શા માટે ??? …

શા માટે ??? …

 

 

question

 

 

મને સદા એક પ્રશ્ન મૂંઝવતો રહ્યો છે, “આપણે પ્રભુને શા માટે ભજીએ છીએ?” આપણને મળેલા સંસ્કાર કહો કે આદત કહો કે પછી આપણો દેખાડો કહો આપણે નિયમિત મંદિર, મસ્જીદ, ગુરૂદ્વારા, ચર્ચ કે અન્ય કોઈ દેવાલયમાં જતા હોઈએ છીએ. એવું પણ બને કે આપણે દેવાલય ન જતા હોઈએ પણ ઘરમાં જ ઈષ્ટ દેવ કે દેવીનાં પૂજન-અર્ચન કે છેવટે દીવા બત્તી કરી લેતાં હોઈએ. મહત્વ પધ્ધતિનું નથી, મહત્વ હેતુનું છે.

 
માણસ પ્રભુને લાલસાથી અથવા ભયથી ભજતો હોય છે. લાલસા દુન્યવી પદાર્થોની હોય કે પછી આધ્યાત્મિક ઉન્નતિની હોય, સ્વર્ગની કામના હોય કે પ્રભુને પામવાની મંશા હોય પણ કંઈંક મેળવાની લાલસા જ ભક્તિનું ચાલક બળ (driving force)હોય તે શક્યતા નકારી શકાતી નથી. પરીક્ષામાં પાસ થવું હોય, નોકરી મેળવવી હોય, સારો છોકરો કે છોકરી મેળવવા હોય, વેપારમાં સફળતા, નોકરીમાં પ્રમોશન મેળવવું હોય તો આપણે ભગવાન પાસે દોડીએ છીએ. એક શ્રીફળ, થોડું તેલ, થોડી સામગ્રી, ધજા ચડાવવાની, અમુક કિલો સોનું કે પછી અમુક હજાર કે લાખ મંત્ર જાપની ‘ઓફર’ લઈને પ્રભુ સમક્ષ પહોંચી જઈએ છીએ. આમ લાલચ કે લાલસા આપણને ‘ભક્ત’ બનાવે છે.

 
ભારતીય મનમાં પેઢીઓથી પાપ-પુણ્યની વિભાવનાઓ અત્યંત મજબુતીથી ધરબાયેલી પડી છે. પુણ્ય કરતા રહેવાની અને પાપથી ડરતા રહેવાની મંશા આપણા મનમાં સતત રમતી રહે છે. પાપ ગણાય તેવું કોઈ કાર્ય થઇ જાય તો આપણને રંજ રહ્યા કરે છે. ‘આવું થઇ ગયું’ તેથી મન સતત ચચરે છે. આવાં કાર્યો ન થાય તે માટે પ્રયત્નશીલ રહીએ, જાગૃત પણ રહીએ તો પણ જાણે અજાણે કંઇક નહીં તો કંઇક થઇ જતું હોય છે. આ સંજોગોમાં એક ઈચ્છા એવી પણ રહે છે કે  આપણા પાપ માફ થઇ જાય અગર તેને માટે સજા હળવી થઇ જાય તો કેવું સારૂં? અહીં પણ નજર તો પ્રભુ તરફ જ દોડે છે. જો પ્રભુ રહેમ કરે અગર કોઈ રીતે તેમને ખુશ કરી શકીએ તો આવું શક્ય બને તેમ માનવા આપણે પ્રેરાઈયે છીએ. આમ પાપના ડરથી, બલ્કે પાપની સજાના ડરથી આપણે પ્રભુ ભક્તિ તરફ વળીએ છીએ. ગીતાજીમાં પણ ભગવાન કહે છે કે ‘સર્વ ધર્મો ત્યજીને એક મારા શરણે આવ, હું તને સર્વ પાપોથી છોડાવીશ.’

 
આ ઉપરાંત આપણે દેવી દેવતાઓની દૈવી શક્તિઓથી પણ અભિભૂત થયેલા હોઈએ છે. તેઓ રીઝે તો આપણને ન્યાલ કરી દે અને રૂઠે તો ધનોત પનોત કાઢી નાખે તેવી માન્યતા ધરાવીએ છીએ. સમાજમાં પણ મોટા અને આગળ પડતા લોકોથી આપણે થોડા દબાતા રહીએ છીએ. અહીં પણ લાલચ અને ડરનું ‘કોમ્બો-પેક’ કામ કરે છે. દેવી દેવતાઓ ખુશ થઈને કઈંક આપી દેશે કે નાખુશ  થઇ આપણને નુકશાન કરશે. એ બેમાંથી એક કે બંને ભાવનાઓથી પણ તેઓની ભક્તિ કરીએ છીએ. શુકન અપશુકન, મુરત કે કમુરતાનાં પાયામાં પણ આ ભાવના જ કામ કરે છે.

 
લાલચ કે ડર સિવાય પણ ભક્તિ થતી હોય છે. પ્રભુએ આપણને માનવ બનાવ્યા, ઘણી આવડતો આપી, ઘણી ક્ષમતાઓ આપી, અનેક અનુકુળતાઓ ઉભી કરી આપી. સંસારમાં આપણી ‘ગાડી’ સડસડાટ દોડી રહી છે તે બધું પ્રભુની કૃપાથી થયું છે તેથી આપણને પ્રભુ પ્રત્યે માન-સન્માન કે પ્રેમનો ઉભરો આવ્યો તેથી આપણે પ્રભુને ભજીએ છીએ? આપણને આ બધું મળ્યું તેની કિંમત સમજાઈ છે, પ્રભુએ કેવી કૃપા કરી છે તે સમજાયું છે તેથી કૃતજ્ઞતાના ભાવથી આભાર માનવા, ‘થેંક્યું’ કહેવા આપણે પ્રભુ સમક્ષ જઈએ છીએ?

 
પ્રભુએ જે આપ્યું હોય તેની કિંમત સમજાય જ તેવું જરૂરી નથી. યાદ છે ને પેલો ભક્ત પ્રભુ પાસે ‘આવી ગરમીમાં મારે ખુલ્લા પગે ચાલવું પડે છે’ની ફરિયાદ કરવા ગયો હતો તેને પાછા ફરતાં સામે મળેલા લંગડાને જોયા પછી જ પોતાના બે સાજા સારા પગની કિંમત સમજાઈ હતી?  મહત્વ સમજ્યા વગર કૃતજ્ઞતા આવવી શક્ય નથી. આમ પણ જે અનાયાસે, વગર મહેનતે, વગર માંગે મળી જાય તેની કિંમત ક્યાં કોઈને સમજાય છે ?  આનો મતલબ એ કે આપણા પ્રભુ ભજન, પ્રભુ સેવા, ભગવદ ભક્તિની પાછળ હંમેશાકૃતજ્ઞતાની ભાવના નથી હોતી.

 
કૃતજ્ઞતા અગર આભારની લાગણીથી થતી ભક્તિ સિવાય એક અન્ય પ્રકાર પણ છે. વ્રજની ગોપીઓએ  નિષ્કામ, નિર્બંધ, નિસ્વાર્થ, નિરિહ નેહથી નંદલાલને નવાજ્યા હતા. પ્રેમ ખાતર પ્રેમ કે નિષ્પ્રયોજન પ્રેમનું તે ઉત્તમ ઉદાહરણ છે. કોઈ જ આશા વગર, કશા જ ડર વગર, કંઇક પામવા માટે નહીં પણ પોતાનું સર્વસ્વ નિછાવર કરવા માટે કરાયેલો પ્રેમ અદ્વિતીય, અનોખો અને અનુઠો ગણાય. આથી જ ગોપીને પ્રેમની ધ્વજા કહી છે. મીરાનો પ્રભુ પ્રેમ પણ આવો જ હતો. સુફી ભક્તો પણ આવા જ પ્રેમની ઉત્કટતાથી રબને ભજે છે.

 
માનવ મનની આશાઓ, આકાંક્ષાઓ, અભિલાષાઓ, અપેક્ષાઓ, આશંકાઓ અને અન્ય અનુભૂતિઓને સમજવાનું અસંભવ નહીં તો અત્યંત અઘરૂં તો જરૂર છે કારણ કે તેમાં કેલીડોસ્કોપની જેમ હર પળે જુદી ભાત ઉપસતી રહે છે. તેમ છતાં એ તો નક્કી જ છે કે આપણો પ્રભુ પ્રેમ તદ્દન નિર્ભેળ, તદ્દન નિષ્કામ પ્રેમ નથી તે લાલચ અને ભયના તત્વોની ભેળસેળથી ઓછા વત્તા અંશે પ્રદુષિત થયેલો છે. આપને શું લાગે છે?  ટીકા, ટિપ્પણનું <[email protected] >ઉપર સ્વાગત છે.

 

 

સાભાર : મહેશભાઈ શાહ (વડોદરા)

 

 

© Mahesh Shah 2014

 

 સંપર્ક :

mahesh shah.1

 મહેશ શાહ

જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો, વડોદરા.

મો. +૯૧- ૯૪૨૬૩૪૬૩૬૪/ ૦૨૬૫- ૨૩૩૦૦૮૩

                                    email :   [email protected]

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

‘દાદીમા ની પોટલી’ પર આજની પોસ્ટ પ્રસિદ્ધ કરવાની તક આપવા  બદલ અમો  મહેશભાઈ શાહ (વડોદરા) ના અંતરપૂર્વકથી આભારી છીએ. 

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli