દુનિયામાં કઈ વ્યક્તિ તમારી કમજોરી છે? …

દુનિયામાં કઈ વ્યક્તિ તમારી કમજોરી છે? …

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

 

 

 

 

 

હવામાં ઊછળતાં હરણ આવશે ને સૂરજનું ધગધગતું રણ આવશે,
ઊઘડતો જશે એક ચહેરો સતત, સ્મરણમાંય એનું સ્મરણ આવશે.

-આદિલ મન્સૂરી

 

આખી દુનિયામાં એવી કઈ વ્યક્તિ છે જેના માટે તમે કંઈ પણ કરો ?  હા, એવી વ્યક્તિ દરેકની લાઈફમાં હોય છે જેના માટે બધુ જ કુરબાન કરવા માણસ તૈયાર થઈ જાય છે તારા માટે તો હું આખી દુનિયા સામે લડી લઉં.  બધું જ છોડવું પડે તો પણ કોઈ અફસોસ નથી.  મારી જિંદગી તારા માટે છે. આઈ એમ ઓલવેઝ ધેર ફોર યુ. તને ઉની આંચ પણ નહીં આવવા દઉં.

 

ઉંમરના દરેક તબક્કે આ વ્યક્તિ બદલતી પણ હોય છે.  નાના હોઈએ ત્યારે મા-બાપ અને ભાઈ-બહેન સૌથી નજીકની વ્યક્તિ હોય છે.  થોડાં મોટા થઈએ એટલે લાઈફમાં ફ્રેન્ડસની એન્ટ્રી થાય છે. યંગ થઈએ એટલે પ્રેમી અથવા તો પ્રેમિકા જિંદગીની પ્રાયોરિટીમાં ટોપ પર આવી જાય છે.  જિંદગી થોડીક આગળ વધે એટલે પત્ની અથવા પતિ લાઈફની મોસ્ટ ઈમ્પોર્ટન્ટ વ્યક્તિ બની જાય છે.  એ પછી બાળકો માટે માણસ કંઈપણ કરવા તૈયાર થઈ જાય છે. સંબંધોની સૌથી વધુ તીવ્રતા શેમાં હોય છે ?  પ્રેમી અને પ્રેમિકાના કિસ્સામાં ?  હા, પ્રેમમાં હોય ત્યારે માણસ આખી દુનિયા સામે બળવો કરવા રેડી હોય છે.  શું બીજા સંબંધોમાં તીવ્રતા ઓછી હોય છે ?  ના.  દરેક સંબંધમાં તીવ્રતા તો હોય જ છે. પ્રેમમાં હોય ત્યારે તેની અસર વધુ હોય છે.  બાકી માણસ જીવનના અલગ અલગ તબક્કે સૌથી નજીકની વ્યક્તિ માટે જીવતો હોય છે.

 

જિંદગીની વાતમાં આખરે શું હોય છે ?  અંતે તો એમાં આપણા લોકોની જ વાત હોય છે.  અમુક લોકો નજીક હોય છે એ દૂર પણ થતાં હોય છે અને દૂર હોય એ નજીક હોય છે એ દૂર પણ થતાં હોય છે અને દૂર હોય એ નજીક પણ આવતાં હોય છે.  થોડાક મિત્રો, થોડાક હિતેચ્છુઓ, થોડાક વિરોધીઓ, થોડાક દુશ્મનો અને થોડાક ખેલ જોનારાઓ હોય છે.  આ બધા જ લોકો આખરે તો માણસ જ છે. સારા હોય કે નરસા, એ આપણી સાથે જ જોડાયેલા હોય છે. એ જ લોકો આપણી જિંદગીની કહાની છે, એ જ લોકો આપણી જીવનકથાના પાત્રો છે.  એ જ આપણા અનુભવો છે એને બાદ કરી નાખો તો જિંદગી કોરી કિતાબ જ થઈ જાય !  જો કે, લોકો જિંદગીની કિતાબ કોરી રાખવા દેતાં નથી.  એ લોકો એક પછી એક પ્રકરણ ઉમેરતાં જ જાય છે. થોડાંક રંગીન પ્રકરણ, થોડાક બ્લેક એન્ડ વ્હાઈટ અને થોડાંક ગ્રે !

 

આપણી જિંદગીમાં સૌથી નજીકની વ્યક્તિ આપણી કમજોરી હોય છે.  આ ‘કમજોરી’ જીવવાની પણ એક અનોખી મજા છે.  એક વ્યક્તિ આપણી જિંદગીનો સેન્ટર પોઈન્ટ હોય છે.  એનો સાથ, એનો સહવાસ, એના વિચારો અને એના માટે કંઈક કરી છૂટવાની તમન્ના આપણને જીવવાના કારણો પૂરાં પાડે છે.  આવા સંબંધોમાં કંઈ જ અયોગ્ય કે અજુગતું લાગતું હોતું નથી. બધુ જ વાજબી અને યોગ્ય લાગે છે.  આખી દુનિયા જેને ગેરવાજબી કહેતી હોય એવું કરવામાં પણ આપણને કંઈ ખોટું લાગતું નથી.  દુનિયા કહેતી હોય છે કે એ તો એની પાછળ પાગલ છે એના સીવાય એને બીજું કંઈ દેખાતું નથી.  દેખાતું હોતું પણ નથી, કારણકે એ જ વ્યક્તિ આપણા માટે બધુ જ હોય છે.  પોતાની જિંદગી કરતાં પણ એ આગળ હોય છે.

 

બે બહેનપણીની વાત છે.  બંને બિન્ધાસ્ત.  એક સાથે મોટી થઈ.  એક સાથે ભણી.  બંનેના વિચારો સ્વતંત્ર હતા.  પોતે જ પોતાની પ્રાયોરિટી હતી. બંનેના લગ્ન થયા.  પોતપોતાના ઘરે બંને ખુશ અને સુખી હતી.  થોડાક વર્ષો પછી એક બહેનપણી તેની બીજી ફ્રેન્ડના ઘરે ગઈ.  થોડા દિવસ રોકાઈ.  એ બહેનપણી આખો દિવસ એના હસબન્ડ અને બાળકમાં વ્યસ્ત રહેતી.  એ મજામાં રહેતી હતી.  આખો દિવસ બીઝી રહેતી. પતિ અને બાળક માટે કંઈ પણ કરતી. આ બધુ જોઈને તેની ફ્રેન્ડે કહ્યું કે, તને નથી લાગતું કે તું બંધનમાં છે.  આખો દિવસ નવરી જ નથી પડતી.  તારા માટે પણ તને સમય નથી મળતો. આ તે કોઈ લાઈફ છે. તેણે પોતાની ફ્રેન્ડને બાજુમાં બેસાડી અને કહ્યું કે, હા તું કહે છે એ સાચું છે.  આ બંધન છે.  બંધન હોવા છતાં મને એ આકરું નથી લાગતું.  ઊલટું હું આ બંધનને એન્જોય કરું છું.  એક વાત યાદ રાખજે.  બંધન બે પ્રકારના હોય છે. એક લદાયેલા બંધન અને બીજા સ્વીકારાયેલા બંધન.  તને અહીં અને મારા માટે જે બંધન લાગે છે એ બંધન મારા પર કોઈએ લાદી નથી દીધુ.  એ બંધન મેં દિલથી સ્વીકારેલું છે મને ગમે છે.

 

લદાયેલા બંધનનો ભાર લાગે.  સ્વીકારેલા બંધન જ જિંદગીને જીવવા જેવી બનાવે છે.  હા, હું કંઈ પણ કહી શકું.  મારો પતિ અને મારું બાળક મારી જિંદગી છે એના માટે બધુ જ કુરબાન. પ્રેમ મેળવવા માટે પ્રેમ આપવો પડે.  પ્રેમ આપો એનાથી બમણો મળે છે.  એના માટે આપણે બસ એટલું જ કરવાનું હોય છે કે આપણા બંધનમાંથી મુકત થઈ જવાનું હોય છે.  તું તારા બંધનમાંથી મુક્ત થઈ જા.  કોઈ સાથે બંધાઈ રહેવાને બંધન કહેવું વાજબી નથી.

 

જે વ્યક્તિ આપણી કમજોરી હોય, જે વ્યક્તિ માટે આપણે કંઈ પણ કરી છૂટવા તૈયાર હોઈએ એ વ્યક્તિ સાથે પણ સંબંધ કાયમી એકસરખા જ રહે એ જરૂરી નથી.  આપ-ડાઉન્સ તો એમાં પણ આવવાના છે.  વાંધા તો એની સાથે પણ પડવાના છે.  ઝઘડા તો એની સાથે પણ થવાના જ છે અરે, એની સાથે વાંધો પડે, ઝઘડો થાય કે મિસ અન્ડરસ્ટેન્ડિંગ થાય ત્યારે તો સૌથી વધુ પેઈન થતું હોય છે.   ક્યારેક તો જિંદગીનો કોઈ મતલબ જ લાગતો નથી.  એને જો મારી પડી નથી, એને જ મારી કદર નથી તો પછી આ બધાનો અર્થ શું છે એના વિચારો પણ આવી જાય છે. જરાક જુદી રીતે જુઓ તો આ પણ સંબંધની એક તીવ્રતા જ છે.  જેના વગર બધુ જ નક્કામું લાગવા માંડે એ કંઈ નાની વાત છે ?

 

માણસ જતું પણ ત્યાં જ કરે છે જ્યાં એ દિલથી જોડાયેલો હોય છે. માફ પણ એને જ કરે છે જેને એ પ્રેમ કરે છે.  જતું ન કરવાની જીદ જ મોટા ભાગે તો આપણને આપણી નજીકની વ્યક્તિથી દૂર કરતી હોય છે. તમારી કોણ કમજોરી છે ?  કોના માટે તમે કંઈપણ કરી શકો ?  એને ક્યારેય ભૂલતા નહીં.  એવી વ્યક્તિ સાથેનો સંબંધ ઈગો અને ગુસ્સા કરતાં વધુ મહત્ત્વનો હોય છે. ઝઘડાંની તીવ્રતા પણ સૌથી વધુ ત્યાં જ હોવાની જ્યાં સૌથી વધુ પ્રેમ હોય. કોઈ વ્યક્તિ તમારી કમજોરી હોય તો એને કમજોરી રહેવા દો.  એ જ આપણી જિંદગી હોય છે.  ઘણી વખત માણસ અફસોસ કરે છે અને કહે છે કે એના માટે હું કંઈપણ કરવા તૈયાર હતો અને એણે મારી સાથે કયું કર્યું ?  એવા સમયે થોડોક એવો પણ વિચાર કરજો કે જેના માટે હું કંઈ પણ કરવા તૈયાર હતો એની સાથે મેં કેવું કર્યું ?  જેના માટે કંઈ પણ કરવાનું મન થઈ આવે, કંઈપણ કરવાની તૈયારી હોય એવા લોકો બહુ ઓછા અને આમ તો એકાદ જ હોય છે.  એને સંભાળી અને સાચવી રાખવા જોઈએ. એના વગર જિંદગી જીવવા જેવી રહેતી નથી એટલે જ આપણી જિંદગીમાં એનું રહેવું મહત્ત્વનું હોય છે !

 

 

 

છેલ્લો સીન : 

 

છેડો ફાડવાનું મન થાય ત્યારે માત્ર એટલો વિચાર કરી જોજો કે તમે એના માટે કઈ હદ સુધી જવા તૈયાર હતા ?  છેડો ફાડીને તમે જ એ હદ વટાવી જવાના નથી ને ?  -કેયુ.

 

 
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 26 જુલાઇ, 2015. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)

 

 

 

krishnakant unadkat

કૃષ્ણકાંત ઉનડકટ
Executive Editor – SANDESH DAILY, AHMEDABAD.
બ્લોગ લીંક : krishnkantunadkat.blogspot.com – ચિંતનની પળે :
email : 
[email protected]

 

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર પુન:પ્રસિદ્ધ કરવાની તક મળવા બદલ અમો કૃષ્ણકાંત ઉનડકટ નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected] 

 

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You  can follow /   “LIKES”   us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli