વર્ષા ઋતુ માં શું ખાવું- શું ના ખાવું????? … વર્ષાનું ઉત્તમ ઔષધ-શાક કારેલાં (આયુર્વેદ) …

વર્ષા ઋતુ માં શું ખાવું- શું ના ખાવું????? …

 

 

 

rain-in-farm[1]

 

 

અસહ્ય ગરમી પછી મન અને વાતાવરણને ઠંડક અને રાહત આપનારી ઝરમર વરસાદનો લાભ તો આપણે લઇ લીધો છે, 21 જુન મંગળવારના રોજ ઋતુ પ્રમાણે ચોમાસું પણ બેસી ગયું છે.

 

સ્વાસ્થય માટે વરસાદની આ ઋતુ ઘણી સંવેદનશીલ હોય છે.આ માટે વરસાદની સૌથી પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદમાં આ ઋતુ-વર્ષા કાળમાં બીમારીઓથી બચવા માટે કેટલીક મહત્વપુર્ણ સાવધાનીઓ બતાવવામાં આવી છે.આયુર્વેદમાં માન્યતા છે કે વર્ષા ઋતુમાં આપણા શરીરમાં વાયુનો વિશેષ પ્રકોપ તથા પિત્ત નો સંચય થાય છે.

 

વર્ષા ઋતુમાં વાતાવરણના પ્રભાવના કારણે સ્વાભાવિક રૂપે આપણી ભુખ અને ભોજનને પચાવવાની ક્ષમતા મંદ પડી જાય છે.આ મંદ પાચનશક્તિને કારણે અજીર્ણ, તાવ, વાયુદોષનો પ્રકોપ, શરદી, ખાંસી, પેટનારોગ, કબજિયાત, અતિસાર, સંધિવા વગેરે રોગો થવાની સંભાવના છે.  આથી જ ચોમાસાની સીઝનમાં ખાન-પાનમાં ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે.

 

આ રોગોથી બચવા માટે તથા પેટની પાચક શક્તિ અગ્નિને સંભાળવા માટે આયુર્વેદ અનુસાર હલકું ભોજન અને ઓછી માત્રામાં ભોજન કરવું એ જ સ્વાસ્થય માટે ફાયદાકારક રહે છે.

 

જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો આ ૫ માસ માં વરસાદ ચાલુ હોય આ દરમિયાન ખાવા પીવા માં ફેરફાર ના કરવામાં આવે તો વાયુ અને પિત્ત ના રોગો થવાની સમ્ભાવના વધી જાય છે.  આગલા ૩ માસ માં વાયુ ના તો પાછલા ૨ માસ માં પિત્ત ના રોગો થાય છે.

 

આ ઋતુ માં વાયુ વધતો હોવાથી તેને ઘટાડવા ખાટો અને ખારો રસ છૂટ થી ખાવો જોઈએ.સિંધવ મીઠું, લીંબુ, આમલી, આમળા, ટામેટા, છાસ, અથાણા, ચટણી વગેરે જરૂરી માત્રામાં ખાઈ શકાય.મધુર આહાર પણ વાયુ નો નાશ કરે છે તેથી ગોળ, ઘી, ઘઉં,ચોખા, તલ, તલ તેલ, કેળા, સુકો મેવો, મીઠાઈઓ માફક આવે અને પચે એ રીતે ખાઈ શકાય…

 

ચોમાસા માં ભેજ ને કારણે અને વાયુ વધી જવાથી મોટે ભાગે જઠરાગ્ની મંદ પડી જતો હોય છે.જેથી ખોરાક ગરમ ગરમ અને હળવો લેવો.રાંધેલું જ ખાવું તથા બહુ ઠાંસી ઠાંસી ને જમવું નહિ….વાયુ નો ગુણ (સ્વભાવ) રુક્ષ, લઘુ, શીત હોવાથી તેનાથી વિરુદ્ધ ગુણ વાળો એટલે સ્નિગ્ધ – તેલ વાળો, ભારે તથા ગરમ ખોરાક સારો…તલ નું કે સરસવ નું તેલ, ઘી, ઘઉં, દ્રાક્ષ, ગોળ સારા…

 

વર્ષા ઋતુ માં વરસાદ પડવાથી તથા આકાશમાં વાદળા ઘેરાયેલા હોવાથી લીલા શાકો સુર્યપ્રકાશ ઓછો મળવાના કારણે પિત્ત કરનારા અને પચવામાં ભારે બની જાય છે.તેમાય ભાજી અને મૂળા તો ક્યારેય ના ખવાય.ચણા ની બનાવટો વાયુ કારક હોવાથી ચણા, દાળિયા, ગાંઠિયા, ભજીયા થી દુર રહેવું.વરસાદ પડે અને ફેસબુક ઉપર દાલવડા ના ફોટા જોઈ ખાવા દોડી જવું બહુ સારું નઈ…બે મિનીટ ચટણી ના લીધે મજા આવે પણ પાછળ થી વાયુ પુષ્કળ વધારે…આ ઋતુ માં મગફળી નવી નવી આવે છે પણ તે પચવામાં ભારે, અગ્નિ મંદ કરનારી અને ચામડી ના રોગો કરનારી હોવાથી બહુ ખાવી નઈ…

 

કાકડી આ ઋતુ માં ટ્રેક્ટર ભરી ભરી ને માર્કેટ માં અને હોટલો માં સલાડ માં પીરસાય છે પણ નવા પાણી માં પેદા થયેલી કાકડી ભાદરવા માં પિત્ત વધારી તાવ લાવે છે. બીજો નંબર ફરાળી પબ્લિક ના વ્હાલા કેળા….પાકા હોય તો એકાદ બે સવારે ખાવા બાકી નઈ…

 

હવે વારો છે મૂળા નો .. કુમળા તાજા ખાઈ શકાય, બાકી ઘરડા મૂળા તાવ લાવ્યા વગર રેશે નઈ..તેનાથી તો નસકોરી ફૂટવી,એસીડીટી થવી વગેરે પણ થઇ શકે છે… રથયાત્રા ની મોસમ માં જાંબુ કેમ ભૂલાય ????  આ ફળો તુરા,રુક્ષ,અને મળ ને રોકી રાખનારા – કબજીયાત કરનારા છે.તેને વધુ માત્રા માં ખાવાથી કબજીયાત, આફરો, આચકી તથા સ્વાદ નું જ્ઞાન ણા થાય તેવા રોગો થઇ શકે છે બાળકો ને ખાસ લીમીટ માં આપવા…

 

બધુય ના ના ના….તો પાર્ટી ખાવાનું શું ???

 

લ્યો લીસ્ટ લાંબુ છે…..

 

 

ઘઉં, ચોખા, અડદ, તલતેલ, આદુ, લસણ, મેથી, રાઈ, અજમો, કઢી, કાળી દ્રાક્ષ, ખાટા ફળો, ઘી, દૂધ, માખણ, દીવેલ, ડુંગળી, છાસ, ગોળ, ખાંડ, સુકો મેવો,દહીં, પરવળ, પાપડ, મગ, મરી, મરચા, લવિંગ, મીઠાઈઓ, મેથી ની ભાજી-તલ તેલ માં, રીંગણ, લીંબુ, સફરજન, સૂરણ, સરગવો,સુવા, હળદર વગેરે વગેરે પાચન શક્તિ મુજબ લેવા…

 

આ ઋતુ માં નવું પાણી દુષિત હોવાથી તથા પાચન શક્તિ મંદ હોવાથી તાવ,ઝાડા,મરડો,પેટ ના રોગો વગેરે થઇ શકે છે. જેથી કાચું પાણી ણા પીવું,આર્ધુ બાળેલું અને સુંઠ ણા ટુકડા નાખી ઉકાળેલું પાણી જ પીવું.ઠંડા કે બરફ વાળા પીણા,ફ્રીજ નું પાણી ના પીવું…સરબતો પીવા ના બહુ શોખો ઉપડે તો લીંબુ સરબત, આદુ નો રસ, સિંધવ, મધ, ધાણાજીરું, મરી નાખેલી લસ્સી, આદુ-આમળા કે કોકમ નું સરબત પીવું.

 

૧]  એસી કુલર બંધ, સ્વીમીંગ ના કરવું…માલીશ-શેક કરાવવા,ગરમ પાણી થી નાહવું..

 

૨]  ઘર માં ગુગળ કે લીમડા નો ધૂપ કરવો, ગાય ના ઘી નો દીવો કરવો, બહુ ઉપવાસ ના કરવા

 

૩]  અને છેલ્લે ખાખરા ઘી ચોપડેલા લાવવા…..

 

ATRI Ayurvedam.com

 

વર્ષાઋતુમાં આરોગ્ય જાળવવા શું કરશો ? … 

 

 

વર્ષાને આયુર્વેદની દ્રષ્ટિએ વાત પ્રકોપની ઋતુ માનવામાં આવે છે. આથી વાયુ કરે એવા અહાર વિહાર આ ઋતુમાં ઓછાં કરવા અથવા તો છોડી દેવા. વાલ, વટાણા, ચણા, ચોળા, પાપડી, ગુવાર, વાલોળ અને બટાટા જેવા પદાર્થ વાયુ કરે છે આથી એનો ઉપયોગ ઓછો કરવો અથવા વાયુનો કોઈ રોગ થયો હોય તેવી વ્યક્તિએ સદંતર બંધ કરવો.

 

૧]  ઉજાગરા, વધુ પડતો પ્રવાસ, વણ જોતા ઉપવાસ, અતિશય શ્રમ કે વ્યાયામ, અતિ મૈથુન, ચિંતા અને શોકથી પણ વાયુ વધે છે.

૨]  લસણ, મેથી, હિંગ, સરગવો, લીંબુ, ફૂદીનો, તલનું તેલ, છાશ અને સિંઘવ જેવા પદાર્થો વાયુનું શમન કરતા હોવાથી વર્ષાઋતુમાં તેનો ઉપયોગ વધારવો.

 

૩]  આ ઋતુમાં કુદરતી રીતે જ ભૂખ ઓછી અને પાચન મંદ થઈ જાય છે. આથી પચવામાં ભારે હોય તેવો-દુર્જર કે વાસી ખોરાક ન ખાવો. જમતાં પહેલાં જો આદુના ટૂકડામાં લીંબુનો રસ તથા મીઠું મેળવીને ચાવી જવામાં આવે તો ખોરાક પ્રત્યેની રૃચિ વધે છે અને પાચનતંત્ર વ્યવસ્થિત રહેવાથી વાયુના કે બીજા કોઈ રોગો થતાં નથી.

 

૪]  આમવાત, સંધિવા, કમરનો દુખાવો, રાંઝણ, ઝાડા, મરડો, અજીર્ણ, પેટનો દુખાવો, કાનમાં સણકા, શરદી કે આચંકી જેવા રોગો ચોમાસામાં ખાસ જોવા મળે છે. આથી આવો કોઈ રોગ ન થાય તેની કાળજી રાખવી અને થાય તો સાદા-નિર્દોષ ઔષધો દ્વારા જ એને મૂળમાંથી દૂર કરવા કોશિશ કરવી. ચોમાસામાં સૂંઠ, આદું, લસણ, લીંબુ, તુલસી અને પીપરી મૂળ (ગંઠોડા) જેવા સાદા ઔષધોનો ઉપયોગ ખાસ કરવો.

 

૫]  જાંબુ એ વર્ષા ઋતુનું સર્વ સુલભ ફળ છે. પણ એ અતિશય વાયુ કરનાર હોવાથી સમજી વિચારીને ખાવા અને ગેસ-કબજિયાત જેવા રોગો થયા હોય તેણે કે વાત પ્રકૃતિવાળી વ્યક્તિઓએ ન ખાવા. ઝાડા, લોહીવા અને શ્વેતપ્રદર જેવા રોગોમાં (પોતાના ‘ગ્રાહિ’ગુણના કારણે) જાંબુ ઉપયોગી છે. મધુપ્રમેહ હોય તેવી વ્યક્તિને જાંબુના ઠળિયાનું ચૂર્ણ હળદર અને આમળાંના ચૂર્ણ સાથે મેળવીને સવાર-સાંજ એક-એક ચમચી આપવાથી આશાતીત લાભ થાય છે. પ્રમેહના રોગી માટે ચોમાસામાં ખાસ જોવા મળતું શાક-કારેલા-પણ હિતકર છે.

 

૬]  વર્ષા ઋતુમાં મકાઈના ડોડા પણ ખૂબ જ વેચાતા હોય છે. આયુર્વેદની દ્રષ્ટિએ તે દુર્જર છે અને તેથી વધુ પ્રમાણમાં ખાવામાં આવે તો તેટમાં ભાર જેવું લાગે છે અને વાયુ પણ કરે છે. આમ છતાં માપસર ખાવાથી તે ઋચિકર પણ લાગે છે.

 

૭]  આ ઋતુ દરમિયાન પાણી ગાળેલું, ઉકાળેલું અને ઓછું જ પીવું. સૂંઠનો ટૂકડો નાખીને ઉકાળેલું પાણી જો પીવામાં આવે તો શરદી, ઝાડા, અપચો અને આમવાત જેવા રોગો થતાં નથી અને થયા હોય તો સરળતાથી દૂર થાય છે. ચોમાસાના કારણે ઘરની આસપાસ, રસ્તા પર, ઝૂપડપટ્ટી વાળા વિસ્તારમાં પાણી ભરાય છે અને કીચડ પણ થાય છે. કીચડના કારણે મચ્છર અને માખીનો ઉપદ્રવ પણ વધે અને મલેરિયા તથા કોલેરા જેવા રોગો ઝડપથી ફેલાવા લાગે છે. આવા સમયમાં તુલસી-મરીનો ઉકાળો પીવામાં આવે તો શરદી, ફલુ અને મલેરિયા સામે રક્ષણ મળે છે.

 

 

સૌજન્ય : ગુજરાત સમાચાર

 

 

વર્ષાનું ઉત્તમ ઔષધ-શાક કારેલાં (આયુર્વેદ) …

 

આયુર્વેદ – વૈદ્ય મનુભાઈ ગૌદાની

 

 

karela.1

 

 

વર્ષાઋતુનું ઉત્તમ ઔષધ છે ‘કારેલાં’.   આજે જ્યારે કારેલાં પર લખતાં પેન ઊંચકું છું ત્યારે સૌ પ્રથમ તો મધુપ્રમેહના દર્દીઓની વણઝાર અને એ સાથે કૃમિ, તાવ, ત્વચાના રોગો, લિવરની વિકૃતિઓ, ધાવણની અશુદ્ધિ અને સાંધાનો વા તથા ઉદર રોગોના દર્દીઓ ચિત્તપ્રદેશમાં ઊભરાય છે. આમ તો કારેલાં બારેમાસ મળે, પરંતુ કુદરતે આપણને આ વર્ષાઋતુમાં જ પુષ્કળ કારેલાં શા માટે આપ્યાં હશે ?   એવો સ્વાભાવિક પ્રશ્ન ઉપસ્થિત થાય. પ્રત્યુત્તરમાં કહી શકાય કે આ ઋતુમાં ઉગ્રરૂપે ફેલાતા આ રોગના પ્રતિકાર માટે જ કદાચ કારેલાંની પુષ્કળ ઉત્પત્તિને પ્રકૃતિએ સાથ આપ્યો હોવો જોઈએ.

 

આયુર્વેદમાં કારેલાંને ‘કારવલ્લી’ અને ‘કટિલ્લ’ કહેવામાં આવે છે. ‘ભાવપ્રકાશ’ એ આયુર્વેદનો વનસ્પતિશાસ્ત્રનો સર્વોત્તમ અને પ્રખ્યાત ગ્રંથ છે. તેમાં કારેલાંના ગુણોનું આ પ્રમાણે વર્ણન કરેલું છે. કારેલાં ભૂખ લગાડનાર, મળને ખસેડનાર, મંદાગ્નિ, અરુચિ, પિત્તના રોગો, લોહી-રક્તના રોગો, કફના રોગો, પાંડુરોગ-રક્તાલ્પતા,  કૃમિ, ઉધરસ, શ્વાસ, પ્રમેહ, પથરી, કોઢ, ઉદરરોગો તથા તમામ પ્રકારના તાવમાં પથ્યઆહાર અને ઉત્તમ ઔષધ છે. સુશ્રુતે કારેલાંના વમન અને વિરેચન એમ બે શોધન ગુણોનું પણ નિરૂપણ કરેલું છે.

 

કડવા રસવાળાં ઔષધોમાં કારેલાંનો પણ સમાવેશ થાય છે. આયુર્વેદ એ આપણું પ્રાચીન ચિકિત્સાશાસ્ત્ર છે. તેમાં આહાર અને ઔષધના ગળ્યો, ખાટો, ખારો, તીખો, કડવો અને તૂરો આ છએ રસોનું ઘણું જ સૂક્ષ્મ અને વૈજ્ઞાનિક નિરૂપણ થયેલું છે. આહાર અને ઔષધનાં અમુક રસવાળાં દ્રવ્યોની શરીરમાં ગયા પછી તેની શી અસરો થાય છે ?   તેની વ્યવસ્થિત અને તર્કબદ્ધ વૈજ્ઞાનિક માહિતી આયુર્વેદના ગ્રંથોમાં જ વાંચવા મળે છે.

 

કડવા રસવાળાં જેવાં કે કુંવારપાઠું, કારેલાં, કંકોડાં, કડુ, કરિયાતુ, ગળો, મામેજવો વગેરે લિવરને શુદ્ધ કરી તેને કાર્યક્ષમ બનાવે છે. તેનાથી જઠરાગ્નિ કાર્યક્ષમ-પ્રદીપ્ત થાય છે. યકૃતની શુદ્ધિથી તાવ, પિત્ત વગેરેથી ઉત્પન્ન થતાં વિષોના શોધનની ક્રિયા બળવાન બને છે. આપણા આહારમાં કડવો રસ અરુચિકર હોવાથી એવાં દ્રવ્યોનો વપરાશ ખૂબ ઓછો થાય છે અને આજકાલ ઉત્પન્ન થતા અમુક રોગોનું આ જ કારણ છે. દૈનિક આહારમાં કડવા રસનું અમુક માત્રામાં નિયમિત સેવન કરવાથી આરોગ્યને સ્થિર રાખી શકાય છે અને જો ભૂલથી પણ રોગો થાય તો તેના સેવનથી તેને મટાડી શકાય છે.

 

ક કારેલાંનો ‘ક’

 

ગ્રીષ્મમાં સંચય થયેલા વાયુનો વર્ષાઋતુમાં પ્રકોપ થાય છે. એટલે જ વર્ષાઋતુમાં વાયુના રોગોનું પ્રમાણ વધે છે. વાયુનો ગુણ શીત છે અને વર્ષાનો સ્વભાવ પણ શીત એટલે કે ઠંડો છે એટલે વર્ષાઋતુમાં આહાર તાજો અને ગરમગરમ લેવો જોઈએ. ઠંડાં અને વાસી આહારદ્રવ્યોથી આ ઋતુમાં ઝાડા, ઊલટી, તાવ, ત્વચાના અને રક્તના રોગો થવાની પૂરી શક્યતા રહે છે. આ ઋતુમાં જો કારેલાં અને લીંબુનો ઉચિત ઉપયોગ કરવામાં આવે તો વર્ષાઋતુજન્ય રોગો સાત ગજ દૂર રહે છે. વર્ષાઋતુમાં આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટે છે. તેને કારેલાં અને લીંબુના ઉપયોગથી ટકાવી શકાય. વર્ષામાં મંદ થયેલા જઠરાગ્નિને કારેલાં અને લીંબુનો ઉપયોગ પ્રદીપ્ત કરે છે. જઠરાગ્નિ પ્રદીપ્ત થતાં પાચનશક્તિ વધે છે. વર્ષાઋતુ વાયુના પ્રકોપ અને પિત્તના સંચયની ઋતુ છે. વર્ષામાં સંચિત થયેલું પિત્ત શરદઋતુમાં પ્રકૃપિત થાય છે. આ કારણને લીધે જ વર્ષા પછીની શરદઋતુમાં પિત્તના રોગોનું પ્રમાણ વધે છે. જો શરદના આ પિત્ત પ્રકોપથી થતા તાવ વગેરે રોગોથી બચવું હોય તો વર્ષામાં-શ્રાવણમાં કારેલાંનો ઉપયોગ કરવો કે જેથી ભાદરવામાં થતા પિત્તના-તાવના રોગોથી બચી શકાય. કારેલાં પચવામાં સુપાચ્ય એટલે કે હલકાં હોવાથી વર્ષામાં તે શ્રેષ્ઠ ઔષધશાક છે. કૃમિઓનો ઉપદ્રવ વર્ષામાં વધે છે અને કારેલાંને કૃમિનાશક ગણાવ્યાં હોવાથી વર્ષામાં તેનો ઉપયોગ ખૂબ હિતાવહ છે. આમ, આયુર્વેદીય ઉત્તમ શાક-ઔષધ છે એટલે પ્રકૃતિએ આ ઋતુમાં પુષ્કળ પ્રમાણમાં આપેલાં આ કારેલાં તરફ મોઢું ન મચકોડતાં તેનો છૂટથી ઉપયોગ કરવો જોઈએ.

 

 

સૌજન્ય : સંદેશ

 

 

ક્યાં થાય છે કારેલા ?  …

 

 

કારેલાનું વતન કયું તે વિશે તો ઝાઝી માહિતી મળતી નથી, પણ તે ગરમ અને ભેજયુક્ત આબોહવામાં થાય છે. તેથી મુખ્યત્વે તે ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, દક્ષિણ-પૂર્વ એશિયા, ચીન, આફ્રિકા, કેરેબિયન ટાપુઓ અને દક્ષિણ અમેરિકાના કેટલાંક પ્રદેશોમાં તે મબલખ ઊગે છે. કારેલાં વિશે નવાઈ ઉપજાવે તેવી એક વાત એ છે કે આ શાક કડવું હોય છે, પણ તે પાકીને પીળું થાય અને તેની અંદર રહેલો ગર લાલ થઈ જાય ત્યાર પછી ગરનો સ્વાદ મીઠો થઈ જાય છે! દક્ષિણ-પૂર્વ એશિયાના ઘણાં પ્રદેશોમાં સલાડમાં કારેલાંના આ મીઠા ગરનો ઉપયોગ કરવામાં આવે છે.

 

 

karela

 

 

 અવનવી વાનગીઓ  …

 

કારેલાંને ભરીને બનાવી શકાય છે, બટાટા સાથે કે એકલા બનાવી શકાય છે, ગોળ નાંખીને ગળ્યું શાક બનાવી શકાય છે. ઘણાં લોકો તેનાં ભજિયાં પણ બનાવે છે. કેટલાંક લોકો કારેલાંની છાલ કાઢયા વિનાનું જ શાક બનાવે છે. જ્યારે ઘણાં-ખરાં ઘરોમાં ગૃહિણી કારેલાંની છાલ કાઢીને તેના ચીરા કરીને મીઠું ભરીને થોડી વાર સુધી મૂકી રાખે છે, અને પછી તેનું પાણી છૂટે એટલે બરાબર નીચોવીને ધોઈ કાઢે છે, જેથી તેની ઘણીખરી કડવાટ જતી રહે છે.

પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં કારેલાંનું ડુંગળી અને લસણથી ભરપૂર શાક બનાવાય છે. જાપાનમાં પણ કારેલાં ખાનારો મોટો વર્ગ છે. ઇન્ડોનેશિયામાં નાળિયેરના દૂધ સાથે કારેલાંની કરી બનાવવામાં આવે છે. તો વળી નેપાળમાં તો કારેલાંનું અથાણું બને છે.

 

ઔષધ  …

 

લાંબા સમયથી એશિયન વૈદક પરંપરામાં કારેલાંનો ઉપયોગ થતો આવ્યો છે. મોટાભાગના કડવાટવાળા ખાદ્યપદાર્થોની માફક કારેલાં પાચનશક્તિને ઉત્તેજે છે. કોલમ્બિયનો, પનામાવાસીઓ અને એશિયનો કારેલાંને મેલેરિયા રોકવા માટે મહત્ત્વનું માને છે. પનામામાં મેલેરિયા અને ડાયાબિટીસની સારવાર માટે કારેલાંનાં પાંદડાંને ગરમ પાણીમાં ઉકાળીને તેની ચા બનાવાય છે અને તે ચા દર્દીને પીવડાવવામાં આવે છે.

 

કારેલાંમાં વિટામિન બી-૧, બી-૨, બી-૩ અને વિટામિન-સી, મેગ્નેશિયમ, ફોલિક એસિડ, ઝિન્ક, ફોસ્ફરસ, મેંગેનિઝ અને ફાઇબર ભરપૂર માત્રામાં મળી રહે છે. તે લોહતત્ત્વનો પણ સ્રોત છે. ઉપરાંત તેમાં બ્રોકોલી કરતાં બમણું બીટા-કેરોટિન, પાલક કરતાં બમણું કેલ્શિયમ અને કેળાં કરતાં બમણું પોટેશિયમ રહેલું હોય છે.

 

ટિપ્સ  …

 

દમ થયો હોય ત્યારે કારેલાંનું મસાલા વિનાનું અને છાલ ઉતાર્યા વિનાનું શાક ખાવાથી ફાયદો થાય છે.

 

પેટમાં ગેસ અને અપચો થયો હોય તો કારેલાંનો જ્યૂસ પીવાથી ફાયદો થાય છે.

 

કારેલાંના રસમાં થોડું સિંધાલૂણ નાંખીને પીવાથી ઊલટીમાં તરત જ રાહત થાય છે.

 

ડાયાબિટીસના દર્દીએ અડધો કપ કારેલાંના રસમાં સમાન માત્રામાં ગાજરનો રસ ભેળવીને પીવાથી ફાયદો થાય છે. ઉપરાંત કારેલાંનો પાઉડર કે તેના રસમાં જાંબુના ઠળિયાનો પાઉડર અને હળદર ભેળવીને મધ ઉમેરી રોજ બે વાર લેવું પણ ડાયાબિટીસના દર્દીઓ માટે લાભપ્રદ છે.

 

કારેલાંનાં પાન કે સૂકાં કારેલાંનો ઉકાળો કરી તેમાં થોડી સૂંઠ, હળદર અને મધ ઉમેરીને ગરમ-ગરમ પીવાથી કફ અને શરદીમાં રાહત રહે છે.

 

ગુણધર્મો : 

 

કારેલાં – સ્વાદે કડવા, તીખા, ખારા અને ગુણમાં હળવા, વાયુકર્તા, પિત્તશામક, ત્રિદોષનાશક, જઠરાગ્નિવર્ધક, રૂચિકર્તા, પાચનકર્તા, પેશાબ લાવનાર, ઉત્તેજક, રક્તશુદ્ધ કર્તા, જખમ રૂઝાવનાર, નેત્રને હિતકર, માસિકસ્ત્રાવ જન્માવનાર, ધાવણ શુદ્ધકર્તા અને કૃમિ, તાવ, ગોળો, ઉદરશૂળ, વ્રણ દાહ, પીડા, પાંડુ, પ્રમેહ, મધુપ્રમેહ, કોઢ, ખાંસી, શ્વાસ, અરૂચિ, કફદોષ તથા કમળો મટાડે છે. કારેલી : કારેલા જેવા જ ગુણો ધરાવવા ઉપરાંત તે વધુ કડવી, ગરમ, પથ્યકર, વાયુકર્તા અને અરૂચિ, કૃમિ તાવ તથા કોઢનો વિશેષ નાશ કરે છે. દવામાં ફળ લેવાય છે.

 

૧)   કારેલા ભૂખને વધારનાર પાચન શક્તિ વધારનાર તથા પાચનમાં હલકા અને ઠંડા હોય છએ. તેની પ્રકૃત્તિ ઠંડી હોવાને કારણે ગરમીથી થતા વિકારોને દૂર કરે છે. કારેલા તાવ, ઉધરસ તથા પેટના કીડાઓનો નાશ કરે છે.

 

૨)   કારેલામાં વિટામિન-સી ઉપરાંત તેમાં ગંધયુક્ત બાષ્પશીલ તેલ, કેરોટીન, ગ્લુકોસાઈડ, સેપોનિન, અલ્કેલાઈડ તથા બિટર્સ મળે છે. આ બધા પોષક તત્વોને કારણે તે કેવળ શાકભાજી ન રહેતા એક વિશેષ ઔષધી બની જાય છે.

 

૩)   કારેલા ડાયાબિટીસમાં રામબાણ ઔષધિનું કાર્ય કરે છે. છાંયામાં સુકવેલા કારેલાનો એક ચમચી પાવડર દરરોજ સેવન કરવાથી ડાયાબિટીસમાં ચમત્કારી વાભ મળે છે. કારણકે કારેલા પેંક્રિયાજને ઉત્તેજિત કરી ઈન્સુલિનના સ્ત્રાવને વધારે છે.

 

૪)   બીટર્સ તથા આલ્કેલાઈનની તત્વો તેમાં હોવાથી તે લોહીના વહનમાં લાભ કરે છે તથા તે રક્ત શુદ્ધિ કરણમાં મદદ રૂપ હોવનાથી ચામડીનો રોગ કે ચામડી પર થતા રહેતા નાના વિકારો મટાડે છે.

 

૫)   કારેલાના બીજમાં વિરેચક-તેલ મેળવવામાં આવે છે. જેના કારણે કારેલાનું શાક ખાવાથી કબજીયાત નથી થતી. તેના સેવનથી એસિડિટી, ખાટા ઓડકારમાં આરામ મળે છે.

 

૬)  વિટામિન એ તેમાંથી મળતું હોવાથી તેનું શાક ખાવાથી રતાંધળાપણું નથી આવતું. સાંધાની બીમારીમાં કારેલાનું શાક તથા સાંધા પર કારેલાના પાંદડાનો રસ લગાવવાથી આરામ મળે છે.

 

ઔષધિ પ્રયોગ :  …

 

(૧) પિત્ત (ગરમી) વિકાર : કારેલીનાં પાનના રસમાં સાકર તથા ઘી ૧ ચમચી નાંખી પીવું. પિત્તની ઊલટી કરવી હોય, તો કારેલીનો રસ એકલો પીવો. કદીક તેથી ઝાડા-ઊલટી બંને થાય છે.

 

(૨) ઠંડી શરદીનો તાવ : કારેલી કે કારેલાના પાનના રસમાં જીરું તથા મધ નાંખીને પીવું.

 

(૩) રતાંધતા : કારેલી કે કારેલાના પાનના રસમાં કાળ મરી ઘસીને આંખમાં રોજ સાંજે આંજવું.

 

(૪) કૉલેરા : કારેલીનો રસ કાઢી, તેમાં તલનું તેલ ઉમેરી પી જવું.

 

(૫) દૂઝતા હરસ : કારેલી – કારેલાના પાન કે ફળના રસમાં સાકર નાંખી પીવું.

 

(૬) પેશાબ ન થવો (મૂત્રાઘાત) : કારેલના પાનના ૩૦ ગ્રામ રસમાં ૧ ગ્રામ હિંગ ભૂકી નાંખી પીવાથી પેશાબ ઊતરશે.

 

(૭) ડાયાબીટીશ : કારેલાનો પાઉડર કે તેનો રસ, જાંબુના ઠળિયાનો પાઉડર અને હળદર ચૂર્ણ મિશ્ર કરી, મધ ઉમેરી રોજ બે વાર લેવું.

 

(૮) બરોળ (સ્પ્લીન) વધવી : કારેલાના રસમાં થોડી રાઈ તથા મીઠું મેળવી રોજ સવાર-સાંજ પીવું.

 

(૯) હરસ : કારેલાનું શાક રોજ ખાવું અને કારેલાની ચટણી હરસ પર રોજ લગાવવી.

 

(૧૦) અમ્લપિત્ત : કારેલાના પાન કે ફૂલથી ઘી સિદ્ધ કરી, તે રોજ ૧-૧ ચમચી સાકર સાથે લેવું.

 

(૧૧) કિડની કે મૂત્રાશયની પથરી : કારેલાનો રસ ૧૫ થી ૩૦ ગ્રામ લઈ, તેમાં દહીં મેળવીને ૩ દિન આપો. પછી ૩ દિન પ્રયોગ બંધ રાખી, ફરી ૪ દિન આપો.

 

(૧૨) કફ – શરદી : કારેલાના પાન કે સૂકા કારેલાનો ઉકાળો કરી, તેમાં થોડી સૂંઠ, હળદર તથા મધ ઉમેરી ગરમ ગરમ પીવો.

 

કડવા કારેલાની 5 સ્વાદિષ્ટ વાનગીઓ  … 

 

 

૧)   મસાલા કારેલા 

 

સામગ્રી-

 

-1 કપ કારેલાની સ્લાઈસ

-1 કપ ઝીણી સમારેલી ડુંગળી

-1/2 કપ સમારેલા ટામેટાં

-1 ચપટી મરચું

-1 ચપટી ધાણાજીરું

-1 ચપટી હળદર

-1 ચપટી ખાંડ

-2 ટી સ્પૂન તેલ

-મીઠું સ્વાદાનુસાર

 

રીત …

 

સમારેલા કારેલા પર થોડું મીઠું લગાડી દસ મિનિટ માટે બાજુ પર રાખો. મીઠું લગાડેલા કારેલા રસોડાના નેપકીન પર પાથરી દો. નેપકીન વડે હળવે હાથે દબાવો. જેથી નેપકીન બધી ભીનાશ શોષી લે. હવે એક નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરો. ત્યાર બાદ તેમાં કારેલા નાખી સતત હલાવતા રહો. તેને દસ મિનિટ સુધી એટલે કે કારેલા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ચઢવા દો. પછી તેમાં ડુંગળી નાખી થોડી વધુ મિનિટ સાંતળો. છેલ્લે તેમાં ટામેટા, મરચું, ધાણાજીરું પાવડર, હળદર, ખાંડ અને મીઠું મેળવી થોડી વધુ મિનીટ સાંતળી લો. ગરમા-ગરમ મસાલા કારેલા સર્વ કરો.

 

૨)   કાજુ કારેલા

 

 સામગ્રી- 

 

-100 ગ્રામ કાજુ

-2 નંગ કાચા કેળા

-8 થી 10 નંગ કારેલા

-4 ચમચી તલ

-1 ચમચી રાઈ

-2 ચમચી લાલ મરચું

-4 ચમચી દળેલી ખાંડ

-1 ચમચી આદું-મરચાંની પેસ્ટ

-મીઠું સ્વાદાનુસાર

-તેલ જરૂર મુજબ

-કોથમીર

 

રીત-

 

સૌપ્રથમ કારેલા છોલી તેની ચિપ્સ કરી લેવી. ચિપ્સમાં મીઠું નાખી દસ મિનિટ રાખવી. ત્યારબાદ મીઠું નીતારી કોરી કરવી. કાચા કેળાની છાલ દૂર કરી ચિપ્સ કરવી. હવે કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં કાજુ, કારેલા તથા કાચા કેળાની ચિપ્સ કરી વારા ફરતી નાખીને તળી લો. હવે કડાઈમાં વઘાર માટે તલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, તલ, હિંગ નાખી તળેલા કાજુ, કારેલા, કેળા ઉમેરવા. ત્યાર બાદ બાકીની તમામ સામગ્રી ઉમેરવી. થોડીવાર હલાવી ગેસ બંધ કરવો. સર્વ કરતી વખતે સમારેલી કોથમીર નાખીને સર્વ કરવું.

 

૩)   સ્વીટ કારેલા

 

 

 

સામગ્રી-

 

-500 ગ્રામ કારેલા

-100 ગ્રામ ગોળ

-200 ગ્રામ ખજૂર

-1 ચમચી ઇલાયચી પાઉડર

-1 ચમચી જાયફળ પાઉડર

-3 ચમચી તજ-લવિંગ ભૂકો

-1/4 કપ વરિયાળી પાઉડર

-100 ગ્રામ બટર

-3 થી 4 ડ્રોપ વેનિલા એસેન્સ

 

રીત-

 

સૌપ્રથમ કારેલા ધોઈ બી કાઢી ચોરસ પીસ કરી લેવા. ઊકળતા પાણીમાં દસ મિનિટ બાફવા. ખજૂર બાફી તેનો માવો કરવો. હવે એક કડાઈમાં ગોળ છીણી, ગોળ ડૂબે તેટલું પાણી ઉમેરો. ગોળ ઓગાળવો. ધીમા તાપે ત્રણથી ચાર મિનિટ સુધી ચાસણી થવા દેવી. ત્યાર બાદ તેમાં કારેલા અને બટર ઉમેરી ત્રણથી ચાર મિનિટ ચઢવા દેવા. ત્યારબાદ તેમાં ખજૂરનો માવો તથા બાકીની સામગ્રી ઉમેરી ગેસ બંધ કરવો. સ્વીટ કારેલાને પરોઠા જોડે સર્વ કરવું. સ્વીટ સબ્જીના શોખીન માટે સ્વીટ સબ્જી તૈયાર. બટરનો પીસ બાઉલમાં મૂકવો.

 

૪)   કારેલા ડ્રાય ચટની

 

 

 

સામગ્રી-

 

-200 ગ્રામ કારેલા

-200 ગ્રામ ટોપરાનું છીણ

-100 ગ્રામ દાળિયા

-3 ચમચી અડદ દાળ શેકેલી

-5 થી 6 દાણા લીંબુનાં ફૂલ

-1 ચમચી સૂકા ધાણા

-1 ચમચી કસુરી મેથી

-4 ચમચી ખાંડ

-4 ચમચી તલ

-મીઠું સ્વાદાનુસાર

 

રીત-

 

સૌપ્રથમ કારેલાના બી કાઢી ઝીણા સમારવા અથવા છીણવા. તેમાં દાળિયા દાળ અને અડદ દાળ શેકેલી નાખી ક્રશ કરવી. ત્યાર બાદ બાકીની સામગ્રી મિક્સ કરી થોડું જરૂર પૂરતું પાણી ઉમેરી એકદમ ક્રશ કરવી. બાઉલમાં કાઢીને જરૂર પ્રમાણે વાપરવી.

 

નોંધ : ઉપયોગમાં લેતા પહેલાં દહીં નાખી મિક્સ કરવી.  સ્વાદ અનુસાર ગળપણ વધારી શકાય.

 

૫)   કારેલા કોકોનટ વડાં

 

 

 

સામગ્રી-

 

વડાં માટે-

 

-250 ગ્રામ કારેલા

-100 ગ્રામ કોપરાનું છીણ

-1 નંગ બાફેલું બટાકું

-1 કપ સિંગ ભૂકો

-3 ચમચી આદું-મરચાની પેસ્ટ

-4 ચમચી પલાળેલી કાળી દ્રાક્ષ  -4 ચમચી તળેલા કાજુ

-4 ચમચી દાડમના દાણા

-મીઠું સ્વાદાનુસાર

-4 ચમચી દળેલી ખાંડ

-કોથમરી

 

ખીરા માટે-

 

-2 કપ ચણાના લોટ

-મીઠું સ્વાદાનુસાર

-પાણી જરૂર મુજબ

-1/2 ચમચી ચાટ મસાલો

-1/2 ચમચી મરી પાઉડર

-તેલ તળવા માટે

-1 ચમચી ઘી

 

રીત-

 

સૌપ્રથમ સમારેલા કારેલાને ઊકળતા પાણીમાં બાફો. ત્યારબાદ મિક્સીમાં ક્રશ કરો. બટાકાનો માવો કરવો. ક્રશ કરેલા કારેલામાં વડાંની તમામ સામગ્રી ઉમેરો. સામગ્રીમાંથી નાના ગોળા વાળો. ચણાના લોટમાં મીઠું, મરી નાખી બહુ પાતળું નહીં તેવું જાડું ખીરું બનાવો. કડાઈમાં તેલ ગરમ કરી તેમાં થોડું ઘી નાખવું. ચણાના લોટમાં કારેલાના ગોળા નાખી ગરમ તેલમાં તળવા. સોસ જોડે સર્વ કરવા

 

Courtesy Divya Bhasker

 

૬)   સ્ટફ્ડ કારેલા

By Swati Gadhia 

 

 

મિત્રો, ચોમાસાની આ ઋતુમાં “ઉની ઉની રોટલી ને કારેલાનું શાક”   એ જોડકણું યાદ આવ્યા વિના રહે નહીં ખરું ને તો ચાલો આજે બનાવીએ આ ભરેલા કારેલા…

 

સામગ્રી :-

 

૨૫૦ કારેલા

૧    ડુંગળી

૧    ચમચી આદુ મરચા લસણની પેસ્ટ

૧    ચમચો ચણાનો લોટ

૧    ચમચો  શેકેલા સિંગદાણાનો ભૂકો

૧    ચમચી હળદર

૧    ચમચી ધાણાજીરુ

૧    ચમચો ગોળ

૧/૪ ચમચી ચાટ મસાલો

૩    ચમચા તેલ

મીઠું સ્વાદ અનુસાર

 

રીત :-

 

સૌ પ્રથમ બધા કારેલામાં એક એક લાંબો ચીરો પાડીને મીઠાવાળા પાણીમાં બાફી લો. સારી રીતે બફાઈ જાય એટલે તેને પાણીમાંથી કાઢીને એકબાજુ પર રાખો.

 

એક કડાઈમાં ૨ ચમચા તેલ મૂકીને તેમાં આદુ – મરચા – લસણની પેસ્ટ અને પાતળી સમારેલી ડુંગળીને સાંતળી લો. તેમાં હળદર. ધાણાજીરુ, ચણાનો લોટ શેકીને ફોતરા ઉખેડેલા સિંગદાણાનો ભૂકો અને મીઠું વારાફરતી ઉમેરતા જાવ અને હલાવતા રહીને સારી રીતે મિક્સ કરી લો. બધું એકદમ ભેગું થવા માંડે ત્યાં સુધી તેને ગેસ પર હલાવતા રહો. ત્યારબાદ ગેસ પરથી ઉતારીને તેમાં ગોળ (ગોળને બદલે ખાંડ પણ વાપરી શકાય) ભેળવી લો. છેલ્લે તેમાં ચાટ મસાલો  ભેળવી લો.

 

હવે આ મિશ્રણને કાપા પાડીને બાફેલા કારેલામાં ભરી લો અને ફરી એક કડાઈમાં તેલ મૂકીને રાઈ જીરુ અને હિંગનો વઘાર કરી તેમાં ભરીને તૈયાર કરેલા કારેલા નાખી દો. વધેલા મસાલાને ઉપર પાથરી લો. કારેલા ચડી જાય એટલે ગેસ પરથી ઉતારીને ઉપરથી લીલી કોથમીર છાંટીને પીરસો…

 

વધારે તીખું કરવા માટે લાલ મરચાનો પાવડર ઉમેરી શકાય. અને હા, ચાટ મસાલો ભેળવવાથી કારેલાની કડવાશ વધી જાય છે માટે એ સ્વાદ પ્રમાણે ઉમેરવો.

 

 

સૌજન્ય : સાભાર :  [email protected], [email protected]

 

 

૭)   કુરકુરા કારેલાં …

 

સામગ્રી – 

 

કારેલાં બે કપ (પાતળી ગોલ સ્લાઈસમાં કાપેલાં), પાતળી લાંબી ડુંગળી એક કપ,લાલ મરચું 2 ટી સ્પૂન, જીરા પાવડર 2 ટી સ્પૂન , આમચૂર પાવડર એક ટી સ્પૂન, વરિયાળી અધકચરી વાટેલી 1/2 ટી સ્પૂન, મીઠુ અને ખાંડ સ્વાદમુજબ, તેલ તળવા માટે.

 

બનાવવાની રીત – 

 

એક ટી સ્પૂન મીઠુ મિક્સ કરેલી કારેલાની સ્લાઈસ 10-15 મિનિટ સુધી રાખી મુકો. પછી બંને હાથોથી દબાવી તેનુ પાણી કાઢી નાખો. તેલ ગરમ કરીને તેમા ડુંગળી સોનેરી થતા સુધી તળી લો. પછી કારેલાના સ્લાઈસ પણ સોનેરી થતા સુધી તળી લો. 
તળેલી ડુંગળી અને કારેલાને ગરમ સ્લાઈસ પર લાલ મરચું, જીરુ અને વરિયાળી પાવડર, આમચૂર, મીઠુ અને વાટેલી ખાંડ નાખીને સારી રીતે મિક્સ કરી દો. ક્રંચી કારેલા ખાવામાં સ્વાદિષ્ટ લાગશે.

 

કારેલાંની વાનગીઓ બનાવતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.

 

 

  • હંમેશાં કૂણાં કારેલાં પસંદ કરો. કૂણાં કારેલા ઓછા કડવા હોય છે.
  • કારેલાંની કડવાશને ઓછી કરવા માટે તેને સમારીને તેમાં મીઠું મેળવી દો. દસ-પંદર મિનિટ પછી કારેલાંને નીચોવીને પાણીથી ધોઈ લો.
  • કારેલાંના શાકને સ્વાદિષ્ટ બનાવવા તેમાં આમલી, ગોળ, સિંગદાણાનો ભૂકો, છીણેલું કોપરું વગેરે નાખો.
  • કારેલાંના શાકને સ્વાદિષ્ટ બનાવવા તેને તળીને રાંધો. તેમાં બટાકા, કાજુ-દ્રાક્ષના ટુકડા વગેરે ભરીને રાંધો.

 

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

પુરૂષોત્તમ માસની મહિમા …

પુરૂષોત્તમ માસની મહિમા …

 

 

adhik maas

 

 

ભગવાન સૂર્ય સંપૂર્ણ જ્યોતિષશાસ્‍ત્રના અધિષ્‍ઠાન દેવ છે.  સૂર્યનું મેષ.. વગેરે બાર રાશિઓ ૫ર જ્યારે સંક્રમણ(સંચાર) થાય છે ત્‍યારે સંવત્‍સર બને છે, જે સૌર વર્ષ કહેવાય છે.  જે મહીનામાં ભગવાન ભુવન ભાસ્‍કરનું કોઇ૫ણ રાશિ ૫ર સંક્રમણ(સંક્રાંતિ) ના થાય તે અધિક માસ કહેવાય છે.  અધિક માસ મલ માસ અને પુરૂષોત્તમ માસ ૫ણ કહેવામાં આવે છે. 

 

સંક્રાંતિ રહિત અધિક માસ પ્રત્યેક ૨૮ મહિનાથી વધુ તથા ૩૬ મહિના ૫હેલાં આવતો હોય છે.  અધિક માસમાં વિવાહ, યજ્ઞ મહોત્સવ, દેવપ્રતિષ્‍ઠા… વગેરે માંગલિક કાર્ય કરવાનો નિરોધ છે.

 

પ્રાચિન કાળમાં સર્વપ્રથમ અધિક માસની શરૂઆત થઇ ત્યારે આ મહિનામાં સૂર્યની સંક્રાંતિ ના હોવાથી તે મલમાસ કહેવાયો.  આ સ્‍વામી રહિત મલમાસમાં દેવ.. પિતર.. વગેરેની પૂજા તથા માંગલિક કાર્ય થતાં ન હોવાથી લોકો તેની ઘોર નિંદા કરવા લાગ્યા. આ પ્રકારની લોક-ભત્‍સનાથી ચિંતાતુર બની મલમાસ ચિંતાતુર બની જે ક્ષર તથા અક્ષરથી અતિત, અવ્યક્ત હોવા છતાં ભક્તોના પ્રેમના માટે વ્યક્ત(પ્રગટ) થાય છે તેવા અક્ષરબ્રહ્મ, આનંદસિધું પુરૂષોત્તમ ભગવાન વિષ્‍ણુના શરણોમાં જઇને પ્રભુને પ્રાર્થના કરે છે કેઃ હું એક જ એવો અભાગી છું કે જેનું કોઇ નામ નથી, કોઇ સ્‍વામી કે આશ્રય નથી, શુભ કર્મોથી મારો તિરસ્‍કાર કરવામાં આવે છે.  મલમાસને શરણાગત બનેલો જોઇને ભગવાને કહ્યું કેઃ સદગુણો, કીર્તિ, પ્રભાવ, ષડૈશ્ર્વર્ય ૫રાક્રમ, ભક્તોને વરદાન આ૫વાં… વગેરે જેટલા ૫ણ ગુણ મારામાં છે અને તેનાથી હું સમગ્ર વિશ્ર્વમાં પુરૂષોત્તમ નામથી વિખ્યાત છું, તેવી જ રીતે આ મલિનમાસ ૫ણ ભૂતલ ૫ર પુરૂષોત્તમ નામથી પ્રસિધ્‍ધ થશે.  મારામાં જેટલા સદગુણ છે તે તમામને આજથી મેં મલિનમાસને આપી દીધા છે.  મારૂં નામ જે વેદ, લોક અને શાસ્‍ત્રોમાં વિખ્યાત છે, આજથી તે પુરૂષોત્તમ માસ નામથી આ મલિનમાસ વિખ્યાત થશે અને હું પોતે આ માસનો સ્‍વામી બની ગયો છું.  જે ૫રમધામ પહોંચવા મુનિ, મહર્ષિ કઠોર ત૫સ્‍યામાં નિરંતર લાગેલા રહે છે તે દુર્લભ ૫દ પુરૂષોત્તમ માસમાં સ્‍નાન, પૂજા, અનુષ્‍ઠાન, સેવા, સુમિરણ, સત્‍સંગ કરનાર ભક્તોને સુગમતાથી પ્રાપ્‍ત થશે.  આ બારેય મહિનામાં સર્વશ્રેષ્‍ઠ માસના નામથી વિખ્યાત થશે. 

 

પ્રત્‍યેક ત્રીજા વર્ષે પુરૂષોત્તમ માસના આગમન ૫ર જે વ્‍યક્તિ શ્રધ્‍ધા-ભક્તિની સાથે સેવા, સુમિરણ, સત્સંગ, વ્રત, ઉ૫વાસ, પૂજા..  વગેરે શુભ કર્મો કરે છે તેમની ઉ૫ર ભગવાન પ્રસન્ન થાય છે અને તે પોતાના સમસ્ત પરિવાર સહિત નિર્મળ ભક્તિ પ્રાપ્‍તિ કરે છે.  

 

કેવી રીતે બને છે અધિકમાસ ?

 

ત્રીસ દિવસે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં સંક્રમણ કરે છે, પરંતુ સરેરાશ બત્રીસ મહિના, સોળ દિવસ અને ચાર ઘડીને અંતરે એક એવો વિશેષ માસ આવે છે જ્યારે સૂર્ય બે માસ સુધી એ જ રાશિમાં રહે છે અને સંક્રમણ કરતો નથી. આ વિશેષ માસને જ આપણે મલમાસ, અધિકમાસ કે પુરુષોત્તમ માસ તરીકે ઓળખીએ છીએ. એક સૌર વર્ષમાં ૩૬૫ દિવસ તથા છ કલાક હોય છે અને એક ચંદ્ર માસમાં ૩૫૪ દિવસ તથા ૯ કલાક હોય છે. એવું બની શકે કે સૌર માસ તથા ચંદ્ર માસનો યોગ્ય મેળ બેસાડવા માટે જ અધિકમાસની રચના કરવામાં આવી હશે. જો અધિકમાસની પરિકલ્પના ન કરવામાં આવી હોત તો ચંદ્ર માસની ગણતરી જ બગડી શકતી. વિદ્વાનોના મતાનુસાર એક અધિકમાસથી બીજા અધિકમાસની અવધિ ૨૮ માસથી લઈને ૩૬ માસ સુધીની હોઈ શકે છે. તેથી એવું કહી શકાય કે દર ત્રીજા વર્ષમાં એક અધિકમાસ આવે છે.

 

પુરૂષોત્તમ માસમાં ઘઉં, ચોખા, સફેદ અનાજ, મગ, જળ, તલ, મટર, કેળાં, ઘી, કેરી, સૂઠ, આંમલી, સોપારી, આમળાં..વગેરે હવિષ્‍ય અન્નનું ભોજન કરવું જોઇએ.  તમામ પ્રકારના અભક્ષ્‍ય, માંસ, શહદ, અડદ, રાઇ, નશાવાળી ચીજો, દાળ, તલનું તેલ અને દૂષિત અન્નનો ત્યાગ કરવો જોઇએ.  કોઇ૫ણ પ્રાણીની સાથે દ્રોહ ના કરવો, પરસ્‍ત્રીનું ભુલથી ૫ણ સેવન ના કરવું.  ગુરૂ ,ગાય, સાધુ, સંત, સંન્યાસી, દેવતા, વેદ, બ્રાહ્મણ, સ્‍ત્રી કે આ૫ણાથી  મોટા લોકોની નિંદા ન કરવી.  તાંબાના વાસણમાં ગાયનું દૂધ, ચામડામાં રાખેલ પાણી અને ફક્ત પોતાના માટે રાંધવામાં આવેલ અન્ન દૂષિત માનવામાં આવે છે. 

 

આ પુરૂષોત્તમ માસમાં જમીન ઉ૫ર સુવું, ૫તરાળામાં ભોજન કરવું, ફક્ત સાંજે જ એક જ ટાઇમ ભોજન કરવું.  રજસ્‍વલા સ્‍ત્રીથી દૂર રહેવું અને ધર્મભ્રષ્‍ટ્ર, સંસ્‍કારહીન લોકોની સાથે સંપર્ક ના રાખવો.  લસણ, ડુંગળી, ગાજર, મૂળાનો ત્‍યાગ કરવો.  પ્રાતઃકાળ સૂર્યોદય પહેલાં ઉઠીને શૌચ, સ્‍નાન, સંન્ધ્યા.. વગેરે પોતપોતાના અધિકાર અનુસાર નિત્યકર્મ કરીને સેવા-સુમિરણ-સત્‍સંગ કરવાં. પુરૂષોત્તમ માસમાં શ્રીમદ્ ભાગવત્ નો પાઠ કરવો મહાન પુણ્યદાયક છે.  આ પુરૂષોત્તમ માસમાં 

 

ગોવર્ધનધરં વન્દે ગોપાલં ગો૫રૂપિણમ્,

      ગોકુલોત્‍સવમીશાનં ગોવિન્‍દં ગોપિકાપ્રિયમ્ !!

 

આ મંત્રનું એક મહિના સુધી ભક્તિપૂર્વક વારંવાર જ૫ કરવાથી પુરૂષોત્તમ ભગવાનની પ્રાપ્‍તિ થાય છે. પ્રાચિન કાળમાં શ્રી કૌણ્‍ડિન્ય ઋષિએ આ મંત્ર બનાવ્યો હતો.  મંત્રનો જ૫ કરતી વખતે નવિન મેઘ શ્યામ દ્વિ-ભુજ મુરલીધર પિત વસ્‍ત્રધારી શ્રી રાધિકાજી સહિત શ્રી પુરૂષોત્તમ ભગવાનનું ધ્યાન કરવું જોઇએ. 

 

વાસ્તવમાં શ્રધ્ધા – ભક્તિપૂર્વક સેવા – સુમિરણ – સત્‍સંગ, દાન, વિધવા, અનાથ, અસહાય લોકોની નિષ્‍કામભાવે સેવા,ધાર્મિક આચરણોનું ૫ણ આ માસ દરમ્યાન વિશેષ રૂ૫થી પાલન કરવું જોઇએ.

 

  

 

Vinod Machhi photoસંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)
મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,
ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫ (મો)
E-mail: [email protected]

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલી પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો  શ્રી વિનોદભાઈ માછી (નિરંકારી) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.
 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

યુરોપના છેડેથી આફ્રિકાની ટોચ પર …

યુરોપના છેડેથી આફ્રિકાની ટોચ પર …

પ્રવાસ – ડો. ભારતી રાણે

 

 

 
europe tp africa
 

 

જરાક અંધારાં ઓસર્યાં ને અમારી આંખ ખૂલી, ત્યાં દૂર દરિયામાં એકાકી પહાડ જેવો ખડક-રોક ઓફ જિબ્રાલ્ટરદેખાવા લાગ્યો.  અડગતાની મિશાલ, રોક ઓફજિબ્રાલ્ટર!

 

યુરોપ ખંડની છેક પશ્ચિમ અને દક્ષિણ સરહદને આવરતો છેવાડાનો દેશ સ્પેન. સ્પેનને છેક દક્ષિણ છેડે આવેલો આન્દાલુરિયા નામનો પ્રદેશ. આન્દાલુરિયાના પથરીલા પર્વતો અને એ પર્વતોના તૃણાચ્છાદિત ગોચર ઢોળાવો ફરતે પથરાયેલો નકશીદાર પાલવ જેવો દરિયો, અહીં વસેલું એક અલગારું ગામ-એનું નામ મલાગા.  મલાગામાં એક અઠવાડિયું રહેવાનું થયું ત્યારની આ વાતઃ એ દિવસે ભૂમધ્ય સમુદ્ર અને એટલાન્ટિકના સંગમ પર રચાયેલી જિબ્રાલ્ટરની સામુદ્રધુની પર યુરોપ ખંડની મધ્યમા આંગળીનાં ટેરવાં જેવા તરીફા બંદરથી કૂદીને આફ્રિકા ખંડની ચોટલીને પકડવાનો કાર્યક્રમ હતો ! સમુદ્રસંગમતો અગાઉ પણ જોયેલો. કન્યાકુમારી પર હિંદ મહાસાગર સાથે અરબી સમુદ્ર અને બંગાળનાઉપસાગરનો, કેપ ઓફ ગુડહોપ પર એટલાન્ટિક સાથે પેસિફિક મહાસાગરનો, વળી સુએઝ કેનાલ પર ભૂમધ્ય સાથે રાતા સમુદ્રનો માનવસર્જિત સંગમ પણ જોયો, પણ આ વખતની વાત નિરાળી હતી.  આ વખતે ભૂમધ્ય સમુદ્ર અને એટલાન્ટિકના સંગમસ્થાન પર રચાયેલી જિબ્રાલ્ટરની સામુદ્રધુનીને માત્ર જોવાની નહોતી, એને પાર પણ કરવાની હતી અને એમ કરતાં યુરોપ ખંડના દક્ષિણ છેડેથી આફ્રિકા ખંડની ટોચ પર કૂદવાનું હતું.  એક ખંડથી બીજા ખંડ પર કૂદતાંકૂદતાં અનંત સુધી દોડી જઈ શકાતું હોય તો કેવી મજા પડે ! એ બાલિશ કલ્પના આજે અંશતઃસાકાર થવાની હતી.

 

રાતને અંધારે મોટી બારીઓવાળી બસ અમને લઈને, સ્પેનના છેક દક્ષિણ છેડે વસેલા તરીફા નામના ગ્રામબંદર તરફ પૂરપાટ દોડી રહી હતી. અહીં બે ખંડ અને બે મહાસાગર વચ્ચે જિબ્રાલ્ટરની સાંકડી સામુદ્રધુની ‘સ્ટ્રેઇટ્સ ઓફજિબ્રાલ્ટર’ રચાઈ છે, જે માત્ર ૫૮ કિલોમીટર લાંબી છે. એની પહોળાઈ પશ્ચિમ છેડેવધુમાં વધુ ૪૩ કિલોમીટર અને ઉત્તર આફ્રિકાના મોરક્કો દેશના મારોકી પોઇન્ટ પર ઓછામાંઓછી ૧૩ કિલોમીટર છે.  બસ, આટલો સાગર પાર કરો એટલે ભૂખંડ બદલાઈ જાય !

 

જરાક અંધારાં ઓસર્યાં ને અમારી આંખ ખૂલી, ત્યાં દૂર દરિયામાંએકાકી પહાડ જેવો ખડક-રોક ઓફ જિબ્રાલ્ટર દેખાવા લાગ્યો.  અડગતાની મિશાલ, રોક ઓફ જિબ્રાલ્ટર ! કેટલી આશ્ચર્યજનક વાત છે કે, માત્રસાડા છ ચોરસ માઇલનો વિસ્તાર ધરાવતા જિબ્રાલ્ટરના આ પથ્થરિયા ટાપુ પર યુગોથી ઇન્સાનવસે છે !   પાષાણ યુગનો અણઘડ માનવ કઈ રીતે પહોંચ્યો હશે અને ટકી રહ્યો હશે આ એકાકીચટ્ટાન જેવા ટાપુ પર ? જિબ્રાલ્ટરનો ખડક જોતાં જ હરક્યુલિસની પુરાણકથાયાદ આવી ગઈ. મહાબળવાન હરક્યુલિસને બાર દુષ્કર કામ સોંપવામાં આવ્યાં. એમાંનું એકહતું, સ્પેનના ગેરિયોનથી પશુઓનાં ધણને એરિથિયા લઈઆવવાનું.  આ માટે આખી વણઝારે દુર્ગમ એટલાસ પર્વત ઓળંગવો પડે તેમ હતું. શક્તિમાનહરક્યુલિસે પર્વત ઓળંગવાને બદલે એના બે ટુકડા કરી નાખ્યા.   આમ તેણે ભૂમધ્ય સમુદ્રનેએટલાન્ટિકથી જોડયો અને આમ રચાઈ જિબ્રાલ્ટરની સામુદ્રધુની.  એનું પ્રવેશદ્વાર બનાવતો પર્વતનો એક બાજુનો ટુકડો તે રોક ઓફ જિબ્રાલ્ટર અને બીજી બાજુનો ટુકડો તે મોરક્કોનો જબાલ મુસા અને એ બંને હરક્યુલિસના મહાન સ્તંભ  ‘પિલર્સ ઓફ હરક્યુલિસ’ તરીકે ઓળખાય !

 

અમે તરીફા પહોંચ્યા ત્યારે ગામ હજી જાગ્યું નહોતું.  લાંબો સમય અહીં આધિપત્ય ધરાવનાર મૂર પ્રજાની સ્થાપત્યશૈલીની ઝલક આખા ગામ પર જોઈ શકાતી હતી. કહેવાય છે કે, મૂર લોકોના લોહીનો અણસાર અહીંની સ્ત્રીઓની આંખોમાં પણ જોવા મળે છે.  ઊંચી ટેકરી પર ઊભેલો એનો નાનકડો પણ શાલીન કિલ્લો, દરિયા તરફ મીટ માંડીને ઊભેલી વિરહિણી જેવી દીવાદાંડી, પથ્થરની ફર્શ જડેલી ગલીઓ અને ધરતીને છેડે વસેલાં ગામોમાં અકસર અનુભવ્યુંછે, તેવું જરાક વિષાદઘેરું, શાંત વાતાવરણ ! વિશ્વવિખ્યાત લેખક પાઉલો કોએલ્હોના રેકોર્ડબ્રેકર બેસ્ટ સેલર પુસ્તક ‘એલકેમિસ્ટ’નો નાયક ભરવાડ છોકરો ગુપ્ત ખજાનાની ખોજમાં જ્યાંથી પિરામિડની દિશા શોધતો આફ્રિકા તરફ નીકળી પડે છે, તે આ તરીફા બંદર.   જાણીને રોમાંચ થઈ આવ્યો કે, અમે બરાબર એ જ રસ્તેથી પસાર થતાં હતાં, જ્યાંથી પ્રવાસ પિપાસુ કે ખોજરસિયા મુસાફરો અજાણી ભૂમિનાં આકર્ષણે અનંતકાળથી પસાર થતા આવ્યા છે !

 

મોરક્કોના તાંજિયર શહેર સુધી લઈ જનારું નાનકડું જહાજ મુસાફરોથી ચિક્કારહતું. જહાજ પાણી કાપે, ત્યાં જરાક ફીણ ફીણ જેવી સફેદી ઊભરે, બાકી ચારે કોર કાળું ને કાળું જ પાણી દેખાતું હતું.  આપાણી આટલાં કાળાં કેમ હશે ?   કદાચ સમુદ્ર અહીં ખૂબ ઊંડો હોવો જોઈએ. ઊંડાણની આટલી અને આવી ગાઢ શ્યામલતા પહેલીવાર જોઈ.

 

અચાનક પાણીમાં જરાક સળવળાટ થતો હોય તેવું લાગ્યું. સૌના સુખદ આશ્ચર્યવચ્ચે ડોલ્ફિન માછલીઓનું એક ટોળું જહાજની સાવ નજીકથી પસાર થઈ રહ્યું હતું ! જળપરીઓ જાણે ઊછળતી અને પછી વળ ખાઈને સમુદ્રમાં ડૂબકી મારતી હોય તેવું દૃશ્ય. કાફેટેરિયામાં જગ્યા ઓછી હતી, એટલે અમારા ટેબલ પરની ખાલી જગ્યા પર એક કેનેડિયન યુગલ જોડાયું. ઔપચારિક વાતો પછી નાસ્તાનાં પેકેટ ખૂલ્યાં. કેનેડિયન ભાઈને અમારો નાસ્તો ભાવ્યો એટલે એ તો ટેસથી ખાવા લાગ્યા, પણ એમની પત્ની જોઆનને આ વાત જરાય પસંદ ન પડી. એના ચહેરા પર ગુસ્સો ઊભરાઈ આવ્યો. પતિદેવ તો એને ચીડવવા વધુ ને વધુ  ટેસથી ખાવા લાગ્યા! અંતે જોઆન રિસાઈને ચાલી ગઈ.  શ્રીમતીજીને ખીજવ્યા પછી પતિદેવ ગભરાયા ને જોઆનને મનાવવા ઊઠયા, પણ માની જાય એ બીજાં !   બંને ડેક પર ખોવાઈ ગયાં.   થોડી વાર પછી અમે ડેક પર ફરવા ગયાંત્યારે જોયું કે જોઆન એક ખૂણામાં પતિના ગળે હાથ વીંટાળીને બેઠી બેઠી સમુદ્રને જોઈ રહી હતી.  એ લોકોને ખલેલ ન પહોંચે એટલે અમે બીજી તરફ વળ્યાં ત્યાં જોઆનની બૂમ સંભળાઈ.  ‘અમારી સાથે ફોટો પડાવવા આવોને, પ્લીઝ !’

 

ફોટો પડાવ્યા પછી જોઆન કહેવા લાગી, “તમે ખોટું ન લગાડશો, પ્લીઝ, અજાણ્યો ખોરાક પચે નહીં ને એની તબિયત બગડે તો આખા પ્રવાસની મજા ધૂળધાણી થઈ જાય એટલી જ બીક, બાકી તમારી સામે મને કોઈ વાંધો ન હતો.  હવેતો હું જ તારો નાસ્તો ખાવા ખાસ ઇન્ડિયા આવીશ ! “મહાસાગરના સંગમસ્થાને સ્ટ્રેઇટ્સ એકજિબ્રાલ્ટરના પાણી જેટલો જ ઊંડો મૈત્રીભાવ પ્રગટયો હતો, નામે જોઆન !

 

 

 

લેખિકાનો પરિચય :

 

ડૉ. ભારતી રાણે

મુંબઈમાં જન્મેલા ડૉ. ભારતીબેન રાણે અભ્યાસે ગાયનેકોલોજિસ્ટ છે.  ગુજરાતી સાહિત્યમાં પ્રવાસનિબંધ ક્ષેત્રે તેમણે ઉત્તમ લેખો આપ્યા છે. 1998માં પ્રકાશિત થયેલ તેમના ‘ક્ષણોને પાંદડે ઝાકળ છલોછલ’ લલિત નિબંધ સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનું ‘ભગિની નિવેદિતા’ પ્રથમ પારિતોષિક તથા એ જ પુસ્તકને મુંબઈની કલાગુર્જરી સંસ્થાનું ‘ગિરા ગુર્જરી’ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું છે. 2009માં પ્રકાશિત થયેલા તેમના પ્રવાસ નિબંધ સંગ્રહ ‘ઈપ્સિતાયન’ને ગુજરાતી સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું છે. તેમની નવલકથા ‘નિશદિન’ 2009માં જન્મભૂમિ-પ્રવાસી, ફૂલછાબ અને કચ્છમિત્ર દૈનિકોમાં ‘નિરંતર’ નામે ધારાવાહિકરૂપે પ્રકાશિત થઈ છે. આ ઉપરાંત, ઉત્તર ધ્રુવવૃત્તના પ્રવાસ વર્ણનની શ્રૃંખલા સતત એક વર્ષ સુધી (2010-2011માં) ‘કુમાર’માં પ્રકાશિત થઈ છે. દિવ્યભાસ્કરની ‘યાત્રા’ કૉલમમાં તેમના પ્રવાસ નિબંધો હપ્તાવાર સ્થાન પામ્યા છે તેમજ ‘ગુજરાત મિત્ર’ અખબારમાં તેમની પ્રવાસ નિબંધની કૉલમ આજ સુધી સતત ચાલી રહી છે. તેમના ઘણા લેખો તમોએ   રીડગુજરાતી પર પણ માણ્યા હશે.

 

– ડૉ. ભારતી રાણે

[email protected]

 

 

મિત્રો આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર  પુન:પ્રસિદ્ધ કરવાની તક આપવા  બદલ અમો લેખિકા સુ. શ્રી ડૉ. ભારતી રાણે નાં અંતરપૂર્વક્થી આભારી છીએ. હવે  પછી આપણે પાતાળલોકમાં દરિયાની મુલાકાતઃ હેલેઇન  નું વર્ણન તેમની કલમ દ્વારા માણીશું.

 

 

સાભાર :

પરિચય સૌજન્ય : રીડગુજરાતી.કોમ 

 

સૌજન્ય :  પૂર્વી મોદી મલકાણ (યુએસએ)

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

તારી સફળતાનાં ગીતો ગાવાનું હવે બંધ કર ! …

તારી સફળતાનાં ગીતો ગાવાનું હવે બંધ કર! …

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ 

 

 

પત્થરોં મેં ભી ઝબાં હોતી હૈ, દિલ હોતે હૈં, 
આપને ઘર કે દરો-દીવાર સજાકર દેખો,
ફાસલા નજરોં કા ધોકા ભી તો હો સકતા હૈ, 
ચાંદ જબ ચમકે જરા હાથ બઢાકર દેખો.

 

– નિદા ફાઝલી

 

 

સફળતા દરેક માણસનું સપનું હોય છે.  દરેક માણસ મોટા ભાગની પ્રવૃત્તિ બે હેતુ માટે કરતો હોય છે.  એક તો સુખી થવા માટે અને બીજું સફળ થવા માટે.  સફળ થવું એટલે શું ?  સફળતાની સામાન્ય વ્યાખ્યા એવી કહી શકાય કે આપણી ઇચ્છા હોય એ મુકામ હાંસલ કરવાનું નામ સફળતા. સામાન્ય સફળતા પણ સંઘર્ષ વગર નથી મળતી. દરેક માણસના નસીબમાં પોતાના પૂરતો સંઘર્ષ લખેલો જ હોય છે.  કોઈ પણ માણસને પૂછી જોજો કે તમારી લાઇફનો સંઘર્ષ કેવો હતો ?  એ માણસ તરત જ પોતાની વાત માંડશે.

 

અમે તો બહુ તકલીફમાં મોટા થયા છીએ.  એક રૂમમાં ચાર લોકો રહેતા હતા. પાંચ કિલોમીટર ચાલીને સ્કૂલ કે કોલેજ જવું પડતું હતું.  ચોપડા જ્ઞાાતિની વાડીમાંથી લેતા હતા.  ફી ભરવા માટે રૂપિયા ઉછીના લેવા પડતા હતા.  ટયુશનની ફી ન હતી. સાઇકલ અપાવવા પિતા પાસે કરગરતા હતા.  આ સિવાય પણ દરેકની પોતાની સંઘર્ષની કથા હશે.  લાઇફના અપ-ડાઉન્સ હશે.  કોઈએ નાની ઉંમરે પિતા ગુમાવી દીધા હોય છે અને માતાએ મહેનત કરીને મોટા કર્યા હોય છે.  કોઈને માતાની લાગણી નસીબમાં નહીં હોય.  મા-બાપ વચ્ચેના ડિસ્પ્યુટ્સ અથવા તો ડિવોર્સે ઘણાની જિંદગીમાં સમસ્યા સર્જી હશે.  કંઈક તો એવું હોય જ છે જે આપણને જિંદગીના સંઘર્ષ યાદ અપાવતું રહે છે.  આ બધી જ મુશ્કેલીઓને ઓવરકમ કરી માણસ આગળ ધપતો રહે છે. દરેકને પોતાનું વજૂદ સાર્થક કરવું હોય છે.  દરેક માણસ એ કરે પણ છે.

 

ફાઇન. સવાલ એ છે કે સફળ થઈ ગયા પછી શું ?  સફળતા માણવાની એક મજા છે. સફળતામાં નશો હોય છે. સફળતાનો નશો સમયની સાથે ઊતરી જવો જોઈએ.  સફળતાની રાઈ મગજમાં ભરાઈ ન જવી જોઈએ.  એક વ્યક્તિએ એના વડીલને પૂછયું કે આપણે સફળ થઈ જઈએ પછી શું કરવાનું ?  એ વડીલે કહ્યું કે પહેલાં તો એ સફળતાને એન્જોય કરવાની અને પછી એ સફળતાને ભૂલી જવી અને નવી સફળતા માટે સંઘર્ષ શરૂ કરી દેવો.  એવું જરાયે ન માનવું કે તમે માત્ર એક સફળતા માટે જન્મ્યા છો.  તમારે બીજું ઘણું કરવાનું હોય છે.

 

એક યુવાનની વાત છે.  તે સમયાંતરે સફળતાનાં નવાં નવાં શિખરો સર કરતો હતો.  તેના એક મિત્રએ તેને પૂછયું કે તારામાં આટલું જોમ અને જુસ્સો ક્યાંથી આવે છે ?  તેણે કહ્યું કે મારા પિતાની એક વાત મને યાદ આવે છે.  હું કોલેજમાં સ્ટડી કરતો હતો.  મારું એક સપનું હતું કે મારે કોલેજમાં ફર્સ્ટ નંબર લાવવો છે.  હું રાત-દિવસ મહેનત કરતો.  રિઝલ્ટ આવ્યું ત્યારે હું કોલેજમાં ફર્સ્ટ હતો.  મારી ખુશીનો પાર ન હતો.  ઘરે કોઈ આવે તો હું ગર્વભેર કહેતો કે મારો ફર્સ્ટ નંબર આવ્યો છે.  એક વખત ઘરે ઘણા બધા ગેસ્ટ આવ્યા હતા. મેં ફરીથી હું ફર્સ્ટ આવ્યો છું તેની વાત કરી. પિતા મારી સામું જોઈ રહ્યા.  મને કહ્યું કે ક્યાં સુધી તારે તારી સફળતાનાં ગીતો ગાયે રાખવાં છે ?  બંધ કર હવે આવી વાતો.  તારી સફળતામાંથી બહાર નીકળ.  તું ક્યારેય એવી વાત કેમ નથી કરતો કે હવે તારે શું કરવું છે ?  નોકરી કે બિઝનેસ કરીશ ત્યારે કોઈ નહીં પૂછે કે ફાઇનલમાં તને કેટલા માર્ક્સ આવ્યા હતા.  તારો નંબર આવ્યો, સારી વાત છે. ખુશી થવા જેવી છે, પણ અમે ખુશી લઈ લીધી.   હવે નવી વાત કર !

 

જૂની સફળતાની વાતો એ જ લોકો કરતાં હોય છે જેની પાસે નવી સફળતા અને તેની વાતો હોતી નથી.  હા, બહુ મોટી ઉંમર થઈ ગઈ હોય, નિવૃત્તિમાં માણસ એવું કહે કે મેં આમ કર્યું હતું તો એ હજુયે વાજબી છે, પણ એક્ટિવ માણસે તો હંમેશાં જૂની સફળતાને ભૂલીને નવી સફળતા ઉપર જ નજર માંડવી જોઈએ.  અમુક સફળતા યાદગાર હોય છે, પણ આખરે એની પણ એક મર્યાદા હોય છે.

 

પતિ-પત્ની હતાં.  પતિ એક સારી કંપનીમાં જોબ કરતો હતો.  પતિ હંમેશાં કહેતો કે મારે મારી કંપનીમાં આ મુકામ હાંસલ કરવો છે.  આઈ વોન્ટ ટુ સી માયસેલ્ફ ઓન ટોપ.  પત્ની પણ તેની વાતો, તેની ખ્વાહિશ અને તેની મહેનત જોઈને ખુશ થતી.  એક સમય આવ્યો.  પતિએ એ મુકામ મેળવી લીધો. સ્વાભાવિક રીતે જ એ ખુશ હતો.  એક દિવસ તેણે પત્નીને કહ્યું કે મારે જે કરવું હતું એ મેં કરી લીધું.  આઈ એમ સેટિસ્ફાઇડ. પત્નીએ કહ્યું કે, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. નાઉ વોટ નેક્સ્ટ ?  પતિએ સવાલ કર્યો કે વોટ નેક્સ્ટ મીન્સ ?  પત્નીએ કહ્યું કે હવે શું ?  તને તારામાં જે તાકાત છે એ નથી દેખાતી ?  તું હજુ ઘણું કરી શકે તેમ છે એવું નથી લાગતું ? અરે,તારી સફળતાને બિરદાવતી વખતે તારા સિનિયર્સે જ કહ્યું હતું કે યુ હેવ લોંગ વે ટુ ગો.  તેં કેમ તારો રસ્તો પૂરો થઈ ગયો છે એમ માની લીધું ?  યાદ રાખ, બધા થોડો સમય તારી સફળતાનાં વખાણ કરશે, પછી ભૂલી જશે.  લોકો ભૂલી જાય તેની સાથે આપણે પણ આપણી સફળતાને ભૂલી જવી જોઈએ !  તું હવે પછી શું કરવાનો છે એના ઉપર જ લોકોનું ફોકસ હશે. હા, તારી સક્સેસ માણી લે અને ફરીથી મેદાનમાં આવી જા.  કોઈ લડાઈ અંતિમ હોતી નથી અને તું બેસી જઈશ તો થાકી જઈશ.  બેસવાનો પણ થાક લાગતો હોય છે.  નિયત સમય કરતાં વધારે બેસી રહેવાનો પણ થાક લાગતો હોય છે. બેસવાનું માત્ર થાક ઉતારવા માટે હોય છે અને ફરીથી ઊભા થવા માટે હોય છે, બેઠા રહેવા માટે નહીં !

 

સફળ થવું સહેલું છે.  પહેલી વખત સફળ થવા માટે એક ઝનૂન હોય છે.  કંઈક કરી બતાવવાની ધગશ હોય છે.  બીજી સફળતા વધુ આકરી હોય છે.  તેમાં તમારે જે સફળતા મેળવી તેનાથી મોટી સફળતા મેળવવાની હોય છે.  સફળતા ટકાવી રાખવી પડે છે. એ ન ટકાવી રાખીએ તો સરકી જાય છે. એક ફિલ્મ કલાકારે કહેલી આ વાત છે. તેણે કહ્યું કે મારી એક ફિલ્મ સફળ થઈ પછી મારા પર પ્રેશર વધી ગયું હતું.  તમે સફળ થાવ એટલે લોકોની અપેક્ષા તમારી પાસે વધી જતી હોય છે.  તમે બીજી વખત સફળ ન થાવ તો લોકો એવું માનવા લાગે છે કે એ સફળતા ફ્લુકલી મળી ગઈ હતી. તમારી સફળતા માત્ર તમારા નસીબને કારણે નથી, પણ તમારી મહેનતના કારણે છે એ માટે તમારે સતત સફળ થતાં રહેવું પડે છે. એક સફળતા એ સફળતાનું પ્રમાણપત્ર નથી, પણ સતત સફળતા જ તમારું સ્થાન સિદ્ધ કરે છે. તેના માટે મહત્ત્વનું એ જ હોય છે કે જૂની સફળતાને બને એટલા જલદી ભૂલી જવી.  જિંદગીના છેલ્લા શ્વાસ સુધી સફળતાની શક્યતાઓ રહેલી હોય છે. આપણે બસ પ્રયત્નો છોડવા ન જોઈએ !

 

છેલ્લો સીન : 

 

કોઈ સફળતા પૂર્ણવિરામ લઈને નથી આવતી. દરેક સફળતા અલ્પવિરામ જ હોય છે. પૂર્ણવિરામ તો આપણે આપણા હાથે મૂકી દેતા હોઈએ છીએ. -કેયુ

 

(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 14 જુન, 2015. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)

 

 

krishnakant unadkat

કૃષ્ણકાંત ઉનડકટ
EXECUTIVE EDITOR, SANDESH DAILY, AHMEDABAD.
બ્લોગ લીંક :krishnkantunadkat.blogspot.com
ચિંતનની પળે :     email : 
[email protected]

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર પુન:પ્રસિદ્ધ કરવાની તક મળવા બદલ અમો શ્રી કૃષ્ણકાંત ઉનડકટ નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected] 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

વર્ષાઋતુમાં ખૂબ વકરતા વિવિધ રોગો અને ઉપાય …

વર્ષાઋતુમાં ખૂબ વકરતા વિવિધ રોગો અને ઉપાય …

વર્ષાઋતુમાં ખૂબ વકરતા વિવિધ જ્વર …

આજકાલ : માલિની રાવલ

 

fever

 

સામાન્ય બોલીમાં આપણે જેને જ્વર કહીએ છીએ આ તાવને હિન્દીમાં બુખાર કહે છે, સિંધીમાં બટો તો અંગ્રેજીમાં ફીવર તથા અરબીમાં ‘હુમ્મા’ના નામથી ઓળખાય છે. આયુર્વેદમાં જ્વરને સ્વતંત્ર રોગના રૂપમાં તથા અન્ય રોગોનો ઉપદ્રવ સ્વરૂપ પણ માનવામાં આવે છે.

જ્વર અથવા તો ‘તાવ’ને રોગોનો રાજા કહેવામાં આવે છે. દરેક વ્યક્તિ કોઈના કોઈ સમયે જ્વરથી પીડાય છે. સામાન્ય રીતે તાવ ગમે તે મોસમમાં આવી શકે છે, પરંતુ તેનો પ્રકોપ વર્ષાઋતુમાં વિશેષ જોવા મળે છે. તેનું કારણ આપણા જાણીતા વૈદ્યરાજ કહે છે કે : આ ઋતુમાં જઠરાગ્નિ મંદ થઈ જાય છે અને તાવનું મુખ્ય કારણ જઠરાગ્નિની શિથિલતા પણ છે. તેથી વર્ષાઋતુમાં તાવનો ઉપદ્રવ અધિક થતો હોવાથી તેનાથી ચેતતા રહેવું.

આયુર્વેદમાં જ્વર-તાવનું વર્ણન સર્વપ્રથમ કરવામાં આવ્યું છે.  કહેવાય છે કે, જન્મ અને મૃત્યુ સમયે દરેક પ્રાણી તાવની અસરમાં આવી જાય છે.  એવું માનવામાં આવે છે કે, આ સમયે તાવની અસરને કારણે પ્રાણી પુનર્જન્મની વાતો ભૂલી જાય છે.

અમદાવાદના એક જાણીતા ફિઝિશિયનનું કહેવું છે કે, લોકોએ તાવ શું છે એ જાણવું જરૂરી છે.  સ્વસ્થ વ્યક્તિના શરીરનું તાપમાન ૯૮.૪’ હોય છે.  જ્યારે શરીરનું તાપમાન તેનાથી વધી જાય છે ત્યારે તાવ આવ્યો છે, એમ કહેવાય.  તાવ મનુષ્યને માત્ર આવે છે તેવું નથી.  તાવ પશુ-પક્ષી અને અન્ય જાનવરોને પણ આવે છે, પણ તાવને સહન કરવાની શક્તિ માત્ર મનુષ્યોને જ પ્રાપ્ત થઈ છે. મોટાભાગના પ્રાણીઓ તાવને સહન કરી શકતા નથી પરિણામે મૃત્યુ પામે છે.

પ્રશ્ન એ થાય કે, વર્ષાઋતુમાં જ તાવનો પ્રકોપ વધુ થાય છે તેનું કારણ શું ?

આયુર્વેદ કોલેજના નિવૃત્ત પ્રિન્સિપાલનું કહેવું છે કે : વર્ષાઋતુમાં વરસાદ અને આકાશમાં ઘેરાયેલા વાદળોને કારણે હવામાં ભેજની માત્રા વધી જાય છે. જેનાથી અનાજ, વનસ્પતિમાં પણ ભેજની માત્રા વધી જાય છે. જળ દૂષિત થઈ જાય છે. દૂષિત જળ તો રોગચાળાજનક ગણાય છે. ધાન્ય અને ખાદ્ય પદાર્થોમાં ભેજને કારણે અમ્લતા આવી જાય છે. આ અમ્લતાને કારણે જ વર્ષાઋતુમાં પિત્તનો સંચય થાય છે. તાવનો મુખ્ય દોષ પિત્ત છે, કારણ કે જ્વરથી જઠરાગ્નિ મંદ થઈ જાય છે. જેને કારણે તાવ આવે છે, અપચો થાય છે. આ ઋતુમાં મોટાભાગના લોકો દૂષિત જળ પીવાને કારણે તાવનો ભોગ બને છે. ચોમાસામાં દરેક વ્યક્તિએ દૂધ અને પાણી ઉકાળીને જ પીવાં જોઈએ.

આધુનિક મતાનુસાર વર્ષાઋતુમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે જેનાથી મચ્છર ઉત્પન્ન થાય છે અને આ મચ્છરોના કરડવાથી મેલેરિયાનો તાવ આવે છે. વર્ષાઋતુમાં ઠંડી હવા શ્વાસ દ્વારા ફેફસાંમાં પહોંચે છે ત્યારે શરદી થઈ જાય છે. આ જ્વરનું પૂર્ણ લક્ષણ છે.

વર્ષાઋતુમાં તાવથી બચવા માટે મોસમ અનુસાર પથ્યનું પાલન (પાચનશક્તિ) કરવું જોઈએ. ખાસ કરીને આ ઋતુમાં એકદમ હળવો આહાર આરોગવો જોઈએ. આ ઋતુમાં જ ર્ધાિમક તહેવારો બહુ હોય છે. ખાસ કરીને વ્રતો અને શ્રાવણના ઉપવાસ એકટાણા. આથી ર્ધાિમક દૃષ્ટિએ જોઈએ તો ઉપવાસ-વ્રત વગેરેને વર્ષાઋતુમાં આવતા તહેવારોને અધિક પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ઉપવાસને આયુર્વેદમાં ‘લાંઘણ’ કહેવામાં આવે છે અને ઈશ્વરે ખાસ આ ઋતુમાં જ આ ‘લાંઘણ’ની ગોઠવણ કરી છે, પણ આજે તો આ ઉપવાસના નામે ફરાળી વાનગીઓ વધારે ખવાય છે. જેથી સો ટકા આ ઋતુમાં અપચો થવાનો સંભવ વધુ રહે છે અને તાત્કાલિક લોકો માંદા પડે છે.

કુદરતે આ ઋતુમાં તાવ અને અન્ય વ્યાધિથી બચવા માટે જ લોકોને ર્ધાિમક તહેવારોના બહાને ઉપવાસ-વ્રતનું નિર્માણ કર્યું છે. જેથી લોકો ફળફળાદિ ખાઈને ઉપવાસ (ખાલી પેટ) રહે, જેથી તેને કોઈ વ્યાધિ સતાવે નહીં અને તેની આ ઋતુ બહુ જ સરળ રીતે પસાર થઈ જાય.

વૈદ્યરાજ તાવના પ્રકારો વિશે કહે છે : આયુર્વેદ ગ્રંથમાં જ્વરના ઘણા પ્રકાર બતાવવામાં આવ્યા છે. દોષના આધાર પર આવતા તાવના આઠ ભેદ કહેવામાં આવ્યા છે. વાત-પિત્ત-કફ-વાતપિત્ત- વાતકફ-કફપિત્ત-સંનિપાત અને વિષજન્ય આંગતુક જ્વર.

આયુર્વેદના ગ્રંથ પ્રમાણે ઉપચારના આધાર પર સાધ્ય અને અસાધ્ય એમ બે પ્રકારના તાવ આવે છે. ઉપરાંત કામજ્વર-શેષજ્વર- વિષજ્વર- ક્રોધજ્વર આના પણ પ્રકાર જોવા મળે છે.  આધુનિક તબીબીશાસ્ત્રમાં મેલેરિયા- ટાઈફોઈડ- વાઈરલ ફીવર તથા રૂગ્મેટિક ફીવર જેવા તાવના મુખ્ય પ્રકાર ગણવામાં આવે છે.

વર્ષાઋતુમાં આવતા તાવના લક્ષણો તપાસીએ તો પ્રથમ તો આપણા શરીરમાં આળસ થવા લાગે છે, ક્યાંય દિલ ચોંટતું નથી, થાક લાગે છે, આંખોમાં પાણી કે આંસુ આવવા લાગે છે, બગાસાં આવે છે, શરીર આખામાં કળતર થાય છે, આંખો બળે છે, હાથ-પગ ઠંડા પડવાનો ભાસ થાય છે.  શરીરના રુંવાડાં ઊભાં થવા લાગે છે.  અરુચિ અને નબળાઈ લાગે છે. તાવ પહેલાંના શરૂઆતના આવા બધા લક્ષણો થવા લાગે છે.  આવા પ્રાથમિક લક્ષણોને કદી અવગણવા નહીં.  આ વખતે શરીરનું તાપમાન એકાએક વધી જાય છે અને પરિણામે તાવ આવે છે.  ઘણાને તાવ આવતા પહેલાં માથું દુખવા લાગે છે.  કેટલીક વખત ગભરામણ પણ થવા લાગે છે.

તાવ આવવાનું મુખ્ય કારણ પિત્ત છે.  આ પિત્ત અને રસ ધાતુ ગણાય છે.  શરૂઆતમાં તાવના તાપમાનનું પ્રમાણ ઓછું હોય છે અને એટલે જ તાવમાં વધુ પડતો ભારે ખોરાક લેવાની ના હોય છે. એઓમાં પણ જો ઉપવાસ એટલે કે ભૂખ્યા રહીએ તો તાત્કાલિક તાવમાં રાહત થાય છે.

તાવની પહેલી અવસ્થામાં ઉપવાસ કરવો, જ્યારે તાવની મધ્ય અવસ્થામાં આપણે લીધેલો ખોરાક જલદી પચી જાય તેવી દવાઓ લેવામાં આવે, જેનાથી દૂષિત આમનું પાચન થાય છે અને શરીર હળવુંફૂલ બને છે.  પાચનની દવાઓ સાથે તાવ નાશ પામે તેવી પણ દવા લેવી જોઈએ.

ટૂંકમાં, વર્ષાઋતુમાં આપણે આપણા ખોરાકના સેવનનો બરાબર ખ્યાલ રાખીએ તો આ બધી લમણાંઝીંકથી દૂર રહીએ.

 
સૌજન્ય : સંદેશ દૈનિક

(૨)  વર્ષાઋતુમાં વકરતા ત્વચાના રોગ …

 

શરીરની સ્વચ્છતાનું પૂરતું ધ્યાન રાખવું. નહાવાના પાણીમાં દર ૨-૩ દિવસે લીમડાની છાલ કે પાંદડા અથવા કણજીની છાલ ઉકાળી તે પાણીથી નહાવું જોઇએ.  ચોમાસામાં પ્રોટીન તથા વિટામિન સીયુકત સુપાચ્ય આહાર વધારે લેવો જોઇએ.  પીવાના પાણીમાં નિર્મળીના બી પલાળી રાખી તે પાણી પીવું જોઇએ. નિર્મળીના બી શ્રેષ્ઠ જંતુનાશક છે.

ચોમાસામાં વાતાવરણમાં ભેજ હોવાથી શરીર પરનો પરસેવો સૂકાતાં વાર લાગે છે.  હવામાં ઊડતા ધૂળના રજકણો શરીર પર ચોંટે છે.  પરિણામે ત્વચાના છિદ્રો પૂરાઇ જાય છે. ત્વચા ચીકણી, ભેજવાળી રહેવાને કારણે ત્વચા પર અમુક પ્રકારના જંતુઓ ઉત્પન્ન થાય છે.  પરિણામે સાથળ, કમર, બગલ કે સાંધાના ભાગમાં ગૂમડા કે ચામડીના અન્ય રોગ થતાં જોવા મળે છે, આંગળીઓની વચ્ચે ઝીણી ફોલ્લીઓ થવી જેને ખસ કહેવામાં આવે છે.  તેમાં ખૂબ જ ખંજવાળ આવે છે.  શરીરના ગમે તે ભાગમાં ખરજવું થાય અથવા થયેલું હોય તો તે વધે છે.

કેટલીક મહિલાને શરીર પર દાઝી ગઇ હોય તેવા ફોલ્લા થઇ આવે છે, તો કોઇ મહિલાના નખમાં ઇન્ફેકશન થાય.  પરિણામે નખની આસપાસની ત્વચા લાલ થઇ જાય, ખંજવાળ આવે કે ત્વચા પાકી જાય તેથી દુ:ખાવો કે ક્યારેક પરુ પણ થઇ જાય છે.  ચોમાસામાં કેટલીક મહિલાના પગના પંજાની ત્વચા પોચી અને સફેદ થઇ જઇને પાણી નીકળવા લાગે છે.  પગની આંગળીઓ વચ્ચે ઊંડા ચીરા પડે છે. ખૂબ બળતરા, ખંજવાળ અને દુખાવો થાય છે. આવી તો ત્વચાની અનેક તકલીફ ચોમાસામાં વકરે છે.

કારણો આ ઋતુમાં જો શરીરની સ્વચ્છતા પર પૂરતું ધ્યાન રાખવામાં ન આવે કે સાંધાઓમાંથી બરાબર ભેજ લૂછવામાં ન આવે તો પણ ત્વચાના અનેક રોગ થાય છે.  વરસાદના પાણીમાં વારંવાર જવાથી પગની ત્વચાના અનેક રોગ થાય છે. આ ઋતુમાં પાચક અગ્નિ મંદ પડી જાય છે.  આવા વખતે ખાવાપીવામાં પૂરતું ધ્યાન ન આપવાથી પણ ચામડીના અનેક રોગ થાય છે.  મોટે ભાગે આ ઋતુમાં જ વધારે તળેલું કે મરી-મસાલાવાળું ખાવાની વધારે ઇચ્છા થાય છે, જેનાથી ત્વચાના રોગ ઉદ્ભવે છે.

ચહેરાની ત્વચા નિસ્તેજ થઇ જવી અર્કતેલ, લાવણ્યતેલ, કુંકુમાદિ તેલથી માલિશ કરવી.  લીંબુના રસમાં સોડા બાયકાર્બ કે ચપટી મીઠું મિક્સ કરી ત્વચા પર લગાવી તરત જ ધોઇ નાખો.  આનાથી ત્વચાની ચમક પાછી આવે છે.  આલુ, જરદાળુના પલ્પનો લેપ લગાવવો.

ચોમાસામાં ત્વચાની કોઇ પણ તકલીફ થાય કે ત્વચાની ચમક, ભેજ, રંગ સુંદર રહે તે માટે આ ઋતુ દરમિયાન શોધન ચિકિત્સા અનિવાર્ય છે. તે માટે લંઘન, બિસ્ત, વમનકર્મ કે વિરેચન ઉત્તમ ચિકિત્સા છે.  આ બધી ચિકિત્સાઓ કરવાની સાથોસાથ ત્વચાના રોગને દૂર કરવા માટે યોગ્ય આયુર્વેદિક દવાઓ પણ ચિકિત્સકની સલાહ અનુસાર લેવાથી ઉત્તમ પરિણામ મળે છે.

ચામડીના રોગ માટે લંઘન એટલે કે ઉપવાસ ઉત્તમ છે, જેને આયુર્વેદમાં શોધનકર્મ કહે છે. અઠવાડિયામાં એક વાર લંઘન-ઉપવાસ કરવો જોઇએ. અઠવાડિયામાં એક વાર સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ એક ચમચી પાણી સાથે રાત્રે લેવું જોઇએ.

ફોડલી કે ગૂમડા ચોમાસામાં ફોડલા કે ગૂમડા થતાં હોય તેમણે ગૂમડા પર નીમતેલ કે સેફતેલ લગાડવું.  લીમડાના પાન તથા કાળી જીરી વાટી તેનો લેપ લગાવવાથી પણ તે મટે છે. પગની આંગળીઓ પાકવી જે મહિલાઓને આંગળીઓ ફુગાઇ જાય, પાકે કે ચીરા પડતાં હોય તેમણે કોપરેલમાં હળદર મિક્સ કરી લગાવવાથી ખૂબ ફાયદો થાય છે. ચરણકમલ મલમ, જાત્યાદિ મલમ કે જાત્યાદિ તેલ લગાવવાથી પણ ચીરામાં જલદી રૂઝ આવી જાય છે.  દાદર ખરજવું જો દાદર-ખરજવું જેવી તકલીફ થઇ હોય તો લીંબુના રસમાં ખાવાનો સોડા મિક્સ કરી લગાવી શકાય.

ઉપરાંત કેટલાક આયુર્વેદિક લેપ પણ લગાવી શકાય.  નખમાં ફંગસ કે પાક નીમતેલ મરિચ્યાદિ કે સેફતેલમાં રૂ બોળી નખ પર રાત્રે મૂકી પટ્ટી બાંધી દેવી.  આનાથી ફંગસ કે પાક ખૂબ જલદી મટે છે. ત્રફિળા ગુગળની બે-બે ગોળી ત્રણ વાર ખાવાથી પણ ફાયદો થાય છે. સ્નાન વખતે રાખો ધ્યાન અઠવાડિયામાં ૧થી ૨ વાર આખા શરીર તેમાંય બગલ, જાંઘ કે સાંધાના ભાગ પર નીમતેલ, કરંજતેલ કે વિડંગાધ્યતેલ રાત્રે લગાવી સવારે લીમડાના પાણીથી નહાવું.

 
ડૉ. નીતા ગોસ્વામી (આયુર્વેદિક બ્યૂટિ ફિઝિશિયન), સ્કિનકેર, વુમન ભાસ્કર, દિવ્યભાસ્કર

ચોમાસામાં વારંવાર સતાવતી અપચાની સમસ્યાના ઉપાય+સૂચનો ….

digesting

 
વરસાદની ઋતુમાં ઘણા દિવસો સુધી સૂર્યપ્રકાશ ન નિકળવાને લીધે આપણી પાચનશક્તિ મંદ પડે છે. તેને લીધે ખાવાનું ન પચતું નથી તેથી પેટ ભારે લાગે, જીવ મુંઝાવા લાગે, બેચેની લાગે, ઉલટી વગેરે સમસ્યા થવા લાગે છે. પરંતુ ચોમાસામાં આવી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે કેટલાક આસાન ઘરેલું ઉપાયો પણ કારગર નિવડે છે.

અપચાની કે કબજિયાતની સમસ્યા તો અડધી રાત્રે પણ પરેશાની પેદા કરી શકે છે ત્યારે ઘણીવાર ઝાડા-ઊલટીની સમસ્યા થવા લાગે છે. એવી વખતે તહેવારોના સમયમાં તળેલી કે ગળી ભારે વસ્તુ ખાધી હોય તો અપચો થતો જ હોય છે. આવી વખતે ભારે ખોરાક લેવાને બદલે આગળ આપેલ ઉપાયો કરીને તમે અપચાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

૧) લીંબૂ –અપચો થવાથી લીંબુની ફાડપર નમક લગાડી ગરમ કરીને ચૂસવાથી ભોજન સરળતાથી પચી જાય છે.

૨) જમરુખ – અપચો કે આફરો ચડ્યવાથી ખાધા પછી 250 ગ્રામ જમરુખ ખાવું જોઈએ.

૩) જીરું –જીરું, સૂંઠ, સિંધાલું નમક, પીપળ, મરી સમાન માત્રામાં મેળવી, પીસીને તેમાં એક ચમચી રોજના દિવસમાં ત્રણ વાર ગરમ પાણી સાથે ફાંકી લો.

૪) અનાનસ –અનાનસની ચીર પર નમક અને મરી નાખીને ખાવો તો અજીર્ણ દૂર થાય છે.

૫) પપૈયું – ખાવાનું ન પચ્યા પછી પપૈયું ખાવાથી સારું રહે છે. પપૈયાના સેવનથી આ સમસ્યા દૂર થઈ જાય છે.

૬) ગાજર –ગાજરના રસમાં પાલકનો રસ મેળવી પીવાથી અપચો દૂર થાય છે.

૭) ટમેટા –ટમેટા પર નમક અને મરી છાંટી ખાવાથી અપચો દૂર થાય છે.

૮) મૂળો –અપચો થવા પર ભોજનની સાથે મૂળી નમક અને મરી નાખીને બે મહીના સુધી ખાવો.

આ પ્રમાણે અપચાની સમસ્યાથી છૂટકારો મેળવોઃ-

 

૧] સારી ભૂખ લાગી હોય ત્યારે જ ભોજન કરો, જો યોગ્ય સમયે ભૂખ ન લાગતી હોય તો તે સમયે ખાવાનું છોડી દો.

૨] ખાતા પહેલા અને ખાધા પછી 1-2 ઘૂંટથી વધુ પાણી ન પીવો.

૩] ખાધા પછી તરત જ અને દિવસના સમયે ક્યારેય ન સૂવો.

૪] સાંજનું ભોજન સૂતા પહેલા ઓછામાં ઓછા 3 કલાક પહેલા કરી લેવું જોઈએ.

૫] મેદામાંથી બનેલ અને તળેલ કે તેલમાં પકાવેલ ભોજન ન કરો.

૬] ભોજનથી પહેલા અને તત્કાલ પછી ચા-કોફી જેવી કોઈપણ વસ્તુનું સેવન ન કરો તેનાથી પાચન સુચારું રીતે નથી થતું.

૭] પિઝા, બર્ગર, પાસ્તા, ચિપ્સ અને કોલ્ડ ડ્રિન્ક જેવી ખાવાની વસ્તુઓનું સેવાન સીધા કબજિયાતની સમસ્યા પેદા કરે છે.

૮] કેક, પેસ્ટ્રી, બિસ્કિટ વગેરેનું સેવન ન કરવું જોઈએ.

વરસાદી ફળો રોજ ખાઓ, આપમેળે જ અનેક રોગો રહેશે દૂર …

આ છે વરસાદી ફળ, ખાશો તો અનેક બીમારીઓ પાસે નહીં આવે …

૧] નાસપતિ …

naspatti

વરસાદની સિઝન આવતા જ શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી થવા લાગે છે. એવી વખતે લોકો સૌથી વધુ તાવ અને અન્ય હેલ્થ સમસ્યાઓના શિકાર બને છે. એટલા માટે આ મોસમમાં સ્વાસ્થ ઉપર ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. સ્વાસ્થ રહેવામાં સિઝનલ ફળ ઘણા કારગર સાબિત થાય છે. વરસાદની સિઝનમાં નાસપતિથી અનેક બીમીરીઓને દૂર રાખી શકાય છે. નાસપતિમાં સફરજનની જેવા જ ગુણો જોવા મળે છે.

વાસ્તવમાં નાસપતિ જેને અંગ્રેજીમાં પીયર કહે છે. તે સફરજન પરિવાર સાથે જોડાયેલ છે. નાસપતિનો જ્યૂસ ઊર્જાનો સારો સોર્સ છે. આ રોગ પ્રતિકારક તંત્રને મજબૂત બનાવે છે. તેના નિયમિત સેવનથી શરદી, ખાંસી, જુકામ જેવી બીમારીઓ નથી થથી.

100 ગ્રામ નાસપતિમાં 9 મિલીગ્રામ સોડિયમ, 14 મિલિગ્રામ ફોસ્ફોરસ, લોહા- 2.3 મિલિગ્રામ, આયોડિન 1 મિલિગ્રામ કોબાલ્ટ, 10 ગ્રામ મિલિગ્રામ, મેગ્નીઝ 64 મિલિગ્રામ, કોપર- 120 મિલિગ્રામ, મોલિબ્ડેનમ-5 મિલિગ્રામ ફ્લોરીન 10 મિલિગ્રામ, જિંક- 190 ગ્રામ, વિટામીન એ, વિટામીન બી-1, બી-2 અને પોટેશિયમ પણ જોવા મળે છે. સાથે જ ભરપૂર માત્રામાં કેલ્શિયમ પણ જોવા મળે છે.

આંતરડા માટે લાભદાયકઃ-

નિયમિત રીતે નાસપતિનો જ્યૂસ પીવાથી આંતરડામાં થયેલી ગડબડીને નિયંત્રિત કરી શકાય છે. નાશપતિ વિષાત પદાર્થો અને રસાયણોના સંપર્કમાં આવવાથી મોટા આંતરડાની કોશિકાઓનો રક્ષણ કરે છે. તેનો જ્યૂસ દિવસમાં બેવાર પીવાથી કફ ઓછો થાય છે અને ગળાની ખારાશ પણ દૂર થાય છે.

થાક દૂર કરવા માટેઃ-

નાશપતિ ખાવાથી શરીરનો ગ્લૂકોઝ ઊર્જામાં બદલાઈ જાય છે. જ્યારે પણ તમે થાકેલા મહેસૂસ કરી રહ્યા હો તો નાસપતિ ખાવાથી તરત જ એનર્જી મળશે. નાસપતિનો જ્યૂસ શરીરના તાપમાનને ઓછું કરી તાવમાં આરામ પહોંચાડે છે.

સોજો દૂર કરે છેઃ-

નાસપતિનો જ્યૂસ આર્થરાઇટીસન દર્દીઓ માટે લાભકારી છે. તે સોજાને દૂર કરે છે. આર્થરાઈટિસથી પરેશાન લોકોને તેનું નિયમિત સેવન કરવું જોઈએ.

હાડકાં માટે ફાયદાકારકઃ-

નાસપતિમાં વધુ માત્રામાં બોરોન હોય છે. બોરોન હાંડકાઓમાં કેલ્શિયમને જાળવી રાખવામાં મદદ કરે છે. એટલા માટે નાસપતિનું સેવન કરવાથી ઓસ્ટિયોપોરોસિસ થવાનો ખતરો નથી રહેતો.

ગર્ભવર્તી માટે લાભદાયકઃ-

નાશપતિ ગર્ભવતી સ્ત્રીઓ અને તેના બાળકો માટે પણ ફાયદાકારક રહે છે.

કોલેસ્ટ્રોલમાં રામબાણઃ-

પેક્ટિન વધુ માત્રામાં હોવાને કારણે તે કોલેસ્ટ્રોલના લેવલને ઓછો કરે છે.

ડાયાબિટીસ નિયંત્રણઃ-

નાસપતિ ફાયબર યુક્ત હોવાને લીધે ડાયાબિટિસના દર્દીઓ માટે ઔષધીની જેમ કામ કરે છે. તેનાથી ગળ્યું ખાવાની તલબ નથી લગાતી.

બ્લડ પ્રેશર નિયંત્ર કરે છેઃ-

નાશપતિમાં અનેક ઓક્સીડકરણ રોધી તત્વો જોવા મળે છે, જે ઉંમરને વધતા અટકાવે છે. તે ઉચ્ચ રક્તચાપ અને હાર્ટ સ્ટ્રોકને રોકવામાં મદદ કરે છે.

પ્રતિરક્ષા પ્રણાલીમાં સુધારોઃ-

નાસપતિમાં વિટામીન-સી અને તાંબુ પર્યાપ્ત માત્રામાં મળે છે. એટલા માટે તે શરીરની પ્રતિરક્ષા પ્રણાલીમાં સુધારો થાય છે. વિટામીન-સી સામાન્ય ચયાપચન અને ઉત્તકોની સુધારો કરવામાં મદદ કરે છે.

કેન્સરથી બચાવે છેઃ-

નાસપતિ પેટના કેન્સરને રોકવામાં મદદ કરે છે. એટલા માટે નિયમિત સેવનથી રજોવૃત્તિ પછી મહિલાઓમાં થતી કેન્સરનો ખતરોને ઓછો કરે છે.

૨] પેર …

pear

દેખાવમાં આછાં લીલાં, ખૂબ રસાળ મીઠાં ફળ ગણાતાં પેર એ ચોમાસાનું સૌથી મીઠું ફળ ગણી શકાય. પેરમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. વળી, એ બ્લડપ્રેશરને કન્ટ્રોલમાં રાખવાનું કામ પણ કરે છે. વિટામિન Cની સાથે-સાથે કાર્સિનોજેનિક એટલે કે કૅન્સરથી બચવા માટે જરૂરી તત્વોપણ એમાં સમાયેલાં છે. પેરમાં પેક્ટિન નામક સોલિવિલ ફાઇબર રહેલ છે, જે ઍસિડિટી અને કૉન્સ્ટિપેશન જેવા પ્રૉબ્લેમ્સને દૂર કરે છે. વળી, એમાં રહેલા ભરપૂર ઍન્ટિ-ઑક્સિડન્ટ ઇમ્યુનિટી વધારે છે અને હાડકાંને મજબૂત કરે છે.

૩] રેડ પ્લમ્સ(આલુ કે આલુબુખારા)  …

red plums

આખા દેશમાં વરસાદ ચાલી રહ્યો છે. વરસાદમાં રોગ પેદા કરતા કીટાણુઓ વધુ માત્રામાં પેદા થતા હોય છે અને આ સમયમાં આપણી ઉપર વધુ માત્રામાં આક્રમણ કરતા હોય છે. સંક્રમણ રોગો થવાનો ભય પણ આ સમયમાં જ રહે છે.

એવી વખતે પૌષ્ટિક ભોજન અને સ્વાસ્થવર્ધક ગુણોથી ભરપૂર મોસમી ફળોના સેવનથી અનેક પ્રકારના રોગોથી તમે પોતાનો બચાવ કરી શકો છો અને આ મોસમનો ભરપૂર આંદન લઈ શકો છો, ચાલો આજે જાણીએ વરસાદની સિઝનમાં આવતા કેટલાક ફળો વિશે.

રેડ પ્લમ્સ(આલુ કે આલુબુખારા) –

એવું માનવામાં આવે છે કે તેના સેવનથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને આ ફળનો રસ અનેક પ્રકારના સૂક્ષ્મ જીવોના સંક્રમણથી આપણો બચાવ કરે છે. તેના ફળોના સેવનથી કબજિયાત અને અપચાની સમસ્યાનું નિદાન થઈ જાય છે.

૪] જાંબુઃ-

kala jambun

જાંબુમાં લોહ અને ફોસ્ફોરસ જેવા તત્વો પ્રચુત માત્રામાં જોવા મળે છે. તેમાં કોલીન અને પોલિક એસીડ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. પાતળકોટના આદિવાસીઓ એવું માને છે કે જાંબુનું સેવન કરવાથી પેટની સફાઈ થઈ જાયચે અને મુખનો સ્વાદ પણ સારો થઈ જાય છે.

જાંબુ તાજા ફળના લગભગ 100 ગ્રામ માત્રાને 300 મિલી પાણીની સાથે રગડી લો. તેના છાલ અને રસ નિકાળીને બીજને અલગ કરી દો. આ રસને ગળીને કોગળા કરો અને ગળી જાઓ. તેનાથી મુખના છાલા પૂરી રીતે દૂર થઈ જશે અને પેટની સફાઈ પણ થઈ જશે.

જાંબુઃ-

જાંબુની છાલ કાઢીને તેની લગભગ 50 ગ્રામ માત્રા 250 મિ.લી. પાણીમાં ઉકાળો. ઉકાળ્યા પછી ઠંડુ થઈ જાય ત્યારે તેનાથી કોગળા કરો. દાંતનો સડો અને મુખની દુર્ગંધ દૂર થઈ જશે. મુખના છાલામાં પણ તેનાથી તરત જ રાહત મળી જાય છે.

૫] ગુંદાઃ-

gundda

ગુંદાના પાકેલા ફળ 100 ગ્રામ લઈને એટલી જ માત્રામાં પાણીની સાથે ઉકાળી લો.  જ્યારે એકચોથાઈ ભાગ રહી જાય ત્યારે તેના કોગળા કરો. પછી તેને પી લો.  તેનાથી દાંતના પેઢાનો સોજો અને દાંતનું દર્દ અને મુખના છાલામાં આરામ મળી જાય છે.

૬] ફાલસા-

falsaa

લોહીની ખામી થાય ત્યારે ફાલતાના પાકેલા ફળ ખાવા જોઈએ. તેનીથી લોહી વધે છે. જો શરીરની ત્વચામાં બળતરા થઈ હોય તો ફાલસાના ફળ કે શરબતને સવાર-સાંજ લેવાથી ઝડપથી આરામ મળે છે. જો ચહેરા ઉપર ફોલ્લી થઈ હોય તો તેનો પાક નિકળી જાય છે. અને ફાલસાના ફળ અને પાનનો રસ પીસીને લગાવવાથી પરુ નિકળી જાય અને ફોલ્લીઓ સારી થઈ જાય છે.

૭] કેળાઃ-

bannana

પાકેલા તાજા કેળાને ખાવાથી શરીરમાં ગજબની ઊર્જાનો સંચાર થાય છે. એવું માનવામાં આવે છે કે કેળા ઉપર મીઠું છાટીને ખાવાથી વધુ ફાયદો થાય છે. તેનાથી પેટની તકલીફોમાં પણ આરામ મળે છે.

૮] ચેરી-

cherry

લાલ ચટાકેદાર દળવાળી ચેરીને જોઈને ફક્ત બાળકો નહીં, મોટેરાઓ પણ લલચાઈ જાય છે. મોટા ભાગના ડિઝર્ટમાં યુઝ થતા આ ફ્રૂટનો દેખાવ અને સ્વાદ બન્ને ખૂબ જ આકર્ષક છે એની સાથે-સાથે એની ન્યુટ્રિશનલ વૅલ્યુ પણ ઘણી વધારે છે. સો ગ્રામ ચેરીમાં ૬૦ કૅલરી અને ૨ ગ્રામ ફાઇબર મળે છે. ચેરીમાં ભરપૂર માત્રામાં પોટૅશિયમ મળે છે અને સોડિયમની માત્રા ઘણી ઓછી છે, જેથી હાર્ટ-રેટ કન્ટ્રોલમાં રહે છે. વૉટર રિટેન્શન થતું નથી અને સોજા આવતા હોય તો નીકળી જાય છે. વળી, એમાં એન્ટો સાથે નીન નામનું તત્વ હોય છે જેને કારણે ઇન્ફ્લેમેશન આવતું નથી અને કોઈ પણ પ્રકારનું પેઇન દૂર થાય છે. ચેરીના રેડ કલર માટે જવાબદાર મેલેટોનિન બ્રેઇન માટે ખૂબ જ સારું છે. મૂડ સ્વિંગ્સ કે હાઇપર મૂડને કન્ટ્રોલ કરવામાં એ મદદરૂપ છે. વળી, એમાં વિટામિન C અને ઍન્ટિ-ઑક્સિડન્ટ ભરપૂર માત્રામાં મળી રહે છે.

૯] પીચ …

peach

પીળા ચમકતા રંગના ઑરેન્જિસ લાલિમા ધરાવતાં ખરબચડી વેલ્વેટી સપાટી ધરાવતાં પીચ એ ચોમાસામાં મળતું એ ફ્રૂટ છે જેની સુગંધ એટલી સ્ટ્રૉન્ગ છે કે દૂરથી એને ઓળખી શકાય છે. પીચને હંમેશાં એકદમ પાકું થાય ત્યારે આખે-આખું ખાવું વધુ બેનિફિશ્યલ ગણાય છે. સો ગ્રામ પીચમાં ૫૦ કૅલરી હોય છે, જ્યારે બે ગ્રામ જેટલું ફાઇબર હોય છે. વિટામિન C ૧૫૦થી ૨૦૦ મિલીગ્રામ જેટલું હોવાથી એ સ્કિન માટે બેસ્ટ ગણાય છે. વળી એમાં વિટામિન E પણ બહોળા પ્રમાણમાં મળે છે. એમાં ફિનોલિફ ગ્રુપ્સ હોય છે, જે ખરાબ કૉલેસ્ટરોલને ઓછું કરવામાં મદદરૂપ છે, જેથી હાર્ટ પેશન્ટ માટે એ ઘણું ઉપયોગી છે. આ ઉપરાંત લો કૅલરી અને હાઇ ફાઇબરને કારણે ઓબેસિટી ધરાવનારા માટે ઉપયોગી કહી શકાય છે. આ ઉપરાંત એમાં સોડિયમની માત્રા ઓછી છે તેથી બ્લડપ્રેશર કે કિડની પેશન્ટ્સ માટે એ ઉપયોગી છે. એનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઘણું ઓછું છે એટલે કે એનું પાચન ધીરે ધીરે થાય છે તેથી ડાયાબિટીઝના પેશન્ટ પણ એને ખાઈ શકે છે. વળી, તેનાથી શરીરનું મેટાબોલિઝમ સુધરે છે.

વરસાદમાં સ્વાસ્થને તંદુરસ્ત રાખવા માટે મૌસમી ફલોના સંદર્ભમાં જાણકારી આપી રહ્યા છે ડો. દિપક આચાર્ય (ડાયરેક્ટર-અભુમકા હર્બલ પ્રા.લિ. અમદાવાદ)

સાભાર: સંદેશ, દિવ્ય ભાસ્કર ..

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

મોહમયી નગરી : દુબઈ …

મોહમયી નગરી: દુબઈ …

 

 

Dubai 1

 

 

યુ એ ઇ…યુનાટેડ અરબ એમિરાતનું પાટનગર ભલે અબુધાબી હોય, ક્રિકેટની દુનિયા ભલે શારજાહામાં વિકસી હોય કે વિસ્તરી હોય પરંતુ એમિરાતનું હાર્દ કહો કે હાર્ટ એવા દુબાઇમાં જ જાણે એમિરાતની અમિરાઇ સમાઇ ગઈ હોય એવી સોનાની નગરી, સપનાની નગરી, ઝગમઝ જાહોજલાલી ધરાવતી નગરી જોવા જાણવા માણવા અને મન ધરાઇ જાય તેમ છતાં ન ખુટે એવો શોપિંગનો ખજાનો લઈને બેઠેલી આ નગરીની એકવાર તો મુલાકાત લેવાનું કદાચ સૌ શોખીનોનું સપનું હશે જ. આ વાત માત્ર કહેવા પુરતી જ નથી દુબઇને “પર્લ ઓફ અરેબિયન ગલ્ફ” તરિકે ઓળખવામાં પણ આવે જ છે.

 

દુબઈને ભલે પર્લ ઓફ અરેબિયન ગલ્ફ કહેવામાં આવે પરંતુ મુળ તો સુકો રણ પ્રદેશ જ ને એટલે દુબઈ ફરવા માટેની ઉત્તમ સીઝન નવેમ્બર-ડિસેમ્બર થી લઈને વધુમાં વધુ ફેબ્રુઆરી-માર્ચ. પરંતુ વર્ષની શરૂઆતમાં “દુબઈ ફેસ્ટીવલ” યોજાતો હોવાથી દેશ-વિદેશના લોકોનો ધસારો આ સમયે વધુ રહે એ સ્વભાવિક જ હોય ને !  આ સમયે ગોલ્ડ ફેસ્ટીવલમાં ૫ કિ.મી લાંબી સોનાની ચેઇન બનાવવાનો રેકોર્ડ નોંધાયો છે.  સોનાના ભાવમાં ઝાઝો ફરક ન હોવા છતાં અહીંના સોનાની શુધ્ધતાને લીધે જ અહીં ખરીદી કરવાનું મન થાય એ સ્વભાવિક છે.

 

અમદાવાદથી લગભગ અઢી કલાકની સફર પુરી કરીને એમિરાતની ફ્લાઇટ દુબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થઈ ત્યારથી જ અદ્યતન દુબઇની ઝાંખી થવા માંડી હતી. અત્યંત વિશાળ અને તેમ છતાં અત્યંત વ્યવસ્થિત એરપોર્ટ પર દુનિયાભરની શ્રેષ્ઠ બ્રાન્ડ નેમ ધરાવતી ડ્યુટી ફ્રી શોપ્સ તરત એવી રીતે નજરે પડે કે કશું લેવું હોય કે ન હોય મન અને પગ એકવાર તો એ ભણી ખેંચાય જ. દુનિયાભરના સર્વોત્તમ ઍપ્લાયન્સીસ અને  ઍક્સેસરિસ, પરફ્યુમ્સ, ચોકલેટ્સ, સ્વોરોસ્કી થી માંડીને સુંદર આભુષણ ધરાવતી નાની અમસ્તી નગરી જ જોઇ લો.  એરપોર્ટ પર સ્મોક ઝોન પણ છે અને પ્રેયર રૂમ પણ. અદ્યતન આલિશાન એરપોર્ટ પર પગ મુકતાની સાથે જ બપોરની આઝાને અમને આવકાર્યા.

 

દુબઈ પ્રવાસ માટે સામાન્ય રીતે સૌના મનમાં એમ જ હોય કે અગાઉથી એના માટે વિઝા લેવો પડે અને ફરવા માટે પણ અગાઉ થી પ્લાનીંગ કરવુ જોઇએ પરંતુ સાવ એમ પણ નથી.   દુબઈ એરપોર્ટ પર ઉતરીને પણ એડવાન્સ પ્લાનીંગ વગર પણ દુબઈ ફરી શકાય છે, કારણકે દુબઈની આબાદીમાં ટુરીસ્ટનો પણ ફાળો મહત્વનો છે એટલે ટુરીસ્ટને સાચવાની અને ફરવાની સવલિયત એરપોર્ટ પરથી જ કરી આપવામાં આવે છે.  એરપોર્ટ પર ઉતરીને ઓન એરાઇવલ એક દિવસથી લઈને ચાર દિવસના વિઝાથી માંડીને હોટલ એકોમોડેશન અને દુબઈ ટુરની વ્યવસ્થા એરપોર્ટ પરથી જ થઇ જાય છે.  ચાર કલાકથી લઈને આઠ કલાકની હોપ એન્ડ હોપ લેવી હોય કે પ્રાઇવેટ ટેક્સી કરીને ફરવું હોય તો એની પણ વ્યવસ્થા એરપોર્ટ પરથી થઈ જાય છે.  ડેઝર્ટ સફારી લેવી છે નો પ્રોબ્લેમ .. તમારી અનુકૂળતા અને ઇચ્છા પ્રમાણે ફરવાની સગવડ અહીંથી જ થઈ જાય છે.

 

વિઝાથીં માંડીને જે ટુર અમારે લેવી હતી એની લગભગ કલાકની પ્રોસિજર પતાવીને બહાર નિકળ્યા ત્યારે અરેબિયન એડવેન્ચરની કાર અમારી રાહ જોતી તૈયાર જ હતી.  મઝાની વાત તો એ છે કે દુબઈમાં જેટલું અરેબિક ભાષાનું પ્રભુત્વ હશે એટલું જ હિન્દીનું વર્ચસ્વ છે.

 

પર્સિયન ગલ્ફના સાઉથ-ઇસ્ટ કિનારે વસેલા દુબઇની દક્ષિણે અબુ ધાબી અને ઉત્તર-પૂર્વિય દિશાએ શારજાહની બોર્ડર પસાર થાય છે.  ૮૦ થી ૧૦૦ કે ૧૨૦ કિ.મી.  ની સ્પીડે લેફ્ટ હેન્ડ ડ્રાઇવ કાર ચાલતી હોવા છતાં ક્યાંય એની સ્પીડ વર્તાય નહી એટલી સરળતાથી જાણે પાણીના રેલાની જેમ ટ્રાફિક વહે જતો હતો અને સાથે શૉફરની વાણી અસ્ખલિત વહે જતી હતી. જાણે ડ્રાઇવિંગની સાથે ગાઈડની જવાબદારી પણ એને સોંપાઇ હોય એમ રસ્તા પરથી પસાર થતા દરેક એરિયાની ઓળખ અને સમજ આપતા જતા હતા. ડેઇરાને ચાતરીને આગળ જતા એક તરફ શારજહા અને બીજી તરફ દુબઈનો રસ્તો જતો હતો.

 

શરૂઆત થઇ વિશ્વના સૌથી ઊંચા “બુર્જ ખલિફા”થી.  દુબઈના મુખ્ય બિઝનેસ ડિસ્ટ્રીક્ટ નજીકના શેખ ઝાયેદ રોડ પર આવેલી આ ઇમારતનું બાંધકામ ૨૧ સપ્ટેમ્બર ૨૦૦૪ માં શરૂ થયુ અને ૪ જાન્યુઆરી ૨૦૧૦માં એને સત્તાવાર રીતે ખુલ્લી મુકવામાં આવી.  ૮૨૮ મીટર અને ૨૦૦ માળ ધરાવતા આ ટાવરમાં ૫૭ જેટલા એલિવેટર (લિફ્ટ) છે. આશરે કલાકની ૪૨.૩ કિ.મી ઝડપે ઉપર જતા એલિવેટરમાં જાણે પલક ઝપકે ને ક્યાંથી ક્યાં પહોંચી ગયાની અનુભૂતિ થાય.  બુર્જ ખલિફાની મુલાકાત સાંજના સમયે લેવામાં આવે તો ઢળતી સાંજની આથમતી રોશની વચ્ચે ધીમેધીમે ઝળહળ થઇને રોશન થતા દુબઇનો નઝારો જોવાનો બેવડો મોકો મળે. “At the top” ની આ ઍલિવેટર શરૂ થતાની આજુબાજુ મુકેલા સ્ક્રીન પર આ ઇમારતનો ઇતિહાસ દર્શાવાવામાં આવે છે. આશરે ૪૫ સેકન્ડમાં ૧૨૪મા માળની ઑબ્ઝવેટરી ડેક પર પહોંચી જવાનો રોમાંચ કેવો હોઇ શકે? કલ્પના કરી જુવો………

 

બુર્જ ખલિફા જોઇને આગળ વધીને મરીના ડ્રાઇવ તરફ આગળ વધ્યા.  વચ્ચે વચ્ચે આવતા અવનવી ડિઝાઇનના બિલ્ડીંગ પણ એટલા જ રસપ્રદ લાગ્યા.  એક આખા સ્કેવર બિલ્ડીંગને તૈયાર કર્યા પછી જાણે મરોડીને ગોળ ઘાટ આપવાનો પ્રયત્ન કર્યો હોય એવી ડીઝાઇન જોઇને બિલ્ડીંગ કન્સ્ટ્રકશન ટેક્નોલૉજીને સલામ કરવાનું મન થઈ ગયું.

 

મરીના ડ્રાઇવ વોક જોઇને જાણે લંડનના કેનરી વૉફની યાદ આવી ગઈ.  જો કે એને કેનેરી વૉફની અતિ મીની આવૃત્તિ જ કહેવાય.  આજુબાજુ રેસ્ટોરન્ટ અને વચ્ચે ફેરી લઈને સમય પસાર કરી શકાય એવા આ મરીના ડ્રાઇવની આસપાસના બિલ્ડીંગ પણ એકબીજાની હરિફાઇમાં ઉતર્યા હોય એવા ગગનચુંબી જ હતા.

 

 

burj

 

 

આવું જ એક ટોર્ચ જેવો દેખાવ ધરાવતા બહુમાળી બિલ્ડીંગ પર નજર ગઈ.  સ્વભાવિક જાણવાની ઉત્સુકતા તો થવાની જ.  દુનિયાનું સૌથી વધુ ઊંચાઇ ધરાવતા આ રેસિડેન્શિયલ ટાવરનું નામ પણ “ધ ટોર્ચ” જ છે. કહે છે કે આધુનિકતાનો પાસ ચઢાવેલા ૮૬ માળ ધરાવતા આ  બિલ્ડીંગના અપાર્ટમેન્ટ્સની ડીઝાઇન એવી રીતે કરવામાં આવી છે જ્યાં મોકળાશ, મસ્તી અને મનમાં કલ્પી હોય એવી તમામ માનસિક શારીરિક સુવિધાનો સમન્વય સર્જાયો છે.

 

એરપોર્ટથી લગભગ ૩૦ મિનિટના ડ્રાઇવે પસાર થતા આવે મદિના જુમૈરાહ રિઝોર્ટ.  દુબઈનો ૫ સ્ટાર લક્ઝુરિયસ રિસોર્ટ.  ટ્રેડિશનલ અરેબિયન ટાઉનને મળતી આવતી બાંધણી ધરાવતો આ રિઝોર્ટ એમિરાતનો સૌથી મોટો રિઝોર્ટ ગણાય છે. અલ કેસર અને મીના એ ”સલામ નામના બે બુટીક, ૨૯ સમર હાઉસ અને ૪૦ જેટલી રેસ્ટોરન્ટ અને બાર ધરાવતા આ રિઝોર્ટ થી આગળ વધો એટલે નજરે પડે વાઇલ્ડ વડી વોટર પાર્ક.

 

દુબઈનો આ આઉટ ડોર વાઇલ્ડ વડી વોટર પાર્ક જુમૈરાહ ઇન્ટરનેશનલ દ્વારા સંચાલિત છે. ગરમ-ઠંડા પાણીના આ પુલમાં મલ્ટિપલ વોટર સ્લાઇડ્સની મઝા માણી શકાય છે.

 

કાર જેમ જેમ આગળ વધતી જાય એમ એમ અજાયબીઓની વણઝાર પણ વધતી જાય. અચાનક કોઇ સરસ મઝા હરિયાળીની બિછાત પાછળની વિશાળ જગ્યા તરફ આંગળી ચીંધતા ડ્રાઇવર બોલે, “આ કિંગ નો પેલેસ” કદાચ ન બોલે અને નજર પડે તોય અમસ્તી મનની કલ્પનામાં કિંગનો પેલેસ ઝબકી તો જાય ય જ.

 

ટ્રેડ સેન્ટર બિલ્ડીંગ, એમિરાત ટાવર, જેડ બ્લુ મેરિયેટ હોટેલ, બુર્જ અલ અરેબિક ટાવર .. કેટ કેટલા નામ ગણાવવા ? ઉચ્ચતાની કહો કે શ્રેષ્ઠતા સાબિત કરવાની  હોડમાં ઉતર્યા હોય એવા એકમેકથી ચઢિયાતા નામ અને બિલ્ડીંગ જ જાણે દુબઈની શાન બની રહ્યા છે અને દુબઈ એમાં દર બે-ચાર વર્ષે અવનવા આકર્ષણ ઉમેરતું જ જાય છે.

 

૩૯ માળ ધરાવતા, ૧૪૯ મીટર ઉંચા દુબઈ ટ્રેડ સેન્ટરમાં મોટા ભાગે  કમર્શિયલ ઓફીસો જ છે. ફેડરલ એક્સ્પ્રેસ, જનરલ મોટર્સ, જ્હોન્સન એન્ડ જ્હોન્સન, માસ્ટર કાર્ડ ઇન્ટરનેશનલ, સોનીની ઓફીસ……કેટલા નામ ગણાવવા ?

 

પામ જુમૈરાહ…

 

ઓમાનના અખાત પર પામવૃક્ષના આકારમાં સર્જેલો આ ટાપુ તો જાણે શ્રેષ્ઠ માનવ સર્જન કહી શકાય. દરિયાને પુરીને વિકસાવેલો આ ટાપુ એટલે કે પામ જુમૈરાહની તસ્વીરો તો સૌએ જોઇ જ હશે.  ઝાડનું થડ અને એની બંને બાજુ આઠ શાખાઓને એવી અર્ધ ચંદ્રાકારમાં બિછાવી છે જાણે લીલુછમ પામ ટ્રી જ જોઇ લો.  આ માનવ સર્જીત ટાપુ પર હોટેલ્સ, રેસિડન્સ, રિસોર્ટાને વિલા છે.  પામ જુમૈરાહ ૧૪૦૦ જેટલા વિલા અને ૨૫૦૦થી વધુ એપાર્ટમેન્ટ ધરાવે છે અને કહેવાય છે કે અહીંના દરેક નિવાસને પોતાનો પ્રાઇવેટ બીચ મળે છે. આ ટાપુના એક અંતિમથી બીજા અંતિમ સુધી પહોંચવા માટે મોનોરેઇલની સુવિધા ઉપલબ્ધ છે જે ટ્રેન વિશ્વ વિખ્યાત “આટલાંટીસ હોટલ” સુધી જાય છે.

 

આ આટલાંટીસ એટલે પામ જુમૈરાહનું એક આગવું આકર્ષણ …

 

આ એક એવું નામ કે જ્યાં નામ દેતાની સાથે જ એક ભવ્યાતિભવ્ય ઇમારતની કલ્પના તરત જ મનમાં ઝબકી જાય. પામ જુમૈરાહની અણી પર આવેલા આ એટ્લાંટિસની સરખામણી સહેજે બહામાઝના એટ્લાંટિસ સાથે થઈ જ જાય કારણકે લગભગ એવી જ સામ્યતા ધરાવતા આ એટ્લાંટિસને પણ આધુનિકતાનો એવો જ પાસ ચઢાવવામાં આવ્યો છે.  ફરક એટલો હતો કે બહામાઝ ના એટલાંટિસમાં કેસિનો જોયો હતો એ અહીં જોવામાં ન આવ્યો.  વિશાળ કદના રૂમ જેવી સાઇઝ ધરાવતું એક્વેરિયમ,૧૨ જેટલી વોટર સ્લાઇડ ધરાવતો વોટર પાર્ક, ડોલ્ફીન બે, સ્પા- ફિટનેસ સેન્ટર, મીટિંગ રૂમ, કોન્ફરન્સ હોલ, ૨૦ જેટલી રેસ્ટોરન્ટ્સ વચ્ચે  સરસ મઝાના ડેકોરેટીવ પેસેજ ….

 

આટલું આકર્ષણ ઓછું હોય એમ  પસાર થતા વર્ષને અલવિદા કહેવા અને નવા વર્ષને આવકારવા ૩૧ ડીસેમ્બરની મધરાતે અને પહેલી જાન્યુઆરીના આગમન સમયે પામ જુમૈરાહ, આટલાંટીસ, બુર્જ ખલિફા, બુર્જ અલ અરબ ખાતે અદ્ભભૂત આતશબાજી યોજીને વધુ ને વધુ પ્રવાસીઓ ને આકર્ષિત કરવામાં આવે છે.

 

નામ તો એક ઓળખ માટે જ છે.  એવું માનનારા લોકોની માન્યતા બદલાઇ જાય એવી શાનો-શૌકત ધરાવતા બુર્જ અલ અરબ ટાવરના નામથી આજે કોણ અજાણ હશે ?  દુનિયામાં ઊચાઇની દ્રષ્ટીએ ત્રીજુ સ્થાન ધરાવતી સેવન સ્ટાર લક્ઝરી હોટલ જુમૈરાહના માનવ સર્જીત આઇલેન્ડ પર એની બુલંદીની આલબેલ સમી ઉભી છે.  દુરથી જોઇએ તો જહાજના વિશાળ સઢ જેવો એનો આકાર છે. કલ્પનાતિત ચાર્જા લેતી આ હોટલમાં એના ક્લાયંટ્સ માટે જાણે દુનિયાભરના એશો-આરામ ઉભા કરવામાં આવ્યા છે.

 

એરપોર્ટથી નિકળીને દુબઈના આ તમામ સુપ્રસિધ્ધ સ્થળોની મુલાકાત લેવાની શરૂ થાય ત્યારે સૌથી પહેલા તો આવતો હતો દુબઈ મોલ.  પરંતુ દિવસ કરતાં રાત્રે વધુ રસપ્રદ હોવાથી આ દુબઈ મોલની મુલાકાત લીધી પ્રવાસના અંતિમ ચરણે.  દુબઈ મૉલના મુખ્ય પ્રવેશ દ્વારની આસપાસ અને આગળ વધતા રસ્તા સુધી સળંગ પામ ટ્રીને રોશનીથી સુશોભિત કરવામાં આવ્યા છે જેનાથી આ મૉલનો બાહ્ય દેખાવ પણ ઝગમગ અને ઝળહળ..

 

મૉલ હવે કોઇ નવી-નવાઇની વાત તો રહી નથી.  અદ્યતન અને બ્રાન્ડેડ નામ ધરાવતા શો રૂમ જ્યાં એક જ સ્થળેથી મળી રહે એવું વિચારીએ એટલે નજર અને કલ્પના સામે ભવ્ય મૉલની આપોઆપ ઇમેજ ઉભી થાય તો પછી આ દુબઈ મૉલમાં નવું શું છે ?

 

આમ જોવા જાવ તો કંઇ જ નહીં અને તેમ છતાં અપાર અને અઢળક આઇટમો ધરાવતો આ મૉલ જગતનો સૌથી મોટો મૉલ છે.  ફરતા થાકી જવાય અને તેમ છતાં કશુંક તો બાકી રહી જાય એવા આ મૉલમાં ૧૨૦૦ જેટલી શોપ્સ છે.   દુનિયાની સૌથી મોટી કેન્ડી શોપ પણ આ મૉલમાં જોવા મળી.

 

દુનિયાનું સૌથી મોટું સોની બજાર પણ આ મૉલમાં છે.  જર-ઝવેરાતનો ખજાનો હોય એવા આ શો રૂમ્સ જ કદાચ અહીંનું સૌથી મોટું આકર્ષણ છે બાકી બીજા એવા અનેક બ્રાન્ડેડ નામ છે જે દુનિયાના બીજા મૉલમાં પણ મળી જાય.  લગભગ ૨૫૦ રૂમ ધરાવતી લક્ઝરી હોટલ, ૧૨૦ રેસ્ટોરન્ટ અને કોફી શોપ્સ,૨૨ સિનેમા સ્ક્રીન હોવા એ પણ કદાચ સમજી શકાય એવી વાત છે પરંતુ અહીંના એક્વેરિયમ અને ડિસ્કવરી સેન્ટરે દુબઈ મૉલને અનોખી ઓળખ આપી છે.  કહે છે કે આ એક્વેરિયમ અને ડિસ્કવરી સેન્ટરની મૉલના ઉદઘાટનના પ્રથમ પાંચ દિવસમાં જ લગભગ ૬૦,૦૦૦ ટિકીટ વેચાવાનો રેકોર્ડ ધરાવે છે.

 

દુબઇ મૉલનું એક્વેરિયમ અને હજારોની સંખ્યામાં રહેલા જળચર પ્રાણીથી ભરેલું અન્ડર વોટર ઝૂ જ જાણે મુલાકાતીઓને અહીં ખેંચી લાવે છે.  ૧૦ મિલિયન લિટર પાણીથી ભરેલા આ એક્વેરિયમ અને ૩૩,૦૦૦ જેટલા દરિયાઇ જીવોની તાકાતને ખમી શકે એવા ૭૫૦ એમ.એમ. થીકનેસ ધરાવતી એક્રેલિક દિવાલ હોવા છતાં એની પારદર્શકતા એવી છે કે મુલાકાતીઓને એકદમ ક્લિયર વ્યુ મળે છે.

 

એક્વેરિયમની બાજુમાં જ એને લગતા પેકેજ મુકેલા છે. અન્ડર વૉટર ઝૂ, બોટીંગ કે સ્નોર્કલિંગ કરવું હોય તો એ પ્રમાણે પેકજ લઈ શકાય છે.

 

આ ઉપરાંત દુબઈ મૉલની આઇસ રિંક પણ સહુને આકર્ષે છે.  રણ વચ્ચે વસેલા દુબઈમાં આઇસ રિંક ? યસ, ૧.૫ ઇંચની ઘટ્ટતા ધરાવતી આ આઇસ રિંક રેફ્રિજરેશન પ્લાન્ટ ટેક્નોલૉજીની દેન છે.  ૨,૦૦૦ જેટલી વ્યક્તિઓને સમાવી શકે એવી આ આઇસ રિંક્ને ઑલમ્પિક સાઇઝની આઇસ રિંક જ કહી શકાય ને ?   અહીં કશું  નાનુ છે જ નહી.  દરેક વાતમાં “સૌથી મોટુ” એ જ અહીંની સાચી ઓળખ છે.

 

અહીં  જાણે સૌથી મોટાથી ઓછું કશું ખપતું જ નથી  “દુનિયાનો સૌથી મોટું” નામ ધરાવતા મૉલની અંદર ફરી લો ત્યાં બહાર પણ તમારા માટે “દુનિયાનો સૌથી મોટો” દુબઈ ફાઉન્ટન શૉ શરૂ થવાની તૈયારીમાં જ હોય. દર અડધા કલાકે શરૂ થતો આ મ્યુઝીકલ ફાઉન્ટન શો ઊંચાઇની દ્રષ્ટીએ ૧૫૦ મીટરની ઊંચાઇને આંબે ત્યારે ૬,૦૦૦ જેટલી પાવરફુલ લાઇટ્સ અને ૫૦ જેટલા કલર એને ઉજ્જ્વલિત કરતા હોય એ જોવા તો નાના ભુલકાથી માંડીને વયસ્ક લોકો પણ થંભી જતા હોય છે.

ખજૂર અહીંની મુખ્ય પેદાશ છે એટલે એરપોર્ટની માંડીને મૉલમાં પણ એની અનેક વિવિધતા જોવા મળી. ખજૂર ઉપરાંત બકલાવા નામથી ઓળખાતી સાઉદીની મિઠાઇ પણ માણવા જેવી ખરી. નેચરલ મિઠાશમાં મધનો ઉપયોગ કરીને બનાવેલ બકલાવા તો વાહ વાહ !

 

દુબઈમાં ફરવા માટે હોપ એન્ડ હોપ, પ્રાઇવેટ ટેક્સી અને મેટ્રો ટ્રેનની સગવડ છે ઇન્ટરનેનલ ડ્રાઇવિંગ લાઇસન્સ હોય અને લેફ્ટ હેન્ડ ડ્રાઇવની ફાવટ હોય તો સેલ્ફ ડ્રીવન કાર પણ કરી શકાય. લાંબુ રોકાણ હોય તો બસ , ટ્રેન ના અલગ અલગ અને સંયુક્ત વન-ડે , સેવન ડે પાસ પણ કઢાવી શકાય.

 

દુબઈમાં દિરહામનું ચલણ છે. એક દિરહામ એટલે ભારતિય ૧૬ રૂપિયા. (બજારભાવ મુજબ)

 

સાઉદી અરેબિયા રૂઢીચુસ્ત દેશ છે. જદ્દાહ રિયાધ કે બીજા શહેરોમાં સ્રીઓ માટે અબાયો (બુરખો) ફરજીયાત હશે પરંતુ અહીં દુબઈમાં પુરૂષોને એમના પરંપરાગત આખુ શરીર ઢંકાય એવા સફેદ ઝભ્ભામાં જોયા પરંતુ અહીંના સ્થાયી સ્ત્રીઓને એવા કોઇ અબાયા ( બુરખા)માં જોઇ નહીં.  દુનિયાભરના લોકો અહીં પ્રવાસે આવતા હોવાથી અદ્યતન ફેશનના લિબાસમાં રૂપકડી લલનાઓને જોઇ ત્યારે તો સાચે એમ લાગ્યું કે દુબઈને ભૌતિક રીતે જ માત્ર અદ્યતન કહેવા કરતા વિચારો કે પરંપરાથી પણ અદ્યતન કહી શકાય.

 

 

jumeirah-emirates-towers-exterior-image-hero

 

 

http://navgujaratsamay.indiatimes.com/navgujarat-samay-supplementaries-gujarati-columnist/femina-in-gujarati/Dubai-is-the-heart-of-UAE/articleshow/46559096.cms

Rajul KaushikRajul Kaushik

Co Author For Gujarati Novels: at Self

Current
  1. GUJARAT NEWSLINE- Indo-Canadian Gujarati Community Newspaper,
  2. Aadarsh Amdavad,
  3. Self
Previous
  1. Divyabhaskar Daily New Paper
Education
  1. St. Xavier’s College

 

– રાજુલ કૌશિક

બ્લોગ લીંક :  https://rajul54.wordpress.com
 

 

મિત્રો આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર  પુન:પ્રસિદ્ધ કરવાની તક આપવા  બદલ અમો લેખિકા સુશ્રી રાજુલ કૌશિક  નાં અંતરપૂર્વક્થી આભારી છીએ.   તેમનો પોતાનો પણ એક બ્લોગ ‘રાજુલનું મનોજગત’ નામે છે, જેની લીંક ઉપર દર્શાવેલ છે.  તેમના બ્લોગની મુલાકાત આપ જરૂરથી લઇ આપના પ્રતિભાવ જરૂર ત્યાં મૂકશો.    

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

જાણો સ્વાસ્થ્યવર્ધક મસાલાના ફાયદાઓ …

જાણો સ્વાસ્થ્યવર્ધક મસાલાના ફાયદાઓ …

સ્વાસ્થ્ય – શ્રીલેખા યાજ્ઞિક

 

 

spices

 

 

ભારતના રસોડામાં રસોઇ બનાવતી વખતે વાપરવામાં આવતા મસાલા અને એ રસોઇ જમતી વખતે પ્રત્યેક વ્યક્તિના સ્વાદ અનુસાર જમનાર પોતાની થાળીમાં પીરસેલી વસ્તુમાં ઉપરથી નાખે તે (કોન્ડીમેન્ટ્સ)નો ઉલ્લેખ આપણા પુરાણા શાસ્ત્ર વેદમાં છે.  આ મસાલાનો ઉપયોગ ફક્ત રસોઇમાં જ નહીં પણ ધાર્મિક વિધિમાં (લગ્ન-જનોઇ-મૃત્યુ વગેરે), તાંત્રિક વિધિમાં પણ થાય છે.  એક સમય એવો હતો કે અમુક મસાલા કિમતી રત્નોના બદલામાં આપવામાં આવતા હતા.  જુદા જુદા મસાલા મૂળ વનસ્પતિનાં ફૂલ, પાન, મૂળ, છાલ, બીમાંથી મેળવાય છે.  કોઇવાર એકલા અને કોઇવાર બે કે ત્રણના મિશ્રણમાંથી બનાવવામાં આવે છે અને રસોઇ બનાવવામાં વપરાય છે.  આ બધા મિશ્રણથી રસોઇનો સ્વાદ ગળ્યો, તીખો, તૂરો, ખાટો, સુગંધીદાર થાય છે.  આ મસાલા કઇ રસોઇમાં ક્યારે કેવી રીતે, કયા મિશ્રણમાં વાપરવા તે રસોઇ બનાવનારની રાંધવાની કળા પર આધાર રાખે છે.  કોઇવાર વનસ્પતિનાં પાન કે બી મૂળ સ્વરૃપમાં વાપરવામાં આવે છે જ્યારે કોઇ વખત રસોઇમાં નાખતી વખતે તેને ખાંડીને કે ભૂકો બનાવી વપરાય છે.  આજે આ બધા જ પ્રકારના મસાલાની અસરથી માનવીના કયા અને કેટલા રોગો મટી જાય છે તેની વાત કરીશું.

 

ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે વિવિધ મસાલાનો ઉપયોગ આપણે કરતા જ હોઈએ છીએ. દરેક મસાલામાં કોઈ ને કોઈ ઔષધિય ગુણ રહેલો હોય છે.

સામાન્ય રોગોમાં તેનો ઉપયોગ શરીરને સ્વસ્થ રાખે છે.  યાદ કરો બાળપણમાં જ્યારે બીમારી આવતી તો કુટુંબમાં બીમારીને સૌ પ્રથમ દાદી-નાની મસાલાનો જરા હટકે ઉપયોગ કરીને રોગ દૂર કરતા. મસાલાની બીજી વિશેષતા એટલે તેની કોઈ આડઅસર હોતી નથી.

 

આખા ધાણા:   ધાણામાં એન્ટિ-ઓક્સિડન્ટ સમાયેલું છે. ૧૦૦ ગ્રામ પીસેલા ધાણામાં ૩૫ ટકા વિટામિન સી સમાયેલું હોય છે.   ક્યારેક વાસી ખોરાક કે પાણી જન્ય રોગો જેવા કે કોલેરા, ટાઈફોઈડ, ઝાડા કે ખોરાકી ઝેરની અસર લાંબા ગાળા સુધી હોય ત્યારે ધાણાનો પાઉડર-દળેલી ખાંડ સાથે લેવાથી દર્દમાં રાહત થાય છે.  વિટામિનની સાથે ધાણામાં આયર્ન છુપાયેલું છે.  જે સ્ત્રીઓને આયર્નની ઉણપ વર્તાતી હોય, શરીરમાં લોહી ઓછું હોય ત્યારે પણ ખોરાકમાં સૂકા અને લીલા ધાણાનો ઉપયોગ વધુ કરવો જોઈએ. વારંવાર ચામડી લાલ થઈ જવી, ખસ, ખરજવું કે ચામડીના બીજા રોગોમાં પણ ધાણા આરોગ્યવર્ધક ગણાય છે.

 

ધાણામાં આર્યન, કોપર, કેલ્શિયમ, પોટેશિયમ, ઝીંક અને મેગ્નેશિયમ ભરપૂર પ્રમાણમાં રહેલું છે. કોપર(તાંબું) લોહીમાં લાલ રક્તકણોને વધારે છે. ઉનાળામાં નાકમાંથી નીકળતું લોહી બંધ કરવા માટે પણ લીલા ધાણાનો રસ સૂંઘવાથી કે પાનનો રસ કપાળ ઉપર લગાવવો અસરકારક મનાય છે.

 

૨]  હીંગ:  સ્વાદમાં કડવી તીક્ષ્ણ વાસ ધરાવતી પાચનકારી અને હૃદય માટે હિતકારી ગણાય છે. કફને દૂર કરવાવાળી, પેટના દર્દોમાં, ગેસની તકલીફ કે કૃમિનો નાશ કરવાવાળી મનાય છે.  હીંગનો ઉપયોગ તેનો પાઉડર બનાવીને શેકીને કરવો હિતાવહ છે.   હીંગ, લીંબુનો રસ તથા મરીના ભૂકાને સમાન માત્રામાં લઈને નાની ગોળી બનાવવી.  વધુ પડતો ભારી ખોરાક ખવાઈ ગયો હોય ત્યારે આ ગોળીનો ઉપયોગ કરવાથી રાહત રહે છે.  પેટના દર્દો જેવા કે ગેસ થવો, પેટ ફૂલી જવું, પેટમાં દુખાવો થયો હોય ત્યારે નાભીની આજુબાજુ હીંગની પેસ્ટ બનાવી લગાવવાથી આરામ મળે છે.  ૧ લિટર પાણીમાં ૧ નાની ચમચી હીંગ ભેળવીને પાણી ઉકાળવું.  ઠંડું થયા બાદ દાતના દુખાવામાં હીંગના પાણીના કોગળા કરવા.  દાતમાં સડો થયો હોય ત્યારે તે જગ્યા ઉપર હીંગ ભરીને રાખવાથી દાતમાં ભરાયેલ જંતુઓ નાશ પામે છે. અસહ્ય દુખાવામાં થોડી રાહત મળે છે.

 

૩]  લવિંગ:  લવિંગને વાટીને ૨૦૦ ગ્રામ પાણીમાં ભેળવીને તે પાણી પીવાથી છાતીમાં થતી બળતરા દૂર થાય છે.  લવિંગ અને હરડેને સપ્રમાણ માત્રામાં લઈને તેમાં સિંધવ મીઠું સ્વાદ પ્રમાણે ભેળવવું. ગેસ કે અપચામાં આ ચૂર્ણનો ઉપયોગ કરવાથી રાહત મળે છે.  લવિંગને ચૂસવાથી શર્દીને કારણે થયેલી ગળાની તકલીફ મટી જાય છે.  મોઢામાંથી આવતી દુર્ગંધ દૂર થઈ જાય છે.  લવિંગને શેકીને તેની પેસ્ટ બનાવવી.  માથું દુખતું હોય ત્યારે તેનો ઉપયોગ કરવાથી રાહત મળે છે.

 

૪]  વરિયાળી:  વરિયાળીને બરાબર સાફ કરીને શેકી લેવી. તેમાં સ્વાદ પ્રમાણે સિંધવ અને લીંબુનો રસ ભેળવીને તડકામાં સૂકવવી કાચની બોટલમાં ભરી લેવી ભોજન બાદ તેનો ઉપયોગ કરવાથી પાચન સરળતાથી થાય છે.  મોંની દુર્ગંધ દૂર કરે છે.  કબજિયાતની તકલીફ હોય તેણે રાત્રે સૂતા પહેલાં હૂંફાળા પાણીમાં વરિયાળીનું ચૂર્ણ લેવું.  ગળું પકડાઈ ગયું હોય કે ખીચ ખીચ થતું હોય ત્યારે નરણાં કોઠે વરિયાળી ચાવીને ખાવાથી બંધ ગળું ખૂલી જાય છે.  લોહીની શુદ્ધિ માટે કે ત્વચા રોગમાં વરિયાળીનું સેવન લાભકારક છે.  સવાર-સાંજ ૧૦ ગ્રામ મોળી વરિયાળી ચાવી-ચાવીને ખાવી. નિયમિત ખાવાથી લોહી શુદ્ધ થાય છે.  ત્વચા ચમકીલી બને છે.

 

૫]  કાળા મરી:  અડધો ચમચો મરીનો ભૂકો અને અડધો ચમચો મધ લઈને બરાબર ભેળવવું.  દિવસમાં ૩-૪ વખત ચાટવાથી સૂકી ખાંસીમાં ફાયદો થાય છે.  પેટમાં ગેસની તકલીફમાં એક ગ્લાસ પાણીમાં અડધા લીંબુનો રસ, અડધી ચમચી મરીનો ભૂકો, ચપટી સંચળ ભેળવેલ પાણીનો ઉપયોગ દસ દિવસ નિયમિત કરવાથી રાહત મળે છે.  ૫૦ ગ્રામ આદુંની કતરણમાં અડધો ચમચો મરીનો ભૂકો, ચપટી સિંધવ અને લીંબુનો રસ ભેળવીને લેવાથી પાચન ક્રિયા સરળ બને છે.  મરીનો ભૂકો અને મધને સપ્રમાણ માત્રામાં ચાટી જવું.  ઉપર મોળી છાસ પીવી.  નિયમિત આ પ્રયોગ કરવાથી મરડામાં રાહત મળે છે.

 

૬]  ઈલાયચી :  દાડમના શરબતમાં ઈલાયચીનો ભૂકો ભેળવીને પીવાથી ઊલટીમાં રાહત મળે છે. આંબળાના ચૂર્ણમાં સમાન માત્રામાં એલચીનો ભૂકો ભેળવીને સવાર-સાંજ લેવાથી પેશાબમાં થતી બળતરા, હાથ-પગમાં થતી બળતરા દૂર થાય છે.  વધુ પડતું ભોજન ખાઈ લીધું હોય ત્યારે એલચીને ચાવી જવાથી આફરો બેસી જાય છે.

 

૭]  તમાલપત્ર : તમાલપત્ર સુગંધીદાર પાંદડા છે જે કરીયાણાવાળા રાખે છે.  સુકાએલા પાંદડા કઢીમાં, ભાતમાં, બિરીઆની અને પુરાવામાં સુગંધીદાર બનાવવા વપરાય છે.

 

હેલ્થ બેનીફીટ્સ :  આ પાંદડામાં એન્ટીઓક્સીડંટ (શરીરમાંથી ટોક્સીક પદાર્થો (ફ્રીરેડીકલ) નાશ કરનારા પદાર્થ) ખૂબ પ્રમાણમાં છે જેને લીધે પેટનાં (હોજરી અને આંતરડાના) ચાંદાં (અલ્સર) અને દુખાવા માટે, બેકટેરીઆ અને ફન્ગલ ઈન્ફેકશન માટે ઉપયોગ થાય છે.  તેમાં વિટામિન સી છે, કેલ્શ્યમ, મેંગેનીઝ છે.  આયર્ન, સેલેનીઅમ અને મેંગેનીઝ છે, બ્લડ પ્રેશર અને ડાયાબીટીસમાં ફાયદો કરે છે.

૮]  લાલ મરચું :  મોળા મરચાથી તીખા મરચા, રંગબેરંગી ધોલર (કેપ્સીકમ) મરચા ઘણા પ્રકારના મરચાં મળે છે.  જેમ મરચું નાનું તેમ તેની તીખાશ વધારે.  મરચાના છોડના ફળને સૂકવીને તેને (ફળની છાલ અને બીને) ખાંડીને મરચુ (મસાલો) રસોડામાં વપરાય છે.  કેપટીકા ઘેરા લીલારંગના મરચા વધારે તીખા હોય છે.  મરચામાં મૂળ તત્ત્વ ‘કેપ્સીસીઅન’ છે જેના કારણે મરચું અને મરચા નાખેલી વાનગીઓ તીખી લાગે છે.  દરેક વ્યક્તિએ પોતાના ખોરાકમાં મરચાનો સમાવેશ કરવો જોઇએ કારણ કે જેઓના વજન વધારે છે અને બી.પી. છે. 

તેમણે જમવાની સાથે મરચા (લીલા) અથવા તો મરચાનો પાવડર લેવો જોઇએ.

 

હેલ્થ બેનીફીટ્સ : ૧] વ્યક્તિનું વજન પ્રમાણમાં રહે છે.  ૨] તેનું બી.પી. કંટ્રોલ થાય છે.  ૩] મરચામાં ખૂબ પ્રમાણમાં બીટા કેરોટીન (પ્રો. વિટામિન એ) છે જેનાથી આંખની જોવાની શક્તિ મોટી ઉમર સુધી ઓછી થતી નથી. ૪] મરચાથી ડાયાબીટીસ કાબુમાં આવે છે.  ૫] લોહીનું પરિભ્રમણ વધે છે. લોહી પાતળું થાય છે તેથી સ્ટ્રોકનો ડર રહેતો નથી.  ૬] શરીરમાં કોઇ ઠેકાણે સોજો આવતો અટકાવે છે. ૭] દુખાવો ઓછો કરે છે.  ૮] માનસિક શક્તિ (વિચારશક્તિ) વધે છે. ૯] કેપસીસીઅન સ્નાયુને અને મગજને રીલેક્ષ કરે છે. ૧૦] બેકટેરીઅલ ઈન્ફેકશનનો નાશ કરે છે. ૧૧] પ્રોસ્ટેટ કેન્સર થતું અટકાવે છે. ૧૨] હોજરીમાં થનારા કેન્સર અટકાવે છે. ૧૩] મરચા પ્રમાણસર લેવાથી શરીરમાં ચરબી ઓછા થાય છે. ૧૪] લોહીના ક્લોટ થતા અટકાવે છે.

 

૯]  હિંગ : ગુજરાતી દરેક ખોરાકમાં હિંગ વપરાય છે.  તેની તીવ્ર વાસથી તે ઓળખાય છે. પાર્સલે ફેમીલીના ‘એપીસીઆ’ નામના છોડના મૂળના રસમાંથી બને છે.  આ રસ ચીકણો થઇ ચોટી ના જાય માટે હિંગનો પાવડર (એસોફેરીડા) બનાવતી વખતે સૂકવેલા રસમાં ચોખાનો લોટ અને ગુંદર નાખવામાં આવે છે.  શાકમાં, દાળમાં અને નોન વેજીટેરીઅન વાનગીઓમાં હિંગ નાખવામાં આવે છે જેથી રસોઇ સરસ થાય છે અને સ્વાદ સુગંધીને કારણે ભૂખ ઊઘડે છે.

 

હેલ્થ બેનીફીટ્સ :  હિંગના પાવડરને પાણી-છાસમાં એક ચપટી નાખીને પીવાથી ૧] પાચનશક્તિ વધે છે. ૨] આફરો નથી આવતો. ૩] સ્ત્રીઓમાં માસિક ધરમના પ્રોબ્લેમ- માસિક નિયમિત ના આવવું, માસિક વખતે દુખાવો થવો જતો રહે છે. ૪]ઉધરસ અને શરદી તરત મટી જાય છે. ૫] તાજેતરમાં થએલા પરીક્ષણ પ્રમાણે સ્ત્રીપુરુષોના ગુપ્તરોગો (એસ.ટી.ડી.)માં હિંગના ઉપયોગથી આરામ મળે છે. એની તીવ્ર વાસને કારણે એક ચપટીથી વધારે પ્રમાણમાં લેવાથી ઉબકા-ઉલટી થાય છે. ગળામાં બળતરા થાય છે. હોઠ સૂઝી જાય છે. સતત ઓડકાર આવે છે. ગર્ભવતી સ્ત્રીઓમાં કસુવાવડ થઇ જાય છે.

 

૧૦]  કોથમીર (ધાણા) :  કોથમીરના પાન ખટાશ પડતા ગળ્યા છે. સુગંધ મીઠી છે. લગ્નના રસોડાની દરેક વાનગીમાં કોથમીર નાખવામાં આવે છે (શાકદાળ), જેનાથી સુગંધ અને સ્વાદ વધે છે.

 

હેલ્થ બેનીફીટસ :  ૧] પાચનશક્તિ વધારે છે. ૨] વાયરલ ફીવર સામે રક્ષણ આપે છે. ૩] શરીરમાં સોજો થતો અટકાવે છે. ૪] સાંધાના દુખાવામાં આરામ આપે છે. ૫] પેશાબના ચેપ અને સોજામાં તેનો રસ આરામ આપે છે. ૬] પેટમાં થએલા ગેસમાં રાહત આપે છે. ૭] ઉબકા અને ઉલટી થતા અટકાવે છે. ૮] લોહીમાં સાકરનું પ્રમાણ ઘટાડે છે. ૯] ખોરાકમાં રેસાની જરૃર કબજીયાત મટાડવા જોઇએ તે કોથમીરમાં છે. ૧૦] લોહતત્વ છે જેથી એનીમીઆ ઘટે છે. ૧૧] મેગનેશ્યમ છે. ૧૨] ફાયરોન્યુટ્રીઅન્ટ અને ફ્લેવેનોઇડઝ છે જેથી કેન્સર સામે રક્ષણ મળે છે.

 

૧૧]  ઈલાયચી :  મોંમાં ઈલાયચીના દાણા ચાવવાથી આખું મોં સુગંધથી ભરાઇ જાય છે. મસાલામાં સૌથી મોંઘી ઈલાયચી ગણાય છે. તેનો ઉપયોગ પુલાવ, કરી, ગ્રેવી, આઈસ્ક્રિમ, શ્રીખંડ, દુધમાં થાય છે. કસ્ટર્ડ, ચાના, કોફીના મસાલામાં, પાનમાં વપરાય છે, મોટી ઈલાયચી રસોઇમાં ભાત-બિરીયાનીમાં વપરાય છે. નાની ઈલાયચીનો ભૂકો દૂધ વગેરેમાં વપરાય છે.

 

હેલ્થ બેનીફીટ્સ : ૧] એલચીમાં એન્ટી ઓક્સીડંટ રૃપે ઘણા કેમીકલ કમ્પાઉન્ડ છે, જેનાથી સામાન્ય તાવ, ચેપ, શ્વાસના (ફેફસાં) રોગો સામે રક્ષણ આપે છે. ૨] તેમાંથી તરત ઉડી જાય તેવા ૧૮થી ૨૦ જેટલાં તેલ છે જેનો ઉપયોગ ચેપી રોગને માટે, પેટના દુખાવા માટે, પાચન માટે, વધારે પેશાબ લાવવા, ભૂખ વધારે લાવવા જ્યારે તેને રોજ ખોરાકમાં લો ત્યારે થાય છે. તેમાં પોટાશ્યમ, કેલ્શ્યમ, મેગ્નેશ્યમ તેમજ વિટામિન સી, નાયસીન ટીબોફ્લેવીન વગેરે છે જે શરીર માટે ખૂબ ઉપયોગી છે.

 

૧૨]   હળદર :  આદુના જેવા છોડ ‘કરકુમા લોન્ગા’ ના મૂળમાંથી સૂકવીને કાઢેલા પાવડરને હળદર કહે છે. રંગે ઘેરો પીળો, સુગંધી હળદર રસોડાના મસાલામાં મીઠું, મરચું પછી ત્રીજા નંબરે આવે છે. ખોરાકની દરેક વાનગીમાં જરૃરી છે. આંખને ગમે તેવો રંગ-રૃપ અને સ્વાદ છે. વધારે લો તો સ્વાદ કડવો બને છે.

 

હેલ્થ બેનીફીટ્સ :  તાજેતરમાં જેને ‘નેચરલ વંડર’ તરીકે નામ આપવામાં આવ્યું છે તે હળદર ખોરાકમાં સૈકાઓથી વપરાય છે. આરોગ્ય માટેના અનેક ગુણોમાંના થોડા ગુણો ૧] ઉધરસ માટે અકસીર ૨] યાદશક્તિ જતી રહેતી હોય તેને અટકાવવાનો ગુણ ૩] સોજા અને ચેપ માટે અકસીર ૪] કોબીના શાક સાથે મેળવીને ‘પ્રોસ્ટેટ કેન્સર’ અટકાવી શકાય. ૫] ચામડી પર લેપ કરવાથી ચામડીના કેન્સર તેમજ ચામડીના રોગો સામે રક્ષણ મળે. ૬] લીવરના રોગો થતા અટકે છે. ૭] નાનાં બાળકોમાં લોહીના કેન્સર (લ્યુકોમીઆ) થતા અટકાવે છે. ૮] દુખાવામાં રાહત આપે છે. ૯] શરીરમાંથી ચરબી દૂર કરવાનો ગુણ છે. ૧૦] ચાઇનીઝ મેડિસીનમાં ડીપ્રેસનમાં આપવામાં આવે છે. ૧૧] સોરાએસીસ (ચામડીના રોગ)માં રાહત આપે છે. ૧૨] ચામડીને સુવાળી, ચમકીલી રાખવા વપરાય છે. ૧૩] ૨૫૦-૫૦૦ મી.ગ્રામની કેપસ્યુલમાં બજારમાં મળે છે. રોજ એક કેપસ્યુલ સવારે અને સાંજે (૨૫૦ મી.ગ્રામ) લેવી જોઇએ. હળદરમાં ‘કરક્યુમીના’ નામનો પાવરફૂલ એન્ટીઓક્સીડંટ છે.  જેનાથીઆટલા બધા ફાયદા થાય છે.

૧૨- અ ]   હળદર:  લીલી હળદરને સૂકવીને તેનો પાઉડર બનાવવામાં આવે છે. સ્વાસ્થ્ય વર્ધક હળદરનો ઉપયોગ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.  કોલેસ્ટ્રોલની માત્રામાં સુધારો કરે છે. યોગ્ય માત્રામાં ઉપયોગ વૃદ્ધત્વને આવતું રોકે છે.

 

વિવિધ રોગમાં હળદરનો ઉપયોગ ફાયદાકારક છે.  નિયમિત હળદરની ચા પીવાથી અકારણ હૃદયરોગ આવતો નથી.  ચાર કપ પાણીમાં ૧ ચમચી હળદર પાઉડર નાખવો.  પાણીને પાંચ મિનિટ ઉકાળીને ગાળી લેવું.  સ્વાદ માટે મધ ભેળવીને પીવું.  મૂઢ માર વાગ્યો હોય ત્યારે હળદરમાં ચપટી મીઠું અને લીંબુનો રસ ભેળવીને લેપ બનાવવો.  આ લેપનો ઉપયોગ કરવાથી દુખાવામાં રાહત રહે છે.

 

ઉધરસ કે કફમાં હળદરનો ઉપયોગ વિવિધ રીતે કરી શકાય છે.  હળદર અને થોડું ઘી ભેળવીને દૂધ પીવું કે હળદર પાઉડરને મધ સાથે ભેળવીને દિવસમાં બે-ત્રણ વખત ચાટવાથી રાહત રહે છે.  ચામડી કાળી પડી ગઈ હોય કે શુષ્ક  બની ગઈ હોય ત્યારે હળદરનો લેપ લગાવવાથી ત્વચા ચમકીલી બની જાય છે. ભારતમાં તો હળદરનો ઉપયોગ ભોજનમાં થતો હોય છે. પનીરને તાજું રાખવું હોય તો હળદર ભેળવવાથી પનીર તાજું રહે છે.

 

૧૩]   જીરૃ (ક્યુમીન) :  સ્વાદમાં કડવું છે પણ તીખાશ નથી.  મીઠું-મરચું-હળદર પછી ચોથો નંબર જીરાનો છે.  એકલું અથવા ધાણા સાથે મિક્સ કરી ધાણાજીરા તરીકે વપરાય છે.  શેકીને રસોઇમાં વપરાય છે.  ભાતને સુગંધીદાર બનાવવા વપરાય છે અને આ ડીશને ‘જીરારાઈસ’ કહે છે.

 

હેલ્થ બેનીફીટ્સ :  ૧] હજારો વર્ષથી પેટના રોગો માટે આયુર્વેદિક મેડીસીનમાં વપરાય છે. ૨] પાચનક્રિયા માટે, આંતરડા અને હોજરીના સોજા માટે ઉપયોગી છે. ઉબકા, ઉલટી, આફરો, અપચો માટે અકસીર છે. તેમાં આયર્ન છે જેનાથી એનીમીઆ મટે છે.  ૩] કેન્સર (અમુક પ્રકારના) સામે રક્ષણ આપે છે. ૪] શરદી ઉધરસમાં રાહત આપે છે. ૫] ગુમડા ઉપર પોટીસ બાંધવાથી આરામ થાય છે.

 

૧૪]   તજ (સીનમમ – દાલચિની) :  સીનેમમ ફેમીલીના ઝાડની છાલ એટલે બજારમાં મળતી તજના ટુકડા. પાતળી છાલની તજ સારી ગણાય. સ્વાદમાં તીખી અને ગળી ખૂબ ગમે તેવી સુગંધ એનાથી જ્ઞાનતંતુ શાંત થાય છે. ચા અને ગરમ કોફીમાં, કેક બનાવવા, ફ્રૂટ પાઇ, કરીઝ બનાવવા વપરાય છે.

 

હેલ્થ બેનીફીટ્સ :  ૧] મોટેભાગે મધ સાથે તજનો ભુકો કોલેસ્ટ્રોલ ઓછું કરવા. ૨] ઢીંચણના વામાં. ૩] મૂત્રાશયના રોગોમાં.  ૪] શરદી ઉધરસ. ૫] પેટના પ્રોબ્લેમ (ગેસ, દુખાવો, અપચો, આફરો)માં ઉપયોગમાં આવે છે. ૬] મોંની દુર્ગંધ. ૭] ખીલ. ૮] ઈમ્યુનીટી વધારવા. ૯] હાર્ટ ડીસીઝમાં આપવામાં આવે છે. ૧૦] તજના તેલમાં ફન્ગસ અને બેકટેરીઅલ ઈન્ફેકશન મટાડવાનો ગુણ છે.

 

૧૫]   લવીંગ :  હજારો વર્ષથી લવીંગ રસોડામાં મરી મસાલામાં તજની માફક વપરાય છે. લવીંગના ઝાડના સુકવેલા ફૂલ એટલે લવીંગ. મોંની દુર્ગંધ મટાડવા અને દાંતના દુખાવા માટેનો ઉપયોગ જગજાહેર છે.

 

હેલ્થ બેનીફીટ્સ :  ૧] લવીંગના તેલને ‘યુજેનોલ’ કહે છે તેની સાથે ‘ટ્રીટી ઓઇલ’નું મિશ્રણ કરી ‘ફન્ગલ ઈન્ફેકશન’માં અસરકારક કામ કરે છે. એન્ટીફન્ગલ દવાઓ કરતાં ફન્ગલ ડીસીઝ માટે વપરાય છે કારણ તેની સાઇડ ઈફેક્ટ નથી. ૨] એનેસ્થેટીક તરીકે ‘યુજેનોલ’ વપરાય છે.  ૩] સોજા માટે.  ૪] ચેપ માટે.  ૫] દાંતના દુખાવા માટે ખાસ વપરાય છે.  ૬] ડાયાબીટીસના દર્દીઓ માટે પેન્ક્રીઆસમાંથી વધારે ઈન્સ્યુલીન નીકળે અને ડાયાબીટીસ કાબુમાં આવે માટે તમાલપત્ર, તજ, લવીંગ, હળદર દરેકના ૫૦૦ મી.ગ્રામ અને સાથે ધાણા અને જીરૃનું મિશ્રણ કરી તેની ચા દિવસમાં બે વાર પીવાથી ત્રણ માસમાં ડાયાબીટીસ કાબુમાં આવી જાય છે. લવીંગનું તેલ મચ્છર ભગાડવા અને જાતીય શક્તિ વધારવા વપરાય છે.

૧૬]   મેથી :  ફેન્ગરૃક અથવા મેથીના બી મેથીની ભાજીનાં બી છે.  સુકા બી પીળા રંગના સ્વાદમાં કડવા હોય છે.  રસોડામાં વપરાતા મસાલામાં મેથી અને રાઇ અગત્યના ગણાય છે. મેથીની ભાજી શાક તરીકે વપરાય છે.

 

હેલ્થ બેનીફીટ્સ :  ૧] પાચન ક્રિયામાં મદદ કરે છે. ૨] માથાના વાળ ઓછા થયા હોય તો મેથીના બીને પાણીમાં ઉકાળી નાળીયેરના તેલમાં પલાળી બીજે દિવસે જ્યાં વાળ ના હોય ત્યાં માથામાં આ મેથી + નાળીયેરના તેલને લગાડવાથી વાળ ઉગશે.

 

૧૭]   રાઇ (મસ્ટાર્ડ) :  બ્રાઉન રંગના રાઇના બી મોટેભાગે વપરાય છે.  પણ કાળા રાઇના દાણામાં વધારે તેલ હોય છે જેને મસ્ટાર્ડ ઓઇલ (રાઇનું તેલ) કહે છે.  લગભગ બધા જ પ્રકારની દાળ તુવેર-મગ વગેરેમાં રાઇ મેથીનો વઘાર ચોક્કસ હોય છે.  અથાણા પેસ્ટ્રીમાં વપરાય છે.  રાઇના તેલને સરસવના તેલમાં ૪૦/૬૦ના પ્રમાણમાં ભેગા કરી ‘કેનોલા ઓઇલ’ બનાવાય છે.

 

હેલ્થ બીનીફીટ્સ :  રાઇના તેલના અનેક ગુણ છે જેવા કે ભૂખ લગાડે, બેકટેરીઆ ફન્ગસનો નાશ કરે. ઝીણી જીવાતો – માખી – મચ્છર – કિડી માટે રીપેલન્ટ તરીકે વપરાય. સાંધાના દુખાવામાં વપરાય. ખાસ કરીને બંગાળમાં અને બાંગલાદેશમાં બહુ વપરાય છે.

૧૮]   મરી (કાળી મીર્ચ) :  કાળા અને લીલા મરી પણ રસોડાના મસાલામાં અગત્યનો ભાગ ભજવે છે. સ્વાદમાં સફેદ લીલા મરી વધારે તીખા હોય છે. કાળા મરીનો ભુકો રસોઇની વાનગીઓમાં વપરાય છે. મરીના ઝાડનું ફળ ગણાય છે.

 

હેલ્થ બેનીફીટ્સ :  ૧] મરી ભૂખ લગાડે. ૨] પેટના રોગો મટાડે. ૩] મોંમાંથી લાળ વધારે નીકળે એટલે ખોરાકનું પાચન સારું થાય. ૪] મીઠા સાથે મરીનો ભૂકો દાંતમાં કેવીટી ના પડે માટે. ૫] મોંની દુર્ગંધ માટે. ૬]  અવાળામાંથી લોહી નીકળતું હોય તે માટે એક ગ્લાસ. ૭] છાસ સાથે પા ચમચી મરીનો પાવડર લેવાથી પાચનશક્તિ સુધરે છે. ૮] દાંત દુખતા હોય તો તેમાં રાહત આપે છે.

 

આમ મસાલાના વિવિધ ઉપયોગ થકી સ્વાસ્થ્ય મેળવી શકાય છે. દરેક વ્યક્તિની પ્રકૃતિ એક સમાન હોતી નથી. દરેકે પોતાની પ્રકૃતિને અનુરૂપ મસાલાનો ઉપયોગ પ્રમાણભાન રાખીને કરવો હિતાવહ છે. વધુ પડતો ઉપયોગ સ્વાસ્થ્યને હાનિ પહોંચાડી શકે છે.

સ્વાદને છોડીને સ્વાસ્થ્ય માટે પણ મસાલાનો ઉપયોગ રોજબરોજ કરવો જરૂરી છે.

 

 

સૌજન્ય : ફિટનેસ – મુકુંદ મહેતા

 

સાભાર: સંદેશ, દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર …તેમજ અન્ય ….

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

પરિસ્થિતિથી ભાગશો તો ક્યાંય નહીં પહોંચો ! …

પરિસ્થિતિથી ભાગશો તો ક્યાંય નહીં પહોંચો ! …

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

 

 

 

 

ચિનગારિયોં કો શોલા બનાને સે ક્યા મિલા, 
તૂફાન સો રહા થા, જગાને સે ક્યા મિલા,
તુમને ભી કુછ દિયા હૈ જમાને કો સોચના, 
શિકવા તો કર રહે હો જમાને સે ક્યા મિલા.
-મંઝર ભોપાલી

 

 

દરેક માણસમાં એક ‘ભાગેડું’ જીવતો હોય છે. દરેક વખતે એ ભાગી જવા, છોડી દેવા અને બળવો કરવા પ્રેરતો રહે છે. આપણી અંદરનો એ ભાગેડું આપણને ફરિયાદ કરતો રહે છે. શું મતલબ છે આ બધાનો ? કોઈને તારી કદર ક્યાં છે ?  ક્યાં સુધી તારે આ સ્થિતિમાં જ પડયું રહેવું છે ?  અહીંથી બહાર નીકળ ! તારાં સપનાં આટલાં નાનાં હોઈ ન શકે !  તારો જન્મ તો કોઈ મોટા, મહાન અને યાદગાર કામ માટે થયો છે. માણસને પોતાની વર્તમાન પરિસ્થિતિ સામે ઓલવેઝ ફરિયાદો રહેવાની જ છે.

 

ઓફિસમાં ર્વિંકગ એટમોસ્ફિયર નથી.  ઘરમાં શાંતિ મળે એવું વાતાવરણ નથી.  શહેર રહેવા જેવું લાગતું નથી.  સમાજની માનસિકતા સહન થતી નથી. મિત્રો સ્વાર્થનાં જ સગાં છે. સગાંસંબંધીઓ વાંક જ કાઢે છે. સાથે કામ કરતાં લોકો ટાંટિયા ખેંચમાં જ પડયા રહે છે.  પત્ની સાથે વેવલેન્થ મળતી નથી. બાળકો સમજતાં નથી.  મા-બાપને ઢગલાબંધ અપેક્ષાઓ છે.  માણસ તો દેશને પણ છોડતો નથી. આવો તે કંઈ દેશ હોય? એકેય સિસ્ટમ સરખી કામ કરતી નથી.  રસ્તા કેવા ભંગાર છે ?  રસ્તા સારા છે ત્યાં ટ્રાફિકનો પ્રોબ્લેમ છે.  હા, આ બધું જ છે. જે છે એ કાયમ રહેવાનું પણ છે.

 

માણસ પરિસ્થિતિથી ભાગી જાય છે.  નવી જગ્યાએ પહોંચે પછી એને ત્યાં પ્રોબ્લેમ દેખાવા માંડે છે. એક યુવાનની આ વાત છે. સારા એજ્યુકેશન પછી એણે જોબ શરૂ કરી.  એને સેલરી પૂરતી લાગતી ન હતી. આ દેશમાં આવડતની કોઈ કિંમત જ નથી.  વિદેશમાં નોકરી શોધવા લાગ્યો.  અમેરિકામાં જોબ મળી ગઈ.  ખૂબ સારો પગાર હતો.  એક વર્ષ પછી પાછો આવ્યો.  મિત્રએ તેને પૂછયું કેવું છે યુએસએમાં? તેણે ફરિયાદોનો મારો શરૂ કર્યો.  પગાર તો સારો છે પણ બીજું ત્યાં કંઈ નથી.  લાઇફ જેવું જ લાગતું નથી. કામનું પ્રેશર બહુ રહે છે.  ફેમિલી લાઇફ જ નથી.  વેધર પણ વિચિત્ર છે.  ઇન્ટિમસી જેવું પણ તમને ફીલ ન થાય.  મિત્ર હસવા લાગ્યો. તેણે કહ્યું કે તું અહીં હતો ત્યારે તને અહીંની ફરિયાદો હતી. હવે તું ત્યાં છો એટલે ત્યાંની ફરિયાદ છે.  તો પછી તારામાં ફરક શું પડયો?  તને કેમ કોઈ સ્થિતિથી સંતોષ નથી? તારો પ્રોબ્લેમ એ છે કે તારે બધું તને અનુકૂળ હોય એવું જ જોઈએ છે અને તું લખી રાખજે એવું તો તને ક્યાંય નથી મળવાનું ! તને તો સ્વર્ગમાં મોકલી આપવામાં આવે તોપણ તું ત્યાંથી વાંધા શોધી કાઢે !

 

સુખી અને ખુશી રહેવા માટે એ જરૂરી છે કે આપણે પરિસ્થિતિને અનુકૂળ થઈએ. હા, આપણાથી જેટલું બને એટલું કરીને પરિસ્થિતિને આપણી અનુકૂળ કરવાનો પ્રયાસ કરીએ એ વાજબી છે, પણ કોઈ પરિસ્થિતિ હન્ડ્રેડ પર્સન્ટ તો આપણી અનુકૂળ થવાની જ નથી.  એરકન્ડિશનર લગાવીને તમે તમારો રૂમ કૂલ કરી શકો, પણ બહારનું વાતાવરણ બદલી ન શકો.  જેને વાંધા કાઢવા હોય એને મળી જ આવે છે.  કેટલી બધી ગરમી છે ?  ચામડી બળી જાય છે !  અરે પણ તું તો આખો દિવસ એસીમાં રહે છે.  ઘરે એસી છે.  ઓફિસમાં પણ એસી છે.  કારમાં પણ એસી છે.  તને ક્યાં કંઈ પ્રોબ્લેમ છે.  એક મજૂર માણસને પૂછયું કે આ ગરમીમાં કામ કરવું અઘરું પડે છેને ?  તેણે કહ્યું, માત્ર ગરમીમાં ?  કામ કરવું તો ઠંડીમાં પણ અઘરું પડે છે અને વરસાદમાં પણ આકરું પડે છે.  ગરમીનો વિચાર આવે ત્યારે હું એવું વિચારું છું કે, તું ગરમી દૂર કરી શકવાનો છે ?  નથી કરી શકવાનો તો પછી એ ગરમીને અનુકૂળ થઈ જા. હું સવારે ઠંડક હોય ત્યારે કામ કરું છું.  બપોરે ઝાડ નીચે સૂઈ જાઉં છું.  સાંજે ફરીથી કામે ચડું છું. ચાલી જાય છે, વાંધો નથી આવતો.  મને ગરમી સાથે કોઈ ફરિયાદ નથી !  આપણે ક્યારેય એવું વિચારીએ છીએ કે આપણી પાસે કેટલું બધું છે ?  ના, કેટલું નથી એના જ વિચાર આવે છે.  માત્ર બેડરૂમમાં એસી છે, હોલમાં એસી હોતને તો ટીવી જોવાની મજા આવત !  સુખ ગરીબ કે અમીર નથી હોતું, આનંદ સસ્તો કે મોંઘો નથી હોતો, લાઇફ ઇઝી કે હાર્ડ નથી હોતી, આપણે જેવા હોઈએ અને આપણે આપણને જેવા માનીએ એવું જ બધું હોય છે. જે છે એ છે, તમે તેને એન્જોય કરી શકો છો ?  તો તમે સુખી છો.

 

જિંદગી માટે સુંદર સપનાં હોવાં જોઈએ.  સાથોસાથ સપનાંની સમજ પણ હોવી જોઈએ.  આંધળુંકિયાં કરવાથી સપનાં પૂરાં થઈ જવાનાં નથી.  સપનાંને પણ પાકવા દેવાં પડતાં હોય છે.  કોઈ ફૂલ રાતોરાત ઊગી જતું નથી.  કોઈ ફળ તરત જ પાકી જતું નથી.  બધું જ મહેનત માગી લે છે.  આપણે ઉતાવળા થઈ જતાં હોઈએ છીએ.  તમે અત્યારે જે કામ કરો છો એનાથી ખુશ છો ?  મોટાભાગના લોકોને નોકરી બદલવી છે.  સારો ચાન્સ અને ગળે ઊતરે એવો ગ્રોથ હોય ત્યારે માણસ નોકરી બદલે એ વાજબી છે, પણ બધાને તો અત્યારની પરિસ્થિતિથી છૂટવું છે.  એક માણસે ચાર નોકરી બદલી હતી. તેને કારણો પૂછયાં તો ખબર પડી કે એકમાં ટાઇમિંગના પ્રોબ્લેમ હતા, બીજી નોકરીમાં સાથી કર્મચારીઓ વાયડા હતા, ત્રીજી કંપનીની એચઆર પોલીસી બરાબર ન હતી અને અત્યારે કામનું વધુ પ્રેશર છે.  એ યુવાનને પૂછયું કે હવે પાંચમી જગ્યાએ જઈશ ત્યાં કંઈ પ્રોબ્લેમ નહીં હોય એવું તું માને છે ?  જો આવું માનતો હોય તો એ ભૂલ છે.  ત્યાં વળી પાંચમી જાતનો પ્રોબ્લેમ હશે. પ્રોબ્લેમ કામમાં કે કંપનીમાં હોતો નથી, પ્રોબ્લેમ મોટાભાગે આપણામાં જ હોય છે. એક કંપનીમાં અસંખ્ય લોકો કામ કરતાં હોય છે, તેમાંથી કેમ અમુકને જ પ્રોબ્લેમ હોય છે ?  કારણ કે એ મોટાભાગે પ્રોબ્લેમ જ શોધતા હોય છે !

 

સંબંધોમાં પણ માણસ ઘણી વખત આવું જ કરતો હોય છે.  એક યુવાનની વાત છે.  તેણે લવમેરેજ કર્યા હતા.  મેરેજ બાદ થોડા જ સમયમાં તેને પત્ની સાથે વાંધા પડવા લાગ્યા.  કોઈ હિસાબે એ પત્ની સાથે અનુકૂળ જ થઈ શકતો ન હતો.  આખરે બંનેએ ડિવોર્સ લઈ લીધા.  એ યુવાન પછી એક છોકરી સાથે લીવ-ઇનમાં રહેવા લાગ્યો.  થોડો સમય બધું બરાબર ચાલ્યું.  આખરે એની સાથે પણ વાંધા પડવા લાગ્યા.  આના કરતાં તો મારી પહેલી વાઇફ સારી હતી, એવું વિચારી એ ફરીથી તેની પાસે ગયો. એણે હજુ મેરેજ કર્યા ન હતા. યુવાને તેને કહ્યું કે ચાલ આપણે પાછા સાથે રહેવા માંડીએ.  એ છોકરીએ કહ્યું કે, ના. તને થોડા સમયમાં મારી સાથે પણ મજા નહીં આવે. તું અત્યારે જેની સાથે લીવ-ઇનમાં રહે છે એને હું ઓળખું છું.  એ છોકરી સારી છે.  એનામાં કોઈ પ્રોબ્લેમ નથી.  પ્રોબ્લેમ તારામાં છે.  તું પ્રેમથી રહી જ ક્યાં શકે છે ?  તને ફરિયાદો જ હોય છે.  વધુ ફાંફાં મારવા કરતાં અત્યારે જેની સાથે રહે છે એને પ્રેમ કર.  બાકી ત્રીજી શોધીશ તોપણ તને પ્રોબ્લેમ જ થવાના છે. થોડોક તો તું તને ઓળખવાનો પ્રયાસ કર !

 

પરિસ્થિતિ, સંજોગો, વાતાવરણ અને નસીબ એ બધાં ભાગવાનાં બહાનાં હોય છે.  આ બધાંથી ભાગીને તમે ક્યાંય પહોંચવાના નથી. માણસે સૌથી પહેલાં તો પોતાના સુધી પહોંચવાનું હોય છે.  જે ક્યાંય અનુકૂળ થઈ શકતો નથી અને કોઈને અનુકૂળ થઈ શકતો નથી એ પોતાની જાત સાથે ક્યારેય અનુકૂળ રહી શકવાનો જ નથી !

 

 

છેલ્લો સીન : 
પરિસ્થિતિ, સંજોગો, નસીબ, તકદીર જેવા શબ્દોનો ઉપયોગ ઘણી વાર આપણે આપણી જ જાતને છેતરવા માટે કરતાં હોઈએ છીએ.

 

 

સૌજન્ય : (‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 24 મે, 2015. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)

 

 

સાભાર : કૃષ્ણકાંત ઉનડકટ

 

 

સાભાર: સંદેશ દૈનિક

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli