધોવાતાં એનો ઓરડો ખાલી થઇ જાય છે.  પોતાના મૌલિક ચિંતન વગરનો મનુષ્ય આ ધોબી જેવો છે.  તમારા ચિંતાનોમાં ધોબી ન બનો.

 

 • બીજા જેમ કરે તેમ, પણ તમે જેમ ઇચ્છતા હો તેમ કરો.

 

 • ભીખ માગીને મનુષ્ય નાનો થાય છે.  બલિ પાસે માગવા જતી વેળાએ ભગવાનને પણ વામનરૂપ લેવું પડ્યું હતું.  આનાથી આપણે સમજવાનું કે, કોઈની પાસે કંઈ માગીએ ત્યારે આપણે આપણી જાતને હલકી પાડીએ છીએ.

 

 • માનવી માટે સ્તુતિ કરવી કે નિંદા કરવી સરળ છે; માટે તમારે વિશે બીજાઓ શું કહે છે એની દરકાર નહીં કરો.

 

 • શાંતિ અને સદ્દગુણનું જીવન હોય તો, લોકોની સ્તુતિનિંદા બેઉની ઉપેક્ષા કરો.

 

 • જેણે મૂળા ખાધા હોય તેને મૂળાની ગંધવાળા ઓડકારો આવે, કાકડી ખાનારને કાકડીના એ જ રીતે, કેટલીક વાર, જે હૈયે હોય તે જ હોઠે આવે છે.

 

 • મનુષ્ય જેવા વર્તુળમાં રહેતો હોય તેવા સંસ્કાર તેનામાં જન્મે; અને, માણસના જેવા સંસ્કાર હોય તેવી મિત્રમંડળી એ શોધે.

 

 • કેટલાકનો સ્વભાવ સર્પના જેવો હોય છે; એ ક્યારે કરડે તે કહી ન શકાય.  એના ઝેરનો પ્રતિકાર કરવા માટે તમારે ખૂબ પરિશ્રમ કરવો પડે.  નહીં તો, તમે વેર વાળવા જેટલા ગુસ્સે થઇ જાઓ.

 

 • ક્રોધ તરસની નિશાની છે.  ક્રોધમાં મનુષ્ય બધો વિવેક ગુમાવી બેસે છે.  હનુમાને લંકાને આગ લગાડી પણ, એ વખતે એને ભાન ન રહ્યું કે, સીતા રહેતાં હતાં ત્યાં પણ એ આગ ફેલાશે.

 

 • જૂની કહેવત છે કે, ‘ગુરુઓ તો સેંકડો ને હજારો મળશે પણ, ચેલો એલ નહીં મળે.’  એનો અર્થ એ કે, સારી સલાહ આપી શકે એવા ઘણા છે પણ, એનો અમલ કરનારા ઓછા છે.

 

–     શ્રી રામકૃષ્ણદેવ

 

 

–     (રા.જ.૧૦-૨૦૦૨(૨૭)૨૮૯)

 

 

 

 • ઈશ્વરને પામવા ઇચ્છનારે કે, ભક્તિ સાધના કરનારે કામકાંચનની જાળથી જાતને બચાવવી જોઈએ.  નહીં તો તેઓ કડી પૂર્ણતા પ્રાપ્ત નહીં કરી શકે.

 

 • નિત્યાનંદે શ્રીચૈતન્યને પૂછ્યું : ‘લોકોને પ્રેમભક્તિની આટલી વાત હું કરું છું છતાં કેમ એની અસર નથી થતી ?’  શ્રી ચૈતન્યએ કહ્યું : ‘કારણ, સ્ત્રીસંગને કારણે એ લોકો ઉચ્ચજ્ઞાન ગ્રહણ કરી શકે નહીં સાંભળો, ભાઈ નિત્યાનંદ, સંસારી બુદ્ધિવાળાની મુક્તિ નથી.’

 

 • ત્રાજવાની દાંડી સીધી રેહવાને બદલે એક કોર ક્યારે નામે ?  એક પલ્લું બીજાના કરતાં વધારે ભારે હોય ત્યારે.  એ જ રીતે માનવીના મન પર કામિની – કાંચનનો બોજ આવે તો, એ સમતુલા ગુમાવી બેસે અને ઈશ્વરથી દૂર ચાલી જાય.

 

 • પાણીના ઘડાના તળિયામાં નાનું છિદ્ર હોય તો, બધું પાણી વહી જવાનું.  એ જ રીતે સાધકમાં વિષયાસક્તિનો નાનો અંશ પણ હોય તો, એના બધા યત્નો નકામા જવાના.

 

 • વાસનાવૃત્તિ ઉપર સંપૂર્ણ કાબુ મેળવવા કોશિશ કરો.  આમ કરવામાં સફળતા સાંપડે તો, એની ભીતરની મેઘા નામની એક સૂક્ષ્મ નાડી વિકાસ પામે છે.  એનું કાર્ય નિમ્નગામી શક્તિને ઊર્ધ્વગામી બનાવવાનું છે.  આ મેઘા નાડીના વિકાસ પછી જ ઊર્ધ્વતર પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય છે.

 

 • ઇન્દ્રિય વિષયોથી મન મુક્ત થાય છે ત્યારે એ ઈશ્વર ભણી વળે છે ને એના પર ચોંટી રહે છે.  બુદ્ધ આત્મા આ રીતે મુક્ત થાય છે.  ઈશ્વરથી દૂર લઇ જતા પંથે જનાર આત્મા બંધનમાં ફસાય છે.

 

–     શ્રી રામકૃષ્ણ પરમહંસ 

 

 

(રા.જ.૧૦-૨૦૦૨(૧૭)૨૭૯)

 

 

 • હે ભારત ! સૌનાં શરીરમાં રહેલો આત્મા અવધ્ય છે; તેથી કોઈ પણ પ્રાણી માટે શોક કરવાનું તારા માટે યોગ્ય નથી.

 

 • જેનાથી આ જગત વ્યાપ્ત છે તેને તું નાશરહિત જાણ.  એ અવિનાશીનો વિનાશ કરવા કોઈ સમર્થ નથી.

 

 • જે આ આત્માને મારવાવાળો માને છે અને જે તેને મરેલો માને છે, એ બંને સાચા નથી.  આ આત્મા ન તો મારે છે કે ન તો મારી શકાય છે.

 

 • આત્મા ક્યારે ય જન્મ લેતો નથી કે મરતો નથી, કે નથી તો અસ્તિત્વ ધારણ કરીને અસ્તિત્વહીન થવાવાળો.  એ તો અજન્મા, નિત્ય, શાશ્વત, અને પુરાતન છે.  શરીરનો નાશ થવા છતાં એનો નાશ થતો નથી.

 

 

(રા.જ.૧૦-૨૦૦૨(૧૨)૨૭૪)

 

 

(શ્રી કૃષ્ણની વાણી –પૃ.૧૦)

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાબ, બ્લોગ પર આવકાર્ય છે.

સુવિચારોનું વૃંદાવન … (અમૃતવાણી) …

અમૃતવાણી …

સુવિચારોનું વૃંદાવન …

 

 

thoughts

 

 

• સાધુનો સંગ કેવો જાણવો ? ચોખાના ધોવાણ જેવો. જેને ઘણો કેફ ચડ્યો હોય તેને ચોખાનું ધોવાણ પાઈએ તો તેનો કેફ ઊતરી જાય. તેવી જ રીતે જે સંસારરૂપી દારૂના કેફથી બેભાન થયેલો છે તેનો કેફ ઉતારવા માટે સાધુપુરુષોનો સંગ એ જ ઉપાય છે.

 

 

• વકીલને જોઇને કેસ ને કોર્ટ યાદ આવે ને દાકતર ને વૈધને જોઇને રોગ અને ઓસડની વાત યાદ આવે તેવી જ રીતે સાધુ અને ભક્તોને જોઇને ભગવાન ઉપર ભાવ જાગે.

 

 

• દરિયામાં ઘણા રત્નો છે. એક ડૂબકી મારવાથી રત્ન ન મળે તો એમ ન ધારવું કે દરિયામાં રત્ન નથી. તે પ્રમાણે થોડીક સાધના કાર્ય પછી ઈશ્વરના દર્શન ન થાય તો નિરાશ થવું નહીં, ધીરજ રાખીને સાધના કર્યા કરવી. વખત આવ્યે તમારા ઉપર ભગવાનની કૃપા થશે.

 

 

• ભગવાન તરફ કેવું મન હોવું જોઈએ ? જેવું સતીનું ધણી તરફ, લોભીયાનું પૈસા તરફ અને વિષયીનું વિષય તરફ. એવું ખેંચાણ જ્યારે ભગવાન તરફ હોય ત્યારે ભગવાન મળે.

 

 

• પાંચ છોકરાંવાળી મા હોય, તે કોકને રમકડું, કોકને ઢીંગલી, કોકને ખાવાનું આપે કે જથી છોકરાં રમકડું ફેંકી દઈ, “મા ક્યાં ગઈ !” એમ કહે ને રડે તેને તરત જ મા ખોળામાં લઈ છાનું રાખે છે. હે જીવ ! તું કામ-કાંચનને લીધે ભગવાનને ભૂલી ગયો છે. એ બધું છોડી દઈને તું જ્યારે ભગવાનને મેળવવા માટે રોવા માંડીશ, ત્યારે ભગવાન આવીને તને ખોળામાં લેશે.

 

 

• “પૈસા મળ્યો નહી, સંતાન થયું નહિ,” એમ કહીને લોકો આંખમાંથી આંસુની નદીઓ વહાવે છે, પણ “મને ભગવાન મળ્યા નહિ, ભગવાનના ચરણમાં ભક્તિ થઈ નહિ” એમ કહીને કોઈ માણસો આંખમાંથી આંસુનું એક ટીપું પણ પાડે છે ?

 

 

• ઇસુ ખ્રિસ્ત એક દિવસ દરિયાકાંઠે ફરતા હતા. એક ભક્તે આવીને પૂછ્યું, “હે પ્રભુ ! ભગવાન શું કર્યે મળે ?” ઇસુ ખ્રિસ્તે તરત જ તેને પાણીમાં લઈ જી ડૂબાડી રાખ્યો. થોડી વાર પછી તેને હાથ પકડી બહાર કાઢીને પૂછ્યું કે “તને શું થતું હતું ?” ભક્તે કહું કે, “જીવ ગયો કે જશે એમ થતું હતું તેથી હું બહાર નીકળવાને તરફડિયાં મારતો હતો.” ઇસુ ખ્રિસ્તે તે ઉપરથી તેને કહ્યું કે, “જ્યારે તારો જીવ ભગવાનને માટે એ પ્રમાણે તરફડિયાં મારશે, ત્યારે તને ભગવાનનાં દર્શનનો લાભ થશે.”

 

 

• હજાર વર્ષના અંધારા ઓરડામાં એક વખત એક જ દિવાસળી સળગાવવાથી તરત જ અજવાળું થાય છે, તેમ જીવનાં જન્માંતરનાં પાપ ભગવાનની એક વાર કૃપાદૃષ્ટિ થાય તો દૂર થઇ જાય.

 

 

• ધૂળવાળાં ફર્યા કરવું એ બાળકોનો સ્વભાવ છે. પણ માબાપ તેમને મેલાં રહેવા ન દે. તે રીતે માયાના સંસારમાં પડીને જીવ ગમે તેટલો મેલો થાય તો પણ ભગવાન તેને શુદ્ધ કરવાના ઉપાય કર્યા કરે છે.

 

 

• પાપ અને પારો કોઈ પચાવી શકતું નથી. કોઈ માણસ છાનોમાનો પારો ખાય તો કોઈ ને કોઈ દિવસે તે શરીરે ફૂટી નીકળે. તેમ પાપ કરીએ તો તેનું ફળ કોઈ ને કોઈ દિવસ ચોક્કસ ભોગવવું પડે.

 

 

• રેશમનો કીડો જેમ પોતાની લાળથી ઘર બનાવી તેમાં પોતે જ બંધાય છે; પણ જ્યારે તે પતંગિયું થાય ત્યારે પોતાના ઘરને તોડી બહાર નીકળે, તેમ વિવેક્વૈરાગ્ય થાય ત્યારે બંધાયેલા જીવ મુક્ત થઇ જાય.

 

 

 

• ગમે તે રીતે પણ માણસ અમૃતની કૂંડીમાં પડે તો અમર થઇ જાય. કોઈ ભજનકીર્તન કરતો તેમાં પડે તે અમર થાય. અને કોઈ રીતે ધક્કો મારીને તેને અમૃતની કૂંડીમાં પાડી દેવામાં આવે તે અમર થાય, એમ ભગવાનનું નામ જાણેઅજાણ્યે કે ભૂલમાં ગમે તે રીતે લેવાય તેનું ફળ મળે ન મળે.  

 

 

– સંકલિત  

(રા.જ. ૧૦-૯૬/૨૭૬)

બ્લોગ લીંક :htpp://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પરનાં પ્રતિભાવ સદા આવકાર્ય છે, જે અમોને પ્રેરણાદાયી બની રહે છે.

(૧) બધી શક્તિ તમારી ભીતર છે … અને (૨) શક્તિ ક્યાં રાખવી ? … (પ્રેરક વાતો) …

(૧) બધી શક્તિ તમારી ભીતર છે …

 

 

 

વિદ્યાર્થી મિત્રો …

 

 

તમે બધા સફળતાની ઝંખના રાખતા હશો. તમારાં માતાપિતા પણ તમે પરીક્ષામાં ઉચ્ચતમ સિદ્ધિ મેળવો તેવી અપેક્ષા રાખતાં હશે. તમે પોતે પણ પ્રથમ દસમાં સ્થાન મેળવવા ઇચ્છતા હશો જેથી તમારા આગળના અભ્યાસનો પથ સરળ – સહજ બની જાય. તમારાં મનહૃદય તમે ડોક્ટર, ઈજનેર, વૈજ્ઞાનિક, અર્થશાસ્ત્રી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વગેરે બનવા મથતાં હશે.

 

હવે, તમે તમારા ધ્યેય સુધી પહોંચી શકો એટલી આત્મશ્રદ્ધા તમારામાં છે ? તમારી ભીતરની શક્તિઓ પર તમને શ્રદ્ધા છે ? આવો વિચાર કરતી વખતે ઘણી વાર તમે શંકા, ભય, હતાશા, બેચેની અનુભવો છો. ‘મને આ વિષે કોણ જાણે કેમ પણ આત્મવિશ્વાસ આવતો નથી.’ આમ બોલી ઊઠો છો. પરંતુ સીધીસાદી અને સાચી વાત એ છે કે તમે તમારું ધ્યેય સિદ્ધ કરી શકો. એ માટે જરૂરી છે આત્મશ્રદ્ધાની. જો તમે મનની શક્તિનો વિવેકપૂર્ણ વિચાર કરો અને તેને  સમજો તો તમે પર્વતોને પણ હચમચાવી શકો. તમારા મનમાં આવી વણવપરાયેલી મહાન શક્તિઓ છુપાવેલી છે. એ શક્તિઓને પારખીને તમે તમારી સફળતાને મેળવી શકો છો.

 

 

ન્યૂટન પોતાના બગીચામાં બેઠા હતા અને એક સફરજન પડ્યું. તેમણે વિચાર્યું કે આ સફરજન નીચે કેમ પડ્યું અને ઉપર કેમ ન ગયું? આ અકસ્માતને એમણે ગંભીરતાથી લીધો અને મંડ્યા વિચારવા, પોતાના મનમાં અગાઉ કરેલા વિચારોની એક સાંકળ એમણે બાંધી. પછી ચિંતન – મનન, નિરીક્ષણ – પરીક્ષણ, પૃથક્કરણ વગેરેમાં પોતાનું મન લગાડી દીધું. પરિણામે એમણે આપણને ‘ગુરુત્વાકર્ષણ’ નો નિયમ આપ્યો અને મહાન વૈજ્ઞાનિક બન્યા.

 

– (સ્વામી રાઘવેશાનંદકૃત ‘વેલ્યૂ ઓરીએન્ટેડ મોરલ લેસન્સ – ૪માંથી )

 

(રા.જ.૧૦-૧૨(૨૮)/૩૦૪)

 

 

(૨) શક્તિ ક્યાં રાખવી ? …

 

એક વખત સ્વર્ગમાં દેવો વચ્ચે ચમત્કારી અને રહસ્મય શક્તિ ક્યા રાખવી એની ચર્ચા ચાલતી હતી. એકે કહ્યું, ‘ઈચ્છા પ્રમાણે સિદ્ધિ મેળવી શકાય એવી શક્તિને સાગરના ઊંડાણમાં છુપાવી દેવી જોઈએ’. એ સાંભળીને બીજાએ કહ્યું, ‘આવી શક્તિને તો જ્યાં માનવ પહોંચી ન શકે તેવા ઊંચા પહાડોમાં ક્યાંક દાટી દેવી જોઈએ.’ ત્રીજા કહ્યું, ‘’કોઈ એકાંત, ગાઢ જંગલની ગુફામાં એને સંતાડી દેવી જોઈએ.’ બધાની વાત સાંભળીને એક મેઘાવી દેવતાએ કહ્યું, ‘એવી શક્તિને તો માનવ મનના ગહનતામાં રાખી દેવી જોઈએ.’ તેની ભીતર આ શક્તિ છુપાયેલી છે એનો અણસાર પણ એને નહીં આવે. એનું કારણ એ છે કે ‘માનવમન બાળપણથી જ અહીંતહીં ચંચળ બનીને ભટકતું રહે છે અને તે અંદર નજર પણ નાખવાનો નથી. માત્ર મેઘાવી લોકો જ એને ઓળખાશે, જાણશે અને તેનો ઉપયોગ કરીને તે મહાન બનશે.’ બડા દેવો આ વિચાર સાથે સંમત થયા. મિત્રો,બે પ્રકારના મનવાળા માણસો છે. એક મનની શક્તિ જાણે છે, ઓળખે છે અને મહાન બને છે. જ્યારે બીજો એમને એમ ભટક્યા કરે છે. તમારે પોતે તમારી ભીતર રહેલી શક્તિઓને જાણી ઓળખીને મહાન બનવાનું છે.

 

 

– (સ્વામી રાઘવેશાનંદકૃત ‘વેલ્યૂ ઓરીએન્ટેડ મોરલ લેસન્સ – ૪માંથી )

 

(રા.જ.૧૦-૧૨(૩૩)/૩૦૯)

 

બ્લોગ લીંક:http://das.desais.net
email : [email protected]

 

આજની બન્ને પ્રેરક વાતો જો આપણે પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો...

 

સર આઈઝેક ન્યુટન વિશે થોડું વિશેષ …

 

વિશ્વપ્રસિદ્ધ વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યૂટનનો જન્મ ઇ.સ.1642 માં ઇંગ્લેન્ડના એક નાના ગામમાં થયો હતો. જે વર્ષે ગેલિલિયોનું અવસાન થયું તે જ વર્ષે જાણે કે તેમની ખોટ પૂરવા એવા જ મહાન વૈજ્ઞાનિક ન્યૂટનનો જ્ન્મ થયો અને ખુશનસીબ ઘટના ગણાવી શકાય. નાનપણથી જ તેને હાથકારીગરીની નાની નાની વસ્તુઓ બનાવવાઓ ખૂબ રસ હતો. ગ્રેજ્યુએટ થયા પછી તેમણે સૌ પ્રથમ ગણિત ક્ષેત્રે ‘બાઇનોમિયલ થિયરમ’ ની શોધ કરી. ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત એ ન્યૂટનની ક્રાંતિકારી શોધ છે. કેલ્ક્યુલસ અંગેનો સિદ્ધાંત,ટેલિસ્કોપની રચના, પ્રકાશના વક્રીભવનની શોધ વગેરે શોધોએ ન્યૂટનને અમર ખ્યાતિ બક્ષી છે. પરંતુ ન્યૂટને કરેલ શોધો અવૈજ્ઞાનિક માન્યતાઓ સામેનો મોટામાં મોટો પડકાર હતો.

આટલી પાયાની શોધો કર્યા છતાં ન્યૂટન પ્રામાણિકપણે એમ માનતા હતા કે પોતે માત્ર જ્ઞાનના સાગરના કિનારે છીપો વીણતા એક બાળક જેવો છે, જ્યારે સત્યનો દરિયો તો મારી સમક્ષ વણઉકેલાયેલો પડ્યો છે. દરમિયાન તેમને રૉયલ સોસાયટીના પ્રમુખ તરીકે ચુંટવામાં આવ્યા અને રાણીએ તેમને ‘સર’ નો ખિતાબ આપી સન્માન્યા.  20/3/1727ના રોજ આ મહાન વૈજ્ઞાનિક ચિરનિદ્રામાં પોઢી ગયા. ન્યૂટને પોતાના પૂર્વાચાર્યોનું ઋણ સ્વીકારતા કહ્યું હતું : ‘જો હું કંઇ પણ આગળ જોઇ શક્યો છું, તો ફક્ત એ દિગ્ગ્જોના ખભે ઊભીને જ !

 

સાભાર : સૌજન્ય : એલ વી જોશી …

સુવિચારોનું વૃંદાવન …

સુવિચારોનું વૃંદાવન …

 

 

• તુ જેમ કહે છે તેમ સંસાર એક પ્રલોભનનું સ્થાન – એ વાત સાચી; પરંતુ શું તું એ વાત જાણે છે કે પ્રબળ ઝંઝાવતના આઘાતથી નબળાં વૃક્ષનાં મૂળ અત્યંત દ્રઢ થાય છે. તારા મનમાં જે નીતિબોધ હજી સુધી બરાબર પાકા થયા નથી, એ પ્રલોભનની સાથે અવિરામ સંગ્રામ કરવાથી તારા મનમાં દ્રઢરૂપે જ ગંથાઈ જશે. નિયમિત અભ્યાસ અને શ્રમ દ્વારા શારીરિક સ્વાસ્થ્ય સુધરે. આપણું માનસિક સ્વાસ્થ્ય પણ આ નિયમથી પર નથી.. તારે હંમેશાં સામે નજર રાખીને, હિંમત સાથે, દ્રઢતા પૂર્વક આગળ વધવું પડશે. પડી જા તો ફરીથી ઊભો થઈ જજે, પરંતુ ક્યારેય હતાશ ન થતો …. મક્કમતાથી આગળ ધપ. કોઈપણ માણસ વિના વિઘ્ને સંસારનો લપસણો રસ્તો પાર કરવાની આશા રાખી શકે નહીં અને લપસણો રસ્તો પાર કરતા પડી જવાની બીકે કાદવમાં જ બેસી જવું, એ તો નરી મૂર્ખતા જ છે. ‘પ્રયત્ન કર.. પ્રયત્ન કર. ..’ આ મહામૂલ્ય ઉપદેશવાણીને ભૂલતો નહીં. સ્કોટલેન્ડના બૃસને યાદ કર, કે જેણે છ-છ વખત પરાજીત થઈને પણ પ્રયત્ન છોડ્યો ના હતો અને છેલ્લે સાતમી વાર વિજય મેળવ્યો હતો.

• – (‘સ્વામી રામકૃષ્ણાનંદેર સ્મૃતિમાલા’માંથી પૃ.૪૫૮)
(રા.જ. ૧૦-૧૨ (૩૨)/૨૧૬)

 

• જે ધર્મ દુર્બળતા ઉપર પ્રતિષ્ઠિત હોય એ તદન ખોટો અને હાનિકારક. ‘નાયમાત્મા બલહીનેન લભ્ય:’ શ્રુતિ કહે છે કે દુર્બળ ક્યારેય ઈશ્વરપ્રાપ્તિ કરી શકે નહીં. હું જો ઈશ્વરનું સંતાન હોઉં તો હું એમની જ પ્રતિકૃતિ સમો છું અને જો તેઓ પૂર્ણ શુદ્ધ હોય તો હું પણ અવશ્ય સંપૂર્ણપણે શુદ્ધ હોવાનો જ. માટે તમે જો ખરેખર ભગવાનને પ્રેમ કરો તો તમારે ભગવાન જ થવું પડે. ‘દેવો ભૂત્વા દેવં યજેત – ભગવાનની પૂજા કરવા માટે ભગવાન થવું પડે.’

• – (‘સ્વામી રામકૃષ્ણાનંદેર સ્મૃતિમાલા’માંથી પૃ.૪૬૮)
• (રા.જ. ૧૦-૧૨ (૩૫)/૨૧૯)

તેઓ શું કરતાં હશે ? …

પોષ મહિનાની કડકડતી ટાઢમાં ઘાસની ઝૂંપડીમાં રહેતી એક માતા રાતની કડકડતી ઠંડીમાં પોતાના બાળકને જૂનાં છાપાં અને ઘાસના પૂળાથી ઢબૂરીને સુવડાવી દેતી.

એક રાતે બાળકે પૂછ્યું, ‘હે મા, જેની પાસે છાપાં અને ઘાસના પૂળા ન હોય એવાં ગરીબ લોકો આવી ટાઢમાં શું કરતાં હશે ?’

 

(અડધી સદીની વાચનયાત્રા –ભાગ-૧ માંથી)
રા.જ. ૯-૧૨/(૩૮)/ ૨૬૮

 

પાંચેક વરસની એક બાળકી પોતાના ત્રણ વરસના ભાઈને કેડે તેડીને રસ્તે ચાલી જાય છે. એક સજ્જને આ દ્રશ્ય જોયું. એમણે બાળકીને પૂછ્યું, ‘અરે દીકરી, ચાલી શકતાં આ ત્રણ વરસના બાળકને થોડું રસ્તે ચાલતાં શીખવ. તને એનો ભાર નથી લાગતો ?’ બાળકીએ કહ્યું. ‘સાહેબ, ભાઈલાનો તો કંઈ ભાર લાગે ?’

-સનતકુમાર (અડધી સદીની વાચનયાત્રા –ભાગ-૧ માંથી)

 

બ્લોગ લીંક : htpp://das.desais.net
email: [email protected]

 

આજની પોસ્ટ પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો…

સુવિચારોનું વૃંદાવન … ૯

સુવિચારોનું વૃંદાવન … ૯ 

 

 

• આકાશને ટકોરા મારો અને તેનો અવાજ સાંભળો ! ઝેન કહેવત

• ગુરુ દરવાજો ખોલી આપે છે પણ પ્રવેશ તો તમારે તમારી જાતે જ કરવો પડે છે. ચીન દેશની કહેવત

• એક હજાર કિલોમીટરની યાત્રા એક પગલાથી શરૂ થાય છે. ચીન દેશની કહેવત

• એક મૂર્ખ માણસ પોતાના મિત્રો પાસેથી જેટલું શીખે છે એથી વધુ એક ડાહ્યો માણસ પોતાના દુશ્મનો પાસેથી શીખે છે. ચીન દેશની કહેવત

• સાંભળો અને તમે ભૂલો જાશો; જુઓ અને તમને યાદ રહેશે; કરો અને તમે સમજશો. – કન્ફ્યુશિયસ

• જેટલી વાર નિષ્ફળ થઈએ એટલી વાર ફરીથી ઊભા થવું એ આપણી સર્વશ્રેષ્ઠ સિદ્ધિ છે. – કન્ફ્યુશિયસ

 

• સંસારમાં મનુષ્ય સાધારણ રીતે જે બધી પ્રતિકૂળતાઓમાં પડીને નાસીપાસ થી જાય એવી અવસ્થામાં પડીને અમે પણ જ્યારે શ્રીરામકૃષ્ણ પાસે ઉપસ્થિત થતા ત્યારે તો અમને સાંત્વના આપતા, ‘લુહારની એરણ જેવા થઇ જાઓ. આખો દિવસ તેની ઉપર સતત ઘણનાં ઘા પડે છે છતાં પણ તે ધીર, શાંત, નિર્વિકાર. સંસારમાં જ્યારે ને ત્યારે તમારા ઉપર આઘાત આવી પડે છે. પરંતુ લુહારની એરણની જેમ જ તમારે નિર્વિકાર રહેવું. તમારે ધર્મવિશ્વાસ ઉપર અટલ રહેવું અને સર્વશક્તિમાન ઈશ્વરની દયા અને કરુણા ઉપર દ્રઢ વિશ્વાસ રાખવો. ત્યારે જ સંસારનાં દુઃખ, વિપદા અને કલેશના ઝંઝાવત તમને વિચલિત કરી શકશે નહીં. એ બધાં તમને હેરાન કરવા જતાં પોતે જ હેરાન થઇ જશે.’

 

• – (‘સ્વામી રામકૃષ્ણાનંદેર સ્મૃતિમાલા’માંથી પૃ.૪૬૮)

 

• તુ જેમ કહે છે તેમ સંસાર એક પ્રલોભનનું સ્થાન – એ વાત સાચી; પરંતુ શું તું એ વાત જાણે છે કે પ્રબળ ઝંઝાવતના આઘાતથી નબળાં વૃક્ષનાં મૂળ અત્યંત દ્રઢ થાય છે. તારા મનમાં જે નીતિબોધ હજી સુધી બરાબર પાકા થયા નથી, એ પ્રલોભનની સાથે અવિરામ સંગ્રામ કરવાથી તારા મનમાં દ્રઢરૂપે જ ગંથાઈ જશે. નિયમિત અભ્યાસ અને શ્રમ દ્વારા શારીરિક સ્વાસ્થ્ય સુધરે. આપણું માનસિક સ્વાસ્થ્ય પણ આ નિયમથી પર નથી.. તારે હંમેશાં સામે નજર રાખીને, હિંમત સાથે, દ્રઢતા પૂર્વક આગળ વધવું પડશે. પડી જા તો ફરીથી ઊભો થી જજે, પરંતુ ક્યારેય હતાશ ન થતો …. મક્કમતાથી આગળ ધપ. કોઈપણ માણસ વિના વિઘ્ને સંસારનો લપસણો રસ્તો પાર કરવાની આશા રાખી શકે નહીં અને લપસણો રસ્તો પાર કરતા પડી જવાની બીકે કાદવમાં જ બેસી જવું, એ તો નરી મૂર્ખતા જ છે. ‘પ્રયત્ન કર.. પ્રયત્ન કર. ..’ આ મહામૂલ્ય ઉપદેશવાણીને ભૂલતો નહીં. સ્કોટલેન્ડના બૃસને યાદ કર, કે જેણે છ-છ વખત પરાજીત થઈને પણ પ્રયત્ન છોડ્યો ના હતો અને છેલ્લે સાતમી વાર વિજય મેળવ્યો હતો.

 

• – (‘સ્વામી રામકૃષ્ણાનંદેર સ્મૃતિમાલા’માંથી પૃ.૪૫૮)
(રા.જ. ૧૦-૧૨ (૩૨)/૨૧૬)

 

• જે ધર્મ દુર્બળતા ઉપર પ્રતિષ્ઠિત હોય એ તર્દન ખોટો અને હાનિકારક. ‘નાયમાત્મા બલહીનેન લભ્ય:’ શ્રુતિ કહે છે કે દુર્બળ ક્યારેય ઈશ્વરપ્રાપ્તિ કરી શકે નહીં. હું જો ઈશ્વરનું સંતાન હોઉં તો હું એમની જ પ્રતિકૃતિ સમો છું અને જો તેઓ પૂર્ણ શુદ્ધ હોય તો હું પણ અવશ્ય સંપૂર્ણપણે શુદ્ધ હોવાનો જ. માટે તમે જો ખરેખર ભગવાનને પ્રેમ કરો તો તમારે ભગવાન જ થવું પડે. ‘દેવો ભૂત્વા દેવં યજેત – ભગવાનની પૂજા કરવા માટે ભગવાન થવું પડે.’

 

• – (‘સ્વામી રામકૃષ્ણાનંદેર સ્મૃતિમાલા’માંથી પૃ.૪૬૮)
• (રા.જ. ૧૦-૧૨ (૩૫)/૨૧૯)

 

બ્લોગ લીંક : http://das.desais.net
email:[email protected]

 

આજની પોસ્ટ આપને પસંદ આવી હોય તો આપના અમૂલ્ય પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો… આભાર ! ‘દાદીમા ની પોટલી’.