તું નક્કી કરી લે કે તારે કરવું છે શું? …

તું નક્કી કરી લે કે તારે કરવું છે શું? …

ચિંતનની પળેકૃષ્ણકાંત ઉનડકટ

krish.1

 

 

તુફાનોમાં ફક્ત તેઓ તરીને પાર નીકળે છે,

ફરી વળતું નથી જે લોકોની હિંમત ઉપર પાણી.

– બરકત વિરાણી ‘બેફામ’

જિંદગી આંખોમાં સપનાં આંજીને આવે છે. સુખનું સપનું. સ્નેહનું સપનું. સફળતાનું સપનું. સાધનોનું સપનું અને સપનાને સાર્થક કરવાનું સપનું. સપનાં વગરનો માણસ હોઈ ન શકે. જે સપનાં નથી જોતો એ જાગતો હોય તો પણ સુષુપ્ત હોય છે. માણસ પથ્થર નથી. માણસ પર્વત નથી. માણસ જંગલ છે. આ જંગલ ખીલતું, ઊગતું,ઊઘડતું અને ઝઝૂમતું રહે છે. જ્વાળામુખી પણ એક સપનું છે જે પર્વતને ફાડીને બહાર આવે છે. આપણી અંદર પણ એક જ્વાળામુખી હોય છે. સતત ભભૂકતો જ્વાળામુખી. જ્વાળામુખીનું સત્ય વિસ્ફોટ છે. સપનાનું સત્ય વિસ્મય છે.

તમારાં સપનાં શું છે? આ સવાલ જો કોઈ તમને કરે તો તમે શું જવાબ આપો? ઘણા પાસે તો લાંબું લિસ્ટ હોય છે. હોવું જ જોઈએ. સપનાં તો જિંદગીનું સત્ય છે. સપનાં તો જિજીવિષા છે. સપનાં ન હોય તો માત્ર શ્વાસ રહે છે, જિંદગી નહીં. સપનાનો પનો લાંબો હોવો જોઈએ. ઘણા લોકો મોત આવે એ પહેલાં મરી જતા હોય છે, કારણ કે એનાં સપનાં મરી ગયાં હોય છે. હાલવું, ચાલવું અને જીવતાં રહેવું એક વાત છે અને થનગનતાં રહેવું એ બીજી વાત છે.

એક યુવાનની વાત છે. તેણે બચપણથી થોડાંક સપનાં જોયાં હતાં. એક સરસ મજાનું ઘર હોય, ઘરમાં બધી સગવડ હોય, સારી કાર હોય,પ્રેમાળ પત્ની હોય, સમજું સંતાનો હોય અને એક સારી જોબ હોય. ઘણાં સપનાં ધાર્યાં કરતાં વહેલાં પૂરાં થઈ જતાં હોય છે. નાની ઉંમરમાં જ તેનાં આ બધાં સપનાં પૂરાં થઈ ગયાં. એ ધીમે ધીમે હતાશ થવા લાગ્યો. મારાં સપનાં તો પૂરાં થઈ ગયાં. હવે શું? કોઈ ઉકેલ મળતો ન હતો. એ યુવાન એક સંત પાસે ગયો. સંતને કહ્યું, મારાં સપનાં તો પૂરાં થઈ ગયાં. હવે મારે શું કરવું? મને જીવવાનું કોઈ કારણ આપો. સંતે હસીને કહ્યું, જરાયે મુશ્કેલ નથી. તું બસ, તારાં સપનાં વધારી દે. સપનાંને થોડાંક મોટાં કરી દે. આપણે ઘણી વખત જેને મંજિલ સમજી લેતા હોઈએ છીએ એ માત્ર એક મુકામ હોય છે. દરેક માણસ પોતાની ક્ષમતા મુજબ સપનાં જોતો હોય છે. આપણે ઘણી વખત આપણી ક્ષમતાને આંકવામાં જ ભૂલ કરી લેતાં હોઈએ છીએ. પોતાની જાતને અંડરએસ્ટીમેટ કરવા જેવી ભૂલ બીજી કોઈ નથી.

ઘણા લોકોના મોઢે આપણે એવું સાંભળીએ છીએ કે, મેં તો સપનામાં પણ ક્યારેય એવું નહોતું વિચાર્યું કે હું અહીં સુધી પહોંચી શકીશ! આપણે ક્યારેય તેને એવું નથી કહેતા કે, તેં સપનાં જોવામાં ભૂલ કરી હતી. તેં કેમ અત્યારે છો એ સપનું નહોતું જોયું? ચલો, કંઈ વાંધો નહીં, હજુ નવું સપનું જો કે તું ક્યાં સુધી પહોંચી શકે તેમ છે! અમુક લોકો એંસી-નેવું વર્ષે પણ એક્ટિવ હોય છે. એને કામ કરતાં જોઈને આપણને આશ્ચર્ય થાય છે. એ લોકો કેમ આટલી મોટી ઉંમરે પણ આટલું બધું કામ કરી શકે છે? કારણ કે એણે એનાં સપનાંને મરવા નથી દીધાં. ઘણા વૃદ્ધો કહે છે કે, આપણે તો ‘પરવારી’ ગયા! પરિવારનાં કામો પતે એટલે પરવારી જવાનું? એક વૃદ્ધે સરસ વાત કરી હતી કે, મેં પરિવારની જવાબદારીઓ પૂરી કરી લીધી, હવે હું મારી જવાબદારી પૂરી કરીશ. મારી જાત સાથે પણ મારી કોઈ જવાબદારી છે. થોડાંક સપનાં બાકી છે, થોડીક ઇચ્છાઓ અધૂરી છે, થોડુંક જીવવાનું બાકી છે, એ હવે પૂરું કરીશ.

યંગસ્ટર્સ તો સપનાનો જીવતો-જાગતો જથ્થો હોવો જોઈએ. એક બાળક માટીમાં રમતો હતો. એક વડીલે તેને પૂછ્યું કે, તું શું કરે છે?બાળકે કહ્યું કે, હું સપનાં વાવું છું. મારા ટીચર કહેતા હતા કે વાવીએ એ ઊગે. વડીલે પૂછ્યું, તેં કેવાં સપનાં વાવ્યાં છે? નિર્દોષ બાળકે કહ્યું કે,ઊગે ત્યારે જોજો. તમારાં બાળકોને તમારે સંસ્કારો આપવા છે? તો એને સપનાં જોતાં શીખવાડો. ઉઘાડી આંખનાં સપનાં એની આંખમાં રોપો અને તેને એવો વિશ્વાસ આપો કે દરેક સપનામાં ઊગવાની તાકાત હોય છે, તારે બસ એ સપનાંને સીંચતા જવાનાં છે.

સફળ થવા માટે સપનાંને સ્વભાવ બનાવો. સપનાંને સાકાર કરવા સાધના કરો. માત્ર સપનાં જોવાં એ શેખચલ્લીવૃત્તિ છે. સપનાંને પકાવવાં પડે છે. પરસેવો સપનાંને સિંચે છે. મહેનત સપનાંને મહેકાવે છે. ધગશ સપનાંને ધાર્યા મુકામ પર પહોંચાડે છે. આળસુ લોકો દરરોજ સપનાની હત્યા કરે છે. એક યુવાન અને તેની પ્રેમિકા વાતો કરતાં હતાં. પ્રેમિકાએ પૂછ્યું, તારાં સપનાં શું છે? પ્રેમીએ એક પછી એક સપના ગણાવવા માંડ્યા. પ્રેમિકાએ કહ્યું, સારી વાત છે. હવે તું મને એ કહે કે આ સપનાં પૂરાં કરવા માટે તું શું કરે છે? આટલાં બધાં સપનાં એમ ને એમ તો પૂરાં નહીં થવાનાં. પહેલા તું એક સપનાને તો પૂરું કર, પછી બીજા સપનાની વાત કરજે. તું નક્કી કરી લે કે તારે કરવું છે શું? એના પછી નક્કી કર કે કરવું છે કેવી રીતે? સપનાને શાર્પનેસ હોવી જોઈએ. આપણે ભૂલ એ કરીએ છીએ કે આપણે માત્ર સપનાં જોઈએ છીએ. સપનાં જોવાની સાથે સપનાને સાર્થક કરવાની સતર્કતા જોઈએ.

જિંદગી વિશે કહેવાય છે કે જિંદગીને વહેવા દેવી જોઈએ. ગો વિથ ધ ફ્લો. સાચી વાત છે. જિંદગીને વહેવા દો, પણ એનું વહેણ તમે જ નક્કી કરો. ક્યાંથી ટર્ન આપવો છે, કેવી રીતે ટર્ન આપવો છે અને ફાઇનલી ક્યાં પહોંચવું છે. દરેક ઝરણા પણ નદી સુધી પહોંચતા નથી. દરેક નદીના નસીબમાં પણ સાગરમાં સમાવવાનું હોતું નથી. કેટલાંય ઝરણાં અને નદી વચ્ચે જ સુકાઈ જાય છે અથવા તો શોષાઈ જાય છે. તમે નક્કી કરો કે મારાં સપનાંને સૂકવવા નહીં દઉં, મારી જિંદગીને એળે જવા નહીં દઉં. મારી ઇચ્છાને અધૂરી રહેવા નહીં દઉં.

થાકો નહીં. હારો નહીં. કંટાળો નહીં. ઘણી વખત આપણે બેસી જતાં હોઈએ છીએ તેનાથી આપણી મંજિલ એક ફલાંગ જ દૂર હોય છે. એક તરવૈયો હતો. હંમેશાં અવ્વલ જ હોય. એક વખતે તેને પુછાયું કે તું મધદરિયે હોય ત્યારે શું વિચારે છે? તેણે કહ્યું કે, માત્ર એટલું જ કે કિનારો હવે દૂર નથી. હમણાં મારો હાથ કિનારાને આંબી જશે. હમણાં હું કિનારે પહોંચીને દરિયાને કહીશ કે તારામાં મારાં સપનાંને ડુબાડવાની તાકાત નથી. તું ભલે ગમે તેટલો ઊંડો અને અગાધ હોય, હું તારા સકંજામાં આવવાનો નથી. બાથ ભીડવાની મારામાં હામ છે. તારો પડકાર ઝીલવાની તૈયારી છે અને ઝંપલાવવાનું ઝનૂન છે.

કોઈ ઇમારત એક ઈંટની ચણાતી નથી. કોઈ સપનું એક ઝાટકે સાકાર થતું નથી. સતત અને સખત સંઘર્ષ જ સફળતા સુધી દોરી જાય છે. સપનું જેટલું મોટું, મહેનત એટલી વધુ. સપનાને નજર સમક્ષ રાખવું પડે છે. સાથોસાથ એ તકેદારી રાખવી પડે છે કે ‘ડાયવર્ટ’ ન થઈ જવાય. રસ્તો ભૂલી ન જવાય કે રસ્તો ચૂકી ન જવાય. તમારાં સપનાં ઉપર તમારો અધિકાર છે અને કોઈ અધિકાર એમ ને એમ મળતો નથી. અધિકાર માટે અધિકૃત થવું પડે. {

છેલ્લો સીન:

લોકોને આપણા માટે સારું બોલવાની ફરજ પાડવાનો એક માત્ર માર્ગ સારું કાર્ય કરવાનો છે. 

–વોલ્ટેર

 

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 8 જુન 2016, બુધવાર. ચિંતનની પળે કોલમ)

 

 

કૃષ્ણકાંત ઉનડકટ

 

KRISHNAKANT PHOTOકૃષ્ણકાંત ઉનડકટ 
EXECUTIVE EDITOR, SANDESH DAILY, AHMEDABAD.
બ્લોગ લીંક : krishnkantunadkat.blogspot.com
ચિંતનની પળે :     email : [email protected]

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર પુન:પ્રસિદ્ધ કરવાની તક મળવા બદલ અમો શ્રીકૃષ્ણકાંત  ઉનડકટ નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected] 

 

You can Follow /Likes us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

હું થોડોક કાચ જેવો અને થોડોક અરીસા જેવો છું! …

હું થોડોક કાચ જેવો અને થોડોક અરીસા જેવો છું! …

ચિંતનની પળે- કૃષ્ણકાંત ઉનડકટ

 

 

immage.1

દુનિયા કે હર ઇક જર્રે સે ઘબરાતા હૂં,

ગમ સામને આતા હૈ જિધર જાતા હૂં,

રહતે હુએ ઇસ જહાં મેં મુદ્દત ગુજરી,

ફિર ભી અપને કો અજનબી પાતા હૂં.

– અમજદ હૈદરાબાદી

 ફોટો સારો આવતો હોય એની ‘ઇમેજ’ સારી જ હોય એવું જરૂરી નથી. દરેક માણસ સાથે એની ‘ઇમેજ’ જોડાયેલી હોય છે. દરેકને ક્યારેક તો એવો વિચાર આવ્યો જ હોય છે કે હું કેવો છું? અથવા તો હું કેવી છું? પોતાનું તટસ્થ મૂલ્યાંકન કરવું સહેલું નથી. પોતે જે કરતા હોય છે એ મોટાભાગના લોકોને સાચું લાગતું હોય છે. સાચું ન લાગતું હોય તો એવું એ કરે જ નહીં.  હા, ઘણાં એવું કહેતા હોય છે કે હું જે કરું છું એવો હું છું નહીં. મારે આ કરવું પડે છે. મારી મજબૂરી છે, લાચારી છે, બીજો કોઈ વિકલ્પ નથી એટલે મારે આવું કરવું પડે છે એમ પણ ઘણા લોકો કહેતા હોય છે. વિકલ્પ તો હોય જ છે, પણ એ ફાયદાકારક હોતો નથી એટલે છેલ્લે માણસ ‘ડેસ્ટીની’ ગણીને જે કરતા હોય એ કરતા રહે છે.

પોતાની જાત સાથે ઓનેસ્ટ રહેવું અઘરું છે. દરેક માણસને ઈશ્વરે બુદ્ધિ આપી છે. બુદ્ધિમાં કેટલી શુદ્ધિ હોય છે? દરેક પોતાની ક્ષમતા અને શક્તિ મુજબ બુદ્ધિનો ઉપયોગ કરે છે. ફાયદો, લાભ, નફો મળે એવું કામ આપણે કરતા રહીએ છીએ. કંઈ ખોટું નથી. સવાલ એ છે કે એ કયા રસ્તે આવે છે? માણસ બેઝિકલી સુખવાદી છે. એને સુખ જોઈએ છે. સુખ શોધવામાં એ ઘણી વખત ખોટા એટલે કે દુ:ખના માર્ગે ચડી જાય છે.

એક માણસ સંત પાસે ગયો. તેણે સંતને કહ્યું કે મને મજા આવતી નથી.  મજા આવે એવો કંઈક રસ્તો બતાવો. સંતે કહ્યું કે, પહેલાં તું મને એ કહે કે તારી મજાનો મતલબ શું છે?  શું થાય તો તને મજા આવે? મને જે રીતે મજા આવે એ જ રીતે તને મજા આવે એ જરૂરી નથી.  મને તો પ્રભુના ભજનમાં મજા આવે છે, સાધના કરવામાં આનંદ આવે છે, પક્ષીનો કલરવ સાંભળીને મારું મન પુલકિત થઈ જાય છે. ઊગતા સૂરજને જોઈને મને કોઈ પુષ્પ ખીલતું હોય તેવો અહેસાસ થાય છે. સાંજે સંધ્યા ખીલે ત્યારે કુદરત રંગોળી સર્જતી હોય તેવું લાગે છે. મારી મજાની વ્યાખ્યા જુદી છે. મારું સુખ જુદું છે.  તારી મજા, તારું સુખ શું છે? એની સાથે જ મહત્ત્વનો સવાલ એ છે કે તારી મજા કેવી છે? તારું સુખ કેવું છે? ઘણાને મદિરાપાનમાં મજા લાગે છે.  ઘણાને જુગારમાં આનંદ મળે છે, ગુનાખોરીમાં ઘણાને રોમાંચ થાય છે. આપણે સાધનો અને સંપતિમાં જ મજા મળતી હોવાનું માનીએ છીએ. મજા મનમાં હોવી જોઈએ. મજા સાત્ત્વિક હોવી જોઈએ. રજસ અને તમસ વચ્ચેનો તફાવત જાણે એ જ મજા અને સુખને સારી રીતે સમજે છે. તું કેવો છે તેની છાપ લોકોમાં એનાથી જ ઊભી થવાની છે કે તું મજા કેવી રીતે કરે છે?

તમને ખબર છે કે લોકોમાં તમારી છાપ કેવી છે?  ઘણા લોકો એમ કહે છે કે લોકો મારા વિશે શું માને છે તેનાથી મને કોઈ ફરક પડતો નથી.  માણસ ભલે આવી વાત કરતો હોય, પણ તેને ફરક પડતો હોય છે. બધાને અંદરખાને ક્યાંક ને ક્યાંક એવું તો હોય જ છે કે લોકો મને સારો કહે. લોકો મને આદર આપે. લોકો મને માનથી જુએ. લોકો આવું કરે પણ ખરા, પણ એના માટે સારા બનવું પડે, આદરપાત્ર થવું પડે. છાપ એમ ને એમ ઊભી થતી નથી.  લોકો પાસે તેનાં કારણો હોય છે. એ કારણો સાચાં જ હોય એવું જરૂરી નથી, પણ સાવ ખોટા પણ હોતા નથી. આમ તો દુનિયામાં એવા પણ લોકો છે જ જેને પોતાની છાપ સારી ન હોવા છતાં ગમતી હોય છે. એક ક્રિમિનલ હતો. તેના વિસ્તારમાં તેની ધાક હતી. લોકો તેના નામથી ડરતા હતા. એક વખત તેના મિત્રએ કહ્યું કે, તને ખબર છે, તારી છાપ કેવી છે?  ક્રિમિનલે કહ્યું કે મને બરાબર ખબર છે કે લોકો મારા વિશે શું માને છે અને કેવું બોલે છે. મને માથાભારેની છાપ ગમે છે. મારાથી બધા ડરે એ મને ગમે છે. આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું કે તો પછી તું ગરીબ લોકોને મદદ કરવા શા માટે દોડે છે? તું ભલે ગમે તે કહે, પણ તું એવું જ ઇચ્છે છે કે થોડાક લોકો તારા વિશે એવી વાત કરે કે તું સાવ ખરાબ માણસ નથી.  તારામાં પણ માણસાઈ જેવું છે. તારે સારા દેખાવું છે અને તારે જ તારી જાતને આશ્વાસન આપવું છે કે હું સાવ ખરાબ માણસ નથી. બદમાશ અને લુચ્ચા લોકોએ સારા દેખાવવા માટે સૌથી વધુ મહેનત કરવી પડે છે. સારા માણસોએ એવું કરવું પડતું નથી, કારણ કે તે સારા જ હોય છે.

કેટલા માણસો એવા છે જે કહી શકે કે હું થોડોક કાચ જેવો અને થોડોક અરીસા જેવો છું. હું બંધ પડીકા જેવો નથી. હું તાળું મારેલી તિજોરી જેવો નથી. હું ખુલ્લી કિતાબ જેવો છું. કાચની જેમ મને આરપાર જોઈ શકાય છે.  હું જેવો છું એવો જ દેખાઉં છું. હું અંદરથી જુદો અને બહારથી અલગ નથી.  હું મારી અંદર બે માણસને જિવાડી શકતો નથી. ઘણા લોકો દેખાતા હોય છે જુદા અને હોય છે તદ્દન અલગ. એણે પોતાનામાં એક બીજો માણસ સાચવી રાખ્યો હોય છે. પોતાની અનુકૂળતા મુજબ એ એનો ઉપયોગ કરતો રહે છે. એક માણસ એ હોય છે જે અજવાળામાં દેખાય છે અને બીજો એ હોય છે જે અંધારામાં જાગે છે. માણસ રંગ બદલે છે બદલાયેલો રંગ દેખાતો નથી, પણ વર્તાતો હોય છે.

માણસ ગમે એટલી મહેનત કરે, પણ છેલ્લે તો એ જેવો હોય એવો ઓળખાઈ જાય છે. ઓરિજિનાલિટી ક્યારેય છુપાતી નથી. કોઈ લાંબા સમય પછી તો કોઈ થોડાક સમયમાં વર્તાઈ આવે છે. ઘણા એવા માહેર હોય છે જે ઘડીકમાં ઓળખાતા નથી. દુનિયા સાથે તો ઘણા છેતરપિંડી કરતાં હોય છે, ઘણાં તો પોતાના લોકો સાથે પણ ચાલાકી કરતા હોય છે.

એક યુવાન સાથે તેના મિત્રએ દગો કર્યો. છૂટા પડતી વખતે તેણે મિત્રને કહ્યું કે, મારી જિંદગીમાં તું કંઈ એવી પહેલી વ્યક્તિ નથી જેણે મારી સાથે દગો કર્યો હોય. અનેક લોકોએ મને છેતર્યો છે, મારો લાભ ઉઠાવ્યો છે, મને મૂરખ બનાવ્યો છે એ લોકોનું મને દુ:ખ નથી, કારણ કે એ લોકો મારા કંઈ હતા જ નહીં. તારું દુ:ખ એટલા માટે છે, કારણ કે મેં તને મારો મિત્ર માન્યો હતો. તારા પર ભરોસો મૂક્યો હતો. મને નુકસાન થયું એનો મને ગમ નથી, પણ તને ઓળખવામાં હું ખોટો પડ્યો તેની વેદના છે.

માણસથી ખોટું બે રીતે થઈ જતું હોય છે. એક તો ભૂલથી આપણાથી ઘણી વખત ન થવાનું થઈ જતું હોય છે, બીજું ઇરાદાપૂર્વક ખોટું થતું હોય છે. પહેલું હજુ માફીલાયક હોય છે, બીજું કોઈ પણ રીતે યોગ્ય હોતું નથી.  ઇમેજનું એવું પણ છે કે ઘડીકમાં બદલાતી નથી. સારું થવું અઘરું નથી, પણ એ માટે સારા રહેવું પડે છે.  આપણે સારા હોઈએ તો બીજું કંઈ કરવાની જરૂર નથી, કારણ કે આપણે જેવા હોઈએ એવા ઓળખાઈ જ જવાના છીએ!

 છેલ્લો સીન :

 

krishnakant unadkat

કૃષ્ણકાંત ઉનડકટ 
EXECUTIVE EDITOR, SANDESH DAILY, AHMEDABAD.
બ્લોગ લીંક : krishnkantunadkat.blogspot.com
ચિંતનની પળે :     email : [email protected]

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર પુન:પ્રસિદ્ધ કરવાની તક મળવા બદલ અમો શ્રી કૃષ્ણકાંત ઉનડકટ નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected] 

 

HANUMAN JYANTI

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે. 

  

You can Follow /Likes us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

અત્યારે મારો ખરાબ સમય ચાલે છે ! …

અત્યારે મારો ખરાબ સમય ચાલે છે ! …

 ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

 

 bed time

રસ પડે છે ક્યાં કોઈ પણ ચીજમાં, ધ્યાન મારું જ્યાં સતત તાવીજમાં,  

વાવણી આરંભી દીધી કઈ રીતે? શું કશું દેખાયું તમને બીજમાં?

 – એસ.એસ.રાહી

 

 

પાનખર માટે વૃક્ષ ક્યારેય સમયને દોષ આપતું નથી. ઓટ હોય ત્યારે દરિયો ક્યારેય એમ કહેતો નથી કે ટાઇમ અત્યારે મારી ફેવરમાં નથી. કાળઝાળ ગરમી વખતે ધરતી ક્યારેય ફરિયાદ કરતી નથી. છોડ પરથી ફૂલની એકાદ કળી ખરી પડે ત્યારે છોડ રોદણાં રડતું નથી. કોયલને ટહુકવા માટે ક્યારેય નરસો સમય નડતો નથી. આપણને? જરાકેય અમથું કંઈક આપણને ગમતું ન થાય એટલે તરત જ આપણે કહીએ છીએ કે અત્યારે મારો સમય સારો નથી. દોષનો ટોપલો ઢોળી દેવા માટે આપણી પાસે હાથવગાં બે સાધનો છે, એક સમય અને બીજું નસીબ.

 

સમય સમય હોય છે. સમય ક્યારેય ખરાબ કે સારો નથી હોતો. સમય તો જેવો હોય છે એવો જ હોય છે. આપણે આપણા સંજોગો, સ્થિતિ અને માનસિકતા મુજબ સમયના કપાળ ઉપર સારા કે ખરાબનું લેબલ લગાડી દેતા હોય છે. જેને પોતાના ઉપર ભરોસો હોતો નથી એ જ લોકો સમયને દોષ દેતા હોય છે. જિંદગીમાં અપ-ડાઉન્સ સ્વાભાવિક છે. દિવસ પછી રાત થાય જ છે,ભરતી પછી ઓટ આવે જ છે, વસંત પછી પાનખર પણ આવે છે. ઘડિયાળ પણ એ જ વાત સાબિત કરે છે કે સમય બદલતો રહેવાનો છે. આપણે ઘણી વખત જેને અંત માની લેતા હોઈએ છીએ એ કોઈ નવી શરૂઆત હોય છે.

 

સુખ ક્યારેય સમયનું મોહતાજ હોતું નથી. સુખ તો સ્વભાવ અને સહજભાવને વરેલું હોય છે. સમય ક્યારેય કોઈને કહેતો નથી કે અત્યારે તારે હસવાનું નથી. આ તારો રડવાનો સમય છે એવુંયે સમય કહેતો નથી. સમય કહે છે, હું તો જે છું એ જ છું. હા, તું જે હોવો જોઈએ એ તું નથી. તું તારી રીતે મારી વ્યાખ્યા કરી લે છે. મને શા માટે દોષ દે છે. તારે મજામાં રહેવું હોય તો હું ક્યાં ના પાડું છું? તારે દુ:ખી રહેવું હોય તો પણ તારી મરજી! તને એવું લાગે છેને કે હું સ્થિર નથી! હા, હું સ્થિર નથી. સ્થિર તો આ દુનિયામાં છે જ શું? પૃથ્વી ફરતી રહે છે, ગ્રહો બદલતા રહે છે, ઘડિયાળ ફરતી રહે છે, તારીખિયાનાં પાનાં ખરતાં રહે છે, શરીરમાં પણ પરિવર્તન થતાં રહે છે, બધું જ બદલતું હોય તો પછી હું સમય કેવી રીતે સ્થિર રહી શકું? હા, તું ધારે તો સ્થિર રહી શકે. તું શા માટે વિચલિત થાય છે. તું કેમ નથી સ્વીકારી શકતો કે ચડાવ-ઉતાર આવવાના જ છે.

 

આપણે હંમેશાં એવું જ ઇચ્છતા હોઈએ છીએ કે આપણે ધાર્યું હોય એમ જ થાય. જિંદગી આપણા કંટ્રોલમાં હોય. હું ઇચ્છું એવું જ બધા કરે. મારી ઇચ્છાની વિરુદ્ધ કંઈ ન થાય. એવું થતું નથી. થવાનું પણ નથી. આપણાં દુ:ખનું સૌથી મોટું કારણ એ હોય છે કે આપણે જરાયે વિપરીત સ્થિતિને સ્વીકારી શકતા નથી. એક વખત એક બા‌ળકે એના દાદાને પૂછ્યું કે, તમારી જિંદગીનો સમય કેવો રહ્યો? દાદાએ હસીને કહ્યું કે, બધા લોકોની જેવો જ! કોઈનો ક્યારેય એકસરખો થોડો રહ્યો છે કે મારો સમય એકસરખો રહે! દાદાએ કહ્યું કે તને મારી જિંદગીની એક વાત કહું. એક સમય મંદી આવી. માર્કેટ એકદમ ડાઉન થઈ ગયું. વેપાર હતો નહીં. દિવસનો મોટો ભાગ નવરા બેસી રહેવું પડતું હતું. હું ડરી ગયો હતો. ડગી ગયો હતો. એવું લાગતું હતું કે બધું ખતમ થઈ જશે. થોડીક શાંતિ મળે એ માટે હું એક સંત પાસે ગયો. એ સંત કાયમ પ્રસન્ન મુદ્રામાં જ હોય. સંતને કહ્યું કે, મંદીનો ડર લાગે છે. સંતે કહ્યું કે, ગઈ કાલે આ જંગલમાં વાવાઝોડું આવ્યું હતું. મને હતું કે મારી ઝૂંપડી ઊડી જશે. ઝૂંપડીમાંથી કંઈ નહીં બચે. મેં વિચાર કર્યો કે ચિંતા કરવાથી તો કંઈ થવાનું નથી. જે જવાનું છે એ જવાનું જ છે. જે મારા હાથમાં નથી એનો શોક શું કરવો? વાવાઝોડાની રાત પસાર થઈ ગઈ. સવારે જોયું તો ઝૂંપડીનું એક છાપરું જ ઊડ્યું હતું. મને થયું કે આટલું તો હું કરી લઈશ. મેં ઝૂંપડીની ચિંતા કર્યે રાખી હોત તો મારો એ સમય બગડ્યો હોત. તું મંદીની ચિંતા છોડી દે. બજારની મંદી તો વહેલી મોડી બદલી જશે. મનની મંદીનું શું? આપણા તો મનમાં પણ તેજી અને મંદી આવતી રહે છે. ઘડીકમાં ખુશ થઈ જવાનું અને ઘડીકમાં દુ:ખી થઈ જવાનું. મનને મંદ પડવા ન દે. નુકસાન થઈ થઈને શું થવાનું છે? ગમે તે ખતમ થઈ જાય પછીયે જિંદગી તો હોય જ છે. જિંદગી ખતમ થઈ જાય પછી બીજું બધું હોય તો પણ શું ફરક પડે છે? પાગલખાનું એ જિંદગીથી હારેલા લોકોનું સ્થળ છે અને જેલ એ જિંદગી સામે બળવો કરનારાઓની જગ્યા છે. સંસાર સ્થિર લોકો માટેનું સ્થળ છે. તારી પાસે એવું ઘણું છે જે ક્યારેય ખતમ થવાનું નથી. એ છે તારી હિંમત અને તારો ઉત્સાહ. એને નબળાં પડવા ન દે. એ છે ત્યાં સુધી કંઈ જ ખતમ થવાનું નથી.

 

એક માણસની વાત છે. એની પાસે કંઈ જ ન હતું. સંઘર્ષો કરી કરીને એ સફળ થયો હતો. એક વખત તેના મિત્રએ કહ્યું કે, યાર તારી હિંમતને દાદ દેવી પડે. તારી હિંમતે જ તને સફળ બનાવ્યો છે. પેલા માણસે કહ્યું કે એના સિવાય મારી પાસે બીજું હતું પણ શું? હિંમત જ મારું સૌથી મોટું શસ્ત્ર હતું. સમય તો ઘણી વખત બાંયો ચડાવીને સામે આવી ગયો હતો. મેં મારી હિંમતનું શસ્ત્ર અજમાવીને તેને હંફાવ્યો. મારી પાસે જે હિંમત હતી, એ હિંમત તો બધા પાસે હોય જ છે. તકલીફ ત્યારે થાય છે જ્યારે માણસ એ હિંમત હારી જાય છે. તમારે જીતવું  હોય તો તમારી હિંમતને હારવા ન દો.

 

સમય સામે ફરિયાદ ન કરો. સમયને ચેલેન્જ ફેંકો. સમયને કહો, મને તારો ડર નથી. તું તારી પ્રકૃતિ છોડતો નહીં, હું મારો મિજાજ ગુમાવીશ નહીં. આપણને ઘણી વખત એવું લાગતું હોય છે કે બધું ખતમ થઈ ગયું. અલબત્ત,એ આપણો ભ્રમ હોય છે. ખતમ થાય છે એ માત્ર એક સ્થિતિ હોય છે. અમુક સંજોગો એવા હોય છે જે બદલે છે અને થોડાક વિપરીત થાય છે. અમુક સંબંધો એવા હોય છે જે તૂટે છે. આપણે કહીએ છીએ કે કંઈ જ કાયમી નથી. આપણે પણ કાયમી નથી. બધું જ બદલે છે. કંઈ જ સ્થિર નથી, તો પછી આપણે એવી આશા કેમ રાખી શકીએ કે બધું જ એકસરખું રહે. જરાક જુદી રીતે જોઈએ તો એમ પણ કહી શકાય કે બધું એકસરખું જ હોત તો જિંદગીનો આટલો રોમાંચ હોત ખરો? રાત પડતી જ ન હોત તો? સવાર અને સાંજ થતી જ ન હોત તો?ફૂલનું માધુર્ય એ ધીમે ધીમે ખીલે છે એમાં જ છે. વરસાદ પછી ઝરણું જન્મે છે અને તડકામાં નદી પણ સુકાઈ જાય છે. સુખ કાયમ રહેતું નથી તો દુ:ખ પણ પરમેનન્ટ નથી. સમયને દોષ ન દો. અમુક સંજોગો થોડાક કપરા હોય છે,અમુક સ્થિતિ નાજુક હોય છે, એ પણ પસાર થઈ જ જવાના છે. તમારી હિંમતને ડગવા ન દો, તમારા ઉત્સાહને ઓસરવા ન દો. જિંદગી તો સુંદર જ છે, આપણે ડગી જતા હોઈએ છીએ, આપણે ડરી જતા હોઈએ છીએ.

 

છેલ્લો સીન :

જિંદગી સામે હસશો તો એ હસશે, જિંદગી સામે રડશો તો એ પોક મૂકશે. જિંદગીનું રિએક્શન અલ્ટિમેટલી આપણા એક્શનનું જ રિફ્લેક્શન હોય છે. -કેયુ.

 

(“દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 06 એપ્રિલ 2016, બુધવાર, ચિંતનની પળે કોલમ)

E-mail : [email protected]

 

krishnakant unadkat

કૃષ્ણકાંત ઉનડકટ
EXECUTIVE EDITOR, SANDESH DAILY, AHMEDABAD.
બ્લોગ લીંક :krishnkantunadkat.blogspot.com
ચિંતનની પળે :     email : [email protected]

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર પુન:પ્રસિદ્ધ કરવાની તક મળવા બદલ અમો શ્રી કૃષ્ણકાંત ઉનડકટ નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected] 

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે. 

  

You can Follow /Likes us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

તારો ચહેરો નથી કહેતો કે તું ખુશ છે! ….

તારો ચહેરો નથી કહેતો કે તું ખુશ છે! ….

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

enjoy

શીખ રહા હૂં અબ મૈં, ઇન્સાનોં કો પઢને કા હુનર,

સુના હૈ ચેહરે પે, કિતાબોં સે જ્યાદા લિખા હોતા હૈ.

-અમિતાભ બચ્ચન.

ચહેરો ચુગલીખોર હોય છે. ચહેરો આપણા મૂડની ચાડી ફૂંકી દેતો હોય છે. દિલમાં જે ચાલતું હોય એનું દૃશ્ય ચહેરા ઉપર ઊભરી આવે છે. મન મૂંઝાયેલું હોય ત્યારે મોઢું પડી જાય છે. શરમના શેરડા પણ ચહેરા પર જ ફૂટતા હોય છે. ગુસ્સો ચહેરાને લાલઘૂમ કરી દે છે. ચહેરો વિચારોને ઝીલે છે. ખુશી ચહેરા પર છલકે છે. ઉદાસી ચહેરાને ચીમળાવી નાખે છે. પોતાના લોકોને ચહેરાની પરખ હોય છે. પ્રેમ સૌથી પહેલાં ચહેરા ઉપરથી વ્યક્ત થતો હોય છે.

આઈ લવ યુ ભલે મોડું કહેવાતું હોય, પણ પ્રેમ તો બહુ અગાઉથી ચહેરા પર વર્તાઈ આવતો હોય છે. એક યુવાને તેના મિત્રને કહ્યું કે, હું એક છોકરીના પ્રેમમાં છું. મિત્રએ સવાલ કર્યો કે, એને તારા ઉપર પ્રેમ છે? યુવાને કહ્યું કે હા, લાગે છે તો એવું જ. મિત્રએ ફરી સવાલ કર્યો કે તું એવું કઈ રીતે કહે છે? તેં પ્રપોઝ કર્યું અને તેણે હા પાડી? યુવાને કહ્યું કે, ના, હજુ વાત એટલી આગળ નથી વધી, પણ તેના ચહેરા ઉપરથી મને લાગે છે કે એ પણ મને પ્રેમ કરે છે. હું તેની પાસે જાઉં ત્યારે એના ચહેરા ઉપર ચમક આવી જાય છે. તેની સાથે આંખ મિલાવું ત્યારે એ શરમાઈ જાય છે. વાત કરતો હોઉં ત્યારે એની નજર ઝૂકી જાય છે. ફૂલ ઊઘડતું હોય એમ ધીમે ધીમે તેના ચહેરા ઉપર એક ગજબની તાજગી છવાતી જાય છે. હું બીજે ક્યાંક જોતો હોઉં ત્યારે એ મને એક્ટસે જોયા રાખે છે, જેવો એની તરફ જોઉં કે જાણે પકડાઈ ગઈ હોય એમ એ ફટ દઈને મોઢું ફેરવી લે છે. હું જતો હોઉં ત્યારે પૂછે છે કે ઉતાવળ છે?

પ્રેમમાં હોય કે પ્રેમલગ્ન કર્યાં હોય તેને પૂછીએ ત્યારે એવું જ સાંભળવા મળે કે મને તો ખબર પડી જ ગઈ હતી કે એને હું ગમું છું, પણ એનામાં બોલવાની હિંમત ક્યાં હતી! પ્રપોઝ કરવા માટે દરેક વખતે બોલવું નથી પડતું, ચહેરો જ બધું કામ કરી દેતો હોય છે. ચહેરાની એક ભાષા હોય છે. એ ભાષા સમજવા માટે શબ્દોની જરૂર પડતી નથી. તમારી પાસે એવી વ્યક્તિ છે જેને તમારા ચહેરાની ભાષા વાંચતા આવડે છે. જો હોય તો એને સાચવી રાખજો. ચહેરાની ભાષા એ જ વાંચી શકે છે જેને તમારો મૂડ સ્પર્શે છે, જેને તમારા ચહેરા પર ખુશી જોઈ આનંદ થાય છે. તમારી ઉદાસી જેના દિલને ચેન લેવા દેતી નથી. બધાને ચહેરાની પરવા હોતી નથી. બધાને એનાથી કોઈ ફરક પણ પડતો નથી. પોતાના લોકોને જ આ ભાષાથી સાચો ફરક પડતો હોય છે.

આપણાથી પણ ઘણી વખત કોઈના ચહેરાની ભાષા ઉકેલાતી હોય છે. આપણે પૂછીએ છીએ, આર યુ ઓકે? સામેથી જવાબ મળે છે કે યસ આઈ એમ ફાઇન. એક ફોર્માલિટી પૂરી થાય છે. આપણે મનમાં એમ પણ કહીએ છીએ કે, મને શું ફેર પડે છે? આપણને તો આપણા કામથી મતલબ છે. સામા પક્ષે બધા પાસે વ્યક્ત થવાનું પણ આપણને ક્યાં ગમતું હોય છે? હમદર્દી પણ આપણને બધા પાસેથી નથી જોઈતી હોતી. અમુક લોકોની હમદર્દી જ આપણને ગમતી હોય છે. મારે એ નથી જોઈતું કે દુનિયા મારી ચિંતા કરે, મારા માટે તો એ મહત્ત્વનું છે કે તને મારી ફિકર હોય. નિદા ફાઝલીની એક ગઝલ છે, તેરે જહાં મેં ઐસા નહીં કે પ્યાર ન હો, જહાં ઉમ્મીદ હો ઉસકી વહાં નહીં મિલતા, એ જ તો પીડા હોય છે. આપણી વ્યક્તિ નારાજ હોય અને આખી દુનિયા રાજી હોય તો પણ શું? એક ચહેરો જે આપણો હોય છે એ જ આપણા માટે સર્વસ્વ હોય છે.

દીકરી સાસરેથી આવે ત્યારે માતા-પિતા તેના ચહેરાની કિતાબનાં પાનાં વાંચતાં હોય છે. મારી દીકરી મજામાં તો છેને? ઉદાસ દીકરીને એક વખત પિતાએ પૂછ્યું, ‘શું વાત છે? મજામાં નથી લાગતી! દીકરીએ સાસરાના અમુક પ્રોબ્લેમ્સની વાત કરી. પિતાએ કહ્યું કે, તેં આ વાતો અત્યાર સુધી અમને કેમ ન કરી? દીકરીએ કહ્યું કે, મારે તમને દુ:ખી નહોતા કરવા. પિતાએ કહ્યું, તું એમ માને છે કે તેં ન કહ્યું હોત તો અમને ખબર ન પડત? બચપણથી તારો ચહેરો વાંચવાની આદત છે. ચહેરાના ભાવનો એક પ્રભાવ હોય છે, એ અભાવ પણ છતો કરી દે છે.’

કેટલા લોકોના ચહેરા ખરેખર એ જેવા હોય છે એવા જ હોય છે? આપણને હવે ચહેરો છુપાવવાની ફાવટ આવી ગઈ છે. આપણે કોઈને વરતાવા દેવા ઇચ્છતા નથી કે આપણા મનમાં શું ચાલી રહ્યું છે. આમ છતાં પોતાના લોકો આપણને પકડી પાડતા હોય છે. કોસ્મેટિક્સથી ચહેરા પરના દાગ છુપાવી શકાય છે, પણ દિલ પર પડેલા ઉઝરડાને નહીં. બે મિત્રોની આ વાત છે. એક મિત્ર અચાનક જ પોતે ખૂબ ખુશ અને મજામાં હોવાની વાતો કરવા લાગ્યો. વાતવાતમાં એવો પ્રયાસ કરે જાણે તેને કોઈ ગમ કે ચિંતા જ નથી. એક વખત જુદા પડતી વખતે તેના મિત્રએ પૂછ્યું કે શું વાત છે? આજકાલ તારે ખુશી હોવાનો દેખાડો કરવામાં ખૂબ મહેનત કરવી પડે છે? તું જેવું વર્તન કરે છેને એવો તું છે નહીં. તારા નાટકથી દુનિયા કદાચ માની લેશે તું મજામાં છે, હું નહીં માનું. તું ખરેખર મજામાં હોય છે ત્યારે તું આવું વર્તન નથી કરતો. જબરજસ્તીથી થતા પ્રયત્નો એ સાબિત કરી દેતા હોય છે કે તમે સહજ નથી. મિત્રએ પોતાની મુશ્કેલીની બધી સાચી વાત કહીને થેંક્યૂ કહ્યું. કોઈ તો છે જે મારા ચહેરાને અંદરથી વાંચી શકે છે.

પાણી સ્થિર હોય તો પાણીમાં ચહેરો જોઈ શકાય છે. પાણીમાં ચહેરો જોવા માટે એ પણ જરૂરી છે કે ચહેરો સ્થિર હોય. વમળો માત્ર પાણી ઉપર જ નથી સર્જાતાં, ચહેરા ઉપર પણ વમ‌ળો થતાં હોય છે. આપણો ચહેરો જ્યારે આપણે અરીસામાં જોઈએ ત્યારે ઘણી વખત એ ચહેરો જ આપણને સવાલ કરે છે. ચહેરો જવાબ પણ આપતો હોય છે. આપણે ચહેરાના જવાબને ગણકારતા નથી. તમે તમારા ચહેરાની ભાષા વાંચવાનો ક્યારેય પ્રયાસ કર્યો છે?

રોજ સવારે ઊઠીને બ્રશ કરતો હોય ત્યારે અરીસામાં ઉપસેલો મારો ચહેરો મારી પાસે રાતનો હિસાબ માગે છે. ઊંઘ બરાબર આવી છે? નથી આવી? કેમ નથી આવી? શેનો ઉચાટ છે? કેમ રાતે ઝબકીને જાગી ગયો હતો. હું કહું છું, રહેવા દે. મારે તારા કોઈ પ્રશ્નોનો જવાબ નથી આપવો. અરીસાનો ચહેરો હસવા લાગે છે. એ કહે છે, કંઈ વાંધો નહીં. આ જ સવાલો તને કાલે પૂછીશ. કાલે તું જવાબ નહીં આપે તો પરમ દિવસે પૂછીશ. તું જ્યાં સુધી જવાબો નહીં આપે ત્યાં સુધી તને પૂછતો રહીશ. તારે જવાબ તો આપવા જ પડશે, કારણ કે હું તારો જ તો હિસ્સો છું. હું તારો જ તો કિસ્સો છું. તું બધાથી ભાગી શકશે, મારાથી ભાગી નહીં શકે. માણસ દુનિયાથી મોઢું છુપાવી શકે છે, પણ પોતાનાથી મોઢું છુપાવી શકતો નથી. તું સવાલોથી ભાગ નહીં. તું જવાબે શોધ. તને જવાબ મળી આવશે. જવાબ કંઈ અઘરા નથી. તારે જવાબ મેળવવા નથી.

આપણે એવા દાવાઓ કરતા હોઈએ છીએ કે મને તો લોકોના ચહેરા ઉપરથી એ વાતની ખબર પડી જાય છે કે એના મનમાં શું ચાલે છે. આપણને માત્ર આપણા ચહેરા ઉપરથી જ અંદાજ નથી આવતો કે આપણા મનમાં શું ચાલે છે! રાતે ઊંઘ ન આવે ત્યારે આંખનાં પોપચાં ફૂલી જાય છે. પોપચાં પરપોટા નથી કે ફૂટી જાય અને બધું પાછું હતું એવું ને એવું થઈ જાય. પરપોટા એ પાણીનો ઉચાટ હશે? કે પછી પાણીની હળવાશ હશે? ચહેરા પર પરપોટા બનતાં નથી. ચહેરા પર ઝાકળ છવાતી નથી. ચહેરા પર માત્ર અકળામણ ઊપસે છે.

તમે ક્યારેય તમારો ચહેરો જોઈને કહ્યું છે કે તારો ચહેરો જોઈને નથી લાગતું કે તું ખુશ છે! આપણે ઉદાસીને પંપાળ્યે રાખીએ છીએ. ઉદાસીને ચહેરા ઉપર ઓઢાડી રાખીએ છીએ. દિલ પર ભાર લઈને ફરીએ છીએ. માણસ આખા શરીરમાં સૌથી વધુ પ્રેમ પોતાના ચહેરાને કરતા હોય છે. માવજત પણ સૌથી વધુ ચહેરાની જ થતી હોય છે. એક નાનકડો ખીલ થાય તો હજાર ઉપાયો કરીએ છીએ. ચહેરા પર છવાતા ઉચાટને હટાવવા શું કરીએ છીએ? એના માટે દિલના ઉત્પાતને શમાવવો પડે. ચહેરો સૌંદર્ય પ્રગટ કરે છે, પણ એ સૌંદર્ય ઊગે છે તો દિલની અંદર જ. સુંદરતા જોઈતી હોય તો દિલનું જતન અને મનની માવજત કરો, ચહેરો આપોઆપ ખીલી જશે!

છેલ્લો સીન :

ચહેરો ઉકેલતા આવડે તો સમજવું કે તમને પ્રેમની ભાષા આવડી ગઈ છે. -કેયુ.

(“દિવ્ય ભાસ્કર’, “કળશ’ પૂર્તિ, તા. 30 માર્ચ 2016, બુધવાર, ચિંતનની પળે કોલમ)

email : [email protected]

 

krishnakant unadkat

કૃષ્ણકાંત ઉનડકટ
EXECUTIVE EDITOR, SANDESH DAILY, AHMEDABAD.
બ્લોગ લીંક :krishnkantunadkat.blogspot.com
ચિંતનની પળે :     email : [email protected]

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર પુન:પ્રસિદ્ધ કરવાની તક મળવા બદલ અમો શ્રી કૃષ્ણકાંત ઉનડકટ નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected] 

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે. 

  

You can Follow /Likes us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

હું સાચું બોલીશ તો, તને ખોટું લાગી જશે …

હું સાચું બોલીશ તો, તને ખોટું લાગી જશે …

 

ચિંતનની પળે કૃષ્ણકાંત ઉનડકટ

 

 

 

જે હતા સાથે, હજી સાથે જ છે, તોય એકલવાયું તો લાગે જ છે,

જોઉં છું નારાજ થઈ જ્યારે ઉપર, એ શરમ બે આંખની રાખે જ છે,

ધ્યાન દઈને સાંભળો ભૂતકાળને, એક જણ તમને બૂમો પાડે જ છે,

હાલ મારા એને કહેતો હોઉં છું, જે બધું મારા વિશે જાણે જ છે !

– ભાવેશ ભટ્ટ ‘મન’

સંબંધો અને શ્વાસ ક્યારેય એકસરખા ચાલતા જ નથી. કાર્ડિયોગ્રામ મશીનમાં ધ્રૂજતી રેખાની જેમ શ્વાસ અને સંબંધો ઉપરથી નીચે અને નીચેથી ઉપર ઝૂલતા જ રહે છે. સંબંધો ઘણી વાર સવાલો ખડા કરે છે. રિલેશનમાં પણ બધાને રિફ્લેક્શન જોઈએ છે, એ ન જોવા મળે તો રિલેશનમાં પણ રિજેક્શન આવે છે. હામાં હા પુરાવે એ સંબંધી, હામાં ના પુરાવે એ પ્રતિદ્વંદ્વી, એવી વ્યાખ્યા કરનારાઓ સંબંધોમાં પણ ફાયદો અને ગેરફાયદો જોતા રહે છે. સંબંધોનું સત્ત્વ એ હોવું જોઈએ કે બંને વચ્ચેનો સ્નેહ સાત્ત્વિક હોય. સાચું કહી શકાતું હોય અને સાચું સહી શકાતું હોય. સહન ન થાય ત્યાં સાચું કહેવાતું નથી. સત્ય વજનદાર હોય છે, એને ખળવું…. પડતું હોય છે. સત્ય તીક્ષ્ણ હોય છે એને ઝીલવું પડતું હોય છે. સત્ય ઉઝરડો પાડે પણ એમાં ઇરાદો હકીકતનો અહેસાસ કરાવવાનો હોય છે. જૂઠ જ્યારે આપણી તરફ આવે ત્યારે એ શરીર પર પીંછું ફરતું હોય એવું મીઠું લાગે છે, પણ હકીકત જ્યારે સામે આવે ત્યારે એ જોખમી હોય છે. મોઢામોઢ અને સાચેસાચું કહેનારાઓની સંખ્યા ઘટતી જાય છે, કારણ કે બધાને સંબંધોમાંથી કંઈક મેળવવું છે. સંબંધને પણ દાવ પર લગાડીને સાચું કહેનારા ખરા બપોરના અજવાળામાં પણ શોધ્યા જડતા નથી. લોકોને હવે સાચું નહીં, પણ સારું કહેનારા જ સાચા સંબંધીઓ લાગે છે !

કેવું છે, આપણે સાચા હોવાનું કન્વિન્સ કરવા માટે સમ ખાવા પડે છે. આપણે મા-બાપથી માંડી ભગવાન સુધીના સમ ખાઈ લેતાં હોઈએ છીએ. શ્રદ્ધાનો અભાવ હોય ત્યારે સમ ખાવા પડતા હોય છે. મારા માથે હાથ મૂકીને કહે કે તું સાચું બોલે છે. આપણને સત્ય ઉપર સૌથી વધુ શંકા જતી હોય છે. અદાલતમાં ગીતા ઉપર હાથ મૂક્યા પછી કેટલા લોકો સાચું બોલતા હોય છે? ખોટું બોલતી વખતે આપણે આપણી જાતને છેતરતા હોઈએ છીએ. બીજાને છેતરવામાં જેને કોઈ ફેર પડતો નથી એને પોતાની જાતને છેતરતાં પણ શરમ આવતી હોતી નથી.

કોઈને ખોટું લાગી જાય એ માટે ઘણી વખત આપણે સાચું બોલતા નથી. ખોટું છાતી ઠોકીને બોલી શકાય છે. સાચું બોલવા માટે ભૂમિકા બાંધવી પડે છે. પ્લીઝ, તું ખોટું ન લગાડતો પણ સાચી વાત આ છે. એવા આપણે ખુલાસા કરવા પડતા હોય છે. એક વખત એક મિત્રએ તેના બીજી વ્યક્તિ સાથેના સંબંધો વિશે તેના મિત્રને પૂછ્યું. એ મિત્રએ કહ્યું કે, બેટર એ છે કે તું મને પૂછ નહીં,  કારણ કે હું જો સાચું બોલીશ તો તને ખોટું લાગી જશે. આમ તો આટલી વાત કર્યા પછી પૂછનારો તેનો જવાબ મળી ગયો હોય છે છતાં પણ એ સ્પષ્ટતા માગે છે. ના ના, તું મને તારા મનની વાત કરી દે, મને ખોટું નહીં લાગે.

આપણને જ્યારે કોઈનું ખોટું લાગે છે ત્યારે આપણે એવું વિચારીએ છીએ કે એ માણસ સાચું તો બોલ્યો. એ મારી પાસે ખોટું પણ બોલી શક્યો હોત. બે બહેનપણીની વાત છે. એક બોયફ્રેન્ડ વિશે તેણે પોતાની બહેનપણીને પૂછ્યું. એ માણસ કેવો છે? બીજી બહેનપણીએ તેને જે ખબર હતી એ વાત સાવ સાચેસાચી કહી દીધી. બીજી બહેનપણી નારાજ થઈ ગઈ. સાચું બોલનારી બહેનપણીને તેની બીજી બહેનપણીએ કહ્યું કે તારે સાચું બોલવાની શું જરૂર હતી? આવી મોટી હરિશચંદ્રની દીકરી! હવે તારા એની સાથેના સંબંધો બગડી જશે. આ વાત સાંભળીને બહેનપણીએ કહ્યું કે, સંબંધ બગડવા હોય તો ભલે બગડે, જે વ્યક્તિ આપણી સાચી વાત સ્વીકારી કે સમજી ન શકે એવા સંબંધ શું કામના? દોસ્તીનો  મતલબ એ પણ હોય છે કે આપણે સાચી વાત ખુલ્લા દિલે કહી શકીએ. જૂઠના આધારે ટકતી દોસ્તીમાં દંભ હોય છે અને મને એવો દંભ મંજૂર નથી.

હમણાં એક જોક વાંચવા મળ્યો. એક ફ્રેન્ડે તેના બીજા ફ્રેન્ડને પૂછ્યું, તને ખબર છે રાજા હરિશ્ચ્રંદ્રનું સત કેમ ટક્યું? કેમ એણે ક્યારેય ખોટું બોલવું ન પડ્યું? કારણ કે એની પત્નીએ તેને ક્યારેય પૂછ્યું ન હતું કે હું કેવી લાગું છું! તમારી પત્ની કે બીજું કોઈ તમને પૂછે કે કેવી કે કેવો લાગું છું ત્યારે તમે ખરેખર સાચો જવાબ આપો છો? તમે ક્યારેય કોઈને એવું કહ્યું છે કે સાવ ભંગાર લાગે છે! શોપિંગમાં ગયા હોઈએ, કોઈ ચેન્જરૂમમાંથી આવીને પૂછે કે આ ડ્રેસ કેવો લાગે છે ત્યારે આપણે સાચો જવાબ જ આપતા હોઈએ છીએ? એક પતિ-પત્નીની વાત છે. પત્ની શોપિંગ વખતે ડ્રેસ ચેન્જ કરીને આવે ત્યારે પતિને પૂછે કે કેવો લાગે છે? પતિ ઓલવેઝ એવો જ જવાબ આપે કે ફાઇન લાગે છે. પતિનું આવું વર્તન જોઈને તેના મિત્રએ પૂછ્યું કે તું આવું કેમ કહે છે?  પતિએ કહ્યું કે અંતે એ પોતાને ગમતું હશે એ જ લેવાની છે. હા, હું ઘણી વખત એવું કહું છું કે, ઓકે છે, બહુ સારું નથી લાગતું, પણ સાવ ખરાબેય નથી લાગતું, તને ગમતું હોય તો લઈ લે. એક વખત તો તેણે મારા ઉપર એવો આક્ષેપ પણ કર્યો હતો કે તારે મને લઈ નથી દેવું એટલે તું એવું કહે છે કે તને સારું નથી લાગતું! કોઈ આપણી સામે સાચું બોલતું ન હોય અથવા તો બોલી શકતું ન હોય ત્યારે પ્રોબ્લેમ એનામાં નહીં, પણ આપણામાં હોય છે.

માણસ નાની નાની વાતમાં ખોટું બોલતો હોય છે. મોબાઇલ ફોન એ જુઠ્ઠું બોલવાનું સૌથી મોટું સાધન બની ગયું છે. હું મિટિંગમાં છું, બહાર છું, બિઝી છું. આપણે સાચું બોલીએ તો કંઈ ફેર પડતો હોતો નથી, છતાં આપણે સાચું બોલતાં હોતા નથી. એક વખત એક મિત્રએ તેના ફ્રેન્ડને ફોન કર્યો. મિત્ર વાત શરૂ કરે એ પહેલાં જ તેના મિત્રએ કહ્યું કે, યાર મને વાત કરવાનો જરાયે મૂડ નથી, તું મને પછી ફોન કરજે. નો પ્રોબ્લેમ, એમ કહી મિત્રએ ફોન પૂરો કર્યો. બીજા મિત્રએ કહ્યું કે, એનો મૂડ ન હતો તો તારે પૂછવું જોઈતું હતુંને કે શું થયું. મને વાત કર. મિત્રએ કહ્યું કે ના, એ મારો મિત્ર છે. હું એને ઓળખું છું. કોઈ એવી વાત હોત તો એણે મને ચોક્કસ કરી હોત. હું કોઈ બાબતમાં એન્ક્રોચમેન્ટ કરવા માગતો નથી. લીવ મી અલોન એવું કહે પછી પણ આપણે કોઈને છોડીએ છીએ ખરાં? કોઈને એકાંત ઉપર અતિક્રમણ કરવું એ એક જાતનું દુષ્કૃત્ય જ છે. કોઈ તમને ડિસ્ટર્બ ન કરે એવું તમે ઇચ્છતાં હોવ તો તમારે પણ કોઈના જીવનમાં ખલેલ ન પહોંચાડવી જોઈએ.

આપણે ખોટું બોલતા હોઈએ ત્યારે આપણને એ વાતનો જરાયે અંદાજ હોય છે કે તેનાથી આપણી સાથે જે લોકો હોય છે એના ઉપર આપણી ઇમ્પ્રેશન પડતી હોય છે. મોબાઇલ પર તમે એવું બોલો કે હું બિઝી છું ત્યારે સાથે ગપ્પા મારતા બેઠેલા મિત્રો એટલું તો સમજતા જ હોય છે કે આ માણસ કેટલી આસાનીથી ખોટું બોલી શકે છે. એક ભાઈને એવી ટેવ હતી કે એ ક્યારેય એનાં સંતાનોની હાજરીમાં ખોટું બોલતા ન હતા. એક વખત તેણે છોકરાંવ હતા ત્યારે તેના મિત્રને એવું કહ્યું કે, હું ક્યારેય મારાં બાળકોની હાજરીમાં ખોટું બોલતો નથી. આવી વાત કહીને એ પોરસાતા હતા, પણ ત્યાં જ એના દીકરાએ આવીને કહ્યું કે ડેડી, તમે અમારી ગેરહાજરીમાં ખોટું બોલો છો? તમે એમ કેમ નથી કહી શકતા કે હું ખોટું બોલતો નથી?

આપણે જેવું બોલતા હોઈએ એવું જ આપણા લોકો બોલતા હોય છે. સંસ્કારો વર્તનથી જ રોપાતા હોય છે. તમે ખોટું બોલતાં હોવ અને સંતાનોને એવી સલાહ આપો કે સાચું જ બોલવું જોઈએ તો એ સલાહ લાંબી ટકતી નથી. એ તમને સાંભળીને જેટલું શીખે એના કરતાં વધુ એ તમે શું કરો છો અને કેવું કરો છો એ જોઈને શીખતાં હોય છે. વારસો વર્તનથી પણ મળતો હોય છે. સંપત્તિ ઓછી હશે તો ચાલશે, પણ સત્યનો વારસો ઓછો હશે તો જિંદગીમાં સતત કંઈક ખૂટતું રહેશે.

સાચું બોલી શકતો હોય એ જ સાચું સાંભળી શકતો હોય છે. સાચું બોલો પછી પણ તમારી વ્યક્તિને તેનું ખોટું ન લાગે તો સમજજો કે એનામાં સત્યનો અંશ સજીવન છે. એક ભાઈએ એવું કહ્યું કે, આપણાથી કોઈની ખોટી વાત સહન થતી નથી. આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું કે તારાથી તો સાચી વાત પણ ક્યાં સહન થાય છે. ખોટી વાત સહન કરવા કરતાં સાચી વાત સહન કરવામાં વધુ હિંમત જોતી હોય છે. દરેક વ્યક્તિએ એક વાત યાદ રાખવાની હોય છે કે તમે જેવું બોલો છો એવી જ તમારી છાપ ઊપસતી હોય છે. ખોટું બોલીને સારી ઇમ્પ્રેશન જમાવવાનો પ્રયાસ કરનાર વ્યક્તિ પોતે જ ખોટા ભ્રમમાં જીવતી હોય છે!

છેલ્લો સીન :

સત્ય સરવાળે ફાયદાકારક છે, કારણ કે અસત્ય જ્યારે પકડાય છે ત્યારે તેની મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે.   – કેયુ.

 

 

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 03 માર્ચ 2016, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

 

 

email : [email protected]

 

krishnakant unadkat

કૃષ્ણકાંત ઉનડકટ
EXECUTIVE EDITOR, SANDESH DAILY, AHMEDABAD.
બ્લોગ લીંક :krishnkantunadkat.blogspot.com
ચિંતનની પળે :     email : [email protected]

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર પુન:પ્રસિદ્ધ કરવાની તક મળવા બદલ અમો શ્રી કૃષ્ણકાંત ઉનડકટ નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected] 

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે. 

  

You can Follow /Likes us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

કુરાન અને ભગવદ્ ગીતા બંને મને પસંદ છે : મરિયમ (કભી કભી) ….

કુરાન અને ભગવદ્ ગીતા બંને મને પસંદ છે : મરિયમ (કભી કભી) ….

 

 

mariyam geeta

મરિયમ આસિફ સિદ્દકી.

તે એક મુસ્લિમ બાળા છે.

મુસ્લિમ પરિવારમાં જન્મી છે. તેને બચપણથી જ પ્રેમ અને શાંતિના પાઠ ભણાવવામાં આવ્યા હતા. તેના પિતા પત્રકાર હોઈ તેમને પુત્રીને શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં કોઈ કસર બાકી રાખી નહોતી, નાનકડી મરિયમને પણ ભણવાનો, વાંચવાનો જબરદસ્ત શોખ હતો. તેના હાથમાં જે પુસ્તકો આવે તે વાંચી નાંખતી. સ્કૂલના પાઠયપુસ્તકો ઉપરાંત ઘરમાં આવતાં સામયિકો અને સાહિત્ય પુસ્તકો પણ વાંચતી.

મરિયમે પાંચ વર્ષની વયે જ મમ્મી-પપ્પાની સાથે દિવ્ય કુરાન વાંચવા માંડયું. શરૂ શરૂમાં કેટલુંક સમજમાં ના પણ આવતું. એને ના સમજાય ત્યારે તો તેનો અર્થ પપ્પાને પૂછી લેતી. મરિયમ સ્કૂલમાં તેના ક્લાસમાં હંમેશાં પ્રથમ નંબરે રહેતી, પરંતુ કેટલાક દિવસો બાદ એવી કેટલીક બાબતો ધ્યાનમાં આવતા તેના પિતા ચિંતિત થઈ ગયા. એ વખતે તે નવ વર્ષની હતી. એક દિવસે મરિયમે તેના પિતાને પૂછયું : ”પપ્પા, મારા ક્લાસમાં મોટા ભાગે હિંદુ છોકરાઓ જ કેમ છે?”

મરિયમના આ પ્રશ્નથી તેના પિતા વિચારમાં પડી ગયા. તેમણે વિચાર્યું કે, મરિયમ હજુ નાની છે અને ધર્મની બાબતમાં તેના મનમાં કોઈ સંશય હોવો ના જોઈએ. એ જ દિવસે તેમણે પોતાની દીકરીને બીજા ધર્મોની બાબતમાં પણ શિક્ષણ આપવાનું વિચાર્યું.

મરિયમ આમ તો રોજ કુરાન પઢતી હતી પરંતુ તેના પપ્પાએ બીજા ધાર્મિક ગ્રંથો જેવા કે બાઈબલ, ગીતા અને ગુરુ ગ્રંથ સાહેબ પણ લાવીને તેને આપ્યા. તેઓ ચાહતા હતા કે બાળકી બીજા ધર્મોનું પણ જ્ઞાાન લે, જેથી તે મોટી થાય ત્યારે સમાજના અન્ય લોકો સાથે હળવા-મળવામાં કોઈ મુશ્કેલી ના આવે. એ પછી મરિયમ હવે ગીતા વાંચવા લાગી.

શ્રીમદ ભગવદ્ ગીતાના કેટલાક શ્લોક સમજવામાં તેને મુશ્કેલી પડવા લાગી તો તેણે ગીતાના અંગ્રેજી અનુવાદનો સહારો લીધો. ગીતાના સંદેશથી તે પ્રભાવિત થઈ. ગીતા ઉપરાંત તે બાઈબલ પણ વાંચવા લાગી. કુર્આન ઉપરાંત તે ગીતા તથા બાઈબલ પણ વાંચતી હોઈ સ્કૂલમાં તથા મહોલ્લામાં તેની ચર્ચા થવા લાગી. બધાંને આશ્ચર્ય એ વાતનું હતું કે, સ્કૂલના અભ્યાસ ઉપરાંત મરિયમને ધાર્મિક ગ્રંથો વાંચવાનો સમય કેવી રીતે મળે છે?

મરિયમ કહે છે : ‘કેટલાક ધાર્મિક ગ્રંથો વાંચ્યા બાદ માલૂમ પડે છે કે, દરેક ધર્મ, પ્રેમ અને અહિંસાની શીખ જ આપે છે. માનવતાથી વધુ મોટો કોઈ ધર્મ નથી. એક પણ ધર્મ બીજાઓ પ્રત્યે નફરત કરવાની રજા આપતો નથી. અગર લોકો પોતે ધર્મના છે તે ધર્મના ગ્રંથ ઉપરાંત બીજા ધર્મોના ગ્રંથોનો અભ્યાસ કરે તો દુનિયામાં ધાર્મિક નફરતનું નામોનિશાન નહીં રહે?’

માત્ર ૧૨ વર્ષની વયની મરિયમ મુંબઈની કોસ્મોપોલિટન સ્કૂલના છઠ્ઠા ધોરણમાં ભણે છે. તેને ઉર્દૂ, હિંદી, અંગ્રેજી અને સંસ્કૃતમાં સારી સમજ છે. તે જેટલી શ્રદ્ધાથી કુર્આનની આયાતો પઢે છે એટલી જ સહજતાથી ગીતાના શ્લોક પણ બોલી શકે છે. થોડા સમય પહેલાં તેની સ્કૂલમાં એક ઘોષણા કરવામાં આવી કે ભગવદ્ ગીતા ચેમ્પિયનશીપ માટે એક સ્પર્ધા યોજાશે. તેમાં ભાગ લેવો ફરજિયાત નથી પરંતુ જેની ઈચ્છા હોય તે નામ નોંધાવી શકે છે. મરિયમને આ સ્પર્ધાની ખબર પડતાં જ તે ખુશ થઈ ગઈ. ગીતા તેની પસંદગીનું ધાર્મિક પુસ્તક હતું.

ઘેર આવીને તેણે તેના પપ્પાને કહ્યું: ‘ પાપા, હું શ્રીમદ્ ભગવદ્ ગીતા ચેમ્પિયનશીપની સ્પર્ધામાં ભાગ લેવા માંગું છું ?

તેના પપ્પાએ કહ્યું : ‘બેટા, તને લાગતું હોય કે તું ગીતા સમજે છે તો તું અવશ્ય તે સ્પર્ધામાં ભાગ લે.’

આ સ્પર્ધા ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિશ્ના કોન્સિયસનેસ (ઈસ્કોન) દ્વારા આયોજિત હતી. તેમાં છઠ્ઠા ધોરણથી દસમા સુધીનાં પાંચ હજાર બાળકોએ ભાગ લીધો. તૈયારી માટે સંસ્થા તરફથી બાળકોને ‘ગીતા’ સંબંધી પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા. મરિયમે એ તમામ પુસ્તકોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કર્યો. સ્પર્ધા મુશ્કેલ હતી. શ્રીમદ્ ભગવદ્ ગીતા આમેય એક ગહન ગ્રંથ છે. મરિયમ કહે છેઃ ‘આ સ્પર્ધા માટે મને મારા ટીચરે બહુ જ મદદ કરી. મેં સંસ્કૃતના શ્લોકો યાદ કર્યા. મારા ટીચરે અઘરા શ્લોકોનો અર્થ સરળ શબ્દોમાં સમજાવ્યો. મને લાગ્યું કે મહાભારતના યુદ્ધ વખતે ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે જે સંવાદ થયો હતો તેમાં જીવનનો સાર છુપાયેલો છે.’

કલાસ ટીચર સપના બ્રહ્માંડકર કહે છેઃ ‘મરિયમ ભણવામાં ખૂબ હોશિયાર છે જ્યારે ગીતા ચેમ્પિયનશીપની સ્પર્ધા આવી ત્યારે તેણે ખૂબ પરિશ્રમપૂર્વક અભ્યાસ કર્યો. તે અત્યંત શિસ્તબદ્ધ બાળકી છે અને તેની પર નાજ છે.’

મરિયમે ગીતા ચેમ્પિયનશીપમાં ઉત્સાહભેર ભાગ લીધો અને પરિણામ આવ્યું ત્યારે બધા જ આશ્ચર્યચક્તિ થઈ ગયા. મરિયમ તમામ બાળકોમાં પ્રથમ નંબરે આવી. તેને ૧૦૦માંથી ૧૦૦ માર્કસ મળ્યા. મરિયમના ચહેરા પર ખુશી હતી. તે કહે છેઃ ‘મેં ગીતાનું અધ્યયન એટલા માટે નહોતું કર્યું કે હું ચેમ્પિયનશીપ જીતું. પણ મેં ગીતા એટલા માટે વાંચી કે હું તેને સમજી શકું અને તેના સંદેશને જીવનમાં ઉતારી શકું.’

એ પછી મરિયમ આસિફ સિદ્દકી આખા દેશમાં ‘ગીતા ચેમ્પિયન’ના નામે મશહૂર થઈ ગઈ. મહારાષ્ટ્રની વિધાનસભામાં તેને સન્માનિત કરવામાં આવી. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મરિયમને પોતાના કાર્યાલયમાં બોલાવી તેનું સન્માન કર્યું.

મરિયમ કહે છે : ‘હું જે કાંઈ કરી શકી છું તે મારા મમ્મી-પપ્પાના કારણે કરી શકી છું. અમે ઘરમાં ચાર ભાઈ-બહેન છીએ. અમને બધાંને એ જ શીખવવામાં આવ્યું છે કે, આપણે બધાએ બીજા ધર્મોનું પણ સન્માન કરવું જોઈએ.’

મરિયમને શેર-શાયરીનો પણ શોખ છે. એક મશહૂર શાયરની પંક્તિઓ સંભળાવતા તે કહે છેઃ ‘મેં અમન પસંદ હૂં મેરે શહેર મેં દંગા રહેને દો, મત બાંટો મુઝે લાલ ઔર હરે રંગ મેં, મેરી છત પે ત્રિરંગા રહેને દો.’

મરિયમની મા ફરહાના કહે છે : મારી દીકરીને દેશમાં આટલું સન્માન- પ્રેમ મળ્યાં તેથી હું ખુશ છું. એવી ઉમ્મીદ કરું છું કે બાકી લોકો પણ પોતાના બાળકોને એવી જ તાલીમ આપે જેથી દેશમાં કાયમ માટે અમન સ્થપાય.’

મરિયમ કહે છે : ‘કુરાન અને ગીતા બેઉ મને પસંદ છે.’

દેશના નેતાઓ જ્યારે ધર્મના નામે વોટ બેંક ઊભી કરે લોકોને વિભાજિત કરી રહ્યા છે ત્યારે એક નાનકડી દીકરી મરિમય તેમનાથી વધુ શ્રેષ્ઠ છે. આપણે ઈચ્છીએ કે એક દિવસ મરિયમ દેશની નેતા બને. સહુથી મોટી નોંધપાત્ર વાત એ છે કે મરિયમને ઉત્તર પ્રદેશની સરકારે રૂ.૧૧ લાખનું ઈનામ મોકલ્યું પરંતુ મરિયમે તે રકમ સવિનય પાછી મોકલીને સરકારને જણાવ્યું કે આ રકમ જરૂરિયાતવાળા ગરીબ બાળકો માટે વાપરવી.

– દેવેન્દ્ર પટેલ

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર પુન:પ્રસિદ્ધ કરવાની તક મળવા બદલ અમો શ્રી દેવેન્દ્ર પટેલ  નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected] 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે. 

  

You can  LIKE US / contact  us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

મારા ચહેરા ઉપર બીજો કોઈ જ ચહેરો નથી …

મારા ચહેરા ઉપર બીજો કોઈ જ ચહેરો નથી …

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

 

 

​તું ઇસ કદર મુઝે દિલ સે કરીબ લગતા હૈ, તુઝે અલગ સે જો સોચુ અજીબ લગતા હૈ,
 
હુદૂદે જાત સે બહાર નિકલ કે દેખ જરા, ન કોઈ ગૈર, ન કોઈ રકીબ લગતા હૈ.

 

-જાંનિસાર અખ્ખતર

 

 

‘હું જેવો છું એવો જ છું.  કદાચ સારો હોઈશ. કદાચ ખરાબ પણ હોઈશ. આળસુ, ધૂની, મનમોજી, બેદરકાર, ચક્રમ, ભેદી, મીંઢો, લુચ્ચો, હોશિયાર, બહાદુર અથવા બીજું કંઈ પણ તું મને માની શકે છે.  એ તો મારા વિશેનું તારું મંતવ્ય છે.  હા, હું એટલું કહીશ કે હું જેવો છું એવો નેચરલ છું. મેં મારા ઉપર બીજો ચહેરો લગાડ્યો નથી. લાગવા દીધો નથી. જાતજાતનાં મહોરાંઓ ઘણી વખત મારી સામે આવે છે.  મન થાય છે કે લાવને પહેરી લઉં. દુનિયા મને જેવો ઇચ્છે છે એવો થઈ જાઉં. જે માણસ સામે આવે એના જેવું મહોરું પહેરી લઉં.  મેં પ્રયત્ન કરી જોયો. મહોરાં પહેરી પણ જોયાં, પણ મને ન ફાવ્યાં.  થોડી જ વારમાં થાકી જતો હતો, હાંફી જતો હતો. મને મેં ચડાવેલું મહોરું જ નહોતું ગમતું.  આખરે એ મહોરાને કાઢીને ફેંકી દેતો.   એક વખત સાવ જુદું જ બન્યું.  મેં પહેરેલા મહોરાનો મેં ઘા કર્યો.  હવામાં ઉછળેલું મહોરું મારી સામે જોઈને હસ્યું. મને કહ્યું કે, હવે તું સારો લાગે છે.  એણે જતાં જતાં એવું કહ્યું કે સારા રહેવું હોય તો જેવો છે એવો  રહે. બસ, એ દિવસથી જ હું જેવો છું એવો જ છું.’

 

એક પ્રેમીકાએ તેના પ્રેમીને પૂછ્યું કે, તું આવો કેમ છે ?   ત્યારે પ્રેમીએ આવી વાત કરીને સામું  પૂછ્યું કે તું મને કેવો ઇચ્છે છે ?  તું કહેતી હોઈશ તો હું તને ગમે એવું મહોરું પહેરી લઈશ, પણ પછી એ હું નહીં હોઉં. એક મહોરું હશે.  નાટકમાં પેલા કલાકારો કામ કરે છેને એના જેવો જ થઈ થશે. સ્ટેજ પર જુદા અને સ્ટેજની નીચે જુદા. મારે નાટક નથી કરવું, પણ કુદરતે મને જેવો બનાવ્યો છે એવું જ પાત્ર મારે ભજવવું છે અને એટલે જ હું જેવો છું એવો છું.  પ્રેમિકાએ કહ્યું,  મને તું જેવો છે એવો જ ગમે છે.

 

તમને તમારી વ્યક્તિ જેવી છે એવી ગમે છે ?  પડ્યું પાનું નિભાવી જવાની નહીં, પણ જિંદગી જેવી છે એવી જીવી જવાની મજા કંઈક ઔર જ હોય છે.  આપણને આપણી વ્યક્તિમાં બદલાવ  જોઈતો હોય છે.  તું આમ કર, તું તેમ કર, તું આ રીતે બોલ, તું આવું ન બોલ.  છીંકથી માંડીને ઓડકાર ખાવા સુધીની સ્ટાઇલ આપણે બદલવા ઇચ્છીએ છીએ.  સારી વાત હોય એમાં સુધારો કરવાનું થાય એમાં કંઈ ખોટું નથી, પણ માણસને ધરમૂળથી બદલી દેવામાં આપણે ઘણી વખત એનામાં જે નેચરલ છે એને પણ ખતમ કરી દેતા હોઈએ છીએ. આપણી વ્યક્તિ જેવી છે  એવી ને એવી જ એને સ્વીકારવી એ પણ પ્રેમ કરવાની એક રીત જ છે અને પ્રેમ હોવાની સાબિતી છે.

 

એક મિત્ર સાથે બનેલી આ એક સાવ સાચી ઘટના છે.  આ મિત્રનો સન સ્કૂલમાં ભણે છે. તેના સનનો મિત્ર ઘરે આવતો.  એ છોકરાનું વર્તન વિચિત્ર હતું.  એ હંમેશાં એનું મન થાય એમ જ  કરતો.  તેને ગમે તો વાત કરે અને ન ગમે તો વાત ન કરે.  ક્યારેક સોફા પર પડ્યો પડ્યો વાંચ્યા રાખે તો ક્યારેક ટીવી જોયા રાખે.  મન થાય તો કંઈક ખાય, બાકી કંઈ આપો તો પણ ન ખાય. આવા દોસ્ત વિશે એક દિવસે મિત્રએ તેના સનને પૂછ્યું કે, તારો ફ્રેન્ડ તો બહુ જુદો છે,  ડોક વિચિત્ર નથી લાગતો ?  પિતાની વાત સાંભળીને એનો દીકરો માત્ર એક જ વાક્ય બોલ્યો કે એ એવો જ છે !  દીકરાનો આ જવાબ સાંભળીને પિતાને થયું કે, આપણે કેટલા મિત્રોને એ જેવા છે એવા જ સ્વીકારતા હોઈએ છીએ? આપણા કરતાં કદાચ આ બાળકો દોસ્તીની બાબતમાં વધુ પરફેક્ટ છે.  આપણે તો દોસ્તી માટે પણ આપણને ગમે એવા લોકો શોધતા હોઈએ છીએ ! દોસ્તી લાઇક માઇન્ડેડ સાથે જ થાય એવું જરૂરી નથી, કારણ કે દોસ્તીને કોઈ નિયમો લાગુ પડતા નથી.  દોસ્તી અને પ્રેમ તો જ તાજાં રહે જો આપણે આપણા મિત્ર, લવર કે લાઇફ પાર્ટનરને એ જેવા છે એવા રૂપમાં તેને સ્વીકારીએ.

 

દરેક વ્યક્તિ એવું ઇચ્છતી હોય છે કે લોકો તેને સારો માણસ કહે, પોતે સારો છે એ સાબિત  કરવા માણસ મહેનત કરતો હોય છે. તમારે સારા બનવું છે ?  તો તમે જેવા છો એવા જ રહો. માણસ સતત બધાને ઇમ્પ્રેસ કરવા મથતો રહે છે. આપણી છાપ પડવી જોઈએ. લોકો આપણને યાદ રાખવા જોઈએ.  માણસ મહેનત કરીને પોતાની ઇમ્પ્રેશન જમાવી દેતો હોય છે.  સમયની સાથે માણસે પહેરેલું મહોરું ધીમે ધીમે ઝાંખું પડી જાય છે અને છેવટે એ જેવો હોય એવો જ સામે આવી જતો હોય છે.  આપણે ગમે તે કરીએ, છેલ્લે આપણે ઓરિજિનાલિટી પર જ આવી જતાં હોઈએ છીએ.

 

એક કલાકાર હતો. એ ગરીબ હતો. સ્ટેજ પર એણે જે પાત્ર ભજવવાનું હતું એ એક અમીર વ્યક્તિનું હતું. સ્ટેજ પર આવે ત્યારે એની છટા બદલી જતી. એનો રોફ જામી જતો. એનો અભિનય જુએ ત્યારે કોઈ એમ ન કહી શકે કે આ એક ગરીબ કલાકાર છે.  નાટક પતે એટલે એ સીધો બાથરૂમમાં જાય. મેકઅપ ઉતારી નાખે.  કપડાં બદલી નાખે.  અરીસા સામે ઊભો રહીને કહે કે, તું હવે જે છે એ જ સાચું છે.  એક વખત તેના મિત્રએ કહ્યું કે તું સામાન્ય જિંદગીમાં પણ અમીરના ઠાઠથી જ રહેતો હોય તો? એ કલાકારે કહ્યું કે, ના હું એવું ન કરી શકું. મને થાક લાગે.  રાતે ઊંઘ તો આપણે જેવા હોઈએ એવી જ અવસ્થામાં આવે.  હું જ્યારે મેકઅપ ઉતારું ત્યારે  મને હાશ થાય છે. મને મારી ગરીબી મંજૂર છે, પણ નકલી અમીરી નહીં.  જે લોકો મહોરાનો ભાર લઈને સૂવે છે તેને ઊંઘ આવતી નથી.  મારા માટે મારા અભિનય કરતાં મારી જિંદગી મહત્ત્વની છે.

 

તમે કોઈને અભિભૂત કરી શકો તો એ માત્ર તમારી ઓરિજિનાલિટીથી જ કરી શકો.  બાપ સાથે તમે દીકરા હોવાનું નાટક ન કરી શકો.  આપણે ફિલ્મ, નાટક કે વાર્તા સાંભળીએ કે જોઈએ ત્યારે અમુક સંવાદો અમુક અદા જોઈને દંગ થઈ જઈએ છીએ.  ખરા અર્થમાં કેટલા લોકો આવી અદાથી વાત કરતાં હોય છે. આપણે આવું બધું જોઈને એને અનુસરતા હોઈએ છીએ. આપણને પણ ખબર હોય છે કે આ સાચું નથી.  બે મિત્રો હતા. એક મિત્રએ કહ્યું કે, યાર બધા નાટક કરે છે.  હવે મારે પણ ડ્રામા જ કરવા છે.  સાલ્લું, બધા ચાપલૂશી કરે છે, વાહવાહી કરે છે, ગ્રૂપ બનાવે છે અને પોતાનાં હિતો સાધી લે છે.  આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું કે, આ તું  નથી બોલતો. તેં પહેરેલું મહોરું બોલે છે. એવું કરવાના વિચાર છોડી દે.  તું નિષ્ફળ જઈશ. એના કરતાં તો તું જે કહે છે એ તારી જ સ્ટાઇલમાં બેસ્ટ રીતે કર.

 

કુદરતના કોઈ પણ અંશ લઈ લો. એ ક્યારેય મહોરા પહેરતા નથી.   દરિયાના કિનારા દરેક સ્થળે અલગ અલગ છે. ક્યાંક રેતાળ બીચ છે, તો ક્યાંક કાતિલ ખડક છે.  બે વાદળ ક્યારેય  એકસરખાં હોતાં નથી.  એક ઝાડનાં બધાં પાંદડાં કે ફળ પણ સરખાં હોતાં નથી.  માણસ પણ ક્યારેય બીજા માણસ જેવો ન હોઈ શકે.  તમે બીજાથી જુદા છો. તમે અનોખા છો.  બીજા જેવા  બનવા જશો તો તમે પોતાના જેવા પણ નહીં રહો. તમારી આવડત જ તમારી છે. દરેક  માણસમાં અમુક ચોક્કસ પ્રકારની આવડત હોય જ છે.  તકલીફ ત્યારે થાય છે જ્યારે એ પોતાની આવડતને જ ઓળખી શકતો નથી અને બીજાની આવડતને ફોલો કરે છે.

 

એક શાળામાં ટીચરે સ્ટુડન્ટ્સને પૂછ્યું કે તમારે કોના જેવા બનવું છે.  બધા સ્ટુડન્ટે કોઈ ને કોઈ મહાન વ્યક્તિનું નામ આપ્યું.  માત્ર એક છોકરાએ કહ્યું કે, મારે તો મારા જેવા જ બનવું છે.  જેના નામ છે એ બધા એના જેવા જ બન્યા છે તો પછી હું શા માટે એના જેવા બનવાની મહેચ્છા રાખું.  મારે મારા નામ સાથે કોઈનું ટાઇટલ નથી જોઈતું.  હું ‘એના’ જેવો છું એમ કોઈ કહે તો મને ન ગમે.  હું મારા જેવો છું અને મારા જેવો જ રહીશ.

 

આપણને તો કોઈ એમ કહે કે તું ફલાણા કલાકાર જેવો દેખાય છે કે તું પેલી એક્ટ્રેસ જેવી લાગે છે તો આપણે પોરસાઈએ છીએ.  ઘણાં વળી એવું પણ બોલી દે છે કે હું એના જેવો કે એના જેવી નથી દેખાતી, પણ એ મારા જેવી દેખાય છે.  સાચી વાત તો એ હોય છે કે તમે તમારી સરખામણી કોઈની સાથે ન કરો, કોઈ જેવા બનવા પણ પ્રયાસ ન કરો.  આપણે બસ આપણા જેવા જ બનવાનું હોય છે.  દરેક માણસ સારા છે.  તમે પણ શ્રેષ્ઠ જ છો. તમારે બસ તમારી  શ્રેષ્ઠતા સાબિત કરવાની હોય છે અને એ તમે તમારા જેવા જ બનીને કરી શકો. તકેદારી એટલી જ રાખવાની હોય છે, આપણા ચહેરા પર કોઈ મહોરું ન લાગી જાય !

 

 

છેલ્લો સીન :

તમારે કેવા બનવું છે એનો નિર્ણય તમે જ કરો, પછી માત્ર એ કેચ કરતાં રહો કે તમે તમારા  નક્કી કરેલા માર્ગ ઉપર જ આગળ વધી રહ્યા છો કે નહીં ?    -કેયુ.

 

 

 

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 03 ફેબ્રુઆરી 2016, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

 

 

email : [email protected]

krishnakant unadkat

કૃષ્ણકાંત ઉનડકટ
EXECUTIVE EDITOR, SANDESH DAILY, AHMEDABAD.
બ્લોગ લીંક :krishnkantunadkat.blogspot.com
ચિંતનની પળે :     email : [email protected]

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર પુન:પ્રસિદ્ધ કરવાની તક મળવા બદલ અમો શ્રી કૃષ્ણકાંત ઉનડકટ નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected] 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે. 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

ધ્યેય પ્રાપ્તિ માટે મક્કમ બની વિજય સિદ્ધિનું વટ વૃક્ષ બનો , …

ધ્યેય પ્રાપ્તિ માટે મક્કમ બની  વિજય સિદ્ધિનું વટ વૃક્ષ બનો , …

 

                                    હમ કબ તક ખુદકો ખુદ્સે નાવાકિફ રખેંગે

                                બરગદ કે શજર હોકર, કબતક ગમેલે મેં  રહેંગે ?                                                                                                                                                                                                 ….મુન્તેજીર 

    આપણી ખૂદની પહેચાન પ્રત્યે આપણે કુંડામાં, ભલા ક્યાં સુધી પડ્યા રહેશું ?  માનવી જયારે પોતાની ઓળખ થઈ જાય ત્યારે બીજાથી  કૈક નવું કરવાની તમન્ના જાગે છે, આ એક માનવ સહજ ભૂખ છે, તે નૈસર્ગિક છે..  આ જગમાં કશું જ અશક્ય નથી પુરુષાર્થ શક્યતાના દ્વાર ખોલી આપે છે, અતુટ વિશ્વાસ નવી પગદંડી પાડે છે, માનવીને પુરુષાર્થ હંમેશા આગળને આગળ રહી  પ્રેરક ચેતના આપી  હિંમત આપે છે, અને કહે છે

                            ” ઓ ! રાહબર આગળ રહીશું તવ નજર રૂપે 

                              નથી કંઈ કાફલાની ધૂળ કે પાછળ રહી  જાશું 

                       મંઝીલ તરફ ચરણ ચાલવા માંડે ત્યારે રસ્તો આપ મેળે સુઝે છે, જીવનની લક્ષ્ય સિદ્ધિ ચાલવું તો, પડશે, ઉપાડેલું પહેલું  ચરણ હિંમતશ્રધ્ધા અને દ્રઢ આશા સાથે અડગતાથી ભર્યું હોય તો સમયના વહેણમાં પગદંડી બની જાય છે, જગતમાં  દોડનારા, ભાગનારા આંધળું અનુકરણ કરનારા, નકલ કરનારાની કમી નથી, કોઈના ઘૂંટાવેલા એક્ડાને વારંવાર ઘુંટવાથી તાલીમ મળે પણ પછી બગડો બગડો શીખવો પડે તો જ તમે 100 અંક સુધી પહોંચી આંક શીખી શકો, ગુણાકાર  ભાગાકાર  સરવાળા  બાદબાકી શીખી ગણિતમાં પારંગત બની શકો માણસે શિક્ષણ પામી, સમજના સથવારે પરિવર્તનશીલ બનીને વિજયી થવાનું હોય છે, આગળ વધવાનું લક્ષ દરેક માનવીમાં હોવું જોઈએ. કાંતિ ભટ્ટ તેથી જ કહે છે “પરિવર્તન માટેનો મક્કમ ઇરાદો અને તગડો સંકલ્પ મહત્વનો છે  ,,  આપણી તાકાત ભલે ઓછી હોય મુરાદ મોટી હોવી  જોઈએ ,”.  સંકલ્પ જ મહાન કાર્યોનો જનક છે…  વિક્ટરહ્યુગો નોંધે છે “મનુષ્યમાં શક્તિની ખામી નથી-હોતી, સંકલ્પની ખામી હોય છે.. સોક્રેટીસે સંકલ્પ પહેલા લેવાતાં નિર્ણયનીમહત્તા  આંકી છે, કોઈ પણ વસ્તુ માટે નિર્ણય કરતી વખતે ત્રણ વસ્તુ જરૂરી છે અનુભવ, જ્ઞાન અને નિર્ણય કરવા માટે અભિવ્યક્ત થવાની ક્ષમતા”  સંકલ્પનું બીજું નામ  પ્રતિજ્ઞા. અને તેમાં બનાવટ ના ચાલે  જોહુકમી ના ચાલે, સંકલ્પથી લીધેલાં નિર્ણયથી  કંઈક કરવાની ઇચ્છા પૂર્ણ કરવા ધીરજ, આત્મવિશ્વાસની આવશ્યકતા છે ,થોડી   આળસ તમને અટકાવી દેશે ,શંકાનો વંટોળ તમને સફળતા, આપી ના શકે …
                    કંઈક  પામવાનું , કરવાનું લક્ષ્ય  ધ્યેય બને ત્યારે વિચાર સંકલ્પમાં પરિણમે છે, સંકલ્પ  દ્રઢતા જન્માવે છે, દ્રઢતા તમને પરાક્રમી બનાવી તમને અનુભવોથી  ઘડે છે. જ્ઞાન અનુભવમાંથી આવે છે સાચી નિષ્ઠા અને આત્મ સંતોષ તેનાથી વધે છે  માર્ગ આપોઆપ  સૂઝે છે, આપણી ભીતર પ્રચંડ  શક્તિનો સ્રોત છે, જેની ,.  ખુદને ખબર નથી અંદાઝ સુદ્ધા નથી, મહાત્મા ગાંધી કહેતાં “પૈસા વગર કોઈ કાર્ય અટકતું નથી, આળસથી  અટકે છે, સત્ય નીતિમત્તાના ધોરણ ના હોય તો અટકે છે,  ” તક મહત્વની છે ,માણસે કદી એ ભૂલવું ના જોઈએ કે નાની મોટી દરેક  વ્યક્તિમાં કંઈને કંઈ મહા વિરાટ શક્તિ છૂપેલી હોય જ છે ,Gordon Dean તેથી લખે છે કે The way to become truly useful is to seek the best that other brains have to offer માત્ર ”  ચેતનાની ક્ષણો “જાગવી જોઈએ 
                  તમારી અંદરની ખૂબીઓ, આવડતને ઓળખો, સમજો અને તેને પ્રગટ થવા દો  અને તે માટે જાત સાથે પ્રેમ કરો,  નિરાશાને ફગાવી દો,,  હું કામ હાથમાં લઈને સારી રીતે ઉત્તમ બનાવી પૂર્ણ કરીશ, વિજયી બની ચમકીશ, એવો મક્કમ આશાવાદ રાખો, તમારી કાબેલિયત લાંબે ગાળે મને પ્રતિષ્ઠા સાથે સન્માન અપાવશે, જે પળે, જે બનવાનું છે તે નિર્ધારિત છે, અને થશે જ !   તમારા હાથમાં જે નથી તેનો ઉદ્વેગ શા માટે કરવો ? જે ઘડાયું  નથી તેનો અંજપો, વલોપાત  અગાઉથી  શા માટે ? આ વાત સમજો,
                   ઈશ્વરે તમારા માટે કાર્ય નિશ્ચિત કરીને તમને અહી મોકલ્યા છે, સમજણના અભાવથી જીવનમાં સફળતા સામે અવરોધ ઊભો થાય છે,  હું અવરોધો માંથી કંઈક શીખી અનુભવી બની, જ્ઞાન મેળવીશ, નવા આયામો, નવા આયોજનો હાથ ધરી, સંકુચિતતાના કુંડાળા માંથી બહાર  નિકળી  મારા ધ્યેયને સુધી  પહોંચવા  અડગ રહીશ  જો તમે, સંકલ્પના બીજને  રોપી,પરિશ્રમનું ખાતર આપી, આશાનું જળસિંચન કરી વિશ્વાસ થી જતન  કરશો  તો વટવૃક્ષ  બની ફેલાઈ જશો અને  નવી, કુંપળો સાથે વડવાઈ સમાં વિસ્તરિત થઇ સમય પટમાં સ્થાઈ બની જશો, પળે પળનો ઉપયોગ જુસ્સા સાથે હોંશથી કરો વિવેકાનંદ ની વાત નોંધી રાખો.  “શ્રદ્ધાવાન બનો ,, જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત અને દૃઢ ઇચ્છા શક્તિ હોવા જોઈએ ,,   તમારો જન્મ મહાન કાર્યો  કરવા માટે થયો છે ,,  સમય ઘ્યેર્ય અને અદમ્ય ઈચ્છા શક્તિ પોતાનું પરિણામ બતાવી આપે ઊઠો ! જાગો ! અને ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો ..
– જિતેન્દ્ર પાઢ
રેલે સિટી, નોર્થ કેરોલીના – યુએસએ
 
જીતેન્દ્ર પાઢ /રાલે સિટી /નોર્થ કેરોલિના /15/1/2015/શુક્રવાર /બપોરે -3/30/

 

 લેખક શ્રી નો સંપર્ક :

  

JITENDRA PADH PHOTOશ્રી જિતેન્દ્ર પાઢ

હાલનું રહેઠાણ :
રેલે સિટી, નોર્થ કેરોલીના – યુએસએ

ભારતમાં રહેઠાણ :
સી-૨ /૧૩-૧; ૨, સેક્ટર – ૧૬,
વાશી, નવીમુંબઈ – ૪૦૦૭૦૩
email :  jitendrapadh @gmail.com
[email protected]

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookxcebook at : dadimanipotli

 

મકરસંક્રાંતિની મહત્તા અનેરી….

મકરસંક્રાંતિની મહત્તા અનેરી….

Displaying blob.jpgDisplaying blob.jpgInline image
સંક્રાંતિ…. આપણે ત્યાં સંક્રાંતિનું ઘણું જ મહત્વ હોય છે. એમાં યે આખા વર્ષ દરમ્યાન તો અનેક સંક્રાંતિઓ આવે છે પણ પોષ સક્રાંતિ અને મેષ સંક્રાંતિ બે મુખ્ય સંક્રાંતિ કહેવાય છે. આ બે સંક્રાંતિઓમાં પણ પોષીસંક્રાંતિનું આપણે ત્યાં અલગ જ મહત્વ છે. આ પોષી સંક્રાંતિ તે મકર રાશિમાં જતી હોવાથી આ દિવસ મકર સંક્રાંતિ તરીકે ઓળખાય છે અને આ દિવસે સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસ ઉત્તરાયણ તરીકે પણ ઓળખાય છે. આમ આપણે કહી શકીએ છીએ કે ભારતનાં મહત્વપૂર્ણ ઉત્સવોમાંમકરસંક્રાંતિનું એક અલગ સ્થાન રહેલું છે. આ સંક્રાંતિ એવી છે જેમાં લોકો સામાજીકતા,આધ્યાત્મિકતાને, ધર્મ, ખગોળ વિજ્ઞાન, નિશ્ચલતા, અચલતા અને ગતિશીલતાને મહત્વ આપે છે. સંસ્કૃતમાં સંક્રાંતિનો અર્થ “ગતિ” તરીકે કરેલો છે. ગતિ હંમેશા આપણાં જીવન સાથે નિહિત થયેલી હોય છે, તેથી જીવન આવે છે અને જાય છે. આ જીવનની ગતિ યુગોયુગોથી ચાલ્યાં જ કરે છે. આપણે આ પૃથ્વી ઉપર આવ્યાં તે પહેલા પણ કોઈ અહીં હતું અને આપણે જઈશું પછી પણ અહીં કોઈ હશે. આ વાતનું તાત્પર્ય એ છે કે પ્રત્યેક જીવ સાથે ગતિ અને ગતિ સાથે જીવન જો જોડાયેલું ન હોત તો આ સૃષ્ટિમાં પરાવર્તન જ ન આવત. આ પરાવર્તનને આપણે વિરામ તરીકે ઓળખી શકીએ છીએ. કારણ કે પ્રત્યેક વિરામ પછી એક નવી ગતિશીલતાનો જન્મ થાય છે. પરંતુ આ દરેક ગતિનો એક સુનિશ્ચિત સમય હોય છે અને આ સુનિશ્ચિત સમય સુધી ગતિશીલતા સારી લાગે છે કારણ કે વધુ પડતી ગતિશીલતા મુશ્કેલીઓ બનીને આવે છે. બ્રહ્માંડની આ ગતિશીલતાને કારણે ઋતુચક્ર, વાતાવરણ અને રાત-દિવસમાં જે મહત્વપૂર્ણ બદલાવ આવે છે તેને આપણે હંમેશા મહેસૂસ કરતાં હોઈએ છીએ. દા.ખ દર ૨૨ મી ડિસેમ્બરે પૃથ્વીની ગતિ તેની ચરમવસ્થા ઉપર પહોંચી જાય છે. આ દિવસ પછી સૂર્યની ગતિ ઉત્તર તરફ વધતી જાય છે, જેને કારણે પૃથ્વી ઉપર વાતાવરણ બદલાવવાનું શરૂ થઈ જાય છે. એમાંયે મકર સંક્રાંતિ પછી ઠંડી ઓછી થવા લાગે છે અને ઉષ્મા વધવા લાગે છે. ઉપરોક્ત વાતને ટૂંકમાં જ કહું તો જ્યારે જીવો ચાલવાનું બંધ કરી દેશે તેદિવસથી ગતિ પણ સ્થિર થઈ જશે, પણ બ્રહ્માંડ એવું થવાં દેતું નથી. તેથી સંસાર સ્થિર હોવાં છતાંસ્થિર નથી. જેની ગતિ છે, જેનાંથી જીવન અને જીવો સતત ચાલ્યા કરે છે તે ચક્રને સંક્રાંતિ તરીકેઓળખવામાં આવે છે”.
 
એક સમય હતો કે જ્યારે મનુષ્ય કેવળ એજ શિકાર કરીને ખાઈ શકતો હતો, જે રૂપમાં પૃથ્વી તેને દેતી હતી. પણ પાછળથી મનુષ્યએ પૃથ્વી પાસેથી શું કેવી રીતે મેળવી શકે છે તે શીખ્યું. મનુષ્યે પૃથ્વી પાસેથી જે હાંસિલ કરવાની પ્રક્રિયા શીખી તે કૃષિ તરીકે ઓળખાવાઈ. આ કૃષિ સંસ્કૃતિનો દિવસ તે મકર સંક્રાંતિને અર્પણ કરવામાં આવ્યો છે. આ દિવસ આપણને યાદ દેવડાવે છે કે વર્તમાન અને ભવિષ્યને ચૈતન્યતા અને જાગરૂકતાની સાથે ઉજવવો જોઈએ. કારણ કે અત્યારે આપણે જે અનાજ મેળવ્યું છે તે અનાજ તો ગયા વર્ષે જે વાવેલું હતું તે છે, પણ જો હવે નવા વર્ષે ફરી અનાજ વાવવું હશે તો આ વર્ષે ફરી નવી યોજના સાથે,પશુઓ અંગે વિચારીને, તેમજ ભવિષ્યમાં થનારા નફા-નુકશાનને સમજીને નવા અનાજનો પાક લેવાનો હોય છે તે વાતની સમજણ મકરસંક્રાંતિનાં દિવસથી શરૂ થાય છે. માટે આ દિવસે આપણે એ દરેક વસ્તુનો આભાર માનીએ છીએ જેનો આપણે ખેતી કરવા માટે સાધનો પ્રાણીઓ અને પંચતત્ત્વ સહિત અનાજ ઉગાવવા માટે ઉપયોગ કર્યો છે. આ દિવસ અને આ તહેવાર કૃષી અને કૃષકની ગતિશીલતાને ઉજાગર કરતો હોવાથી શાસ્ત્રો કહે છે કે જે મનુષ્ય જીવનમાં સ્થિર રહે છે તેને માટે ગતિશીલતા એ ઉત્સવ છે જ્યારે જે મનુષ્ય જીવનમાં સ્થિર નથી તેમને માટે ગતિશીલતા એ સંઘર્ષરૂપ છે કારણ કે તે ગતિશીલતાની અંદર રહેલાં શિવને સમજી જ શકતો નથી. મકર સંક્રાંતિના ઉત્સવ સાથે જોડાયેલાં અચલતા, ગતિશીલતા આ બધાં જ શબ્દોને જાણીએ તો આ ઉત્સવ એ આપણી જ ભીતર રહી આપણને નિશ્ચલતાનો અનુભવ કરાવે છે.
અંતની ખિચડી.:- મકરસંક્રાંતિનાં દિવસોમાં વિવિધ ધાન્યની ખિચડી ખાવાનો રિવાજ છે. માન્યતા છે કે આ રિવાજ ગુરુ ગોરખનાથ દ્વારા શરૂ કરવામાં આવેલો. ઇતિહાસ છે કે અલાઉદ્દીન ખિલજીનાં આક્રમણ દરમ્યાન નાથ યોગીઓને  ખિલજીનાં સૈન્ય સાથે વારંવાર લડાઈમાં ઊતરવું પડતું હતું. તેથી આ સમય દરમ્યાન નાથયોગીઓને ભોજન બનાવવાનો સમય રહેતો ન હોવાથી યોગીઓ અર્ધભૂખ્યા રહી જતાં હતાં. આથી આ પરિસ્થિતીને પહોંચી વળવા માટે ગુરુ ગોરખનાથે દાળ, ચોખા અને શાકભાજી સાથે જ રાંધી નાખવાની આજ્ઞા કરેલી જેથી કરીને સમયની બચત થાય અને યોગીઓ ઝડપથી જમી લે. આ રીતે સમયને બચાવનારા વ્યંજનથી યોગીઓને તરત જ ઉર્જા પ્રાપ્ત થતી જતી હોઈ તેઓને પોતાની સમસ્યાનું સમાધાન મળી ગયું. ખિલજી સાથેનો સંઘર્ષ પૂરો થયા બાદ તેમણે પોતાનાં રોજિંદા ખોરાકમાં ખીચડીને કાયમી સ્થાન આપ્યું. આજે પણ ગોરખપુર સ્થિતે રહેલા ગુરુ ગોરખનાથનાં મંદિરમાં મકર સંક્રાંતિનાં દિવસે ખિચડી ઉત્સવમેળો ઉજવાય છે જેમાં હજારો ટન ખીચડીનો ભોગ ગુરુ ગોરખનાથને ધરાવી તેનું પ્રસાદ તરીકે ભક્તજનોમાં વિતરણ કરવામાં આવે છે.
 
 
 
 
ફૂલછાબમાં પ્રકાશિત: ૨૦૧૬
©201પૂર્વી મોદી મલકાણ. યુ એસ એ.

[email protected]

 

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
W.:   http://pareejat.wordpress.com

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલી  પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો  સુશ્રી  પૂર્વી મોદી મલકાણ (યુએસએ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે. 

 

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

સફેદ અને કાળા વાળની માયાજાળ …

સફેદ અને કાળા વાળની માયાજાળ …

BLACK & WHITE HAIR

 

મિત્રો, આજે ફરી આપણી સાથે, હાલ યુએસએ નિવાસી વડીલ શ્રી જિતેન્દ્ર પાઢ (ઉ.વ.૭૪) તેમના જીવનના અનુભવના ભાથા સાથે તેમની કલમનો સાથ લઇ અને એક નવા વિષયને લઈને આવ્યા છે.

શ્રી જિતેન્દ્રભાઈ પાઢની કલમને …હવે પછીથી નિયમિત રીતે સમયાંતરે પ્રસિદ્ધ કરવાની અમારી કોશિશ રહેશે.

‘દાદીમા ની પોટલી’ પર તેમની કૃતિ પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો વડીલ શ્રી જિતેન્દ્ર પાઢનાં અંતરપૂર્વકથી આભારી છીએ. ચાલો ત્યારે, તેમના દ્વારા મોકલવામાં આવેલ આજની કૃતિને અહીં માણવાની કોશિશ કરીએ….

બ્લોગ પરના આપના આગમાન નું અમો હાર્દિક સ્વાગત કરીએ છીએ. બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના દરેક પ્રતિભાવ, લેખકશ્રીની કલમને સદા પ્રેરણાદાયી બની રહે છે તેમજ તેમની કલમના જુસ્સાને એક નવું પ્રેરકબળ પૂરે છે. આભાર.

 

             ધોળું માથું,ધવલ ચંદ્ર ને
             સેંથી પડી તે ચાંદની રે,
              ધરડે ઘડપણ લાકડી  ને
              યુવા વયે સાથ લાડી રે,
              બળ,બુદ્ધિ શક્તિ વધે નહીં
              હા,અભરખે ચાલે જિંદગી રે ,,,,

વાળ એ  ચહેરાની શોભા છે અને તેથી શાયરો ઝુલ્ફની  ઘટામાં  છુપાઈ જાય છે, ગઝલ ગૂંથાય છે ,,,,  જનાબ આદિલ મન્સૂરી લખે  કે :  “” એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ /એ કેશને ગૂંથે અને બંધાય ગઝલ “ યુવાનીમાં એકાદી લટમાં મન મોહી પડે, શ્યામ ના વાંકડિયા ળા  કેશમાં યશોદા તેલ નાંખવા દોડાદોડી કરે, જગ જાહેર છે લાંભા વાળ સુંદરતામાં વધારો કરે છે સ્ત્રી હોય કે પુરૂષ, યુવા હોય, યુવતિ હોય અરે !  વૃદ્ધા  હોય  કે વૃદ્ધ  બધાને વાળ વ્હાલા જૂદાજૂદા પ્રાંતો, પ્રદેશો વાળની નોંખી નોંખી વિશેષતા ધરાવે, બીજી બાજુ વાળને મોહનું પ્રતિક ગણાય ! સન્યાસીઓ તેથી ટકો મૂંડો રાખે  ઉલટું ઋષિ મુનિઓ દાઢી  મૂછ, વાળ વધારે  જટા એ જ એની ઓળખ ,,,,અરે, દેવતાઓ પણ તેમાંથી બાકાત નથી તિરૂપતિમાં મંદિરના દર્શને આવતા શ્રદ્ધાળુ  સ્ત્રી, પુરુષ  મોહ ત્યજી, કેશ કપાવે ,, માને અમારી યાત્રા સફળ, પ્રાચીન શિલ્પ,ચિત્ર કોઈપણ કલામાં તમે સ્ત્રીની સુંદરતામાં વાળ ગૂંથણી, કેશ કલાપ વિશેષ સ્થાન ધરાવે છે, વાળનો મહિમા સર્વ કાલીન અને સર્વત્ર વિશ્વ વિખ્યાતિ ધરાવે છે.

કાળા કેશ સહુને ગમે, શોભે, પણ કુદરતના નીતિ નિયમો નું  ચક્ર અનોખું છે.  આજના જમાનામાં બધું અકાળે, અનાયાસે બને છે આજકાલ અકાળે વાળ સફેદ થવા લાગ્યા છે તેમાંય વળી શેમ્પૂ, કેમિકલ્સ વાળા પ્રસાધનો નો વપરાશ, યુવાનવયે સફેદ વાળ સુંદરતા હરે છે, સુંદરતા જોખમાય તે કોઈને ગમે નહીં, તેથી કોસ્ટ મેટીક  ઉત્પાદકો તેનો ભરપુર ફાયદો ઉપાડે છે, વિદેશોમાં પણ વાળ અવનવી રીતે  રંગવાની  ફેશન ખુબ ચાલી છે અને શોખ ખાતર લખલૂટ ખર્ચ થાય છે કાળા ઘટાદાર  કે વાંકડિયા  કેશમાં એકાદો આક્રમક કરતો વાળ દેખાડે તો ચિંતા સરવળે, પહેલાં વાળ તોડી નંખાય, પણ સફેદ વાળ આક્રમક મૂડ ધરાવે છે, તેને ખેંચી કાઢો તેમ વધુ સાથીઓ લઇ પાછો ફૂટે, હાશકારો પામવા  રંગ, કાળી મેંદી, ડાય વાપરવાના  રવાડે ચડી જાવ ,,,, અને એકજ વપરાશે બાકીના કાળા કેશ પણ સફેદી જમાત બની જાય ,,, કેમિકલનો પ્રતાપ ખીલે, આ અમારા  મિત્રોનો જાત અનુભવ છે, જે સનાતન સત્ય છે.

                 જોકે મોટા ભાગે ઘડપણનો સંકેત એટલે સફેદ વાળ નું પ્રાગટ્ય,,,,,,,,સફેદ ચમકીલા વાળનો જથ્થો ઘણાં સમજુ પરિવર્તન કાળ ગણી હસીને સ્વીકારી લેય છે, પણ તેની સંખ્યા ભલે જૂજ હોવાની ! કુદરતી ક્રમ માની યથાવત રહેતા લોકો સુખ શાંતિ અને સ્વસ્થતાથી સંતોષ સાથે જીદગી માણે છે, ઘડપણ વિશેની નરસિંહ મહેતાની કવિતા ઘડપણ કેણે ?  મોકલ્યું ,, અંગે ઉજળા થયા છે કેશ, તેમાં શિથિલતા ની  વાત ભલે  કરી હોય ।.  આજનો કવિ કહેશે ,,,, “ઘડપણ છોને આવિયું ,,,, મળતા અમને સન્માન / ગોરી તો ઘરમાંથી ગઈ, આવી બ્રિસ્લેરી હાથ ,,,,  વાળની સફેદી  બગલાની ક્યારેક યાદ અપાવે છે ,, બગલા જેવી લુચ્ચાઈ, ઠગાઈ વૃતિ છતી કરે છે, પોતાનો ક્રોધ બીજા ઉપર જક્કી વૃતિથી ઠોકી બેસાડવા ,, આક્રોશ સાથે ત્રાડ નાંખી  કહેશે , “ચૂપ  મર ,તું તારા મનમાં શું ?  સમજે છે ?  આ વાળ અમથા ધોળા થયા નથી?  અનેક દિવાળી હોળી અમે જોઈ નાંખી છે ?

                 અમારા બધા મિત્રોમાં મિતેષ ઠક્કર, રાજેન્દ્ર ઘરત, સંતોષ બોબે, ચંદ્રકાંત પટેલ, અશોક ઠક્કર, અશોક રાવલ વગેરેમાં સૌથી જૂદો તરી આવતો ચહેરો ,,, ચંપક ઠક્કર ,,  અમે તેને શ્વેતકેશી  કહીએ, આ સફેદી ચમકતી ચાંદી જેવું માથું ધવલ ચન્દ્ર  બની સદા ચમકે  જે કદી ભૂલાય નહિ , આવી વિશિષ્ઠ છાપ તમારું અનોખું વ્યક્તિત્વ બની જાય  તે મોટો ફાયદો છે, આ વાત માનવી જ પડે જેનો કોઈ પર્યાય નથી,,, જેમ અમાસના દિવસે કાળા ધબ અંધારામાં આકાશમાં ધૂર્વનો તારો વધુ ચમકે તેમ કાળા વાળ વચ્ચે અમારા કવિ, નવલ કથાકાર હિંમત સો મયા  ધુર્વ તારક સમા સદા દૂરથી ઓળખાય તેમ ચમકે  તો મારા મિત્ર મધુસૂદન કાયસ્થના ટાલ પ્રદેશે થોડાંક માંડ માંડ બચેલાં સફેદ  વાળ માં ઉડાઉડ કરી પોતાના અસ્તિત્વ નો પૂરાવો આપવા મથામણ કરે અને તેઓની નોંધ લેવા જણાવે ,, 

                 વાળની જેમ દાઢી મૂછ ની  માયાજાળ અનોખી દાસ્તાન સમી હોય ?   અમિતાબ બચ્ચન નાની ફ્રેંચ કટ દાઢી મૂછે લોકોને ઘેલા કરી દીધા,.  ફેશન ચાલી, દાઢી મૂછોની વિવિધતા સફેદી આવ્યા બાદ વધુ સોળે કળાએ ખીલે, ક્યાંક બ્રોડગેજ મૂછો, કયાંક નેરોગેજ, તો ક્યાંક તલવાર કટ  બહુજ  માવજત સાથે રાખે,,,  અજબ મહિમા છે સફેદ ચમકતાં વાળનો ,,,, વધેલી  દાઢી મૂછ  જોતાં વિનોબા ભાવે, રવીન્દ્ર નાથ ટાગોર, કાકાસાહેબ કાલેલકર, જેવાં અનેક ચહેરા જાત, પ્રાંત કે ભેદભાવ વિના સતત યાદ રહે ,,,, હા, એક વાત ખરી આવા પ્રતિભાવંત ચહેરા અને સફેદી ચાહક વાળ પ્રિય   મહાનુભાવો નો  કેશ કલાપ માટેનો રંગરોગાન માટેનો, શેમ્પુ  વગેરેનો ખર્ચો બચે, અને વડીલ બન્યાનો ગર્વ વધે.

                ક્યારેક સફેદ ચમકતાં વાળ મુસીબત ઉભી કરે ! તમને સમાજ ડોસલામાં ખપાવે ,,, સમાજ, સંસ્થા અને ટ્રસ્ટ માં  તમને પદભ્રસ્ત કરવાના  પેંતરા  રચાય  રાજકારણીઓ દાવપેચ શરુ કરી તમારી સેવાઓની  નિષ્ઠામાં ખોટા આક્ષેપો  ઉભા  કરી પજવે, તમે નાહકના શિકાર બનો,   જોકે એકંદરે સિનીયર સિટીજન, વયસ્ક ના સરકારી ફાયદામાં, યોજનાઓમાં, સન્માન મળે, સફેદ માથું  તમને અધિકૃત  હોવાનું પ્રમાણ પત્ર આપે, બસમાં પાસ ભુલીગયા, બેંકમાં પાસબુક ભુલીગયા, નાનામોટા ગુના માફ !  જુવાનિયાઓ પણ સફેદ માથાનો ગેર ફાયદો લેવાનું ક્યારે ચૂકે નહીં ।, રંગીન  ડ્રેસમાં  વળી માથું ચમકે તે શોભામાં અભિ વૃદ્ધિ  કરે  તે નફામાં ।  મહાત્મા ગાંધીએ સફેદ મૂછો રાખેલી (મારી પાસે ફોટો છે ) શોભતી હતી, પણ પાછળથી કેમ કાઢી  તે ખબર નથી, તેનો ઇતિહાસ શોધવા જેવો છે.

               પરંતુ મહિલાઓની વાત કરીએ તો ચિત્ર જુદું  લાગે, સફેદ કેશ, સફેદ સાડી ।.  કૈક જુદી ભાત પાડે, લાંબા કાળા વાળમાં ચોટલો શોભે, તેમાં વેણી, નીચે મજાની રીબિન સુંદર લાગે, સફેદ વાળના ચોટલા શોભે નહિ, અંબોડા શોભે નહિ, જો યુવાન વયે વાળ સફેદ જાણે માથે આભ તૂટી પડે  ! જોકે હવે વાળ કપાવવાની ફેશન બની, હા, કેટલીક મહિલાઓ સફેદ વાળમાં પણ ખીલી ઉઠે, વાશી નવી મુંબઈમાં હું એક બેનને ઓળખું છું, પતિના મરણ પછી વાળ કપાવ્યા નહિ અને ચમકીલા સફેદ  વાળનો સાથ છોડ્યો નહીં, કારણ એના પતિને તેના  વાળની સફેદી ચમકાટ ખૂબ ગમતો, વાળની ચાહના અને ચાહકનું નિરાળું મિલન હોય છે.

                  વિદેશમાં ચમકતાં સફેદ વાળ પરિપક્વતાની નિશાની ગણાય છે, પુરુષો ભાગ્યે જ વાળ રંગે, તો ઉલટું મહિલાઓ નિતનવા નખરા સાથે વાળ રંગવાની હોડમાં ઉતરે, અધિકારી વર્ગ ભારતમાં વાળ રંગી વ્યક્તિત્વ જાળવવાની  હોંશીલી તરકીબો અજમાવે,ખરી વાત માણસે  સ્ત્રીએ વૃદ્ધ  દેખાવું ગમતું નથી, ચાંદી જેવા વાળ આજે માત્ર ફેશન બની શોભે છે,  90 વરસની મહિલાને, વૃદ્ધા ને  સફેદ વાળ ગમતા નથી, તમે વાળને ગમેતેટલાં  માવજત સાથે વ્હાલ કરો ,ચામડી ઉપર ઉમરના હસ્તાક્ષર વંચાઈ જવાના….

                 દરેક ના ફાયદા અને ગેરફાયદા હોવાના, ગમો અણગમો વ્યક્તિગત  સ્વભાવ ઉપર અવલંબે છે, શોભા વધારનારી વસ્તુ નુકશાન પણ કરતી હોય છે, વાસ્તવિકતા સ્વીકારવી સહુને ફાવે નહિ, સફેદ ચમકતા ચાંદી જેવા વાળ  અગલ અગલ પરિસ્થિતિમાં શોભે, ક્યારેક ના પણ શોભે વાળને કેમ, કેવી રીતે અને ક્યારે સાચવવા, રાખવા એ સ્વતંત્રતા માનવીનો જન્મસિદ્ધ અધિકાર છે, તેને શોખ ગણવો કે સ્વાભવ ગણવો એ મોટી સમસ્યા છે, શોખને તમે અટકાવી કે રુંધી શકતા નથી, તેથી સફેદ ચાંદીના ચમકીલા વાળ તેના ફાયદા -ગેરફાયદા વિષય ઉપર કોઈક અભ્યાસુ રસિકે પી, એચ, ડી, શોધ નિબંધ લખવો જોઈએ  એવો આ ગહન વિષય છે.

– જિતેન્દ્ર પાઢ

૦૫, ડીસેમ્બર ૨૦૧૫ (મંગળવાર, સવારે ૧૨:૦૦ કલાકે)

રેલે સિટી, નોર્થ કેરોલીના – યુએસએ
 

 

 

 લેખક શ્રી નો સંપર્ક :

  

JITENDRA PADH PHOTOશ્રી જિતેન્દ્ર પાઢ

હાલનું રહેઠાણ :
રેલે સિટી, નોર્થ કેરોલીના – યુએસએ

ભારતમાં રહેઠાણ :
સી-૨ /૧૩-૧; ૨, સેક્ટર – ૧૬,
વાશી, નવીમુંબઈ ૪૦૦૭૦૩
email :  jitendrapadh @gmail.com
[email protected]
 

 

લેખકશ્રી નો પરિચય … (તેમના જ શબ્દોમાં) …

 

‘દાદીમા ની પોટલી’  બ્લોગ-વેબસાઈટ ઉપર મારા લેખો, વિચારો આપ સર્વે રસિક વાંચકો સાથે લ્હાણી કરવા વિચારું છું. 

નવીમુંબઈ ૧૯૭૮માં ચેમ્બુરથી કાયમી વસવાટ માટે સ્થળાંતર કર્યું – સંસ્થાકીય સમાચાર મોકલતા કોલમનિસ્ટ, ફ્રિલાન્સ્રર અને ખુદના અખબારનો માલિક, તંત્રી, રિપોર્ટર બન્યો.  સિડકો (સિટી ડેવલોપર્સ કોર્પોરેશન – સેમી સરકારી કંપની) મ્યુ. કોર્પોરેશન, પોલીસ સ્ટેશન તેમજ વિવિધ ૧૬ સમાજો (ગુજરાતી) – માર્કેટ સંગઠનો, સમગ્ર નવી મુંબઈમાં આજસુધી  એક માત્ર ગુજરાતી રિપોર્ટર અને ૯મા વર્ષમાં ગુજરાતી સાપ્તાહિક ‘નૂતનનગરી’ ચલાવું છું.  નવીમુંબઈ ગુજરાતી સમાજ માહિતીખાતા નો ચેરમેન તેમજ સમસ્ત બ્રાહ્મણ સમાજનો ટ્રસ્ટી છુ. 

 મારો શો પરિચય હોય – કલમ, કાગળ, અને વાચકની દોસ્તી.

 

–     જિતેન્દ્ર પાઢ ના જય મા ગુર્જરી…

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected] 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે. 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli