મોડા ભેગું મોડું …

મોડા ભેગું મોડું …

 

 

 

 late

 

 

 

૧. ચાલો ને હવે,બહુ મોડું થયું…

હશે, બીજું તો કંઈ નથી થયું ને ! મોડા ભેગું મોડું.

 

૨. ચાલો ને, આપણે દસ વાગે ત્યાં પહોચવાનું હતું, દસ તો અહી જ થયા.

એવું થયા કરે, મોડા ભેગું મોડું.

 

૩. થોડી ઉતાવળ કરો, પ્રસંગ પતી જશે ત્યારે પહોચશું ?

એમ પ્રસંગ ના પતે, ત્યાં પણ મોડું જ થવાનું. મોડા ભેગું મોડું.

 

૪. ઘડિયાળ સામે તો જુઓ, કામ ક્યારે પતશે !

ઘડિયાળ સમય બતાવ્યા કરે એટલે આપણે તેના કાંટા  હારે દોડવાનું !   આમએય મોડું થયું જ છે ને,  તો મોડા ભેગું મોડું.

 

બોલો, આ શબ્દ પ્રયોગનું શું કરવું !  અરે !  સમય સર ની વાત તો એક બાજુ રહી, ઉતાવળ કરવાની વાત નહિ, મોડામાં મોડું વધારો કરવાની વાત ! કેવી માનસિકતા !

 

આવા લોકોનો તોટો નથી. Indian standard time  જેવો  શબ્દ પ્રયોગ ભારતીય લોકોની સમયપાલન પ્રત્યેની ઉદાસીનતા અને અવગણનમાંથી જન્મ્યો છે.  નિશ્ચિત સ્થાને નિશ્ચિત સમયે ના પહોચીને, Indian standard time પ્રમાણે હાજર છીએ તેમ કહી ગર્વ વ્યક્ત કરે છે કે પોતાની જાતને છેતરે છે તેજ સમજાતું નથી.

 

પણ બસ, ટ્રેન કે પ્લેનમાં મુસાફરી માટે ફરજીયાતપણે સમય સાચવવો પડે. હા, નોકરી ધંધામાં પણ સમયસર કામ થવું જોઈએ.  ત્યાં મોડા ભેગું મોડું ના ચાલે. છતા સરકારી તંત્રમાં આ વૃત્તિ ઉઘડે છોગ દેખાય આવે.

 

આવો બીજો એક શબ્દ પ્રયોગ “પહેલા આવું નહોતું ” …

 

આના બે અર્થઘટન થઇ શકે: એક, આજના  કરતા વધારે સારું હતું. બે, પહેલા આજના જેવું સારું ના હતું. મોટે ભાગે લોકોને પહેલો અર્થ જ અભિપ્રેત હાય છે તેમ અનુભવે સમજાયું છે. જયારે L.P.Gas રસોઈમાટે વપરાશમાં આવ્યો ત્યારે હું બહુ જ નાની હતી. મને યાદ છે કે લોકો કહેતા “સગડી પર થતી રસોઈ જેવી મીઠાશ ગેસ પર થતી રસોઈમાં નથી “ લાકડા સળગાવીને થતી રસોઈનો જમાનો તો મેં જોયો નથી, પણ તે સમયે ગામડેથી આવતા મહેમાનો કહેતા કે કોલસાની સગડી પર થતી રસોઈમાં પહેલા જેવી સુગંધ નથી.

 

રોજીંદા વપરાશ માટે stainless steel ના જમવાના વાસણોની પણ આજ કથા છે. પણ શરૂઆતમાં “લોઢાંનાં વાસણ” અને કાચા વાસણને  ” ઠીકરાના વાસણ “ જેવા નામ આપવામાં આવ્યા હતા.તેમાં ખાવા પીવા થી રોગ થાય તેવી વાતો થતી, લેખો છાપામાં આવતાં.  ત્રાંબા, પિત્તળ અને કાંસાના વાસણોની સર્વોપરિતા ના ગુણગાન ગવાતા, આજે પણ આ સૂર થોડો થોડો સંભળાય છે.

 

મારી શાળામાં ૧૯૮૪ માં પહેલીવાર કોમ્પુટર આવ્યા ત્યારે શિક્ષક્ગણમાં તેના વપરાશ માટે થોડો વિરોધ થયો.

 

માત્ર એટલા માટે કે “પહેલા હાથેથી જે લખતા તેવું સ્વચ્છ અને મરોડદાર અક્ષરોવાળું લખાણ કોઈ પણ કાગળ પર ઉતરતું નથી. માટે અમે જાતે જ બધું લખીશું.”  આજે પરિસ્થિતિ એ છે કે કોમ્પુટર શીખ્યા ન હોવાથી કોઈની મદદ લેવી પડે છે.

 

પણ સાથે સાથે ” હાથના લખાણની, પહેલાની વાત જ અલગ  ” એમ કહ્યા વગર રહી શકતા નથી.  “ હવે ભણતર પહેલા જેવું નથી રહ્યું…”

 

” શાળા કોલેજમાં શિક્ષકો પહેલા જેવા ક્યાં છે ?”

 

” સંતાનો પહેલા મા- બાપ સામે બોલી ના શકતા..અને આજે…”

 

” પહેલા જેવું ક્યાં રહ્યું છે..કોઈને ચાલવું નથી, સ્કૂટર વગર પગ નથી માંડવો “

 

આ યાદી અનંત છે.   હદ તો ત્યરે થાય છે જયારે ત્રિસ પાત્રીસનો યુવા વર્ગ પણ “અમે ભણતા ત્યારે આવું નહોતું “ એમ ફરિયાદના સૂરમાં કહે ત્યારે થાય છે.

 

જગત પરિવર્તનશીલ છે.  જ્ઞાન – વિજ્ઞાનના વિકાસ સાથે તે વિકસતું રહ્યું છે.  અવનવી શોધો સાથે, તેના ઉપયોગથી માનવજીવનની સુખ સગવડમાં વૃદ્ધિ થઇ છે.  વીજળી, તેનાથી ચાલતા વિવિધ ઉપકરણોથી સમય અને શક્તિનો બચાવ અને સદુપયોગ શક્ય બન્યો છે, ખાસ કરીને સ્ત્રીવર્ગ માટે.  કુટુંબ નિયોજનના સાધનોથી, મારી દૃષ્ટિએ તો મહિલાઓ માટે તો સુવર્ણયુગ આવ્યો છે.  પહેલાના સમયમાં સ્ત્રીની આંગળીએ એક બાળક, કેડે બીજું અને પેટમાં ત્રીજું.  સાથે હાથેથી શ્રમપૂર્વક કરવાના ઘરકામ.  આજે આવું નથી..

 

સંયુક્ત કુટુંબો તૂટી રહ્યા છે એ વાત સાચી, પણ તેના જેટલા ગુણગાન ગવાય છે તે ” પહેલા જેવું નથી ” ના ભાગરૂપે વધારે છે. સંયુક્ત કુટુંબમાં  પ્રેમ, સ્નેહ, હૂફ, સહકાર, ની સાથે ઝઘડા, કંકાસ, પક્ષપાત પણ એટલાજ થતા.

 

વધુ કમાનાર પુરુષોનું અને સ્ત્રીઓનું શોષણ થતું.

 

આપણે સતયુગ અને બીજા યુગો વિષે વાચ્યું છે, સાંભળ્યું છે અને કળીયુગમાં જીવી રહ્યા છીએ.  એ કહેવાતા રામરાજ્યમાં પ્રથમ રામને અને પછી સીતાને અન્યાય નહોતો થયો ?

 

દેવો તપસ્વીઓના તપોભંગ માટે અપ્સરાનો ઉપયોગ ના કરતા ?

 

મહાભારત તો ઈચ્છા, આકાંક્ષા, લોભ, મદ, મોહ અને સમાજમાં પ્રવર્તતા દુષણોની કથા છે. ધર્મ માટે કૃષ્ણે શું કપટ નથી કરવું પડતું ?

 

પહેલા હતું તે આજે પણ છે પણ આજે છે તે પહેલા નહોતું.

 

આપણે સારા સમયમાં જીવી રહ્યા છીએ એ સમજણ કેળવતા ” મોડા ભેગું મોડું ”  થઇ જાય એ પહેલા જરા આત્મ નીર્રીક્ષણ, સામાજિક નિરીક્ષણ કરી લઈએ તો સારું તેમ નથી લાગતું ?

 

 
– દર્શના ભટ્ટ.
 

 
આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો સુશ્રી દર્શનાબેન ભટ્ટ (યુએસએ) નાં અંતરપૂર્વકથી આભારી છીએ.
 

 

 લેખિકાનો પરિચય : 

 
દર્શના ભટ્ટ … 
darshna bhatt

વતન ભાવનગર. અર્થશાસ્ત્ર સાથે એમ.એ તથા ઈંગ્લીશ,ગુજરાતી સાથે બી.એડ કર્યું.  ભાવનગરની અંગ્રેજી માધ્યમની “ફાતિમા કોન્વેન્ટ હાઇસ્કુલ ” માં એકત્રીસ વર્ષ સુધી વિદ્યાર્થીઓને સંસ્કૃત અને ગુજરાતી શીખવતા હું જ તેમની પાસેથી ઘણું શીખી.   નિવૃત્તિ પછી પ્રવૃત્ત રહેવા માટે પડોશી સંસ્થા સ્વામી નારાયણ ગુરુકુળમાં ઉચ્ચતર માધ્યમિકમાં સંચાલન કાર્ય સંભાળ્યું.

 

બંને પુત્રો નોર્થ અમેરિકામાં સ્થાયી થતાં, અગિયાર વર્ષની આવન જાવનથી ત્રાસ પામી, છેવટે એન.આર.આઈ બનવું પડ્યું. મને ઓળખાતા મારા વિદ્યાર્થી મિત્રો અને અન્ય મિત્રો મને જયારે પૂછે કે ત્યાં શું પ્રવૃત્તિ કરો છો ત્યારે “ઘરમાં શાંતિ થી રહેતા શીખું છું” એવા મારા જવાબને સાચો માનતા નથી. 

લેખન, વાચન, ગીત, સંગીત, આકાશ દર્શન, ઈતિહાસ અને રાજકારણ મારા રસના વિષયો છે. 

અત્યારે ફીલાડેલ્ફીયામાં પુત્ર, પુત્રવધુ અને તેમની બે પુત્રીઓ સાથે આનંદથી સમય વિતાવું છું.

 

 
બ્લોગ લીંક:  http://das.desais.net
email : [email protected]
 

 
બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli