આધ્યાત્મિક અનુભૂતિ શા માટે આવશ્યક છે ? …

અતિચેતન અનુભૂતિનું લક્ષ્ય ….

  • સ્વામી યતિશ્વરાનંદ

 

 

 

આધ્યાત્મિક અનુભૂતિ શા માટે આવશ્યક છે ? …

 

 
quote.1
 

 

જ્યારે આપણે પોતાની ભીતરના ઊંડાણથી અવલોકન કરીએ છીએ ત્યારે એ જાણીને આશ્ચર્ય થાય છે કે આપણે પોતે પોતાની જાતથી જેમાં વસીએ છીએ એવા આ જગતથી તેમજ આપણા સંપર્કસંબંધમાં આવનારા લોકોથી અત્યંત અસંતુષ્ટ છીએ.  આ અસંતોષ તણાવ અને દ્વન્દ્વ્ ઊભાં કરે છે.  આ બધાં આજના જગતમાં વધતાં જાય છે.  અસ્વભાવિક તણાવ અને દ્વન્દ્વ્ મન અને દેહને રોગી બનાવે છે.  આપણા બાહ્ય જીવનની સ્થિતમાંથી કોઈ પણ કારણે ઉત્પન્ન થયેલ અસંતોષ અંતર્દ્વન્દ્વ્ ઊભાં કરે છે અને એને પરિણામે દેહ તથા મન અસ્વસ્થ બની જાય છે.  એ વખતે આપણું જીવન નિરર્થક અને લક્ષ્યવિહોણું લાગે છે.  એટલું જ્ નહિ પણ જ્યારે આપણે પોતાનાથી અસંતુષ્ટ બનીએ છીએ ત્યારે બીજામાં શાંતિને બદલે અશાંતિ ઊભી કરીએ છીએ.  શારીરિક રોગોની જેમ માનસિક રોગ પણ ચેપી બની શકે છે.

 

સંભવત: આપણને ઉચિત કાર્ય મળી રહે, પણ આપણો ભાવ એમનાં પ્રત્યે બરાબર ન્ હોય, આવી સ્થિતમાં આપણે પોતાના કર્મ પ્રત્યે નવા દ્રષ્ટિકોણનો વિકાસ કરવો જોઈએ.  અથવા સમ્ભવત આપણે એવાં કાર્ય કરતા હોઈએ કે જેમાં આપણી વિશેષ ક્ષમતાઓનો સદુપયોગ ન થતો હોય ત્યારે આપણે હતાશ બની જઈએ છીએ.  આ નિરાશા વિચિત્ર અને મોટે ભાગે હાનિકારક આચરણને ઊભું કરે છે.  કદાચ આપણે બીજા પર વધારે આશ્રિત છીએ કે પછી આપણે પોતાની ચારે બાજુએ શત્રુઓની કલ્પના કરીએ છીએ અને એ કાલ્પનિક શત્રુઓ સાથે લડવામાં પોતાની શકિત વાપરી નાખીએ છીએ અને કલ્પના-જગતમાં રહેવા માંડીએ છીએ.  માનસિક રોગોનું સૌથી ખરાબ લક્ષણ છે- પોતાની જાતને તિરસ્કારવી અને જ્યારે દેખાય છે ત્યારે જીવન  અત્યંત દુઃખદાયી બની જાય છે.

 

હવે આનો ઉપાય શો ?  આ બધી સમસ્યાઓ વિશે શું કરવું જોઈએ?

 

સુબુધ્ધિવાળા મનોવૈજ્ઞાનિકો કહે છે કે સુચારુ જીવનયાપન માટેના કોઈ લક્ષ્યનું નિર્ધારણ કરતા પહેલાં આપનામાં પોતાના સ્વભાવ વિશેની ઊંડી સમજ હોવી જોઈએ.  પોતાના પ્રત્યેની માન્યતાને બદલવાથી આપણે પોતાની જાતને પરિવર્તિત કરી શકીએ છીએ અને આ નવો દ્રષ્ટિકોણ સ્વભાવિક રૂપે આપણી ઊર્જાઓને નવી દિશા આપતાં પહેલાં જ્ ઊભો થઇ શકે છે.  આપણા વિશેના દ્રષ્ટિકોણમાં પરિવર્તન કેવી રીતે કરવું ?

 

મનોવિજ્ઞાનીકો કહે છે કે માનોવિશ્લેષ્ણ દ્વારા આ કરી શકાય.  આપણે મનોવૈજ્ઞાનિકો દ્વારા પોતાનું પરીક્ષણ કરાવવું જોઈએ.  એ ચતુરાઈથી પ્રશ્નો દ્વારા આપણા વ્યક્તિત્વના ઊંડાણને શોધવાનો, આપણી છુપાયેલી મનોગ્રંથિઓને પ્રગટ કરવાનો પ્રયત્ન કરે છે.  સાથે ને સાથે આપણામાં ગડબડ ક્યાં છે એ પણ બતાવી દે છે.  સિદ્ધાંત: આ પદ્ધતિ ઠીક લાગે છે અને ઘણા લોકોને આવા મનોવિશ્લેષણથી ખરેખર થોડો ફાયદો પણ થાય છે.  આમ છતાં પણ એની સીમા એ વાતમાં છે કે મનોવૈજ્ઞાનિક બીજા વિશેના જ્ઞાન માટે એની આ જાણકારી સામાન્ય રીતે ઘણી ઓછી હોય છે.

 

પોતાનાં બધાં સંશોધનો સાથે પણ પાશ્ચાત્ય મનોવૈજ્ઞાનિકો માનવના સ્વરૂપની ગહનતાને સમજવામાં સફળ રહ્યા નથી.  આ વાતની એમણે નિ:સંદેહ જાણકારી મેળવી છે કે માનવનું ચેતનમન એક અધિક વિશાળ અચેતન મન દ્વારા નિયંત્રિત થાય છે અને ચેતન તથા અચેતન મનની ગતિવિધિઓમાં કેટલીયે વાર મેળ ખાતો નથી.  ચેતન મનમાં ઉચ્ચ પ્રેરણાઓ હોય છે. પરંતુ અચેતન મન નિમ્નતર વાસનાઓથી પૂર્ણ હોઈ શકે.  અચેતન પ્રેરણાઓ ચેતન ચિંતન અને ક્રિયાઓની વિરોધી હોઈ શકે છે.  પરંતુ પાશ્ચાત્ય મનોવૈજ્ઞાનિક ચેતન અને અચેતન મનની વચ્ચે સમરસતા સ્થાપિત કરવાના ઉપાયો શોધવામાં નિષ્ફળ રહ્યા છે.  મોટા ભાગના વૈજ્ઞાનિકો પોતાના રોગીઓને અચેતન મનની આવશ્યકતાઓને પૂરી કરવાની સલાહ આપે છે.  કેટલાક લોકોમાં આને લીધે માનસિક તણાવ દૂર થઇ શકે છે.  પણ એ સ્થાયી નથી હોતું; ઊલટાનું વધારે નુકશાનકારક પણ નીવડી શકે છે.

 

અહીં હિંદુ યોગપદ્ધતિની ઉપયોગીતા છે.  યોગનો પ્રારંભ સર્વ પ્રથમ અચેતન મનને શુધ્ધ કરીને તેને ચેતન મનની સાથે સમરસ બનાવવાથી થાય છે.  આ કોઈ કૃત્રિમ કે બનાવટી શુદ્ધિકરણ નથી.  પવિત્રતા આપણું વાસ્તવિક સ્વરૂપ છે.  એ માનવના આત્માનું સાચું સ્વરૂપ છે.  હિંદુધર્મે ઘણા કાળ પહેલાં માનવના વ્યક્તિત્વના ઉચ્ચતર આયામ અર્થાત્ અતિચેતન અવસ્થાની ભાળ કાઢી હતી.  અતિચેતન અવસ્થા આપણને પોતાના વાસ્તવિક મહાન આત્માનું જ્ઞાન આપે છે. તે પરમાત્માના પ્રકાશને પ્રતિબિંબિત કરે છે.  એ પ્રકાશ દ્વારા આપણા અચેતન મનના અંધકારમય કક્ષોને પ્રકાશિત કરવા જોઈએ, ત્યારે અચેતન મન શુધ્ધ બને છે, ત્યારે એ ચેતન મન અને તેની આકાંક્ષાઓ સાથે સહયોગ કરે છે.  એટલે અંતર્દ્વન્દ્વ સંઘર્ષ અને માનસિક તણાવ દૂર થઇ જાય છે.  તેથી અતિચેતનની ખોજ આંતરિક શાંતિ અને સામંજસ્ય પ્રાપ્ત કરવા માટે સૌથી વધારે મહત્વપૂર્ણ છે.  અતિચેતન અવસ્થાની શોધ એ પ્રથમ આધ્યાત્મિક અનુભૂતિ છે.  એ જ્ ચેતન અને અચેતનની વચ્ચે સમરસતા ઊભી કરે છે.  આપણને પૂર્ણ વ્યક્તિત્વની, પૂર્ણ સ્વરૂપની પુન: પ્રાપ્તિ થાય છે.

 

આધ્યાત્મિક અનુભૂતિ આપણને અતિચેતન અવસ્થાનું જ્ઞાન જ્ આપે છે એવું નથી; પરંતુ તે આપણા અચેતન મનની સમસ્યાઓને ઉકેલી  નાંખે છે.  આપણી કેટલીક સમસ્યાઓ અચેતન મનમાં છુપાયેલી ગ્રંથિઓની કારણે ઊભી થાય છે.  કેટલાક લોકોમાં અને એમાંય ખાસ કરીને યૌવનના પ્રારંભકાળમાં કામ સંઘર્ષનું કારણ બની શકે છે.  પરંતુ માનવના જીવનમાં એની ભૂમિકાને વધુ મહત્વ આપવું નિશ્ચિત રૂપે ખોટું છે, આવું ફ્રોઇડે કર્યું હતું.

 

બીજા પર પ્રભુત્વ સ્થાપિત કરવાની માનવની પ્રબળ પ્રકૃતિ કેટલાક લોકોમાં આ દ્વન્દ્વોનું કારણ બની શકે છે.  પરંતુ તેની ભૂમિકાને વધુ પડતું મહત્વ આપીને એ માનવની બધી સમસ્યાઓ માટે દોષી ઠરાવવા જેમ ડૉ. હેડલરે પોતાના મનોવૈજ્ઞાનિક દર્શનમાં કર્યું છે તે અવશ્ય ખોટું જ્ છે.  કહેવાતા ભૌતિકવાદી પશ્ચિમના દેશોમાં લાંબા સમય સુધીના રોકાણ વખતે મારી એવા અનેક લોકો સાથે મુલાકાત થઇ કે જે આધ્યાત્મિક દ્રષ્ટિની ભૂખવાળા હતા.  એમની સમસ્યાઓ મોટે ભાગે આધ્યાત્મિક હતી.  એમાંથી અનેક સામાન્ય જીવનમાં સુખો અને સંઘબદ્ધ ધર્મની રૂઢિવાદી વાતોથી અસંતુષ્ટ હતા.  તેઓ ઉચ્ચતર અનુભૂતિ, ઉચ્ચતર જીવનપદ્ધતિને શોધી રહ્યા હતા.

 

મનોવૈજ્ઞાનિક ડૉ. કાર્લ યુંગ માનવની આધ્યાત્મિક આવશ્યકતાઓને સમજાવનારા સૌથી પહેલી વ્યક્તિઓમાંના એક હતા.  તેમણે દર્શાવ્યું કે આધુનિક માનવ આત્માની ખોજમાં લાગ્યો રહેલ છે..  પરંતુ એમની રચનાઓમાંથી આટલું સ્પષ્ટપણે જાણવા મળે છે કે સ્વયં ડૉ. યુંગે પોતાના આત્માને ઓળખ્યો ન હતો.  હું એમને સ્વિટર્ઝ્લેન્ડમાં મળ્યો અને મેં પોતાનાં કેટલાક પુસ્તકો ભેટ આપ્યાં હતાં.  એમણે મને અચેતન મન વિશે વાતો કરી.  એમણે કહ્યું કે હિંદુઓ જેને અચેતનાવસ્થા કહે છે તે અચેતનની અંતર્ગત છે.  આ એક અજબનો સિદ્ધાંત છે.  વસ્તુત: હકીકત તો સાવ ઊલટી છે.  સામાન્ય રીતે આપણે વિચારીએ છીએ કે દેહ બધાથી બાહ્ય વસ્તુ છે, મન એની ભીતર છે અને આત્મા તો અંતરત્મ છે.  આપણે આ ક્રમને પલટાવી દેવો જોઈએ.  આત્મા અનંત સર્વવ્યાપી ચૈતન્ય છે, મન એની ભીતર છે એનીયે અંદર છે સ્થૂળદેહ.  તે સિમિત તેમજ સૌથી ઓછો વ્યાપક છે.  અતિચેતન અત્યારે પણ આપણા માટે અજ્ઞાત છે, એનો અર્થ એ નથી કે તે મનોવૈજ્ઞાનિકોનું અચેતન મન છે.  સાધના દ્વારા તેની પ્રાપ્તિ કરી શકાય છે, તે શાંતિ અને આનંદનું સ્ત્રોત છે.  સૌથી મોટી વાત એ છે કે માનવને પૂર્ણતા અને પરમની ઉપલબ્ધિ એ જ અર્પે છે.

 

ડૉ. યુંગ માનવોને અંતર્મુખી અને બહિર્મુખી એ બે શ્રેણીઓમાં વહેંચવા માટે વિખ્યાત છે.  અંતર્મુખી વ્યક્તિ આત્મનિંદા કરે છે અને બેઠો બેઠો વિચાર્યા કરે છે; મોટા ભાગના પોતાના મનના જ્ વૈયકિતક જગતમાં જીવે છે.  બહિર્મુખી વ્યક્તિ બાહ્ય વ્યવહારિક જગતમાં પ્રવૃત રહે છે.  એને માટે બાહ્યજગતનું કર્મક્ષેત્ર સાચું અને વાસ્તવિક હોય છે.  આ બંને પ્રકારના માણસો એકબીજાથી સાવ ભિન્ન તો નથી.  આપણે પોતાની ભીતર આ બંનેને જોઈ શકીએ છીએ.  વેદાંતમાં કર્મયોગી, ભક્ત, અને જ્ઞાનીની વાત કહી છે.  પરંતુ આ વિભાજન જળ-અભેદ્ય કે પૂર્ણ નથી.  આપણા બધામાં આ બધા અંશો વિદ્યમાન છે.  આપણે પોતાની વિભિન્ન પ્રવૃત્તિઓમાં સામંજસ્ય લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.  તાલીમ દ્વારા આપણે પોતાના સ્વભાવમાં રહેલ આ બંનેથી પર જઈ શકીએ છીએ.  આ રીતે આપણે ક્રમ કરી શકીએ છીએ, ચિંતન અને કર્મમાં વિચારશીલ અને યુક્તિપૂર્ણ બની શકીએ છીએ.  પરંતુ એને માટે સંયોજક શક્તિના રૂપે તીવ્ર આધ્યાત્મિક પીપાસા હોવી જોઈએ.

 

‘માનસિક તણાવથી મુક્ત’  – ‘રિલીઝ ફોર્મ નર્વસ ટેન્સન’ નામના એક પુસ્તકમાં એના લેખક ડૉ. ડેવિડ હેરોલ્ડ ફિંક તણાવને દૂર કરવાનો એક સકારત્મક ઉપાય બતાવે છે.  તેઓ કહે છે કે પહેલાં માથું અને ગરદન, ત્યાર પછી ઘૂંટણ અને પગ, છાતી, હાથ, આંખની પાંપણો વગેરે શરીરના બધાં અવયવોને ઢીલા કરતાં જાઓ; ટુકડે ટુકડે કરેલ આ તણાવને દૂર કરવાના પ્રયાસથી થોડોઘણો લાભ તો મળે જ્ છે.  પરંતુ આપણા આચાર્યો આપણને દર્શાવે છે કે આત્મવિશ્લેષણ અને ધ્યાન દ્વારા આપણે પોતાના સમગ્ર વ્યક્તિત્વ પર નિયંત્રણ રાખવાનું શીખી શકીએ છીએ.  પોતાના અંગોને એક પછી એક શિથિલ કરવાની સરખામણીમાં માનસિક તણાવને દૂર કરવાનો આ કંઈક વધુ પ્રભાવશાળી અને દીર્ધસ્થાયી ઉપાય છે.

 

જ્યારે આપણે ઉચિત પ્રશિક્ષણ દ્વારા મનને કાબૂમાં રાખીને આધ્યાત્મિક અનુભૂતિ કરી શકીએ છીએ ત્યારે એક એક અંગથી પોતાને કષ્ટપૂર્વક મુક્ત કરવાની કઈ આવશ્યકતા ?  વળી આ પદ્ધતિ શું એક જ્ વખતમાં આપણને તણાવથી મુક્ત કરી દેશે ખરી ?

 

મને એક લોભિયાની વાર્તા યાદ આવે છે.  એ લોભિયો મોતની પથારીમાં પડ્યો હતો.  એક પાદરી એની ‘ત્રાણ’ એટલે કે મુક્તિ કરવા આવ્યો હતો.  એ વ્યક્તિ લોભી હોવાને લીધે પાદરીએ નિર્ણય કર્યો કે તે એક એક અંગની મુક્તિ કરશે અને પ્રત્યેક રક્ષિત અંગ માટે પૈસા વસુલ કરશે.  અંતે જ્યારે એ પાદરી એ માંસના જમણા પગ સુધી પહોંચ્યો ત્યારે પાદરીએ વિચાર્યું : ‘હવે આની પાસેથી હું મોટી રકમ વસુલ કરીશ.  કારણ કે એના પછી તો એ મારા હાથમાંથી નીકળી જશે.’  એટલે એણે પેલા લોભિયાને ઊંચા અવાજે કહ્યું :  ‘હવે હું તારા જમણા પગ માટે એક મોટી રકમની માગણી કરવાનો છું.’  લોભિયો બરાબર હિસાબી બુદ્ધિવાળો હતો, એટલે મરણાસન્ન બનેલ એણે પોતાની બધી શક્તિ એકઠી કરીને કહ્યું :  ‘પણ પાદરીજી, એતો લાકડાનો પગ છે.’  ધર્માચાર્યો માનવના એકએક અંગની રક્ષા માટે ભલે ને ગમે તે કહે પણ સાચા આધ્યાત્મિક આચાર્ય પાસે મુક્તિનો એક ઘણો પ્રભાવશાળી ઉપાય છે.  પરમાત્માની સાક્ષાત અનુભૂતિ કરીને આત્માની મુક્તિનો આ આદર્શ જ્ એ ઉપાય છે.  આધ્યાત્મિક અનુભૂતિ સમગ્ર વ્યક્તિત્વનું પરિવર્તન કરી દે છે.  ગહનશાંતિ અને આનંદથી આત્મા પૂર્ણ બની જાય છે અને શરીર-મન સંપૂર્ણ રીતે તણાવરહિત થઇ જાય છે.

 

 

(રા.જ. ૦૨-૧૧/(૧૨-૧૪/૪૯૬-૯૮)

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 

 બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli