નિર્ગુણ (બ્રહ્મ) એટલે ગુણ રહિત? …

નિર્ગુણ (બ્રહ્મ) એટલે ગુણ રહિત ? …

મહેશ શાહ, (વડોદરા) …

  

  

  

aum  

 

  

  

                 પરબ્રહ્મ પરમાત્મા કેવા ?  તેમના સ્વરૂપ અને ગુણો કેવા ?  તે સનાતન પ્રશ્નો રહ્યા છે. વેદ પણ ‘નેતિ નેતિ’ (‘આ નહી, પેલું નહીં’) કહીને સત્ય શોધવાના પ્રયત્નો કરે છે. સર્વ સ્વીકૃત સત્ય ગણવું હોય તો ગણી શકાય કે, “બ્રહ્મ નિરાકાર, નિર્ગુણ અને સર્વવ્યાપી (અત્ર તત્ર સર્વત્ર) છે.” 

  

                  આજે અહીં ‘નિર્ગુણ’ બ્રહ્મની વાત કરવી છે. બ્રહ્મના ગુણોની વાત કરવા માટે બ્રહ્મને સમજવાનું જરૂરી છે. જે કામ તો ઋષિ મુનીઓ માટે પણ અઘરૂં છે તેથી  આપણે પહેલાં પાણીના ઉદાહરણથી સમજીશું.

  

                   ‘પાની રે પાની તેરા રંગ કૈસા?’નો જવાબ શું મળે? પાણીનો કોઈ રંગ નથી હોતો. તેમાં જે કોઈ રંગ ભળે તે રંગનું તે થઇ જાય. તેવી જ રીતે લાલ ગ્લાસમાં તે લાલ દેખાશે અને લીલામાં લીલું. અહીં તે પાત્રનો રંગ ધારણ કરે  છે. તેવી રીતે જ પાણીનો પોતાનો કોઈ આકાર પણ નથી. જેવું પાત્ર તેવો આકાર. શુદ્ધ પાણીનો કોઈ સ્વાદ કે ગંધ  પણ નથી હોતા. આમ પાણી રંગ હીન, ગંધ હીન, આકાર હીન (નિરાકાર) છે. આમ છતાં તે સ્થળ અને સંજોગો પ્રમાણે વિવિધ રંગ, સ્વાદ, ગંધ કે આકારમાં જોવા મળે છે.

  

                બ્રહ્મનું પણ એવું જ છે. મુખ્ય ત્રણ ગુણો સત્વ, રજસ અને તમસના સંયોગથી તે સાત્વિક, રાજસી કે તામસિક લાગે છે. વળી આ ત્રણ ગુણોના વધતા ઓછા પ્રમાણના મિશ્રણથી અન્ય અનેક સ્વરૂપો પણ જોવા મળે છે. અહીં એક વાત સમજવી જરૂરી છે. ગુણ એટલે ‘સારા ગુણ’ કે ‘સદગુણ’ એવું જરાય જરૂરી નથી. ખરેખર તો નિર્ગુણ-સગુણના સંદર્ભમાં જોઈએ તો ગુણ સારા (સદગુણો) અથવા ખરાબ (દુર્ગુણો) બંને હોઈ શકે છે. હવે આ ત્રણ કે અન્ય કોઈ ગુણ ન હોય તે સ્થિતિ ‘નિર્ગુણ’ ગણાય. ‘નિ:’ નો ઉપયોગ ગેરહાજરી દર્શાવવા થાય છે. દા.ત. નિર્દંભ એટલે દંભ વગરનું. નિરવ એટલે અવાજ વગરનું (શાંત) તે રીતે જોઈએ તો નિર્ગુણનો અર્થ ગુણ વગરનું એવું થાય. પરમાત્મામાં ગુણનો અભાવ કલ્પી શકાય નહીં. મતલબ કે અહીં નિર્ગુણનો જુદો અર્થ કરવો પડશે. આ માટે એક સરસ શબ્દ છે ‘ગુણાતીત’. આ સર્વ ગુણોથી પર, તેનાથી ઉપર, તેનાથી નિરાળું એવો અર્થ કરી શકાય.

  

               આ સમજવા આપણે પ્રભુના શરણે જ જઈએ. શ્રીમદ ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયના  ૧૩ મા શ્લોકમાં પ્રભુ કહે છે કે, “ગુણોના કાર્યરૂપ સાત્વિક, રાજસ અને તામસ એવા ત્રણે પ્રકારના ભાવોથી આ સમગ્ર જગત મોહ પામી રહ્યું છે. તેથી જ આ ત્રણે ગુણોથી પર એવા અવિનાશી પરમ તત્વરૂપ મને ઓળખી શકતા નથી.”   અર્થાત, પ્રભુ પોતે જ કહે છે કે તેઓ આ ગુણોથી પર, નિર્ગુણ છે. સત્વ. રજસ, તમસ અને તેના અનેક જાતના મિશ્ર ગુણો પ્રભુએ જ રચેલા છે તો પણ પ્રભુ તેનાથી અલિપ્ત, વેગળા છે. કમળ કાદવમાં ખીલે છે પણ તે સ્વચ્છ, નિર્મળ રહે છે તેવી જ રીતે (જળકમળવત) પ્રભુ પણ સર્વ ગુણોથી ઉપર છે.

  

કહેવાનું તાત્પર્ય એટલું જ કે નિર્ગુણ એટલે ગુણ રહિતતા નથી. પ્રભુમાં સર્વ ગુણો સમાયેલા છે. છતાં તેઓ તેનાથી પર છે. આપણે જાણીએ છીએ કે સફેદ રંગ એ (જાનીવાલીપીનારા VIBGYOR ના ટૂંકા રૂપે ઓળખાતા)સાત રંગોના સમન્વયથી બનેલો છે. તેમ છતાં તેમાં સાતમાંથી એક પણ રંગ અલગ દેખાતો નથી. તેવી જ રીતે સર્વ ગુણોના રચયિતા, સર્વ ગુણોના ધારક નિર્ગુણ પરબ્રહ્મ પરમાત્મામાં પણ કોઈ ગુણ નથી દેખાતો.

  

           આપણે જાણીએ છીએ કે અગ્નિમાંથી છુટા પડેલા તણખાની જેમ જીવ પણ પ્રભુના સ્વરૂપમાંથી છૂટો પડેલો (અંશ) છે. જીવના પણ અનેક સ્વરૂપ ભેદ છે જેનું નિરૂપણ પુષ્ટિમાર્ગના પ્રવર્તક આચાર્યશ્રી વલ્લભાચાર્યજીએ શ્રી પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં કર્યું છે. તેમાં પણ પુષ્ટિ જીવોને શુદ્ધ પુષ્ટિ અને પ્રવાહ ઈત્યાદીથી મિશ્ર પુષ્ટિ જીવોની વાત છે. આથી પુષ્ટિમાર્ગમાં અત્યંત જાણીતા ૮૪-૨૫૨ વૈષ્ણવોમાં પણ શુદ્ધ પુષ્ટિ અને સત્વ/રજસ/તમસ ગુણો અગર તેના મિશ્ર ગુણોવાળા વૈષ્ણવો પણ હશે જ. અનેક સદગુણો ધરાવતા આ વૈષ્ણવોમાં પણ નિર્ગુણ અને સગુણ એવા ભેદ જોવા મળ્યા હશે. આમ પણ આ સૃષ્ટિની રચના પ્રભુની લીલા અર્થે થઈ હતી. આપણે જાણીએ છીએ કે પ્રભુને વૈવિધ્ય અત્યંત વહાલું છે એટલે આ ૮૪-૨૫૨ વૈષ્ણવોમાં ખુબ વૈવિધ્ય હશે જ. આપણને ખબર છે કે કેલીડોસ્કોપમાં કેટ કેટલા રંગ અને આકારનું વૈવિધ્ય જોવા મળે છે. આ દૈવી સૃષ્ટિમાં તેનાથી પણ વિશેષ વિવિધતા હશે જ કારણ કે આપણાનટવર નાગરનેનિત્ય નૂતન સામગ્રી પ્રિય છે.

  

           નિર્ગુણ જેવો જ લાગતો એક શબ્દ ‘નગુણો’ છે પણ તે કોઈએ કરેલા ઉપકાર કે  ભલાઈ માટે આભારી થવાની મનોવૃત્તિ(કૃતજ્ઞતા)નો અભાવ દર્શાવે છે તે તદ્દન અલગ જ છે અને નિર્ગુણ શબ્દ સાથે તેને કોઈ સંબંધ નથી.

  

 

© Mahesh Shah 2013

 

 

 

mahesh shah.1

મહેશ શાહ
જય શ્રીકૃષ્ણ મેરેજ બ્યુરો,
વડોદરા

મો. +૯૧- ૯૪૨૬૩૪૬૩૬૪/ ૦૨૬૫- ૨૩૩૦૦૮૩

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

‘દાદીમા ની પોટલી’ પર આજની પોસ્ટ પ્રસિદ્ધ કરવાની તક આપવા  બદલ અમો શ્રી મહેશભાઈ શાહ (વડોદરા) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.