પ્રાર્થના વગર અંતરની શાંતિ નથી …

પ્રાર્થના વગર અંતરની શાંતિ નથી … 

 
મિત્રો, આજ ભારતીય ૬૬મો  પ્રજાસતાક  દિવસ હોય,  સર્વે દેશ -વિદેશના  પાઠક મિત્રોને શુભકામના સાથે શુભેચ્છાઓ પાઠવીએ છીએ …

 

 

 


 

 

પ્રાર્થના વગર અંતરની શાંતિ નથી …

 

 

 

 

હું માનું છું કે પ્રાર્થના – ધર્મનો ખુદ આત્મા ને  સાર છે અને કોઈ માણસ ધર્મ વગર જીવી શકતો નથી, તેથી પ્રાર્થના તેના જીવનનું હાર્દ હોવી જોઈએ.  કેટલાક પોતાના બુદ્ધિના અભિમાનમાં કહે છે કે અમારે ધર્મ સાથે કશીયે લેવાદેવા  નથી.  પણ તેમની વાત, કોઈ માણસ કહે કે હું શ્વાસ લઉં છું પણ મારે નાક નથી તેના જેવી થઇ.  બુદ્ધિથી, અગર સ્વભાવિક પ્રેરણાથી અગર વહેમથી માણસ દિવ્ય તત્વની સાથે કોઈક જાતનો  સંબંધ સ્વીકારે છે.  હડહડતો અજ્ઞેયવાદી કે નાસ્તિક સુધ્ધાં કોઈક નૈતિક સિદ્ધાંતની જરૂરતનો સ્વીકાર કરે છે અને તેના અમલમાં કંઈક બૂરું રહેલું છે એવું માને છે.  ચાર્લ્સ બ્રેડલો, જેમની નાસ્તિકતા જાણીતી છે તેઓ પોતાની અંતરમ પ્રતીતિને ખુલ્લે ખુલ્લી જાહેર કરવાનો આગ્રહ રાખતા.  આમ પોતે જેણે સત્ય માણતા તે ખુલ્લું બોલવાને માટે તેમને ખૂબ વેઠવું પડેલું પણ તેમાં તેમને અનહદ આનંદ આવતો ને તેઓ કહેતા કે સત્ય બોલવામાં જ તેનું વળતર મળી રહે છે.  સત્યના પાલનમાંથી મળતો આનંદનો તેમને જરાયે ખ્યાલ નોહ્તો એવો એ વાતનો અર્થ નથી.  સત્યના પાલનમાંથી મળતો આનંદ જો કે દુન્યવી નથી પણ મૂળે માણસ ઈશ્વરની સાથે અનુસંધાનમાં આવે છે તે હકીકતમાંથી પેદા થાય છે.  તેથી મેં કહ્યું છે કે ધર્મતત્વનો અસ્વીકાર કરનાર માણસ સુધ્ધાં ધર્મ વિના જીવી શકતો નથી, જીવતો પણ નથી.

 

હવે, પ્રાર્થના ધર્મનું વધારેમાં વધારે મહત્વનું અંગ હોવાથી માણસના જીવનનું અંતરતમ સત્વ છે એ બીજા મુદ્દા પર આવું.  પ્રાર્થના કાં તો આજીજીરૂપે હોય અથવા વધારે વ્યાપક અર્થમાં અંતરમાં ઈશ્વર સાથે અનુસંધાન હોય.  બન્ને અર્થમાં સરવાળે પરિણામ એક જ આવે છે.  ઈશ્વરને આજીજીરૂપે થતી પ્રાર્થનામાં પસન આત્માને શુદ્ધ કરવાની અને તેના પર ચડેલા મેલ દૂર કરવાની, તેના પર ચડેલા અજ્ઞાન ને અંધકારનાં પડમાંથી તેણે મુક્ત કરવાની માગણી જ હોય છે.  તેથી પોતાના અંતરમાં વસતા ઈશ્વરને જગાડવાથી જેણે તાલાવેલી લાગી હોય તેણે પ્રાર્થનાનો આધાર લીધા વગર છૂટકો નથી.  પરંતુ પ્રાર્થના કેવળ થોડા શબ્દોનું પોપટિયું રટણ નથી કે તેવા રટણનું શ્રવણ નથી અથવા કોઈક મંતનો અર્થ વગરનો પાઠ નથી.  આત્માને ઢંઢોળીને જગાડતું ન હોય તેવું રામ નામનું કેટલુંયે રટણ થાય તોયે તે મિથ્યા છે.  પ્રાર્થનામાં શબ્દો ન હોય તે વાતના કરતાં બહેતર છે.  પ્રાર્થના માટે આત્માને ભૂખ ઊપડી હોય તેણે શમાવવાનો જ તે હોવી જોઈએ અને ભૂખ્યા માણસને ઊલટભેર પૂરું ભોજન કરવામાં જેવો સ્વાદ આવે છે તેવો ભૂખ્યો અથવા ઈશ્વર સાથે અનુસંધાન માટે તલસતા જીવને પ્રાર્થનામાં સ્વાદ આવશે.  અને મારો પોતાનો તેમ જ મારા સાથીઓનો થોડો અનુભવ તમને જાણવું કે પ્રાર્થનાના જાદુનો જેણે એક વખત અનુભવ થયો છે તે દિવસો સુધી ખોરાક વગર ચલાવશે પણ પ્રાર્થના વગર તેને એક ક્ષણ પણ નહીં ચાલે.  એનું કારણ એવું છે કે પ્રાર્થના વગર અંતરની શાંતિ નથી.

 

કોઈ કહેશે કે જો એવું હોય તો આપણા જીવનની પળેપળ આપણે પ્રાર્થના કરવી જોઈએ.  એ વિષે કશી શંકા નથી.  પણ આપણે માણસો છીએ ને હંમેશ ગફલત કરીએ છીએ.  એક ક્ષણને માટે પણ આપણને, માણસોને, અંતરમાં ઈશ્વર સાથે અનુસંધાન કરવાને ત્યાં ઊંડે ઊતરવાનું મુશ્કેલ લાગે છે.  અને આપણને કાયમની માટે ઈશ્વરના અનુસંધાનમાં રહેવાનું અશક્ય લાગે છે,  તેથી આપણે રોજ થોડા સમયને માટે દુનિયાની આસક્તિમાંથી અળગા થવાનો ગંભીર પ્રયાસ કરવાને સારું અમુક વખત જુદો કાઢીએ છીએ, કહો કે આપણા દેહ્ભાવમાંથી ભાર નીકળવાનો અંતરથી પ્રયત્ન કરીએ છીએ.  તમે સુરદાસનું ભજન સાંભળ્યું છે.  ઈશ્વરની સાથે એક થવાની જેણે તાલાવેલી લાગી છે એવા આત્માનો એ આર્તનાદ છે.  આપણે મુકાબલે તેઓ સંત હતા પણ તેમને પોતાને માટે તેઓ નામીચા પાપી હતા.  આધ્યાત્મિક દૃષ્ટિથી તેઓ આપણા કરતાં ક્યાંયે આગળ નીકળી ગયા હતા પણ ઈશ્વરથી પોતાની જુદાઈનું ભાન તેમને એટલું તીવ્રપણે રહેતું હતું કે ‘મો સમ કૌન કુટિલ કામી’ એમ ગાઈને તેમણે ત્રાસીને તેમ જ નિરાશ થઈને આક્રંદ કર્યું.

 

અહીં સુધી મેં પ્રાર્થનાની હાર્દનો પણ વિચાર કર્યો.  આપણને આપણા માનવબંધુઓની સેવા કરવાને જનમ મળ્યો છે અને આપણે પૂરા જાગ્રત ન રહીએ તો તે સેવા કરી શકતા નથી.  માણસના અંતરમાં પ્રકાશ અને અંધકારના બળો વચ્ચે નિરંતર કારમાં યુદ્ધ ચાલ્યાં છે અને જેની પાસે પ્રાર્થાનાનો આધાર નથી તે અંધકારના બળોનો ભોગ બન્યા વગર રહેવાનો નથી.  પ્રાર્થના કરનારો જીવ અંતરમાં અને બહારથી આખીયે દુનિયા સાથે શાંતિ અનુભવશે;  પ્રાર્થનાથી ભરેલા દિલ વગર જે માણસ દુનિયાના વહેવારોમાં પ્રવેશ કરશે તે જાતે દુ:ખી થશે ને દુનિયાને પણ દુઃખી કરશે.  તેથી મરણ પછી આવનારી માણસની સ્થિતિ સાથે સાથે પ્રાર્થનાનો જે સંબંધ છે તેની વાત જવા દઈએ તો પણ પોતાની આસપાસની જીવોથી ભરેલી દુનિયામાં પ્રાર્થના તેણે માટે અપાર મૂલ્યવાન વસ્તુ છે.  આપણાં રોજબરોજનાં કામોમાં વ્યવસ્થા, શાંતિ, અને સરળતા લાવવાનું એકમાત્ર સાધન પ્રાર્થના છે.  એ એક મહત્વની વાત સંભાળી લેવાઈ તો બાકીની વાતોની સંભાળ આપમેળે લેવાતી રહેશે.  ચોરસના એક ખૂણાને સરખો કરતાંવેંત બાકીના આપમેળે સરખા થયા વગર રહેતા નથી.

 

 
– મહાત્મા ગાંધીજી


 
જય  જવાન  !     જય કિશાન  !   ભારત માતા કી જય !

 

જય હિન્દ !  જય હિન્દ ! જય હિન્દ !

બ્લોગ સંકલન : ‘દાદીમા ની પોટલી’

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli