કુરાન અને ભગવદ્ ગીતા બંને મને પસંદ છે : મરિયમ (કભી કભી) ….

કુરાન અને ભગવદ્ ગીતા બંને મને પસંદ છે : મરિયમ (કભી કભી) ….

 

 

mariyam geeta

મરિયમ આસિફ સિદ્દકી.

તે એક મુસ્લિમ બાળા છે.

મુસ્લિમ પરિવારમાં જન્મી છે. તેને બચપણથી જ પ્રેમ અને શાંતિના પાઠ ભણાવવામાં આવ્યા હતા. તેના પિતા પત્રકાર હોઈ તેમને પુત્રીને શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં કોઈ કસર બાકી રાખી નહોતી, નાનકડી મરિયમને પણ ભણવાનો, વાંચવાનો જબરદસ્ત શોખ હતો. તેના હાથમાં જે પુસ્તકો આવે તે વાંચી નાંખતી. સ્કૂલના પાઠયપુસ્તકો ઉપરાંત ઘરમાં આવતાં સામયિકો અને સાહિત્ય પુસ્તકો પણ વાંચતી.

મરિયમે પાંચ વર્ષની વયે જ મમ્મી-પપ્પાની સાથે દિવ્ય કુરાન વાંચવા માંડયું. શરૂ શરૂમાં કેટલુંક સમજમાં ના પણ આવતું. એને ના સમજાય ત્યારે તો તેનો અર્થ પપ્પાને પૂછી લેતી. મરિયમ સ્કૂલમાં તેના ક્લાસમાં હંમેશાં પ્રથમ નંબરે રહેતી, પરંતુ કેટલાક દિવસો બાદ એવી કેટલીક બાબતો ધ્યાનમાં આવતા તેના પિતા ચિંતિત થઈ ગયા. એ વખતે તે નવ વર્ષની હતી. એક દિવસે મરિયમે તેના પિતાને પૂછયું : ”પપ્પા, મારા ક્લાસમાં મોટા ભાગે હિંદુ છોકરાઓ જ કેમ છે?”

મરિયમના આ પ્રશ્નથી તેના પિતા વિચારમાં પડી ગયા. તેમણે વિચાર્યું કે, મરિયમ હજુ નાની છે અને ધર્મની બાબતમાં તેના મનમાં કોઈ સંશય હોવો ના જોઈએ. એ જ દિવસે તેમણે પોતાની દીકરીને બીજા ધર્મોની બાબતમાં પણ શિક્ષણ આપવાનું વિચાર્યું.

મરિયમ આમ તો રોજ કુરાન પઢતી હતી પરંતુ તેના પપ્પાએ બીજા ધાર્મિક ગ્રંથો જેવા કે બાઈબલ, ગીતા અને ગુરુ ગ્રંથ સાહેબ પણ લાવીને તેને આપ્યા. તેઓ ચાહતા હતા કે બાળકી બીજા ધર્મોનું પણ જ્ઞાાન લે, જેથી તે મોટી થાય ત્યારે સમાજના અન્ય લોકો સાથે હળવા-મળવામાં કોઈ મુશ્કેલી ના આવે. એ પછી મરિયમ હવે ગીતા વાંચવા લાગી.

શ્રીમદ ભગવદ્ ગીતાના કેટલાક શ્લોક સમજવામાં તેને મુશ્કેલી પડવા લાગી તો તેણે ગીતાના અંગ્રેજી અનુવાદનો સહારો લીધો. ગીતાના સંદેશથી તે પ્રભાવિત થઈ. ગીતા ઉપરાંત તે બાઈબલ પણ વાંચવા લાગી. કુર્આન ઉપરાંત તે ગીતા તથા બાઈબલ પણ વાંચતી હોઈ સ્કૂલમાં તથા મહોલ્લામાં તેની ચર્ચા થવા લાગી. બધાંને આશ્ચર્ય એ વાતનું હતું કે, સ્કૂલના અભ્યાસ ઉપરાંત મરિયમને ધાર્મિક ગ્રંથો વાંચવાનો સમય કેવી રીતે મળે છે?

મરિયમ કહે છે : ‘કેટલાક ધાર્મિક ગ્રંથો વાંચ્યા બાદ માલૂમ પડે છે કે, દરેક ધર્મ, પ્રેમ અને અહિંસાની શીખ જ આપે છે. માનવતાથી વધુ મોટો કોઈ ધર્મ નથી. એક પણ ધર્મ બીજાઓ પ્રત્યે નફરત કરવાની રજા આપતો નથી. અગર લોકો પોતે ધર્મના છે તે ધર્મના ગ્રંથ ઉપરાંત બીજા ધર્મોના ગ્રંથોનો અભ્યાસ કરે તો દુનિયામાં ધાર્મિક નફરતનું નામોનિશાન નહીં રહે?’

માત્ર ૧૨ વર્ષની વયની મરિયમ મુંબઈની કોસ્મોપોલિટન સ્કૂલના છઠ્ઠા ધોરણમાં ભણે છે. તેને ઉર્દૂ, હિંદી, અંગ્રેજી અને સંસ્કૃતમાં સારી સમજ છે. તે જેટલી શ્રદ્ધાથી કુર્આનની આયાતો પઢે છે એટલી જ સહજતાથી ગીતાના શ્લોક પણ બોલી શકે છે. થોડા સમય પહેલાં તેની સ્કૂલમાં એક ઘોષણા કરવામાં આવી કે ભગવદ્ ગીતા ચેમ્પિયનશીપ માટે એક સ્પર્ધા યોજાશે. તેમાં ભાગ લેવો ફરજિયાત નથી પરંતુ જેની ઈચ્છા હોય તે નામ નોંધાવી શકે છે. મરિયમને આ સ્પર્ધાની ખબર પડતાં જ તે ખુશ થઈ ગઈ. ગીતા તેની પસંદગીનું ધાર્મિક પુસ્તક હતું.

ઘેર આવીને તેણે તેના પપ્પાને કહ્યું: ‘ પાપા, હું શ્રીમદ્ ભગવદ્ ગીતા ચેમ્પિયનશીપની સ્પર્ધામાં ભાગ લેવા માંગું છું ?

તેના પપ્પાએ કહ્યું : ‘બેટા, તને લાગતું હોય કે તું ગીતા સમજે છે તો તું અવશ્ય તે સ્પર્ધામાં ભાગ લે.’

આ સ્પર્ધા ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિશ્ના કોન્સિયસનેસ (ઈસ્કોન) દ્વારા આયોજિત હતી. તેમાં છઠ્ઠા ધોરણથી દસમા સુધીનાં પાંચ હજાર બાળકોએ ભાગ લીધો. તૈયારી માટે સંસ્થા તરફથી બાળકોને ‘ગીતા’ સંબંધી પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા. મરિયમે એ તમામ પુસ્તકોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કર્યો. સ્પર્ધા મુશ્કેલ હતી. શ્રીમદ્ ભગવદ્ ગીતા આમેય એક ગહન ગ્રંથ છે. મરિયમ કહે છેઃ ‘આ સ્પર્ધા માટે મને મારા ટીચરે બહુ જ મદદ કરી. મેં સંસ્કૃતના શ્લોકો યાદ કર્યા. મારા ટીચરે અઘરા શ્લોકોનો અર્થ સરળ શબ્દોમાં સમજાવ્યો. મને લાગ્યું કે મહાભારતના યુદ્ધ વખતે ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે જે સંવાદ થયો હતો તેમાં જીવનનો સાર છુપાયેલો છે.’

કલાસ ટીચર સપના બ્રહ્માંડકર કહે છેઃ ‘મરિયમ ભણવામાં ખૂબ હોશિયાર છે જ્યારે ગીતા ચેમ્પિયનશીપની સ્પર્ધા આવી ત્યારે તેણે ખૂબ પરિશ્રમપૂર્વક અભ્યાસ કર્યો. તે અત્યંત શિસ્તબદ્ધ બાળકી છે અને તેની પર નાજ છે.’

મરિયમે ગીતા ચેમ્પિયનશીપમાં ઉત્સાહભેર ભાગ લીધો અને પરિણામ આવ્યું ત્યારે બધા જ આશ્ચર્યચક્તિ થઈ ગયા. મરિયમ તમામ બાળકોમાં પ્રથમ નંબરે આવી. તેને ૧૦૦માંથી ૧૦૦ માર્કસ મળ્યા. મરિયમના ચહેરા પર ખુશી હતી. તે કહે છેઃ ‘મેં ગીતાનું અધ્યયન એટલા માટે નહોતું કર્યું કે હું ચેમ્પિયનશીપ જીતું. પણ મેં ગીતા એટલા માટે વાંચી કે હું તેને સમજી શકું અને તેના સંદેશને જીવનમાં ઉતારી શકું.’

એ પછી મરિયમ આસિફ સિદ્દકી આખા દેશમાં ‘ગીતા ચેમ્પિયન’ના નામે મશહૂર થઈ ગઈ. મહારાષ્ટ્રની વિધાનસભામાં તેને સન્માનિત કરવામાં આવી. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મરિયમને પોતાના કાર્યાલયમાં બોલાવી તેનું સન્માન કર્યું.

મરિયમ કહે છે : ‘હું જે કાંઈ કરી શકી છું તે મારા મમ્મી-પપ્પાના કારણે કરી શકી છું. અમે ઘરમાં ચાર ભાઈ-બહેન છીએ. અમને બધાંને એ જ શીખવવામાં આવ્યું છે કે, આપણે બધાએ બીજા ધર્મોનું પણ સન્માન કરવું જોઈએ.’

મરિયમને શેર-શાયરીનો પણ શોખ છે. એક મશહૂર શાયરની પંક્તિઓ સંભળાવતા તે કહે છેઃ ‘મેં અમન પસંદ હૂં મેરે શહેર મેં દંગા રહેને દો, મત બાંટો મુઝે લાલ ઔર હરે રંગ મેં, મેરી છત પે ત્રિરંગા રહેને દો.’

મરિયમની મા ફરહાના કહે છે : મારી દીકરીને દેશમાં આટલું સન્માન- પ્રેમ મળ્યાં તેથી હું ખુશ છું. એવી ઉમ્મીદ કરું છું કે બાકી લોકો પણ પોતાના બાળકોને એવી જ તાલીમ આપે જેથી દેશમાં કાયમ માટે અમન સ્થપાય.’

મરિયમ કહે છે : ‘કુરાન અને ગીતા બેઉ મને પસંદ છે.’

દેશના નેતાઓ જ્યારે ધર્મના નામે વોટ બેંક ઊભી કરે લોકોને વિભાજિત કરી રહ્યા છે ત્યારે એક નાનકડી દીકરી મરિમય તેમનાથી વધુ શ્રેષ્ઠ છે. આપણે ઈચ્છીએ કે એક દિવસ મરિયમ દેશની નેતા બને. સહુથી મોટી નોંધપાત્ર વાત એ છે કે મરિયમને ઉત્તર પ્રદેશની સરકારે રૂ.૧૧ લાખનું ઈનામ મોકલ્યું પરંતુ મરિયમે તે રકમ સવિનય પાછી મોકલીને સરકારને જણાવ્યું કે આ રકમ જરૂરિયાતવાળા ગરીબ બાળકો માટે વાપરવી.

– દેવેન્દ્ર પટેલ

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર પુન:પ્રસિદ્ધ કરવાની તક મળવા બદલ અમો શ્રી દેવેન્દ્ર પટેલ  નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected] 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે. 

  

You can  LIKE US / contact  us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

મારા ચહેરા ઉપર બીજો કોઈ જ ચહેરો નથી …

મારા ચહેરા ઉપર બીજો કોઈ જ ચહેરો નથી …

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

 

 

​તું ઇસ કદર મુઝે દિલ સે કરીબ લગતા હૈ, તુઝે અલગ સે જો સોચુ અજીબ લગતા હૈ,
 
હુદૂદે જાત સે બહાર નિકલ કે દેખ જરા, ન કોઈ ગૈર, ન કોઈ રકીબ લગતા હૈ.

 

-જાંનિસાર અખ્ખતર

 

 

‘હું જેવો છું એવો જ છું.  કદાચ સારો હોઈશ. કદાચ ખરાબ પણ હોઈશ. આળસુ, ધૂની, મનમોજી, બેદરકાર, ચક્રમ, ભેદી, મીંઢો, લુચ્ચો, હોશિયાર, બહાદુર અથવા બીજું કંઈ પણ તું મને માની શકે છે.  એ તો મારા વિશેનું તારું મંતવ્ય છે.  હા, હું એટલું કહીશ કે હું જેવો છું એવો નેચરલ છું. મેં મારા ઉપર બીજો ચહેરો લગાડ્યો નથી. લાગવા દીધો નથી. જાતજાતનાં મહોરાંઓ ઘણી વખત મારી સામે આવે છે.  મન થાય છે કે લાવને પહેરી લઉં. દુનિયા મને જેવો ઇચ્છે છે એવો થઈ જાઉં. જે માણસ સામે આવે એના જેવું મહોરું પહેરી લઉં.  મેં પ્રયત્ન કરી જોયો. મહોરાં પહેરી પણ જોયાં, પણ મને ન ફાવ્યાં.  થોડી જ વારમાં થાકી જતો હતો, હાંફી જતો હતો. મને મેં ચડાવેલું મહોરું જ નહોતું ગમતું.  આખરે એ મહોરાને કાઢીને ફેંકી દેતો.   એક વખત સાવ જુદું જ બન્યું.  મેં પહેરેલા મહોરાનો મેં ઘા કર્યો.  હવામાં ઉછળેલું મહોરું મારી સામે જોઈને હસ્યું. મને કહ્યું કે, હવે તું સારો લાગે છે.  એણે જતાં જતાં એવું કહ્યું કે સારા રહેવું હોય તો જેવો છે એવો  રહે. બસ, એ દિવસથી જ હું જેવો છું એવો જ છું.’

 

એક પ્રેમીકાએ તેના પ્રેમીને પૂછ્યું કે, તું આવો કેમ છે ?   ત્યારે પ્રેમીએ આવી વાત કરીને સામું  પૂછ્યું કે તું મને કેવો ઇચ્છે છે ?  તું કહેતી હોઈશ તો હું તને ગમે એવું મહોરું પહેરી લઈશ, પણ પછી એ હું નહીં હોઉં. એક મહોરું હશે.  નાટકમાં પેલા કલાકારો કામ કરે છેને એના જેવો જ થઈ થશે. સ્ટેજ પર જુદા અને સ્ટેજની નીચે જુદા. મારે નાટક નથી કરવું, પણ કુદરતે મને જેવો બનાવ્યો છે એવું જ પાત્ર મારે ભજવવું છે અને એટલે જ હું જેવો છું એવો છું.  પ્રેમિકાએ કહ્યું,  મને તું જેવો છે એવો જ ગમે છે.

 

તમને તમારી વ્યક્તિ જેવી છે એવી ગમે છે ?  પડ્યું પાનું નિભાવી જવાની નહીં, પણ જિંદગી જેવી છે એવી જીવી જવાની મજા કંઈક ઔર જ હોય છે.  આપણને આપણી વ્યક્તિમાં બદલાવ  જોઈતો હોય છે.  તું આમ કર, તું તેમ કર, તું આ રીતે બોલ, તું આવું ન બોલ.  છીંકથી માંડીને ઓડકાર ખાવા સુધીની સ્ટાઇલ આપણે બદલવા ઇચ્છીએ છીએ.  સારી વાત હોય એમાં સુધારો કરવાનું થાય એમાં કંઈ ખોટું નથી, પણ માણસને ધરમૂળથી બદલી દેવામાં આપણે ઘણી વખત એનામાં જે નેચરલ છે એને પણ ખતમ કરી દેતા હોઈએ છીએ. આપણી વ્યક્તિ જેવી છે  એવી ને એવી જ એને સ્વીકારવી એ પણ પ્રેમ કરવાની એક રીત જ છે અને પ્રેમ હોવાની સાબિતી છે.

 

એક મિત્ર સાથે બનેલી આ એક સાવ સાચી ઘટના છે.  આ મિત્રનો સન સ્કૂલમાં ભણે છે. તેના સનનો મિત્ર ઘરે આવતો.  એ છોકરાનું વર્તન વિચિત્ર હતું.  એ હંમેશાં એનું મન થાય એમ જ  કરતો.  તેને ગમે તો વાત કરે અને ન ગમે તો વાત ન કરે.  ક્યારેક સોફા પર પડ્યો પડ્યો વાંચ્યા રાખે તો ક્યારેક ટીવી જોયા રાખે.  મન થાય તો કંઈક ખાય, બાકી કંઈ આપો તો પણ ન ખાય. આવા દોસ્ત વિશે એક દિવસે મિત્રએ તેના સનને પૂછ્યું કે, તારો ફ્રેન્ડ તો બહુ જુદો છે,  ડોક વિચિત્ર નથી લાગતો ?  પિતાની વાત સાંભળીને એનો દીકરો માત્ર એક જ વાક્ય બોલ્યો કે એ એવો જ છે !  દીકરાનો આ જવાબ સાંભળીને પિતાને થયું કે, આપણે કેટલા મિત્રોને એ જેવા છે એવા જ સ્વીકારતા હોઈએ છીએ? આપણા કરતાં કદાચ આ બાળકો દોસ્તીની બાબતમાં વધુ પરફેક્ટ છે.  આપણે તો દોસ્તી માટે પણ આપણને ગમે એવા લોકો શોધતા હોઈએ છીએ ! દોસ્તી લાઇક માઇન્ડેડ સાથે જ થાય એવું જરૂરી નથી, કારણ કે દોસ્તીને કોઈ નિયમો લાગુ પડતા નથી.  દોસ્તી અને પ્રેમ તો જ તાજાં રહે જો આપણે આપણા મિત્ર, લવર કે લાઇફ પાર્ટનરને એ જેવા છે એવા રૂપમાં તેને સ્વીકારીએ.

 

દરેક વ્યક્તિ એવું ઇચ્છતી હોય છે કે લોકો તેને સારો માણસ કહે, પોતે સારો છે એ સાબિત  કરવા માણસ મહેનત કરતો હોય છે. તમારે સારા બનવું છે ?  તો તમે જેવા છો એવા જ રહો. માણસ સતત બધાને ઇમ્પ્રેસ કરવા મથતો રહે છે. આપણી છાપ પડવી જોઈએ. લોકો આપણને યાદ રાખવા જોઈએ.  માણસ મહેનત કરીને પોતાની ઇમ્પ્રેશન જમાવી દેતો હોય છે.  સમયની સાથે માણસે પહેરેલું મહોરું ધીમે ધીમે ઝાંખું પડી જાય છે અને છેવટે એ જેવો હોય એવો જ સામે આવી જતો હોય છે.  આપણે ગમે તે કરીએ, છેલ્લે આપણે ઓરિજિનાલિટી પર જ આવી જતાં હોઈએ છીએ.

 

એક કલાકાર હતો. એ ગરીબ હતો. સ્ટેજ પર એણે જે પાત્ર ભજવવાનું હતું એ એક અમીર વ્યક્તિનું હતું. સ્ટેજ પર આવે ત્યારે એની છટા બદલી જતી. એનો રોફ જામી જતો. એનો અભિનય જુએ ત્યારે કોઈ એમ ન કહી શકે કે આ એક ગરીબ કલાકાર છે.  નાટક પતે એટલે એ સીધો બાથરૂમમાં જાય. મેકઅપ ઉતારી નાખે.  કપડાં બદલી નાખે.  અરીસા સામે ઊભો રહીને કહે કે, તું હવે જે છે એ જ સાચું છે.  એક વખત તેના મિત્રએ કહ્યું કે તું સામાન્ય જિંદગીમાં પણ અમીરના ઠાઠથી જ રહેતો હોય તો? એ કલાકારે કહ્યું કે, ના હું એવું ન કરી શકું. મને થાક લાગે.  રાતે ઊંઘ તો આપણે જેવા હોઈએ એવી જ અવસ્થામાં આવે.  હું જ્યારે મેકઅપ ઉતારું ત્યારે  મને હાશ થાય છે. મને મારી ગરીબી મંજૂર છે, પણ નકલી અમીરી નહીં.  જે લોકો મહોરાનો ભાર લઈને સૂવે છે તેને ઊંઘ આવતી નથી.  મારા માટે મારા અભિનય કરતાં મારી જિંદગી મહત્ત્વની છે.

 

તમે કોઈને અભિભૂત કરી શકો તો એ માત્ર તમારી ઓરિજિનાલિટીથી જ કરી શકો.  બાપ સાથે તમે દીકરા હોવાનું નાટક ન કરી શકો.  આપણે ફિલ્મ, નાટક કે વાર્તા સાંભળીએ કે જોઈએ ત્યારે અમુક સંવાદો અમુક અદા જોઈને દંગ થઈ જઈએ છીએ.  ખરા અર્થમાં કેટલા લોકો આવી અદાથી વાત કરતાં હોય છે. આપણે આવું બધું જોઈને એને અનુસરતા હોઈએ છીએ. આપણને પણ ખબર હોય છે કે આ સાચું નથી.  બે મિત્રો હતા. એક મિત્રએ કહ્યું કે, યાર બધા નાટક કરે છે.  હવે મારે પણ ડ્રામા જ કરવા છે.  સાલ્લું, બધા ચાપલૂશી કરે છે, વાહવાહી કરે છે, ગ્રૂપ બનાવે છે અને પોતાનાં હિતો સાધી લે છે.  આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું કે, આ તું  નથી બોલતો. તેં પહેરેલું મહોરું બોલે છે. એવું કરવાના વિચાર છોડી દે.  તું નિષ્ફળ જઈશ. એના કરતાં તો તું જે કહે છે એ તારી જ સ્ટાઇલમાં બેસ્ટ રીતે કર.

 

કુદરતના કોઈ પણ અંશ લઈ લો. એ ક્યારેય મહોરા પહેરતા નથી.   દરિયાના કિનારા દરેક સ્થળે અલગ અલગ છે. ક્યાંક રેતાળ બીચ છે, તો ક્યાંક કાતિલ ખડક છે.  બે વાદળ ક્યારેય  એકસરખાં હોતાં નથી.  એક ઝાડનાં બધાં પાંદડાં કે ફળ પણ સરખાં હોતાં નથી.  માણસ પણ ક્યારેય બીજા માણસ જેવો ન હોઈ શકે.  તમે બીજાથી જુદા છો. તમે અનોખા છો.  બીજા જેવા  બનવા જશો તો તમે પોતાના જેવા પણ નહીં રહો. તમારી આવડત જ તમારી છે. દરેક  માણસમાં અમુક ચોક્કસ પ્રકારની આવડત હોય જ છે.  તકલીફ ત્યારે થાય છે જ્યારે એ પોતાની આવડતને જ ઓળખી શકતો નથી અને બીજાની આવડતને ફોલો કરે છે.

 

એક શાળામાં ટીચરે સ્ટુડન્ટ્સને પૂછ્યું કે તમારે કોના જેવા બનવું છે.  બધા સ્ટુડન્ટે કોઈ ને કોઈ મહાન વ્યક્તિનું નામ આપ્યું.  માત્ર એક છોકરાએ કહ્યું કે, મારે તો મારા જેવા જ બનવું છે.  જેના નામ છે એ બધા એના જેવા જ બન્યા છે તો પછી હું શા માટે એના જેવા બનવાની મહેચ્છા રાખું.  મારે મારા નામ સાથે કોઈનું ટાઇટલ નથી જોઈતું.  હું ‘એના’ જેવો છું એમ કોઈ કહે તો મને ન ગમે.  હું મારા જેવો છું અને મારા જેવો જ રહીશ.

 

આપણને તો કોઈ એમ કહે કે તું ફલાણા કલાકાર જેવો દેખાય છે કે તું પેલી એક્ટ્રેસ જેવી લાગે છે તો આપણે પોરસાઈએ છીએ.  ઘણાં વળી એવું પણ બોલી દે છે કે હું એના જેવો કે એના જેવી નથી દેખાતી, પણ એ મારા જેવી દેખાય છે.  સાચી વાત તો એ હોય છે કે તમે તમારી સરખામણી કોઈની સાથે ન કરો, કોઈ જેવા બનવા પણ પ્રયાસ ન કરો.  આપણે બસ આપણા જેવા જ બનવાનું હોય છે.  દરેક માણસ સારા છે.  તમે પણ શ્રેષ્ઠ જ છો. તમારે બસ તમારી  શ્રેષ્ઠતા સાબિત કરવાની હોય છે અને એ તમે તમારા જેવા જ બનીને કરી શકો. તકેદારી એટલી જ રાખવાની હોય છે, આપણા ચહેરા પર કોઈ મહોરું ન લાગી જાય !

 

 

છેલ્લો સીન :

તમારે કેવા બનવું છે એનો નિર્ણય તમે જ કરો, પછી માત્ર એ કેચ કરતાં રહો કે તમે તમારા  નક્કી કરેલા માર્ગ ઉપર જ આગળ વધી રહ્યા છો કે નહીં ?    -કેયુ.

 

 

 

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 03 ફેબ્રુઆરી 2016, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

 

 

email : [email protected]

krishnakant unadkat

કૃષ્ણકાંત ઉનડકટ
EXECUTIVE EDITOR, SANDESH DAILY, AHMEDABAD.
બ્લોગ લીંક :krishnkantunadkat.blogspot.com
ચિંતનની પળે :     email : [email protected]

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર પુન:પ્રસિદ્ધ કરવાની તક મળવા બદલ અમો શ્રી કૃષ્ણકાંત ઉનડકટ નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected] 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે. 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli