કિરતારની કૃપાની કિંમત …

કિરતારની  કૃપાની કિંમત … 

 

 thank-you014[1]

 

 સ્વામી વિવેકાનંદનું એક અત્યંત જાણીતું વિધાન છે કે ‘જ્યાં તર્કની સીમા પુરી થાય છે ત્યાંથી શ્રધ્ધાની સીમા શરૂ થાય છે.”  આપણી એક શ્રધ્ધાભરી  માન્યતા કહે છે કે.. “સ્વાતિ નક્ષત્રમાં વરસેલું મેઘ બિંદુ વિશિષ્ટ હોય છે. ચાતક પક્ષી માત્ર તેનાથી  જ પોતાની તૃષા-તૃપ્તિ કરે છે.  જો તે સીપમાં પડે તો મોતી બનશે, વાંસમાં જશે તો વંશલોચન બનશે, સર્પના મોમાં જશે તો હળાહળ ઝેર બનશે.”

 
વાદળમાં તો લાખો જળ બિંદુઓ હોય તેમાંથી કયું બિંદુ ક્યાં પડે તે અનિશ્ચિત હોય કે તેની ઉપર કોઈનું નિયંત્રણ હશે ?   શું આ બધું આકસ્મિક જ થતું હશે ?   કયું બિંદુ ક્યાં પડે તે કોણ નક્કી કરતું હશે ? આપને આમાં બીજું કાંઇ હોવાની શક્યતા દેખાય છે ?

 
આપણે પણ બિંદુ સૃષ્ટિ જ છીએ.  આપણો પિંડ બંધાયો તે સ્પર્મ સેલ લાખોમાંથી કોઈ એક હતો.  તેનું ચયન કોણે કર્યું ?  માત્ર આક્સ્મિક્તાના  ખાતે ખતવી દેશું ?   ઉત્તમોત્તમ માનવ તરીકે જન્મ મળ્યો છે. આપણને એમ પણ લાગે છે  કે આપણામાં સમજ, બુદ્ધિ, સામર્થ્ય પણ ભરપુર છે.  આ અનુકુળતાઓ યોગાનુયોગ કે આકસ્મિક હોઈ જ ન શકે.  આપણને જે બધું મળ્યું છે તે પ્રભુની અસીમ કૃપા અને કરુણાનું જ પરિણામ છે.  પ્રભુની સૃષ્ટિમાં કશું જ અણધાર્યું, ઓચિંતું કે અચાનક નથી બનતું.  દરેક ઘટના સહેતુક હોય છે.

 
પ્રભુની અહેતુકી કૃપાના પરિણામે આ બધું મળ્યું છે એ તો થઇ સિક્કાની એક બાજુ.  બીજી બાજુ શું ? તમને શું લાગે છે ?   સ્વાભાવિક  રીતે, બીજી બાજુ એટલે આપણી કૃતજ્ઞતા.  ઋણ-સ્વીકાર ગણો તો તે અને અણમોલ લાભનું નગણ્ય ન્યોછાવર ગણો તો તે. આપણે કિરતારની કલ્પનાતીત કરુણાને  કૃતજ્ઞતાથી ઉજવવાની છે, ઉમંગ-ઉત્સાહથી ઉજાળવાની છે.

 
બીજું કશું નહીં તો પણ આપણને જે મળ્યું છે તેનો આભાર જરૂર માનીએ.  દિવસમાં અનેક વાર ઘણાં બધાને  ‘થેન્ક્યુ  યુ, હોં’ કહેતા ફરીએ છીએ, ક્યારેક પ્રભુને પણ ભલે  ‘થેન્ક્યુ  યુ’  કહેવાઈ જાય !   પ્રભુ સમક્ષ લાલચથી કે ડર/ભયથી જ જવાનું છોડીને ક્યારેક કૃતજ્ઞતાથી પણ જઈએ.  પૂર્ણ પ્રેમ અને પૂરી સચ્ચાઈથી પ્રભુનો આભાર માનીએ.

 
કોઈ કહેશે આપણે તો પામર જીવો છીએ, પ્રભુની કરૂણાની કિંમત કરનારા આપણે કોણ ?   એ બધી આપણા ગજા બહારની વાત છે, આપણે કરી પણ શું શકીએ ?   ના,  એમ પાણીમાં બેસી જવાનું ન ચાલે.  કંઈ ન કરી શકીએ તો પણ ‘હું માનવી માનવ થાઉં તો પણ ઘણું’ એ યાદ કરી યથાશક્તિ અમલમાં તો મૂકી જ શકીએ.  સલમાનખાન ‘being human’ કહે છે તેમ કરીએ.

 
કરવું જ હોય તો ઘણું થઇ શકે.  જો મન હોય તો માળવે જવાય.  આપણે દૃઢ નિર્ણય કરીએ તો પ્રભુની કૃપાથી અનેક અનુકુળતાઓ આપોઆપ આવી મળવાની છે.  વંચિતોને કે આપણાં કરતાં ઓછું પામેલાને તન, મન, ધનથી ઉપયોગી થઇ શકાય.  માગે તેને સલાહ, સુચન, માર્ગદર્શન આપી શકીએ. જરુરતમંદને આશ્વાસન, સધિયારો આપી શકીએ.  બીજું કંઈ ન આપવું હોય તો પણ એક હુફાળું સ્મિત તો જરૂર આપી શકીએ.  આમ કરીને આપણે પ્રભુને ‘થેંક યુ’ કહી શકીએ.

 
હવે રાહ નથી જોવી. આવો આજથી જ બલ્કે અત્યારથી જ મક્કમ મનોબળ સાથે શરૂઆત કરી જ દઈએ. સારી શરૂઆત કરીશું તો સિદ્ધિ જરૂર મળશે  જ.  હા, આરંભે શુરા ન થઈએ તો !

 

જો આપણે આવું કરી શકીશું તો આ બિંદુને માનવ-મોતી બનાવવાની કિરતારની કરૂણા એળે નહીં જાય.  આપણે કૃતઘ્નતાના દોષથી બચીશું.

 

સાભાર : મહેશભાઈ શાહ (વડોદરા)

 

 

© Mahesh Shah 2014

 

 સંપર્ક :

mahesh shah.1

 મહેશ શાહ

જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો, વડોદરા.

મો. +૯૧- ૯૪૨૬૩૪૬૩૬૪/ ૦૨૬૫- ૨૩૩૦૦૮૩

                                    email :   [email protected]

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

‘દાદીમા ની પોટલી’ પર આજની પોસ્ટ પ્રસિદ્ધ કરવાની તક આપવા  બદલ અમો  મહેશભાઈ શાહ (વડોદરા) ના અંતરપૂર્વકથી આભારી છીએ. 

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.