તારી સફળતાનાં ગીતો ગાવાનું હવે બંધ કર ! …

તારી સફળતાનાં ગીતો ગાવાનું હવે બંધ કર! …

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ 

 

 

પત્થરોં મેં ભી ઝબાં હોતી હૈ, દિલ હોતે હૈં, 
આપને ઘર કે દરો-દીવાર સજાકર દેખો,
ફાસલા નજરોં કા ધોકા ભી તો હો સકતા હૈ, 
ચાંદ જબ ચમકે જરા હાથ બઢાકર દેખો.

 

– નિદા ફાઝલી

 

 

સફળતા દરેક માણસનું સપનું હોય છે.  દરેક માણસ મોટા ભાગની પ્રવૃત્તિ બે હેતુ માટે કરતો હોય છે.  એક તો સુખી થવા માટે અને બીજું સફળ થવા માટે.  સફળ થવું એટલે શું ?  સફળતાની સામાન્ય વ્યાખ્યા એવી કહી શકાય કે આપણી ઇચ્છા હોય એ મુકામ હાંસલ કરવાનું નામ સફળતા. સામાન્ય સફળતા પણ સંઘર્ષ વગર નથી મળતી. દરેક માણસના નસીબમાં પોતાના પૂરતો સંઘર્ષ લખેલો જ હોય છે.  કોઈ પણ માણસને પૂછી જોજો કે તમારી લાઇફનો સંઘર્ષ કેવો હતો ?  એ માણસ તરત જ પોતાની વાત માંડશે.

 

અમે તો બહુ તકલીફમાં મોટા થયા છીએ.  એક રૂમમાં ચાર લોકો રહેતા હતા. પાંચ કિલોમીટર ચાલીને સ્કૂલ કે કોલેજ જવું પડતું હતું.  ચોપડા જ્ઞાાતિની વાડીમાંથી લેતા હતા.  ફી ભરવા માટે રૂપિયા ઉછીના લેવા પડતા હતા.  ટયુશનની ફી ન હતી. સાઇકલ અપાવવા પિતા પાસે કરગરતા હતા.  આ સિવાય પણ દરેકની પોતાની સંઘર્ષની કથા હશે.  લાઇફના અપ-ડાઉન્સ હશે.  કોઈએ નાની ઉંમરે પિતા ગુમાવી દીધા હોય છે અને માતાએ મહેનત કરીને મોટા કર્યા હોય છે.  કોઈને માતાની લાગણી નસીબમાં નહીં હોય.  મા-બાપ વચ્ચેના ડિસ્પ્યુટ્સ અથવા તો ડિવોર્સે ઘણાની જિંદગીમાં સમસ્યા સર્જી હશે.  કંઈક તો એવું હોય જ છે જે આપણને જિંદગીના સંઘર્ષ યાદ અપાવતું રહે છે.  આ બધી જ મુશ્કેલીઓને ઓવરકમ કરી માણસ આગળ ધપતો રહે છે. દરેકને પોતાનું વજૂદ સાર્થક કરવું હોય છે.  દરેક માણસ એ કરે પણ છે.

 

ફાઇન. સવાલ એ છે કે સફળ થઈ ગયા પછી શું ?  સફળતા માણવાની એક મજા છે. સફળતામાં નશો હોય છે. સફળતાનો નશો સમયની સાથે ઊતરી જવો જોઈએ.  સફળતાની રાઈ મગજમાં ભરાઈ ન જવી જોઈએ.  એક વ્યક્તિએ એના વડીલને પૂછયું કે આપણે સફળ થઈ જઈએ પછી શું કરવાનું ?  એ વડીલે કહ્યું કે પહેલાં તો એ સફળતાને એન્જોય કરવાની અને પછી એ સફળતાને ભૂલી જવી અને નવી સફળતા માટે સંઘર્ષ શરૂ કરી દેવો.  એવું જરાયે ન માનવું કે તમે માત્ર એક સફળતા માટે જન્મ્યા છો.  તમારે બીજું ઘણું કરવાનું હોય છે.

 

એક યુવાનની વાત છે.  તે સમયાંતરે સફળતાનાં નવાં નવાં શિખરો સર કરતો હતો.  તેના એક મિત્રએ તેને પૂછયું કે તારામાં આટલું જોમ અને જુસ્સો ક્યાંથી આવે છે ?  તેણે કહ્યું કે મારા પિતાની એક વાત મને યાદ આવે છે.  હું કોલેજમાં સ્ટડી કરતો હતો.  મારું એક સપનું હતું કે મારે કોલેજમાં ફર્સ્ટ નંબર લાવવો છે.  હું રાત-દિવસ મહેનત કરતો.  રિઝલ્ટ આવ્યું ત્યારે હું કોલેજમાં ફર્સ્ટ હતો.  મારી ખુશીનો પાર ન હતો.  ઘરે કોઈ આવે તો હું ગર્વભેર કહેતો કે મારો ફર્સ્ટ નંબર આવ્યો છે.  એક વખત ઘરે ઘણા બધા ગેસ્ટ આવ્યા હતા. મેં ફરીથી હું ફર્સ્ટ આવ્યો છું તેની વાત કરી. પિતા મારી સામું જોઈ રહ્યા.  મને કહ્યું કે ક્યાં સુધી તારે તારી સફળતાનાં ગીતો ગાયે રાખવાં છે ?  બંધ કર હવે આવી વાતો.  તારી સફળતામાંથી બહાર નીકળ.  તું ક્યારેય એવી વાત કેમ નથી કરતો કે હવે તારે શું કરવું છે ?  નોકરી કે બિઝનેસ કરીશ ત્યારે કોઈ નહીં પૂછે કે ફાઇનલમાં તને કેટલા માર્ક્સ આવ્યા હતા.  તારો નંબર આવ્યો, સારી વાત છે. ખુશી થવા જેવી છે, પણ અમે ખુશી લઈ લીધી.   હવે નવી વાત કર !

 

જૂની સફળતાની વાતો એ જ લોકો કરતાં હોય છે જેની પાસે નવી સફળતા અને તેની વાતો હોતી નથી.  હા, બહુ મોટી ઉંમર થઈ ગઈ હોય, નિવૃત્તિમાં માણસ એવું કહે કે મેં આમ કર્યું હતું તો એ હજુયે વાજબી છે, પણ એક્ટિવ માણસે તો હંમેશાં જૂની સફળતાને ભૂલીને નવી સફળતા ઉપર જ નજર માંડવી જોઈએ.  અમુક સફળતા યાદગાર હોય છે, પણ આખરે એની પણ એક મર્યાદા હોય છે.

 

પતિ-પત્ની હતાં.  પતિ એક સારી કંપનીમાં જોબ કરતો હતો.  પતિ હંમેશાં કહેતો કે મારે મારી કંપનીમાં આ મુકામ હાંસલ કરવો છે.  આઈ વોન્ટ ટુ સી માયસેલ્ફ ઓન ટોપ.  પત્ની પણ તેની વાતો, તેની ખ્વાહિશ અને તેની મહેનત જોઈને ખુશ થતી.  એક સમય આવ્યો.  પતિએ એ મુકામ મેળવી લીધો. સ્વાભાવિક રીતે જ એ ખુશ હતો.  એક દિવસ તેણે પત્નીને કહ્યું કે મારે જે કરવું હતું એ મેં કરી લીધું.  આઈ એમ સેટિસ્ફાઇડ. પત્નીએ કહ્યું કે, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. નાઉ વોટ નેક્સ્ટ ?  પતિએ સવાલ કર્યો કે વોટ નેક્સ્ટ મીન્સ ?  પત્નીએ કહ્યું કે હવે શું ?  તને તારામાં જે તાકાત છે એ નથી દેખાતી ?  તું હજુ ઘણું કરી શકે તેમ છે એવું નથી લાગતું ? અરે,તારી સફળતાને બિરદાવતી વખતે તારા સિનિયર્સે જ કહ્યું હતું કે યુ હેવ લોંગ વે ટુ ગો.  તેં કેમ તારો રસ્તો પૂરો થઈ ગયો છે એમ માની લીધું ?  યાદ રાખ, બધા થોડો સમય તારી સફળતાનાં વખાણ કરશે, પછી ભૂલી જશે.  લોકો ભૂલી જાય તેની સાથે આપણે પણ આપણી સફળતાને ભૂલી જવી જોઈએ !  તું હવે પછી શું કરવાનો છે એના ઉપર જ લોકોનું ફોકસ હશે. હા, તારી સક્સેસ માણી લે અને ફરીથી મેદાનમાં આવી જા.  કોઈ લડાઈ અંતિમ હોતી નથી અને તું બેસી જઈશ તો થાકી જઈશ.  બેસવાનો પણ થાક લાગતો હોય છે.  નિયત સમય કરતાં વધારે બેસી રહેવાનો પણ થાક લાગતો હોય છે. બેસવાનું માત્ર થાક ઉતારવા માટે હોય છે અને ફરીથી ઊભા થવા માટે હોય છે, બેઠા રહેવા માટે નહીં !

 

સફળ થવું સહેલું છે.  પહેલી વખત સફળ થવા માટે એક ઝનૂન હોય છે.  કંઈક કરી બતાવવાની ધગશ હોય છે.  બીજી સફળતા વધુ આકરી હોય છે.  તેમાં તમારે જે સફળતા મેળવી તેનાથી મોટી સફળતા મેળવવાની હોય છે.  સફળતા ટકાવી રાખવી પડે છે. એ ન ટકાવી રાખીએ તો સરકી જાય છે. એક ફિલ્મ કલાકારે કહેલી આ વાત છે. તેણે કહ્યું કે મારી એક ફિલ્મ સફળ થઈ પછી મારા પર પ્રેશર વધી ગયું હતું.  તમે સફળ થાવ એટલે લોકોની અપેક્ષા તમારી પાસે વધી જતી હોય છે.  તમે બીજી વખત સફળ ન થાવ તો લોકો એવું માનવા લાગે છે કે એ સફળતા ફ્લુકલી મળી ગઈ હતી. તમારી સફળતા માત્ર તમારા નસીબને કારણે નથી, પણ તમારી મહેનતના કારણે છે એ માટે તમારે સતત સફળ થતાં રહેવું પડે છે. એક સફળતા એ સફળતાનું પ્રમાણપત્ર નથી, પણ સતત સફળતા જ તમારું સ્થાન સિદ્ધ કરે છે. તેના માટે મહત્ત્વનું એ જ હોય છે કે જૂની સફળતાને બને એટલા જલદી ભૂલી જવી.  જિંદગીના છેલ્લા શ્વાસ સુધી સફળતાની શક્યતાઓ રહેલી હોય છે. આપણે બસ પ્રયત્નો છોડવા ન જોઈએ !

 

છેલ્લો સીન : 

 

કોઈ સફળતા પૂર્ણવિરામ લઈને નથી આવતી. દરેક સફળતા અલ્પવિરામ જ હોય છે. પૂર્ણવિરામ તો આપણે આપણા હાથે મૂકી દેતા હોઈએ છીએ. -કેયુ

 

(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 14 જુન, 2015. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)

 

 

krishnakant unadkat

કૃષ્ણકાંત ઉનડકટ
EXECUTIVE EDITOR, SANDESH DAILY, AHMEDABAD.
બ્લોગ લીંક :krishnkantunadkat.blogspot.com
ચિંતનની પળે :     email : 
[email protected]

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર પુન:પ્રસિદ્ધ કરવાની તક મળવા બદલ અમો શ્રી કૃષ્ણકાંત ઉનડકટ નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected] 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli