જેમણે મિલ માલિકની દીકરીને ટયૂશન આપવાની ના પાડી દીધી …

જેમણે મિલ માલિકની દીકરીને ટયૂશન આપવાની ના પાડી દીધી  … (કભીકભી) …

 

 

આજે એક શિક્ષકની વાત. એમનું નામઃ નાનકરામ ચત્રભુજ શર્મા. રાજસ્થાનના બાડમેર ખાતે તા. ૧૩-૧૨-૧૯૨૭ના રોજ બ્રાહ્મણકુળમાં તેમનો જન્મ થયો. પિતાને અમદાવાદ ખાતે અસારવા બેઠકમાં પૂજારીની નોકરી મળતાં પરિવાર અમદાવાદ આવ્યું. ઘરમાં લાઈટ ના હોઈ રસ્તા પર લાઈટના થાંભલા નીચે બેસી અભ્યાસ કર્યો. બી.એ., બી.એડ્. કર્યા બાદ અમદાવાદની રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે નોકરી મળી. સ્કૂલમાં બધા તેમને’સાહેબ’ કહેતા.

 

 
TEACHER CHATRABHUJ SHARMA
 

 

અસારવા બેઠકની ચાલીમાં એક રુમમાં રહેતા પગારથી જ ઘર ચલાવતા. ઘરમાં બેસવા માટે ખુરશી પણ નહોતી. લોકો કહેતા પણ ખરા કે સાહેબ તમારે ત્યાં મોટા મોટા મહેમાનો આવે છે, ખુરશીઓ તો વસાવો. તેઓ કહેતા કે “પગારથી ઘર ચાલે છે. બીજુ વસાવવા માટે બીજા પ્રયત્નો કરવા પડે, જે મારે નથી કરવા.” રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલ ચાલુ કરી ત્યારે એક બંગલામાં ચાલુ થઈ હતી. ફક્ત ૪૦ વિદ્યાર્થીઓથી ચાલુ કરી હતી. પહેલા સત્રથી જ છોકરાઓએ ગુજરાત એસ.એસ.સી. બોર્ડમાં સન્માનિત સ્થાન પ્રાપ્ત કર્યા. રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલની આજે વિશાળ બિલ્ડિંગ છે. આજે પણ એ વિદ્યાર્થીઓ જ્યારે સ્કૂલ પાસેથી પસાર થાય છે ત્યારે એમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ “આ સ્કૂલ અમે માથે ઈંટો ઊંચકીને બનાવી છે” તેમ કહી ગર્વ લે છે. સ્કૂલના એકએક વિદ્યાર્થીને તેઓ નામથી ઓળખતા. એમની ખૂબી જોઈ ઉપનામ પણ આપતા. સ્કૂલમાં કોઈ વિદ્યાર્થી સતત ગેરહાજર રહે તો એના ઘેર પહોંચી જતા. એની સમસ્યાનું નિરાકરણ કરી એની સ્કૂલ પડવા દેતા નહીં. ગરીબ વિદ્યાર્થીઓને ચોપડીઓ અને ક્યારેક ક્યારેક તો પોતાના ખિસ્સાના પૈસાથી મદદ કરતા. સ્કૂલમાં એક તેજસ્વી વિધાર્થીની સતત અઠવાડિયાથી ગેરહાજર હતી. એમની પાસે સાઈકલ હતી. સાઈકલ લઈને વિધાર્થીનીના ઘેર પહોંચી ગયા. સાહેબને જોઈને વિધાર્થીની એમને વળગીને ચોંધાર આસુએ રડવા લાગી. એને સાંત્વના આપી. એના પિતાને સ્કૂલ નહીં મોકલવાનું અને રડવાનું કારણ પૂછયું, તો એના પિતાએ કહ્યું કે, “સાહેબ હું એક મિલ મજૂર છું. મિલમાં વિવિંગ ખાતામાં કામ કરું છું. મને ટી.બી. થઈ ગયો છે. મારી પાસે દવાઓના જ પૈસા નથી તો છોકરીને ભણાવું ક્યાંથી?”  એમણે કહ્યું તમે ચિંતા કરશો નહીં. તમારી દીકરીને સ્કૂલે મોકલો એની ભણવાની ફીની તથા તમામ વ્યવસ્થાઓ થઈ જશે. એ છોકરીને પિતાએ ભણવા મોકલી. છોકરી ભણીને ગુજરાત એસ.એસ.સી. બોર્ડમાં ગુજરાત અને અમદાવાદમાં નંબર લાવી. આગળ એને મેડિકલમાં પ્રવેશ મળ્યો. એ ડોક્ટર બની. મોટી થઈ એટલે એના લગ્ન માટે માંગા આવવા માંડયા. છોકરી કહેતી સાહેબ જ્યાં કહેશે ત્યાં લગ્ન કરીશ. એક પાઈલોટનો સંબંધ આવ્યો પરંતુ છોકરાના લક્ષણ અને ચાલઢાલ જોઈ સાહેબે ના પાડી તો એ સંબંધ નામંજૂર કર્યો. એક વખત સાહેબ બહારગામ ગયા હતા. એક સરસ સંબંધ આવ્યો. છોકરો ભારત સરકારના નેવી ડિપાર્ટમેન્ટમાં મોટો ઓફિસર હતો. છ મહિના સ્વદેશમાં રહેવાનું અને છ મહિના પરદેશ ફરવાનું. છોકરીના ઘરવાળાઓએ હા પાડી દીધી. સાહેબ આવ્યા એમને જાણ કરવામાં આવી. હા પાડી એટલે લગ્ન થઈ ગયા. છ મહિનામાં વર્લ્ડ ટૂર કરી આવી. સાહેબના ઘરવાળાઓ માટે કંઈકને કંઈક ભેટ લેતી આવી. થોડાક સમય પછી ઈન્દોરથી કાગળ આવ્યો. છોકરીએ આપઘાત કરી લીધો. છોકરો દેશ- પરદેશ ફરતો એટલે બધી જ રીતે ખરાબ હતો. સાહેબ નાના બાળકની જેમ રડયા. તેમણે કહ્યું, “મારી તાલીમમાં કંઈક કચાશ રહી ગઈ. આપઘાત કાયરતા છે, એ દીકરી આપણને જાણ કરી શકતી હતી. બધું કહી શકતી હતી”. એ ઘટના પછી તેઓ પોતાના કોઈ વિદ્યાર્થી કે વિધાર્થીનીના લગ્નમાં જતા નહીં. જવું પડે તો મીઠાઈ ખાતા નહીં.

 

એક વિદ્યાર્થી ભણવામાં ખૂબ જ હોંશિયાર, ચમનપુરાના એકદમ પછાત વિસ્તારમાં રહેતો. પિતા ચવાણાની લારી ચલાવતા. વિદ્યાર્થીની હિલચાલ ઉપરથી સાહેબને ખ્યાલ આવ્યો કે છોકરાનું ભણવામાં મન લાગતું નથી. તો રોજ એના ઘરે જવા લાગયા. ખબર પડી કે છોકરો અસામાજિક તત્ત્વોની સંગતમાં પડી ગયો છે. રોજ સાહેબ વિદ્યાર્થીને શોધવા નીકળતા. સાઈકલ ઉપર શોધીને ઘરે લાવતા. એનું મન ભણવામાં વાળ્યું. આજે એ અમદાવાદનો મોટો નામી ડોક્ટર છે. રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલમાંથી ભણેલા કેટલાય મોટા મોટા ઉદ્યોગપતિ, ડોક્ટરો, એન્જિનિયરો, વકીલો, સીઆઈ ઓફિસર, પોલીસ ઓફિસર થયા. એક વિદ્યાર્થી ગુજરાત હાઈકોર્ટમાં જજ બન્યો.

 

આટલી બધી જરૂરિયાતો છતાં કોઈ દિવસ પોતાના સિદ્ધાંતો સાથે સમાધાન કર્યું નહી. એ જમાનામાં ખૂબ જ ઓછી મોટર કાર હતી. એક દિવસ રાતે એક એમ્બેસેડર કાર આવી એમની પતરાવાળી ઓરડી સામે આવી ઊભી રહી. એમાંથી એક મિલ માલિક ઉતર્યા. તેઓ તેમની દીકરીનું ટયૂશન કરાવવા માટે એમને લેવા આવ્યા હતા. મોટર કાર જોઈ શર્માજીનો નાનો દીકરાએ પણ સાથે જવાની જીદ કરી. સાહેબે ના પાડી છતાં દીકરો ન માન્યો. મિલ માલિકે કહ્યું ” તે ભલે આવતો. પાછો ગાડીમાં મૂકી જઈશું.” તેઓ તેમના પુત્ર સાથે મિલ માલિકના શાહીબાગ ખાતેના બંગલે ગયા. એમના દિવાનખંડમાં સામ સામી દીવાલો પર બે કબાટ હતા. એ બંનેમાં અરીસા લાગ્યા હતા. એટલે સામસામે વચ્ચે ઊભા રહેનારના અસંખ્ય પ્રતિબિંબ દેખાતા. મિલ માલિકે કહ્યું “શર્માજી તમે મારી દીકરીનું ટયૂશન આપો.” પરંતુ શર્માજીનો સિદ્ધાંત હતો કે શિક્ષક ટયૂશન ન કરી શકે. મિલ માલિકે આચાર્ય શર્માજીને તેમની દીકરીને ટયૂશન બદલ જોઈએ એટલી ફી આપવાની ઓફર કરી. તે દરમિયાન આચાર્ય શર્માજીનો પુત્ર બે અરીસાઓની વચ્ચે ઊભો હતો. એણે પાછળથી ફાટેલી ચડ્ડી પહેરેલી હતી. અરીસાઓેમાં ફાટેલી ચડ્ડીના અસંખ્ય પ્રતિબિંબ દેખાતા હતા. મિલમાલિકનો ટયૂશન માટે જબરદસ્ત આગ્રહ હતો. છતાં તેમણે વિનમ્રતાપૂર્વક ના પાડી અને કહ્યું કે “ટયૂશન તો નહીં કરી શકુ. પરંતુ હા, તમારી દીકરીને સ્કૂલ છુટી ગયા પછી સ્કૂલમાં જ હું ચોક્કસ ભણાવીશ. એને કહેજો રોજ સ્કૂલ છૂટે પછી મારી ઓફિસમાં અડધો કલાક આવી જાય. હું તેને વિના મૂલ્યે ભણાવીશ.” અને તેમને મિલ માલિકને ઘેર જઈ ટયૂશન ના કર્યું તે ના જ કર્યું.

 

સ્કૂલની પ્રગતિ થવા લાગી એટલે શિક્ષકો પણ વધારવા લાગ્યા. ઈન્ટરવ્યુ પણ એ જ લેતા. એક દિવસ એક શિક્ષક ઈન્ટરવ્યૂના આગલા દિવસે ફળોના ટોપલા સાથે રૃ. ૨૫,૦૦૦ લઈ ઘરે આવી ગયા. સાહેબ ગુસ્સે થઈ તમારી હિંમત કેવી રીતે થઈ આ કરવાનું કહી એમને વિદાય કર્યા. શિક્ષક ગભરાઈ ગયા. હવે તો નોકરી મળતી હશે તો પણ નહીં મળે એમ સમજવા લાગ્યા. બીજા દિવસે ઈન્ટરવ્યૂમાં આવ્યા.  બધા જ ઉમેદવારોમાં તેઓ ખૂબ જ કાબેલ અને યોગ્ય હતા. એમને એમના આશ્ચર્ય વચ્ચ પસંદ કર્યા. એે શિક્ષક ફરી ઘરે આવ્યા. તેમણે સાહેબને પૂછયું, સાહેબ મેં આટલી મોટી ભૂલ કરી હતી છતાં તમે મને પસંદ કર્યો ” ત્યારે તેમણે કહ્યું “તમે તમારા કામ માટે બધી જ રીતે યોગ્ય હતા એટલે તમને પસંદ કર્યા. તમારી લાયકાત સ્કૂલના છોકરાઓને ભણાવવામાં કરજો. સંસ્થા ઊંચી આવે એવું કામ કરજો.” શિક્ષકની આંખોમાં પાણી આવી ગયા.

 

એમણે એક પટાવાળો રાખ્યો. એની આદતો ખરાબ. એ પટાવાળો જુગારની લતે ચઢી ગયો હતો. સ્કૂલમાં ટાઈમ થઈ જાય તો પણ નોકરી આવે નહીં. પ્રિન્સિપાલ શર્મા સાહેબને ખબર પડી એ રોજ સાઈકલ લઈ એને જુગારના અડ્ડાઓ ઉપર શોધવા જાય એને પકડી લાવે. સ્કૂલમાં કામ કરાવે. જ્યારે પગારનો દિવસ આવે એટલે પગાર પણ એને સાથે રાખી પોતે લઈ લેતા અને ઘરે જઈ એની પત્નીના હાથમાં આપતા. સ્ટાફ કહેતો ‘સાહેબ આ શું કરો છો’, તો કહેતા કે “આ તો મૂરખ છે. જુગારમાં પગાર હારી જાય તો એના ઘરમાં નાના નાના બાળકો ખાશે શું ?” પટાવાળો સુધરી ગયો. આજે એેનું ઘર આબાદ છે.

 

રાત્રે ઘરે જતા એટલે જમીને આજુબાજુની અભણ મહિલાઓને ભેગી કરતા. એમને ભણાવતા. સ્ત્રી સાક્ષરતાના એ સમયમાં તેઓ હિમાયતી હતા. એમના લગ્ન મધ્યપ્રદેશના અંતરિયાળ ગામમાં થયા હતા. એમના પત્ની અભણ હતા. પત્નીને ઘેર ભણાવ્યાં અને તેમને ભાગ્વ્દ્દ્ગીભગવદ્દગીતા વાંચતા કર્યા.

 

એમણે ૧૯૬૨થી ૩૧-૫-૧૯૮૫ સુધી સ્કૂલમાં કામ કર્યું. પછી નિવૃત્ત થયા. પગાર આવતો બંધ થયો. બેંક બેલેન્સ તો હતું નહીં. એમને એમ હતું કે નોકરી ચાલે છે એટલે દાળ-રોટી ચાલે છે. નિવૃત્ત થયા પછી પેન્શન ગ્રેજ્યુઈટીના કાગળોમાં કંઈક ભૂલ થઈ ગઈ અને એમનું બધું જ અટકી ગયું. ખૂબ જ પ્રયત્નો કરવા છતાં એમને એક પણ પૈસો મળ્યો નહીં. હવે પૈસાની તંગી દેખાવા લાગી. ઘરમાં ખાવાના સાંસા પડવા લાગ્યા. તંગીને કારણે ચંપલ લાવવાના પણ પૈસા નહોતા. જાતે ચંપલ સીવીને ચલાવવા લાગ્યા. કપડાં લાવવાના પૈસા રહ્યા નહીં. બનિયાન અને કપડાં ફાટી ગયા તો જાતે સીવીને ચલાવવા લાગ્યા. પણ હિંમત હાર્યા નહીં. ચોપડી લખવાની ચાલુ કરી. બહારનું થોડું થોડું ભાષાંતરનું કામ લાવી કરવા લાગ્યા. એ આશામાં કે સરકારમાંથી પેન્શન અને ગ્રેજ્યુઈટી આવશે એટલે બધું સરખું થઈ જશે. દરમિયાન તેઓ બીમાર પડયા. દવા કરાવવા માટે પૈસા નહોતા. કિડની કાઢી નાખવી પડે તેમ હતી. તેમનો જ વિદ્યાર્થી કે જે હવે ડોક્ટર હતો તેણે ઓપરેશન કરી કિડની કાઢી નાખી. ડોક્ટર પૈસા લેવાની ના પાડતા હતા. પરંતુ શર્માજીએ ડોક્ટરને એક રૃપિયો આપ્યો. એથી વધુ રકમ તેમની પાસે નહોતી. સ્કૂલની સમિતિએ તેમનું સન્માન કર્યું. ૩૧-૧૨-૧૯૮૫ના રોજ તેમણે દેહ છોડી દીધો.

 

એમની સ્મશાનયાત્રામાં આખો શાહીબાગ રોડ ઉભરાઈ ગયો. એમના મૃતદેહને બધા આગ્રહપૂર્વક સ્કૂલે લઈ ગયા. બધા કહેતા સાહેબની કર્મભૂમી છે. આજે પણ જ્યારે જૂના એમના વિદ્યાર્થીઓ સાથે એમની વાત થાય છે ત્યારે ઘણાની આંખો ભીની થઈ જાય છે.

 

– દેવેન્દ્ર પટેલ

www.devendrapatel.in

 

સૌજન્ય : સંદેશ દૈનિક

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 

 બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli