૧] સત્યનિષ્ઠા … (ટૂંકીવાર્તાઓ – પ્રેરક કથાઓ …) ….

૧]  સત્યનિષ્ઠા …  (ટૂંકીવાર્તાઓ – પ્રેરક કથાઓ …)   ….

 

 

 
INDIAN COIN

 

 

દરેક માનવ ઈચ્છા તો કરે છે, પણ એણે ઈચ્છાશક્તિને કેળવીને એને પ્રબળ બનાવવી જોઈએ.  આ પ્રબળ ઇચ્છાશક્તિ એ માનવમનનું સૌથી અગત્યનું પ્રગટીકરણ છે.  સત્યમાં પરમ નિષ્ટા ધરાવનાર માનવની ઇચ્છાશક્તિ પ્રબળ હોય છે.  એટલે માનવીએ હંમેશાં સત્ય બોલવું જોઈએ, પણ સત્યવાદી રહેવું સરળ નથી, એ ખાંડાની ધાર પર ચાલવા જેવું કપરું છે.  અસત્યને પણ આપણે માપવું જોઈએ.  દિવસમાં કેટલીવાર તમે ખોટું બોલો છો તે શોધી કાઢવું ઘણું રસપ્રદ બની રહેશે.  આ વસ્તુ જાણી લો પછી તમને સમજાય છે કે સત્યનો જ જય થાય છે, એવી સંકલ્પના ન હોવાથી તમે ખોટું બોલો છો.  તમારી અસત્યાતાને છુપાવવા તમે ઘણી વખત પ્રયત્ન કરો છો.  પરિણામે એક વખત કંઈક ઢાંકવા ખોટું બોલો તો અનેકવાર ખોટું બોલવાના જ,  અને અંતે તમને આ વાતનો ખ્યાલ આવે એટલે તમારી જાતને ધિક્કારવાના.

 

મહાત્મા ગાંધીએ બ્રિટીશરો પર વિજય મેળવ્યો તે યુદ્ધથી નહીં પણ શાંતિ અને સત્યથી.  તેમની ઇચ્છાશક્તિ પ્રબળ હતી.  તેઓ પોતાના લક્ષ્યની પ્રાપ્તિ કરશે તેવી તેમનામાં આત્મશ્રદ્ધા હતી.  મનની આ શક્તિનું રહસ્ય શું છે ?  એ છે સત્યનિષ્ઠા.  જીવન એટલે સત્યના પ્રયોગો.

 

આપણા દેશનો મુદ્રાલેખ છે – ‘સત્યમેવ જયતે’.  સેંટ જહોન બાઈબલમાં કહે છે, ‘સત્ય તને મુક્ત બનાવશે’  આપણા ઋષિઓએ આવું અભયવચન આપ્યું છે.  સત્ય ક્યારેય નિષ્ફળ જતું નથી.  તે અંતે તમારું રક્ષણ કરે છે અને એના દ્વારા તમને સર્વનો આદર મળે છે.

 

(સ્વામી રાઘવેશાનંદ કૃત – વેલ્યૂ ઓરિએન્ટેડ મોરલ લેસન્સ – મૂલ્યથી નૈતિક બોધકથા – ૪ માંથી)
 
(રા.જ.૧૧-૧૨/૨૪(૩૪૬)

 

 

૨]  ખોટો સિક્કો …

 

રામ અને ભીમ એક જ ગામમાં રહેતા હતાં અને ખૂબ પાકા મિત્રો હતા.  તેઓ પાટનગરની શાહી ન્યાયાલયમાં પાસ પાસે જ બેસતા હતા.  તેઓ એકવાર એક જંગલમાંથી પસાર થઇ રહ્યા હત્યા ત્યારે તેમને એક સોનાનો સિક્કો નીચે પડેલો મળ્યો.  બંને તે ઉપાડવા માટે એક સાથે પહોંચ્યા.

 

તે સિક્કો કોણ રાખે તેના પર બંને વાડ કરવા લાગ્યા, જો કે બંનેનું ચાલવાનું શરૂ હતું.  જંગલ પૂરું થાય ત્યાં એક મંદિર હતું.  ત્યાં એક ઘરડો પૂજારી રહેતો હતો.  ‘ઝઘડો કઈ વાતનો  છે ?’  તેમણે પૂછ્યું. મિત્રોએ બધી હકીકત કહી સંભળાવી.  પૂજારીએ સિક્કો લીધો.  તેને ઝીણવટથી તપાસ્યો અને હસ્યો.  ‘આ કોઈ અસલી સિક્કો નથી.  આ તો નકલી છે, તેની તો કંઈ કિંમત જ નથી.  શું તમે આ નકલી સિક્કા માટે તમારી મૈત્રી ભૂલી ગયા ?  તમે તો એવી રીતે વર્તવા લાગ્યા જાણે જાણે તમે એકબીજાના દુશ્મન હો.  પૈસો એ બધાં દુર્ગુણોનું મૂળ છે.’  એમ કહીને તે પૂજારીએ સિક્કો મંદિરની દાનપેટીમાં નાંખી દીધો.

 

બંને મિત્રોએ શરમથી માથું ઝુકાવી લીધું.  ‘તે ખોટા સિક્કાને ભગવાનની દાનપેટીમાં નાખવો એ ભગવાનના વિરુદ્ધ ગુનો નથી ?  મિત્રોએ પૂછ્યું.

 

પૂજારી શાંતિથી હસતાં હસતાં ફરી બોલ્યા, એકદમ બરાબર.  તે ખરેખર સાચો સોનાનો હતો.  કોઈપણ વસ્તુ જે બે માણસો વચ્ચે ખરાબ ભાવનાઓને જન્માવે તે ખોટા સિક્કા જેવી જ કહેવાય ને ?  પછી ભલે તે કેટલીય કિંમતી હોય.  માણસની માણસ સાથેની સગાઇ એ સૌથી કિંમતી વસ્તુ છે.’  તેણે બન્નેને આશીર્વાદ આપ્યા અને તેઓને તેમના રસ્તે મોકલ્યા.

 

 

  • જી. જહોન કેનેડી

૩]   પોતાના વિદ્યાર્થીઓને પાયથાગોરસની શીખ

 

સર્વકાલીન અને સર્વોત્તમ શિક્ષક પાયથાગોરસ એવો આગ્રહ રાખતા કે તેમના શિષ્યોએ સૂતા પહેલાં પોતાની જાતને નિમ્નલિખિત પ્રશ્નો પૂછવા જોઈએ :

 

‘આજે મારા અભ્યાસમાં મને કેટલી સફળતા મળી ?  *  હું વધારે અભ્યાસ કરી શક્યો હોત ખરો ?  *  હું વધારે સારો અભ્યાસ કરી શક્યો હોત ખરો ?  *  મેં કોઈ વસ્તુની ઉપેક્ષા કરી છે ખરી ?  પાયથાગોરસના શિષ્યો પોતાની વિદ્વતાને લીધે શા માટે જાણીતા થયા, તેની આ સમજૂતી છે.

 

 
(રા.જ.૧૧-૧૨/૩૨(૩૫૪)

 

 

૪]  ડૉ. શ્રુઝ

 

જર્મનીના ફ્રેન્કફર્ટ શહેરમાં એક મોટું પુસ્તકાલય છે.  આ પુસ્તકાલયમાં પુસ્તકોની વચ્ચે એક ઋષિતુલ્ય માનવ ગહનચિંતનમાં બેઠા છે.  ત્રીસ હજાર પુસ્તકોનો સંગ્રહ એમનો પોતાનો છે.  મોટા ભાગનાં પુસ્તકો ભાષાશાસ્ત્રનાં છે.  તેઓ એક-બે કે પચ્ચીસ નહિ પરંતુ ૩૦૦ ભાષા જાણે છે.  તેઓ એ ભાષામાં માત્ર લખી વાંચી જાણે છે એટલું જ નહિ પણ પરંતુ સ્પષ્ટ ઉચ્ચારણ સાથે બોલી પણ શકે છે.  આ  કોઈ વાર્તા કે કલ્પનાકથા નથી, પરંતુ સત્ય છે.  એ સજ્જનનું નામ છે, હેરોલ્ડ શ્રુઝ.  તેઓ માત્ર બહુભાષી વિદ્વાન હતા એટલું જ નહિ પરંતુ પોતાની ભાષાના એક વિશિષ્ટ કવિ પણ હતા.

 

જ્યારે એમને કોઈકે પૂછ્યું કે આટલી બધી ભાષાઓ તમે કેવી રીતે શીખ્યા ?  તેમણે હસતાં હસતાં બસ આટલું જ કહ્યું : ‘કોઈ પણ ભાષામાં નિપુણ બનવા માટે ત્રણ વસ્તુની આવશ્યકતા છે :  એક શીખવાની તથા જાણવાની તીવ્ર ઈચ્છા ;  બીજી શીખવામાં અદમ્યનિષ્ઠા અને અધ્યવસાય; અને ત્રીજી વસ્તુ છે, સુઅવસરની પ્રાપ્તિ.

 

શીખવાની ઈચ્છા તો મારામાં બાળપણથી જ હતી.  પાછળથી અવસર મળતાં મેં ઉત્સાહ સાથે અને એકાગ્રચિત્ત બનીને શીખવાનો પ્રયાસ કર્યો.  મને સફળતા મળી.’  તેઓ ૩૦૦ ભાષાઓ શીખ્યા, અને આપણે?   આપણે એક પણ ભાષા બરાબર શીખી શકતા નથી.  આવું કેમ ?  આપણી ભીતર શીખવાની પેલી તીવ્ર ઈચ્છા નથી.  આપણે શીખવા માગતા નથી.  અબ્રાહમ લિંકનને વકીલ બનવાની તીવ્ર આકાંક્ષા હતી.  એક વાર બ્લેકસ્ટોનનાં પુસ્તકો લાવવા માટે તેઓ ૬૪ કી.મી. પગે ચાલીને ગયા હતા !

 

 

૫]   દરેક પુરુષને, દરેક સ્ત્રીને, સર્વ કોઈને ઈશ્વર રૂપે જુઓ.  આટલી તપશ્ચર્યા પછી હું ખરું સત્ય આ સમજ્યો છું કે દરેક જીવમાં ઈશ્વર છે;  જીવમાં રહેલા આ ઈશ્વર સિવાય બીજો કોઈ ઈશ્વર નથી.  ‘જે જીવની સેવા કરે છે તે જ ઈશ્વરની સેવા કરે છે.’   જો તમે તમારા માનવબંધુને, વ્યક્ત ઈશ્વરને પૂજી  ન શકો તો જે અવ્યક્ત છે, તેની તો કેવી રીતે ઉપાસના કરવાના છો ?

 

ઈશ્વરની ઉપાસના કરવા તમે ભલે મંદિર બાંધો અને એ સારું પણ હોય;  પરંતુ એથીય વધુ સારું, વધુ ઉચ્ચ મંદિર ક્યારનુંય વિદ્યમાન છે.

 

  • સ્વામી વિવેકાનંદ

 

 

(રા.જ.૧૧-૧૨/૩૬(૩૫૮)

 

 

૬]  સત્યમેવ જયતે

 

એક વખત એક રાજા રાજ્યની જેલમાં રહેલ કેદીઓમાંથી એક એકની ચકાસણી કરતાં હતા.  એમાંથી એક કેદીને એમણે પૂછ્યું, ભાઈ, તેં કયો અપરાધ કર્યો છે ?  કેદીએ જવાબ આપ્યો, ‘મહારાજ, મેં તો કોઈ ગુનો કર્યો નથી.  પણ મને બધાએ ફસાવીને આવી ખોટી સજા કરી છે.  એમાં ક્યાંય મારો વાંક નથી !’

 

વળી બીજા કેદીને પૂછ્યું, ભાઈ, તેં કયો અપરાધ કર્યો છે ?’  એટલે એણે હળવેકથી કહ્યું, ‘મહારાજ, હું તો સાવ નિર્દોષ છું, મેં કોઈ ગુન્હો કર્યો જ નથી, પણ મારી વિરુદ્ધ ખોટા સાક્ષીઓ ઊભાં કરીને આવી સજા મને કરાવી છે.’

 

ત્રીજા કેદીને પણ રાજાએ આવો જ પ્રશ્ન પૂછ્યો.  કેદીએ વિનમ્રતાથી એનો પ્રત્યુત્તર વાળતાં કહ્યું,  ‘મહારાજ, આવો અપરાધ શહેરમાં થયો ત્યારે હું શહેરમાં જ ન હતો !’  આમ દરેક પોતે નિર્દોષ હોવાની વાત કરી.  અંતે એમાંથી એક આવ્યો અને કહ્યું, ‘મહારાજ, ચોરી તો મેં કરી છે.  મને ખૂબ ભૂખ લાગી હતી અને ભોજન ખરીદવા મારે પૈસાની જરૂર હતી.  હું પકડાયો અને મને લાગે છે કે એ મને સાચી સજા કરી છે!’

 

રાજાને એ જાણીને આનંદ થયો કે આટલા કેદીઓમાંથી એકાદ એવો માણસ નીકળ્યો કે જેણે પોતાની સાચી વાત કરી.  એની પ્રમાણિકતા અને સત્યનિષ્ઠા જોઈને રાજાને એના પ્રત્યે સહાનુભૂતિ થઇ.  થોડી વાર વિચાર કરીને મોટા અવાજે આ શબ્દો ઉચાર્યા, ‘મને લાગે છે કે આ બધાં નિર્દોષ લોકોની સંગાથે રહીને તું વધારે બગડ્યો છે.  એટલે તને કોઈ બીજી અલગ જ જગ્યાએ મૂકવો જોઈએ !’

 

આમ કહીને રાજાએ એ સાચું બોલનાર પ્રમાણિક કેદીને માફી આપી અને જેલમાંથી છોડી મૂક્યો.

 

સ્વામી વિવેકાનંદનાં માતાએ એક વખત નાના નરેન્દ્દ્રને શિખામણ આપતાં કહ્યું હ્ત્ય, ‘બેટા ગમે તે પરિસ્થિતિમાં હંમેશાં સત્યને વળગી રહેજે.  સત્યથી અળગો ન થતો.

 

 

(સ્વામી રાઘવેશાનંદ કૃત – વેલ્યૂ ઓરિએન્ટેડ મોરલ લેસન્સ – મૂલ્યથી નૈતિક બોધકથા – ૪ માંથી)
 

 

 

(રા.જ.૧૧-૧૨/૩૮(૩૬૦)

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 

 બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli