નિર્ણય પ્રક્રિયા …

નિર્ણય પ્રક્રિયા  …

-મહેશ શાહ, જય શ્રી કૃષ્ણ મેરેજ બ્યુરો, વડોદરા

 

 
decision
 

 

એક સગર્ભા હરણી પોતાના બચ્ચાને જન્મ આપવા જંગલમાં સારા અને સલામત સ્થળની શોધમાં નીકળી હતી. નદી કિનારા પર ઘાસવાળા એક મેદાન પર તેની નજર ઠરી. બાજુમાં જ એક વિશાળ પટવાળી નદી ધસમસતી વહેતી હતી, મેદાન ઘાસ અને અન્ય વનસ્પતિથી હરિયાળું  લાગતું હતું.  એ હજુ ત્યાં પહોંચી એટલામાં જ તેને પ્રસવ પીડા ઉપડી.  હવે તો બચ્ચાને ત્યાં જ જન્મ આપવો પડે તેમ હતું.  બીજે ક્યાંય જવાની શક્યતા રહી ન હતી.

 

અચાનક આકાશમાં ઘટાટોપ વાદળો ઘેરાણાં, મેઘનો ગડગડાટ અને વીજળીના ચમકારાઓ વાતાવરણને બિહામણું બનાવી રહ્યા હતા. વીજળી પડી એટલે દાવાનળ પ્રગટ્યો.  હરણીની જમણી બાજુ ઘણા દિવસનો ભૂખ્યો વાઘ તરાપ મારવા તૈયાર ઉભો હતો.  ડાબી બાજુ એક શિકારી તીર મારવાની તૈયારીમાં હતો.  હરણી નિર્ણય કરી શકાતી ન હતી કે હવે શું કરવું.

 

તે પ્રસવ પીડામાં છે. ધસમસતી નદી, આગ, વાઘ અને શિકારીથી ઘેરાયેલી છે. તે શું કરશે ?  તે બચ્ચાને જન્મ આપશે ?  તેનું શું થશે ?  દાવાનળમાં  બચ્ચા સાથે  બળી જશે ?  શિકારીનો શિકાર થઇ જશે? બંને વાઘનો કોળીયો થઇ જશે ?  ભાગવાના પ્રયાસમાં નદીના પ્રવાહમાં તણાઈ જશે ?  તે અને બચ્ચું બંને અથવા કોઈ એક મરી જશે.

 

ખરેખર શું થયું તે આપને જણાવું.

 

ભયંકર કડાકા સાથે વીજળી થઇ. વીજળીના ચમકારે શિકારી અંજાઈ ગયો અને નિશાન ચુકી ગયો તેથી તેનું તીર પેલા વાઘને મારી લાગ્યું.  વરસાદ વરસવાનું શરૂ થયું. દાવાનળ બુઝાઈ ગયો.  હરણીએ સ્વસ્થ બચ્ચાને જન્મ આપ્યો.  વહાલથી ચાટવા લાગી.  બંને સલામત, બંને સ્વસ્થ, બંને ખુશ.

 

આપણા જીવનમાં પણ આવું જ બને છે. અનેક સમસ્યાઓ  આપણને બધી બાજુથી ઘેરી વળે છે. ઉપાય નજર સામે દેખાતો નથી. મતિ મૂંઝાઈ જાય છે. નિર્ણય શક્તિ કસોટીએ ચડે છે. એવું પણ બને કે અચાનક, અણધારી, વણમાગી દૈવી મદદ મળી જાય અને બધું કુશળ મંગળ થઇ રહે.

 

આ દ્રષ્ટાંત કથામાંથી આપણે  શું શીખી શકીએ ? 

 

આપણે જોયું કે હરણી પાસે કોઈ વિકલ્પ હતો જ નહીં. તે કશું જ કરી શકવાની સ્થિતિમાં ન હતી. તે નિ:સહાય હતી, નિ:સાધન હતી. પોતાની જાતે સમસ્યાઓનો ઉકેલ મેળવી શકે તેમ ન હતી તેથી બની શકે કે તે ગભરાઈને કોઈક ખોટું પગલું ભરી બેઠી હોત. જો તેમ થયું હોત તો તો ભયંકર પરિણામ આવત. એક યા બીજી રીતે તેનો વિનાશ જ થયો હોત.

 

નિયતીએ તો તેનું ભલું જ વિચાર્યું હતું પણ જે તે વખતે તેને ખ્યાલ ન હોય તે સ્વાભાવિક છે, સમજી શકાય તેવું છે. પણ સદનસીબે તે ગભરાઈ નહી, કોઈ ઉતાવળીયું પગલું ભર્યું નહીં. કદાચ શું કરવું તેના અજ્ઞાનના કારણે કે મનોમન પ્રભુમાં શ્રદ્ધા સાથે તેણે માત્ર બચ્ચાને જન્મ આપવા ઉપર ધ્યાન આપ્યું.

 

આ દ્રષ્ટાંત આપણને શીખવે છે કે આપણે આપણા કર્તવ્ય ઉપર, આપણા ધર્મ ઉપર ધ્યાન આપીએ તો બાકીનું બધું સરળ થઇ રહે છે. પ્રભુ ઉપર શ્રધ્ધા સાથે, વિશ્વાસપૂર્વક, ભરોસા સભર તેમ કરીએ તો આપોઆપ અનુકુળતાઓનો અંબાર ઉભો થઇ જાય છે. ‘હરિ કરે તે ખરી’ની શ્રદ્ધા આપણને જીવનની કપરી કસોટીઓમાં પણ ટકી રહેવાનું જ નહીં લડી લેવાનું પણ બળ આપે છે. કહે છે ને કે સમશ્યા વિકટ હોય ત્યારે પ્રભુને નિકટ રાખો તો ઉકેલ આસાન છે.

 

અહીં ગીતાનો ઉપદેશ પણ યાદ આવવો સ્વાભાવિક છે. વારંવાર પ્રયોજાતું વાક્ય “कर्मण्ये वाधिकारस्ते….” અહીં પણ લાગુ પડી શકે છે. હરણીનું  કર્મ બચ્ચાંને જન્મ આપવાનું હતું. અન્ય ચિંતાઓ છોડી તેણે તે કાર્ય તેણે યોગ્ય રીતે કર્યું એટલે બાકીની અનુકુળતાઓ આપોઆપ આવી મળી.

 

શ્રીમદ ભગવદ ગીતાનું તેવું બીજુ જાણીતું સંદર્ભ વાક્ય છે, “નિર્ણય પ્રક્રિયા  …સર્વ ધર્મ ત્યજી મારા શરણે આવ….” આપણે જાણીએ છીએ કે ગીતાજીમાં ધર્મનો અર્થ કર્તવ્ય અથવા ફરજ થાય છે. હરણીનુંકર્તવ્ય હતું  પોતાના અને બચ્ચાના જીવની રક્ષા કરવી. તે માટે તેણે ત્યાંથી ભાગી જવાની, સલામત સ્થળે ચાલ્યા જવાની જરૂરત હતી. સફળતા મળે કે ન પણ મળે તેણે ઉત્તમ પ્રયાસ તો કરવો જ જોઈતો હતો. હરણી એ કશું જ ન કર્યું. જાણે અજાણે તેણે બધું તજી (સર્વ ધર્મનો ત્યાગ કરી) ભગવાન ભરોસે બચ્ચાને જન્મ આપ્યો. પ્રભુ એ શું કર્યું ?  પોતાના વચનનું પાલન કર્યું અને સર્વ તકલીફો, સર્વ અડચણો પૂર્ણતયા દુર કરી દીધી.

 

આવી અગર આથી પણ કપરી પરીસ્થીતીથી ઘેરાઈ જવાનું મારા તમારા કે કોઈના પણ માટે બની શકે. એવું લાગે કે હવે કોઈ ઉપાય નથી, હવે તો બસ આવી જ બન્યું, આપણા બારે વહાણ ડૂબીજવાના. ત્યારે આ દ્રષ્ટાંત યાદ કરવા જેવું ખરૂં.

 

અહીં  સુધી આ મુદ્દો આપણે આધ્યાત્મિક દ્રષ્ટીએ તપાસ્યો. હવે જરા તર્કની દ્રષ્ટીએ પણ નાણી જોઈએ ? આવા દરેક પ્રસંગે એક યા બીજો નિર્ણય લેવો જ પડે છે કારણ કે, આપણે જાણીએ છીએ કે, નિર્ણય ન લેવો તે પોતે પણ એક સ્વતંત્ર નિર્ણય છે.

 

આવો, અહીં નિર્ણય લેવાની પ્રક્રિયા માટે જાણીતા પેલા સાત સોપાન યાદ કરી લઇએ

 

કોઈ નિર્ણય ક્યારેય ૧૦૦% સાચો કે તદ્દન ખોટો હોતો નથી. પરિસ્થિતિ પ્રમાણે, જરૂરીયાત પ્રમાણે સુયોગ્ય નિર્ણય લેવાય છે. તે જે તે પરિસ્થિતિમાં તે સુયોગ્ય appropriate હોઈ શકે છે.આવો નિર્ણય લેવા માટે માનસશાસ્ત્રીય રીતે સાત સોપાનો બતાવાયા છે. જે નીચે મુજબ છે.

 

૧. હકીકતો અને માહિતી એકઠી કરો. 

સાચો કે ઉત્તમ નિર્ણય લેવા માટે પરિસ્થિતિનો પૂર્ણ અભ્યાસ જરૂરી છે. ૩૬૦ ના અભ્યાસ પછી જ સાચા નિર્ણયપર આવવાનું શક્ય બને છે. માટે શક્ય તેટલી બધી (૩૬૦ શક્ય નથી હોતી) જ વિગતો એકઠી કરવી જોઈએ. સાથે સાથે એ પણ યાદ રહે કે આપણી પાસે અમર્યાદિત સમય નથી હોતો. અભ્યાસને નામે મોડું પણ ન થવું જોઈએ.

 

૨. ધારણાઓ બાંધો. 

હકીકતોનાં અભ્યાસ ઉપરથી શક્ય પરિણામો અને ઉકેલની ધારણાઓ બાંધો. યોગ્ય અને વ્યાજબી ધારણાઓનું હકીકતો અને માહિતી જેટલું જ (બલ્કે થોડું વધુ) મહત્વ છે.

 

૩. વિકલ્પો ઓળખી કાઢો. 

સમસ્યાના વૈકલ્પિક ઉકેલ શું શું હોઈ શકે તે અને દરેક ઉકેલના બધાં જ પાંસાઓ વિચારી કાઢો.

 

૪. તર્ક શક્તિ અને વ્યાવહારિક બુદ્ધિના ત્રાજવે તે ઉકેલને તોલો (ચકાસો).  

તમે વિચારેલા સૌ વિકલ્પો અને તેના પરિણામો અંગે તાર્કિક રીતે વિચારો.

 

૫. લાગણીના મુદ્દાઓ ઉમેરો. 

માનવ સહજ લાગણીઓ અને જે તે નિર્ણયથી કોઈની (કે તમારી પોતાની) લાગણીઓ પર થનારી સારી કે નરસી અસરો વિષે વિચારો. લાગણીઓમાં દોરવાવું ન જોઈએ.

 

૬. નિર્ણય ઉપર આવો.   

પ્રથમ પાંચ પગલાંઓના આધારે સ્વસ્થ ચિત્તે નિર્ણય લો.

 

૭. જરૂર પડે તો નિર્ણય બદલતાં અચકાવ નહીં. 

લીધેલા નિર્ણયને જડતાથી વળગી ન રહેવાય. જરૂર પડે તો તેમાં ફેરફાર કરવાની તૈયારી રાખવી જ પડે. લવચિકતા કે flexibility પણ ઉત્તમ ગુણ છે. 

 

ભગવાને ધાર્યું હશે તે થશે, પાંચમની છઠ્ઠ નથી થતી જેવા સુત્રો અકર્મણ્યતાના દ્યોતક છે. ભગવાન આવી આપણા સૌ દુખો અને તકલીફો ચપટી વગાડતાં જ દુર કરી દેવાના નથી. તેમણે આપેલી બુદ્ધિ અને તર્કના ઉપયોગથી આપણે જ નિર્ણય લઇ તેને અમલમાં મુકવાનો રહે છે.

 

નિર્ણયની પ્રક્રિયામાં અત્યત અગત્યની જરૂરત રહે છે, હિંમતની. બધાં જ પાંસા વિચારી ઉપર દર્શાવેલા સાત સોપાનોના આધારે નિર્ણય લેવામાં પણ થોડી હિંમત અને થોડી શ્રદ્ધાની જરૂરત રહે છે. તે કેળવવા જે તે વિષયનો વિગતવાર (તલસ્પર્શી?) અભ્યાસ ઉપયોગી થાય છે. બીજી એક જરૂરીયાત અનુભવની છે. ‘તરતા આવડે નહીં ત્યાં સુધી પાણીમાં પડીશ  જ નહીં’ નું ડરપોક વલણ છોડવું પડે, ભૂલ થાય તો ભલે થતી એવા મક્કમ મનોબળથી, નર્મદના શબ્દોમાં કહીએ તો ‘યા હોમ કરીને’ પડવું જ પડે તો જ સાચી નિર્ણય શક્તિ પ્રાપ્ત થશે. પેલી જાહેરાતમાં કહે છે તેમ ‘ડર કે આગે જીત હૈ’.

 

તમે કોને આધાર બનાવશો ?  શ્રદ્ધા કે તર્ક ?  બની શકે કે બંનેનું સુયોગ્ય મિશ્રણ પણ તમને પસંદ હોય. તર્કના સઢમાં શ્રદ્ધાનો પવન ભરીને ઝુકાવીએ?

 

 

© Mahesh Shah 2014

 

 સંપર્ક :

mahesh shah.1

 મહેશ શાહ

જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો, વડોદરા.

મો. +૯૧- ૯૪૨૬૩૪૬૩૬૪/ ૦૨૬૫- ૨૩૩૦૦૮૩

                                    email :   [email protected]

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

‘દાદીમા ની પોટલી’ પર આજની પોસ્ટ પ્રસિદ્ધ કરવાની તક આપવા  બદલ અમો શ્રી મહેશભાઈ શાહ (વડોદરા) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

(મૂળ વાર્તા અંગ્રેજીમાં  …)

 
 

THE PREGNANT DEER (inspirational Story)

 

 pregnant deer
 

 

In a forest, a pregnant deer is about to give birth. She finds a remote grass field near a strong-flowing river. This seems a safe place.

Suddenly labour pains begin.

At the same moment, dark clouds gather around above and lightning starts a forest fire. She looks to her left and sees a hunter with his bow extended pointing at her. To her right, she spots a hungry lion approaching her.

What can the pregnant deer do?  She is in labour! What will happen?  Will the deer survive?  Will she give birth to a fawn?  Will the fawn survive?  Or will everything be burnt by the forest fire?  Will she perish to the hunters’ arrow? Will she die a horrible death at the hands of the hungry male lion approaching her?  She is constrained by the fire on the one side and the flowing river on the other and boxed in by her natural predators.

What does she do? She focuses on giving birth to a new life.

The sequence of events that follows are:

– Lightning strikes and blinds the hunter.

– He releases the arrow which zips past the deer and strikes the hungry lion.

– It starts to rain heavily, and the forest fire is slowly doused by the rain.

– The deer gives birth to a healthy fawn.

In our life too, there are moments of choice when we are confronted on all sides with negative thoughts and possibilities. Some thoughts are so powerful they overcome us and overwhelm us. Maybe we can learn from the deer. The priority of the deer, in that given moment, was simply to give birth to a baby.

The rest was not in her hands and any action or reaction that changed her focus would have likely resulted in death or disaster.

Where is your focus?  In the midst of the storm keep it on The Lord!