વર્ષા ઋતુ માં શું ખાવું- શું ના ખાવું????? … વર્ષાનું ઉત્તમ ઔષધ-શાક કારેલાં (આયુર્વેદ) …

વર્ષા ઋતુ માં શું ખાવું- શું ના ખાવું????? …

 

 

 

rain-in-farm[1]

 

 

અસહ્ય ગરમી પછી મન અને વાતાવરણને ઠંડક અને રાહત આપનારી ઝરમર વરસાદનો લાભ તો આપણે લઇ લીધો છે, 21 જુન મંગળવારના રોજ ઋતુ પ્રમાણે ચોમાસું પણ બેસી ગયું છે.

 

સ્વાસ્થય માટે વરસાદની આ ઋતુ ઘણી સંવેદનશીલ હોય છે.આ માટે વરસાદની સૌથી પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદમાં આ ઋતુ-વર્ષા કાળમાં બીમારીઓથી બચવા માટે કેટલીક મહત્વપુર્ણ સાવધાનીઓ બતાવવામાં આવી છે.આયુર્વેદમાં માન્યતા છે કે વર્ષા ઋતુમાં આપણા શરીરમાં વાયુનો વિશેષ પ્રકોપ તથા પિત્ત નો સંચય થાય છે.

 

વર્ષા ઋતુમાં વાતાવરણના પ્રભાવના કારણે સ્વાભાવિક રૂપે આપણી ભુખ અને ભોજનને પચાવવાની ક્ષમતા મંદ પડી જાય છે.આ મંદ પાચનશક્તિને કારણે અજીર્ણ, તાવ, વાયુદોષનો પ્રકોપ, શરદી, ખાંસી, પેટનારોગ, કબજિયાત, અતિસાર, સંધિવા વગેરે રોગો થવાની સંભાવના છે.  આથી જ ચોમાસાની સીઝનમાં ખાન-પાનમાં ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે.

 

આ રોગોથી બચવા માટે તથા પેટની પાચક શક્તિ અગ્નિને સંભાળવા માટે આયુર્વેદ અનુસાર હલકું ભોજન અને ઓછી માત્રામાં ભોજન કરવું એ જ સ્વાસ્થય માટે ફાયદાકારક રહે છે.

 

જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો આ ૫ માસ માં વરસાદ ચાલુ હોય આ દરમિયાન ખાવા પીવા માં ફેરફાર ના કરવામાં આવે તો વાયુ અને પિત્ત ના રોગો થવાની સમ્ભાવના વધી જાય છે.  આગલા ૩ માસ માં વાયુ ના તો પાછલા ૨ માસ માં પિત્ત ના રોગો થાય છે.

 

આ ઋતુ માં વાયુ વધતો હોવાથી તેને ઘટાડવા ખાટો અને ખારો રસ છૂટ થી ખાવો જોઈએ.સિંધવ મીઠું, લીંબુ, આમલી, આમળા, ટામેટા, છાસ, અથાણા, ચટણી વગેરે જરૂરી માત્રામાં ખાઈ શકાય.મધુર આહાર પણ વાયુ નો નાશ કરે છે તેથી ગોળ, ઘી, ઘઉં,ચોખા, તલ, તલ તેલ, કેળા, સુકો મેવો, મીઠાઈઓ માફક આવે અને પચે એ રીતે ખાઈ શકાય…

 

ચોમાસા માં ભેજ ને કારણે અને વાયુ વધી જવાથી મોટે ભાગે જઠરાગ્ની મંદ પડી જતો હોય છે.જેથી ખોરાક ગરમ ગરમ અને હળવો લેવો.રાંધેલું જ ખાવું તથા બહુ ઠાંસી ઠાંસી ને જમવું નહિ….વાયુ નો ગુણ (સ્વભાવ) રુક્ષ, લઘુ, શીત હોવાથી તેનાથી વિરુદ્ધ ગુણ વાળો એટલે સ્નિગ્ધ – તેલ વાળો, ભારે તથા ગરમ ખોરાક સારો…તલ નું કે સરસવ નું તેલ, ઘી, ઘઉં, દ્રાક્ષ, ગોળ સારા…

 

વર્ષા ઋતુ માં વરસાદ પડવાથી તથા આકાશમાં વાદળા ઘેરાયેલા હોવાથી લીલા શાકો સુર્યપ્રકાશ ઓછો મળવાના કારણે પિત્ત કરનારા અને પચવામાં ભારે બની જાય છે.તેમાય ભાજી અને મૂળા તો ક્યારેય ના ખવાય.ચણા ની બનાવટો વાયુ કારક હોવાથી ચણા, દાળિયા, ગાંઠિયા, ભજીયા થી દુર રહેવું.વરસાદ પડે અને ફેસબુક ઉપર દાલવડા ના ફોટા જોઈ ખાવા દોડી જવું બહુ સારું નઈ…બે મિનીટ ચટણી ના લીધે મજા આવે પણ પાછળ થી વાયુ પુષ્કળ વધારે…આ ઋતુ માં મગફળી નવી નવી આવે છે પણ તે પચવામાં ભારે, અગ્નિ મંદ કરનારી અને ચામડી ના રોગો કરનારી હોવાથી બહુ ખાવી નઈ…

 

કાકડી આ ઋતુ માં ટ્રેક્ટર ભરી ભરી ને માર્કેટ માં અને હોટલો માં સલાડ માં પીરસાય છે પણ નવા પાણી માં પેદા થયેલી કાકડી ભાદરવા માં પિત્ત વધારી તાવ લાવે છે. બીજો નંબર ફરાળી પબ્લિક ના વ્હાલા કેળા….પાકા હોય તો એકાદ બે સવારે ખાવા બાકી નઈ…

 

હવે વારો છે મૂળા નો .. કુમળા તાજા ખાઈ શકાય, બાકી ઘરડા મૂળા તાવ લાવ્યા વગર રેશે નઈ..તેનાથી તો નસકોરી ફૂટવી,એસીડીટી થવી વગેરે પણ થઇ શકે છે… રથયાત્રા ની મોસમ માં જાંબુ કેમ ભૂલાય ????  આ ફળો તુરા,રુક્ષ,અને મળ ને રોકી રાખનારા – કબજીયાત કરનારા છે.તેને વધુ માત્રા માં ખાવાથી કબજીયાત, આફરો, આચકી તથા સ્વાદ નું જ્ઞાન ણા થાય તેવા રોગો થઇ શકે છે બાળકો ને ખાસ લીમીટ માં આપવા…

 

બધુય ના ના ના….તો પાર્ટી ખાવાનું શું ???

 

લ્યો લીસ્ટ લાંબુ છે…..

 

 

ઘઉં, ચોખા, અડદ, તલતેલ, આદુ, લસણ, મેથી, રાઈ, અજમો, કઢી, કાળી દ્રાક્ષ, ખાટા ફળો, ઘી, દૂધ, માખણ, દીવેલ, ડુંગળી, છાસ, ગોળ, ખાંડ, સુકો મેવો,દહીં, પરવળ, પાપડ, મગ, મરી, મરચા, લવિંગ, મીઠાઈઓ, મેથી ની ભાજી-તલ તેલ માં, રીંગણ, લીંબુ, સફરજન, સૂરણ, સરગવો,સુવા, હળદર વગેરે વગેરે પાચન શક્તિ મુજબ લેવા…

 

આ ઋતુ માં નવું પાણી દુષિત હોવાથી તથા પાચન શક્તિ મંદ હોવાથી તાવ,ઝાડા,મરડો,પેટ ના રોગો વગેરે થઇ શકે છે. જેથી કાચું પાણી ણા પીવું,આર્ધુ બાળેલું અને સુંઠ ણા ટુકડા નાખી ઉકાળેલું પાણી જ પીવું.ઠંડા કે બરફ વાળા પીણા,ફ્રીજ નું પાણી ના પીવું…સરબતો પીવા ના બહુ શોખો ઉપડે તો લીંબુ સરબત, આદુ નો રસ, સિંધવ, મધ, ધાણાજીરું, મરી નાખેલી લસ્સી, આદુ-આમળા કે કોકમ નું સરબત પીવું.

 

૧]  એસી કુલર બંધ, સ્વીમીંગ ના કરવું…માલીશ-શેક કરાવવા,ગરમ પાણી થી નાહવું..

 

૨]  ઘર માં ગુગળ કે લીમડા નો ધૂપ કરવો, ગાય ના ઘી નો દીવો કરવો, બહુ ઉપવાસ ના કરવા

 

૩]  અને છેલ્લે ખાખરા ઘી ચોપડેલા લાવવા…..

 

ATRI Ayurvedam.com

 

વર્ષાઋતુમાં આરોગ્ય જાળવવા શું કરશો ? … 

 

 

વર્ષાને આયુર્વેદની દ્રષ્ટિએ વાત પ્રકોપની ઋતુ માનવામાં આવે છે. આથી વાયુ કરે એવા અહાર વિહાર આ ઋતુમાં ઓછાં કરવા અથવા તો છોડી દેવા. વાલ, વટાણા, ચણા, ચોળા, પાપડી, ગુવાર, વાલોળ અને બટાટા જેવા પદાર્થ વાયુ કરે છે આથી એનો ઉપયોગ ઓછો કરવો અથવા વાયુનો કોઈ રોગ થયો હોય તેવી વ્યક્તિએ સદંતર બંધ કરવો.

 

૧]  ઉજાગરા, વધુ પડતો પ્રવાસ, વણ જોતા ઉપવાસ, અતિશય શ્રમ કે વ્યાયામ, અતિ મૈથુન, ચિંતા અને શોકથી પણ વાયુ વધે છે.

૨]  લસણ, મેથી, હિંગ, સરગવો, લીંબુ, ફૂદીનો, તલનું તેલ, છાશ અને સિંઘવ જેવા પદાર્થો વાયુનું શમન કરતા હોવાથી વર્ષાઋતુમાં તેનો ઉપયોગ વધારવો.

 

૩]  આ ઋતુમાં કુદરતી રીતે જ ભૂખ ઓછી અને પાચન મંદ થઈ જાય છે. આથી પચવામાં ભારે હોય તેવો-દુર્જર કે વાસી ખોરાક ન ખાવો. જમતાં પહેલાં જો આદુના ટૂકડામાં લીંબુનો રસ તથા મીઠું મેળવીને ચાવી જવામાં આવે તો ખોરાક પ્રત્યેની રૃચિ વધે છે અને પાચનતંત્ર વ્યવસ્થિત રહેવાથી વાયુના કે બીજા કોઈ રોગો થતાં નથી.

 

૪]  આમવાત, સંધિવા, કમરનો દુખાવો, રાંઝણ, ઝાડા, મરડો, અજીર્ણ, પેટનો દુખાવો, કાનમાં સણકા, શરદી કે આચંકી જેવા રોગો ચોમાસામાં ખાસ જોવા મળે છે. આથી આવો કોઈ રોગ ન થાય તેની કાળજી રાખવી અને થાય તો સાદા-નિર્દોષ ઔષધો દ્વારા જ એને મૂળમાંથી દૂર કરવા કોશિશ કરવી. ચોમાસામાં સૂંઠ, આદું, લસણ, લીંબુ, તુલસી અને પીપરી મૂળ (ગંઠોડા) જેવા સાદા ઔષધોનો ઉપયોગ ખાસ કરવો.

 

૫]  જાંબુ એ વર્ષા ઋતુનું સર્વ સુલભ ફળ છે. પણ એ અતિશય વાયુ કરનાર હોવાથી સમજી વિચારીને ખાવા અને ગેસ-કબજિયાત જેવા રોગો થયા હોય તેણે કે વાત પ્રકૃતિવાળી વ્યક્તિઓએ ન ખાવા. ઝાડા, લોહીવા અને શ્વેતપ્રદર જેવા રોગોમાં (પોતાના ‘ગ્રાહિ’ગુણના કારણે) જાંબુ ઉપયોગી છે. મધુપ્રમેહ હોય તેવી વ્યક્તિને જાંબુના ઠળિયાનું ચૂર્ણ હળદર અને આમળાંના ચૂર્ણ સાથે મેળવીને સવાર-સાંજ એક-એક ચમચી આપવાથી આશાતીત લાભ થાય છે. પ્રમેહના રોગી માટે ચોમાસામાં ખાસ જોવા મળતું શાક-કારેલા-પણ હિતકર છે.

 

૬]  વર્ષા ઋતુમાં મકાઈના ડોડા પણ ખૂબ જ વેચાતા હોય છે. આયુર્વેદની દ્રષ્ટિએ તે દુર્જર છે અને તેથી વધુ પ્રમાણમાં ખાવામાં આવે તો તેટમાં ભાર જેવું લાગે છે અને વાયુ પણ કરે છે. આમ છતાં માપસર ખાવાથી તે ઋચિકર પણ લાગે છે.

 

૭]  આ ઋતુ દરમિયાન પાણી ગાળેલું, ઉકાળેલું અને ઓછું જ પીવું. સૂંઠનો ટૂકડો નાખીને ઉકાળેલું પાણી જો પીવામાં આવે તો શરદી, ઝાડા, અપચો અને આમવાત જેવા રોગો થતાં નથી અને થયા હોય તો સરળતાથી દૂર થાય છે. ચોમાસાના કારણે ઘરની આસપાસ, રસ્તા પર, ઝૂપડપટ્ટી વાળા વિસ્તારમાં પાણી ભરાય છે અને કીચડ પણ થાય છે. કીચડના કારણે મચ્છર અને માખીનો ઉપદ્રવ પણ વધે અને મલેરિયા તથા કોલેરા જેવા રોગો ઝડપથી ફેલાવા લાગે છે. આવા સમયમાં તુલસી-મરીનો ઉકાળો પીવામાં આવે તો શરદી, ફલુ અને મલેરિયા સામે રક્ષણ મળે છે.

 

 

સૌજન્ય : ગુજરાત સમાચાર

 

 

વર્ષાનું ઉત્તમ ઔષધ-શાક કારેલાં (આયુર્વેદ) …

 

આયુર્વેદ – વૈદ્ય મનુભાઈ ગૌદાની

 

 

karela.1

 

 

વર્ષાઋતુનું ઉત્તમ ઔષધ છે ‘કારેલાં’.   આજે જ્યારે કારેલાં પર લખતાં પેન ઊંચકું છું ત્યારે સૌ પ્રથમ તો મધુપ્રમેહના દર્દીઓની વણઝાર અને એ સાથે કૃમિ, તાવ, ત્વચાના રોગો, લિવરની વિકૃતિઓ, ધાવણની અશુદ્ધિ અને સાંધાનો વા તથા ઉદર રોગોના દર્દીઓ ચિત્તપ્રદેશમાં ઊભરાય છે. આમ તો કારેલાં બારેમાસ મળે, પરંતુ કુદરતે આપણને આ વર્ષાઋતુમાં જ પુષ્કળ કારેલાં શા માટે આપ્યાં હશે ?   એવો સ્વાભાવિક પ્રશ્ન ઉપસ્થિત થાય. પ્રત્યુત્તરમાં કહી શકાય કે આ ઋતુમાં ઉગ્રરૂપે ફેલાતા આ રોગના પ્રતિકાર માટે જ કદાચ કારેલાંની પુષ્કળ ઉત્પત્તિને પ્રકૃતિએ સાથ આપ્યો હોવો જોઈએ.

 

આયુર્વેદમાં કારેલાંને ‘કારવલ્લી’ અને ‘કટિલ્લ’ કહેવામાં આવે છે. ‘ભાવપ્રકાશ’ એ આયુર્વેદનો વનસ્પતિશાસ્ત્રનો સર્વોત્તમ અને પ્રખ્યાત ગ્રંથ છે. તેમાં કારેલાંના ગુણોનું આ પ્રમાણે વર્ણન કરેલું છે. કારેલાં ભૂખ લગાડનાર, મળને ખસેડનાર, મંદાગ્નિ, અરુચિ, પિત્તના રોગો, લોહી-રક્તના રોગો, કફના રોગો, પાંડુરોગ-રક્તાલ્પતા,  કૃમિ, ઉધરસ, શ્વાસ, પ્રમેહ, પથરી, કોઢ, ઉદરરોગો તથા તમામ પ્રકારના તાવમાં પથ્યઆહાર અને ઉત્તમ ઔષધ છે. સુશ્રુતે કારેલાંના વમન અને વિરેચન એમ બે શોધન ગુણોનું પણ નિરૂપણ કરેલું છે.

 

કડવા રસવાળાં ઔષધોમાં કારેલાંનો પણ સમાવેશ થાય છે. આયુર્વેદ એ આપણું પ્રાચીન ચિકિત્સાશાસ્ત્ર છે. તેમાં આહાર અને ઔષધના ગળ્યો, ખાટો, ખારો, તીખો, કડવો અને તૂરો આ છએ રસોનું ઘણું જ સૂક્ષ્મ અને વૈજ્ઞાનિક નિરૂપણ થયેલું છે. આહાર અને ઔષધનાં અમુક રસવાળાં દ્રવ્યોની શરીરમાં ગયા પછી તેની શી અસરો થાય છે ?   તેની વ્યવસ્થિત અને તર્કબદ્ધ વૈજ્ઞાનિક માહિતી આયુર્વેદના ગ્રંથોમાં જ વાંચવા મળે છે.

 

કડવા રસવાળાં જેવાં કે કુંવારપાઠું, કારેલાં, કંકોડાં, કડુ, કરિયાતુ, ગળો, મામેજવો વગેરે લિવરને શુદ્ધ કરી તેને કાર્યક્ષમ બનાવે છે. તેનાથી જઠરાગ્નિ કાર્યક્ષમ-પ્રદીપ્ત થાય છે. યકૃતની શુદ્ધિથી તાવ, પિત્ત વગેરેથી ઉત્પન્ન થતાં વિષોના શોધનની ક્રિયા બળવાન બને છે. આપણા આહારમાં કડવો રસ અરુચિકર હોવાથી એવાં દ્રવ્યોનો વપરાશ ખૂબ ઓછો થાય છે અને આજકાલ ઉત્પન્ન થતા અમુક રોગોનું આ જ કારણ છે. દૈનિક આહારમાં કડવા રસનું અમુક માત્રામાં નિયમિત સેવન કરવાથી આરોગ્યને સ્થિર રાખી શકાય છે અને જો ભૂલથી પણ રોગો થાય તો તેના સેવનથી તેને મટાડી શકાય છે.

 

ક કારેલાંનો ‘ક’

 

ગ્રીષ્મમાં સંચય થયેલા વાયુનો વર્ષાઋતુમાં પ્રકોપ થાય છે. એટલે જ વર્ષાઋતુમાં વાયુના રોગોનું પ્રમાણ વધે છે. વાયુનો ગુણ શીત છે અને વર્ષાનો સ્વભાવ પણ શીત એટલે કે ઠંડો છે એટલે વર્ષાઋતુમાં આહાર તાજો અને ગરમગરમ લેવો જોઈએ. ઠંડાં અને વાસી આહારદ્રવ્યોથી આ ઋતુમાં ઝાડા, ઊલટી, તાવ, ત્વચાના અને રક્તના રોગો થવાની પૂરી શક્યતા રહે છે. આ ઋતુમાં જો કારેલાં અને લીંબુનો ઉચિત ઉપયોગ કરવામાં આવે તો વર્ષાઋતુજન્ય રોગો સાત ગજ દૂર રહે છે. વર્ષાઋતુમાં આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટે છે. તેને કારેલાં અને લીંબુના ઉપયોગથી ટકાવી શકાય. વર્ષામાં મંદ થયેલા જઠરાગ્નિને કારેલાં અને લીંબુનો ઉપયોગ પ્રદીપ્ત કરે છે. જઠરાગ્નિ પ્રદીપ્ત થતાં પાચનશક્તિ વધે છે. વર્ષાઋતુ વાયુના પ્રકોપ અને પિત્તના સંચયની ઋતુ છે. વર્ષામાં સંચિત થયેલું પિત્ત શરદઋતુમાં પ્રકૃપિત થાય છે. આ કારણને લીધે જ વર્ષા પછીની શરદઋતુમાં પિત્તના રોગોનું પ્રમાણ વધે છે. જો શરદના આ પિત્ત પ્રકોપથી થતા તાવ વગેરે રોગોથી બચવું હોય તો વર્ષામાં-શ્રાવણમાં કારેલાંનો ઉપયોગ કરવો કે જેથી ભાદરવામાં થતા પિત્તના-તાવના રોગોથી બચી શકાય. કારેલાં પચવામાં સુપાચ્ય એટલે કે હલકાં હોવાથી વર્ષામાં તે શ્રેષ્ઠ ઔષધશાક છે. કૃમિઓનો ઉપદ્રવ વર્ષામાં વધે છે અને કારેલાંને કૃમિનાશક ગણાવ્યાં હોવાથી વર્ષામાં તેનો ઉપયોગ ખૂબ હિતાવહ છે. આમ, આયુર્વેદીય ઉત્તમ શાક-ઔષધ છે એટલે પ્રકૃતિએ આ ઋતુમાં પુષ્કળ પ્રમાણમાં આપેલાં આ કારેલાં તરફ મોઢું ન મચકોડતાં તેનો છૂટથી ઉપયોગ કરવો જોઈએ.

 

 

સૌજન્ય : સંદેશ

 

 

ક્યાં થાય છે કારેલા ?  …

 

 

કારેલાનું વતન કયું તે વિશે તો ઝાઝી માહિતી મળતી નથી, પણ તે ગરમ અને ભેજયુક્ત આબોહવામાં થાય છે. તેથી મુખ્યત્વે તે ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, દક્ષિણ-પૂર્વ એશિયા, ચીન, આફ્રિકા, કેરેબિયન ટાપુઓ અને દક્ષિણ અમેરિકાના કેટલાંક પ્રદેશોમાં તે મબલખ ઊગે છે. કારેલાં વિશે નવાઈ ઉપજાવે તેવી એક વાત એ છે કે આ શાક કડવું હોય છે, પણ તે પાકીને પીળું થાય અને તેની અંદર રહેલો ગર લાલ થઈ જાય ત્યાર પછી ગરનો સ્વાદ મીઠો થઈ જાય છે! દક્ષિણ-પૂર્વ એશિયાના ઘણાં પ્રદેશોમાં સલાડમાં કારેલાંના આ મીઠા ગરનો ઉપયોગ કરવામાં આવે છે.

 

 

karela

 

 

 અવનવી વાનગીઓ  …

 

કારેલાંને ભરીને બનાવી શકાય છે, બટાટા સાથે કે એકલા બનાવી શકાય છે, ગોળ નાંખીને ગળ્યું શાક બનાવી શકાય છે. ઘણાં લોકો તેનાં ભજિયાં પણ બનાવે છે. કેટલાંક લોકો કારેલાંની છાલ કાઢયા વિનાનું જ શાક બનાવે છે. જ્યારે ઘણાં-ખરાં ઘરોમાં ગૃહિણી કારેલાંની છાલ કાઢીને તેના ચીરા કરીને મીઠું ભરીને થોડી વાર સુધી મૂકી રાખે છે, અને પછી તેનું પાણી છૂટે એટલે બરાબર નીચોવીને ધોઈ કાઢે છે, જેથી તેની ઘણીખરી કડવાટ જતી રહે છે.

પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં કારેલાંનું ડુંગળી અને લસણથી ભરપૂર શાક બનાવાય છે. જાપાનમાં પણ કારેલાં ખાનારો મોટો વર્ગ છે. ઇન્ડોનેશિયામાં નાળિયેરના દૂધ સાથે કારેલાંની કરી બનાવવામાં આવે છે. તો વળી નેપાળમાં તો કારેલાંનું અથાણું બને છે.

 

ઔષધ  …

 

લાંબા સમયથી એશિયન વૈદક પરંપરામાં કારેલાંનો ઉપયોગ થતો આવ્યો છે. મોટાભાગના કડવાટવાળા ખાદ્યપદાર્થોની માફક કારેલાં પાચનશક્તિને ઉત્તેજે છે. કોલમ્બિયનો, પનામાવાસીઓ અને એશિયનો કારેલાંને મેલેરિયા રોકવા માટે મહત્ત્વનું માને છે. પનામામાં મેલેરિયા અને ડાયાબિટીસની સારવાર માટે કારેલાંનાં પાંદડાંને ગરમ પાણીમાં ઉકાળીને તેની ચા બનાવાય છે અને તે ચા દર્દીને પીવડાવવામાં આવે છે.

 

કારેલાંમાં વિટામિન બી-૧, બી-૨, બી-૩ અને વિટામિન-સી, મેગ્નેશિયમ, ફોલિક એસિડ, ઝિન્ક, ફોસ્ફરસ, મેંગેનિઝ અને ફાઇબર ભરપૂર માત્રામાં મળી રહે છે. તે લોહતત્ત્વનો પણ સ્રોત છે. ઉપરાંત તેમાં બ્રોકોલી કરતાં બમણું બીટા-કેરોટિન, પાલક કરતાં બમણું કેલ્શિયમ અને કેળાં કરતાં બમણું પોટેશિયમ રહેલું હોય છે.

 

ટિપ્સ  …

 

દમ થયો હોય ત્યારે કારેલાંનું મસાલા વિનાનું અને છાલ ઉતાર્યા વિનાનું શાક ખાવાથી ફાયદો થાય છે.

 

પેટમાં ગેસ અને અપચો થયો હોય તો કારેલાંનો જ્યૂસ પીવાથી ફાયદો થાય છે.

 

કારેલાંના રસમાં થોડું સિંધાલૂણ નાંખીને પીવાથી ઊલટીમાં તરત જ રાહત થાય છે.

 

ડાયાબિટીસના દર્દીએ અડધો કપ કારેલાંના રસમાં સમાન માત્રામાં ગાજરનો રસ ભેળવીને પીવાથી ફાયદો થાય છે. ઉપરાંત કારેલાંનો પાઉડર કે તેના રસમાં જાંબુના ઠળિયાનો પાઉડર અને હળદર ભેળવીને મધ ઉમેરી રોજ બે વાર લેવું પણ ડાયાબિટીસના દર્દીઓ માટે લાભપ્રદ છે.

 

કારેલાંનાં પાન કે સૂકાં કારેલાંનો ઉકાળો કરી તેમાં થોડી સૂંઠ, હળદર અને મધ ઉમેરીને ગરમ-ગરમ પીવાથી કફ અને શરદીમાં રાહત રહે છે.

 

ગુણધર્મો : 

 

કારેલાં – સ્વાદે કડવા, તીખા, ખારા અને ગુણમાં હળવા, વાયુકર્તા, પિત્તશામક, ત્રિદોષનાશક, જઠરાગ્નિવર્ધક, રૂચિકર્તા, પાચનકર્તા, પેશાબ લાવનાર, ઉત્તેજક, રક્તશુદ્ધ કર્તા, જખમ રૂઝાવનાર, નેત્રને હિતકર, માસિકસ્ત્રાવ જન્માવનાર, ધાવણ શુદ્ધકર્તા અને કૃમિ, તાવ, ગોળો, ઉદરશૂળ, વ્રણ દાહ, પીડા, પાંડુ, પ્રમેહ, મધુપ્રમેહ, કોઢ, ખાંસી, શ્વાસ, અરૂચિ, કફદોષ તથા કમળો મટાડે છે. કારેલી : કારેલા જેવા જ ગુણો ધરાવવા ઉપરાંત તે વધુ કડવી, ગરમ, પથ્યકર, વાયુકર્તા અને અરૂચિ, કૃમિ તાવ તથા કોઢનો વિશેષ નાશ કરે છે. દવામાં ફળ લેવાય છે.

 

૧)   કારેલા ભૂખને વધારનાર પાચન શક્તિ વધારનાર તથા પાચનમાં હલકા અને ઠંડા હોય છએ. તેની પ્રકૃત્તિ ઠંડી હોવાને કારણે ગરમીથી થતા વિકારોને દૂર કરે છે. કારેલા તાવ, ઉધરસ તથા પેટના કીડાઓનો નાશ કરે છે.

 

૨)   કારેલામાં વિટામિન-સી ઉપરાંત તેમાં ગંધયુક્ત બાષ્પશીલ તેલ, કેરોટીન, ગ્લુકોસાઈડ, સેપોનિન, અલ્કેલાઈડ તથા બિટર્સ મળે છે. આ બધા પોષક તત્વોને કારણે તે કેવળ શાકભાજી ન રહેતા એક વિશેષ ઔષધી બની જાય છે.

 

૩)   કારેલા ડાયાબિટીસમાં રામબાણ ઔષધિનું કાર્ય કરે છે. છાંયામાં સુકવેલા કારેલાનો એક ચમચી પાવડર દરરોજ સેવન કરવાથી ડાયાબિટીસમાં ચમત્કારી વાભ મળે છે. કારણકે કારેલા પેંક્રિયાજને ઉત્તેજિત કરી ઈન્સુલિનના સ્ત્રાવને વધારે છે.

 

૪)   બીટર્સ તથા આલ્કેલાઈનની તત્વો તેમાં હોવાથી તે લોહીના વહનમાં લાભ કરે છે તથા તે રક્ત શુદ્ધિ કરણમાં મદદ રૂપ હોવનાથી ચામડીનો રોગ કે ચામડી પર થતા રહેતા નાના વિકારો મટાડે છે.

 

૫)   કારેલાના બીજમાં વિરેચક-તેલ મેળવવામાં આવે છે. જેના કારણે કારેલાનું શાક ખાવાથી કબજીયાત નથી થતી. તેના સેવનથી એસિડિટી, ખાટા ઓડકારમાં આરામ મળે છે.

 

૬)  વિટામિન એ તેમાંથી મળતું હોવાથી તેનું શાક ખાવાથી રતાંધળાપણું નથી આવતું. સાંધાની બીમારીમાં કારેલાનું શાક તથા સાંધા પર કારેલાના પાંદડાનો રસ લગાવવાથી આરામ મળે છે.

 

ઔષધિ પ્રયોગ :  …

 

(૧) પિત્ત (ગરમી) વિકાર : કારેલીનાં પાનના રસમાં સાકર તથા ઘી ૧ ચમચી નાંખી પીવું. પિત્તની ઊલટી કરવી હોય, તો કારેલીનો રસ એકલો પીવો. કદીક તેથી ઝાડા-ઊલટી બંને થાય છે.

 

(૨) ઠંડી શરદીનો તાવ : કારેલી કે કારેલાના પાનના રસમાં જીરું તથા મધ નાંખીને પીવું.

 

(૩) રતાંધતા : કારેલી કે કારેલાના પાનના રસમાં કાળ મરી ઘસીને આંખમાં રોજ સાંજે આંજવું.

 

(૪) કૉલેરા : કારેલીનો રસ કાઢી, તેમાં તલનું તેલ ઉમેરી પી જવું.

 

(૫) દૂઝતા હરસ : કારેલી – કારેલાના પાન કે ફળના રસમાં સાકર નાંખી પીવું.

 

(૬) પેશાબ ન થવો (મૂત્રાઘાત) : કારેલના પાનના ૩૦ ગ્રામ રસમાં ૧ ગ્રામ હિંગ ભૂકી નાંખી પીવાથી પેશાબ ઊતરશે.

 

(૭) ડાયાબીટીશ : કારેલાનો પાઉડર કે તેનો રસ, જાંબુના ઠળિયાનો પાઉડર અને હળદર ચૂર્ણ મિશ્ર કરી, મધ ઉમેરી રોજ બે વાર લેવું.

 

(૮) બરોળ (સ્પ્લીન) વધવી : કારેલાના રસમાં થોડી રાઈ તથા મીઠું મેળવી રોજ સવાર-સાંજ પીવું.

 

(૯) હરસ : કારેલાનું શાક રોજ ખાવું અને કારેલાની ચટણી હરસ પર રોજ લગાવવી.

 

(૧૦) અમ્લપિત્ત : કારેલાના પાન કે ફૂલથી ઘી સિદ્ધ કરી, તે રોજ ૧-૧ ચમચી સાકર સાથે લેવું.

 

(૧૧) કિડની કે મૂત્રાશયની પથરી : કારેલાનો રસ ૧૫ થી ૩૦ ગ્રામ લઈ, તેમાં દહીં મેળવીને ૩ દિન આપો. પછી ૩ દિન પ્રયોગ બંધ રાખી, ફરી ૪ દિન આપો.

 

(૧૨) કફ – શરદી : કારેલાના પાન કે સૂકા કારેલાનો ઉકાળો કરી, તેમાં થોડી સૂંઠ, હળદર તથા મધ ઉમેરી ગરમ ગરમ પીવો.

 

કડવા કારેલાની 5 સ્વાદિષ્ટ વાનગીઓ  … 

 

 

૧)   મસાલા કારેલા 

 

સામગ્રી-

 

-1 કપ કારેલાની સ્લાઈસ

-1 કપ ઝીણી સમારેલી ડુંગળી

-1/2 કપ સમારેલા ટામેટાં

-1 ચપટી મરચું

-1 ચપટી ધાણાજીરું

-1 ચપટી હળદર

-1 ચપટી ખાંડ

-2 ટી સ્પૂન તેલ

-મીઠું સ્વાદાનુસાર

 

રીત …

 

સમારેલા કારેલા પર થોડું મીઠું લગાડી દસ મિનિટ માટે બાજુ પર રાખો. મીઠું લગાડેલા કારેલા રસોડાના નેપકીન પર પાથરી દો. નેપકીન વડે હળવે હાથે દબાવો. જેથી નેપકીન બધી ભીનાશ શોષી લે. હવે એક નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરો. ત્યાર બાદ તેમાં કારેલા નાખી સતત હલાવતા રહો. તેને દસ મિનિટ સુધી એટલે કે કારેલા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ચઢવા દો. પછી તેમાં ડુંગળી નાખી થોડી વધુ મિનિટ સાંતળો. છેલ્લે તેમાં ટામેટા, મરચું, ધાણાજીરું પાવડર, હળદર, ખાંડ અને મીઠું મેળવી થોડી વધુ મિનીટ સાંતળી લો. ગરમા-ગરમ મસાલા કારેલા સર્વ કરો.

 

૨)   કાજુ કારેલા

 

 સામગ્રી- 

 

-100 ગ્રામ કાજુ

-2 નંગ કાચા કેળા

-8 થી 10 નંગ કારેલા

-4 ચમચી તલ

-1 ચમચી રાઈ

-2 ચમચી લાલ મરચું

-4 ચમચી દળેલી ખાંડ

-1 ચમચી આદું-મરચાંની પેસ્ટ

-મીઠું સ્વાદાનુસાર

-તેલ જરૂર મુજબ

-કોથમીર

 

રીત-

 

સૌપ્રથમ કારેલા છોલી તેની ચિપ્સ કરી લેવી. ચિપ્સમાં મીઠું નાખી દસ મિનિટ રાખવી. ત્યારબાદ મીઠું નીતારી કોરી કરવી. કાચા કેળાની છાલ દૂર કરી ચિપ્સ કરવી. હવે કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં કાજુ, કારેલા તથા કાચા કેળાની ચિપ્સ કરી વારા ફરતી નાખીને તળી લો. હવે કડાઈમાં વઘાર માટે તલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, તલ, હિંગ નાખી તળેલા કાજુ, કારેલા, કેળા ઉમેરવા. ત્યાર બાદ બાકીની તમામ સામગ્રી ઉમેરવી. થોડીવાર હલાવી ગેસ બંધ કરવો. સર્વ કરતી વખતે સમારેલી કોથમીર નાખીને સર્વ કરવું.

 

૩)   સ્વીટ કારેલા

 

 

 

સામગ્રી-

 

-500 ગ્રામ કારેલા

-100 ગ્રામ ગોળ

-200 ગ્રામ ખજૂર

-1 ચમચી ઇલાયચી પાઉડર

-1 ચમચી જાયફળ પાઉડર

-3 ચમચી તજ-લવિંગ ભૂકો

-1/4 કપ વરિયાળી પાઉડર

-100 ગ્રામ બટર

-3 થી 4 ડ્રોપ વેનિલા એસેન્સ

 

રીત-

 

સૌપ્રથમ કારેલા ધોઈ બી કાઢી ચોરસ પીસ કરી લેવા. ઊકળતા પાણીમાં દસ મિનિટ બાફવા. ખજૂર બાફી તેનો માવો કરવો. હવે એક કડાઈમાં ગોળ છીણી, ગોળ ડૂબે તેટલું પાણી ઉમેરો. ગોળ ઓગાળવો. ધીમા તાપે ત્રણથી ચાર મિનિટ સુધી ચાસણી થવા દેવી. ત્યાર બાદ તેમાં કારેલા અને બટર ઉમેરી ત્રણથી ચાર મિનિટ ચઢવા દેવા. ત્યારબાદ તેમાં ખજૂરનો માવો તથા બાકીની સામગ્રી ઉમેરી ગેસ બંધ કરવો. સ્વીટ કારેલાને પરોઠા જોડે સર્વ કરવું. સ્વીટ સબ્જીના શોખીન માટે સ્વીટ સબ્જી તૈયાર. બટરનો પીસ બાઉલમાં મૂકવો.

 

૪)   કારેલા ડ્રાય ચટની

 

 

 

સામગ્રી-

 

-200 ગ્રામ કારેલા

-200 ગ્રામ ટોપરાનું છીણ

-100 ગ્રામ દાળિયા

-3 ચમચી અડદ દાળ શેકેલી

-5 થી 6 દાણા લીંબુનાં ફૂલ

-1 ચમચી સૂકા ધાણા

-1 ચમચી કસુરી મેથી

-4 ચમચી ખાંડ

-4 ચમચી તલ

-મીઠું સ્વાદાનુસાર

 

રીત-

 

સૌપ્રથમ કારેલાના બી કાઢી ઝીણા સમારવા અથવા છીણવા. તેમાં દાળિયા દાળ અને અડદ દાળ શેકેલી નાખી ક્રશ કરવી. ત્યાર બાદ બાકીની સામગ્રી મિક્સ કરી થોડું જરૂર પૂરતું પાણી ઉમેરી એકદમ ક્રશ કરવી. બાઉલમાં કાઢીને જરૂર પ્રમાણે વાપરવી.

 

નોંધ : ઉપયોગમાં લેતા પહેલાં દહીં નાખી મિક્સ કરવી.  સ્વાદ અનુસાર ગળપણ વધારી શકાય.

 

૫)   કારેલા કોકોનટ વડાં

 

 

 

સામગ્રી-

 

વડાં માટે-

 

-250 ગ્રામ કારેલા

-100 ગ્રામ કોપરાનું છીણ

-1 નંગ બાફેલું બટાકું

-1 કપ સિંગ ભૂકો

-3 ચમચી આદું-મરચાની પેસ્ટ

-4 ચમચી પલાળેલી કાળી દ્રાક્ષ  -4 ચમચી તળેલા કાજુ

-4 ચમચી દાડમના દાણા

-મીઠું સ્વાદાનુસાર

-4 ચમચી દળેલી ખાંડ

-કોથમરી

 

ખીરા માટે-

 

-2 કપ ચણાના લોટ

-મીઠું સ્વાદાનુસાર

-પાણી જરૂર મુજબ

-1/2 ચમચી ચાટ મસાલો

-1/2 ચમચી મરી પાઉડર

-તેલ તળવા માટે

-1 ચમચી ઘી

 

રીત-

 

સૌપ્રથમ સમારેલા કારેલાને ઊકળતા પાણીમાં બાફો. ત્યારબાદ મિક્સીમાં ક્રશ કરો. બટાકાનો માવો કરવો. ક્રશ કરેલા કારેલામાં વડાંની તમામ સામગ્રી ઉમેરો. સામગ્રીમાંથી નાના ગોળા વાળો. ચણાના લોટમાં મીઠું, મરી નાખી બહુ પાતળું નહીં તેવું જાડું ખીરું બનાવો. કડાઈમાં તેલ ગરમ કરી તેમાં થોડું ઘી નાખવું. ચણાના લોટમાં કારેલાના ગોળા નાખી ગરમ તેલમાં તળવા. સોસ જોડે સર્વ કરવા

 

Courtesy Divya Bhasker

 

૬)   સ્ટફ્ડ કારેલા

By Swati Gadhia 

 

 

મિત્રો, ચોમાસાની આ ઋતુમાં “ઉની ઉની રોટલી ને કારેલાનું શાક”   એ જોડકણું યાદ આવ્યા વિના રહે નહીં ખરું ને તો ચાલો આજે બનાવીએ આ ભરેલા કારેલા…

 

સામગ્રી :-

 

૨૫૦ કારેલા

૧    ડુંગળી

૧    ચમચી આદુ મરચા લસણની પેસ્ટ

૧    ચમચો ચણાનો લોટ

૧    ચમચો  શેકેલા સિંગદાણાનો ભૂકો

૧    ચમચી હળદર

૧    ચમચી ધાણાજીરુ

૧    ચમચો ગોળ

૧/૪ ચમચી ચાટ મસાલો

૩    ચમચા તેલ

મીઠું સ્વાદ અનુસાર

 

રીત :-

 

સૌ પ્રથમ બધા કારેલામાં એક એક લાંબો ચીરો પાડીને મીઠાવાળા પાણીમાં બાફી લો. સારી રીતે બફાઈ જાય એટલે તેને પાણીમાંથી કાઢીને એકબાજુ પર રાખો.

 

એક કડાઈમાં ૨ ચમચા તેલ મૂકીને તેમાં આદુ – મરચા – લસણની પેસ્ટ અને પાતળી સમારેલી ડુંગળીને સાંતળી લો. તેમાં હળદર. ધાણાજીરુ, ચણાનો લોટ શેકીને ફોતરા ઉખેડેલા સિંગદાણાનો ભૂકો અને મીઠું વારાફરતી ઉમેરતા જાવ અને હલાવતા રહીને સારી રીતે મિક્સ કરી લો. બધું એકદમ ભેગું થવા માંડે ત્યાં સુધી તેને ગેસ પર હલાવતા રહો. ત્યારબાદ ગેસ પરથી ઉતારીને તેમાં ગોળ (ગોળને બદલે ખાંડ પણ વાપરી શકાય) ભેળવી લો. છેલ્લે તેમાં ચાટ મસાલો  ભેળવી લો.

 

હવે આ મિશ્રણને કાપા પાડીને બાફેલા કારેલામાં ભરી લો અને ફરી એક કડાઈમાં તેલ મૂકીને રાઈ જીરુ અને હિંગનો વઘાર કરી તેમાં ભરીને તૈયાર કરેલા કારેલા નાખી દો. વધેલા મસાલાને ઉપર પાથરી લો. કારેલા ચડી જાય એટલે ગેસ પરથી ઉતારીને ઉપરથી લીલી કોથમીર છાંટીને પીરસો…

 

વધારે તીખું કરવા માટે લાલ મરચાનો પાવડર ઉમેરી શકાય. અને હા, ચાટ મસાલો ભેળવવાથી કારેલાની કડવાશ વધી જાય છે માટે એ સ્વાદ પ્રમાણે ઉમેરવો.

 

 

સૌજન્ય : સાભાર :  [email protected], [email protected]

 

 

૭)   કુરકુરા કારેલાં …

 

સામગ્રી – 

 

કારેલાં બે કપ (પાતળી ગોલ સ્લાઈસમાં કાપેલાં), પાતળી લાંબી ડુંગળી એક કપ,લાલ મરચું 2 ટી સ્પૂન, જીરા પાવડર 2 ટી સ્પૂન , આમચૂર પાવડર એક ટી સ્પૂન, વરિયાળી અધકચરી વાટેલી 1/2 ટી સ્પૂન, મીઠુ અને ખાંડ સ્વાદમુજબ, તેલ તળવા માટે.

 

બનાવવાની રીત – 

 

એક ટી સ્પૂન મીઠુ મિક્સ કરેલી કારેલાની સ્લાઈસ 10-15 મિનિટ સુધી રાખી મુકો. પછી બંને હાથોથી દબાવી તેનુ પાણી કાઢી નાખો. તેલ ગરમ કરીને તેમા ડુંગળી સોનેરી થતા સુધી તળી લો. પછી કારેલાના સ્લાઈસ પણ સોનેરી થતા સુધી તળી લો. 
તળેલી ડુંગળી અને કારેલાને ગરમ સ્લાઈસ પર લાલ મરચું, જીરુ અને વરિયાળી પાવડર, આમચૂર, મીઠુ અને વાટેલી ખાંડ નાખીને સારી રીતે મિક્સ કરી દો. ક્રંચી કારેલા ખાવામાં સ્વાદિષ્ટ લાગશે.

 

કારેલાંની વાનગીઓ બનાવતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.

 

 

  • હંમેશાં કૂણાં કારેલાં પસંદ કરો. કૂણાં કારેલા ઓછા કડવા હોય છે.
  • કારેલાંની કડવાશને ઓછી કરવા માટે તેને સમારીને તેમાં મીઠું મેળવી દો. દસ-પંદર મિનિટ પછી કારેલાંને નીચોવીને પાણીથી ધોઈ લો.
  • કારેલાંના શાકને સ્વાદિષ્ટ બનાવવા તેમાં આમલી, ગોળ, સિંગદાણાનો ભૂકો, છીણેલું કોપરું વગેરે નાખો.
  • કારેલાંના શાકને સ્વાદિષ્ટ બનાવવા તેને તળીને રાંધો. તેમાં બટાકા, કાજુ-દ્રાક્ષના ટુકડા વગેરે ભરીને રાંધો.

 

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli