આ માન્યતાઓ ક્યાંથી જન્મી કહો જોઇએ ? …

આ માન્યતાઓ ક્યાંથી જન્મી કહો જોઇએ ? (સતરંગી) …

સતરંગી : રશ્મિન શાહ

 

 

 hair cutting

 

 

માન્યતાઓ કોઈ વખત અંધશ્રદ્ધાનું રૂપ લઈ લેતી હોય છે. ભારતમાં આવી જ અનેક માન્યતાઓ છે કે જેની માટે કોઈ પણ જાતનાં તર્ક કે દલીલ કર્યા વિના એને સ્વીકારી લેવામાં આવી છે.  આ માન્યતાઓ માનવામાં આવે તો એમાં કંઈ ખોટું નથી, પણ જો માન્યતા પાછળની વાત કે એનો તર્ક ખબર ન હોય તોપણ એને બહુ જ અંગત રીતે સ્વીકારી લેવામાં આવે તો ચોક્કસપણે અર્થહીન છે. મનમાં ઘર કરી ગયેલી અને અજાણતા જ જીવન સાથે વણાઈ ગયેલી આ નવ માન્યતા અને એ નવ માન્યતાની પાછળ જોડાયેલો તર્ક જાણવા જેવો છે.

 

સાંજે સાવરણી નહીં કાઢો …

 

સંધ્યા સમયે ઘરમાં ઝાડુ ન કાઢવું જોઈએ એવું લગભગ તમામ લોકો સાંભળી ચૂક્યા હશે. સાથોસાથ એ પણ સાંભળી ચૂક્યા હશે કે જો સંધ્યા સમયે ઝાડુ કાઢવામાં આવે તો ઘરમાંથી બરકત જતી રહે. બરકત, સંપત્તિ અને શ્રીમંતાઈ જતી રહે એ કોને પાલવે? સાંભળવામાં આવેલી આ માન્યતાને આ જ કારણે નેવું ટકા લોકો દૃઢપણે પાળી પણ રહ્યા છે. આ માન્યતામાં પાળે કે માને એની સામે કોઈ વિરોધ નથી, પણ હકીકત એ છે કે આ માન્યતાની પાછળ જે સામાન્ય વાત જોડાયેલી છે એને જાણવાની કોશિશ ક્યારેય કોઈએ કરી નથી.

 

હકીકત એ છે કે આ માન્યતા અઢારમી અને ઓગણીસમી સદીના કારણે જન્મી છે.  એ સદીમાં ઇલેક્ટ્રિસિટી હતી નહીં. પરિણામે એવું બનતું કે રાતના ઘરમાં અંધકાર હોય.  સૂર્યાસ્ત થયા પછી જો હવે સાવરણી કાઢવામાં આવે તો થાય એવી પરિસ્થિતિ કે નીચે પડેલી કીમતી ચીજવસ્તુ પણ સાવરણી સાથે કચરામાં ચાલી જાય. બેચાર રાજવી પરિવાર સાથે એવું બની ગયું એટલે એ રાજ્યમાં સૂર્યાસ્ત પછી સાવરણી ન કાઢવાનો શિરસ્તો થઈ ગયો, પણ આ શિરસ્તો આગળ જતાં પ્રથા અને પછી માન્યતામાં ફેરવાઈ ગયો, જે આજ સુધી ચાલુ છે.

 

મંગળવારે હેરકટિંગ નહીં …

 

શનિવારે વાળ ન કપાવવા માટે ર્ધાિમક કારણ આપવામાં આવે છે. શનિવાર હનુમાનજીનો વાર છે અને હનુમાનજીના શરીર પર અઢળક વાળ છે.  હનુમાનજીને પ્રસન્ન રાખવા માટે શનિવારે વાળ કપાવવા ન જોઈએ એવું માનવામાં આવે છે, પણ મંગળવારે વાળ નહીં કપાવવાની પણ એક માન્યતા છે. આ માન્યતા પાછળ કયું લોજિક ઉપયોગમાં લેવામાં આવે છે એના વિશે માંડ આંગળીના વેઢે ગણી શકાય એટલા લોકોને ખબર હશે.  આ માન્યતા પણ અઢારમી સદીના કારણે પડી છે.

 

રવિવારે રજા છે એ તો જગજાહેર છે.  અઢારમી સદીમાં એવો નિયમ હતો કે રવિવાર આવે એટલે ખેડૂતો અને ખેતમજૂરો પણ રજા પાળતા.  રવિવારની રજામાં સામાન્ય રીતે એદી થઈને આરામ કરવામાં આવે અને સોમવારે સવારે જાતે જ વાળ કાપીને કે દાઢી કરીને કામે લાગવામાં આવે. જો સોમવારે આ કામે જાતે કર્યું હોય તો સ્વાભાવિક રીતે મંગળવારે ઘરાકી ઓછી રહે અને જો ઘરાકી ઓછી રહે તો શું કામ વાળંદ કામે આવે.  બસ, મંગળવારે દુકાન બંધ રાખવાની અને હજામતમાં રજા રાખવાની પ્રથા પડી જે પછી કાયમી થઈ ગઈ. મંગળવાર અને હેરકટિંગને કંઈ નિસબત નથી. જો કોઈ કટિંગ કરાવવા ઇચ્છે તો એની પાછળ ક્યાંય ધર્મ પણ આવતો નથી અને ક્યાંય ભૂતપ્રેત પણ જોડાયેલાં નથી પણ બસ, માન્યતા છે એટલે એનું પાલન કરવામાં આવે છે.

 

સંધ્યા પછી પાન નહીં તોડો …

 

ઝાડ, પાન કે ફૂલ નહીં તોડવાં એ સારી વાત છે, પણ આપણને હંમેશાં એવું કહેવાતું રહ્યું છે કે, સંધ્યા પછી ઝાડ, પાન, ફૂલ તોડવામાં આવે તો પાપ લાગે.  સાવ ખોટી માન્યતા છે આ.  સંધ્યા સમયે પાન-ફૂલ તોડવાને ક્યાંય પાપ કે ધર્મ સાથે સંબંધ નથી.  હકીકત એ છે કે ઝાડ-પાન અને ફૂલમાં થતાં સાઠ ટકાથી વધુ જંતુઓ એવા છે કે જે અંધકારમાં બહાર આવે છે.  આ ઉપરાંત અમુક નાગ અને સાપ પણ એવા છે કે જે અંધારા વચ્ચે બહાર આવે છે.  આ જ કારણે એવું કહેવામાં આવતું કે સંધ્યા સમયે આ કોઈ વૃક્ષને અડકવું કે તોડવું નહીં.  સુરક્ષાની દૃષ્ટિએ કહેવાયેલી આ વાતને ધીમે ધીમે માન્યતામાં ફેરવી લેવામાં આવી અને તેની સાથે ધીમેકથી પાપ અને પુણ્યનો હિસાબ પણ જોડી દેવામાં આવ્યો.

 

હા, એ વાત હકીકત છે કે જો એ તોડવાનું શક્ય હોય તો ટાળવું જ જોઈએ અને પર્યાવરણની રક્ષા કરવી જોઈએ, પણ જો પર્યાવરણની વાત કરતાં હોઈએ તો આ વાતને માત્ર રાત પૂરતી સીમિત રાખવાને બદલે એને ચોવીસે કલાક સાથે જોડી દેવી જોેઈએ.

 

સ્મશાનથી પાછાં આવ્યા પછી સ્નાન  …

 

ધર્મ કે પાપપુણ્ય સાથે આ વાતને કોઈ સંબંધ નથી, પણ હકીકત એ છે કે સ્મશાને ત્યારે જ જવાનું બનતું હોય જ્યારે સાથે ડેડબોડી હોય અને જો ડેડબોડીની નજીક ગયા હોઈએ તો એમાંથી થતું ઈન્ફેક્શન અસર કરે એ પહેલાં શરીર સાફ કરી લેવું જોઈએ અને એ જ કારણે આ માન્યતા પડી કે સ્મશાનથી પાછાં આવ્યા પછી તરત જ નાહી લેવું જોઈએ.  આ માન્યતાની સાથે જોડાયેલી એક હકીકત એ પણ હતી કે ઘર સુધી જવું જ નહીં અને સ્મશાને જ નાહી લેવું જેથી ઘરમાં પણ એ જર્મ્સ પહોંચે નહીં અને ઘરમાં રહેલા આબાલવૃદ્ધને એનું ઈન્ફેક્શન લાગે નહીં. 

અલબત્ત, આ માન્યતાને પાળેલી રાખવામાં કોઈ વાંધો નથી, કારણ કે એ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે અને સ્વાસ્થ્યનો મુદ્દો હોય તો એ હંમેશાં અગ્રીમ રહેવો જોઈએ, પણ માન્યતા સાથે જોડાયેલી વાસ્તવિકતાને યોગ્ય રીતે જાણવી જોઈએ એ પણ એટલું જ સાચું છે.

 

નિમક હાથોહાથ ન આપો …

 

ફરી એક માન્યતા અને એ માન્યતા સાથે જોડાયેલું સાયન્સ. અલબત્ત, આ સાયન્સમાં યોગનો ભાર છે. 

 

એવું કહેવાતું રહ્યું છે કે નમક હાથોહાથ આપવામાં આવે તો જેને નમક આપવામાં આવ્યું હોય એની સાથે ઝઘડા થાય, પણ હકીકત જુદી છે.   હકીકત એ છે કે, આ માત્ર માન્યતા જ છે જે સાવ ખોટી છે.  સાયન્સ અને યોગવિજ્ઞાાનના આધારે આ માન્યતા પડી છે.  વાત સમજવા જેવી છે. જેમણે કોઈને સામાન્ય જ્ઞાાન છે એ સૌને ખબર છે કે નિમક એ વિદ્યુતનું વાહક છે.  જો નમક હાથોહાથ આપવામાં આવે તો એમાં ઊર્જા જોડાય છે, જે ઊર્જા વાહક બનીને જેને નમક આપવામાં આવ્યું હોય તેના હાથમાં પહોંચે છે. યોગવિજ્ઞાાનમાં કહેવાયું છે કે ઊર્જા નકારાત્મક અને હકારાત્મક હોય છે.  જો કોઈ વ્યક્તિમાં નકારાત્મક ઊર્જાનું પ્રમાણ વધારે હોય તો એ નકારાત્મક ઊર્જા સામેની વ્યક્તિને આપે અને જો કોઈનામાં હકારાત્મક ઊર્જાનું પ્રમાણ વધુ હોય તો એ હકારાત્મક ઊર્જા વધુ આપે.  કોઈની નકારાત્મક ઊર્જા ક્યારેય લેવી નહીં એવી સલાહ સાથે યોગસાધકોએ જ એ વાત સ્પષ્ટ કરી હતી કે મીઠું ઊર્જાનું વાહક છે એટલે ક્યારેય હાથોહાથ આપવું નહીં. 

 

આ માન્યતાને કોણે ઝઘડા સાથે જોડી દીધી એ તપાસનો વિષય છે, પણ તે તપાસ કરવાને બદલે આપણે આ સિવાયની માન્યતાઓ હવે પછી જાણીશું …

 

ક્રમશ :

સૌજન્ય : સંદેશ દૈનિક 

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli