તને તારી કોઇ ખામી દેખાતી જ નથી ? …

તને તારી કોઇ ખામી દેખાતી જ નથી ? …

 

 

 

 

આજ’ થઇને જ્યારે સામે આવશે એમ જ જશે
 એમ તો મેં પણ ઘણી નક્કી કરેલી કાલ છે,  
આ શિખામણમાં બધું આવી ગયું સાંભળ જરા,  
કે સમય કરતાંયે મૂંગી આદમીની ચાલ છે
મરીઝ 

કોઇ માણસ સંપૂર્ણપણે પરફેક્ટ હોતો નથી. દરેકમાં કંઇક તો ખામી હોય જ છે. આપણી આદતો, માન્યતાઓ, વિચારો અને આપણો સ્વભાવ આપણને બીજા કરતાં જુદા પાડે છે. માણસમાં પ્લસ પોઇન્ટ્સ હોય છે માઇનસ પોઇન્ટ્સ પણ હોય છે. આ પ્લસ અને માઇનસના હિસાબ બાદ જે બચે છે એનાથી માણસની ઇમેજ બંધાતી હોય છે. માણસ સાથે કેટલી બધી ટેગલાઇન જોડાયેલી હોય છે? એ માણસ સારો છે, એ માણસ ખરાબ છે, એ માણસ જરાય ભરોસાપાત્ર નથી, એ માણસ વ્યવહારુ છે, એ માણસ દયાળુ છે, એ માણસ હોશિયાર છે, એ માણસ પ્રેમાળ છે. માણસ તો બધા જ છે પણ તેની સાથે જે શબ્દ લાગતો હોય છે તેનાથી તેની ઓળખ બનતી હોય છે.

કોઇ માણસ ઇમેજ કે છાપ લઇને જન્મતો નથી. એનું વર્તન એના વિશેની માન્યતા ઘડે છે. આપણે ત્યાં તો બાળકને પણ એની આદતો અને સ્વભાવથી ઓળખવામાં આવે છે. એનો દીકરો તો એક નંબરનો તોફાની છે, બારકસ છે, શાંત છે. આ છોકરો કે છોકરી એક દિવસ કંઇક બનશે, ઘણા હસમુખા હોય છે અને ઘણા રોતલ. તમે માર્ક કરજો. જે બાળક આપણી સાથે હસે એને જ રમાડવાનું આપણને મન થતું હોય છે. આપણે તેડવા જઇએ અને રડવા લાગે કે મોઢું બગાડે તો આપણે રમાડવાનું માંડી વાળીએ છીએ. લોકો બાળક સાથે પણ જો આવું કરતા હોય તો પછી મોટા થયા બાદ તો ઘણી બધી ગણતરીઓ મંડાતી હોય છે. દરેક સંબંધ પાછળ કંઇ તો કારણ હોય જ છે. તમે વિચાર કરજો, તમારા જે સંબંધો છે તેની પાછળ ક્યું કારણ કે તત્ત્વ જવાબદાર છે? કંઇ નહીં હોય તો છેલ્લે એની સાથે મજા આવતી હશે. તમને એ વ્યક્તિમાં કંઇક ગમતું હશે. તમે ક્યારેય વિચાર્યું છે કે તમારામાં એવું ક્યું તત્ત્વ છે કે બીજા કોઇને તમારી સાથે મજા આવે? આપણને ઘણી વખત એ પણ ખબર નથી હોતી કે મારામાં સારું શું છે? સારાની ખબર ન હોય તો હજુ વાંધો નથી પણ તમને ખબર છે. તમારામાં સારું શું નથી અથવા તો શું ખરાબ છે?

ના. આપણને ખબર નથી હોતી. આપણા જ માઇનસ પોઇન્ટની ખબર આપણને નથી હોતી! જેની ખબર જ ન હોય એને હટાવવાનો તો વિચાર જ ક્યાંથી આવે? એક યુવાનને એની પત્ની સાથે બનતું ન હતું. ઝઘડા થતા હતા. પત્નીમાં એને પ્રોબ્લેમ જ દેખાતા હતા. તું અામ નથી કરતી અને તું તેમ નથી કરતી. માનસિક શાંતિ માટે એ યુવાન એક સંત પાસે ગયો. સંત સાથે વાતચીત દરમિયાન તેણે કહ્યું કે મને મારી પત્ની સાથે ફાવતું નથી. સંતે પૂછ્યું કે, તેનામાં શું ખામી છે? યુવાને આખું લિસ્ટ કહી આપ્યું. સંતે કહ્યું, અરે વાહ, તું તો તારી પત્નીને પૂરી રીતે ઓળખે છે. હવે તું મને એક પ્રશ્નનો જવાબ આપ. તને ખબર છે કે તારામાં શું ખામી છે? યુવાન ચૂપ થઇ ગયો. તેની પાસે જવાબ જ ન હતો. સંતે કહ્યું કે તું તારી પત્નીની ખામી દરરોજ એને ગણાવે છે, તેં ક્યારેય એને પૂછ્યું છે કે મારામાં શું ખામી છે? તને જેમ એનામાં ઘણું નથી ગમતું એમ એને પણ તારામાં ઘણું નહીં ગમતું હોય. ઘરે જા, તારી પત્નીને પૂછ અને પહેલાં તું તારી ખામીઓ દૂર કર. તું કરીશ એટલે એ આપોઆપ કરશે. આપણે બધાને બદલવા હોય છે પણ આપણે જરાયે બદલવું હોતું નથી.

વાત સંબંધની હોય, સુખની હોય કે પછી સફળતાની હોય, આપણને આપણી ખામીની ખબર હોય તો તેને સુધારીને આપણે આપણી મંજિલ સુધી પહોંચી શકીએ છીએ. માણસ સફળ થવા માટે જે લોકો સફળ હોય છે એના પ્લસ પોઇન્ટ્સ જુએ છે અને તેના જેવા બનવા પ્રયત્ન કરે છે. કોઇના જેવા બનવાથી ક્યારેય સફળ કે સુખી થવાતું નથી. સફળ અને સુખી થવા માટે માણસે પોતાના જેવા જ બનવાનું હોય છે. હું જેવો છું એવો છું એવી જિદ્દ કાયમ માટે ન ચાલે. પહેલાં એ વિચારવું પડે કે હું કેવો છું? મારામાં શું ખૂટે છે? મારી શું મર્યાદા છે? માત્ર શોધી લેવાથી પણ કંઇ  ફર્ક પડતો નથી. એને સુધારવા પણ પડે છે. સમયની સાથે બધું બદલતું હોય છે. એક મેેનેજમેન્ટ ગુરુએ યંગસ્ટર્સને પૂછ્યું કે માર્કેટમાં ટકવા માટે શું કરવું જોઇએ? અને યુવાને કહ્યું કે, લોકોને દરરોજ કંઇક નવું જોઇએ છે. ઇનોવેશન ઇઝ ધ કી ફેક્ટર. જૂનાથી લોકો બહુ ઓછા સમયમાં કંટાળી જાય છે. નવું આપતા રહો તો તમે ટકી જાવ. મેનેજમેન્ટ ગુરુએ કહ્યું, રાઇટ, બહુ સારી વાત છે. હવે તમે એ કહો કે તમારી લાઇફમાં શું નવું છે? તમારી લાઇફમાં કંઇ નવું નહીં હોય તો તમે પણ કંટાળી જશો. તમારે કંઇ ચેન્જ લાવવો હોય તો પહેલા તમે ચેન્જ થાવ. આપણે કપડાં બદલતા રહીએ છીએ, ઘર અને કાર પણ બદલીએ છીએ. આપણે પોતે કેટલા બદલતા હોઇએ છીએ? લાઇફ સ્ટાઇલ બદલી નાખવા આપણે ઉધામા કરીએ છીએ પણ લાઇફ બદલવા આપણે શું અને કેટલું કરીએ છીએ?

રોજ સવારે તૈયાર થતી વખતે આપણે અરીસામાં જોઇએ છીએ કે હું કેવો કે હું કેવી લાગું છે. જરા પણ ખામી દેખાય તો આપણે તેના ઉપાય કરીએ છીએ. ઉંમર વધે તેમ માણસ સારા દેખાવવાના વધુ પ્રયત્ન કરે છે. એક માણસ રોજ અરીસાને પૂછે કે હું કેવો લાગું છું? અરીસો જવાબ આપતો નથી. એ પોતે જ શોધે છે કે મારામાં શું ખૂટે છે. કઇ લટ આડી-અવળી છે? શેવિંગ કરતી વખતે વાળ રહી તો નથી ગયા ને? દાઢી-મૂછ તો બરાબર સેટ છે ને? અરીસો જવાબ આપતો હોય એમ પોતે જ પછી કહે છે કે હવે હું પરફેક્ટ છું! એને એક વખત એવો ભાસ થયો કે અરીસો તેને કંઇક પૂછે છે. અરીસાએ કહ્યું કે બહારથી તો તું પરફેક્ટ છે પણ અંદરથી? દિલમાં જે જાળા બાઝી ગયા છે એ તને દેખાય છે? તારી અંદર જે થર જામી ગયા છે એનું શું? હું તો અરીસો છું. માત્ર બહારનું જ દેખાડું છું. અંદરનું જોવા માટે તો તારે જ તારો અરીસો બનવું પડે. બહારનું જોવા માટે આંખ છે પણ અંદરનું જોવા માટે? માણસે પોતાની અંદર જ ઊતરવું પડે છે. દિલ સાથે વાત કરવી પડે છે. વિચારોની ધાર કાઢવી પડે છે. વર્તનને ચકચકિત કરવું પડે છે. અરીસો સાફ કરવાથી ચહેરાની ધૂળ હટી જતી નથી. તમારા સિવાય તમારામાં બીજું કોઇ પરિવર્તન લાવી ન શકે. તમારે ચેન્જ થવું છે? તો પહેલાં એ શોધી કાઢો કે તમારામાં ચેન્જ કરવા જેવું શું છે? આપણે બદલીએ તો જ દુનિયા બદલાયેલી લાગે. દુનિયા સરવાળે તો આપણે જેવા હોઇએ એવી જ આપણને લાગતી  હોય છે. 

છેલ્લો સીન: 

તમારી સુષુપ્ત શક્તિઓને ખીલવો, નહીં તો એ લુપ્ત થઇ જશે. -જહોન લુબોક

(‘દિવ્ય ભાસ્કર’, કળશ પૂર્તિ, તા. 30 સપ્ટેમ્બર 2015, બુધવાર. ‘ચિંતનની પળે’ કોલમ)

 

email : [email protected]

 

krishnakant unadkat

કૃષ્ણકાંત ઉનડકટ
EXECUTIVE EDITOR, SANDESH DAILY, AHMEDABAD.
બ્લોગ લીંક :krishnkantunadkat.blogspot.com
ચિંતનની પળે :     email : 
[email protected]

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર પુન:પ્રસિદ્ધ કરવાની તક મળવા બદલ અમો શ્રી કૃષ્ણકાંત ઉનડકટ નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected] 

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે. 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

થોડા સમય માટે તો કડવાશ ભૂલી જા! …

થોડા સમય માટે તો કડવાશ ભૂલી જા ! …

 
leaf.

 

 

જિંદગી ભી અજિબ દરિયા હૈ, જિંદગી ભર ઉસી કી પ્યાસ રહે,

આજ હમ સબ કે સાથ ખુબ હંસે, ઔર ફિર દેર તક ઉદાસ રહે.

 

  • બશીર બદ્ર

 

 

સમયનો મિજાજ વિચિત્ર હોય છે. સમયની ફિતરત અવળચંડી છે.  સમય કાયમ માટે મિત્ર પણ હોતો નથી અને હંમેશ માટે શત્રુ પણ હોતો નથી.  સમય કયારેક સાથીદારના રૂપમાં મોજુદ હોય છે તો કયારેક એ જ સમય હરીફ બનીને સામે આવીને ઊભો રહી જાય છે.  સમય આપણને ચેલેન્જ આપતો રહે છે.  પડકારને જે સ્વીકારી નથી શકતો એને સમય હરાવી દે છે. પડકારને જે પ્રેમ કરે છે એની પાસે સમય શરણાગતિ સ્વીકારી લે છે.  સમય સામે ફરીયાદ ન કરો.  સમય સામે સવાલ ન કરો. સમયને સવાલ નહીં, જવાબ જોઇતા હોય છે.  આપણે જવાબ આપવાની ક્ષમતા કેળવવાની હોય છે.

 

હા, ઘણી વખત એવું બનતું હોય છે કે આપણું ધ્યાન ન પડે.  વિચાર્યું હોય કંઇક અને થઇ જાય સાવ જુદું જ.  સમય આપણા મનસુબા ઉથલાવી નાખે છે.  સમય વિશે આપણે એવું પણ કરીએ છીએ કે સમય આપણને એમનો અનુભવ કરાવી દે છે કે કોણ આપણા છે અને કોણ પરાયા છે. કોણ નજીક છે અને કોણ દૂર છે.  કોણ સ્પર્શે છે અને કોણ ભડકે છે.  નજીક હોય એ જોજનો દૂર ચાલ્યા જાય છે અને જે દૂર સુધી દેખાતા ન હોય એ પાસે આવી જાય છે.

 

સમય માત્ર ખરાબ અનુભવે કરાવે એવું જરૂરી નથી.  સમય સારા અને ઉમદા ઉદાહરણો પણ પૂરા પાડતો હોય છે.  બે મિત્રો તા.  બંને વચ્ચે બચપણથી જ જીગરજાન દોસ્તી.  ફ્રેન્ડશીપ હોય ત્યારે બધા એવું જ વિચારતાં હોય છે કે આપણા સંબંધો આવાને આવા રહે.  જો કે એવું થતું નથી.  સંબંધોમાં પણ અપડાઉન આવતા રહે છે.  આ બંને મિત્રો વચ્ચે પણ એક બાબતે અંટસ પડી ગઇ.  બંને દુર થઇ ગયા.  રોજ મળનારા મિત્રો વચ્ચે અબોલા થઇ ગયા.  દોસ્તી માત્ર સ્મરણોમાં સચવાઇને રહી ગઇ.  લીસોટા સમય સાથે ઝાંખા પડતાં હોય છે.  સ્મરણો પણ ધીમેધીમે ભૂંસાતા હોય છે.  જો કે સ્મરણો કયારેય મરતાં નથી.  થોડા સમય માટે એ સુપુસ્ત થઇ જતાં હોય છે.  સ્મરણો અચાનક સજીવન થઇ સામે આવી જાય છે.  સંબંધો જીવંત થઇ જાય છે.  સંબંધોની સક્રીયાને સ્વીકારવાની આપણી તૈયારી હોવી જોઇએ.  એક મિત્ર મુશ્કેલીમાં મુકાયો.  સંજોગો એવા સર્જાયા કે એ મિત્ર દરેક રીતે નીચોવાય જાય.  માણસ નીચોવાતો હોય ત્યારે એને ભીનાશની જરૂર પડે છે.  તરબતર હોય એ પણ તરસ્યો થઇ જાય છે.  બધા હોય છતાં એ એકલો પડી જાય છે.  મારો મિત્ર તકલીફમાં છે એની જાણ એના મિત્રને થઇ.  મારા મિત્રને મારી જરૂર છે એવું એને લાગ્યું.  સવાલ એ હતો કે સંપર્ક કઇ રીતે કરવો ?  કયા મોઢે એની સાથે વાત કરવી ?  એને એવું તો નહીં લાગે ને કે એની મજબુરી વખતે હું સહાનુભુતિની વાત કરી એને મારી જરૂરિયાત મહેસુસ કરાવું છું ?  એ મારી વાત નહીં સાંભળે તો ?  ઘણીવખત જેની સાથે વાત કરવા માટે કોઇ શબ્દો શોધવાની જરૂર નથી હતો એની સારી જ વાત કરવા માટે ભૂમિકા વિચારવી પડે છે !  શું વાત કરું ?  કેવી રીતે શરૂઆત કરું ?

 

આખરે તેણે પોતાના મિત્રને એક પત્ર લખ્યો.   હું તને યાદ કરું છું.  તારી સાથે વાત કરવા ઇચ્છું છું.  તારી સાથે થોડો સમય રહેવા માંગુ છું.  એટલા માટે નહીં કે તું અત્યારે ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યો છે.  એટલા માટે પણ નહીં કે તારે કોઇ સહારાની જરૂર છે.  એટલા માટે કે જયારે હું મુશ્કેલીમાં હતો ત્યારે તારી હાજરીએ મને હિંમત આપી હતી.  તારા શબ્દોએ મને શકિત આપી હતી.  તારા સ્પર્શે મને ફરીથી ઊભો કરી દીધો હતો.  મને ખબર છે કે તું મારાથી નારાજ છે. સાચું કહ્યું તો હું પણ તારાથી નારાજ છું.  આપણે આપણી આ નારાજગી થોડાં સમય માટે ભૂલી ન શકીએ.  એ દોસ્ત, ચાલ થોડો સમય આ કડવાશ ભૂલી જા.  કડવાશ આપોઆપ ઓગળતી નથી.  કડવાશને હટાવવી પડે છે.  મિત્રએ પત્રના જવાબમાં એટલું જ લખ્યું કે, આવ હું તારી રાહ જોઉં છું.  પ્રેમ,લાગણી, સ્નેહ, હૂંફ, આત્મીયતા તો દરવાજા બહાર જ હોય છે. આપણે માત્ર બારણું ઉઘાડવાનું હોય છે.

 

અઘરા સમયમાં ઘણું બધુ પરખાઇ જતું હોય છે.  જે સંબંધ અધૂરો હોય એ પૂરો થઇ જતો હોય છે.ઘણીવખત જે પૂરો થઇ ગયેલો માની લીધો હોય છે એ સોળે કળાએ ખીલીને સામે આવી જાય છે.  આપણો પ્રોબલેમ એ હોય છે કે આપણે અઘરા સમયના અયોગ્ય ઉદાહરણોને જ વાગોળતા રહીએ છીએ. મારે જરૂર હતી ત્યારે કોઇ હાજર ન હતું.  આ સમયમાં બધા ઓળખાઇ ગયા. આપણા ખરાબ સમયમાં જે હાજર હોય છે એને આપણે કેટલા એપ્રિસીએટ કરતાં હોય છે. એક વ્યકિત તકલીફમાં મુકાયો. એ સમય પૂરો થયો ત્યારે તેણે કહ્યું કે, મારા ખરાબ સમયમાં કેટલા બધા લોકો મારી સાથે હતા! મને તો ખબર પણ ન હતી કે આટલા બધા લોકો મારી નજીક છે.  હું તો દુનિયાને સ્વાર્થી સમજતો હોત. બધા મતલબી જ હોય છે એવું માનતો હતો. જો કે એવું નથી પણ જે નજીક હતા એ નજીક જ છે એનો અહેસાસ અદભૂત હોય છે.

 

ખરાબ સમયમાં માત્ર બીજાની જ ઓળખ થાય એવુ નથી હોતું.  આપણને આપણો પણ પરીચય થતો હોય છે.  આપણે આપણને પણ વધુ ઓળખતાં થતાં હોય છે.  ખરાબ સમય ઘણીવખત આપણને પણ એ સમજાવી જાય છે કે બધુ તું માને છે એવું જ હોતું નથી.  ઘણું બધું જુદું હોય છે.  બધું જ ખરાબ પણ નથી હોતું, કંઇક સારું પણ હોય છે.  આપણે આપણા ખરાબ સમયની સારી બાજુઓ જોઇ શકીએ છીએ ?  એક સરસ કહેવત છે કે દરેક કાળા વાદળને સોનેરી કિનાર હોય છે.  આપણે કાળા વાદળને જ જોતા રહીએ છીએ તો શું થાય ?  સોનેરી કિનાર જોવાની ફૂરસદ કે દાનત આપણને હોય છે ખરી ?

 

 

છેલ્લો સીન:  

 

સારામાં થોડુંક ખરાબ પણ હોય છે. ખરાબમાં કંઇક સારું પણ હોય છે.  સરવાળે તો આપણે જે શોધીએ એ જ આપણને મળતું હોય છે.   -કેયુ.

 

 

(‘દિવ્ય ભાસ્કર’, કળશ પૂર્તિ, તા. 16 સપ્ટેમ્બર 2015, બુધવાર. ‘ચિંતનની પળે’ કોલમ)

 

email : [email protected]

 

 

krishnakant unadkat

કૃષ્ણકાંત ઉનડકટ
EXECUTIVE EDITOR, SANDESH DAILY, AHMEDABAD.
બ્લોગ લીંક :krishnkantunadkat.blogspot.com
ચિંતનની પળે :     email : 
[email protected]

 

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર પુન:પ્રસિદ્ધ કરવાની તક મળવા બદલ અમો શ્રી કૃષ્ણકાંત ઉનડકટ નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected] 

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

દુનિયામાં કઈ વ્યક્તિ તમારી કમજોરી છે? …

દુનિયામાં કઈ વ્યક્તિ તમારી કમજોરી છે? …

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

 

 

 

 

 

હવામાં ઊછળતાં હરણ આવશે ને સૂરજનું ધગધગતું રણ આવશે,
ઊઘડતો જશે એક ચહેરો સતત, સ્મરણમાંય એનું સ્મરણ આવશે.

-આદિલ મન્સૂરી

 

આખી દુનિયામાં એવી કઈ વ્યક્તિ છે જેના માટે તમે કંઈ પણ કરો ?  હા, એવી વ્યક્તિ દરેકની લાઈફમાં હોય છે જેના માટે બધુ જ કુરબાન કરવા માણસ તૈયાર થઈ જાય છે તારા માટે તો હું આખી દુનિયા સામે લડી લઉં.  બધું જ છોડવું પડે તો પણ કોઈ અફસોસ નથી.  મારી જિંદગી તારા માટે છે. આઈ એમ ઓલવેઝ ધેર ફોર યુ. તને ઉની આંચ પણ નહીં આવવા દઉં.

 

ઉંમરના દરેક તબક્કે આ વ્યક્તિ બદલતી પણ હોય છે.  નાના હોઈએ ત્યારે મા-બાપ અને ભાઈ-બહેન સૌથી નજીકની વ્યક્તિ હોય છે.  થોડાં મોટા થઈએ એટલે લાઈફમાં ફ્રેન્ડસની એન્ટ્રી થાય છે. યંગ થઈએ એટલે પ્રેમી અથવા તો પ્રેમિકા જિંદગીની પ્રાયોરિટીમાં ટોપ પર આવી જાય છે.  જિંદગી થોડીક આગળ વધે એટલે પત્ની અથવા પતિ લાઈફની મોસ્ટ ઈમ્પોર્ટન્ટ વ્યક્તિ બની જાય છે.  એ પછી બાળકો માટે માણસ કંઈપણ કરવા તૈયાર થઈ જાય છે. સંબંધોની સૌથી વધુ તીવ્રતા શેમાં હોય છે ?  પ્રેમી અને પ્રેમિકાના કિસ્સામાં ?  હા, પ્રેમમાં હોય ત્યારે માણસ આખી દુનિયા સામે બળવો કરવા રેડી હોય છે.  શું બીજા સંબંધોમાં તીવ્રતા ઓછી હોય છે ?  ના.  દરેક સંબંધમાં તીવ્રતા તો હોય જ છે. પ્રેમમાં હોય ત્યારે તેની અસર વધુ હોય છે.  બાકી માણસ જીવનના અલગ અલગ તબક્કે સૌથી નજીકની વ્યક્તિ માટે જીવતો હોય છે.

 

જિંદગીની વાતમાં આખરે શું હોય છે ?  અંતે તો એમાં આપણા લોકોની જ વાત હોય છે.  અમુક લોકો નજીક હોય છે એ દૂર પણ થતાં હોય છે અને દૂર હોય એ નજીક હોય છે એ દૂર પણ થતાં હોય છે અને દૂર હોય એ નજીક પણ આવતાં હોય છે.  થોડાક મિત્રો, થોડાક હિતેચ્છુઓ, થોડાક વિરોધીઓ, થોડાક દુશ્મનો અને થોડાક ખેલ જોનારાઓ હોય છે.  આ બધા જ લોકો આખરે તો માણસ જ છે. સારા હોય કે નરસા, એ આપણી સાથે જ જોડાયેલા હોય છે. એ જ લોકો આપણી જિંદગીની કહાની છે, એ જ લોકો આપણી જીવનકથાના પાત્રો છે.  એ જ આપણા અનુભવો છે એને બાદ કરી નાખો તો જિંદગી કોરી કિતાબ જ થઈ જાય !  જો કે, લોકો જિંદગીની કિતાબ કોરી રાખવા દેતાં નથી.  એ લોકો એક પછી એક પ્રકરણ ઉમેરતાં જ જાય છે. થોડાંક રંગીન પ્રકરણ, થોડાક બ્લેક એન્ડ વ્હાઈટ અને થોડાંક ગ્રે !

 

આપણી જિંદગીમાં સૌથી નજીકની વ્યક્તિ આપણી કમજોરી હોય છે.  આ ‘કમજોરી’ જીવવાની પણ એક અનોખી મજા છે.  એક વ્યક્તિ આપણી જિંદગીનો સેન્ટર પોઈન્ટ હોય છે.  એનો સાથ, એનો સહવાસ, એના વિચારો અને એના માટે કંઈક કરી છૂટવાની તમન્ના આપણને જીવવાના કારણો પૂરાં પાડે છે.  આવા સંબંધોમાં કંઈ જ અયોગ્ય કે અજુગતું લાગતું હોતું નથી. બધુ જ વાજબી અને યોગ્ય લાગે છે.  આખી દુનિયા જેને ગેરવાજબી કહેતી હોય એવું કરવામાં પણ આપણને કંઈ ખોટું લાગતું નથી.  દુનિયા કહેતી હોય છે કે એ તો એની પાછળ પાગલ છે એના સીવાય એને બીજું કંઈ દેખાતું નથી.  દેખાતું હોતું પણ નથી, કારણકે એ જ વ્યક્તિ આપણા માટે બધુ જ હોય છે.  પોતાની જિંદગી કરતાં પણ એ આગળ હોય છે.

 

બે બહેનપણીની વાત છે.  બંને બિન્ધાસ્ત.  એક સાથે મોટી થઈ.  એક સાથે ભણી.  બંનેના વિચારો સ્વતંત્ર હતા.  પોતે જ પોતાની પ્રાયોરિટી હતી. બંનેના લગ્ન થયા.  પોતપોતાના ઘરે બંને ખુશ અને સુખી હતી.  થોડાક વર્ષો પછી એક બહેનપણી તેની બીજી ફ્રેન્ડના ઘરે ગઈ.  થોડા દિવસ રોકાઈ.  એ બહેનપણી આખો દિવસ એના હસબન્ડ અને બાળકમાં વ્યસ્ત રહેતી.  એ મજામાં રહેતી હતી.  આખો દિવસ બીઝી રહેતી. પતિ અને બાળક માટે કંઈ પણ કરતી. આ બધુ જોઈને તેની ફ્રેન્ડે કહ્યું કે, તને નથી લાગતું કે તું બંધનમાં છે.  આખો દિવસ નવરી જ નથી પડતી.  તારા માટે પણ તને સમય નથી મળતો. આ તે કોઈ લાઈફ છે. તેણે પોતાની ફ્રેન્ડને બાજુમાં બેસાડી અને કહ્યું કે, હા તું કહે છે એ સાચું છે.  આ બંધન છે.  બંધન હોવા છતાં મને એ આકરું નથી લાગતું.  ઊલટું હું આ બંધનને એન્જોય કરું છું.  એક વાત યાદ રાખજે.  બંધન બે પ્રકારના હોય છે. એક લદાયેલા બંધન અને બીજા સ્વીકારાયેલા બંધન.  તને અહીં અને મારા માટે જે બંધન લાગે છે એ બંધન મારા પર કોઈએ લાદી નથી દીધુ.  એ બંધન મેં દિલથી સ્વીકારેલું છે મને ગમે છે.

 

લદાયેલા બંધનનો ભાર લાગે.  સ્વીકારેલા બંધન જ જિંદગીને જીવવા જેવી બનાવે છે.  હા, હું કંઈ પણ કહી શકું.  મારો પતિ અને મારું બાળક મારી જિંદગી છે એના માટે બધુ જ કુરબાન. પ્રેમ મેળવવા માટે પ્રેમ આપવો પડે.  પ્રેમ આપો એનાથી બમણો મળે છે.  એના માટે આપણે બસ એટલું જ કરવાનું હોય છે કે આપણા બંધનમાંથી મુકત થઈ જવાનું હોય છે.  તું તારા બંધનમાંથી મુક્ત થઈ જા.  કોઈ સાથે બંધાઈ રહેવાને બંધન કહેવું વાજબી નથી.

 

જે વ્યક્તિ આપણી કમજોરી હોય, જે વ્યક્તિ માટે આપણે કંઈ પણ કરી છૂટવા તૈયાર હોઈએ એ વ્યક્તિ સાથે પણ સંબંધ કાયમી એકસરખા જ રહે એ જરૂરી નથી.  આપ-ડાઉન્સ તો એમાં પણ આવવાના છે.  વાંધા તો એની સાથે પણ પડવાના છે.  ઝઘડા તો એની સાથે પણ થવાના જ છે અરે, એની સાથે વાંધો પડે, ઝઘડો થાય કે મિસ અન્ડરસ્ટેન્ડિંગ થાય ત્યારે તો સૌથી વધુ પેઈન થતું હોય છે.   ક્યારેક તો જિંદગીનો કોઈ મતલબ જ લાગતો નથી.  એને જો મારી પડી નથી, એને જ મારી કદર નથી તો પછી આ બધાનો અર્થ શું છે એના વિચારો પણ આવી જાય છે. જરાક જુદી રીતે જુઓ તો આ પણ સંબંધની એક તીવ્રતા જ છે.  જેના વગર બધુ જ નક્કામું લાગવા માંડે એ કંઈ નાની વાત છે ?

 

માણસ જતું પણ ત્યાં જ કરે છે જ્યાં એ દિલથી જોડાયેલો હોય છે. માફ પણ એને જ કરે છે જેને એ પ્રેમ કરે છે.  જતું ન કરવાની જીદ જ મોટા ભાગે તો આપણને આપણી નજીકની વ્યક્તિથી દૂર કરતી હોય છે. તમારી કોણ કમજોરી છે ?  કોના માટે તમે કંઈપણ કરી શકો ?  એને ક્યારેય ભૂલતા નહીં.  એવી વ્યક્તિ સાથેનો સંબંધ ઈગો અને ગુસ્સા કરતાં વધુ મહત્ત્વનો હોય છે. ઝઘડાંની તીવ્રતા પણ સૌથી વધુ ત્યાં જ હોવાની જ્યાં સૌથી વધુ પ્રેમ હોય. કોઈ વ્યક્તિ તમારી કમજોરી હોય તો એને કમજોરી રહેવા દો.  એ જ આપણી જિંદગી હોય છે.  ઘણી વખત માણસ અફસોસ કરે છે અને કહે છે કે એના માટે હું કંઈપણ કરવા તૈયાર હતો અને એણે મારી સાથે કયું કર્યું ?  એવા સમયે થોડોક એવો પણ વિચાર કરજો કે જેના માટે હું કંઈ પણ કરવા તૈયાર હતો એની સાથે મેં કેવું કર્યું ?  જેના માટે કંઈ પણ કરવાનું મન થઈ આવે, કંઈપણ કરવાની તૈયારી હોય એવા લોકો બહુ ઓછા અને આમ તો એકાદ જ હોય છે.  એને સંભાળી અને સાચવી રાખવા જોઈએ. એના વગર જિંદગી જીવવા જેવી રહેતી નથી એટલે જ આપણી જિંદગીમાં એનું રહેવું મહત્ત્વનું હોય છે !

 

 

 

છેલ્લો સીન : 

 

છેડો ફાડવાનું મન થાય ત્યારે માત્ર એટલો વિચાર કરી જોજો કે તમે એના માટે કઈ હદ સુધી જવા તૈયાર હતા ?  છેડો ફાડીને તમે જ એ હદ વટાવી જવાના નથી ને ?  -કેયુ.

 

 
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 26 જુલાઇ, 2015. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)

 

 

 

krishnakant unadkat

કૃષ્ણકાંત ઉનડકટ
Executive Editor – SANDESH DAILY, AHMEDABAD.
બ્લોગ લીંક : krishnkantunadkat.blogspot.com – ચિંતનની પળે :
email : 
[email protected]

 

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર પુન:પ્રસિદ્ધ કરવાની તક મળવા બદલ અમો કૃષ્ણકાંત ઉનડકટ નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected] 

 

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You  can follow /   “LIKES”   us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli