નવરાત્રિ …

નવરાત્રિ …

 

 
mataji

 

 

                     વરાત્રી એક હિંદુ ઉત્સવ છે જેમાં શક્તિની પૂજા અને નૃત્ય કરવામાં આવે છે.સંસ્કૃતમાં નવારાત્રી-નવા એટલે નવ અને રાત્રી એટલે કે રાતની રીતે તેનો શાબ્દિક અર્થ નવ રાતો તેવો થાય છે. આ નવ રાત અને દસ દિવસ દરમિયાન શક્તિ.. દેવીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.

 

            આસો મહિનામાં આવતી નવરાત્રિના ઉત્સવ માટે એક પૌરાણીક કથા પ્રસિદ્ધ છે.  મહિષાસુર નામનો એક રાક્ષસ અતિ પ્રભાવી થયો હતો.  તેને પોતાના સામર્થ્યના જોરે બધા જ દેવો તેમજ મનુષ્‍યોને ત્રાહિ મામ્ મોકારતા કરી દીધા હતા.  દૈવી વિચારોની પ્રભા ઝાંખી થઇ હતી અને દૈવી લોકો ભયગ્રસ્ત બન્યા હતા.હિંમત હારી ગયેલા દેવોએ બ્રહ્મા,વિષ્‍ણુ અને મહેશની આરાધના કરી દેવોની આરાધનાથી પ્રસન્ન થયેલા આધ દેવો મહિષાસુર ઉ૫ર ક્રોધે ભરાયા.તેમના પુણ્ય પ્રકો૫થી એક દૈવી શક્તિ નિર્માણ થઇ.  બધા દેવોએ જય જયકાર કરી તેમને વધાવી તેમની પૂજા કરી તેમને પોતાનાં દિવ્ય આયુધો પ્રદાન કર્યા.  આ દૈવી શક્તિએ નવ દિવસના અવિરત યુદ્ધના અંતે મહિષાસુરનો વધ કર્યો.  આસુરી વૃત્તિને ડામી દૈવી સં૫ત્તિની પુનઃસ્થા૫ના કરી દેવોને અભયદાન આપ્‍યું.  આ દૈવી શક્તિ એ જ આપણી ર્માં જગદંબા ! આ દિવસોમાં ર્માં પાસે સામર્થ્‍ય માંગવાનું તેમજ આસુરી વૃત્તિ ૫ર વિજય મેળવવાનો છે.  આજે ૫ણ મહિષાસુર પ્રત્યેક હ્રદયમાં પોતાનું સ્થાન જમાવી અંદર રહેલી દૈવી વૃત્તિને ગૂંગડાવી રહ્યો છે.  આ મહિષાસુરની માયાને ઓળખવા તેમજ તેની આસુરી નાગચૂંડમાંથી મુક્ત થવા દૈવી શક્તિની આરાધનાની જરૂર છે.  નવ દિવસ સુધી અખંડ દિ૫ પ્રગટાવી ર્મા જગદંબાની પૂજા કરી તેમની પાસેથી શક્તિ મેળવવાના દિવસો એ જ નવરાત્રિના નવ દિવસ !

 

       આપણી ભ્રાંત સમજણ છે કે અસુર એટલે મોટા દાંતવાળો.. મોટા નખવાળો,લાંબા વાળવાળો, મોટી આંખવાળો કોઇ ભયંકર રાક્ષસ !  અસુર એટલે અસુષુ રમન્તે ઇતિ અસુરાઃ પ્રાણોમાં રમમાણ થનારો તેમજ મહિષ એટલે પાડો..અને એ રીતે જોતાં પાડાની વૃત્તિ રાખનારો અસુર એટલે તે મહિષાસુર.  પાડો હંમેશાં પોતાનું જ સુખ જોતો હોય છે.  સમાજમાં આજે આ પાડાની વૃત્તિ ફાલતી જાય છે.  ૫રીણામે આખો સમાજ સ્વાર્થી,પ્રેમવિહીન અને ભાવનાશૂન્ય બન્યો છે.  સમાજમાં આજે વ્યક્તિવાદ અને સ્વાર્થૈક૫રાયણતા અમર્યાદ બનીને મહિષાસુર રૂપે નાચતાં રહેલાં છે.  આ મહિષાસુરને નાથવા ર્માં પાસે સામર્થ્ય માંગવાના દિવસો એટલે નવરાત્રિના નવ દિવસો !

 

       આ૫ણા વેદોએ ૫ણ શક્તિની ઉપાસનાને ઘણું જ મહત્વ આપ્‍યું છે.  મહાભારતનું પાનેપાનું બલોપાસના તેમજ શૌર્યપૂજાથી ભરેલું છે.  વ્યાસ, ભીષ્‍મ અને ભગવાન શ્રીકૃષ્‍ણનાં બધાં જ વ્યાખ્યાનો તેજ.. ઓજ.. શૌર્ય.. પૌરૂષ અને ૫રાક્રમથી અંકિત થયેલાં દેખાય છે.  મહર્ષિ વ્યાસે પાંડવોને શક્તિ ઉપાસનાનું મહત્વ સમજાવ્યું છે.  તેમને પાંડવોને શિખામણ આપી છે કે તમારે જો ધર્મનાં મૂલ્યો ટકાવવાં હોય તો હાથ જોડી બેસી રહે નહીં ચાલે, શક્તિની ઉપાસના કરવી ૫ડશે.  અર્જુનને દિવ્ય અસ્ત્રો મેળવવા તેમણે જ સ્વર્ગમાં જવાનું સૂચન કર્યું હતું.

 

       અનાદિ કાળથી સદવિચારો ઉ૫ર દૈવી વિચારો ઉ૫ર આસુરીવૃત્તિ હુમલો કરતી આવી છે અને દૈવી વિચાર અગવડમાં આવતાં જ દેવોએ ભગવાન પાસે શક્તિ માંગી.. સામર્થ્ય માંગ્યું અને આસુરીવૃત્તિનો ૫રાભવ કર્યો.  ફક્ત સદવિચાર હોવા એ પુરતું નથી, તેનું રક્ષણ થવું ૫ણ જરૂરી છે અને તે માટે શક્તિની ઉપાસના આવશ્યક છે.

 

       આપણે આળસ ખંખેરી.. ક્ષણિક પ્રમાદને આઘો કરી.. પુનઃશક્તિની ઉપાસના શરૂ કરવી જોઇએ.  સંઘે શક્તિઃ કલૌ યુગે !  એ વાત ધ્યાને રાખી નવરાત્રિના દિવસોમાં દૈવી વિચારના લોકોનું સંગઠન સાધવાનો પ્રયત્ન કરવો જોઇએ.  એ સંગઠનમાં પ્રમુખ સ્થાને ર્માં જગદંબા રહેશે અને તેમની ભક્તિથી જ આપણામાં શક્તિ પ્રગટશે એ સૂચવવા જ નવરાત્રિના દિવસો દરમ્યાન ગરબા કે રાસરુપે ર્માં ની આસપાસ ઘુંમવાનું હોય છે.ર્માં ની આસપાસ ફરતાં ફરતાં ર્માં પાસેથી માંગવું જોઇએ કે…ર્માં !  તૂં અમોને સદબુદ્ધિ આપ…અમને સંઘબળ આ૫ ! અમારા સંધબળ આડે અમારી અહંકાર આવે છે..અમારી પાડાવૃત્તિ આવે છે…અમારો દ્વેષ આવે છે તેને તૂં ખાઇ જા !!

  

આ દિવસોમાં એકત્રિત થઇ ર્માં નું સ્તવન ગાઇશું…તેમને પ્રાર્થના કરી માંગીશું કે……

 
યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા,
નમસ્તસ્તૈ નમસ્તસ્તૈ નમસ્તસ્તૈ નમો નમઃ !
 

ર્માં ! અમારી બુદ્ધિ કુંઠિત થઇ ગઇ છે,અમે સદ અસદનો વિવેક ભૂલ્યા છીએ.અમોને બુદ્ધિ શક્તિ આપો.

 
યા દેવી સર્વભૂતેષુ શ્રદ્ધારૂપેણ સંસ્થિતા,
નમસ્તસ્તૈ નમસ્તસ્તૈ નમસ્તસ્તૈ નમો નમઃ !
 

ર્માં ! અમે શ્રદ્ધાહીન થયા છીએ.શ્રદ્ધાનું પાથેય બુદ્ધિની ચાપલૂસીમાં ખલાસ કર્યું છે.અમોને કોઇ૫ણમાં શ્રદ્ધા નથી.અમારી જાતમાં ૫ણ શ્રદ્ધા નથી.શ્રદ્ધારૂપિણી ર્માં ! અમોને શ્રદ્ધાનું પાથેય આપો..

યા દેવી સર્વભૂતેષુ શ્રદ્ધારૂપેણ સંસ્થિતા,
નમસ્તસ્તૈ નમસ્તસ્તૈ નમસ્તસ્તૈ નમો નમઃ !
 

ર્માં ! અમો શક્તિહીન થયા છીએ.  અમર્યાદીત ભોગો ભોગવીને અમો ગલિતવિર્ય થયા છીએ.  ર્માં! તમો શક્તિ આપો ! બળ આપો ! તમો શક્તિ આપશો તો જ આ આસુરી વૃત્તિનો ૫રાભવ કરી શકાશે..

 

નવરાત્રીમાં શરૂ થતી ર્મા જગદંબાની ઉપાસના આ નવ દિવસ પુરતી સિમિત ના રહે ધ્યાનમાં રાખવાની જરૂર છે.  ર્માં જગદંબાની આસપાસ ફરતાં ફરતાં સાચા ભાવથી પાર્થના કરવાની છે કે હે ર્માં !  હું તમારૂં કામ કરીશ તમો મને શક્તિ આપો !!

 

નવરાત્રિના દિવસો એટલે શક્તિ ઉપાસનાના દિવસો, ર્માંની પૂજાના દિવસો.. ખાવો.. પીવો અને મઝા માણો- એવી આસુરી વિચારશ્રેણી ૫ર વિજય મેળવવાના દિવસો.. સંધ શક્તિનું મહત્વ અને એકતાનો સંદેશ સુણાવતા દિવસો !  આ દિવસોમાં વહેતો રહેલો સાધનાનો સૂરv ૫કડી લઇએ અને જીવનને સમર્પણના સંગીતથી ભરી દઇએ….!

 

 

 

આવો મા ની આરતી અને સ્તુતિનો આનંદ માણીએ…..!!

 

 
mataji.1
 

 

 

જય આદ્યા શક્‍તિ મા જય આદ્યા શક્‍તિ,
અખંડ બ્રહ્માંડ દીપાવ્‍યા (૨) પડવે પ્રકટ્યા મા, ૐ જયો જયો મા જગદંબે …

 

દ્વિતિયા બેય સ્‍વરૂપ શિવ શક્‍તિ જાણું મા શિવ (૨)
બ્રહ્મા ગણપતિ ગાઉ (૨) હર ગાવું હરમા, ૐ જયો જયો મા જગદંબે …

 

તૃતીયા ત્રણસ્‍વરૂપ ત્રિભુવનમાં બેઠા મા,ત્રિભુવન (૨)
ત્રયા થકી તરવેણી (૨) તું તરવેણી મા, ૐ જયો જયો મા જગદંબે …

 

ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્‍યાપ્‍યાં, મા (૨)
ચાર ભુજા ચૌદિશા (૨) પ્રગટયાં દક્ષિણમાં, ૐ જયો જયો મા જગદંબે …

 

પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા, મા પંચમી (૨)
પંચ તત્‍વ ત્‍યાં સોહિયે (૨) પંચે તત્‍વોમાં, ૐ જયો જયો મા જગદંબે …

 

ષષ્ઠિ તું નારાયણી મહિસાસુર માર્યો મા મહિસાસુર (૨)
નર નારી ના રૂપે (૨) વ્‍યાપ્‍યાં સર્વેમા, ૐ જયો જયો મા જગદંબે …

 

સપ્તમી સપ્ત પાતાળ સંધ્‍યા સાવિત્રી માં સંધ્‍યા (૨)
ગૌ ગંગા ગાયત્રી (૨) ગૌરી ગીતા મા, ૐ જયો જયો મા જગદંબે …

 

અષ્ટમી અષ્ટભુજા આવી આનંદા મા (૨)
સુનીવર મુનીવર જનમ્‍યા (૨) દેવ દૈત્‍યો મા, ૐ જયો જયો મા જગદંબે …

 

નવમી નવકુળ નાગ સૈવે નવદુર્ગા મા સેવે (૨)
નવરાત્રીના પૂજન, શિવરાત્રીનાં અર્ચન,કીધાં હર બ્રહ્મા, ૐ જયો જયો મા જગદંબે …

 

દશમી દશ અવતાર જય વિજયા દશમી, મા જય (૨)
રામે રામ રમાડયા, (૨) રાવણ રોળ્યો મા, ૐ જયો જયો મા જગદંબે …

 

એકાદશી અગિયારસ કાત્‍યાયની કામા મા કાત્‍યાયની (૨)
કામદુર્ગા કાળીકા (૨) શ્‍યામાને રામા, ૐ જયો જયો મા જગદંબે …

 

બારસે બાળારૂપ બહુચરી અંબા મા બહુચરી (૨)
બટુક ભૈરવ સોહીએ કાળ ભૈરવ સોહીએ, ત્‍હારા છે તુજ મા, ૐ જયો જયો મા જગદંબે …

 

તેરશે તુળજા રૂપ તમે તારૂણી માતા, મા તમે (૨)
બ્રહમા વિષ્‍ણુ સદાશિવ (૨) ગુણતારા ગાતા ૐ જયો જયો મા જગદંબે …

 

ચૌદશે ચૌદ સ્‍વરૂપ, ચંડી ચામુંડા મા ચંડી (૨)
ભાવ ભક્‍તિ કાંઈ આપો, ચતુરાઈ કાંઈ આપો, સિંહ વાહિની માતા, ૐ જયો જયો મા જગદંબે …

 

પુનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા મા સાંભળજો (૨)
વસિષ્ઠ દેવે વખાણ્‍યાં મારકણ્ડ મુનિએ વખાણ્‍યાં, ગાઈ શુભ કવિતા, ૐ જયો જયો મા જગદંબે …

 

સવંત સોળસત્તાવન સોળસે બાવીસ મા (૨)
સંવત સોળે પ્રગટ્યાં(૨) રેવાને તીરે, માં ગંગાને તીરે, ૐ જયો જયો મા જગદંબે …

 

ત્રાંબાવટી નગરી આઈ રૂપાવટી નગરી માં મંછાવટી નગરી
સોળ સહસ્ત્ર ત્‍યાં સોહીએ (૨) ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી, ૐ જયો જયો મા જગદંબે …

 

શિવ શક્‍તિની આરતી જે કોઈ ગાશે મા જે ભાવે ગાશે
ભણે શિવાનંદ સ્‍વામી (૨) સુખ સંપત્તિ થાશે
હર કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશે, ૐ જયો જયો મા જગદંબે …

 

ભાવ ન જાણુ ભક્‍તિ ન જાણું નવ જાણું સેવા મા નવ (૨)
વલ્લભ ભટ્ટ ને રાખ્યા (૨) ચરણે સુખ દેવા ૐ જયો જયો મા જગદંબે …

 

એકમ એક સ્‍વરૂપ અંતર નવધરશો માં અંતર (૨)
ભોળા ભવાની ને ભજતાં (૨)ભવ સાગર તરશો, ૐ જયો જયો મા જગદંબે …

 

માનો મંડપ લાલ ગુલાલ શોભા બહુસારી મા શોભા (૨)
અબીલ ઉડે આનંદે, ગુલાલ ઉડે આનંદે, જય બહુચરવાળી, ૐ જયો જયો મા જગદંબે …

 

 

 

માતાજી સ્તુતિ …

 

 

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યાધારી વદનમાં વસજો વિધાતા,
દુરબુદ્ધિને દુર કરી સદબુદ્ધિ આપો, મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો … ૧

 

ભૂલો પડી ભવરણે ભટકું ભવાની, સૂઝે નહીં લગીર કોઇ દિશા જવાની,
ભાસે ભયંકર વળી મનમાં ઉતાપો, મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો … ૨

 

આ રંકને ઉગરવા નથી કોઇ આરો, જન્માંધ છું જનની હું ગ્રહી બાળ તારો,
ના શું સુણો ભગવતી શિશુના વિલાપો, મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો … ૩

 

મા કર્મ જન્મ કથની કરતાં વિચારું આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઇ મારું,
કોને કહું કઠણ યોગ તણો બળાપો, મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો … ૪

 

હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો, આડંબરે અતિ ઘણો મદથી બકેલો,
દોષો થકી દુષિતના કરી માફ પાપો, મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો … ૫

 

ના શાસ્ત્રના શ્રવણનું પયપાન પીધું, ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઇ કીધું,
શ્રધ્ધા થકી નથી કર્યા તવ નામ જાપો, મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો … ૬

 

રે રે ભવાની બહુ ભુલ થઇ છે મારી, આ જિંદગી થઇ મને અતિસે અકારી,
દોષો પ્રજાળી સઘળા તવ નામ છાપો, મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો … ૭

 

ખાલી ન કોઇ સ્થળ છે વિણ આપ ધારો, બ્રહ્માંડમાં અણુ અણુ મહીં વાસ તારો,
શક્તિ ન માપ ગણવા અગણિત માપો, મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો … ૮

 

પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો, ખોટો ખરો ભગવતી પણ હું તમારો,
જાડયાંધકાર દૂર કરી સદ્ બુદ્ધિ આપો, મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો … ૯

 

શીખે સુણે રસીક છંદ જ એકચિત્તે, તેના થકી ત્રિવિધ તાપ ટળે ખચિતે,
વાઘે વિશેષ વળી અંબા તણા પ્રતાપો, મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો … ૧૦

 

શ્રી સદગુરુ શરણમાં રહીને ભજુ છું, રાત્રી દિને ભગવતી તુજને ભજું છું,
સદ્ ભક્ત સેવક તણા પરિતાપ ચાંપો, મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો … ૧૧

 

અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાની, ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃડાણી,
સંસારનાં સકળ રોગ સમુળ કાપો, મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો … ૧૨

 

તારા સિવાય જગમાં નથી કોઇ મારું, સાચા સગા ભગવતી મે બહુ વિચાર્યું,
ભુલું કદાચ ભવ પાસ તણા પ્રસંગે, માગું ક્ષમા ભગવતી આ પ્રસંગે … ૧૩

 

 

 

 

 

Vinod Machhi photoસંકલનઃ
શ્રી વિનોદભાઇ મંગળભાઇ માછી (નિરંકારી)
મું.પોસ્ટઃ નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ,
ફોનઃ ૦૯૭૨૬૧૬૬૦૭૫ (મો)
E-mail: [email protected]

 

 

બ્લોગ લીંક: http://das.desais.net
email : [email protected]
 

 
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલવા બદલ અમો શ્રી વિનોદભાઈ માછી (નિરંકારી) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.
 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli