૫૧ શક્તિપીઠ ….

૫૧ શક્તિપીઠ ….

 

 

51 shakti pith

 

 

પૌરાણિક કથા અનુસાર પ્રજાપતિ દક્ષનાં યજ્ઞમાં ભગવાન શિવનું અપમાન સહન ન થતાં માતા સતીએ યજ્ઞની અગ્નિમાં દેહત્યાગ કર્યો ત્યારે ભગવાન શિવ સતીના મૃત શરીરને લઈ પૃથ્વી પરિભ્રમણ કરવા લાગ્યાં.ત્યારે ભગવાન વિષ્ણુએ ભગવાન શિવનું આ તાંડવ સ્વરૂપ જોઈ પોતાના સુદર્શનચક્ર વડે સતીનાં દેહનાં ટુકડા કરી નાખ્યાં. સતીના દેહના ટુકડાઓ પૃથ્વી પર જ્યાં પડ્યા ત્યાં શક્તિ પીઠોની રચના થઈ.

 

 

૧. અંબાજી

અંબાજી શક્તિપીઠ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. અહીં પણ માતાજીના હૃદયના અવશેષ પડયા હતા તેવું પૌરાણિક વિધાન છે. માતાજીની અહીં કોઇ મૂર્તિ પ્રસ્થાપિત નથી, પરંતુ મા અહીં શ્રીયંત્રના સ્વરૂપે બિરાજે છે. તેથી માનું આ સ્વરૂપ ભૌતિક સુખ સંપદા આપનારું છે.

 

 ૨. શંર્કરા

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં શંર્કરા શક્તિપીઠ આવેલી છે. આ શક્તિપીઠનું પણ આધ્યાત્મિક જગતમાં અનેરું મહત્ત્વ છે. અહીં માતાજીનાં નેત્રો પડયાં હતાં. શિવ શક્તિ અહીં મહિષાસુરર્મિદનીના રૂપમાં સ્થાપિત છે. મહાલક્ષ્મીનું સુપ્રસિદ્ધ મંદિર પણ અહીં જ આવેલું છે.

 

૩.સુગંધા

સુગંધા શક્તિપીઠ દક્ષિણી બાંગ્લાદેશમાં સ્થાપિત છે. અહીં શિવ શક્તિ ત્ર્યંબક સુનંદાના રૂપમાં બિરાજે છે. અહીં દેવીની નાસિકા પડી હતી. શિવ ચતુર્થીના દિવસે અહીં ભક્તોની બહુ મોટી ભીડ જામે છે.

 

 ૪. અમરનાથ

અમરનાથ કાશ્મીરમાં આવેલું પ્રમુખ તીર્થસ્થાન છે. અહીં માતાજી ત્રિસંધ્યેશ્વર અને મહામાયાના રૂપમાં સ્થાપિત છે. અહીં માતાજીનો કંઠ પડયો હતો. અહીં બરફના શિવલિંગનાં દર્શન કરવા દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ આવે છે.

 

 ૫. જ્વાલામુખી

જ્વાલામુખી શક્તિપીઠ કાંગડા હિમાચલ પ્રદેશમાં સ્થિત છે. અહીં માતાજીની જિહ્વા પડી હતી. શિવ શક્તિ અહીં ઉન્મત્ત સિદ્ધિદા ભૈરવ સ્વરૂપે બિરાજે છે. જ્વાલામુખીનું આ મંદિર અદ્ભુત શક્તિનું સ્થળ મનાય છે.

 

 ૬. જાલંધર

જાલંધર શક્તિપીઠ જાલંધરમાં આવેલું છે. માતાજી ભીષણ અને જયપુરમાલિનીના રૂપે બિરાજે છે.અહીં માતાજીનાં સ્તન પડયાં હતાં તેથી માતૃત્વના પ્રેમથી છેલકાતા માના આ સ્વરૂપની પૂજા કરવાનું આગવું માહાત્મ્ય છે. અહીં આવનાર દરેક ભક્ત માની અભય ગોદમાં આવીને નિર્ભય બની જાય છે.

 

૭. વૈદ્યનાથ

અહીં દેવીનું હૃદય પડયું હતું શક્તિસ્વરૂપા મા અહીં વૈદ્યનાથ અને જયદુર્ગાના રૂપમાં અવસ્થિત છે. વૈદ્યનાથ ભારતનાં બાર જ્યોતિર્લિગ માંનું એક છે. અહીં શિવ અને શક્તિ બંનેની ઉપસ્થિતિ હોવાથી ભક્તો શિવ અને શક્તિનાં દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

 

૮. ગંડક ચંડી

ગંડકી મુક્તિનાથ શક્તિપીઠ નેપાલમાં સ્થિત છે અહીં માતાજીનો લમણાનો ભાગ પડયો હતો. શિવ શક્તિ અહીં ચક્રપાલી સ્વરૂપે બિરાજે છે. ભક્તોનું માનવું છે કે આ સ્થળ પર દેવીકૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે.

 

૯. માનસ

માનસ શક્તિપીઠ તિબ્બતમાં કૈલાસ પર્વત પર આવેલું છે. માનસ શક્તિપીઠ વિશ્વવિખ્યાત અને શક્તિશાળી પીઠમાંનું એક છે. જ્યાં શિવ શક્તિ અમર અને દક્ષાયનીના રૂપે બિરાજે છે. અહીં માતાજીનો ડાબો હાથ પડયો હતો. માનસરોવર પણ અહીં જ આવેલું છે આ રીતે અહીં પરમાત્મા અને પ્રકૃતિનો અદ્વિતીય સમન્વય જોવા મળે છે.

 

૧૦. ઉત્કલ વિરાજ

ઉત્કલ ઊર્જા ઓરિસ્સામાં આવેલું શક્તિપીઠ છે. અહીં માતાજીનો નાભિપ્રદેશ પડયો હતો. તે શિવ શક્તિ વિમલા અને જગન્નાથના રૂપે અહીં પૂજાય છે. આ પીઠ જગન્નનાથ મંદિરની પાસે પુરીમાં આવેલું છે.

 

૧૧.બહુલા

બહુલા શક્તિપીઠ વીરભૂમિ દક્ષિણ બંગાળમાં છે. જ્યાં દેવીનો ડાબો હાથ પડયો હતો. અહીં શિવ શક્તિ ભીરુક અને બહુલા દેવીના રૂપે સ્થાપિત છે.અહીંના સ્થળ વિશે ભક્તોમાં એવી માન્યતા છે કે માનો હાથ અહીં પડયો હોવાથી તેની કૃપાનો હાથ ભક્તો પર હંમેશાં રહે છે.

 

૧૨. ઉજ્જૈની

ઉજ્જૈની શક્તિપીઠ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલું છે. માતાજીની કોણી અહીં પડી હતી. માતાજી અહીં કપિલાંબર અને મંગલ ચંડિકાના રૂપે બિરાજે છે. મહાકાળેશ્વરની સાથે મહાદેવીના સમન્વયનું આ સ્થળ ભક્તો પર અનુકંપા વરસાવતું રહે છે.

 

૧૩.ત્રિપુરા

ત્રિપુરા શક્તિપીઠ ઉદયપુરમાં આવેલું છે. અહીં દેવીનું જમણું ચરણ પડયું હતું.અહીં માતાજી ત્રિપુરેશ અને ત્રિપુરસંદરીના સ્વરૂપે બિરાજે છે.

 

૧૪. ચહલ

ચહલ શક્તિપીઠ બાંગ્લાદેશમાં સ્થાપિત છે. અહીં દેવીનો જમણો હાથ પડયો હતો. શિવ શક્તિ અહીં ચંદ્રશેખર અને ભવાનીના નામે પ્રસિદ્ધ છે. મહાદેવે સ્વયમ્ કહ્યું હતું કે કળિયુગમાં તે ચંદ્રશેખર પર્વત પર નિરંતર આવશે.

 

૧૫. ત્રિસ્ત્રોતા

ત્રિસ્ત્રોતા શક્તિપીઠ જલપાઈગુરી પશ્ચિમ બંગાળમાં સ્થિત છે. અહીં દેવીનો ડાબો પગ પડયો હતો. શિવ શક્તિ અહીં ભૈરવેશ્વર અને ભ્રામરીના રૂપમાં બિરાજે છે.

 

૧૬. કામાખ્યા

કામાખ્યા કામગિરિ અહીં દેવીનો યોનિમાર્ગ પડયો હતો. અહીં શિવશક્તિ ઉમાનંદ અને કામાખ્યાના નામે સ્થાપિત છે. કહેવાય છે કે જે એક વાર આ મંદિરમાં આવે છે તેને અમરત્વનું વરદાન મળી જાય છે. કામાખ્યામાં જવું માનવતાના મૂળ સ્ત્રોતમાં જવા સમાન છે. આ મંદિર પશુબલિ માટે પણ પ્રચલિત છે.

 

૧૭. પ્રયાગ

પ્રયાગમાં ગંગા જમુના સરસ્વતીનો સંગમ થાય છે.શિવ શક્તિ અહીં માતાજીના ભવ અને લલિતાના સ્વરૂપે પ્રતિષ્ઠિત છે. પૌરાણિક વિધાન મુજબ અહીં માતાજીની આંગળીઓ પડી હતી. માતાની આશિષની પ્રતીતિ કરાવતું આ શક્તિસ્થળ માઈ ભક્તોમાં આસ્થાનું ધામ છે.

 

૧૮. જયંતી

જયંતી શક્તિપીઠ અસમમાં આવેલું છે. આ શક્તિસ્થળની ભૂમિ પર માતાજીની ડાબી સાથળ પડી હતી. શિવ શક્તિ અહીં ક્રમદિશ્વર અને જયંતીના નામે સ્થાપિત છે.

 

૧૯. યુગાદયા

યુગાદયા શક્તિપીઠ પશ્ચિમ બંગાળના ખીરગ્રામ શહેરમાં આવેલું છે. અહીં દેવીનો જમણો અંગૂઠો પડયો હતો. અહીં શિવ ક્ષીરખંડક અને ભૃતધાત્રીનાની પ્રતિમા શિવ શક્તિના રૂપે પ્રતિષ્ઠિત છે.

 

૨૦. કાલીપીઠ

કાલીપીઠ કાલીઘાટ કોલકાતામાં આવેલી છે. આ સિદ્ધ શક્તિપીઠ પશ્ચિમ બંગાળનું મુખ્ય તીર્થસ્થળ છે. જ્યાં શિવ શક્તિ નકુલીશ અને કાલિકાના નામે સ્થાપિત છે. અહીં દેવીના જમણો પગ પડયો હતો. માનાં ચરણ અહીં પડયાં હોવાથી આ પાવનધામે આવનારના જીવનમાં અનિષ્ટોનો નાશ થાય છે અને ઇષ્ટની પ્રાપ્તિ થાય છે.

 

૨૧. કિરીટ

કિરીટ એટલે મુગટ. કિરીટ શક્તિપીઠ બાંગ્લાદેશમાં પ્રસ્થાપિત છે. પૌરાણિક કથા મુજબ અહીં માતાના મુગટ સાથે મસ્તક ઘરાના આ ભાગમાં પડયું હતું તેથી આ શક્તિપીઠ કિરીટ પીઠના નામે ઓળખાય છે. મમતાળુ મા અહીં સંવત અને વિમલાના વાસ કરે છે.

 

૨૨. વારાણસી

વારાણસી શક્તિપીઠ ઉતરપ્રદેશમાં પ્રસ્થાપિત છે. માતાજીના અહીં કર્ણ અને કુંડળ પડયાં હતાં. આ સ્થળ કારભૈરવ અને વિશ્વલક્ષ્મી મણીકરણીના નામથી પ્રસિદ્ધ છે. પુરાણ પ્રમાણે આ સ્થળ પ્રલય પછી અસ્તિત્વમાં આવ્યું હતું.

 

૨૩. કન્યાશ્રમ

કન્યાકુમારીમાં કન્યાશ્રમ શક્તિપીઠ આવેલું છે. અહીં શક્તિપીઠના નિર્માણ પાછેળનું કરાણ એ છે કે પૃથ્વીના આ ભાગ પર માતાજીનું પૃષ્ઠ પડયું હતું. અહીં શિવ શક્તિ નિમિષ અને સર્વાિણના રૂપમાં અવસ્થિત છે.

 

૨૪ કુરુક્ષેત્ર

કુરુક્ષેત્ર શક્તિપીઠ હરિયાણામાં સ્થિત છે. જ્યાં દેવીની ઘૂંટી પડી હતી. શિવશક્તિ અહીં સાવિત્રીના રૂપે બિરાજે છે.

પ્રખર સૂર્ય સ્વરૂપ સાવિત્રીનું સ્વરૂપ માઈ ભક્તોમાં ઓજસનો સંચાર કરે છે.

 

૨૫. મણિબંધ

મણીબંધ શક્તિપીઠને મણીવેદિકા પણ કહે છે. આ શક્તિધામ પુષ્કર રાજસ્થાનમાં સ્થિત છે. અહીં દેવીનું મણીબંધ પડયું હતું. શિવ શક્તિ અહીં સર્વાનંદ અને ગાયત્રીના રૂપે બિરાજે છે.

 

૨૬.શ્રીશૈલ

શ્રીશૈલ મલ્લિકાઅર્જુન પર્વત પાસે શૈલમાં છે. અહીં દેવીની ગરદન પડી હતી. શિવ શક્તિ અહીં સબરાનંદ અને મહાલક્ષ્મીના નામે પ્રસિદ્ધ છે. આંધ્રપ્રદેશનું આ બહુ પ્રસિદ્ધ તીર્થ સ્થળ છે અને બાર જ્યોતિર્લિગમાંનું એક છે.

 

૨૭.કાંચીપુરમ્

કાંચીપુરમ્ તમિલનાડુમાં છે. આ પ્રાચીન શક્તિપીઠમાં દેવીના અસ્થિ પડયા હતા. અહીં દેવી કામાક્ષીના રૂપે વિદ્યમાન છે. અહીંનો કાંચી કામકોટી મઠ પણ પ્રસિદ્ધ છે જેનું પણ આધ્યાત્મિક જગતમાં પ્રમુખ સ્થાન છે.

 

૨૮. કાલમાધવ

કાલમાધવ શક્તિપીઠ મધ્યપ્રદેશમાં અમરકંટક નદી પાસે ચિત્રકૂટધામમાં સ્થિત છે. અહીં દેવીના નિતંબ પડયા હતા. માતાજી અહીં અસિતાંગ અને કલીંના રૂપે બિરાજે છે.

 

૨૯. સોણદેશ

સોણદેશ શક્તિપીઠ બિહારમાં સોણ નદીના પાસે આવેલું છે. અહીં તેના કમરનો ભાગ પડયો હતો.તે ભદ્રસેન અને નર્મદાના રૂપમાં સ્થાપિત છે.

 

૩૦. રામગીરી

રામગીરી શક્તિપીઠ મધ્યપ્રદેશમાં ચિત્રકૂટધામમાં આવેલું છે. અહીં માતાનું એક સ્તન પડયું હતું તેથી અહીં પણ શક્તિ તીર્થ રચાયું છે. અહીં માતાજી ચંડ ભૈરવ અને શિવાનીના નામે પ્રસ્થાપિત છે.

 

૩૧. હિગુલા

આ શક્તિપીઠ દક્ષિણ પાકિસ્તાનમાં કરાચી નજીક એક ગુફામાં આવેલું છે. અહીં દેવી કોટ્ટીસ અને ભીમલોચન સ્વરૂપે બિરાજે છે. પૌરાણિક કથા પ્રમાણે દેવીનો બ્રહ્મરંધ અહીં પડયો હતો. અંધકારમય ગુફા માતાજીના પૂજાસ્થળથી પ્રકાશિત થાય છે.

૩૨.વૃંદાવન

વુંદાવનમાં કેશ પડયા હતા દેવી અહીં માતાજી ભૂતેશ અને ઉમાના રૂપે બિરાજે છે. વૃંદાવન એ ૃકૃષ્ણની અને મા જગદંબાની પણ ભૂમિ હોવાથી ભારતની તીર્થભૂમિમાં તેનું વિશેષ અને મહત્ત્વનું સ્થાન છે.

 

૩૩. શુચિ

શુચિ શક્તિપીઠ કન્યાકુમારી તમિલનાડુમાં સ્થિત શક્તિસ્થળ છે.જ્યાં દેવીના ઉપરના દાંત પડયા હતા. શિવ શક્તિ અહીં સંહાર અને નારાયણના રૂપમાં અવસ્થિત છે.

 

૩૪. પંચસાગર

પંચસાગરમાં દેવીના નીચેના દાંત પડયા હતા. શિવશક્તિ અહીં મહારુદ્ર અને બરહી નામે પ્રસિદ્ધ છે. તેનું સ્થાન અજ્ઞાત છે.

 

૩૫. કરતોયાતટ

કરતોયાતટ શક્તિપીઠ બાંગ્લાદેશમાં આવેલું છે. અહીં માતાજીનું તલ્પ (બાવડું) પડયુ હતું અહીં મા વામન ભૈરવ અને અપર્ણાના રૂપમાં પ્રચલિત છે. કરતોયાતટમાં નોટોરના રાજા અને તેના પૌત્ર મહારાજા ધ્યાન લગાવતા હતા તેથી આ સ્થળનું ઐતિહાસિક મહત્ત્વ પણ છે.આ મંદિર કરોટા નદી પાસે સ્થિત છે જેને ભવાનીપુર પણ કહે છે.

 

૩૬. શ્રી પર્વત

શ્રી પર્વતમાં લદાખમાં માતાજીનો ડાબો પગ અને તેનાં તળિયાં પડયાં હતાં. અહીં માતાજી સુંદરાનંદ, ભૈરવ અને શ્રીસુંદરી નામે બિરાજે છે.

 

૩૭. વિભાષ

વિભાષ શક્તિપીઠ પશ્ચિમ બંગાળના મેદનીપુરમાં આવેલું છે. અહીં દેવીની ડાબી ઘૂંટી પડી હતી. શિવ શક્તિ અહીં સર્વાનંદ અને કપાલી સ્વરૂપે વિદ્યમાન છે.

 

૩૮.પ્રભાસ

પ્રભાસમાં દેવીનો ઉદરનો ભાગ પડયો હતો. આ સ્થળ ગુજરાતમાં વેરાવળથી ચાર કિલોમીટર દૂર આવેલું છે. અહીં શિવ શક્તિ વક્રતુંડ ને ચંદ્રભાગાના નામે પ્રસ્થાપિત છે.

 

૩૯.જનસ્થલ

જનસ્થલ શક્તિપીઠ મહારાષ્ટ્રના નાસિક શહેરમાં આવેલું છે. માતાજીની અહીં હડપચી પડી હતી. શિવ શક્તિ અહીં વૃકતાક્ષ અને ભ્રામરીના નામે બિરાજે છે,

 

૪૦. વિરાટ

વિરાટ શક્તિપીઠ રાજસ્થાનમાં આવેલું છે. માતાજીના ચરણની આંગળીઓ અહીં પડી હતી. મા અહીં અમૃત અને અંબિકાના નામે બિરાજે છે.

 

૪૧. ગોદાવરી

આંધ્ર્પ્રદેશમાં કોટીલિંગેશ્વર ગોદાવરી નદીના કિનારે આવેલું છે . માતાજીનું ડાબું લમણું પડયું હતું. અહીં માતાજી દંડપાણિ અને વિશ્વેશ્વરી સ્વરૂપે બિરાજે છે.

 

૪૨. રત્નાવલી

રત્નાવલી શક્તિપીઠ ચેન્નઇમાં આવેલું છે. અહીં માતાજીનો ડાબો ખભો પડયો હતો . રત્નાવલી રત્નાકર નદી પાસે આવેલું છે. શિવ શક્તિ અહીં કુમારી ક્ન્યાના સ્વરૂપે બિરાજે છે.

 

૪૩. મિથિલા

મિથિલા શક્તિપીઠ બિહારમાં કનકપુરમાં આવેલું છે. અહીં માતાજીનો જમણો ખભો પડયો હતો. મા અહીં મહોદર અને ઉમા રૂપે સ્થાપિત છે.

૪૪. નલહાટી

નલહાટી શક્તિપીઠ કોલકાતામાં સ્થિત છે. જ્યાં દેવીની નલા પડી હતી તેથી આ સ્થળ નલહાટી નામે પ્રચલિત છે. અહીં માતાજીની યોગેશ અને કાલિકાની મૂર્તિ પ્રસ્થાપિત છે.

 

૪૫. મગધ

મગધ શક્તિપીઠ બિહારના મગધમાં આવેલું છે. જે આજે પટનાના નામે જાણીતું છે. આ સ્થળ પર માતાજીની ડાબી સાથળ પડી હતી. માતાજી અહીં વ્યોમકેશ અને સર્વનંદના સ્વરૂપે બિરાજે છે.

 

૪૬. વક્રેશ્વર

વક્રેશ્વરમાં દેવીના મસ્તિષ્કનો ભાગ પડયો હતો. દેવી અહીં વક્રનાથ નામે બિરાજે છે. અહીં સાત ગરમ પાણીના ઝરા અને પાપહર નદી છે. મહામુનિ અષ્ટવક્રને આ સ્થળ પર જ જ્ઞાન મળ્યું હતું તેથી પણ આ સ્થાનનું વિશેષ મહત્ત્વ છે.

 

૪૭ યશોર

યશોર શક્તિપીઠ બાંગ્લાદેશમાં આવેલું છે. અહીં સતીના હાથપગના અંશ પડયા હતા. માતાજી અહીં ચંડ અને યશોશ્વેશ્વરી નામે બિરાજે છે.

 

૪૮, અષ્ટ હાસ્ય

અષ્ટ હાસ્ય શક્તિપીઠ પશ્ચિમ બંગાળમાં આવેલું છે. અહીં માતાજીનો હોઠ પડયો હતો. શિવ શક્તિ અહીં વિશ્વેશ અને ફુલારાના નામે પ્રસ્થાપિત છે.પશ્ચિમ બંગાળનું આ મુખ્ય તીર્થસ્થાન છે.

 

૪૯.નંદીપુર

નંદીપુર શક્તિપીઠ પશ્ચિમ બંગાળમાં આવેલું છે. માતાજીનો અહીં કંઠહાર પડયો હતો. શિવ શક્તિ અહીં નંદીકેશ્વર અને નંદીના નામે બિરાજે છે.

 

૫૦.લંકાઃ

શ્રીલંકામાં દેવીનું નૂપુર પડયું હતં તે રાક્ષેશ્વર અને ઇદ્રાક્ષી નામે બિરાજે છે.રાવણે અહીં શિવ શક્તિની પૂજા કરી હતી. એક મત અનુસાર આ મંદિર ટિક્રોમાલીમાં છે, પરંતુ પુર્તગાલીના ગોળીબારમાં તે ધ્વંસ થઇ ગયું છે. આ શક્તિપીઠ પ્રખ્યાત ત્રિકોણેશ્વર મંદિરની નજીક  આવેલું છે.

 

૫૧. પશુપતિનાથ

નેપાળમાં પશુપતિનાથના મંદિર નજીક ગુજેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે. અહીં માતાજીનો એક ઘૂંટણ પડયો હતો. માતાજી કપાલી અને મહાશ્રી સ્વરૂપે વિદ્યમાન છે.આ રીતે ભારત સિવાય પાકિસ્તાન અને નેપાલમાં પ્રસ્થાપિત શક્તિપીઠ શક્તિ સ્ત્રોતનાં મુખ્ય કેન્દ્રસમાં છે. અહીં માતાજીનાં અંગ પડયાં હોવાથી શક્તિપીઠનાં તીર્થ સ્થળોમાં પણ માના સાક્ષાત્કારની દિવ્ય અનુભૂતિ થાય છે.
 

  

 

Vinod Machhi photoસંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)
મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,
ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫ (મો)
E-mail: [email protected]

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વિનોદભાઈ માછી (નિરંકારી) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.
 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli