બધુંય બદલાયું પણ રૂમાલનો રૂઆબ આજેય એકબંધ …

બધુંય બદલાયું પણ રૂમાલનો રૂઆબ આજેય એકબંધ  …

 

 
hanky.3
 

 

દોઢ વેંતનો કાપડનો ટુકડો છતાં હાથવગો ન હોય તો કેટલી અગવડતા ? …

 

ટુવાલ કે નેપકીનનું નાનુ વર્ઝન એવા રૂમાલના અનેક ઉપયોગ !

 

 
hanky.2
 

 

ગુજરાતીમાં હાથ રૂમાલ અને અંગ્રેજીમાં જેને હેન્ડ કર્ચીફ કહેવામાં આવે છે તે દોઢ વેંતનો કાપડનો ટુકડો કદમાં ભલે નાનો ગણાય છતાં તેની મહ્ત્વતા ઘણી મોટી છે.  ગમે ત્યાં ગયા હોય અને જો હાથમાં કે ખિસ્સામાં રૂમાલ લેતા ભુલાય જાય તો કેટલી બધી અગવડતા લાગે !

 

રૂમાલ ખાલી હાથ મોં લુછવામાં જ વપરાતો હોય તેવું નથી.  એના અન્ય ઘણાય ઉપયોગ પણ છે.  જેમ કે કોઈ સ્ટાઈલ મારવા ખખ્ભે રાખે છે તો કોઈ ડોકમાં બાંધે છે.  કોઈ માથા ઉપર બાંધે છે.  લગ્ન સમયે વર કન્યાના હાથે મીંઢોળ બંધાય પચી તેને ઢાંકવા પણ રૂમાલનો ઉપયોગ થતો હોય છે.  ભગવાનને થાળ ધરાવવામાં આવે ત્યારે તેને પણ રૂમાલથી ઢાંકવામાં આવે છે.

 

સમય બદલાતા બધું જ બદલાય છે.  ઘણી વસ્તુઓમાં પરીવર્તન  આવ તું જાય છે.  ધોતીયાના સ્થાને ઝીન્સ ના પેન્ટ આવી ગયા, પરંતુ રૂમાલમાં હજુ કોઈ ફેરફાર આવ્યો નથી.  રૂમાલ એની એજ પેટનમાં આજેય અકબંધ છે.

 

પુરૂષો અને મહિલાઓ  માટેના  રૂમાલ અલગ હોય છે.  પુરૂષો માટે થોડી મોટી સાઈઝના રૂમાલ આવે છે જે મોટે ભાગે ખીસ્સામાં રાખવામાં આવે છે.  જ્યારે સ્ત્રીઓ માટેના રૂમાલ થોડી નાની સાઈઝના હોય છે.  જે માટે ભાગે હાથમાં કે પર્સમાં રાખવામાં આવે છે.

 

ટુવાલ કે નેપકીનનું નાનુ વર્ઝન એવા આ રૂમાલ મોહક રંગોમાં મળતા હોય છે.  કોઈ વળી પ્લેન સાદા રૂમાલ વાપરતાં હોય છે, કોઈ ચેક્સનો આગ્રહ રાખતા હોય છે.

 

અગાઉના સમયે ભારત ભરેલા રૂમાલ આવતા.  સૌરાષ્ટ્રના તરણેતરના મેળા સમયે આવા ભરત ભરેલા અને આભલા મોતી ઢાંકેલા સુશોભિત રૂમાલ આજે પણ જોવા મળે છે.  રૂમાલ વડે છત્રી શણગારવાની પ્રથા આજે પણ જળવાતી આવી છે.

 

આમ તો શિયાળામાં મહિલાઓ કાન અને માથું ઢાંકવા પણ મોટી સાઈઝના રૂમાલ વાપરે છે જે સ્કાર્ફ તરીકે ઓળખાય છે.  આવા રૂમાલ સુતરાવ કે ગરમ કાપડમાંથી બનેલા હોય છે.

 

ધર્મમાં પણ રૂમાલને સ્થાન છે.  શીખ અને મુસ્લિમ જેવાં ધર્મોમાં તેમના ગુરૂદ્વારા કે મસ્જીદ જેવી પવિત્ર જગ્યાએ જવા માટે રૂમાલ માઠા ઉપર ઢાંકવાની પ્રથા હોય છે.  કવ્વાલી હોય કે પંજાબના ભાંગડા પણ હાથમાં રૂમાલ ન હોય તો જમાવત આવે ખરી ?

 

તો વળી સ્કાઉટમાં ગણવેશના ભાગરૂપે ડોકમાં રૂમાલ બાંધવામાં આવતો હોય છે.

 

પ્રેમીઓ માટે પણ રૂમાલનું મહત્વ ઘણું હોય છે.  પરસ્પર રૂમાલની લેવડ દેવડથી પ્રણય આગળ વધતો હોય છે.  પ્રેમના પ્રતીક રૂપે અપાયેલા આવા રૂમાલમાં ખુશ્બુદાર અતર- સ્પ્રેનો છંટકાવ કરી કે ગુલાબ પાંખડીઓ મૂકી સાચવી રખાતો હોય છે.

 

ગુજરાતી પરિવારોમાં નવ વિવાહિત પરણીતા સાસરે જાય ત્યારે નણંદ અને દેરને રૂમાલની ભેટ આપવાની પ્રથા આજેય જળવાતી આવી છે.

 

રમતગમતમાં પણ હાથ રૂમાલ એટલો જ ઉપયોગી છે.  આંખે રૂમાલ બાંધી રમત રમવામાં આવતી તેમજ અંતાક્ષરી કે અન્ય રમતોમાં જેમનો દાવ હોય તેમની સામે રૂમાલ મૂકવામાં આવતો હોય છે.  તો વળી કેટલીક રમતોનો પ્રારંભ કરવા ફલેગની માફક ફરકાવવા રૂમાલનો ઉપયોગ થતો હોય છે.

 

અમદાવાદ તરફના વિસ્તારોમાં ટુવાલને રૂમાલ તરીકે ઓળખવામાં આવે છે.  જો કે ટુવાલ – નેપકીન અને રૂમાલ ત્રણેય અલગ વસ્તુ છે.  ટુવાલ નાહીને આખા શરીર લુછવામાં ઉપયોગ થાય છે.  જ્યારે ફક્ત હાથ મોં લુછવા નેપકીન કે રૂમાલનો ઉપયોગ થાય છે.  નેપકીન એ રૂમાલનું થોડું મોટું સ્વરૂપ છે.

 

રૂમાલનો ઇતિહાસ ફંફોળવા જઈએ તો વિશ્વનો પ્રથમ રૂમાલ કિંગ હેંનરી સેક્ન્સ (ફ્રાન્સ) દ્વારા ઉપયોગમાં લેવાયો હતો.  જે વાદળી રંગોનો શણમાંથી બનાવવામાં આવેલો.  જેને કિંગ હેંનરી ના કોટ ઉપર લેડી બ્રોચ વડે સીલ કરવામાં આવેલો.  લુવ્રે મ્યુઝિયમમાં આ રૂમાલને કાચની પેટીમાં આજે પણ રાખવામાં આવેલો છે.

 

બીજી માન્યતા મુજબ હેન્કી (રૂમાલ) ની શરૂઆત એક ઇટાલિયન લેડી દ્વારા થયેલ.  ત્રીજી માન્યતા બ્રિટનમાં લઇ જાય છે.  જો કે યુરોપિયન ઈતિહાસકારોનું માનવું છે કે આ રૂમાલ ફ્રાંસનો નહીં બલ્કે બ્રિટનનો છે, કેમ કે રૂમાલમાં જે નિશાનીઓ જોવા મળેલ તે બ્રિટનના રાજ દરબારીઓ સાથે મેળ ખાતી હતી.  કિંગ હેંનરી બાદ ફ્રાન્સમાં કોટ ઉપર રૂમાલ રાખવાની ફેશન દરબારીઓમાં શરૂ થઇ, જે ૧૮૫૦ સુધી ચાલી.

 

તો આવી છે રૂમાલની કહાણી !  લાગે ભલે દોઢ વેંતનો કાપડનો ટુકડો, પણ મુલવવા જઈએ તો અણમોલ બની રહે છે આ રૂમાલ.

 

 

રૂમાલ ઉપરથી વ્યક્તિત્વ પરખાય …

 

 

 
hanky.1
 

 

મનોવિજ્ઞાનના દ્રષ્ટિકોણથી અભ્યાસ કરવામાં આવે તો રૂમાલ વ્યક્તિત્વની ઓળખ આપી જાય છે.  ગંદો અને કરચલીવાળો વેરવિખેર રૂમાલ લઘરવઘર વ્યક્તિત્વ છતું કરી આપે છે.

 

જ્યારે સાફ સુથરા અને સુગંધી ખુશ્બુદાર રૂમાલ રાખનાર માણસ વ્યવસ્થિત હોવાનો ખ્યાલ આવી જાય છે.  એટીકેટમાં ફરનારાઓ રૂમાલને વ્યવસ્થિત ગડીવાળીને સાચવતા હોય છે.  અવ્યવસ્થિત લોકો ડુચ્ચાની જેમ રૂમાલ ખીસ્સામાં ખોસીને ફરતા હોય છે.  રૂમાલ સીધો જ મોં ના સંપર્કમાં આવતો હોય આરોગ્ય ઉપર પણ તેની અસર થતી હોય છે.  જેથી રૂમાલ હંમેશા સાફસુથરો અને વ્યવસ્થિત રહે તેની કાળજી રાખવી જરૂરી બની રહે છે.

 

 

ફિલ્મો અને ગીતોમાં રૂમાલનું સ્થાન …

 

 

રૂમાલ ફિલ્મો અને ગીતોમાં પણ છવાયેલો હોય છે.  હિન્દી ફિલ્મોમાં ‘રેશમી રૂમાલ’, ‘કાલી ટોપી લાલ રૂમાલ’,  જેવાં ટાઈટલ છે તો ગુજરાતી ફિલ્મોમાં ‘પ્રેમનો રૂમાલ’, ‘લીલો રૂમાલ’ જેવાં ટાઈટલ છે.  અનેક ગીતોમાં પણ રૂમાલને સ્થાન મળ્યું છે.  એક ગુજરાતી ગીત ‘મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જાજો…’  તો એક હિન્દી ગીત ‘હથો મેં આ ગયા જો કલ રૂમાં આપ કા …’  ખુબ જાણીતું ગીત છે.

 

 

સંકલિત ;  મિતેષ આહિર… (અકિલારાજકોટ) …

 

 

mitesh ahir    મિતેષ આહિર…  (રાજકોટ)

શ્રી મિતેષભાઈ પત્રકારિત્વ ના વ્યવસાય સાથે અકિલા સાંધ્ય દૈનિક (રાજકોટ) સાથે જોડાયેલા છે.  તેઓના અનેક લેખ ખૂબજ સુંદર અને માણવા જેવાં છે, જે આજસુધીમાં અનેક પ્રકાશન દ્વારા પબ્લીશ કરવામાં આવેલ છે.  હવે પછીથી તેઓના લેખ સમયાંતરે આપ સર્વે પણ અહીં માણી શકશો.  

 ‘દાદીમા ની પોટલી’ પર આજની પોસ્ટ મોકલી પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો શ્રી મિતેષ આહિર… (રાજકોટ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : [email protected]

 

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

;