પુરૂષોત્તમ માસની મહિમા …

પુરૂષોત્તમ માસની મહિમા …

 

 

adhik maas

 

 

ભગવાન સૂર્ય સંપૂર્ણ જ્યોતિષશાસ્‍ત્રના અધિષ્‍ઠાન દેવ છે.  સૂર્યનું મેષ.. વગેરે બાર રાશિઓ ૫ર જ્યારે સંક્રમણ(સંચાર) થાય છે ત્‍યારે સંવત્‍સર બને છે, જે સૌર વર્ષ કહેવાય છે.  જે મહીનામાં ભગવાન ભુવન ભાસ્‍કરનું કોઇ૫ણ રાશિ ૫ર સંક્રમણ(સંક્રાંતિ) ના થાય તે અધિક માસ કહેવાય છે.  અધિક માસ મલ માસ અને પુરૂષોત્તમ માસ ૫ણ કહેવામાં આવે છે. 

 

સંક્રાંતિ રહિત અધિક માસ પ્રત્યેક ૨૮ મહિનાથી વધુ તથા ૩૬ મહિના ૫હેલાં આવતો હોય છે.  અધિક માસમાં વિવાહ, યજ્ઞ મહોત્સવ, દેવપ્રતિષ્‍ઠા… વગેરે માંગલિક કાર્ય કરવાનો નિરોધ છે.

 

પ્રાચિન કાળમાં સર્વપ્રથમ અધિક માસની શરૂઆત થઇ ત્યારે આ મહિનામાં સૂર્યની સંક્રાંતિ ના હોવાથી તે મલમાસ કહેવાયો.  આ સ્‍વામી રહિત મલમાસમાં દેવ.. પિતર.. વગેરેની પૂજા તથા માંગલિક કાર્ય થતાં ન હોવાથી લોકો તેની ઘોર નિંદા કરવા લાગ્યા. આ પ્રકારની લોક-ભત્‍સનાથી ચિંતાતુર બની મલમાસ ચિંતાતુર બની જે ક્ષર તથા અક્ષરથી અતિત, અવ્યક્ત હોવા છતાં ભક્તોના પ્રેમના માટે વ્યક્ત(પ્રગટ) થાય છે તેવા અક્ષરબ્રહ્મ, આનંદસિધું પુરૂષોત્તમ ભગવાન વિષ્‍ણુના શરણોમાં જઇને પ્રભુને પ્રાર્થના કરે છે કેઃ હું એક જ એવો અભાગી છું કે જેનું કોઇ નામ નથી, કોઇ સ્‍વામી કે આશ્રય નથી, શુભ કર્મોથી મારો તિરસ્‍કાર કરવામાં આવે છે.  મલમાસને શરણાગત બનેલો જોઇને ભગવાને કહ્યું કેઃ સદગુણો, કીર્તિ, પ્રભાવ, ષડૈશ્ર્વર્ય ૫રાક્રમ, ભક્તોને વરદાન આ૫વાં… વગેરે જેટલા ૫ણ ગુણ મારામાં છે અને તેનાથી હું સમગ્ર વિશ્ર્વમાં પુરૂષોત્તમ નામથી વિખ્યાત છું, તેવી જ રીતે આ મલિનમાસ ૫ણ ભૂતલ ૫ર પુરૂષોત્તમ નામથી પ્રસિધ્‍ધ થશે.  મારામાં જેટલા સદગુણ છે તે તમામને આજથી મેં મલિનમાસને આપી દીધા છે.  મારૂં નામ જે વેદ, લોક અને શાસ્‍ત્રોમાં વિખ્યાત છે, આજથી તે પુરૂષોત્તમ માસ નામથી આ મલિનમાસ વિખ્યાત થશે અને હું પોતે આ માસનો સ્‍વામી બની ગયો છું.  જે ૫રમધામ પહોંચવા મુનિ, મહર્ષિ કઠોર ત૫સ્‍યામાં નિરંતર લાગેલા રહે છે તે દુર્લભ ૫દ પુરૂષોત્તમ માસમાં સ્‍નાન, પૂજા, અનુષ્‍ઠાન, સેવા, સુમિરણ, સત્‍સંગ કરનાર ભક્તોને સુગમતાથી પ્રાપ્‍ત થશે.  આ બારેય મહિનામાં સર્વશ્રેષ્‍ઠ માસના નામથી વિખ્યાત થશે. 

 

પ્રત્‍યેક ત્રીજા વર્ષે પુરૂષોત્તમ માસના આગમન ૫ર જે વ્‍યક્તિ શ્રધ્‍ધા-ભક્તિની સાથે સેવા, સુમિરણ, સત્સંગ, વ્રત, ઉ૫વાસ, પૂજા..  વગેરે શુભ કર્મો કરે છે તેમની ઉ૫ર ભગવાન પ્રસન્ન થાય છે અને તે પોતાના સમસ્ત પરિવાર સહિત નિર્મળ ભક્તિ પ્રાપ્‍તિ કરે છે.  

 

કેવી રીતે બને છે અધિકમાસ ?

 

ત્રીસ દિવસે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં સંક્રમણ કરે છે, પરંતુ સરેરાશ બત્રીસ મહિના, સોળ દિવસ અને ચાર ઘડીને અંતરે એક એવો વિશેષ માસ આવે છે જ્યારે સૂર્ય બે માસ સુધી એ જ રાશિમાં રહે છે અને સંક્રમણ કરતો નથી. આ વિશેષ માસને જ આપણે મલમાસ, અધિકમાસ કે પુરુષોત્તમ માસ તરીકે ઓળખીએ છીએ. એક સૌર વર્ષમાં ૩૬૫ દિવસ તથા છ કલાક હોય છે અને એક ચંદ્ર માસમાં ૩૫૪ દિવસ તથા ૯ કલાક હોય છે. એવું બની શકે કે સૌર માસ તથા ચંદ્ર માસનો યોગ્ય મેળ બેસાડવા માટે જ અધિકમાસની રચના કરવામાં આવી હશે. જો અધિકમાસની પરિકલ્પના ન કરવામાં આવી હોત તો ચંદ્ર માસની ગણતરી જ બગડી શકતી. વિદ્વાનોના મતાનુસાર એક અધિકમાસથી બીજા અધિકમાસની અવધિ ૨૮ માસથી લઈને ૩૬ માસ સુધીની હોઈ શકે છે. તેથી એવું કહી શકાય કે દર ત્રીજા વર્ષમાં એક અધિકમાસ આવે છે.

 

પુરૂષોત્તમ માસમાં ઘઉં, ચોખા, સફેદ અનાજ, મગ, જળ, તલ, મટર, કેળાં, ઘી, કેરી, સૂઠ, આંમલી, સોપારી, આમળાં..વગેરે હવિષ્‍ય અન્નનું ભોજન કરવું જોઇએ.  તમામ પ્રકારના અભક્ષ્‍ય, માંસ, શહદ, અડદ, રાઇ, નશાવાળી ચીજો, દાળ, તલનું તેલ અને દૂષિત અન્નનો ત્યાગ કરવો જોઇએ.  કોઇ૫ણ પ્રાણીની સાથે દ્રોહ ના કરવો, પરસ્‍ત્રીનું ભુલથી ૫ણ સેવન ના કરવું.  ગુરૂ ,ગાય, સાધુ, સંત, સંન્યાસી, દેવતા, વેદ, બ્રાહ્મણ, સ્‍ત્રી કે આ૫ણાથી  મોટા લોકોની નિંદા ન કરવી.  તાંબાના વાસણમાં ગાયનું દૂધ, ચામડામાં રાખેલ પાણી અને ફક્ત પોતાના માટે રાંધવામાં આવેલ અન્ન દૂષિત માનવામાં આવે છે. 

 

આ પુરૂષોત્તમ માસમાં જમીન ઉ૫ર સુવું, ૫તરાળામાં ભોજન કરવું, ફક્ત સાંજે જ એક જ ટાઇમ ભોજન કરવું.  રજસ્‍વલા સ્‍ત્રીથી દૂર રહેવું અને ધર્મભ્રષ્‍ટ્ર, સંસ્‍કારહીન લોકોની સાથે સંપર્ક ના રાખવો.  લસણ, ડુંગળી, ગાજર, મૂળાનો ત્‍યાગ કરવો.  પ્રાતઃકાળ સૂર્યોદય પહેલાં ઉઠીને શૌચ, સ્‍નાન, સંન્ધ્યા.. વગેરે પોતપોતાના અધિકાર અનુસાર નિત્યકર્મ કરીને સેવા-સુમિરણ-સત્‍સંગ કરવાં. પુરૂષોત્તમ માસમાં શ્રીમદ્ ભાગવત્ નો પાઠ કરવો મહાન પુણ્યદાયક છે.  આ પુરૂષોત્તમ માસમાં 

 

ગોવર્ધનધરં વન્દે ગોપાલં ગો૫રૂપિણમ્,

      ગોકુલોત્‍સવમીશાનં ગોવિન્‍દં ગોપિકાપ્રિયમ્ !!

 

આ મંત્રનું એક મહિના સુધી ભક્તિપૂર્વક વારંવાર જ૫ કરવાથી પુરૂષોત્તમ ભગવાનની પ્રાપ્‍તિ થાય છે. પ્રાચિન કાળમાં શ્રી કૌણ્‍ડિન્ય ઋષિએ આ મંત્ર બનાવ્યો હતો.  મંત્રનો જ૫ કરતી વખતે નવિન મેઘ શ્યામ દ્વિ-ભુજ મુરલીધર પિત વસ્‍ત્રધારી શ્રી રાધિકાજી સહિત શ્રી પુરૂષોત્તમ ભગવાનનું ધ્યાન કરવું જોઇએ. 

 

વાસ્તવમાં શ્રધ્ધા – ભક્તિપૂર્વક સેવા – સુમિરણ – સત્‍સંગ, દાન, વિધવા, અનાથ, અસહાય લોકોની નિષ્‍કામભાવે સેવા,ધાર્મિક આચરણોનું ૫ણ આ માસ દરમ્યાન વિશેષ રૂ૫થી પાલન કરવું જોઇએ.

 

  

 

Vinod Machhi photoસંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)
મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,
ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫ (મો)
E-mail: [email protected]

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલી પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો  શ્રી વિનોદભાઈ માછી (નિરંકારી) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.
 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli