તું નક્કી કરી લે કે તારે કરવું છે શું? …

તું નક્કી કરી લે કે તારે કરવું છે શું? …

ચિંતનની પળેકૃષ્ણકાંત ઉનડકટ

krish.1

 

 

તુફાનોમાં ફક્ત તેઓ તરીને પાર નીકળે છે,

ફરી વળતું નથી જે લોકોની હિંમત ઉપર પાણી.

– બરકત વિરાણી ‘બેફામ’

જિંદગી આંખોમાં સપનાં આંજીને આવે છે. સુખનું સપનું. સ્નેહનું સપનું. સફળતાનું સપનું. સાધનોનું સપનું અને સપનાને સાર્થક કરવાનું સપનું. સપનાં વગરનો માણસ હોઈ ન શકે. જે સપનાં નથી જોતો એ જાગતો હોય તો પણ સુષુપ્ત હોય છે. માણસ પથ્થર નથી. માણસ પર્વત નથી. માણસ જંગલ છે. આ જંગલ ખીલતું, ઊગતું,ઊઘડતું અને ઝઝૂમતું રહે છે. જ્વાળામુખી પણ એક સપનું છે જે પર્વતને ફાડીને બહાર આવે છે. આપણી અંદર પણ એક જ્વાળામુખી હોય છે. સતત ભભૂકતો જ્વાળામુખી. જ્વાળામુખીનું સત્ય વિસ્ફોટ છે. સપનાનું સત્ય વિસ્મય છે.

તમારાં સપનાં શું છે? આ સવાલ જો કોઈ તમને કરે તો તમે શું જવાબ આપો? ઘણા પાસે તો લાંબું લિસ્ટ હોય છે. હોવું જ જોઈએ. સપનાં તો જિંદગીનું સત્ય છે. સપનાં તો જિજીવિષા છે. સપનાં ન હોય તો માત્ર શ્વાસ રહે છે, જિંદગી નહીં. સપનાનો પનો લાંબો હોવો જોઈએ. ઘણા લોકો મોત આવે એ પહેલાં મરી જતા હોય છે, કારણ કે એનાં સપનાં મરી ગયાં હોય છે. હાલવું, ચાલવું અને જીવતાં રહેવું એક વાત છે અને થનગનતાં રહેવું એ બીજી વાત છે.

એક યુવાનની વાત છે. તેણે બચપણથી થોડાંક સપનાં જોયાં હતાં. એક સરસ મજાનું ઘર હોય, ઘરમાં બધી સગવડ હોય, સારી કાર હોય,પ્રેમાળ પત્ની હોય, સમજું સંતાનો હોય અને એક સારી જોબ હોય. ઘણાં સપનાં ધાર્યાં કરતાં વહેલાં પૂરાં થઈ જતાં હોય છે. નાની ઉંમરમાં જ તેનાં આ બધાં સપનાં પૂરાં થઈ ગયાં. એ ધીમે ધીમે હતાશ થવા લાગ્યો. મારાં સપનાં તો પૂરાં થઈ ગયાં. હવે શું? કોઈ ઉકેલ મળતો ન હતો. એ યુવાન એક સંત પાસે ગયો. સંતને કહ્યું, મારાં સપનાં તો પૂરાં થઈ ગયાં. હવે મારે શું કરવું? મને જીવવાનું કોઈ કારણ આપો. સંતે હસીને કહ્યું, જરાયે મુશ્કેલ નથી. તું બસ, તારાં સપનાં વધારી દે. સપનાંને થોડાંક મોટાં કરી દે. આપણે ઘણી વખત જેને મંજિલ સમજી લેતા હોઈએ છીએ એ માત્ર એક મુકામ હોય છે. દરેક માણસ પોતાની ક્ષમતા મુજબ સપનાં જોતો હોય છે. આપણે ઘણી વખત આપણી ક્ષમતાને આંકવામાં જ ભૂલ કરી લેતાં હોઈએ છીએ. પોતાની જાતને અંડરએસ્ટીમેટ કરવા જેવી ભૂલ બીજી કોઈ નથી.

ઘણા લોકોના મોઢે આપણે એવું સાંભળીએ છીએ કે, મેં તો સપનામાં પણ ક્યારેય એવું નહોતું વિચાર્યું કે હું અહીં સુધી પહોંચી શકીશ! આપણે ક્યારેય તેને એવું નથી કહેતા કે, તેં સપનાં જોવામાં ભૂલ કરી હતી. તેં કેમ અત્યારે છો એ સપનું નહોતું જોયું? ચલો, કંઈ વાંધો નહીં, હજુ નવું સપનું જો કે તું ક્યાં સુધી પહોંચી શકે તેમ છે! અમુક લોકો એંસી-નેવું વર્ષે પણ એક્ટિવ હોય છે. એને કામ કરતાં જોઈને આપણને આશ્ચર્ય થાય છે. એ લોકો કેમ આટલી મોટી ઉંમરે પણ આટલું બધું કામ કરી શકે છે? કારણ કે એણે એનાં સપનાંને મરવા નથી દીધાં. ઘણા વૃદ્ધો કહે છે કે, આપણે તો ‘પરવારી’ ગયા! પરિવારનાં કામો પતે એટલે પરવારી જવાનું? એક વૃદ્ધે સરસ વાત કરી હતી કે, મેં પરિવારની જવાબદારીઓ પૂરી કરી લીધી, હવે હું મારી જવાબદારી પૂરી કરીશ. મારી જાત સાથે પણ મારી કોઈ જવાબદારી છે. થોડાંક સપનાં બાકી છે, થોડીક ઇચ્છાઓ અધૂરી છે, થોડુંક જીવવાનું બાકી છે, એ હવે પૂરું કરીશ.

યંગસ્ટર્સ તો સપનાનો જીવતો-જાગતો જથ્થો હોવો જોઈએ. એક બાળક માટીમાં રમતો હતો. એક વડીલે તેને પૂછ્યું કે, તું શું કરે છે?બાળકે કહ્યું કે, હું સપનાં વાવું છું. મારા ટીચર કહેતા હતા કે વાવીએ એ ઊગે. વડીલે પૂછ્યું, તેં કેવાં સપનાં વાવ્યાં છે? નિર્દોષ બાળકે કહ્યું કે,ઊગે ત્યારે જોજો. તમારાં બાળકોને તમારે સંસ્કારો આપવા છે? તો એને સપનાં જોતાં શીખવાડો. ઉઘાડી આંખનાં સપનાં એની આંખમાં રોપો અને તેને એવો વિશ્વાસ આપો કે દરેક સપનામાં ઊગવાની તાકાત હોય છે, તારે બસ એ સપનાંને સીંચતા જવાનાં છે.

સફળ થવા માટે સપનાંને સ્વભાવ બનાવો. સપનાંને સાકાર કરવા સાધના કરો. માત્ર સપનાં જોવાં એ શેખચલ્લીવૃત્તિ છે. સપનાંને પકાવવાં પડે છે. પરસેવો સપનાંને સિંચે છે. મહેનત સપનાંને મહેકાવે છે. ધગશ સપનાંને ધાર્યા મુકામ પર પહોંચાડે છે. આળસુ લોકો દરરોજ સપનાની હત્યા કરે છે. એક યુવાન અને તેની પ્રેમિકા વાતો કરતાં હતાં. પ્રેમિકાએ પૂછ્યું, તારાં સપનાં શું છે? પ્રેમીએ એક પછી એક સપના ગણાવવા માંડ્યા. પ્રેમિકાએ કહ્યું, સારી વાત છે. હવે તું મને એ કહે કે આ સપનાં પૂરાં કરવા માટે તું શું કરે છે? આટલાં બધાં સપનાં એમ ને એમ તો પૂરાં નહીં થવાનાં. પહેલા તું એક સપનાને તો પૂરું કર, પછી બીજા સપનાની વાત કરજે. તું નક્કી કરી લે કે તારે કરવું છે શું? એના પછી નક્કી કર કે કરવું છે કેવી રીતે? સપનાને શાર્પનેસ હોવી જોઈએ. આપણે ભૂલ એ કરીએ છીએ કે આપણે માત્ર સપનાં જોઈએ છીએ. સપનાં જોવાની સાથે સપનાને સાર્થક કરવાની સતર્કતા જોઈએ.

જિંદગી વિશે કહેવાય છે કે જિંદગીને વહેવા દેવી જોઈએ. ગો વિથ ધ ફ્લો. સાચી વાત છે. જિંદગીને વહેવા દો, પણ એનું વહેણ તમે જ નક્કી કરો. ક્યાંથી ટર્ન આપવો છે, કેવી રીતે ટર્ન આપવો છે અને ફાઇનલી ક્યાં પહોંચવું છે. દરેક ઝરણા પણ નદી સુધી પહોંચતા નથી. દરેક નદીના નસીબમાં પણ સાગરમાં સમાવવાનું હોતું નથી. કેટલાંય ઝરણાં અને નદી વચ્ચે જ સુકાઈ જાય છે અથવા તો શોષાઈ જાય છે. તમે નક્કી કરો કે મારાં સપનાંને સૂકવવા નહીં દઉં, મારી જિંદગીને એળે જવા નહીં દઉં. મારી ઇચ્છાને અધૂરી રહેવા નહીં દઉં.

થાકો નહીં. હારો નહીં. કંટાળો નહીં. ઘણી વખત આપણે બેસી જતાં હોઈએ છીએ તેનાથી આપણી મંજિલ એક ફલાંગ જ દૂર હોય છે. એક તરવૈયો હતો. હંમેશાં અવ્વલ જ હોય. એક વખતે તેને પુછાયું કે તું મધદરિયે હોય ત્યારે શું વિચારે છે? તેણે કહ્યું કે, માત્ર એટલું જ કે કિનારો હવે દૂર નથી. હમણાં મારો હાથ કિનારાને આંબી જશે. હમણાં હું કિનારે પહોંચીને દરિયાને કહીશ કે તારામાં મારાં સપનાંને ડુબાડવાની તાકાત નથી. તું ભલે ગમે તેટલો ઊંડો અને અગાધ હોય, હું તારા સકંજામાં આવવાનો નથી. બાથ ભીડવાની મારામાં હામ છે. તારો પડકાર ઝીલવાની તૈયારી છે અને ઝંપલાવવાનું ઝનૂન છે.

કોઈ ઇમારત એક ઈંટની ચણાતી નથી. કોઈ સપનું એક ઝાટકે સાકાર થતું નથી. સતત અને સખત સંઘર્ષ જ સફળતા સુધી દોરી જાય છે. સપનું જેટલું મોટું, મહેનત એટલી વધુ. સપનાને નજર સમક્ષ રાખવું પડે છે. સાથોસાથ એ તકેદારી રાખવી પડે છે કે ‘ડાયવર્ટ’ ન થઈ જવાય. રસ્તો ભૂલી ન જવાય કે રસ્તો ચૂકી ન જવાય. તમારાં સપનાં ઉપર તમારો અધિકાર છે અને કોઈ અધિકાર એમ ને એમ મળતો નથી. અધિકાર માટે અધિકૃત થવું પડે. {

છેલ્લો સીન:

લોકોને આપણા માટે સારું બોલવાની ફરજ પાડવાનો એક માત્ર માર્ગ સારું કાર્ય કરવાનો છે. 

–વોલ્ટેર

 

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 8 જુન 2016, બુધવાર. ચિંતનની પળે કોલમ)

 

 

કૃષ્ણકાંત ઉનડકટ

 

KRISHNAKANT PHOTOકૃષ્ણકાંત ઉનડકટ 
EXECUTIVE EDITOR, SANDESH DAILY, AHMEDABAD.
બ્લોગ લીંક : krishnkantunadkat.blogspot.com
ચિંતનની પળે :     email : [email protected]

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર પુન:પ્રસિદ્ધ કરવાની તક મળવા બદલ અમો શ્રીકૃષ્ણકાંત  ઉનડકટ નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected] 

 

You can Follow /Likes us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

હું થોડોક કાચ જેવો અને થોડોક અરીસા જેવો છું! …

હું થોડોક કાચ જેવો અને થોડોક અરીસા જેવો છું! …

ચિંતનની પળે- કૃષ્ણકાંત ઉનડકટ

 

 

immage.1

દુનિયા કે હર ઇક જર્રે સે ઘબરાતા હૂં,

ગમ સામને આતા હૈ જિધર જાતા હૂં,

રહતે હુએ ઇસ જહાં મેં મુદ્દત ગુજરી,

ફિર ભી અપને કો અજનબી પાતા હૂં.

– અમજદ હૈદરાબાદી

 ફોટો સારો આવતો હોય એની ‘ઇમેજ’ સારી જ હોય એવું જરૂરી નથી. દરેક માણસ સાથે એની ‘ઇમેજ’ જોડાયેલી હોય છે. દરેકને ક્યારેક તો એવો વિચાર આવ્યો જ હોય છે કે હું કેવો છું? અથવા તો હું કેવી છું? પોતાનું તટસ્થ મૂલ્યાંકન કરવું સહેલું નથી. પોતે જે કરતા હોય છે એ મોટાભાગના લોકોને સાચું લાગતું હોય છે. સાચું ન લાગતું હોય તો એવું એ કરે જ નહીં.  હા, ઘણાં એવું કહેતા હોય છે કે હું જે કરું છું એવો હું છું નહીં. મારે આ કરવું પડે છે. મારી મજબૂરી છે, લાચારી છે, બીજો કોઈ વિકલ્પ નથી એટલે મારે આવું કરવું પડે છે એમ પણ ઘણા લોકો કહેતા હોય છે. વિકલ્પ તો હોય જ છે, પણ એ ફાયદાકારક હોતો નથી એટલે છેલ્લે માણસ ‘ડેસ્ટીની’ ગણીને જે કરતા હોય એ કરતા રહે છે.

પોતાની જાત સાથે ઓનેસ્ટ રહેવું અઘરું છે. દરેક માણસને ઈશ્વરે બુદ્ધિ આપી છે. બુદ્ધિમાં કેટલી શુદ્ધિ હોય છે? દરેક પોતાની ક્ષમતા અને શક્તિ મુજબ બુદ્ધિનો ઉપયોગ કરે છે. ફાયદો, લાભ, નફો મળે એવું કામ આપણે કરતા રહીએ છીએ. કંઈ ખોટું નથી. સવાલ એ છે કે એ કયા રસ્તે આવે છે? માણસ બેઝિકલી સુખવાદી છે. એને સુખ જોઈએ છે. સુખ શોધવામાં એ ઘણી વખત ખોટા એટલે કે દુ:ખના માર્ગે ચડી જાય છે.

એક માણસ સંત પાસે ગયો. તેણે સંતને કહ્યું કે મને મજા આવતી નથી.  મજા આવે એવો કંઈક રસ્તો બતાવો. સંતે કહ્યું કે, પહેલાં તું મને એ કહે કે તારી મજાનો મતલબ શું છે?  શું થાય તો તને મજા આવે? મને જે રીતે મજા આવે એ જ રીતે તને મજા આવે એ જરૂરી નથી.  મને તો પ્રભુના ભજનમાં મજા આવે છે, સાધના કરવામાં આનંદ આવે છે, પક્ષીનો કલરવ સાંભળીને મારું મન પુલકિત થઈ જાય છે. ઊગતા સૂરજને જોઈને મને કોઈ પુષ્પ ખીલતું હોય તેવો અહેસાસ થાય છે. સાંજે સંધ્યા ખીલે ત્યારે કુદરત રંગોળી સર્જતી હોય તેવું લાગે છે. મારી મજાની વ્યાખ્યા જુદી છે. મારું સુખ જુદું છે.  તારી મજા, તારું સુખ શું છે? એની સાથે જ મહત્ત્વનો સવાલ એ છે કે તારી મજા કેવી છે? તારું સુખ કેવું છે? ઘણાને મદિરાપાનમાં મજા લાગે છે.  ઘણાને જુગારમાં આનંદ મળે છે, ગુનાખોરીમાં ઘણાને રોમાંચ થાય છે. આપણે સાધનો અને સંપતિમાં જ મજા મળતી હોવાનું માનીએ છીએ. મજા મનમાં હોવી જોઈએ. મજા સાત્ત્વિક હોવી જોઈએ. રજસ અને તમસ વચ્ચેનો તફાવત જાણે એ જ મજા અને સુખને સારી રીતે સમજે છે. તું કેવો છે તેની છાપ લોકોમાં એનાથી જ ઊભી થવાની છે કે તું મજા કેવી રીતે કરે છે?

તમને ખબર છે કે લોકોમાં તમારી છાપ કેવી છે?  ઘણા લોકો એમ કહે છે કે લોકો મારા વિશે શું માને છે તેનાથી મને કોઈ ફરક પડતો નથી.  માણસ ભલે આવી વાત કરતો હોય, પણ તેને ફરક પડતો હોય છે. બધાને અંદરખાને ક્યાંક ને ક્યાંક એવું તો હોય જ છે કે લોકો મને સારો કહે. લોકો મને આદર આપે. લોકો મને માનથી જુએ. લોકો આવું કરે પણ ખરા, પણ એના માટે સારા બનવું પડે, આદરપાત્ર થવું પડે. છાપ એમ ને એમ ઊભી થતી નથી.  લોકો પાસે તેનાં કારણો હોય છે. એ કારણો સાચાં જ હોય એવું જરૂરી નથી, પણ સાવ ખોટા પણ હોતા નથી. આમ તો દુનિયામાં એવા પણ લોકો છે જ જેને પોતાની છાપ સારી ન હોવા છતાં ગમતી હોય છે. એક ક્રિમિનલ હતો. તેના વિસ્તારમાં તેની ધાક હતી. લોકો તેના નામથી ડરતા હતા. એક વખત તેના મિત્રએ કહ્યું કે, તને ખબર છે, તારી છાપ કેવી છે?  ક્રિમિનલે કહ્યું કે મને બરાબર ખબર છે કે લોકો મારા વિશે શું માને છે અને કેવું બોલે છે. મને માથાભારેની છાપ ગમે છે. મારાથી બધા ડરે એ મને ગમે છે. આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું કે તો પછી તું ગરીબ લોકોને મદદ કરવા શા માટે દોડે છે? તું ભલે ગમે તે કહે, પણ તું એવું જ ઇચ્છે છે કે થોડાક લોકો તારા વિશે એવી વાત કરે કે તું સાવ ખરાબ માણસ નથી.  તારામાં પણ માણસાઈ જેવું છે. તારે સારા દેખાવું છે અને તારે જ તારી જાતને આશ્વાસન આપવું છે કે હું સાવ ખરાબ માણસ નથી. બદમાશ અને લુચ્ચા લોકોએ સારા દેખાવવા માટે સૌથી વધુ મહેનત કરવી પડે છે. સારા માણસોએ એવું કરવું પડતું નથી, કારણ કે તે સારા જ હોય છે.

કેટલા માણસો એવા છે જે કહી શકે કે હું થોડોક કાચ જેવો અને થોડોક અરીસા જેવો છું. હું બંધ પડીકા જેવો નથી. હું તાળું મારેલી તિજોરી જેવો નથી. હું ખુલ્લી કિતાબ જેવો છું. કાચની જેમ મને આરપાર જોઈ શકાય છે.  હું જેવો છું એવો જ દેખાઉં છું. હું અંદરથી જુદો અને બહારથી અલગ નથી.  હું મારી અંદર બે માણસને જિવાડી શકતો નથી. ઘણા લોકો દેખાતા હોય છે જુદા અને હોય છે તદ્દન અલગ. એણે પોતાનામાં એક બીજો માણસ સાચવી રાખ્યો હોય છે. પોતાની અનુકૂળતા મુજબ એ એનો ઉપયોગ કરતો રહે છે. એક માણસ એ હોય છે જે અજવાળામાં દેખાય છે અને બીજો એ હોય છે જે અંધારામાં જાગે છે. માણસ રંગ બદલે છે બદલાયેલો રંગ દેખાતો નથી, પણ વર્તાતો હોય છે.

માણસ ગમે એટલી મહેનત કરે, પણ છેલ્લે તો એ જેવો હોય એવો ઓળખાઈ જાય છે. ઓરિજિનાલિટી ક્યારેય છુપાતી નથી. કોઈ લાંબા સમય પછી તો કોઈ થોડાક સમયમાં વર્તાઈ આવે છે. ઘણા એવા માહેર હોય છે જે ઘડીકમાં ઓળખાતા નથી. દુનિયા સાથે તો ઘણા છેતરપિંડી કરતાં હોય છે, ઘણાં તો પોતાના લોકો સાથે પણ ચાલાકી કરતા હોય છે.

એક યુવાન સાથે તેના મિત્રએ દગો કર્યો. છૂટા પડતી વખતે તેણે મિત્રને કહ્યું કે, મારી જિંદગીમાં તું કંઈ એવી પહેલી વ્યક્તિ નથી જેણે મારી સાથે દગો કર્યો હોય. અનેક લોકોએ મને છેતર્યો છે, મારો લાભ ઉઠાવ્યો છે, મને મૂરખ બનાવ્યો છે એ લોકોનું મને દુ:ખ નથી, કારણ કે એ લોકો મારા કંઈ હતા જ નહીં. તારું દુ:ખ એટલા માટે છે, કારણ કે મેં તને મારો મિત્ર માન્યો હતો. તારા પર ભરોસો મૂક્યો હતો. મને નુકસાન થયું એનો મને ગમ નથી, પણ તને ઓળખવામાં હું ખોટો પડ્યો તેની વેદના છે.

માણસથી ખોટું બે રીતે થઈ જતું હોય છે. એક તો ભૂલથી આપણાથી ઘણી વખત ન થવાનું થઈ જતું હોય છે, બીજું ઇરાદાપૂર્વક ખોટું થતું હોય છે. પહેલું હજુ માફીલાયક હોય છે, બીજું કોઈ પણ રીતે યોગ્ય હોતું નથી.  ઇમેજનું એવું પણ છે કે ઘડીકમાં બદલાતી નથી. સારું થવું અઘરું નથી, પણ એ માટે સારા રહેવું પડે છે.  આપણે સારા હોઈએ તો બીજું કંઈ કરવાની જરૂર નથી, કારણ કે આપણે જેવા હોઈએ એવા ઓળખાઈ જ જવાના છીએ!

 છેલ્લો સીન :

 

krishnakant unadkat

કૃષ્ણકાંત ઉનડકટ 
EXECUTIVE EDITOR, SANDESH DAILY, AHMEDABAD.
બ્લોગ લીંક : krishnkantunadkat.blogspot.com
ચિંતનની પળે :     email : [email protected]

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર પુન:પ્રસિદ્ધ કરવાની તક મળવા બદલ અમો શ્રી કૃષ્ણકાંત ઉનડકટ નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected] 

 

HANUMAN JYANTI

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે. 

  

You can Follow /Likes us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

અત્યારે મારો ખરાબ સમય ચાલે છે ! …

અત્યારે મારો ખરાબ સમય ચાલે છે ! …

 ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

 

 bed time

રસ પડે છે ક્યાં કોઈ પણ ચીજમાં, ધ્યાન મારું જ્યાં સતત તાવીજમાં,  

વાવણી આરંભી દીધી કઈ રીતે? શું કશું દેખાયું તમને બીજમાં?

 – એસ.એસ.રાહી

 

 

પાનખર માટે વૃક્ષ ક્યારેય સમયને દોષ આપતું નથી. ઓટ હોય ત્યારે દરિયો ક્યારેય એમ કહેતો નથી કે ટાઇમ અત્યારે મારી ફેવરમાં નથી. કાળઝાળ ગરમી વખતે ધરતી ક્યારેય ફરિયાદ કરતી નથી. છોડ પરથી ફૂલની એકાદ કળી ખરી પડે ત્યારે છોડ રોદણાં રડતું નથી. કોયલને ટહુકવા માટે ક્યારેય નરસો સમય નડતો નથી. આપણને? જરાકેય અમથું કંઈક આપણને ગમતું ન થાય એટલે તરત જ આપણે કહીએ છીએ કે અત્યારે મારો સમય સારો નથી. દોષનો ટોપલો ઢોળી દેવા માટે આપણી પાસે હાથવગાં બે સાધનો છે, એક સમય અને બીજું નસીબ.

 

સમય સમય હોય છે. સમય ક્યારેય ખરાબ કે સારો નથી હોતો. સમય તો જેવો હોય છે એવો જ હોય છે. આપણે આપણા સંજોગો, સ્થિતિ અને માનસિકતા મુજબ સમયના કપાળ ઉપર સારા કે ખરાબનું લેબલ લગાડી દેતા હોય છે. જેને પોતાના ઉપર ભરોસો હોતો નથી એ જ લોકો સમયને દોષ દેતા હોય છે. જિંદગીમાં અપ-ડાઉન્સ સ્વાભાવિક છે. દિવસ પછી રાત થાય જ છે,ભરતી પછી ઓટ આવે જ છે, વસંત પછી પાનખર પણ આવે છે. ઘડિયાળ પણ એ જ વાત સાબિત કરે છે કે સમય બદલતો રહેવાનો છે. આપણે ઘણી વખત જેને અંત માની લેતા હોઈએ છીએ એ કોઈ નવી શરૂઆત હોય છે.

 

સુખ ક્યારેય સમયનું મોહતાજ હોતું નથી. સુખ તો સ્વભાવ અને સહજભાવને વરેલું હોય છે. સમય ક્યારેય કોઈને કહેતો નથી કે અત્યારે તારે હસવાનું નથી. આ તારો રડવાનો સમય છે એવુંયે સમય કહેતો નથી. સમય કહે છે, હું તો જે છું એ જ છું. હા, તું જે હોવો જોઈએ એ તું નથી. તું તારી રીતે મારી વ્યાખ્યા કરી લે છે. મને શા માટે દોષ દે છે. તારે મજામાં રહેવું હોય તો હું ક્યાં ના પાડું છું? તારે દુ:ખી રહેવું હોય તો પણ તારી મરજી! તને એવું લાગે છેને કે હું સ્થિર નથી! હા, હું સ્થિર નથી. સ્થિર તો આ દુનિયામાં છે જ શું? પૃથ્વી ફરતી રહે છે, ગ્રહો બદલતા રહે છે, ઘડિયાળ ફરતી રહે છે, તારીખિયાનાં પાનાં ખરતાં રહે છે, શરીરમાં પણ પરિવર્તન થતાં રહે છે, બધું જ બદલતું હોય તો પછી હું સમય કેવી રીતે સ્થિર રહી શકું? હા, તું ધારે તો સ્થિર રહી શકે. તું શા માટે વિચલિત થાય છે. તું કેમ નથી સ્વીકારી શકતો કે ચડાવ-ઉતાર આવવાના જ છે.

 

આપણે હંમેશાં એવું જ ઇચ્છતા હોઈએ છીએ કે આપણે ધાર્યું હોય એમ જ થાય. જિંદગી આપણા કંટ્રોલમાં હોય. હું ઇચ્છું એવું જ બધા કરે. મારી ઇચ્છાની વિરુદ્ધ કંઈ ન થાય. એવું થતું નથી. થવાનું પણ નથી. આપણાં દુ:ખનું સૌથી મોટું કારણ એ હોય છે કે આપણે જરાયે વિપરીત સ્થિતિને સ્વીકારી શકતા નથી. એક વખત એક બા‌ળકે એના દાદાને પૂછ્યું કે, તમારી જિંદગીનો સમય કેવો રહ્યો? દાદાએ હસીને કહ્યું કે, બધા લોકોની જેવો જ! કોઈનો ક્યારેય એકસરખો થોડો રહ્યો છે કે મારો સમય એકસરખો રહે! દાદાએ કહ્યું કે તને મારી જિંદગીની એક વાત કહું. એક સમય મંદી આવી. માર્કેટ એકદમ ડાઉન થઈ ગયું. વેપાર હતો નહીં. દિવસનો મોટો ભાગ નવરા બેસી રહેવું પડતું હતું. હું ડરી ગયો હતો. ડગી ગયો હતો. એવું લાગતું હતું કે બધું ખતમ થઈ જશે. થોડીક શાંતિ મળે એ માટે હું એક સંત પાસે ગયો. એ સંત કાયમ પ્રસન્ન મુદ્રામાં જ હોય. સંતને કહ્યું કે, મંદીનો ડર લાગે છે. સંતે કહ્યું કે, ગઈ કાલે આ જંગલમાં વાવાઝોડું આવ્યું હતું. મને હતું કે મારી ઝૂંપડી ઊડી જશે. ઝૂંપડીમાંથી કંઈ નહીં બચે. મેં વિચાર કર્યો કે ચિંતા કરવાથી તો કંઈ થવાનું નથી. જે જવાનું છે એ જવાનું જ છે. જે મારા હાથમાં નથી એનો શોક શું કરવો? વાવાઝોડાની રાત પસાર થઈ ગઈ. સવારે જોયું તો ઝૂંપડીનું એક છાપરું જ ઊડ્યું હતું. મને થયું કે આટલું તો હું કરી લઈશ. મેં ઝૂંપડીની ચિંતા કર્યે રાખી હોત તો મારો એ સમય બગડ્યો હોત. તું મંદીની ચિંતા છોડી દે. બજારની મંદી તો વહેલી મોડી બદલી જશે. મનની મંદીનું શું? આપણા તો મનમાં પણ તેજી અને મંદી આવતી રહે છે. ઘડીકમાં ખુશ થઈ જવાનું અને ઘડીકમાં દુ:ખી થઈ જવાનું. મનને મંદ પડવા ન દે. નુકસાન થઈ થઈને શું થવાનું છે? ગમે તે ખતમ થઈ જાય પછીયે જિંદગી તો હોય જ છે. જિંદગી ખતમ થઈ જાય પછી બીજું બધું હોય તો પણ શું ફરક પડે છે? પાગલખાનું એ જિંદગીથી હારેલા લોકોનું સ્થળ છે અને જેલ એ જિંદગી સામે બળવો કરનારાઓની જગ્યા છે. સંસાર સ્થિર લોકો માટેનું સ્થળ છે. તારી પાસે એવું ઘણું છે જે ક્યારેય ખતમ થવાનું નથી. એ છે તારી હિંમત અને તારો ઉત્સાહ. એને નબળાં પડવા ન દે. એ છે ત્યાં સુધી કંઈ જ ખતમ થવાનું નથી.

 

એક માણસની વાત છે. એની પાસે કંઈ જ ન હતું. સંઘર્ષો કરી કરીને એ સફળ થયો હતો. એક વખત તેના મિત્રએ કહ્યું કે, યાર તારી હિંમતને દાદ દેવી પડે. તારી હિંમતે જ તને સફળ બનાવ્યો છે. પેલા માણસે કહ્યું કે એના સિવાય મારી પાસે બીજું હતું પણ શું? હિંમત જ મારું સૌથી મોટું શસ્ત્ર હતું. સમય તો ઘણી વખત બાંયો ચડાવીને સામે આવી ગયો હતો. મેં મારી હિંમતનું શસ્ત્ર અજમાવીને તેને હંફાવ્યો. મારી પાસે જે હિંમત હતી, એ હિંમત તો બધા પાસે હોય જ છે. તકલીફ ત્યારે થાય છે જ્યારે માણસ એ હિંમત હારી જાય છે. તમારે જીતવું  હોય તો તમારી હિંમતને હારવા ન દો.

 

સમય સામે ફરિયાદ ન કરો. સમયને ચેલેન્જ ફેંકો. સમયને કહો, મને તારો ડર નથી. તું તારી પ્રકૃતિ છોડતો નહીં, હું મારો મિજાજ ગુમાવીશ નહીં. આપણને ઘણી વખત એવું લાગતું હોય છે કે બધું ખતમ થઈ ગયું. અલબત્ત,એ આપણો ભ્રમ હોય છે. ખતમ થાય છે એ માત્ર એક સ્થિતિ હોય છે. અમુક સંજોગો એવા હોય છે જે બદલે છે અને થોડાક વિપરીત થાય છે. અમુક સંબંધો એવા હોય છે જે તૂટે છે. આપણે કહીએ છીએ કે કંઈ જ કાયમી નથી. આપણે પણ કાયમી નથી. બધું જ બદલે છે. કંઈ જ સ્થિર નથી, તો પછી આપણે એવી આશા કેમ રાખી શકીએ કે બધું જ એકસરખું રહે. જરાક જુદી રીતે જોઈએ તો એમ પણ કહી શકાય કે બધું એકસરખું જ હોત તો જિંદગીનો આટલો રોમાંચ હોત ખરો? રાત પડતી જ ન હોત તો? સવાર અને સાંજ થતી જ ન હોત તો?ફૂલનું માધુર્ય એ ધીમે ધીમે ખીલે છે એમાં જ છે. વરસાદ પછી ઝરણું જન્મે છે અને તડકામાં નદી પણ સુકાઈ જાય છે. સુખ કાયમ રહેતું નથી તો દુ:ખ પણ પરમેનન્ટ નથી. સમયને દોષ ન દો. અમુક સંજોગો થોડાક કપરા હોય છે,અમુક સ્થિતિ નાજુક હોય છે, એ પણ પસાર થઈ જ જવાના છે. તમારી હિંમતને ડગવા ન દો, તમારા ઉત્સાહને ઓસરવા ન દો. જિંદગી તો સુંદર જ છે, આપણે ડગી જતા હોઈએ છીએ, આપણે ડરી જતા હોઈએ છીએ.

 

છેલ્લો સીન :

જિંદગી સામે હસશો તો એ હસશે, જિંદગી સામે રડશો તો એ પોક મૂકશે. જિંદગીનું રિએક્શન અલ્ટિમેટલી આપણા એક્શનનું જ રિફ્લેક્શન હોય છે. -કેયુ.

 

(“દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 06 એપ્રિલ 2016, બુધવાર, ચિંતનની પળે કોલમ)

E-mail : [email protected]

 

krishnakant unadkat

કૃષ્ણકાંત ઉનડકટ
EXECUTIVE EDITOR, SANDESH DAILY, AHMEDABAD.
બ્લોગ લીંક :krishnkantunadkat.blogspot.com
ચિંતનની પળે :     email : [email protected]

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર પુન:પ્રસિદ્ધ કરવાની તક મળવા બદલ અમો શ્રી કૃષ્ણકાંત ઉનડકટ નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected] 

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે. 

  

You can Follow /Likes us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

તારો ચહેરો નથી કહેતો કે તું ખુશ છે! ….

તારો ચહેરો નથી કહેતો કે તું ખુશ છે! ….

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

enjoy

શીખ રહા હૂં અબ મૈં, ઇન્સાનોં કો પઢને કા હુનર,

સુના હૈ ચેહરે પે, કિતાબોં સે જ્યાદા લિખા હોતા હૈ.

-અમિતાભ બચ્ચન.

ચહેરો ચુગલીખોર હોય છે. ચહેરો આપણા મૂડની ચાડી ફૂંકી દેતો હોય છે. દિલમાં જે ચાલતું હોય એનું દૃશ્ય ચહેરા ઉપર ઊભરી આવે છે. મન મૂંઝાયેલું હોય ત્યારે મોઢું પડી જાય છે. શરમના શેરડા પણ ચહેરા પર જ ફૂટતા હોય છે. ગુસ્સો ચહેરાને લાલઘૂમ કરી દે છે. ચહેરો વિચારોને ઝીલે છે. ખુશી ચહેરા પર છલકે છે. ઉદાસી ચહેરાને ચીમળાવી નાખે છે. પોતાના લોકોને ચહેરાની પરખ હોય છે. પ્રેમ સૌથી પહેલાં ચહેરા ઉપરથી વ્યક્ત થતો હોય છે.

આઈ લવ યુ ભલે મોડું કહેવાતું હોય, પણ પ્રેમ તો બહુ અગાઉથી ચહેરા પર વર્તાઈ આવતો હોય છે. એક યુવાને તેના મિત્રને કહ્યું કે, હું એક છોકરીના પ્રેમમાં છું. મિત્રએ સવાલ કર્યો કે, એને તારા ઉપર પ્રેમ છે? યુવાને કહ્યું કે હા, લાગે છે તો એવું જ. મિત્રએ ફરી સવાલ કર્યો કે તું એવું કઈ રીતે કહે છે? તેં પ્રપોઝ કર્યું અને તેણે હા પાડી? યુવાને કહ્યું કે, ના, હજુ વાત એટલી આગળ નથી વધી, પણ તેના ચહેરા ઉપરથી મને લાગે છે કે એ પણ મને પ્રેમ કરે છે. હું તેની પાસે જાઉં ત્યારે એના ચહેરા ઉપર ચમક આવી જાય છે. તેની સાથે આંખ મિલાવું ત્યારે એ શરમાઈ જાય છે. વાત કરતો હોઉં ત્યારે એની નજર ઝૂકી જાય છે. ફૂલ ઊઘડતું હોય એમ ધીમે ધીમે તેના ચહેરા ઉપર એક ગજબની તાજગી છવાતી જાય છે. હું બીજે ક્યાંક જોતો હોઉં ત્યારે એ મને એક્ટસે જોયા રાખે છે, જેવો એની તરફ જોઉં કે જાણે પકડાઈ ગઈ હોય એમ એ ફટ દઈને મોઢું ફેરવી લે છે. હું જતો હોઉં ત્યારે પૂછે છે કે ઉતાવળ છે?

પ્રેમમાં હોય કે પ્રેમલગ્ન કર્યાં હોય તેને પૂછીએ ત્યારે એવું જ સાંભળવા મળે કે મને તો ખબર પડી જ ગઈ હતી કે એને હું ગમું છું, પણ એનામાં બોલવાની હિંમત ક્યાં હતી! પ્રપોઝ કરવા માટે દરેક વખતે બોલવું નથી પડતું, ચહેરો જ બધું કામ કરી દેતો હોય છે. ચહેરાની એક ભાષા હોય છે. એ ભાષા સમજવા માટે શબ્દોની જરૂર પડતી નથી. તમારી પાસે એવી વ્યક્તિ છે જેને તમારા ચહેરાની ભાષા વાંચતા આવડે છે. જો હોય તો એને સાચવી રાખજો. ચહેરાની ભાષા એ જ વાંચી શકે છે જેને તમારો મૂડ સ્પર્શે છે, જેને તમારા ચહેરા પર ખુશી જોઈ આનંદ થાય છે. તમારી ઉદાસી જેના દિલને ચેન લેવા દેતી નથી. બધાને ચહેરાની પરવા હોતી નથી. બધાને એનાથી કોઈ ફરક પણ પડતો નથી. પોતાના લોકોને જ આ ભાષાથી સાચો ફરક પડતો હોય છે.

આપણાથી પણ ઘણી વખત કોઈના ચહેરાની ભાષા ઉકેલાતી હોય છે. આપણે પૂછીએ છીએ, આર યુ ઓકે? સામેથી જવાબ મળે છે કે યસ આઈ એમ ફાઇન. એક ફોર્માલિટી પૂરી થાય છે. આપણે મનમાં એમ પણ કહીએ છીએ કે, મને શું ફેર પડે છે? આપણને તો આપણા કામથી મતલબ છે. સામા પક્ષે બધા પાસે વ્યક્ત થવાનું પણ આપણને ક્યાં ગમતું હોય છે? હમદર્દી પણ આપણને બધા પાસેથી નથી જોઈતી હોતી. અમુક લોકોની હમદર્દી જ આપણને ગમતી હોય છે. મારે એ નથી જોઈતું કે દુનિયા મારી ચિંતા કરે, મારા માટે તો એ મહત્ત્વનું છે કે તને મારી ફિકર હોય. નિદા ફાઝલીની એક ગઝલ છે, તેરે જહાં મેં ઐસા નહીં કે પ્યાર ન હો, જહાં ઉમ્મીદ હો ઉસકી વહાં નહીં મિલતા, એ જ તો પીડા હોય છે. આપણી વ્યક્તિ નારાજ હોય અને આખી દુનિયા રાજી હોય તો પણ શું? એક ચહેરો જે આપણો હોય છે એ જ આપણા માટે સર્વસ્વ હોય છે.

દીકરી સાસરેથી આવે ત્યારે માતા-પિતા તેના ચહેરાની કિતાબનાં પાનાં વાંચતાં હોય છે. મારી દીકરી મજામાં તો છેને? ઉદાસ દીકરીને એક વખત પિતાએ પૂછ્યું, ‘શું વાત છે? મજામાં નથી લાગતી! દીકરીએ સાસરાના અમુક પ્રોબ્લેમ્સની વાત કરી. પિતાએ કહ્યું કે, તેં આ વાતો અત્યાર સુધી અમને કેમ ન કરી? દીકરીએ કહ્યું કે, મારે તમને દુ:ખી નહોતા કરવા. પિતાએ કહ્યું, તું એમ માને છે કે તેં ન કહ્યું હોત તો અમને ખબર ન પડત? બચપણથી તારો ચહેરો વાંચવાની આદત છે. ચહેરાના ભાવનો એક પ્રભાવ હોય છે, એ અભાવ પણ છતો કરી દે છે.’

કેટલા લોકોના ચહેરા ખરેખર એ જેવા હોય છે એવા જ હોય છે? આપણને હવે ચહેરો છુપાવવાની ફાવટ આવી ગઈ છે. આપણે કોઈને વરતાવા દેવા ઇચ્છતા નથી કે આપણા મનમાં શું ચાલી રહ્યું છે. આમ છતાં પોતાના લોકો આપણને પકડી પાડતા હોય છે. કોસ્મેટિક્સથી ચહેરા પરના દાગ છુપાવી શકાય છે, પણ દિલ પર પડેલા ઉઝરડાને નહીં. બે મિત્રોની આ વાત છે. એક મિત્ર અચાનક જ પોતે ખૂબ ખુશ અને મજામાં હોવાની વાતો કરવા લાગ્યો. વાતવાતમાં એવો પ્રયાસ કરે જાણે તેને કોઈ ગમ કે ચિંતા જ નથી. એક વખત જુદા પડતી વખતે તેના મિત્રએ પૂછ્યું કે શું વાત છે? આજકાલ તારે ખુશી હોવાનો દેખાડો કરવામાં ખૂબ મહેનત કરવી પડે છે? તું જેવું વર્તન કરે છેને એવો તું છે નહીં. તારા નાટકથી દુનિયા કદાચ માની લેશે તું મજામાં છે, હું નહીં માનું. તું ખરેખર મજામાં હોય છે ત્યારે તું આવું વર્તન નથી કરતો. જબરજસ્તીથી થતા પ્રયત્નો એ સાબિત કરી દેતા હોય છે કે તમે સહજ નથી. મિત્રએ પોતાની મુશ્કેલીની બધી સાચી વાત કહીને થેંક્યૂ કહ્યું. કોઈ તો છે જે મારા ચહેરાને અંદરથી વાંચી શકે છે.

પાણી સ્થિર હોય તો પાણીમાં ચહેરો જોઈ શકાય છે. પાણીમાં ચહેરો જોવા માટે એ પણ જરૂરી છે કે ચહેરો સ્થિર હોય. વમળો માત્ર પાણી ઉપર જ નથી સર્જાતાં, ચહેરા ઉપર પણ વમ‌ળો થતાં હોય છે. આપણો ચહેરો જ્યારે આપણે અરીસામાં જોઈએ ત્યારે ઘણી વખત એ ચહેરો જ આપણને સવાલ કરે છે. ચહેરો જવાબ પણ આપતો હોય છે. આપણે ચહેરાના જવાબને ગણકારતા નથી. તમે તમારા ચહેરાની ભાષા વાંચવાનો ક્યારેય પ્રયાસ કર્યો છે?

રોજ સવારે ઊઠીને બ્રશ કરતો હોય ત્યારે અરીસામાં ઉપસેલો મારો ચહેરો મારી પાસે રાતનો હિસાબ માગે છે. ઊંઘ બરાબર આવી છે? નથી આવી? કેમ નથી આવી? શેનો ઉચાટ છે? કેમ રાતે ઝબકીને જાગી ગયો હતો. હું કહું છું, રહેવા દે. મારે તારા કોઈ પ્રશ્નોનો જવાબ નથી આપવો. અરીસાનો ચહેરો હસવા લાગે છે. એ કહે છે, કંઈ વાંધો નહીં. આ જ સવાલો તને કાલે પૂછીશ. કાલે તું જવાબ નહીં આપે તો પરમ દિવસે પૂછીશ. તું જ્યાં સુધી જવાબો નહીં આપે ત્યાં સુધી તને પૂછતો રહીશ. તારે જવાબ તો આપવા જ પડશે, કારણ કે હું તારો જ તો હિસ્સો છું. હું તારો જ તો કિસ્સો છું. તું બધાથી ભાગી શકશે, મારાથી ભાગી નહીં શકે. માણસ દુનિયાથી મોઢું છુપાવી શકે છે, પણ પોતાનાથી મોઢું છુપાવી શકતો નથી. તું સવાલોથી ભાગ નહીં. તું જવાબે શોધ. તને જવાબ મળી આવશે. જવાબ કંઈ અઘરા નથી. તારે જવાબ મેળવવા નથી.

આપણે એવા દાવાઓ કરતા હોઈએ છીએ કે મને તો લોકોના ચહેરા ઉપરથી એ વાતની ખબર પડી જાય છે કે એના મનમાં શું ચાલે છે. આપણને માત્ર આપણા ચહેરા ઉપરથી જ અંદાજ નથી આવતો કે આપણા મનમાં શું ચાલે છે! રાતે ઊંઘ ન આવે ત્યારે આંખનાં પોપચાં ફૂલી જાય છે. પોપચાં પરપોટા નથી કે ફૂટી જાય અને બધું પાછું હતું એવું ને એવું થઈ જાય. પરપોટા એ પાણીનો ઉચાટ હશે? કે પછી પાણીની હળવાશ હશે? ચહેરા પર પરપોટા બનતાં નથી. ચહેરા પર ઝાકળ છવાતી નથી. ચહેરા પર માત્ર અકળામણ ઊપસે છે.

તમે ક્યારેય તમારો ચહેરો જોઈને કહ્યું છે કે તારો ચહેરો જોઈને નથી લાગતું કે તું ખુશ છે! આપણે ઉદાસીને પંપાળ્યે રાખીએ છીએ. ઉદાસીને ચહેરા ઉપર ઓઢાડી રાખીએ છીએ. દિલ પર ભાર લઈને ફરીએ છીએ. માણસ આખા શરીરમાં સૌથી વધુ પ્રેમ પોતાના ચહેરાને કરતા હોય છે. માવજત પણ સૌથી વધુ ચહેરાની જ થતી હોય છે. એક નાનકડો ખીલ થાય તો હજાર ઉપાયો કરીએ છીએ. ચહેરા પર છવાતા ઉચાટને હટાવવા શું કરીએ છીએ? એના માટે દિલના ઉત્પાતને શમાવવો પડે. ચહેરો સૌંદર્ય પ્રગટ કરે છે, પણ એ સૌંદર્ય ઊગે છે તો દિલની અંદર જ. સુંદરતા જોઈતી હોય તો દિલનું જતન અને મનની માવજત કરો, ચહેરો આપોઆપ ખીલી જશે!

છેલ્લો સીન :

ચહેરો ઉકેલતા આવડે તો સમજવું કે તમને પ્રેમની ભાષા આવડી ગઈ છે. -કેયુ.

(“દિવ્ય ભાસ્કર’, “કળશ’ પૂર્તિ, તા. 30 માર્ચ 2016, બુધવાર, ચિંતનની પળે કોલમ)

email : [email protected]

 

krishnakant unadkat

કૃષ્ણકાંત ઉનડકટ
EXECUTIVE EDITOR, SANDESH DAILY, AHMEDABAD.
બ્લોગ લીંક :krishnkantunadkat.blogspot.com
ચિંતનની પળે :     email : [email protected]

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર પુન:પ્રસિદ્ધ કરવાની તક મળવા બદલ અમો શ્રી કૃષ્ણકાંત ઉનડકટ નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected] 

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે. 

  

You can Follow /Likes us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

હું સાચું બોલીશ તો, તને ખોટું લાગી જશે …

હું સાચું બોલીશ તો, તને ખોટું લાગી જશે …

 

ચિંતનની પળે કૃષ્ણકાંત ઉનડકટ

 

 

 

જે હતા સાથે, હજી સાથે જ છે, તોય એકલવાયું તો લાગે જ છે,

જોઉં છું નારાજ થઈ જ્યારે ઉપર, એ શરમ બે આંખની રાખે જ છે,

ધ્યાન દઈને સાંભળો ભૂતકાળને, એક જણ તમને બૂમો પાડે જ છે,

હાલ મારા એને કહેતો હોઉં છું, જે બધું મારા વિશે જાણે જ છે !

– ભાવેશ ભટ્ટ ‘મન’

સંબંધો અને શ્વાસ ક્યારેય એકસરખા ચાલતા જ નથી. કાર્ડિયોગ્રામ મશીનમાં ધ્રૂજતી રેખાની જેમ શ્વાસ અને સંબંધો ઉપરથી નીચે અને નીચેથી ઉપર ઝૂલતા જ રહે છે. સંબંધો ઘણી વાર સવાલો ખડા કરે છે. રિલેશનમાં પણ બધાને રિફ્લેક્શન જોઈએ છે, એ ન જોવા મળે તો રિલેશનમાં પણ રિજેક્શન આવે છે. હામાં હા પુરાવે એ સંબંધી, હામાં ના પુરાવે એ પ્રતિદ્વંદ્વી, એવી વ્યાખ્યા કરનારાઓ સંબંધોમાં પણ ફાયદો અને ગેરફાયદો જોતા રહે છે. સંબંધોનું સત્ત્વ એ હોવું જોઈએ કે બંને વચ્ચેનો સ્નેહ સાત્ત્વિક હોય. સાચું કહી શકાતું હોય અને સાચું સહી શકાતું હોય. સહન ન થાય ત્યાં સાચું કહેવાતું નથી. સત્ય વજનદાર હોય છે, એને ખળવું…. પડતું હોય છે. સત્ય તીક્ષ્ણ હોય છે એને ઝીલવું પડતું હોય છે. સત્ય ઉઝરડો પાડે પણ એમાં ઇરાદો હકીકતનો અહેસાસ કરાવવાનો હોય છે. જૂઠ જ્યારે આપણી તરફ આવે ત્યારે એ શરીર પર પીંછું ફરતું હોય એવું મીઠું લાગે છે, પણ હકીકત જ્યારે સામે આવે ત્યારે એ જોખમી હોય છે. મોઢામોઢ અને સાચેસાચું કહેનારાઓની સંખ્યા ઘટતી જાય છે, કારણ કે બધાને સંબંધોમાંથી કંઈક મેળવવું છે. સંબંધને પણ દાવ પર લગાડીને સાચું કહેનારા ખરા બપોરના અજવાળામાં પણ શોધ્યા જડતા નથી. લોકોને હવે સાચું નહીં, પણ સારું કહેનારા જ સાચા સંબંધીઓ લાગે છે !

કેવું છે, આપણે સાચા હોવાનું કન્વિન્સ કરવા માટે સમ ખાવા પડે છે. આપણે મા-બાપથી માંડી ભગવાન સુધીના સમ ખાઈ લેતાં હોઈએ છીએ. શ્રદ્ધાનો અભાવ હોય ત્યારે સમ ખાવા પડતા હોય છે. મારા માથે હાથ મૂકીને કહે કે તું સાચું બોલે છે. આપણને સત્ય ઉપર સૌથી વધુ શંકા જતી હોય છે. અદાલતમાં ગીતા ઉપર હાથ મૂક્યા પછી કેટલા લોકો સાચું બોલતા હોય છે? ખોટું બોલતી વખતે આપણે આપણી જાતને છેતરતા હોઈએ છીએ. બીજાને છેતરવામાં જેને કોઈ ફેર પડતો નથી એને પોતાની જાતને છેતરતાં પણ શરમ આવતી હોતી નથી.

કોઈને ખોટું લાગી જાય એ માટે ઘણી વખત આપણે સાચું બોલતા નથી. ખોટું છાતી ઠોકીને બોલી શકાય છે. સાચું બોલવા માટે ભૂમિકા બાંધવી પડે છે. પ્લીઝ, તું ખોટું ન લગાડતો પણ સાચી વાત આ છે. એવા આપણે ખુલાસા કરવા પડતા હોય છે. એક વખત એક મિત્રએ તેના બીજી વ્યક્તિ સાથેના સંબંધો વિશે તેના મિત્રને પૂછ્યું. એ મિત્રએ કહ્યું કે, બેટર એ છે કે તું મને પૂછ નહીં,  કારણ કે હું જો સાચું બોલીશ તો તને ખોટું લાગી જશે. આમ તો આટલી વાત કર્યા પછી પૂછનારો તેનો જવાબ મળી ગયો હોય છે છતાં પણ એ સ્પષ્ટતા માગે છે. ના ના, તું મને તારા મનની વાત કરી દે, મને ખોટું નહીં લાગે.

આપણને જ્યારે કોઈનું ખોટું લાગે છે ત્યારે આપણે એવું વિચારીએ છીએ કે એ માણસ સાચું તો બોલ્યો. એ મારી પાસે ખોટું પણ બોલી શક્યો હોત. બે બહેનપણીની વાત છે. એક બોયફ્રેન્ડ વિશે તેણે પોતાની બહેનપણીને પૂછ્યું. એ માણસ કેવો છે? બીજી બહેનપણીએ તેને જે ખબર હતી એ વાત સાવ સાચેસાચી કહી દીધી. બીજી બહેનપણી નારાજ થઈ ગઈ. સાચું બોલનારી બહેનપણીને તેની બીજી બહેનપણીએ કહ્યું કે તારે સાચું બોલવાની શું જરૂર હતી? આવી મોટી હરિશચંદ્રની દીકરી! હવે તારા એની સાથેના સંબંધો બગડી જશે. આ વાત સાંભળીને બહેનપણીએ કહ્યું કે, સંબંધ બગડવા હોય તો ભલે બગડે, જે વ્યક્તિ આપણી સાચી વાત સ્વીકારી કે સમજી ન શકે એવા સંબંધ શું કામના? દોસ્તીનો  મતલબ એ પણ હોય છે કે આપણે સાચી વાત ખુલ્લા દિલે કહી શકીએ. જૂઠના આધારે ટકતી દોસ્તીમાં દંભ હોય છે અને મને એવો દંભ મંજૂર નથી.

હમણાં એક જોક વાંચવા મળ્યો. એક ફ્રેન્ડે તેના બીજા ફ્રેન્ડને પૂછ્યું, તને ખબર છે રાજા હરિશ્ચ્રંદ્રનું સત કેમ ટક્યું? કેમ એણે ક્યારેય ખોટું બોલવું ન પડ્યું? કારણ કે એની પત્નીએ તેને ક્યારેય પૂછ્યું ન હતું કે હું કેવી લાગું છું! તમારી પત્ની કે બીજું કોઈ તમને પૂછે કે કેવી કે કેવો લાગું છું ત્યારે તમે ખરેખર સાચો જવાબ આપો છો? તમે ક્યારેય કોઈને એવું કહ્યું છે કે સાવ ભંગાર લાગે છે! શોપિંગમાં ગયા હોઈએ, કોઈ ચેન્જરૂમમાંથી આવીને પૂછે કે આ ડ્રેસ કેવો લાગે છે ત્યારે આપણે સાચો જવાબ જ આપતા હોઈએ છીએ? એક પતિ-પત્નીની વાત છે. પત્ની શોપિંગ વખતે ડ્રેસ ચેન્જ કરીને આવે ત્યારે પતિને પૂછે કે કેવો લાગે છે? પતિ ઓલવેઝ એવો જ જવાબ આપે કે ફાઇન લાગે છે. પતિનું આવું વર્તન જોઈને તેના મિત્રએ પૂછ્યું કે તું આવું કેમ કહે છે?  પતિએ કહ્યું કે અંતે એ પોતાને ગમતું હશે એ જ લેવાની છે. હા, હું ઘણી વખત એવું કહું છું કે, ઓકે છે, બહુ સારું નથી લાગતું, પણ સાવ ખરાબેય નથી લાગતું, તને ગમતું હોય તો લઈ લે. એક વખત તો તેણે મારા ઉપર એવો આક્ષેપ પણ કર્યો હતો કે તારે મને લઈ નથી દેવું એટલે તું એવું કહે છે કે તને સારું નથી લાગતું! કોઈ આપણી સામે સાચું બોલતું ન હોય અથવા તો બોલી શકતું ન હોય ત્યારે પ્રોબ્લેમ એનામાં નહીં, પણ આપણામાં હોય છે.

માણસ નાની નાની વાતમાં ખોટું બોલતો હોય છે. મોબાઇલ ફોન એ જુઠ્ઠું બોલવાનું સૌથી મોટું સાધન બની ગયું છે. હું મિટિંગમાં છું, બહાર છું, બિઝી છું. આપણે સાચું બોલીએ તો કંઈ ફેર પડતો હોતો નથી, છતાં આપણે સાચું બોલતાં હોતા નથી. એક વખત એક મિત્રએ તેના ફ્રેન્ડને ફોન કર્યો. મિત્ર વાત શરૂ કરે એ પહેલાં જ તેના મિત્રએ કહ્યું કે, યાર મને વાત કરવાનો જરાયે મૂડ નથી, તું મને પછી ફોન કરજે. નો પ્રોબ્લેમ, એમ કહી મિત્રએ ફોન પૂરો કર્યો. બીજા મિત્રએ કહ્યું કે, એનો મૂડ ન હતો તો તારે પૂછવું જોઈતું હતુંને કે શું થયું. મને વાત કર. મિત્રએ કહ્યું કે ના, એ મારો મિત્ર છે. હું એને ઓળખું છું. કોઈ એવી વાત હોત તો એણે મને ચોક્કસ કરી હોત. હું કોઈ બાબતમાં એન્ક્રોચમેન્ટ કરવા માગતો નથી. લીવ મી અલોન એવું કહે પછી પણ આપણે કોઈને છોડીએ છીએ ખરાં? કોઈને એકાંત ઉપર અતિક્રમણ કરવું એ એક જાતનું દુષ્કૃત્ય જ છે. કોઈ તમને ડિસ્ટર્બ ન કરે એવું તમે ઇચ્છતાં હોવ તો તમારે પણ કોઈના જીવનમાં ખલેલ ન પહોંચાડવી જોઈએ.

આપણે ખોટું બોલતા હોઈએ ત્યારે આપણને એ વાતનો જરાયે અંદાજ હોય છે કે તેનાથી આપણી સાથે જે લોકો હોય છે એના ઉપર આપણી ઇમ્પ્રેશન પડતી હોય છે. મોબાઇલ પર તમે એવું બોલો કે હું બિઝી છું ત્યારે સાથે ગપ્પા મારતા બેઠેલા મિત્રો એટલું તો સમજતા જ હોય છે કે આ માણસ કેટલી આસાનીથી ખોટું બોલી શકે છે. એક ભાઈને એવી ટેવ હતી કે એ ક્યારેય એનાં સંતાનોની હાજરીમાં ખોટું બોલતા ન હતા. એક વખત તેણે છોકરાંવ હતા ત્યારે તેના મિત્રને એવું કહ્યું કે, હું ક્યારેય મારાં બાળકોની હાજરીમાં ખોટું બોલતો નથી. આવી વાત કહીને એ પોરસાતા હતા, પણ ત્યાં જ એના દીકરાએ આવીને કહ્યું કે ડેડી, તમે અમારી ગેરહાજરીમાં ખોટું બોલો છો? તમે એમ કેમ નથી કહી શકતા કે હું ખોટું બોલતો નથી?

આપણે જેવું બોલતા હોઈએ એવું જ આપણા લોકો બોલતા હોય છે. સંસ્કારો વર્તનથી જ રોપાતા હોય છે. તમે ખોટું બોલતાં હોવ અને સંતાનોને એવી સલાહ આપો કે સાચું જ બોલવું જોઈએ તો એ સલાહ લાંબી ટકતી નથી. એ તમને સાંભળીને જેટલું શીખે એના કરતાં વધુ એ તમે શું કરો છો અને કેવું કરો છો એ જોઈને શીખતાં હોય છે. વારસો વર્તનથી પણ મળતો હોય છે. સંપત્તિ ઓછી હશે તો ચાલશે, પણ સત્યનો વારસો ઓછો હશે તો જિંદગીમાં સતત કંઈક ખૂટતું રહેશે.

સાચું બોલી શકતો હોય એ જ સાચું સાંભળી શકતો હોય છે. સાચું બોલો પછી પણ તમારી વ્યક્તિને તેનું ખોટું ન લાગે તો સમજજો કે એનામાં સત્યનો અંશ સજીવન છે. એક ભાઈએ એવું કહ્યું કે, આપણાથી કોઈની ખોટી વાત સહન થતી નથી. આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું કે તારાથી તો સાચી વાત પણ ક્યાં સહન થાય છે. ખોટી વાત સહન કરવા કરતાં સાચી વાત સહન કરવામાં વધુ હિંમત જોતી હોય છે. દરેક વ્યક્તિએ એક વાત યાદ રાખવાની હોય છે કે તમે જેવું બોલો છો એવી જ તમારી છાપ ઊપસતી હોય છે. ખોટું બોલીને સારી ઇમ્પ્રેશન જમાવવાનો પ્રયાસ કરનાર વ્યક્તિ પોતે જ ખોટા ભ્રમમાં જીવતી હોય છે!

છેલ્લો સીન :

સત્ય સરવાળે ફાયદાકારક છે, કારણ કે અસત્ય જ્યારે પકડાય છે ત્યારે તેની મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે.   – કેયુ.

 

 

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 03 માર્ચ 2016, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

 

 

email : [email protected]

 

krishnakant unadkat

કૃષ્ણકાંત ઉનડકટ
EXECUTIVE EDITOR, SANDESH DAILY, AHMEDABAD.
બ્લોગ લીંક :krishnkantunadkat.blogspot.com
ચિંતનની પળે :     email : [email protected]

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર પુન:પ્રસિદ્ધ કરવાની તક મળવા બદલ અમો શ્રી કૃષ્ણકાંત ઉનડકટ નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected] 

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે. 

  

You can Follow /Likes us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

મારા ચહેરા ઉપર બીજો કોઈ જ ચહેરો નથી …

મારા ચહેરા ઉપર બીજો કોઈ જ ચહેરો નથી …

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

 

 

​તું ઇસ કદર મુઝે દિલ સે કરીબ લગતા હૈ, તુઝે અલગ સે જો સોચુ અજીબ લગતા હૈ,
 
હુદૂદે જાત સે બહાર નિકલ કે દેખ જરા, ન કોઈ ગૈર, ન કોઈ રકીબ લગતા હૈ.

 

-જાંનિસાર અખ્ખતર

 

 

‘હું જેવો છું એવો જ છું.  કદાચ સારો હોઈશ. કદાચ ખરાબ પણ હોઈશ. આળસુ, ધૂની, મનમોજી, બેદરકાર, ચક્રમ, ભેદી, મીંઢો, લુચ્ચો, હોશિયાર, બહાદુર અથવા બીજું કંઈ પણ તું મને માની શકે છે.  એ તો મારા વિશેનું તારું મંતવ્ય છે.  હા, હું એટલું કહીશ કે હું જેવો છું એવો નેચરલ છું. મેં મારા ઉપર બીજો ચહેરો લગાડ્યો નથી. લાગવા દીધો નથી. જાતજાતનાં મહોરાંઓ ઘણી વખત મારી સામે આવે છે.  મન થાય છે કે લાવને પહેરી લઉં. દુનિયા મને જેવો ઇચ્છે છે એવો થઈ જાઉં. જે માણસ સામે આવે એના જેવું મહોરું પહેરી લઉં.  મેં પ્રયત્ન કરી જોયો. મહોરાં પહેરી પણ જોયાં, પણ મને ન ફાવ્યાં.  થોડી જ વારમાં થાકી જતો હતો, હાંફી જતો હતો. મને મેં ચડાવેલું મહોરું જ નહોતું ગમતું.  આખરે એ મહોરાને કાઢીને ફેંકી દેતો.   એક વખત સાવ જુદું જ બન્યું.  મેં પહેરેલા મહોરાનો મેં ઘા કર્યો.  હવામાં ઉછળેલું મહોરું મારી સામે જોઈને હસ્યું. મને કહ્યું કે, હવે તું સારો લાગે છે.  એણે જતાં જતાં એવું કહ્યું કે સારા રહેવું હોય તો જેવો છે એવો  રહે. બસ, એ દિવસથી જ હું જેવો છું એવો જ છું.’

 

એક પ્રેમીકાએ તેના પ્રેમીને પૂછ્યું કે, તું આવો કેમ છે ?   ત્યારે પ્રેમીએ આવી વાત કરીને સામું  પૂછ્યું કે તું મને કેવો ઇચ્છે છે ?  તું કહેતી હોઈશ તો હું તને ગમે એવું મહોરું પહેરી લઈશ, પણ પછી એ હું નહીં હોઉં. એક મહોરું હશે.  નાટકમાં પેલા કલાકારો કામ કરે છેને એના જેવો જ થઈ થશે. સ્ટેજ પર જુદા અને સ્ટેજની નીચે જુદા. મારે નાટક નથી કરવું, પણ કુદરતે મને જેવો બનાવ્યો છે એવું જ પાત્ર મારે ભજવવું છે અને એટલે જ હું જેવો છું એવો છું.  પ્રેમિકાએ કહ્યું,  મને તું જેવો છે એવો જ ગમે છે.

 

તમને તમારી વ્યક્તિ જેવી છે એવી ગમે છે ?  પડ્યું પાનું નિભાવી જવાની નહીં, પણ જિંદગી જેવી છે એવી જીવી જવાની મજા કંઈક ઔર જ હોય છે.  આપણને આપણી વ્યક્તિમાં બદલાવ  જોઈતો હોય છે.  તું આમ કર, તું તેમ કર, તું આ રીતે બોલ, તું આવું ન બોલ.  છીંકથી માંડીને ઓડકાર ખાવા સુધીની સ્ટાઇલ આપણે બદલવા ઇચ્છીએ છીએ.  સારી વાત હોય એમાં સુધારો કરવાનું થાય એમાં કંઈ ખોટું નથી, પણ માણસને ધરમૂળથી બદલી દેવામાં આપણે ઘણી વખત એનામાં જે નેચરલ છે એને પણ ખતમ કરી દેતા હોઈએ છીએ. આપણી વ્યક્તિ જેવી છે  એવી ને એવી જ એને સ્વીકારવી એ પણ પ્રેમ કરવાની એક રીત જ છે અને પ્રેમ હોવાની સાબિતી છે.

 

એક મિત્ર સાથે બનેલી આ એક સાવ સાચી ઘટના છે.  આ મિત્રનો સન સ્કૂલમાં ભણે છે. તેના સનનો મિત્ર ઘરે આવતો.  એ છોકરાનું વર્તન વિચિત્ર હતું.  એ હંમેશાં એનું મન થાય એમ જ  કરતો.  તેને ગમે તો વાત કરે અને ન ગમે તો વાત ન કરે.  ક્યારેક સોફા પર પડ્યો પડ્યો વાંચ્યા રાખે તો ક્યારેક ટીવી જોયા રાખે.  મન થાય તો કંઈક ખાય, બાકી કંઈ આપો તો પણ ન ખાય. આવા દોસ્ત વિશે એક દિવસે મિત્રએ તેના સનને પૂછ્યું કે, તારો ફ્રેન્ડ તો બહુ જુદો છે,  ડોક વિચિત્ર નથી લાગતો ?  પિતાની વાત સાંભળીને એનો દીકરો માત્ર એક જ વાક્ય બોલ્યો કે એ એવો જ છે !  દીકરાનો આ જવાબ સાંભળીને પિતાને થયું કે, આપણે કેટલા મિત્રોને એ જેવા છે એવા જ સ્વીકારતા હોઈએ છીએ? આપણા કરતાં કદાચ આ બાળકો દોસ્તીની બાબતમાં વધુ પરફેક્ટ છે.  આપણે તો દોસ્તી માટે પણ આપણને ગમે એવા લોકો શોધતા હોઈએ છીએ ! દોસ્તી લાઇક માઇન્ડેડ સાથે જ થાય એવું જરૂરી નથી, કારણ કે દોસ્તીને કોઈ નિયમો લાગુ પડતા નથી.  દોસ્તી અને પ્રેમ તો જ તાજાં રહે જો આપણે આપણા મિત્ર, લવર કે લાઇફ પાર્ટનરને એ જેવા છે એવા રૂપમાં તેને સ્વીકારીએ.

 

દરેક વ્યક્તિ એવું ઇચ્છતી હોય છે કે લોકો તેને સારો માણસ કહે, પોતે સારો છે એ સાબિત  કરવા માણસ મહેનત કરતો હોય છે. તમારે સારા બનવું છે ?  તો તમે જેવા છો એવા જ રહો. માણસ સતત બધાને ઇમ્પ્રેસ કરવા મથતો રહે છે. આપણી છાપ પડવી જોઈએ. લોકો આપણને યાદ રાખવા જોઈએ.  માણસ મહેનત કરીને પોતાની ઇમ્પ્રેશન જમાવી દેતો હોય છે.  સમયની સાથે માણસે પહેરેલું મહોરું ધીમે ધીમે ઝાંખું પડી જાય છે અને છેવટે એ જેવો હોય એવો જ સામે આવી જતો હોય છે.  આપણે ગમે તે કરીએ, છેલ્લે આપણે ઓરિજિનાલિટી પર જ આવી જતાં હોઈએ છીએ.

 

એક કલાકાર હતો. એ ગરીબ હતો. સ્ટેજ પર એણે જે પાત્ર ભજવવાનું હતું એ એક અમીર વ્યક્તિનું હતું. સ્ટેજ પર આવે ત્યારે એની છટા બદલી જતી. એનો રોફ જામી જતો. એનો અભિનય જુએ ત્યારે કોઈ એમ ન કહી શકે કે આ એક ગરીબ કલાકાર છે.  નાટક પતે એટલે એ સીધો બાથરૂમમાં જાય. મેકઅપ ઉતારી નાખે.  કપડાં બદલી નાખે.  અરીસા સામે ઊભો રહીને કહે કે, તું હવે જે છે એ જ સાચું છે.  એક વખત તેના મિત્રએ કહ્યું કે તું સામાન્ય જિંદગીમાં પણ અમીરના ઠાઠથી જ રહેતો હોય તો? એ કલાકારે કહ્યું કે, ના હું એવું ન કરી શકું. મને થાક લાગે.  રાતે ઊંઘ તો આપણે જેવા હોઈએ એવી જ અવસ્થામાં આવે.  હું જ્યારે મેકઅપ ઉતારું ત્યારે  મને હાશ થાય છે. મને મારી ગરીબી મંજૂર છે, પણ નકલી અમીરી નહીં.  જે લોકો મહોરાનો ભાર લઈને સૂવે છે તેને ઊંઘ આવતી નથી.  મારા માટે મારા અભિનય કરતાં મારી જિંદગી મહત્ત્વની છે.

 

તમે કોઈને અભિભૂત કરી શકો તો એ માત્ર તમારી ઓરિજિનાલિટીથી જ કરી શકો.  બાપ સાથે તમે દીકરા હોવાનું નાટક ન કરી શકો.  આપણે ફિલ્મ, નાટક કે વાર્તા સાંભળીએ કે જોઈએ ત્યારે અમુક સંવાદો અમુક અદા જોઈને દંગ થઈ જઈએ છીએ.  ખરા અર્થમાં કેટલા લોકો આવી અદાથી વાત કરતાં હોય છે. આપણે આવું બધું જોઈને એને અનુસરતા હોઈએ છીએ. આપણને પણ ખબર હોય છે કે આ સાચું નથી.  બે મિત્રો હતા. એક મિત્રએ કહ્યું કે, યાર બધા નાટક કરે છે.  હવે મારે પણ ડ્રામા જ કરવા છે.  સાલ્લું, બધા ચાપલૂશી કરે છે, વાહવાહી કરે છે, ગ્રૂપ બનાવે છે અને પોતાનાં હિતો સાધી લે છે.  આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું કે, આ તું  નથી બોલતો. તેં પહેરેલું મહોરું બોલે છે. એવું કરવાના વિચાર છોડી દે.  તું નિષ્ફળ જઈશ. એના કરતાં તો તું જે કહે છે એ તારી જ સ્ટાઇલમાં બેસ્ટ રીતે કર.

 

કુદરતના કોઈ પણ અંશ લઈ લો. એ ક્યારેય મહોરા પહેરતા નથી.   દરિયાના કિનારા દરેક સ્થળે અલગ અલગ છે. ક્યાંક રેતાળ બીચ છે, તો ક્યાંક કાતિલ ખડક છે.  બે વાદળ ક્યારેય  એકસરખાં હોતાં નથી.  એક ઝાડનાં બધાં પાંદડાં કે ફળ પણ સરખાં હોતાં નથી.  માણસ પણ ક્યારેય બીજા માણસ જેવો ન હોઈ શકે.  તમે બીજાથી જુદા છો. તમે અનોખા છો.  બીજા જેવા  બનવા જશો તો તમે પોતાના જેવા પણ નહીં રહો. તમારી આવડત જ તમારી છે. દરેક  માણસમાં અમુક ચોક્કસ પ્રકારની આવડત હોય જ છે.  તકલીફ ત્યારે થાય છે જ્યારે એ પોતાની આવડતને જ ઓળખી શકતો નથી અને બીજાની આવડતને ફોલો કરે છે.

 

એક શાળામાં ટીચરે સ્ટુડન્ટ્સને પૂછ્યું કે તમારે કોના જેવા બનવું છે.  બધા સ્ટુડન્ટે કોઈ ને કોઈ મહાન વ્યક્તિનું નામ આપ્યું.  માત્ર એક છોકરાએ કહ્યું કે, મારે તો મારા જેવા જ બનવું છે.  જેના નામ છે એ બધા એના જેવા જ બન્યા છે તો પછી હું શા માટે એના જેવા બનવાની મહેચ્છા રાખું.  મારે મારા નામ સાથે કોઈનું ટાઇટલ નથી જોઈતું.  હું ‘એના’ જેવો છું એમ કોઈ કહે તો મને ન ગમે.  હું મારા જેવો છું અને મારા જેવો જ રહીશ.

 

આપણને તો કોઈ એમ કહે કે તું ફલાણા કલાકાર જેવો દેખાય છે કે તું પેલી એક્ટ્રેસ જેવી લાગે છે તો આપણે પોરસાઈએ છીએ.  ઘણાં વળી એવું પણ બોલી દે છે કે હું એના જેવો કે એના જેવી નથી દેખાતી, પણ એ મારા જેવી દેખાય છે.  સાચી વાત તો એ હોય છે કે તમે તમારી સરખામણી કોઈની સાથે ન કરો, કોઈ જેવા બનવા પણ પ્રયાસ ન કરો.  આપણે બસ આપણા જેવા જ બનવાનું હોય છે.  દરેક માણસ સારા છે.  તમે પણ શ્રેષ્ઠ જ છો. તમારે બસ તમારી  શ્રેષ્ઠતા સાબિત કરવાની હોય છે અને એ તમે તમારા જેવા જ બનીને કરી શકો. તકેદારી એટલી જ રાખવાની હોય છે, આપણા ચહેરા પર કોઈ મહોરું ન લાગી જાય !

 

 

છેલ્લો સીન :

તમારે કેવા બનવું છે એનો નિર્ણય તમે જ કરો, પછી માત્ર એ કેચ કરતાં રહો કે તમે તમારા  નક્કી કરેલા માર્ગ ઉપર જ આગળ વધી રહ્યા છો કે નહીં ?    -કેયુ.

 

 

 

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 03 ફેબ્રુઆરી 2016, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

 

 

email : [email protected]

krishnakant unadkat

કૃષ્ણકાંત ઉનડકટ
EXECUTIVE EDITOR, SANDESH DAILY, AHMEDABAD.
બ્લોગ લીંક :krishnkantunadkat.blogspot.com
ચિંતનની પળે :     email : [email protected]

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર પુન:પ્રસિદ્ધ કરવાની તક મળવા બદલ અમો શ્રી કૃષ્ણકાંત ઉનડકટ નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected] 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે. 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

મને ખબર જ છે કે તું આવવાનો નથી …

મને ખબર જ છે કે તું આવવાનો નથી  …

 ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
નથી તું તો તારી અસર ક્યાંથી લાવું? 
તને તો હું તારા વગર ક્યાંથી લાવું?  
-નિનાદ અધ્યારુ

તું  હોય છે ત્યારે સમયને પાંખો લાગી જાય છે. હવામાં એવી માદક ખુશબૂ પ્રસરાઈ જાય છે કે હું ખોવાઈ જાઉં છું. ધરતી અને સ્વર્ગ વચ્ચેનું અંતર ઘટી જાય છે. ફૂલો વધુ ખીલેલાં લાગે છે. પંખીઓનો કલરવ આહલાદક બની જાય છે. કુદરત જાણે કળા કરી લે છે. સૌંદર્યને પણ શરમાઈ જવાનું મન થઈ જાય એટલું નીખરી જાય છે. મારા ચહેરા પર સ્નેહની ચમક તરવરી જાય છે. ટેરવામાં ઝંખના જાગી જાય છે. સ્પર્શ મૃદુ બની જાય છે. મારો અવાજ મધુરતા ઓઢી લે છે. તારો હાથ હાથમાં હોય છે ત્યારે એવું લાગે છે જાણે આખું જગત મારી મુઠ્ઠીમાં છે. જેવો તું જાય છે કે તરત જ બધા માહોલ ઉપર પડદો પડી જાય છે. ઉદાસી અને એકલતા મને ઘેરી વળે છે. મને એ જ સમજાતું નથી કે હું મને શોધતી હોઉં છું કે તને?

તને એક નજર જોવા તરફડી જાઉં છું. પ્રેમ જેટલો ઉત્કૃષ્ટ હોય છે એટલો જ વિરહ કેમ ઉગ્ર બની જતો હોય છે? અચાનક જ વાતાવરણ મારી ત્વચાને દઝાડતું હોય એવું બની જાય છે. કંઈ જ ગમતું નથી. ક્યાંય સોરવતું નથી. માત્ર શરીર હાજર હોય છે. મન તો ફાંફાં મારતું હોય છે. હું મારાથી જ થાકી જાઉં છું. રાતે આંખોમાં ઉજાગરા અંજાઈ જાય છે. સવારે પણ એકલતા ઓગળતી નથી. દોડીને તારી પાસે આવવાનું મન થઈ જાય છે. તને કહું છું કે દૂર ન જા. મારી સાથે રહે. મને તારું સાંનિધ્ય જોઈએ છે. મને કંઈ જ નથી જોઈતું. મને બસ તું જોઈએ છે. તારા વગર બધું જ અધૂરું છે. અપૂર્ણ છે. હું પણ ક્યાં પૂરેપરી હોઉં છું? આ અધૂરપ સહન નથી થતી. શ્વાસનું પણ વજન લાગે છે. અસ્તિત્વ પણ આકરું લાગે છે. આવ, મને પૂર્ણ કરી દે. વિરહ વધુ વિકટ બની જાય એ પહેલાં નિકટ આવી જા! 

વિરહ મીઠો લાગે. શરત એટલી કે એ વિરહ ટૂંકી અવધિનો હોય. મિલનની રાહનું માધુર્ય અલૌકિક હોય છે. અલબત્ત, જે ક્યારેય પાછા નથી આવવાના એનું શું? જિંદગીભરનો વિરહ વેદના બનીને હૃદયને કોતરતો રહે છે અને શ્વાસને રૂંધતો રહે છે. ગળામાં બાઝી ગયેલા ડૂમાને ઓગાળવામાં બહુ મહેનત પડે છે. નસેનસમાં ફરતી યાદો શ્વાસ ફુલાવી દે છે. આંખો બંધ કરી દઈએ તો પણ એ ચહેરો નજર સામેથી હટતો નથી. હા, ખબર છે તું આવવાનો નથી. હવે ક્યારેય તું મળવાનો નથી. મારે આખી જિંદગી હવે ઝૂરવાનું છે. કેમ કરીને ભૂલવો તને? કેટલીક સ્મૃતિઓ પથ્થર પર કોતરાયેલા શબ્દો જેવી હોય છે. એ ભૂંસાતી નથી. ભુલાતી નથી. એ ધડકતી રહે છે અને થડકાવતી રહે છે.

મેરી ના રાત કટતી હૈ ના જિંદગી, વો શખ્સ મેરે વક્ત કો ઇતના ધીમા કર ગયા. એક શાયરની પંક્તિઓ ક્યારેક જીવનનું તથ્ય બની જતી હોય છે. નાની વયે પતિને ગુમાવનાર એક યુવતી કહે છે, એની તસવીર પર ચડાવેલો હાર જોઈને મારું ગળું રુંધાય છે. બધા સલાહ આપે છે, વર્તમાનમાં જીવવાનું શરૂ કર. મને પણ ઘણી વખત થાય છે કે થોડુંક કંઈક ભૂલી જાઉં. નથી ભુલાતું. કેવી રીતે ભૂલું? જે વ્યક્તિ અસ્તિત્વના કણેકણમાં સમાયેલી હોય એને એકઝાટકે થોડી ભૂલી જવાય છે? દિલની નાજુક રગો તૂટતી રહે છે. સ્મરણો સ‌‌‌‌ળગતા રહે છે. સળગી રહેલાં સ્મરણો આંસુથી ઠરતાં નથી. હું પ્રાર્થના કરું છું કે, હે કુદરત! મારાં આંસુઓને પેટ્રોલ નહીં, પાણી બનાવી દે. સહન ન થાય એટલાં સ્મરણો ન દે.

સ્ત્રી હોય કે પુરુષ, વિદાયની વેદનાની તીવ્રતા એકસરખી હોય છે. પોતાની વ્યક્તિની વિદાય પછી પુરુષને વધુ અઘરું પડે છે કે સ્ત્રીને? માપ ન કાઢી શકાય. અનુમાન ન બાંધી શકાય. કોની કેટલી સંવેદના તીવ્ર છે અને યાદો કેટલી ઉગ્ર છે તેના ઉપર ઘણો આધાર રાખે છે. હજુ હમણાંની જ આ વાત છે. જૂનાગઢના ટીવી આર્ટિસ્ટ અને ઋજુ હૃદયના માનવી હેમંત નાણાવટીએ 10મી ડિસેમ્બરે ફેસબુક ઉપર એક પોસ્ટ અપલોડ કરી. તેમણે લખ્યું, આજે મારી પાંત્રીસમી લગ્નતિથિ છે. લગ્નજીવન ચોત્રીસ વર્ષ ચાલ્યું અને લગભગ એકાદ વર્ષ પહેલાં અંત આવ્યો! ના, ના. છૂટાછેડા નથી લીધા, પણ કહોને ચાલી ગઈ! ગઈ છે એવી કે પાછી નહીં જ આવે! પણ લગ્નતિથિ તો આવેને! નાની, જીવનના દરેક રંગે રંગાઈને જીવી તેનો સંતોષ છે. આજે તું દૈહિક સ્વરૂપે મારી સાથે નથી, એટલી જ મારા હૃદયમાં અકબંધ છે અને આ લગ્નતિથિ મારા એકલાની થોડી છે, તારી પણ છે, સો હેપી મેરેજ એનિવર્સરી ડિયરેસ્ટ નાની!

વ્યક્તિ ચાલી જાય પછી તિથિઓ તો આવતી જ રહે છે. અમુક તારીખો રુઝાઈ ગયેલી યાદોને પાછી તાજી કરી દેતી હોય છે. મૃત્યુતિથિ બધી જ તિથિઓ ઉપર ભારી થઈ જતી હોય છે. આ ભાર પછી દિલ ઉપર અનુભવાતો હોય છે. એક પત્નીની વાત છે. એ કહે છે, મારા પતિથી તીખું ખવાતું ન હતું. શાક બનાવું ત્યારે પહેલાં એમના માટે મોળું શાક કાઢી લેતી. એ ચાલ્યો ગયો એને ઘણો સમય વીતી ગયો. હજુ મારાથી મોળું શાક કઢાઈ જાય છે. મોળું શાક જોઈને થાય છે કે, સાલ્લી જિંદગી પણ સાવ મોળી થઈ ગઈ! હવે જમવામાં પહેલાં જેવો સ્વાદ નથી આવતો! ગરમાગરમ રોટલી પીરસવાની મજા સાવ ઠંડી થઈ ગઈ. કોળિયો ગળે ઉતારવામાં પણ મહેનત પડે છે. એને ભાવતું હતું એ હવે મને નથી ભાવતું. ક્યાંથી ભાવે? ભવોભવની વાતો કરનારો આ ભવે જ એકલી મૂકીને ચાલ્યો ગયો. એને સંબોધીને કહું છું કે, આ જ રીતે ચાલ્યો જવાનો હોય તો આવતા ભવે ન મળતો.

એક વ્યક્તિના ચાલ્યા જવાથી આખું જગત સાવ ખાલી થઈ જાય છે. એક જાણીતો ચાલ્યો ગયો હવે બધું જ અજાણ્યું લાગે છે. હવે હું પણ મને નથી ઓળખતી. એક યુવતીની વાત છે. પતિ ચાલ્યો ગયો પછી પરિવારજનોએ કહ્યું કે, તારે જેમ રહેતી હતી તેમ જ રહેવાનું છે. સફેદ કપડાં નથી પહેરવાનાં. ચાંદલો કરવાનો જ છે. હા, હું હજુ તૈયાર થાઉં છું. ચાંદલો કરું છું. બધું સાચું પણ હવે મારાં વખાણ કરવાવાળો ક્યાં છે? તું બહુ મસ્ત લાગે છે એવું એ કહેતો હતો. તૈયાર થઈને રડી પડું છું. હવે તો એવું લાગવા માંડ્યું છે જાણે રડવા માટે તૈયાર ન થતી હોઉં!

એક યુવાનની પત્ની દુનિયા છોડી ગઈ. પત્નીની યાદમાં રડવું આવતું ત્યારે એ કબાટમાંથી પત્નીની સાડી લઈ તેના પાલવથી આંસુ લૂછતો. ખારાં આંસુથી પાલવનો છેડો ઝાંખો થઈ ગયો. તેણે કહ્યું, પાલવ ઝાંખો થઈ ગયો પણ તારી યાદો છે કે જરાયે ઝાંખી થતી જ નથી! હા, જીવન ખારું થઈ ગયું છે અને જિંદગી ઝાંખી પડી ગઈ છે. બધા જ છે પણ તારો કોઈ વિકલ્પ નથી. ક્યાંય જવાનું હોય તો હું એમ બોલતો કે આપણે બેઉં એકલાં જશું. મને ઘણી વખત થતું કે બે હોય તો એકલાં કેવી રીતે કહેવાય? લાંબું વિચાર્યા પછી થતું કે, આપણે બંને એક થઈ ગયાં છીએ. તારી સાથે એકલા રહેવું હતું, પણ તું તો મને એકલો મૂકીને ચાલી ગઈ. હવે હું સાવ એકલો થઈ ગયો છું! તમારી પાસે તમારી વ્યક્તિ છેને? તો બસ એની સાથે જીવી લો. દરેક ક્ષણ માણી લો. સાંનિધ્યને સજીવન રાખો. સમય છેને, એ બહુ દગાખોર હોય છે, એનો ભરોસો રાખવા જેવો નથી. કોણ, ક્યારે અને કેવી રીતે ચાલી જાય છે એ નક્કી નથી હોતું. તું છે તો બધું જ છે, તું નથી તો કંઈ જ નથી. તું છે તો જ હું છું. મારે તારી સાથે જીવવું છે. જીવી લેવું છે. જીવવાની એકેય ક્ષણ, એકેય તક ન ગુમાવો, કારણ કે દરેક ક્ષણ એકસરખી નથી હોતી!

છેલ્લો સીન : 

પ્રેમ એટલે મારો પર્યાય તું અને તારો અર્થ હું.   –  કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 23 ડિસેમ્બર 2015, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

email : [email protected]

krishnakant unadkat

કૃષ્ણકાંત ઉનડકટ
EXECUTIVE EDITOR, SANDESH DAILY, AHMEDABAD.
બ્લોગ લીંક :krishnkantunadkat.blogspot.com
ચિંતનની પળે :     email : [email protected]

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર પુન:પ્રસિદ્ધ કરવાની તક મળવા બદલ અમો શ્રી કૃષ્ણકાંત ઉનડકટ નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected] 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે. 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

જે થાય છે એ સારા માટે જ થાય છે …

જે થાય છે એ સારા માટે જ થાય છે …

 ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

 

જિંદગી સે યહી ગિલા હૈ મુઝે, તૂ બહુત દેર સે મિલા હૈ મુઝે,
તૂ મહોબ્બત સે કોઈ ચાલ તો ચલ, હાર જાને કા હૌસલા હૈ મુઝે
-અહમદ ફરાઝ

 

માણસ ફક્ત આશા, અપેક્ષા અને અરમાનો ઉપર જ જીવતો હોતો નથી. માણસ આશ્વાસન ઉપર પણ જીવતો હોય છે. નિષ્ફળતા અને અઘરા સમયમાં માણસને બે વસ્તુની સૌથી જરૂર પડે છે. એક છે સહાનુભૂતિ અને બીજું આશ્વાસન. સફળતા અે જિંદગીની હકીકત છે તો નિષ્ફળતા એ પણ જીવનનું સત્ય છે. કોઈ માણસ ક્યારેય હંમેશાં સફળ થતો હોતો નથી. કોઈ નિષ્ફળતા પણ કાયમી હોતી નથી. કોઈ પણ મહાન માણસની કિતાબ લઈને વાંચી જુઓ, એ ક્યારેક તો નિષ્ફળ ગયો જ હોય છે. કોઈના વિશે જાણીએ ત્યારે પણ સરવાળે તો આપણે આશ્વાસન જ મેળવતાં હોઈએ છીએ. જોયું, એ કેવી ખરાબ પરિસ્થિતિમાંથી બહાર આવ્યો છે? એને પણ સંઘર્ષ કરવો પડ્યો છે.

દરેક માણસે પોતાની લડાઈ લડવાની હોય છે. કોઈની લડાઈ સહેલી હોય છે, તો કોઈની અઘરી. કોઈની લડાઈ ટૂંકા ગાળાની હોય છે તો કોઈની લોંગ ટર્મની. લડાઈ તો હોવાની જ છે. યાદ રાખવા જેવી વાત એ જ હોય છે કે કોઈ લડાઈ અંતિમ હોતી નથી. એક લડાઈ હારી ગયા એટલે કંઈ ખતમ થઈ જતું નથી. કોઈ પણ કલાકારની વાત લઈ લ્યો, બધી ફિલ્મો કોઈની સફળ ગઈ નથી. કોઈ ખેલાડીનું પફોર્મન્સ એકસરખું રહ્યું નથી. સચીન તેંડુલકર પણ અનેક વખત ઝીરોમાં આઉટ થયાે છે. આપણે આપણી નિષ્ફળતાને કઈ રીતે લઈએ છીએ તેના ઉપર આપણા ભવિષ્યનો આધાર હોય છે.

હા, ઘણી વખત આપણને એવું લાગતું હોય છે કે બધું ખતમ થઈ ગયું છે. હવે હું કંઈ કરી શકીશ નહીં. મારું કોઈ ફ્યૂચર નથી. હું ક્યારેય સફળ નહીં થાઉં. મારી કરિયરનું પૂર્ણવિરામ આવી ગયું છે. આવું આપણને ફિલ થતું હોય છે પણ એવું હોતું નથી. એ કામચલાઉ જ હોય છે. આપણે નિષ્ફળ જઈએ ત્યારે આપણા તરફ સાંત્વના કે સહાનુભૂતિ બતાવનારા એવું આશ્વાસન આપતા હોય છે કે જે થતું હશે એ સારા માટે જ થતું હશે. બધું સમુંસૂતરું થઈ જશે. ગોડ મસ્ટ હેવ બેટર પ્લાન્સ ફોર યુ.

એક યુવાનની વાત છે. તેને ખોટા આક્ષેપો કરી નોકરીમાંથી કાઢી મુકાયો. તેનો કંઈ વાંક ન હતો. એ હતાશ થઈ ગયો. સારા અને મહેનતુ માણસની આ દુનિયામાં કોઈ કદર જ નથી. મને કાઢી મુકાયો છે એ ખબર પડ્યા પછી હવે મને કોઈ નોકરી પણ નહીં આપે. એ એટલો બધો ડિપ્રેસ થઈ ગયો કે તેણે આપઘાત કરવાનું નક્કી કરી લીધું. એ આપઘાત કરવા જતો હતો. ટ્રેન નીચે કપાઈને મરી જવાનું તેણે નક્કી કર્યું. પાટા સુધી પહોંચે એ પહેલાં તેને એક સાધુ મળ્યા. સાધુ પારખી ગયા કે આ યુવાન કંઈક મુશ્કેલીમાં છે. તેમણે યુવાનને પૂછ્યું કે શું થયું? યુવાને બધી વાત કરી કે તેને નોકરીમાંથી કાઢી મુકાયો છે અને પોતે આપઘાત કરવા જઈ રહ્યો છે. સાધુએ કહ્યું કે, હતાશ ન થા. જે થતું હશે એ સારા માટે થતું હશે.

યુવાન કોઈ વાત માનવા તૈયાર ન હતો. સાધુ સમજી ગયા કે હવે બીજો કોઈ રસ્તો અપનાવવો પડશે. સાધુએ કમંડળમાંથી એક ફૂલ કાઢ્યું. યુવાનને આ ફૂલ આપ્યું અને કહ્યું કે આ તારી પાસે રાખ. જોજે થોડા સમયમાં કોઈ ચમત્કાર થશે. મરવાની ઉતાવળ ન કર. મરવું હોય તો પછી ક્યાં નથી મરાતું. તું થોડીક રાહ જો. મારા આ ફૂલનો ચમત્કાર જોજે. આ યુવાને આપઘાત કરવાનું માંડી વાળ્યું. સાધુ પણ ચાલ્યા ગયા.

થોડા સમય પછી તેને એક જોબની ઓફર આવી. નોકરી આપનારાએ સામેથી કહ્યું કે અમે તારા વિશે તારી જૂની કંપનીમાં તપાસ કરાવી હતી. અમને ખબર પડી કે તને ખોટી રીતે કાઢી મુકાયો હતો. તારો કંઈ વાંક ન હતો. હવે તું અમારે ત્યાં નોકરી કર. અગાઉની જોબ કરતાં વધુ પગારની અને ઊંચી પોસ્ટની જોબ તેને મળી. એને થયું કે આ સાધુએ આપેલા ફૂલનો જ ચમત્કાર છે. એ ફૂલની સુકાઈ ગયેલી પાંદડીને પોતાની સાથે જ રાખતો હતો. રોજ તેને માથે ચડાવતો અને જાણે તેના પ્રતાપે જ બધું થયું હોય એવું માનતો હતો.

એક વખતે એ પોતાની જોબ પર જતો હતો ત્યારે અચાનક જ તેને ફૂલ આપનાર સાધુ સામે આવી ગયા. સાધુને જોઈને એ તો એમના પગે પડી ગયો. ગળગળો થઈ ગયો. સાધુને ફૂલ બતાવીને કહ્યું કે આ તમે અાપેલા ફૂલનું જ પરિણામ છે. સાધુએ ફૂલ હાથમાં લીધું અને એ સૂકા ફૂલને બાજુમાંથી પસાર થતી ગટરમાં ફેંકી દીધું. યુવાનના મોઢામાંથી હાશકારો નીકળી ગયો. અરે મહારાજ, તમે આ શું કર્યું? મહારાજે કહ્યું કે, તારો ભ્રમ ભાગવા માટે જ આ ફૂલ ગટરમાં નાખી દીધું છે. કોઈ ચમત્કાર બમત્કાર નથી. એ તો માત્ર આશ્વાસન હતું.

તું આપઘાત કરવા જતી વખતે મને મળ્યો એ પહેલાં હું એક બગીચામાં બેઠો હતો. ત્યાં એક ફૂલ પડ્યું હતું. મને ગમ્યું એટલે મેં કમંડળમાં નાખી દીધું. બગીચામાંથી નીકળ્યો ત્યાં તું મળી ગયો. તને આપઘાત કરતો અટકાવવા મેં ફૂલ આપ્યું અને ચમત્કારની વાત કરી. આ વાત સાવ ખોટી હતી. આ ફૂલ તો રખડતું હતું. સાચી વાત એ છે કે તું તારી નિષ્ફળતાથી ખોટો ડરી ગયો હતો. દરેકની જિંદગીમાં સારો-નરસો સમય આવતો હોય છે. તું હારી ગયો હોત અને આપઘાત કરી લીધો હોત તો? સાચી વાત એ છે કે આપણે નિષ્ફળતાને સ્વીકારી કે સમજી શકતા નથી. હતાશ થઈ જઈએ છીએ. હારી જઈએ છીએ. ડરી જઈએ છીએ અને માનવા લાગીએ છીએ કે હવે બધું ખતમ થઈ ગયું છે.

બધું હંમેશાં સારું જ નથી થતું. જિંદગીમાં ક્યારેક ખરાબ પણ થતું હોય છે. આપણે એવું આશ્વાસન જ લેતા હોઈએ છીએ કે જે થતું હોય છે એ સારા માટે જ થતું હોય છે. સારું થાય ત્યારે એવું પણ બોલતા હોઈએ છીએ કે એ ખરાબ ન થયું હોત તો આજે જે સારું છે એ થયું ન હોત. એવું પણ હોતું નથી, ખરાબ થયું હોય છે ત્યારે એ ખરાબ જ હોય છે, નિષ્ફળતા છેવટે તો નિષ્ફળતા જ હોય છે. સમજવાનું એટલું જ હોય છે કે કોઈ નિષ્ફળતા હંમેશનથી રહેવાની. સફળતા હોય જ છે. એની થોડી રાહ જોવાની હોય છે. નિષ્ફળતાથી ડરવાનું નહીં તેને સમજવાની જરૂર હોય છે. ઠીક છે, નિષ્ફળ થયા તો થયા, નસીબે સાથ ન આપ્યો તો ન આપ્યો, આપણા પ્રયાસો અધૂરા હતા તો હતા, આપણે ધાર્યું હતું એવું ન થયું તો ન થયું, હજુ જિંદગી છે જ? સફળતાનો પીછો ન છોડો, જો એવું કરવા જશો તો નિષ્ફળતા તમને પકડી જ રાખશે!

છેલ્લો સીન:

જો તમે કોઈ પણ કામમાં હજાર વાર નિષ્ફળ નીવડો તો વાંધો નહીં, હજુ એક વાર પ્રયત્ન કરો, તમે ચોક્કસ સફળ થશો.    -સ્વામી વિવેકાનંદ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 25  નવેમ્બર 2015, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

email : [email protected]

krishnakant unadkat

કૃષ્ણકાંત ઉનડકટ
EXECUTIVE EDITOR, SANDESH DAILY, AHMEDABAD.
બ્લોગ લીંક :krishnkantunadkat.blogspot.com
ચિંતનની પળે :     email : 
[email protected]

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર પુન:પ્રસિદ્ધ કરવાની તક મળવા બદલ અમો શ્રી કૃષ્ણકાંત ઉનડકટ નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected] 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે. 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

એટલો ક્લોઝ ન આવ કે દૂર ન થઈ શકાય …

એટલો ક્લોઝ ન આવ કે દૂર ન થઈ શકાય …

       ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

 

 

 

આવ-જા અમથી બધાની થાય છે, શ્વાસ પણ એમ જ અહીં લેવાય છે,
વાત જુદી છે અધૂરા પાત્રની, કોઈ દરિયો ક્યાં કદી છલકાય છે?

 
-નીતિન વડગામા

 

દરેક સંબંધો કાયમી નથી હોતા. દરેક પરિચિત સ્વજન નથી હોતાં. આત્મીયતાનો પણ એક અધિકાર હોય છે. આ અધિકાર બધાને આપી શકાતો નથી. ઘણાં સંબંધો એક્સ્પાયરી ડેટ સાથે આવતા હોય છે. અમુક સંબંધો અલ્પજીવી હોય છે. કોની કેટલી નજીક જવું અને કોને કેટલા નજીક આવવા દેવા એ આપણે નક્કી કરવાનું હોય છે. સંબંધોમાં તકેદારીની જરૂર એટલા માટે રહે છે કે સંબંધો જ્યારે છૂટે ત્યારે વેદના થતી હોય છે.

 

દરેક સંબંધો તૂટે એવું જરૂરી નથી. અમુક સંબંધો છૂટતા પણ હોય છે. સમય ઘણાં સંબંધોને દૂર કરી નાખે છે. એવા સંબંધો પછી સ્મરણોમાં જ સચવાયેલા રહે છે. સંબંધ રાખો, દિલથી રાખો પણ એ સંબંધ જ્યારે છૂટે ત્યારે દિલ તૂટવું ન જોઈએ, પણ દિલના કોઈ ખૂણામાં એ સંબંધ સચવાયેલા રહેવા જોઈએ. સંબંધોમાં ‘સેફ ડિસ્ટન્સ’ જરૂરી હોય છે.

 
એક છોકરો અને છોકરી સાથે જોબ કરતાં હતાં. બંને સારી વ્યક્તિ હતી. લાઇક માઇન્ડેડ હતાં. એકબીજાની કેર કરતાં હતાં. એક સમયે છોકરીને એવું લાગ્યું કે હવે એ છોકરો દોસ્તી કરતાં વધુ નજીક આવી રહ્યો છે. એક દિવસ તેણે તેના એ કલીગ મિત્રને વાત કરી કે આપણે સારા મિત્રો છીએ અને સારા મિત્રો જ રહીએ એ જરૂરી છે. એક સારી વ્યક્તિ તરીકે હું તને આદર આપું છું. છતાં આપણી વચ્ચે અમુક ડિસ્ટન્સ મેઇનટેઇન થવું જોઈએ. હું કોલેજમાં હતી ત્યારે મને એક વ્યક્તિ સાથે પ્રેમ થયો. આજે પણ છે. અમે મેરેજ કરવાના છીએ. હું એને ખૂબ પ્રેમ કરું છું. હું તને એટલા માટે આ વાત કરું છું કે તું આપણા સંબંધો વિશે કંઈ જુદું ન વિચારે. હું એવું પણ નથી ઇચ્છતી કે જુદું પડવાનું થાય ત્યારે તને કે મને વેદના થાય. સંબંધો સાત્ત્વિક હોવા જોઈએ. સાત્ત્વિક સંબંધો જ સચવાતા હોય છે. આ વાત સાંભળીને તેના કલીગ મિત્રએ થેંક્યૂ કહ્યું. પ્રોમિસ આપ્યંુ કે આપણી દોસ્તી આવી ને આવી રહેશે.

 
વાત માત્ર પ્રેમની જ નથી. દરેક સંબંધમાં સલામત અંતર રહેવું જોઈએ. ભરોસાપાત્ર લોકો નથી હોતા એવું નથી, પણ એવા લોકો બહુ ઓછા હોય છે. બીજી વાત પઝેશનની પણ હોય છે. સંબંધોનું પણ એક પઝેશન હોય છે. સાથે કામ કરનાર વ્યક્તિ હોય કે પછી નજીક રહેતા પડોશી હોય, એ અમુક અધિકાર જમાવી દેતા હોય છે. અમુક અધિકારમાં કંઈ વાંધો પણ નથી હોતો. થોડું ઘણું પઝેશન તો બધા સંબંધોમાં હોય જ છે. સંબંધોનો એ જ તો આધાર હોય છે. કેરફુલ ન રહીએ તો આ પઝેશન વધી જાય છે. દરેક સંબંધમાં અાદર રાખો પણ આધિપત્ય જમાવવા ન દો. વધુ પડતું આધિપત્ય પીડા આપે છે.

 

મિત્રોમાં પણ એવું થતું હોય છે કે અમુક પ્લાનિંગ, અમુક પાર્ટીઝ, અમુક સેલિબ્રેશન તેની સાથે જ થાય. બે મિત્રોની વાત છે. મજા આવે એવા દરેક પ્રસંગોમાં બંને સાથે જ હોય. એક વખતે મિત્રએ તેના બીજા એક મિત્ર સાથે બહાર જવાનું નક્કી કર્યું. એની સાથે પણ તેને મજા આવી. જૂના મિત્રને વાત કરી તો એને માઠું લાગી ગયું. મને છોડીને તેં બીજા મિત્ર સાથે મજા કરી! દોસ્તીમાં પણ મુક્તિ હોવી જોઈએ. હમણાં થોડા સમય અગાઉની જ એક સાચી ઘટના છે. આ વાત કરતા પહેલાં એક ચોખવટ કરી લઉં કે આ ઘટનાને ‘પીવાના સંદર્ભે’ ન જોવી, પણ ફ્રેન્ડશિપના એંગલથી જ જોવી.

 
એક મિત્રનું અવસાન થયું. તેનું ઉઠમણું હતું. ઉઠમણામાં મરનારના ત્રણ જૂના મિત્રો આવ્યા હતા. જે મિત્રનું અવસાન થયું હતું તેના પુત્રએ આ ત્રણેયને કહ્યું કે, અંકલ તમે ઉઠમણું પતી જાય પછી રોકાજો. મારે એક કામ છે. ઉઠમણું પતી ગયું પછી તે સ્વર્ગસ્થ પિતાના ત્રણેય મિત્રોને એક રૂમમાં લઈ ગયો. ઘરમાં રહેલી બેસ્ટ વ્હિસ્કીના ત્રણ પેગ બનાવ્યા. ત્રણેયની સામે ગ્લાસ મૂકીને કહ્યું કે, પ્લીઝ હેવ ડ્રિંક્સ. તેણે કહ્યું કે ડેડી ડેથ બેડ પર હતા ત્યારે તેમણે મને કહ્યું હતું કે મારા આ ત્રણ ફ્રેન્ડ મારા ઉઠમણામાં આવશે. એમને પીધા વગર પાછા જવા ન દેતો. તેનું કારણ એ છે કે એમની સાથે જિંદગીમાં મેં ડ્રિંક્સને એન્જોય કર્યું છે. ચિયર્સ કર્યું ત્યારે ત્રણેની આંખો ભીની હતી. હાર ચડાવેલી મિત્રની તસવીરમાં આંખોની ચમક એવી ને એવી હતી!

 
મિત્રના દીકરાએ બીજી એક વાત કરી. તેણે કહ્યું કે મેં એક વખત ડેડીને પૂછ્યું હતું કે આ ત્રણેય તમારા મિત્ર છે તો તમે એમને કેમ આગ્રહ કરીને નથી બોલાવતા? એ સમયે ડેડીએ એવું કહ્યું હતું કે દોસ્તી દરેક આગ્રહ કે દુરાગ્રહથી મુક્ત હોવી જોઈએ. એ મારા ફ્રેન્ડ્સ છે એને પણ હું યાદ આવતો જ હોઈશ. હું બોલાવું તો એ આવે પણ ખરા. માટે કંઈ જ ધરાર નથી કરવું. સાચો સંબંધ એ છે જે સહજ હોય. અમે જ્યારે મળીએ છીએ ત્યારે એન્જોય કરીએ છીએ. આ વાત કઈ નાનીસૂની છે? સાચું કહું, તમારી દોસ્તીમાંથી મને ફ્રેન્ડશિપના ઘણાં અર્થ સમજાયા છે. થેંક્યૂ ફોર બીઇંગ ધેર ઇન માય ડેડીઝ લાઇફ!

 
જુદા પડ્યા પછી કે દૂર ગયા પછી પણ જે સંબંધો જળવાતા હોય છે એ સંબંધોનું સત્ત્વ કંઈક અલૌકિક હોય છે. બધા કાયમ નજીક નથી રહેતા. દૂર થતા હોય છે. દૂર થઈ ગયા પછી કેટલા નજીક રહેતા હોય છે. એક કવિએ સરસ વાત કરી છે કે જેનો પ્રેમ કે જેનો સંબંધ દિલનો હોય એને વિરહ નડતો નથી. એ ભલેને હાજર ન હોય પણ દિલમાં તો મોજૂદ જ હોય છે.

 

આપણા સંબંધો આપણી ઓળખ હોય છે. તમે કોની સાથે સંબંધ રાખો છો તેના પરથી તમે કેવા છો એ નક્કી થતું હોય છે. એની સાથે જ કેવા સંબંધો રાખો છો તેના પરથી તમારું દિલ કેવું છે એ ઓળખાતું હોય છે. સંબંધોમાં એટલા ક્લોઝ ન આવો કે દૂર ન થઈ શકાય અને એટલા દૂર પણ ન થઈ જાવ કે જ્યારે એ વ્યક્તિ નજીક હોય ત્યારે ક્લોઝનેસ ફીલ ન થાય.

 
બધા પાસેથી આત્મીયતાની અપેક્ષા ન રાખો. સંબંધો ઓછા ભલે હોય પણ મજબૂત હોવા જોઈએ. અમુક સંબંધોને અમુક સમય સુધી જ જીવવાના હોય છે. સાથે કામ કરીએ છીએ એમાંથી કેટલા સાથે આત્મીયતા હોય છે. ઓળખીતા બધા હોય છે, પણ ખરેખર આપણને ‘ઓળખતા’ કેટલા હોય છે. નોકરી બદલે એટલે એ સંબંધો પૂરા થઈ જતા હોય છે. બે-ચાર લોકો જ એવા હોય છે જે યાદ રહેતા હોય છે કે યાદ આવતા હોય છે. એ લોકો જ્યારે મળે ત્યારે જૂનો સમય ફરીથી જિવાતો હોય છે. સંબંધો જીવનને હળવું રાખવા માટે હોય છે, વેદના માટે નહીં. જે પોતાના હોય એને સાચવી રાખો, નજીકના હોય એને નજીક જ રાખો, દૂરના હોય એની સાથે ‘સેફ ડિસ્ટન્સ’ રાખો. ડિસ્ટન્સ હશે તો ડિસ્ટર્બ થવાનો સમય નહીં રહે. સંબંધો એવા સૂકા ફૂલની જેવા હોવા જોઈએ જેના ઉપર જ્યારે પાણીનો છંટકાવ થાય ત્યારે એ મહેકી ઊઠે. સતત પાણીમાં રાખીએ તો ફૂલો પણ કોહવાઈ જતાં હોય છે!

 

 

છેલ્લો સીન:

 

આપણા સંબંધો આપણા ચારિત્ર્યના જીવતા જાગતા પુરાવાઓ હોય છે. -કેયુ

 

 
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 18  નવેમ્બર 2015, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
 

 

email : [email protected]

 

krishnakant unadkat

કૃષ્ણકાંત ઉનડકટ
EXECUTIVE EDITOR, SANDESH DAILY, AHMEDABAD.
બ્લોગ લીંક :krishnkantunadkat.blogspot.com
ચિંતનની પળે :     email : 
[email protected]

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર પુન:પ્રસિદ્ધ કરવાની તક મળવા બદલ અમો શ્રી કૃષ્ણકાંત ઉનડકટ નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected] 

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે. 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli