યુરોપના છેડેથી આફ્રિકાની ટોચ પર …

યુરોપના છેડેથી આફ્રિકાની ટોચ પર …

પ્રવાસ – ડો. ભારતી રાણે

 

 

 
europe tp africa
 

 

જરાક અંધારાં ઓસર્યાં ને અમારી આંખ ખૂલી, ત્યાં દૂર દરિયામાં એકાકી પહાડ જેવો ખડક-રોક ઓફ જિબ્રાલ્ટરદેખાવા લાગ્યો.  અડગતાની મિશાલ, રોક ઓફજિબ્રાલ્ટર!

 

યુરોપ ખંડની છેક પશ્ચિમ અને દક્ષિણ સરહદને આવરતો છેવાડાનો દેશ સ્પેન. સ્પેનને છેક દક્ષિણ છેડે આવેલો આન્દાલુરિયા નામનો પ્રદેશ. આન્દાલુરિયાના પથરીલા પર્વતો અને એ પર્વતોના તૃણાચ્છાદિત ગોચર ઢોળાવો ફરતે પથરાયેલો નકશીદાર પાલવ જેવો દરિયો, અહીં વસેલું એક અલગારું ગામ-એનું નામ મલાગા.  મલાગામાં એક અઠવાડિયું રહેવાનું થયું ત્યારની આ વાતઃ એ દિવસે ભૂમધ્ય સમુદ્ર અને એટલાન્ટિકના સંગમ પર રચાયેલી જિબ્રાલ્ટરની સામુદ્રધુની પર યુરોપ ખંડની મધ્યમા આંગળીનાં ટેરવાં જેવા તરીફા બંદરથી કૂદીને આફ્રિકા ખંડની ચોટલીને પકડવાનો કાર્યક્રમ હતો ! સમુદ્રસંગમતો અગાઉ પણ જોયેલો. કન્યાકુમારી પર હિંદ મહાસાગર સાથે અરબી સમુદ્ર અને બંગાળનાઉપસાગરનો, કેપ ઓફ ગુડહોપ પર એટલાન્ટિક સાથે પેસિફિક મહાસાગરનો, વળી સુએઝ કેનાલ પર ભૂમધ્ય સાથે રાતા સમુદ્રનો માનવસર્જિત સંગમ પણ જોયો, પણ આ વખતની વાત નિરાળી હતી.  આ વખતે ભૂમધ્ય સમુદ્ર અને એટલાન્ટિકના સંગમસ્થાન પર રચાયેલી જિબ્રાલ્ટરની સામુદ્રધુનીને માત્ર જોવાની નહોતી, એને પાર પણ કરવાની હતી અને એમ કરતાં યુરોપ ખંડના દક્ષિણ છેડેથી આફ્રિકા ખંડની ટોચ પર કૂદવાનું હતું.  એક ખંડથી બીજા ખંડ પર કૂદતાંકૂદતાં અનંત સુધી દોડી જઈ શકાતું હોય તો કેવી મજા પડે ! એ બાલિશ કલ્પના આજે અંશતઃસાકાર થવાની હતી.

 

રાતને અંધારે મોટી બારીઓવાળી બસ અમને લઈને, સ્પેનના છેક દક્ષિણ છેડે વસેલા તરીફા નામના ગ્રામબંદર તરફ પૂરપાટ દોડી રહી હતી. અહીં બે ખંડ અને બે મહાસાગર વચ્ચે જિબ્રાલ્ટરની સાંકડી સામુદ્રધુની ‘સ્ટ્રેઇટ્સ ઓફજિબ્રાલ્ટર’ રચાઈ છે, જે માત્ર ૫૮ કિલોમીટર લાંબી છે. એની પહોળાઈ પશ્ચિમ છેડેવધુમાં વધુ ૪૩ કિલોમીટર અને ઉત્તર આફ્રિકાના મોરક્કો દેશના મારોકી પોઇન્ટ પર ઓછામાંઓછી ૧૩ કિલોમીટર છે.  બસ, આટલો સાગર પાર કરો એટલે ભૂખંડ બદલાઈ જાય !

 

જરાક અંધારાં ઓસર્યાં ને અમારી આંખ ખૂલી, ત્યાં દૂર દરિયામાંએકાકી પહાડ જેવો ખડક-રોક ઓફ જિબ્રાલ્ટર દેખાવા લાગ્યો.  અડગતાની મિશાલ, રોક ઓફ જિબ્રાલ્ટર ! કેટલી આશ્ચર્યજનક વાત છે કે, માત્રસાડા છ ચોરસ માઇલનો વિસ્તાર ધરાવતા જિબ્રાલ્ટરના આ પથ્થરિયા ટાપુ પર યુગોથી ઇન્સાનવસે છે !   પાષાણ યુગનો અણઘડ માનવ કઈ રીતે પહોંચ્યો હશે અને ટકી રહ્યો હશે આ એકાકીચટ્ટાન જેવા ટાપુ પર ? જિબ્રાલ્ટરનો ખડક જોતાં જ હરક્યુલિસની પુરાણકથાયાદ આવી ગઈ. મહાબળવાન હરક્યુલિસને બાર દુષ્કર કામ સોંપવામાં આવ્યાં. એમાંનું એકહતું, સ્પેનના ગેરિયોનથી પશુઓનાં ધણને એરિથિયા લઈઆવવાનું.  આ માટે આખી વણઝારે દુર્ગમ એટલાસ પર્વત ઓળંગવો પડે તેમ હતું. શક્તિમાનહરક્યુલિસે પર્વત ઓળંગવાને બદલે એના બે ટુકડા કરી નાખ્યા.   આમ તેણે ભૂમધ્ય સમુદ્રનેએટલાન્ટિકથી જોડયો અને આમ રચાઈ જિબ્રાલ્ટરની સામુદ્રધુની.  એનું પ્રવેશદ્વાર બનાવતો પર્વતનો એક બાજુનો ટુકડો તે રોક ઓફ જિબ્રાલ્ટર અને બીજી બાજુનો ટુકડો તે મોરક્કોનો જબાલ મુસા અને એ બંને હરક્યુલિસના મહાન સ્તંભ  ‘પિલર્સ ઓફ હરક્યુલિસ’ તરીકે ઓળખાય !

 

અમે તરીફા પહોંચ્યા ત્યારે ગામ હજી જાગ્યું નહોતું.  લાંબો સમય અહીં આધિપત્ય ધરાવનાર મૂર પ્રજાની સ્થાપત્યશૈલીની ઝલક આખા ગામ પર જોઈ શકાતી હતી. કહેવાય છે કે, મૂર લોકોના લોહીનો અણસાર અહીંની સ્ત્રીઓની આંખોમાં પણ જોવા મળે છે.  ઊંચી ટેકરી પર ઊભેલો એનો નાનકડો પણ શાલીન કિલ્લો, દરિયા તરફ મીટ માંડીને ઊભેલી વિરહિણી જેવી દીવાદાંડી, પથ્થરની ફર્શ જડેલી ગલીઓ અને ધરતીને છેડે વસેલાં ગામોમાં અકસર અનુભવ્યુંછે, તેવું જરાક વિષાદઘેરું, શાંત વાતાવરણ ! વિશ્વવિખ્યાત લેખક પાઉલો કોએલ્હોના રેકોર્ડબ્રેકર બેસ્ટ સેલર પુસ્તક ‘એલકેમિસ્ટ’નો નાયક ભરવાડ છોકરો ગુપ્ત ખજાનાની ખોજમાં જ્યાંથી પિરામિડની દિશા શોધતો આફ્રિકા તરફ નીકળી પડે છે, તે આ તરીફા બંદર.   જાણીને રોમાંચ થઈ આવ્યો કે, અમે બરાબર એ જ રસ્તેથી પસાર થતાં હતાં, જ્યાંથી પ્રવાસ પિપાસુ કે ખોજરસિયા મુસાફરો અજાણી ભૂમિનાં આકર્ષણે અનંતકાળથી પસાર થતા આવ્યા છે !

 

મોરક્કોના તાંજિયર શહેર સુધી લઈ જનારું નાનકડું જહાજ મુસાફરોથી ચિક્કારહતું. જહાજ પાણી કાપે, ત્યાં જરાક ફીણ ફીણ જેવી સફેદી ઊભરે, બાકી ચારે કોર કાળું ને કાળું જ પાણી દેખાતું હતું.  આપાણી આટલાં કાળાં કેમ હશે ?   કદાચ સમુદ્ર અહીં ખૂબ ઊંડો હોવો જોઈએ. ઊંડાણની આટલી અને આવી ગાઢ શ્યામલતા પહેલીવાર જોઈ.

 

અચાનક પાણીમાં જરાક સળવળાટ થતો હોય તેવું લાગ્યું. સૌના સુખદ આશ્ચર્યવચ્ચે ડોલ્ફિન માછલીઓનું એક ટોળું જહાજની સાવ નજીકથી પસાર થઈ રહ્યું હતું ! જળપરીઓ જાણે ઊછળતી અને પછી વળ ખાઈને સમુદ્રમાં ડૂબકી મારતી હોય તેવું દૃશ્ય. કાફેટેરિયામાં જગ્યા ઓછી હતી, એટલે અમારા ટેબલ પરની ખાલી જગ્યા પર એક કેનેડિયન યુગલ જોડાયું. ઔપચારિક વાતો પછી નાસ્તાનાં પેકેટ ખૂલ્યાં. કેનેડિયન ભાઈને અમારો નાસ્તો ભાવ્યો એટલે એ તો ટેસથી ખાવા લાગ્યા, પણ એમની પત્ની જોઆનને આ વાત જરાય પસંદ ન પડી. એના ચહેરા પર ગુસ્સો ઊભરાઈ આવ્યો. પતિદેવ તો એને ચીડવવા વધુ ને વધુ  ટેસથી ખાવા લાગ્યા! અંતે જોઆન રિસાઈને ચાલી ગઈ.  શ્રીમતીજીને ખીજવ્યા પછી પતિદેવ ગભરાયા ને જોઆનને મનાવવા ઊઠયા, પણ માની જાય એ બીજાં !   બંને ડેક પર ખોવાઈ ગયાં.   થોડી વાર પછી અમે ડેક પર ફરવા ગયાંત્યારે જોયું કે જોઆન એક ખૂણામાં પતિના ગળે હાથ વીંટાળીને બેઠી બેઠી સમુદ્રને જોઈ રહી હતી.  એ લોકોને ખલેલ ન પહોંચે એટલે અમે બીજી તરફ વળ્યાં ત્યાં જોઆનની બૂમ સંભળાઈ.  ‘અમારી સાથે ફોટો પડાવવા આવોને, પ્લીઝ !’

 

ફોટો પડાવ્યા પછી જોઆન કહેવા લાગી, “તમે ખોટું ન લગાડશો, પ્લીઝ, અજાણ્યો ખોરાક પચે નહીં ને એની તબિયત બગડે તો આખા પ્રવાસની મજા ધૂળધાણી થઈ જાય એટલી જ બીક, બાકી તમારી સામે મને કોઈ વાંધો ન હતો.  હવેતો હું જ તારો નાસ્તો ખાવા ખાસ ઇન્ડિયા આવીશ ! “મહાસાગરના સંગમસ્થાને સ્ટ્રેઇટ્સ એકજિબ્રાલ્ટરના પાણી જેટલો જ ઊંડો મૈત્રીભાવ પ્રગટયો હતો, નામે જોઆન !

 

 

 

લેખિકાનો પરિચય :

 

ડૉ. ભારતી રાણે

મુંબઈમાં જન્મેલા ડૉ. ભારતીબેન રાણે અભ્યાસે ગાયનેકોલોજિસ્ટ છે.  ગુજરાતી સાહિત્યમાં પ્રવાસનિબંધ ક્ષેત્રે તેમણે ઉત્તમ લેખો આપ્યા છે. 1998માં પ્રકાશિત થયેલ તેમના ‘ક્ષણોને પાંદડે ઝાકળ છલોછલ’ લલિત નિબંધ સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનું ‘ભગિની નિવેદિતા’ પ્રથમ પારિતોષિક તથા એ જ પુસ્તકને મુંબઈની કલાગુર્જરી સંસ્થાનું ‘ગિરા ગુર્જરી’ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું છે. 2009માં પ્રકાશિત થયેલા તેમના પ્રવાસ નિબંધ સંગ્રહ ‘ઈપ્સિતાયન’ને ગુજરાતી સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું છે. તેમની નવલકથા ‘નિશદિન’ 2009માં જન્મભૂમિ-પ્રવાસી, ફૂલછાબ અને કચ્છમિત્ર દૈનિકોમાં ‘નિરંતર’ નામે ધારાવાહિકરૂપે પ્રકાશિત થઈ છે. આ ઉપરાંત, ઉત્તર ધ્રુવવૃત્તના પ્રવાસ વર્ણનની શ્રૃંખલા સતત એક વર્ષ સુધી (2010-2011માં) ‘કુમાર’માં પ્રકાશિત થઈ છે. દિવ્યભાસ્કરની ‘યાત્રા’ કૉલમમાં તેમના પ્રવાસ નિબંધો હપ્તાવાર સ્થાન પામ્યા છે તેમજ ‘ગુજરાત મિત્ર’ અખબારમાં તેમની પ્રવાસ નિબંધની કૉલમ આજ સુધી સતત ચાલી રહી છે. તેમના ઘણા લેખો તમોએ   રીડગુજરાતી પર પણ માણ્યા હશે.

 

– ડૉ. ભારતી રાણે

[email protected]

 

 

મિત્રો આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર  પુન:પ્રસિદ્ધ કરવાની તક આપવા  બદલ અમો લેખિકા સુ. શ્રી ડૉ. ભારતી રાણે નાં અંતરપૂર્વક્થી આભારી છીએ. હવે  પછી આપણે પાતાળલોકમાં દરિયાની મુલાકાતઃ હેલેઇન  નું વર્ણન તેમની કલમ દ્વારા માણીશું.

 

 

સાભાર :

પરિચય સૌજન્ય : રીડગુજરાતી.કોમ 

 

સૌજન્ય :  પૂર્વી મોદી મલકાણ (યુએસએ)

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

(૧) આનંદ … અને (૨) આપત્તિ માંહે અવસરો …

(૧) આનંદ …

 

 maya

 

 

દિવ્યાનંદની આ દુનિયામાં મળતાં બીજા કોઈ આનંદ સાથે તુલના ન કરી શકાય.  એ તો વર્ણનાતીત છે.  દુન્યવી સુખ કે આનંદ એ તો માયામાંથી ઉદ્દભવે છે.  ચાલવું, સ્વપન સેવવું અને સ્વપનહીન ગાઢ નિદ્રા – આ ત્રણ અવસ્થામાં માયા કાર્ય કરે છે.

 

આ ત્રણ અવસ્થા ઉપરાંત પણ એક બીજી અવસ્થા છે અને એ છે તુરીય.  અહીં પહોંચવું અત્યંત કઠિન છે.  આ તુરીય અવસ્થાનો આનંદ માયાયુક્ત હોય છે, માયામાંનો આનંદ કેવો મીઠો, મજાનો હોય છે તે તમે જાણો છો.

 

સામાન્ય લોકો એનાથી રાજી રાજી થઇ જાય છે.  તેઓ એક પળ માટે પણ આટલું નથી વિચારી શકતા કે જેમની માયા આટલી મજાની મીઠી છે, તેવા ઈશ્વર એનાથી કેટલા વધુ મધુર અને આનંદમય હશે !

 

દિવ્યાનંદ સિવાય આ દુનિયામાં બીજું કંઈ મૂલ્યવાન નથી.  લોકો શા માટે ધન, સંપત્તિ, પત્ની, સંતાનો ઈચ્છે છે, તે તમે જાણો છો ?  એનું કારણ એ છે કે એ બધામાંથી એમને શારીરિક અને માનસિક સુખ કે આનંદ મળશે, એમ તેઓ ધારે છે.  એટલે જ એ બધાં  માટે તેઓ દિવસરાત કામ કરવા તૈયાર રહે છે.  જો આવા લોકો પોતાની આ શક્તિને ઈશ્વર તરફ વાળે તો તેમને આ ક્ષણિક દુન્યવી સુખોને બદલે શાશ્વત આનંદ એટલે કે સચ્ચિદાનંદનો આનંદ પ્રાપ્ત થાય છે.

 

માયા પોતે ચાલક રૂપે કાર્ય કરે છે .. તે માનવના મનમાં ઈચ્છાનાં મોજાં ઊભા કરે છે અને તેને એ શાંત કરવાનું ગમતું નથી.  જે માયાના બંધનમાં બંધાતો નથી, એવા આત્માની સંભાળ તો ઈશ્વર લે છે.  જ્યારે ઈશ્વર માનવને માર્ગદર્શન આપે છે ત્યારે માનવના મનમાં સુખ, શાંતિ અને આનંદનો અવિરત અને અવરુદ્ધ પ્રવાહ વહે છે.  એ વખતે ત્યાં વિચારનું એકેય મોજું ઉદ્દ્ભવતું નથી, ત્યારે કોઈ પણ માનવ એ અગાધ, તરંગવહિન સચ્ચિદાનંદ સાગરમાં ભળીને એક બની જાય છે.

 

‘મારા’ નો વિચાર કે ભાવ દુઃખ ઊભું કરે છે.  જ્યારે ‘સાચા હું’  એટલે કે ઉચ્ચતર આત્માનો વિચાર દિવ્યાનંદ લાવે છે.

 

બ્રહ્મ

 

‘મહારાજ, શાસ્ત્રોમાં કહ્યું છે કે બ્રહ્મ તો માનવના હૃદયમાં રહેલો છે.  એનો અર્થ શું ?’

 

સ્વામી અદ્દ્ભુતાનંદ : ‘આ તો અલંકારયુક્ત ભાષા છે, જો કે શાસ્ત્રોએ એ રીતે બ્રહ્મને વર્ણવવાનો પ્રયત્ન કર્યો છે છતાં પણ બ્રહ્મના સત્યને શબ્દોમાં આવરી શકાય નહિ.  બ્રહ્મ તો સર્વત્ર છે.  એમાં ક્યાંય અંદર કે બહાર, ઉચ્ચ કે નીચ, પૂર્વ કે પશ્ચિમ નથી.  તે એક જ છે અને દરેકેદરેક પદાર્થમાં રહેલ છે.  બ્રહ્મ સર્વવ્યાપી, અસીમ અને શાશ્વત છે.  બ્રહ્મને વર્ણવવા માટે વિવિધ પ્રયાસો થયા છે.  પણ જે વિચાર કે બુદ્ધિથી પર છે, તે સર્વમાં છે અને વળી સર્વથી પાર પણ છે.’

 

સત્ય તો એક જ છે અને તે છે બ્રહ્મ.  બ્રહ્મ એક માત્ર જ સત્ છે અને બાકી બીજું અસત્ છે.  તમારા મન પર આ વિચારોને અવારનવાર લાવતા રહો અને ક્રમશ: સાચો વિવેક એની મેળે જાગી જશે.

 

સંકલન
-સ્વામી અદ્દ્ભુતાનંદ
(રા.જ.૨-૧૧(૨૧-૨૨)/૫૦૫-૦૬)

 

(૨)  આપત્તિ માંહે અવસરો …

 

Thomas edison

 

ડિસેમ્બર, ૧૯૧૪ની સાલમાં વિખ્યાત વિજ્ઞાની થોમસ એડિસનની પ્રયોગશાળા બળીને ખાક થઇ ગઈ.  મકાનનો વીમો પણ નોહ્તો, તેથી આ આગથી એડિસનને ભારે નુકશાન થયું.

 

જ્યારે આગ  ભડકે બળી રહી હતી ત્યારે એડિસનના જુવાન દીકરા ચાર્લ્સે પિતાને બળતા મકાનમાં શોધવા પ્રયત્નો કર્યા.  જ્યારે પિતા મળ્યા ત્યારે તેઓ મકાનને બહાર શાંતિથી ઊભા હતા.  આગના સુવર્ણ પ્રકાશમાં તેમનો ચહેરો ચમકી રહ્યો હતો અને તેમના શ્વેત વાળ પવનમાં લહેરાઈ રહ્યા હતા.  ચાર્લ્સના હૃદયમાં પોતાના પિતા માટે અનુકંપાની લહેર ઊઠી.  એડિસનની ઉંમર ૬૭ વર્ષની હતી અને તેમની નજર સમક્ષ તેમનું સર્વસ્વ ખાખ થઇ રહ્યું હતું.

 

દીકરાને જોઈ એડિસન બોલ્યા, ‘ચાર્લ્સ, તારી માતા કયાં છે ?  તેને અહીં બોલાવ.  તેને જિંદગીભર આવું દ્રશ્ય ફરી જોવા મળવાનું નથી.’  બીજા દિવસે સવારે એડિસને ખંડેર તરફ જોઈ કહ્યું, ‘મોટી આપત્તિ પાછળ મહાન અવસરો છુપાયેલા છે.  આપણી બધી ભૂલો બળીને રાખ થઇ ગઈ છે.  હવે આપણે નવેસરથી શરૂઆત કરી શકીશું.’

 

આગ લાગ્યાનાં ત્રણ અઠવાડિયાં પછી એડિસને તેમના પહેલા ફોનોગ્રાફની શોધ કરી હતી.  આ જ થોમસ એડિસન લાઈટનો બલ્બ શોધવા અસંખ્ય વખત નાકામિયાબ રહ્યા.  કોઈ જ્યારે તેમને આટલી બધી વખત મળેલ નિષ્ફળતાઓ બાબત પૂછતું તો તેઓ કહેતા, ‘હું બલ્બ ન સળગે તે માટેની ૯૯૯ પદ્ધતિઓ જાણું છું.  આટલું જાણ્યા પછી જ બલ્બનું સફળતાપૂર્વક સળગવું સંભવ હતું! ’

 

(રા.જ.૨-૧૧(૨૨)/૫૦૬)

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 
આશા રાખીએ છીએ કે આપને પોસ્ટ પસંદ આવી હશે, બ્લોગ પોસ્ટ મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

આટલી જાતના હોય છે માણસો ….

આટલી જાતના હોય છે માણસો  … !!!!  (આનંદબ્રહ્મ) …

 

people

 

આટલી જાતના હોય છે માણસો, વાંચતા વાંચતા હસી પડશો….!!!!

 

 

અવળચંડા, અકલમઠા, અદેખા, અકર્મી, આપડાયા, ઓસિયાળા, ઉતાવળા, આઘાપાસિયા, એકલપંડા, ઓટીવાળ, કજીયાખોર, કદરૂપા, કરમહીણા, કવાજી, કસબી, કપટી,કપાતર, કકળાટીયા, કામી, કાળમુખા,કાવતરાખોર, કાણગારા, કાંડાબળિયા, કમજાત, કાબા, કબાડા, અધકચરા, અજડ, આળસું, અટકચાળિયા, ખટપટિયા, ખુંધા, ખાવધરા, ખટહવાદિયા, ખૂટલ, ખેલાડી, ખેલદિલ, ખોચરા, ખુવાર, ગરજુડા, ગપસપિયા, ગપ્પીદાસ, ગણતરીબાજ, ગળેપડું, ગંદા, ગંજેરી, ગાંડા, ગોલા, ગોબરા, ગમાર, ગુણગ્રહી, ગભરુ, ગુલાટમાર, ગાલાવેલિયા, જ્ઞાની, ઘરરખા, ઘરમુલા, ઘમંડી, ઘરઘૂસલા, ઘરફાળુ, ઘેલહાગરા, ઘોંઘાટિયા, ઘૂસણખોર, ચતુર, ચહકેલ, ચબરાક, ચોવટિયા, ચાપલા, ચાગલા, ચીકણા, છકેલ છોકરમતીયા, છેલબટાવ, છીંછરા, જબરા, જોરાવર, જબરવસીલા, જોશીલા, જીણા, ઠરેલ, ઠાવકા, ઠંડા, ડંફાસિયા, ડાકુ, ડરપોક, ડંખીલા, ડફોળ, તમોગુણી, તરંગી, તુકાબાજ, દયાળુ, દરિયાદિલ, દાતાર, દાણચોર, દુ:ખીયા, દિલદગડા, દોરંગા, દોઢડાયા, ધંધાદારી, ધમાલીયા, ધોકાપંથી, ધાળપાડું, ધુતારા, ધર્મનિષ્ઠ, ધૂળધોયા, ધિરજવાન, નવરા, નગુણા, નખોદીયા, નમાલા, નિડર, નિશ્વાર્થી, નિજાનંદી, નિષ્ઠુર, નિર્ણય, નિર્મોહી, પરોપકારી, પરિશ્રમી, પરાધીન, પહોંચેલા, પંચાતિયા, પાણિયારા, પાંગળા, પુરષાર્થી, પોચા, પોપલા, પ્રેમાળ, પાગલ, ફરતિયાળ, ફોસી, ફતનદિવાળીયા, ફાકાળ, ફાલતુ, ફુલણસિંહ, ફાટેલ, બહાદુર, બગભગત,બટકબોલો, બચરવાળ, બહુરંગા, બેદરકાર, બિચારા, બોતડા, બાયલા, બિકણા, બોલકણા, બળવાખોર, બુદ્ધિશાળી, ભડવીર, ભૂલકણા, ભલા, ભદ્રિક, ભારાળી, ભાંગફોડિયા, ભૂંડા, ભોળા, ભમરાળા, મરણિયા, મસ્તીખોર, મફતીયા, મનમોજી, મતલબી, મિંઢા, મિઠાબોલા, મિંજરા, મારફાડિયા, માયાળુ, માખણીયા, મારકણા, મુરખા, મરદ, રમુજી, રમતીયાળ, રસિક, રાજકારણી, રજવાડી, રિસાડવા, રોનકી, રોતી, રૂડા, રેઢલ, રેઢીયાળ, સુધરેલા, સમજદાર, શંકાશિલ, શાણા, સુરવીર, સરમાળ, સંતોષી, સગવડીયા, સાહસિક, સુમ, સુખીયા, સ્વચ્છ,સંસ્કારી, સાધક, સાચાબોલા, સરળ, સ્વાર્થી, હરામખોર, હડકાયા, હલકટ, હરખધેલા, હેતાવળા, હરખપદુડા, હાજરજવાબી, હોશિયાર, હસમુખા, લૂચા, લફંગા, લોભીયા, લાલચૂ, લાગવગીયા, લબાડ,લાખેશ્રી, લંપટ, લૂણહરામી, વેવલા, વિવેકી, વહેમીલા, વાયડા, વંઠેલ, વાતડાયા, વેરાગી, વાતુડિયા, વેપારી, વિકરાળ અને વેધૂ…….:)

 

સંકલિત :

સૌજન્ય : વિજય ધારીઆ (શિકાગો)

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પરના પ્રતિભાવ બ્લોગ પર આવકાર્ય છે.

પેટોબા …

પેટોબા …

હે જઠરદેવ ! મીચ્છામી દુક્કડમ્ !
– ડૉ. મહેરવાન ભમગરા ..

 

પરમ પુજ્ય પેટ,

 

ઘણા સમયથી થતું હતું કે તારા પર કરાયેલા અત્યાચારો માટે તારી માફી માગું. પરંતુ સામાન્ય રીતે જેમ કોઈ ગુનેગારને પોતાનો ગુનો દેખાય છતાં તે માટે એ માફી માંગવાની હીંમત સહેલાઈથી કરી શકતો નથી, તેમ હું પણ તારી માફી માંગવામાં આજ સુધી વીલંબ કરતો આવ્યો છું. હું તારી ક્ષમા આ પત્ર દ્વારા પ્રાર્થું છું.

 

ફીલ્મી વાર્તાઓમાં, તેમ જ વાસ્તવીક જીવનમાં પણ, ક્યારેક કોઈએ નાનુંમોટું કુકર્મ કર્યં હોય તેને એવું કહેતો સાંભળીએ છીએ કે, ‘પાપી પેટને વાસ્તે મેં આ ભુલ કરી.’ માનવી પોતાને બદનામ કરવાને બદલે તને પાપી ગણાવે છે, પેટ દેવ ! તું તો કોઈ પણ પાપ કરવાની સ્થીતીમાં છે જ નહીં; પાપ તો તારો માલીક જ કરી શકે ! હું પાપ કરી શકું. તું ક્યાંથી કરે ? તારી કુદરતી પાચનશક્તીની ક્ષમતાને અતીક્રમીને મેં તારા પર સતત બોજ નાખ્યા જ કર્યો, તે કૃત્યને હું પાપ ગણું છું. જીન્દગીભર , રોજ ‘ઓવર લોડીંગ’ કરીને મેં તારે મોઢે ત્રાહીમામ પોકારાવ્યું છે ! અને તે પણ રોજ એક જ વેળા નહીં; બેથી ત્રણ વેળા ! અને આ મારો દુર્વ્યવહાર આજકાલનો નહીં; દાયકાઓ જુનો છે ! આ લાંબા ગાળામાં મેં તને એક દીવસનો પણ વીશ્રામ આપ્યો નથી, એનો મને ખેદ છે.

 

તારી નાજુક છતાં મજબુત દીવાલોને બાળી નાખે એટલો મરચાંવાળો ખોરાક મેં ખાધો છે. માંસાહાર કરીને, તેમ જ શરાબ, તમાકુ જેવા દાહક પદાર્થો મોંમાં નાખીને મેં તને અનેક વેળા પરેશાન કર્યો છે, તને વધુ એસીડનો સ્રાવ કરવા મજબુર કર્યો છે. પ્રમાણમાં નીર્દોષ કહેવાય તેવી વાનગીઓ, દાળ, ભાત, કઢી, ખીચડીને પણ છેક વધુ પ્રમાણમાં આરોગીને મેં તારી પાચનક્રીયાને મંદ બનાવી છે.

 

મંદાગ્નીથી મુક્તી માટે યજ્ઞ …

 

શાસ્ત્રોએ જઠરમાં અગ્ની છે એમ કહ્યું છે. એ અગ્ની તો યજ્ઞ માટે છે. એને પ્રજ્વલીત રાખવાનો છે, એ બુઝાઈ જાય એટલી હદે ખાઈ–પીને એને મંદ કરવાનો નથી. યજ્ઞ–હવનની કે પુજાની વાત બાજુએ રાખી મેં ઉલટાનું તું કચરાપેટી હોય એવો વ્યવહાર તારી સાથે કર્યો છે. હું એકલો જ નહીં, સૌ માનવીઓ તારા પર અત્યાચાર કરે છે. કોઈને જમવા બોલાવતી વેળા, ‘ચાલો, પેટપુજા કરવા,’ એમ મજાકમાં જ કહેવાય છે, સાચા અર્થમાં તારી પુજા કોઈ કરતું જ નથી. ફક્ત તું જ નહીં, આખું શરીર પવીત્ર છે, એમ ઉપનીષદોએ, બાઈબલે અને કબીરદાસે પણ કહ્યું છે. શરીર ઈશ્વરનું મંદીર છે, પરંતુ મારા જેવા અબજો માનવીઓ એને કચરાકુડાનું ‘ડમ્પીંગ ગ્રાઉન્ડ’ ગણીને મોં વાટે, કહેવાતો જે તે ખોરાક, ‘જંક ફુડ’, શરીરના એક અગત્યના અવયવમાં–યાને તુજમાં પધરાવતા રહે છે.

 

એક ચૉકલેટ બનાવનાર કંપનીએ પોતાની જાહેરાતમાં ચૉકલેટના પૅકેટના ચીત્ર આગળ ‘થોડીસી પેટપુજા’ લખીને ગ્રાહકને લલચાવનારું આમંત્રણ છાપ્યું હતું. સાચા અર્થમાં પુજા તો સત્ત્વતત્ત્વની, સત્ત્વતત્ત્વથી કરાય. પેટમાં ચૉકલેટ, ચેવડો કે ચીકન નાખવાથી પુજા થતી નથી. ત્રણ દાયકા પહેલાં તો હું માંસ, ઈંડાં પણ તારી અંદર નાખીને તને મલીન, દુષીત, અપવીત્ર કરતો. શરુઆતમાં અજ્ઞાનને કારણે હું તને ભ્રષ્ટ કરતો રહ્યો, ત્યાર પછી આદતની મજબુરીને કારણે આ પાપ અવારનવાર થતું રહ્યું. હવે ઈશ્વરકૃપાએ એમાંથી છુટકારો થયો છે, એ સારી વાત છે, છતાં અત્યાહારનો પાપી હું આજે નથી રહ્યો, એમ તો ન કહી શકું.

 

ઉણોદરી …

 

લોનાવલાના મારા મીત્રના બંગલામાં બેસી હું આ લખી રહ્યો છું. મારી પાસે દીવાલો પર બંદુક, તીર–કમાન, ભાલાઓ, પીસ્તોલ અને ચાબુક, જુના જમાનાની અને બંગલાના અગાઉના માલીકની શેષસ્મૃતી રુપે લટકી રહ્યાં છે. ચાબુક પર મારા વીચારો અટકે છે, ક્યારેક તો એનો ઉપયોગ કોઈ થાકીને લોથપોથ થયેલા ઘોડાને ફટકારવા માટે થયો હશે. ભુખ ન હોય છતાં કહેવાતા ‘એપીટાઈઝર’ યાને ભુખઉત્તેજક પીણાનો ઉપયોગ પેલા થાકેલા ઘોડાને ચાબુક ફટકારવા જેટલો જ હીંસક અને મુર્ખાઈભર્યો પ્રયોગ છે. ભલે એ ‘એપીટાઈઝર’ ઓછું હાનીકારક સોફ્ટ ડ્રીક હોય કે વધુ હાનીકારક વ્હીસ્કી હોય.

 

કૃત્રીમ ભુખ પેદા કરીને પણ માનવીએ તો બસ ખા–ખા કરતા રહેવું છે. જૈનધર્મે જૈનોને જ નહીં; માનવમાત્રને ઉણોદરીનું વ્રત પાળવા અનુરોધ કર્યો છે. મુનીમહારાજોએ ઉણોદરી વ્રતને અહીંસાવ્રતનું એક અંગ ગણ્યું છે. પણ શ્રાવકો એનો અમલ ક્યાં કરે છે ? એટલે જ શુદ્ધ શાકાહારી હોવા છતાં, અહીંસક કોમનાં ભાઈ–બહેનો પણ હૃદયરોગો અને કૅન્સરના રોગોથી પીડાય છે, જેનું એક કારણ ખાઉધરાપણું છે.

 

ડૉ.. હોરેસફ્લેચર નામનો એક અંગ્રેજ તબીબ એક સરળ સુચન આપી ગયો છે, જે પાળવામાં આવે તો આપમેળે અત્યાહારથી બચાય. એ કહેતો કે નક્કર ખોરાક ખાવ તે બત્રીસ વેળા ચાવીને ખાવ. ઘન ખોરાક બરાબર પ્રવાહી બને પછી જ એને ગળા નીચે ઉતરવા દો. છાશ, ફળરસ, સુપ વગેરે પ્રવાહી પીતાં હોય તો એને પણ થોડી માત્રામાં ચુસીને પીઓ, અને થોડો સમય મોંમાં એને જીભથી ફેરવીફેરવીને થુંકનું અમી એની સાથે મળે પછી જ તેને અન્નળીમાં ઉતરવા દો. પેટ દેવ ! તને કે આંતરડાંને દાંત હોતા નથી.

 

જે ખોરાક બરાબર ચવાય નહીં, તે ખોરાક બરાબર પચે નહીં. એ સમજાય એવી વાત છે. બરાબર ચાવીને ધીરેધીરે ખોરાક લેવાય તો, ‘ઉણોદરી’ આપમેળે પાળી શકાય. શાંતીથી ચાવીચાવીને ખાનાર વ્યક્તી ખાઉધરો હોય જ નહીં. મીતાહારી જ હોય. પુજ્ય પેટ ! ‘ખાધેપીધે સુખી’ હોવાને કારણે, તને દુખી કરનારા તારા માલીકો તારી અંદર જેટલો ખોરાક અહર્નીશ નાખતા રહે છે, તેનાથી અડધો જ આરોગે તો, એટલું કરવા માત્રથી, કદાચ એ નીરોગી થઈ જાય ! કેટલાક તો એટલું બધું ઠાંસે છે કે, એનો એક તૃતીયાંશ ભાગ, અને કેટલાક કીસ્સામાં તો એક ચતુર્થાંશ યા ફક્ત એકપંચમાંશ ભાગ પણ એ ખાઉધરાઓને પોષણ આપવા માટે પુરતો થઈ પડે ! ઘણાને રોજની પચ્ચીસ રોટલીની નહીં; પાંચ રોટલીની જ જરુરીયાત હોય છે.

 

વંદના અને વચન …

 

પેટેશ્વર મહારાજ ! તને હું વંદું છું. તું છે તો હું છું. તું છે તો મારા શરીરમાં રક્ત બને છે. તું છે તો હૃદયનો પંપ કામ કરે છે. રક્ત વીના તો શરીરનો કોઈ પણ કોષ, પછી તે હાડકાનો હોય, સ્નાયુનો હોય, મગજનો કે જ્ઞાનતંતુનો હોય, કે હૃદયનો હોય, પોષણ જ ન મેળવી શકે ! અને રક્ત બને તારી અંદર થતી ચયાપચયની પ્રક્રીયાઓને કારણે. મારા વીચારો, વાણી અને વર્તન, ત્રણેને તું પોષે છે. ધંધાકીય સફળતા હોય કે સામાજીક પદ–પ્રતીષ્ઠા, બધું જ તારી મદદથી મને મળ્યું છે. તને કોટી કોટી વંદન કરું છું. પ્રભુ પેટ ! અને તારી પર કોઈ અત્યાચાર હવે હું નહીં કરું એનું વચન આપું છું. હું સાચી ભુખે જ ખાવાનું, ભુખ ન હોય તો ન ખાવાનું અને મીતાહારી બનવાનું તને વચન આપું છું. ‘ભુખ’ શબ્દનો સાચો અર્થ મને સમજાઈ ગયો છે. ‘ભુ’ એટલે ભુમીમાંથી મળતો પદાર્થ જ હું આરોગીશ, અને ‘ખ’ એટલે અવકાશ. તે અવકાશ પેટમાં જળવાય તેનો ખ્યાલ રાખીને જ હું ખાઈશ. જય જઠર ! જય પેટોબા !!

– સ્વ. ડૉ. મહેરવાન ભમગરા …

 

‘આંતરરાષ્ટ્રીય ખ્યાતીપ્રાપ્ત નીસર્ગોપચારક ડૉ. મહેરવાન ભમગરા પ્રદુષીત મુંબઈને છોડીને લોનાવલાની નૈસર્ગીક સમૃદ્ધીને ખોળે આયુષ્યનો નવમો દાયકો ભરપુર પ્રવૃત્તીમાં વ્યસ્ત રહીને ગાળી રહ્યા છે. નીસર્ગ દ્વારા તબીયતને ફુલગુલાબી રાખવાની જીવનશૈલી શીખવી હોય તો બસ એમની પાસેથી જ. ડૉ.. ભમગરાનું સમગ્ર જીવન નીસર્ગમય જીવન જીવવામાં અને નીસર્ગોપચારક તરીકે વરસો સુધી હજારો દર્દીઓને નવી દીશા બતાવનારું રહ્યું છે. જન્મ અલીગઢમાં; પણ શીક્ષણ સુરતમાં. ૧૯૬૦માં મુંબઈમાં મરીનડ્રાઈવ પર નીસર્ગોપચાર ક્લીનીક શરુ કર્યું. ૧૯૭૦થી એ અંગે એમના વીદેશ પ્રવાસ શરુ થયેલા. ૧૯૭૫માં મળેલ અમેરીકન ગ્રીનકાર્ડ ૧૯૮૬માં સસ્નેહ પરત કરી ભારતને જ વહાલું કર્યું. આજે પણ ૮૦ ઉપરના આ સુકલકડી યુવાનને ટટ્ટાર ચાલતા જોઈએ તો કુદરતી જીવનશૈલીને વંદના કરવાનું મન થઈ જાય..ચંદ્ર ખત્રીના આમુખમાંથી..

(ડૉ. ભમગરા સાહેબ લીખીત ‘આપણી અંદરનું બ્રહ્માંડ’ પુસ્તકમાંથી સાભાર.. ૫૭૨ પાનના આ અદ્ભુત ગ્રંથના પ્રકાશક છે : ‘ઉમંગ પબ્લીકેશન’, મણી મેન્શન, વીલ્સન સ્ટ્રીટ, વી.પી.રોડ, મુંબઈ–૪૦૦ ૦૦૪ મુલ્ય : રુપીયા ૩૫૦)

 

બ્લોગ લીંક :http://das.desais.net
email: [email protected]

 

‘પેટોબા’ … આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી ઉત્તમભાઈ ગજ્જર (સુરત) નાં આભારી છીએ. ઉત્તમભાઈ ગુજરાતી સાહિત્ય નાં પ્રસાર અને પ્રચાર માટે અનોખી સેવા કરે છે. ,  ઉત્તમભાઈનો વિશેષ પરિચય માટે નીચે જણાવેલ તેમની  બ્લોગ લીંક ની જરૂર મુલાકાત લેશો.

Uttam & Madhu Gajjar
53-Guraunagar, Varachha Road,
SURAT-395 006 -INDIA
Phone : (0261)255 3591
eMail :  [email protected]m

http://lakhe-gujarat.weebly.com/

‘સન્ડે ઈ–મહેફીલ’ના આવા ૨૫૦ લેખો વાંચવા …

Webpages : https://sites.google.com/site/semahefil/ ની મુલાકત લેવા વીનંતી..

‘સન્ડે ઈ–મહેફીલ’ – વર્ષઃ પહેલું – અંકઃ 038 – February 26, 2006

‘ઉંઝાજોડણી’માં પુનરક્ષરાંકનઃ ઉત્તમ ગજ્જર – [email protected]

 

આજની પોસ્ટ ‘પેટોબા ‘ જો આપને  પસંદ આવી હોઈ તો આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો. ...’દાદીમા ની પોટલી’.


આનંદબ્રહ્મ …

આનંદબ્રહ્મ … 

મિત્રો, ધ્યાન જગતનો પરિચય આપણે ધીરે ધીરે મેળવી રહ્યા છીએ.રોજીંદા જીવનમાં આપણી આજુબાજુ કોઈ  ને કોઈ  પ્રસંગો ઘટતા (બનતા) હોય છે.,  જેમાં કઈ ને કઈ હાસ્ય છુપાયેલું હોય છે, બસ  ફક્ત તે હાસ્ય મેળવવાની   દ્રષ્ટિ   કેળવવાની છે.   હાસ્યની સાથે એ પ્રસંગ ઘણીવાર આપણને કઈ ને કઈ પ્રેરણા આપી જતા હોય છે.

તો ચાલો આજે એક નવી જ રીતે હાસ્ય સાથે  જાણકારી આપતી પોસ્ટને માણીએ…


આવો આપણે જોઈએ કે નીચે રજુ કરેલા જોક્સ મા આપણે શું સાર ગ્રહણ કરીએ જે દુધમાં માખણની જેમ છુપાયેલો છે અને આપણા જીવનમાં અજવાળું પાથરી શકે તેમ છે.

૧.  ટીચર: સાત રીંગણાને દશ લોકો વચ્ચે કેવી રીતે વહેચાશો?
છોકરો માથું ખંજવાળતા બોલ્યો – ઓળો બનાવીને

જોક પાછળનો સંદેશો : બાળક ગણતરીમાં ગૂંચવાયેલો નથી.બાળક ને પ્રેમ ના પ્રસંગો હમેશા યાદ રહે છે, એમાં કઈ શીખવાડવું પડતું નથી,જ્યાં પ્રેમ છે ત્યાં બાળક આપમેળે શીખે છે..બાળક ની નિર્દોષતા આપણને પણ હસાવી રહી છે.ધ્યાન માર્ગને અપનાવનાર પરિવારના જીવનમાં આવા ખેલદિલીના પ્રસંગો રોજીંદા બનતા હોય છે.


૨.  ઘરાક: આ તમે કેવો સાબુ આપ્યો હતો? બધા કપડા સંકોચાઈ ગયા
દુકાનદાર: એવું કરો તમે પણ એ સાબુથી નહિ લો. એટલે તમને કપડા બરાબર આવી જશે.

જોક પાછળનો સંદેશો: જેવી આપણામાં હાજરજવાબીપણાની આવડત હોય તેવી આપણા ઘરાકોને હમેશા પ્રભાવકારી સારી અસર પડે છે.ઘરાકને એવો સચોટ અને સંતોષકારક ઉત્તર આપવાની કળા હોવી જોઈએ કે ઘરક આપણી વસ્તુને વારે વારે ખરીદવાની તલપમા રહે અને એને અમલ મા મુકે.આપણે આપણા બિઝનેસ માટે ઉંચામાં ઉંચો અભિગમ ધરાવવો જોઈએ.પછી ભલે આપણે એમની વાતને ધ્યાનપૂર્વક સાંભળીને એમને સંતોષ થાય એવી વસ્તુ બતાવીએ તો સસ્તું લઇ જવાને બદલે ક્વાલિટી વસ્તુ લઇ જવાની ટેવ પડાવીએ.

૩.  એક તાજું પરણેલું યુગલ હતું. નવદંપતી બંને એકલા જ રહેતા હતા.
એક દિવસ પત્નીએ પોતાના પતિના હાથની બનાવેલી રસોઈની તારીફ કરતા કહ્યું : ‘ શ્યામ ! તમને રાંધતા તો ખરેખર સરસ આવડે છે. હવે હું કદી હોટલમાં જમવા જવાની ઈચ્છા નહિ કરું.તમે જ હંમેશા ઘરમાં રાંધતા રહેજો.’
એટલું કહી પત્નીએ પૂછ્યું – ‘એ તો કહો કે આટલું સરસ રાંધતા તમે તમારી માં પાસેથી શીખ્યા?’
‘માં પાસેથી નહિ મારા પિતા પાસેથી.’ પતિએ કહ્યું.

જોક પાછળનો  સંદેશો: આજના યુગ નો કટાક્ષ તો દેખાય જ છે ,ઉપરાંત ઘરે ઘરે આવા સીન મામુલી થઇ ગયા છે તે દર્શાવ્યું છે.હકીકતમાં વાત સો ટકા સાચી જ જણાવી કે હોટલમાં પણ પુરુષ કારીગર જ બધા માટે ભોજન બનાવતા હોય છે.સ્ત્રી જયારે જમવાનું બનાવે ત્યારે તેમાં એના ભાવ ને રેડતી હોય છે પરંતુ પુરુષ જયારે ભોજન બનાવે તો એમાં સ્વાદ ,રૂપ,રંગ અને પરફેક્ટ થાય તેનું પણ ધ્યાન રાખતા હોય છે.


૪.  ગુજરાતીની પરીક્ષા હતી, તેમાં નીચેના વિષયો પર નિબંધ લખવાનો હતો.
‘આળસ કોને કહેવાય ?’


ટપુ આળસુ વિષય જોઇને હસ્યો અને એ જ વિષય પર નિબંધ લખી નાખ્યો.
વર્ગ શિક્ષક પરીક્ષાની નોટો તપાસવા બેઠા. ટપુની નોયમાં પહેલા બે પાના કોરા હતા. અને તદ્દન નીચે એક લીટી લખી હતી. ‘આને આળસ કહેવાય.’

જોક પાછળનો સંદેશો: અહી એ બાબતનું ધ્યાન દોરવામાં આવ્યું છે કે જેટલું કોઈ વ્યક્તિ પોતાને પુસ્તકના કીડા સમજીને ગોખેલો જવાબ લખે એના કરતા વાસ્તવિકતાનો ચિતાર આપવો હોય તો એની રજુઆતમાં કળા કૌશલ્ય હોવું જરુરી છે.જેમ જેમ વ્યક્તિ ધ્યાન ને પોતાના જીવન મા અપનાવતો થઇ જાય તો આવી કળા અને જ્ઞાન સાથે ગમ્મત સહજ સુજે છે.

 

બ્લોગ લીંક : http://das.desais.net
email: [email protected]

 

ડૉ. ઝરણાબેન દ્વારા આજની હાસ્યની પોસ્ટ આપની સમક્ષ એક અલગ જ અંદાજથી મોકલવા માટે નમ્ર પ્રયાસ કરવામાં આવેલ છે, આશા રાખીએ છીએ કે આજની પોસ્ટ આપને પસંદ આવી હોય તો,  આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટ પર મૂકી આભારી કરશો., આપના પ્રતિભાવ અમારા માટે માર્ગદર્શક અને પ્રેરણાદાયી બની રહેશે. ‘દાદીમા ની પોટલી’ પર આજની પોસ્ટ મોકલવા બદલ અમો ડૉ.ઝરણા દોશી નાં અંતરપૂર્વકથી આભારી છીએ. ..

મૈં સુંદર હૂં … (આનંદબ્રહ્મ) …

મૈં સુંદર હૂં …  (આનંદબ્રહ્મ) …

બુધવારની બપોરે – અશોક દવે

 

 

(આજે આપણે એક નવા સાથીદાર વડીલ મિત્ર  અશોક દવેનો પરિચય તેમના  પુત્ર, સમ્રાટ દવેના શબ્દોમાં  મેળવવા કોશિશ કરીશું.  …

જે વ્યક્તિને જગત ‘અશોક દવે’ નામથી ઓળખે છે, જાણે છે, ચાહે છે અને માણે છે એ જ વ્યક્તિને હું પપ્પા કહી શકું છું, એનાથી વધારે ગૌરવવંતુ સદભાગ્ય મારે બીજું કોઈ ન હોઈ શકે.

યસ, અશોક દવે જેમના હાસ્યલેખોથી ગુજરાતીઓ છેલ્લા ૪૧ વર્ષોથી પરિચિત છે, એમની સર્જન પ્રક્રિયાની એક વિશિષ્ટ બાજુ એટલે એમનો સંગીત પ્રત્યેનો પ્રેમઅને  ઊંડી જાણકારી.  ‘બુધવારની બપોર’ અને ‘એનકાઉન્ટર’ દ્વારા પીરસાતું હાસ્ય અને શુક્રવારે જૂની ફિલ્મો અને સંગીત પર આધારિત એમની કોલમ ‘ફિલ્મઈન્ડીયા’ એ એક વિશાળ વાંચકવર્ગ પ્રસ્થાપિત કર્યો છે.  હું અશોક દવેને સૌથી નજીકથી ઓળખાતો હોવાનો દાવો કરી શકું છું, માટે જ એમ કહીશ કે એમની હાસ્યની કોલમો કરતાં પણ વધારે આ ફિલ્મસંગીત તથા જૂના જમાનાની એ નોસ્ટેલજીક (ઘણી અજાણી અને રસપ્રદ) વાતો એક મોટા સિનીયર સિટીજન વર્ગ સુધી પહોંચાડવાનો સંતોષ એમને વધારે છે.  સમાજનો આ વર્ગ કે જેમના મુખ પર હર્ષ કે ખુશી લાવી, એમના ભૂતકાળના મજાના સંસ્મરણો મોકલી આપવવાની એમની આવડત અશોક દવેના પોતાના માટે પણ ખૂબ મૂલ્યવાન છે.

આવી અસાધારણ પ્રતિભા ધરાવાતા અશોક દવેનો આજે આપણે એક સુંદર લેખ માણીશું., ઉપરોક્ત લેખ ‘દાદીમા ની પોટલી’ પર પ્રાપ્ત કરી આપવા બદલ અમારા નેટમિત્ર તેમજ અશોક દવેના મિત્ર શ્રી હેમંતભાઈ જાની (લંડન) ના અમો અંતરપૂર્વકથી આભારી છીએ અને સાથે સાથે અશોક દવે ના પણ હૃદય પૂર્વક આભાર માનીએ છીએ કે તેમણે, આજનો લેખ આપ સર્વે સમક્ષ મૂકવા સહમતિ આપેલ છે.  આશા રાખીએ કે ભવિષ્યમાં પણ તેમની કોલમનો આપણને આજ રીતે લાભ મળી શકે.)

 

ચેહરાનો દેખાવ પરમેશ્વરની મેહરબાની અને આગળની પેઢીઓથી માં-બાપો વડે વપરાતામાલ-સામાન ઉપર આધારિત છે. કોઇ ખૂબસૂરત હોય ને કોઇ સાવ ડામરછાપ, એમાં સિદ્ધિ કે વાંકગૂન્હો એ લોકોનો પોતાનો નથી. ચેહરા ઉપર ઇશ્વરે સારો અને ટકાઉ માલસામાન ફક્ત ૧૯-ટકા જ વાપર્યો હોય, તો માણસ પોતે આજીવન એના ૨૦-ટકા કરી શકવાનો નથી. એક વખત પ્રોડક્ટ બહાર પડી ગઇ, પછી ભગવાને ય એને સુંદર બનાવી શકતો નથી. અને આ તો એકલા મેં જ નહિ, તમે ય જોયું હશે કે, કદરૂપા લોકો બની શકે એટલા પ્રેઝન્ટેબલ રહેવાને બદલે, હોય એનાથી ય વધારે ખરાબ લાગે એવા ચાઇ-જોઇને પ્રયાસો કરતા હોય છે. એમના કપડાં જુઓ, એમના માથાના વાળ જુઓ કે બોલવા-ચાલવાની રીતરસમ જુઓ તો ચોંકી જવાય કે, આની તો ફક્ત લાઇફ-સ્ટાઇલ જ નહિ, આખેઆખી લાઇફ જ બદલાવી નાંખવા જેવી છે. પરમેશ્વરે આને બદલીને કોઈ બીજાને ગોઠવી દેવો જોઇએ, અથવા એની પાસેથી હાલપૂરતો મનુષ્ય-અવતાર રદબાતલ કરીને કામચલાઉ ૨૧-દિવસ માટે કોક્રોચ (વંદો) બનાવી દેવો જોઇએ…તો એ અત્યારે દેખાય છે, એના કરતા વધારે રૂપાળો લાગશે.

આવાઓને યાદ કરી જુઓ. કાળા માણસો કાળા કપડાં વધારે પહેરશે. શું કામ ભ’ઇ ? રંગ ઉઘડે એવા કપડાં પહેરે તો તારી બા ખીજાય છે ? છ મહિનાથી કરેલી હૅર-ડાઇ અડધી પતી હોય, એટલે ઉપર બઘું કાળું-કાળું ને મૂળીયા ધોળાધબ્બ…ને સાલાએ એની ઉપર રેગાડાં ઉતરતું ચકાચક તેલ નાંખ્યું હોય. બીજાને સુગ ચઢે, એવું પોતાનું માથું એ લોકોને જોવું પડતું નથી-આપણે જોવું પડે છે. અકળાઇ એવા જવાય કે, એના ઘેર જઇને એની બાને રીક્ષામાં બેહાડીને અહીં લઇ આઇએ અને પછી આવો તેલવાળો દીકરો માર્કેટમાં મૂકવા બદલે બધા ભેગા થઇને એની બાના ખભે બચકાં ભરી લઈએ… ને ઘેર પાછા જવાનું રીક્ષા-ભાડું ય નહિ આપવાનું…. કોઇ પંખો ચાલુ કરો હવે !

યૂ સી…આપણો વાંધો ઇશ્વરે એને એનાયત કરેલા કાળા રંગ સામે નથી. ખુદ હું ય કોઇ ધોળીયો-ફોળીયો નથી. આપણું કહેવાનું એટલું જ કે – ‘તમારા કાળા રંગમાં વાંક ઇશ્વરનો ય નથી, એ તલ બનાવવા ગયો ને સ્યાહિ ઢોળાઇ ગઇ’

પણ હવે મેં તમારૂં ઘ્યાન દોર્યું છે, એટલે તમારા સર્કલમાં ચૅક કરી લેજો કે, કાળીયાઓ કપડાં ય કાળા પહેરતા હશે. એ પાછો એમનો ફૅવરિટ કલર હોય. બજારમાં હજી એ રંગ ઉઘડ્યો નથી, નહિ તો ઘરમાં આ લોકો સાબુ, ટૂવાલ, ટૂથબ્રશ અને ફૅસ-પાવડર પણ કાળા રંગનો વાપરે. હવે ખીજ તો તમને ય ચઢવી જોઇએ કે, આખા તનબદન પર આ કલર વપરાયા પછી કાળીધબ્બ ડાઇ કરીને ખચાખચ તેલ નાંખેલા વાળ લાંબા રાખે. કિચનનું પ્લૅટફૉર્મ લૂછવા માટે વપરાતું ભીનું પોતું માથે મૂક્યું હોય એવા દ્રષ્યો સમાજને જોવા મળે છે. હમણાં મશહૂર ગાયક હરિહરણને તમે ટીવી પર જોયો હોય તો, પિચ જલ્દી પડશે. સોનુ નિગમ, સંગીતકાર પ્રિતમ, બપ્પી લાહિરી કે હમણાં હમણાંથી શાહરૂખખાનને પણ જુઓ તો ત્રણ દિવસ સુધી સાલું જમવાનું ન ભાવે, એવા ગંદાગોબરા થઇને આવે છે. ત્રણેક આંચકા સાથે આપણને એકાકી નાની આંચકી ય આવે કે, આ લોકો અરીસામાં કદી નહિ જોતા હોય ? ઘરમાં કોઇ બોલતું નહિ હોય ? આવાને તત્તણ-ચચ્ચાર છોકરાઓ કેવી રીતે થયા હશે ? અને પછી જે ઘાણ ઉતર્યો હોય, એની પછી કોઇ મિસાલ નો દઇ શકે !

આની રૂબરૂ મિસાલ જોવી હોય તો મળો અમારા એકોએક કવિ-લેખકોને. બે-ચાર નાનાનાના અપવાદોને બાદ કરતા આ સાહિત્યકારોથી વધારે ગંદાગોબરા તો આદિવાસીઓ ય નથી રહેતા. ભાગ્યે જ કોઇ લેખક-કવિને તમે પગમાં બૂટ પહેરેલો જોયો હશે. કપડાં કધોણીયા અને પોતાનું ગેરકાયદે બાળક જાહેરમાં ઘણા ફખ્રથી બતાવવાનું હોય એમ ખભે બગલથેલો સાલી કઇ કમાણી ઉપર લટકાવે છે, એ ખબર પડે નહિ. જ્યાં જાય ત્યાં એને બગલથેલાની ખરેખર શું જરૂર પડે ? મહીં શું હોય, એ ચિંતાનો  વિષય થઇ ગયો. શ્રાપ એમને આગોતરો ઇશ્વર તરફથી મળ્યો છે કે, શરીર અને દેખાવમાં હવે કાંઇ બતાવવા જેવું રહ્યું ન હોય એટલે ગર્વથી કહેશે, ‘‘હું મારા સાહિત્યથી ઓળખાઉં છું…કપડાંથી નહિ !’’

તારી ભલી થાય ચમના…હવે પછી કપડાંને બદલે તારી કવિતાઓ શરીર પર ચોંટાડીને ફર એટલે હેઠો ધરતી પર આવી જઇશ ! ઉંમર કે દેખાવ ગમે તેવો હોય, સવાલ સુંદર નહિ, પ્રેઝન્ટેબલ લાગવાનો છે, ડીસન્ટ લાગવાનો છે. વાસ્તવિકતા તો એવી છે કે, માથે ગમે તેવા ઝફરીયાં અને કધોણીયા કપડાંને આ લોકોએ પોતાનું આઇડૅન્ટીટી-કાર્ડ બનાવી દીઘું છે…ને સાલું હજી કાંઇ બાકી રહી જતું હોય તેમ ચેહરા ઉપર પર્મૅનૅન્ટ ગંભીરતા રાખવાની. પોતે બીજા કરતા ઘણા જુદા પડે છે, એ બતાવી દેવામાં આખો જન્મારો વેડફી નાંખે છે…જે આપણે જો જો કરવો પડે છે.

ચાલો, પાછા સાહિત્યકારોમાંથી માણસોમાં પાછા આવીએ…મોટા માણસો !…મોટા પેટવાળા માણસો. મોટા પેટવાળાઓને યાદ કરો. પેટ મોટું થઇ ગયું હોય, એની મશ્કરી ન હોય. દયા આવે. પણ એ પછી આવા શરીર ઉપર કપડાં ક્યા શોભે, એટલું નૉલેજ જરૂરી છે. શોખ તો ૠત્વિક રોશન જેવા દેખાવાના ભલે હોય, પણ આવી ભેખડ ઉપર ક્યું કંતાન બંધાય, એનો એને ખ્યાલ હોતો નથી. નાનું છોકરૂં ય સમજે, કે પેટો આટલા મોટી સાઇઝના વાપરવા કાઢ્‌યા હોય, પછી શર્ટને પૅન્ટમાં ઇન્સર્ટ ન કરાય. પેલા સંસ્કૃત શ્લોકમાં કહ્યું છે તેમ, આકાશમાંથી પડેલું પાણી છેવટે તો સાગરમાં જ જાય છે, તેમ સર્વ દેવોને કરેલા પ્રણામો ભગવાન શ્રીકૃષ્ણને થયા ગણાય છે, એ મુજબ….જાડીયાઓએ પહેરેલા શર્ટના તમામ ભાગો નીકળ્યા ગમે તે દિશાઓમાંથી હોય, પણ બધા જતા હોય પાટલૂન તરફ, એવી ચસોચસ કરચલીઓ ખેંચાયેલી દેખાય. આવા આકારો ધારણ કર્યા પછી પેટ એમના કહ્યામાં ન  હોય. સ્કૂલમાંથી ઉઠાડી મૂકેલું બાળક નિરાશ થઇને સ્કૂલના ઝાંપે બેઠું હોય, એમ આનું પેટ શરીરની બહાર જુદૂં રહેતું હોય. એને સ્વતંત્ર મતાધિકાર મળ્યો ન હોય. સાયકલના કૅરિયર પાછળ ખાંડની ગુણી લટકાઇ હોય, એમ આવડો આ હલે એટલી વાર એનું પેટ ઝૂલે. ને તો ય, આવી સુરણની ગાંઠ પૅન્ટમાં શર્ટ ઇન્સર્ટ કર્યા વિના તો ઘરની બહારે ય ન નીકળે. જોયા પછી જીવો આપણા બળે કે, ઘરના ૩-૪ જણાએ ભેગા થઇને આનું શર્ટ દસે દિશાઓથી ખેંચી ખેંચીને એના શરીર ઉપર લપેટ્યું હશે, એ હદે પહેર્યા પછી ચારે બાજુથી ખેંચાતું હોય. જોનારાને ઝટ ખબર ન પડે કે, આમાં શર્ટ ક્યા ભાગથી શરૂ થાય છે ને શરીર ક્યા ભાગથી ! એને એ ખબર ન પડે કે, હવે તારાથી શર્ટ ઇન્સર્ટ ન  કરાય, વાંદરા ! મોટા પેટવાળાઓએ ખુલતા કપડાં પહેરવા જોઇએ ને ? તમે સુઉં કિયો છો ?

ઘણા મોટા પેટવાળાઓને એમના પગ જોવા માટે અરીસો વાપરવો પડતો હશે. પળેપળે ચાલવામાં બૅલેન્સ રાખવું પડતું હોવાથી મોટા પેટવાળાઓ ચરીત્રના ચોખ્ખા હોય. ચાલતા ચાલતા ઘ્યાન ગબડી ન પડાય એનું રાખવું પડતું હોવાથી કોઇને પાછા વળી વળીને મનભર જોઇ શકાતી નથી. પ્રેમમાં પડ્યા પછી પહેલું કામ પ્રેમિકાને ખોળામાં બેસાડવાનું કરવાનું હોય છે…આને પેટ ઉપર બેસાડવી પડે. આ બન્નેનું લવ-ચાઇલ્ડ આવે તો પહેલા એનું પાપી પેટ બહાર આવે…માથું નહિ !

અને છેલ્લે…પોતાના દેખાવની નાની લાગતી બાબતો નીગ્લૅક્ટ કરનારાઓને પણ, એમના પડૉસીઓએ ઘરની બહાર બોલાવીને નવડાવવા-ધોવડાવવા જોઇએ. આ વાંચતી વખતે ખુદ તમે ય ચૅક કરી લો કે, પગના નખ કાપ્યા છે ? આવી તે કેવી આળસ ? કાનના ઝૂમખા લબડતા હોય એને ઘણા પોતાની સૅક્સ-અપીલ ગણતા હોય છે…સાલી ઢેફાંની સૅક્સ-અપીલ ? જોનારાઓને કેવી ચીતરી ચઢે? અનેક સુંદર દેખાતા લોકોના મોંઢામાંથી કેવી બદબૂ આવતી હોય, એમાં પોતે તો ટેવાઈ ગયા હોય, પણ કહેવા ય કોણ જાય કે, તારા મોંઢામાંથી અસહ્ય વાસ  આવે છે. સીધીસાદી વાત છે. કંઇક એવું ખાઘું હોય તો તરત બ્રશ કરી લો, જેથી બીજા હેરાન ન થાય. કાંદા-લસણ નહિ ખાતી પ્રજાતિઓના મોંઢામાંથી વાસ ન મારે, એવું ક્યાંય લખ્યું નથી, પણ એ અવૅરનૅસ રહી નથી.

આ બઘું કહેવાનો એક માત્ર હેતુ માણસોએ ‘નીટ-ઍન્ડ-ક્લીન’ રહેવા પૂરતો છે. તમને મળનારી વ્યક્તિને તમે ગમવા જોઇએ, એ દરેક સંબંધની પૂર્વ શરત છે. તમારો ઇશ્વરે આપેલો દેખાવ બદલી ભલે ન શકો, કમ-સે-કમ એને બગાડો તો નહિ !

લેખ પૂરો થયો ? તો સાંભળી લો, અશોક દવે…. ‘અન્યનું તો એક વાંકુ, આપના અઢાર છે…’

સાભાર: અશોક દવે …

સૌજન્ય લેખ પ્રાપ્તિ : જાની હેમંતકુમાર (યુ કે)

 

(મિત્રો, આપને  જો આ લેખ  પસંદ આવ્યો હોય અને નિર્દોષ  હાસ્ય માણ્યું હોય તો જરૂર આપના પ્રતિભાવ બ્લોગ પોસ્ટના કોમેન્ટ્સ બોક્ષમાં મૂકશો, જે સદા મોને આવકાર્ય રહે છે અને લેખકની કલમને બળ  પૂરે છે… આભાર !)

 

બ્લોગ લીંક: http://das.desais.net

email: [email protected]

ગાંઠીયા પુરાણ …

ગાંઠીયા પુરાણ …

 

 

 

મને સતત એવું લાગ્યા કરે કે, અમારું કાઠિયાવાડ એ માત્ર કાઠિયાવાડ નથી,
એનું બીજું નામ ‘ગાંઠિયાવાડ’ પણ હોવું જોઈએ.

 

ચણાના લોટને અમે લોકો સિમેન્ટ અને સોના કરતાં પણ વધુ મૂલ્યવાન ગણીએ છીએ.

વણેલા અને ફાફડા ગાંઠિયાનો જે મહિમા સૌરાષ્ટ્રની પ્રજાને છે એ કદાચ વિશ્વની કોઈ પ્રજાને નહીં હોય.


અમારે કલાકારોને મન તો ચા અમારી કુળદેવી અને ગાંઠિયા અમારા શૂરાપૂરા.
સાંજ પડયે દોઢ કરોડના ચા-ગાંઠિયા ફાકી જતા અમે બધાય કોઈ પણ ડખાનું સમાધાન
ચા-ગાંઠિયાથી કરીએ છીએ ને વળી કોઈ ચા-ગાંઠિયાનો વિવેક ન કરે તો ડખો પણ કરીએ છીએ.


ડાયરા માં હું કાયમ કહું કે:

 

“ભડકે ઇ ભેંસ નહીં
બેહે ઇ ઘોડો નહીં

ગાંગરે નહીં ઇ ગાય નહીં
જાગે નહીં ઇ કૂતરો નહીં

હસે નહીં ઇ માણાહ નહીં, ને
ગાંઠિયા નખાય ઇ ગુજરાતી નહીં.”

 

મારા ગામમાં ચંદુ નામે એક ભુક્કા કાઢી નાખે એવો ગાંઠિયાવાળો વસે છે.
રોજ રાત્રે અમારા જેવા કેટલાય નિશાચરો અને ભ્રમણ નક્ષત્રમાં જન્મેલા
અતૃપ્ત જીવોની ભૂખને ચંદુના ગાંઠિયાથી મોક્ષ મળે છે.
ઐશ્વર્યાના પોસ્ટર પાસેથી નીકળો અને જેમ એને ટીકી ટીકીને જોવી જ પડે
એવી જ મોહકતા ચંદુના ગાંઠિયામાં છે. એની રેંકડી પાસેથી નીકળો એટલે
ગાંઠિયા ખાવા જ પડે. આ મારી ચેલેન્જ છે અને અનુભવ પણ.

અમારા ઘણાં બધા ઉપવાસ અને એકટાણાં ચંદુની રેંકડી ઉપર શહીદ થયાના દાખલા છે.
વળી ચંદુના ગાંઠિયારથનું નામ ખૂબ મોડર્ન છે, ‘રિલાયન્સ ગાંઠિયા સેન્ટર.’
અને આ ટાઈટલ નીચે ઘાસલેટના ડબ્બા જેવડા અક્ષરે લખ્યું છે કે,
“અમારી બીજી કોઈ શાખા નથી.”

એક રાતે દોઢેક વાગ્યે હું ઝરમર વરસાદમાં મનમાં દોઢસો ગાંઠિયાનો સંકલ્પ કરી ચંદુના રથ ઉપર પહોંચ્યો.

 

ગાંઠિયા બાંધી દીધા પછી ચંદુએ એક અઘરો સવાલ મને પૂછી નાખ્યો કે,

“સાહેબ, અટાણે તમને કોણે મોકલ્યા?”

હું ગળગળો થઈ ગયો. મેં કહ્યું, “ચંદુ, મારી બા તો મને રાતે દસ વાગ્યા પછી બહાર નીકળવાની ના પાડે છે.

તું વિચાર અટાણે મને કોણે ધક્કો માર્યો હશે?

ઘરવાળી સિવાય કોઈની હિંમત છે કે મારી ઉપર આવી સરમુખત્યારશાહી ભોગવે?

 

મેં આટલો ઉત્તર વાળ્યો ત્યાં તો ચંદુની ઘોલરમરચાં જેવી આંખમાં આંસુડાં તગતગવાં માંડયાં.

ગાંઠિયાનો જારો પડતો મૂકીને ઇ મને બાથ ભરી ગ્યો કે’ સાહેબ,
તમે તો મારી દુ:ખતી રગ ઉપર પગ મૂકી દીધો.

હું રોજ રાત્રે દસ વાગ્યે રેંકડી લઈને આવું છું ને
સવારે પાંચ વાગ્યા સુધી આખા ગોંડલ હાટું ગાંઠિયા વણું છું.

મનેય શું મારી બા મોકલતી હશે ?

પછી તો અમે બેય સમદુખિયા એટલું રડયા કે અમારા ગાંઠિયા પલળી ગયા.

 

ગાંઠિયાનો મહિમા અપરંપરા છે. મારા તો એપેન્ડિક્ષના ઓપરેશન વખતે આંતરડાંમાંથી
ડોક્ટરે અડધો કિલો ચણાનો લોટ કાઢયાનુ દાખલા છે.


મારી દૃષ્ટિએ કોમવાદી બનવું એના કરતાં ગાંઠિયાવાદી કે હાસ્યવાદી બનવું સારું.

 

નેસ્ટ્રોડેમસની જેમ મારી આગાહી છે કે,
ગુજરાતમાં ગાંઠિયા જ્યાં સુધી તળાતાં રહેશે ત્યાંસુધી ખવાતાં રહેશે.

 

હું આપું ગામડાં બે-ચાર, દિલ ને મોજ આવે છે,
કે ચંદુ તું વણેલા ગાંઠિયા એવા બનાવે છે.
છે દુર્લભ દેવતાઓને તીખા મરચાં, તીખી ચટણી,
ને કોઈ પુણ્યશાળી આત્મા ભજિયાંને પામે છે.

 

સૌજન્ય : સંકલન … વિજય ધારીઆ ..(શિકાગો) ..

 

આપને ગાંઠીયાપુરાણ  ની આ હળવી – વ્યંગથી ભરેલ કાઠીયાવાડ ની ઓળખ આપતી  પોસ્ટ પસંદ આવી હોય તો આપના પ્રતિભાવ જરૂર કોમેન્ટ્સ બોક્સ દ્વારા અમોને જણાવશો, આપના પ્રતિભાવનું બ્લોગ પોસ્ટ પર સ્વાગત છે.  ફાફડા ગાંઠીયા ઘરે બનાવવા ઈચ્છા રાખતા હો તો તેની રેસિપી પણ આવતા વીકે અહીં બ્લોગ પર જાણીશું … તો બ્લોગ સતત આ વીક જોવાનું ભૂલશો નહી…  આભાર !

બ્લોગ લીંક: http://daas.desais.net
email: [email protected]

(૧) બધાંને એમ છે કે … (રચના)(એન.આર.આઈ. .. ઈન્ડીયન બ્રિટિશ ની વ્યથા) અને (૨) એન.આર. આઈ. દેશી અમેરિકન કવિતા …

(૧) બધાંને એમ છે કે … (એન.આર.આઈ. .. ઈન્ડીયન  બ્રિટિશ  ની વ્યથા)

 

બધાંને એમ છે કે …
કોણ જાણે આ કેવા દેશમાં આવી ગયો છું, બધાંને એમ છે કે હુંફાવી ગયો છું,
અહીં કોઈ કોઈને બોલાવતાં બીવે છે, ને મારા દેશમાં લોકો એકબીજાને જોઈને જીવે છે,
અનહદ ઠંડીમાં લેપટોપ સાથે એકરૂમમાં પુરાઈ ગયો છું, ને બધાંને એમ કે હુંફાવી ગયો છું,
અહીં માણસમાંથી દોસ્ત નીકળી ગયો છે ને ધોળીયાનો સ્વભાવ બધાંને ભર્ખી ગયો છે,
લાગણી વગરના માણસો સાથે ફસાઈ ગયો છું, ને બધાંને એમ કે હું ફાવી ગયો છું,
કોણ જાણે આ કેવા દેશમાં આવી ગયો છું, બધાંને એમ છે કે હું ફાવી ગયો છું,
એક ટાઇમ ખાવ છું, ને ઓફીસ જાઉં છું, માણસમાંથી જાણે મશીન બની ગયો છું,
આઝાદ ભારતમાંથી અહીં આવી ફરી ગુલામ બની ગયો છું, ને બધાંને એમ કે હું ફાવી ગયો છું,
ભગવાન, થોડી જીંદગી બાકી રાખ જે કે મારા દેશમાં મારે જીવવું છે,
ફરી ટોળેવળી પેલા ગલ્લે બેસવું છે, ફરી સેવઉસળ પેટ ભરીને ઠોકવું છે,
બાઈક પર ત્રણ સવારી રખડવું છે, ભગવાન, મારે ફરી મમ્મી નો લાડલો બની જવું છે,
પોતાના લોકોથી છુટો પડી ગયો છું, ને બધાં ને એમ કે હુંફાવીગયો છું,
કોણ જાણે આ કેવા દેશમાં આવી ગયો છું, બધાંને એમ છે કે હું ફાવી ગયો છું, ..


સાભાર : સૌજન્ય પ્રાપ્તિ : હેંમતકુમાર જાની (લંડન)

 

(૨) એન.આર. આઈ. દેશી અમેરિકન કવિતા …

ના ઇન્ડિયા કો ભૂલા સકે …… ના અમેરિકા કો અપના સકે …..બસ….ઇન્ડિયન-અમેરીકાન બન કે ચલતે રહે ….

ના ગુજરાતી કો છોડ સકે ……ના અંગ્રેઝી કો પકડ સકે …દેસી accent મેં ગોરોં કોconfuse કરતે ચલે…..
ના ટરકી કો પકા સકે …ના ગ્રેવિ બના સકે……મુર્ગી કો દમ દે કે thanksgiving મનાતે ચલે ……
ના Christmas ટ્રી લગા સકે ….. ના બચ્ચોં કો સમજા સકે Diwali…..પર Santa બનકે gifts બાંટતે ચલે ….
ના શોર્ટ્સ  પહેન સકે ….ના સલવાર  છોડ  સકે …..jeans પર  કુર્તા ઔર  sneakers ચઢાકે ઇતરાતે ચલે….
ના નાશ્તે મેં donut ખા સકે ….. ના ખીચડી કઢી ભૂલા સકે….પિઝ્ઝા પર મિર્ચી  છીડક  કર  મઝા લેતે રહે ….
ના ભૂલા સકે ગર્મિયો કો ……ના બરફ કો અપના સકે…ખિડકી સે સુરજ  કો દેખે..”beautiful day” કેહેતે રહે ……
અબ જબ આયી  બારી ભારત  જાને કી…તો …હાથ મેં પાની કી બોતલ  લે કર ચલે …..
લેકિન વહાં પર …ના તો ભેલ પૂરી ખા સકેં …. ના તો લસ્સી પી સકેં…..બસ …. પેટ કે દર્દ  સે તડપતે મારે…. હરડે ઔર ઇસબગુલ  ખા ખા કે કામ  ચલાતે રહે ……
ના મચ્છર સે ભાગ  સકે….ના ખુજલી કો રોક સકે …cream લગા લગા કે કામ ચલાતે રહે ….
ના ફકીરો સે બચ  સકે…..ના ડોલર કો છુપા સકે ……નૌકરો સે ભી પીછા છુડા કર ભાગતે રહે ……
ના સંડાસ  પ ર   બૈઠ   સકે….ના કોમોડ  કો ભૂલા સકે….બસ    બીચ  અદ્ધર ઝુકે ઝુકે જૈસે તૈસે કામ  ચલાતે રહે
ના ઇધર કે રહે ના ઉધર કે રહે …..કમ્બકત  ….કહીં કે ના રહે ….
બસ ‘ ABCD ‘ ઔલાદ કો….ઔર  confuse બનાતે ચલે ……
ના ઇધર કે રહે ના ઉધર કે રહે ……. બીચ  અદ્ધર  અટકે રહે……..
સાભાર : રેશ્મા ગૌરી …
સૌજન્ય પ્રાપ્તિ : કાશ્મીરાબેન દેસાઈ  (લંડન)

 

 

તમારે કેવી પત્ની જોઈએ?…

“તમારે કેવી પત્ની જોઈએ?”…

 

 

આમ આ સવાલ સીઘો સાદો છે. પરંતુ એક વખત પરણી ચૂકેલાને લગ્ન જીવનના અનુભવ પછી ફરી જીવનસાથી પસંદ કરવાનો મોકો આપવામાં આવે -?અલબત્ત પુરુષોને જ, અને જો એમને, પૂછવામાં આવે કે ‘તમારે પત્ની કેવી જોઈએ?’ તો મને વિશ્વાસ છે કે પુરુષ જો દંભી હોય તો એનો એક જ જવાબ હોય – ‘હાલ માં છે એવી તો નહીં જ.’

 

અમારો એક મિત્ર બાબુ બેસૂરો મોટી ઉંમર સુઘી કુંવારો રહી ગયેલો. અમે પરણેલા સૌ મિત્રોને એની ઈર્ષા થતી. બાબુ માટે માંગા તો અનેક કન્યાઓના આવેલાં. પણ બાબુ બેસૂરાની એક જ હઠ હતી કે કન્યાને ગાતા આવડવું હોવું જોઈએ.બે -ચાર ઠેકાણે તો હું પણ એની સાથે ગયેલો. બાબુના પિતાશ્રીએ મને એક તરફ બોલાવીને કહેલું “ભાઈ, તું બાબુ ને સમજાવ. જીવનમાં પત્ની ગાવા માટે નહીં, ખાવા માટે (રસોઈ બનાવવા) લાવવાની હોય છે.

 

મેં બાબુને સમજાવવા મારાથી બનતી કોશિશ કરી. ગાઈ ન શકતી પત્ની પતિને સુખી કરી શકે છે એવાં અનેક ઉદાહરણો આપ્યાં પણ બાબુ એકનો બે ન થયો. ઊલટાનું એણે મને સમજાવ્યું “જો દોસ્ત ગીત સંગીત એ ઈશ્વરની બક્ષિસ છે. બેચેન દિલનો દિલાસો છે. પત્ની ગાતી હોય? આપણે સંભળતા હોઈએ એ મધુર ક્ષણને તું શું સમજી શકે?” એનું એવું બોલતાં બોલતાં તો એણે સાયગલે ગાયેલું ગીત ગાવા માંડ્યું.”સો જા રાજકુમારી સો જ….’

 

આમેય સાયગલના અવાજને મારું અજ્ઞાની હદય ઝીલી શકેલું નહીં ત્યાં આ તો બાબુ બેસુરાનો અવાજ! મં એને સમજાવતાં કહ્યું “બાબુ, દોસ્ત, સંગીત પ્રત્યેના તારા સાચા પ્રેમને ખાતર પણ તું આગળ ન ગાઈશ તને જે ગાવામાં શ્રમ પડે છે તે મારાથી સહન થતું નથી.”

 

તો એ મને પાછો મને કહે, “દર… .મારી ગાયકીમાં રહેલું દર્દ તારા હદયને વ્યાકુળ કરી મૂકે છે તે હું સમજી શકું છું. આ તો છે સંગીતની મજા. અને એટલે જ દોસ્ત, હું મારી જીવનસાથી સૂરીલા કંઠવાળી ઈચ્છું છું”. મારા એ દોસ્ત બાબુ સાથે અમે એક કન્યાને ત્યાં પહોચ્યા. કન્યાના માતા પિતા બન્ને શિક્ષક. ઉનાળાનો બપોર એટલે ‘આ જુઓને, ગરમી સખત પડે છે.’ થી વાતની શરૂઆત થઈ. કન્યાના શિક્ષક પિતા ભૂગોળ ભણાવે એટલે સૂર્યનાં કિરણો અને અક્ષાંશ ? રેખાંશનાં માપની ચર્ચા કરતાં કરતાં ભારતનો નકશો લેવા ઊભા થાય. આ બાજુ મારા મિત્ર બાબુ બેસૂરાએ ‘લગી અંગ અંગમે આગ સજનવા સાવન બનકે આઓ ?.’ ની પંક્તિ બે ત્રણ વખત ગળુ ખોંખારતા ગાઈ નાખી. આ બઘાંની વચ્ચે કન્યાની શિક્ષક માતાએ કન્યાના બાલ્યકાળથી ત્રીસ વર્ષની ઉંમર સુઘીના ફોટાઓનું આલબમ બતાવવાનું શરૂ કર્યું. સાથે સાથે દરેક ઉંમરે કન્યાની વિશિષ્ટ લાક્ષણિકતાઓનું વર્ણન શરૂ કર્યું. “જુઓ, આ ત્રણ વર્ષની હતી ત્યારનો ફોટો છે. અમે એને ઘુઘી કહેતા હતા. જોયું ને ! જમણા હાથનો અંગૂઠો તો મોંમાં હોય જ; ગઈ કાલે જ મેં એને કહ્યું હતું; ઘુઘી બેટા, હવે તું મોટી થઈ. કાલ સવારે સાસરે જઈશ. હવે મોંમા અંગૂઠો ન રખાય, બેટા’ આટલું બોલીને કન્યાની મા ખી ખી ખી’ કરીને હસવા માંડી. મારાથી ન રહેવાયું એટલે મે સીઘુ પુછ્યું, “કુમારી ઘુઘી ઘરમાં છે?”

 

“અરે હા? હું તો ભૂલી જ ગઈ. મારુંય બળ્યું આવું છે.” એટલું બોલીને એ ઘુઘીને બોલાવવા અંદર ગયાં. એટલે કન્યાના પિતાએ ફોટાનું આલબમ હાથમાં લેતાં દિલગીરી વ્યક્ત કરતા કહ્યું “ઘુઘીની મમ્મી ભૂલમાં એનું પોતાનું અલબમ લઈ આવી છે પણ કાંઈ નહીં હમણા ઘુઘી આવે જ છે એટલે તમે એને જ જોઈ લેજો ને!”

 

‘ઘુઘી?ઘુઘી’ બાબુ બે ત્રણ વખત ઘુઘીનું નામ બોલ્યો. બબ્બે ઘા સઆથે આવતાં ઘુઘીના નામમાં એને સૂરીલાપણાનો અનુભવ થવા લાગ્યો. એ ઘીમુ ઘીમુ ગણગણવા લાગ્યો. ‘ઘુઘી ઘર બનાયેગી બલમવા ઘુ..ઘુ..ઘુ..ઘુ ગટર ઘુ..ઘુ..ઘુ ગટર ઘુ..ઘુ..ઘુ.’

 

બાબુનું ગટર ઘુ..ઘુ. આગળ ચાલે ત્યાં કન્યાની મા કન્યાનેલઈને આવી. આમ તો હિન્દી ફિલ્મમાં બતાવે છે તેવું જ બન્યું. કન્યા ઘુઘી શરમાઇને નીચું જોઈ એવી રીતે બેઠી કે જાણે બાબુમાં જોવા જેવું કંઈ હોય જ નહીં. થોડીક ક્ષણોના સન્નાટા પછી બાબુ એ જ વાતની શરૂઆત કરી. ‘તમે ભીમસેન જોશી વિષે શું જાણો છો?’ કન્યાને બદલે કન્યાના બાપે જવાબ દીઘો “ભીમસેન જોશી અમારી ન્યાત ના થાય. આ અમારી ઘુઘીની મમ્મીના દૂરના ભાઈ થાય. જામનગરમાં એમની ગાંઠિયાની દુકાન છે. પણ સાચું કહુ એના ગાંઠિયામાં માલ નહીં હો? કપડાં ઘોવાનો સોડા નાંખે છે. એની ચટાકેદાર ચટણી ને કારણે જ એનું ચાલે છે. કાં ઘુઘીની બા?’ કન્યાના પિતાએ કન્યાની મા સામે જોઈ પુછ્યું. કન્યાની મા કઈ જવાબ આપ તે પહેલાં તો બાબુ બેસૂરો ઊભો થઈને બારણાની બહાર નીકળી ગયો. હું પણ કઈ સમજ્યો નહીં. કન્યાના પિતાએ મને પુછ્યું ?”આ આમ કેમ કરે છે?”

 

“આજનો તાપ ઘણો છે ને! એને ઠીક થાશે પછી આવીશું.” એટલું બોલી હુંય બહાર નીકળી ગયો. મેં બાબુને રસ્તામાં પુછ્યું. “અલ્યા આમ એકાએક ભાગી નીકળવાનું કઈ કારણ?”

 

“તને ખબર નથી દોસ્ત, કન્યાના પિતાના જવાબથી મારા કાળજાના ટુકડે ટુકડા થઈ ગયા છે. યાર.. એક શિક્ષકના પરિવારને જાણ નથી કે ભીમસેન જોશી કોણ છે?” બાબુએ મને ગળગળા સાદે મને કહ્યું. જો કે મને પણ ખબર નથી કે આ ભીમસેન જોશી છે કોણ? છતાં મેં ચલાવ્યું, “હા યાર, એક શિક્ષક પરિવારના લોકોને ખબર ન હોય કે ભીમસેન જોશી કોણ છે, તો પછી આ દેશનું થશે શું? મને લાગે છે બાબુ આપણે એ ભીમસેન જોશી પાસે જ તારા જન્માક્ષર બતાવીએ તો કેમ? આવડું મોટું નામ છે તો જ્યોતીષની જાણકારી પણ ખાસ્સી હશે જ ને!”

 

મેં આ વાત કરી પછીના પંદર દિવસ સુઘી બાબુ મારી સાથે નહીં બોલેલો. છેવટે બાબુને ગાયનકળાની ચાહક પત્ની મળી તો ખરી પણ ત્યારે બાબુના કાન કામ કરતા બંઘ થઈ ગયેલા. બાબુની પત્નીના ગાયનનો ભોગ બનેલા પાડોશીઓએ “સંગીત વિરોધ મંડળ” ની રચના કરેલી અને હમણાં બાબુના ઘર સામે એ બધાં ધારણાં કરે છે.

 

હું ધોરણ નવમાં ભણતો હતો ત્યારે અમારે સંસ્કૃતમાં એક શ્લોક ભણાવવામાં આવતો હતો. એ શ્લોકમાં પત્ની કેવી હોવી જોઈએ તેનું વર્ણન હતું. અમારે એ શ્લોક અનુવાદને કારણે અગત્યનો હતો. એમાં પત્ની ભોજન સમયે માતા જેવા વત્સલભાવવાળી, જીવનકારોભારમાં માર્ગદર્શક મંત્રી જેવી, જીવનસંગિની તરીકે રંભા જેવી અત્યંત સુંદર અને સેવા કરવામાં દાસી વગેરે લક્ષણો દર્શાવેલાં હતાં. હું પરીક્ષાના દિવસોમાં આ શ્લોકનો અનુવાદ ગોખતો હતો. ત્યાં અમારી બાજુવાળા કૃપાશંકર કાકા સાંભળી ગયા. એમણે મને પૂછ્યું, ‘અલ્યા આ શું ગોખે છે?’

 

“કાકા, આ પત્નીના વિશિષ્ટ લક્ષણોવાળા શ્ર્લોકનો અનુવાદ ગોખું છું.”

 

“ક્યો શ્લોક છે! પેલો કાર્યેષુ મંત્રી, ભોજ્યેષુ માતા, શયનેષુ રંભા, .. એ જ છે ને?”

 

“હા, કાકા.”

 

“સાવ ખોટો શ્લોક છે.”

 

“કેમ?”

 

“કેમ શું? આ તારી કાકીને તો તું રોજ જોવે છે ને?”

 

“હા.”

 

“આમાનું એકેય લક્ષણ દેખાય છે એનામાં?”

 

“એટલે?”

 

“એટલે શું? જો સાચો શ્લોક આ પ્રમાણે છે.” એટલે કૃપાશંકરકાકા એ સ્વરચિત શ્લોક સંભળાવ્યો.

 

“સ્વરૂપેશુ વાઘણ, ઝઘડેશુ ચંડી,

 

ઊંઘેશુ કુંભકર્ણ, જીભેશુ તલવાર,

 

રસોડેશુ આળસુ, હોટલેશુ હોશિયાર,

 

સાડીએશુ ભૂખી, ખિસ્સેશુ કાતર”

 

કૃપાશંકરકાકા શ્ર્લોક આગળ ચલાવે ત્યાં તો, “કહું છું ક્યાં ટળ્યા પાછા?”

 

કાકીનો કાન ફાડી નાખે એવો અવાજ સાંભળી કૃપાશંકરકાકા શ્લોક અડધો મૂકીને જ દોડી ગયા.

 

આ બધા મિત્રોને એમના જીવન માં ફરી એક વખત પરણવાનો (એ અંગે ફક્ત વિચાર કરવાનો પણ) મોકો આપવામાં આવે અને પૂછવામાં આવે કે, ‘તમારે પત્ની કેવી જોઈએ ?’

 

તમે એનો શો જવાબ ધારો છો?

 

{શ્રી વિનોદભાઈ જાની ગુજરાતી ભાષાના ઉત્તમ નાટ્યલેખક, હાસ્યલેખક અને શિક્ષક. તેમના હાસ્યલેખોમાં ખૂબ સામાન્ય પ્રસંગોમાંથી તારવેલું અસામાન્ય હાસ્યતત્વ જોવા અચૂક મળે છે. પ્રસ્તુત હાસ્યલેખ પણ તેમની આ હથોટીનો પુરાવો છે. પરણેલાઓને જો બીજી વખત પત્નિ પસંદ કરવાનો અવસર આપવામાં આવે તો તમારે કેવી પત્ની જોઈએ એવા વિષય પર તેમણે ખૂબ હાસ્યસભર લેખ આપ્યો છે.

 

પુસ્તક -હાસ્ય નિબંધ સંચય; સંપાદકો ભોળાભાઈ પટેલ અને રતિલાલ બોરીસાગર માંથી સાભાર.

 

 

સાભારઃ http://AksharNaad.com

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

બારમાનું તેરમું !…(હાસ્ય લેખ..)

બારમાનું તેરમું !… (હાસ્ય લેખ) …

[આગામી માસમાં બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે એને અનુલક્ષીને પ્રસ્તુત છે એક હાસ્ય લેખ, ‘હાસ્યમ શરણમ’ પુસ્તકમાંથી સાભાર. ડૉ. નલિનીબેન (અમદાવાદ) વ્યવસાયે આયુર્વેદિક ડૉક્ટર છે અને અમદાવાદની આર્યુવેદિક કૉલેજમાં લેકચરર તરીકે ફરજ બજાવી રહ્યા છે.]

 

 exam

કૉમર્સ બાપના દીકરાવ પડોશીના પાપે અને સગાવહાલાંઓના શાપે બાર સાયન્સમાં આવ્યા હોય એવું અ-સામાજિક વર્તન પડોશીઓ અને સગાસંબંધી સાથે કરે છે. ?બારૂ? (બારમાનો વિદ્યાર્થી) અને તેનું કુટુંબકબીલું સમાજથી દૂર અને સ્વભાવે ક્રૂર થઈ જાય છે. પોતે તો કોઈના ઘેર જતા નથી અને કોઈને પોતાના ઘેર આવવા માટે ધૂમ્રપાનની મનાઈ કરતાંય સખત મનાઈ ફરમાવી દે છે. રસ્તામાં સામા મળે તો સ્માઈલ પણ ન આપે. મસ્તીમજાકમાં તો રીતસરનું બ્રહ્મચર્ય પાળે ! એની મુલાકાત સમયે આપણો ચહેરોય ચીમળાઈ જવો જોઈએ એવો એમનો આગ્રહ હોય છે. જ્યારે મળે ત્યારે તમારે સહાનુભૂતિ અવશ્યમેવ બતાવવી પડે, નહીં તો એ આપણને અ-સામાજિક જાહેર કરી દે. જો કે આપણે ત્યાં ‘બારમું’ હોય ત્યારે એ લોકોય સુંદર વ્યવહારિક અભિનય કરતા હોય છે.

 

અમારા કોઈ જ વાંકગુના કે ઈરાદા વગર ગઈસાલ અમારો એક બાબો દસમામાં અને બીજો બારમામાં હતો. એમાં 67% જનમત આઘાત અને 33% જનમત સહાનુભૂતિ ધરાવતો હતો. લે, તમારે તો આ વખતે બેય બોર્ડ ! એવા લહેકાથી બોલે જાણે આપણે માથે બે સુંદર શીંગડાં ઊગી નીકળ્યાં હોય ! અને 33 ટકાવાળા લોકો એ જ વાક્ય કંઈક એવા લહેકાથી બોલે જાણે આપણને બેય શીંગડાંમાં ગ્લેમરસ ગૂમડાં ફૂટી નીકળ્યાં હોય?.! પાછું ઉમેરે, ‘સારું પ્લાનિંગ કર્યું કહેવાય !’ એલા મૂળચંદ, અમને તો અમારા છોકરાંવ દસમા-બારમામાં આવ્યાં એના આગલા દિવસ સુધી એ કયામતની જાણ નહોતી કે આ બંને બોર્ડમાં આવ્યાં, તે પંદર-સત્તર વર્ષ પહેલાં ક્યાંથી પ્લાનિંગ કર્યું હોય ? એક તો આપણા દીકરાઓ આંય સુધી પહોંચ્યા એના આશ્ચર્યમાંથી આપણે ઊંચા આવતાં ન હોઈએ ને એમાં આ લોકોનાં આઘાત અને સહાનુભૂતિઓ સહન કરવાની ! એક બહેન તો હૉસ્પિટલના આઈ.સી.સી.યુ. વોર્ડમાં ખબર કાઢવા આવતાં હોય એટલી ગંભીરતાથી ‘બ્લેક-બોર્ડ’ જેવું મોઢું કરીને કાયમ અમને યાદ કરાવે, ‘તમારે તો ભઈસાબ’, આ વખતે બબ્બે બોર્ડ નહીં ? છોકરાઓનું આ દસમું-બારમું તો’. હારું કરજો’..’ ભગવાન !’ આ બહેન જો સફેદ સાડીમાં સજ્જ થઈને બોલતાં હોય તો આપણું હૃદય બોંતેર બોંતેર ધબકાર એકસામટા ચૂકી જાય?..! મારી સ્થિતિ તો ટ્વીન્સની જચ્ચા (નવોદિત મા) જેવી થઈ જતી. નાચવું કે રડવું એ ખબર ન પડે ! ટ્વીન્સની માતા પાસે આપણે હરખ કરીએ કે ?સારું થયું, તમારે એક ખાટલે બે પારણાં !’ તો કહેશે કે ‘ ‘શું સારું ? હેરાન-હેરાન થઈ જવાય છે !’ અને કહીએ એકસાથે બે બાળકો એટલે તકલીફ પડે, નહીં ‘?તો કહેશે ‘ ‘ના’ રે, એક ઘામાં (સિઝેરીયનથી) પતી ગ્યું ને?..!’

 

બારમાનો વિદ્યાર્થી એટલે આઈ.સી.સી.યુ. પેશન્ટ, એનો સમય ન બગાડાય. એ સામેથી આવતો હોય તો એને જ એમ્બ્યુલન્સ સમજી આપણી મોટરકાર રોન્ગ સાઈડે લઈ જઈનેય એને માર્ગ કરી આપવો પડે, કારણ કે એ દસમા ધોરણ સુધી પણ દીવાલ ચડીને પહોંચ્યો હોય. બારમામાં પહોંચતાં પહોંચતાં તો એ ખુદ ‘બારમું’ સ્વરૂપ થઈ જાય છે. આવા બાળમોવાળા જેવા સુંવાળા સંતાનોના ‘દસમા’ ‘બારમા’ માટે વહાલી મા અને ‘વાલી’ ?પિતા જવાબદાર હોય છે. સાઠ ટકાના સંતાનને દસમાં ધોરણમાં ભૂલથી સત્યોતેર ટકા આવવાથી બળાત્કાર સ્વરૂપે એને સાયન્સમાં ધકેલવામાં આવે છે અને પછી શરૂ થાય છે દે ધનાધન’..ટ્રેજેડી’..!

 

દસમું તો સગાઈ જેવું સહેલું છે. સગાઈમાં ખાસ કાંઈ કરવાનું હોતું નથી. ઝાડ ફરતે ફેર-ફુદરડી ફરીને લોકગીત ગાવાનાં હોય છે. લબૂસ અને લોથપોથ થઈ જવાનો વારો લગ્ન અને લગ્ન પછી આવે છે ! અખિલ બ્રહ્માંડમાં બે પ્રકારનું ‘બારમું’ પ્રસિદ્ધ છે. એક વિદ્યાર્થીનું અને બીજું મનુષ્યજાતિનું ! આ પ્રકાર જ સૂચવે છે કે, ‘બારૂ’ (બારમાનો વિદ્યાર્થી) મનુષ્યમાં ગણાતો નથી. કારણ કે, બારૂ ઍન્ડ પરિવારનાં વાણી, વર્તન, વ્યવહાર મનુષ્યેતર જાતિ જેવા થઈ જાય છે.

 

બાબો બારમામાં આવે એટલે 144ને બદલે 288ની કલમ લાગુ પાડી દે છે. બારૂની આજુબાજુ બેથી વધુ માણસ ભેગાં થઈને વાત તો શું ગુપસુપ પણ ન કરી શકે ! વાત કરનારને પાસ-હત્યાનું પાપ લાગે ! ‘બારૂ’ને સાવ ‘બારમા’ જેવો કરી નાંખવામાં વાલીઓ (લૂંટારો) જવાબદાર છે. ગરોળી જીવડાંને જોઈ તરાપ મારે એમ બારૂને દીઠો નથી કે ઘૂરકે ? ‘વાંચવા બેસ, વાંચવા બેસ, નહીં તો અમારું બારમું થઈ જશે?..’ આપણે ત્યાં સ્વર્ગસ્થ સ્વજનનો શોક બાર દિવસ ચાલે, આને ત્યાં બારમાનો શોક બાર મહિના ચાલે ! અને લાડુ ફેઈસ ધરાવતા ફેમિલીનું મોં ઘી વગરની લોચા લાપસી જેવું થઈ જાય છે. ટી.વી. તો છાપામાં વીંટીને માળિયે ચડાવી દે. મોળાકત (ગોર્યો) હોય એમ વાલી કહે એટલું અને એવું જ ખાવાનું. સૂચના પ્રમાણે જ જાગરણ કરવાનું અને તેઓ કહે એટલું જ ઊઠવાનું. એ ઊઠે એટલે પીઠ પાછળ ઓશીકું મૂકી દે, પછી ટેડીબેર ગોઠવતા હોય એમ બારૂને ઓશીકાના ટેકે બેસાડે. એ જ પોઝિશનમાં વાંચવાનું. જોક તો કહેવાનીયે નહીં અને સાંભળવાનીયે નહીં. કહેશે …ડફોળ, બારમામાં છે ને હસે છે?.?’ બારમું મજ્જાનું નહીં સજ્જાનું વરસ છે. ‘વૅકેશનમાં હસજો’.. બિચારાને નજરકેદમાં રાખી સંન્યાસી જેવો કરી નાંખે ! સ્પેશ્યલ કેરના નામે કાળો કેર વર્તાવે ! આ દીકરો સમય જતાં પોતાના પગભેર થાય એટલે પહેલું કામ એના બાપને ખાટલા સોતો ઘરડાંઘરમાં મૂકી આવવાનું કરે ! આવા વાલી એક વર્ષ પૂરતાં જો ‘વિદેશગમન’ થઈ જાય તો એંસી ટકાવાળાને નેવું ટકા આવે અને નપાસિયું પાસ થઈ જાય એની હું ભૂતપૂર્વ બારૂવાલી તરીકે ખાતરી આપું છું. પણ વિદેશગમન તો બાજુ પર રહ્યું, આ તો ગાંઠની રજા લઈને ઑફિસગમન પણ રદ કરી દે છે.

 

આમ બિચારાની વરસી જેવું વરસ પૂરું થાય પછી યોદ્ધાને ટીંગાટોળી કરીને પરીક્ષા આપવા સેન્ટર પર લઈ જાય. પેલો છેક અંદર પહોંચી જાય ત્યાં સુધી સલાહ આપ-આપ કરે. અને બીકનો માર્યો બારૂ બાપની સલાહ યાદ રાખવામાં બે સવાલ આખ્ખા ભૂલી જાય. પેપર છ વાગ્યે પૂરું થતું હોય તોય સ્કૂલના જાળીવાળા બંધ દરવાજાની બહાર સાડાપાંચ વાગ્યાથી બગલાની જેમ ઊંચી ડોક અને ઊંચી પાની કરીને ટીંગાઈ જાય અને પ્રથમ કિરણ જેવા પાટવી કુંવર દેખાય એટલે જાણે કે અવકાશયાનમાંથી એનો કલ્પન કે કલ્પના ચાવલા ઊતરતાં હોય એમ દૂરથી દેખાય કે તુરત જ સોનિયા ગાંધીની જેમ હાથ ઊંચો કરે. પેલો બહાર આવે એટલે તરત જ પૂછે ‘ ‘સિંહ કે સસલું ‘.. વર્ષ દરમિયાન ટીચી-ટીચીને પોતે જ એને સસલું બનાવી દીધો હોય અને રિઝલ્ટ સિંહ જેવું જોઈએ ! બારૂ જો, ‘પેપર સરસ ગયું’ એમ કહે તો શંકા કરે ! ખરાબ ગયું એમ કહે તો બઠ્ઠો તરત સાચું માની લે’.!

 

બારમાની પરીક્ષા શરૂ થાય એ પહેલાં બાપ ભગવાનને પ્રાર્થના કરતો હોય કે બોર્ડમાં નંબર આવે એવું કરજો ! પરીક્ષા ચાલુ થાય અને એકાદ પેપર બગડે એટલે 90 ટકા અને મેડિકલમાં એડમિશન મળી જાય એવી ભગવાન પાસે ડિમાન્ડ મૂકે. પરીક્ષા પતી જાય પછી અફવા સાંભળે કે બોર્ડનું રિઝલ્ટ આ વખતે બહુ નીચું છે (36 ટકા જ છે) એટલે ભગવાનને કહેશે કે આપણા 85 ટકા રાખજો. રિઝલ્ટના આગલા દિવસે તો ભિખારી જેવો થઈ જાય. એકાદમાં ઊડી ન જાય એ જોજો ભગવાન ! ભગવાન જાણે એનો ફેમિલી દરજી હોય એમ પહેલાં આખી બાંય, પછી પોણિયા બાંય, પછી અડધી બાંય અને પછી સ્લીવલેસનો ઑર્ડર આપે !

 

બારમામાં હવે તો ઈમ્પોર્ટેડ ‘બેસ્ટ લક’ મળે છે તોપણ ધારી સફળતા નથી મળતી. ક્યારેક તો આ બુકીઓ (બેસ્ટ લકીયાઓ)ને કારણે સમય બગડવાથી જ બે ટકા ઓછા થાય છે. આ રિવાજની ટીકા કરનારાઓ જ કર્ટસી કરવા પહેલાં દોડી જાય છે. સારું છે કે બધા પેપરનાં બેસ્ટ લક સામટાં કહી દે છે. રોજ રોજના બેસ્ટ લક કહેવા જતા હોત તો બિચારા બારૂઓના સ્કોર સાડત્રીસ ટકાથી આગળ વધત નહીં. અને અત્યારે તો મુનીમના દીકરાનેય મેડિકલ સિવાય મોક્ષ ન દેખાતો હોય એટલે 90 ટકાથી ઓછું ચાલે નહીં અને 80 ટકાથી વધુ આવે નહીં. આવા 80 ટકાવાળાઓને મેડિકલમાં ચાન્સ મળે નહીં ને ડિપ્લોમા કરવામાં ડીગ્નીટી હર્ટ થાય ! અને બારમાના બેય બગડ્યા જેવી સ્થિતિ થાય એના કરતાં દસમા પછી ડાહ્યો થઈને ડિપ્લોમામાં ગયેલો સંસારી સારો.

 

બેય પ્રકારના બારમા વચ્ચે બે આંખ જેટલું સામ્ય છે. નાકની લીટી જેવો એક તફાવત એ છે કે માણસમાં કાણમોંકાણ પછી બારમું હોય અને વિદ્યાર્થીના બારમા પછી કાણમોંકાણ ચાલુ થાય. બાકી માણસના બારમા પછી જીવની દિશા અનિશ્ચિત એમ વિદ્યાર્થીની બારમા પછી જીવનની દિશા અનિશ્ચિત ! માણસ જીવતેજીવ ધારે એ કરી શકે, મર્યા પછી ઈશ્વરાધીન ! એકથી બાર ધોરણમાં જીવ સ્કૂલમાં જ ફરતો હોય અને બારમા પછી જીવ એડમિશન પ્રક્રિયામાં ભટકતો ભટકતો મેડિકલ, એન્જિનિયરિંગ કે પોલિટેકનિકમાં સ્થાયી થાય?!

 

બારૂઓ, તલવાર હોય તો જરૂર મહાભારતના યુદ્ધમાં જાવ, પણ ટાંકણી લઈને યુદ્ધ કરવા ન દોડો. ‘મેડિકલ સબ કુછ નહીં જિંદગી કે લિયે.’ આમેય મેડિકલમાં દસ વરસ સુધી સમય, બુદ્ધિ, હળવાશ અને પૈસાની ફિક્સ ડિપોઝિટ કરવા કરતાં અહમ, શરમ અને સંકોચ છોડીને પાણીપૂરી કે ચાની લારી ચાલુ કરી દો તો દસ વર્ષની કમાણીથી ડૉ. માઈકલની જેમ સપરિવાર એ.સી. છકડામાં વિશ્વપ્રવાસે નીકળી શકો. ઈતિ સિદ્ધમ’..

 

 

http://www.gurjardesh.com

 

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email: [email protected]

 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલા આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.