પાતાળલોકમાં દરિયાની મુલાકાતઃ હેલેઇન …

પાતાળલોકમાં દરિયાની મુલાકાતઃ હેલેઇન …

પ્રવાસ – ડો. ભારતી રાણે

 

 

helayen

 

 

સોલ્ઝબર્ગથી હેલેઇન સુધીના પ્રદેશને ઓસ્ટ્રિયાનું લેક ડિસ્ટ્રિક્ટ કહેવાય છે.  પુરાણી મીઠાની ખાણો માટે આ પ્રદેશ જાણીતો છે.  ત્યાં પહોંચીએ એટલે પૃથ્વીના પાતાળમાં પ્રવેશ્યા હોય એવું લાગે આપણી ઓસ્ટ્રીયા સફર ચાલુ છે.  જવું તો હતું ઓસ્ટ્રીયાના શહેર સોલ્ઝબર્ગ, પણ રસ્તામાં ઊભેલું એક સ્થળ જાણે બોલાવતું હતું. આસ્થળ એટલે હેલેઇન !  સાત દેશોની સરહદોથી વીંટળાયેલા આ મધ્યસ્થ દેશથી દરિયો જોજનો દૂર છે. અહીં તો નજર પહોંચે ત્યાં સુધી આલ્પ્સની ગિરિમાળા વિસ્તરેલી છે.  આ પર્વતો અને ખીણો વચ્ચે ફરતાં ક્યાંક ખારા સામુદ્રી પવનનો સ્પર્શ થઈ જાય તો કેવું લાગે ?  કોઈ ભૂલાં ભટક્યાં, વિખૂટા પડી ગયેલા દરિયાનાપાતાળ લોકના કોક ખૂણે મુલાકાત થઈ જાય તો કેવું લાગે ?  ના, આ કોઈ દંતકથા નથી હકીકત છે !

 

હેલેઇનની વાત કરીએ તો હજ્જારો-લાખ્ખો વર્ષની કોઈ વિસાત નથી.  એની કથા કહેવા માટે છેક પૃથ્વીની બાલ્યાવસ્થા સુધી જવું પડે ! ૨૫૦ કરોડ વર્ષ ! એ આ સમયની વાત, જ્યારે પૃથ્વી પર પહેલી વાર ખંડો રચાવાનું શરૂ થયું.  ગોન્ડવાનાનો વિરાટકાય ભૂખંડ તૂટયો અને તેમાંથી છૂટા પડેલા ધરતીના ટુકડા મહાસાગરમાં તણાઈને જબરદસ્ત ધક્કા સાથે અન્યોન્ય ભટકાવાથી પર્વતો ઊપસી આવ્યા.  આ રીતે આલ્પ્સના  કેટલાક પર્વતો જ્યારે રચાયા ત્યારે આ અથડામણની પ્રક્રિયા દરમિયાન અસાધારણ ગરમી ઉત્પન્ન થઈ. તેનાથી એ ધરતીની આસપાસનો સમુદ્ર વચ્ચે કેદ થયો.  તેનું પાણી આ પ્રચંડ ઉષ્મામાં વરાળ થઈ ગયું અને તેનું મીઠું આ પર્વતોના બંધારણમાં સચવાઈ રહ્યું !  ખનીજ  મીઠાના આવા મોટામાં મોટા ભંડાર હેલેઇન ગામની સીમ પર ઊભેલા ડુરેનબર્ગ પહાડ પર સર્જાયા. કરોડો વર્ષ સુધી તો આ ભંડાર અજ્ઞાત જ રહ્યા.

 

ધીરે ધીરે વિવિધ માનવસમુદાયની ઓળખ દર્શાવતી કેટલીક આદિજાતિઓ અસ્તિત્વમાં આવવા લાગી.  આજના યુરોપ ખંડની ધરતી પર ત્યારે વસેલા આદિમાનવમાંથી એક હતા સેલ્ટિકપ્રજાતિના લોકો.  આ સેલ્ટ લોકોએ આલ્પ્સમાં ફરતાં-રખડતાં જોયું કે ડુરેનબર્ગ પર્વતની જમીનમાંથી મળી આવતો સફેદ પદાર્થ ખોરાક સાથે ભેળવવાથી ખાવાનું વધુ સ્વાદિષ્ટ બની જાય  છે !  અને આમ છેક આદિકાળમાં જ આ મીઠાની ખાણો શોધાઈ. આદિમાનવ પથ્થરનાં ઓજાર બનાવતો થયો, જેના વડે એ ઊંડેથી મીઠું ખોદવા લાગ્યો. મીઠાના આવિષ્કારનાં  આ તમામ વર્ષોએ આ પ્રદેશને માતબર સમૃદ્ધિ બક્ષી.  એટલે જ અહીં મળી આવેલું મીઠું પ્રિન્સ આર્ચબિશપનું સફેદ સોનું કહેવાયું.

 

હેલેઇન નાનું પણ આકર્ષક મધ્યકાલીન ગામડું છે.  રૂપાળી ઓપેરા સિંગર જેવી સોલ્ઝેક નદી અને એની સિમ્ફનીને શાંતિથી બેસીને સાંભળતા શ્રોતાગણ જેવું બંને કાંઠે વસેલું  હેલેઇન ગામ ! પણ અમે તો ઓપેરા સિંગર યુવતીને નહીં, સાત હજારવર્ષનાં સન્નારીને મળવા ઉત્સુક હતા.

મીઠાની ખાણમાં ઊતરવા માટે અમારે અમારાં વસ્ત્રો ઉપર ખાણનો ગણવેશ પહેરવાનો હતો. ઓપરેશન થિયેટરમાં પહેરાય છે તેવો સફેદ લેંઘો, સફેદ બુશર્ટઅને પગરખાં પર લેગિંગની કોથળીઓ બાંધવાની.  સામે લાંબું બોગદું હતું, જેમાં લંબાતા પાટા જોઈ શકાતા હતા.  છત વગરની રમકડાં જેવી ટ્રેનમાં અમે બોગદામાં ઊતરવા લાગ્યાં. પહેલા સ્ટેશને અમને આ ખાણની ઉત્પત્તિ અને ઇતિહાસ વિશે એક દસ્તાવેજી ફિલ્મ બતાવવામાં આવી.  પછી ફરી ઊંડે ઊતરતા અંધારિયા બોગદામાં અમારી મુસાફરી શરૂ થઈ. આ પહેલાં કોલસાની ખાણ જોયેલી. દક્ષિણ આફ્રિકામાં સોનાની ખાણ પણ જોયેલી અને હવે આ સફેદ સોનું !  ઝાંખો પ્રકાશ, સાંકડો માર્ગ અને ઊંડે નેઊંડે ઊતરતા જવાનો અહેસાસ તો બધી ખાણમાં સરખો જ.  આ ખાણની ખાસિયત એ હતી કે આમાં લાકડાની લસરપટ્ટીથી ઊંડે ઊતરવાનું હોય છે ! પૃથ્વીના શૈશવ સુધી જવું હોય તો બાળક બનીને જ જવું પડેને !  આશરે બેંતાળીસ મીટરની બે લસરપટ્ટી પરથી લપસતાં અમે છેક નીચે પહોંચ્યાં.  નીચે યુગો પહેલાંનું વાતાવરણ, તે સમયે આ પ્રદેશ કેવો લાગતો હશે તેના સ્કેચ, ખાણિયાઓના પહેરવેશ, એમનાં ઓજાર બધું પ્રર્દિશત કરાયેલું હતું. એમાં એક ભયંકર વસ્તુ પ્રર્દિશત કરાઈ છે.  મેન ઇન સોલ્ટ. મીઠામાંમૃત્યુ પામેલો આદિમાનવ. આ માણસની ખોપરી, એનાં કપડાં, એનુંશરીર, તળિયાં વિનાનું એનું પગરખું સુધ્ધાં મીઠામાં સચવાઈ રહ્યું છે. એના શરીરની આસપાસ ખડકની રચના થઈ ગઈ છે, એટલે એને પથ્થરમાં મઢી દીધો હોયતેવું અથવા એ પથ્થરની શિલામાંથી ઝાંકતો હોય તેવું લાગે !  ખાણમાં હવે મીઠું રહ્યું નથી, પણ એમાંથી પસાર થતાં અનાદિકાળની આબોહવાનો સ્પર્શ જરૂર અનુભવાય છે.

 

પ્રદર્શનમાં મૂકેલાં આ પ્રદેશનાં અનાદિકાળનાં કાલ્પનિક સ્કેચ જોતાં બસ ત્યાં જ થંભી જવાયું. નિસર્ગન નિરવધિ વિસ્તાર. નિતાંત નિઃશબ્દતામાં સમયને કૂંપળોફૂટી રહી હોય તેવો અહેસાસ કાલાતીત થઈને એમાં પ્રવેશી જતું નિઃસ્પંદ અસ્તિત્વ બધું જાણે ચિરપરિચિત હતું. લાગ્યું કે જાણે પહેલાં પણ પસાર થઈ ગઈ છું અહીંથી.  પર્વતોમાં ઝરતાં યુગ યુગાંતરનાં ઝરણાંનાં જળ મનભરી પીધાં છે.  અનાદિકાળની નિરાંતમાં પર્વતને અઢેલીને કલરવની સરગમ સાંભળી છે ક્યારેક !

 

સાત હજાર વર્ષનાં સન્નારીએ એક બીજી પણ કલ્પનાતીત ભેટ અમને દીધી.  યુગાંતરથી વિખૂટા પડી ગયેલા દરિયાની પાતાળલોકમાં મુલાકાત કરાવી !  ખાણને તળિયે એક ગુફા હતી.  વિશાળ ખંડ જેવી એ જગ્યામાં ખારા પાણીનું એક સરોવર હતું.  લેક ઓફ બ્રાઇન-એમાં નૌકાવિહાર કરવાનો હતો. એ ખંડમાં ભૂતળની કુદરતી પ્રક્રિયાઓને કારણે ચિત્ર વિચિત્ર અવાજો આવી રહ્યા હતા, જેને કારણે વાતાવરણ રહસ્યમય ભાસતું હતું.  ઝાંખા અજવાશમાં પાતાળે પુરાયેલાં મહાસાગરનાં જળને જોતાં ૨૫૦ કરોડો વર્ષ પહેલાંની ઘટનાઓ નજર સામે તરવરવા લાગી.  જાણે વિભાજન વખતની હિંસક અથડામણો ને ભયંકર અફરાતફરીમાં વિખૂટું પડી ગયેલું કોઈ બાળક હોય, તેવો આ દરિયો.  ભૂલા પડીને પાતાળલોકમાં પહોંચી ગયેલા એ દરિયાના કાનમાં મેં કહ્યું, થોડા દિવસ પછી હું તારી વિખૂટી પડી ગયેલ માભોમ-ભૂમધ્ય સમુદ્ર જવાની છું. તારે કાંઈ સંદેશો આપવો છે એને ?  હેબતાઈ ગયેલા એ બાળકે અપરિચયનો ભાવ ઝળકાવતી, આશ્ચર્યચિહ્ન જેવી દૃષ્ટિથી સામે જોયું.

 

* સોલ્ઝબર્ગથી હેલેઇન સુધીના પ્રદેશને ઓસ્ટ્રિયાનું લેક ડિસ્ટ્રિક્ટ કહેવાય છે.  પુરાણી મીઠાની ખાણો માટે જાણીતા આ પ્રદેશમાં એંસીથી પણ વધુ જોવા લાયક સરોવર છે.

 

* ખાણની અંદર એક સ્થળે ઓસ્ટ્રિયાની સરહદ પૂરી થાય છે અને જર્મનીની સરહદ શરૂ થાય છે!  માટે એ ઓસ્ટ્રિયા અને જર્મનીના સંયુક્ત ઉપક્રમે પ્રવાસીઓને જોવા માટે ખુલ્લી મુકાઈ છે.

 

* આ વિસ્તારમાં ફરવા માટે બે જગ્યાઓ-બેડ-ઇશ્લ અને હોલસ્ટેટની માહિતી હોવી જરૂરી છે, જે આ વિસ્તારના કેન્દ્રમાં છે અને જ્યાંથી પરિવહનનાં સાધનો મળે છે.  હોલસ્ટેટ શહેરમાં ૪૫૦૦ વર્ષો પૂર્વેની માનવ વસાહતનાં ચિહ્નો મળી આવ્યાં છે અને તેનો યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હોલસ્ટેટના મુખ્ય માર્ગનું નામ સિસ્ટ્રાસે છે. ત્યાંનું એક બોનહાઉસ જોવાનું ભૂલતા નહીં, જ્યાં પંદરમી સદીની અનેક માનવ ખોપડીઓને સજાવી-શણગારીને મૂકીછે !

 

* લંડનના સ્ટેનસ્ટેડ એરપોર્ટથી ઓસ્ટ્રિયાના ગ્રાત્ઝ શહેર માટે યુરોપની સસ્તી એરલાઇન રાયન એરની દરરોજ ફ્લાઇટ હોય છે.  અહીંથી આગળ યુ-રેઇલ પાસ વડેસફર થઈ શકે છે. ઓસ્ટ્રિયામાં પ્રવેશ માટે આ એક સરળ નુસખો છે !  બાકી વિશ્વના દરેક દેશમાંથી ઓસ્ટ્રિયાના વિયેના શહેરની ફ્લાઇટ મળે છે.

 

 

લેખિકાનો પરિચય :

ડૉ. ભારતી રાણે

મુંબઈમાં જન્મેલા ડૉ. ભારતીબેન રાણે અભ્યાસે ગાયનેકોલોજિસ્ટ છે.  ગુજરાતી સાહિત્યમાં પ્રવાસનિબંધ ક્ષેત્રે તેમણે ઉત્તમ લેખો આપ્યા છે. 1998માં પ્રકાશિત થયેલ તેમના ‘ક્ષણોને પાંદડે ઝાકળ છલોછલ’ લલિત નિબંધ સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનું ‘ભગિની નિવેદિતા’ પ્રથમ પારિતોષિક તથા એ જ પુસ્તકને મુંબઈની કલાગુર્જરી સંસ્થાનું ‘ગિરા ગુર્જરી’ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું છે. 2009માં પ્રકાશિત થયેલા તેમના પ્રવાસ નિબંધ સંગ્રહ ‘ઈપ્સિતાયન’ને ગુજરાતી સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું છે. તેમની નવલકથા ‘નિશદિન’ 2009માં જન્મભૂમિ-પ્રવાસી, ફૂલછાબ અને કચ્છમિત્ર દૈનિકોમાં ‘નિરંતર’ નામે ધારાવાહિકરૂપે પ્રકાશિત થઈ છે. આ ઉપરાંત, ઉત્તર ધ્રુવવૃત્તના પ્રવાસ વર્ણનની શ્રૃંખલા સતત એક વર્ષ સુધી (2010-2011માં) ‘કુમાર’માં પ્રકાશિત થઈ છે. દિવ્યભાસ્કરની ‘યાત્રા’ કૉલમમાં તેમના પ્રવાસ નિબંધો હપ્તાવાર સ્થાન પામ્યા છે તેમજ ‘ગુજરાત મિત્ર’ અખબારમાં તેમની પ્રવાસ નિબંધની કૉલમ આજ સુધી સતત ચાલી રહી છે. તેમના ઘણા લેખો તમોએ   રીડગુજરાતી પર પણ માણ્યા હશે.

 

 

– ડૉ. ભારતી રાણે

[email protected]

 

 

મિત્રો આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર  પુન:પ્રસિદ્ધ કરવાની તક આપવા  બદલ અમો લેખિકા સુ. શ્રી ડૉ. ભારતી રાણે નાં અંતરપૂર્વક્થી આભારી છીએ. હવે  પછી આપણે ” ઇજિપ્ત : સહારાની મરુભૂમિ પર જિજીવિષાનાં મૃગજળ”   નું વર્ણન તેમની કલમ દ્વારા માણીશું.

 

 

સાભાર :

પરિચય સૌજન્ય : રીડગુજરાતી.કોમ 

 

 

સૌજન્ય :  પૂર્વી મોદી મલકાણ (યુએસએ)

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  “LIKES” /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli