THANK YOU CANCER (રેડ રોઝ) …

THANK YOU CANCER (રેડ રોઝ) …

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

 

 

કેન્સરની બીમારીએ જેમને લેખક બનાવી દીધા ..

 

કેન્સરનું નામ સાંભળતાં જ લોકો ડરી જાય છે, પરંતુ વિશ્વમાં કેટલીક એવી વ્યક્તિઓ પણ છે કે જેમણે કેન્સર પર વિજય મેળવીને જિંદગીને નવા જ આયામ બક્ષ્યા છે. કેન્સરમાંથી ઉગરી ગયા બાદ જિંદગીને વધુ સુંદર બનાવી છે. આવું એક નામ છેઃ ફરીદા રિઝવાન. બેંગલુરુમાં રહેતાં ફરીદા રિઝવાનને બ્રેસ્ટ કેન્સર હતું. તેઓ કહે છેઃ “મારી કેમોથેરપી ચાલતી હતી ત્યારે મને લાગતું હતું કે હું મરી જ જઈશ, પરંતુ મને મૃત્યુનો ડર નહોતો. મને દુઃખ એ વાતનું હતું કે, મેં મારી જિંદગીમાં કંઈ જ અર્થપૂર્ણ કાર્ય ન કર્યું. પણ હવે હું કેન્સરના રોગમાંથી બહાર આવી ગઈ છું ત્યારે હવે માત્ર ગૃહિણી જ બની રહેવા માંગતી નથી. હું માત્ર એક મા જ બની રહેવા માંગતી નથી. હું એથી વધુ કંઈક કરવા માંગું છું.”

 

ફરીદા રિઝવાનને બ્રેસ્ટ કેન્સરના રોગમાંથી મુક્તિ મળ્યે હવે તો દસ વર્ષ થઈ ગયાં છે. એ દરમિયાન તેમણે બે કામ કર્યાં. એક તો તેમણે સાઇકોથેરાપીનો અભ્યાસ કર્યો અને કેન્સરની બીમારી દરમિયાન તેમણે જે સંવેદનાઓ અનુભવી તે બધી બ્લોગ પર લખી. ફરીદા રિઝવાન કહે છેઃ “હું જર્નલ કીપર છું. મારી એક સખીએ મને કહ્યું કે મને જે અનુભવો થયા તે મારે બ્લોગ પર લખવા જોઈએ. એ પછી મેં લખવાનું શરૂ કર્યું. હવે એ જ બ્લોગ પુસ્તક રૂપે અવતરિત થઈ રહ્યો છે.”

 

એ પુસ્તકનું નામ છેઃ ‘walking down the lane.’ આ પુસ્તક કેન્સરથી પીડાતા દરદીઓને માર્ગદર્શન અને હૂંફ પૂરાં પાડનારું સાબિત થશે એમ મનાય છે. ક્રિકેટર યુવરાજસિંહ કે જે ખુદ કેન્સરની બીમારીમાંથી મુક્ત થઈ બહાર આવ્યો છે તેણે પણ ‘The test of my life’ નામનું પુસ્તક લખ્યું છે. બોલિવૂડની એક્ટ્રેસ મનીષા કોઈરાલા અને લીસા રે પણ કેન્સર સામે લડત આપીને બહાર આવ્યાં છે અને તેઓ પણ પુસ્તક લખી રહ્યાં છે.

 

છેલ્લાં બે વર્ષ દરમિયાન ‘હે હાઉસ ઇન્ડિયા’ નામના પબ્લિશર દ્વારા એકમાત્ર કેન્સર પર જ સાત પુસ્તકો પ્રગટ થયાં છે. તેમાંથી ચાર લેખકો ભારતીય છે. આ પુસ્તકોના પ્રકાશક સંજય રોય ચૌધરી કહે છેઃ “આ પ્રકારનાં પુસ્તકોની માંગ વધી રહી છે. કેન્સરના રોગ પ્રત્યે લોકોમાં જાગૃતિ વધી છે. કેન્સર જેવા ખતરનાક રોગ સામે સંઘર્ષ કરી તેના પર વિજય મેળવનાર વ્યક્તિઓના જીવનની સત્યકહાણીઓ હવે લોકપ્રિય થઈ રહી છે. ખાસ કરીને ભારતનાં શહેરોમાં તેનો વાચકવર્ગ વધ્યો છે.”

 

વિશ્વ આરોગ્ય સંસ્થાના અંદાજ મુજબ ૨૦૨૦માં ભારતના પ્રત્યેક પરિવારમાં ઓછામાં ઓછી એક વ્યક્તિને કેન્સર હશે. ભારતમાં કેન્સરના દર્દીઓમાં અસાધારણ વધારો જોવા મળે છે. એ કારણે દરદીઓ અને તેમનાં સગાંસંબંધીઓ કેન્સરની બીમારી, તેની સારવાર અને તેની સામે લડવાની નૈતિક તાકાત અંગે વધુ ને વધુ જાણવા માંગે છે. ચેન્નાઈ બ્રેસ્ટ કેન્સર સેન્ટરનાં ડાયરેક્ટર અને ઓન્કોપ્લાસ્ટિક બ્રેસ્ટ સર્જ્યન ડો.સેલ્વી રાધાક્રિષ્નને પણ ‘All about breast cancer’ નામનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમાં બ્રેસ્ટ કેન્સરના વિવિધ તબક્કા અને તેના નિદાન પર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે.

 

મુંબઈમાં રહેતી મેઘા બજાજની માતાને ૨૦૦૫માં બ્રેસ્ટ કેન્સરનું નિદાન થયું ત્યારે મુંબઈસ્થિત મેઘા બજાજે આ બીમારી અંગે વિગતો મેળવવા કોશિશ કરી હતી. તેમને કેટલાંક મેડિકલ જર્નલ્સમાંથી છૂટીછવાઈ માહિતી મળી હતી જે માત્ર ડોક્ટરો જ સમજી શકે તેવી ભાષામાં હતી. તેમાં સામાન્ય માનવીને સમજ પડે તેવી વાત જ નહોતી. એ પછી મેઘા બજાજે ખૂબ મહેનત કરીને કેન્સર પર સંશોધન કર્યું અને સામાન્ય માનવીને સમજણ પડે તેવી ભાષામાં એક પુસ્તક લખ્યું: ‘Thank you, cancer’. ૨૦૦૯માં આ પુસ્તક પ્રગટ થયું. આ પુસ્તકમાં ભારતની એવી ૧૦ સ્ત્રીઓની સાચુકલી કથાઓ છે જેમને કેન્સર હતું અને ભારે સંઘર્ષ બાદ તેઓ હવે કેન્સરની બીમારીમાંથી મુક્ત થઈ બહાર આવી છે. એટલું જ નહીં પરંતુ કેન્સરમાંથી બહાર આવ્યા બાદ તે મહિલાઓ વધુ સશક્ત બની છે. એ પુસ્તકના બાકીના અડધા ભાગમાં નિષ્ણાતો દ્વારા કેન્સરના દરદીઓને અપાતી કોમ્પ્લિમેન્ટરી થેરાપી જેવી કે, લાફટર થેરાપી અને ધ્યાનની વાતો પણ વણી લેવામાં આવી છે. લેખિકા કહે છે કે “મુશ્કેલ સમયમાં લોકોને આવાં પુસ્તકો જ સહારો અને હિંમત આપે છે. કેન્સરથી પીડાતા દરદીઓ જ્યારે આવાં પુસ્તકો વાંચે છે ત્યારે તેમને લાગે છે કે તેમના જેવી તકલીફો વેઠવામાં તેઓ એકલાં નથી, બીજા પણ છે.” આ પુસ્તકનો મરાઠી અને ગુજરાતીમાં અનુવાદ પ્રગટ થઈ ચૂક્યો છે.

 

કેટલીક વાર પુસ્તકો માત્ર વાચકો માટે જ હોતાં નથી. એ પુસ્તકો લેખક માટે પણ થેરાપેટિક હોય છે. લેખકોના દિમાગમાં વર્ષોથી સંઘરાયેલી સ્મૃતિઓ અને આવેગો પુસ્તકમાં ઢાળવામાં આવે છે ત્યારે લેખકને પણ સંતૃપ્તિની અનુભૂતિ થતી હોય છે. વિજય ભટ્ટ નામના એક વિજ્ઞાાપન વ્યાવસાયિકને દસકા પહેલાં કોલોન કેન્સર હતું. તેમણે પણ ‘My cancer is me, the journey from illness to wholeness’ નામનું પુસ્તક લખ્યું છે. તેમનાં સહલેખિકા નીલિમા ભટ્ટ છે. આ પુસ્તક પણ કેન્સર સાથે સંકળાયેલા તમામને સ્પર્શી ગયું છે. વિજય ભટ્ટ જ્યારે ૪૦ વર્ષના હતા અને તેઓ લંડનમાં કામ કરતા હતા ત્યારે જ તેમને કેન્સર હોવાનું નિદાન થયું હતું. વિજય ભટ્ટ કહે છેઃ “મને કેન્સર હોવાનું નિદાન થયું તે પહેલાં હું ફાસ્ટ લેઈનમાં જતો હતો. કેન્સર હોવાનું નિદાન થયા બાદ હું મારી જિંદગીની અગ્રતાઓ અંગે નવેસરથી વિચારવા લાગ્યો હતો. મને જે ટયુમર હતું તે એક જ અઠવાડિયામાં શસ્ત્રક્રિયા દ્વારા કાઢી નાખવામાં આવ્યું હતું, પરંતુ અહીંથી જ મારી જિંદગીનો યુ-ટર્ન શરૂ થયો હતો. મેં એ પછી કોર્પોરેટ ક્ષેત્ર છોડી દીધું. હું ભારત પાછો આવ્યો. ભારત આવ્યા બાદ શારીરિક રીતે અને આધ્યાત્મિક રીતે સ્વસ્થ થવા મેં પ્રયાસ કર્યો. મેં યોગ શરૂ કર્યા. વિપશ્યના શિબિરોમાં પણ ગયો. કેમોથેરાપી જેવી કષ્ટદાયક થેરાપીના બદલે મેં ચાઇનીઝ અને આયુર્વેદની દવાઓ લીધી અને મને ફાયદો થયો.” એ પછી લેખકે ‘સંપૂર્ણ’ નામની એક સંસ્થા પણ ખોલી જે કેન્સરના રોગ અને દરદીઓ માટે કામ કરી રહી છે.

 

પૂણેની એક કંપનીમાં કામ કરતી અંગના ઘોષ નામની મહિલા પણ કેન્સરપીડિત હતી. એમણે તો પથારીમાં જ જીવનના વિધાયક અભિગમ વિશે લખવાનું શરૂ કર્યું હતું. તેમને ઓવેરિયન કેન્સર હતું. તેમણે પોતાના જ કેન્સર વિશે કથા લખી અને તે ‘Face to face with cancer’ નામે પુસ્તકાકારે પ્રગટ થઈ. તેમાં નિદાન, સર્જરી અને કેમોથેરાપી સુધીની ઘટનાઓનું વર્ણન છે.

 

સુધાંશુ મોહંતી હાલમાં કેન્દ્ર સરકારના પર્યાવરણ અને જંગલ ખાતામાં અધિક સચિવ તરીકે કામગીરી બજાવે છે. તેમને ‘ર્કાિસનોઈડ’ નામનું ભાગ્યે જ થતું કેન્સર થયું. તેઓ કહે છેઃ “કેન્સર મને સંવેદનાની દૃષ્ટિએ નીચે પાડી દે તેવું મેં થવા ન દીધું. હું કેન્સરથી જરા પણ વિચલિત ન થયો અને મારી જિંદગી રાબેતા મુજબ જ બસર કરતો રહ્યો. મેં કેન્સરને દાંતના સામાન્ય દુખાવા જેવું જ ગણ્યું અને તેના પર વિજય મેળવ્યા બાદ મેં ‘Anatomy of cancer’ પુસ્તક લખ્યું. આ પુસ્તકમાં કેન્સરના દરદીઓ જોગ મારો એટલો જ સંદેશ છે કે કેન્સર એટલે સમાપ્તિ નહીં.”

 

કેન્સર પર વિજય મેળવનાર આવા અનેક માનવીઓની કથાઓ હ્ય્દયંગમ અને પ્રેરક છે. આજથી ૬૦ વર્ષ પહેલાં મોડાસા તાલુકાના ભેરૃંડા ગામના વતની કાલીદાસ પટેલ કે જે મુંબઈમાં મોટા ધારાશાસ્ત્રી હતા અને એમને ગળામાં સ્વરયંત્રનું કેન્સર થયું હતું. તેમનું સ્વરયંત્ર સર્જરી દ્વારા કાઢી નાંખવામાં આવ્યું હતું. તે પછી તેઓ હિંમતપૂર્વક જિંદગી જીવ્યા હતા અને ગળામાં સ્વરયંત્ર વગર પણ કેવી રીતે બોલી શકાય છે તે શીખી લીધા બાદ અમદાવાદની સિવિલ હોસ્પિટલ કોમ્પ્લેક્સમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓને નૈતિક હિંમત આપી સ્વરયંત્ર વગરના દરદીઓને સ્પીચ થેરાપી આપતા રહ્યા હતા. આ રીતે સેંકડો દરદીઓને તેમણે કેન્સર પછી પણ જિંદાદિલીથી જીવવાની પ્રેરણા આપી હતી.

 

www.devendrapatel.in

 

સાભાર :   

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

 

સૌજન્ય : સંદેશ  ….

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli