(૧) તૃષ્ણાની કોઠી કદી ન ભરાય … (પ્રેરકકથાઓ) … ટૂંકી વાર્તાઓ …

 (૧)  તૃષ્ણાની કોઠી કદી ન ભરાય …  (પ્રેરકકથાઓ) … ટૂંકી વાર્તાઓ …

 

 

story1a

 

 

ભૂતના નિવાસવાળા એક ઝાડ નીચેથી પસાર થતા એક વાળંદને એક અવાજ સંભળાયો :  “સોનું ભરેલી સાત કોઠીઓ તારે જોઈએ છે ?”  વાળંદે આસપાસ જોયું પણ એને કોઈ દેખાયું નહીં.  પણ સોનાની કોઠીઓ આપવાની વાતે એનો લોભ જાગી ઊઠ્યો અને એ મોટેથી બોલી ઊઠ્યો : ‘હા, હું એ સાત કોઠી લઈશ.’  તરત જવાબ મળ્યો : ‘ઘેર પહોંચી જાં, કોઠીઓ મેં તારે ઘેર પહોંચતી કરી દીધી છે.’  આ વિચિત્ર જાહેરાતની ખાતરી કેવાણા ઈરાદાથી એ વાળદ દોડતો ઘેર પહોંચ્યો.  ઘેર પહોંચતાં વેંત એણે કોઠીઓ જોઈ.  કોઠીઓ ખોલી એણે જોયું કે એ સોનાથી છલોછલ ભરેલી હતી, પણ છ પૂરી ભરેલી હતી અને એક અર્ધી ભરેલી હતી.  એ સાતમીને પણ સોનાથી ઉભરાવી દેવાની જોરદાર ઈચ્છા એ વાળંદમાં જાગી; કારણ ત્યાં સુધી એ પૂરો સુખી ન હતો.  એટલે એણે ઘરમાંનાં બધાં ઘરેણાં ભંગાવી તેને સોનાના સિક્કાઓમાં ફેરવ્યાં અને એ મહોરો તેણે પેલી કોઠીમાં નાંખી;  પણ એ જાદુઈ કોઠી ઊણી જ રહી.  આથી વાળંદની ધીરજ ખૂટી ગઈ.  જાતે ભૂખ્યા રહીને અને ઘરનાંને ભૂખ્યાં રાખીને એણે થોડાં વધારે પૈસા બચાવ્યા અને એ સોનાથી કોઠી ભરવા કોશિશ કરી.  પણ કોઠી તો પહેલાંની જેમ અધૂરી જ રહી.  એટલે એક દિવસ રાજાને પોતાનો પગાર વધારી દેવા નમ્ર વિનંતી કરી કહ્યું કે મળતા પગારમાં પોતાનું ગુજરાન ચાલતું નથી.  એ વાળંદ હતો રાજાનીઓ માનીતો એટલે, એની વિનંતી સાંભળીને તરત જ રાજાએ એનો પગાર બમણો કરી દીધો.  આ બધી આવક બચાવી એ પેલી કોઠી ભરવા માંડ્યો પણ, એ લોભણી કોઠી ભરાવાની નિશાની દેખાઈ જ નહીં.  આખરે એ ઘેરઘેર ભીખ માગવા લાગ્યો અને એની ધંધાની તથા ભીખની આવક ભેગી કર્યા છતાંય, પેલી જાદુઈ કોઠીની તરસ છીપી જ નહીં.  મહિનાઓ ને મહિનાઓ પસાર થયા અને, એ દુખી અને કંજૂસ વાળંદણી સ્થિતિ ઉત્તરોઉત્તર બગડતી ચાલી.  એની એવી દશા જોઈ રાજાએ એને પૂછ્યું :  ‘અરે !  તારો પગાર આજના કરતાં અર્ધો હતો ત્યારે, તું સુખી, આનંદ અને સંતુષ્ટ હતો; પણ તારો પગાર બેવડો કર્યા પછી હું તને ચિંતાતુર, ચડેલા મોઢાવાળો અને નાસીપાસ જોઉં છું, તને શું થયું છે ?’  તને શું સાત કોઠીઓ મળી છે ?’  આ સવાલથી વાળંદ ઘા ખાઈ ગયો અને બોલ્યો :  ‘નામદાર, આ વાત આપને કોણે કહી છે ?’  ‘જેને યક્ષ એ સાત કોઠીઓ આપે છે તે આમ પીડાય છે એ તું નથી જાણતો ?  રાજાએ કહ્યું.  ‘એ મને પણ આ કોઠીઓ આપતો હતો પણ, મેં એને પૂછ્યું કે, ‘આ મૂડી વાપરી શકાય કે ખાલી કોઠીમાં જ રાખી મૂકવા માટે છે ?’  આ સવાલ પૂછતાં ભેગો એ ભાગ્યો.  એ મૂડી કોઈ વાપરી શકતું નથી એ તને ખબર નથી શું ?  એ તો સંઘરો કરવાની તૃષ્ણા જ આણે છે.  જાં જલદી અને એ કોઠીઓ પાછી આપી આવ.’  આ સલાહથી વાળંદને પાછી સાન આવી અને પેલા ભૂતિયા ઝાડ પાસે જઈ એ બોલ્યો : ‘હે યક્ષ, લઇ લે તારું સોનું પાછું.’  યક્ષે કહ્યું. ‘ભલે.’  વાળંદ પાછો ઘેર આવ્યો, ત્યારે જે રહસ્યમય રીતે આવી હતી તેજ રીતે, પેલી કોઠીઓ અર્દશ્ય થઇ ગઈ હતી અને એના ભેગી એની જિંદગીની બચત પણ તણાઈ ગઈ હતી.

 

સાચું ખર્ચ અને સાચી આવક વચ્ચેનો ભેદ સમજતા નથી તે લોકો ગાંઠનું પણ બધું ગુમાવે છે.

 

 

 

 (૨)  સંસારી આનંદો પાછળ છુપાયેલો વાઘ …

 

 

story2

 

 
જે માગે તે આપતા સ્વર્ગના કલ્પતરુ જેવો ભગવાન છે.  માટે ધાર્મિક સાધનાઓથી મન વિશુદ્ધ થાય ત્યારે, બધી દુન્યવી ઈચ્છાઓના ત્યાગ બાબત મનુષ્યે કાળજી રાખવી જોઈએ.

 

આજે એક કથા જાણો.  પ્રવાસે નીકળેલો એક મનુષ્ય પોતાના પ્રવાસ દરમિયાન એક વિશાળ મેદાનમાં આવ્યો.  ઘણા સમયથી તાપમાં ચાલવાને લીધે એ ખૂબ થાકી ગયો હતો અને પરસેવે રેબઝેબ થઇ ગયો હતો; એટલે, એક ઝાડને છાંયે એ આરામ કરવા બેઠો.

 

થોડી વાર પછી એ વિચારવા લાગ્યો કે, ‘સૂવા માટે મને પોચી પથારી મળે તો કેવું સારું !’  પોતે કલ્પવૃક્ષ નીચે બેઠો છે એ ભાન એને ન હતું.

 

એના મનમાં જેવો પેલો વિચાર આવ્યો તેવી જ એની બાજુમાં એક સુંદર શય્યા આવી ગઈ.  એને આશ્ચર્ય તો ખૂબ થયું પણ એણે તેમાં લંબાવ્યું.  પછી એને વિચાર આવ્યો કે, ‘અહીં એક સુંદર કન્યા હોય ણે એ મારા પગ દબાવી હોય તો કેવી મજા ?’  આ વિચાર એના મનમાં ઉદ્દભવ્યો તેવી જ એક યુવાન સુંદરી ધીમે ધીમે એના પગ દબાવવા લાગી.

 

મુસાફરને ખૂબ આનંદ થયો.  તરત જ એને ભૂખ લાગી અને એ વિચારવા લાગ્યો :  ‘મેં ઈચ્છયું તે બધું જ મને મળ્યું; તો હવે મને થોડું ખાવાનું મળે તો ?’  તરત એની સામે ભાતભાતનાં સ્વાદિષ્ટ ભોજન પીરસાઈ ગયાં.  એ તરત ખાવા મંડ્યો અને, ધરાઈને ખાડા પછી પાછું એણે પથારીમાં લંબાવ્યું.  પછી દિવસની બધી ઘટનાઓને એ વાગોળવા માંડ્યો.  આમ વ્યસ્ત હતો ત્યાં એને વિચાર આવ્યો.

 

‘અચાનક વાઘ આવીને મારી ઉપર હુમલો તો નહીં કરે !”  ક્ષણમાં જ મોટો વાઘ પ્રગટ થયો ને તેણે એ પ્રવાસી પર હલ્લો કર્યો, એની ગરદન ફાડી એનું લોહી પીવા મંડ્યો.  પ્રવાસીએ આમ જાન ગુમાવ્યો.

 

મનુષ્યોનું ભાગ્ય સામાન્ય રીતે આવું છે.  ધ્યાનમાં, તમે લોકો માટે, પૈસા માટે કે માન માટે પ્રાર્થના કરશો તો તમારી ઈચ્છા થોડાં અંશે, અવશ્ય પૂરી થશે પરંતુ, ધ્યાન રાખજો કે, એ બધી ભેટોની પાછળ વાઘ ઝૂમે છે.  આ બધાં વાઘ-રોગ, શોક, માનવહાનિ અને દ્રવ્ય ઈ. – જીવતા વાઘ કરતાં હજારગણા ભયંકર છે.

 

(શ્રીરામકૃષ્ણ દેવની દ્રષ્ટાંત કથાઓ ૩૮-૪૩)

 

 

(૩)   કામને જીતવો હોય તો સ્ત્રીમાત્રને માતા ગણો….

 

 

story3

 

 

કિશોરવયમાં ગણેશે એક દિવસ રમતાં રમતાં એક બિલાડી જોઈને છોકરમતના અટકચાળામાં એને કાંઈ કેટલીયે રીતે ત્રાસ આપીને અને મારીઝૂડીને લોહીલુહાણ મૂકી.  જેમ તેમ કરીને જીવ બચાવીને બિલાડી ભાગી છૂટી, કરીત્યારે ગણપતિ શાંત પડ્યા અને પોતાની માતા શ્રીપાર્વતીદેવીની પાસે ગયા.  તો ત્યાં તેમણે જોયું કે દેવીના શરીર ઉપર ઠેકઠેકાણે મારનાં નિશાન પડેલાં છે.

 

માતાની એવી દશા જોઈને બાળકે ખૂબ જ દુઃખ પામીને એમ થવાનું કારણ પૂછ્યું.  ત્યારે દેવીએ ખેદપૂર્વક જવાબ દીધો કે, “તું જ તો મારી આવી દુર્દશાનું કારણ છે.”  માતૃભક્ત ગણેશ એવી વાત સાંભળીને નવાઈ પામી ગયા અને વધારે દુખી થઈને આંસુભરી આંખે બોલ્યા, “તું કેવી વાત કરે છે, મા !  મેં વળી તને ક્યારે મારી ?  મેં વળી તને ક્યારે મારી ?  અને વળી એવું પણ યાદ નથી આવતું કે એવું કોઈ ખરાબ કામ મેં કર્યું હોય કે જેને લીધે તારા મૂરખ બાળકને કારણે તારે બીજાને હાથે આવું અપમાન સહન કરવું પડે.”

 

જગન્મયી પાર્વતીદેવીએ ત્યારે પછી બાળકને કહ્યું કે, “જરા વિચાર કરીને જો તો, કોઈક જીવને આજે તેં માર માર્યો છે ખરો ?”  ગણપતિ બોલ્યા, “એ તો કર્યું છે.  હમણાં થોડી જ વાર પહેલાં એક બિલાડીને મારેલી.”

 

એ બિલાડી જેની હશે એણે જ માતાને આમ માર મારેલો છે એમ વિચારીને ગણેશજી ત્યારે રડવા લાગ્યા.  ત્યાર પછી પસ્તાઈ રહેલા બાળકને વહાલથી છાતીએ ચાંપીને શ્રીજગજનનીએ કહ્યું, “એવું નથી, બેટા, તારી સામે રહેલા મારા આ શરીરને કોઈએ માર નથી માર્યો, પરંતુ હું પોતે જ બિલાડી અને બીજાં તમામ પ્રાણીઓ રૂપે સંસારમાં વિચરણ કરું છું.  તેથી તારા મારનાં ચિહનો મારા શરીર ઉપર દેખાય છે.  તેં તો અજાણતામાં આવું કરેલું છે એટલે દુઃખ ના કર.  પરંતુ આજથી હવે આ વાતને યાદ રાખજે કે, સ્ત્રી જાતી ધરાવતા સઘળા જીવો મારા અંશથી ઉત્પન્ન થયેલા છે અને પુરુષજાતિ ધરાવનારા જીવોએ તારા પિતાના અંશથી જન્મ લીધેલો છે.  શિવ અને શક્તિ સિવાય જગતમાં કોઈ કશું પણ નથી.”

 

ગણેશે માતાની આ વાત શ્રદ્ધાપૂર્વક દિલમાં ઉતારી અને લગ્નને લાયક ઉંમરે પહોંચતાં માતાની સાથે પરણવું પડશે એમ વિચારીને વિવાહના બંધનમાં બંધાવા માટે ઇન્કાર કર્યો.

 

આ રીતે શ્રીગણેશ હંમેશને માટે બ્રહ્મચારી બનીને રહ્યા અને શિવશક્ત્યાત્મક જગત, એ વાતને હૃદયમાં હરહંમેશ ધારણ કરીને રેહવાથી જ્ઞાનીજ્નોમાં અગ્રગણ્ય બન્યા.

 

(શ્રીરામકૃષ્ણ દેવની દ્રષ્ટાંત કથાઓ ૫૨-૫૪)

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 

 બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  Join us /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli