“મારા દેવની આજ્ઞા છે કે તમે ઇઝરાયેલીઓને મુક્ત કરો” …

“મારા દેવની આજ્ઞા છે કે તમે ઇઝરાયેલીઓને મુક્ત કરો” … (અભિજ્ઞાનશાકુન્તલમ્)

 

 

 
moziz
 

 

ઇઝરાયેલનો ઇતિહાસ ૪૦૦૦ વર્ષ પુરાણો છે. પહાડીઓ, પર્વતો, ખીણો અને સમુદ્રથી ઘેરાયેલો અને નહીંવત્ વરસાદ ધરાવતો આ દેશ બાઇબલની પવિત્ર ભૂમિ છે. ચાર હજાર વર્ષ પહેલાં યહૂદીઓ અને આરબોના પૂર્વજ અબ્રાહમ પણ અહીં જ જન્મ્યા હતા. તેઓ જન્મે યહૂદી હતા. વિશ્વને અમર ગીતો આપનાર કિંગ ડેવિડ અને કિંગ સોલોમન પણ અહીં જ જન્મ્યા હતા અને તેઓ યહૂદી હતા. ઈશ્વર પાસેથી ‘ધી ટેન કમાન્ડમેન્ટ્સ’ લેનાર મોઝીઝ પણ યહૂદી હતા. સમગ્ર વિશ્વને પ્રેમ અને કરુણાનો સંદેશો આપનાર જિસસ ક્રાઇસ્ટ પણ જન્મે યહૂદી હતા. સમગ્ર વિશ્વને સામ્યવાદની થિયરી આપનાર કાર્લ માર્ક્સ પણ યહૂદી હતા. માનવીના તમામ વર્તનનું કેન્દ્ર સેક્સ છે તેવી વિવાદાસ્પદ થિયરી આપનાર અને આધુનિક મનોવિજ્ઞાાનના પિતા એવા ડો. સિગમંડ ફ્રોઇડ પણ યહૂદી હતા. પરમાણુ બોમ્બ જે સિદ્ધાંત પર બને તે સાપેક્ષવાદ અર્થાત્ રિલેટિવિટીનો સિદ્ધાંત આપનાર આલ્બર્ટ આઇન્સ્ટાઇન પણ યહૂદી હતા. ‘શિન્ડલર્સ લિસ્ટ’ અને ‘જુરાસિક પાર્ક’ જેવી ફિલ્મોના સર્જક સ્ટીવન સ્પિલબર્ગ પણ યહૂદી છે. નોબેલ પ્રાઇઝ શરૂ થયું તે પછી એક પણ વર્ષ એવું પસાર થયું નથી કે જે વર્ષે કોઈ ને કોઈ યહૂદી વ્યક્તિને નોબેલ પ્રાઇઝ મળ્યું ન હોય. અમેરિકા જેવા ધનાઢય દેશમાં સહુથી વધુ ધનિકો યહૂદીઓ છે. આ બધું હોવા છતાં ઇઝરાયેલની યહૂદી પ્રજાએ સહુથી વધુ તકલીફો ભોગવી છે. વર્ષો સુધી ગુલામી ભોગવી છે. હિટલરે ૬૦ લાખ યહૂદીઓની હત્યા કરી નાખી હતી.

 

કેમ?

 

યહૂદીઓની માન્યતા અનુસાર ઇઝરાયેલ એ ઈશ્વરની પસંદગીની ભૂમિ છે. કહેવાય છે કે યહૂદીઓએ જ્યારે જ્યારે ઈશ્વરે દર્શાવેલા રાહથી અલગ રાહ લીધો અને ઈશ્વરે બનાવેલા નીતિનિયમોનો ભંગ કર્યો ત્યારે ત્યારે ઈશ્વરે તેમને સજા કરી છે અને છેવટે કોઈ ને કોઈ ઉદ્ધારક કે પયગંબરને ધરતી પર મોકલ્યા છે. આ બધી કથાઓ બાઇબલના જૂના કરારમાં ઉપલબ્ધ છે.

 

ઇઝરાયેલના રંગીન રોમાંચક પણ લોહિયાળ ઇતિહાસમાં મોઝીઝનું પાત્ર અસાધારણ છે. ઈસુના જન્મનાં ૨૦૦૦ વર્ષ પૂર્વે એ વખતે કેનાન (પેલેસ્ટાઇન) તરીકે ઓળખાતા પ્રદેશમાં સેમિટિક લોકો રહેતા હતા. કેટલાક ઇજિપ્તના નાઇલ ડેલ્ટા તરીકે ઓળખાતા વિસ્તારમાં જઈને વસ્યા હતા. એ વખતે ઇજિપ્તના રાજાઓ યહૂદીઓને ગુલામ તરીકે રાખતા હતા. આવા જ લોકો પાસે તેઓ મજૂરી કરાવતા, મહેલો અને પિરામિડ બંધાવતા અને અશક્ત કે દૂબળા માણસોને મારી નાખતા. ગુલામને પૂરાં કપડાં પણ પહેરવા માટે અપાતાં નહીં. ઇજિપ્તના રાજાઓ અનેક દેવદેવીઓની પૂજા કરતા.મૃત્યુ પછી પણ એક દિવસ તેઓ ફરી સજીવન થઈ શકશે એવી માન્યતા સાથે તેમના મૃતદેહને મમીના સ્વરૂપમાં સાચવી રખાતા. એની ઉપર તેઓ પિરામિડ બંધાવતા. ઇજિપ્તના રાજાઓનું અનેક સ્થળો પર રાજ્ય હતું.એક તબક્કે તો પેલેસ્ટાઇન ઉપર પણ એમનું શાસન હતું.

 

આવા સમયે મોઝીઝનો જન્મ થયો હતો. છેલ્લાં ૪૦૦ વર્ષથી યહૂદીઓ ઇજિપ્તના રાજાઓની ગુલામીમાં હતા. કહેવાય છે કે જેકબના પુત્ર જોસેફને તેના ભાઈઓએ ઇજિપ્તમાં વેચી માર્યો હતો, પરંતુ પાછળથી તે ઇજિપ્તના ફેરો હીક્સોસનો મુખ્યમંત્રી બન્યો હતો.

 

બાઇબલના ઓલ્ડ ટેસ્ટામેન્ટની કથા રસપ્રચુર છે. એ વખતે ઇજિપ્તમાં ફારૂન રેમસેસે નામનો રાજા રાજ કરતો હતો. તે ઇઝરાયેલી યહૂદીઓ પાસે સખત વેઠ કરાવતો હતો. એણે ફરમાન બહાર પાડયું હતું કે જે કોઈ સ્ત્રીના પેટે છોકરો જન્મે તેને મારી નાખવો અને છોકરી જન્મે તો એને જીવતી રાખવી. હિબ્રૂ પરિવારો માટે જ એણે આ કાયદો બનાવ્યો હતો.

 

એ કાળમાં હિબ્રૂ પરિવારમાં એક સ્ત્રીના પેટે દીકરો અવતર્યો. બાળક એટલું સુંદર હતું કેે એને મારી નાખવાને બદલે ત્રણ માસ સુધી સંતાડી રાખ્યું. હવે વધુ સંતાડવું શક્ય ન હોઈ ઘાસની પેટીમાં બાળકને છુપાવી નદીમાં તરતું મૂકી દેવાયું. એ જ વખતે ઇજિપ્તના રાજા ફારૂનની પુત્રી નદીમાં સ્નાન કરવા આવી હતી. એણે નદીમાં તરતી પેટી જોઈ દાસીઓને કહ્યું, “એ પેટી લઈ આવો.”

 

પેટી ઉઘાડીને જોયું તો અંદર બાળક હતું. ફારૂનની પુત્રીને દયા આવી ગઈ અને એણે દાસીને કહ્યું, “જા, આ બાળકને સ્તનપાન કરાવવા કોઈ હિબ્રુ સ્ત્રીને લઈ આવ.”

 

દાસી એ બાળકની માને જ તેડી લાવી અને એ રીતે એ બાળક મોટું થયું, જે મોઝીઝ અથવા મુસા તરીકે ઓળખાયા. ‘મોઝીઝ’ એ હિબ્રૂ શબ્દ છે. એનો અર્થ છે કે જેને પાણીમાંથી ખેંચી કઢાયા.

 

મોઝીઝ મોટા થયા ત્યારે એમને ઇજિપ્ત છોડવું પડયું અને મિદ્યાન નામના દેશમાં જઈને વસ્યા. અહીં મિદ્યાનના વાજકની પુત્રીને પરણ્યા. એક દિવસ ઘેટાં લઈને તેઓ હેરોબ નામના પર્વત પર ગયા હતા અને અગ્નિની જ્વાળામાં દેવદૂત-ફરિશ્તાનાં દર્શન થયાં. એમણે મોઝીઝને આદેશ આપ્યો! “મોઝીઝ! મિસર (ઇજિપ્ત)માં ઇઝરાયેલીઓની દશા બહુ ખરાબ છે. તું રાજા ફારૂન પાસેથી મિસરને અને ઇઝરાયેલીઓને મુક્ત કરાવ.”

 

એ વાણી ભગવાન યહોવાહની હતી.

 

મોઝીઝ પોતાની પત્ની તથા પુત્રોને ગધેડા પર બેસાડીને મિસર ગયા. મિસરના રાજા સમક્ષ મોઝીઝે માંગણી કરી કે, “મારા દેવની આજ્ઞા છે કે તમે ઇઝરાયેલીઓને મુક્ત કરો.”

 

રાજા માન્યો નહીં.

 

મોઝીઝે રાજા સમક્ષ પોતાની લાકડી ભોંય પર નાખી અને તે લાકડી સર્પ બની ગઈ. આ ચમત્કાર પછી પણ રાજા માન્યો નહીં. બીજા દિવસે મોઝીઝ રાજા ફારૂનને નદીના કાંઠે મળવા જવાના હતા. ઈશ્વરે આપેલી સૂચના પ્રમાણે મોઝીઝે એ સવારે રાજા ફારૂનના દેખતાં જ લાકડી નદી પર મારી અને નદીનું પાણી લોહીમાં બદલાઈ ગયું. નદીની અંદરની માછલીઓ મૃત્યુ પામી. પાણી ગંધાઈ ગયાં. મિસરીઓ નદીનું પાણી પી શક્યા નહીં. છતાં રાજા ફારૂન ઢીલો પડયો નહીં.એણે મિસરીઓને પાણી પીવરાવવા આસપાસના વિસ્તારોમાં પાણીના વીરડા ખોદાવ્યા. સાત દિવસ સુધી નદીનાં પાણી હરકતના સ્વરૂપમાં દૂષિત રહ્યાં.

 

યહોવાહે ફરી મોઝીઝને કહ્યું, “હજુ મિસરનો રાજા માનતો ન હોય તો રાજા ફારૂનને કહે કે, તારા દેશ પર દેડકાઓનો વરસાદ વરસશે. તું તારી લાકડી નદીઓ અને તળાવો પર ઊંચી કરજે. દેડકાથી મિસર ઊભરાઈ જશે.” આખું મિસર દેડકાથી ઢંકાઈ ગયું.

 

રાજા સહેજ ઢીલો પડયો અને એણે મોઝીઝને વિનંતી કરી કે, તમને તથા તમારા લોકોને જરૂરી ર્ધાિમક વિધિ માટે હું અરણ્યમાં જવાની છૂટ આપંુ છું. પણ તમે તમારા દેવને વિનંતી કરો કે, આ દેડકા હટાવી લે.

 

– એ રીતે રાજા ફારૂને તત્કાલીન રાહતનો દમ લીધો, પણ હજુ તે ઇઝરાયેલીઓને મુક્ત કરવા તૈયાર નહોતો.

 

યહોવાહની આજ્ઞાાથી મોઝીઝે લાકડીના ચમત્કારથી આખા મિસરમાં મરકીનો રોગ ફેલાવ્યો છતાં રાજા માન્યો નહીં. એ જ રીતે મોઝીઝે આખા દેશમાં કરાનો વરસાદ વરસાવ્યો અને આખા મિસરની ખેતી, વૃક્ષો, ઢોરઢાંખર નાશ પામ્યાં. માત્ર ગોશેને પ્રદેશ કે જ્યાં ઇઝરાયેલીઓ રહેતા હતા ત્યાં કરા પડયા નહીં. રાજા ફારૂને ફરી મોઝીઝને બોલાવી કરાની વર્ષા બંધ કરાવી, પરંતુ રાજા વધુ એક વાર ફરી ગયો ને વધુ હઠીલો બન્યો. મોઝીઝે હવે આખા મિસરને તીડનાં ટોળાંથી ઢાંકી દીધું. રાજા ગભરાઈ ગયો ને મોઝીઝને વિનંતી કરી તીડ હટાવી લીધાં, પણ તીડ જતાં જ તે હતો તેવો ને તેવો જ રહ્યો.

 

હવે ઈશ્વરની આજ્ઞાાથી મોઝીઝે પોતાનો હાથ આકાશ તરફ લાંબો કર્યો અને ત્રણ દિવસ સુધી મિસર પર કાળું અંધારું છવાઈ ગયું. કોઈ પોતાની જગ્યાએથી ઊઠી શક્યું નહીં. એકમાત્ર મિસરમાં રહેતા ઇઝરાયેલીઓના ઘરમાં જ અજવાળું હતું, છતાં રાજા અક્કડ રહ્યો.

 

ફરી એક વાર ઈશ્વરની ‘આજ્ઞાા’ પ્રમાણે મધ્યરાત્રિએ મોઝીઝ નીકળ્યા અને એ રાત્રે રાજા ફારૂનના પ્રથમ બાળકથી માંડીને મિસરના પ્રત્યેક મિસરી પરિવારનું પ્રથમ બાળક મૃત્યુ પામ્યું. આખા મિસરમાં હાહાકાર મચી ગયો. એક પણ એવું ઘર નહોતું કે જ્યાં એક બાળક મરી ગયું ન હોય. હવે રાજા થાકી ગયો. એણે રાત્રે જ મોઝીઝને બોલાવીને કહ્યું, “તમે ઇઝરાયેલીઓ હવે જાવ અહીંથી.”

 

રાત્રે જ મિસરમાં ગુલામી કરતા ઇઝરાયેલી યહૂદીઓ હવે નીકળી ગયા. કહેવાય છે કે, એમની સંખ્યા છ લાખ લોકોની હતી. ફારૂને તે બધાને જવા દીધા. ઇઝરાયેલીઓ હવે પોતાના માદરેવતન તરફ જવા નીકળ્યા અને થોડાક જ સમયમાં મિસરના રાજા ફારૂનનું મગજ ફરી ગયું, “આ બધા જતા રહેશે તો આપણી સેવાચાકરી કોણ કરશે?” એ વળી પાછો ઇઝરાયેલીઓને પકડવા પાછળ પડયો. ફારૂને ચૂંટી કાઢેલા ૬૦૦ રથ, બધા જ સેનાપતિઓ અને આખા સૈન્યને એ બધાનો પીછો કરવા રવાના કર્યું.

 

એ વખતે બધા યહૂદીઓ બાલસફોનની સામે પીહાહીરોથની પાસે સમુદ્રકાંઠે છાવણી નાખીને પડેલા હતા. ફારૂન અને તેના સૈન્યને નજીક આવતાં જોઈ ઇઝરાયેલીઓ ગભરાયા. યહૂદીઓ મોતને સામે જોતાં કેટલાક મોઝીઝનો વાંક કાઢવા લાગ્યા. મોઝીઝે બધાંને સાંત્વના આપી ભગવાનને યાદ કર્યા. ભગવાન યહોવાહે મોઝીઝને કહ્યું, “તું તારી લાકડી લઈને તારો હાથ સમુદ્ર પર ઊંચો કર અને દરિયાનાં પાણી પર લાકડી માર, દરિયો રસ્તો કરી દેશે. તમે બધા ચાલીને નીકળી જજો.”

 

 

(ક્રમશઃ)

 

 

સાભાર : દેવેન્દ્ર પટેલ

બ્લોગ લીંક : www.devendrapatel.in

સૌજન્ય : સંદેશ દૈનિક

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli